પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર
(3)
દેવાર્ય એકલા ઊભા હતા શૂલપાણિની સામે . શૂલપાણિ ગુસ્સામાં હતો . પૂજારીએ દેવાર્યને ટેકરી છોડવાનું કહ્યું એ વખતે દેવાર્ય કાઉસગ્ગ છોડીને ચાલવા માંડશે એવું શૂલપાણિને લાગ્યું હતું . દેવાર્ય હલ્યા નહીં તે જોઈને શૂલપાણિને ખોટું લાગ્યું હતું . એણે દેવાર્યને બોધપાઠ ભણાવવાનું નક્કી કર્યું . અંધારું થતાવેંત શૂલપાણિએ હેવાનિયત દેખાડવાનું શરૂ કર્યું .
દેવાર્યને એકદમથી જ , ઘનઘોર અટ્ટહાસ્ય સંભળાયું . દોઢસો મણનો તગડો શ્વાન જોરજોરથી ભસતો હોય એવો ભયાનક ઘુરઘુરાટ હતો . ગળું ફાડીફાડીને પિશાચ ચિલ્લાઈ રહ્યો હતો . કાનના પડદા ચીરી દે , છાતીના ધબકારા અટકાવી દે એવો રૌદ્રનાદ . ધરતીનું પડ ફાટી રહ્યું હોય એવો જ અહેસાસ થાય . જોકે , દેવાર્ય પર ઘટના તત્ત્વની અસર જ થતી નહોતી . ડાકલા વાગતા વાગતા અટકી પડે એ રીતે ભૂતિયા પડઘા શમી ગયા .
અને તરત હાથી આવી પડ્યો . તોતિંગ કિલ્લા જેવું શરીર હતું , પથ્થરના થાંભલા જેવા પગ હતા . રાક્ષસી અજગર જેવી જાડી એની સૂંઢ હતી . હાથીએ દેવાર્યને હડસેલો માર્યો હતો , સૂંઢની ભીંસમાં લીધા હતા . દેવાર્ય જીવતા ન બચે એવો હાથીનો દાવ હતો . હાથીને નિષ્ફળતા મળી . હાથી પાછો ફર્યો .
અને પછી એક પિશાચ પ્રગટી નીકળ્યો હતો . એ ભારે ડરામણો હતો . કાળોમસ ચહેરો . લાંબા તીક્ષ્ણ દાંત . આગભરી આંખો . ક્રૂરાતિક્રૂર દેખાવ . દેવાર્યને એ સહેજ પણ ડરાવી ન શક્યો . એ જતો જ રહ્યો , હારીને .
અને એક મોટો સાપ આવી ચડ્યો . એના ફૂત્કારમાં આગના લબકારા હતા , વંટોળિયાનો વેગ હતો , ઝેરીલો ધોધ હતો . સાપે ઉગ્ર ડંખ દીધા , દેવાર્યના ગળે આંટી ભીંસીને એમના શ્વાસ રોક્યા , લાંબી પૂંછડીથી ચાબુક જેવા ફટકા માર્યા . દેવાર્ય ટસના મસ ન થયા . સાપ નિષ્ફળ નીવડ્યો . એ અલોપ થઈ ગયો .
અટ્ટહાસ્ય , હાથી , પિશાચ અને સાપના અવાજ સૂમસામ રાતે ગામનાં ઘરોમાં પહોંચ્યા હતા . દેવાર્ય અવિચલ રહ્યા હતા .
છેવટે દેવાર્યના દેહમાં પીડા જાગી હતી . દેવાર્ય નિશ્ચલ હતા . પણ આ પીડામાં નિશ્ચલ રહેવું આસાન નહોતું . શરીરમાં સાત જગ્યાએ શૂલપાણિએ શૂળ ભોંકી હતી . મસ્તકમાં . આંખમાં . કાનમાં . નાકમાં . દાંતમાં . હાથપગના નખોમાં . પૂંઠમાં . શૂલપાણિને આ શું સૂઝ્યું હતું ? દેવાર્યે એનું શું બગાડ્યું હતું ? આ એકતરફો દ્વેષ હતો . દેવાર્ય ચલિત નહોતા થઈ રહ્યા એ દેવાર્યની સમતા હતી પણ શૂલપાણિને એ સમતા સમજાઈ જ નહીં . શૂળની પીડા અત્યંત તીક્ષ્ણ હતી . દેવાર્યની જગ્યા બીજું કોઈ હોત તો એના પ્રાણ નીકળી જાત . પણ દેવાર્ય એકમેવાદ્વિતીય હતા . એમના ચહેરા ફૂલ જેવું સ્મિત રમતું જ રહ્યું .
શૂલપાણિના હથિયાર ખૂટી પડ્યા . એ થાકીને અવાચક થઈ ગયો . દેવાર્યનું દેહબળ અને મનોબળ આવું પ્રચંડ હશે એવી એને કલ્પનાય નહોતી . એને લાગ્યું કે પોતે ઘણીમોટી ભૂલ કરી છે . જેનામાં આવું સહન કરવાની શક્તિ હોય તે આક્રમણ કરે તો કેવું કરે ? શૂલપાણિએ વિચાર્યું . એ દેવાર્યના પગમાં પડ્યો . (ક્રમશઃ)
નવસારીમાં એક અદ્ભુત પ્રભુભક્તિ થઈ .
માગસર વદ ચોથ . ત્રણ જાન્યુઆરી , બે હજાર એકવીસ .
જે રીતે નવાણુંના આરાધકો સિદ્ધગિરિનાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુનાં જિનાલયને એક વાર , એકીસાથે ૧૦૮ પ્રદક્ષિણા આપે છે . તે રીતે , નવસારીના અનેક અનેક પ્રભુભક્તોએ સાથે મળીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનાં જિનાલયને અખંડ ૧૦૮ પ્રદક્ષિણા આપી . ૧૦૮ પ્રદક્ષિણા આપવામાં આશરે સાત કિલોમીટર જેટલું ચાલવાનું થાય . સૌ ચાલ્યા . કુલ મળીને ૬૮૦૦૦ પ્રદક્ષિણાઓ એક જ દિવસમાં થઈ . પ્રભુમય બન્યા વિના આવો ભગીરથ પુરુષાર્થ થતો નથી . આશરે ૧૦૫૦ ભાવિકો પ્રદક્ષિણામાં જોડાયા . લક્ષ્ય ૧૦૮ પ્રદક્ષિણાઓનું હતું . જેણે જેટલી પ્રદક્ષિણાઓ આપી તેનો કુલ આંક લખવામાં આવ્યો તેમાં આશરે ૬૮૦૦૦નો આંકડો સ્પષ્ટ થયો .
જેણે પ્રદક્ષિણા આપી તે ધન્ય .
જેણે પ્રદક્ષિણાની પ્રેરણા આપી તે ધન્ય .
ખાસ કોઈ રેકોર્ડ બનાવવાની લાલસા હતી નહીં . સાથે મળીને વિશેષ ભક્તિ કરવાના ભાવ હતા . એમાં આ કમાલ થઈ ગઈ .
ગયા વરસના છેલ્લા ત્રણ દિવસ સુરેશભાઈ ચેન્નાઈવાળા સાથે વીત્યા . ખૂબ ભાવુક , સમજદાર અને નમ્ર . જે પ્રમાણે એમને પ્રસિદ્ધિ મળી છે એના મુકાબલે એ એકદમ જ સરળ . ઘમંડનું નામોનિશાન નહીં .
કલ્યાણક તીર્થોની ઘણી વાતો થઈ . આટલી વાતો મુખ્ય રહી .
૧ .
કલ્યાણક તીર્થોનાં પુરાતન અવશેષો બાબતે આપણે સભાન નથી . ક્યાંક સરકારનું પુરાતત્ત્વ ખાતું અમુક અવશેષની જમીન પર અંકુશ રાખે છે જેમ કે રાજગૃહી , ચંદ્રપુરી આદિ . ક્યાંક ખાસ્સાબધા અવશેષો , આસપાસના મોટા શહેરોમાં બનેલા મ્યુઝિયમમાં જમા થઈ ગયા છે .
યાત્રાળુઓને આ પુરાતાત્ત્વિક વસ્તુઓમાં ભાગ્યે જ રસ હોય છે . યાત્રાળુઓ થોડો વખત મંદિરમાં રહે છે બાકી ધર્મશાળા , ભોજનશાળાને મળીને નીકળી જાય છે . એમને પૂજા કરવા મળી એટલે એમની યાત્રા પૂરી થઈ ગઈ . યાત્રાળુઓ પુરાતાત્ત્વિક સાઈટ્સ જોતા થાય અને જૈન અવશેષો માટે મ્યુઝિયમમાં જતાં થાય એવી પ્રેરણા મળવી જોઈએ . ઈતિહાસની અણમોલ નિશાનીઓને જે મળ્યા નથી તે યાત્રાળુઓની યાત્રા અધૂરી કહેવાય .
૨ .
કલ્યાણક તીર્થોએ ત્રણ લોકના જીવોને એકસો વીસ વાર એકસરખું સુખ આપ્યું છે કેમ કે દરેક કલ્યાણકની ઘટના ત્રણ લોકના જીવોને સુખ આપે છે . કલ્યાણક તીર્થોની હવામાં તીર્થંકરોએ શ્વાસ લીધા
છે . કલ્યાણક તીર્થોની ભૂમિ પર તીર્થંકરોનો બાલ્યકાળ , યૌવનકાળ અને રાજ્યકાળ વીત્યો હોય છે .
નવા બનેલાં તીર્થોમાં સુવિધાઓ છે , ઝાકઝમાળ છે , પ્રચારતંત્ર છે . કદાચ , જૂનાં તીર્થોમાં એવી ચમકદમક નથી . આ ફરક છે . યાત્રાળુઓ આધુનિકતાથી અને સુવિધાથી પ્રભાવિત હોય છે . એમને એવું જ લાગે છે કે જ્યાં ઘણી વ્યવસ્થા છે ત્યાં જવાનું , જ્યાં ઓછી વ્યવસ્થા છે ત્યાં નહીં જવાનું . જ્યાં કલ્યાણક થયાં છે ત્યાં જવાથી આત્માને ઘણો મોટો લાભ થાય છે એવો દૃષ્ટિકોણ યાત્રાળુઓમાં ઓછો ઘડાયો છે .
આપણા સંઘના સદસ્યો વારંવાર કલ્યાણકતીર્થની યાત્રાએ જાય એ જરૂરી છે . ચોવીસ તીર્થંકરોના કલ્યાણકો જ્યાં થયાં છે ત્યાં જનારા યાત્રાળુઓની સંખ્યા મોટી છે પરંતુ ચોવીસ તીર્થંકરોનાં કલ્યાણકો જ્યાં થયાં નથી ત્યાં જનારા યાત્રાળુઓની સંખ્યા વધારે મોટી છે , ઘણી મોટી છે . તીર્થંકરોનાં કલ્યાણકની ભૂમિ પર જનારા યાત્રાળુઓની સંખ્યા સૌથી વધારે હોવી જોઈએ .
૩ .
કલ્યાણક ભૂમિઓનાં વાતાવરણ પર ત્રણ પ્રકારે વર્ચસ્વ ફેલાયું હોય . એક , બૌદ્ધ ધર્મનો પ્રચાર અને તામઝામ હોય છે . બે , દિગંબરોનું વધારે પડતું ચલણ હોય છે . ત્રણ , હિંદુ પરંપરાનો વર્ગ કોઈ ને કોઈ રીતે કશોક હસ્તક્ષેપ કરતો જોવા મળે છે . આની સામે મજબૂત રીતે ટકી રહેવાનું છે . કેવી રીતે ટકી રહેવાય એ અંગે ઘણું વિચારી શકાય .
બીજી પણ વાતો થયેલી . ફરી ક્યારેક .
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર
દેવાર્યને જોઈને પૂજારી રાજી થયો હતો . ઈન્દ્રશર્મા એનું નામ . એ સવારે મંદિરમાં આવતો . સાંજ સુધી રહેતો . અંધારું થાય તે પહેલાં એ મંદિરમાંથી બહાર નીકળી જતો , ટેકરી પર પણ રહેતો નહીં . અંધારું શૂલપાણિમાં ઝનૂન ભરતું . એને અંધારામાં કોઈ મંદિરમાં કે ટેકરી પર દેખાય તો બસ , થઈ રહ્યું . એ માણસની મરણચીસો રાતે ગામમાં સંભળાતી . સવારે એનાં શરીરના ટુકડા ટેકરી પર ચોતરફ દેખાતા . પૂજારી આજ સુધી સહીસલામત બચેલો હતો કેમ કે એ સવારે અંધારું હટી જાય પછી જ ટેકરી ચડતો અને સાંજે અંધારું થાય તે પૂર્વે ટેકરીથી દૂર ભાગી જતો . તે દિવસે બપોર પૂરી થઈ ને તરત એણે મંદિરની વિધિ આરોપવા માંડી . એને એમ હતું કે એ અને દેવાર્ય સાથેસાથે જ ટેકરી ઉતરશે . દેવાર્ય આખો દિવસ કાઉસગ્ગમાં ઊભા જ રહેલા . પૂજારીએ દેવાર્યને ખલેલ પહોંચાડી નહોતી , પરંતુ સાંજે એનો નીકળવાનો સમય થયો ત્યારેય દેવાર્ય ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા હતા . તે મૂંઝાઈને દેવાર્ય પાસે આવ્યો અને બોલ્યો :
` ચાલો , આપણે નીકળીએ . આ ટેકરી પર રાતે કોઈ રહી શકતું નથી . રાતે જે રહે છે તેની પર યક્ષરાજ શૂલપાણિજીનો ખોફ ઉતરી આવે છે .ʼ
દેવાર્યના કાને એના શબ્દો અથડાયા . દેવાર્યને ડર સ્પર્શી શકતો નહીં . દેવાર્યને ગૃહસ્થનો વિનય કરવો નહોતો . પૂજારીની વાતનો જવાબ દેવાર્યે ન આપ્યો . પૂજારી થોડો વખત ઊભો રહ્યો . પૂજારીને દેખાયું કે દેવાર્ય પર એની વાતની કોઈ અસર થઈ નથી . એ ના છૂટકે , નિરાશ વદને નીકળી ગયો . દેવાર્ય ટેકરી પર રોકાય એ કોઈ પણ રીતે સલામત નહોતું . દેવાર્ય આ વાત કેમ નથી સમજતા ? પૂજારીને ભાતભાતના વિચાર આવતા રહ્યા . એ નીચે પહોંચ્યો . ગ્રામજનોએ પૂજારીને સીધો ઠપકો જ આપ્યો કે તું દેવાર્યને સાથે લીધા વગર ઉતર્યો જ કેમ ?
પૂજારીએ ખુલાસા કર્યા તે પછી આખું ગામ ભયભીત થઈ ગયું . દેવાર્ય ગામમાં રહી શકે એવું મકાન ગામવાસીઓએ દેવાર્યને બતાવેલું , ટેકરી પર જોખમ છે એવું દેવાર્યને જણાવેલું તેમ છતાં દેવાર્ય ધરાર ટેકરી પર ગયા હતા . હવે , પૂજારી કહેતો હતો કે દેવાર્યને રાતે ટેકરી પર ના રહેવાય એવું એણે દેવાર્યને જણાવેલું છતાં દેવાર્યે ટેકરી નીચે પરથી ઉતરવાની તૈયારી બતાવી જ નહીં . દેવાર્ય શૂલપાણિથી સાથે બાથ ભીડીને શું હાંસિલ કરવા માંગે છે , આ જ સવાલ સૌનાં મનમાં જાગ્યો . શૂલપાણિ શું ન કરે એ પણ મોટો સવાલ હતો . શૂલપાણિ કાંઈ પણ કરી શકે . દેવાર્ય જેવા મહાન્ અતિથિ ગામમાં સૌ પ્રથમ વાર આવ્યા હતા . એમની આગતા સ્વાગતા કશી થઈ ન શકી અને હવે આ શૂલપાણિનો રાત્રિઉપદ્રવ . દેવાર્યની રક્ષા કરવાની ગામવાસીઓની કોઈ ત્રેવડ નહોતી . એ કારણે સૌ ચિંતામાં હતા .
સાંજ ડૂબવા લાગી . સૂરજે વિદાય લીધી . આસમાન થોડો વખત લાલ રહ્યું . જોતજોતામાં પશ્ચિમ આકાશ પર કાળો ઓથાર છવાઈ ગયો . ગામવાસીઓએ ધાર્યું હતું એવું જ થયું . ટેકરી પરનાં શૂલપાણિ ચૈત્યમાંથી ભયાનક અટ્ટહાસ્યના અવાજ સંભળાયા . છાતીના પાટિયા બેસી જાય એવું ઘોર એ અટ્ટહાસ્ય હતું . થોડો વખત વીત્યો અને હાથીની મદાંધ ગર્જનાઓ સંભળાઈ . લોકો ગભરાયા હતા . ટેકરી પર જાણે આતંક મચી ગયો હતો . નીચે ઘરોમાં આવતો અવાજ જો આટલો ડરામણો હતો તો દેવાર્યની સામે કેવો ભય ખડો થયો હશે ? હજી આ પ્રશ્નનો જવાબ મળે તે પહેલાં વંટોળ જેવા ફૂંફાડા સંભળાયા . ગુસ્સે ભરાયેલો બળદિયાના છીંકોટા જેવો એનો અવાજ હતો . આ બધું શું થઈ રહ્યું હતું . આખો પ્રહર વીતી ગયો પણ ટેકરીના અવાજો અટકતા નહોતા . કાન ફાટી જાય , શ્વાસ થંભી જાય અને જીવ તાળવે ચોંટી પડે એવો તુમુલ નાદ ચાલતો રહ્યો . ગામજનો અફસોસ અને અપરાધગ્રંથિથી પીડાતા રહ્યા . દેવાર્ય પર શૂલપાણિએ હુમલો કર્યો હતો એ સમજાતું હતું પણ દેવાર્યને બચાવવાનું કૌવત કોઈમાં નહોતું . કેટલીય આંખોમાંથી આંસુ વહેતા રહ્યા .
અચાનક થોડો વખત ટેકરી શાંત થઈ ગઈ . તે પછી થોડો વખત આમનેસામને હોંકારા પડકારા થયા હોય તેવું લાગ્યું . અને એકદમથી સુમધુર સંગીત રેલાયું . શૂલપાણિ ગાંડો થઈને ગાતો હોય , નાચતો હોય એવા પડછંદા ઊઠતા રહ્યા .
ગામવાસીઓએ માની લીધું કે શૂલપાણિએ દેવાર્યને પણ ………. ( ક્રમશઃ )
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર
(૧)
ટેકરી નાની હતી . ચોતરફ ફેલાયેલી હતી . તેની વચોવચ ચૈત્ય હતું . લાલ ઈંટ પથ્થરની બાંધણી હતી . મંદિરનું વાસ્તુનિર્માણ કાંઈક અલગ હતું . સામાન્ય રીતે મંદિર બને તે પૂર્વે મંદિરની માટે એક વિશાળ ચબૂતરો બને છે , જેને જગતી કહેવાય છે . આ ચબૂતરો એટલે એવો વિશાળ ઓટલો જેની પર મંદિર ઊભું થાય છે . આ ચબૂતરા પર ચડવા થોડાક પગથિયાં બને છે . શૂલપાણિ ચૈત્યની માટે કોઈ જગતી બની જ નહોતી . મંદિરનું શિખર અને ગર્ભગૃહ હતું . પરંતુ આગળ મંડપ , અર્ધમંડપ કે ચોકી જેવું કોઈ નિર્માણ થયું નહોતું . એવું વિચિત્ર મંદિર હતું કે જે મંદિરમાં પગ મૂકે તે સીધો જ ગર્ભગૃહમાં પગ મૂકે . મંદિરનું એકમાત્ર પ્રવેશદ્વાર હતું તેનો આકાર મોટા ભાલાના અગ્રભાગની જેમ ઊભો અને અણીદાર હતો .
મંદિરમાં વધારે જગ્યા હતી નહીં . શિખર ઊંચું હતું , ફેલાયેલું પણ હતું . શિખરનું નિર્માણ નાગરશૈલીનું હતું . પચાસ હાથની ઊંચાઈ હશે . શિખરની વચોવચ મોટું ત્રિશૂલ કોતરેલું હતું . ત્રિશૂલનું વચ્ચેનું ફણું લાંબું હતું . શિખરનાં મથાળે , મોટી અગાસી જેવો ગોળ થાળો બનેલો હતો . એ થાળાની વચ્ચે નાની ઘુમટી હતી અને એની પર ધ્વજદંડ હતો , ધજા ફડફડતી હતી .
દેવાર્ય ધીમી ગતિએ ટેકરી પર ચડ્યા . ઉપર સુધી જવાની જે પાયવાટ બની હતી એ ઈંટોડાની જ બનેલી હતી . પાયવાટની આસપાસ અને આખી ટેકરી પર ઘાસની લીલી બિછાત હતી . આમ તો આ દૃશ્ય સુંદર લાગતું પરંતુ સ્મશાનની જમીન પર ઉગેલા ગુલાબની સુંદરતા જેમ બેકાર હોય છે તેમ શૂલપાણિના પડછાયાને કારણે રળિયામણી ટેકરી પણ ભેદી રીતે ભેંકાર લાગતી .
મંદિરના પૂજારીએ દેવાર્યને જોયા . એ અવઢવમાં પડ્યો . દેવાર્ય શૂલપાણિ કરતાં વધુ પ્રભાવશાળી હશે કે શૂલપાણિ દેવાર્યને પીડા આપશે ? એ વિચારમાં પડ્યો . એ કશું બોલ્યો નહીં . મંદિરમાં ઊભા ઊભા શૂલપાણિની વિરુદ્ધ બોલવામાં કોઈ સલામતી નહોતી . રખે ને શૂલપાણિ સાંભળી લે , ડર હતો . શૂલપાણિએ આ મંદિરને પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું . મંદિરમાં અને ટેકરી પર એની પૂરેપૂરી નજર રહેતી . શૂલપાણિને ન ગમે એવું કાંઈ પણ બને એટલે તરત એ ફરીથી મોતનું તાંડવ ખડું કરતો . જેની પર શૂલપાણિનો ગુસ્સો ઉતરતો એ જીવન ગુમાવી દેતા , એનાં શરીરના ચીથરા ઊડી જતા . ટેકરી પર એના લોહી , માંસ અને હાડકાં વેરાઈ જતા . મંદિર બન્યા પછી કેટલાય લોકોને શૂલપાણિએ એ રીતે નામશેષ બનાવી દીધા હતા કે તેમનું જીવન ખતમ થઈ જતું અને તેમનાં શરીરનો એક પણ હિસ્સો સહીસલામત બચતો નહીં .
` દેવાર્ય શું કામ અહીં આવ્યા , શું જરૂર હતી ? ʼ પૂજારીએ નિસાસો મૂક્યો . (ક્રમશઃ)
પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય
(૫)
ગામવાસીઓ હીબકા ભરવા લાગ્યા હતા . લોકોએ પોતપોતાનાં માથાં જમીન પર ઘસ્યાં હતાં . અમને માફ કરી દો , અમને માફ કરી દો – એવો સામૂહિક અવાજ ઊઠ્યો હતો . જવાબમાં દેવવાણી સંભળાઈ હતી :
` એક શરતે હું માફ કરીશ . તમે મારી માટે એક મંદિર બનાવો . એનું નામ શૂલપાણિ ચૈત્ય . મંદિર ટેકરી પર હોવું જોઈએ. એમાં હાડકાના ઢગલા પર મુખ્ય બેઠક બનાવો . એની પર એક પીઠિકા રચાવો . અને એની પર મારી મૂર્તિ પ્રતિષ્ઠિત કરજો . મૂર્તિનું મુખ વૃષભનું જ હોવું જોઈએ . તમે આટલું કામ કરશો તે પછી જ આ મોતનું તાંડવ અટકશે . માન આપશો તો માન મળશે . પ્રેમ આપશો તો પ્રેમ મળશે . દ્વેષ બતાવશો તો દ્વેષ જ મળશે . તમે મને શું આપ્યું છે , યાદ કરો . તમે મનેં મૃત્યુ આપ્યું . તમે મારું ધ્યાન રાખ્યું હોત તો હું આજે વૃષભરાજની જિંદગી જીવતો હોત , હું મારા માલિક પાસે પાછો ચાલી જાત . તમે મારી સાથે શું કર્યું , વિચારો તો ખરા ? આવું કરાય ? સાવ આવું ? મને મારી જ નાંખ્યો ? હું પણ તમને મારી નાંખવા માંગું છું . કરું એવું ? આટલા ગયા એમ તમેય જશો . પણ હું તમને રડતા કકળતા જોઈને અટકી રહ્યો છું . ઝટ મંદિર બનાવો . બધા જ ગામવાસીઓએ રોજ પૂજા કરવાની છે . એકપણ જણ બાકી રહ્યો તો જોઈ લેજો . ʼ
આખી વાત સાંભળીને ગામવાસીઓએ પોતાની ભૂલનો પસ્તાવો અનુભવ્યો . ટેકરી પર ઝડપથી મંદિર બન્યું હતું . એમાં શૂલપાણિ યક્ષની મૂર્તિ સ્થાપના પણ થઈ હતી . એના પછી અકાળમરણની ઘટનાઓ અટકી ગઈ હતી . ગામમાંથી હાડપિંજરોના ઢગલેઢગલા ઊઠાવીને બીજી જગ્યાએ ખડકી દેવામાં આવ્યા હતા . એક વાત એવી પણ સાંભળવા મળી હતી કે શૂલપાણિ ચૈત્ય જે મંદિર પર બન્યું હતું તે ટેકરી જ હાડપિંજરોના ઢગલા દ્વારા બની હતી .
વૃષભરાજ અને શૂલપાણિની ઘટના જેઠ મહિને બની . તે પછી આષાઢ માસ અડધાથી વધુ વીતી ગયો ત્યારે દેવાર્ય અહીં પધાર્યા . દેવાર્યનું આગમન થયું ત્યારે ગામ અસ્થિકગ્રામ તરીકે કુખ્યાત થઈ ચૂક્યું હતું . ગ્રામજનોએ મહાતેજસ્વી દેવાર્યને જોયા . તાજેતરમાં જ એક મહાઆપદા સૌએ પાર કરી હતી . હવે દેવાર્ય આવ્યા તે એક શાતાદાયી ઘટના હતી . દેવાર્યની સમક્ષ ગ્રામજનો હરખભેર આવી ઊભા . દેવાર્યે એમને જણાવ્યું કે પોતે આ ગામમાં સાડાત્રણ માસ રહેવા માંગે છે . ગ્રામજનોએ દેવાર્યને એક બે મકાન બતાવ્યા . દેવાર્યે એમની વાત પર ધ્યાન ન આપ્યું . દેવાર્યે ગામબહારની ટેકરી પર દેખાઈ રહેલા શૂલપાણિ ચૈત્યને જોતાં જોતાં ગ્રામજનોને જણાવ્યું કે પોતે એ મંદિરમાં રહેવા માંગે છે . ગ્રામજનોએ ત્યાં રહેવાનો નિષેધ કર્યો . પરંતુ દેવાર્ય ગામવાસીઓને જણાવીને ટેકરી તરફ ચાલ્યા .
દેવાર્યનાં પ્રથમ ચાતુર્માસનો પૂર્વાર્ધ હતો તેમાં ગાયોએ કુટિરને તોડી હતી . હવે પ્રથમ ચાતુર્માસનો આ ઉત્તરાર્ધ શરૂ થવાનો હતો ત્યારે વૃષભરાજનું દર્દનાક મરણ અને શૂલપાણિ વ્યંતરે વર્તાવેલો કાળો કેર , આ બેયનો બોજો વાતાવરણ પર પથરાયેલો હતો . ( ક્રમશઃ )
પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય
(૪)
વૃષભરાજની વિદાય પછી ગામમાં અકાળમરણનો સિલસિલો શરૂ થયો હતો . નાની વયના અને યુવા વયના લોકોમાં એકાદ જણ એકાદ વાર મરે તે સ્વાભાવિક ગણાય . આવી વયના લોકો વારંવાર મરે , એક પછી એકની શૃંખલામાં મરે તે બિલકુલ અસ્વાભાવિક કહેવાય . પણ આવું જ બનવા માંડ્યું હતું . એવું પણ નહોતું કે ચોક્કસ વયના જ લોકો મરી રહ્યા હતા . બધી જ વયના લોકો મૌતની લપેટમાં આવવા લાગ્યા પણ બાળમરણ , યુવામરણનાં કારણે ભારે આતંક છવાયો હતો .
ગામનાં સ્મશાનમાં એક દિવસમાં એક કે બે કે ત્રણ મૃતક આવ્યા હોય એવું બનેલું , ક્યારેક વળી એક પણ મૃતક ન આવ્યું હોય એવું પણ બનેલું , પણ એક દિવસમાં ચાળીસ પચાસ મૃતક આવે એ નાનીસૂની વાત નહોતી . આવું એક દિવસ બન્યું , બીજા દિવસે બન્યું અને રોજેરોજ બનવા લાગ્યું . ગામની દરેક ગલીમાંથી રોજ સ્મશાનયાત્રા નીકળતી . સ્મશાનની બહાર સ્મશાનયાત્રાઓની કતાર બનેલી રહેતી . એક મૃતક બાળવાનું પતે એટલામાં આઠ દશ મૃતક નવાં આવી જતાં . દિવસો આમ જ વીત્યા . હવે મૃતક બાળવાની જગ્યા ઓછી પડવા લાગી . અરે , જગ્યા તો ઠીક , મૃતક બાળવા લાકડાં જોઈએ તે પણ ખૂટી પડ્યાં . મૃતકને સ્મશાને લઈ જશું પણ બાળશું કેવી રીતે ? આ સમસ્યા ઊભી થઈ . કોઈ મૃતક સ્મશાનની બહાર એમનેમ પડ્યા પડ્યા સડવા લાગ્યા . કોઈ મૃતક ઘરની બહાર જ એમનેમ પડ્યા પડ્યા સડવા લાગ્યા . આખું ગામ મૃતકોથી ઊભરાઈ પડ્યું .
કોણ ક્યારે મરશે તેનો કોઈ અંદાજ નહોતો . દવાઓ કામ કરતી નહોતી . મરકી ફેલાઈ છે એમ દેખાતું હતું પણ ઉપચારો કારગત નીવડતા નહોતા . આખા ગામમાં મૃતકોની તીવ્ર બદબૂ છવાયેલી રહેતી . અગ્નિ સંસ્કારના અભાવે મૃતકો સડવા લાગ્યા , એમાં કીડા ખદબદવા લાગ્યા . એ ઘોર કીડાઓ ધીમેધીમે આખા મૃતકને ભરખી જતા . તે પછી મૃતકનાં હાડપિંજર બચતાં . તેય ગલીગલીમાં આમતેમ પડેલા રહેતાં . અડે કોણ ? હટાવે કોણ ? દિન પ્રતિદિન નવાનવા મરણ થતાં . મૃતક આવતાં . એની નવી બદબૂ ફેલાતી અને એમાં નવા કીડાઓ ખદબદતા . નવા ને નવા હાડપિંજર ખડકાતા રહેતાં . વાતાવરણ વધુ ને વધુ ડરામણું , ભયાવહ બનતું જતું હતું .
આ મરણદાયી ઉપદ્રવની બે વાતો સ્પષ્ટ હતી . એક , આ ઉપદ્રવ ફક્ત વર્ધમાનક ગામમાં જ હતો . આસપાસના કોઈ પણ ગામમાં આવો ઉપદ્રવ હતો નહીં . બે , આ ગામના રહેવાસીઓ બીજા ગામમાં જતા તો આ ઉપદ્રવ તેમને ત્યાં પણ થતો . એ બીજા ગામના રહેવાસીઓ બચેલા રહેતા . વર્ધમાનક ગામનો નિવાસી , બીજા ગામમાં પણ પીડામય મરણ પામતો .
વર્ધમાનક ગામવાસીઓ દ્વારા આ ભૂતિયા તકલીફ છે એમ સમજીને હોમહવન , જંતરમંતર , દોરાધાગા પણ કરવામાં આવ્યા . મરણનો ખૌફ સહેજ પણ ઓછો ન થયો .એટલાબધા મરણ થયા કે જાણે ગામ ખાલી થઈ ગયું . હાડપિંજર એટલા ભેગા થઈ ગયા કે આ હાડપિંજરોનું જ ગામ હોય એવું લાગવા માંડ્યું . ગામનું સૈકાઓ જૂનું નામ હતું વર્ધમાનક . પણ એ નામ ભૂલાવા માંડ્યું . હવે ગામનું નવું નામ પ્રચલિત થવા લાગ્યું : અસ્થિક ગ્રામ . અર્થાત્ હાડપિંજર અને હાડકાઓથી ભરેલું ગામ .
બચેલા ગામવાસીઓએ વિચાર્યું કે આ સ્થાનિક ક્ષેત્રદેવતાની નારાજગી હશે . બધા ગામવાસીઓ એક ચૌરાહા પર ભેગા થયા . ધૂપ પ્રગટાવ્યા . દીવા જલાવ્યા . ફૂલ ચડાવ્યા . નૈવેદ મૂકાયા . ફળ અર્પિત થયા . માળાઓ પથરાઈ . સૌ ઘૂંટણિયે બેઠા . આસમાન તરફ જોઈને ક્ષમાયાચના કરી . પ્રાર્થનાઓ ગાઈ . આંસુઓ ટપક્યાં . કરગરીને માફી માંગવામાં આવી .
અને આકાશમાંથી વીજળીના કડાકા જેવી દેવવાણી સંભળાઈ : ` તમે લોકો હવે માફી માંગો છો ? તમારા સ્વજનો મર્યા છે એટલે તમે લાગણીવશ રડો છો , પેલો કૌશાંબીનો વૃષભરાજ મરી રહ્યો હતો ત્યારે તમારી લાગણીને કોઈ અસર નહોતી થઈ ? આજે તમે મરવાના થયા છો એટલે મારી પાસે દયાની ભીખ માંગી રહ્યા છો ? તમારાં ગામના પાદરે વૃષભરાજ મરી રહ્યો હતો ત્યારે તમને કોઈ દયા ન આવી ? ʼ
ગામવાસીઓ તો સમજી જ ન શક્યા કે વાત શું થઈ રહી છે ? દેવવાણી આગળ ચાલી : ` તમે વાત સમજ્યા નથી . હું એક વ્યંતર છું . ગયા જનમમાં હું આ વૃષભરાજ હતો .જે તમારાં ગામનાં આંગણે મર્યો હતો તે . તમે એ વૃષભરાજનું સાધારણ બળદ ગણી અપમાન કર્યું . તમે એને દવા ન આપી , ચારો ન નીર્યો , પાણી ન પાયું . તમારાં પાપે એ ભૂખેતરસે રીબાયો અને મર્યો . તમે લોકોએ એ વૃષભરાજનાં મૃતકનું પણ માન ન રાખ્યું . એનું મડદું સડીને હાડપિંજર થઈ ગયું . એ વૃષભરાજ જ મરીને હું વ્યંતર બન્યો છું . મારું નામ શૂલપાણિ યક્ષ . તમે જે હાલત વૃષભરાજની કરી તેવી જ હાલત હું તમારી કરવાનો છું . તમે સૌ રીબાઈને મરશો . તમારાં મૃત શરીર પણ સડશે . એમનો અગ્નિસંસ્કાર પણ નહીં થાય . લખી રાખજો . તમે જેવું કર્યું તેવું જ તમારે ભોગવવું પડશે . તમને હું ક્યારેય માફ નહીં કરું . ʼ
ભયાનક દેવવાણી અટકી હતી . ગામવાસીઓના હાજા ગગડી ગયા હતા . (ક્રમશઃ)
પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય
( ૩ )
ગામના વડીલો અને યુવાનોનું એક નાનકડું જૂથ શ્રેષ્ઠીને મળવા આવ્યું . શ્રેષ્ઠીએ એમને પરિસ્થિતિ સમજાવીને કહ્યું હતું કે ` મારી જરાય ઈચ્છા નથી , અહીંથી નીકળવાની . પણ આટલો મોટો સાર્થ એક જગ્યાએ રોકાઈ ન શકે . વૃષભરાજ મને સગા દીકરા જેવો લાગે છે . એ સાજો હોય ત્યારેય હું એનાથી દૂર રહી શકતો નથી . અત્યારે તો આની તબિયત એકદમ કમજોર છે . હું આને છોડીને જવાનું વિચારી પણ ન શકું . પણ સાર્થને આગળ લઈ જવો જરૂરી છે . આ પ્રવાસને આ રીતે વધારવા હું માનસિક તૈયાર જ નથી . પણ મારે નીકળવું પડશે . ʼ
સાર્થવાહ નિશ્વાસ મૂકીને આગળ બોલ્યો : તમે આ મારા વહાલા વૃષભરાજનું ધ્યાન રાખજો . મારી તમને ખાસ વિનંતી છે . એને કાંઈ ન થવું જોઈએ . આ ઘાસચારો છે , આ ઔષધ છે અને આ પૈસા છે . આ બધું તમે રાખો . થોડા દિવસમાં વૃષભરાજ ઊભો થઈ જશે તો ખુશી જ ખુશી છે . સમજો કે એ ઊભો ન થઈ શક્યો તો એનો ઉપચાર સારામાં સારી રીતે કરાવજો . કોઈ કમી આવે નહીં તે જોજો . હું વૃષભરાજને પશુ માનતો જ નથી . એને મારા પરિવારનો અંશ માનું છું . આ મારા કલેજાનો ટુકડો છે . એનું ધ્યાન રાખજો . ʼ
ગામવાસીઓએ શ્રેષ્ઠીની વાત સાંભળી લીધી . એમણે શ્રેષ્ઠીને હૈયાધારણ આપી કે `તમે ચિંતા ન કરો , અમે છીએને અહીંઆ .ʼ એમની વાણીથી શ્રેષ્ઠીને આશ્વાસન મળ્યું . એ વૃષભરાજ પાસે આવ્યો . એની આંખમાં પણ આંસુ હતાં અને વૃષભરાજની આંખમાં પણ આંસુ હતાં . ભારે હૈયે શ્રેષ્ઠીએ સાર્થ સાથે વિદાય લીધી .
શ્રેષ્ઠીએ માની લીધું કે મેં પૈસા આપ્યા છે , સામાન આપ્યો છે એટલે વૃષભરાજ સચવાઈ જશે . એની એ ભૂલ હતી . શ્રેષ્ઠીએ પોતાનો એક માણસ વૃષભરાજની સાથે રાખી જવો જોઈતો હતો . એ માણસ વૃષભરાજનું બધું જ ધ્યાન રાખત , પૈસા પણ એની પાસે રહેત . શ્રેષ્ઠીએ પોતાનો એક પણ માણસ વૃષભરાજ સાથે રાખ્યો નહીં . શ્રેષ્ઠીએ આ મોટી ભૂલ કરી . અજાણ્યા ગામવાસીઓ પર પૂરો ભરોસો મૂક્યો તે વળી બીજી ભૂલ હતી . આ બે ભૂલ સીધેસીધી શ્રેષ્ઠીને ન નડી પણ વૃષભરાજને ખૂબ નડી .
ગામવાસીઓએ અંદરઅંદર વિચારી લીધું કે ` આ બળદ મરવાનો થયો છે . આની પર શું ખર્ચો કરવાનો ? આને ઘાસચારો પણ ન અપાય , પાણી પણ ન અપાય . એને જેમનો તેમ પડ્યો રહેવા દો . ʼ અને મનહૂસ ગામવાસીઓએ વૃષભરાજનો જાણે બહિષ્કાર કરી દીધો .
વૃષભરાજ પાસે કોઈ જતું નહીં . એને શરીરે કમજોરી લાગતી , કૂણું ઘાસ ખાવાનું મન થતું . એ ઊઠી શકે કે ચાલી શકે એવી એની હાલત નહોતી . ઉત્સુકતાથી એ ગામવાસીઓને જોતો રહેતો . એને લાગતું કે હમણાં કોઈ આવશે અને મને વહાલથી ચારો નીરશે . પણ કોઈ આવતું નહીં . એને તરસ લાગતી પણ એને પાણીનો એક ઘૂંટ પણ ભરવા ન મળતો . એનાં શરીરમાંથી નીકળેલાં છાણમૂતરની સફાઈ ન થતી . એ ઉંહકારા ભરતો તે જાણે કોઈને સંભળાતા જ નહીં . એની આંખોની સામેથી માણસો નીકળતા પણ એને કોઈજ મળતું નહોતું અને એને કાંઈ જ મળતું નહોતું . કાગડા આવતા . એ કાન ફફડાવીને અને પૂછડું ઉલાળીને એને ઉડાડવા મથતો . આ સરાધિયા પંખીડાઓ પીછો ન છોડતા . એનાં શરીર પર જખમ થયા હતા ત્યાં માખીઓ બણબણતી . મલમપટ્ટો થાત તો જખમ મટી જાત પણ મલમપટ્ટો થયો જ નહીં . કોઈ એની પાસે આવ્યું જ નહીં . એને તાવ જેવું લાગતું .
એ વિચારતો : માણસો આવા કંઈ રીતે થઈ શકે ? એક કે બે માણસ ખરાબ હોય તે સમજાય . આખું ગામ ઊંધા રવાડે ચડી જાય ? ગામના બધા સારા લોકોને કોઈએ ભરમાવી દીધા હશે . કોણે ભરમાવી દીધા હશે ? જેણે સૌને ભરમાવ્યા તેનાં મનમાં શું પાપ હશે ? અરે , જે લોકો ભરમાઈ ગયા તેઓ શું નાના કીકલા હતા કે ? આટલી હદે કોઈ ભરમાતું હશે ? એક અજાણી ગાયને પણ તુરંત ખવડાવી દેવાનું હોય એવી આ દેશની સંસ્કૃતિ છે . આ લોકો સંસ્કૃતિને પણ ભૂલી ગયા ? મારાથી આ ભૂખતરસ સહન નથી થતી . મારું આ શરીર કમજોર પડતું જાય છે . સરખી રીતે બેસાતું પણ નથી , ઊભા થવું તો દૂરની વાત છે .
વૃષભરાજના વિચારો ચાલતા રહ્યા : આજે મારા માલિક મને બહુ યાદ આવે છે . એ કેમ મને મૂકીને જતા રહ્યા ? એ સાથે હોત તો આજે મારી આ અવસ્થા ન હોત . એ નીકળી ગયા એ વાત અલગ છે . એમની જગ્યાએ એ બરોબર છે . હું એમનો કોઈ વાંક માનતો નથી . આ ગામના લોકો જ વિચિત્ર નીવડ્યા . આવું તે કાંઈ હોય ? મારા શેઠ આમને બધું આપીને ગયા છે પણ આ લોકોને કાંઈ કરવું જ નથી . શેઠે આમની પર ભરોસો મૂક્યો અને આ લોકોએ એ ભરોસાનું ખૂન કરી નાંખ્યું . હું આવું ક્યારેય ન કરું . શેઠે મારી પર ભરોસો મૂક્યો તેને મેં જાળવી બતાવ્યો હતો . મારા ભાઈવૃષભોને મેં નદીથી બચાવી લીધા હતા અને એકેક ગાડું નદીપાર ઉતરી ગયું હતું . આમાં મને ત્રણ લાભ મળ્યા . એક , મારા સ્વામીના આદેશનું પાલન થયું . બે , મારા સ્વજન વૃષભોનું સંકટ દૂર થયું , ત્રણ , મારા સમગ્ર માનવ સાર્થને મારા થકી સહાય મળી હતી . હવે જીવું કે મરું , ઝાઝો ફેર નથી પડતો . મેં મારા તરફથી હંમેશા પ્રામાણિકતા અને પરાર્થકારણ વૃત્તિને નિભાવી છે . મારું બળ એળે ગયું નથી . કાંઈક સારું કામ થયું છે મારા થકી …ʼ
આગળ વૃષભરાજ કશું વિચારે તે પૂર્વે જ તેના શ્વાસ અટકી ગયા હતા . એનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું .
થોડીવારે ગામવાસીઓને ખબર પડી . એમણે વૃષભરાજનાં શરીરને સરકાવીને બાજુમાં મૂકવાની તસ્દી પણ ના લીધી . એ મહાબલિષ્ઠ પ્રાણીનો વિદાયસમય શાનદાર ન રહ્યો . એ એકલવાયો જ મર્યો . એનું શરીર પણ એકલુંઅટૂલું સડતું રહ્યું .
ગામવાસીઓને એમ લાગ્યું કે કિસ્સો ખતમ થયો છે . જોકે , ખરો કિસ્સો જ હવે શરૂ થયો હતો . વૃષભરાજની વિદાય પછી વર્ધમાનક ગામના ઈતિહાસનું સૌથી ખોફનાક પ્રકરણ શરૂ થયું હતું . (ક્રમશ:)
પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય
(૨)
વર્ધમાનક ગામે આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું . સામા કિનારેથી નદીમાં ઉતરેલાં ૫૦૦ જેટલા બળદગાડાં પાણીની વચમાં ફસાયાં હતાં . એમને પાછા વાળવાનું અસંભવિત હતું . એમને આ કિનારે લાવવાનું પણ કઠણ થઈ પડ્યું હતું . ઘણા વખતે ગામવાસીઓને આવું જોણું મળ્યું હતું . એ લોકો ચિંતા બતાડવાના બહાને કૌતુક માણી રહ્યા હતા . એમણે સામા કિનારેથી પાણીમાં ઉતરી રહેલા વૃષભરાજને જોયો . એક બળદગાડાની ધુંસરીમાંથી બળદિયો છુટ્ટો થયો હતો . એની જગ્યાએ વૃષભરાજને જોડવામાં આવ્યો હતો . વૃષભરાજની કાયા હાથી જેવી કદાવર હતી . એની સામે બીજા વૃષભ , મદનિયા જેવા નાના દેખાતા . વૃષભરાજે ખરેખર , એક જ ઝાટકે બળદગાડાંને ખેંચીને સામા કિનારે , વર્ધમાનક ગામની સીમા પર પહોંચાડી દીધું હતું . તેજસ્વી દીકરો , પિતાના કહેવાથી મોટી જવાબદારી સંભાળી લે એ રીતે વૃષભરાજે આ બીડું ઉઠાવી લીધું હતું .
ગામવાસીઓએ અને સાર્થના સૌ પ્રવાસીઓએ જોરદાર હર્ષનિનાદ કર્યો , એમના કરતલધ્વનિઓના ગડગડાટ નદીના બેય કિનારા પર ગુંજી ઊઠ્યા . એનાથી વૃષભરાજને એવો પાનો ચડ્યો કે બધા જોતા રહી ગયા . પૂરી તાકાત લગાવી દીધી વૃષભરાજે . એક પછી એક એમ કરતાં બધા જ ગાડાઓને વૃષભરાજે પાણી અને કીચડમાંથી ખેંચી કાઢી સામા કિનારે લાવી દીધા .
એ મહાપુરુષાર્થમાં ઘણો સમય લાગી ગયો , ઘણી તાકાત પણ લાગી . વૃષભરાજે ધન શ્રેષ્ઠીનો રાજીપો જીતવા માટે આ અભિયાનમાં જાન રેડી દીધા હતા . નદીમાં એક પણ બળદગાડું બાકી નથી રહ્યું એ જોયા બાદ જ વૃષભરાજે પોરો ખાધો , ભાગાદોડીને લીધે એનું શરીર જે ગરમ થઈ ગયું હતું તે ઠંડું પડવા લાગ્યું . એના શ્વાસ હેઠા બેઠા એટલામાં જ એની છાતી પર દબાણ આવ્યું , એના ફેંફસા ખેંચાયા , શ્વાસનળીએ રૂંધામણ અનુભવી અને એ ધડામ કરતાં જમીન પર પટકાઈ પડ્યો . એના મોટા નસકોરામાંથી લોહીની મોટી ધાર ફૂટી નીકળી . એ અર્ધબેહોશ જેવો થઈને હાંફવા લાગ્યો .
ધન શ્રેષ્ઠી દોડીને એની પાસે આવ્યો . એના ગળા પર , પીઠ પર , માથા અને શીંગડા પર હાથ ફેરવતા એણે વૃષભરાજની ખૂબ પ્રશંસા કરી અને વૃષભરાજને ધીરજ બંધાવી . વારંવાર વૃષભરાજની જીભ મોઢાની બહાર લટકવા લાગી . એનાં શરીરનો મોટાભાગનો પ્રાણવાયુ મહાશ્રમમાં વપરાઈ ગયો હતો અને હવે એનામાં સરખી રીતે શ્વાસ લેવા જેટલી શક્તિ પણ બચી નહોતી . એનો દમ ઘૂંટાઈ રહ્યો હતો . ધન શ્રેષ્ઠીએ તેના શ્રેષ્ઠ ઉપચાર શરૂ કરાવ્યા .
એક તરફ પાંચસો ગાડાઓનો રસાલો હતો જે માંડમાંડ આ કિનારે ગોઠવાઈ રહ્યો હતો . તેને લાંબો વખત રોકાવાની જગ્યા વર્ધમાનક ગામની આસપાસ , મળવી મુશ્કેલ હતી . એથી સાર્થને આગળ મોકલવો જરૂરી હતો . અને બીજી તરફ આજની સફળતાના અસામાન્ય સૂત્રધાર સમો વૃષભરાજ જમીનદોસ્ત થઈને પડ્યો હતો . એવી હાલત હતી કે જાણે દુશ્મનનો કિલ્લો તો જીતાઈ ગયો પણ વિજેતા સેનાપતિને લગભગ ગુમાવી દીધો .
ધન શ્રેષ્ઠીએ વર્ધમાનક ગામના નિવાસીઓને મળવા બોલાવ્યા . શ્રેષ્ઠી પ્રેમાળ હતા , સજ્જન હતા . એમને લાગ્યું કે ગામવાસીઓ પણ પ્રેમાળ અને સજ્જન જ હશે . શ્રેષ્ઠીને ખબર જ નહોતી કે આ એમના હાથે બહુ મોટી ભૂલ થઈ રહી છે . શ્રેષ્ઠીએ અજાણતામાં જ એક ખોટો નિર્ણય લીધો . એ નિર્ણયની જ અસર દેવાર્યનાં પ્રથમ ચાતુર્માસના ઉત્તરાર્ધ પર પણ પડવાની હતી . ( ક્રમશઃ )
