જલમંદિરની કલ્પના કોને આવી ? આમ પૂછવા કરતાં એમ પૂછવું વધુ ઉચિત છે કે જલમંદિરની કલ્પના શીદ આવી હશે ? જવાબ પાવાપુરી પાસેથી મળે છે . પ્રભુનું મોક્ષગમન જ્યાં થાય ત્યાં અગ્નિસંસ્કાર થાય અને ભક્તજનો અવશેષ લેવા ધસારો કરે , જમીનમાં ખાડો પડી જાય એટલી હદે ભસ્મ લૂંટાય . પછી એ ખાડો ભરાય પાણીથી . એમાં વચોવચ મંદિર બને . જો પાવાપુરીમાં મોક્ષ કલ્યાણક મંદિર હોય અને જલ મંદિર જુદાં જુદાં હોય તો સમેતશિખરમાં કેમ ન હોય ?
સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી : શિખરજીનો બીજો બોધપાઠ
શિખરજીથી ઉતરવાનું શરુ થાય છે પણ ઝટ ખતમ નથી થતું . સરકતા રેલાની જેમ આપણે ઢાળ પરથી વહેતાં રહીએ છીએ . તળેટી નામનો સામો કિનારો દૂરનો દૂર જ રહે છે . દરિયાઈ ખાડી જેવો પંથડો ખૂટતો જ નથી . પહાડ પર હોઈએ ત્યારે વીશ ભગવાનની વચ્ચોવચ હોઈએ છીએ , પહાડ ઉપરથી ઉતરવા માંડીએ એટલે ભગવાનથી દૂર જતા હોઈએ છીએ . પ્રભુથી છૂટા પડવાનું છે એનું દુઃખ હોય , અફસોસ હોય . એમાં વળી ઉતરવાનો પરિશ્રમ . તમે ગમ્મે તેટલું ઉતરી લો , ઘણું ઘણું ઉતરવાનું બાકી જ હોય છે . ચડવાનો થાક હોય છે એ ખબર હતી . શિખરજી પર સમજવા મળે છે કે ઉતરવાનો થાક પણ હોય છે . ઢાળ એવો આવે છે કે થોડીથોડી વારે લાગે છે જાણે પાછળથી કોઈ હળવો ધક્કો મારે છે કે શું ? ૧૩૬૫ મીટરની ઊંચાઈ છે પહાડની : ૪૪૭૮ ફીટ . ઝારખંડનો સૌથી ઊંચો પર્વત છે . ચડવાનું તો ઠીક , ઉતરવાનું પણ સહેલું નથી . વાત થોડા પરિશ્રમની નથી , બલકે મોટા પુરુષાર્થની છે . સામાન્ય કથન એવું હોય છે કે ચડવાનું અઘરું છે અને પડવાનુ સહેલું છે . પરંતુ શિખરજીમાં કથન બદલાય છે , અહીં ચડવાનું અઘરું છે , વધારે અઘરું . અહીં ઉતરવાનું અઘરું છે , ઓછું અઘરું .
ઉતરવાના કલાકો દરમ્યાન મન ઘણીબધી યાદોમાં કેદ હોય : સુકોમલ ચરણપાદુકાઓ . રૂપાળી દેરીઓ . લહેરાતી ધજાઓ . પાળીઓ . ઓટલીઓ . નાની નાની ટેકરીઓના અઘરાં અઘરાં ચડાણ . દેરીથી દેરી સુધી સરકી આવતો પથ્થરિયો માર્ગ . કોઈ દેરીમાં ચોખાબદામ ચાવી જતાં વાંદરા અથવા ગાય . અડધી રાતે જલમંદિરની ઉપર ચમકતા ચંદ્ર , નક્ષત્ર અને તારા . નિમિયાઘાટ તરફની પાતાલચુંબી ખીણ . આરોહણપથ પર આસપાસ વિસ્તરેલા હજારો હજારો વૃક્ષો . પ્રભુનાં આગમનની ક્ષણે કેવું વાતાવરણ હશે એની કલ્પનાઓથી છલકાતો સોનેરી સમય .
તે શિખરજી અલગ હતું જે પુસ્તકમાં વાંચેલું હતું , જે ચિત્રોમાં જોયું હતું , જે પ્રતીકાત્મક રચનાઓમાં જોયું હતું . એ શિખરજી સાવ અલગ હતું જેની પર વહેલી સવારે હાંફતા હાંફતા ચડ્યા , ભરશિયાળે પસીનાના રેલાઓ ઉતર્યા , પગે ગોટલા બાઝ્યા , થાક ભરાયો . એ શિખરજીથી વિખૂટા પડવા માટે ઉતરવાનું હતું . થોડો સમય બાકી હતો શિખરજી સાથે . ચડતી વખતે જે રસ્તો અઘરો લાગતો હતો એ જ રસ્તો ઉતરતી વખતે સહેલો હશે એવું લાગતું હતું . પરંતુ ચોપડાકુંડ પછી થોડીવારમાં પગ ધ્રુજવા લાગ્યા હતા . થોડી થોડી વારે બેસીબેસીને પગની ધ્રુજારી મેનેજ કરી હતી . જે એકદમ યુવાન છે એવાય ઘણા લોકો થાકતા હતા , બેસી જતા હતા . મને મારા અડધાપડધા સફેદ વાળ માટે કોઈ અફસોસ નથી થતો . હું શરમ રાખ્યા વગર બેસી જતો . થોડું બેસી લીધું તો શું ફરક પડે છે ? એટલો સમય ગિરિસ્પર્શના વધી જાય . પોતાના પગે ગિરિ આરોહણ કરેલું . અવરોહણ પણ પોતાના પગે જ થઈ રહ્યું હતું . વચ્ચે બેઠા તો બેઠા . યાત્રાની સાત્ત્વિકતા ઓછી નથી થવાની . સ્વદ્રવ્યની પૂજા જેવી સ્વચરણની યાત્રા અકબંધ જ રહેતી હતી .
ચૌદ ગુણસ્થાનકમાં સાસ્વાદન ગુણસ્થાનકે સમકિત હોતું નથી પરંતુ મિથ્યાત્વ પણ હોતું નથી . યાત્રા પૂરી થઈ ચૂકી છે પણ યાત્રાની સરહદ પાર નથી થઈ . અવરોહણની એક એક ઘડીમાં આસ્વાદ હોય છે . આસ્વાદ એટલે પ્રભુની યાદ . આસ્વાદ એટલે યાત્રાની પ્રત્યેક યાદ . આસ્વાદ એટલે યાત્રા થકી મળેલો ચિદાનંદ . શીતલનાલા , ભાથાખાતું , ગંધર્વનાલા પાર થયું . બે ત્રણ વાર થોડું થોડું ચડવાનું આવ્યું . ઉતરવામાંય થાક લાગતો હોય ત્યાં ચડવામાં હાલત કેવી થાય ? પણ એ હાલત મંજૂર હતી . સ્પીડ ઓછી થાય એ બને , સ્પિરિટ ઓછો થાય એવું ના બને .
વચ્ચે પથરાળ શોર્ટકટ દેખાતા પણ એ રસ્તે જવાનું પોસાય નહીં . સીધે રસ્તે જવું સહીસલામત . આખરે કલિકુંડ દેખાયું . તસલ્લી મળી કે થોડું જ બાકી છે . આગળ મધુબનમાં વાગી રહેલા સ્પીકરના અવાજ આવવા લાગ્યા . બહુ ઝડપથી તળેટી દેખાઈ હતી . મહાપર્વતની સ્પર્શનાની આખરી ક્ષણો અહોભાવમય હતી . ભગવાને મોટી કૃપા કરી હતી . અષ્ટાપદની યાત્રા કેવી હશે એની ઝાંખી કરાવી હતી , શિખરજીએ . ઊંચા સ્થાને પહોંચ્યા પછી નીચે ઉતરવું સહેલું નથી .
શિખરજીનો બીજો બોધપાઠ યાદ રહેશે : જિંદગીને સાચી ઊંચાઈ પર લઈ જાઓ . સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી .
સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .
માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર સુધીની યાત્રા થઈ હતી . આટલામાં નવ કલાક લાગી ગયા હતા . દરેક ટૂંકમાં ત્રણ પ્રદક્ષિણા , ચૈત્યવંદન , સ્તવનગાન , કલ્યાણકજાપ આ ક્રમ અખંડ રાખ્યો . કોઠી તરફથી નાનકડી ચોપડી છપાઈ છે . એમાં કુલ મળીને એકત્રીસ ચૈત્ય વંદન બતાવ્યાં છે . મારે વીસ કલ્યાણક પ્રભુનાં બધા જ ચૈત્યવંદન સરસ થયાં . પહેલેથી જ સ્પષ્ટ રાખ્યું હતું કે ઉતાવળ કરવી નથી .
વહેલી સવારે અભિનંદનજીની ટૂંક જુહારી . પ્રચંડ શ્યામ મહાશિલાઓની ઉત્તુંગ શ્રેણિઓ રચાઈ હતી , એની ટોચ પર દેરી . ચારેકોર આકાશ હાથ લંબાવી રહ્યું હતું . નિસર્ગનું સૌંદર્ય નિખરી રહ્યું હતું . હવામાં સખ્ખત જોશ હતું . ચૈત્યવંદન પછી पारंगताय नम:નો જાપ કરતાં કરતાં સમજાતું હતું કે સૌથી ઊંચે બેઠા હોઈએ ત્યારે નીચેનું જગત્ કેવું વામણું લાગતું હશે ? સિદ્ધશિલામાં બિરાજમાન અભિનંદન દાદા અને અન્ય અનંત મુક્ત ભગવંતોને આપણે સૌ કેવા વામણા લાગતા હોઈશું ?
આપણા ઠાઠમાઠ અને આડંબર અને જનસમૂહો અને યશોગાથાઓ અને પુણ્યોદયના ભરોસે આપણે પોતાને મહાન્ ગણાવતા રહીએ છીએ અને પોતાની મહાનતાનો પ્રચાર કરતા રહીએ છીએ . સિદ્ધ ભગવંતો સામે આપણું શું ગજું છે ? એમનાં સુખ જેવું સુખ આપણી પાસે નથી . એમની શુદ્ધિ જેવી શુદ્ધિ આપણી પાસે નથી . એમની પવિત્રતા જેવી પવિત્રતા આપણી પાસે નથી . એમની પાસે જે સત્ય છે એવું સત્ય પણ આપણી પાસે નથી . આપણે લોકો નાહકના ઘમંડમાં રાચીએ છીએ , બસ . અભિનંદનજીની ટૂંક પર સૂર્યોદયના સમયે બેઠો હતો . ધુમ્મસને લીધે સૂરજ દેખાઈ રહ્યો નહોતો . આપણું સુખ અને આપણું જ્ઞાન ધૂંધળું છે , સિદ્ધ ભગવાનનું સુખ અને જ્ઞાન પૂર્ણ અને પારદર્શી છે , સમજાઈ રહ્યું હતું . પાછા વળતાં વાસુપૂજ્ય ભગવાનની દેરીએ દર્શન કર્યાં . થોડીવારે પારસનાથજી જવા નીકળ્યા . ધર્મનાથ , સુમતિનાથજી , શાંતિનાથજી , સુપાર્શ્વનાથજી , વિમલનાથજી આ કલ્યાણકની દેરીઓ તેમ જ અન્ય દેરીઓમાં પ્રભુને ભાવે જુહારતા જુહારતા પારસનાથજીની ટૂંકમાં પહોંચ્યા . પારાવાર ભીડ હતી . આશરે બે વાગે ત્યાંથી નીકળ્યો .
ચન્દ્રપ્રભજીની ટૂંકે પહોંચ્યો ત્યારે સાડા ચાર વાગી ગયા હતા . અહીં કોઈ જ નહોતું . રસ્તો પણ સાવ વેરાન હતો . એવી અફવા ચાલે છે કે ચન્દ્રપ્રભજીની ટૂંકના રસ્તે બપોરે બે વાગ્યા પછી ન જવાય , વાઘ નીકળે છે . અમે કુલ ચાર હતા એટલે ડર નહોતો . સન્નાટો ગજબનાક હતો . દૂર દૂર સુધી જંગલ હતું . ગમ્મે ત્યારે કોઈ પણ ટપકી પડશે તો કોણ બચાવશે એવો ડર લાગે . એ રસ્તે એકમાત્ર માણસ મળ્યો એને પૂછ્યું : ઇધર બાઘ નિકલતા હૈ ક્યાં ? ઉમ્મીદ હતી કે એ ના પાડશે અને સાંત્વના આપશે કે બાપજી ડરો મા , કાંઈ નથી અહીંયા . પરંતુ એણે તો ધડામથી કહી દીધું કે હા , યહાં વાઘ નિકલતા હૈ . મેં કહ્યું : ભૈયા , આપ મઝાક કર રહે હો ક્યાં ? પેલાએ કહ્યું : નહીં , નહીં . મેં બિલકુલ જૂઠ નહીં બોલ રહા હૂં . યહ ઇલાકા બાઘ કે લિયે ખુલા હૈ . મેં કહ્યું : આપ તો ડરા રહે હો . એ બોલ્યો : ડરને કી બાત નહીં હૈ . આજતક બાઘ ને કિસી કો કુછ નહીં કિયા હૈ . યહાં વાઘ આદમી કો નહીં પકડતા હૈ . હમ ઉપર યહી સોતે હૈ . કુછ નહીં કરતા વો . હવે સારું લાગ્યું .
તમે માનશો ? મુનિસુવ્રતજીની દેરીથી ચન્દ્રપ્રભજીના રસ્તે ઉતરવાનું શરૂ કર્યું ત્યાંથી માંડીને છેક જલમંદિર સુધી કોઈ મળ્યું નહીં . એકદમ જ નિર્જન એકાંત હતું . આ શાંત વાતાવરણ સિદ્ધશિલાની યાદ અપાવતું હતું .
ભગવાન્ સિદ્ધશિલામાં બિરાજમાન થયા એનું પ્રસ્થાન અહીંથી થયું . ચૌદમું ગુણસ્થાનક . અનાદિકાલીન કાર્મણ શરીર અને તેજસ શરીરનો નાશ . એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની પ્રક્રિયાનો અંત . આત્માએ સમગ્ર સંસાર પરિભ્રમણમાં સૌ પ્રથમવાર અનુભવી દેહ વિનાની અવસ્થા . અઘાતી કર્મના અનંત અભાવનો પ્રારંભ . ચૌદ રાજલોકના જીવોને કાયમી અભયદાન . સાધક અવસ્થા , વીતરાગ અવસ્થા અને સર્વજ્ઞ અવસ્થાથી આગળ છે સિદ્ધ અવસ્થા . અરિહંત દેશનાદાતા છે એટલે પ્રથમ પરમેષ્ઠી . પણ અરિહંત સાથે કર્મો છે . સિદ્ધ દેશનાદાતા નથી એટલે દ્વિતીય પરમેષ્ઠી . પણ સિદ્ધ સાથે કર્મો નથી . શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન્ , અરિહંત રૂપે દેશના આપતા હતા તે પછી સિદ્ધ રૂપે સર્વ કર્મથી મુક્ત થયા . સમેતશિખરજીની આ સીધા ચઢાણવાળી પહાડીની ટોચ પરથી સાદિ અનંત શુદ્ધિ મેળવી લીધી હતી પ્રભુએ . જ્યાં ચરણપાદુકા છે તેનાથી બરોબ્બર ઉપર સિદ્ધશિલામાં બેઠા છે ભગવાન્ . પ્રભુ ત્યાંથી કૈવલ્ય દ્વારા મને જોઈ રહ્યા છે એવું સમજાતું હતું . એ ચરણપાદુકા સમક્ષ માથું ટેકવીને ત્રણ પ્રાર્થના કરી : મારા હાથે સારાં કામ કરાવજો , મારાં મનને સમાધિમાં રાખજો , મારા અપરાધો માફ કરજો .
જ્વાલામાલિની કલ્પનું સુવર્ણજળ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપયોગી બને છે . જ્વાલામાલિનીના અધિનાયક છે શ્રી ચંદ્રપ્રભજી ભગવાન્ . ભગવાનની ભૂમિ પર ભગવાન્ વધારે પ્રિય લાગે . આપણને પણ અને દેવી દેવતાઓને પણ . આ પહાડની ઊંચાઈ જોઈએ તો વિચાર આવે કે દેવલોક કેટલે ? દીવો બળે એટલે . આ પહાડ ખૂબ ઉર્જાવંત છે , ચમત્કારવંત છે . અદૃશ્ય શક્તિઓ અહીં હાજરાહજૂર છે . મનમાં એવા પ્રાણવંત વિચારો ભરી દે છે આ ભૂમિ કે દેવી દેવતાના વિચારો મનમાં બનતા જ નથી . ફક્ત ભગવાનના જ વિચાર . એક તું , બસ , એક તું , ચારે તરફ દેખાયજી .
દેરીને પ્રદક્ષિણા આપી . ચોતરફ દૂર દૂર સુધી પહાડીઓ જ પહાડીઓ . કહેવાય છે કે શિખરજીને આસપાસ પચાસ કિલોમીટરના વિસ્તારમાં ઘનઘોર જંગલ છે . આપણો ચાલવાનો રસ્તો સહીસલામત છે બાકી એકાદ કિલોમીટર જંગલમાં ચાલીને જઈએ તે પછી કોઈ જગ્યા સલામત નથી . આખાય પહાડ પર લીલીછમ વનરાજી પથરાયેલી હતી . પંખીઓના કલબલાટ હતા . વાંદરાઓની હૂપાહૂપ હતી . તે સિવાય આખોય વિસ્તાર સૂમસામ . ચંદ્રપ્રભજીની ટૂંકની ટેકરી પરથી નીચે ઉતર્યા બાદ શ્રી આદિનાથ દાદાની ટેકરી આવે છે . બે ટેકરીની વચ્ચે એક મોટું ઝાડ છે , એની નીચે બેસીને પાણી ચૂકવ્યું હતું . પાંચ વાગે તે પહેલાં .
એ પછી ઉતાવળ કર્યા વિના આદિનાથજી , અનંતનાથજી , શીતલનાથજી અને સંભવનાથજીની ટૂંક જુહારી હતી . જલમંદિર પહોંચ્યા ત્યારે આસમાનમાં તારા ચમકવા માંડ્યા હતા . થોડો હરખ હતો , એકેએક પ્રભુની ટૂંક જુહારી એનો . થોડો અફસોસ હતો ,જેટલો સમય પારસનાથદાદાની ટૂંકને આપ્યો એટલો સમય બાકી ભગવાનની ટૂંકમાં પણ આપવો જોઈએ . એવું ન થયું એનો . એક ટૂંકમાં વધારે સમય વીત્યો . બાકીની ટૂંકમાં ઓછો સમય વીત્યો . કોઈ એક ભગવાન્ માટેનો પક્ષપાત મનમાં પણ ન બનવો જોઈએ અને વહેવારમાં પણ નહીં . સમયની ઓછપ હતી એટલે આ ગડબડ થઈ . ઓછામાં ઓછી વીશ યાત્રા કરવી જોઈએ અને એક યાત્રા એક ભગવાન્ પર કેન્દ્રિત હોવી જોઈએ .
પાલીતાણામાં નવાણું યાત્રાનું આયોજન થાય છે એ રીતે શિખરજીમાં વીશ કલ્યાણક યાત્રાનું આયોજન કરવું જોઈએ . એક દિવસ એક કલ્યાણકની દેરીને સમર્પિત . પહેલાં દિવસે પહેલાં કલ્યાણકની દેરીમાં સ્નાત્રપૂજા , જાપ , પુષ્પના શણગાર , સામૂહિક ભક્તિ , આરતી મંગલદીવો એમ બધી જ આરાધના કરવાની . ઓટલો નાનો પડે તો શું થઈ ગયું . ઓટલાની ફરતે ઘણી જગ્યા છે . બીજા દિવસે બીજાં કલ્યાણકની દેરી . આમ વીશમા દિવસે વીશમાં કલ્યાણકની દેરી . એકવીશમા દિવસે એક સાથે ૩૧ દેરીઓમાં સામૂહિક અભિષેક . એક કે બે દિવસમાં શિખરજીની યાત્રા પૂરી થઈ શકતી નથી .
આપણા શ્વેતાંબર જૈનોનું વલણ ગજબ છે . મોટાભાગના લોકો જલમંદિર અને ગૌતમ સ્વામીજીને વાંદી લીધા , એમાં યાત્રાની ઈતિ માની લે છે . શિખરજી કલ્યાણકપર્વત છે . શિખરજી પર ચડ્યા પછી કલ્યાણકચૈત્યને જુહાર્યા ન હોય તો યાત્રા અધૂરી ગણાય એવી સમજણ ઓછા લોકોમાં છે . જલમંદિરમાં પ્રતિમાજી છે , પ્રતિમાજી પ્રભાવવંતા છે એ સાચું . પરંતુ કલ્યાણકની સ્પર્શનાનો લાભ તો તે તે ભગવાનની દેરીને જુહારવાથી જ મળે . આ સત્ય ઘણાને યાદ નથી . પહાડ પર ચડીને જલમંદિરમાં પ્રભુ પૂજા કરી એટલે યાત્રા સંપન્ન એવો વહેવાર અમુક અંશે બનેલો છે. . જેટલા શ્વેતાંબરો પહાડ પર આવે છે એ દરેકેદરેક કલ્યાણકની દેરીને જુહારે એવી પ્રેરણા અને સૂચના , શ્વેતાંબર પરંપરાના સર્વ સૂરિભગવંતોએ આપવી જોઈએ .
( પારસનાથજીની ટૂંકયાત્રાનો સ્વતંત્ર લેખ થોડા સમયમાં આવશે . )
ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ દાદા આ ગુફાના આ પથ્થર પર સાક્ષાત્ સદેહે બિરાજમાન થયા હતા . સળંગ એક માસ માટે ઉપવાસ કર્યા હતા . સાથે તેત્રીસ મહાત્માઓ હતા . ગુફાનો આ ભૂવિસ્તાર મહાત્માઓથી ઢંકાયેલો હશે .
પાસનાહ ચરિયં – માં લખ્યું છે કે પાર્શ્વનાથ ભગવાન ઇન્દ્ર મહારાજાના હાથનો અવષ્ટંભ લઈને ધીમે ધીમે શિખરજીનો પહાડ ચડ્યા હતા . वाचस्पत्यम् કોશ અનુસાર અવષ્ટંભ એટલે આલંબન . આનો અર્થ એમ થાય કે ઇન્દ્ર મહારાજાના હાથનો ટેકો લઈને પ્રભુ પહાડ ચડ્યા હતા . પ્રભુ પહાડ ચડી રહ્યા હતા ત્યારે દેવ – દાનવ – કિન્નર – ખેચર , આસપાસ ગીત ગાઈ રહ્યા હતા . પ્રભુ શિખર પર પહોંચ્યા . એક સ્ફટિકની વિશાળ શિલા જોઈ . એની પર બિરાજીને થોડો સમય દેશના ફરમાવી . શું ફરમાવ્યું હશે પ્રભુએ ? પ્રભુ વીરની અંતિમ દેશનાની વિષયવસ્તુ આપણે જાણીએ છીએ . પ્રભુ પાર્શ્વનાથની દેશનાની અંતિમ વિષયવસ્તુ આપણે નથી જાણતા . દેશના પછી સંલેખના ધારણ કરી . દેવો સેવામાં ઉપસ્થિત રહ્યા . એક માસ વીત્યો . પ્રભુનું મોક્ષગમન સંપન્ન થયું . દશાવતારી ભગવાનનો અંતિમ ભવ પૂર્ણ થયો , ભવભ્રમણ પૂર્ણ થયું . પ્રભુનો લક્ષ્યવેધ જ્યાં સધાયો તે આ ગુફા . પ્રભુના સિદ્ધશિલા પરના રાજ્યાભિષેકનું મુહૂર્ત જ્યાં નીકળ્યું તે આ ગુફા . પ્રભુની અશરીર , અકર્મા અને અનાકાર અવસ્થાની સર્વપ્રથમ ક્ષણ જ્યાં આવી તે આ ગુફા . નારકા અપિ મોદન્તે – વાળી મહાન્ પળ જ્યાં આવી તે આ ગુફા . પ્રભુ તેરમાં ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનકે પધારે અને ચૌદમાં ગુણસ્થાનકથી ગુણાતીત સ્થાનકે પધારે આ બે પરમ પ્રક્રિયા જ્યાં સંપન્ન થઈ તે આ ગુફા .
વિચારો અટકી પડે . સંવેદનમાં સુગંધ ઉભરાય . આંખોમાં અહોભાવ છલકાય . હૈયાના ધબકારે ધબકારે અનહદનો નાદ ગુંજે . સાકાર થયા હતા શુભવીરજીના આ શબ્દો :
અવની તળ પાવન કરી અંતિમમાં ચોમાસું જાણ
સમેત શિખર ગિરિ આવિયા ચડતા શિવધર સોપાન
શ્રાવણ સુદી આઠમ દિને વિશાખાએ જગદીશ
અણસણ કરી એકમાસનું સાથે મુનિવર તેત્રીસ
કાઉસગ્ગમાં મુક્તિ વર્યા સુખ પામ્યા સાદી અનંત
એક સમય સમશ્રેણીથી નિ:કર્મા ચઉ દૃષ્ટાંત
સુરપતિ સઘળા તિહાં મળે આણે ક્ષીરોદધિ નીર
સ્નાન વિલેપન ભૂષણે દેવદૂષ્યે સ્વામી શરીર
શોભાવી ધરી શિબિકા વાજિંત્ર નાટક ને ગીત
ચંદન ચય પરજાળતા સુર ભક્તિ શોક સહિત
થૂભ કરે તે ઉપરે દાઢાદિક સ્વર્ગે સેવ
ભાવ ઉદ્યોત ગયે થકે દીવાળી કરતા દેવ
આ વર્ણન અનુસાર એક એક ઘટના બની હતી . પ્રભુનાં શરીરે છેલ્લો શ્વાસ અહીં લીધો . પ્રભુનાં ચરણે છેલ્લો વિહાર અહીં સુધી કર્યો . પ્રભુનાં આયુષ્યની છેલ્લી ક્ષણો આ સ્થળે વીતી . પ્રભુનું છેલ્લું કાર્ય અહીં સંપન્ન થયું : સકલ કર્મ વિનાશનમ્ . આ ગુફામાં પ્રભુના શ્વાસ વસે છે , પ્રભુનો ચરણસ્પર્શ વસે છે , પ્રભુની ક્ષણો વસે છે . ઉર્દૂ ભાષાનો એક શબ્દ છે : પરવાઝ . પંખી આકાશમાં ઊડીને આગળ નીકળી જાય અને એની પાંખનું પીંછું તરતું તરતું નીચે વહી આવે તે પરવાઝ છે . પીંછું હાથમાં લઈને પંખીના ઉડાનની કલ્પના કરીએ તે પરવાઝ સિન્ડ્રોમ છે . શિખરજીની ચરમ ગુફામાં પારસનાથ પ્રભુએ ભરેલી અનંત ઉડાનનો ઉર્જા સ્પર્શ વસે છે : પ્રભુની પરવાઝ .
નિર્વાણશિલા પર સુવર્ણમંડપિકા છે . સોનેરી થાંભલીઓની ચૈત્યકુલિકા . નાજુક નમણું ચરણયુગલ . શ્યામલ પાષાણની રચના. . એવું નથી કે ફક્ત ચરણ પૂજનીય છે , સમગ્ર પાષાણશિલા પૂજનીય છે . બે હથેળી અને દશ આંગળીથી પ્રભુનો સ્પર્શ હાથમાં લેવાનો અને મસ્તકે ચઢાવવાનો . એ જ યાત્રા છે , એ જ પૂજા છે .
ગુફાની ઉપર જિનાલય છે . એમાં સુવર્ણ ચૈત્ય છે . ત્યાં પણ ચરણ પાદુકા છે . જિનાલયનું શિખર ઘણું ઊંચું છે . ત્રેવીસમા ભગવાનનું શાસન ફક્ત અઢીસો વર્ષ ચાલ્યું , સૌથી ઓછું ચાલ્યું . પરંતુ ભગવાનનો ઠાઠમાઠ સૌથી વધારે છે . પારસજીનાં ૧૦૮ નામ મળે છે , ૧૦૦૮ નામ મળે છે , ગણ્યા ના ગણાય એટલાં તીર્થ છે , જિનાલય છે , જિનબિંબ છે , મંત્રો છે , સ્તોત્રો છે , સ્તવનો છે , કથાનકો છે . આની ખુશાલીમાં મોક્ષ કલ્યાણક જિનાલયનું શિખર ઊંચી અને ટટ્ટાર ગરદન સાથે આસમાનને આંબી રહ્યું છે .
ગુફામાં અને જિનાલયમાં ઘણીઘણી ભીડ હતી . પારસ પ્રભુ ખૂબ મળ્યા , એકાંત બિલકુલ ના મળ્યું .
વિહારનો રસ્તો . ગયાથી ઔરંગાબાદ શેરઘાટી થઈને જવાનું હતું . ગૂગલ મેપથી બીજો એક રસ્તો દેખાતો હતો . પણ એનો અંદાજ નહોતો . ગયામાં જૈન ભવનના મેનેજરનાં મોઢેથી જાણવા મળ્યું કે રફીગંજના રસ્તે જશો તો થોડાક કિ.મી. ઓછા થશે . અમે નીકળી પડ્યા . ગઈકાલે સાંજે કાષ્ટા પંડિત દીઘામાં રોકાયા . રહેવાનું હતું સ્કૂલમાં પણ સાંજે અમે પહોંચ્યા ત્યારે ખબર પડી કે હેડ માસ્તર તો ચાવી લઈને ગયા જતા રહ્યા છે . ઠંડીની મૌસમ . સ્કૂલના વરંડામાં જ સૂઈ જવાનો વિચાર બન્યો . ત્યાં ચાર પાંચ યુવાનો આવ્યા . કહેવા લાગ્યા કે પાની કી ટંકી કે નીચે કમરા હૈ , છોટા હૈ . દેખ લો . અમે હા પાડી . ટંકીની પાસે જઈ જ રહ્યા હતા ત્યાં બીજા એક યુવાને કહ્યું કે આપ ઘર મેં રહેંગે ? મેં પૂછ્યું : ઘર મેં કોઈ રહતા હૈ ? એમણે કહ્યું : ના , ના . ઘર ખાલી હૈ. અમે એનાં ઘરે પહોંચ્યા . બંગલા જેવું નાનકડું ઘર હતું . એમાંનો સૌથી સરસ ઓરડો રહેવા આપ્યો . એે ઘરના માલિક હતા મહેન્દ્ર જાદવ . હોમિયોપેથી ડોક્ટર હતા . ઘણી લાગણીથી ઘણી વાતો કરી . આજ સવારે વિહાર થયો ત્યારે વળાવવા આવ્યા હતા . વાતો વાતોમાં એમણે કહ્યું : જિંદગી મેં ધર્મ , કર્મ ઔર પ્રેમ હો તો સબ આ ગયા . ધર્મ ભૂલવાનો નહીં. પુરુષાર્થ ચૂકવાનો નહીં. પ્રેમ ટાળવાનો નહીં. કોઈ પણ પૂર્વસૂચના વગર અમે કાષ્ટા પહોંચ્યા હતા . એક અજાણ્યા ભાગ્યશાળીએ પોતાનું ઘર રહેવા માટે આપી દીધું . મુનિવેશનું કેવું ગૌરવ ? એનાં ઘરે પહેલી જ વાર સાધુ આવ્યા અને રોકાયા હતા . એ બહુ રાજી હતો . એનો દીકરો પણ .
આજ સવારે અંબા શંબા ગામમાં રોકાયેલા . સાંજે રફીગંજ આવ્યા . ગામમાં દિગંબર જૈન મંદિર છે . એમની બે ધર્મશાળા છે . શ્વેતાંબર ઘર કોઈ જ નહીં. કોઈ જ પૂર્વસૂચના વિના સાંજે પહોંચેલા . સંકોચ હતો કે દિગંબર લોકોનાં ગામમાં આદર સત્કાર કેવો મળશે ? આશ્ચર્ય એ થયું કે અમને તરત જ જૈન ભવનમાં રહેવા માટે એમણે વ્યવસ્થા કરી આપી . એક પછી એક એમ ઘણા લોકો મળવા આવ્યા. છેલ્લે ખબર પડી કે આ ગામમાં શ્વેતાંબર સાધુ સર્વપ્રથમ વાર આવ્યા હતા . જે બધા મળ્યા એમના મોઢે એક જ વાત હતી કે આજ હમ ધન્ય હો ગયે . હમને હમારે ગાંવ મેં પહેલી બાર શ્વેતાંબર મુનિ કો દેખે .
ગયાથી નીકળ્યા ત્યારે ખબર નહોતી કે કેવી જગ્યા મળશે . ગઈકાલે બંગલો હતો , આજે જૈન ભવનનો હૂંફાળો ઓરડો છે . અજાણ્યા પ્રદેશમાં બિલકુલ આત્મીય જન જેવો મીઠો મીઠો આવકાર મળ્યો . જૈન શાસનની ગરિમાને શત શત વંદન .
સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ .
સિદ્ધગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીનો મહિમા એ છે કે તેઓ ગિરિરાજ પરથી સર્વ પ્રથમ મોક્ષગામી બન્યા . આજે ગિરિરાજ પર પુંડરીક સ્વામીજીનું સુંદર જિનાલય છે . સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ . પરંતુ પ્રભુનું જિનાલય જુઓ તો સાવ નાની દેરી. અજિતનાથજીનું જિનાલય તારંગામાં છે . શું એનો દબદબો અને ઠાઠમાઠ ? શિખરજીમાં પારસનાથજીનો મુખ્ય જયજયકાર છે , દેખાઈ આવે છે . સિદ્ધગિરિરાજ ઉપર આદીશ્વર દાદાનો દબદબો છે પરંતુ પુંડરીક સ્વામીજીનો પણ એક અલગ ઠાઠમાઠ છે . ચૈત્રી પૂનમે તમે પુંડરીક સ્વામીજીનાં દર્શન કરવા જાઓ . જગ્યા નહીં મળે . ફળ નૈવેદ્યનો અંબાર રચાયેલો હશે . આદીશ્વર ભગવાનની મુખ્યતા જળવાયેલી રહે એ રીતે પુંડરીક સ્વામીજીનો ઠાઠમાઠ જે રીતે પાલીતાણામાં છે તે રીતે અજિતનાથ ભગવાનનો ઠાઠમાઠ શિખરજી પર નથી . દેરી નાની છે . પ્રતિમા નથી . ચરણ પાદુકા છે . વીસ લોકો માંડ બેસી શકે એટલો ચોતરો છે દેરીની આગળ . યાત્રાળુઓનું ધ્યાન પણ પારસનાથજી પાસે પહોંચવા પર લાગેલું હોય છે . દર્શન વંદન ફ્ટાફ્ટ કરીને નીકળી જાય છે લોકો . અમુક લોકો તો દર્શન પણ કરતાં નથી , બાયપાસ .
આ અવસર્પિણીમાં આદીશ્વર દાદા પહેલી વાર સિદ્ધગિરિ પર પધાર્યા . એની યાદમાં આજે પણ ગિરિરાજ પર મુખ્ય સ્થાને દાદા બિરાજીત છે . આ અવસર્પિણીમાં અજિતનાથ દાદા પહેલી વાર સમ્મેતગિરિ પર પધાર્યા . એની યાદમાં આજે પણ સમ્મેતગિરિરાજ પર મુખ્ય સ્થાને અજિતનાથ દાદા બિરાજીત છે એવું દૃશ્ય નથી . આ અજીબ લાગે છે .
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં જણાવ્યું છે કે શ્રી અજિતનાથ ભગવાન્ મોક્ષ ગતિ સાધવા શિખરજી ઉપર પધાર્યા ત્યારે દરેક ઈન્દ્રનાં સિંહાસન કમ્પાયમાન થયાં હતાં . પ્રભુ એક માસનું અનશન કરવાના છે અને અંતે મોક્ષમાં પધારવાના છે એની જાણ ઈન્દ્રોને થઈ . ઇન્દ્રો અગણિત દેવો સાથે પ્રભુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા . પ્રભુએ અને એક હજાર મહાત્માઓએ અનશનનો પ્રારંભ કર્યો . એક માસ સુધી અનશન ચાલ્યું . ઇન્દ્રો અને દેવો એક માસ સુધી પ્રભુની સેવામાં જ રહ્યા . અનશન પૂર્ણ થયું . આયુષ્ય પૂર્ણ થયું . એની સાથે જ સંસારનું પરિભ્રમણ પર પૂર્ણ થયું. ચૈત્ર સુદ પાંચમે પ્રભુ મોક્ષમાં બિરાજમાન થયા. દેવતાઓએ ઈન્દ્રના આદેશ અનુસાર પ્રભુની અંતિમ વિધિઓ કરી . પ્રભુનો અગ્નિસંસ્કાર થયો . પ્રભુની કાયા ભસ્માવશેષ થઈ . પ્રભુના દાંત અને અસ્થિ દેવલોકમાં પહોંચ્યા . ( પર્વ ૨ : સર્ગ ૬ : શ્લોક ૬૭૧ થી ૬૮૨ ) આ થોડાક વાક્યમાં જેનું વર્ણન લખ્યું છે એ ઘટના અત્યંત વિરાટ્ છે .
અજિતનાથ પ્રભુની દેરી તે પ્રભુના માસક્ષમણની ભૂમિ છે , મોક્ષ કલ્યાણકની ભૂમિ છે . એક આત્મા પણ મોક્ષમાં જાય તો મોટી વાત ગણાય . અહીં તો પ્રભુની સાથે એક હજાર મહાત્માઓ મોક્ષમાં ગયા હતા. કેટલી મોટી ઘટના ? આજે વ્યાખ્યાનમાં પણ ૧૦૦૦ માણસો મુશ્કેલીથી ભેગા થતા હોય છે . પ્રભુનો પ્રભાવ કેવો કે પ્રભુની સાથે મોક્ષમાં જનારા આત્માઓની સંખ્યા ૧૦૦૦ હતી . પ્રભુનાં મોક્ષકલ્યાણકની ઘટના ત્રિલોકમાં સુખની લહર ફેલાવે છે . જે સ્થાનથી ત્રિલોકી સુખનાં નિર્માણ થયા એ સ્થાનનું ગૌરવ કેટલું મોટું ? સૌથી અગત્યની વાત : પ્રભુ જે જગ્યાએ આવવાનો નિર્ધાર કરે છે , અનશન માટે બિરાજમાન થવાનો નિર્ધાર કરે છે એ ભૂમિ કેવી મહાન્ ?
શ્રી આદિનાથ ભગવાનની મોક્ષકલ્યાણકની ભૂમિ અષ્ટાપદ છે . પ્રભુના અગ્નિસંસ્કારના સ્થળે બનેલો સિંહનિષદ્યા પ્રાસાદ આપણી માટે અગોચર છે . આપણી માટે ત્રેવીસ પ્રભુનાં મોક્ષ કલ્યાણક ચૈત્ય ઉપલબ્ધ છે . એમાંનું સર્વપ્રથમ ચૈત્ય છે શ્રી અજિતનાથ પ્રભુનું મોક્ષ કલ્યાણક ચૈત્ય . અષ્ટાપદ જિનાલયનું આકર્ષણ બધાને છે . જેટલું આકર્ષણ અને જેટલો અહોભાવ અષ્ટાપદ માટે છે એમાંનો થોડો અંશ અજિતનાથ પ્રભુનાં મોક્ષ કલ્યાણક ચૈત્ય માટે બનવો જોઈએ . જો અષ્ટાપદની યાત્રા કરવા મળે તો જે રોમાંચ સાથે અષ્ટાપદની યાત્રા કરીએ એ જ રોમાંચ સાથે અજિતનાથ ભગવાનનાં મોક્ષ કલ્યાણક ચૈત્યની યાત્રા થવી જોઈએ . આજે સૌ લોકો ઉતાવળે ઉતાવળે અજિતનાથ ભગવાનનાં મોક્ષ કલ્યાણક ચૈત્યની યાત્રા કરે છે .
એ સમય હતો જ્યારે આ સ્થાને અજિતનાથ પ્રભુની કાયાને દેવોએ અંતિમસ્નાન કરાવ્યું હતું , ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું હતું , હંસલક્ષણ વસ્ત્ર પહેરાવ્યું હતું , દિવ્ય આભૂષણોની સજ્જા રચી હતી , શિબિકામાં બિરાજમાન કરી હતી . એ શિબિકા ગોશીર્ષચંદનનિર્મિત ચિતામાં બિરાજમાન થઈ . અગ્નિકુમાર દેવોએ વહ્નિ પ્રજ્વલિત કર્યો હતો , વાયુકુમાર દેવોએ હવા વહેતી મૂકી હતી . ઇન્દ્રના આદેશથી અનેક અનેક દેવોએ અગ્નિમાં ઘી , કપૂર અને કસ્તૂરીની આહુતિ કરી હતી . પ્રભુની કાયા ભસ્મસાત્ થઈ તે પછી મેઘકુમાર દેવોએ જલ વરસાવીને વહ્નિ જ્વાલા શાંત કરી હતી . પ્રભુની ચાર દાઢાને સૌધર્મ , ઈશાન , ચમર અને બલી ઈન્દ્ર દ્વારા લેવામાં આવી . પ્રભુના દાંતને ઇન્દ્ર લઈ ગયા , અસ્થિને દેવતાઓ લઈ ગયા . દેવલોકમાં દાઢા – દાંત – અસ્થિની પૂજા , શાશ્વત મૂર્તિની જેમ થવા લાગી . સમ્મેતની આ ભૂમિ પર સ્તૂપની રચના થઈ .
શિખરજી પર શ્રી અજિતનાથ પ્રભુની નાનકડી દેરીમાં સમગ્ર બ્રહ્માંડ થંભી જાય એવી ઘટનાઓના ધબકારા વસે છે . બીજા તીર્થંકર ભગવાનની દેરી પાસેથી ત્રેવીસમા ભગવાનનું ચૈત્ય દેખાતું હતું . ત્યાંની ભીડ અને અહીંની અવરજવરમાં ફરક હતો તે વર્તાતો હતો . જે સિદ્ધશિલા અને સિદ્ધ અવસ્થા શ્રી અજિતનાથ દાદાને મળી છે એ ની એ જ સિદ્ધશિલા અને સિદ્ધ અવસ્થા પારસનાથ દાદાને મળી છે . ત્યાં કશો ફરક નથી . ફરક માણસોએ રચેલો છે . જેટલું વિશાળ ચૈત્ય પારસનાથ દાદાનું છે એવું જ વિશાળ ચૈત્ય શ્રી અજિતનાથ ભગવાનનું હોવું જોઈએ. એ ન બને તો કમસેકમ એટલું તો બનવું જ જોઈએ કે જેટલો આદરસત્કાર અને જેટલો સમય પારસનાથ દાદાને મળે છે એટલો આદરસત્કાર અને એટલો સમય અજિતનાથ દાદાને મળવો જોઈએ . મેં શાંતિથી ચૈત્યવંદન કર્યું , સ્તવન ગાયું , જા૫ કર્યો . અયોધ્યા અને અન્ય તીર્થોને ખૂબ યાદ કર્યા . મનમાં એક વિચાર બન્યો કે જે રીતે સિદ્ધગિરિરાજ ઉપર અજિત શાંતિ સ્તોત્રની રચના થઈ છે એ રીતે સમયથી શિખરજી ઉપર અજિત પાર્શ્વ સ્તોત્રની રચના થઈ શકે કારણ કે બંને ભગવાનનાં ચૈત્ય એક સાથે જોઈ શકાય છે . કંઈક કરશું જરૂર .
રોજેરોજના વિહારમાં લખવાનો સમય હવે મળે છે . તીર્થસ્પર્શનાના દિવસોમાં સમય મળતો નહોતો . સૂરજ સવારે છ વાગ્યાની આસપાસ ઉગે , સાંજે પાંચ સવાપાંચે ડૂબે . દિવસનો ઘણોખરો સમય વિહાર અને યાત્રામાં પૂરો થઈ જતો હતો . લગભગ રોજ એવું થતું કે સૂર્યાસ્તના એક કલાક પહેલાં ફ્રી થવાય . વાપરવાનું પતે ત્યારે સૂરજ અલવિદા લેતો હોય . શિખરજી : ૨૦૨૪ની ડિસેમ્બર ૨૫ , ૨૬ , ૨૭ . લછવાડ : ૨૦૨૫ની જાન્યુઆરી ૩ , ૪ . ગુણિયાજી : જાન્યુઆરી ૬ . પાવાપુરી : જાન્યુઆરી ૭ , નાલંદા : જાન્યુઆરી ૮ . રાજગૃહી : જાન્યુઆરી ૯ , ૧૦ . ચરંડીહ : જાન્યુઆરી ૧૧ . આજનો મુકામ છે લોહજરા : જાન્યુઆરી ૧૨ .
આશરે છવ્વીસ વરસ પછી બીજીવાર યાત્રા કરવાનો લાભ મળી રહ્યો હતો . પહેલીવાર યાત્રા કરી ત્યારે એમ લાગતું હતું કે બીજીવાર આવવાનું નહીં થાય .
ભ્રમણા હતી એ . બીજીવાર આવવાનું થયું જ હતું . પહેલીવારની યાત્રા કરતાં સાવ અલગ રીતે બીજી વખતની યાત્રાઓ થઈ હતી . એકએક દિવસ કમાલ રહ્યો હતો યાત્રાનો . મારે ફાગણ સુદ ત્રીજના દિવસે વર્ધા પહોંચવાનું અને મારો વિહાર થયો માગસર વદ ચૌદશના દિવસે . સમયની ખેંચતાણ હતી જ . છતાં યાત્રાઓ કર્યા વિના નીકળવાનું ના હોય . પાક્કું હતું . હું પરમ દિવસે સાંજે રાજગીરીથી નીકળ્યો ત્યારે જે યાત્રાઓ કરી શકાય તેમ હતી તે કરી લીધી હતી . શરૂઆત શિખરજીથી થઈ હતી .
પહાડની પરિપાટી શ્રીકુંથુનાથપ્રભુની દેરીથી શરૂ થઈ હતી . હજારો યાત્રાળુઓ આવ્યા હતા . દેરીએ દેરીએ ભીડ હતી . નાનકડી દેરીના ગોખમાં ઢગલો ચોખાબદામલવિંગ ચડ્યા હતા . એની પર ગડી વાળેલી ચિટ્ઠી પડી હતી . પહેલાં તો મને થયું કે એ ચિટ્ઠીને અડવું નથી . પછી થયું કે વાંચીને પાછી મૂકી દઈશ . ચિટ્ઠી ઊઠાવી . ખોલીને વાંચી . જેણે લખી હતી એનું નામ જાહેર નથી કરવું . એને શિખરજીના દરબાર પર શ્રદ્ધા કેવી હશે કે પોતાના જીવનની બધી સમસ્યા પ્રભુ સમક્ષ વ્યક્ત કરી દીધી હતી . અડધું અંગરેજી અને અડધું હિન્દીમાં લખ્યું હતું . ભગવાન્ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરવાથી , સમાધિ અને શાંતિ મળે છે . ભગવાન્ પાસે ભીખ માંગીએ એ ખોટું . પરંતુ ભગવાન્ જગતના સર્વસત્તાધીશ છે , એવી શ્રદ્ધા આદરપાત્ર છે . એ ચિટ્ઠીનું કર્મચારીઓ શું કરત , ખબર નથી . મેં એ ચિટ્ઠી મારી પાસે રાખી લીધી . ખુલ્લી કિતાબની જેમ પડેલી આ ચિટ્ઠી વાંચીને મેં ભગવાનને પ્રાર્થના કરી . તમે પણ કરજો .
વિચાર એ આવતો રહ્યો કે પ્રભુના દરબારમાં કેવા કેવા લોકો , કેવી કેવી અરજી લઈને આવતા હશે ? જ્ઞાની પણ આવે અને અજ્ઞાની પણ આવે . તપસ્વી પણ આવે અને ખાણીપીણીના શોખીન પણ આવે . ધર્મી પણ આવે અને અધર્મી પણ આવે . જૈન પણ આવે અને અજૈન પણ આવે . શ્વેતાંબર પણ આવે અને દિગંબર પણ આવે . વિદેશી પણ આવે અને ઝારખંડીઓ પણ આવે . પહાડ પરની દેરીઓની સમક્ષ આવેલા ભક્તોની વિધવિધ ભૂમિકાઓ હશે , પોતપોતાની ભૂમિકા અનુસાર અરજીઓ થઈ હશે , અરજીઓનો સ્વીકાર થયો જ હશે . જેને અરજીનો જવાબ મળ્યો એમની અનુભૂતિ કેવી હશે ? કોઈ અરજી કરતાં કરતાં ગદ્ગદ થાય અને કોઈ અરજીનો સ્વીકાર થયો છે એનો અનુભવ પામીને કૃતજ્ઞતા અનુભવે . સમગ્ર પર્વતરાજ પર અરજીઓનો આત્મીયભાવ છલકે છે અને અરજીની સ્વીકૃતિનો ભાવ ફોરતો રહે છે .
શ્રી મુનિસુવ્રત ભગવાન્ . રાજગૃહીના રાજાધિરાજ . પ્રભુની કથા સિરિ મુણીસુવ્વયચરિયંમાં વિસ્તારથી લખાઈ છે . પ્રભુ રાજગૃહીમાં પધાર્યા તે પૂર્વે પ્રભુની આઠ ભવની યાત્રા થઈ .
પ્રથમ ભવ : જંબૂદ્વીપ . ઐરવત ક્ષેત્ર . માકંદી નગરી . પિતા વિશ્વભૂતિ . માતા વિશ્વદત્તા . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ શિવકેતુ . સૂરમુનિના સત્સંગથી પ્રેરણા પામીને માત્ર આઠ વરસની વયે આચાર્ય શ્રી ભુવનતુંગજી પાસે દીક્ષા લીધી . બાવીસ દિવસ દીક્ષા પાલન કર્યું એમાં છેલ્લા સાત દિવસ અનશન કર્યું .
દ્વિતીય ભવ: પ્રથમ દેવલોકમાં દેવ બન્યા .
તૃતીય ભવ : જંબૂદ્વીપ . મહાવિદેહ ક્ષેત્ર . પુષ્કલાવતી વિજય . વિશ્વપુર નગર . પિતા વિશ્વકાંત રાજા . માતા વિશ્વકાંતા રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ કુબેરદત્ત . પિતા વિશ્વકાંતે દીક્ષા લીધી . કુબેરદત્ત રાજા બન્યા . લાંબા સમય બાદ કુબેરદત્ત રાજાએ પિતામુનિ પાસે દીક્ષા લીધી .
ચોથો ભવ : તૃતીય દેવલોકમાં દેવ બન્યા .
પંચમ ભવ : જંબૂદ્વીપ . મહાવિદેહ ક્ષેત્ર . ગંધાવતી વિજય . ગંધમાદનપુર નગર . પિતા વજ્રનાભિ રાજા . માતા શુભાવતી રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ વજ્રકુંડલ . પિતાએ દીક્ષા લીધી તે પછી એ રાજા બન્યા . લાંબા સમય બાદ એમણે આચાર્ય વિમલયશસૂરિજી પાસે દીક્ષા લીધી .
છટ્ઠો ભવ : પંચમ દેવલોકમાં દેવ બન્યા .
સપ્તમ ભવ : જંબૂદ્વીપ . ભરત ક્ષેત્ર . ચંદ્રપુર નગર . પિતા નરપુંગવ રાજા . માતા પુણ્યશ્રી રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ શ્રીવર્મ . પિતાએ દીક્ષા લીધી તે પછી એ રાજા બન્યા . લાંબા સમય બાદ આચાર્ય શ્રી નંદનસૂરિજી પાસે દીક્ષા લીધી . વીશ સ્થાનક આરાધીને તીર્થંકર નામકર્મ બાંધ્યું .
આઠમો ભવ : દશમા દેવલોકમાં દેવ બન્યા .
નવમ ભવ : દેવાધિદેવ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન્ .
પ્રભુની ભૂમિ પર પ્રભુને ભાવે જુહાર્યા . પરમ ધન્યતા .
આજે હું સીતારામપુર છું . રાજગૃહીની પહાડીને અડોઅડ ગામ . છતાં રાજગૃહીથી ૧૦ કિલોમીટર દૂર . સ્કૂલમાં ઉતારો . મેદાનમાંથી દૂરદૂરનો ફેલાવો બનાવતો પહાડ . શાંત સન્નાટો . પોષ સુદ એકાદશીની ચાંદની . રાજગૃહીની પહાડીઓનો વર્ણ શામળો નથી . પહાડીના પથ્થર ધોળા છે . બે દિવસમાં લગભગ આઠેક કલાક પહાડ સાથે વીત્યા હશે એટલે પથ્થરનો રંગ યાદ રહી ગયો છે . એટલો ઉજળો પાષાણ છે આ પર્વતનો કે એ પાષાણમાંથી પ્રતિમા કેમ નથી બનાવતા , એવો પ્રશ્ન થાય . શિખરજીની યાત્રા કરી છે , સિદ્ધગિરિની યાત્રા કરી છે પરંતુ રાજગૃહી ? આઠમનાં સ્તવનની પહેલી કડીના પહેલા શબ્દમાં વસે છે રાજગૃહી શુભ ઠામ . સિરિ સિરિવાલ કહા-ના ગૌતમ ગુરુ રાજગૃહી પધારીને નવપદની દેશના ફરમાવે છે : અરિહાઈ નવપયાઈં ઝાઇત્તા , આ ગાથા પર કેટલીય વાર વ્યાખ્યાન આપ્યાં છે . હિયય કમલ મજ્ઝંમિ , આ કડીના આધારે લોટસ મેડિટેશન કર્યું છે , કરાવ્યું છે . ધન્નાજીની સાત માળની હવેલી અને એમની આઠ પત્નીઓની અલગ અલગ સાત માળની હવેલીઓ એમ નવ હવેલીઓમાં રહેનારું કુટુંબ રાજગૃહીએ જોયું છે . શાલિભદ્રજીની નવાણું પેટી અને પુણિયા શ્રાવકની સામાયિક રાજગૃહીએ જોઈ છે . સુધર્મા સ્વામીજીની દેશના અને જંબૂકુમારની રાત્રિકથા રાજગૃહીએ સાંભળી છે . નંદ મણિયારનો મંડૂક અવતાર અને રાજા શ્રેણિકની જેલ રાજગૃહીની નજર સામે બનેલી ઘટના છે . ગૌશાળો પ્રભુ વીરને ગળે પડ્યો રાજગૃહીથી .
રાજગૃહીની કથાઓ અગણિત છે . આખી રાત વીતી જાય તો પણ રાજગૃહીની વાર્તા ખતમ ના થાય . અત્યારે ચાંદનીનું અજવાળું રેલાયેલું છે એમાં લખવા બેઠેલો છું તો દૂર થી શિયાળ રોવાનો અવાજ સંભળાઈ રહ્યો છે . તે સિવાય ભેંકાર એકાંત છે . અડધા ખોબા જેવું સીતારામપુર ધાબળા ર્વીટાળીને પોઢી ગયું છે . રાજગૃહીના પંચ શૈલની સફેદ ચટ્ટાનો ચાંદાના અજવાળે ચમકી રહી છે . મને ત્રણ ચાર પહાડી દેખાઈ રહી છે તે લગભગ સ્વર્ણગિરિની શૃંખલા છે . અત્યારે સાડા દસ થયા છે . હવે વિશ્રામનો સમય થયો .
પાછલા પાંચ દિવસોમાં – ક્ષત્રિયકુંડ , કુંડઘાટ , લછવાડ , પાવાપુરી , ગુણિયાજી , કુંડલપુર , નાલંદા , રાજગૃહીની યાત્રા થઈ છે. આ એક અખવાડિયું સાકાર થયેલું સોનેરી સપનું બની ગયું છે . બધું વિગતે લખીશ . આજે चत्तारि मंगलं ।
