ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાની પાંચ વિશેષતાઓ બહુ પ્રેરણાદાયક છે
શું જીવન આટલી ઝડપથી બદલાઈ શકે ? માની શકાતું નથી . પણ હકીકત આ જ છે . શિષ્યો જેમનાં નામની આગળ વિહરમાન ગચ્છાધિપતિ લખતા હતા એમનું નામ હવે સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ તરીકે લખાશે . પરિસ્થિતિ બદલાઈ ગઈ છે .
વિ.સં.૨૦૬૭માં તેઓ ગચ્છાધિપતિ પદે બિરાજમાન થયા . એ વખતે સમુદાયમાં ૧૩૫૦ સાધુસાધ્વીજી હતાં . આશરે ચૌદ વરસનો ગચ્છાધિપતિ પદ પર્યાય એમનો રહ્યો . વિ. સં . ૨૦૮૧માં એમના કાળધર્મ વખતે સમુદાયમાં સાધુસાધ્વીજીની સંખ્યા ૨૦૦૦થી વધુ થઈ ચૂકી હતી . એમના ગચ્છાધિપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન સમુદાયમાં ૬૫૦થી વધુ દીક્ષાઓ થઈ . આને કહેવાય પ્રચંડ પુણ્યાઈ . એમના અગ્નિસંસ્કારના ચડાવા પરથી પણ એમનું પુણ્ય કેટલું ઊંચું હતું તે સકલ શ્રી સંઘને સમજાયું .
દર વરસે ચોમાસાની સામૂહિક જય બોલાવવાનો અવસર એમની નિશ્રામાં ઉજવાતો . પોષ સુદ તેરસનો દિવસ નિશ્ચિત હોય . ૫૦ થી ૭૦ સંઘોમાં અલગ અલગ મહાત્માઓનાં ચોમાસા થશે એની જય બોલાય , એક જ દિવસે . એ વખતે ૭૦ થી વધુ સંઘો વિનંતી કરવા ઉપસ્થિત થયા હોય . જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા પાલીતાણા પધાર્યા ત્યારે એક સાથે ૭૨ સંઘો એમની નિશ્રામાં ઉપસ્થિત થયા હતા એવું આપણે ઇતિહાસમાં વાંચ્યું છે . ચાતુર્માસિક જયોત્સવમાં એ જૂના ઇતિહાસની ઝાંખી રચાતી હોય એવો ઇતિહાસ એવો અદભુત માહોલ બનતો . આ વખતે પોષ સુદ તેરસનો જયોત્સવ બીજી તારીખ પર ઠેલાયો ત્યારે કુદરતનાં એંધાણ કોઈને સમજાયા નહીં. વધારે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે એમની આજ્ઞા અનુસાર ૨૦૦ થી વધુ સંઘોમાં સાધુસાધ્વીઓ ચોમાસું કરતાં . વિ.સં. ૨૦૮૦ની સાલમાં ૯૬ સંઘોમાં એમની આજ્ઞા અનુસાર શ્રમણ ભગવંતોનાં ચોમાસા થયાં અને આશરે ૧૭૦થી વધુ સ્થાનોમાં શ્રમણી ભગવંતોનાં ચોમાસા થયાં . વિ.સં. ૨૦૮૦ની સાલમાં ચોમાસું બેસે તે પહેલાના આઠ મહિનામાં એમની આજ્ઞાથી ૫૫ દીક્ષાઓ થઈ હતી , ૧૧ પદવીઓ થઈ હતી . આપણે આ વાતો કરી તે કેવળ ગચ્છાધિપતિ પદની ભૂમિકાની છે . બાકી એમના હાથે કેટલી દીક્ષાઓ થઈ એની સંખ્યા પણ ઘણી મોટી છે અને એમની પ્રેરણાથી કેટલી દીક્ષાઓ થઈ એની સંખ્યા પણ ઘણી મોટી છે . એમની સ્વયંની નિશ્રામાં દર વર્ષે સામૂહિક દીક્ષા થતી જેને સંવેગરંગોત્સવનું નામ આપવામાં આવતું હતું . એમની નિશ્રામાં થયેલા ઉપધાન , છરી પાલક સંઘ અને અંજનલાકા પ્રતિષ્ઠા મહોત્સવોની સંખ્યા ઘણી જ મોટી છે . એમ કહેવાતું કે એમનું ચોમાસું જ્યાં થાય ત્યાં ચોથા આરા જેવું વાતાવરણ સર્જાય છે . વરસો સુધી પાંચમા આરામાં ચોથા આરા જેવું વાતાવરણ સર્જીને છેવટે એમણે મહાવિદેહમાં પ્રવર્તમાન રિયલ ચોથા આરાની સ્પર્શના પામવા માટે , વિ.સં.૨૦૮૧ પોષ વદ નોમે સાંજે સવા છ વાગે , ભરત ક્ષેત્રથી મહાપ્રયાણ કરી લીધું . ૨૦૦૦થી વધુ સાધુસાધ્વીઓનો સમગ્ર સમુદાય આ અલવિદાથી હતપ્રભ છે .
એમની પાંચ વિશેષતાઓ સમગ્ર સમુદાય અને સકલ શ્રી સંઘ માટે પ્રેરણાદાયક છે .
એક . તેમણે વિદ્યાર્થી અવસ્થામાં ઉત્કૃષ્ટ જ્ઞાનોપાર્જન માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો . દીક્ષા પછીનાં વીશ વરસમાં એમણે વીશ હજારથી વધુ શ્લોકો કંઠસ્થ કર્યા હતા . દીક્ષા પૂર્વે માત્ર આઠ વર્ષની ઉંમરે એમણે પાંચ પ્રતિકમણ , નવ સ્મરણ , ચાર પ્રકરણ અને ત્રણ ભાષ્યનો અભ્યાસ પૂરો કરી લીધો હતો . ૬૦૦૦ શ્લોક પ્રમાણ સિદ્ધહેમશબ્દાનુશાસન એમણે એક વર્ષમાં કંઠસ્થ કરી લીધું હતું . તત્ત્વાર્થાધિગમ સૂત્ર કંઠસ્થ કરવામાં એમને ફક્ત ત્રણ જ કલાક લાગ્યા હતા . એક દિવસમાં એકસો ગાથા કંઠસ્થ કરવાનું એમની માટે એકદમ આસાન હતું . પાંચ ગાથા ગોખવામાં એમને થોડી જ મિનિટ્સ લાગતી . વ્યાખ્યાન આપવાનું શરૂ થયું અને લોકપ્રિય પ્રવચનકાર બન્યા એ પછી પણ તેઓ વડીલો પાસે વિવિધ વાચનાઓ લેતા રહ્યા હતા . તીવ્ર સ્મરણશક્તિ અને ઊંડી વિચારશક્તિને લીધે તેઓ વિદ્યાગુરુઓના પ્રિય વિદ્યાર્થી બન્યા હતા . વિનય , વિવેક અને વિચારશીલતા દ્વારા એમણે પોતાની વિદ્યાર્થી અવસ્થાને પ્રાણવાન્ બનાવી હતી . તેઓ સૂત્રબોધની સાથેસાથે પદાર્થવિજ્ઞાન અને અધ્યવસાયશુદ્ધિના પારંગત બન્યા હતા . આનું પરિણામ એ આવ્યું કે એમનાં પ્રવચનો પૂર્ણતઃ શાસ્ત્રનિષ્ઠ રહેતા , એમનું માર્ગદર્શન જેને મળે તે સિદ્ધાંત સાથે જોડાયેલો જ હોય .
બે , તેઓ વડીલોની છત્રછાયામાં વડીલોને શત પ્રતિશત સમર્પિત બનીને રહેતા હતા . દીક્ષા પછી સળંગ અગિયાર વરસ સુધી શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં સાનિધ્યમાં રહ્યા . શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા , શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા , શ્રી પદ્મવિજયજી મહારાજા , શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા જેવા ધુરંધર ભગવંતો પાસેથી એમણે લખલૂંટ વારસો મેળવ્યો હતો . વડીલોની સાથે રહીએ પરંતુ વડીલોને દાદ ના દઈએ , વડીલોને વફાદાર ન રહીએ તો વડીલોથી કૃપાથી વંચિત રહી જવાનો વારો આવે છે . વડીલોની ભાવના સમજતા . વડીલોની ઈચ્છાને શિરોધાર્ય બનાવતા .વડીલોને ગમે એ જ એમને ગમતું . વડીલોને ન ગમે તે એમને ના ગમતું . વડીલોની સૂચનાઓને અમલમાં મૂકતા . વડીલો પર પૂરેપરો વિશ્વાસ રાખતા . વડીલોએ મૂકેલો વિશ્વાસ સાર્થક કરી બતાવતા . તેઓ વડીલોના અત્યંત વાત્સલ્યપાત્ર હતા . એમના ઉમદા ગુણોને લીધે પણ વડીલો એમને આદર આપતા .
ત્રણ , એમણે પોતાની શક્તિઓને ઓળખી હતી અને સતત કામે લગાડેલી રાખેલી હતી . પ્રવચન આપવાની કળા હોય કે ગીતો લખવાની આવડત હોય કે સ્તવન સજ્ઝાય ગાવાની કુશળતા હોય કે વિવિધ વિષયોનું લેખન હોય કે પ્રત્યાયન કળા હોય કે – તેઓ માનતા કે પ્રભુએ જે જે શક્તિ આપેલી છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ દેવગુરુધર્મ અને આત્મા માટે કરવાનો હોય . પોતાની શક્તિનો ઉપયોગ પોતાનું મહત્ત્વ વધારવા માટે ના કરાય આ બાબતે તેઓ સ્પષ્ટ હતા . એમણે જ્યારે જે પુરુષાર્થ કર્યો એમાં જૈન શાસનનો જયજયકાર થાય એવી જ ભાવના બનેલી હતી . જોવા જેવી વાત એ હતી કે તેઓ શાસન માટે પુરુષાર્થ કરતા રહ્યા એને કારણે એમની પુણ્યાઈ સતત વધતી જ ગઈ . તેઓ માનતા કે આ ભવમાં શાસનની સેવા સારી રીતે કરીશું તો આવતા ભવમાં શાસન ફરીથી મળશે . પોતાનામાં રહેલી એક એક શકિતને જૈનશાસનની સેવામાં જોડી રાખી , છેવટ સુધી .
ચાર , તેઓ સંઘને પચીસમા તીર્થંકર જેવો આદર આપતા . સંઘમાં ટ્રસ્ટીઓ હોય , આરાધકો હોય , વ્યવસ્થાઓ હોય , નીતિનિયમો હોય . સંઘની શક્તિ વધે , આરાધનાઓ વધે , ગુણવત્તા વધે , આજ્ઞાનિષ્ઠા વધે એનું તેઓ ધ્યાન રાખતા . નાનામાં નાનું બાળક હોય કે મોટી વયના મહાનુભાવ હોય કે અન્ય ભાગ્યશાળી હોય , તેઓ સૌને એકસરખું વાત્સલ્ય આપતા . એમનાં મુખેથી પ્રોત્સાહક વાતો જ સાંભળવા મળે . કોઈ ઢીલું પડ્યું હોય તો મજબૂત બનાવે , દૂર ગયું હોય તો નજીક લઈ આવે , થાકેલ હોય તો નવી ચેતનાનો સંચાર કરે . સંઘની સમસ્યાઓ મિટાવી આપે , પોતાને લીધે સંઘમાં સમસ્યા સર્જાય એવું ક્યારેય ન થવા દે . કેટલાય સંઘોનો ઉદ્ધાર કર્યો , કેટલાય સંઘોની શક્તિ વધારી . આથી વિશેષ વાત્સલ્ય એમણે સમુદાયના શ્રમણ શ્રમણીઓને આપ્યું .
પાંચ , તેઓ સમાધિ માટે સતત સચેત રહ્યા હતા . સ્વાધ્યાય , સમર્પણ ભાવના અને સત્યનિષ્ઠાનો સથવારો અતૂટ રાખ્યો હતો . શાસનપ્રભાવના અપરંપાર થઈ પણ લક્ષ્ય રહ્યું કેવળ આત્મસાધનાનું . રાગરોષથી , દ્વેષદોષથી સ્વયંને બચાવી રાખતા . ઉત્કૃષ્ટ ગુણાનુરાગ હતો . જ્યાં જે સારું હોય એની અનુમોદના કરતા . પરમાત્માનો પ્રેમ અવિહડ . ગુરુ ભગવંતોની ભક્તિ અપરિસીમ . આત્મકલ્યાણની કામના તીવ્ર . પોતાના પિતા ગુરુદેવ શ્રી મહાબલસૂરીશ્વરજી મહારાજા માટે અનંત કૃતજ્ઞભાવ હતો . આત્મીય ભાવનું અધ્યાત્મ હતું . અધ્યાત્મનો આત્મીય ભાવ હતો . જે સમાધિની આકાંક્ષા રાખે છે તેને સમાધિ અવશ્ય મળે છે .
આ પાંચ વિશેષતાઓ બિલકુલ પ્રેક્ટિકલ છે . બાકી શાસ્ત્રીય ભાષા મુજબના અઢળક ગુણોનું વર્ણન હવે ગુણાનુવાદ સભાઓમાં થવાનું જ છે . ૨૦૦૦થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોના મહાસાર્થવાહ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજાની વિદાયથી સમુદાયમાં સન્નાટો છવાયો છે . તપાગચ્છાધિપતિ દીક્ષાયુગપ્રવર્તક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અનંત કૃપા વરસે અને સમુદાયને કુશલ નેતૃત્વ સાંપડે એવી શાસન દેવતાને પ્રાર્થના .
જલમંદિરની કલ્પના કોને આવી ? આમ પૂછવા કરતાં એમ પૂછવું વધુ ઉચિત છે કે જલમંદિરની કલ્પના શીદ આવી હશે ? જવાબ પાવાપુરી પાસેથી મળે છે . પ્રભુનું મોક્ષગમન જ્યાં થાય ત્યાં અગ્નિસંસ્કાર થાય અને ભક્તજનો અવશેષ લેવા ધસારો કરે , જમીનમાં ખાડો પડી જાય એટલી હદે ભસ્મ લૂંટાય . પછી એ ખાડો ભરાય પાણીથી . એમાં વચોવચ મંદિર બને . જો પાવાપુરીમાં મોક્ષ કલ્યાણક મંદિર હોય અને જલ મંદિર જુદાં જુદાં હોય તો સમેતશિખરમાં કેમ ન હોય ?
સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી : શિખરજીનો બીજો બોધપાઠ
શિખરજીથી ઉતરવાનું શરુ થાય છે પણ ઝટ ખતમ નથી થતું . સરકતા રેલાની જેમ આપણે ઢાળ પરથી વહેતાં રહીએ છીએ . તળેટી નામનો સામો કિનારો દૂરનો દૂર જ રહે છે . દરિયાઈ ખાડી જેવો પંથડો ખૂટતો જ નથી . પહાડ પર હોઈએ ત્યારે વીશ ભગવાનની વચ્ચોવચ હોઈએ છીએ , પહાડ ઉપરથી ઉતરવા માંડીએ એટલે ભગવાનથી દૂર જતા હોઈએ છીએ . પ્રભુથી છૂટા પડવાનું છે એનું દુઃખ હોય , અફસોસ હોય . એમાં વળી ઉતરવાનો પરિશ્રમ . તમે ગમ્મે તેટલું ઉતરી લો , ઘણું ઘણું ઉતરવાનું બાકી જ હોય છે . ચડવાનો થાક હોય છે એ ખબર હતી . શિખરજી પર સમજવા મળે છે કે ઉતરવાનો થાક પણ હોય છે . ઢાળ એવો આવે છે કે થોડીથોડી વારે લાગે છે જાણે પાછળથી કોઈ હળવો ધક્કો મારે છે કે શું ? ૧૩૬૫ મીટરની ઊંચાઈ છે પહાડની : ૪૪૭૮ ફીટ . ઝારખંડનો સૌથી ઊંચો પર્વત છે . ચડવાનું તો ઠીક , ઉતરવાનું પણ સહેલું નથી . વાત થોડા પરિશ્રમની નથી , બલકે મોટા પુરુષાર્થની છે . સામાન્ય કથન એવું હોય છે કે ચડવાનું અઘરું છે અને પડવાનુ સહેલું છે . પરંતુ શિખરજીમાં કથન બદલાય છે , અહીં ચડવાનું અઘરું છે , વધારે અઘરું . અહીં ઉતરવાનું અઘરું છે , ઓછું અઘરું .
ઉતરવાના કલાકો દરમ્યાન મન ઘણીબધી યાદોમાં કેદ હોય : સુકોમલ ચરણપાદુકાઓ . રૂપાળી દેરીઓ . લહેરાતી ધજાઓ . પાળીઓ . ઓટલીઓ . નાની નાની ટેકરીઓના અઘરાં અઘરાં ચડાણ . દેરીથી દેરી સુધી સરકી આવતો પથ્થરિયો માર્ગ . કોઈ દેરીમાં ચોખાબદામ ચાવી જતાં વાંદરા અથવા ગાય . અડધી રાતે જલમંદિરની ઉપર ચમકતા ચંદ્ર , નક્ષત્ર અને તારા . નિમિયાઘાટ તરફની પાતાલચુંબી ખીણ . આરોહણપથ પર આસપાસ વિસ્તરેલા હજારો હજારો વૃક્ષો . પ્રભુનાં આગમનની ક્ષણે કેવું વાતાવરણ હશે એની કલ્પનાઓથી છલકાતો સોનેરી સમય .
તે શિખરજી અલગ હતું જે પુસ્તકમાં વાંચેલું હતું , જે ચિત્રોમાં જોયું હતું , જે પ્રતીકાત્મક રચનાઓમાં જોયું હતું . એ શિખરજી સાવ અલગ હતું જેની પર વહેલી સવારે હાંફતા હાંફતા ચડ્યા , ભરશિયાળે પસીનાના રેલાઓ ઉતર્યા , પગે ગોટલા બાઝ્યા , થાક ભરાયો . એ શિખરજીથી વિખૂટા પડવા માટે ઉતરવાનું હતું . થોડો સમય બાકી હતો શિખરજી સાથે . ચડતી વખતે જે રસ્તો અઘરો લાગતો હતો એ જ રસ્તો ઉતરતી વખતે સહેલો હશે એવું લાગતું હતું . પરંતુ ચોપડાકુંડ પછી થોડીવારમાં પગ ધ્રુજવા લાગ્યા હતા . થોડી થોડી વારે બેસીબેસીને પગની ધ્રુજારી મેનેજ કરી હતી . જે એકદમ યુવાન છે એવાય ઘણા લોકો થાકતા હતા , બેસી જતા હતા . મને મારા અડધાપડધા સફેદ વાળ માટે કોઈ અફસોસ નથી થતો . હું શરમ રાખ્યા વગર બેસી જતો . થોડું બેસી લીધું તો શું ફરક પડે છે ? એટલો સમય ગિરિસ્પર્શના વધી જાય . પોતાના પગે ગિરિ આરોહણ કરેલું . અવરોહણ પણ પોતાના પગે જ થઈ રહ્યું હતું . વચ્ચે બેઠા તો બેઠા . યાત્રાની સાત્ત્વિકતા ઓછી નથી થવાની . સ્વદ્રવ્યની પૂજા જેવી સ્વચરણની યાત્રા અકબંધ જ રહેતી હતી .
ચૌદ ગુણસ્થાનકમાં સાસ્વાદન ગુણસ્થાનકે સમકિત હોતું નથી પરંતુ મિથ્યાત્વ પણ હોતું નથી . યાત્રા પૂરી થઈ ચૂકી છે પણ યાત્રાની સરહદ પાર નથી થઈ . અવરોહણની એક એક ઘડીમાં આસ્વાદ હોય છે . આસ્વાદ એટલે પ્રભુની યાદ . આસ્વાદ એટલે યાત્રાની પ્રત્યેક યાદ . આસ્વાદ એટલે યાત્રા થકી મળેલો ચિદાનંદ . શીતલનાલા , ભાથાખાતું , ગંધર્વનાલા પાર થયું . બે ત્રણ વાર થોડું થોડું ચડવાનું આવ્યું . ઉતરવામાંય થાક લાગતો હોય ત્યાં ચડવામાં હાલત કેવી થાય ? પણ એ હાલત મંજૂર હતી . સ્પીડ ઓછી થાય એ બને , સ્પિરિટ ઓછો થાય એવું ના બને .
વચ્ચે પથરાળ શોર્ટકટ દેખાતા પણ એ રસ્તે જવાનું પોસાય નહીં . સીધે રસ્તે જવું સહીસલામત . આખરે કલિકુંડ દેખાયું . તસલ્લી મળી કે થોડું જ બાકી છે . આગળ મધુબનમાં વાગી રહેલા સ્પીકરના અવાજ આવવા લાગ્યા . બહુ ઝડપથી તળેટી દેખાઈ હતી . મહાપર્વતની સ્પર્શનાની આખરી ક્ષણો અહોભાવમય હતી . ભગવાને મોટી કૃપા કરી હતી . અષ્ટાપદની યાત્રા કેવી હશે એની ઝાંખી કરાવી હતી , શિખરજીએ . ઊંચા સ્થાને પહોંચ્યા પછી નીચે ઉતરવું સહેલું નથી .
શિખરજીનો બીજો બોધપાઠ યાદ રહેશે : જિંદગીને સાચી ઊંચાઈ પર લઈ જાઓ . સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી .
સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .
માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર સુધીની યાત્રા થઈ હતી . આટલામાં નવ કલાક લાગી ગયા હતા . દરેક ટૂંકમાં ત્રણ પ્રદક્ષિણા , ચૈત્યવંદન , સ્તવનગાન , કલ્યાણકજાપ આ ક્રમ અખંડ રાખ્યો . કોઠી તરફથી નાનકડી ચોપડી છપાઈ છે . એમાં કુલ મળીને એકત્રીસ ચૈત્ય વંદન બતાવ્યાં છે . મારે વીસ કલ્યાણક પ્રભુનાં બધા જ ચૈત્યવંદન સરસ થયાં . પહેલેથી જ સ્પષ્ટ રાખ્યું હતું કે ઉતાવળ કરવી નથી .
વહેલી સવારે અભિનંદનજીની ટૂંક જુહારી . પ્રચંડ શ્યામ મહાશિલાઓની ઉત્તુંગ શ્રેણિઓ રચાઈ હતી , એની ટોચ પર દેરી . ચારેકોર આકાશ હાથ લંબાવી રહ્યું હતું . નિસર્ગનું સૌંદર્ય નિખરી રહ્યું હતું . હવામાં સખ્ખત જોશ હતું . ચૈત્યવંદન પછી पारंगताय नम:નો જાપ કરતાં કરતાં સમજાતું હતું કે સૌથી ઊંચે બેઠા હોઈએ ત્યારે નીચેનું જગત્ કેવું વામણું લાગતું હશે ? સિદ્ધશિલામાં બિરાજમાન અભિનંદન દાદા અને અન્ય અનંત મુક્ત ભગવંતોને આપણે સૌ કેવા વામણા લાગતા હોઈશું ?
આપણા ઠાઠમાઠ અને આડંબર અને જનસમૂહો અને યશોગાથાઓ અને પુણ્યોદયના ભરોસે આપણે પોતાને મહાન્ ગણાવતા રહીએ છીએ અને પોતાની મહાનતાનો પ્રચાર કરતા રહીએ છીએ . સિદ્ધ ભગવંતો સામે આપણું શું ગજું છે ? એમનાં સુખ જેવું સુખ આપણી પાસે નથી . એમની શુદ્ધિ જેવી શુદ્ધિ આપણી પાસે નથી . એમની પવિત્રતા જેવી પવિત્રતા આપણી પાસે નથી . એમની પાસે જે સત્ય છે એવું સત્ય પણ આપણી પાસે નથી . આપણે લોકો નાહકના ઘમંડમાં રાચીએ છીએ , બસ . અભિનંદનજીની ટૂંક પર સૂર્યોદયના સમયે બેઠો હતો . ધુમ્મસને લીધે સૂરજ દેખાઈ રહ્યો નહોતો . આપણું સુખ અને આપણું જ્ઞાન ધૂંધળું છે , સિદ્ધ ભગવાનનું સુખ અને જ્ઞાન પૂર્ણ અને પારદર્શી છે , સમજાઈ રહ્યું હતું . પાછા વળતાં વાસુપૂજ્ય ભગવાનની દેરીએ દર્શન કર્યાં . થોડીવારે પારસનાથજી જવા નીકળ્યા . ધર્મનાથ , સુમતિનાથજી , શાંતિનાથજી , સુપાર્શ્વનાથજી , વિમલનાથજી આ કલ્યાણકની દેરીઓ તેમ જ અન્ય દેરીઓમાં પ્રભુને ભાવે જુહારતા જુહારતા પારસનાથજીની ટૂંકમાં પહોંચ્યા . પારાવાર ભીડ હતી . આશરે બે વાગે ત્યાંથી નીકળ્યો .
ચન્દ્રપ્રભજીની ટૂંકે પહોંચ્યો ત્યારે સાડા ચાર વાગી ગયા હતા . અહીં કોઈ જ નહોતું . રસ્તો પણ સાવ વેરાન હતો . એવી અફવા ચાલે છે કે ચન્દ્રપ્રભજીની ટૂંકના રસ્તે બપોરે બે વાગ્યા પછી ન જવાય , વાઘ નીકળે છે . અમે કુલ ચાર હતા એટલે ડર નહોતો . સન્નાટો ગજબનાક હતો . દૂર દૂર સુધી જંગલ હતું . ગમ્મે ત્યારે કોઈ પણ ટપકી પડશે તો કોણ બચાવશે એવો ડર લાગે . એ રસ્તે એકમાત્ર માણસ મળ્યો એને પૂછ્યું : ઇધર બાઘ નિકલતા હૈ ક્યાં ? ઉમ્મીદ હતી કે એ ના પાડશે અને સાંત્વના આપશે કે બાપજી ડરો મા , કાંઈ નથી અહીંયા . પરંતુ એણે તો ધડામથી કહી દીધું કે હા , યહાં વાઘ નિકલતા હૈ . મેં કહ્યું : ભૈયા , આપ મઝાક કર રહે હો ક્યાં ? પેલાએ કહ્યું : નહીં , નહીં . મેં બિલકુલ જૂઠ નહીં બોલ રહા હૂં . યહ ઇલાકા બાઘ કે લિયે ખુલા હૈ . મેં કહ્યું : આપ તો ડરા રહે હો . એ બોલ્યો : ડરને કી બાત નહીં હૈ . આજતક બાઘ ને કિસી કો કુછ નહીં કિયા હૈ . યહાં વાઘ આદમી કો નહીં પકડતા હૈ . હમ ઉપર યહી સોતે હૈ . કુછ નહીં કરતા વો . હવે સારું લાગ્યું .
તમે માનશો ? મુનિસુવ્રતજીની દેરીથી ચન્દ્રપ્રભજીના રસ્તે ઉતરવાનું શરૂ કર્યું ત્યાંથી માંડીને છેક જલમંદિર સુધી કોઈ મળ્યું નહીં . એકદમ જ નિર્જન એકાંત હતું . આ શાંત વાતાવરણ સિદ્ધશિલાની યાદ અપાવતું હતું .
ભગવાન્ સિદ્ધશિલામાં બિરાજમાન થયા એનું પ્રસ્થાન અહીંથી થયું . ચૌદમું ગુણસ્થાનક . અનાદિકાલીન કાર્મણ શરીર અને તેજસ શરીરનો નાશ . એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની પ્રક્રિયાનો અંત . આત્માએ સમગ્ર સંસાર પરિભ્રમણમાં સૌ પ્રથમવાર અનુભવી દેહ વિનાની અવસ્થા . અઘાતી કર્મના અનંત અભાવનો પ્રારંભ . ચૌદ રાજલોકના જીવોને કાયમી અભયદાન . સાધક અવસ્થા , વીતરાગ અવસ્થા અને સર્વજ્ઞ અવસ્થાથી આગળ છે સિદ્ધ અવસ્થા . અરિહંત દેશનાદાતા છે એટલે પ્રથમ પરમેષ્ઠી . પણ અરિહંત સાથે કર્મો છે . સિદ્ધ દેશનાદાતા નથી એટલે દ્વિતીય પરમેષ્ઠી . પણ સિદ્ધ સાથે કર્મો નથી . શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન્ , અરિહંત રૂપે દેશના આપતા હતા તે પછી સિદ્ધ રૂપે સર્વ કર્મથી મુક્ત થયા . સમેતશિખરજીની આ સીધા ચઢાણવાળી પહાડીની ટોચ પરથી સાદિ અનંત શુદ્ધિ મેળવી લીધી હતી પ્રભુએ . જ્યાં ચરણપાદુકા છે તેનાથી બરોબ્બર ઉપર સિદ્ધશિલામાં બેઠા છે ભગવાન્ . પ્રભુ ત્યાંથી કૈવલ્ય દ્વારા મને જોઈ રહ્યા છે એવું સમજાતું હતું . એ ચરણપાદુકા સમક્ષ માથું ટેકવીને ત્રણ પ્રાર્થના કરી : મારા હાથે સારાં કામ કરાવજો , મારાં મનને સમાધિમાં રાખજો , મારા અપરાધો માફ કરજો .
જ્વાલામાલિની કલ્પનું સુવર્ણજળ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપયોગી બને છે . જ્વાલામાલિનીના અધિનાયક છે શ્રી ચંદ્રપ્રભજી ભગવાન્ . ભગવાનની ભૂમિ પર ભગવાન્ વધારે પ્રિય લાગે . આપણને પણ અને દેવી દેવતાઓને પણ . આ પહાડની ઊંચાઈ જોઈએ તો વિચાર આવે કે દેવલોક કેટલે ? દીવો બળે એટલે . આ પહાડ ખૂબ ઉર્જાવંત છે , ચમત્કારવંત છે . અદૃશ્ય શક્તિઓ અહીં હાજરાહજૂર છે . મનમાં એવા પ્રાણવંત વિચારો ભરી દે છે આ ભૂમિ કે દેવી દેવતાના વિચારો મનમાં બનતા જ નથી . ફક્ત ભગવાનના જ વિચાર . એક તું , બસ , એક તું , ચારે તરફ દેખાયજી .
દેરીને પ્રદક્ષિણા આપી . ચોતરફ દૂર દૂર સુધી પહાડીઓ જ પહાડીઓ . કહેવાય છે કે શિખરજીને આસપાસ પચાસ કિલોમીટરના વિસ્તારમાં ઘનઘોર જંગલ છે . આપણો ચાલવાનો રસ્તો સહીસલામત છે બાકી એકાદ કિલોમીટર જંગલમાં ચાલીને જઈએ તે પછી કોઈ જગ્યા સલામત નથી . આખાય પહાડ પર લીલીછમ વનરાજી પથરાયેલી હતી . પંખીઓના કલબલાટ હતા . વાંદરાઓની હૂપાહૂપ હતી . તે સિવાય આખોય વિસ્તાર સૂમસામ . ચંદ્રપ્રભજીની ટૂંકની ટેકરી પરથી નીચે ઉતર્યા બાદ શ્રી આદિનાથ દાદાની ટેકરી આવે છે . બે ટેકરીની વચ્ચે એક મોટું ઝાડ છે , એની નીચે બેસીને પાણી ચૂકવ્યું હતું . પાંચ વાગે તે પહેલાં .
એ પછી ઉતાવળ કર્યા વિના આદિનાથજી , અનંતનાથજી , શીતલનાથજી અને સંભવનાથજીની ટૂંક જુહારી હતી . જલમંદિર પહોંચ્યા ત્યારે આસમાનમાં તારા ચમકવા માંડ્યા હતા . થોડો હરખ હતો , એકેએક પ્રભુની ટૂંક જુહારી એનો . થોડો અફસોસ હતો ,જેટલો સમય પારસનાથદાદાની ટૂંકને આપ્યો એટલો સમય બાકી ભગવાનની ટૂંકમાં પણ આપવો જોઈએ . એવું ન થયું એનો . એક ટૂંકમાં વધારે સમય વીત્યો . બાકીની ટૂંકમાં ઓછો સમય વીત્યો . કોઈ એક ભગવાન્ માટેનો પક્ષપાત મનમાં પણ ન બનવો જોઈએ અને વહેવારમાં પણ નહીં . સમયની ઓછપ હતી એટલે આ ગડબડ થઈ . ઓછામાં ઓછી વીશ યાત્રા કરવી જોઈએ અને એક યાત્રા એક ભગવાન્ પર કેન્દ્રિત હોવી જોઈએ .
પાલીતાણામાં નવાણું યાત્રાનું આયોજન થાય છે એ રીતે શિખરજીમાં વીશ કલ્યાણક યાત્રાનું આયોજન કરવું જોઈએ . એક દિવસ એક કલ્યાણકની દેરીને સમર્પિત . પહેલાં દિવસે પહેલાં કલ્યાણકની દેરીમાં સ્નાત્રપૂજા , જાપ , પુષ્પના શણગાર , સામૂહિક ભક્તિ , આરતી મંગલદીવો એમ બધી જ આરાધના કરવાની . ઓટલો નાનો પડે તો શું થઈ ગયું . ઓટલાની ફરતે ઘણી જગ્યા છે . બીજા દિવસે બીજાં કલ્યાણકની દેરી . આમ વીશમા દિવસે વીશમાં કલ્યાણકની દેરી . એકવીશમા દિવસે એક સાથે ૩૧ દેરીઓમાં સામૂહિક અભિષેક . એક કે બે દિવસમાં શિખરજીની યાત્રા પૂરી થઈ શકતી નથી .
આપણા શ્વેતાંબર જૈનોનું વલણ ગજબ છે . મોટાભાગના લોકો જલમંદિર અને ગૌતમ સ્વામીજીને વાંદી લીધા , એમાં યાત્રાની ઈતિ માની લે છે . શિખરજી કલ્યાણકપર્વત છે . શિખરજી પર ચડ્યા પછી કલ્યાણકચૈત્યને જુહાર્યા ન હોય તો યાત્રા અધૂરી ગણાય એવી સમજણ ઓછા લોકોમાં છે . જલમંદિરમાં પ્રતિમાજી છે , પ્રતિમાજી પ્રભાવવંતા છે એ સાચું . પરંતુ કલ્યાણકની સ્પર્શનાનો લાભ તો તે તે ભગવાનની દેરીને જુહારવાથી જ મળે . આ સત્ય ઘણાને યાદ નથી . પહાડ પર ચડીને જલમંદિરમાં પ્રભુ પૂજા કરી એટલે યાત્રા સંપન્ન એવો વહેવાર અમુક અંશે બનેલો છે. . જેટલા શ્વેતાંબરો પહાડ પર આવે છે એ દરેકેદરેક કલ્યાણકની દેરીને જુહારે એવી પ્રેરણા અને સૂચના , શ્વેતાંબર પરંપરાના સર્વ સૂરિભગવંતોએ આપવી જોઈએ .
( પારસનાથજીની ટૂંકયાત્રાનો સ્વતંત્ર લેખ થોડા સમયમાં આવશે . )
ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ દાદા આ ગુફાના આ પથ્થર પર સાક્ષાત્ સદેહે બિરાજમાન થયા હતા . સળંગ એક માસ માટે ઉપવાસ કર્યા હતા . સાથે તેત્રીસ મહાત્માઓ હતા . ગુફાનો આ ભૂવિસ્તાર મહાત્માઓથી ઢંકાયેલો હશે .
પાસનાહ ચરિયં – માં લખ્યું છે કે પાર્શ્વનાથ ભગવાન ઇન્દ્ર મહારાજાના હાથનો અવષ્ટંભ લઈને ધીમે ધીમે શિખરજીનો પહાડ ચડ્યા હતા . वाचस्पत्यम् કોશ અનુસાર અવષ્ટંભ એટલે આલંબન . આનો અર્થ એમ થાય કે ઇન્દ્ર મહારાજાના હાથનો ટેકો લઈને પ્રભુ પહાડ ચડ્યા હતા . પ્રભુ પહાડ ચડી રહ્યા હતા ત્યારે દેવ – દાનવ – કિન્નર – ખેચર , આસપાસ ગીત ગાઈ રહ્યા હતા . પ્રભુ શિખર પર પહોંચ્યા . એક સ્ફટિકની વિશાળ શિલા જોઈ . એની પર બિરાજીને થોડો સમય દેશના ફરમાવી . શું ફરમાવ્યું હશે પ્રભુએ ? પ્રભુ વીરની અંતિમ દેશનાની વિષયવસ્તુ આપણે જાણીએ છીએ . પ્રભુ પાર્શ્વનાથની દેશનાની અંતિમ વિષયવસ્તુ આપણે નથી જાણતા . દેશના પછી સંલેખના ધારણ કરી . દેવો સેવામાં ઉપસ્થિત રહ્યા . એક માસ વીત્યો . પ્રભુનું મોક્ષગમન સંપન્ન થયું . દશાવતારી ભગવાનનો અંતિમ ભવ પૂર્ણ થયો , ભવભ્રમણ પૂર્ણ થયું . પ્રભુનો લક્ષ્યવેધ જ્યાં સધાયો તે આ ગુફા . પ્રભુના સિદ્ધશિલા પરના રાજ્યાભિષેકનું મુહૂર્ત જ્યાં નીકળ્યું તે આ ગુફા . પ્રભુની અશરીર , અકર્મા અને અનાકાર અવસ્થાની સર્વપ્રથમ ક્ષણ જ્યાં આવી તે આ ગુફા . નારકા અપિ મોદન્તે – વાળી મહાન્ પળ જ્યાં આવી તે આ ગુફા . પ્રભુ તેરમાં ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનકે પધારે અને ચૌદમાં ગુણસ્થાનકથી ગુણાતીત સ્થાનકે પધારે આ બે પરમ પ્રક્રિયા જ્યાં સંપન્ન થઈ તે આ ગુફા .
વિચારો અટકી પડે . સંવેદનમાં સુગંધ ઉભરાય . આંખોમાં અહોભાવ છલકાય . હૈયાના ધબકારે ધબકારે અનહદનો નાદ ગુંજે . સાકાર થયા હતા શુભવીરજીના આ શબ્દો :
અવની તળ પાવન કરી અંતિમમાં ચોમાસું જાણ
સમેત શિખર ગિરિ આવિયા ચડતા શિવધર સોપાન
શ્રાવણ સુદી આઠમ દિને વિશાખાએ જગદીશ
અણસણ કરી એકમાસનું સાથે મુનિવર તેત્રીસ
કાઉસગ્ગમાં મુક્તિ વર્યા સુખ પામ્યા સાદી અનંત
એક સમય સમશ્રેણીથી નિ:કર્મા ચઉ દૃષ્ટાંત
સુરપતિ સઘળા તિહાં મળે આણે ક્ષીરોદધિ નીર
સ્નાન વિલેપન ભૂષણે દેવદૂષ્યે સ્વામી શરીર
શોભાવી ધરી શિબિકા વાજિંત્ર નાટક ને ગીત
ચંદન ચય પરજાળતા સુર ભક્તિ શોક સહિત
થૂભ કરે તે ઉપરે દાઢાદિક સ્વર્ગે સેવ
ભાવ ઉદ્યોત ગયે થકે દીવાળી કરતા દેવ
આ વર્ણન અનુસાર એક એક ઘટના બની હતી . પ્રભુનાં શરીરે છેલ્લો શ્વાસ અહીં લીધો . પ્રભુનાં ચરણે છેલ્લો વિહાર અહીં સુધી કર્યો . પ્રભુનાં આયુષ્યની છેલ્લી ક્ષણો આ સ્થળે વીતી . પ્રભુનું છેલ્લું કાર્ય અહીં સંપન્ન થયું : સકલ કર્મ વિનાશનમ્ . આ ગુફામાં પ્રભુના શ્વાસ વસે છે , પ્રભુનો ચરણસ્પર્શ વસે છે , પ્રભુની ક્ષણો વસે છે . ઉર્દૂ ભાષાનો એક શબ્દ છે : પરવાઝ . પંખી આકાશમાં ઊડીને આગળ નીકળી જાય અને એની પાંખનું પીંછું તરતું તરતું નીચે વહી આવે તે પરવાઝ છે . પીંછું હાથમાં લઈને પંખીના ઉડાનની કલ્પના કરીએ તે પરવાઝ સિન્ડ્રોમ છે . શિખરજીની ચરમ ગુફામાં પારસનાથ પ્રભુએ ભરેલી અનંત ઉડાનનો ઉર્જા સ્પર્શ વસે છે : પ્રભુની પરવાઝ .
નિર્વાણશિલા પર સુવર્ણમંડપિકા છે . સોનેરી થાંભલીઓની ચૈત્યકુલિકા . નાજુક નમણું ચરણયુગલ . શ્યામલ પાષાણની રચના. . એવું નથી કે ફક્ત ચરણ પૂજનીય છે , સમગ્ર પાષાણશિલા પૂજનીય છે . બે હથેળી અને દશ આંગળીથી પ્રભુનો સ્પર્શ હાથમાં લેવાનો અને મસ્તકે ચઢાવવાનો . એ જ યાત્રા છે , એ જ પૂજા છે .
ગુફાની ઉપર જિનાલય છે . એમાં સુવર્ણ ચૈત્ય છે . ત્યાં પણ ચરણ પાદુકા છે . જિનાલયનું શિખર ઘણું ઊંચું છે . ત્રેવીસમા ભગવાનનું શાસન ફક્ત અઢીસો વર્ષ ચાલ્યું , સૌથી ઓછું ચાલ્યું . પરંતુ ભગવાનનો ઠાઠમાઠ સૌથી વધારે છે . પારસજીનાં ૧૦૮ નામ મળે છે , ૧૦૦૮ નામ મળે છે , ગણ્યા ના ગણાય એટલાં તીર્થ છે , જિનાલય છે , જિનબિંબ છે , મંત્રો છે , સ્તોત્રો છે , સ્તવનો છે , કથાનકો છે . આની ખુશાલીમાં મોક્ષ કલ્યાણક જિનાલયનું શિખર ઊંચી અને ટટ્ટાર ગરદન સાથે આસમાનને આંબી રહ્યું છે .
ગુફામાં અને જિનાલયમાં ઘણીઘણી ભીડ હતી . પારસ પ્રભુ ખૂબ મળ્યા , એકાંત બિલકુલ ના મળ્યું .
વિહારનો રસ્તો . ગયાથી ઔરંગાબાદ શેરઘાટી થઈને જવાનું હતું . ગૂગલ મેપથી બીજો એક રસ્તો દેખાતો હતો . પણ એનો અંદાજ નહોતો . ગયામાં જૈન ભવનના મેનેજરનાં મોઢેથી જાણવા મળ્યું કે રફીગંજના રસ્તે જશો તો થોડાક કિ.મી. ઓછા થશે . અમે નીકળી પડ્યા . ગઈકાલે સાંજે કાષ્ટા પંડિત દીઘામાં રોકાયા . રહેવાનું હતું સ્કૂલમાં પણ સાંજે અમે પહોંચ્યા ત્યારે ખબર પડી કે હેડ માસ્તર તો ચાવી લઈને ગયા જતા રહ્યા છે . ઠંડીની મૌસમ . સ્કૂલના વરંડામાં જ સૂઈ જવાનો વિચાર બન્યો . ત્યાં ચાર પાંચ યુવાનો આવ્યા . કહેવા લાગ્યા કે પાની કી ટંકી કે નીચે કમરા હૈ , છોટા હૈ . દેખ લો . અમે હા પાડી . ટંકીની પાસે જઈ જ રહ્યા હતા ત્યાં બીજા એક યુવાને કહ્યું કે આપ ઘર મેં રહેંગે ? મેં પૂછ્યું : ઘર મેં કોઈ રહતા હૈ ? એમણે કહ્યું : ના , ના . ઘર ખાલી હૈ. અમે એનાં ઘરે પહોંચ્યા . બંગલા જેવું નાનકડું ઘર હતું . એમાંનો સૌથી સરસ ઓરડો રહેવા આપ્યો . એે ઘરના માલિક હતા મહેન્દ્ર જાદવ . હોમિયોપેથી ડોક્ટર હતા . ઘણી લાગણીથી ઘણી વાતો કરી . આજ સવારે વિહાર થયો ત્યારે વળાવવા આવ્યા હતા . વાતો વાતોમાં એમણે કહ્યું : જિંદગી મેં ધર્મ , કર્મ ઔર પ્રેમ હો તો સબ આ ગયા . ધર્મ ભૂલવાનો નહીં. પુરુષાર્થ ચૂકવાનો નહીં. પ્રેમ ટાળવાનો નહીં. કોઈ પણ પૂર્વસૂચના વગર અમે કાષ્ટા પહોંચ્યા હતા . એક અજાણ્યા ભાગ્યશાળીએ પોતાનું ઘર રહેવા માટે આપી દીધું . મુનિવેશનું કેવું ગૌરવ ? એનાં ઘરે પહેલી જ વાર સાધુ આવ્યા અને રોકાયા હતા . એ બહુ રાજી હતો . એનો દીકરો પણ .
આજ સવારે અંબા શંબા ગામમાં રોકાયેલા . સાંજે રફીગંજ આવ્યા . ગામમાં દિગંબર જૈન મંદિર છે . એમની બે ધર્મશાળા છે . શ્વેતાંબર ઘર કોઈ જ નહીં. કોઈ જ પૂર્વસૂચના વિના સાંજે પહોંચેલા . સંકોચ હતો કે દિગંબર લોકોનાં ગામમાં આદર સત્કાર કેવો મળશે ? આશ્ચર્ય એ થયું કે અમને તરત જ જૈન ભવનમાં રહેવા માટે એમણે વ્યવસ્થા કરી આપી . એક પછી એક એમ ઘણા લોકો મળવા આવ્યા. છેલ્લે ખબર પડી કે આ ગામમાં શ્વેતાંબર સાધુ સર્વપ્રથમ વાર આવ્યા હતા . જે બધા મળ્યા એમના મોઢે એક જ વાત હતી કે આજ હમ ધન્ય હો ગયે . હમને હમારે ગાંવ મેં પહેલી બાર શ્વેતાંબર મુનિ કો દેખે .
ગયાથી નીકળ્યા ત્યારે ખબર નહોતી કે કેવી જગ્યા મળશે . ગઈકાલે બંગલો હતો , આજે જૈન ભવનનો હૂંફાળો ઓરડો છે . અજાણ્યા પ્રદેશમાં બિલકુલ આત્મીય જન જેવો મીઠો મીઠો આવકાર મળ્યો . જૈન શાસનની ગરિમાને શત શત વંદન .
સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ .
સિદ્ધગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીનો મહિમા એ છે કે તેઓ ગિરિરાજ પરથી સર્વ પ્રથમ મોક્ષગામી બન્યા . આજે ગિરિરાજ પર પુંડરીક સ્વામીજીનું સુંદર જિનાલય છે . સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ . પરંતુ પ્રભુનું જિનાલય જુઓ તો સાવ નાની દેરી. અજિતનાથજીનું જિનાલય તારંગામાં છે . શું એનો દબદબો અને ઠાઠમાઠ ? શિખરજીમાં પારસનાથજીનો મુખ્ય જયજયકાર છે , દેખાઈ આવે છે . સિદ્ધગિરિરાજ ઉપર આદીશ્વર દાદાનો દબદબો છે પરંતુ પુંડરીક સ્વામીજીનો પણ એક અલગ ઠાઠમાઠ છે . ચૈત્રી પૂનમે તમે પુંડરીક સ્વામીજીનાં દર્શન કરવા જાઓ . જગ્યા નહીં મળે . ફળ નૈવેદ્યનો અંબાર રચાયેલો હશે . આદીશ્વર ભગવાનની મુખ્યતા જળવાયેલી રહે એ રીતે પુંડરીક સ્વામીજીનો ઠાઠમાઠ જે રીતે પાલીતાણામાં છે તે રીતે અજિતનાથ ભગવાનનો ઠાઠમાઠ શિખરજી પર નથી . દેરી નાની છે . પ્રતિમા નથી . ચરણ પાદુકા છે . વીસ લોકો માંડ બેસી શકે એટલો ચોતરો છે દેરીની આગળ . યાત્રાળુઓનું ધ્યાન પણ પારસનાથજી પાસે પહોંચવા પર લાગેલું હોય છે . દર્શન વંદન ફ્ટાફ્ટ કરીને નીકળી જાય છે લોકો . અમુક લોકો તો દર્શન પણ કરતાં નથી , બાયપાસ .
આ અવસર્પિણીમાં આદીશ્વર દાદા પહેલી વાર સિદ્ધગિરિ પર પધાર્યા . એની યાદમાં આજે પણ ગિરિરાજ પર મુખ્ય સ્થાને દાદા બિરાજીત છે . આ અવસર્પિણીમાં અજિતનાથ દાદા પહેલી વાર સમ્મેતગિરિ પર પધાર્યા . એની યાદમાં આજે પણ સમ્મેતગિરિરાજ પર મુખ્ય સ્થાને અજિતનાથ દાદા બિરાજીત છે એવું દૃશ્ય નથી . આ અજીબ લાગે છે .
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં જણાવ્યું છે કે શ્રી અજિતનાથ ભગવાન્ મોક્ષ ગતિ સાધવા શિખરજી ઉપર પધાર્યા ત્યારે દરેક ઈન્દ્રનાં સિંહાસન કમ્પાયમાન થયાં હતાં . પ્રભુ એક માસનું અનશન કરવાના છે અને અંતે મોક્ષમાં પધારવાના છે એની જાણ ઈન્દ્રોને થઈ . ઇન્દ્રો અગણિત દેવો સાથે પ્રભુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા . પ્રભુએ અને એક હજાર મહાત્માઓએ અનશનનો પ્રારંભ કર્યો . એક માસ સુધી અનશન ચાલ્યું . ઇન્દ્રો અને દેવો એક માસ સુધી પ્રભુની સેવામાં જ રહ્યા . અનશન પૂર્ણ થયું . આયુષ્ય પૂર્ણ થયું . એની સાથે જ સંસારનું પરિભ્રમણ પર પૂર્ણ થયું. ચૈત્ર સુદ પાંચમે પ્રભુ મોક્ષમાં બિરાજમાન થયા. દેવતાઓએ ઈન્દ્રના આદેશ અનુસાર પ્રભુની અંતિમ વિધિઓ કરી . પ્રભુનો અગ્નિસંસ્કાર થયો . પ્રભુની કાયા ભસ્માવશેષ થઈ . પ્રભુના દાંત અને અસ્થિ દેવલોકમાં પહોંચ્યા . ( પર્વ ૨ : સર્ગ ૬ : શ્લોક ૬૭૧ થી ૬૮૨ ) આ થોડાક વાક્યમાં જેનું વર્ણન લખ્યું છે એ ઘટના અત્યંત વિરાટ્ છે .
અજિતનાથ પ્રભુની દેરી તે પ્રભુના માસક્ષમણની ભૂમિ છે , મોક્ષ કલ્યાણકની ભૂમિ છે . એક આત્મા પણ મોક્ષમાં જાય તો મોટી વાત ગણાય . અહીં તો પ્રભુની સાથે એક હજાર મહાત્માઓ મોક્ષમાં ગયા હતા. કેટલી મોટી ઘટના ? આજે વ્યાખ્યાનમાં પણ ૧૦૦૦ માણસો મુશ્કેલીથી ભેગા થતા હોય છે . પ્રભુનો પ્રભાવ કેવો કે પ્રભુની સાથે મોક્ષમાં જનારા આત્માઓની સંખ્યા ૧૦૦૦ હતી . પ્રભુનાં મોક્ષકલ્યાણકની ઘટના ત્રિલોકમાં સુખની લહર ફેલાવે છે . જે સ્થાનથી ત્રિલોકી સુખનાં નિર્માણ થયા એ સ્થાનનું ગૌરવ કેટલું મોટું ? સૌથી અગત્યની વાત : પ્રભુ જે જગ્યાએ આવવાનો નિર્ધાર કરે છે , અનશન માટે બિરાજમાન થવાનો નિર્ધાર કરે છે એ ભૂમિ કેવી મહાન્ ?
શ્રી આદિનાથ ભગવાનની મોક્ષકલ્યાણકની ભૂમિ અષ્ટાપદ છે . પ્રભુના અગ્નિસંસ્કારના સ્થળે બનેલો સિંહનિષદ્યા પ્રાસાદ આપણી માટે અગોચર છે . આપણી માટે ત્રેવીસ પ્રભુનાં મોક્ષ કલ્યાણક ચૈત્ય ઉપલબ્ધ છે . એમાંનું સર્વપ્રથમ ચૈત્ય છે શ્રી અજિતનાથ પ્રભુનું મોક્ષ કલ્યાણક ચૈત્ય . અષ્ટાપદ જિનાલયનું આકર્ષણ બધાને છે . જેટલું આકર્ષણ અને જેટલો અહોભાવ અષ્ટાપદ માટે છે એમાંનો થોડો અંશ અજિતનાથ પ્રભુનાં મોક્ષ કલ્યાણક ચૈત્ય માટે બનવો જોઈએ . જો અષ્ટાપદની યાત્રા કરવા મળે તો જે રોમાંચ સાથે અષ્ટાપદની યાત્રા કરીએ એ જ રોમાંચ સાથે અજિતનાથ ભગવાનનાં મોક્ષ કલ્યાણક ચૈત્યની યાત્રા થવી જોઈએ . આજે સૌ લોકો ઉતાવળે ઉતાવળે અજિતનાથ ભગવાનનાં મોક્ષ કલ્યાણક ચૈત્યની યાત્રા કરે છે .
એ સમય હતો જ્યારે આ સ્થાને અજિતનાથ પ્રભુની કાયાને દેવોએ અંતિમસ્નાન કરાવ્યું હતું , ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું હતું , હંસલક્ષણ વસ્ત્ર પહેરાવ્યું હતું , દિવ્ય આભૂષણોની સજ્જા રચી હતી , શિબિકામાં બિરાજમાન કરી હતી . એ શિબિકા ગોશીર્ષચંદનનિર્મિત ચિતામાં બિરાજમાન થઈ . અગ્નિકુમાર દેવોએ વહ્નિ પ્રજ્વલિત કર્યો હતો , વાયુકુમાર દેવોએ હવા વહેતી મૂકી હતી . ઇન્દ્રના આદેશથી અનેક અનેક દેવોએ અગ્નિમાં ઘી , કપૂર અને કસ્તૂરીની આહુતિ કરી હતી . પ્રભુની કાયા ભસ્મસાત્ થઈ તે પછી મેઘકુમાર દેવોએ જલ વરસાવીને વહ્નિ જ્વાલા શાંત કરી હતી . પ્રભુની ચાર દાઢાને સૌધર્મ , ઈશાન , ચમર અને બલી ઈન્દ્ર દ્વારા લેવામાં આવી . પ્રભુના દાંતને ઇન્દ્ર લઈ ગયા , અસ્થિને દેવતાઓ લઈ ગયા . દેવલોકમાં દાઢા – દાંત – અસ્થિની પૂજા , શાશ્વત મૂર્તિની જેમ થવા લાગી . સમ્મેતની આ ભૂમિ પર સ્તૂપની રચના થઈ .
શિખરજી પર શ્રી અજિતનાથ પ્રભુની નાનકડી દેરીમાં સમગ્ર બ્રહ્માંડ થંભી જાય એવી ઘટનાઓના ધબકારા વસે છે . બીજા તીર્થંકર ભગવાનની દેરી પાસેથી ત્રેવીસમા ભગવાનનું ચૈત્ય દેખાતું હતું . ત્યાંની ભીડ અને અહીંની અવરજવરમાં ફરક હતો તે વર્તાતો હતો . જે સિદ્ધશિલા અને સિદ્ધ અવસ્થા શ્રી અજિતનાથ દાદાને મળી છે એ ની એ જ સિદ્ધશિલા અને સિદ્ધ અવસ્થા પારસનાથ દાદાને મળી છે . ત્યાં કશો ફરક નથી . ફરક માણસોએ રચેલો છે . જેટલું વિશાળ ચૈત્ય પારસનાથ દાદાનું છે એવું જ વિશાળ ચૈત્ય શ્રી અજિતનાથ ભગવાનનું હોવું જોઈએ. એ ન બને તો કમસેકમ એટલું તો બનવું જ જોઈએ કે જેટલો આદરસત્કાર અને જેટલો સમય પારસનાથ દાદાને મળે છે એટલો આદરસત્કાર અને એટલો સમય અજિતનાથ દાદાને મળવો જોઈએ . મેં શાંતિથી ચૈત્યવંદન કર્યું , સ્તવન ગાયું , જા૫ કર્યો . અયોધ્યા અને અન્ય તીર્થોને ખૂબ યાદ કર્યા . મનમાં એક વિચાર બન્યો કે જે રીતે સિદ્ધગિરિરાજ ઉપર અજિત શાંતિ સ્તોત્રની રચના થઈ છે એ રીતે સમયથી શિખરજી ઉપર અજિત પાર્શ્વ સ્તોત્રની રચના થઈ શકે કારણ કે બંને ભગવાનનાં ચૈત્ય એક સાથે જોઈ શકાય છે . કંઈક કરશું જરૂર .
રોજેરોજના વિહારમાં લખવાનો સમય હવે મળે છે . તીર્થસ્પર્શનાના દિવસોમાં સમય મળતો નહોતો . સૂરજ સવારે છ વાગ્યાની આસપાસ ઉગે , સાંજે પાંચ સવાપાંચે ડૂબે . દિવસનો ઘણોખરો સમય વિહાર અને યાત્રામાં પૂરો થઈ જતો હતો . લગભગ રોજ એવું થતું કે સૂર્યાસ્તના એક કલાક પહેલાં ફ્રી થવાય . વાપરવાનું પતે ત્યારે સૂરજ અલવિદા લેતો હોય . શિખરજી : ૨૦૨૪ની ડિસેમ્બર ૨૫ , ૨૬ , ૨૭ . લછવાડ : ૨૦૨૫ની જાન્યુઆરી ૩ , ૪ . ગુણિયાજી : જાન્યુઆરી ૬ . પાવાપુરી : જાન્યુઆરી ૭ , નાલંદા : જાન્યુઆરી ૮ . રાજગૃહી : જાન્યુઆરી ૯ , ૧૦ . ચરંડીહ : જાન્યુઆરી ૧૧ . આજનો મુકામ છે લોહજરા : જાન્યુઆરી ૧૨ .
આશરે છવ્વીસ વરસ પછી બીજીવાર યાત્રા કરવાનો લાભ મળી રહ્યો હતો . પહેલીવાર યાત્રા કરી ત્યારે એમ લાગતું હતું કે બીજીવાર આવવાનું નહીં થાય .
ભ્રમણા હતી એ . બીજીવાર આવવાનું થયું જ હતું . પહેલીવારની યાત્રા કરતાં સાવ અલગ રીતે બીજી વખતની યાત્રાઓ થઈ હતી . એકએક દિવસ કમાલ રહ્યો હતો યાત્રાનો . મારે ફાગણ સુદ ત્રીજના દિવસે વર્ધા પહોંચવાનું અને મારો વિહાર થયો માગસર વદ ચૌદશના દિવસે . સમયની ખેંચતાણ હતી જ . છતાં યાત્રાઓ કર્યા વિના નીકળવાનું ના હોય . પાક્કું હતું . હું પરમ દિવસે સાંજે રાજગીરીથી નીકળ્યો ત્યારે જે યાત્રાઓ કરી શકાય તેમ હતી તે કરી લીધી હતી . શરૂઆત શિખરજીથી થઈ હતી .
પહાડની પરિપાટી શ્રીકુંથુનાથપ્રભુની દેરીથી શરૂ થઈ હતી . હજારો યાત્રાળુઓ આવ્યા હતા . દેરીએ દેરીએ ભીડ હતી . નાનકડી દેરીના ગોખમાં ઢગલો ચોખાબદામલવિંગ ચડ્યા હતા . એની પર ગડી વાળેલી ચિટ્ઠી પડી હતી . પહેલાં તો મને થયું કે એ ચિટ્ઠીને અડવું નથી . પછી થયું કે વાંચીને પાછી મૂકી દઈશ . ચિટ્ઠી ઊઠાવી . ખોલીને વાંચી . જેણે લખી હતી એનું નામ જાહેર નથી કરવું . એને શિખરજીના દરબાર પર શ્રદ્ધા કેવી હશે કે પોતાના જીવનની બધી સમસ્યા પ્રભુ સમક્ષ વ્યક્ત કરી દીધી હતી . અડધું અંગરેજી અને અડધું હિન્દીમાં લખ્યું હતું . ભગવાન્ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરવાથી , સમાધિ અને શાંતિ મળે છે . ભગવાન્ પાસે ભીખ માંગીએ એ ખોટું . પરંતુ ભગવાન્ જગતના સર્વસત્તાધીશ છે , એવી શ્રદ્ધા આદરપાત્ર છે . એ ચિટ્ઠીનું કર્મચારીઓ શું કરત , ખબર નથી . મેં એ ચિટ્ઠી મારી પાસે રાખી લીધી . ખુલ્લી કિતાબની જેમ પડેલી આ ચિટ્ઠી વાંચીને મેં ભગવાનને પ્રાર્થના કરી . તમે પણ કરજો .
વિચાર એ આવતો રહ્યો કે પ્રભુના દરબારમાં કેવા કેવા લોકો , કેવી કેવી અરજી લઈને આવતા હશે ? જ્ઞાની પણ આવે અને અજ્ઞાની પણ આવે . તપસ્વી પણ આવે અને ખાણીપીણીના શોખીન પણ આવે . ધર્મી પણ આવે અને અધર્મી પણ આવે . જૈન પણ આવે અને અજૈન પણ આવે . શ્વેતાંબર પણ આવે અને દિગંબર પણ આવે . વિદેશી પણ આવે અને ઝારખંડીઓ પણ આવે . પહાડ પરની દેરીઓની સમક્ષ આવેલા ભક્તોની વિધવિધ ભૂમિકાઓ હશે , પોતપોતાની ભૂમિકા અનુસાર અરજીઓ થઈ હશે , અરજીઓનો સ્વીકાર થયો જ હશે . જેને અરજીનો જવાબ મળ્યો એમની અનુભૂતિ કેવી હશે ? કોઈ અરજી કરતાં કરતાં ગદ્ગદ થાય અને કોઈ અરજીનો સ્વીકાર થયો છે એનો અનુભવ પામીને કૃતજ્ઞતા અનુભવે . સમગ્ર પર્વતરાજ પર અરજીઓનો આત્મીયભાવ છલકે છે અને અરજીની સ્વીકૃતિનો ભાવ ફોરતો રહે છે .
શ્રી મુનિસુવ્રત ભગવાન્ . રાજગૃહીના રાજાધિરાજ . પ્રભુની કથા સિરિ મુણીસુવ્વયચરિયંમાં વિસ્તારથી લખાઈ છે . પ્રભુ રાજગૃહીમાં પધાર્યા તે પૂર્વે પ્રભુની આઠ ભવની યાત્રા થઈ .
પ્રથમ ભવ : જંબૂદ્વીપ . ઐરવત ક્ષેત્ર . માકંદી નગરી . પિતા વિશ્વભૂતિ . માતા વિશ્વદત્તા . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ શિવકેતુ . સૂરમુનિના સત્સંગથી પ્રેરણા પામીને માત્ર આઠ વરસની વયે આચાર્ય શ્રી ભુવનતુંગજી પાસે દીક્ષા લીધી . બાવીસ દિવસ દીક્ષા પાલન કર્યું એમાં છેલ્લા સાત દિવસ અનશન કર્યું .
દ્વિતીય ભવ: પ્રથમ દેવલોકમાં દેવ બન્યા .
તૃતીય ભવ : જંબૂદ્વીપ . મહાવિદેહ ક્ષેત્ર . પુષ્કલાવતી વિજય . વિશ્વપુર નગર . પિતા વિશ્વકાંત રાજા . માતા વિશ્વકાંતા રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ કુબેરદત્ત . પિતા વિશ્વકાંતે દીક્ષા લીધી . કુબેરદત્ત રાજા બન્યા . લાંબા સમય બાદ કુબેરદત્ત રાજાએ પિતામુનિ પાસે દીક્ષા લીધી .
ચોથો ભવ : તૃતીય દેવલોકમાં દેવ બન્યા .
પંચમ ભવ : જંબૂદ્વીપ . મહાવિદેહ ક્ષેત્ર . ગંધાવતી વિજય . ગંધમાદનપુર નગર . પિતા વજ્રનાભિ રાજા . માતા શુભાવતી રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ વજ્રકુંડલ . પિતાએ દીક્ષા લીધી તે પછી એ રાજા બન્યા . લાંબા સમય બાદ એમણે આચાર્ય વિમલયશસૂરિજી પાસે દીક્ષા લીધી .
છટ્ઠો ભવ : પંચમ દેવલોકમાં દેવ બન્યા .
સપ્તમ ભવ : જંબૂદ્વીપ . ભરત ક્ષેત્ર . ચંદ્રપુર નગર . પિતા નરપુંગવ રાજા . માતા પુણ્યશ્રી રાણી . એમના પુત્ર તરીકે અવતર્યા . નામ શ્રીવર્મ . પિતાએ દીક્ષા લીધી તે પછી એ રાજા બન્યા . લાંબા સમય બાદ આચાર્ય શ્રી નંદનસૂરિજી પાસે દીક્ષા લીધી . વીશ સ્થાનક આરાધીને તીર્થંકર નામકર્મ બાંધ્યું .
આઠમો ભવ : દશમા દેવલોકમાં દેવ બન્યા .
નવમ ભવ : દેવાધિદેવ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન્ .
પ્રભુની ભૂમિ પર પ્રભુને ભાવે જુહાર્યા . પરમ ધન્યતા .
આજે હું સીતારામપુર છું . રાજગૃહીની પહાડીને અડોઅડ ગામ . છતાં રાજગૃહીથી ૧૦ કિલોમીટર દૂર . સ્કૂલમાં ઉતારો . મેદાનમાંથી દૂરદૂરનો ફેલાવો બનાવતો પહાડ . શાંત સન્નાટો . પોષ સુદ એકાદશીની ચાંદની . રાજગૃહીની પહાડીઓનો વર્ણ શામળો નથી . પહાડીના પથ્થર ધોળા છે . બે દિવસમાં લગભગ આઠેક કલાક પહાડ સાથે વીત્યા હશે એટલે પથ્થરનો રંગ યાદ રહી ગયો છે . એટલો ઉજળો પાષાણ છે આ પર્વતનો કે એ પાષાણમાંથી પ્રતિમા કેમ નથી બનાવતા , એવો પ્રશ્ન થાય . શિખરજીની યાત્રા કરી છે , સિદ્ધગિરિની યાત્રા કરી છે પરંતુ રાજગૃહી ? આઠમનાં સ્તવનની પહેલી કડીના પહેલા શબ્દમાં વસે છે રાજગૃહી શુભ ઠામ . સિરિ સિરિવાલ કહા-ના ગૌતમ ગુરુ રાજગૃહી પધારીને નવપદની દેશના ફરમાવે છે : અરિહાઈ નવપયાઈં ઝાઇત્તા , આ ગાથા પર કેટલીય વાર વ્યાખ્યાન આપ્યાં છે . હિયય કમલ મજ્ઝંમિ , આ કડીના આધારે લોટસ મેડિટેશન કર્યું છે , કરાવ્યું છે . ધન્નાજીની સાત માળની હવેલી અને એમની આઠ પત્નીઓની અલગ અલગ સાત માળની હવેલીઓ એમ નવ હવેલીઓમાં રહેનારું કુટુંબ રાજગૃહીએ જોયું છે . શાલિભદ્રજીની નવાણું પેટી અને પુણિયા શ્રાવકની સામાયિક રાજગૃહીએ જોઈ છે . સુધર્મા સ્વામીજીની દેશના અને જંબૂકુમારની રાત્રિકથા રાજગૃહીએ સાંભળી છે . નંદ મણિયારનો મંડૂક અવતાર અને રાજા શ્રેણિકની જેલ રાજગૃહીની નજર સામે બનેલી ઘટના છે . ગૌશાળો પ્રભુ વીરને ગળે પડ્યો રાજગૃહીથી .
રાજગૃહીની કથાઓ અગણિત છે . આખી રાત વીતી જાય તો પણ રાજગૃહીની વાર્તા ખતમ ના થાય . અત્યારે ચાંદનીનું અજવાળું રેલાયેલું છે એમાં લખવા બેઠેલો છું તો દૂર થી શિયાળ રોવાનો અવાજ સંભળાઈ રહ્યો છે . તે સિવાય ભેંકાર એકાંત છે . અડધા ખોબા જેવું સીતારામપુર ધાબળા ર્વીટાળીને પોઢી ગયું છે . રાજગૃહીના પંચ શૈલની સફેદ ચટ્ટાનો ચાંદાના અજવાળે ચમકી રહી છે . મને ત્રણ ચાર પહાડી દેખાઈ રહી છે તે લગભગ સ્વર્ણગિરિની શૃંખલા છે . અત્યારે સાડા દસ થયા છે . હવે વિશ્રામનો સમય થયો .
પાછલા પાંચ દિવસોમાં – ક્ષત્રિયકુંડ , કુંડઘાટ , લછવાડ , પાવાપુરી , ગુણિયાજી , કુંડલપુર , નાલંદા , રાજગૃહીની યાત્રા થઈ છે. આ એક અખવાડિયું સાકાર થયેલું સોનેરી સપનું બની ગયું છે . બધું વિગતે લખીશ . આજે चत्तारि मंगलं ।
લછવાડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ . લિચ્છવી પાટક જૂનું નામ . ભારત દેશમાં અત્યારે ગણતંત્ર પ્રવર્તે છે . ભારત દેશ પર જ્યાં સુધી મુસ્લિમોએ રાજ કર્યું , ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ્ય કર્યું અને બ્રિટિશની રાણીએ રાજ કર્યું ત્યાં સુધી ગણતંત્ર જેવું કશું હતું નહીં . ચેટક રાજાના જમાનામાં વૈશાલીમાં ગણતંત્ર મૌજૂદ હતું . ધૂમકેતુએ વૈશાલીની નવલકથામાં એ જમાનાની વોટિંગ સિસ્ટમનું વર્ણન કરેલું છે . ત્રિશલામાતા વૈશાલીના રાજાના પરિવારમાંથી આવેલા . ત્રિશલામાતાએ વૈશાલીની પ્રજાની સાથે આત્મીય સંબંધ બનાવેલો હતો . એટલે એમનામાં મિજાજ વૈશાલીના રાજા જેવો હતો અને સમર્પણ વૈશાલીની પ્રજા જેવું હતું .
ક્ષત્રિયકુંડનાં રાજ્યમાં વૈશાલી સંસ્કૃતિથી અલગ વાતાવરણ હતું . લછવાડની ભૂમિ પર વૈશાલી સંસ્કૃતિના વિચારો આવતા રહ્યા . અહીં જિનાલય પ્રાચીન છે . શિખરની રચના કંઈક અલગ જ છે .
સિદ્ધાર્થ રાજા અને ઋષભદત્ત બ્રાહ્મણ આજુબાજુમાં બેસીને વાતો કરતા હોય એવાં દૃશ્યની કલ્પના કરો . ત્રિશલા માતા અને દેવાનંદા માતા એકસાથે બેઠા હોય એવું દૃશ્ય કલ્પનામાં લાવી જુઓ . ક્ષત્રિયકુંડ અને લછવાડની વચ્ચે કુંડઘાટ છે : બહુવારિ નદીનો કિનારો . પ્રભુ વીરની જન્મ ભૂમિ પહાડની ઉપર છે . પહાડ પરથી નીચે ઉતરો ત્યાં નદી છે . પહાડની તળેટીમાં બે ધવલ દેવવિમાન ઊભા છે . એક છે ચ્યવન કલ્યાણક મંદિર . બીજું છે દીક્ષા કલ્યાણક મંદિર . પાલીતાણામાં જે રીતે અજિત શાંતિની દેરીઓ છે એ રીતે આ યુગ્મ ચૈત્ય .
આજનો દિવસ અલૌકિક . આજે પ્રભુ વીરની જન્મભૂમિની સ્પર્શના થઈ . જીવનના એકેએક શ્વાસ ઉપર જે પ્રભુનો હક છે એ પ્રભુએ આ ભૂમિ પર પ્રથમ શ્વાસ લીધો . જીવનની એકેએક ક્ષણ સાથે જે પ્રભુએ ચૈતન્ય જોડ્યું છે તે પ્રભુનાં જીવનની પ્રથમ ક્ષણ કલ્યાણક બનીને અહીં ઉગી . દેવાનંદાજીની કુક્ષિમાં કાયાનો પ્રથમ અંકુર ફૂટ્યો એ ક્ષણ એટલે ચ્યવન . ત્રિશલાજીની કુક્ષિએથી માનવલોકમાં પ્રથમ પહેલી વાર પગ મૂક્યો એ ક્ષણ તે જન્મ . એક ક્ષણમાં આપણે ખુદને પણ સુખ આપી શકતા નથી અને અન્ય કોઈને પણ નહીં . પ્રભુએ એક ક્ષણમાં ત્રણ લોકને સુખ આપી દીધું . જે આખી દુનિયાને સુખ આપી શકે એ સ્વયં કેટલોબધો સુખી હશે ? અને જે અવતરણની કે જન્મની પહેલી જ ક્ષણે આટલો બધો સુખી હોય તે આગળનાં જીવનમાં કેટલો મોટો સુખી થયો હશે ? સમજવાની વાત છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ અનંત સુખની પ્રસ્તાવના તરીકે આર્હન્ત્યનું સુખ જોયું છે . આર્હન્ત્ય એટલે અપરિસીમ ઊર્જા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઉર્જા છે . આર્હન્ત્ય એટલે પરમોત્કૃષ્ટ પવિત્રતા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ પવિત્રતા છે . આર્હન્ત્ય એટલે અધધધધધધધ શક્તિ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ શક્તિ છે . આર્હન્ત્ય એટલે સકલ વિશ્વવ્યાપિની કરૂણા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ કરુણાનાં જીવંત સ્પંદન છે . આર્હન્ત્ય એટલે વિશ્વ ઉદ્ધારક બળ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ બળ સિંચાએલું છે . આર્હન્ત્ય એટલે એવી અપરાજેય નિર્લેપતા જે રાગને અને દ્વેષને ખતમ કરીને જ જંપે છે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ નિર્લેપતાની ઝાંખી છે . નંદન મુનિના ભવમાં એ આર્હન્ત્ય નિર્ધારિત થયું . આર્હન્ત્ય એટલે પાતાલલોક , માનવલોક અને દેવલોક પરનું આધિપત્ય . भूर्भुवस्स्वस्त्रयीशानम् , સકલાર્હત્ સ્તોત્ર ફરમાવે છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ આધિપત્યનો પરમ સ્પર્શ મેળવ્યો છે . ક્ષત્રિયકુંડની ભૂમિ એ આર્હન્ત્યની ભૂમિ છે . આર્હન્ત્ય કાયા રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાન્ . એ કાયા જે ભૂમિને સ્પર્શે એ ભૂમિમાં અસંખ્ય તીર્થોનું ઘન તત્ત્વ અવતરે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઘન તત્ત્વ વસે છે . આર્હન્ત્ય વાણી રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાનનો અમૃતનિ:સ્યંદી અવાજ . એ અવાજ જ્યાં ગુંજે ત્યાં પાવનતા પાંગરતી આવે . ક્ષત્રિયકુંડની હવામાં એ પાવનતાના અણુ પરમાણુ વસે છે . આર્હન્ત્ય ભાવના રૂપે સ્ફુરણા પામ્યું એ વર્ધમાન ભગવાનનો વૈરાગ્યવાહી વાત્સલ્ય ભાવ . એ વાત્સલ્ય જેમને જેમને મળે એનો આત્મા ધન્ય બની જાય . ક્ષત્રિયકુંડનાં વાતાવરણમાં એ વાત્સલ્ય આજે પણ અકબંધ જીવે છે . અહીં જે આવે તે ધન્ય બની જાય છે . આજે આર્હન્ત્યની આ ભૂમિને નજરથી નિહાળી , શ્વાસથી જુહારી , કાયાથી સ્પર્શી , આંગળીઓથી અડકી , લાગણીઓથી વધાવી . એમ લાગે છે આજે જીવનને અભિનવ અવતાર મળ્યો .
કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ એટલે શિખરજીની યાત્રા
શિખરજીની યાત્રા . કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ છે . મનુષ્ય લોકમાં ઘણી બધી તપસ્યા કરવાની , ઘણાં ઘણાં કષ્ટ સહન કરવાના . તપસ્યા અને કષ્ટ દ્વારા કર્મનિર્જરા થાય . એનાં ફળ સ્વરૂપે સ્વર્ગ મળે . એ સ્વર્ગનું નામ શિખરજીનું શિખર .
નવ કિલોમીટરનું આરોહણ સહેલું નથી . પગલે પગલે થાક વધે . ભીડ ઘણી રહે છે . કાનને કોલાહલ સતત ટકરાયા કરે . મોટાભાગના લોકો આધ્યાત્મિક ન હોય એવી જ વાતો કરતા હોય . આપણને પ્રભુના વિચાર કરવા હોય પણ એમની વાતો કાનોકાન અફળાતી હોય એટલે પ્રભુ સાથે મગન થવામાં અડચણ અનુભવાય . પહાડ જેટલો મોટો છે , માર્ગ જેટલો લાંબો છે એને મુકાબલે એ મારગનો પનો ટૂંકો છે . વારંવાર યુ-કટ વળાંક પણ આવે . એકસાથે ચાર લોકો ચાલે એટલામાં રસ્તો બ્લોક થઈ જાય . એમાં પાછા ડોલીવાળા . ચાર જણા ઊંચકે એવી ડોલી વધારે આવે . બે જણા ઊંચકે એવી ડોલી પણ આવે . આપણે ચડતા હોઈએ ત્યાં ખભાની વચ્ચે ડોળીના લાંબા વાંસડા ઘૂસી આવે . આપણે ચાલતા હોઈએ તો પગનાં ઘૂંટણની વચ્ચે એમની લાઠી ફસાય . પડતાં પડતાં માંડ બચીએ . એમનાં મોઢેથી બીડી અને દારૂની વાસ ગંધાતી હોય . સહન કરવી જ પડે . આગળ નીકળવાવાળા આપણને ધક્કો મારીને આગળ જાય . જેમનાથી આપણે આગળ નીકળીએ એ લોકોના ખભે આપણો ખભો ઘસાય . વિજાતીયના સંઘટ્ટાથી બચવું પડે . આપણને થાક ચડ્યો હોય એનાથી વધારે થાક અમુક બીજાઓને લાગ્યો છે એ પણ દેખાય . આપણે જેટલા થાક્યા છીએ એટલો થાક અમુક બીજાઓને નથી લાગ્યો એ પણ દેખાય . રસ્તો કાચો છે , પથરાળ છે , ઊંચો છે , અઘરો છે , લાંબો છે . ફિટનેસ ટેસ્ટ માંગી લે છે . કઠિન પહાડ પર જે ચડી ગયા તેને હાર્ટ પ્રોબ્લેમ નથી એ પાક્કું . હું હાંફતો રહ્યો પણ છેવટે આરોહણ સંપન્ન થયું . જાણે કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ પૂરો થયો .
હવે નજર સામે કેવળ સ્વર્ગ હતું . ડાબા હાથે દૂર દેખાતી હતી પારસનાથજીની ટૂંક . જમણા હાથે દૂર હતી ચંદ્રપ્રભજીની ટૂંક , જે દેખાતી નહોતી . ત્રીસ ટૂંક છે એ જાણે ત્રીસ દેવવિમાન . ચોતરફ દિગંતમાં અનંત આકાશ . એમ જ લાગે કે માનવ લોક નીચે રહી ગયો છે અને આપણે ઉપર છીએ , ઉપરવાળાની એકદમ નજીકમાં . ઊર્ધ્વ દિશાએ અનંત અવકાશ છે , એના છેવાડે છે સિદ્ધશિલા . એમાં બેસેલા અનંત આત્માઓમાંથી કેટકેટલા આત્માઓ એવા છે જે શિખરજી પરથી જ સીધા ત્યાં પહોંચ્યા છે . એ પ્રત્યેક આત્માને , પરમ આત્માને વંદન કરવા માટે શિખરજીની યાત્રા કરવાની હોય છે . જે ભૂમિએ એ આત્માઓને સિદ્ધશિલાનો માર્ગ બનાવી આપ્યો એ ભૂમિની સ્પર્શના કરવી હતી .
પહાડ પર પહોંચ્યા બાદ આરામ કરવો હતો . સામે જ નવનિર્મિત ઉપાશ્રય હતો . એમાં વિશ્રામ કર્યો . તે દિવસે એકથી વધુ સંઘો આવ્યા હતા . પર્વતરાજ પર બે હજારથી વધુ ભક્તોની ભીડ ભેગી થઈ હતી . શ્રી ગૌતમ સ્વામીજીની ટૂંકમાં ભારે ધસારો હતો . આખું ચોગાન લોકોથી ઢંકાયેલું હતું . ઘણાઘણા ડોલીવાળા લાઈન લગાવીને બેસી ગયા હતા . ચાલવાની પણ જગ્યા નહોતી . દરેક દેરીએ ભક્તોનાં ટોળાં જામી પડ્યાં હતાં . મારે દરેક દેરીએ મૂળ જિનાલય જેવી શાંતિથી ચૈત્યવંદન કરવું હતું , સ્તવન ગાવું હતું અને જાપ કરવો હતો . આટલા ઊંચે આવ્યા પછી કોઈપણ દેરીએ ઉતાવળ કરીએ તે કેમ ચાલે ? વીસ પ્રભુનાં કલ્યાણકની દેરીઓમાંથી અઢાર દેરીઓ સાવ નાની છે . દેરી નાની છે એટલે સ્થાન નાનું છે , સ્થાન નાનું છે એટલે ઓછા સમયમાં પતાવી દેવાય એવી માનસિકતા બનતી હોય છે , જે ભૂલ ભરેલી હોય છે . દરેક નાની દેરીના નાનકડા ગુંબજની ઉપર છેક સિદ્ધશિલામાં એ જ ભગવાનનો સિદ્ધ આત્મા બિરાજમાન છે જેમના ચરણપાદુકા દેરીની ભીતરમાં જોવા મળે છે . તે તે પ્રભુ પોતાના સમયકાળના એકમાત્ર મૂળનાયક હતા . એમનાં કલ્યાણકોએ ત્રણ લોકના જીવોને સુખનું સ્પંદન આપ્યું હતું . એમના અભિષેક મેરુપર્વત પર થયા હતા . એમના સમવસરણમાં અગણિત જીવોના ઉદ્ધાર થયા હતા . એમનો શ્રમણ પરિવાર , શ્રમણી પરિવાર , શ્રાવક પરિવાર , શ્રાવિકા પરિવાર અને ભક્ત પરિવાર ઘણો જ વિશાળ હતો . તે તે પ્રભુ થકી ચિરસ્થાયી યુગપ્રવર્તન થયા હતા . તીર્થંકર એ તીર્થંકર હોય છે . કલ્યાણક એ કલ્યાણક હોય છે . તીર્થંકરની સાથે ઉતાવળ ન હોય , કલ્યાણક ભૂમિની સાથે હડબડી ન કરાય . મારે કોઈ તીર્થંકરની સ્પર્શના ઉતાવળમાં પતાવવી નહોતી . એક મોટા સંઘનાં મુખ્ય દેરાસરમાં બિરાજમાન મૂળનાયક ભગવાનને જેટલો સમય અપાય , જેટલો આદર અપાય એટલો સમેતશિખરજીની વીસેવીસ કલ્યાણક દેરીઓને આપવો જોઈએ . કોઈપણ દેરી બે મિનિટમાં પતાવી દેવાય નહીં . સૂત્ર ઉતાવળ કર્યા વગર જ બોલવાના . સ્તવન લંબાણપૂર્વક જ ગાવાના . જાપ નિરાંતે જ થવા જોઈએ . ભીડ ઘણી જ વધારે હતી એટલે કોઈ પણ દેરી પર આરામથી બેસી શકાય એવું લાગતું નહોતું . ઉપાશ્રયમાં વિસામો લીધો અને રાહ જોઈ . બપોરે બે વાગ્યા પછી ભીડ ઓછી થઈ અને યાત્રા શરૂ કરી .
સૌપ્રથમ શ્રી કુંથુનાથ ભગવાનની દેરી . ચરણપાદુકાની આસપાસ દિગંબરોએ ચડાવેલા ચોખાઓનો મોટો ઢગલો બનેલો હતો . ચોખા ચરણપાદુકા ઉપર પણ પથરાયા હતા . આશ્ચર્યની વાત એ હતી કે ચરણપાદુકાની ઉપર એક ખુલ્લી ચિઠ્ઠી પડી હતી . સંકોચપૂર્વક ચિઠ્ઠી ઉઠાવી અને વાંચી . કોઈએ ખરેખર ભગવાનને જ પત્ર લખ્યો હતો . શું લખ્યું હતું ? કાલે વાત ….
શિખરજીનો પહેલો બોધપાઠ : થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય
( અંગ્રેજી તારીખિયા અનુસાર બે હજાર પચ્ચીસનું વરસ આજે શરૂ થયું . આપણું બેસતું વરસ તો કાર્તિક સુદ એકમના દિવસે શરૂ થઈ ગયું છે . આજના દિવસથી એક નવી યાત્રા શરૂ થાય છે . રોજ મળશું . )
ઘણું અઘરું હતું . બધાએ જ કહ્યું હતું કે તમે આ પહાડ ચડી નહીં શકો . સીધું ચઢાણ છે . લાંબો રસ્તો છે . એક સરખા પગથિયાં નથી . એકસરખો સિમેન્ટ રોડ પણ નથી . એકસરખી ઉખડ બાખડ જમીન પણ નથી . એકસરખું બધું જ અઘરું છે એવું પણ નથી . એકસરખું સહેલું નથી એ વાત પાકી છે . જુવાનજોધ માણસના ફેફસાં પણ ફાટવા લાગે એવો મારગ છે . ચડવાનું અઘરું છે એને ઉતરવાનું પણ અઘરું જ છે . યાત્રા લાંબી છે એટલે સમય પણ ઘણો લાગી જાય છે . આથી થાક પણ ઘણો જ લાગતો હોય છે , એય પાછું અઘરું જ છે . એટલે યાત્રા કરવા માટે નીકળ્યો ત્યારે મનમાં ડર ભરેલો હતો . વિચારેલું કે જેટલું ચડાશે એટલું ચડીશ . પછી એમ લાગશે કે નથી ચડાતું તો ધીમે ધીમે પાછો ઊતરી જઈશ . ડોલીમાં બેસીને ચડવાનો વિચાર હતો નહીં . ચડવું તો પગેથી ચડવું એવી ધારણા હતી . આ ધારણાને લીધે ડર હતો કે – નહીં ચડાયું તો વિલે મોઢે પાછા જવું પડશે . પરંતુ વિક્રમ સંવત્ બે હજાર એક્યાસીની સાલમાં માગશર વદ દશમે મારી ડાયરીમાં આ શબ્દો લખાયા હતા : હું આજે સ્વર્ગનો સ્પર્શ અનુભવી શકું એવી ઊંચાઈ પર છું . હું સમેતશિખરના શૃંગે છું . આ તપોભૂમિ છે . વીશ વીશ તીર્થંકર ભગવાને અહીં અંતિમ ઉપવાસ એવા કર્યા જેનાં પારણાં થયાં જ નહીં . સમેતશિખરજીથી જે અણહારી અવસ્થાનો પ્રારંભ થયો તે અણહારી અવસ્થા આજે સિદ્ધશિલામાં પણ પ્રવર્તમાન છે . આઠ કર્મો સામેની લડાઇમાં ઘાતીકર્મનો નાશ થાય એ પહેલી જીત છે . એ જીત પછી કેવલ જ્ઞાન થતું હોય છે . કોઈ એક જ ભૂમિ પર વીશ વીશ તીર્થંકરને કેવલજ્ઞાન થયું નથી . આઠ કર્મો સામેની લડાઇમાં અઘાતીકર્મનો નાશ થાય એ આખરી જીત છે . એ આખરી જીત પછી મોક્ષ મળે છે . વીશ વીશ પ્રભુએ આખરી જીત આ પર્વતરાજ પરથી મેળવી છે . એને લીધે આ પર્વતને મહાતીર્થાધિરાજ તરીકેનું ગૌરવ મળે છે . આ ચમત્કાર કેવી રીતે થયો ? મને આજ સુધી સમજાયું નથી પણ હકીકત એ છે કે હું પોષ દશમીની ત્રણેય રાત સમેતશિખરજી મહાતીર્થના ખોળે સૂતો હતો . પહેલી રાત કલિકુંડ જિનાલય પાસેની ધર્મશાળામાં . બીજી અને ત્રીજી રાત જલમંદિરની પાસેની નાનકડી ઓરડીમાં .
માગસર વદ નોમના દિવસે સવારે ઋજુવાલિકાથી વિહાર કર્યો હતો . મધુબનમાં શામળિયા પાર્શ્વનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કર્યાં . બપોરે ચાર વાગે પહાડ પર આરોહણ શરૂ કર્યું . થોડીવારમાં જ કલિકુંડ જિનાલય આવી ગયું . સૂર્યાસ્ત પહેલાં પહોંચી જવાયું . નાની ધર્મશાળામાં રાતવાસો મળ્યો . પહાડ પરની રાત રોમાંચક હતી . શહેર દૂર હતું . વસતિ નહિવત્ . શિખરજી વિશે ઘણું વાંચ્યું છે , શાસ્ત્રોમાં , ઈતિહાસમાં , પુસ્તકોમાં . ઋજુવાલિકા – નંદપ્રભા સંકુલમાંથી , છેક ૧૮ કિલોમીટર દૂરથી આ પર્વતરાજનાં દર્શન થાય છે . આવા વિરાટ પહાડ પર ચડવાની લાગણી હંમેશા બનતી . દરવખતે , ડુંગરા દૂરથી રળિયામણા – એ કહેવત જ યાદ આવતી . દૂરથી જોવાનું સહેલું છે . નજીક આવીને ચડવાનું ઘણું અઘરું છે . જોકે ઘણાય યુવાનો ઝડપથી ચડી જાય છે . પણ એવા લોકોનેય જોયા છે જે ચડવાનું અધૂરું છોડીને પાછા નીચે ઉતરી ગયા . આવતીકાલે મારી હાલત પણ આ જ થવાની છે એવું લાગતું હતું . મનમાં ઘણી જ ખુશી હતી કે પર્વતરાજની ઉપર રાતનો સમય રોકાવા મળ્યું છે . જેમણે જેમણે વારંવાર યાત્રા કરી છે એમનાં મોઢે સાંભળ્યું હતું કે કલિકુંડ પછી થોડુંક ચાલવાનું છે અને એના પછી જ ખરેખર અઘરું ચડાણ શરૂ થાય છે . જેટલું ચડી ગયા એનો કોઈ આનંદ મનમાં હતો નહીં . જે ચડવાનું બાકી છે એનો ખૌફ જ મનમાં જાગી રહ્યો હતો . દેરાસરમાં ચૈત્યવંદન કર્યું હતું , જાપ કર્યો હતો . ઓરડીમાં બેસીને ધ્યાન કર્યું હતું અને સ્વાધ્યાય કર્યો હતો . હું પહાડ ઉપર છું એનો રોમાંચ ઘણો હતો . શિખરજીનાં સ્તવનો અને સ્તોત્રો ગાતાં આવ્યા છીએ . શિખરજી ઉપર અનશન સાધનારા તીર્થંકર ભગવંતો અને અન્ય સાધકોએ પણ રાત પહાડ ઉપર જ વિતાવી છે . એમની રાત નિદ્રા વિનાની હતી , પ્રમાદ વિનાની હતી , ભય વિનાની હતી . મને સમજાતું હતું કે મારી રાત એવી નથી , મારે નિદ્રા લેવાની છે , આરામ કરી લેવાનો છે , અન્યથા સવારે ચડવામાં થાક લાગશે . સભાનતાપૂર્વક નિદ્રા સાથે જોડાઈ જવાની કોશિશ કરી પરંતુ ઊંઘ ન આવે . પહેલું કારણ , યાત્રાભૂમિનો રોમાંચ . બીજું કારણ , કડકડતી ઠંડી . નીચે મકાનોની વચ્ચે હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે ઓછી . ઉપર પહાડ પર હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે વધારે . કંઈ ક્ષણે ઊંઘ આવી ખબર ના પડી . રાત્રે એક દોઢ વાગે કલિકુંડ કેમ્પસની બહાર , પહાડી રસ્તા ઉપરથી લાઠી ઠોકાવાના અવાજ આવવા લાગ્યા . સમજાયું કે લોકોએ આરોહણ શરૂ કરી દીધું છે . પહાડ પર ત્રણ પ્રકારના આરોહકો ચડે છે : શ્વેતાંબરો , દિગંબરો અને ઝારખંડીઓ . દિગંબરોની સંખ્યા પહાડ ઉપર ઘણી જ વધારે જોવા મળે છે . એ લોકો રાતે એક દોઢ વાગ્યાથી ચડવાનું શરુ કરી દેતા હોય છે . એમનો નિયમ બહુ પાકો હોય છે . એ લોકો આખા પહાડની યાત્રા કરશે . જ્યારે શ્વેતાંબરોનું નિયમ જુદો છે . શ્વેતાંબરો જલ મંદિર જઈને સંતૃપ્ત થઈ જાય છે . પછી ફાવે તો પારસનાથ જાય , મૂડ બને તો ચંદ્રપ્રભજી જાય . સૂર્યોદયના સમયે ચંદ્રપ્રભજી પહોંચી જનારા દિગંબરો ઘણા હોય છે . લાઠીની ઠકાઠકના અવાજ ચાલુ જ રહ્યા .
ઘણા લાંબા સમય પછી જ્યારે અમે ચડવાનું શરૂ કર્યું ત્યારે લાઠીવીરોની સંખ્યા ઘણી વધી ગઈ હતી . લાઠીનો અવાજ કરનારાઓમાં અમુક લોકો ડોલીવાળા હતા . કલિકુંડ પછી થોડુંક ચાલ્યા હોઈશું . ચઢાણ આવવા લાગ્યું . પગના ગોટલા પર એવું વજન લાગવા માંડ્યું કે જાણે કોઈએ પગ પર રેતીની થેલીઓ બાંધી હોય અને શ્વાસો એ રીતે ભારે થવા લાગ્યા કે જાણે કોઈએ મોઢાને નાકને જાડા કપડાથી બાંધી દીધું હોય . પગ ભારે અને શ્વાસો ભારે , આ પરિસ્થિતિ દસબાર મિનિટની હોય તો સહન થઈ જાય , અડધો પોણો કલાકની પણ હોય તો સહન થઈ જાય . પરંતુ સતત દોઢબે કલાક સુધી આ જ પરિસ્થિતિ રહેવાની હોય એ સહન કરવાનું ઘણું અઘરું છે . ચઢાણ અઘરું થતું ગયું એમ પોતાની જાતને હું સૂચના આપતો ગયો કે ધીમે ધીમે ચડવાનું છે , વચ્ચે બિલકુલ બેસવાનું નથી . કાચબા અને સસલાની રેસમાં કાચબો ધીમે ધીમે અટક્યા વગર ચાલતો રહ્યો એટલે જીતી ગયો અને સસલું ઉતાવળમાં ચાલતું ગયું પણ થોડી થોડી વારે અટકતું ગયું એમાં પાછળ રહી ગયું . મન મક્કમ રાખીને ચડવાનું ચાલુ રાખ્યું . રસ્તો ધીમે ધીમે કપાઈ રહ્યો છે એ સમજાતું હતું . થોડા સમય બાદ ચડાણ વધારે અઘરું થયું . હવે કાચબાસસલાની થિયરી કામની ના રહી . અગ્રેસિવ થવાને બદલે ડિફેન્સિવ થવાનો વખત હતો . ચડવાનો હોંસલો અખંડ હોવો જોઈએ એ વાત સાચી . પરંતુ એકસાથે એટલું બધું જોશ ન લગાવાય કે ચાલવાની કેપેસિટી જ ખતમ થઈ જાય . બીજા તબક્કામાં હું થોડું ચાલું અને થોડો ઊભો રહું . પછી ચઢાણ વધારે અઘરું થયું . હવે બીજી પોલિસી પણ કામની ન રહી . છાતી એવી ભારે થઈ જતી હતી કે ઉભા જ ન રહેવાય . ત્રીજા તબક્કે , પોલીસી થ્રી : થોડુંક ચાલો અને થોડુંક બેસો . એમ કરતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું પછી એવું બન્યું કે બેસીને પણ થાક ઉતરે નહીં . હવે ? ચોથા તબક્કે , પોલિસી ફોર : થોડુંક ચાલો , થોડું લેટી જાઓ . થોડી થોડી વારે શ્વાસ ભરાય . થોડી થોડી વારે અટકવું પડે . અટકીએ ત્યારે આગળ વધવાનું છે તે યાદ રાખીને અટકીએ . અટકીએ ત્યારે કામ અધૂરેથી છોડી દેવું છે એવો વિચાર બનવા ના દઈએ . અટકીએ ત્યારે હવે મારાથી આ કામ નહીં થાય એવી લાગણી જાગવા ના દઈએ . શ્વાસ ચડ્યો હોય તો શ્વાસ હેઠો બેસે એની રાહ જોઈએ . પગ ભારે થઈ ગયા હોય તો પગ હળવા થાય એની રાહ જોઈએ . આ જ પોલિસી કામ આવે છે .
સમેતશિખરજીનો પહાડ સિદ્ધગિરિ કે ગિરનાર જેવો નથી . શિખરજીનો પહાડ આ બંને કરતાં વધારે કઠણ , વધારે ઊંચો , વધારે લાંબો છે આથી વધારે તાકાત અને વધારે ધીરજ લાગે છે યાત્રામાં . થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય . શિખરજીનો આ પહેલો બોધપાઠ હતો .
બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવાનો લાભ બ્રહ્મેન્દ્રને મળ્યો છે . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા મનુષ્ય લોકમાં થઈ એનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો છે . એ પછીનો ત્રીજો મહાન્ લાભ મળ્યો છે રત્ન શ્રાવકને . એ છ-રી પાલક સંઘ લઈને ગિરનાર આવ્યા હતા . ગિરનારની ટોચ પર જિનાલય હતું . એેમાં માનવનિર્મિત મૂર્તિ હતી , નેમિનાથ દાદાની . આ મૂર્તિની રચનામાં રેતીનો ઉપયોગ સવિશેષ થયેલો હતો . સંઘ ગિરનાર પહોંચ્યો તે પહેલાં રત્ન શ્રાવકને ગુરુ ભગવંત દ્વારા જાણ થઈ હતી કે જે દિવસે સંઘ પહોંચશે તે દિવસે તીર્થને મોટું નુકસાન થશે . એનું નિમિત્ત તમે બનશો . પરંતુ તે પછી તીર્થની પ્રચંડ ઉન્નતિનું નિમિત્ત પણ તમે જ થશો . રત્ન શ્રાવકને સમજાયું કે મને આશાતનાનો મોટો દોષ લાગશે . એ ભયભીત થયા . પરંતુ તે પછી જ તીર્થની મોટી ઉન્નતિ થશે એમ જાણીને આશ્ચર્ય પામ્યા .
સંઘ ગિરનારની ટોચે આવ્યો . સૌ આરાધકોએ જળપૂજા ઘણી કરી . મૂર્તિની રેતી એટલી બધી પીગળી ગઈ કે આખી મૂર્તિ બેસી ગઈ . મૂર્તિની જગ્યાએે માત્ર ભીની રેતીનો ઢગલો રહ્યો . રત્ન શ્રાવકને પ્રચંડ દુઃખ થયું . દુઃખના આવેશમાં એણે ઉપવાસ શરૂ કરી દીધા . એક મહિનાના ઉપવાસ થયા ત્યારે અંબિકાજી પ્રગટ થયા . બોલ્યા : જે રેતીનો ઢગલો છે એમાંથી નવી મૂર્તિ રચી લો .
રત્ન શ્રાવકે કહ્યું કે ના , રેતીની મૂર્તિ નહીં . ફરીથી જળપૂજાનો ભાર આવશે તો રેતીની મૂર્તિને ફરીથી નુકસાન થશે . આપ એવી મૂર્તિ આપો જે ખંડિત જ ન થાય .
અંબિકાજી અંતર્ધાન થઈ ગયા . રત્ન શ્રાવકે ઉપવાસ છોડ્યા નહીં . દેવીએ અદૃશ્ય રહીને ઘણા ઉપસર્ગ કર્યા . પરંતુ રત્ન શ્રાવક ચલિત ન થયા . આ જોઈને દેવી પ્રસન્ન થયા . પ્રગટ થઈને કહ્યું કે તારાં સત્ત્વને જોઈને મને ઘણો આનંદ થયો છે . હું તને પ્રાચીન પ્રતિમા આપું છું .
હિમાદ્રિ પર્વતની કંચનગિરિ ગુફામાં રત્ન શ્રાવકને દેવી લઈ ગયા . ત્યાં બિરાજીત અનેક અનેક દિવ્ય મૂર્તિઓ બતાવી . અને છેલ્લે બ્રહ્મલોકમાં નિર્મિત શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લઈ જવા કહ્યું . દેવીએ જણાવ્યું કે આ મૂર્તિને લોઢું પથ્થર અગ્નિ જળ વીજળી તોફાન કોઈ નુકસાન કરી નહીં શકે . અરે , ઈન્દ્રનું વજ્ર પણ આ મૂર્તિને નુકસાન ના કરી શકે . આ મૂર્તિને કંતાનના તાંતણાથી બાંધી લો . તમે ચાલવા માંડશો એટલે મૂર્તિ તમારી પાછળ સરકતી સરકતી આવશે . તમારે પાછળ વળીને જોવાનું નથી . તમે જ્યાં પાછળ જોશો ત્યાં આ મૂર્તિ અટકી જશે . રત્ન શ્રાવક મૂર્તિને એ જ રીતે ગિરનારના મુખ્ય દેરાસ૨ પાસે લઈ આવ્યા . દરવાજે એ મૂર્તિ રાખીને એ દેરાસરના ગભારામાં આવ્યા .
ગભારામાં પહેલાની મૂર્તિની રેતીનો ઢગલો વેદિકા પર હતો તેને હટાવ્યો . બધી સ્વચ્છતા બનાવી . પછી મૂર્તિને લેવા દરવાજે આવ્યા . હવે મૂર્તિ હલે જ નહીં , હલે જ નહીં . રત્ન શ્રાવક વિસામણમાં પડ્યા અને ઉપવાસ પર ઉતર્યા . અંબિકાજી પ્રગટ થયા . બોલ્યાં : આ મૂર્તિ હલશે નહીં . તમે પશ્ચિમ સન્મુખ જિનાલય બનાવી એમાં બિરાજમાન કરો .
રત્ન શ્રાવકે એવું જ દેરાસર બનાવ્યું . ઠાઠમાઠથી પ્રભુની પ્રતિષ્ઠા થઈ . પ્રતિષ્ઠા પછી રત્ન શ્રાવક આનંદવિભોર થઈને પ્રભુ સમક્ષ પંચાંગ પ્રતિપાતથી ઝૂક્યા . એ વખતે અંબિકાજીએ રત્ન શ્રાવકના ગળામાં પારિજાતનાં ફૂલોની માળા પહેરાવી . રત્ન શ્રાવક ધન્ય થઈ ગયા . આજે ગિરનાર મહાતીર્થના મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બિરાજીત છે એનો મહાપવિત્ર લાભ રત્ન શ્રાવકને મળ્યો છે .
તમે ગિરનાર મહાતીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરો તે વખતે બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
મહાભારતનો જમાનો હતો ત્યારે દેવલોકના ભગવાન્ મનુષ્ય લોકમાં પધાર્યા હતા
મહાભારતના સમયમાં ભારત દેશે જે જોયું છે એ બીજા કોઈ યુગમાં નહીં જોયું હોય . પાંચ પાંડવોની ઘટના . સો કૌરવોનું રાજકારણ . ભીષ્મ પિતામહ . દ્રૌણ આચાર્ય . કર્ણ . કંસ , જરાસંઘ અને શિશુપાલ . આ બધાની ઉપર ભારે હતું એક નામ : કૃષ્ણ રાજા . કૃષ્ણ સમકિતી છે . કૃષ્ણ પ્રભુભક્ત છે . કૃષ્ણ વિષ્ટિકાર છે . શ્રી નેમિનાથ ભગવાનના પિતા સમુદ્રવિજય અને કૃષ્ણના પિતા વસુદેવ સગાભાઈ હતા . આમ શ્રી નેમિનાથ ભગવાન્ અને કૃષ્ણ રાજા વચ્ચે પારિવારિક સંબંધ હતો . પરંતુ કૃષ્ણ રાજા શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે જ વિશેષ પ્રસિદ્ધ થયા છે .
આશ્ચર્યની વાત એ છે કે દેવલોકમાં રહેલી નેમિનાથ ભગવાનની મૂર્તિની સાથે કૃષ્ણ રાજાનો સંબંધ કમાલ રીતે જોડાયો હતો . બન્યું હતું એવું કે ઈન્દ્રને ભગવાને કહ્યું કે દેવલોકમાં બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિ દેવનિર્મિત છે . એના જવાબમાં ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે અમે તો આ મૂર્તિને શાશ્વત સમજતા હતા . આજે ખબર પડી કે આ મૂર્તિ અશાશ્વત છે ?
આ વાતના પ્રતિભાવમાં ભગવાને કહ્યું કે હા , આ મૂર્તિ અશાશ્વત છે . યાદ રાખજો . દેવલોકનો નિયમ છે કે દેવલોકમાં અશાશ્વત મૂર્તિ બિરાજમાન રહી શકે નહીં . માટે આ મૂર્તિને મનુષ્ય લોકમાં બિરાજમાન કરવી જોઈએ .
દેવલોકવાસી ઈન્દ્ર ભગવાનને પૂછે છે કે પ્રભુ , આપનું વચન શિરોધાર્ય છે પરંતુ મનુષ્યલોકમાં આ મૂર્તિ કોને આપી શકાય ?
ભગવાન્ જવાબ આપે છે કે આ મૂર્તિ કૃષ્ણ રાજાને સોંપી દો .
શ્રી નેમિનાથ ભગવાનના કહેવાથી શ્રી નેમિનાથ ભગવાનની દેવલોક સ્થિત મૂર્તિ મનુષ્ય લોકમાં કૃષ્ણરાજાને અર્પિત કરવામાં આવી . કૃષ્ણ રાજા દ્વારા નૂતન જિનાલયમાં આ પ્રતિમા બિરાજમાન કરવામાં આવી . જોવાની વાત એ છે કે પ્રતિમાની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ સ્વયં નેમિનાથ ભગવાન્ આપે , એવી વિનંતી કૃષ્ણરાજાએ કરી હતી . પ્રભુએ વિનંતીનો સ્વીકાર કરીને પ્રતિષ્ઠા માટેનો વાસક્ષેપ આપ્યો હતો . એ જ વાસક્ષેપ દ્વારા ગણધર ભગવંતોએ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી . દેવતાઓએ અને મનુષ્યોએ સાથે મળીને ગિરનારના ગજપદકુંડનાં જળથી આ મૂર્તિનો અભિષેક કર્યો હતો . દેવલોકમાંથી પધારેલી મૂર્તિ મનુષ્યલોકમાં પ્રતિષ્ઠા પામી એની ખુશાલીમાં કૃષ્ણ રાજાએ હીરા મોતી માણેકની પ્રભાવના કરી હતી .
જોકે , શ્રી નેમિનાથ ભગવાને સ્પષ્ટ ભવિષ્યવાણી કરી હતી કે જ્યાં સુધી દ્વારકા નગરી અખંડ છે ત્યાં સુધી આ મૂર્તિ મનુષ્યો માટે ઉપલબ્ધ રહેશે . જે દિવસે દ્વારકા નહીં રહે એ દિવસે અંબિકાદેવી આ મૂર્તિને મનુષ્યલોક પાસેથી પાછી લઈ લેશે . ગિરનાર ઉપર કંચનગિરિ પહાડની ભીતરમાં એ મૂર્તિ બિરાજમાન થશે અને એની પૂજા દેવતાઓ કરશે .
ભગવાને જે કહ્યું હોય એ સાચું જ પડે . એક દિવસ દ્વારિકા નગરી નાશ પામી . નેમિનાથ ભગવાનની મૂર્તિ મનુષ્યલોક પાસેથી છીનવાઈ ગઈ અને દેવતાઓના હાથમાં જતી રહી . ગિરનારના ગહન ગુફાપ્રદેશમાં એ મૂર્તિ બિરાજમાન થઈ ગઈ .
——–
કથા આગળ વધે છે પણ મુદ્દા આપણે યાદ રાખવાના છે .
૧. દેવલોકમાં બિરાજમાન મૂર્તિ પ્રભુના કહેવાથી મનુષ્ય લોકમાં આવી .
૨ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ છે સ્વયં તીર્થંકર ભગવાને આપ્યો .
૩ . એ મૂર્તિની પ્રતિષ્ઠા ગણધર ભગવાને કરી .
૪ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો હતો .
૫ . લાંબા સમય સુધી મનુષ્યો આ મૂર્તિની પૂજા કરતા રહ્યા . તે પછી એક દિવસ એવો આવ્યો કે મૂર્તિ દેવતાઓના હાથમાં જતી રહી અને દેવતાઓ દ્વારા એને પૂજા થવા લાગી .
————
ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાં બનેલી મૂર્તિ વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાંથી મનુષ્યલોકમાં પધારે છે . એની પ્રતિષ્ઠા અને પૂજા કૃષ્ણ મહારાજા દ્વારા થાય છે . પ્રતિમાનો ઇતિહાસ કેવો ગજબનાક છે ?
( Copyrighted content )
બે પ્રશ્નમાંથી શ્રી નેમિનાથ દાદાની પ્રતિમાનું અવતરણ થયું છે : એ પ્રશ્ન તમારાં અંતરમાં પણ જાગવા જોઈએ .
તીર્થંકરની દેશના ચાલુ છે . મોક્ષ મળે નહીં ત્યાં સુધી આત્મસંતોષ માનવાનો નહીં એવી પ્રેરણા પ્રભુનાં મુખે મળી રહી છે . મોક્ષમાં કેવો આનંદ છે એની વાત સ્વયં ભગવાન્ સમજાવી રહ્યા છે . મોક્ષ મળવો દુર્લભ છે એનું કથન પણ ભગવાન્ દ્વારા થઈ રહ્યું છે . સભામાં બેસેલા પાંચમા દેવલોકના ઈન્દ્રને , બ્રહ્મઈન્દ્રને પ્રશ્ન થાય છે કે શું મને મોક્ષ મળશે ? મળશે તો ક્યારે મળશે ? કેવી રીતે મળશે ? ઈન્દ્ર તીર્થંકર ભગવાનને આ પ્રશ્ન પૂછે છે . આ પ્રશ્નમાંથી આપણા સૌનાં ભાગ્યનો ઉદય થયો .
ભગવાને આ પ્રશ્નનો જવાબ આપ્યો . કહ્યું કે વર્તમાન ચોવીસીના હજી ૨૧ તીર્થંકર થવાના છે . એમના પછી આવતી ચોવીસીના ૨૧ તીર્થંકર થવાના છે . આ ૪૨ તીર્થંકર થઈ જશે એ પછી આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર થશે . એમનું નામ હશે શ્રી નેમિનાથજી . એમના સમયમાં , એમના દ્વારા તમને મોક્ષ મળશે . તીર્થંકર ભગવાને ભવિષ્યવાણી કરી . મોક્ષ મળશે એમ પણ કહ્યું , મોક્ષ ક્યારે મળશે એ પણ કહ્યું અને મોક્ષ કોના દ્વારા મળશે એ પણ કહ્યું . પાંચમા દેવલોકના ઈન્દ્રના આનંદનો પાર ન રહ્યો . મને મોક્ષ મળશે એ સાંભળીને આનંદ અનુભવ્યો અને મને આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનને કારણે મોક્ષ મળશે એ જાણીને એ ભાવિ તીર્થંકર ભગવાન્ માટે અનેરો અહોભાવ જાગ્યો . એમને થયું કે જે ભગવાન્ મને મોક્ષ અપાવવાના છે એ ભગવાનની ભક્તિ માટે હું શું કરી શકું ? એમણે વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનની મૂર્તિ બનાવી . ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકરનું નામ હતું સાગર ભગવાન્ . એ તીર્થંકર ભગવાનની વાણીને લીધે વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનની મૂર્તિ બની .
મૂર્તિ દેવલોકમાં બની . મૂર્તિ દેવ દ્વારા બની . મૂર્તિ દેવ દ્વારા પૂજાવા લાગી . ત્રણેય વાતો મોટી ગણાય . દેવલોકમાં કેવળ શાશ્વત મૂર્તિઓ જ હોય છે આ મૂર્તિ અંજનરત્ન દ્વારા નિર્મિત હતી . એનું ઓજ અકલ્પનીય હતું . જે ઈન્દ્રએ મૂર્તિ બનાવી હતી એનું આયુષ્ય પૂરું થઈ ગયું પરંતુ મૂર્તિ દેવલોકમાં બિરાજમાન રહી . લાંબો સમય વીત્યો . મૂર્તિ પૂજાતી જ રહી , પૂજાતી જ રહી . સામાન્ય રીતે દેવતાઓની સામે કોઈ વાત છૂપી રહેતી નથી . એમને અવધિજ્ઞાન દ્વારા ઘણીખરી વાતોની જાણ થઈ જતી હોય છે . આશ્ચર્યની વાત એ રહી કે દેવતાઓ જેવા દેવતાઓને પણ એવું લાગવા માંડ્યું કે આ મૂર્તિ શાશ્વત છે . શું એ મૂર્તિમાં તેજ ભર્યું હશે ? શું એ મૂર્તિમાં ઉર્જા બની હશે ? દેવલોકમાં નિર્માણ પામેલી એ મૂર્તિ અશાશ્વત હોવા છતાં શાશ્વત તરીકે પૂજાતી રહી .
ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનના સમયે ભવિષ્યવાણી થઈ હતી . એ ચોવીસીના શેષ ૨૧ તીર્થંકર ભગવંતો થયા અને મોક્ષમાં ગયા . તે પછી વર્તમાન ચોવીશી શરૂ થઈ . એના પણ એકવીશ તીર્થંકર ભગવંતો થયા અને મોક્ષમાં ગયા . ત્યાર બાદ વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર થયા . શ્રી નેમિનાથ ભગવાન્ . પ્રભુના એક ગણધર હતા શ્રી વરદત્તજી . એ ગણધર ભગવંતને જોઈને પંચમ દેવલોકના ઇન્દ્રએ શ્રીનેમિનાથ દાદાને પૂછ્યું કે આમણે એવું તે કયું પુણ્ય કર્યું કે તેઓ આપના ગણધર પદે બિરાજમાન થયા ?
શ્રી નેમિનાથ ભગવાને કહ્યું કે પંચમ દેવલોકમાં જે મારી મૂર્તિ બિરાજમાન છે એને પંચમ દેવલોકના જ એક ઈન્દ્રએ રચી હતી અને પંચમ દેવલોકમાં બિરાજમાન કરી હતી . એ ઇન્દ્રએ એ મૂર્તિની એટલાબધા આદરભાવ અને અહોભાવથી આરાધના કરી હતી કે એ પ્રભુભક્તિના પ્રભાવે એમનામાં ગણધર બનવાનું સામર્થ્ય પ્રગટી ગયું . એમણે દેવલોકમાં મૂર્તિ બનાવી અને જેમણે દેવલોકમાં એ મૂર્તિની ઉત્કૃષ્ટ ભક્તિ કરી એ ઈન્દ્ર જ પ્રભુભક્તિના પ્રભાવે અત્યારે વરદત્ત ગણધર બન્યા છે .
દેવલોકમાં બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિની વાત નેમિનાથ ભગવાનના જ શ્રીમુખે સાંભળીને અત્યંત પ્રભાવિત થઈ ગયા ઇન્દ્ર . એમણે ભગવાનને કહ્યું કે પ્રભુ અમે દેવલોકના દેવો તો આપની એ મૂર્તિને શાશ્વત મૂર્તિ માનીને જ પૂજતા આવ્યા છીએ . આજે પહેલી વાર ખબર પડી કે દેવલોકમાં બિરાજમાન આપની મૂર્તિ , એ ઈન્દ્રનિર્મિત પ્રતિમા છે અને શાશ્વત પ્રતિમા નથી .
———————–
આ કથા હજી ઘણી લાંબી ચાલશે પરંતુ અહીં અટકીને થોડુંક વિચારીએ .
૧ . પાંચમા દેવલોકના ઈન્દ્રનો જીવ ભવિષ્યમાં નેમિનાથ દાદા દ્વારા મોક્ષ પામશે , એવી ભવિષ્યવાણી ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાન્ કરે છે .
૨ . એ ભવિષ્યવાણીથી પ્રેરિત થઈને પાંચમા દેવલોકના ઇન્દ્ર દેવલોકમાં જ નેમિનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બનાવે છે .
૩ . માનવલોકમાં બે ચોવીસીના કુલ મળીને ૪૨ તીર્થંકર ભગવંતો થઈ ગયા ત્યાં સુધી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા દેવલોકમાં પૂજાતી રહી . કેટલો લાંબો સમય ?
૪ . દેવલોકમાં બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાના પ્રભાવે ઇન્દ્રનો જીવ , ગણધર ભગવાન્ બનવા સુધીની ઊંચાઈ હાંસિલ કરી શક્યો .
૫ . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ દેવલોકમાં બિરાજમાન છે એ વાત સ્વયં શ્રીનેમિનાથ ભગવાને પર્ષદાને જણાવી હતી .
૬ . પંચમ દેવલોકમાં બિરાજમાન શ્રી નેમિનાથ દાદાની મૂર્તિ એટલી બધી પ્રભાવશાળી હતી કે જો શ્રી નેમિનાથ ભગવાને સ્વમુખે મૂર્તિ નિર્માણની કથા જાહેર ન કરી હોત તો દેવલોકના દેવો એ ભગવાનની મૂર્તિને શાશ્વત મૂર્તિ જ માનતા રહ્યા હોત . દેવલોકમાં બિરાજમાન મૂર્તિનું કેવું અપ્રતિમ ઉર્જાબળ ?
૭ . શ્રી નેમિનાથ ભગવાન્ , ચ્યવન કલ્યાણક કે જન્મ કલ્યાણક રૂપે અવતરણ પામે તેના અગણિત વર્ષો પહેલાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બની જાય છે એ કેવી આશ્ચર્યજનક બીના છે ? સામાન્ય નિયમ એવો છે કે ભગવાન્ તીર્થંકર બની જાય તે પછી એમની મૂર્તિ બને . આ પ્રભુના વિષયમાં તો એવું બન્યું કે ભગવાનનો જન્મ થયો એ પહેલાં ભગવાનની મૂર્તિ દેવલોકમાં બિરાજમાન થઈ ગઈ અને પૂજાવા પણ લાગી . શું પ્રતિમાનું પુણ્ય ?
આ સાત વાતો યાદ રાખજો .
શું મને મોક્ષ મળશે અને મને મોક્ષ કેવી રીતે મળશે ? આ બે પ્રશ્નમાંથી શ્રી નેમિનાથ દાદાની પ્રતિમાનું અવતરણ થયું છે . તમને પ્રભુના પ્રભાવે મોક્ષ મળશે , એવી પ્રભુવાણીમાંથી શ્રી નેમિનાથદાદાની પ્રતિમાનાં સર્જન થયાં છે . ભગવાનનો પ્રભાવ જાણીએ અને એ જાણવા દ્વારા ભગવાન્ માટેનો અહોભાવ વધારીએ એને ભક્તિ જ કહેવાય છે . કથા , જોકે હજી ઘણીબધી બાકી છે . આજે અહીં અટકીએ .
( content copyright is reserved )
ગિરનાર મહાતીર્થના અધિપતિ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની ત્રણ વિશેષતાઓ
આપણે લોકો વર્ષોથી દેરાસર આવીએ છીએ , પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ . આપણે જે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરતાં આવ્યા છીએ કે દરેક મૂર્તિની સાથે ત્રણ ત્રણ હકીકત જોડાયેલી રહી છે . એક એ જિનમૂર્તિ માનવનિર્મિત છે . બે , જિનમૂર્તિ માનવ પૂજીત છે . ત્રણ , એ જિનમૂર્તિ માનવ લોકમાં જ બિરાજમાન રહી છે . હવે વિચારો કે કોઈ જૈનમૂર્તિની સાથે ત્રણ હકીકત આ મુજબની જોડાઈ હોય : એ મૂર્તિ દેવનિર્મિત છે , એ મૂર્તિ દેવપૂજિત છે અને એ મૂર્તિ દેવલોકમાં બિરાજમાન રહી છે . આવી મૂર્તિનાં દર્શન કરવા મળે તો કેટલો આનંદ થાય ? આવી મૂર્તિની પૂજા કરવા મળે તો કેટલો આનંદ થાય ? આવી મૂર્તિની આરતી કરવા મળે તો કેટલો આનંદ થાય ?
આપણે લોકો આજની તારીખે જે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ એ પ્રભુમૂર્તિનાં નિર્માણ પાછળ કોઈ આચાર્ય ભગવંતની કે મુનિ ભગવંતની વાણીએ કામ કર્યું હોય છે . હવે વિચારો કે એક જિનમૂર્તિ એવી હોય જેનાં નિર્માણની પાછળ એક તીર્થંકર ભગવાનની વાણીએ કામ કર્યું હોય તો એ મૂર્તિનું માહાત્મ્ય કેટલું મોટું થઈ જાય ? આપણે લોકો આજે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ એ કોઈ શિલ્પીએ બનાવીને સંઘને કે લાભાર્થી પરિવારને સોંપી હોય છે અને સંઘ દ્વારા કે લાભાર્થી પરિવાર દ્વારા એની પ્રતિષ્ઠા સંપન્ન થઈ હોય છે . હવે વિચારો કે એક મૂર્તિ એવી હોય જે સ્વયં શાસનદેવીએ પ્રગટ થઈને માનવ લોકને સોંપી હોય તો એ મૂર્તિની ઉર્જા કેવી પ્રબળ હોય ?
ત્રણ વાતો યાદ રાખજો .
૧ . મૂર્તિ એવી છે જેનું નિર્માણ દેવતા દ્વારા થયું છે અને જેની પૂજા દેવતાઓએ કરી છે .
૨ . મૂર્તિ એવી છે જેના નિર્માણની પાછળ તીર્થંકર ભગવાનની વાણીએ કામ કર્યું છે .
૩ . મૂર્તિ એવી છે જેને શાસન દેવતાએ પ્રગટ કરીને મનુષ્ય લોકને સોંપી છે .
તમને એમ થશે કે આવી મૂર્તિ આજના સમયમાં કંઈ જગ્યાએ છે ? આપણે તરત જઈએ અને આ મૂર્તિનાં દર્શન કરીએ . જવાબ ધ્યાનથી વાંચજો . આ મૂર્તિ આજે ગિરનાર મહાતીર્થનાં મુખ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે . પ્રભુનું નામ છે : મહાપ્રભાવશાળી ત્રિલોકદિવાકર સાક્ષાત્ ચૈતન્યવંત દેવાધિદેવ શ્રી નેમિનાથ ભગવાન્ .
૧ . પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મ ઇન્દ્રએ પ્રભુની પ્રતિમાનું નિર્માણ કર્યું છે . પાંચમા દેવલોકના અગણિત દેવોએ આ પ્રતિમાને શાશ્વત પ્રતિમા માનીને વર્ષો વર્ષો વર્ષો સુધી ઉપાસના કરી છે .
૨ . ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર શ્રી સાગર ભગવાનની વાણીના પ્રભાવે પ્રભુની પ્રતિમાનું નિર્માણ થયું છે .
૩ . શાસનસુરી શ્રી અંબિકાદેવીએ આ મૂર્તિને અદૃશ્ય લોકમાંથી પ્રગટ કરીને એક તપસ્વી શ્રાવકને સમર્પિત કરી હતી .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે પાંચમા દેવલોકના ઈન્દ્રનું વૈક્રિયબળ જોડાયેલું છે .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનનું મહામંગલ વચન જોડાયેલું છે .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે શાસનની અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીનું જીવંત ઉર્જાબળ જોડાયેલું છે .
તમે ગિરનારના નેમિનાથ ભગવાનની સમક્ષ જ્યારે પણ ઉપસ્થિત થાઓ ત્યારે પ્રભુ સ્વરૂપ તીર્થંકર ભગવાનનાં દર્શન પણ કરજો અને પ્રભુમાં આ ત્રણ ત્રણ મહાન્ તત્ત્વનાં દર્શન પણ અવશ્ય કરજો . ત્રણ વિશેષતાઓની પાછળ જે જે વાર્તાઓ છે એને આપણે આગળ આગળ જોઈશું .
( content copyright is reserved )
ટાઈટેનિક લેસન ૪ : મોટા કામ કરતી વખતે અહંકારની છાયાથી મુક્ત રહેવું બહુ જરૂરી હોય છે
ઈગો મેનેજમેન્ટનું એક પુસ્તક વાંચ્યું હતું . એ પુસ્તક મારી પાસેથી ચોરાઈ ગયું . કોણ ક્યારે ચોરી ગયું ? ખબર જ ના પડી એટલે ફરીથી એ પુસ્તક વાંચવાનો મોકો મળ્યો નહીં . એકવાર વાંચ્યું હતું એમાં એક મુદ્દો યાદ રહી ગયો હતો . આપણને કુદરત કોઈ ને કોઈ શક્તિ જરૂર આપે છે . એવી શક્તિ જે બીજાની પાસે નથી અને આપણી પાસે છે . એવી શક્તિ જે બીજાની પાસે છે એના કરતાં વધારે સારી રીતે આપણી પાસે છે . આપણને મળેલી શક્તિ દ્વારા આપણે કોઈ કામ કરીએ છીએ અને કામ દ્વારા આપણે અહંકાર બનાવીએ છીએ . આવો ક્રમ ચાલતો રહે છે . એટલે કે આપણી શક્તિ આપણા અહંકારને પુષ્ટ કરવામાં વપરાતી રહે છે .
એ પુસ્તકમાં એવું લખ્યું હતું કે તમારી પાસે જે શક્તિ છે એનો ઉપયોગ કરવાની જવાબદારી તમારી છે . તમે તમારી શક્તિનો ઉપયોગ ન કરો એટલે તમે તમારી જવાબદારીને ચૂકો છો . પરંતુ તમારી શક્તિનો ઉપયોગ કર્યા પછી અહંકાર બનાવવાની જવાબદારી તમારી નથી . શક્તિનો ઉપયોગ કરીએ એ જવાબદારી છે . શક્તિનો અહંકાર બનાવીએ એ બેજવાબદારી છે . ઈગો મેનેજમેન્ટનો મુખ્ય મુદ્દો એ છે કે તમે જે પણ કામ કરો તે ફક્ત શક્તિનો ઉપયોગ કરવો છે એટલું જ યાદ રાખીને કરો . જે પણ કામ કરવું છે તે અહંકાર માટે કરવું છે એવો વિચાર બનવા જ ન દો .
એક કામ તમે અહંકારમુક્ત રહીને કરો છો અને એક કામ તમે અહંકારનાં પોષણ માટે કરો છો . બંનેમાં ફરક છે . તમે અહંકાર મુક્ત રહીને કામ કરો છો એનો ફાયદો એ છે કે કામની સાથે તનાવ જોડાતો નથી , હારજીત જોડાતી નથી , લોકોની ચિંતા જોડાતી નથી . અહંકાર મુક્ત મનથી જે કામ કરીએ એ કામમાં આનંદનો પણ અનુભવ થાય છે અને શાંતિનો અહેસાસ પણ મળે છે . અહંકારથી પ્રેરિત થઈને જે કામ કરીએ છીએ એમાં તનાવ આવે છે , હારજીતનો પ્રશ્ન આવે છે , લોકોની ચિંતા આવે છે . અહંકારપૂર્ણ મનથી જે કામ કરીએ એમાં સાત્ત્વિક આનંદ અને વાસ્તવિક શાંતિનો અહેસાસ બનતો નથી .
અહંકારની છાયાથી મુક્ત રહીને લેવાતો નિર્ણય બહુ સંતુલિત હોય છે . અહંકારપૂર્ણ મનથી લેવાતો નિર્ણય મોટેભાગે અસંતુલિત હોય છે . ટાઇટેનિક જહાજ દરિયા ઉપરથી દોડી રહ્યું હતું ત્યારે એની સ્પીડ જરૂર કરતાં ઘણી વધારે હતી . ટાઈટેનિક થોડુંક ધીમું દોડતું હોત તો હિમશિલાની પાસે પહોંચત નહીં . એ હિમશિલા કદાચ બાયપાસ થઈ જાત . ટાઇટેનિક ધીમું દોડતું હોત તો હિમશિલાથી બચવા માટેની કામગીરી કરવામાં આસાની રહેત . ટાઇટેનિક ધીમું દોડતું હોત તો પરિસ્થિતિ ઘણી જુદી હોત . પરંતુ ટાઈટેનિક વધારે પડતી સ્પીડથી ભાગી રહ્યું હતું . એ અહંકાર પ્રેરિત નિર્ણય હતો .
ટાઇટેનિકના કેપ્ટનને એવું લાગતું હતું કે ટાઇટેનિક સૌથી મોટું જહાજ છે આ એક રેકોર્ડ બની ગયો છે . ટાઇટેનિક સૌથી વધારે ઝડપથી દોડતું જહાજ છે એ પણ સાબિત થાય તો બીજો એક રેકોર્ડ બની જાય . વિશ્વનું સૌથી મોટું જહાજ પોતાના કદને કારણે ધીમું ધીમું આગળ વધ્યું એવા સમાચાર એમને મંજૂર નહોતા . ટાઇટેનિકના કેપ્ટનને સમાચાર એ બનાવવા હતા કે વિશ્વનું સૌથી મોટું જહાજ , વિશ્વનું સૌથી ઝડપી જહાજ છે . એક રીતે યશ તો મળી જ ગયો હતો પણ એમને બીજી રીતે પણ યશ જોઈતો હતો . આ મહત્ત્વાકાંક્ષા હતી . મહત્ત્વાકાંક્ષાથી લેવાયેલો નિર્ણય જોખમની પરવા કરતો નથી . મહત્ત્વાકાંક્ષાથી મુક્ત માનસ દ્વારા લેવાયેલો નિર્ણય જોખમને આવવા દેતો નથી . કેપ્ટન અહંકારમુક્ત હોત તો ટાઇટેનિક ધીમા વેગે આગળ વધતું હોત . કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થાત જ નહીં . કેપ્ટનના અહંકારે , કેપ્ટનની મહત્ત્વાકાંક્ષાએ જહાજનો અને પ્રવાસીઓનો ભોગ લઈ લીધો .
તમે કોઈ પણ કામ કરો ત્યારે ભીતરના અહંકારને સંતૃપ્ત કરવાની લાલચ ન રાખો . અહંકાર અને લાલચ ખોટા નિર્ણય કરાવશે . અહંકાર હશે નહીં , લાલચ હશે નહીં , તો ખોટા નિર્ણય થશે નહીં . જે કામ અહંકારને સંતૃપ્ત કરવા માટે થાય છે એ કામ માનસિક શાંતિ આપી શકતું નથી . જે કામ અહંકારથી મુક્ત રહીને થાય છે એ કામ માનસિક શાંતિ આપી શકે છે . તમારે અહંકાર પાળીને અશાંતિ સુધી પહોંચવું છે કે અહંકાર છોડીને શાંતિ સુધી પહોંચવું છે એ તમે નક્કી કરી લો . ધર્મશાસ્ત્રનો ઉપદેશ સ્પષ્ટ છે આશયશુદ્ધિ વિનાનો ધર્મ આત્મા માટે લાભકારી બનતો નથી .
અહંકાર પ્રેરિત પ્રવૃત્તિમાં આ માનસિકતા જોવા મળે છે : બીજા કોઈએ ન કર્યું હોય એવું બેસ્ટ કામ કરવું છે , દુનિયામાં આપણો ડંકો વાગવો જોઈએ , હું જે કરું એવું બીજા કોઈ ના કરી શકે , હવે પછી સૌથી વધારે પ્રશંસા આપણી જ થશે . અહંકારની છાયાથી મુક્ત પ્રવૃત્તિમાં આ માનસિકતા જોવા મળે છે : મારી પાસે જેટલી શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે . દુનિયામાં મોટા કામ કરવાવાળા ઘણા બેઠા છે , આપણે નાના માણસ છીએ . જે કરવું છે એ બધું હમણાં જ કરી લેવું છે , પાછળથી કોઈ અફસોસ ના રહેવો જોઈએ . બેય માનસિકતામાં ફરક છે તે સમજાય છે . મોટા કામ કરતી વખતે અહંકારની છાયાથી મુક્ત રહેવું બહુ જરૂરી હોય છે . મોટા કામ કરવાનો મોકો બધાને મળતો નથી . જેને આ મોકો મળે છે એ નસીબદાર હોય છે . જેણે મોટું કામ અહંકાર મુક્ત રહીને કર્યું હશે એને મોટું કામ કરવાનો મોકો વારંવાર મળશે . જેણે મોટું કામ , અહંકાર ઉભો રાખીને કર્યું હશે એને મોટું કામ કરવાનો મોકો બીજી વાર મળશે નહીં .
ભૂલ થાય તે પછી ભૂલમાંથી શીખવાનું હોય . ભૂલ ન થાય એ સર્વશ્રેષ્ઠ . માનો કે ભૂલ થઈ , હવે શું ? ભૂલનું પરિણામ ભોગવવાનું અને પછી ભૂલમાંથી કંઈક શીખવાનું . ટાઇટેનિકના કિસ્સામાં જેમણે ભૂલનું પરિણામ ભોગવ્યું એ જીવતાં ન બચ્યા . જે બચ્યા હતા એ ભીષણ ત્રાસદીને લીધે સૂનમૂન થઈ ગયા હતા . સમાચારો આખી દુનિયામાં ફેલાયા . ચાર વરસ પહેલાં દૈનિક ભાસ્કરમાં પદ્મનાભ લખે છે કે टाइटैनिक पर 64 जीवनरक्षक नौकाएं आ सकती थीं, लेकिन जहाज़ पर सिर्फ़ 20 नौकाएं थीं। इनमें से कई नौकाओं में पूरी क्षमता से लोग नहीं बिठाए गए थे। पहली नौका में 28 लोग थे, जबकि जगह उसमें 65 लोगों की थी । કોઈ મોટી ઘટના થઈ જાય એ પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે . દારૂણ ઘટનાઓમાંથી ઘણા બોધપાઠ મળતા હોય છે .
એક ભ્રમણા પાળી લેવામાં આવી હતી કે Titanic ડૂબવાનું જ નથી . જેમ એક જૂઠ દસ જૂઠને ખેંચી લાવે છે એમ એક ભ્રમણા દસ ભ્રમણાઓને ખેંચી લાવે છે . દરિયાવાટે નીકળેલું જહાજ ડૂબવાનું હોય ત્યારે બચાવ માટે લાઈફ બોટ રાખવામાં આવે છે . મોટા જહાજમાં જેટલા યાત્રાળુ હોય એ દરેકને નાની નાની લાઈફ બોટમાં લઈ જઈ શકાય એવી વ્યવસ્થા કોઈ પણ જહાજ પર હોય જ છે . આ એટલી કોમન વાત છે કે આ વ્યવસ્થા ટાઇટેનિક પર હતી નહીં એ માનવામાં આવે જ નહીં . પણ મુખ્ય વાત ભ્રમણાની છે . લાઈફ બોટની જરૂર ક્યારે પડે ? જહાજ ડૂબવાનું હોય ત્યારે . ટાઈટેનિક થોડી ડૂબે ? ટાઇટેનિક ડૂબવાનું જ નથી એ ધારણાને લીધે લાઈફબોટ્સ ઓછી લેવામાં આવી હતી . રાખવી જોઈતી હતી ૬૪ . રાખી હતી ૨૦ . એક સર્વ સામાન્ય વ્યવસ્થા પણ ટાળી દેવામાં આવી હતી .
ધ્રુવ રાઠી જણાવે છે કે ટાઈટેનિક ડૂબી ના શકે આ માન્યતા જડબેસલાક રીતે પ્રવાસીઓનાં મનમાં ફીટ થઈ ગઈ હતી . જહાજ હિમખંડને ટકરાયું એ પછી પણ ઘણાખરા લોકો એમ જ માનતા હતા કે ભલે અકસ્માત્ થયો પણ જહાજ તો ડૂબવાનું જ નથી . ૨૦ લાઇફ બોટમાંથી પહેલી લાઈફ બોટ પાણીમાં ઉતરી ત્યારે એમાં ૬૫ લોકો બેસી શકતા હતા એને બદલે ફક્ત ૨૮ લોકો જ બેઠા . જહાજના સંચાલકોની બેદરકારી જુઓ . તેમને ખબર હતી કે જહાજ ડૂબી રહ્યું છે તેમ છતાં તેમણે બોટને અડધોઅડધ ખાલી રહેવા દીધી . એ બોટમાં ફક્ત શ્રીમંતોએ જ બેસવાનું હતું એવો પણ વિચાર હતો અને ઘણાખરા પ્રવાસીઓને લાગતું હતું કે જહાજને કાંઈ જ થવાનું નથી એવી ભ્રમણા પણ હતી .
બેદરકારી શબ્દ આપણે નાનપણથી શીખેલા છીએ . જે કામ આપણે કરી શકતા હોઈએ એ કામ ધરારથી ના કરીએ . જે કામ કરવું જરૂરી હોય છે એ કામ ન કરવાનું બહાનું શોધી કાઢીએ . ઉપેક્ષાવૃત્તિ માણસનાં મનમાં ક્યાંથી પ્રગટ થતી હશે , સમજાતું નથી . કોઈ કામ આપણે ભૂલી જઈએ એ અલગ સમસ્યા છે . પરંતુ કોઈક કામ એવા હોય છે , એ આપણે ભૂલતા નથી પરંતુ જાણી જોઈને એ કામ કરવાનું ટાળી દેતા હોઈએ છીએ .
આજે આઠમ છે યાદ હોય છે . હું ઉપવાસ કરી શકું છું , યાદ હોય છે . છતાં ઉપવાસ કરવાનું ટાળી દઈએ છીએ . ઉપેક્ષા . પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું જોઈએ ખબર હોય છે . તબિયત સારી હોય છે . એમ છતાં પ્રતિક્રમણ બેઠા બેઠા કરી લઈએ છીએ . ઉપેક્ષા . સવારે સમયસર ઉઠી જઈએ છીએ . પૂજા કરવા જઈ શકીએ એટલો સમય હોય છે આપણી પાસે . તેમ છતાં ટીવી કે મોબાઇલમાં સમય પસાર કરી દઈએ છીએ . ઉપેક્ષા . મારી પાસે જાપ કરવાનો સમય છે ખબર હોય છે છતાં આપણે નવકારનો જાપ કરતા નથી . ઉપેક્ષા . આપણી પાસે પૈસા હોય છે . કોઈ એક સારું કામ કરી શકીએ એવો મોકો પણ મળતો હોય છે . પરંતુ આપણે પૈસા પોતાની પાસે જ રહેવા દઈએ છીએ . ઉપેક્ષા . તમે જ્યારે કોઈ ઉપેક્ષા કરો છો ત્યારે તરત જ એ ઉપેક્ષા તમને નડે છે એવું બનતું નથી . ઉપેક્ષા કરી ત્યારે તો એમ જ લાગે છે કે કોઈ ફરક ના પડ્યો . Titanic નીકળ્યું ત્યારે એમ જ લાગ્યું હતું કે કોઈ ફરક નથી પડતો . જહાજ ડૂબવાનું જ નથી .
પરંતુ જ્યારે કોઈ આફત આવે છે ત્યારે સમજાય છે કે જેની ઉપેક્ષા કરી છે એની ઉપેક્ષા કરવા જેવી નહોતી . આપણે પડોશીઓનું ઉપેક્ષા કરીએ છીએ . પરિણામે સંકટના સમયે એકલા પડી જઈએ છીએ . આપણે સંઘની ઉપેક્ષા કરીએ છીએ પરિણામે મોટી આરાધનાઓથી અને સામૂહિક આરાધનાઓથી વંચિત રહી જઈએ છીએ . આપણે તપની ઉપેક્ષા કરીએ છીએ પરિણામે જે કર્મો ખપી શકતા હતા એ કર્મો ખપાવવાના રહી જ જાય છે . આપણે સારા સમાચારની ઉપેક્ષા કરીએ છીએ , પરિણામે મોટી મોટી અનુમોદનાઓથી વંચિત રહીએ છીએ .
કોઈપણ પ્રવૃત્તિ સાથે જોડાયા હોઈએ ત્યારે એ પ્રવૃત્તિની સાથે જો નાનામોટા એકસો કામ જોડાયેલા હોય છે તો એ એકસોએ એકસો કામ પૂરા કરી લેવા જોઈએ . ૯૧ કે ૯૨ કામ કરીને અટકી ગયા તો તરત કોઈ નડતર દેખાશે નહીં . પરંતુ કોઈ બીજો માણસ એ જ પ્રવૃત્તિ કરશે અને એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સોએ સો કામને એ પૂરા કરી લેશે ત્યારે તમે પાછળ રહી જશો અને એ આગળ નીકળી જશે . તમે કરેલી ઉપેક્ષા તમને જ ભારે પડશે . તમારામાં જે જે કામ કરવાની આવડત છે એ દરેક આવડતનો કોઈને કોઈ ઉપયોગ કરતા રહેજો . ક્યારે કંઈ આવડત કંઈ રીતે ઉપયોગી બનશે એના તમને અંદાજ નથી . જે આવડત વપરાતી રહે છે એ આવડતને ઉપેક્ષાનો ઘસારો લાગતો નથી . જે આવડત વપરાતી નથી એને ઉપેક્ષાનો ઘસારો લાગે છે . આપણી આવડત આપણી પોતાની ઉપેક્ષાને કારણે જ નકામી બની જાય એવું શું કામ કરવું ? લખતાં આવડે છે તો લખો . ગાતાં આવડે છે તો ગાઓ . ભક્તિ કરતાં આવડે છે તો કરો ભક્તિ . ગાથા ગોખતાં આવડે છે તો ગોખો ગાથા . લખવાની ઉપેક્ષા કરશો તો લખવાનો મોકો આવશે ત્યારે લખવાનું સૂઝશે નહીં . ગાવાની ઉપેક્ષા કરશો તો ગાવાનો અવસર આવશે ત્યારે ગાવાનું ફાવશે નહીં . તમે જેની ઉપેક્ષા કરો છો એને કુદરત તમારાથી દૂર લઈ જાય છે . તમે જેની ઉપેક્ષા નથી કરતા એને કુદરત તમારી સાથે રાખે છે . તમને કોઈ વસ્તુ ન મળી હોય એ ગરીબી છે . તમને મળેલી વસ્તુની તમે ઉપેક્ષા કરતા રહો એ બેદરકારી છે .
ટાઈટેનિક લેસન થ્રી કહે છે કે ગરીબી ગુનો નથી . બેદરકારી ગુનો છે . તમને મળેલી તકની ઉપેક્ષા નહીં કરતા . એ તક બીજીવાર ન પણ મળે . ઉપેક્ષા કરનારો પાછળથી બહુ પસ્તાય છે અને એ પસ્તાવો સહન કરવાનું ખૂબ અઘરું પડે છે .
ટાઈટેનિક લેસન ૨ : તમારો વર્તમાન સમય , તમારા ભાવિ સમય માટે ઉપયોગી બનવો જોઈએ .
મેનેજમેન્ટનો એક કાયમી નિયમ છે : બી પ્રિપેર્ડ . કોઈપણ પરિસ્થિતિ માટે પહેલેથી તૈયાર રહો . બધું સમુંસૂતરું ચાલે છે એનો અર્થ એ નથી કે કાયમ બધું સમુંસૂતરું જ ચાલવાનું છે . તકલીફ આવી શકે છે . તકલીફ ગમે ત્યારે આવી શકે છે .તકલીફ કોઈ પણ સ્વરૂપે આવી શકે છે . જે પહેલેથી તૈયાર છે તે સામનો કરી શકે છે . જે બીબાંઢાળ માનસિકતા રાખીને બેઠા છે , તેઓ કશુંક અણધાર્યું થવાનું છે એની કલ્પના કરી શકતા નથી .
માણસ મોટી મોટી મહત્ત્વાકાંક્ષાઓ રાખે છે . માણસ મોટી મોટી હિંમત બનાવે છે . જૂના અનુભવોના આધારે માણસ પ્રચંડ આત્મવિશ્વાસ રાખીને બેઠો હોય છે કે જે ધાર્યું છે એ બધું કરી શકશું . વાત સાચી પણ છે કે હતાશા રાખીને બેઠા રહેવાય નહીં . પરંતુ વધારે પડતો આત્મવિશ્વાસ ઘાતક સાબિત થતો હોય છે . ઓવર કોન્ફિડન્સનાં કારણે ભલભલા ધુરંધરો થાપ ખાઈ ગયા છે . ટાઈટેનિકની સામે હિમખંડ આવી ગયો છે એની ખબર પડી ત્યારે ટાઇટેનિક પાસે બચવા માટે ફક્ત ૩૭ સેકન્ડ્સ જ હતી . પહાડ જેવું જહાજ તરત અટકી શકે કે ટર્ન લઈ શકે એટલો સમય બચ્યો જ નહોતો . અકસ્માત્ થયો જ .
આપણને આદત છે . કોઈપણ પ્રશ્ન આવે એટલે પહેલો પ્રતિભાવ આ જ હોય છે : ઊભા રહો , શાંતિથી વિચારવા દો . ભલાભઈ ! દરવખતે તમે કોઈને ઊભા રાખી ન શકો , દરવખતે તમને વિચારવાનો સમય મળવાનો નથી . પછી કરીશું કે પછી કહીશું એવી ભ્રમણામાં રહેવા જેવું નથી . મુસીબત આવશે ત્યારે , પછી નામની ગલી માટે કોઈ જગ્યા જ નહીં બચે . જે કરવાનું હશે તત્કાળ કરવું પડશે . મોત અને મુસીબત પહેલેથી પૂછીને આવે છે એવું નથી .
મન મજબૂત રાખવું પડશે . મન શાંત રાખવું પડશે . મન પ્રસન્ન રાખવું પડશે . મન ડગી જશે તો મુસીબત માથે ચડી જશે . મન ડરી જશે તો મોત બગડી જશે . નિયતિમાં જે મુસીબત લખેલી હશે એ વેઠવાની જ છે . જે કાળે મરણ લખ્યું છે તે કાળે મરવાનું જ છે . તમારે પોતાની જાતને આદેશ કરવાનો છે એ મનની મજબૂતી , મનની શાંતિ અને મનની પ્રસન્નતા સાથે ક્યારે પણ કોઈ બાંધછોડ નહીં કરીએ . અચાનક મુસીબત આવી જશે ત્યારે મન વિચલિત નહીં થાય એવો સંકલ્પ રાખવાનો છે . અચાનક મૃત્યુ આવી જશે એ વખતે હિંમત ન તૂટે એની માટે જીવનભર ધર્મપ્રવૃત્તિ અને ધર્મભાવના સાથે જોડાયેલા રહેવાનું છે . Titanic પાસે બચવાનો ટાઈમ નહોતો એટલે એ ડૂબી ગયું . તમારી પાસે તૈયારી કરવાનો ટાઈમ છે . રોજેરોજ એવું કશું કે સાંભળો કે વાંચો જેનાથી તમારું મન મજબૂત બનેલું રહે . રોજે રોજ મનમાં એવા વિચારોનું પુનરાવર્તન કરો જેથી તમારું મન શાંતિ સાથે જોડાયેલું રહે . રોજેરોજ એવા લોકોની સંગતમાં રહો જેમના થકી તમારી પ્રસન્નતા અખંડ રહે .
તમે ઘણાબધા પૈસા કમાવાના ચક્કરમાં રહો છો , તમે ઘણાબધા લોકોને રાજી રાખવાની વેતરણમાં રહો છો , તમે ઘણું બધું ભેગા કરવાનું મન બનાવતા રહો છો . આમાં તમે એટલા ડૂબેલા રહો છો કે મન ઉપર કામ કરવાનું સાવ જ રહી જાય છે . જે રીતે પૈસા કમાવા માટે અલગ મહેનત કરવી પડે છે , જે રીતે રિલેશનશિપ માટે અલગથી જવાબદારી નિભાવવી પડે છે , જે રીતે સાધન સરંજામ વસાવવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે . એ જ રીતે મનને મજબૂત બનાવવા માટે અલગથી મહેનત કરવી પડે છે , મનને શાંત બનાવી રાખવા માટે અલગથી જવાબદારી નિભાવવી પડે છે અને મનને પ્રસન્ન રાખવા માટે અંતરંગ પુરુષાર્થ કરવો પડે છે . તમે ખાઓ પીઓ અને મોજ કરો – એના દ્વારા મનને મજબૂત બનાવી શકતા નથી . મનને મજબૂત બનાવવા માટે અલગથી પ્રક્રિયાઓ રચવી પડે છે .
મન ઢીલું પડી જાય એ મીની મરણ છે . મન અશાંત થઈ જાય એ મીની મરણ છે . મન દુઃખી થઈ જાય એ મીની મરણ છે . તમારી સામે કંઈ ઘડીએ કંઈ મુસીબત આવશે એ નક્કી નથી , કંઈ ઘડીએ મરણ આવશે એ નક્કી નથી . મુસીબત આવે કે મરણ , આપણું મન મજબૂત રહેશે , શાંત રહેશે અને પ્રસન્ન રહેશે એવો સંકલ્પ કરો . એ સંકલ્પને સાકાર કરવા માટે મન ઉપર જે કામ કરવું પડે એ કામ શરૂ કરી દો . ટાઇટેનિક પાસે ફક્ત ૩૭ સેકન્ડ્સ હતી . તમારી પાસે ઘણો સમય છે . આ નાનકડો લેખ જેણે લખ્યો એની પાસે લખવાનો ટાઈમ હતો માટે આ લેખ લખી શકાયો . તમે વાંચવાનું શરૂ કર્યું , તમારી પાસે સમય હતો માટે તમે આ લેખ પૂરો કરી શક્યા . અમુક લોકો પાસે સમય હોતો નથી . એ લોકો બિચારા કાંઈ કરી શકતા નથી .
ટાઈટેનિક લેસન ટુ કહે છે કે તમારી પાસે સમય છે , તમે ઘણું કરી શકો છો . તમારો વર્તમાન સમય , તમારા ભાવિ સમય માટે ઉપયોગી બનવો જોઈએ . જેમની પાસે સમય નથી એ કશું કરી શકતા નથી . જેમની પાસે સમય છે એ ઘણું કરી શકે છે . તમારી પાસે સમય છે એ મોટી વાત છે . તમે તમારા સમયને પ્રોડક્ટિવ બનાવો છો એ ઘણી મોટી વાત છે .
ટાઈટેનિક લેસન ૧ . મોટું નુકસાન મોટી ભૂલને જ કારણે થાય છે એવું નથી . મોટું નુકસાન નાની ભૂલને કારણે પણ થાય છે .
Titanicનું નામ કોણ નથી જાણતું ? ૩૧ મે , ૧૯૧૧માં જહાજ લોન્ચ થયું . દુનિયાનું સૌથી મોટું જહાજ હતું . ૧૦ એપ્રિલ ૧૯૧૨માં સાઉથેમ્પટનથી નીકળ્યું . ૧૪ એપ્રિલ ૧૯૧૨માં હિમખંડ સાથે ટકરાઈને ડૂબ્યું . ૧૫૦૦ લોકો મર્યાં . ૪૫ કરોડના ખર્ચે Titanic બન્યું હતું . ૧૭ માળની બિલ્ડીંગ જેટલું ઊંચું હતું . ત્રણ ફૂટબોલ મેદાન જેટલું લાંબું હતું . રોજના ૮૦૦ ટન કોલસાની ખપત થતી હતી . પ્રવાસીઓના સામાનનું વજન હતું ૯૦૦ ટન . રોજનું ૧૪૦૦૦ ગેલન પાણી વપરાતું હતું . સીટીનો અવાજ ૧૧ માઈલ દૂર સુધી સંભળાતો હતો . જહાજની ફર્સ્ટ ક્લાસ ટિકિટ હતી બે લાખ ચાલીસ હજારની . આજે આ ટિકિટ ૫૦ લાખની થાય . ૨૨૨૩ પ્રવાસીઓ હતા .
શું કામ ડૂબ્યું આ જહાજ ? દરિયામાં દૂર દૂર સુધી જોવા માટે દૂરબીનની જરૂર પડે છે . મોટી મોટી તૈયારીઓ સાથે જહાજ નીકળ્યું હતું પરંતુ કિનારાથી દૂર નીકળી ગયા પછી ખબર પડી હતી કે જહાજમાં દૂરબીન મળી રહ્યું નથી . દૂરબીન નહોતું એટલે દૂર સુધી નજર ના રહી . રાતના સમયે ઊંચા વોચ ટાવર પરથી દરિયા પર નજર રાખી રહેલા વોચમેનને , દૂરબીનના અભાવે પેલી હિમશિલા દૂરથી દેખાઈ નહીં . હિમશિલા એકદમ નજીક આવી પછી જ દેખાઈ . બચાવ માટે કોઈ કંઈક કરે એટલામાં તો એ ટકરાઈ ગઈ . જહાજ ગયું . એ જમાનાના હિસાબે ટાઈટેનિકમાં સેવન સ્ટાર સુવિધા હતી . બધું જ અકલ્પનીય અને અવિશ્વસનીય રીતે મોંઘું હતું . મોટા શહેરમાં ન મળે એ બધી સામગ્રી ટાઈટેનિક પર મળતી . વિશ્વના સૌથી ઐશ્વર્યસંપન્ન મહેલમાં જે ન મળે એ ટાઇટેનિક પર મળતું . બધું હતું . બસ , એક દૂરબીન નહોતું . એમાં માર પડી ગયો .
કોઈપણ કામ સરસ રીતે પાર પડે તેની માટે સાંગોપાંગ તૈયારી કરવી પડે છે . પડશે એવા દેવાશે એ પોલિસી ક્યારેય કામ આવતી નથી . મોટામાં મોટી ટાંકીનું પાણી ફક્ત એક તિરાડને કારણે ખાલી થઈ જતું હોય છે . આખી ટાંકી જેણે બનાવી હોય એ એક તિરાડ ઉપર ધ્યાન ન આપે એનું પરિણામ એ આવે કે ટાંકી નકામી થઈ જાય . આપણે કરેલી ભૂલ નાની હોય એને આપણે લાઈટલી લેતાં હોઈએ છીએ . આપણા ઉદ્ગારો કેવા હોય છે , જુઓ . આટલું તો ચાલે હવે . જેટલું છે એટલું સારું છે . આટલી નાની વાતનું ટેન્શન શું કામ રાખો છો . આ વલણ છેવટે ભારે પડે છે . મોટું ઓપરેશન કરનારો ડોક્ટર , બેભાન થવાનું નાનું અને સસ્તું ઇન્જેક્શન આપવાનું ભૂલી જાય તો પણ ઓપરેશન નિષ્ફળ જતું હોય છે . મોટું નુકસાન મોટી ભૂલને જ કારણે થાય છે એવું નથી . મોટું નુકસાન નાની ભૂલને કારણે પણ થાય છે . ભૂલ નાની છે એટલે કરાય , ભૂલ મોટી છે એટલે ન કરાય એવું નથી હોતું .
માસક્ષમણની ઈચ્છાથી રોજ ઉપવાસ કરનારો ૨૮મા ઉપવાસના દિવસે ભૂલથી ખાઈ લે એ વખતે ભૂલ નાની હોય છે પણ નુકસાન મોટું થાય છે . સરસ મજાનું ગીત ગાઈ રહેલો ગાયક કલાકાર એક સેકન્ડ માટે સૂર ચૂકે છે એમાં આખું ગીત બરબાદ થઈ જાય છે . ભૂલ ન નાની હોય છે , ન મોટી હોય છે . ભૂલ ફક્ત ભૂલ હોય છે . દરેક ભૂલની સજા નિશ્ચિત છે . દરેક ભૂલ પોતપોતાના તરફથી કોઈ નુકસાનની બક્ષિસ આપે જ છે . કંઈ રહી ગયું હોય તો બેપરવા નહીં રહેવાનું . આપણે સો ટકા લાવી શકતા હોઈએ તો અઠ્ઠાણું ટકા પર અટકી નહીં જવાનું . જે વખતે જે કરવાનું છે એ કરવું જ પડે . જે વખતે જે હોવું જોઈએ એ હોવું જ જોઈએ . ઘણુંબધું હાજર હોય છતાં એકાદ વસ્તુ ગેરહાજર છે , એની ચિંતા ન કરીએ એનાથી શું થાય ? ટાઇટેનિક ડૂબી જાય .
આપણને પહેલેથી ખબર હોય છે કે આ કામ કરવાનું છે . છતાં આપણે પૂરતી તૈયારી કરતા નથી . આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે પરિણામ પૂરેપૂરું મળે . પરંતુ , પૂરેપૂરી તૈયારી આપણે કરતા નથી . ભૂલી જવાની આદત બહુ વિચિત્ર છે . આ રહી ગયું અને એ રહી ગયું એવી વીમાસણ પાછળથી થયા કરતી હોય છે . પહેલેથી પૂરેપૂરા સજાગ રહ્યા હોઈએ તો કંઈ ના રહી જાય . આવનારા એક મહિનામાં આપણે શું કરવાનું છે એનો અંદાજ આપણને હોવો જોઈએ અને મુજબની તૈયારી આપણે કરી લેવી જોઈએ . આવનારા એક વર્ષમાં આપણે શું કરવાના છીએ એનો અહેસાસ આપણને હોવો જોઈએ અને એ મુજબની તૈયારી થઈ જ જવી જોઈએ . આવનારા જન્મમાં આપણે સદ્ ગતિમાં જવાનું છે એવો સંકલ્પ પાકો હોવો જોઈએ અને એ મુજબ જ જીવનનું ધારાધોરણ નક્કી કરી લેવું જોઈએ . ટાઈટેનિક પર બધું જ હોય અને ફક્ત દૂરબીન જ ન હોય એ ના ચાલે . જિંદગીમાં આગામી સમય માટેની તૈયારીઓ અધૂરી ન હોય એ બિલકુલ ન ચાલે . જેમણે તૈયારી કરી હોય છે એ ભૂલ નથી કરતા . જે ભૂલ કરે છે એમણે તૈયારી કરી નથી હોતી .
ટાઈટેનિકનું લેસન વન કહે છે કે દર વખતે પાક્કું ચેક કરી લો કે આપણે કંઈ ભૂલી તો નથી ગયા ? જે યાદ રાખો છો એ કામ આવે છે , જે કંઈ ભૂલી જાઓ છો એ ભારે પડે છે . વેરઝેર ભૂલી જઈએ એ ચાલે , ખરાબ અનુભવો ભૂલી જઈએ એ ચાલે . કામની વસ્તુ ભૂલી જઈએ એ બિલકુલ ન ચાલે .
જેમણે મોટી સફળતા મેળવી લીધી છે તેઓ બહુ નમ્ર હોય છે . શ્રીમંત હોવા છતાં સાદગીથી રહેશે . વિદ્વાન્ હોવા છતાં સરળ વાતો કરશે . શક્તિશાળી હોવા છતાં હાથ જોડીને વાત કરશે . મહાન્ લોકો તમને મળશે ત્યારે નમ્રતાથી વાત કરશે . મહાન્ લોકો તમને આદર જ આપશે . તેઓ વ્યસ્તતાને કારણે નહીં મળશે એ વાત અલગ છે , બાકી એ જ્યારે પણ મળશે ત્યારે નમ્રતા બનેલી રહેશે .
મહાન્ લોકોનો આદર જેમને મળે છે એ લોકો પોતાને મહાન્ માનવા લાગે છે ત્યારથી સમસ્યા શરૂ થાય છે . મહાન્ બનવા માટે મહાન્ પુરુષાર્થ કરવાનો આવે છે . વર્ષો સુધી મહેનત થાય છે . કેટકેટલી પરીક્ષાઓમાંથી પસાર થવાનું રહે છે . ધીમે ધીમે પ્રક્રિયા થતી રહે છે અને એક દિવસ દુનિયાને દેખાય છે કે આ વ્યક્તિ મહાન્ બની ગઈ . પુરુષાર્થ કર્યા વગરની , મહેનત ઉઠાવ્યા વગરની , પરીક્ષાઓ આપ્યા વગરની અને પ્રક્રિયાઓમાંથી ગુજર્યા વગરની જિંદગી જીવનારાઓ ક્ષણિક સુખ શોધતા હોય છે . કોઈ મહાન્ તરીકે પ્રસિદ્ધ બનેલી વ્યક્તિ એમને મળે અને એ વ્યક્તિ તરફથી આદર પણ મળે ત્યારે એમને એવું લાગવા માંડે છે કે આપણે પણ મહાન્ થઈ ગયા . મહેનત કર્યા વગર મળેલી એ સફળતા કેવલ અહંકાર પોષક બની જાય છે .
મહાન્ વ્યક્તિઓ પાસેથી આપણને આદર મળે અને એ આદર દ્વારા આપણને પ્રોત્સાહન મળે ત્યાર સુધી વાંધો નથી . પરંતુ મહાન્ વ્યક્તિઓ પાસેથી આપણને આદર મળ્યો એનાથી મનમાં ખોટી આત્મ સંતુષ્ટિ ના ઊભી થવી જોઈએ . એમના તરફથી જે આદર મળે છે એ આદરની કદર થવી જોઈએ . આદરની કદર ન થાય એવું બનશે કેમ કે મહાન્ લોકો ખૂબ ખૂબ નમ્ર રહેશે આપણી સાથે . આપણી એક ભ્રમણા છે કે જે નબળો હોય છે એ નમ્ર હોય છે . મહાન્ લોકોની આપણે કદર ન કરી શક્યા હોઈએ એની પાંચ નિશાની છે .
૧ . એમની પાસે બેસીને એમની વાતો સાંભળવાનો મોકો હોય ત્યારે આપણે બીજી કોઇક જગ્યાએ બેસી જઈએ કે બીજું કોઈક કામ કરવા જતા રહીએ . એમના હાથેથી કામ થયા છે એ આપણે નથી કરી શકવાના , એ જેવા વિચાર કરી શકે છે એવા વિચાર આપણે નથી કરી શકવાના , એ જે આપી શકે છે બીજા કોઈ પાસેથી નથી મળવાનું છતાં આપણે ત્યારે બીજે ક્યાંક જતા રહ્યા જ્યારે એમની વાતોને સાંભળવાનો મોકો હતો . એમની સાથે સમય વીતાવી શકાય એવું હોવા છતાં આપણે આપણો સમય બીજા કોઈને આપી દીધો . એનાથી સાબિત શું થયું ? કાંઈ નહીં .
૨ . એ આપણી સાથે સરળતાથી વાત કરતા હતા એનો ફાયદો ઉઠાવીને આપણે એમને સલાહ આપવા માંડ્યા , ઉપદેશ આપવા માંડ્યા , ભૂલો કાઢવા માંડ્યા . એમના જેવું કામ આપણે ક્યારેય કરી શકવાના નથી . એમના હાથે જે કામ થયું એ ઘણું મોટું હતું . જે કામ મોટું હતું એની પ્રશંસા કરી હોત તો સારું લાગત . પરંતુ એકાદ નાનું કામ બાકી હતું એને મુદ્દો બનાવીને આપણે એમને શિખામણો આપી દીધી . આવું બધું સંભળાવી દીધા પછી આપણે ઘમંડનો અનુભવ કર્યો કે જુઓ આટલા મોટા માણસને મેં મોઢામોઢ કહી દીધું . મહાન્ વ્યક્તિ પાસે બેસીને મહાન્ બનવાનું માર્ગદર્શન લેવું જોઈતું હતું . એને બદલે આપણે મહાન્ વ્યક્તિને માર્ગદર્શન આપવા બેસી ગયા . કેવી કમાલ ?
૩ . મહાન્ વ્યક્તિ પાસેથી જે મળે તે મેળવવાનું જ હોય , તે સિવાય પણ એક કામ કરવાનું હોય : આપણે જે મહાન્ વ્યક્તિને મળ્યા એમણે જે જે ઉત્તમ કાર્ય કર્યાં છે એની પૂરેપૂરી જાણકારી એમનાં શ્રીમુખે મળે એ રીતે એમની સાથે પ્રશ્નોત્તરી કરવી જોઈએ . આપણે એમની પાસે બેસીને પણ આપણી લાઈફની એવી જ વાતો કરતાં રહીએ છીએ જે કોઈ રીતે ઉપયોગી કે સ્ટાન્ડર્ડ હોતી નથી . મહાન્ વ્યક્તિ પાસે બેસીએ ત્યારે એ વ્યક્તિનાં સ્તરની જ વાતો એમની સાથે કરવાની હોય . મહાન્ વ્યક્તિ સાથે બેઠા પછી એમની સાથે આપણે આપણાં સ્તરની પામર વાતો જ કરતા રહીએ છીએ ત્યારે મહાન્ વ્યક્તિની મહાનતાનું માન સચવાતું નથી .
૪ . મહાન્ વ્યક્તિ પાસે બેસીને પોતાનો સ્વાર્થ સાધવાની કોશિશ પણ અમુક લોકો કરતા હોય છે . એમની માટે મહાન્ વ્યક્તિ મહત્ત્વપૂર્ણ નથી . એમની માટે પોતાનો સ્વાર્થ મહત્ત્વપૂર્ણ છે . મહાન્ વ્યક્તિ મળ્યા હોય ત્યારે પોતાના સ્વાર્થ ભૂલી જવા જોઈએ . એને બદલે પોતાના સ્વાર્થને સાધવા માટે જ મહાન્ વ્યક્તિ સાથે જોડાઈએ આનાથી વધારે મોટી વિચિત્રતા શું હોઈ શકે ?
૫ . મહાન્ વ્યક્તિને મળીએ એ વખતે એમની માટે પોઝિટિવ માઈન્ડ સેટ રાખવું જોઈએ . પોઝિટિવ માઈન્ડ સેટ નહીં હશે તો શું થશે ? એમને મળ્યા પછી એમની નિંદા કરવા માંડશું . એમની માટે ખોટી વાતો ફેલાવશું . તેમણે શું ભૂલ કરી , એમણે શું ખોટું કર્યું એની ઉપર જ ફોકસ બનાવશું . એમને ઉલ્ટા જવાબ આપશું . એમનો અનાદર કરીશું . એમને તકલીફ આપશું . મહાન્ વ્યક્તિ તમારી સાથે નમ્ર વ્યવહાર કરે છે એ પણ એમની મહાનતા જ છે . એમની નમ્રતાની સામે સામે આપણે કોઈપણ પ્રકારનો અનુચિત વ્યવહાર કરીએ એ આપણી માટે શોભાસ્પદ ઓછું છે .
આ પાંચ નિશાનીઓ એવી છે જેનાથી આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આપણે પણ મહાન્ છીએ . આપણા અહંકારને પોષવામાં આ પાંચ હરકતો બહુ કામ આવે છે . આ પાંચેય બાબતોથી મહાન્ વ્યક્તિઓ દૂર રહે છે આ કારણે જ એ મહાન્ વ્યક્તિ ગણાય છે . મહાન્ વ્યક્તિ એટલે ઉત્તમ ગુણોથી સંપન્ન વ્યક્તિ . મહાન્ વ્યક્તિ એટલે ઉત્તમ કાર્યોને સંપન્ન કરનાર વ્યક્તિ . તમે મહાન્ વ્યક્તિને મળો ત્યારે આ પાંચેય બાબતોથી મુક્ત રહેજો .
આપણે બે પાંચ સારા કામ કરી લઈએ છીએ અને પોતાને મહાન્ સમજવા માંડીએ છીએ . પછી એવું થાય છે કે હું મહાન્ છું એવી ભ્રમણાને લીધે , આપણે આપણી સમક્ષ કે આપણી આસપાસ કોઈ મહાન્ વ્યક્તિ ઉપસ્થિત હોય એમને સાચી રીતે આદર આપી શકતા નથી . એ મહાન્ વ્યક્તિ આપણી સાથે આદરપૂર્વક વાત કરે તો આપણે એમના આદરની કદર પણ નથી કરી શકતા . આ એવી ભૂલ છે જે સમજાતી પણ નથી . આ એવી ભૂલ છે જેને કારણે આપણે પોતે ઘણું મોટું નુકસાન પણ વહોરી લેતાં હોઈએ છીએ . આપણી સમક્ષ કે આપણી આસપાસ રહેલા મહાન્ લોકો સાથે કેવો વ્યવહાર કરાય અને કેવો વહેવાર ન કરાય એનું એનાલિસિસ આ પાંચ વાતો દ્વારા કરજો . તમને સમજાશે કે તમારે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે .
તમને જ્યારે કોઈ દેરાસરમાં સોનાની મૂર્તિ છે એવી ખબર પડે છે ત્યારે એ મૂર્તિ માટે વિશેષ લાગણી થતી હોય છે . કોઈક સંઘનાં દેરાસરમાં , કોઈક ઘરમંદિરમાં અને કોઈક તીર્થમાં સોનાના ભગવાન્ બિરાજમાન હોય છે જ . જે ભગવાન્ સોનાના છે એ ભગવાન્ વિશેષ છે એવા ભાવ બનવા માંડે છે . ભગવાનની મૂર્તિ કોઈપણ દ્રવ્યથી બની હોય , મૂર્તિ એ મૂર્તિ છે . ભગવાન્ એ ભગવાન્ છે . મૂર્તિ સોનાની હોય એટલે વિશેષ ભાવ શાને કારણે આવે છે ? એમાં સ્પષ્ટ થવું જરૂરી છે .
ભગવાનની મૂર્તિમાં જે ભગવત્ તત્ત્વ છે એ હીરામોતી અને ચાંદીસોનાથી માપી શકાય એવું નથી . એ અપરિસીમ છે . સિદ્ધ ભગવાન્ અશરીર છે . એ અવસ્થા એવી છે કે વિશ્વનું મોંઘામાં મોંઘું દ્રવ્ય પણ એની સામે અત્યંત તુચ્છ લાગે . ભગવાનની મૂર્તિમાં આપણને મોક્ષ અવસ્થા દેખાવી જોઈએ . મોક્ષ અવસ્થાને કોઈપણ દ્રવ્ય દ્વારા દર્શાવવી સંભવિત નથી . મોક્ષ અવસ્થા એ દ્રવ્યાતીત અવસ્થા છે . મૂર્તિ સોનાની હોય કે ચાંદીની હોય , રત્નની હોય કે સ્ફટિકની હોય , સફેદ પાષાણની હોય કે શ્યામ પાષાણની હોય , એ મૂર્તિ જે જે ભગવાનની હોય છે તે સર્વ ભગવાનની સિદ્ધ અવસ્થા એક સમાન જ હોય છે . મૂર્તિનું દ્રવ્ય બદલાય એટલા માત્રથી મૂર્તિમાં વસેલા ભગવાનની સિદ્ધ અવસ્થા બદલાતી નથી . મૂર્તિનાં દર્શન કરવા દ્વારા સિદ્ધ અવસ્થાનું સ્મરણ કરવાનું છે . મૂર્તિનાં દર્શન કરવા દ્વારા અરિહંત અવસ્થાનું સ્મરણ પણ કરી શકાય છે . પરમાત્માની સુવર્ણમૂર્તિને જોઈને પરમાત્મા માટે વિશેષ પ્રકારનો ભક્તિભાવ જાગતો હોય ત્યારે પોતાની જાતને પૂછી લેવાનું કે આ ભગવાન્ માટેનો ભક્તિભાવ છે કે સોના માટેનો આદરભાવ છે ? ભગવાનમાં સોનું દેખાય એ આસક્તિ છે .
આનો અર્થ એ નથી કે સોનાની મૂર્તિ બનાવાય જ નહીં . સોનાની મૂર્તિ તૈયાર હોય એવી પરિસ્થિતિમાં મૂર્તિ દ્વારા પરમાત્માને યાદ કરવાની બદલે મૂર્તિ દ્વારા સોના માટેનો મુગ્ધભાવ જાગૃત કરીએ એ ભૂલ છે . પરંતુ સોનું એકલું સોનું હોય એવી પરિસ્થિતિમાં સોનું જોઈને વિચાર આવે કે જો હું સોનાના દાગીના બનાવીશ કે સોનાનાં વાસણ બનાવીશ તો મારો પરિગ્રહ જ વધવાનો છે , મારો સંસારનો પ્રેમ જ પુષ્ટ થવાનો છે . એને બદલે જો હું સોનામાંથી ભગવાનની મૂર્તિ બનાવું , તો મારું સોનું મારો પરિગ્રહ ના રહે બલ્કે મારું સોનું મારા પ્રભુ બની જાય . આ ભાવનામાં સો ટકાની સચ્ચાઈ છે . સોનામાં ભગવાન્ દેખાય એ ભક્તિ છે .
સોનું સાંસારિક ઉપકરણ બને એનાથી પરિગ્રહ ભાવના પોષાય છે . સોનું ભગવાનની મૂર્તિ બને છે એનાથી ભક્તિભાવના પોષાય છે . સોનાના દાગીના જોઈશું અને રાજી થઈશું એનાથી ચીકણાં કર્મો બંધાશે . સોનાના ભગવાન્ જોઈશું અને રાજી થઈશું એનાથી જૂનાં કર્મો કપાશે .
મુદ્દો સમજી લો . મૂર્તિ શેનાથી બની છે અગત્યનું નથી . શ્રી અંતરીક્ષ દાદાની મૂર્તિ રેતી અને છાણમાંથી બની છે . મૂર્તિને જોઈને જે રેતી અને છાણનો વિચાર કરશે એ ભગવાનને પામી નહીં શકે . શ્રી અંતરીક્ષ દાદાની મૂર્તિને જોઈને ફક્ત ભગવાનનો જ વિચાર આવે છે . મૂર્તિ શેનાથી બનાવી છે એ અગત્યનું નથી . મૂર્તિ કોની બનાવી છે એ મહત્ત્વનું જોઈએ . સોનાના ભગવાનને જોઈને સોનાનો વિચાર ન કરવો જોઈએ પરંતુ એમ વિચારવું જોઈએ કે જેમની મૂર્તિ સોનાથી પણ બને છે એ ભગવાન કેટલા મહાન્ હશે ? ભગવાનનું ઐશ્વર્ય યાદ કરવું હોય એમાં સોનાની મૂર્તિ સહાયક બની શકે . ભગવાનની સર્વોત્કૃષ્ટ ભક્તિ કરવાનો આદર્શ સોનાની મૂર્તિ જોઈને શીખવા મળે . સોનાની મૂર્તિનાં દર્શન કર્યા બાદ પ્રેરણા એ લેવાની છે કે મારી પાસે જેટલું સોનું છે એમાંથી હું પણ ભગવાન્ માટે કંઈક તો બનાવીશ જ . મારાં ઘરે એક સોનાની વાટકી હશે જેનો ઉપયોગ ફક્ત ભગવાનની પૂજા માટે થતો હશે . મારાં ઘરે એક સોનાનો કળશ છે , એનો ઉપયોગ ફક્ત ભગવાનની ભક્તિ માટે થતો હશે . મારા ઘરે સોનાની એક નાનકડી થાળી હશે જેમાં ભગવાન માટેના ફૂલો મૂકાશે . આ થાળી કે કળશ કે વાટકી ઘરે જ રહેશે એટલે મારું સોનુ મારી પાસે રહ્યું એમ ગણાશે . પરંતુ એ ભગવાન્ માટે બનેલાં હશે એટલે મારું સોનું ભગવાનનું બની ગયું એમ પણ ગણાશે .
સોનું સલામતી માંગે છે . સલામતી માટે જે વ્યવસ્થાઓ ગોઠવાય છે એ વ્યવસ્થાઓને કારણે સોનાના ભગવાન્ સ્પેશિયલ ભગવાન છે એવું માનસ બને છે . એ પછી જે ભગવાન સોનાના નથી એ સ્પેશિયલ ભગવાન્ નથી એવું માનસ બને છે . આ બંને માનસ સાવ ખોટા છે . દરેક ભગવાન્ એક સરખા છે . કોઈ ભગવાન્ સ્પેશિયલ હોતા નથી . અલબત્ત , મુખ્ય ભગવાન્ જો હોય તો એ ફક્ત અને ફક્ત મૂળનાયક ભગવાન્ છે . આ ક્યારે પણ ભૂલવાનું નહીં . દેરાસરમાં સોનાના ભગવાન્ જુદા હોય અને મૂળનાયક ભગવાન્ જુદા હોય તો બેમાંથી મુખ્ય તો મૂળનાયક જ ગણાય . આ નિયમ હંમેશા યાદ રાખવાનો . મૂળનાયક કરતાં વધારે મહત્ત્વ સોનાના ભગવાનને આપીએ એ આપણી માનસિક ભૂલ છે . કોઈપણ પ્રભુભક્તે આવી ભૂલ કરવાની નથી .
કોઈ મારી પ્રશંસા કરે ત્યારે મારે શું કરવાનું ? પાંચ કામ કરાય .
એક , જેણે મારાથી વધારે સારાં કામ કર્યાં છે એને યાદ કરીને હું મારી જાતને પામર ગણું .
બે , મારા હાથે જે જે ભૂલો થયેલી છે અને એ ભૂલોને કારણે જે જે નુકસાન થયેલાં છે , એને યાદ કરું અને મારા ઘમંડને અટકાવી દઉં .
ત્રણ , જે પ્રશંસા કરે છે એની ગુણદૃષ્ટિ સારી છે એમ વિચારીને એની ગુણદૃષ્ટિની અનુમોદના કરૂં .
ચાર , મેં જે કામો નથી કર્યાં અને મારે જે કામો કરવાના બાકી રહ્યા છે એને યાદ કરીને પોતાની જાતને ઠપકો આપું .
પાંચ , જે થયું છે તે પ્રભુની કૃપાથી અને પ્રભુ એ આપેલા પુણ્યના પ્રતાપે થયું છે એમ વિચારું અને કર્તૃત્વભાવથી મુક્ત થઈ જઉં .
કોઈ મારી પર પ્રશંસા કરે ત્યારે એ કરનારને અટકાવવાની કોશિશ કરું એ પણ એક સારું ઓપ્શન છે .
દર વખતે લાંબુ લાંબુ લખવાની જરૂર નથી હોતી . તમે વાચક છો . બિટ્વિન ધ લાઈન્સ વાંચતા પણ શીખો .
વરસાદની મોસમમાં પાંચ વરસની નાનકડી દીકરીને લઈને પિતા ખેતરના રસ્તે જઈ રહ્યા હતા . અચાનક આંધી આવી . વાયરો તોફાને ચડ્યો . વરસાદ શરૂ થયો . ચાલતાં ચાલતાં રસ્તે પાળી વગરનો એક પૂલ આવ્યો . પૂલ વધારે પહોળો હતો નહીં . વરસાદને લીધે પૂલ પરથી પાણીના રેલા નદી તરફ વહી રહ્યા હતા .
પિતાએ દીકરીને કહ્યું : બેટા , મારો હાથ પકડી લે .
દીકરીએ કહ્યું : પિતાજી તમે મારો હાથ પકડી લો .
પિતાજીએ પૂછ્યું : તું મારો હાથ પકડે કે હું તારો હાથ પકડું એમાં શું ફરક પડે ?
દીકરીએ કહ્યું : બહુ ફરક પડે , પિતાજી . મારો હાથ કમજોર છે . હું તમારો હાથ પકડું . પણ મારી પક્કડ મજબૂત બનશે નહીં એટલે હાથ છૂટી જશે . તમારો હાથ મજબૂત છે એટલે તમે મારો હાથ પકડશો ત્યારે પક્કડ જ એવી મજબૂત બનશે કે હાથ છૂટશે નહીં .
દીકરીનો જવાબ સમજવા જેવો છે . હાથ પકડીએ પછી હાથ છૂટવો ન જોઈએ . હાથ પકડ્યા પછી હાથ છૂટી જાય એવું ના ચાલે . સંબંધ વ્યક્તિ સાથે જોડાય છે . તમે જોડાયા એટલે તમે હાથ પકડ્યો . તમારાં જીવનમાં લોંગ ટર્મ રિલેશન કેટલાં છે એ જુઓ . અમુક રિલેશન તૂટી ગયાં છે . અમુક રિલેશનમાંથી આત્મીયતા તૂટી ગઈ છે . જે તૂટ્યું એમાં સામા માણસની ભૂલ હતી એવો ખુલાસો તમે કરી શકો છો અને તમારો ખુલાસો ખોટો હોઈ શકે છે . દીકરીની વાત સમજવા જેવી છે . જે હાથની પક્કડ મજબૂત નથી એ હાથ છૂટી જાય છે . કોઈ જગ્યાએ તમારે સમજદાર રહેવાનું હતું . તમે સમજદાર ન રહી શક્યા એટલે રિલેશનમાં ગડબડ ઊભી થઈ છે . સમજદારી એટલે શું એ તમારે જાતે શોધવાનું છે . સમજદારીને તમે જાતે ન સમજી શકો એ બહુ મોટી કરુણતા છે . બીજાના સમજાવવાથી જે આવે એ સમજદારી નથી . પોતાની મેળે જે સમજાય એ જ સમજદારી છે . લોકો સામા માણસને સમજદારી કેળવવાના ઉપદેશ આપતા હોય છે . લોકો ખુદ પોતાને સમજદાર બનાવતા નથી .
સારું કામ હાથમાં લઈએ તો એ રીતે લઈએ કે સારું કામ હાથમાંથી છૂટે નહીં . હાથમાં લીધેલું સારું કામ છૂટી જાય એમાં ભૂલ કોની ? કામની ? ના . કામની ભૂલ નથી . ભૂલ કામ હાથમાં લેનારની છે . એણે કામ માટેની જવાબદારીનો વિચાર કર્યો નહીં . દરેક કામ એક જવાબદારી છે . સભાનતા રાખવાની છે કે હું આ કરીશ , મારે આ કરવું જોઈએ , મારે આ કામ કરવાનું જ છે . કામ સ્વાર્થ માટે ન કરીએ . સ્વાર્થ સચવાશે નહીં તો કામ છૂટી જશે . કામ અહંકાર માટે ન કરીએ . અહંકાર સચવાશે નહીં તો કામ છૂટી જશે . કામ જવાબદારી માટે કરીએ . જવાબદારીનું ભાન હશે તો કામ છૂટશે નહીં . કમજોર હાથની પક્કડ છૂટી જતી હોય છે . મજબૂત હાથની પક્કડ છૂટતી નથી .
સુવિહિતશિરોમણિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનું અણમોલ રત્ન આગમવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અક્ષયભદ્રસૂરીશ્વરજી મહારાજા આજે કાળધર્મ પામ્યા . જ્ઞાનીની વિદાય અસહ્ય બનતી હોય છે . એમની પાંચ વિશેષતાઓ હંમેશા યાદ રહેશે .
૧. એમણે આગમોનું ઊંડું અવગાહન કર્યું હતું
પરમાત્માની મૂળવાણી આગમ સૂત્રોમાં સચવાયેલી છે . શ્રી સુધર્મા સ્વામીજી મહારાજાથી માંડીને આજ સુધી ગુરુ પરંપરા દ્વારા આગમનું અધ્યાપન ચાલુ રહ્યું છે . ગુરુપરંપરા દ્વારા એમને આગમવાચના મળી હતી . એમના જ્ઞાનગુરુ તરીકે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું નામ અવશ્ય આવે . એમનાં માર્ગદર્શનમાં આગમો વાંચ્યા . આગમના પદાર્થો આત્મસાત્ કર્યા . આગમના ટીકાકાર મહર્ષિઓ જે રીતે આગમના પદાર્થોને સમજાવે એ રીતે શ્રી અક્ષયવિજયજી મહારાજ આગમના એક એક રહસ્યો ખોલીને પદાર્થોને સમજાવતા હતા . ઉપદેશ આપવાનું ઘણું સરળ છે . પદાર્થો ખોલીને સમજાવવા એ અઘરું છે . એમનો પદાર્થ બોધ ઉત્કૃષ્ટ હતો અને એમની પાસે પદાર્થ બોધ આપવાની શક્તિ પણ ઉત્કૃષ્ટ હતી . કેટલાય સાધુ સાધ્વીઓએ એમની પાસે આગમોનો અભ્યાસ કર્યો છે . જેમણે એમની પાસે આગમો વાંચ્યા હોય એમને પદાર્થોની જે સ્પષ્ટતા મળી હોય એ કોઈ અનેરી હોય . દરેક પદાર્થ સાથે એ પોતાનું ચિંતન જોડતા અને એમનું પોતાનું ચિંતન હંમેશા માર્ગાનુસારી રહેતું .
૨ . તેઓ શાસ્ત્રશુદ્ધ શૈલીના વ્યાખ્યાનકાર હતા
તેઓ છટાદાર શૈલીમાં વ્યાખ્યાન આપતા . બુલંદ અવાજે બોલે . શ્રોતાઓને પ્રેમથી ઠપકારે પણ ખરા . એમની પ્રરૂપણા શાસ્ત્ર આધારિત જ રહેતી . પોતાનાં મનમાં સૂઝેલા તુક્કાઓના આધારે એ બોલતા નહીં . કોઈ એક પંક્તિ કે કોઈ એક શ્લોકનો આધાર લે , એમાંથી કોઈ એક મુદ્દો તારવે અને મુદ્દાનું સરળ વિશ્લેષણ કરે . નિરૂપણ એટલું સરળ હોય કે આ કોઈ શાસ્ત્રની ગંભીર વાત છે એવું લાગે જ નહીં પરંતુ એ શ્લોક કે પંક્તિ ટાંકે ત્યારે સમજાય કે ઓહો , આ વાત આ શાસ્ત્રમાં આ રીતે લખવામાં આવી છે . એમનું વ્યાખ્યાન સાંભળીને જે ઉભો થાય તે બે પાંચ શાસ્ત્રીય પદાર્થો લઈને જ જાય એ નક્કી . એમની વ્યાખ્યાનશૈલી ઉપર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની ઊંડી અસર જોવા મળતી .
૩ . તેઓ સક્ષમ રચનાકાર હતા
કોબાના દેરાસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ ઉપર વર્ષે એકવાર સૂર્ય કિરણનો તેજલિસોટો આવે છે . શ્રી સાગરજી સમુદાયના એક મહાત્માએ મને કહ્યું હતું કે એકવાર આ સૂર્ય કિરણ પ્રભુ મૂર્તિ પર આવ્યું ત્યારે શ્રી અક્ષય વિજયજી મહારાજ સાહેબ દર્શનાર્થે ત્યાં જ બેઠા હતા . જ્યાં સુધી મૂર્તિ ઉપર સૂર્યકિરણનો સ્પર્શ બનેલો રહ્યો ત્યાર સુધી તેઓ અભિનવ સ્તવન તત્કાળ રચતા ગયા અને ગાતા ગયા . હાથમાં કાગળ પેન લીધા વગર નવી રચના કરવી એ સહેલું નથી . તેઓ ભગવાનની સામે જોતાં જોતાં મનમાં જે આવ્યું એ રચતા ગયા અને જે રચાતું ગયું તે ગાતા જ રહ્યા , ગાતા જ રહ્યા . ઘણીબધી નવી પંક્તિઓ એક પછી એક આવતી જ ગઈ , આવતી જ ગઈ . કમાલની રચનાશક્તિ હતી . શ્રી પ્રેમસૂરિદાદાનાં માર્ગદર્શનમાં અભિનવ કર્મસાહિત્યસર્જનનો જે મહાયજ્ઞ મંડાયો હતો એમાં હજારો શ્લોક પ્રમાણ સંસ્કૃત લેખન એમના હાથે થયું હતું . સંસ્કૃતમાં લખવું અઘરું છે . સંસ્કૃતમાં એવું લખવું જેના દ્વારા પદાર્થનું વિસ્તૃત નિરૂપણ થયું હોય એ તો વધારે અઘરું છે અને મહાજ્ઞાની શ્રી પ્રેમસૂરિદાદાની સ્વીકૃતિ મળે એવું લખવું તો એકદમ જ અઘરું છે . એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં થાય કે તેઓ સમર્થ શાસ્ત્રકાર હતા . એમણે લખેલી સંસ્કૃત ટીકા વાંચો , તમને આ વાત સાચી જ લાગશે .
૪ . એમનું પુણ્ય વિશિષ્ટ કક્ષાનું હતું
એમની પાસે નવકારવાળીઓ મોંઘામાં મોંઘી હોય . એમની ઘડિયાળ ચીલાચાલુ ન હોય . કામળી હોય , આસન હોય , જે પણ હોય બધું બહુ સરસ હોય . જોવાથી સમજાય કે એમના ભક્તો શક્તિશાળી છે . એવું નહોતું કે એમને શોખ હતો . એમને ભક્તો જ એવા મળતા કે એમની પાસે ઉત્તમ વસ્તુઓ બરોબર પહોંચી જતી . પોતાની પાસે એમણે બધું સંઘરીને રાખ્યું નહોતું . જ્યારે જેને જે આપવાનું હોય એ આપતા . એમણે મંત્ર શાસ્ત્રનો અભ્યાસ ઘણો કર્યો હતો , મંત્ર સાધનાઓ ઘણી કરી હતી એટલે એમનું પુણ્ય જાગતું રહેતું . છેલ્લા સમયમાં એમની સેવા અનેક અનેક મુનિ ભગવંતો ખૂબ શ્રદ્ધાપૂર્વક , ખૂબ અહોભાવપૂર્વક કરતા હતા . એમની સેવા જે રીતે થઈ એનાથી સમજાય કે એમનું પુણ્ય હંમેશા ઊંચું જ રહ્યું છે .
૫ . તેમણે સમાધિ માટે સ્વભાવ પરિવર્તન કર્યું હતું
અંતિમ સમયની સમાધિ આસાનીથી મળતી નથી . સ્વ ની ઉપર જે ઘણું ઘણું કામ કરે તે જ સમાધિને પાત્ર બને છે . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાને એમણે પોતાનાં જીવનની લગામ સોંપી રાખી હતી . હું જેટલું વિચારી શકું છું એના કરતાં વધારે આપ વિચારી શકો છો એવું સમર્પણ એમણે રાખ્યું હતું . મને જે સમજાય છે એનાથી વધારે આપને સમજાય છે એવો આદરભાવ એમણે જાળવી રાખ્યો હતો . મારે જે કરવાનું છે એ હું નક્કી નહીં કરું , એ આપે નક્કી કરવાનું છે એવો સમર્પણ ભાવ એમણે અખંડ રાખ્યો હતો . જેમણે એમને યુવા અવસ્થામાં જોયા છે તેઓ જાણે છે કે એમનામાં કેટલું જોશ હતું , કેટલી ઉર્જા હતી . તેઓ ભલભલાને ટાઢા પાડી દે એવા પાવરફૂલ હતા . કોઈના બાપની સાડાબારી ના રાખે એવા હિંમતવાન્ હતા . હતા ઘણા કડક , પરંતુ ધીમે ધીમે એમણે પોતાના સ્વભાવનું પરિવર્તન કરી લીધું હતું . એમણે કોઈ આગ્રહ રાખ્યા નહોતા , કોઈ અભિનિવેશ પાળ્યા નહોતા . તેઓ કર્તૃત્વભાવમાંથી બહાર આવીને સાક્ષિભાવ તરફ ઢળી ચૂક્યા હતા એ દેખાતું હતું . પોતાની શક્તિ એમને વધારે અગત્યની નહોતી લાગતી . પોતાની શાંતિ એમને વધારે અગત્યની લાગતી હતી . પોતાની ઈચ્છા એમને અગત્યની નહોતી લાગતી . પોતાની સમાધિ એમને અગત્યની લાગતી હતી . આ મન:પરિવર્તન એમના આત્માને અઢળક શાંતિ આપી રહ્યું હતું .
વર્ષોનાં વર્ષો સુધી આગમોના પદાર્થોમાં એમણે એકાગ્રતા બનાવી હતી . વર્ષોનાં વર્ષો સુધી કર્મગ્રંથના ગહન પદાર્થોમાં એ રમમાણ રહ્યા હતા . અધ્યાપન અને વાચનાપ્રદાન દ્વારા પણ તેઓ શાસ્ત્રો સાથે સતત જોડાયેલા રહ્યા હતા . એક મહાન્ જ્ઞાનયોગી તરીકેનું જીવન એ જીવ્યા . એ સતત પ્રભુનાં વચન સાથે જોડાયેલા રહે એની પર પ્રભુના વિશેષ આશીર્વાદ રહેતા હોય છે . વીશ વીશ તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિ શ્રી સમેત શિખર મહાતીર્થની ભૂમિ ઉપર , ૧૫૦ કલ્યાણકની આરાધનાનો દિવસ સુંદર રીતે વિતાવીને માગશર સુદ બારસના દિવસે તેઓ પરમના પંથે સંચરી ગયા . ધન્ય જ્ઞાન . ધન્ય ધ્યાન .
વાર્તા છે ગુરુકુળની . અભ્યાસનું સત્ર પૂરું થઈ ગયું હતું . વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી . ગુરુ જાહેરમાં પ્રશ્ન પૂછશે અને વિદ્યાર્થીએ જાહેરમાં જવાબ આપવાનો રહેશે , દર વખતની જેમ આ વખતે પણ આ જ પદ્ધતિ રહેવાની હતી . એક વિદ્યાર્થીએ બંડ પોકારીને પ્રસ્તાવ મૂક્યો કે ‘ આ વખતે જાહેરમાં હું પ્રશ્ન પૂછીશ અને જવાબ ગુરુએ આપવો પડશે . દર વખતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડે આ તે કેવું ? ક્યારેક ગુરુએ પણ પરીક્ષા આપવી પડે . ‘
ગુરુએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો . જાહેર પરીક્ષાનો દિવસ આવ્યો . બધાની હાજરીમાં વિદ્યાર્થીએ ગુરુને પ્રશ્ન પૂછ્યો . પ્રશ્ન જબરો હતો . વિદ્યાર્થીએ પોતાના હાથની હથેળી પર પક્ષીનું નાનું બચ્ચું રાખ્યું હતું . બધા વિદ્યાર્થીઓને પક્ષીનું બચ્ચું બતાડ્યા બાદ , વિદ્યાર્થીએ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે મારા હાથમાં જે પક્ષીનું બચ્ચું છે તે જીવશે કે મરી જશે એનો જવાબ આપો . પ્રશ્ન અટપટો હતો . ગુરુ એમ કહે કે પક્ષી જીવી જશે તો વિદ્યાર્થી હાથની મુઠ્ઠી દબાવી દે અને પક્ષી ખતમ થઈ જાય . ગુરુ એમ કહે કે પક્ષી મરી જશે તો વિદ્યાર્થી મુઠ્ઠી દબાવે જ નહીં . પક્ષી જીવતું રહી જાય . બંને જવાબ ખોટા પડે . પક્ષી જીવશે એવો જવાબ પણ આપી શકાય એમ નહોતું . પક્ષી મરી જશે એવો જવાબ પણ આપી શકાય એમ નહોતું . બંને જવાબ ખોટા પડે એવી સંભાવના હતી . વિદ્યાર્થીએ ગુરુકુળમાં પહેલીવાર જાહેરમાં પરીક્ષા લેવાનું સાહસ કર્યું હતું . એનું સાહસ સાર્થક પુરવાર થશે એવું લાગતું હતું . ગુરુ પહેલો જવાબ આપે અને વિદ્યાર્થી એ જવાબને ખોટો સાબિત કરે . ગુરુ બીજો જવાબ આપે અને વિદ્યાર્થી એને પણ ખોટો સાબિત કરે . ગુરુ શું જવાબ આપે એ પ્રશ્ન હતો . વિદ્યાર્થીનો સવાલ જબરો હતો . બાકીના બધા વિદ્યાર્થીઓ અવાચક હતા કે ગુરુ શું જવાબ આપશે . પણ કહેવાય છે ને બાપ બાપ હોતા હૈ .
ગુરુએ વિદ્યાર્થીને પૂછ્યું કે તારો સવાલ હું તને પૂછી લઉં છું . તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે એ જીવશે કે મરી જશે ? આ જ તારો પ્રશ્ન છે ને ? વિદ્યાર્થીએ કહ્યું : હા , આ જ મારો પ્રશ્ન છે . ગુરુએ કહ્યું : તું જવાબ ધ્યાનથી સાંભળજે . તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે એ જીવતું રહેશે કે મરી જશે , એ તારા હાથમાં છે .
ગુરુએ પહેલો જવાબ ન આપ્યો . ગુરુએ બીજો જવાબ ન આપ્યો . ગુરુએ કોઈ ત્રીજો જ જવાબ આપ્યો . ગુરુએ કહ્યું : તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે કે જીવશે કે મરી જશે એનો નિર્ણય તારા હાથમાં છે . હવે વિદ્યાર્થી પાસે ગુરુની સામે બોલવા જેવું કશું રહ્યું નહીં . ગુરુ બોલે કે જીવશે તો વિદ્યાર્થી પાસે જવાબ હતો . ગુરુ બોલે કે મરી જશે તો વિદ્યાર્થી પાસે જવાબ હતો . પણ ગુરુએ ત્રીજો જવાબ આપ્યો . ગુરુએ કહી દીધું કે પંખીના બચ્ચાનું શું થશે એ વિદ્યાર્થીના હાથમાં છે .
જાહેરમાં પરીક્ષા લેવાઈ હતી . જાહેરમાં વિદ્યાર્થી જીતી જશે એવું લાગતું હતું પણ વિદ્યાર્થી જાહેરમાં હારી ગયો હતો . ગુરુ ગુરુ હોતા હૈ એ વાત સાબિત થઈ ગઈ હતી . તમારા હાથમાં આવેલી તક એ તમારા હાથમાં બેઠેલું પંખીનું બચ્ચું છે . તમે એ તકનો લાભ ઉઠાવો છો તો એ તક જીવતી રહે છે . તમે એ તકનો લાભ નથી ઉઠાવતા તો એ તક બરબાદ થઈ જાય છે . જિંદગી તમને વારંવાર સારી તક આપતી હોય છે . તમારે એ તકને ઓળખવાની હોય . તમારે એ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય . તમારે એ તકને સાધી લેવાની હોય . તક મળે ત્યારે આળસુ બનીને જે બેસી રહે છે એની માટે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું છે : અવસર પામી આળસ કરશે , તે મૂરખમાં પહેલોજી .
તમે આજે જીવતાં બેઠા છો . તમારું આયુષ્ય એ તમારા હાથમાં રહેલી સૌથી મોટી તક છે . તમે આયુષ્યનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કામ માટે કરી શકો છો . તમારી બુદ્ધિ એ તમારા હાથમાં રહેલી સૌથી મોટી તક છે . તમે બુદ્ધિનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કામ માટે કરી શકો છો . તમારી પાસે ઘણું ધન છે . તમારું ધન એ તમારી તક છે . તમે ધનનો ઉપયોગ કરીને ઉત્તમમાં ઉત્તમ કામ કરી શકો છો . આ રીતે તમારી પાસે ઘણીબધી તક રહેલી છે . તમારી પાસે આવેલી તક તમને કામ કરવાની સ્વતંત્રતા આપે છે , આગળ વધવાની સ્વતંત્રતા આપે છે , ઊંચાઈ સાધવાની સ્વતંત્રતા આપે છે . તમે તકને ઓળખશો નહીં , તમે તકને સમજશો નહીં એ તમારી ભૂલ હશે . તક પંખીનું બચ્ચું છે . આયુષ્ય , બુદ્ધિ અને ધનનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કાર્ય માટે જેણે કર્યો નહીં એણે પોતાના હાથમાં આવેલા પંખીને ઉપેક્ષાની મુઠ્ઠીમાં દબાવીને ખતમ કરી લીધું છે .
ગુરુનો જવાબ યાદ રાખજો : તમારા હાથમાં બેસેલું પંખીનું બચ્ચું જીવતું રહેશે કે મરી જશે એનો નિર્ણય તમારા હાથમાં છે . તમને મળેલી તકનો ઉપયોગ તમે કર્યો નથી , તમને મળેલી તક હાથમાંથી જઈ રહી છે . એ તક કંઈ છે , શોધી કાઢો .
માણસનો સ્વભાવ છે . જેની સાથે લાંબો સમય રહે એની માટે મમતા બાંધે . મમતાનું આલંબન સારું બને એટલે મમતા કલ્યાણકારી બની જાય . ઉપધાન કરવા માટે લાંબો સમય સુધી કોઈ એક તીર્થમાં રહેવા મળે એટલે તીર્થ માટે મમતા થઈ જાય . ઉપધાન કરવા માટે ગુરુ ભગવંતોની નિશ્રામાં રહેવા મળે એટલે ગુરુ ભગવંતો માટે મમતા થઈ જાય . ઉપધાન કરવા માટે કોઈ જે સાધર્મિકો સાથે રહેવા મળે તે સાધર્મિકો માટે મમતા થઈ જાય . રોજેરોજ આરાધના કરતા હોઈએ તેને કારણે આરાધનાની બધી જ ક્રિયાઓ માટે મમતા થઈ જાય .
આ મમતા બહુ પવિત્ર છે . આ મમતાનું જતન કરજો . આ મમતામાંથી જે પીડા આવે છે એ પીડા પણ પવિત્ર છે . એ પીડાનું પણ જતન કરજો . તીર્થને છોડીને જવાનું ગમતું નથી આ લાગણી પવિત્ર છે . ગુરુ ભગવંતોની નિશ્રા છોડીને જવાનું ગમતું નથી આ દુઃખ પણ પવિત્ર છે . સહઆરાધકોથી વિખૂટા પડવાનો અફસોસ થતો હોય છે આ અફસોસ પણ પવિત્ર છે . આરાધનાઓ ઓછી થશે અને વિરાધનાઓ વધી જશે એની ચિંતા બને છે અને આ ચિંતા પણ પવિત્ર છે . હવે રોજ ક્રિયાઓ કરવા નહીં મળે , રોજ અઘરાં પચખાણ લેવા નહીં મળે , રોજ ભગવાન્ નહીં મળે , ગુરુ નહીં મળે , સ્તવન સજ્ઝાય અને સ્તુતિઓ નહીં મળે . જે નહીં મળે એ અતિશય પવિત્ર હશે . પવિત્ર તત્વોના વિરહમાં રડવું એ આરાધક ભાવની ધન્યતા છે .
સંસારી સ્વજનો અને સંસારનાં સાધનો માટે બનેલી મમતા પવિત્ર હોતી નથી . આપણે એ મમતાથી મુક્ત બની શકતા નથી . ઉપધાનના દિવસોમાં આપણે સ્વજનો અને સાધનોથી દૂર હતા આથી એમની મમતાઓથી અળગા રહ્યા હતા . ઉપધાન પૂરા કરીને ઘરે જઈશું એટલે આ બધી જ મમતાઓ ફૂલ ફોર્મમાં એક્ટિવ થઈ જવાની . સંસારી મમતાઓ બનશે એનો ડર લાગવો જોઈએ , આ ડર પવિત્ર છે . વિરાધનાઓ કરવી જ પડશે એની પીડા થશે , એ પીડા પવિત્ર છે . બાહ્ય આનંદપ્રમોદનાં વાતાવરણમાં ફસાઈ જવાના છીએ એનો પસ્તાવો થશે , આ પસ્તાવો પવિત્ર છે .
ઉપધાનમાં સ્વજનો નહોતા , ઘરમાં સ્વજનો હશે .
ઉપધાનમાં ભૌતિક સાધન સામગ્રીઓ નહોતી , ઘરમાં હશે .
ઉપધાનમાં વાસનાઓ માટે અવકાશ નહોતો , ઘરમાં હશે .
ઉપધાનમાં વિરાધનાઓ નહીંવત્ હતી , ઘરમાં ઘણી હશે .
ઉપધાનમાં જેનો જેનો ત્યાગ કર્યો હતો એ ત્યાગમાંથી બહાર આવતી વખતે મનમાં અપરંપાર દુઃખ થવું જોઈએ .
પવિત્ર પીડા આંસુ લાવે છે . છેલ્લા દિવસે પૌષધ પારીએ અને ઘરે જવાનો સમય થાય ત્યારે થોડુંક રડી લેજો . એ રડવાનું પણ પવિત્ર ગણાશે . સંગમને જતાં જોઈને ભગવાનની આંખમાં આંસુ આવ્યાં હતાં , એ કરુણાનાં આંસુ હતાં , પવિત્ર આંસુ . પોતાની જાતને ઘેર જતાં જુઓ એ વખતે પણ આંસુ આવવા જોઈએ . એ આંસુઓમાં આરાધકભાવની પવિત્રતા હશે . એ આંસુઓને આવવા દેજો , અટકાવતા નહીં . ( સમાપ્ત )
ફૂલની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલમાંથી સુગંધ ઓછી થતી નથી .
દીક્ષા પછી ભગવાન્ મહાવીરના શરીર પર દૈવી વિલેપનની સુગંધ હતી . સુગંધથી ભમરાઓ ખેંચાઈને આવતા હતા , ડંખ મારતા હતા . સુગંધને લીધે વનવાસી યુવાનો સુગંધ માંગવા આવતા હતા , જવાબ ન મળે એનો ગુસ્સો કરતા હતા . સુગંધને લીધે વનવાસિની મહિલાઓ આકર્ષિત થઈને અનુકૂળ ઉપદ્રવ કરતી હતી . ભગવાન્ બધું સહન કરી લેતા હતા .
તમારામાં ગુણો પ્રગટશે , એ ગુણો તમને આનંદિત રાખશે . પણ યાદ રાખજો કે તમારામાં ગુણ છે એનો લાભ સજ્જનો પણ લેશે અને એનો ગેરલાભ દુર્જનોને પણ મળશે . તમારામાં પ્રગટેલો ગુણ પરીક્ષામાંથી પસાર થયા પછી જ પાક્કો થાય છે . જે ગુણ પરીક્ષામાં હારી જાય એ ગુણ આત્મા માટે ઉપયોગી સાબિત થતો નથી . જે ગુણ પરીક્ષામાં જીતી જાય એ જ આત્મા માટે ઉપયોગી સાબિત થતો હોય છે .
ચાર સંભાવના બને છે . તમે ગુણવાન્ છો અને તમને જે મળે છે એ ગુણવાન્ છે . તમે ગુણવાન્ છો અને તમને જે મળે છે એ ગુણવાન્ નથી . તમે ગુણવાન્ નથી અને તમને જે મળે છે એ ગુણવાન્ છે . તમે ગુણવાન્ નથી અને તમને જે મળે છે એ પણ ગુણવાન્ નથી . તમે ગુણવાન્ છો અને તમે ગુણવાન્ જ રહો એ સૌથી વધારે અગત્યનું છે . પરિસ્થિતિ કે સંભાવના કોઈ પણ હોય .
- તમે માફ કરી શકો છો એ ગુણ છે . સજ્જન પહેલેથી સચેત રહેશે અને તમને હેરાન કરવાનું ટાળશે . પણ આ જ ગુણનો દુરુપયોગ કરીને અમુક લોકો તમને વારંવાર હેરાન કરતા રહેશે . તમે ગુણને છોડશો નહીં અને એ લોકો ખરાબ આદત છોડશે નહીં .
- તમે ના કહી શકતા નથી એ ગુણ છે . સજ્જન તમારી અનુકૂળતાનો વિચાર પહેલાં કરશે , સજ્જન તમને તકલીફ ના પડે એનું ધ્યાન બરોબર રાખશે . પણ દુષ્ટ લોકો તમારી ઈચ્છા ન હોવા છતાં તમને કામ પકડાવ્યા કરશે અને તમારે કામ પરાણે કરવા જ પડશે .
- તમારામાં દાન કરવાની શક્તિ છે . ક્યાંક કોક જગ્યાએ સારું કામ થતું હશે એમાં સજ્જન તમને જોડશે . ખોટા લોકો બોલવાની જાળ બીછાવીને ખોટેખોટા પૈસા પડાવી જશે .
- તમારામાં માર્ગદર્શન આપવાની શક્તિ છે . સજ્જનો તમને મળશે અને આગામી સમયમાં જે સારાં કામો કરવા છે એનો વિચારવિમર્શ તમારી કરશે . દુર્જન મીઠાશપૂર્વક તમારી સાથે વાતો કરીને , તમારો યુઝ કરીને , પછી તમને જ સાઈડટ્રેક કરી દેશે .
- તમારી પાસે વચનશક્તિ છે , તમારી પાસે લેખનશક્તિ છે . સજ્જનો તમારા દ્વારા કોઈ ઉત્તમ પ્રસ્તુતિ થાય એવી ગોઠવણ કરશે કે કરાવશે . સજ્જનેતર લોકો કેવળ સ્વ સમર્થન માટે કે પોતાની પ્રશંસા રચવા માટે તમને કામ પકડાવશે .
- તમે કોઈની નિંદા કરતા નથી એ ગુણ છે . સજ્જનો તમારી આ વિશેષતા જોઈને રાજી થશે અને તમારી સમક્ષ ઉત્તમ પુરુષોની ગુણગાથા અને ઉત્તમ કાર્યોની અભિલાષા સંબંધી વાતો કરશે . દુર્જનો જુદું જ કામ કરશે . તમે કોઈની નિંદા કરતા નથી આનો ફાયદો ઉઠાવીને અમુક લોકો તમારી જ નિંદા કરતા રહેશે . એમને ખબર છે કે તમે તો એમની નિંદા કરવાના જ નથી , આથી પોતાની રચેલી સ્ટોરી માર્કેટમાં ફેલાતી રહે એવો એડવાન્ટેજ એ લોકો લીધા કરશે .
- તમે છળકપટ કરતા નથી એ ગુણ છે . સજ્જનોને આ સમજાશે અને તમારી સરળતાથી એ પ્રભાવિત રહેશે . તમારી આ વિશેષતાને કારણે સજ્જનો તમારી પર ખૂબબધો વિશ્વાસ મૂકશે . દુર્જનો તમારી સાથે છળકપટ કરશે અને ગાયબ થઈ જશે , તમને સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે .
તમે ગુણવાન્ બન્યા છો . તમે સજ્જન માટે પણ ગુણવાન્ જ છો અને દુર્જન માટે પણ ગુણવાન્ જ છો . તમારી સાથે સારો વ્યવહાર થાય ત્યારે પણ તમે સજ્જન છો અને સજ્જન જ રહેજો . તમારી સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે પણ તમે સજ્જન છો અને સજ્જન જ રહેજો . તમે દુર્જન હશો એનો ફાયદો એ હશે કે અમુક દુર્જનો તમને હેરાન કરશે નહીં કારણ કે દુર્જન પણ દુર્જનથી ડરતો જ હોય છે . તમે દુર્જન હશો એનું નુકસાન એ હશે કે સજ્જન તમારાથી ડરશે અને દૂર રહેશે . ગુણવાન્ સજ્જનને સજ્જન મળવા ચાહે જ છે . ગુણવાન્ સજ્જનને હેરાન કરતી વખતે દુર્જન પણ જાણતો હોય છે કે આમના તરફથી મને તકલીફ આવવાની નથી .
જેનામાં દોષ છે એને તે દોષને કારણે ક્યાંય ને ક્યાંય હેરાન થવું પડે છે એવું આપણે સાંભળતાં આવીએ છીએ . જેનામાં ગુણ છે એને એ ગુણને કારણે ક્યાંય ને ક્યાંય હેરાન થવું પડે છે એવું કહેવામાં આવતું નથી . આથી છાપ એવી ઊભી થાય છે કે ગુણ આવ્યા એટલે સુખ આવ્યાં . ગુણ સ્વયં એક સુખ છે એમાં કોઈ શક નથી . પરંતુ , દરેક ગુણની પરીક્ષા થતી હોય છે . દુર્જનની દુર્જનતાનો ગેરલાભ લેવાયો હોય એવું સાંભળવા મળ્યું નથી . સજ્જનની સજ્જનતાનો ગેરલાભ લેવાયો હોય એવું હંમેશા સાંભળવા મળતું હોય છે . કાંટાઓને ક્યારેય વેઠવાનું આવતું નથી . વેઠવાનું તો ફૂલોને જ હોય છે .
ભગવાન મહાવીરે દસ પ્રકારના યતિધર્મને એટલે કે ૧૦ મહાન્ ગુણોને આત્મસાત્ કર્યા હતા . ઉપસર્ગ કરવાવાળાઓ ઉપસર્ગ કરી શક્યા કારણ કે ભગવાન્ પોતાના ગુણો સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતા . શરીરમાં સુગંધ હતી એટલે ભમરા ડંખ મારતા હતા . આત્મામાં ગુણો પ્રગટ્યા હતા એટલે જ ઉપસર્ગકર્તાઓનો પ્રતિકાર થયો નહોતો . તમારી સાથે સારો વ્યવહાર ન થાય ત્યારે પણ તમે ગુણવાન્ સજ્જન બનેલા રહો . તમારી સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે પણ તમે ગુણવાન્ સજ્જન જ બનેલા રહો . તમારા ગુણો પર આક્રમણ થશે , તમારે ગુણોને ટકાવી રાખવાના છે . તમારા ગુણોને ધક્કો લાગે એવું વાતાવરણ બનાવવામાં આવશે , તમે તમારા ગુણોને વફાદાર રહેજો .
લીંબુના રસને દૂધના ટીપાથી ડર નથી લાગતો પરંતુ દૂધને લીંબુરસના એક ટીપાનો ડર લાગે જ છે . જેનામાં ગુણો આવ્યા નથી એના ગુણની પરીક્ષા થવાની જ નથી . એના ખિસ્સા જ ખાલી છે . પરીક્ષા એની જ થવાની છે જેનામાં ગુણ છે . તમારામાં કયા કયા ગુણો છે એ તપાસો . એ ગુણો ખરેખર તમારામાં છે એ બાબતમાં સ્પષ્ટ થઈ જાઓ . આટલું કર્યા પછી પોતાની જાતને સૂચના આપો કે મારામાં ગુણ છે એટલે હું સિદ્ધશિલામાં પહોંચી ગયો છું એવું નથી . મારા ગુણ પ્રતિપાતી છે , અપ્રતિપાતી નથી . ત્રણ વાતો યાદ રાખવાની છે :
૧ . મારામાં પ્રગટેલો ગુણ , મારી જવાબદારી છે . મારા ગુણ ઉપર ઉપસર્ગ આવશે જ . મારે એ ઉપસર્ગથી વિચલિત થયા વગર મારા ગુણને વફાદાર રહેવાનું છે .
૨ . સજ્જનો સારો વ્યવહાર કરે ત્યારે ગુણોની પરીક્ષા થતી નથી . દુર્જનો દુષ્ટ વ્યવહાર કરે ત્યારે જ ગુણોની પરીક્ષા થતી હોય છે . જે રીતે સજ્જનો સાથે ગુણવાન્ બનેલા રહીએ છીએ એ રીતે દુર્જન સાથે પણ ગુણવાન્ બનેલા રહેવાનું છે . દુર્જન દુર્જનતા છોડશે નહીં એની સામે સજ્જન પણ સજ્જનતા છોડશે નહીં .
૩ . તમારામાં ગુણ છે , એ જોઈને બધા લોકો તમારા પ્રશંસક બની જશે એવું નથી . તમારામાં ગુણ છે , એ જોઈને બધા લોકો તમારા વિરોધી બની જશે એવું પણ નથી . જે લોકો ગુણવાન્ હશે એ તમારા ગુણોને સમજી શકશે . જે લોકો ગુણવાન્ નહીં હશે એ તમારા ગુણોને નહીં સમજી શકે .
એક વાત હંમેશા યાદ રાખજો : ફૂલોની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલોમાંથી સુગંધ ઓછી થતી નથી . ગુણવાન્ વ્યક્તિને મળેલી વ્યક્તિ ગુણવાન્ ના હોય તો પણ એ ગુણવાન્ સજ્જન ગુણવાન્ જ બનેલો રહે છે .
તમે સાધક છો . લોકો તમારી સાથે વાત કરશે . એમને એમાંથી કંઈક મળશે . બધા જ લોકો તમારી સાથે વાત કરવા આવશે એવું નથી . અમુક લોકો તમને દૂરથી જોશે . એ લોકોને પણ તમારી પાસેથી કંઈક મળવું જોઈએ . ફૂલની સુગંધ પામવા માટે ફૂલને અડવાની જરૂર નથી , ફૂલ દૂર હોય તો પણ ફૂલની સુગંધ મળી જતી હોય છે . સાધકને જે દૂરથી જુએ એને પણ સાધક પાસેથી કંઈક મળી જતું હોય છે . તમારામાં દુનિયા શું જોઈ શકે છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ . તમારામાં જે દેખાય છે એ દુનિયા શીખે છે . તમારામાં જે દેખાય છે , એના આધારે દુનિયા તમારું મૂલ્યાંકન કરે છે . તમારામાં જે નથી દેખાતું એ દુનિયાને શીખવા નથી મળતું . તમારામાં જે નથી , એના પર આધારિત મૂલ્યાંકન પણ થતું નથી . સાધક સાધુ હોય , સાધ્વી હોય , શ્રાવક હોય , શ્રાવિકા હોય . એમને જે દૂરથી જુએ એમને શું જોવા મળે ? ભરપૂર પ્રસન્નતા જોવા મળે . અપાર એનર્જી જોવા મળે . સાત્ત્વિક ભૂમિકાની વાતો જોવા મળે . જેને જેને ખબર છે કે તમે સાધક છો એને એને તમારામાં આ ત્રણેત્રણ દેખાવા જોઈએ . તમારામાં પ્રસન્નતા ન દેખાય , એનર્જી ન દેખાય , સાત્ત્વિક ભૂમિકાની વાતો નહીં દેખાય એનું પરિણામ એ આવશે કે લોકોને સાધક પદ ઉપરથી વિશ્વાસ ઊઠી જશે .
સાધક પ્રસન્ન હોય . એના ચહેરા પર નિરાશા ન હોય , પીડા ન હોય , વિવશતા ન હોય . સાધકના અવાજમાં હરખ હોય . સાધકના વિચારોમાં ઊંચી આશા હોય . સાધકની આંખોમાં ચમક હોય . સાધકની મુખમુદ્રા ઉપર સ્મિત હોય , હાસ્યની છાયા હોય . પ્રભુની મૂર્તિ જુઓ . તમને પ્રસન્નતાની ધારાઓ જોવા મળશે . તમે તમારાં મોઢેથી જાહેરાત કરશો કે હું બહુ પ્રસન્ન છું , એનાથી કોઈ માનવાનું નથી કે તમે પ્રસન્ન છો . તમારા વ્યવહારમાં દીવાની જ્યોત જેવી પ્રસન્નતા ચમકતી હશે એનાથી લોકોને સમજવા મળશે કે આ સાધક છે , જુઓ . કેવા પ્રસન્ન છે ? કેવા આનંદમાં રહે છે ? તમે પ્રસન્નતાનો દેખાડો કરો એની આ વાત નથી . તમારી પ્રસન્નતા એ રીતે છલકાતી હોય કે તમને જોઈને લોકોને સમજાય કે આમની સાધનાએ આમને બહુ મોટી પ્રસન્નતા આપી છે . જે સાધના આમણે કરી છે એવી સાધના હું કરીશ એનાથી મને અવશ્ય પ્રસન્નતા મળશે . તમારી પ્રસન્નતા જોઈને લોકોને તમારા ધર્મ પ્રત્યે આદર થાય છે . જે ધર્મ તમને પ્રસન્નતા આપે છે એ ધર્મ કરવા તરફ લોકો આકર્ષાય એવું આપોઆપ બની શકે છે . પ્રસન્નતા અનાયાસ હોય એ અગત્યનું છે . પ્રસન્નતા બીજાને દેખાડવા માટે નથી હોતી . પ્રસન્નતા પોતાની મેળે ખુશ રહેવા માટે હોય છે . તમે સાધના કરો છો . તમે સાધના કરી છે એવું જે જાણે છે એને તમારી પ્રસન્નતા જોઈને તમારી સાધના માટે અહોભાવ થાય છે . તમારે ધર્મ સાથે જોડાયેલા રહેવાનું છે અને એ ધર્મ થકી પ્રસન્ન બનતા રહેવાનું છે . એ કામ તમારું . વરસાદનું પાણી પોતાની મેળે પડે છે , એ રીતે તમારી પ્રસન્નતા પોતાની મેળે જ ચમકશે . પ્રસન્નતા પ્રદર્શનનો વિષય નથી . પ્રસન્નતા અનુભૂતિનો વિષય છે . વાત એ છે કે પ્રસન્નતા છૂપી રહેતી નથી . એ પોતાની મેળે છલકાઈ જ જાય છે . તમને દૂરથી જોનારો કે નજદીકથી જોનારો તમારામાં પ્રસન્નતા જોઈ શકે અને એ પણ જોઈ શકે કે આ પ્રસન્નતા બિલકુલ સાચી છે . તમારી સાધક દશાની આ પહેલી સફળતા છે .
સાધકમાં સ્વાર્થભાવ કે છળકપટ કે ગોપનીયતા હોતી નથી . આથી સાધકને ડરવાનો પ્રશ્ન આવતો નથી . જે ડરતો હોય એ ઢીલો પડી જાય , એની એનર્જી ખોટકાય . ડર નથી એટલે ઉત્સાહ છે . ડર નથી એટલે ઉમંગ છે . ડર નથી એટલે નક્કર આશા છે . સાધકમાં સ્વાર્થ નથી હોતો આથી સાધકમાં સ્પર્ધાભાવ નથી હોતો , હારજીતની ભાવના હોતી નથી . સાધક હલકોફૂલકો હોય . અંદરના અવરોધ સાધકને સતાવતા નથી . જે કરવાનું છે તે પૂરી પ્રામાણિકતાથી કરવાનું છે , સાધકનો એ નિશ્ચય હોય છે . જે કરીએ એનું સારું પરિણામ આવશે એની સાધકને કલ્પના હોય છે . સાધકને કોઈ બાબતનો કંટાળો ન હોય , સાધકમાં કોઈ કારણનો થાક ન હોય . સાધકનું મોઢું સોગિયું ના હોય . સાધકની ગતિવિધિ ઢીલી ઢીલી ના હોય . સાધકમાં ઉર્જાનો ભંડાર ફાટફાટ થતો હોય . સાધકનું એનર્જી લેવલ હાઈ હોય છે . સાધકને જે જોતો હોય એને સાધકમાં થાક નથી એ દેખાય , કંટાળો નથી એ દેખાય , ધકેલ પંચા દોઢસોની વૃત્તિ નથી એ પણ દેખાય . તમે થાક્યા નથી , થાકવાના નથી . તમે કંટાળ્યા નથી , કંટાળવાના નથી . આવું બારેય મહિના તમારામાં જોવા મળે ત્યારે તમને જોનારાઓ તમારી સાધનાને સલામ કરવા લાગશે . દવાઓ ખાઈ ખાઈને આણેલી એનર્જી નકલી હોય છે . ભીતરમાંથી જાગેલી એનર્જી અસલી હોય છે .
જે લોકો તમને દૂરથી જુએ છે એ લોકો તમે કોની સાથે શું વાતો કરો છો એની ઉપર પણ નજર રાખે છે . તમે શું બોલો છો એના આધારે તમારું લેવલ નક્કી થાય છે અને તમારું લેવલ શું છે એના આધારે એ નક્કી થાય છે કે તમે શું બોલવાના છો . તમારી વાતો સાત્ત્વિક છે એવું જેને દેખાશે એ તમારી સાધના માટે અહોભાવ બનાવશે .
૧. જેની વાતોમાં નિંદારસ ઘોળાયા કરતો હોય એ ક્યારેય પણ વિશ્વાસપાત્ર હોતો નથી . જે કોઈની નિંદા કરતો નથી એની પર વિશ્વાસ મૂકવાનું મન થાય છે . સાત્ત્વિક વાતોની નિશાની એ છે કે તમે કોઈની નિંદા કરતા નથી . જે બીજાને ખરાબ દેખાડવા માંગે છે તે પોતે સારો હોઈ જ ના શકે .
૨. જેની વાતોમાં બીજાની સાથેનો સ્પર્ધાભાવ ટપકતો હોય એ સાત્ત્વિક વાતો કરી નહીં શકે . કોઈના હારવાથી તમારી નામના વધે છે એવું માનવામાં સાત્ત્વિકતા ક્યાં રહી ? હું એમનાથી આગળ છું , એ મારાથી પાછળ છે એવું સાબિત કરવામાં સાત્ત્વિકતા ક્યાં જળવાય છે ? એ આગળ નીકળી જશે અને હું પાછળ રહી જઈશ એવો ભય વ્યક્ત કરવાથી કંઈ સાત્ત્વિકતા સિદ્ધ થતી હોય છે , બતાવો ?
૩. કોઈને સફળતા મળી છે તે જોવાનું ગમતું નથી એ છે ઈર્ષા . કોઈની પ્રશંસા થાય છે તે સાંભળવાનું ગમતું નથી એ છે ઈર્ષા . કોઈને કંઈ મળ્યું એ જોવાનું ગમતું નથી એ છે ઈર્ષા . જે બીજાનું સુખ જોઈને રાજી થઈ શકતો નથી એ સાત્ત્વિક વિચારો કેવી રીતે કરી શકશે ?
૪. તમારી સાથે બેસીને વાત કરનારો તમારી વાતો સાંભળીને ઉત્સાહનો અનુભવ કરે ત્યારે સમજવાનું કે તમે સારા માણસ છો . તમારી સાથે બેસીને વાત કરનારો , તમારી વાતો સાંભળીને ઉત્સાહભંગ અનુભવે એનાથી એ નક્કી થઈ જાય છે કે તમે સમજદાર માણસ નથી . જેની વાતો કોઈનું મનોબળ તોડી નાંખતી હોય એ માણસ સાત્ત્વિક કેવી રીતે હોઈ શકે ? સાધકની સાથે વાત કર્યા વગર સાધકને જે દૂરથી જોતો હોય છે એને સાધકમાં નિંદા , સ્પર્ધા અને ઈર્ષા દેખાતા નથી . સાધકની આસપાસનો એક પણ માણસ એવો નથી હોતો જેનો ઉત્સાહભંગ સાધકે કર્યો હોય .
સાધકને નિંદા કરવાનું નથી ગમતું . સાધકને સ્પર્ધા રાખવાનું નથી ફાવતું . સાધકનાં મનમાં ઈર્ષાની બળતરા હોતી નથી . સાધકની વાતો સાંભળીને કોઈનો ઉત્સાહ તૂટી જતો નથી . સાધકને દૂરથી જોનારો આ બધું સમજી શકે છે . એ સાધક માટે આકર્ષણ અનુભવે છે . સાધક માટેનું આકર્ષણ સાધના માટેનું આકર્ષણ બને છે . સાધકની સાધના સફળ થઈ જાય છે .
જંગલબુકનું જંગલ નાગપુર અને શિવનીની વચ્ચે છે : મોગલી લેન્ડમાં બન્યો છે વિશ્વનો સૌથી મોટો એનિમલ અંડરપાસ
સાવ નાની ઉંમરમાં પરીકથા જેવી જંગલબુકની વાર્તા સાંભળી હતી . અંગ્રેજી લેખક રૂડયાર્ડ કિપ્લિંગ આ વાર્તાના લેખક . એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો . આ લેખક ભારતમાં જન્મેલા અને છ વર્ષની ઉંમર સુધી ભારતમાં રહેલા . પછી ઇંગ્લેન્ડ ગયા . થોડો વખત ત્યાં રોકાયા અને ફરીથી ભારત આવ્યા . ૧૮૯૪માં એમણે જંગલબુક લખી અને ૧૮૯૫માં આ બુકનો બીજો ભાગ લખ્યો . એમણે ભારતમાં પ્રચલિત પંચતંત્ર , જાતકકથા આદિની વનવાર્તાઓ સાંભળેલી . આથી જંગલબુકમાં પશુઓ પંચતંત્રની જેમ બોલે છે , વાતો કરે છે અને અરસપરસનો વ્યવહાર રાખે છે . જંગલબુક છપાઈ એમાં જે ફોટા હતા તેની ફોટોગ્રાફી લેખકના પિતાએ જ કરી હતી . જંગલબુકનો નાયક મોગલી નામનો એક છોકરો છે . એને જંગલી વરુઓ ઉછેરીને મોટો કરે છે . આ ઘટના કાલ્પનિક નથી . આવી ઘટના જંગલમાં ખરેખર બની હતી . જંગલબુકમાં આ ઘટનાનો ઉપયોગ કરવામાં આવ્યો . જોકે , બાળકનું નામ કાલ્પનિક છે : મોગલી . જંગલબુકમાં વાઘ છે , વાંદરા છે , અજગર છે , હાથી છે , રીંછ છે , મોટી ભેંસો છે , પહાડી છે , નદી છે અને બીજા પણ ઘણાં જનાવરો છે .
જંગલબુક માણસ અને પશુ વચ્ચેની આત્મીયતાની કથા સંભળાવે છે . આ કથામાં જે પરિકલ્પના છે એનાથી દરેક રાષ્ટ્ર અને દરેક દેશ પ્રભાવિત છે . જંગલબુક લખાઈ એને (અત્યારે ૨૦૨૪માં ) સવાસોથી વધારે વરસ થઈ ગયાં છે . આ કથાના લેખકે બ્રિટિશ રાજમાં ભારત દેશને નજીકથી જોયો . જંગલ બુકની ઉપર ભારત દેશની અસર બહુ મોટી છે . ખાસ કરીને જંગલ બુકમાં જે જંગલની વાત થઈ છે એ જંગલ લેખકે ભારતમાં જોયું છે અને એ જંગલમાં જ જંગલબુકની આખી વાર્તા ચાલે છે એનો લેખકે સ્વીકાર કર્યો છે . જંગલબુકનું જંગલ ભારત દેશમાં આવેલું છે આ વાત જંગલબુકના વાચકોને રોમાંચિત કરી દે એવી છે . ક્યાં છે આ જંગલ ?
આ જંગલ નાગપુર અને શિવનીની વચ્ચે છે . અડધું મહારાષ્ટ્રમાં , અડધું મધ્ય પ્રદેશમાં . અત્યારે આ જંગલ પેંચ અભયારણ્ય તરીકે વિશ્વપ્રસિદ્ધ છે . ભારતમાં ૩૦૦૦થી વધારે વાઘ રહે છે . એમાંથી ૬૫ વાઘ પેંચ અભયારણ્યમાં છે . જંગલની વચ્ચેથી પેંચ નામની નદી પસાર થાય છે . આથી આ જંગલને પેંચ એવું નામ મળ્યું છે . ૧૯૬૫માં આ જંગલને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું . ૧૯૭૫માં આ જંગલને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું અને ૧૯૯૨માં આ જંગલને ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું . ભારતમાં ૧૦૪ નેશનલ પાર્ક છે , ૫૬૭ અભયારણ્ય છે અને ૫૫ ટાઇગર રિઝર્વ છે . ભારતમાં સર્વશ્રેષ્ઠ ટાઇગર રિઝર્વ છે બાંધવગઢ . તે પછી બીજા નંબરે છે પન્ના . ત્રીજા નંબરે છે પેંચ . પેંચ અભયારણ્યની છાયામાં ડનબર બ્રાંડરે ત્રણ તેમ જ રોબર્ટ આર્બિટેઝ સ્ટ્રેન્ડેલ અને જેમ્સ ફોર્સિથે એક એક પુસ્તક લખ્યાં છે . ડેવિડ એટનબરોએ બીબીસી માટે પેંચ અભયારણ્યની ડોક્યુમેન્ટરી પણ બનાવી છે . પેંચ અભયારણ્યને વિદેશીઓ મોગલી લેન્ડ કહે છે . નાગપુરથી શિવની તરફ જઈએ ત્યારે આ પેંચના જંગલની વચ્ચેથી પસાર થવું પડે . મારો વિહાર નાગપુરથી થયો એના ત્રીજા , ચોથા અને પાંચમા દિવસે પેંચ અભયારણ્યમાંથી આખો રસ્તો પસાર થયો હતો . મોગલી લેન્ડમાં ત્રણ રાત અને ચાર સવાર વીતી હતી . જ્યાર સુધી જંગલ દેખાતું રહ્યું , જંગલબુકની પરિકલ્પના મનમાં રમતી રહી .
એક આદર્શ પરિકલ્પના છે : માણસ માણસ સાથે રહે છે અને એકબીજાનો શિકાર નથી કરતા . એ રીતે માણસ અને પશુ એક સાથે રહે અને એકબીજાનો શિકાર ન કરે . એવું પણ એક વિશ્વ હોઈ શકે છે જેમાં માણસનું વાત્સલ્ય પશુને મળી રહ્યું છે અને પશુની મમતા માણસને મળી રહી છે . પરિણામે માણસ પશુને હેરાન કરતો નથી બલ્કે હેરાનગીથી બચાવે છે અને પશુ પણ માણસને હેરાન કરતાં નથી બલ્કે હેરાનગીથી બચાવે છે . આવું અરસપરસનું તાદાત્મ્ય જોવા મળે એ સંભવિત છે ખરું ? જંગલબુક કહે છે : હા , આવું તાદાત્મ્ય સંભવે છે . મોગલી જંગલના કોઈપણ પશુને હેરાન કરતો નહોતો . જંગલનું કોઈ પશુ મોગલીને હેરાન કરતું નહોતું . એક વાઘ હતો જે મોગલીને હેરાન કરવા માંગતો હતો . જંગલના કોઈ પશુઓએ વાઘને સાથ ના આપ્યો . એ વાઘ પશુઓને પણ હેરાન કરતો હતો . પશુઓની હેરાનગતિ દૂર કરવા માટે પશુઓની તરફદારી લઈને મોગલીએ એ વાઘનો અંત આણ્યો હતો . જંગલબુકની આ વાર્તા છે .
માણસ શહેરમાં અને ગામમાં રહે છે . પશુ જંગલમાં રહે છે . માણસને કપડાં જોઈએ , પૈસા જોઈએ , અનાજ જોઈએ , પ્રાઇવસી જોઈએ . પશુને ના કપડાં જોઈએ , ના પૈસા જોઈએ , ના અનાજ જોઈએ . માણસ જુદા જુદા ધર્મ પાળે છે , પશુઓને કોઈ ધર્મ નથી . સામાન્ય છાપ એવી ઊભી કરવામાં આવી છે કે પશુઓ માણસને હેરાન કરે છે . સાચી હકીકત એ છે કે માણસ પશુઓને વધારે હેરાન કરે છે . પશુઓ થકી કેટલા માણસો હેરાન થાય છે એ ગણીએ અને માણસ થકી કેટલા પશુઓ હેરાન થાય છે ? આ સવાલનો જવાબ ભારે છે . વધારે હેરાન થનાર તરીકે પશુઓનું નામ આવશે . પશુઓ માણસનો શિકાર કરતા હશે . માણસ પશુઓનો શિકાર પણ કરે છે અને વ્યવસાય પણ કરે છે . પશુઓને પૈસાની આવશ્યકતા નથી . પશુઓ પૈસાની દૃષ્ટિએ કાંઈ કામ કરતા નથી . માણસને દરેક જગ્યાએ પૈસો દેખાય છે . એ જે કરે છે એમાં પૈસા કમાવાનો દૃષ્ટિકોણ હોય જ છે . માણસ સમાચાર બનાવે છે અને ફેલાવે છે . માણસે પશુઓ માટે ચિત્રવિચિત્ર સમાચાર ફેલાવી દીધા છે એટલે પશુઓની ગણતરી હિંસક પ્રાણીમાં થાય છે . હકીકત એ છે કે પશુ કરતાં માણસ વધારે હિંસક બની ગયો છે .
જેટલી સમજણ માણસમાં છે એટલી પશુમાં નથી . આથી માણસની જવાબદારી વધે છે કે માણસ પશુને હેરાન ના કરે . માણસ પશુને હેરાન નથી કરતો એ પશુને સમજાશે તો પ્રતિભાવ એ જ આવવાનો છે કે પશુ માણસને હેરાન નહીં કરે . આ જંગલબુકની પરિકલ્પના છે . નાગપુર શિવની હાઇવે પર પેંચ અભયારણ્યના રસ્તે વન્યપશુઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે . વર્ષો પહેલાં આ રોડ પર વાઘનો આતંક ઘણો છે એવી ખબરો ફેલાયેલી રહેતી . કેમ જાણે માણસની વસ્તીમાં વાઘે પરાણે ઘુસણખોરી કરી હોય . વાઘ અને અન્ય પશુઓ આ જંગલમાં હજારો વર્ષોથી રહે છે . આ જંગલની વચ્ચેથી પસાર થનારો હાઇવે થોડા જ વર્ષો પહેલાં બન્યો છે . પશુઓના નિવાસમાં માણસે ઘુસણખોરી કરી . તે પછી માણસે જ સમાચાર એવા ફેલાવ્યા કે આ જંગલી જનાવરો માનવોના રસ્તામાં વચ્ચે આવે છે . ઓત્તારી ભલી થાય . પહેલાં માણસે જંગલી જનાવરોને બદનામ કર્યા . એ પછી માણસ જ જંગલી જનાવરોનો શિકાર કરવા માંડ્યો . હાઈવે પર બેફામ દોડનારી ગાડીઓ પણ જંગલી જનાવરોને ટક્કર મારી દેતી . પશુ બદનામ પણ થયા . પશુ હેરાન પણ થયા . પશુ ખુવાર પણ થયા . પશુઓને પોલિટિક્સ રમતા નથી આવડતું . પશુઓને રેલી કાઢતા નથી આવડતું . પશુઓને આંદોલનો કરવાનું કોઈએ શીખવ્યું નથી . પશુઓની તરફેણમાં પશુઓ બોલે એવું બનવાનું જ નહોતું . પણ માણસમાંથી કોઈએક મોગલી પાક્યો . માણસ તરફથી પશુઓને તકલીફ પડે છે એ ના પડવી જોઈએ એવું વાતાવરણ એણે ઊભું કર્યું .
પહેલા તબક્કે , જંગલમાં ઠેરઠેર પશુઓને જીવવાનો હક છે એવાં પ્રચારસૂત્રો મૂકવામાં આવ્યા . પશુઓને જે હેરાન કરશે , પ્રાણહાનિ કરશે એમને મોટી સજા થશે એવી જાહેરાતો કરવામાં આવી . નાગપુર શિવની હાઇવે ઉપર ઠેકઠેકાણે મોટા બોર્ડ મૂકવામાં આવ્યા . એમાં લખવામાં આવ્યું કે આ પશુઓનો વિસ્તાર છે , વાહન પશુઓને નુકસાન ન કરે એનું ધ્યાન રાખજો વગેરે . શિકાર થોડાક ઓછા થયા હશે , અકસ્માત્ સહેજ ઘટ્યા હશે . સમાચારો બે તરફથી આવતા : પશુઓએ માણસનો શિકાર કર્યો અને માણસે વાઘનો શિકાર કર્યો . પશુઓની સુરક્ષા વધવી જોઈએ એવું સમજાતું હતું . એમાંથી આવ્યો બીજો તબક્કો . ભારતનો અને વિશ્વનો સૌથી મોટો એનિમલ અંડરપાસ બન્યો .
સરકારે હાઈવેને ફોરલેન બનાવ્યો છે . આ હાઇવે જંગલની વચ્ચેથી પસાર થાય છે એટલે લોકો એની ખૂબસૂરતીની ચર્ચા ઘણી કરતા હોય છે . ચર્ચા એનિમલ અંડરપાસની ઓછી થાય છે . હાઇવે પર નવ લોકેશન એવાં હતાં જ્યાંથી પશુઓ હાઇવે ક્રોસ કરતાં . અહીં શિકારની અને અકસ્માતની ઘટના વિશેષ બનતી . આ દરેક જગ્યાએ પાંચ મિટર ઊંચા ઓવરબ્રિજ બન્યા . આ ઓવરબ્રિજને એકબીજાથી જોડે છે ફોરલેન હાઈવે . હાઇવે જંગલમાંથી પસાર થતો હતો એને બદલે ઓવરબ્રિજ પર જતો રહ્યો . જે જગ્યાએ પહેલા જંગલ હતું અને પછી હાઇવે બન્યો હતો એ જગ્યાએ હાઈવેનો ઉપયોગ બંધ થઈ ગયો અને ફરીથી જંગલનું એકાંત ઊભું થયું . આપણે લોકોએ શહેરમાં ઓવરબ્રિજ જોયા છે . ઉપરથી નીચે જુઓ કે નીચેથી ઉપર જુઓ , માણસ અને વાહન દેખાય . નાગપુર શિવની હાઇવે પર નવ ઓવરબ્રિજ એવા છે જેમાં ઉપરથી નીચે જુઓ તો તમને ગાઢ જંગલ દેખાય , ક્યારેક જંગલી જનાવરો પણ દેખાય અને માણસ બિલકુલ ના દેખાય . મેં ઓવરબ્રિજ પરથી શિયાળ જોયા , હરણ જોયા , જંગલી પાડા જોયા . વાઘ જોવા મળે એની રાહ જોઈ પણ વાઘ જોવા ન મળ્યો . અલબત્ત , વાઘના પગની નિશાની જોઈ . કોઈ ઓવરબ્રિજ સાતસો પચાસ મિટર લાંબો છે . કોઈ ઓવરબ્રિજ પચાસ મિટર લાંબો છે . જેવું લોકેશન , એવી લંબાઈ . નવ ઓવરબ્રિજની કુલ લંબાઈ બે હજાર બસ્સો મિટરની છે .
અંદાજિત ખર્ચ થયો ૨૬૦ કરોડ . એનિમલ અંડર પાસનો ઉપયોગ ૨૦૧૯માં શરૂ થયો . પશુઓની સુરક્ષા માટે માણસ ઓવરબ્રિજ બનાવે એ કલ્પના જ કેવી ગજબનાક છે . જ્યારે ઓવરબ્રિજ બની રહ્યા હતા ત્યારે પશુઓને તકલીફ પડી જ હશે . ઓવરબ્રિજ બની ગયા તે પછી તરત પશુઓ ઓવરબ્રિજની નીચેથી અવરજવર કરવા લાગ્યા એવું નહોતું બન્યું . પશુઓને ઓવરબ્રિજ પર ભરોસો બેસતો નહોતો . પશુઓએ રાહ જોઈ , સમય પસાર કર્યો . પછી ધીમે ધીમે પશુઓ ઓવરબ્રિજની નીચેથી અવરજવર કરવા લાગ્યા . એનિમલ અંડરપાસનો અર્થ જ આ છે : નીચેથી પશુઓ મુક્તમને અવરજવર કરી શકે . સરકારે દરેક ઓવરબ્રિજની નીચે , ડેનાઈટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવીને રાખ્યા છે . રોજેરોજ , દિવસે અને રાતે ઓવરબ્રિજની નીચેથી કેટલા પશુઓની અવરજવર થઈ છે એની ગણતરી રાખવામાં આવે છે . પહેલાં વરસે એટલે કે ૨૦૧૯માં એનિમલ અંડરપાસના રસ્તે ૫૬૭૫ પશુઓની અવરજવર જોવા મળી . આમાં ૧૩૩ તો વાઘ હતા . ૨૦૨૦માં અવરજવરની સંખ્યા ૧૬,૬૦૮ પશુઓ સુધી પહોંચી . ઓવરબ્રિજ પશુઓ માટે બન્યો હતો . હવે પશુઓ ઓવરબ્રિજની નીચેથી બેધડક અવરજવર કરવા માંડ્યા છે . અકસ્માત્ હવે નથી થતા . શિકાર હવે પહેલાંની જેમ નથી થતા . પશુઓ આક્રમણ કરે છે એવી ઘટનાઓ પણ ઓછી થઈ ગઈ છે . મોગલીભાઈ જીતી ગયા છે .
બીજી પણ એક ખાસ વ્યવસ્થા પશુઓ માટે કરવામાં આવી છે . આખાય હાઇવે પર રોડની બંને તરફ બેરિયરની ઊંચી ઊંચી દીવાલો બનાવી દેવામાં આવી છે . દીવાલોને કારણે જંગલ દેખાતા નથી . પરંતુ દીવાલોને કારણે જ જંગલમાં રહેનારા પશુઓને ગાડીના અને માણસોના અવાજ સતાવી શકતા નથી . કોઈ જનાવર ભૂલથી રોડ પર આવી જતું હોય એ સંભાવનાને આ ઊંચી દીવાલોને કારણે પૂર્ણવિરામ લાગી જાય છે .
કોઈ પશુઓ એવી ડિમાન્ડ કરી નહોતી કે અમારી માટે સુરક્ષાની વ્યવસ્થા કરો . માણસે જ પોતાની રીતે પશુઓને એમની સ્વતંત્ર જિંદગી જીવવાની વ્યવસ્થા ગોઠવી આપી . જ્યાં , જેટલે અંશે , જે જીવદયા થઈ હોય તે જોઈને રાજીપો થાય .
નેશનલ હાઇવે નંબર ૪૪ – કાશ્મીરમાં શ્રીનગરથી શરૂ થાય છે , જમ્મુ , જલંધર , દિલ્હી , આગ્રા , ગ્વાલિયર , સાગર , નાગપુર , હૈદરાબાદ , કર્નૂલ , બેંગલૂરૂ , સેલમ થઈને તમિલનાડુમાં કન્યાકુમારી પાસે પૂરો થાય છે . આની કુલ લંબાઈ ૩૭૪૫ કિ.મી. છે. આમાંથી ૫૦ કિ.મી. જેટલો રસ્તો પેંચ અભયારણ્યમાંથી પસાર થાય છે . જંગલમાં કેડી હોય , કાચો રસ્તો હોય . એના પર પગ મૂકીને ચાલ્યા જતા હોઈએ ત્યારે જંગલનો સાચો અનુભવ થતો હોય છે . કેડી અને કાચા રસ્તાનું જંગલ ડરામણું હોય છે . ગમે ત્યારે , ગમે તે જાનવર હુમલો કરી દેશે , પૂરી સંભાવના બનેલી હોય છે . જે જંગલ વાર્તામાં રળિયામણું લાગે છે એ જંગલ હકીકતમાં બિહામણું હોય છે . જંગલબુકની વાર્તામાં જે બધું બન્યું છે એ હકીકતમાં પણ બનશે એવું માનીને જંગલમાં ફરવા નીકળશો તો જીવતાં પાછા નહીં આવો . જંગલમાં રહેનારાં જનાવરો ખરેખર ખૂંખાર હોય છે . એમને ખાવાનું મળે એની માટે એ ભટકતાં હોય છે . જંગલની સાચી વાર્તા કંઈક જુદી છે અને માણસ જંગલ વિશે જે વાર્તા બનાવી લે છે એ વાર્તા કંઈક જુદી છે . વાર્તાનું જંગલ જુદું હોય છે અને જંગલની વાર્તા જુદી હોય છે . મેં વિહારમાં જે જંગલ જોયું તે હાઇવે પરથી જોયું . પહેલેથી સૂચના મળી હતી કે જ્યાં સુધી જંગલનો રસ્તો ચાલુ છે વચ્ચે ક્યાંય અટકવાનું નથી , હાઇવે છોડીને નીચે ઉતરવાનું નથી .
જંગલી જનાવર આપણને હેરાન કરી દેશે એની ભીતિ આપણને રહેતી હોય છે . આપણે જનાવરને હેરાન કરી દેશું એની ભીતિ જનાવરને પણ હોય છે . જનાવર હેરાન થતાં પણ આવ્યા છે . માણસો જનાવરોના આડેધડ શિકાર કરતા હોય છે . જંગલની વચ્ચેથી નીકળનારા મોટા મોટા હાઇવે અને રેલવે ટ્રેક સો દોઢસો વર્ષ પહેલાં તો હતા જ નહીં . એ વખતે જંગલ એકલાં જંગલ હતાં . જંગલની વચ્ચે ટ્રેઈન , ટ્રક કે મોટરના ઘોંઘાટ સંભળાતાં નહીં , એમના ધુમાડા ફેલાતા નહીં . જંગલમાં માણસની ગાડી જ આવતી નહીં તેથી માણસે ફેંકેલા કચરા જંગલમાં જમા થતા નહી . જંગલની વચ્ચેથી હાઇવે બન્યા અને રેલવે ટ્રેક બન્યા એને લીધે જનાવરોને ઘણી તકલીફ પડી છે . એમની શાંતિને ખલેલ પહોંચી છે . એમની ચોખ્ખી હવા ઝૂંટવાઈ ગઈ છે . એ પોતાની મસ્તીમાં હાઇવે પરથી કે રેલ્વે ટ્રેક પરથી નીકળે એ વખતે કદીક એમને ગાડી ટકરાઈ છે , એને લીધે એમની જિંદગીઓ છીનવાઈ ગઈ છે , જો જીવતાં બચ્યા તો એમની સ્વતંત્રતા જતી રહી છે . હાઇવે અને રેલવેને લીધે આપણને સુવિધા મળી છે એનો હરખ આપણને થાય છે . પરંતુ હાઈવે અને રેલવેને લીધે જંગલના જાનવરોને જે તકલીફો પડી છે એની આપણને કલ્પના પણ નથી .
જંગલબુકની પ્રેરણા બહુ સ્પષ્ટ છે : જનાવર માણસને હેરાન ન કરે એ માટે પણ માણસે જંગલથી દૂર રહેવું જોઈએ . માણસને કારણે જનાવર હેરાન ન થાય એ માટે પણ માણસે જંગલથી દૂર રહેવું જોઈએ . માણસે વિમાન અને હેલિકોપ્ટર ઉડાડીને પંખીઓને હેરાન કરી દીધા છે . માણસે જહાજ અને નાવડા બનાવીને જળચર જીવોને હેરાન કરી દીધા છે . માણસે ગાડીઓ અને ટ્રેન બનાવીને જંગલી જનાવરોને હેરાન કરી દીધા છે . માણસને જેમાં મનોરંજન લાગે છે એમાં જનાવરોને સજા ભોગવવી પડતી હોય છે . માનવ સમાજમાંથી જંગલને એક જ મોગલી મળ્યો છે , બીજો મોગલી હજી સુધી જન્મ્યો નથી .
પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા અહિંસક પશુઓની જીવદયા થતી રહી છે . હવે આ રીતે એનિમલ અંડરપાસ જેવા આધુનિક કન્સેપ્ટ દ્વારા જંગલમાં રહેનારા પશુઓ નિરાબાધ જીવન જીવે એવી વ્યવસ્થાઓ અનેકાનેક દેશોમાં સુનિયોજિત થઈ રહી છે . જંગલમાં રહેનારા પશુઓના શિકાર ન થાય એવા કાયદાઓ બની ચૂક્યા છે . આ વ્યવસ્થાઓ અને કાયદાઓ શાસ્ત્રશુદ્ધ અનુમોદનાનો વિષય છે કે નહીં એ જુદો પ્રશ્ન છે . હજારો પશુઓ વગર વાંકે મરી રહ્યા હતા એ હવે નથી મરી રહ્યા એ જોવા મળે છે , આમાં સીધું ઇન્વોલ્મેન્ટ સરકારનું છે એ પણ દેખાય છે . શહેરોમાં ચાલી રહેલા કતલખાનાઓ આપણે બંધ કરાવી શક્યા નથી . જંગલમાં રહેનારા જનાવરોની કતલ માણસોના દ્વારા થતી હતી એની પર અંકુશ આવ્યો છે એટલું અવશ્ય સમજાય છે .
સંસાર રાગનાં અને દ્વેષનાં કારણ આપશે : સાધકે રાગથી અને દ્વેષથી બચીને રહેવાનું છે .
કોઈ તમને માન આપશે . કોઈ તમને હેરાન કરશે . કોઈ તમારું સ્વાગત કરશે . કોઈ તમારો વિરોધ કરશે . કોઈ તમારી આરતી ઉતારશે . કોઈ તમારી પર પથ્થર ફેંકશે . કોઈ તમને સાચવશે . કોઈ તમને તરછોડશે . કોઈ તમારું સમર્થન કરશે . કોઈ તમારું ખંડન કરશે . તમારી સાથે બંને રીતનો વ્યવહાર થવાનો . જેની માટે તમે સારા છો એ તમારી સાથે સારો વ્યવહાર કરશે . જેની માટે તમે ખરાબ છો એ તમારી માટે ખરાબ વ્યવહાર કરશે . તમે સારા હશો નહીં , તો પણ તમને સારા માનવાવાળા લોકો હશે જ . તમે ખરાબ હશો નહીં , તો પણ તમને ખરાબ માનવાવાળા લોકો હશે જ . દુનિયાદારી એમ કહે છે કે જે તમને સાચવે છે , એમને તમે સાચવી લો . જે તમને સાચવતા નથી , એમની પર તમે ધ્યાન ના આપો . દુનિયાદારી એમ પણ કહે છે કે જે તમને સાચવે છે એમને ખુશ રાખો , જે તમને નથી સાચવતા એમને લાત મારી દો . દુનિયાદારીની વાત છે .
સાધના અલગ વાત કરે છે . તમારું પુણ્ય ઉદયમાં આવે ત્યારે તમારી સાથે સારું થવા લાગે છે . તમારું પાપ ઉદયમાં આવે ત્યારે તમારી સાથે ખરાબ થવા લાગે છે . તમારું સારું થયું એમાં પુણ્યની ભૂમિકા મોટી છે . તમારું ખરાબ થયું એમાં પાપની ભૂમિકા મોટી છે . તમારું સારું થયું એમાં જે જે વ્યક્તિનો હાથ છે એ વ્યક્તિ માટે રાગ થાય એનાથી બચવાનું છે . ઉપકારીના ઉપકારને ભૂલી ન શકાય પરંતુ કોઈ પણ વ્યક્તિ માટેનો રાગ આત્માને અનુકૂળ હોતો નથી . રાગ વધે એટલે સંસાર વધે . રાગ ઘટે કે તૂટે એ પછી જ સંસાર ઘટે કે તૂટે . જે તમને સાચવે છે એ તમને સારા લાગે છે . એનો અર્થ એ છે કે જે તમારું સુખ સાચવે એની માટે તમને રાગ થાય છે . જે તમને સાચવતા નથી અને જે તમને તકલીફ આપે છે એમની માટે તમને નારાજગી થાય છે . એનો અર્થ એ છે કે જે તમારાં દુઃખનું કારણ છે એની માટે તમને દ્વેષ થાય છે . તમારાં મનમાં રાગ આવ્યો એટલે આત્માને નુકસાન થયું . તમારાં મનમાં દ્વેષ આવ્યો એટલે આત્માને નુકસાન થયું .
સાધનામાં તમારે બન્નેથી બચવાનું છે . સેવા કરનારા સેવા કરશે , રાગ નથી કરવાનો . હેરાન કરનારા હેરાન કરશે , દ્વેષ નથી કરવાનો . સેવા કરનાર માટે ઔચિત્યની ભૂમિકાએ જે કરવાનું હોય તે કરવાનું જ . હેરાન કરનાર ધર્મની ગૌરવહાનિ કરતો હોય એવું લાગે ત્યારે એની સામે કડક પણ થવાય . સાવધાની એટલી જ રાખવાની છે કે મનમાં રાગ બનવો ના જોઈએ , મનમાં દ્વેષ બનવો ના જોઈએ .
જનમોજનમથી આપણને રાગ કરવાની આદત પડી ગઈ છે આથી આપણાં મનમાં જે જે રાગ ચાલે છે એ વ્યાજબી છે એવી દલીલ આપણે કરવાના જ છીએ . આવું જ દ્વેષમાં પણ થાય છે . જનમોજનમથી આપણને દ્વેષ કરવાની આદત પડી ગઈ છે આથી આપણાં મનમાં જે જે દ્વેષ ચાલે છે એનો બચાવ કે ખુલાસો આપણે કરવાના જ છીએ . આપણે કહી દઈએ કે મારાં મનમાં ખોટા રાગ નથી એટલા માત્રથી આપણે વીતરાગી બની જવાના નથી . આપણે રાગી જ રહેવાના છીએ . આપણે જવાબ આપી દઈએ કે મારાં મનમાં ખોટા દ્વેષ નથી , એનાથી એ સિદ્ધ થવાનું જ નથી કે આપણે દ્વેષમુક્ત થઈ ગયા . આપણે જાણીએ જ છીએ કે આપણે રાગમાં ડૂબેલા છીએ . આપણને યાદ જ છે કે આપણે દ્વેષની આગમાં ફસાયેલા છીએ .
રાગ બને કે વધે એવા નિમિત્ત મળે એ વખતે સાવધાની રાખવાની છે કે આ રાગ થયો તે થવો ના જોઈએ. દ્વેષ બને કે વધે એવા નિમિત્ત મળે એ વખતે પણ સાવધાની રાખવાની છે કે આ દ્વેષ થયો તે થવો ના જોઈએ . તમે ક્યાં ક્યાં રાગ કરો છો એ જોવાનું તમે શીખી લો. તમે ક્યાં ક્યાં દ્વેષ કરો છો એ જોવાનું તમે શીખી લો. રાગ કર્યો એનો પસ્તાવો બનાવો . પસ્તાવો રાગની શક્તિને કમજોર પાડે છે . દ્વેષ કર્યો એનો પસ્તાવો બનાવો . પસ્તાવો દ્વેષની શક્તિને કમજોર પાડે છે .
ભગવાન્ મહાવીરે , ભક્તિ કરનારા ઇન્દ્ર ઉપર રાગ ના કર્યો અને ડંખ મારનારા ચંડકૌશિક પર દ્વેષ ના કર્યો. સંસાર રાગનું કારણ આપશે . સાધકે રાગથી બચીને રહેવાનું છે . સંસાર દ્વેષનું કારણ આપશે . સાધકે દ્વેષથી બચીને રહેવાનું છે .
ઉપવાસ પૂરા થાય ત્યારે ઉપવાસથી છૂટકારો થયો એવું નહીં વિચારવાનું : ઉપવાસ શરૂ થાય ત્યારે આહારથી છૂટકારો થયો એવું વિચારવાનું
ખાવાના વિચારો મનમાં બહુ ન ચાલવા જોઈએ . આપણે જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે જે ભાવ્યું એ કેટલું સ્વાદિષ્ટ છે એમ વિચારીને રાજી થઈએ છીએ . જે ભાવ્યું નહીં તે કેટલું બેસ્વાદ છે એમ વિચારીને દુઃખી થઈએ છીએ . દરેક માણસના બે લિસ્ટ ક્લિયર હોય છે એક , શું ભાવે છે એનું લિસ્ટ . બે , શું નથી ભાવતું એનું લિસ્ટ . શું ખાવું છે એનું સિલેક્શન મનમાં થતું હોય છે , શું નથી ખાવું એનું સિલેક્શન પણ થઈ ચૂક્યું હોય છે . હવે વાત શરૂ થાય છે .
આપણે ઉપવાસ કર્યો અથવા આપણે લાંબા ઉપવાસ કર્યા . પરિસ્થિતિ એ છે કે આવતીકાલે પારણું છે અને રાતનો સમય છે . ગઈકાલની રાતે એ વિચાર હતો કે આવતીકાલે ઉપવાસ છે . વિચાર ઉપવાસનો હતો એટલે ખાવાના વિચાર બનવાની જગ્યા હતી નહીં . આજની રાતે આવતીકાલ માટે એક વિચાર બહુ સ્પષ્ટ છે કે આવતી કાલે ઉપવાસ નથી . ઉપવાસ નથી એનો અર્થ કે આવતીકાલે આહાર લેવાનો છે . આવતીકાલે મારે ઉપવાસ નથી , આ વિચારની પાછળ પાછળ – આવતીકાલે મારે શું ખાવું છે , કેટલું ખાવું છે , કેવી રીતે ખાવું છે એના વિચારો આવી જ જતા હોય છે .
આવતીકાલે સવારે હું જીવતો હોઈશ કે નહીં એની કોઈ ખાતરી નથી . આવતીકાલે સવારે હું ઊઠું જ નહીં એવું પણ બની શકે છે . લાંબા ઉપવાસ કર્યા પછી હું સૂતો હોઉં , મારાં મનમાં આવતીકાલે શું ખાવું છે એના વિચારો ચાલુ હોય અને મારું આયુષ્ય પૂરું થઈ જાય તો મને કંઈ ગતિમાં જન્મ મળે ? લાંબા ઉપવાસ કર્યા એ મુજબની ગતિ મળે કે ખાવાના વિચાર કરતા કરતા મર્યા એ મુજબની ગતિ મળે ? જવાબ જાતે શોધી લેજો .
ઉપવાસ કરવાનું સહેલું નથી , અઘરું છે . અઘરા અઘરા ઉપવાસ કર્યા પછી છેલ્લે છેલ્લે ખાવાના વિચારો આવી જાય એવું શું કામ થવા દઈએ ? પારણાના દિવસે શું ખાવું છે , શું લેવું છે , શું વાપરવું છે એના વિચાર , ઉપવાસના દિવસે બિલકુલ આવવા ના જોઈએ . આવતીકાલે મારે પારણું છે એ નક્કી જ ના હોય એવી પરિસ્થિતિમાં આવતીકાલે મારે શું ખાવું છે એનો વિચાર બની શકતો નથી . ઉપવાસના દિવસોમાં આહાર સંબંધી વિચાર મનમાં આવે નહીં એની માટે એક પ્રયોગ કરવામાં આવે છે : અભિગ્રહ ધારણનો પ્રયોગ .
ચોક્કસ પરિસ્થિતિ હશે તો જ પારણું થશે , અન્યથા પારણું નહીં થાય . આવો સંકલ્પ કરનારો જાણે છે કે હું આવતીકાલે પારણું કરીશ જ , એ પાક્કું નથી . પારણું કરવાનું જ પાક્કું નથી તો પછી પારણામાં શું લેવાનું છે એ પાક્કું કેવી રીતે થાય ? પારણામાં શું લેવાનું ગમશે અને શું લેવાનું નહીં ગમે એના વિચારો ઉપવાસના સમયે ચાલે ત્યારે સમજવાનું કે તપ હારી ગયો . પારણાની મમતાથી મુક્ત રહેવા માટે ભગવાને ઘોર અભિગ્રહ લીધો હતો . ચંદનબાળાના હાથે અભિગ્રહ પૂર્ણ થયો અને ભગવાને પારણું કર્યું , આપણે જાણીએ છીએ . આપણી તુચ્છ માનસિકતા અનુસાર વિચારીએ કે અભિગ્રહમાંથી તારણ શું નીકળ્યું .
પારણું કોણ કરાવવાનું છે એ નક્કી નહોતું .
પારણું કોનાં ઘરે થવાનું છે એ નક્કી ન હતું .
પારણામાં ફક્ત એક જ દ્રવ્ય લેવાનું છે એ નક્કી હતું પણ એ દ્રવ્ય મળશે કે નહીં એ નક્કી નહોતું .
પારણું સરળતાથી થશે એવી સંભાવના નહોતી .
પારણું નક્કી કરેલા સમયે થશે એવી ધારણા નહોતી .
પારણું કરાવનાર જે આપશે એ સ્વબુદ્ધિથી આપશે . પારણું કરનાર કહેશે જ નહી કે મારે આ જોઈએ છે .
પારણામાં જે નથી લેવું એવી આહારવસ્તુઓનું લિસ્ટ લાંબું હશે અને એ લિસ્ટ સાથે કોઈ બાંધછોડ નહીં થાય .
પારણાનો સમય થયો એટલે તરત પારણું કરી દીધું એવી પરિસ્થિતિ નહીં બને .
જે દિવસે પારણું કર્યું એ દિવસે પણ એકવાર એવો વિચાર મનમાં બન્યો જ છે કે મારે પારણું કરવું નથી .
આજે પારણું છે એવી સંભાવના દેખાયા પછી પણ એવી ભૂમિકા થોડા સમય માટે આવી કે આજે પારણું કરવાનું સંભવિત નથી .
પારણું પલાંઠી વાળીને નથી કર્યું .
પારણું થાળી વાટકા બિછાવીને નથી કર્યું .
પારણું કરવા માટે વાજતેગાજતે પ્રસ્થાન નથી કર્યું .
પારણામાં પધારવા માટે મહેમાનોને નોતરા મોકલાયા નથી .
પારણું થાય તે પૂર્વે પારણાનાં ઉપલક્ષ્યમાં કોઈ ડેકોરેશન કરવામાં આવ્યું નથી .
પારણું થયું એમાં પરિવારજનો ઉપસ્થિત નથી .
પાંચ મહિના અને પચીસ દિવસના ઉપવાસ પછી જે પારણું આવે એ પારણું , મકાનની અંદર નથી થતું પરંતુ મકાનના ઉંબરાની બહાર થાય છે .
જે પારણું ચંદનબાળાએ કરાવ્યું એ પારણાની સાથે આટલી બધી વાતો જોડાયેલી છે એ આપણે યાદ રાખવાનું છે . અને સૌથી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે ઉપવાસ કરનાર એક ઉપવાસ કરે કે અનેક ઉપવાસ કરે , ઉપવાસના તપસ્વીએ પારણા સંબંધી કોઈ જ વિચાર મનમાં આવવા દેવાનો નથી . તમે પૂછશો કે આજે ઉપવાસ છે અને આવતીકાલે પારણું છે તો આવતીકાલે ઉપવાસ નથી એનો વિચાર તો બનવાનો જ છે . આમાં વાંધાજનક શું છે ?
આનો જવાબ એ છે કે આપણે ખાવાના વિચારો મનમાં આવે જ નહીં એની માટે ઉપવાસ કરીએ છીએ . મન ખાવાના વિચારોમાં ખોવાયેલું રહે છે ત્યારે આત્મા ભૂલાઈ જતો હોય છે . ઉપવાસ કરીને પણ છેલ્લે આત્માનું વિસ્મરણ થઈ જાય એ કેવું કહેવાય ? આવતીકાલે મારે ઉપવાસ નથી એ વિચારને ફાઇનલ માની લેવાની જરૂર નથી . સવારે ઉઠ્યા પછી તબિયત સારી લાગશે તો એક ઉપવાસ હજી વધુ કરી લેશું . હિંમત રાખવાની . જાહેર થઈ ગયેલા કાર્યક્રમો કરતા વધારે અગત્યનું છે કે એક ઉપવાસ વધુ થઈ જાય . કાર્યક્રમને કારણે ઉપવાસ ગૌણ થાય એવું ન કરાય . ઉપવાસને કારણે કાર્યક્રમ ગૌણ થાય એવું ક્યારેક કરી શકાય .
ઉપવાસના પારણામાં આ મુજબ નિયમ લઈ શકાય છે.
૧. પારણાના દિવસે મારી સૌથી વધુ ભાવતી વસ્તુ હું નહીં લઈશ .
૨. પારણાના દિવસે પાંચથી વધારે દ્રવ્ય હું નહીં લઈશ .
૩.પારણાના દિવસે ચોક્કસ વિગઈનો ત્યાગ રહેશે.
૪. ઉપવાસ ચોવીસ કલાક લાંબા ચાલતા હતા . પારણું ચોવીશ મિનિટમાં પૂરું કરી નાંખીશ . પચીસમી મિનિટે ઉભો થઈ જઈશ .
૫. પારણું ચાલતું હશે ત્યારે આગામી સમયમાં કયો તપ કરવો છે એનો સંકલ્પ કરી દઈશ , ચોક્કસ .
ઉપવાસ પૂરા થાય ત્યારે ઉપવાસથી છૂટકારો થયો એવું નહીં વિચારવાનું . ઉપવાસ શરૂ થાય ત્યારે આહારથી છૂટકારો થયો એવું વિચારવાનું . ઉપવાસ કરીએ એમાં રાજી થવાનું . પારણું કરીએ એમાં રાજી નહીં થવાનું . પારણામાં શું ખાવું છે એના વિચારોથી મનને મુક્ત રાખવાનું . અભિગ્રહ ધારણ કરવાથી પારણાની શોભા વધે છે . ત્યાગની ભાવના ઊંચી રાખવાથી પારણાની શોભા વધે છે .
કાનમાં ખીલા ઠોકાયા એની પીડા મોટી હતી : કાનમાંથી ખીલા ખેંચાયા એની પીડા વધારે મોટી હતી : આનો બોધપાઠ શું ?
આપણને કોઈ ખરાબ શબ્દો કહી દે છે ત્યારે વસમું લાગે છે . આપણે સારું જીવન જીવતાં હોઈએ છતાં આપણું જીવન ખરાબ છે એવું કોઈ કહી દે એ કેવી રીતે સહન થાય ? આપણે વિજેતા હોઈએ અને કોઈ આપણને પરાજિત ઘોષિત કરી દે એ કેવી રીતે ચલાવી લેવાય ? આપણે ભણેલાગણેલા હોઈએ અને કોઈ આપણને અભણ જાહેર કરી દે , એ કેવું લાગે ? આપણે સાચું જ બોલ્યા હોઈએ છતાં આપણી પર આક્ષેપ આવે કે આપણે ખોટું બોલી રહ્યા છીએ , આપણે કેવી રીતે ચલાવી શકીએ ? કોઈ પણ વ્યક્તિ , કોઈ પણ રીતે એવું કંઈક બોલે , જેનાથી આપણને દુઃખ થાય એ આપણે સહન કરી શકતા નથી .
આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીએ છીએ . દુનિયાદારી વ્યવહાર આવું જ કરવાની સલાહ આપે છે . પરંતુ સાધનાનો વ્યવહાર જુદો છે . સાધના સહન કરવાનું કહે છે . સાધના , સાંભળી લેતાં શીખો એવી પ્રેરણા આપે છે . સાધના સમજાવે છે કે મન પર કોઈ વાત લેવાની જ નહીં . સાધના એમ કહે છે કે બોલનારનું મોઢું ખરાબ હોય એટલે આપણે આપણું મોઢું ખરાબ ન કરાય . ભર્તૃહરિએ બહુ સરસ વાત કરી હતી : જે લોકોના સ્ટૉકમાં અપશબ્દ છે એ લોકો અપશબ્દ ભલે બોલે . મારા સ્ટૉકમાં અપશબ્દ નથી એટલે હું તો અપશબ્દ બોલવાનો જ નથી . ददतु ददतु गालिं , गालिवंतो भवंतो , वयमपि तदभावाद् गालिदानेSसमर्था: । સાધક ગાળના જવાબમાં ગાળ નહીં બોલે . સાધક નિંદાના જવાબમાં નિંદા નહીં કરે . સાધક ક્રોધના જવાબમાં ક્રોધ નહીં બનાવે . સાધક રાજનીતિની સામે રાજનીતિ નહીં રમે . સાધક સહન કરી લેશે . સાધક નૅગેટિવિટીના જવાબમાં નૅગેટિવિટી ક્રિએટ નહીં કરે . સાધક પોતાની કોઈ પણ પ્રતિક્રિયા જાહેર કરશે નહીં .
જે ખરાબ બોલે છે , જે ખરાબ રીતે બોલે છે એને સાધક જવાબ આપતો નથી , એ પાછો જતો રહે છે . એના ગયા પછી બીજી એક કાળજી લેવાની છે . નિયમ યાદ રાખજો : ખરાબ શબ્દો સાંભળવાનું ઘણું અઘરું છે પણ સાંભળેલા ખરાબ શબ્દોને ભૂલી જવાનું ઘણું ઘણું ઘણું અઘરું છે . ભગવાન્ મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા એની પીડા મોટી હતી . ભગવાન્ મહાવીરના કાનમાંથી ખીલા ખેંચાયા એની પીડા વધારે મોટી હતી . આપણા કાન પર ટકરાયેલા ખરાબ શબ્દો આપણાં મનમાં એક અનુચિત વિચાર ઊભો કરે છે , આપણાં મનમાં ઊભો થયેલો એક વિચાર બીજા દસ વિચારોને ઊભા કરે છે . શબ્દ કાને પડે એમાં થોડી જ ક્ષણો લાગે છે . શબ્દ મનમાં ઘુમતો રહે એમાં કલાકો પણ લાગે છે , દિવસો પણ લાગે છે અને મહિનાઓ પણ લાગે છે . અંદર ટકી ગયેલો અનુચિત વિચાર લાંબા ગાળે ઘણું મોટું નુકસાન કરે છે.
કાને પડેલો ખરાબ શબ્દ બે કાળજીની અપેક્ષા રાખે છે : એક , આપણે ખરાબ શબ્દનો જવાબ આપીએ જ નહીં . બે , આપણે એ ખરાબ શબ્દને કારણે મનમાં ડામાડોળ થઈએ જ નહીં . ખરાબ શબ્દ સાંભળવાની ક્ષણે આપણે ચૂપ રહી જઈએ અને એક ક્ષણને આગથી બચાવી લઈએ છીએ . આપણે ચૂપ રહ્યા ન હોત તો મોટો ઝઘડો થાત અને આમને સામને પ્રહારો ચાલતા જ રહેત . આપણે સમજદારી જાળવી . જવાબ આપ્યો જ નહીં . કંઈ બોલ્યા જ નહીં . સમય સચવાઈ ગયો . પરંતુ મનનો સ્વભાવ વિચિત્ર છે . પ્રસન્નચંદ્ર રાજર્ષિ કશું બોલ્યા નહોતા પરંતુ એમનાં મનમાં તુફાન જાગી ગયું હતું . બોલ્યા નહીં પરંતુ વિચાર એવા કર્યા એ સાતમી નરકની સંભાવના બની ગઈ . અયોગ્ય વાત સાંભળી લીધા પછી મનમાં જે વિચારતાંડવ સર્જાય છે એને અંકુશમાં લેવાની જવાબદારી આપણી જ હોય છે .
કાનમાં ઠોકાયેલા ખીલા અંદર ટકી ગયા હતા એને કારણે , જ્યારે એ ખીલા બહાર નીકળ્યા ત્યારે વધારે પીડા થઈ હતી . કાન પર અથડાયેલા શબ્દો દિમાગમાં ઘર બનાવી લે એ પછી તે શબ્દોની પીડા વધારે શક્તિશાળી બની જતી હોય છે . સાંભળવા મળેલા શબ્દો સારા હોય તો એ દિમાગમાં લાંબા સમય સુધી ટકવા જોઈએ . સારા શબ્દોમાંથી જાગેલા સ્પંદનો સારા જ હોય છે . સારા સ્પંદનો જેટલા લાંબા ચાલે એટલા સારા . સાંભળવા મળેલા શબ્દો સારા ન હોય તો એ દિમાગમાં લાંબા સમય સુધી ટકવા ના જોઈએ . સારા ન હોય એવા શબ્દોમાંથી જાગેલા સ્પંદનો સારા હોતા નથી . સારા ન હોય એવાં સ્પંદનો દિમાગમાં લાંબા ન ચાલે એ જ સારું .
કાનને અથડાયેલા શબ્દો , સારા છે કે ખરાબ છે એ તપાસી લો . શબ્દો સારા છે એવું નક્કી થાય તે પછી એ શબ્દોમાંથી આવનારા સ્પંદનોને મનમાં વિસ્તરવા દો . સારા શબ્દોનું સન્માન આવી રીતે જ થાય . શબ્દો ખરાબ છે એવું નક્કી થાય તે પછી સંકલ્પ કરો કે આ શબ્દોમાંથી આવનારા સ્પંદનોને મનમાં લાંબો સમય ટકવા દેવા નથી . સારા કે ખરાબ શબ્દોને સાંભળવાનું સહેલું છે . સાંભળવામાં થોડો જ સમય લાગે છે . સારા કે ખરાબ શબ્દોને ભૂલવાનું સહજ નથી . ભૂલવામાં ઘણો સમય લાગે છે . વિચારનું જે સ્પંદન ભૂંસાતું નથી એ સારું હોય તો એના દ્વારા મળનારા સુખ , સાંત્વના અને સમાધાન લાંબા ચાલે છે . વિચારનું જે સ્પંદન ભૂંસાતું નથી એ સારું ન હોય તો એના દ્વારા મળનારા દુઃખ , દ્વંદ્વ અને દુવિધા લાંબાં ચાલે છે .
ત્રણ ઘટના યાદ રાખો : કાનમાં ખીલા ઠોકાયા , કાનમાંથી ખીલા ખેંચાયા અને ઔષધિ દ્વારા કાનના જખમ રૂઝાયા . ખીલા ઠોકાયા એનો બોધપાઠ એ છે કે આપણને કોઈ ખરાબ શબ્દો કહે એનો ઉગ્ર પ્રતિભાવ નહીં આપવાનો . ખીલા ખેંચાયા એનો બોધપાઠ એ છે કે મનમાં જે દુષ્ટ વિચાર લાંબો સમય ટકી ગયો હશે એ ઘણી ઊંડી પીડા આપશે . ઔષધિ દ્વારા જખમ રૂઝાયા એનો અર્થ એ છે કે જે પવિત્ર વિચાર લાંબો સમય ટકી ગયો હશે એ ઘણી ઊંચી ઉર્જા આપશે .
સાધનાની શીખામણ આ છે : કાનના દરવાજેથી અંદર શું આવ્યું એની પર નજર રાખો . તરત પ્રતિભાવ ન આપો . ચૂપચાપ થોડો સમય વિતાવો . જે અંદર આવ્યું એને કારણે ભીતરમાં કેવા ભાવો જાગ્યા એ તપાસો . જાગેલા ભાવો સારા ન હોય તો એ ભાવો લાંબા ટકવા નહીં જોઈએ . જાગેલા ભાવો સારા હોય તો એ ભાવો લાંબા ટકવા જોઈએ .
એકદમ સર્વ સાધારણ બની ગયેલું સત્ય . કોઈ સાંભળવાનું છે એટલા માટે જ આપણે બોલીએ છીએ . આપણે બોલીએ તેનો કોઈ શ્રોતા જ ન હોય એવી પરિસ્થિતિની આપણે કલ્પના કરી નથી . આપણે નાનપણથી બોલતા આવ્યા છીએ , આપણે બોલ્યા અને કોઈએ સાંભળ્યું એવું દૃશ્ય જોતાં આવ્યા છીએ . આપણે બોલીએ છીએ તેનાં મુખ્ય કારણ બે છે : આપણને બોલતા આવડે છે માટે આપણે બોલીએ છીએ . કોઈ સાંભળવાનું છે એની આપણને ખબર છે એટલા માટે આપણે બોલીએ છીએ .
આપણને બોલતા જ આવડતું ન હોય અને આપણને સાંભળવાવાળું કોઈ હોય જ નહીં , આ બંને પરિસ્થિતિ ભેગી થાય ત્યારે બોલવાની પ્રક્રિયા શૂન્ય બની જાય છે . બોલવાનું જ ન હોય અને સાંભળવાવાળા કોઈ હોય જ નહીં . ઈશારો કરવાનો જ ન હોય અને ઈશારાને સમજવા કોઈ હાજર જ ન હોય . લખવાનું જ ન હોય અને વાંચવા માટે કોઈ ઉપલબ્ધ ના હોય . આદાનપ્રદાન બોલવા દ્વારા નથી , આદાનપ્રદાન ઈશારો કરવા દ્વારા નથી , આદાનપ્રદાન લખવા વાંચવા દ્વારા નથી . આવી પરિસ્થિતિમાં આદાનપ્રદાન છે જ નહીં એ નક્કી થઈ જાય છે .
જે કામ કરવાનું ન હોય એ કામની તૈયારી કરવાની હોતી નથી . બોલવાનું નથી એનો અર્થ એ છે કે બોલવાની તૈયારી કરવાની નથી . તમે જ્યારે નિર્ણય લો છો કે અમુક કામ નથી કરવું ત્યારે જ એ નિર્ણય થઈ જાય છે કે આ કામ માટેની તૈયારી પણ નથી જ કરવાની . જે કામ કરવાનું નથી એ કામની તૈયારી કરતા રહીએ એને મૂર્ખતા કહેવાય . મૌનમાં આપણે બોલવાનું છોડી દઈએ છીએ . મૌનમાં આપણો નિર્ણય હોય છે કે બોલવું નથી . બોલવાનું જ ન હોય તો બોલવાની તૈયારી પણ ન જ હોય . આપણે કંઈક બોલીશું એમ સમજીને આપણે કંઈક વિચારીએ છીએ . આપણે વિચારીએ છીએ ત્યારે આપણાં દિમાગમાં કલ્પના હોય છે કે આપણે આ બધું બોલી શકશું . એકવાર પાકું થઈ ગયું કે બોલવાનું છે જ નહીં . એટલે પછી શું બોલવાનું છે એ મુદ્દો ખતમ થઈ જાય છે .
મૌનનો પહેલો અર્થ છે : બોલવું નહીં . મૌનનો બીજો સમાંતર અર્થ છે : બીજાને ઉદ્દેશીને વિચારવાનું નહીં . બીજાને ઉદ્દેશીને વિચારવાનું બંધ થાય તે પછી સ્વને ઉદ્દેશીને વિચારવાનું શરૂ થાય છે . બોલવા બોલવાના ચક્કરમાં આપણે કોને શું કહેવું છે એ વિચારીએ છીએ , કોને શું કેવી રીતે કહેવું છે એ વિચારીએ છીએ . કોને શું ગમશે એ વિચારીએ છીએ , કોને શું નહીં ગમે એ વિચારીએ છીએ . કોણ માનશે એ વિચારીએ છીએ , કોણ નહીં માનશે એ વિચારીએ છીએ . કોઈ સાંભળવાનું છે એ પાકું છે માટે કોને શું કહેવાનું છે એ વિચારતા રહીએ છીએ .
કોઈને સંભળાતું નથી , કોઈને સમજાતું નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . કોઈને ઈશારો સમજાતો નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . કોઈને કંઈ વાંચવાનું ફાવતું જ નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . તમે કહેશો તો કોને કહેશો ? તમે સમજાવશો તો કોને સમજાવશો ? તમે ઈશારો કરશો તો કોને કરશો ? તમે લખશો તો કોને ઉદ્દેશીને લખશો ? એ બધું કોઈને પહોંચવાનું જ નથી . આ કલ્પના સ્પષ્ટ કરી લો . ક્યાંય કોઈ સાંભળવાવાળું છે જ નહીં એટલે કાંઈ પણ બોલવાનો કોઈ અર્થ નથી .
હવે બીજી કલ્પના : બોલવાનું છે નહીં એટલે બોલવાના મુદ્દા બનાવવા માટે વિચારવાનું પણ નથી . બોલવાનું નથી એની ખબર છે એટલે એ દિશામાં વિચારવાનું જ બંધ છે . કોઈને મળવું જ નથી એટલે કોઈના વિચાર બંધ છે . કોઈને કંઈ કહેવું જ નથી એટલે શું કહેવું છે એના વિચારો બંધ છે . સારાંશ એ છે કે વ્યર્થનું વિચારવાની ભાગદોડ ઓછી થાય એ મૌનનો પ્રભાવ છે .
જે નિરર્થક વિચારો કરે છે એને સારા અને નક્કર વિચારો કરવાનું સૂઝતું નથી . લાંબા સમયનું મૌન રાખ્યું તેને લીધે નિરર્થક વિચારો અટકી ગયા . નિરર્થક વિચારો અટક્યા તે કારણે અંદરથી શક્તિશાળી વિચારો જાગવા લાગ્યા . ઘણાખરા નક્કર વિચારો મૌન રાખ્યા પછી જ પ્રગટે છે . અમુક વિચારો સુધી પહોંચવા માટે લાંબા સમય સુધી મૌનમાં ડૂબવું જ પડે છે . પ્રથમ ચરણ : બોલવાનું અટકે છે . બીજું ચરણ : નિરર્થક વિચારો અટકે છે . ત્રીજું ચરણ : ઉર્જાવંત વિચારો જાગવા લાગે છે . તમે માનતા હશો કે બોલવાનું બંધ કર્યું એ મૌન છે . હકીકત એ છે કે નબળા વિચારો ઓછા થઈ ગયા અને ઉજ્જ્વળ વિચારો વધી ગયા એ મૌન છે . તમે સળંગ સાત આઠ દિવસ સુધી મૌન રહીને જુઓ . બોલવાનું પણ નહીં . ઈશારા પણ નહીં . લખવાનું પણ નહીં . આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી તમારી અંદરથી અનેરાં આંદોલનો જાગશે . મૌન સાધ્ય છે . મૌન સાધન છે . આપણે બોલતાં જ રહીશું , બોલતાં જ રહીશું એને કારણે અંદરનાં આંદોલનો દબાયેલા રહેશે . આપણે બોલવાનું છોડી દઈશું તે પછી અંદરના આંદોલનનો જાગી ઉઠશે .
મનમાં જે વિચાર આવે એ બોલીને વ્યક્ત કરવો જ નથી એવો સંકલ્પ કરવાથી મૌનનો પ્રારંભ થાય છે
બોલવા મળે છે એટલે બોલો . બોલતાં આવડે છે એટલે બોલો . બોલવાનું એકદમ સ્વાભાવિક થઈ ગયું છે . નહીં બોલીએ તો ચાલશે એ વૃત્તિ રહી જ નથી . બોલવાની શું જરૂર છે એવો વિચાર પણ આવતો નથી . મનમાં જે આવ્યું એ મોઢેથી બહાર નીકળી જાય છે . વિચારીને બોલીએ એવું પણ બને છે . બોલવાનો સ્વભાવ એવો થઈ ગયો છે કે બોલવાની ધૂનમાં , વિચાર્યા વિના બોલી બેસીએ એવું પણ બને છે . શ્વાસ લઈએ છીએ એમાં વિચારવાની જરૂર નથી , શ્વાસ લેવાનો છે એટલે લેવાનો છે . આપણો શ્વાસ આપણા પૂરતો સીમિત છે . શ્વાસને કોઈ સાંભળે છે એવી ભૂમિકા નથી . આપણે જે બોલીએ છીએ એ શ્વાસની જેમ આપણા પૂરતું સીમિત નથી . આપણું બોલેલું બીજા સાંભળે છે . એને સાંભળવાની ઈચ્છા છે કે નહીં એ અલગ વાત છે પણ સાંભળે તો છે જ . જે સાંભળે છે એને આપણું બોલેલું કામ આવે છે કે નહીં એ પણ નક્કી હોતું નથી . પરંતુ એને એ સાંભળવું તો પડે જ છે . મારે બોલવાનું છે એટલે બોલવાનું જ છે , એવું ન કરાય .
મૌનનો નિયમ સૌથી અગત્યનો છે અને સૌથી અઘરો છે . ભગવાને આ નિયમને આત્મસાત્ કર્યો હતો . નથી બોલવું . કોઈ આવે છે , પૂછે છે , ભગવાન્ જવાબ નથી આપતા . કોઈ વાત કરવા ચાહે છે , ભગવાન્ વાત નથી કરતા . સાડા બાર વરસમાં ભગવાન્ કુલ મળીને દશ મિનિટ જેટલું માંડ બોલ્યા હશે . ઓછું બોલ્યા હશે , વધારે નહીં . આપણે લોકો એક દિવસમાં કેટલા કલાક બોલીએ છીએ , વિચારજો . રોજ આટલાબધા કલાક બોલવાની ખરેખર જરૂર છે કે નહીં , એ પણ વિચારજો .
અમુક લોકો માટે એમ કહેવાય છે કે આ ભડભડિયો માણસ છે , મનમાં જે હશે એ બધું બોલી નાંખશે . આવા લોકો વિશ્વાસપાત્ર હોતા નથી . મનની વાત મનમાં રાખવી એ શક્તિશાળી આદત છે . આ આદત મૌનનાં કારણે જ સાકાર થાય છે . આપણે જે વિચારીએ છીએ તે ફક્ત આપણને ખબર હોય છે . આપણો વિચાર આપણી અંગત વિરાસત છે . આપણે જે બોલીએ છીએ તે અંગત રહેતું નથી . તમે જેને જે કહો છો તે તેને આગળ પસાર કરવાનો જ છે . તમે બોલ્યા ત્યારે તમે પણ તમારો વિચાર આગળ પસાર કર્યો છે . તમારું કહેલું જે સાંભળશે તે એને આગળ પસાર કરશે જ . તમારું કહેલું સારું હોય અને એ આગળ પસાર થાય એમાં વાંધો નથી . તમારું કહેલું સારું ન હોય અને એ આગળ પસાર થયા કરે એ વાંધાજનક છે . બીનજરૂરી વાતો વાયરસ જેવી હોય છે , એ જ્યાં પહોંચે ત્યાં ખલેલ ઊભી કરે છે . જે આવી વાતો બોલ્યો એ વાયરસનો પ્રણેતા છે . તમે ગુસ્સાવાળું બોલશો , પરિણામે ગુસ્સાવાળી વાતો ફેલાશે . તમે જુઠ્ઠાવાળું બોલશો , પરિણામે જુઠ્ઠાવાળી વાતો ફેલાશે . તમે લોભવાળું બોલશો , પરિણામે લોભવાળી વાતો ફેલાશે . તમે ઉપહાસવાળું બોલશો , પરિણામે ઉપહાસવાળી વાતો ફેલાશે . તમે નક્કામું બોલશો , પરિણામે નક્કામી વાતો ફેલાશે . પણ તમે બોલશો જ નહીં , પરિણામે કોઈ વાતો ફેલાશે જ નહીં . વાયરસ તમારાં દિમાગમાં બને છે , વાયરસ તમારાં શ્રીમુખેથી સર્ક્યુલેટ થાય છે . મૌન રાખો અને વાતાવરણને વાયરસથી મુક્ત રાખો .
તમારાં મનમાં સારા વિચાર આવે છે , એ પણ બને . બોલવાથી સારા વિચારનો પ્રસાર થાય છે , એ પણ બને . સારા વિચારનો પ્રસાર વધારે થાય એ માટે એની વાતો વધારે કરીએ , એ પણ બને . તમે બોલવામાં વ્યસ્ત રહો , બોલતાં જ રહો , બોલતાં જ રહો એવું સાધનામાં હોય નહીં . સાધનામાં બોલવાનું બંધ થવું જોઈએ , બોલવાનું ભૂલાઈ જવું જોઈએ . ધ્યાનની અને અધ્યાત્મની વાતો કરનાર માણસ ચૂપ ઓછો રહે છે અને બોલે છે ઘણું , ત્યારે એમનું ધ્યાન અને એમનું અધ્યાત્મ કેટલું સફળ છે , એની સામે પ્રશ્ન થઈ આવે .
મારે બોલવું છે એનો અર્થ એ છે કે સામા માણસે મારી વાત સાંભળવી જોઈએ . સામા માણસે મારી વાત સાંભળવી જોઈએ એનો અર્થ એ છે કે એની વાત મારે સાંભળવી નથી . આ જબરું કહેવાય : તમારી વાત સામા માણસે સાંભળવાની છે , સામા માણસની વાત તમારે નહીં સાંભળવાની . સામો માણસ ચૂપચાપ સાંભળ્યા જ કરે છે અને તમે એને ચૂપ રાખીને ખુદબખુદ બોલ્યા જ કરો છો , આ પરિસ્થિતિમાં તમને એમ લાગવા માંડે છે કે તમે જ્ઞાની છો , વિદ્વાન્ છો , સમજદાર છો . તમારો આત્મવિશ્વાસ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તમારું બોલવાનું વધતું જાય છે . સાધક જીજ્ઞાસુ હોય , સાધક અભ્યાસુ હોય . જે બહુ બોલબોલ કરતો હોય એનામાં જિજ્ઞાસા શું હોય ? અને એ અભ્યાસ શું કરે ? કાંઈ જ નહીં . જેનામાં જિજ્ઞાસા હોય એ સાંભળે , એ બોલ બોલ ના કરે . જે અભ્યાસ કરતો હોય એ બીજાને સમજાવવાની કે બીજાની સાથે વાત કરવાની મહેનત નહીં કરે . એ ખુદ સમજવાની કોશિશ કરશે . સમજવા માટે એ ચૂપ રહેશે , સાંભળશે . એ બોલવાનું એકદમ ઓછું કરી દેશે . મૌનનો પ્રારંભ અહીંથી થાય છે .
મૌનનો મુખ્ય મુદ્દો એ છે કે દરેક વખતે બોલવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી . સારી વાત બીજા કોઈ બોલી લે અને આપણે મૌનની મસ્તી માણીએ એવું કેમ ના બને ? મારે બોલવું છે , મારે જ બોલવું છે , મારે બોલવું જ છે … આવી લાગણી મૌનમાં બાધક બને છે . મારે નથી બોલવું , મારે બોલવાની શું જરૂર છે , મારે બોલવાનું કામ જ નથી …… આવી લાગણી બનવી જોઈએ અને ટકવી જોઈએ . એક સરસ વાક્ય વાંચ્યું હતું કે તમે જ્યારે બોલો છો ત્યારે તમારાં જ્ઞાનનું પુનરાવર્તન કરો છો . પરંતુ , તમે જ્યારે સાંભળો છો ત્યારે નવાં જ્ઞાનનું ઉપાર્જન કરો છો . મૌન ઉપાર્જન કરાવે છે . મૌન અભ્યાસને અનુકૂળ માનસિકતા બનાવે છે . મૌન એકાગ્રતા માટે ઉપયોગી છે .
મનમાં જે વિચાર આવે છે એ તરત બોલી દેવો એવી આદત બનેલી છે આપણી . મનમાં જે વિચાર આવે એ બોલીને વ્યક્ત કરવો જ નથી એવો સંકલ્પ કરવાથી મૌનનો પ્રારંભ થાય છે . મનમાં ચેનલ ગોઠવાયેલી છે : વિચાર આવે છે અને પછી વાક્ય બનીને મોઢામાંથી બહાર ફેંકાય છે . પહેલા વિચાર પછી ઉચ્ચાર . આ ક્રમ બનેલો રહે છે . બોલવાનું બે રીતે થાય છે : એક , બોલવાનું છે માટે વિચારીએ . તે પછી જે વિચાર્યું એ મુજબનું બોલીએ . આ રીતમાં જે બોલવાનું છે એની તૈયારી મન કરે છે . બે , પોતાની મેળે વિચાર આવ્યો છે અને એ વાક્ય બનીને મોઢામાંથી પ્રગટ થયો છે . પહેલી રીત : શું બોલવાનું છે એ નક્કી કર્યું છે અને પછી બોલ્યા છીએ . બોલવા માટે પૂર્વતૈયારી કરી છે . બીજી રીત : પોતાની મેળે વિચાર આવ્યો છે , એ તરત બોલી નાંખ્યો . બોલવા માટે પૂર્વ તૈયારી કરી નથી .
મૌનમાં બંને રીતનો ત્યાગ થાય છે . પહેલી રીતનો ત્યાગ : બોલવાનું છે તો શું બોલવાનું છે એ વિચારીએ છીએ અને પછી , જે વિચાર્યું એ મુજબ બોલીએ છીએ . મૌનમાં આપણને પહેલેથી જ ખબર છે કે બોલવાનું નથી . જો બોલવાનું છે જ નહીં તો બોલવા માટે વિચારવાનું પણ નથી . બોલવું હોય તો બોલવાના મુદ્દા બનાવવા પડે , બોલવું જ નથી તો બોલવાના મુદ્દા તૈયાર કરવા જ ના પડે . આ ત્યાગમાં શું બોલવું છે એની તૈયારીનો ત્યાગ કરવામાં આવે છે .
બીજી રીતનો ત્યાગ : આપણાં મનમાં ગમે તે વિચાર આવે , પણ એ વિચાર મનમાં જ રહેશે , એ વિચાર અવાજ બનીને બહાર નીકળશે જ નહીં . આવો સંકલ્પ . આપણે અમુક રીતે વિચાર કરીએ અને પછી જે રીતે વિચાર કર્યો છે એ મુજબ બોલીએ આવી કોઈ જ પદ્ધતિ આ ત્યાગમાં નથી . હું શું વિચારીશ એની પૂર્વધારણા નથી , હું શું નહીં વિચારીશ એની પૂર્વધારણા પણ નથી . આ ત્યાગમાં વિચારપ્રક્રિયા પર કામ નથી થતું . આ ત્યાગમાં વિચારની અભિવ્યક્તિને રોકવાની પ્રક્રિયા થાય છે .
સારાંશ એ છે કે તમે જે વિચારશો એ તમે બોલવાના નથી એવો સંકલ્પ મૌનમાં થતો હોય છે . તમે બોલવાના નથી એ પાકું થયું એનાથી વિચારપ્રક્રિયા ઉપર એક ઊંડી અસર ઊભી થતી હોય છે . એની વાત આવતીકાલે કરીશું .
શ્રી મહાવીર સ્વામી ભગવાને લાંબા લાંબા કાઉસગ્ગ વર્ષો સુધી કર્યા . આપણે પણ આવશ્યક ક્રિયાઓને ગૌણ કર્યા વગર કાઉસગ્ગ ધર્મને સાધવાનો છે . કાઉસગ્ગ મનનો હોય . કાઉસગ્ગ વચનનો હોય . કાઉસગ્ગ કાયાનો હોય .
મન ઉપર હુકમ કરવાનો છે : બસ બહુ થયું , હવે થોડો સમય દોડધામ બંધ . આપણે સતત વિચારતા જ રહીએ છીએ . જે વિચારીએ છીએ તે વિચારવું જરૂરી છે કે નહીં એનો વિવેક રહેતો નથી . જે વિચારીએ છીએ એનાથી શું પરિણામ આવશે એની પરવા હોતી નથી . જે વિચારીએ છીએ એ ના વિચાર્યું હોય તો ચાલે કે કેમ એવું વિશ્લેષણ આપણે કરતા નથી . આપણે એમનેમ વિચારતા રહીએ છીએ . હું વિચારી રહ્યો છું એવું યાદ પણ હોતું નથી . વંટોળમાં પાંદડું તણાઈ જાય એ રીતે આપણે વિચારોમાં વહી જઈએ છીએ .
વિચારવાનો થાક પણ હોય છે , વિચારવાનો રોગ પણ હોય છે . મનોચિકિત્સાની આવશ્યકતા કરોડો લોકોનાં જીવનમાં ઊભી થયેલી છે કારણ કે લોકો જે વિચારે છે કે ખોટું પણ હોય છે , લોકો જે વિચારે છે તે પદ્ધતિ ભૂલભરેલી પણ હોય છે . સાઈકિયાટ્રિસ્ટ ડૉક્ટર વિચારવાની ભાગાદોડ ઉપર અંકુશ આવે એની દવા આપે છે . દવા લાંબી ચાલે છે . મહદંશે દર્દી રાહત અનુભવે છે . વિચારવાની ભાગાદોડ ઉપર અંકુશ આવે છે એનાં કારણે સારું લાગે છે .
કાઉસગ્ગમાં મનની ધારાને રોકવાની હોય છે : झाणेणं . મનને સૂચના આપવાની રહે છે કે તારે આ વિષય ઉપર વિચારવાનું છે અને તે સિવાયના વિષય ઉપર હમણાં નથી વિચારવાનું . મનને સમજાવવાનું છે કે આ સૂચનાનો અમલ થોડી મિનિટ્સ માટે કરવાનો છે , થોડા કલાક માટે કરવાનો છે . સૂચનાનો અમલ ઘણાલાંબા સમય સુધી કરવાનો હોય તો મન ગભરાશે , મન આનાકાની કરશે . થોડા સમયની વાત છે તો મન માની જશે . ધીમે ધીમે સમય વધારતા જઈએ , મન માનતું જશે . નાનો કાઉસગ્ગ , મન પર અંકુશ સાથે કરીએ એ સાધનાની શરૂઆત છે . લાંબો કાઉસગ્ગ , મન પર અંકુશ સાથે કરીએ એ સાધનામાં નિમજ્જન છે . કાઉસગ્ગમાં જે સૂત્ર યાદ કરવાનું છે એ સૂત્રના શબ્દો ઉપર પૂરેપૂરું ધ્યાન રહે , એ સૂત્રના અર્થનો વિચાર કરવામાં મન જોડાયેલું રહે . એ સિવાયનો કોઈ વિચાર બને નહીં એ જ કાઉસગ્ગ . આપણે શરીરનું હલનચલન રોકીએ છીએ એ તો કાઉસગ્ગ છે જ . મનનું હલનચલન અટકે તે પાક્કો કાઉસગ્ગ . મોહનીય કર્મનાં કારણે મન બને છે અને મનની ભાગાદોડી બને છે . મનને અટકાવીએ એનાથી મોહનીય કર્મને ફટકો લાગતો હોય છે .
આપણે બોલતાં બોલતાં ધર્મ કરીએ છીએ . સૂત્ર બોલીએ , સ્તવન બોલીએ , મંત્ર બોલીએ , વ્યાખ્યાન કે વાચના દ્વારા જિનવાણી બોલીએ . એ બોલવાનો ધર્મ થયો . ન બોલવાનો પણ એક ધર્મ હોય છે . કાઉસગ્ગમાં વચનની ધારાને રોકવાની છે : मोणेणं . પોતાની જાતને સૂચના આપવાની કે હું બોલીશ નહીં , વાતો કરીશ નહીં , હું વાતો સાંભળીશ નહીં , હું હોઠ કે જીભ હલાવીશ નહીં , મારે બોલવાની જરૂર જ નથી , હું બોલીશ નહીં તો કોઈ કામ અટકવાના નથી . મન જ્યાં જોડાયેલું છે ત્યાં જ જોડાયેલું રહે , વાણી શાંત રહે એ કાઉસગ્ગ . બોલવા દ્વારા થનારો ધર્મ ઉત્તમ છે પરંતુ બોલવું એ આત્માનો સ્વભાવ નથી આથી બોલવાનું છોડીએ અને ન બોલવાનો ધર્મ કરીએ એ પણ જરૂરી છે .
આપણે શરીરની ગતિવિધિ દ્વારા ધર્મક્રિયાઓ કરીએ છીએ . પૂજા હોય , વાંદણા હોય , ખમાસમણા હોય , વિહાર હોય , વેયાવચ્ચ હોય , પડિલેહણ હોય કે સત્તર સંડાસા હોય . આ બધી શરીરની ગતિવિધિઓ છે . શરીર દ્વારા થનારી ધર્મક્રિયા સર્વોત્તમ છે . પરંતુ શરીર આત્માનો સ્વભાવ નથી , શરીર આત્માનો રોગ છે . શરીરનું હલનચલન એ આત્માનો સ્વભાવ નથી . હલનચલનથી મુક્ત રહેવું એ જ આત્માનો સ્વભાવ છે . કાઉસગ્ગમાં કોઈપણ જાતનું હલનચલન કરીશ નહીં એવો સંકલ્પ રાખવાનો હોય છે : ठाणेणं . પથ્થરનો થાંભલો જે રીતે એકદમ સ્થિર હોય એ રીતે શરીરને સ્થિર બનાવી દેવાનું . આંખો પણ ભટકે નહીં , પાંપણ પણ હલે નહીં , હાથ – પગ – ડોક કે આંગળી હલવાનો તો સવાલ જ બનતો નથી .
શરીરની સ્થિરતાથી જ કર્મનિર્જરા બળવાન્ બને છે . શરીર હલે એટલે કર્મનિર્જરા કમજોર પડી જાય . આત્માએ ભૂતકાળમાં એટલાં બધાં કર્મો બાંધ્યાં છે કે એક-બે ભવમાં મોક્ષ મળવાની સંભાવના દેખાતી નથી . જૂનાં અને ચીકણાં કર્મો તોડવાનો મુખ્ય માર્ગ છે તપસ્યા . સ્થિર શરીરથી જે કાઉસગ્ગ થાય તે પણ જૂનાં અને ચીકણાં કર્મો તોડવામાં સહાયક બને છે . નાનો કાઉસગ્ગ પણ એવો કરવાનો કે શરીરની સ્થિરતા અખંડ રહે . પછી ધીમે ધીમે કાઉસગ્ગનો સમય વધારતા જવાનું . નાનો કાઉસગ્ગ જેવી સ્થિરતાથી થાય એવી જ સ્થિરતાથી લાંબો કાઉસગ્ગ પણ થાય એ સાધના છે .
જેણે મોક્ષમાં જવું છે એણે કર્મનિર્જરાને પ્રેમ કરવો જોઈએ . જે કર્મનિર્જરાનો પ્રેમી હોય તે લાંબા કાઉસગ્ગનો પ્રેમી હોય જ . તમને લાંબા કાઉસગ્ગમાં રસ નથી એનો અર્થ એ પણ થાય કે તમને કર્મનિર્જરાની બહુ ચિંતા નથી . જાગતા રહેજો , બાપુ .
પ્રભુનો ત્રીજો અભિગ્રહ છે : ગૃહસ્થનાં પાત્રમાં વાપરવું નહીં . પોતાની પાસે કોઈ પાત્ર હતું નહીં . ગૃહસ્થ પાસેથી પાત્ર લેવાનું બંધ કર્યું . વાપરવાનું શી રીતે ? પાણિપાત્ર અવસ્થા . જે વાપરવાનું મળે તે હાથમાં લઈને જ વાપરવાનું , પાત્રનો ઉપયોગ નહીં કરવાનો . આ અભિગ્રહને કારણે જે અગવડ પડે તે વિચારવું જોઈએ . ભોજન પાત્રમાં લેવાનું હોય તો સરખી રીતે બધી વસ્તુ જુદી જુદી રાખી શકાય . ભોજન , અંજલિમાં લેવાનું હોય તો વસ્તુઓ જુદી જુદી રાખી શકાતી નથી . ભોજન , પાત્રમાં લેવાનું હોય તો ગરમ વસ્તુ પણ લેવાય . ભોજન , અંજલિમાં લેવાનું હોય તો ગરમ વસ્તુ લેવામાં અનુકૂળતા ના આવે . ભોજન , થાળીમાં લેવાનું હોય તો હાથ મોકળો હોય . બે વસ્તુ , ત્રણ વસ્તુઓ આંગળીઓના સહારે મિક્સ કરી શકાય . જેમ કે રોટલીનો ટુકડો કરી એમાં શાક ભરી શકાય . ભોજન અંજલિમાં લેવાનું હોય તો બે વસ્તુને ભેગી કરવાની સંભાવના જ ન રહે . પાત્રમાં પીરસેલી વસ્તુ વાપરવાનું સહેલું છે . અંજલિમાં લીધેલી વસ્તુ વાપરવાનું સહેલું નથી . વાપરવા બેઠા હોઈએ ત્યારે પાણીનો ગ્લાસ જુદો હોય છે , દાળની વાટકી જુદી હોય છે , રોટલી માટેની થાળી જુદી હોય છે . ચમચી પણ હોય છે . પાત્ર નહીં એટલે ગ્લાસ નહીં , થાળી નહીં , ચમચી નહીં , વાટકી નહીં . આ સિસ્ટમમાં વાપરવાનું કેવી રીતે ?
વાપરવાનું અઘરું થઈ જાય એટલે વાપરવામાંથી સ્વાદ લેવાની વૃત્તિ કમજોર પડી જાય . સમજાય એવી વાત છે . તમે વાપરો છો એટલે કે ખાવાનું લો છો પરંતુ તમને વાપરવામાં એટલે કે ખાવામાં સ્વાદ લેવાનો છે એ યાદ હોતું નથી , આ છે સાધના . જે મળ્યું તે મોઢામાં નાંખી દીધું એ સાધના છે . જે આહાર લેવાનો છે એ કેવો દેખાય છે કે કેવી રીતે મૂકવામાં આવે છે એની ઝંઝટ ના કરવી એ છે સાધના . મારી સૌથી પ્રિય આઈટમ કંઈ છે , મને કંઈ આઈટમ બિલકુલ નથી ભાવતી , આવા ધારાધોરણ ન રાખીએ એ સાધના . મને કેવું પાત્ર ગમશે , મને કેવું પાત્ર નહીં ગમે , એવી પસંદ-નાપસંદથી મુક્ત હોય તે સાધના .
આહારની સાથે પાત્ર જોડાય એટલે પાત્રના રંગરૂપની કલ્પના જોડાય છે . પાત્ર સોનાનું હોય , ચાંદીનું હોય , પિત્તળનું હોય , લાકડાનું હોય એ પ્લાસ્ટિકનું હોય – માત્ર મોંઘુ છે કે સસ્તું છે એની વિચારણાઓ જોડાય છે . જેમ શરીર આત્માનો સ્વભાવ નથી , આહાર આત્માનો સ્વભાવ નથી એમ પાત્ર પણ આત્માનો સ્વભાવ નથી . પાત્રનો ઉપયોગ કરવાનો પણ પાત્રની બાબતમાં નિર્લેપ રહેવાનું . પાત્ર આવે એટલે પાત્રને સાચવવાની વ્યવસ્થા આવે . પાત્ર રાખવાનું ક્યાં ? પાત્ર રાખવાનું કેવી રીતે ? પાત્ર ઉંચકવાનું કોણે ? પાત્ર ઉંચકવાનું કેવી રીતે ? પાત્રની સારસંભાળના વિચારો ચાલતા જ રહે છે . પાત્રની બાબતે નિર્લેપ રહેવાનું . મારું પાત્ર છે એ મારી પાસે જ રહેવું જોઈએ , મારું પાત્ર બીજા કોઈને આપીશ નહીં , મારું પાત્ર તૂટવું ના જોઈએ , પાત્ર જૂનું થયું તો હવે નવું પાત્ર લાવો ….. પાત્ર માટેના વિચારો ભાગતા જ રહે છે . સાધના માટેનું પાત્ર , પવિત્ર સાધન છે . જે પવિત્ર છે એની માટેનો આદરભાવ હોવો જોઈએ . પરંતુ મમતાભાવ કે અધિકારભાવ કોઈપણ વસ્તુનો હોય , એ ભાવોથી નુકસાન થતું જ હોય છે . પાત્ર માટે , ઉપકરણ માટે મમતા ન હોય એ સાધના છે .
ભગવાને પાત્ર ન રાખવાનો નિયમ લીધો . પાત્ર ન વાપરવાનો નિયમ લીધો એ વખતે ભગવાને જે પાત્ર છોડ્યું એ પાત્ર ફક્ત સાધના માટે ઉપયોગી થવાનું હતું . જે સાધનામાં જ ઉપયોગી થવાનું હતું એનો પણ ભગવાન્ ત્યાગ કરે છે . સાધનાનો નિયમ જ આ છે : જેનો ત્યાગ કરી શકાય એનો ત્યાગ કરી જ દેવાનો . ત્યાગ કરવાની આદત કેળવીએ નહીં , એનું પરિણામ શું આવે ? ખબર છે ? જે ત્યાગ કરવાનું જાણતો નથી તે સંગ્રહખોર બની જાય છે .
સામાન ઓછો કરવાની આદત કેળવવી પડે છે . અન્યથા સામાન વધતો જ જાય છે , વધતો જ જાય છે . સામાનમાં કપડાં આવે , સામાનમાં વાસણ આવે , સામાનમાં ફર્નિચર આવે , સામાનમાં નોટ , પેન અને પુસ્તકો આવે . સામાનમાં ઘણું આવે . સાધકની જીવનશૈલી એવી હોય કે ઓછામાં ઓછાં સામાનથી કામ ચાલી જાય . જે સંસારી હોય એનો પથારો લાંબો હોય . જે સંસારી ના હોય એનો પથારો લાંબો હોય તે ચાલે નહીં . ભગવાને દીક્ષા પછીના પહેલાં ચોમાસામાં અલગથી નિયમ લીધો કે મારે પાત્રનો ઉપયોગ કરવાનો જ નથી . આ નિયમનું ચુસ્ત પાલન ભગવાને ૪૨ વર્ષ સુધી કર્યું .
જે લોકો ઘરમાં રહે છે , સંસારી છે એમણે વિચારવું જોઈએ : મારા ઘરમાં વધારાનાં કપડાં કેટલા છે ? વધારાનાં વાસણ કેટલાં છે ? વધારાનાં બુટ ચપ્પલ મોજાં કેટલાં છે ? વધારાનું ફર્નિચર શું છે ? સંસારી ભૂમિકાનો જીવ એવું જ વિચારતો હોય છે કે બધો સામાન જરૂરી છે , હજી નવો સામાન લેવાનો છે એ પણ જરૂરી છે . સામાન ઓછો ન કરીએ , સામાન વધારતા રહીએ – આ છે સાધનાથી વિપરીત અવસ્થા . સામાન ઓછો થતો જાય , સામાનનો સંગ્રહ વધે નહીં , આ છે સાધનાની અવસ્થા .
આપણાં ઘરમાં જે પણ સામાન આપણે ભેગો કરી રાખ્યો છે એ પરિગ્રહ છે . જેનો પરિગ્રહ ઘણો હોય એ સુખી ગણાય છે સંસારમાં . જેનો પરિગ્રહ મોટો હોય તે શ્રીમંત ગણાય છે સંસારમાં . સુખી દેખાવા માટે , શ્રીમંતમાં ગણતરી પામવા માટે આપણે સામાન વધારતાં રહીએ છીએ . આપણે નવોનવો સામાન વધારતાં જ જઈએ છીએ , મનને રાજી રાખવા માટે . જેમ જેમ સામાન વધતો જાય છે તેમ તેમ સાધના કમજોર પડતી જાય છે . જેમ જેમ સામાન ઘટતો જાય છે તેમ તેમ સાધના શક્તિશાળી બનતી જાય છે . જે દિવસે બધો જ સામાન છૂટી જાય છે એ દિવસે સાધના જીતી જાય છે , સંસાર હારી જાય છે .
જે સામાન તમારા કબજામાં છે , એનો તમે વિચાર કરવાના જ છો , એની તમે મમતા પાળવાના જ છો . પોતાના કપડાં દાગીના ફર્નિચર કોસ્મેટિક્સ વાસણો વગેરે સાધન સરંજામને જોઈ જોઈને તમે રાજી થતા રહો છો , અહંકાર બનાવો છો . આપણો સ્વભાવ આ રીતે જ ઘડાયો છે . કપડાં દાગીના ફર્નિચર કોસ્મેટિક્સ વાસણો વગેરે સાધન સરંજામ , એ આત્માનો સ્વભાવ નથી . યાદ રહેવું જોઈએ . કપડાં દાગીના ફર્નિચર કોસ્મેટિક્સ વાસણો વગેરે સાધન સરંજામના વિચારો જ્યારે ચાલુ હોય છે ત્યારે આત્માનું વિસ્મરણ થતું જ હોય છે , આ હકીકત છે .
ભગવાન્ પાસે પાત્ર નહોતું . આ કારણે જે માનસિક ભૂમિકા બની એ સમજાય છે . પાત્ર માટેના વિચારો મનમાં બનતા જ નથી . પાત્રની કાળજી લેવાની વૃત્તિ જાગતી જ નથી . પાત્રની યાચના કરવાની જ નથી , પાત્રનો સંગ્રહ કરવાનો જ નથી . પાત્ર નથી એટલે પાત્ર કેવું છે , કેવું નહીં એવા રાગ દ્વેષ નથી . પાત્ર નથી એટલે પાત્ર માટેની વિરાધના નથી , પાત્ર દ્વારા થનારી વિરાધના નથી . પાત્ર નથી એટલે પાત્રની ચોરીનો ડર નથી . પાત્ર નથી એટલે પાત્ર તૂટ્યું એનું દુઃખ નથી .
સાધકે ચોવીસેચોવીસ કલ્લાક આત્માના વિચારોમાં ડૂબેલા રહેવાનું હોય . સ્વજનોનો ત્યાગ કર્યો એટલે સ્વજનોની મમતા અને સ્વજનોના વિચારથી મુક્ત થયા . ઘરનો ત્યાગ કર્યો એટલે ઘરની મમતા અને ઘરના વિચારોથી મુક્ત થયા . પૈસાનો ત્યાગ કર્યો એટલે પૈસાની મમતા અને પૈસાના વિચારોથી મુક્ત થયા . દાગીનાનો ત્યાગ કર્યો એટલે દાગીનાની મમતા અને દાગીનાના વિચારોથી મુક્ત થયા . આ સિલસિલો આગળ ચાલ્યો . દીક્ષા પછી પાત્રનો ત્યાગ કર્યો એટલે પાત્રની મમતા અને પાત્રના વિચારોથી મુક્ત બન્યા .
શીખવાનું એ છે કે પાત્ર કે કપડાં કે ઉપકરણની મમતાથી બચવાની સભાનતા સાધકે સ્વયં રાખવાની છે . મમતા પોતાની મેળે થાય છે . મમતા સભાનતાપૂર્વક થતી નથી . મમતાનો ત્યાગ સભાનતાપૂર્વક થાય છે . મમતાનો ત્યાગ પોતાની મેળે થતો નથી . જ્ઞાન સંબંધી , દર્શન સંબંધી અને ચારિત્ર સંબંધી ઉપકરણ આપણે વાપરીએ એ અલગ વાત છે પરંતુ આ ઉપકરણો માટે સુખમૂલક મમતા બને , અધિકાર ભાવ બને , ચિંતાની લાગણી બને એનાથી સાધનાને નુકસાન થતું હોય છે . જે સંસારી છે તેણે ધાર્મિક ઉપકરણનો પ્રેમ બનાવવાનો છે . જે સાધક છે એણે ધાર્મિક ઉપકરણનો આદર ધારવાનો છે . સાધન સામગ્રીનો આસક્તિરૂપ પ્રેમ સાધકને શોભે નહીં .
વાપરવાની બાબતમાં એટલે કે આહાર ગ્રહણની બાબતમાં ભગવાને ત્રણ નિયમ પાળ્યા છે . આ ત્રણ નિયમમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ .
૧. વાપરવાની ક્રિયાને વધારે સમય આપવાનો નહીં .
પરબ પાસે પાણી પીવા માટે ઉભો રહેલો માણસ પાણી પીને તરત જ આગળ નીકળી જાય છે એ રીતે ભગવાન્ એકદમ ઓછા સમયમાં પારણું કરીને તુરંત ત્યાંથી નીકળી જતા . આપણે લોકો જમવા બેસીએ છીએ ત્યારે પૂરતો સમય લઈએ છીએ . પારણું ઉપવાસનું હોય કે માસક્ષમણનું હોય , આપણે પારણું કરવા બેઠા તે પછી ખાસ્સો બધો સમય પારણું કરવામાં વીતાવીએ છીએ . જેટલા સમય સુધી પારણું ચાલતું રહે છે એટલા સમય સુધી આહાર સંબંધી વિચારો મનમાં દોડતા જ રહે છે . પારણાનો સમય ઓછો હોય એટલે આહાર સંબંધી વિચારનો સમય પણ ઓછો થઈ જાય છે . ભગવાનને પારણું કરવામાં વધારે સમય લાગતો હોય છે એવું નથી બનતું .
આહાર ગ્રહણ પાંચ મિનિટનું એનો અર્થ એ છે કે વાપરવા સંબંધી વિચાર પાંચ મિનિટ પૂરતા સીમિત . પારણું એક કલાક સુધી ચાલે એનો અર્થ એ છે કે આહાર સંબંધી વિચાર એક કલાક સુધી ચાલ્યા . વાપરવાનો સમય ન હોય ત્યારે ધ્યાન આદિમાં મગ્નતા બનેલી હોય . ધ્યાનના સમયે આહાર સાથે જોડાણ હોતું જ નથી . પારણામાં આહારને સમય આપવામાં આવે છે . એ સમય ટૂંકો હોવો જોઈએ . આહાર શરીરનો સ્વભાવ છે . આહાર આત્માનો સ્વભાવ નથી . શરીર પણ આત્માનો સ્વભાવ છે જ નહીં . આહારને અપાતો સમય , આત્મા ઉપરનું ધ્યાન વિકેન્દ્રિત કરી શકે છે . આહારને અપાતો સમય , શરીરનાં પોષણ સાથે જોડાય છે . મન આહાર સાથે જોડાય , મન શરીર સાથે જોડાય એ ધ્યાનને અનુકૂળ નથી . આહાર સાથેનો સમય ઓછો હોય , શરીર પોષણ સાથેનો સમય ઓછો હોય , એ પરિસ્થિતિ ધ્યાનને અનુકૂળ છે . સાધક , સાધનાની વિવિધ પ્રવૃત્તિઓમાં ડૂબેલો રહે છે . આહાર લેવાના સમયમાં સાધક , સાધનાની કોઈ એક પ્રવૃત્તિને છોડે છે . જ્યાં સુધી આહાર ચાલુ રહેશે , સાધનાની કોઈ એક પ્રવૃત્તિ અટકેલી રહે છે . આહાર લેવાનો સમય વધારે હશે , સાધનાની કોઈ એક પ્રવૃત્તિ લાંબા સમય માટે અટકી રહેશે . આહાર લેવાનો સમય ઓછો હશે , સાધનાની કોઈ એક પ્રવૃત્તિને જે વિરામ મળશે તે અલ્પકાલીન જ હશે .
અઘરી ભાષામાં લખેલી આ વાતને સહેલી કરીને વાંચીએ . તમે પાંચ મિનિટમાં ખાવાનું પતાવીને ઊભા થઈ જાઓ અને પછી ચોવીશ કલાક ધ્યાનમાં ડૂબી જાઓ . તમારા ખાવાના વિચારો પાંચ મિનિટ પૂરતા જ સીમિત રહેશે . ધ્યાનના સમયમાં તમને ખાવાનું યાદ આવશે જ નહીં . તમારે ૨૪ કલાકના એક દિવસમાંથી ખાવાની ક્રિયાને ૩૦ થી ૫૦ મિનિટ આપવાની . બાકી ૧૦ મિનિટ અને ૨૩ કલાક માં ખાવા સંબંધી વિચારોથી મુક્ત રહેવાનું .
૨. વાપરતી વખતે પલાંઠી વાળીને બેસવાનું નહીં .
ભગવાન્ આખો દિવસ ધ્યાનમાં ઊભા જ રહેતા હતા . ભગવાન્ સાડા બાર વર્ષમાં એક ક્ષણ માટે પણ પલાંઠી વાળીને બેઠા નથી . આપણે આખો દિવસ બેઠા રહીએ છીએ એટલે ખાવાના સમયે પણ બેઠા રહીએ એ આપણી મર્યાદામાં બેસે છે . બધી જગ્યાએ બેઠા હોઈએ અને ખાવાના સમયે ઊભા ઊભા ખાઈએ એવું બુફે , ભારતીય પરંપરામાં બંધબેસતું નથી . ભગવાન્ ઊભા ઊભા પારણું કરે , આહારગ્રહણ કરે એ બુફે નથી . એ પ્રમાદ પરિહારની ભૂમિકા છે .
તમારે જેને આરામથી મળવું નથી તેની સાથે ઊભા ઊભા વાત કરીને નીકળી જાઓ છો . એ રીતે ભગવાન્ ઊભા ઊભા પારણું કરીને નીકળી જતા . ઊભા ઊભાનો અર્થ શાંતિથી બેસ્યા વિના . જે આસન બીછાવીને આરામથી ખાતો હોય છે એને ખાતાં ખાતાં કેટલો સમય નીકળી ગયો એનું ભાન રહેતું નથી . જે ઊભા ઊભા આહાર કરે છે તે ખાવાની ક્રિયાને વધારે સમય આપવા માંગતો નથી કે સ્પષ્ટ હોય છે . ઊભા રહેવાનો અર્થ છે ઉતાવળ . ઊભા રહેવાનો અર્થ છે જોડાણનો અભાવ .
આ વાતને સરળતાથી વિચારીએ . શાંતિથી બેસીને ખાધા કરે એ સાધક નથી . સાવ ઓછા સમયમાં ખાવાનું પૂરું કરીને ઊભો થઈ જાય એ સાધક છે .
૩. વાપરતી વખતે સ્વાદ ઉપર ધ્યાન નહીં આપવાનું .
ભગવાન્ પૂર્વસૂચના આપ્યા વિના પારણાનાં સ્થાને પહોંચી જતા . જે ગામમાં કે શહેરમાં ભગવાન્ પગ મૂકતા ત્યાં કંઈ ઝૂંપડી કે કયા ઘરની આગળ ઊભા રહેવાનું છે એની કોઈ ધારણા ભગવાનનાં મનમાં રહેતી નહીં . ચાલતા ચાલતા જે ઘર યોગ્ય લાગ્યું ત્યાં ભગવાન્ ઊભા રહી જતા . પારણામાં શું મળશે એ ભગવાનને પોતાને જ ખબર ન હોય . અજાણ્યા ઘરની સામે ઊભા રહે , જે મળે એ વાપરીને પારણું પતાવી દે .
શીખવા જેવી વાત એ છે કે ઉપધાનનો કે ઉપવાસનો આરાધક નીવિમાં શું બનવાનું છે , શું મળવાનું છે એના વિચારોથી મુક્ત રહે એ જ ઉપધાનની અને ઉપવાસની સફળતા છે . જેણે રસોઈ બનાવવાની છે એને રસોઈ શું બનાવવાની છે એની ચિંતા કરવી પડે એ મુદ્દો અલગ છે . બાકી , જે તપસ્વીએ રસોઈ બનાવવાની નથી એણે રસોઈમાં શું બનવાનું છે એનો વિચાર નહીં કરવાનો અને રસોઈમાં શું બન્યું હશે એની રસ તરબોળ કલ્પના નહીં કરવાની . ખાવાનો સમય આવે નહીં ત્યાં સુધી ખાવાના વિચારોથી મુક્ત રહેવાનું છે . ઉપવાસ કર્યા પછી ઉપવાસમાં જ ખાવાનું યાદ આવ્યા કરે એ સાધનાની કમજોરી થઈ .
ખાવા બેસીએ ત્યારે ઓછામાં ઓછા દ્રવ્યથી વાપરવાનું લક્ષ્ય રાખવાનું કારણ કે દ્રવ્ય ઓછા હશે તો સ્વાદ કરવાના ભાવ પણ ઓછા થઈ જશે . વધારે દ્રવ્ય ખાનારો માણસ મોટેભાગે ઘણાબધા સ્વાદનો પ્રેમી હોય છે . ખાવામાં મજા આવે એ સાધનાની હાર છે . ખાવું પડે તો ખાઈએ પણ ખાવામાં આસ્વાદનો આનંદ ના બને એ સાધનાની જીત છે .
દીક્ષા પછીના પહેલા ચોમાસામાં ભગવાને નિયમ લીધો હતો કે ગૃહસ્થનો વિનય કરવો નહીં . ભગવાને આ નિયમ લીધો એનો અર્થ એ થાય કે ભગવાને કોઈ વિનય કર્યો હતો ગૃહસ્થનો . વિનય એટલે શું એ વિચારવાનું છે . સામો માણસ આપણાથી વધારે ગુણવાન્ છે એમ માનીને એને એ રીતે આદર આપવો એ વિનય છે . આપણો ધર્મ ઓછો છે અને સામી વ્યક્તિનો ધર્મ વધારે છે એવું માનીએ અને એ ધર્માત્માને બહુમાન આપીએ એ વિનય . આપણું જ્ઞાન ઓછું છે અને સામી વ્યક્તિનું જ્ઞાન ઘણું વધારે છે એવા અહોભાવપૂર્વક સામી વ્યક્તિને સન્માન આપવું એ વિનય છે .
ભગવાન્ દીક્ષા લેતી વખતે करेमि સૂત્ર બોલે છે , એમાં भंते બોલતા નથી . જે પ્રભુને भंते બોલવાની જરૂર નથી એ પ્રભુને કોઈનો વિનય શું કામ કરવો પડે ? સામી વ્યક્તિએ આપણને આદર આપ્યો એનો પ્રતિભાવ એ રીતે આપવો કે સામી વ્યક્તિને સારું લાગે , આવો વ્યવહાર વિનય તરીકે ઓળખાતો હશે . જેની સાથે સંબંધ ચાલુ હોય એને સારું લાગવું જોઈએ એવી સભાનતાપૂર્વક જે વ્યવહાર કરીએ તે વિનય ગણાતો હશે . સામા માણસને સારું લાગવું જોઈએ અને સામા માણસને ખોટું ન લાગવું જોઈએ , આ બે ભૂમિકાને સરસ રીતે સાચવીએ એ વિનય હશે .
વાત સાધનાની છે , વાત અઘરી છે . આપણે જેટલો વખત સામા માણસ માટે વિચારીએ છીએ એટલો વખત પોતાના આત્મા માટે વિચારવાથી વંચિત રહી જઈએ છીએ . આત્માની ઉપેક્ષા થાય એવો વ્યવહાર ખોટો . આત્માનું ધ્યાન રાખવાનું ન થાય એવો વ્યવહાર ખોટો . આત્માની ચિંતા કરી ન શકીએ એનો વ્યવહાર ખોટો . આત્માના વિચારોમાંથી બહાર આવવું પડે એવો વ્યવહાર ખોટો . આત્મા સિવાયના બીજા વિચારો કરવા પડે એવો વ્યવહાર ખોટો . જે કરવું તે આત્મા માટે જ કરવું , જે આત્મા માટે ઉપયોગી નથી એને સદંતર ટાળી દેવું . બીજા લોકોને સાચવવા માટે , પોતાના આત્માને ભૂલવાની શી જરૂર છે ? ભગવાને જે વિનયનો ત્યાગ કર્યો એ વિનય ત્યાગ આ હશે . અન્યને મળી રહેલો આદર એ વિનય હશે . અનાદર ન કરીએ એ જુદો વ્યવહાર . આદર આપતા ફરીએ જુદો વ્યવહાર . આદર આપવામાંથી મુક્ત થવું એ ભૂમિકા હશે વિનયના ત્યાગની . આ કેવળ અનુમાન છે .
ભગવાને વિનય ત્યાગનો નિયમ લીધો તે પૂર્વે બનેલી ઘટના કંઈ તે શોધવું જોઈએ .
+ દીક્ષા પછી દુઈજ્જંતગ તાપસનો આશ્રમ , વિહારમાં આવ્યો ત્યારે આશ્રમનો કુલપતિ ભગવાનને આવકાર આપવા માટે સામે આવ્યો હતો . એ મળ્યો ત્યારે ભગવાને હાથ લંબાવ્યા હતા . કલ્પસૂત્રમાં લખ્યું છે કે પૂર્વ અભ્યાસને કારણે પ્રભુએ હાથ લંબાવ્યા હતા . હાથમાં હાથ મિલાવીએ ત્યારે અરસ-પરસ બંને વ્યક્તિ પોતપોતાના હાથ લંબાવે છે એવી કોઈક રીતે ભગવાને હાથ લંબાવેલા . આ વ્યવહારમાં કોઈ વિનય થયો હોય એવી સંભાવના છે .
+ ભગવાને પહેલું પારણું પાત્રમાં કર્યું . ભગવાન્ પાસે પોતાનું કોઈ પાત્ર હતું નહીં . પાત્ર ગૃહસ્થ પાસેથી માંગ્યું હશે . એ પાત્રનો ઉપયોગ કર્યો હશે . તે પછી પાત્ર ગૃહસ્થને પાછું આપ્યું હશે . પાછું આપતી વખતે એ પાત્ર , આપવા લાયક હોય એની કાળજી ભગવાને લીધી હશે . પાત્ર લેવું , વાપરવું અને પાછું આપવું એનો વ્યવહાર જે પણ થયો હશે એમાં વિનય થયો હોય , કદાચ . જેણે પાત્ર આપ્યું એની સાથે કોઈ વાત થઈ હશે . પાત્ર પાછું આપ્યું એ વખતે કંઈક કહ્યું હશે . જે કહ્યું હશે એમાં આદર જાળવેલો હશે . અનુમાન કરી શકાય .
+ આશ્રમના કુલપતિએ આગામી ચોમાસું આશ્રમમાં કરવા માટે વિનંતી કરી હતી . ભગવાને વિનંતીનો સ્વીકાર કર્યો હતો . તેમ જ પોતે સ્વીકારેલી વિનંતી અનુસાર ચોમાસાના સમયમાં ભગવાન્ આશ્રમ પાસે આવી પહોંચ્યા હતા . ભગવાન્ , વિનંતીસ્વીકારના સમયે આપેલાં વચન અનુસાર ફરીથી આવ્યા આ વ્યવહારમાં વિનય બન્યો હશે , શાયદ .
+ ભગવાનને જે ઝૂંપડી આપવામાં આવી એ ઝૂંપડી માટે કોઈ આનાકાની ભગવાને કરી નહોતી . જે મળ્યું તે સ્વીકારી લીધુંએ સ્વરૂપે વિનય જળવાયો હશે .
ગૃહસ્થનો વિનય કરવો નથી , આ નિયમ લીધા પછી ચોમાસાની વિનંતીવાળી કોઈ ઘટના બની નથી . કોઈને હાથ લાંબો કરીને આવકાર આપ્યો નથી . કોઈની પાસેથી પાત્ર લીધું નથી . ગૃહસ્થનો વિનય કરવો નથી આ નિયમ લેતાં પહેલાં ભગવાને વિનય શું કર્યો એ શોધવાની કોશિશ કરીએ ત્યારે કોઈ મોટો વિનય કર્યો હોય એવી ઘટના મળતી નથી . સામા માણસની લાગણી સાચવી હોય એટલા પૂરતો જ વિનય સંભવે છે . આ વિનયમાં એવી કોઈ ગંભીર અનુચિતતા હશે તેથી આવો વિનય કરવો નથી એનો નિયમ લઈ લીધો . ભગવાને ખરેખર શું નિયમ લીધો એ સમજાય એવું નથી . ભગવાને નિયમ લીધો એનો અર્થ શું એ સમજવાનું પણ અઘરું જ છે .
વિનયત્યાગના નિયમમાંથી પ્રેરણા શોધવાની છે .
તમે ભગવાનની ભક્તિ કરવા બેઠા છો એ વખતે તમારે ભક્તિમાં ડૂબેલા રહેવાનું . અન્ય કોઈને રાજી રાખવા માટે તમે તમારી ભક્તિની ધારામાંથી બહાર આવી જાઓ છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . તમે વ્યાખ્યાન સાંભળવા બેઠા છો એ વખતે તમારે દેશનાની ધારામાં વહેતા રહેવાનું છે . કોઈ મળવા આવે છે . તમે એમને સંતોષ આપવા માટે વ્યાખ્યાન સાંભળવાનું છોડી દો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
તમે કાઉસગ્ગ કરી રહ્યા છો . એ વખતે તમારે એકાગ્ર રહેવાની ભાવના પ્રબળ રાખવાની છે . તમને કોઈ નામ દઈને બોલાવે છે . તમે ચાલુ કાઉસગ્ગમાં એમને ઉંહકારાથી કે બીજી રીતે પ્રતિભાવ આપો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
તમે સ્વાધ્યાય કરી રહ્યા છો . એ વખતે તમારી સાથે ટાઇમપાસ વાતો કરવા માટે કોઈ આવીને બેસે છે . સ્વાધ્યાય અણમોલ છે એવું જાણવા છતાં તમે પેલા માણસ સાથે વાત કરવા લાગો છો અને સ્વાધ્યાય સાઈડ પર રહી જાય છે . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
તમે કોઈ એક વસ્તુનો ત્યાગ કરેલો છે . તમારું કોઈ સ્વજન તમને એ જ વસ્તુ વાપરવાનું કહે છે જેનો તમને ત્યાગ છે . તમારે તમારા ત્યાગ સાથે બાંધછોડ કરવાની હોય જ નહીં . પરંતુ સ્વજનને ખુશ રાખવા માટે તમે તમારા ત્યાગમાં બાંધછોડ કરી લો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
તમે રોજ સામાયિક કરો છો , પ્રતિક્રમણ કરો છો . ઘરમાં કોઈ મહેમાન આવ્યા છે કે કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો છે એને કારણે તમે સામાયિક અને પ્રતિક્રમણ કરવાનું ટાળી દો છો . ગમે તેટલી જવાબદારી હોય , સામાયિક અને પ્રતિક્રમણ કરવાનો સમય મળી જ શકે છે . તમને ઘરના મહેમાનો માટે કે પ્રસંગની તૈયારી માટે ટાઈમ મળે છે પણ સામાયિક અને પ્રતિક્રમણ માટે ટાઈમ નથી મળતો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
તમે પવિત્ર આચારનું પાલન કરી રહ્યા છો . તમારી સમક્ષ કોઈ વ્યક્તિ આનંદપ્રમોદનું પ્રલોભન મૂકે છે . તમે એ વ્યક્તિને રાજી રાખવા માટે ખોટા પ્રલોભનમાં ફસાઈ જાઓ છો અને જે પવિત્ર આચારનું દૃઢ રીતે પાલન કરવાનું હતું એ પવિત્ર આચારને ખંડિત કરી દો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
તમે એક મોટા ગુનેગાર સાથે વાત કરી રહ્યા છો . ગુનેગારે કરેલા ગુનાઓ ભયંકર છે . એ ગુનેગાર તમને કે તમારા પરિવારને કે તમારા સમાજને ખુશ રાખવા માટે કશું જ કરવાનો નથી , નક્કી છે . તેમ છતાં તમે એ ગુનેગારને ખોટું ન લાગે એની ચિંતા કર્યા કરો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
વિનય સાચો પણ હોય . આપણે જે ભૂમિકાએ હોઈએ એ ભૂમિકા કરતાં જે ઉપરની ભૂમિકાએ બેઠા હોય એમની સાથે આદરપૂર્વકનો વ્યવહાર રાખીએ . એનાથી આપણને ઉપર ઊઠવામાં સહાય મળે છે . આવો વિનય જરૂરી છે . પરંતુ જેની ભૂમિકા આપણા કરતાં ઘણી જ નીચી છે એને રાજી રાખવા માટે આપણે આપણી ઊંચી ભૂમિકાથી નીચે ઉતરીએ એવી રીતે વિનય કરી શકાય નહીં . શિક્ષક વિદ્યાર્થીના માથે હાથ મૂકે એ શોભે છે . શિક્ષક વિદ્યાર્થીના પગ પકડે એ શોભતું નથી . જે તમારા કરતાં ઓછો ધર્મ કરે છે , ઓછો ધર્મ સમજે છે એમના સંગમાં રહેવા માટે , તમે તમારા ઊંચા ધર્મને ઢીલો પાડી દો , તમે તમારા ઘણા ધર્મમાંથી મોટાભાગનો ધર્મ છોડી દો . આવો વિનય કરાય નહીં .
કોઈ માણસ કંઈ ખોટું કરે છે . એને પોતાને ખબર નથી એ ખોટું કરે છે . પરંતુ એનો સ્વભાવ એવો છે કે આપણે કંઈક કહીશું તો એને ખરાબ લાગશે . આપણે એને ખરાબ ના લાગવું જોઈએ એની ચિંતા રાખીએ છીએ અને એ જે ખોટું કરે છે એ બાબતે એને સમજાવવાની કોશિશ કરતા નથી . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો .
ભગવાને કોઈ તાપસને કે કોઈ ગૃહસ્થને સંતોષ માટે કોઈ આત્મીય વ્યવહાર બનાવ્યો નહોતો . સાધુ સાધ્વીને ઘણીબધી વિનંતી આવે છે . જેને ઘણી વિનંતીઓ આવે એને મહાન ્ ગણવામાં આવે છે . મોટાભાગની વિનંતીઓનો સ્વીકાર થાય છે . જેણે વિનંતી કરી છે એને સંતોષ આપવાનો છે એવી માનસિકતા હોય છે . સાધનાનું મુખ્ય લક્ષ્ય ગૃહસ્થો નથી . સાધનાનો મુખ્ય લક્ષ્ય પ્રસંગો નથી . સાધનાનું મુખ્ય લક્ષ્ય મોટા મોટા કાર્યક્રમો નથી . સાધનાનું મુખ્ય લક્ષ્ય છે આત્મલીન અવસ્થા . વિનંતીના સ્વીકાર પછી જે વ્યસ્તતાઓ બની જાય છે એને લીધે શાસન પ્રભાવના થાય છે , એના લીધે અનેક આત્માઓ ધર્મ સાથે જોડાય છે , અનેક આત્માઓ ધર્મમાં સ્થિર બને છે , અનેક આત્માઓ ધર્મમાં પ્રગતિ કરે છે . વાત સાચી છે . વિનંતીઓના સ્વીકાર પછી આત્મલીનતાને ન્યાય મળે છે કે અન્યાય થાય છે એ વિચારવાનું રહી જતું હોય છે . કોઈને સાચવવા માટે પોતાની આત્મલીનતા સાથે બાંધછોડ થાય એવું ભગવાને થવા દીધું નહોતું . આજના સમયમાં જેઓ વિનંતી કરે છે એમણે વિનંતી કરતી વખતે આ આત્મલીનતાની ચિંતા કરવી જોઈએ . વિનંતી કરનારા અમુક અંશે ભૂલ કરે છે અને પછી કંઈ થાય છે ત્યારે નામ એમનું આવે છે જેમણે એમની વિનંતીનો સ્વીકાર કર્યો હોય છે .
ધર્મ અને ઔપચારિકતા સાથે સાથે દેખાય છે પરંતુ જુદા જુદા રહેતા હોય છે …
ધર્મમાં ઔપચારિકતાઓનો વિરોધ પણ નથી અને આગ્રહ પણ નથી . ધર્મ જુદો હોય છે . ઔપચારિકતા જુદી હોય છે . તમે તપ કરો છો તે ધર્મ છે . તમે તપનાં નિમિત્તે પ્રભાવના રાખો છો તે ઔપચારિકતા છે . જેનામાં પ્રભાવના કરવાની શક્તિ નથી એ પણ તપ કરે છે . એ કર્મનિર્જરા સાધે જ છે . જેનામાં પ્રભાવના કરવાની શક્તિ છે એ પણ તપ કરે છે . એ પણ કર્મનિર્જરા સાધે જ છે . જેણે તપ કર્યા બાદ પ્રભાવના કરી એને પ્રભાવના કરવાનું મન થયું અને એની પાસે પ્રભાવના કરવાની શક્તિ હતી , એણે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો . સારું થયું . જેણે તપ કર્યા બાદ પ્રભાવના ન કરી એને પ્રભાવના કરવાનું મન થયું હતું પણ એની પાસે પ્રભાવના કરવાની શક્તિ હતી નહીં . એ પ્રભાવના ન કરી શક્યો . શું એનો તપ નિષ્ફળ ગયો ? ના . એનો તપ સફળ જ રહ્યો . જે તપ પછી પ્રભાવના થાય એ તપ જ કર્મનિર્જરાનું કારણ બને છે એવું નથી . જે તપ પછી પ્રભાવના ન થાય એ તપ કર્મનિર્જરાનું કારણ બનતો નથી એવું પણ નથી . છેલ્લાં બે વાક્ય ફરીવાર વાંચજો . એકવાર વાંચવાથી મુદ્દો નહીં પકડાશે . તપ જુદો છે . ઔપચારિકતા જુદી છે . ચાર પરિસ્થિતિ બને છે .
૧ . તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન થયું . પ્રભાવના કરવાની શક્તિ હતી . પ્રભાવના કરી . આ પહેલી પરિસ્થિતિ . તમારામાં શક્તિ હતી . તમે એનો ઉપયોગ કર્યો . તમારામાં શક્તિ હોય એ અગત્યનું છે . તમે એ શક્તિનો ઉપયોગ કરવાનું વિચારો એ પણ અગત્યનું છે . અને તમે ખરેખર શક્તિનો ઉપયોગ કરો એ પણ અગત્યનું છે .
૨. તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન થયું . પ્રભાવના કરવાની શક્તિ નહોતી . તમે પ્રભાવના ન કરી . આ બીજી પરિસ્થિતિ . તમારામાં શક્તિ ન હોય અને તમે પ્રભાવના ના કરો એને કારણે તપ અધૂરો રહી જતો નથી . તપ આરાધના છે અને પ્રભાવના ઔપચારિકતા છે . ઔપચારિકતાથી તપની શોભા અવશ્ય વધે છે પરંતુ ઔપચારિકતાના અભાવમાં તપ કમજોર પડતો નથી .
૩. તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન ના થયું . પ્રભાવના કરવાની શક્તિ હતી . તમે પ્રભાવના ન કરી . આ ત્રીજી પરિસ્થિતિ . તમારી શક્તિ એ તમારી જવાબદારી છે . શક્તિનો જે ઉપયોગ કરે તે જવાબદાર કહેવાય . શક્તિનો જે ઉપયોગ ન કરે એ બેજવાબદાર કહેવાય . ઘણાબધા લોકો શક્તિથી વંચિત હોય છે એને કારણે રડતા હોય છે . તમે શક્તિથી વંચિત નહોતા પણ તમને પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું ગમતું નહોતું . તમારામાં શક્તિ ન હોય એ તમારો ગુનો નથી . તમારામાં શક્તિ હોય પરંતુ તમને એ શક્તિનો ઉપયોગ કરવાનું ગમતું નથી એ તમારો ગુનો છે . તમે પ્રભાવના ન કરી એ ગુનો નથી . તમારામાં પ્રભાવના કરવાની ઈચ્છા ના પ્રગટી એ ગુનો છે .
૪. તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન ના થયું . પ્રભાવના કરવાની ન શક્તિ હતી . તમે પ્રભાવના ન કરી . આ ચોથી પરિસ્થિતિ . તમે પ્રભાવના કરો છો એ નાની વાત છે . તમને પ્રભાવના કરવાનું મન થાય છે એ મોટી વાત છે . તમારામાં પ્રભાવના કરવાની શક્તિ નથી તેમ છતાં તમને મન થવું જોઈએ કે મારે પ્રભાવના કરવી છે . પ્રભાવના કરવાનું મન થાય એનાથી પણ આત્માને લાભ થતો હોય છે . પ્રભાવના કરવાનું મન થયું એનો અર્થ એ છે કે સુપાત્ર દાન કરવાનું મન થયું . સુપાત્રદાનની ભાવના પણ પુણ્યનું નિર્માણ કરાવતી હોય છે . પ્રભાવના કરવાની શક્તિ તમારામાં નથી એમ છતાં તમને વિચાર આવે છે કે જો મારામાં શક્તિ હોય તો હું આવી આવી પ્રભાવના જરૂરથી કરું . પ્રભાવના કરવાની પ્રામાણિક ભાવના તમારામાં હોય અને તમે ફક્ત શક્તિના અભાવને લીધે પ્રભાવના ન કરો ત્યારે પ્રભાવના કરવાની પ્રવૃત્તિ માટેનો મનોરથ તમે ઉભો રાખ્યો છે . આ મનોરથ પરિસ્થિતિને ઉત્તમ બનાવી રાખે છે . પરંતુ તમારામાં પ્રભાવના કરવાની શક્તિ નથી અને તમારાં હૈયામાં પ્રભાવના કરવાની ઈચ્છા પણ નથી . આ પરિસ્થિતિમાં તમે પ્રભાવના કરવાનો મનોરથ ના રાખ્યો એ તમારો ગુનો બને છે .
આજકાલ એક પાંચમી પરિસ્થિતિ પણ જોવા મળે છે . જે તપસ્વીને જુએ છે એને તપસ્વી પાસેથી પ્રભાવના શું મળી એના વિચાર આવે છે . જે તપસ્વી પાસેથી મોટી પ્રભાવના મળી એ તપસ્વી મોટો લાગે છે . જે તપસ્વી પાસેથી નાની પ્રભાવના મળી એ તપસ્વી નાનો લાગે છે . જે તપસ્વી પાસેથી પ્રભાવના મળતી નથી એ તપસ્વી આદરપાત્ર લાગતો નથી . પાંચમી પરિસ્થિતિમાં સમસ્યા એ જ હોય છે કે તપસ્યાનું મૂલ્યાંકન પ્રભાવનાના આધારે થતું હોય છે , તપસ્યાનું મૂલ્યાંકન તપસ્યા નિમિત્તે થયેલો પ્રોગ્રામ કેટલો મોટો છે એના આધારે થતું હોય છે . તપસ્વીએ કરેલી તપસ્યા મહાન્ હોય છે અને અનુમોદના તપસ્યાની જ કરવાની હોય છે . તપસ્વીને ત્યાં જનારા મહાનુભાવો , તપસ્વીને ઓછું જુએ અને તપસ્વીએ આપેલી પ્રભાવનાને વધારે જુએ એ પરિસ્થિતિ દર્દનાક છે . તમને મળેલી પ્રભાવના તમને મોક્ષ અપાવતી નથી . તમે કરેલી અનુમોદના જ તમને મોક્ષ આવે છે .
ભગવાને બીજો નિયમ લીધો કે ગૃહસ્થનો વિનય કરવાનો નહીં . ભગવાને ઔપચારિકતાને મહત્ત્વ આપવાનું છોડી દીધું . ભગવાન મૂળ માર્ગને મહત્ત્વ આપતા રહ્યા . આપણે ઔપચારિકતાને મહત્ત્વ આપતા રહ્યા છીએ . આપણે મૂળ માર્ગને યાદ રાખીને અનુમોદના કરીએ છીએ કે કોઈ જુદા જ માર્ગ પર ચાલી રહ્યા છીએ એ તપાસવાની જરૂર છે .
આપણે કોઈની માટે મનમાં અપ્રીતિ ન રાખવી આ નિયમ ભગવાને અખંડ રીતે જાળવ્યો હતો . અપ્રીતિ મનમાં બનતી હોય છે . અપ્રીતિ , વર્તન અને વચન દ્વારા વ્યક્ત થતી હોય છે . જેનાં મનમાં અપ્રીતિ હોય નહીં , એનાં વર્તન કે વચનમાં અપ્રીતિ અભિવ્યક્ત થતી નથી . આપણને જે માણસ માટે અપ્રીતિ થઈ હશે એની સાથે આપણે સારો વર્તાવ કરી શકવાના નથી . અપ્રીતિ જુદી જુદી રીતે વ્યક્ત થાય છે .
અપ્રીતિ વ્યક્ત થાય છે ઝઘડો કરવા દ્વારા . આપણને જે માણસ માટે અપ્રીતિ છે એને આપણે નિ: સંકોચ કડવા શબ્દ સંભળાવી દઈએ છીએ . એની ઉપર આપણે ગુસ્સો ઠાલવીએ છીએ . એને ધમકાવીએ છીએ . એને તોડી પાડીએ છીએ . એની ઉપર આક્ષેપ કરીએ છીએ . એ બોલી ના શકે અને એને ચૂપ જ રહેવું પડે એવું દબાણ એના ઉપર ઊભું કરીએ છીએ . આપણે બૂમબરાડા પાડીએ છીએ . આપણે ધમકી આપીએ છીએ . આપણે મારામારી શરૂ કરી દઈએ છીએ . અપ્રીતિ અભિવ્યક્ત થાય છે ઝઘડો કરવા દ્વારા . જે વારંવાર ઝઘડો કરતો હોય એ સારો માણસ ગણાતો નથી . જે માણસ ઝઘડો કરી રહ્યો હોય તે ઝઘડો કરવાની ક્ષણમાં સારો માણસ હોતો નથી . આપણાં મનમાં જાગેલી અપ્રીતિ આપણી અંદર વસેલા સારા માણસને બરબાદ કરી નાંખે છે .
અપ્રીતિ વ્યક્ત થાય છે નિંદા કરવા દ્વારા . જેની જેની માટે મનમાં અપ્રીતિ હશે એની એની માટે આપણે ખરાબ બોલીશું . ખોટા સમાચાર ફેલાવીશું . અફવાઓ બનાવીશું . કંઈ સારું બન્યું હશે એની વાતો નહીં કરીએ . કંઈ ખરાબ બન્યું નહીં હોય તેમ છતાં ખરાબ વાતો બધાયને જણાવીશું . તમે તમારી જિંદગીમાં દસ માણસ કે પચાસ માણસ કે એકસો માણસ માટે ખરાબ બોલ્યા હો એનો અર્થ એ થાય કે તમે દસ માણસ કે પચાસ માણસ કે એકસો માણસની માટે અપ્રીતિ બનાવીને બેઠા છો . કોઈપણ માણસ બીજાની માટે , કારણ વગર ખરાબ બોલે નહીં . ખરાબ બોલવાવાળાનાં મનમાં સારી ભાવના હોય એવી શક્યતા બનતી જ નથી .
અપ્રીતિ વ્યક્ત થાય છે સ્પર્ધાભાવના દ્વારા . કોઈ તમારાથી આગળ છે એ તમે સહન કરી શકતા નથી . તમે એનાથી આગળ નીકળી જવા માંગો છો . તમે તમારાં કામ સરસ રીતે કરો એનાથી જિંદગી ચાલે છે . તમે બીજાની સાથે મુકાબલો બનાવી લો એનાથી જિંદગી ચાલતી નથી , બલકે બગડે છે . જે તમારાથી આગળ છે એ પોતાની મહેનતને કારણે આગળ છે . તમે પાછળ રહી ગયા છો એ તમારી આળસને કારણે કે કોઈ ભૂલને કારણે . તમે બીજાથી આગળ જવા માંગો છો અથવા જે તમારાથી આગળ છે એને પછાડવા માંગો છો . આ જ સ્પર્ધા છે . તમને તમારા પુરુષાર્થ ઉપર વિશ્વાસ હોવો જોઈએ , તમને તમારાં પુણ્ય ઉપર ભરોસો હોવો જોઈએ . તમે સ્પર્ધામાં પડ્યા છો એનો અર્થ એ છે કે તમારો પોતાની ઉપરનો ભરોસો કમજોર પડી ગયો છે . બીજા કોઈને પછાડ્યા બાદ તમને લાગશે કે તમે સારા માણસ છો . તમારું સમીકરણ એવું છે કે કોઈ હારશે એને કારણે તમને જીતવાના છો , કોઈ નુકસાનમાં ડૂબશે ત્યારે તમારો ફાયદો થશે . જે હારે છે તે દુઃખી થાય છે . તમારે બીજાને હરાવવા છે એનો અર્થ એ છે કે તમે બીજાને દુઃખી કરવા માંગો છો . સ્પર્ધાનો અર્થ જ એ છે તમે કોઈકનું સુખ છીનવી લેવા માંગો છો . સ્પર્ધા રાખનારો પોતાના પ્રતિસ્પર્ધી માટે અપ્રીતિ રાખતો હોય છે .
મતભેદ કે વિચારભેદ પછીનો અણગમો પણ અપ્રીતિ જ છે . તમે કહેલી વાત સામો માણસ માનતો નથી એનાથી તમે નારાજ થયા છો . સામો માણસ જે કહેવા માંગે છે એ તમને પસંદ નથી , આથી તમને સામો માણસ ગમતો નથી . તમે કોઈ પક્ષ સ્વીકાર્યો છે , સામો માણસ તમારા પક્ષને સ્વીકારતો નથી . તમને એનો અસ્વીકાર ગમતો નથી . તમારાં મનમાં અપ્રીતિ જાગે છે . તમે જે પક્ષમાં છો એનાથી તદ્દન વિપરીત પક્ષમાં સામા માણસને રસ છે . તમને એનો એ વિપરીત પક્ષ ગમતો નથી . તમને એ માણસ ગમતો નથી . એ જ અપ્રીતિ છે .
આપણી ભીતરમાં અપ્રીતિનાં હજારો રૂપ છુપાયેલાં છે . જેની જેની માટે , જેવી જેવી અપ્રીતિ બની હોય તેને ઓળખી લેવાની અને એ અપ્રીતિને ભૂંસવાની કોશિશ કરવાની . અપ્રીતિની લાગણી આપણને અંદરથી દુઃખી રાખે છે . અપ્રીતિની લાગણી અન્યને દુઃખી બનાવવાના તુક્કા સુઝાડે છે . અપ્રીતિ એવું નુકસાન કરે છે જે કોઈને પોસાય નહીં . અપ્રીતિમાંથી અશાંતિ આવે છે . અશાંતિમાંથી અવ્યવસ્થા આવે છે .
ભગવાન્ જે કરે એ આપણે કરી શકતા નથી . પરંતુ , ભગવાને જે કર્યું એમાંથી આપણે શીખી શકીએ છીએ , શીખવું જોઈએ . ભગવાને અભિગ્રહ લીધા હતા એ વાત આપણે જાણીએ છીએ . ભગવાનની ભૂમિકા એકદમ અલગ હતી . આપણી ભૂમિકા અલગ હોય છે . અભિગ્રહનાં અભિપ્રેતને સમજવું જોઈએ છે . એમાંથી પ્રેરણા લેવી જોઈએ . ભગવાનનો પ્રથમ અભિગ્રહ હતો કે જ્યાં અપ્રીતિ હોય ત્યાં રહેવું નહીં . ભગવાન્ પહેલાં ચોમાસાના ૧૫ દિવસ પછી વિહાર કરીને બીજે પધારી ગયા . આજના સમયમાં કોઈ પણ ગુરુ ભગવંત ચાલુ ચોમાસામાં નીકળી જાય એવું જોવા મળતું નથી . ચાલુ ચોમાસામાં ગુરુ ભગવંત નીકળી જાય એનો અર્થ એ નીકળે કે મોટો મતભેદ ઊભો થયો છે . ભૂલ સંઘની પણ હોય , ભૂલ ગુરુ ભગવંતની પણ હોય . ચોમાસામાં નીકળી જવું એ અનુકરણીય વ્યવહાર નથી . એ ભગવાન્ જ કરી શકે . આપણે એવું કરીએ તો ગાંડા ઠરીએ . જૈન , જે સંઘમાં વર્ષોથી આરાધના કરતો આવ્યો છે એ સંઘને અપ્રીતિનો મુદ્દો બનાવીને છોડી દે એ વહેવારુ નથી .
ભગવાન્ મનમાં અપ્રીતિ લઈને નીકળ્યા હતા એવું નથી , ભગવાન્ નીકળ્યા અપ્રીતિથી મુક્ત મન લઈને . બે વાત શીખવા મળે છે : એક , આપણે એટલા કમજોર નહીં રહેવાનું કે કોઈનાં વર્તનથી તરત આપણાં મનમાં અપ્રીતિ ઊભી થાય . બે , આપણું વર્તન એવું ના હોવું જોઈએ કે જ્યાં રહીએ ત્યાં અન્યનાં મનમાં અપ્રીતિ થાય . અપ્રીતિના ત્રણ અર્થ છે : મનમાં પીડાનો અનુભવ થાય . મનમાં વિરોધની ભાવના જાગે . મનનો ઉત્સાહ નાશ પામે . ત્રણેય પરિસ્થિતિ અલગ છે . અમુક વખતે અપ્રીતિના જવાબદાર આપણે હોતા નથી .
પીડા : કોઈ પોતાની રીતે પોતાનાં કામ કરતું હોય , પોતાની માનસિકતા પ્રમાણે જીવતું હોય એનાં જીવનમાં આપણાં કારણે ખલેલ પહોંચે . એ દુવિધા અનુભવે . એણે જેની તૈયારી રાખી ન હોય એવું કંઈક એની સામે આવીને ઊભું રહે . જેની માટે એનું મન તૈયાર ન હોય એવું કંઈક એણે ઝીલવું પડે . જે ઝૂંપડીમાં ભગવાન્ ચોમાસું રોકાયા હતા એમાં પહેલાં બીજું કોઈ રહેતું હતું . ભગવાનનો વિહાર થાય એ પછી તે માણસ ઝૂંપડીમાં પાછો રહેવા આવવાનો હતો . ગાયને લીધે ઝૂંપડી તૂટી એનાથી એને પીડા થઈ હતી . ભગવાનનો ઉદ્દેશ હતો નહીં , એને પીડા આપવાનો . ભગવાન્ ઝૂંપડીમાં રોકાયા એને કારણે એ માણસને દુઃખ થયું હતું એવું નહોતું . દુઃખ , ઝૂંપડી તૂટી એને કારણે થયું હતું . ઝૂંપડી તૂટવાનું કારણ દુકાળ હતો એ રીતે પેલા માણસે વિચારવું જોઈતું હતું . દુકાળ હતો એટલે ગાય આવી હતી . સુકાળ હતો ત્યારે ગાય આવી જ નહોતી . જેને દુઃખ થયું એને સુકાળ અને દુકાળના વિચારો સૂઝ્યા નહીં . આથી એણે દેવાર્યને લઈને પીડા અનુભવી . એણે પોતાની પીડા કુલપતિને પહોંચાડી .
વિરોધ : તમે જ્યાં રહીને જે કામ કરો છો એને સમજવાની ક્ષમતા ત્યાંના લોકોમાં હોવી જોઈએ . જેમનામાં સમજવાની ક્ષમતા ઓછી હોય છે એ લોકો તરત વિરોધ કરવા લાગે છે . દેવાર્ય ઊંડી સાધના કરે છે એવું કુલપતિને સમજાયું નહીં હોય . કુલપતિ પોતે ઊંડી સાધના શું એ સમજતો જ નહીં હોય . પોતાનાં શરીરની ઉપેક્ષા કરવી , આસપાસના લોકો સાથે કોઈ જ વાર્તાલાપ ન કરવો , ખાવાપીવાનું સાવ ભૂલી જવું , સાથીસંગાથી ન રાખવા – આવી કઠિન સાધના દેવાર્ય કરી રહ્યા હતા તે કુલપતિને સમજાયું નહીં હોય . એટલે એ દેવાર્યને ઠપકો આવવા આપવા માટે આવી ગયો હતો . જે તમારું સ્તર સમજી ના શકે એ તમારો વિરોધ કરે છે . વિરોધમાં મતભેદ જ હોય એવું નથી . વિરોધમાં સમજણનો અભાવ પણ ભૂમિકા ભજવે છે અને સમજવાની તૈયારીનો અભાવ પણ ભૂમિકા ભજવે છે . આ બે અભાવ જ્યાં હોય ત્યાં અપ્રીતિ બનવાની જ છે . અલબત્ત , આ અપ્રીતિ એકતરફી છે . જેનું સ્તર ખરેખર ઊંચું છે તે , આવા લોકોના વિરોધભાવને ગાંઠતો જ નથી . ઊંચાં સ્તરના લોકો , નબળાં સ્તરના લોકોને પડતા મૂકી દે છે . આમાં નુકસાન નબળાં સ્તરના લોકોને થાય છે . એમની સમક્ષ ઊંચાં સ્તરનું વ્યક્તિત્વ હોય છે , પરંતુ પોતાનું સ્તર નીચું હોવાને કારણે એ ઊંચાં સ્તરનાં વ્યક્તિત્વનો આદર કરી શકતા નથી . તમારાં મનમાં જેની માટે વિરોધના ભાવ બન્યા હોય એનું સ્તર તમારા કરતાં ઊંચું હશે એવી સંભાવના છે . એમનાં સ્તર સુધી તમે પહોંચી શકો એવી તમારામાં હેસિયત નહીં હોય . તમે તમારું નબળું સ્તર જાળવી રાખીને વિરોધ કરશો . પરિણામ એ આવશે કે જેનું સ્તર ઊંચું છે એ વ્યક્તિત્વ , તમારું નબળું સ્તર જોયા બાદ તમારાથી દૂર થઈ જશે . તમને એમ લાગશે કે તમે જીતી ગયા , તમારો વિરોધ જીતી ગયો . હકીકત એ હશે કે તમારાં કમજોર સ્તરવાળી હરકતને કારણે એક ઊંચાં સ્તરનું વ્યક્તિત્વ તમને છોડીને જતું રહ્યું . જેમનું સ્તર નીચું છે એમને એ સમજાતું પણ નથી કે અમારી પાસે ઊંચા સ્તરનો વ્યક્તિત્વ હતું અને એને અમે ગુમાવી દીધું છે . નબળાં સ્તરના લોકો ઊંચા સ્તરના લોકોને સમજી શકતા નથી . નબળાં સ્તરના લોકો ખોટા મુદ્દાઓ પકડીને કોઈ ને કોઈ વિરોધ કરતા જ રહે છે . ઊંચા ગજાના લોકો , નબળાં સ્તરના લોકોને રાજી રાખવા માટે આ દુનિયામાં આવ્યા નથી . હીરા ખાણને છોડી દે છે એમાં હીરાનો કોઈ વાંક નથી . હીરા ખાણમાંથી બહાર નીકળી જવા માટે જ સર્જાયા છે .
ઉત્સાહનો ભંગ : અમુક લોકોને ખોટી રીતે ખુશ રહેવાની આદત પડી ગઈ હોય છે . દારૂ પીને ખુશ રહે . જુગાર રમીને ખુશ રહે . હીણા કામો કરીને ખુશ રહે . પોતાના ઘમંડ પંપાળીને ખુશ રહે . એમને વ્યસન એવું થઈ ગયું હોય છે કે પોતાનાં વ્યસન સાથે જોડાય નહીં તો એ દુઃખી જ રહે . કોઈ એમને દારૂ છોડવાનું કહેશે તો એ ડરી જશે . કોઈ એમને જુગાર રમવાની ના પાડશે તો એ લાચારી અનુભવશે . કોઈ એમને હીણા કામ કરતા અટકાવશે તો એમને અસહજ લાગશે . કોઈ એમને ઘમંડ છોડવાનું કહે છે તો એમને ખરાબ લાગશે . તદ્દન જડ બની ગયા હોય છે આ લોકો . એમને આપણે સારી વાત કરીએ એનાથી ખોટું લાગે છે . એમને સુધરવાનો પ્રયત્નમાં અંતે મોટી નિષ્ફળતા જોવા મળે છે . આવા વખતે ઉપેક્ષા ભાવના રાખવાની હોય છે . જે સુધરવાના છે નહીં , જે સુધરવા માંગતા નથી એમનાથી દૂર રહો . એમને સુધારવા જઈશું તો એ ઝઘડા જ કરવાના છે . એમને સારી વાત કરશું તો એમને ખોટું જ લાગવાનું છે . આપણા હાજર હોવાને લીધે જે અપ્રીતિ એમનાં મનમાં બને છે તે અપ્રીતિ આપણે હાજર ન રહીએ ત્યારે જ દૂર થતી હોય છે . પરાણે પ્રીત હોય પણ નહીં . નીકળી જવાનું ત્યાંથી .
અપ્રીતિનું એનાલિસિસ હજી પણ થઈ શકે . આવતીકાલે વાત .
devardhi.comમાં પ્રકાશિત થઈ રહેલા દરેકે દરેક લેખ ઇન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી છે . લેખકની અનુમતિ લીધા સિવાય આ લેખોનું પુસ્તક રૂપે , ઓડિયો રૂપે , વિડિયો રૂપે કે બીજા કોઈપણ સ્વરૂપે પુનઃ પ્રકાશન કરવું એ ગુનો બને છે .
Devardhi Parishad Religious Trust / Jain Vidya Kendra Trust
ધર્મને મહત્ત્વ-આકાંક્ષા , માયામૃષા અને વ્યક્તિગત મમતાઓથી મુક્ત રાખવો જોઈએ
સામૂહિક ધર્મ પ્રવૃત્તિનો અવસર વારંવાર આવે છે . આપણે બીજાને જોડીએ , બીજાની સાથે આપણે જોડાઈએ , ઝાઝા હાથ રળિયામણા . આપણે માર્ગદર્શક હોઈએ , આપણે નિર્ણય લેતા હોઈએ , ફાઇનલ ઓથોરિટી આપણે હોઈએ ત્યારે કોઈનું મનદુઃખ ન થાય એની જવાબદારી આપણાં માથે આવે છે . મીઠું મીઠું બોલવાથી કે ગોળ ગોળ બોલવાથી કોઈનું મન સચવાતું નથી .
સાધુ કે સાધ્વી કે શ્રાવક કે શ્રાવિકાએ માર્ગદર્શકની ભૂમિકા સ્વીકારી હોય એ વખતે ઘણી સાવધાની રાખવાની છે . સામૂહિક પ્રસંગોમાં કોઈ એક નિર્ણય થાય છે એ વખતે બીજો એક નિર્ણય કેન્સલ થતો હોય છે . જે નિર્ણય કેન્સલ થયો એ નિર્ણય પણ કોઈકને ગમતો હતો . એ નિર્ણય કેમ ના થયો એવો પ્રશ્ન ઊભો થાય છે . જે નિર્ણય થયો એ જ નિર્ણય શું કામ લેવામાં આવ્યો એવો પણ ઉહાપોહ થાય છે . સામૂહિક પ્રવૃત્તિ થતી હોય છે ત્યારે ઘણાબધા લોકો જોડાતા હોય છે . બધા જ લોકોનાં મન ઉદાર હોય છે એવું નથી હોતું . ક્યારેક કોઈકને મનદુઃખ થઈ શકે છે . આપણા તરફથી એમને મનદુઃખનું કારણ ન મળવું જોઈએ . સાધના સાવધાની રાખવામાં માને છે .
આપણામાં કોઈ મહત્ત્વાકાંક્ષા છે એવું લોકોને દેખાય ત્યારે મનદુઃખ થઈ શકે છે . હું સૌથી મોટો શ્રીમંત છું , હું વધારે અનુભવી છું , હું વધારે ક્રિએટિવ છું , હું વિશેષ બોધસંપન્ન છું , હું ઊંચો આરાધક છું , હું સર્વોચ્ચ ધર્માત્મા છું આવું કંઈક પ્રસ્થાપિત કરવાની વૃત્તિથી કોઈ નિર્ણય થયો હોય કે કોઈ પ્રવૃત્તિ થઈ હોય છે ત્યારે જે સૌથી ઊંચો દેખાયો એ રાજી થાય છે . પણ બીજાબધા લોકોને સમજાય છે કે જે પોતાને ઊંચો દેખાડવા માંગે છે એ પોતાના સિવાય બીજા બધા ઊંચા નથી એવું સાબિત કરવા માંગે છે . આને જ મહત્ત્વની આકાંક્ષા કહેવાય છે . લોકોને ધર્મપ્રવૃત્તિ માટે નારાજગી થતી નથી પરંતુ ધર્મપ્રવૃત્તિની સાથે ખોટી આકાંક્ષા જોડાઈ છે એ જોયા બાદ ધર્મનાં ક્ષેત્રમાં પણ નારાજગીનું વાતાવરણ ઊભું થાય છે . ધર્મ સારામાં સારો કરવો જોઈએ , ધર્મ ઊંચામાં ઊંચો કરવો જોઈએ . પરંતુ ધર્મને માધ્યમ બનાવીને પોતાની મહત્ત્વાકાંક્ષાને સંતૃપ્ત કરવાનું વલણ ના રાખવું જોઈએ . લોકોને ધર્મ પણ સમજાય છે અને લોકોને મહત્ત્વની આકાંક્ષા પણ સમજાય છે. લોકો ધર્મથી રાજી થશે પણ લોકો મહત્ત્વ – આકાંક્ષા જોશે એનાથી મનદુઃખ અનુભવશે . આપણી મહત્ત્વ – આકાંક્ષા સંઘના કોઈપણ સભ્યનાં મનમાં દુઃખ જગાડે એવું ના થવું જોઈએ .
સામૂહિક આરાધનામાં જે પણ નિર્ણય થાય , જે પણ પ્રવૃત્તિ થાય એમાં માયા એટલે કે જૂઠનો સહારો લેવાનો નથી . જૂઠ તરત દેખાતું નથી પણ થોડા વખતમાં અવશ્ય પકડાઈ જાય છે . સંઘ હોય કે મંડળ હોય , નિર્ણય પ્રક્રિયામાં ક્યાંય પણ જૂઠ્ઠું બોલવાનું નથી . ધર્મ પવિત્ર પ્રવૃત્તિ છે . જૂઠ અપવિત્ર માધ્યમ છે . એકવાર જૂઠું બોલીએ એના પછી આપણે આપણા જ જૂઠમાં કાયમ માટે ફસાઈ જઈએ છીએ . એક જૂઠની પાછળ દસ જૂઠ આવી જતા હોય છે . સમૂહ કે મંડળમાં કોઈને ખબર પડે કે તમે જૂઠું બોલ્યા છો , એ વખતે તમારી ઇજ્જતનો ફાલુદો થઈ જાય છે . તમે જૂઠું બોલ્યા એને કારણે લોકોને ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવું પણ બની શકે છે . આપણે જૂઠું બોલ્યા એનાથી સંઘના આદરણીય સભ્યોને મનદુઃખ થાય એવી સંભાવના બને જ છે . એવો ભ્રમ ક્યારેય પણ નહીં પાળતા કે તમારું બોલેલું જૂઠ નહીં પકડાય . હંમેશા પોતાની જાતને પૂછતા રહેજો કે મારું જૂઠ પકડાશે એ દિવસે મારી શું હાલત થશે ?
સામૂહિક આરાધના કે સામૂહિક નિર્ણયમાં વ્યક્તિગત મમતા વધારે અગત્યની હોતી નથી . તમને અમુક જ માણસો ગમે છે , તમને અમુક જ વ્યવસ્થાઓ ગમે છે , તમને અમુક જ સુવિધાઓ જોઈએ છે એ તમારી વ્યક્તિગત મમતા છે . જે તમને ગમે એ બધાને ગમે એવું હોતું નથી . જેનાથી તમને પ્રસન્નતા મળે એનાથી બધાને જ પ્રસન્નતા મળે એવું પોસિબલ નથી . જે સારું છે એ કરવાનું . જે ઉત્તમ છે એનો આધાર લેવાનો . તમારું મનગમતું તમે કરો , તમારું મનગમતું તમે કરાવો , તમારું મનગમતું થાય એવો તમે આગ્રહ રાખો – એ વલણ મનદુઃખનું કારણ બનતું હોય છે . તમને ગુલાબી રંગ ગમતો હોય એટલે બધાને ગુલાબી રંગ જ ગમે એવું નથી હોતું . તમને ખૂબબધા દાગીના ગમે એટલે બધાને ખૂબબધા દાગીના ગમે એવું નથી હોતું . તમને ઘોંઘાટવાળું સંગીત ગમે એટલે બધાને એ સંગીત ગમે એવું નથી હોતું . તમને હંસીમજાક ગમે એટલે બધાને હંસીમજાક ગમે એવું નથી હોતું . તમને અઘરું અઘરું ગમે એટલે બધાને અઘરું ગમે એવું નથી હોતું . તમને સહેલું સહેલું ગમે એટલે બધાને સહેલું જ ગમે એવું પણ નથી હોતું . સામૂહિક ભૂમિકાએ કંઈ નક્કી થતું હોય ત્યારે તમારી વ્યક્તિગત અભિરુચિને વચ્ચે લાવ્યા વગર નિર્ણય થાય એ બહુ અગત્યનું છે . જે નિર્ણય થયો એ તમારી વ્યક્તિગત અભિરુચિને ધ્યાનમાં રાખીને થયો છે એવું જેને જેને સમજાશે એને એને મનદુઃખ થવાનું છે . કારણકે વ્યક્તિગત અભિરુચિ બીજાબધાની પણ હોય છે . તમે પોતાની અભિરુચિ સાચવી લીધી એનો અર્થ એ થયો કે તમે સ્વાર્થી વલણ ધરાવો છો . જેનું વલણ સ્વાર્થી હોય એને લીધે અન્યને મનદુઃખ થવાનું જ છે .
આપણા વ્યવહારને કારણે બીજા લોકોનાં મનમાં દુઃખ થાય એવું નથી કરવાનું . જે સાચો છે , જે આજ્ઞા અનુસારી છે , જે ધર્મને અનુકૂળ છે એ નિર્ણય સાચો નિર્ણય ગણાય . સાચો નિર્ણય કોઈને ન ગમે એ તમારી ભૂલ નથી . પરંતુ જે નિર્ણય થયો એમાં તમારી મહત્ત્વ-આકાંક્ષા કામ કરી ગઈ કે તમારી માયામૃષા કામ કરી ગઈ કે તમારી વ્યક્તિગત મમતા કામ કરી ગઈ એવું લોકોને સમજાય ત્યારે મનદુઃખ થશે . નબળો માણસ ચૂપ રહેશે અને ગ્લાનિ અનુભવશે . મજબૂત માણસ સવાલ ઉઠાવશે . સહજ રીતે સાવધાન રહેવાનું . આપણો ધર્મ મહત્ત્વ – આકાંક્ષા , માયામૃષા અને વ્યક્તિગત મમતાઓથી મુક્ત હોવો જોઈએ . આ નિયમ સાધુ , સાધ્વી , શ્રાવક અને શ્રાવિકા , સૌને લાગુ પડે છે .
તમે જે ભૂલ કરી ન હોય એનો આક્ષેપ તમારી પર આવે ત્યારે ધીરજ ખોવાની નહીં
સાધના ત્રણ રીતે થાય છે , કાયાથી , વચનથી અને મનથી . શરીર દ્વારા શું કરવાનું છે એ નક્કી છે અને શું નથી કરવાનું એ નક્કી છે . વચનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ નક્કી છે , કેવો વચનપ્રયોગ નથી કરવાનો એ પણ નક્કી છે . શું વિચારવાનું છે એ પણ નક્કી છે અને શું નથી વિચારવાનું એ પણ નક્કી છે . કાયા માટેના નિયમો અઘરા છે તો પણ એ સમજાય છે અને એનું પાલન થાય છે . વચન માટેના નિયમો સમજમાં આવે છે અને અનુસરણ પામે છે . અઘરો પડે છે શું નથી વિચારવાનું તેનો નિયમ અને શું વિચારવાનું છે તેનો નિયમ .
કાયા ઉપર અને વાણી ઉપર આપણે બહારથી અંકુશ લગાવી શકીએ છીએ , મન ઉપર અંકુશ અંદરથી લગાવવાનો હોય છે . મન ઉપર કામ કરવાનું અઘરું છે . મન કારણ વગર દોડે છે . મન કારણ વગર ઉછળે છે . મન કારણ વગર ડાઉન થાય છે . મન કારણ વગર વિક્ષેપ પામે છે . મન હવાની જેમ બેફામ , બેલગામ છે . મન પોતાની મેળે રોકાય એવો મનનો સ્વભાવ જ નથી . મન નિમિત્ત ન મળે તો પણ વિચલિત થતું હોય છે . નિમિત્ત મળે એ પછી મન કેટલી હદે વિચલિત થાય , એનો કોઈ અંદાજ લગાવી ન શકાય . સાધના કહે છે : મન વિચલિત ન હોય એવી ધારામાં તમારે મગન રહેવાનું છે .
ક્રિયાઓ કરીએ ત્યારે ક્રિયાની એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . સ્વાધ્યાય ચાલુ હોય , સ્વાધ્યાયમાં એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . ધર્મસંવાદ ચાલતો હોય એ સંવાદમાં એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . પ્રભુભક્તિ ચાલી રહી હોય , ભક્તિમાં એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . વિષયનું આકર્ષણ મનને વિચલિત કરતું હોય છે , વિષયનું આકર્ષણ એટલું કમજોર પડી ગયું હોય કે વિષયને કારણે મન વિચલિત ના બને એ છે સાધનાની ધારા . કષાયનું તોફાન મનને વિચલિત કરતું હોય છે , કષાય નબળા પડી ગયા તે કારણે કષાયથી મન વિચલિત થતું નથી એ છે સાધનાની ધારા . મન વિચલિત થયું નથી એવી ભાવદશા લાંબા સમય સુધી ચાલતી રહે એ છે સાધનાની શક્તિશાળી અવસ્થા .
સાધનાની ધારાથી વિચલિત કરે એવો વ્યવહાર લોકો તરફથી થશે , શક્યતા છે . ખાસ કરીને આપણી માનસિક પ્રસન્નતા તૂટી જાય , આપણો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય એ રીતનું વાતાવરણ લોકો બનાવશે , એવી સંભાવના અમુક અંશે બનેલી રહેતી હોય છે . તમે પ્રસન્ન છો એ અમુક લોકોથી જોવાતું નથી . તમે તમારું જીવન શાંતિથી જીવો છો એ અમુક લોકોથી સહન થતું નથી . તમે બીજાને હેરાન કર્યા વગર પોતાની રીતે પોતાનું કામ કરતા રહો છો એ અમુક લોકો ખમી શકતા નથી . એ લોકો પોતાને મહાન્ સમજે છે અને એ લોકોને એવું લાગતું હોય છે કે જે એમના નથી એ બધા તુચ્છ છે . આ લોકો ઘણી રીતે પરેશાન કરે છે . આ લોકોની એક પદ્ધતિ હોય છે ચારિત્ર્ય પર આક્ષેપ કરવાની .
આ લોકો તમારું ચારિત્ર્ય સારું નથી એવા સમાચાર ફેલાવે છે . તમારું કેરેક્ટર કેવી કેવી રીતે ખરાબ છે એના પુરાવાઓ આ લોકો ઉપજાવી કાઢે છે . તમે કોઈ ભૂલ કરી હોય કે ના કરી હોય પણ તમે કોઈ ગંભીર ભૂલ કરી છે એવી વાતો એ વહેતી મૂકી દે છે . એમની રજૂઆત એવી હોય છે કે એમણે જે વાતો રજૂ કરી છે એને લોકો સાચી માની લે છે અને તમને શંકાની નજરે જોવા લાગે છે . તમારી માટે જે લોકો વાત ફેલાવે છે એ લોકો શિખંડીની પાછળ છુપાયેલા કાયર યોદ્ધા હોય છે . પણ એ લોકો બાણ મારવાનું ચૂકતા નથી . એમણે ફેલાવેલી વાતો તમને દુઃખી કરે જ છે . એમનાં કારણે ઘણા લોકો તમારાથી વિરુદ્ધ થઈ ગયા એવું જોઈને તમે હતાશા જરૂર અનુભવો છો . તમે દુઃખી થયા એ તમારી વિચલિત દશા છે . તમે હતાશ થયા એ તમારી વિચલિત દશા છે .
સાધકે સહન કરવાનું હોય . સાધકે લડવાનું ના હોય . આવી વાતોના ખુલાસા કરવા બેસીએ એમાં ચોળીને ચીકણું થતું હોય છે બધું . તમારે સહન કરવાનું આવશે કારણ કે તમે કોઈ એક જગ્યાએ ટોચ પર પહોંચ્યા છો . જે ઊંચાઈ પર પહોંચે છે એને વંટોળિયા વધારે સતાવે છે . તમારી પર ચારિત્ર્યગત આક્ષેપ આવે એ માનસિક ઉપદ્રવ છે . શરીર પર ઉપદ્રવ આવે છે કષ્ટ દ્વારા . મન પર ઉપદ્રવ આવે છે આવા આક્ષેપ દ્વારા . કષ્ટ આવે એને ગંભીરતાપૂર્વક સહન કરી લઈએ અને ચારિત્ર્ય પર આક્ષેપ આવે એને ધીરતાપૂર્વક સહન કરી લઈએ એ જરૂરી હોય છે . જે લોકો આક્ષેપ કરે છે , જે લોકો વાતો ફેલાવે છે એ તમારા ખુલાસા સ્વીકારવાના નથી . અને જે લોકો ખરેખર તમારા પ્રેમી છે એ આવા આક્ષેપોથી ભ્રમિત થવાના નથી .
એક વસ્તુ કન્ફર્મ કરી લેવાની કે તમે ખરેખર કોઈ ભૂલ કરી રહ્યા નથી . તમે ભૂલ કરી જ રહ્યા હો તો તમે ગુનામાં આવી ગયા છો . પછી તમારી વિરોધમાં વાર્તા બને એમાં કોઈ નવાઈ નથી . પણ તમે ભૂલ કરી નથી અને તમારી માટે ખોટી વાર્તાઓ બનાવવામાં આવે ત્યારે તમારે ખોટી વાર્તાઓના જવાબ આપવાના હોય નહીં . તમારે માનસિક ઉપદ્રવ સમજીને એ વાત ભૂલી જવાની હોય . આ જે ભૂલવાની વાત છે એ સહેજ પણ આસાન નથી . વાતો ફેલાવનારા એવી એવી વાતો ફેલાવે છે કે જેની માટે વાતો ફેલાય છે તે ભયથી બેભાન થઈ જાય . અફવાઓ ફેલાવનારા અફવાઓ ફેલાવીને છૂટા થઈ જાય છે પરંતુ જેની માટે અફવા ફેલાઈ હોય છે એ માણસ બિચારો રઘવાયો થઈ જાય છે , હેરાન પરેશાન થઈ જાય છે .
સાધકની ભૂમિકા મજબૂત હોય છે . સાધક ક્યાંક સફળ બને છે , સાધક ક્યાંક કોઈ પ્રશસ્ય પરિસ્થિતિ બનાવે છે , સાધક ક્યાંક નામના પામે છે ત્યારે સાધકને ચાહનારો વર્ગ રાજી થતો હોય છે . પણ જે વર્ગ સાધક સાથે જોડાયો નથી એ વર્ગ સાધક માટે ઈર્ષા અનુભવતો હોય છે . એ વર્ગમાં અમુક લોકોની માનસિકતા વિચિત્ર હોય છે . એ લોકોને કોઈનું સારું જોવું હોતું નથી , કોઈનું સારું બોલવું હોતું નથી . કોઈનું સારું થાય એમનાથી સહન થતું નથી . એ લોકો રજનું ગજ કરે છે . એ લોકો રાઈનો પહાડ કરે છે . એ લોકો તમારી વર્તમાનની તંદુરસ્ત ભૂમિકા જોતા નથી . એ લોકો કોઈ જૂની વાતો શોધી કાઢે છે . એ લોકો તમે રોજેરોજ શું કરો છો એની પર નજર રાખે છે . એ લોકો દર મહિને તમે શું કર્યું એની પર વૉચ રાખે છે . એ લોકો એક વર્ષમાં તમે ક્યાં ગયા અને કોને મળ્યા એનો હિસાબ રાખે છે . અને છેવટે તમારા માટે સમાચારો બનાવીને ચોતરફ વહેતા મૂકે છે . એમણે જે ફેલાવી એ વાતો લોકોને સાચી પણ લાગે છે . કહેતા ભી દિવાના , સુનતા ભી દિવાના . તમે ભૂલ કરી હોય અને તમારી ભૂલની વાત ફેલાઈ જાય એ વખતે પણ ભૂલનો બચાવ કર્યા વગર તમારે ધીરજ રાખવાની હોય . તમે ભૂલ કરી જ ના હોય અને તમારાં નામે ચડેલી ભૂલની વાત ફેલાય ત્યારે પણ તમારે ખુલાસાની ચિંતાથી મુક્ત રહેવાનું અને ધીરજ બનાવી લેવાની .
તમને થશે કે આ વાત અચાનક શું કામ યાદ આવી ? જવાબ શાંતિથી સાંભળો . સંગમ નામના દેવે ભગવાનને એક રાતમાં ઘનઘોર કષ્ટ આપ્યા હતા એ આપણે જાણીએ છીએ . આ જ દેવે ભગવાનને છ મહિના સુધી ભિક્ષા ન મળે એવું વાતાવરણ બનાવી રાખ્યું હતું આથી ભગવાનને છ મહિનાના ઉપવાસ થયા એ આપણે જાણીએ છીએ . પરંતુ છ મહિનાના ઉપવાસ દરમિયાન સંગમ દેવે ભગવાનની ઉપર ચારિત્ર્યગત આક્ષેપો આવે એવી હરકતો કરી હતી એ આપણે જાણતા નથી . સંગમ દેવને કારણે ભગવાન્ ઉપર બે પ્રકારના આક્ષેપ આવ્યા હતા . એક , ભગવાનનું ચારિત્ર્ય નબળું છે એવો આક્ષેપ . બે , ભગવાન્ દ્વારા ચોરી થઈ છે એવા આક્ષેપ . આ બંને આક્ષેપો સાચા હતા નહીં . પરંતુ સંગમે દેવતાઈ શક્તિથી વાતાવરણ એવું બનાવી દીધું હતું કે લોકોને આ આક્ષેપો સાચા લાગ્યા હતા . ચારિત્ર્યગત આક્ષેપને લીધે ભગવાનને પ્રચંડ લોકવિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ચોરીના આક્ષેપને લીધે ભગવાનને ફાંસીની સજા પણ સાંભળવી પડી હતી . આ આખી વાત આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં વિસ્તારપૂર્વક વાંચવા મળે છે . વાચકો એ ગ્રંથ ખોલીને આ વિષયને વાંચે નહીં એવી ભલામણ કરવાનું મન થાય છે . કારણ કે આ વાતો વાંચ્યા પછી મનમાં ઊંડી પીડા જાગશે કે મારા ભગવાને કેવું કેવું સહન કર્યું છે ? એ આક્ષેપો એવા વિચિત્ર હતા કે જાહેરમાં એની રજૂઆત પણ કોઈ ગુરુ ભગવંત કરતા નથી . પણ આક્ષેપ થયેલા એ પાકી વાત છે . આક્ષેપ ચારિત્ર્ય સંબંધી હતા . આક્ષેપ ચોરી સંબંધી હતા .
તમે ચારિત્ર્યસંબંધી ભૂલ કરી ના હોય તો પણ તમારી પણ ચારિત્ર્યસંબંધી આક્ષેપ આવી શકે છે , તમે ચોરી કરી ન હોય તો પણ તમારી પર ચોરીનો આક્ષેપ આવી શકે છે . તમારું ચારિત્ર્ય સારું હોય એ મહત્ત્વનું છે . તમે ચોરી ન જ કરી હોય એ મહત્ત્વનું છે . આક્ષેપ ખોટો હોય તો એ આક્ષેપ મહત્ત્વનો રહેતો નથી . આક્ષેપ કેવળ માનસિક ઉપદ્રવ છે . એનાથી વિચલિત નહીં થવાનું .
આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના વાતાવરણમાં પશુ પંખી સમુદાય પણ રહે છે . તિર્યંચ્ જીવોની અનુકંપા એટલે જીવદયા . સાધનાની યાત્રા જીવદયા વિના અધૂરી છે . સાધનાના દરેક તબક્કે જીવદયા થતી હોય છે . તીર્થંકર ભગવંતોની કથા એક પ્રેરણા અવશ્ય આપે છે : જે જે સ્તરે થઈ શકે તે સ્તરે જીવદયા કરવી જોઈએ .
+ શ્રી આદિનાથ ભગવાનને ૪૦૦ ઉપવાસ થયા કારણ કે પૂર્વભવમાં એમના આત્માએ પશુને પીડા આપી હતી . તીર્થંકરની કથા કહે છે કે પશુઓને પીડા ના આપવી જોઈએ .
+ શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથ રાજાના ભવમાં પારેવડાને દુઃખથી બચાવી લીધું હતું . તીર્થંકરની કથા કહે છે કે પશુઓને પીડાથી બચાવવા જોઈએ .
+ શ્રી નેમિનાથ ભગવાને હરણની હત્યા અટકી જાય એની માટે રાજીમતીનો ત્યાગ કર્યો અને વિવાહનો પ્રસંગ ઠુકરાવી દીધો . તીર્થંકરની કથા કહે છે કે આપણા દ્વારા પશુને પીડા પહોંચે એવું કંઈ ના કરવું જોઈએ .
+ શ્રી પાર્શ્વનાથ ભગવાને આગમાં બળી રહેલા નાગને બચાવ્યો અને એને નવકાર સંભળાવ્યો . તીર્થંકરની કથા કહે છે કે પશુને થઈ રહેલી તકલીફ શોધી કાઢવી જોઈએ અને એમને તકલીફમાંથી બચાવવા જોઈએ .
+ શ્રી મહાવીર સ્વામી ભગવાને દીક્ષાના પહેલા ચોમાસામાં પોતાની ઝૂંપડી તોડી રહેલી ગાયને રોકી નહોતી કેમ કે ગાયને બીજે ક્યાંય ઘાસ ખાવા મળતું નહોતું . તેથી એ ગાય ઝૂંપડી તોડીને ઝૂંપડીનું ઘાસ ખાવા માંગતી હતી . તીર્થંકરની કથા કહે છે કે પશુઓ ભૂખ્યા ના રહે તેનું ધ્યાન આપણે રાખવાનું છે . એક જનાવરનો જીવ શૂલપાણિ યક્ષ બન્યો હતો એનાં મનમાં રહેલા કષાયને શાંત કરવા માટે ઘોર ઉપસર્ગો સહીને પણ શ્રી મહાવીર સ્વામી ભગવાને શૂલપાણિને પ્રતિબોધ આપ્યો હતો અને એને કષાયથી બચાવ્યો હતો . તીર્થંકરની કથા એમ કહે છે કે પશુઓને પણ માનસિક શાંતિની અપેક્ષા હોય છે . શ્રી મહાવીર સ્વામી ભગવાને જ ઝેરીલા સાપના ડંખ સહીને પણ સર્પને પ્રતિબોધ આપ્યો હતો . તીર્થંકરની કથા કહે છે કે ક્રૂર પશુઓના સ્વભાવનું પણ પરિવર્તન થઈ શકે છે .
+ શ્રી મહાવીર સ્વામી ભગવાનની સેવામાં આવેલા કંબલ અને શંબલ પૂર્વ ભવમાં પશુ હતા . એમને શ્રાવકનો સત્સંગ મળ્યો હતો એને લીધે એ એ જનાવરો ધર્મપ્રેમી બન્યા અને દેવગતિ પામ્યા . તીર્થંકરની કથા કહે છે કે પશુઓ પણ ધર્માત્માના સંપર્કમાં આવીને ધર્મને અનુકૂળ ભાવનાઓ પામી શકે છે .
તમે સાધના સાથે જોડાયા છો . તમારી સાધનાની અસર વાતાવરણ ઉપર પડે છે . તમારી સાધનાથી માનવોને પણ શાંતિ મળવી જોઈએ અને જનાવરોને પણ શાંતિ મળવી જોઈએ . તમે આજ સુધી કેટલા સ્નેહીસ્વજનોને ખાવાનું ખવડાવ્યું એ વિચારો અને તમે આજ સુધી કેટલા જનાવરોને ખાવાનું પહોંચાડ્યું એ વિચારો . ઘણાબધા પશુઓને અને ઘણાબધા પંખીઓને જે ખાવાનું પહોંચાડે છે તે જીવદયાનો પ્રેમી છે . પશુપાલનનો શોખ એ અલગ મુદ્દો છે . તમને એકાદ કૂતરું પાળવાનું મન થાય એ શોખની વાત થઈ જાય . આવો શોખ ચતુષ્પદ પરિગ્રહમાં ગણના પામે છે . જીવદયાનો અર્થ એ નથી કે ચતુષ્પદનો પરિગ્રહ કરીએ . જીવદયાનો અર્થ એ છે કે પશુઓ જ્યાં રહે છે , જે રીતે રહે છે ત્યાં સહાય પહોંચાડીએ .
તમારા વિસ્તારમાં રહેનાર ગાય-બકરી-કૂતરાઓને , તમારા હાથે ખાવાનું મળે છે કે નહીં , તપાસો . તમારા વિસ્તારમાં ઉડનારા પંખીઓને તમારા થકી દાણોપાણી મળે છે કે નહીં , તપાસો . તમારાં રસોડાનાં બજેટમાં પશુપંખીઓનું ખાવાનું લિસ્ટેડ હોય છે કે નહીં , તપાસો . તમને જોઈને , તમને ઓળખી લે અને હોંશે હોંશે કાન હલાવવા લાગે એવી ગાયો કેટલી છે , તપાસો . તમને જોઈને રાજી રાજી થઈ જાય અને પૂંછડી પટપટાવવા લાગે એવા શ્વાન કેટલા છે ? તપાસો . તમે તમારા હાથે જેમને ઘાસ ખવડાવ્યું હોય એવા જનાવરોની સંખ્યા કેટલી , તપાસો . તમે તમારા હાથે જેમને ચણ નાંખી હોય એવા પંખીડાઓની સંખ્યા કેટલી , તપાસો .
પ્રાણીસંગ્રહાલયમાં બેસેલા જનાવરોને જોઈએ એ જીવદયા નથી . પાંજરાપોળ , ગૌશાળા અને પશુચિકિત્સાલયમાં જે પશુ પંખીઓ છે એમની કાળજી લઈએ તે જીવદયા છે . કતલખાને જઈ રહેલા જીવોને બચાવીએ એ જીવદયા છે . પ્રચંડ હિંસામાંથી બનેલી સાધનસામગ્રીઓનો ઉપયોગ બિલકુલ ના કરીએ એ જીવદયા છે . સાધનાનો પ્રેમી જીવદયા કરતો જ હોય . જીવદયાનો પ્રેમી સાધનાની ભૂમિકા માટે સુયોગ્ય હોય છે .
તપસ્વિ સમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ વર્ધમાન તપની મોટી મોટી ઓળીઓ કરી . ભક્તો મોટી ઓળીઓનાં પારણા પ્રસંગે મોટાં મોટાં અનુષ્ઠાનો રાખતાં . સૂરિભગવંત એમાં નિર્લેપ રહેતા . પરંતુ તેઓ દરેક અનુષ્ઠાનમાં જીવદયાની પ્રવૃત્તિ ઉત્તમ રીતે થાય એની પ્રેરણા કરતા . પરિણામે એમની નિશ્રામાં થનારા દરેક મહોત્સવમાં જીવદયા માટે ઉત્કૃષ્ટ આયોજન થતું . જેની સાધના મોટી હશે એ જીવદયા પણ મોટી જ કરાવશે .
ઔચિત્યપાલન અને અનુકંપાદાન દ્વારા ધર્મના પ્રેમીઓની સંખ્યા વધારતા રહેજો
આપણે જે દેરાસરમાં પૂજા કરીએ છીએ એની આજુબાજુમાં રહેનારા જે લોકો જૈન હોય તે જૈન સંઘમાં ગણના પામે છે , બાકીના જે લોકો છે તે જૈન નથી . આપણું કોઈપણ મોટું અનુષ્ઠાન જૈન સંઘના સભ્યોને કેન્દ્રમાં રાખીને થતું હોય છે . જે લોકો જૈન નથી એ જૈન ધર્મ માટે અહોભાવ પામે , આત્મીયતા બનાવે એવું કોઈ ટાર્ગેટ આપણે રાખતા હોતા નથી . જૈન સંઘ માટે આપણે જે કરીએ તે ભક્તિ છે . જે જૈન સંઘમાં નથી એની માટે આપણે જે કરીએ તેને ઔચિત્યદાન , પ્રીતિદાન કે અનુકંપાદાનની શ્રેણિમાં મૂકી શકાય . ભક્તિનું પાત્ર એ ઊંચું પાત્ર છે . એમની ભક્તિ સ્વરૂપે જે કરીએ તે મોટા પાયે કરીએ એવો આપણો અભિગમ હોય છે અને એ અભિગમ સાચો પણ છે . જે ભક્તિનું પાત્ર નથી કે ઊંચું પાત્ર નથી એની માટે સાવ થોડું કરી લેવાનું એવો આપણો અભિગમ બને એ સ્વાભાવિક છે . પરંતુ આ પાત્ર ઊંચું છે અને આ પાત્ર નીચું છે એ રીતે જોવાને બદલે બીજી રીતે પણ પરિસ્થિતિને જોઈ શકાય છે . એમ વિચારો કે જે ધર્મના પ્રેમી બન્યા નથી એ ધર્મના પ્રેમી બને એ માટે પણ હું ઘણો પુરુષાર્થ કરી શકું છું . જે ધર્મનો પ્રેમી નથી એ આજે આપણા લીધે ધર્મનો પ્રેમી બની શકે છે . આવતીકાલે એ ધર્માત્મા બની શકે છે . આગળ જતાં એ મોક્ષના માર્ગે દોડતો થઈ જશે . આપણે તો બસ , શરૂઆત કરાવવાની છે .
જે જૈન નથી એને આપણે અજૈન કે જૈનેતર કહીએ છીએ . આ બંને સંબોધન દ્વારા એમની માટે તુચ્છતાના ભાવ ન બને એનો વિવેક આપણે જાળવવાનો છે . જાણીતા કટાર લેખક સૌરભ શાહ લખતા હોય છે કે ‘ જૈનો , જે જૈન નથી એમને અજૈન કહે છે કે જૈનેતર કહે છે . જૈનોએ વિચારવું જોઈએ કે જે જૈન નથી એમને આ બે સંબોધન ગમે છે કે નહીં ? વૈષ્ણવો જૈનને અવૈષ્ણવ કે વૈષ્ણવેતર કહીને બોલાવતા નથી . અજૈન અને જૈનેતર આ બે શબ્દને બદલે બીજો કયો પોઝિટિવ શબ્દ વાપરી શકીએ , એ આપણે શોધવાનું છે . સભામાં ફક્ત જૈનો જ બેઠા હોય ત્યારે આ બે શબ્દો ઠીક છે . વાચક તરીકેનું ટાર્ગેટ ઓડિયન્સ ફક્ત જૈનો જ હોય ત્યારે આ બે સંબોધન ઓકે છે . બાકી જાહેર સભાઓમાં કે જાહેર મુખપત્રોમાં આ શબ્દો વાપરવાનું ટાળવું જોઈએ .
આપણા વિસ્તારમાં એવા સજ્જનો પણ રહે છે જેમનાં મનમાં જૈન ધર્મ માટે આદર જાગવાનો બાકી છે . આપણા વિસ્તારમાં એવા ગરીબો પણ વસે છે જેમનાં મનમાં જૈન ધર્મ માટે અહોભાવ જાગવાનો બાકી છે . એ ધનસંપન્ન પણ હોય , એ ડોક્ટર વકીલ કે સીએ પણ હોય . એ પાડોશી પણ હોય અને દુકાનદાર પણ હોય . એ વોચમેન પણ હોય , રસોઈયો પણ હોય , સર્વન્ટ પણ હોય , લેબર પણ હોય .
આપણાં ઘરે લગ્ન હોય ત્યારે ઘરના બધા જ પરિવારજનો માટે નવા કપડાં સીવાય છે . સાથેસાથે ઘરના નોકર અને નોકરાણી માટે પણ નવાં કપડાં આવે છે . આખું કુટુંબ નવાં કપડાં પહેરે અને નોકરનોકરાણી જૂનાં કપડામાં ફરતા હોય કેવું લાગે ? આપણને આ વ્યવહાર સમજાય છે . ધર્મ સંબંધી જાહેર પ્રસંગનું પણ કંઈક આવું જ સમજવાનું છે . આ અવસરમાં ધર્માત્માઓ આવે એ સહજ છે , આ અવસરમાં ધર્મમાં પ્રવેશ ન પામેલા જીવો પણ જોડાય એવું કંઈક કરવાનું છે .
આપણા દેરાસરઉપાશ્રયની બાજુમાં રહેનારા સુખી સંપન્ન લોકો , આપણા ધર્મના અનુરાગી બનેલા રહે એવો વ્યવહાર આપણા તરફથી થવો જોઈએ . એમને શું આપવું , એમને કેવી રીતે જોડવા , એમનાં અંતરમાં અહોભાવ કેવી રીતે જગાડવો એ આપણા હાથમાં છે . આપણા પડોશી વર્ષોથી આપણી આજુબાજુમાં રહેતા હોય અને એ આપણા ધર્મના અનુરાગી ના બન્યા હોય એ આપણી નિષ્ફળતા છે . આપણો પાડોશી જૈન બને કે ન બને , જૈન ધર્મનો પ્રેમી તો બનવો જ જોઈએ .
આપણા વિસ્તારમાં રહેનારા મધ્યમવર્ગી પરિવારોની સંખ્યા મોટી હશે . એ રોજેરોજ દેરાસરઉપાશ્રયમાં આવે એવું બનવાનું નથી . એમને રોજેરોજ દેરાસરઉપાશ્રયમાં કંઈક થઈ રહ્યું છે એ દેખાતું હશે , સમજાતું હશે . એમને આપણા ધર્મ માટે અણગમો થાય એવું કરવાનું હોય નહીં . એ આપણા ધર્મ માટે આત્મીયતા અનુભવે એવું કંઈક જરૂર કરી શકાય . મોટો પ્રસંગ આવે ત્યારે દેરાસરઉપાશ્રયની આજુબાજુમાં રહેનારા મધ્યમ વર્ગી પરિવારો માટે એવું કશુંક કરાય કે એ લોકો દેરાસર ઉપાશ્રય માટે આદરભાવ , અહોભાવ બનાવેલો જ રાખે .
આપણા વિસ્તારમાં નિયમિત રીતે જોવા મળતા ગરીબોનાં મનમાં આપણાં દેરાસર ઉપાશ્રય માટે અહોભાવ હોય એવું બની જ શકે છે . આ નાના માણસો છે , એમનાં મન નાના હોય એવું પણ બને . આપણો વ્યવહાર એવો હોય કે એમનાં મનમાં પણ દેવ અને ગુરુ માટે પૂજ્યતાના ભાવ હોય જ .
હવે વાત રહી છે નોકરોની . નોકરો દેરાસરઉપાશ્રયમાં પણ કામ કરતા હોય છે , નોકરો આપણાં ઘરમાં પણ કામ કરતા હોય છે . આપણે ત્યાં કામ કરનારા નોકરો આપણા ધર્મના પ્રેમી હોય એવું ક્યારે બને ? આપણે એમનાં મનમાં ધર્મનો અહોભાવ જગાડવાની મહેનત કરી હોય ત્યારે . આપણાં સંસ્થાનોમાં કે આપણાં ઘરમાં કે આપણી ઓફિસોમાં , દુકાનોમાં કામ કરવા વાળા નોકર એ જાણતા હોય છે કે આપણા શેઠ જૈન છે . એ નોકરો સ્વયં જૈન હોતા નથી . એમને શેઠમાં જૈન ધર્મ દેખાય છે . એમની સાથે શેઠ જે વ્યવહાર કરે છે એને કારણે એમને જૈન ધર્મ સારો લાગે છે . કોઈ મોટો પ્રસંગ ઉપસ્થિત થયો હોય ત્યારે આ નોકરોને ધાર્મિક પ્રસંગના ઉપલક્ષ્યમાં કંઈક સ્પેશિયલ મળવું જોઈએ . જે મળે તે એ રીતે મળે કે એમને આપણા ભગવાન્ સારા લાગે , આપણા ગુરુ સારા લાગે , આપણો ધર્મ સારો લાગે . એમનાં મનમાં દેવગુરુધર્મ માટે અહોભાવ જાગે અને એમનો એ અહોભાવ બનેલો જ રહે એ માટે આપણે સતત એમને ધાર્મિક પ્રસંગે કશુંક વિશિષ્ટ રીતે આપતા રહીએ . આ છે અનુકંપાદાન .
આપણા પરિવારમાં કોઈ પણ ધાર્મિક ઉજવણીનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે ઔચિત્ય પાલન સ્વરૂપે એવું કશુંક અવશ્ય કરવું જોઈએ જેનાથી આપણી આસપાસમાં રહેનારા શ્રીમંત અને મધ્યમવર્ગી સજ્જનો , આપણા ધર્મ માટે આદરભાવ અનુભવે . યાદ રાખજો , શ્રીમંત અને મધ્યમ વર્ગીને દયાદાનની આવશ્યકતા નથી . એમનાં મનમાં આપણા ધર્મ માટે અહોભાવ જાગે એવું કશુંક કરવાનું છે . જે કરીએ તે એ રીતે કરીએ કે આપણું ગૌરવ જળવાય અને એમનું સન્માન જળવાય . ઔચિત્યપાલન એ રીતે જ કરવાનું કે શ્રીમંત કે મધ્યમવર્ગી માણસને એવું ન લાગે કે કશુંક વધારે પડતું થઈ રહ્યું છે .
આપણા પરિવારમાં કોઈ પણ ધાર્મિક ઉજવણીનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે અનુકંપા દાન સ્વરૂપે એવું કશુંક અવશ્ય કરવું જોઈએ જેનાથી આપણા વિસ્તારમાં રહેનારા ગરીબો અને આપણે ત્યાં કામ કરનારા નોકરો , આપણા ધર્મ માટે વિશેષ આદરભાવ અનુભવે . અનુકંપાદાન એ રીતે થવું જોઈએ કે સાધારણ અવસ્થાનો આદમી ખરેખર સંતૃપ્તિ અનુભવે .
સો વાતની એક વાત : આપણા વિસ્તારમાં વસી રહેલા સજ્જનોનાં અને ગરીબોનાં મનમાં આપણા ધર્મ માટે અહોભાવ બને અને એમનો એ અહોભાવ વધતો જ રહે , એનું ધ્યાન આપણે રાખવાનું છે . એમનો પોતાનો ધર્મ હશે જ . એમને પોતાના ધર્મ માટે અભિરુચિ હશે જ . આપણા સુંદર વ્યવહારને કારણે એમને આપણા ધર્મ માટે ઊંડી અભિરુચિ થવી જોઈએ . જે જૈન નથી એ જૈન ધર્મનો પ્રેમી બને એવું કરવાનું છે . એ માટે ઔચિત્યપાલન પણ કરી શકાય અને અનુકંપાદાન પણ કરી શકાય .
આપણા ઉત્તમ વ્યવહારને કારણે કોઈ નવો જીવ ધર્મનો પ્રેમી બને , ધર્મનો પ્રશંસક બને , એ ઘણી મોટી વાત છે .
સાધનામાં તપ થાય છે અને તપનું પારણું થાય છે . તપનાં પારણામાં કોઈ આયોજન થાય છે . એમાં કોઈ જોડાય છે . તપનાં પારણામાં તમે કોને જોડો છો , એ તમારા પર નિર્ભર છે . શ્રી મહાવીર સ્વામી ભગવાન્ સાધક અવસ્થામાં , જ્યારે જ્યારે ઉપવાસનું પારણું કરે છે ત્યારે ત્યારે દેવતાઓ એક સુંદર આયોજન કરે છે : પંચ દિવ્ય . ભગવાન્ પારણું કરે એટલે તરત જ દેવતાઓ દિવ્ય કરે છે . પારણું થયું એ પૂર્વે કોઈ આયોજન નહીં . પારણું થયું તે સાથે જ એક આયોજન . પારણું ક્યાં થશે એ નક્કી ન હોય એટલે આયોજન ક્યાં રાખવામાં આવ્યું છે એ નક્કી ના હોય . પારણું કોણ કરાવશે એ નક્કી ન હોય એટલે આયોજન કોને ત્યાં છે એની ખબર ના હોય . પારણું ક્યાં થશે અને કોણ કરાવશે એ ખબર ના હોય એટલે પારણા પ્રસંગે કોણ આવશે એ મુદ્દો બને જ નહીં . તેમ છતાં ભગવાનનું પારણું થાય એ વખતે ઘણા બધા લોકો ભેગા થઈ જતા હોય છે . કેવી રીતે ?
મહાવીર ચરિયં ગ્રંથમાં એક શ્લોક છે : सेसो वि गामलोगो तहाविहं पेच्छिऊण अच्छरियं । विम्हिअहियऒ सहसा जिणस्सगासं समल्लीणो। દીક્ષા પછીનું પહેલું પારણું ભગવાને જ્યાં કર્યું ત્યાં ગામના બધા લોકો ભેગા થઈ ગયા . એ લોકોને પારણું થશે એની ખબર નહોતી , એ લોકોને પારણું થયું એની ખબર પડી . કેવી રીતે ? પંચ દિવ્ય દ્વારા . પંચ દિવ્યમાં શું હોય છે એ મુદ્દો નથી . પંચ દિવ્યની અસર શું હોય છે એ મુદ્દો છે . શ્લોકમાં લખ્યું છે કે પંચ દિવ્યને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા . તેઓ વિસ્મયભાવે ભગવાનની સમક્ષ ઉપસ્થિત થઈ ગયા . ભગવાનનું પારણું થયું એ વખતે જે પંચ દિવ્ય થયાં તે એક આયોજન હતું . એ આયોજન જૈન પરિવાર અને જૈન સંઘ પૂરતું સીમિત નહોતું . જે વિસ્તારમાં પારણું થયું એ વિસ્તારના બધા જ લોકો એ આયોજન દ્વારા પ્રભાવિત થયા હતા . જે ભગવાન્ સાથે ખાસ જોડાયા ન હતા એમની પર પંચ દિવ્યનાં આયોજને અસર ઊભી કરી હતી . એમનાં મનમાં ભગવાન્ માટે પ્રેમ જાગ્યો હતો . એમનાં હૃદયમાં ભગવાને કરેલાં તપ માટે અહોભાવ જાગ્યો હતો . પંચ દિવ્યનું આયોજન એવું હતું જે આ ગ્રામીણ લોકોએ જિંદગીમાં ક્યારેય જોયું નહોતું . આયોજનની અદ્ ભુતતાએ એમને પ્રભાવિત કરી દીધા હતા . આયોજનની સાથે તપનું જોડાણ હતું , ભગવાનનું જોડાણ હતું , ભગવાનની ભક્તિનું જોડાણ હતું , ભગવાનના ભક્તનું જોડાણ હતું . ગ્રામીણ લોકોને આ બધાયની માટે અહોભાવ થયો હતો .
ભગવાન્ પારણું કરે એ વખતે પંચ દિવ્ય ન થાય એવું ક્યારેય બનતું નથી . કલ્પના કરવા પૂરતું વિચારી લઈએ કે ભગવાન્ પારણું કરે એ વખતે પંચ દિવ્ય ન થાય . ભગવાન્ પારણું કરીને નીકળી જાય . પછીનું દૃશ્ય કેવું બને ? ભગવાનની અને પારણાની કોઈને ખબર જ ના પડે . કોઈનાં મનમાં અહોભાવ ના બને . જે ધર્મથી અજાણ હતા એ ધર્મથી અજાણ જ રહે . જે ભગવાનથી દૂર હતા એ ભગવાનથી દૂર જ રહે . જે તપના વિષયમાં અજાણ હતા એ તપના વિષયમાં અજાણ જ રહે . લોકોને તપધર્મનો ડંકો સાંભળવા મળ્યો નહોતો એ સાંભળવા પણ ના મળે . પંચ દિવ્યના અભાવમાં હજારો હજારો ગ્રામીણ લોકો અહોભાવનાથી વંચિત રહી જાય . એમનાં મનમાં ભગવાન્ માટે ભક્તિ ભાવ જાગે એવી સંભાવનાને પૂર્ણવિરામ લાગી જાય .
પંચ દિવ્ય એ દેવતાઈ ઔપચારિકતા નથી . પંચ દિવ્ય એ દેવતાઈ અનુમોદના છે . વીતરાગ સ્તોત્રનો શ્લોક યાદ આવે છે : सर्वेषाम् अर्हदादीनां यो योऽर्हत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं ।। આનો અર્થ એ છે કે અરિહંત ભગવંતમાં વસેલા ગુણોની હું અનુમોદના કરું છું . પંચ દિવ્ય દેવતાઓ કરે છે . દેવતાઓ ભગવાનને ગોચરી વહોરાવી શકતા નથી . કારણ કે દેવપિંડ અકલ્પ્ય હોય છે . ભગવાનનો એક ત૫ પૂરો થયો તે પારણું . અને ભગવાન્ આવતીકાલથી બીજો તપ શરૂ કરશે એનું અત્તરવાયણું . આ બંનેની જાણ દેવતાઓને હોય છે . દેવતાઓ પ્રભુના તપધર્મની અનુમોદના સ્વરૂપ ભક્તિભાવના આનંદમાં ઉત્સાહિત થઈને પંચ દિવ્ય કરતા હોય છે .
ભગવાન્ જેનાં ઘરે પારણું કરવા પધારે છે એને ભગવાનનાં તપની ખબર હોતી નથી , એને ભગવાનનું પારણું અને અત્તરવાયણું છે એનો અંદાજ હોતો નથી . અચાનક આવેલા ભગવાનને એ પોતાની પાસે જે હોય એ આપી દે છે . ભગવાન પારણાનાં સ્થળે વધારે સમય વિતાવ્યા વગર તુરંત ત્યાંથી નીકળી જાય છે . ભગવાન્ આવ્યા , પારણું થયું અને ભગવાન્ નીકળી ગયા . થોડી મિનિટોમાં બધું જ પૂરું થઈ જાય છે . માનવલોક મોટી અનુમોદનાથી વંચિત રહી જાય એવું બનત પણ પંચ દિવ્ય થાય છે એનાથી પારણું કરાવનારને અહેસાસ થાય છે કે આ પ્રભુ છે , પ્રભુને તપ ચાલે છે અને પ્રભુનાં તપનું આજે પારણું છે . પંચ દિવ્ય થાય છે એનાં જ કારણે તે વિસ્તારના લોકોને ધ્યાનમાં આવે છે કે આપણા વિસ્તારમાં પ્રભુ પધાર્યા છે , પ્રભુને પારણું થયું છે . જે ભક્ત ન હોય એ ભક્ત બને છે , જે પ્રેમી ન હોય એ પ્રેમી બને છે , જે અનુમોદના ન કરવાના હોય એ સૌ અનુમોદના કરવા લાગે છે . પારણા પ્રસંગે આયોજન કેવું કરાય એનું માર્ગદર્શન પંચ દિવ્ય પાસેથી મળે છે .
પારણા પ્રસંગે ભગવાનની ભક્તિ કરવી જોઈએ , તે કરીએ છીએ . ગુરુની ભક્તિ કરવી જોઈએ , તે કરીએ છીએ , સંઘની ભક્તિ કરવી જોઈએ , તે કરીએ છીએ . ગુરુ અને સંઘ તપને સમજે છે . તપની અનુમોદનાનું માહાત્મ્ય જાણે છે તેથી તપની અનુમોદના સાચા દિલથી કરે છે . પારણા પ્રસંગે અનુકંપા પણ કરવી જોઈએ . અનુકંપા એ રીતે કરવાની કે જ્યાં અનુકંપા થાય ત્યાં લોકોનાં હૃદયમાં ભગવાન્ માટે ભક્તિના ભાવ જાગે અને તપ માટે અનુમોદનાના ભાવ જાગે . દેવગુરુ અને સંઘની ભક્તિમાં ઉપેક્ષા ભાવ રાખવો એવી કોઈ વાત નથી . દેવ ગુરુ અને સંઘની ભક્તિ એ આપણો કૃતજ્ઞ ભાવ છે . ભગવાન્ ધર્મના દાતા છે . ગુરુ ધર્મના માર્ગ દર્શક છે . સંઘ , ધર્મનો આરાધક છે તો દેવગુરુ અને સંઘની ભક્તિ દ્વારા આપણે ધર્મ તત્ત્વનું પૂર્ણ સન્માન કરીએ છીએ . એ સન્માન જેટલું કરો એટલું ઓછું . એ સન્માનમાં કોઈ કમી આવવી ન જોઈએ .
મેનેજમેન્ટ એમ કહે છે કે જે કામ નિયમિત કરતાં હોઈએ એ સારામાં સારી રીતે કરો અને જે કામ કરવાનું બાકી રહી જતું હોય એની પર વિશેષ ધ્યાન આપો . અનુકંપાનાં કાર્યની અસર શું છે તે જુઓ . આપણે ગરીબ માણસની અનુકંપા કરીશું . એને ખબર પડશે કે આ જૈન ધર્મના લોકો દ્વારા આપણી માટે કંઈક કરવામાં આવ્યું છે . એ લોકો જૈન ધર્મ માટે અહોભાવ બનાવશે , આત્મીયતા બનાવશે . એ લોકો મહાવીર સ્વામી ભગવાનનું નામ જાણતા હોય છે એ રીતે એ લોકો ભગવાન્ માટે અહોભાવ બનાવશે . એ લોકો જૈન ધર્મમાં તપસ્યા થતી હોય છે એ વાત જાણતા હોય છે તો જે તપસ્યા થઈ એ તપસ્યા માટે આદરભાવ બનાવશે . એમને ખાવાનું મળતું નહોતું . આપણે ખાવાનું આપ્યું . એમને મીઠાઈ મળતી નહોતી . આપણે મીઠાઈ આપી . એમને કપડાં મળતાં નહોતાં , આપણે કપડાં આપ્યાં . એમની પાસે ધાબળા સ્વેટર નહોતાં , આપણે ધાબળા સ્વેટર આપ્યા . એમની પાસે અમુક સગવડ નહોતી . આપણે સગવડ કરી આપી . તેમની પાસે અમુક વ્યવસ્થા નહોતી . આપણે વ્યવસ્થા ગોઠવી આપી . એમની તકલીફ ઓછી થાય એવું કંઈક આપણે કરી આપ્યું એ અનુકંપા છે . એમને એનાથી સારું લાગે છે . એમને જેનાથી સારું લાગ્યું એની માટે એમનાં મનમાં પ્રેમની લાગણી જાગે છે . ધર્મથી દૂર હોય એવા આત્માઓનાં મનમાં ધર્મ માટે થોડી ઘણી લાગણી જગાડીએ એને બોધિબીજ કહેવામાં આવે છે . પંચ દિવ્યનું આયોજન બોધિબીજનાં વાવેતર કરતું હશે એવું અનુમાન આપણે કરી શકીએ . જે ધર્મના પ્રેમી છે એ ધર્મની અનુમોદના કરે એ સહજ છે . જે ધર્મના પ્રેમી નથી એ લોકો પણ ધર્મની અનુમોદના કરે એ નવું છે . જે નવું છે એ થવું જ જોઈએ .
આપણે ત્યાં કોઈપણ પારણાંનો પ્રસંગ આવે ત્યારે દેવ , ગુરુ અને સંઘની ભક્તિની મુખ્યતાને પૂરેપૂરી જાળવવા પૂર્વક એવી અનુકંપા કરી શકીએ છીએ જેનાથી સેંકડો કે હજારો દુઃખી જીવોનાં હૈયામાં ભગવાન્ માટે અને ધર્મ માટે અહોભાવ જાગી ઊઠે . જે ધર્મ સાથે જોડાયા છે એમની આગતા સ્વાગત કરીએ એ ભક્તિ છે . આ ભક્તિ તો કરવાની જ છે . જે ધર્મ સાથે જોડાયા નથી એમને ધર્મની પ્રશંસા કરવાનું મન થાય એ રીતે પ્રીતિદાન કરીએ કે દયાદાન કરીએ એ અનુકંપા છે . આપણા ઉત્તમ વ્યવહારને કારણે કોઈ નવો જીવ ધર્મનો પ્રેમી બને , ધર્મનો પ્રશંસક બને , એ ઘણી મોટી વાત છે . તપનાં પારણાંનું આયોજન એવું કરજો કે નવા જીવો ધર્મના પ્રેમી બને . સાધના સૌને જોડવામાં માને છે .
( પંચ દિવ્યમાં દેવતાઓ દ્વારા આ પાંચ પ્રવૃત્તિ થતી હોય છે :
૧ . આકાશમાં અહો દાનં અહો દાનં એવી ઉદ્ ઘોષણાઓ થાય .
૨ . આકાશમાં દેવતાઓ દુંદુભિનાદ કરે એટલે કે નગારા વગાડે .
૩ . આકાશમાંથી સોનાના સિક્કાનો વરસાદ થાય .
૪ . આકાશમાંથી મોંઘેરા વસ્ત્રોનો વરસાદ થાય .
૫ . આકાશમાંથી સુગંધિત જળનો છંટકાવ થાય . )
દુઃખ આવે છે . દુઃખ સહન થતું નથી પણ સહન તો કરવું જ પડે છે . દુઃખ આવે એ વખતે મન હેરાન થઈ જાય છે . દુઃખ રડતાં રડતાં સહન કરીએ એવી માનસિકતા સાધકને શોભે નહીં . દુઃખ આવે ત્યારે હિંમત રાખીને દુઃખ સહન કરવું એ સાધકનું કામ છે . સામાન્ય આદમી દુઃખ આવે છે ત્યારે અંદરથી ઢીલો પડી જાય છે . સાધક દુઃખ આવે છે ત્યારે અંદરથી પોતાને મજબૂત કરે છે . સામાન્ય આદમી દુઃખના સમયમાં જે વિચાર બનાવી શકતા નથી એ વિચાર સાધક બનાવતા હોય છે . દુઃખ સહન કરવા બાબતે પાંચ વિચાર છે . વિચારો અઘરા છે , આપણે ના પણ બનાવી શકીએ . સાધકો આ વિચારોને અપનાવે છે અને આગળ વધે છે એટલે આ વિચારો સમજવા જરૂરી છે .
પહેલો વિચાર : તમને જે દુઃખ આવ્યું છે એ તમારે સહન કરવાનું જ છે . આવેલું દુઃખ સહેલું લાગે એ માટે એક કામ કરો . જે સહન કરી રહ્યા છો એના કરતાં વધારે મોટું દુઃખ થોડાક સમય માટે સહન કરો . અને પછી વર્તમાન દુઃખની પાસે પાછા આવી જાઓ . દાખલા તરીકે , ઠંડીની મોસમમાં તમને તમારા ઓરડામાં ઠંડી ઘણી લાગે છે . તમે થોડી મિનિટ માટે રૂમની બહાર નીકળો . બહાર ખુલ્લામાં જે વધારે પડતી ઠંડી છે એમાં થોડો વખત ઉભા રહો . એ સુસવાટાભરી ઠંડી સહન નથી થતી એવું લાગે એટલે તરત ઓરડામાં પાછા આવી જાઓ . બહારનો કડાકો સહન કરીને તમે અંદર આવ્યા એટલે તમને અંદરનો ઓરડો હૂંફાળો લાગશે . તમને એમ થશે કે બહાર જેવી ઠંડી હતી એવી ઠંડી અંદર નથી . પહેલાં તમને એમ લાગતું હતું કે ઓરડામાં ઘણી ઠંડી છે , હવે તમને એમ લાગશે કે ઓરડામાં ઓછી ઠંડી છે . મોટું દુઃખ સહન કરી લીધા પછી નાનું દુઃખ સહન કરીએ ત્યારે નાનું દુઃખ સહેલું લાગે છે . તમે જે દુઃખ સહન કરો છો એ તમને મોટું લાગે છે કારણ કે તમને મળેલાં દુઃખ કરતાં વધારે મોટું કોઈ દુઃખ હોય છે એવું તમે વિચારતાં નથી . તમને મળેલાં દુઃખ કરતાં કોઈ મોટું દુઃખ હોય છે એની તમને ખબર હોય ત્યારે , તમે પેલાં મોટા દુઃખથી બચી ગયા છો એમ વિચારીને રાહત અનુભવી શકો છો . એ રાહત વર્તમાન દુઃખને સહન કરવામાં સહાયક બની શકે છે . મકાનમાં ઘણી ગરમી લાગતી હોય તો સાધક તડકામાં ઉભો રહીને પાછો આવે છે . જેટલી ગરમી તડકામાં લાગે છે એટલી મકાનમાં નથી લાગતી એમ વિચારીને સાધક મકાનની ગરમીને સહન કરી લે છે . મોટાં દુઃખની પછી આવેલું નાનું દુઃખ પોતાની તીવ્ર અસરકારકતા ગુમાવી દેતું હોય છે .
બીજો વિચાર : તમે જે દુઃખ સહન કરી રહ્યા છો એના કરતાં વધારે મોટું દુઃખ જેણે જેણે સહન કર્યું હોય એને યાદ કરો . તમને આશ્વાસન મળશે કે દુઃખ એકલું તમને જ આવ્યું છે એવું નથી , દુઃખ એમને પણ આવ્યું છે . તમને પ્રેરણા મળશે કે હું જે સહન કરું છું એ તો ઠીક છે પણ એમણે જે સહન કર્યું એ તો બહુ ખતરનાક હતું . ખુલ્લા પગે ચાલતાં હોઈએ અને પગમાં છાલા પડી જાય ત્યારે દીનતા આવી જવાની સંભાવના છે . આ વખતે શાલિભદ્રજીએ વૈભારગિરિ ઉપર જે અનશન સ્વીકારેલું એ યાદ કરવાનું . એમના જેવા મહાપુરુષોએ જે ત્યાગ કર્યો અને પછી જે સહન કર્યું એ યાદ કરવાથી તમને તમારી સાથે જોડાયેલું દુઃખ સહન કરવાની નવી હિંમત મળે છે .
ત્રીજો વિચાર : દુઃખ સહન કરવાથી કર્મ તૂટે છે એ આપણે જાણીએ છીએ . દુઃખ થોડું સહન કરીશું તો કર્મ થોડું તૂટશે . દુઃખ ઘણું સહન કરીશું તો કર્મ ઘણાં તૂટશે . આપણી સ્વ ઈચ્છાથી આપણે મોટું દુઃખ સહન કરવા તૈયાર થવાના નહોતા . આપણે નાનું નાનું દુઃખ સહન કરી કરીને આપણી સાધનામાં સંતૃપ્તિ માની લેવાના હતા . પણ મોટું દુઃખ આવી પડ્યું . હવે શું કરવાનું ? મોટું દુઃખ આવે ત્યારે મનને સમજાવવાનું કે જેમ જેમ દુઃખ સહન કરીશું તેમ તેમ કર્મ તૂટશે . બોલાવ્યા વગર આવેલું દુઃખ વધારે પીડા આપે છે . વધારે પીડામાં મન સમાધિ જાળવી શકે એવો અંતરંગ પુરુષાર્થ કરવાનો . મનને કહેવાનું : જે કર્મ હું સ્વ ઈચ્છાથી ખપાવવાનો ન હતો એ કર્મ હવે હિંમત જાળવીને ખપાવીશ . મારાથી સહન થતું નથી એ વાત સાચી છે પરંતુ હું જે સહન કરું છું એ મારાં કર્મોનો નાશ જ કરે છે . આથી હું દુઃખમાં દીનતા બનાવું , લાચારી અનુભવું એ ના ચાલે . દુઃખ સહન કરતી વખતે જે લાચારીનો અનુભવ કરે છે એની કર્મનિર્જરા કમજોર પડી જાય છે . દુઃખ સહન કરતી વખતે જે લાચારીનો અનુભવ કરતો નથી એની કર્મનિર્જરા પ્રચંડ થઈ જાય છે .
ચોથો વિચાર : આગમસૂત્રોમાં એવું લખ્યું છે કે સમકિતી જીવ નરકમાં હોય અને નરકની પીડા વેઠતો હોય એ વખતે એનાં મનમાં સતત એક વિચાર ચાલતો હોય : મારાં જીવનમાં આટલાં મોટાં દુઃખ આવી પડ્યાં છે . પાપ કર્યાં ન હોય તો દુઃખ આવે જ નહીં એ નક્કી છે . જો દુઃખ આટલું મોટું આવ્યું છે તો આ દુઃખ જે પાપને કારણે આવ્યું છે એ પાપ કેટલું મોટું હશે ? આગમસૂત્રની આ વાત પરથી જે વિચાર મળે છે તેને સાધક હંમેશા જીવતો રાખે છે . મને મોટાં મોટાં દુઃખ સહન કરવા પડે છે એનાથી એ સમજી શકાય છે કે મેં ભૂતકાળમાં પાપો મોટાં મોટાં કર્યા છે . મેં મોટાં મોટાં પાપો કર્યાં ન હોત ને , તો આટલાં મોટાં દુઃખ આવત જ નહીં . ભૂતકાળમાં મેં જે જે પાપો કર્યા છે એ બધાં પાપોનો મને ઘણો જ પસ્તાવો થાય છે . મેં પાપો મોટાં જ કર્યા છે તો દુઃખ તો મોટાં જ આવશે ને ? હે જીવ , હવે તું ડાહ્યો થઈને સહન કરી લે . ફરીથી નવાં પાપો બાંધીશ અને ભવિષ્યમાં એ પાપો ફરીથી દુઃખો લાવશે . હું જૂનાં પાપોની માફી માગું છું . હું નવાં પાપો રસપૂર્વક કરીશ નહીં એવો સંકલ્પ લઉં છું . આ આખી વિચાર પ્રક્રિયામાં મન જોડાય એનાથી દુઃખને સહન કરવાની નવી શક્તિ મળે છે .
પાંચમો વિચાર : મારે મોક્ષમાં જવું છે . મોક્ષ કયા ભવમાં મળશે , ખબર નથી . મોક્ષ કેવી રીતે મળશે હું જાણતો નથી . એટલું જરૂર સમજાય છે કે કર્મનિર્જરા જેટલી વધારે હોય એટલો ઝડપથી મોક્ષ મળે છે . અત્યારે જે દુઃખ મારી સમક્ષ આવ્યું છે એ દુઃખ દ્વારા જે કર્મનિર્જરા થવાની છે એ કર્મનિર્જરા મને મારા મોક્ષની નજીક પહોંચાડવાની છે . હું જેમ જેમ દુઃખ સહન કરીશ એમ એમ મારો મોક્ષ નજીક આવતો જશે . દુઃખ ઘણી પીડા આપે છે , એ પીડા સહન કરવી મુશ્કેલ છે એ સમજાય છે . એ દુઃખને લઈને વિચાર બનાવો કે હું દુઃખ સહન કરું છું એનાથી કર્મનિર્જરા થાય છે , કર્મનિર્જરા દ્વારા મારો મોક્ષ નજીક આવે છે . મારે વહેલામાં વહેલી તકે મોક્ષમાં પહોંચવું હોય છે માટે હું મારામાં જેટલી હિંમત હશે એ તમામ હિંમતને કામે લગાડી દઈશ અને આ દુઃખને સહન કરીશ .
દુઃખ સહન કરવાની ક્ષમતા બધામાં હોતી નથી . દુઃખ સહન ન થાય એવું બનતું હોય છે . આપણે દુઃખ સહન ન કરીએ એનો અર્થ એ નથી કે આપણી અંદર પડેલાં કર્મો ખતમ થઈ ગયાં . એ કર્મો આજે દુઃખ નહીં આપશે તો ભવિષ્યમાં દુઃખ આપશે . આજે સાવધાનીથી સહન કરી લઉં , કર્મો ખપાવી લઉં એનાથી મને લાભ જ લાભ છે . સાધક દુઃખમાં મન પ્રસન્ન રહી શકે એવી રીતે અંતરંગ પુરુષાર્થ કરે છે . દુઃખ વખતે મનને બહુ બહુ બહુ સમજાવવું પડે છે . મન સમજવામાં ઘણો ઘણો ઘણો સમય લે છે . એકવાર મન સમજી ગયું એ પછી દુઃખની તાકાત તૂટી જતી હોય છે . આ પાંચ વિચારો દુઃખની તાકાતને તોડવામાં ઘણા ઉપયોગી બને છે .
આપણે લોકોને ધર્મમાં જોડીએ છીએ . લોકોને જોડવાપૂર્વક ધર્મ કરવાનો થાય છે એ વખતે આપણે પોતે પણ ધર્મ સાથે પૂરેપૂરા જોડાયેલા રહીએ એ જરૂરી હોય છે . જે ધર્મ કરવો છે તે સૌથી પહેલાં પોતાની જાત માટે કરવો છે . પ્રભુભક્તિ કરવી છે તો હું ભગવાનમાં ડૂબું એની માટે કરવી છે . ગુરુભક્તિ રૂપે જે પણ કરવું છે તેમાં ગુરુ ભગવંત સાથે જોડાયેલા રહેવું છે એ વધારે અગત્યનું છે . આપણે આપણા પ્રભુની સમક્ષ હોઈએ , આપણે આપણા ગુરુની સમક્ષ હોઈએ એ આનંદની ક્ષણો છે . આપણે રાખ્યું સામૂહિક આયોજન . આપણે ભગવાનની સામે હતા ત્યારે આપણે ઘણા બધા લોકોને બોલાવીને તૈયાર રાખ્યા હતા . આપણે ગુરુની સમક્ષ હતા ત્યારે આપણે ઘણાબધા લોકોને બોલાવી ચૂક્યા હતા . હવે ત્રિકોણ રચાય છે . તમે છો . તમારા ભગવાન્ છે , તમારા બોલાવેલા મહેમાન છે . તમે છો , તમારા ગુરુ છે અને તમારા બોલાવેલા મહેમાન છે . તમારે નક્કી કરવાનું છે કે તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ .
બને છે શું એ તમે જુઓ . તમે ત્રણ કલાક ભગવાનમાં ડૂબેલા રહો એવું અનુષ્ઠાન તમે રાખ્યું જ હતું . મહેમાન આવ્યા હતા. તમે મહેમાનોને ભગવાન્ સાથે જોડવામાં રહ્યા આથી તમે ભગવાન્ સાથે જોડાયા ફક્ત ૧૫ થી ૨૦ મિનિટ માટે . બાકીનો સમય તમે ભગવાનથી થોડા અલગ રહ્યા . બાકીનો સમય તમે ભગવાનને બદલે મહેમાનનો વિચાર વધારે કર્યો . આવું ન થયું હોય એમ પણ બને . આવું થયું હોય એમ પણ બને . મહેમાનોને જોડતી વખતે તમે ભગવાનમાં ડૂબેલા રહ્યા એ પરિસ્થિતિ આવકાર્ય છે પરંતુ મહેમાનોને જોડતી વખતે તમે મહેમાનોમાં ડૂબેલા રહ્યા અને ભગવાનમાં ડૂબવાનું ચૂકી ગયા એ પરિસ્થિતિ આવકાર્ય નથી .
તમે ગુરુ ભગવંતને ઘરે પધરાવ્યા . સાથે તમે મહેમાનોને પણ બોલાવ્યા . મહેમાનો એ જ હતા જે બારે મહિના તમને તમારાં શહેરમાં જોવા મળે છે . ગુરુ ભગવંત પહેલીવાર પધાર્યા છે અને બીજી વખત પધારશે કે નહીં એ ખબર નથી . તમારું ધ્યાન ગુરુ ભગવંત ઉપર જ હોવું જોઈએ . શું ખરેખર જેવું બને છે ? તમે ગુરુ ભગવંતને બોલાવ્યા પણ તમારું સો ટકા ધ્યાન ગુરુ ભગવંત ઉપર રહે એવું ન બન્યું . તમારું અડધોઅડધ ધ્યાન મહેમાનો ઉપર રહ્યું . આવું ન થયું હોય એમ પણ બને . આવું થયું હોય એમ પણ બને . ઘરે ગુરુ ભગવંત હતા અને તમે મહેમાનો સાથે જોડાયેલા રહ્યા . કેવું કહેવાય ? મહેમાનો પછી મળી શકતા હતા , ગુરુ ભગવંત પછી ક્યાં મળવાના હતા ?
લોકોને બિલકુલ જોડવા જ નહીં એવી વાત નથી . લોકો આવ્યા હોય એ બેઠેલા જ રહે અને બધું આપણે જ કરી લઈએ એવા સ્વાર્થભાવની પણ વાત નથી . વાત છે એકાગ્રતા બનાવી રાખવાની . લોકો હોય નહીં એ વખતે જેવી એકાગ્રતા બને એવી એકાગ્રતા લોકો હોય એ વખતે ન બને . તમારો ધર્મ તમને એકાગ્ર બનાવે એવો હોવો જોઈએ . ધર્મ તમારો હોય છે અને તમારી ગોઠવણને લીધે તમારી એકાગ્રતા અધૂરી રહી જાય છે . આવી ભૂલ થવી ના જોઈએ . પેથડ શાહની પુષ્પ પૂજા યાદ છે ? પાછળ રાજા આવીને બેસી ગયો હતો . પરંતુ પેથડ શાહ ભગવાનમાં જ ડૂબેલા રહ્યા . આપણે મહેમાનોને બોલાવીએ છીએ એ પછી અનુષ્ઠાનના સમયે ભગવાનમાં જ ડૂબેલા રહીએ છીએ એવું બને છે કે નહીં એ તપાસતા રહો . ઘણાબધા લોકો ભેગા થાય એ કોઈ રીતે ખોટું નથી . ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં કશું ખોટું થઈ રહ્યું છે એવું માનવાની જરૂર નથી . જ્યાં ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં કોઈ ગડબડ છે એવું વિચારવાની જરૂર નથી . જ્યાં ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં પોલંપોલ ચાલતી હોય છે એવી અફવાઓ બનાવવાની જરૂર નથી . જ્યાં ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં પણ બધું સરસ જ થતું હોય છે .
ઘણાબધા લોકો ભેગા થયા એ ભૂલ છે એવું નથી . જ્યારે ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યારે આપણે એકાગ્રતા બનાવી શકતા નથી એ ભૂલ છે . એ વાત એક દલીલ તરીકે સાચી છે કે પેથડશાની પુષ્પપૂજા એ વ્યક્તિગત વાત હતી , એ સામૂહિક પ્રસંગ નહોતો . પરંતુ પેથડશા એકાગ્રતાને કેટલું બધું મહત્વ આપતા હતા એ આપણને સમજાય છે . જ્યારે જે ધર્મ કરીએ તે એકાગ્રતાપૂર્વક જ કરીએ , આ નિયમ બનાવી લો એમ પેથડ શાહ સમજાવે છે .
આપણે વ્યાખ્યાન સાંભળીએ છીએ ત્યારે સામૂહિક શ્રવણ થતું હોય છે પરંતુ એકાગ્રતા ગજબનાક બનતી હોય છે . આપણે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે પણ આવી જડબેસલાક એકાગ્રતા આપણાં મનમાં બનાવી રાખીએ એ બહુ જરૂરી છે . અનુષ્ઠાનની વિધિઓ ચાલતી હોય એ વખતે આપણે મહેમાનોને , આવો બેસો – આવો બેસો એમ કહેતાં રહીએ છીએ . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? અનુષ્ઠાનની ભક્તિપૂર્ણ ક્ષણોમાં , જમવાનું કેટલી વારમાં બનશે – એવા વાહિયાત પ્રશ્નોમાં ફસાયેલા રહીએ છીએ . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? અનુષ્ઠાનમાં જે આવ્યા નથી એ કેમ નથી આવ્યા એના વિચારો કરતા રહીએ છીએ , અનુષ્ઠાનમાં જે આવ્યા છે એમની સગવડો બરોબર સચવાઈ છે કે નહીં એની ચિંતામાં રહીએ છીએ . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? જે મહેમાન ઘણા વખતે આવ્યા હોય એમને જોઈને હરખનો ઉમળકો જાગતો હોય છે . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? આવી ઝીણી ઝીણી વાતો બને છે જેમાં પ્રશ્ન એકસરખો રહે છે કે શું એ બધું ભગવાન્ સાથેની એકાગ્રતા છે ?
સંઘનાં સ્તરે કાર્યક્રમ હોય ત્યારે સંઘ આવે છે , વ્યક્તિગત અનુષ્ઠાન હોય ત્યારે મહેમાન આવે છે . બંને વખતે જે લોકો આવે છે તેઓ ભગવાનની ભક્તિ માટે જ આવે છે એટલે કે ભક્ત બનીને જ આવે છે . જે ભક્ત બનીને આવ્યા હોય એ એટલું તો સમજતા જ હોય છે કે તમે ભગવાનની ભક્તિમાં બેઠા છો . તમારી ભક્તિની એકાગ્રતામાં વિક્ષેપ ઊભો ના થવો જોઈએ એની માટે એ સ્વયં જાગૃત હોય છે . એ ચૂપચાપ આવે છે અને પાછળ બેસી જ જાય છે . પરંતુ તમે તમારી એકાગ્રતામાં વિક્ષેપ આવે , એની માટે સામે ચાલીને ઉત્સાહિત રહો છો . સમજાયું તમને ?
અનુષ્ઠાનમાં બેસતાં પહેલાં તમે દરેક કામને જુદા પાડી દો અને એક એક કામની જવાબદારી એક એક માણસને સોંપી દો . આનો ફાયદો તમને જ મળશે . તમારે અનુષ્ઠાન સિવાય બીજા કોઈ વિચારો કરવાના રહેશે નહીં . તમારે જેને જે કામ સોંપવાના છે એ સોંપ્યા નહીં હોય એનાં કારણે બનશે એવું કે ચાલુ અનુષ્ઠાનમાં તમારે બીજાં બીજાં કામની વાતો કરવી જ પડશે . એ વાતો ભગવાન્ સાથેની એકાગ્રતાને તોડશે . ભગવાનમાં ડૂબેલા રહેવું છે એવો સંકલ્પ રાખીને જ તમારે આયોજન કરવાનું હોય . ભગવાન્ સાથેની એકાગ્રતા બનાવી ન શકીએ એવી રીતે અનુષ્ઠાનનું આયોજન કરવામાં આપણને ખરેખર શું લાભ થાય છે ? વિચારવું જોઈએ . એકાગ્રતા બનાવવાનું શીખો . એકાગ્રતા બનાવવાનું લક્ષ્ય રાખો . વ્યવસ્થા જ એવી ગોઠવો કે એકાગ્રતામાં ભંગ પડે નહીં . ભગવાન્ સાથે એકાગ્રતા સાધવાના મુદ્દે પેથડશાને તમારા ગુરુ બનાવી લો .
સિદ્ધગિરિરાજ ઉપરથી સાડા આઠ કરોડ મહાત્માઓ મોક્ષમાં ગયા એમ સાંભળીએ ત્યારે સાડા આઠ કરોડનો આંકડો આપણને ગમે છે . આંકડો મોટો છે એટલે વાત મોટી થઈ ગઈ . આપણી આ માનસિકતા છે . સિદ્ધગિરિરાજ ઉપરથી એક મહાત્મા મોક્ષમાં ગયા એમ સાંભળીએ ત્યારે સાડા આઠ કરોડનો આંકડો નથી . આંકડો એકનો છે . આંકડો નાનો છે એટલે શું વાત નાની થઈ ગઈ ? ના . વાત નાની નથી થઈ . આપણે એમ જ કહીશું કે આત્મા મોક્ષમાં જાય એ વધુ અગત્યનું છે . એક આત્મા મોક્ષમાં ગયો તો શું થયું ? મોક્ષમાં ગયો ને , એ જ મહત્ત્વપૂર્ણ છે .
મોક્ષમાં , સાડા આઠ કરોડ આત્મા જાય કે એક આત્મા જાય . મોક્ષ મોટી ઘટના છે . મોક્ષ મળ્યો એ વાત પહેલા નંબરે આવે . મોક્ષ કેટલા લોકોને મળ્યો એની આંકડાકીય માહિતી બીજા નંબરે આવે . સાડા આઠ કરોડ આત્માઓનાં મોક્ષગમન વખતે આપણે એમ બોલીએ કે અહોહોહોહોહો , આટલા બધા આત્માઓ મોક્ષમાં ગયા . એક આત્માનાં મોક્ષ ગમન વખતે આપણે એમ બોલીએ કે આ તો ફક્ત એકને જ મોક્ષ મળ્યો . પહેલા આંકડાને અહોહોહોહોનું સંબોધન મળે અને બીજા આંકડાને ફક્તનું સંબોધન મળે . આવો ભેદભાવ બને એ ભૂલ છે .
આપણા ધર્મ સાથે ઘણા બધા લોકો જોડાય એ ખુશીની વાત છે . વધુમાં વધુ લોકો જોડાયા એને કારણે એ સૌનું ભલું થયું એ પણ ખુશીની વાત છે . જે જોડાયા છે એમને ફરીથી જોડાવાનું મન થાય એવી સુવિધા મળી એ પણ આનંદની વાત છે . પ્રશ્ન એ છે કે હું જે જે આરાધના કરું છું એ શું લોકોને રાજી રાખવા માટે કરું છું કે લોકોને પ્રભાવિત કરવા માટે કરું છું કે લોકોની વચ્ચે ડંકો વગાડવા માટે કરું છું ? આનો જવાબ શોધી કાઢો . તમને ભૂખ લાગે છે . તમે જમવા બેસો છો . એ વખતે તમે જમી રહ્યા છો એની લોકોને ખબર પડવી જોઈએ , એવો વિચાર આવતો નથી . તમને ભૂખ લાગી એ વ્યક્તિગત વાત છે . તમે જમી લીધું એ વ્યક્તિગત વાત છે . તમે જમી રહ્યા છો તો આખું ગામ જુએ એ રીતે જમવા બેસો , એમાં કોઈ શોભા નથી . ધર્મ બિલકુલ વ્યક્તિગત બાબત છે . તમે કરો છો એ વાળો ધર્મ લોકોની નજરે મહાન્ છે એવું પુરવાર કરવાનું હોય નહીં . તમને ધર્મ કરવા મળ્યો એ વ્યક્તિગત વાત છે . તમે ધર્મ કર્યો એ વ્યક્તિગત વાત છે . તમને ધર્મ કરવામાં આનંદ આવ્યો એ વ્યક્તિગત વાત છે . આમાં લોકો ક્યાંથી વચ્ચે આવી ગયા ? તમે ચાર રોટલી ખાધી અને તમારું પેટ ભરાયું એની જાણ લોકોને કરવાની નથી . તમે જાણ નહીં કરો એનાથી તમે ભૂખ્યા રહી જવાના નથી . તમારું પેટ તો ભરેલું જ રહેવાનું છે . તમે ધર્મ કરો છો . તમે કરેલો ધર્મ લોકોને જાણવા મળતો નથી . તો પણ તમારો ધર્મ તમારો જ રહે છે . તમે ધર્મ કરો એટલે તમારા ધર્મની ખબર , આખી દુનિયાને થવી જ જોઈએ એવી માન્યતા લોકસંજ્ઞામાંથી આવે છે .
આ પ્રશ્નો વાંચો : ઘણાબધા લોકો ભેગા થયા અને ઘણાબધા લોકો ભેગા થયા એને કારણે જ ધર્મનો પ્રસંગ સરસ સંપન્ન થયો છે એવું હોય છે ખરું ? જ્યાં ઘણાબધા લોકો હોય ત્યાં જ બધું બહુ સરસ હોય , જ્યાં ઘણાબધા લોકો હોય નહીં ત્યાં કશું સારું સરસ હોય નહીં , આવું કોઈ ધારાધોરણ છે ખરું ? જવાબ તમને ખબર છે . સમસ્યા ત્યારે જ આવે છે જ્યારે આપણને એમ લાગવા માંડે છે કે ઘણાબધા લોકો ભેગા થાય તો જ અનુષ્ઠાન સારું ગણાય . ભૂલ ત્યારે પ્રવેશ પામે છે જ્યારે એવો વિચાર બનવા લાગે છે કે ઘણાબધા લોકો ભેગા ન થયા તો અનુષ્ઠાન સારું ના થયું .
લોકોને જોડવા દ્વારા ધર્મની પ્રભાવના થાય છે . લોકોને જોડવા દ્વારા અરસપરસ ધર્મનું આદાનપ્રદાન થાય છે . લોકોને જોડવા દ્વારા સ્નેહનો સંબંધ ધાર્મિક સંબંધમાં પરિણમતો જાય છે . લોકોને જોડવા દ્વારા પ્રભુભક્તિ , ગુરુ ભક્તિ કે પ્રવચનભક્તિને નવી ઊંચાઈ મળે છે . કોઈ તીર્થની ઉન્નતિ કરવી હશે તો લોકોને જોડવા જ પડશે . કોઈ એક વિચારમાર્ગનો પ્રચાર પ્રસાર કરવો હશે તો લોકોને જોડવા જ પડશે . લોકો વગર આપણને ચાલવાનું નથી . વાત સો ટકાની છે .
આપણને લોકો વગર ચાલે નહીં એ વાત સાચી છે . પરંતુ , લોકોની પ્રશંસા વગર આપણને ચાલી શકે છે . લોકોને જોડવા એ અલગ વાત છે . લોકોને રાજી રાખવા એ અલગ વાત છે . લોકો માટે જે જરૂરી છે એ કરવું અને એમાં લોકોને જોડવા આ આપણું કર્તવ્ય છે . લોકોને મજા આવે એવું કંઈક કરવું અને એવું કર્યા પછી લોકો આપણી પ્રશંસા કરે છે એનાથી રાજી થવું , આવું વલણ ખોટું છે . તમે માનકષાયનો ભય જીવતો રાખીને લોકોને આમંત્રિત કરો , જોડો . એમાં કોઈ ખોટું નથી . તમે લોકોને જોડવા દ્વારા પોતાના માનકષાયને પુષ્ટ કર્યા કરો તે ખોટું છે . લોકો જોડાશે , લોકો ધર્મ કરશે એનો થોડોક હિસ્સો મને મળશે માટે લોકોને જોડીએ એ આપણી સંસ્કૃતિ છે . છ’રી પાલક સંઘ હોય કે સંઘજમણ હોય , ધર્મની અનુમોદનાનું લક્ષ્ય સ્પષ્ટ હોય છે . પરંતુ , જે લોકોને આમંત્રણ આપ્યું છે એ લોકો આવશે અને પાછા જશે એ પછી મારી ઘણી ઘણી પ્રશંસા કરશે , એવો ભાવ મનમાં હોય તો એ લોકસંજ્ઞા છે .
ઘણા બધા લોકોને ભેગા કરો . એવું કંઈક કરો કે લોકો આવર્જિત થઈ જાય , અચંભિત થઈ જાય , પાગલ થઈ જાય . શું આ ધર્મનો દૃષ્ટિકોણ છે ? આપણે મરી જઈશું ત્યારે ટોળામાંનો એક પણ માણસ સાથે નથી આવવાનો . જે સાથે આવવાના નથી એની ચિંતા શું કામ કરો છો . સાથે આવવાના છે ધર્મના સંસ્કાર . સાથે આવવાના છે પ્રભુ અને ગુરુની ભક્તિના સંસ્કાર . સાથે આવવાના છે ધર્મની ક્રિયાઓના સંસ્કાર . લોકો સાથે નથી આવવાના તો ફોકસ લોકો ઉપર શું કામ ?
લોકો સુધી ધર્મ પહોંચાડવો હોય આપણું કામ છે પરંતુ લોકોની વચ્ચે પોતાને મહાન્ સાબિત કરવાનું કામ આપણું નથી . લોકો ધર્મ સાથે જોડાય એ માટે પુરુષાર્થ કરવો એ આપણું કામ છે પરંતુ જ્યાં સંખ્યા મોટી છે ત્યાં સફળતા છે અને જ્યાં સંખ્યા મોટી નથી ત્યાં નિષ્ફળતા છે એવાં સમીકરણ સેટ કરવાનું કામ આપણું નથી . દર વખતે સાડાઆઠ કરોડ આત્માઓ જ મોક્ષમાં જશે એવું બનવાનું નથી . તે કાળે અને તે સમયે , એકલો એક આત્મા પણ મોક્ષમાં જવાનો છે . એ ઘટના પણ મહાન્ જ ગણાશે .
મીઠાઈ તમને રોજેરોજ મળે છે . મીઠાઈ તમે રોજરોજ ખાઓ છો . તમને મીઠાઈ ના મળે તો પણ પેટ ભરીને ખાવાનું મળે જ છે . પરંતુ રોજેરોજ મીઠાઈ ખાધી એને કારણે તમારું માનસ એવું બની ગયું કે મીઠાઈ વગર તમને ચાલશે નહીં . એક દિવસ એવો આવે છે કે તમને જમવાનું મળે છે પરંતુ મીઠાઈ નથી મળતી . જમવાનું મળ્યું એ વધારે અગત્યનું હતું . મીઠાઈ ના મળી અને એના વિના ભૂખ્યા રહી જવાય એવું પણ નહોતું . છતાં તમને મીઠાઈ ન મળી એનું જ દુઃખ થયું . તમારી દુઃખની પરિભાષા કેટલી વિચિત્ર કહેવાય ? તમને જમવાનું મળ્યું તો પણ તમે દુઃખી થયા . ખોટી પરિભાષાનું દુઃખ આ રીતે જ આવતું હોય છે . લોકોને જમવાનું મળતું નથી એને કારણે તેઓ દુઃખી હોય છે . તમને જમવાનું મળે છે તેમ છતાં તમે દુઃખી રહી જાઓ છો . દુઃખની પરિભાષા બદલી શકાય છે . એને બદલવાનો સમય બારેય માસ ઉપલબ્ધ હોય છે .
તમને જેના વગર ચાલે નહીં તે આવશ્યકતા ગણાય . તમને જેના વગર ચાલી શકે એને અનુકૂળતા કહેવાય . તમને જમવાનું ના મળે , તો તમે ભૂખ્યા રહી જશો . જમવું એ તમારી આવશ્યકતા છે . તમને મીઠાઈ નહીં મળે તો તમે ભૂખ્યા મરવાના નથી . આનો અર્થ એ છે કે તમને મીઠાઈ ન મળે તો ઝાઝો ફરક પડતો નથી . મીઠાઈ એ તમારી અનુકૂળતા છે . તમારી આવશ્યકતાઓ ઓછી થઈ શકે કે ના થઈ શકે એ ચર્ચાનો વિષય છે . પરંતુ તમારી અનુકૂળતાઓ તમે જેટલી ધારો એટલી ઓછી થઈ શકે છે . તમારી પાસે જે અનુકૂળતા છે એ અનુકૂળતાને તમે છોડી શકો છો એ તમારી માનસિક તાકાત છે .
ચોમાસુ પૂરું થાય એટલે મહાવીર સ્વામી ભગવાન્ પણ વિહાર કરી જાય છે . સાધના કાળમાં દરવરસે આમ જ બને છે . જે જગ્યાએ લાંબો સમય રોકાયા હોઈએ એ જગ્યા સાથે અનુકૂળતા ગોઠવાઈ જતી હોય છે . જે જગ્યા સાથે અનુકૂળતા ગોઠવાઈ જાય છે એ જગ્યા સાથે મમતા બંધાઈ જતી હોય છે . તમે અનુકૂળતાને લાત મારી શકો છો એનો અર્થ એ છે કે તમે કોઈપણ અઘરું કામ આસાનીથી કરી શકો છો . તમે નક્કી કરેલાં કામને બે વિભાગમાં વહેંચી લો : એક છે માનસિક કામ , એક છે શારીરિક કામ . તમને જેમાં આનંદ મળે છે એ તમારી માનસિક અનુકૂળતા છે . તમને જેમાં મજા આવે છે એ તમારી શારીરિક અનુકૂળતા છે . જેનાથી આનંદ મળે છે એ બધી જ પ્રવૃત્તિઓ આવશ્યક હોતી નથી . જેમાં મજા આવે છે એ બધી જ પ્રવૃત્તિઓ આવશ્યક હોતી નથી . જે ખરેખર આવશ્યક હોય છે એમાંથી આનંદ મળે કે ના મળે , આરામ જરૂર મળે છે . જે સાચેસાચ આવશ્યક હોય છે , એમાં મજા જ આવે એવું હોતું નથી , કોઈ રાહત મળે છે , બસ . જે આવશ્યક હોય છે એ તો સીધું ને સપાટ હોય છે . આપણે આવશ્યકતા સાથે અનુકૂળતાઓને જોડી દઈએ છીએ . સાધુ આવશ્યકતા અને અનુકૂળતાની ભેદરેખા બરોબર સમજતા હોય છે .
સાધના કરવા માટે એક જ જગ્યાએ રહેવું આવશ્યક નથી . ચોમાસામાં વરસાદની વિરાધનાથી બચવું આવશ્યક છે . વરસાદમાં બધે ફરાય નહીં એટલે ચોમાસામાં એક જગ્યાએ રોકાઈ ગયા . વરસાદ અટકી ગયો . રસ્તા ઉપરથી નિગોદ સૂકાઈ ગઈ , ઘાસ સૂકાઈ ગયા , પાણીના રેલાઓ બંધ થઈ ગયા . શરત ઋતુ આવી ગઈ . હવે જમીન વરસાદની અસરથી મુક્ત છે . હવે નીકળો . સાધુ તો ચલતા ભલા . એક જગ્યાએ રહેવા દ્વારા જે આવશ્યકતા સંતૃપ્ત થવાની હતી એ પતી ગઈ . હવે એક જગ્યાએ રહેવાનો મતલબ નથી . રહેવું એ આવશ્યકતા છે , આવશ્યકતા ખતમ , રહેવાનું ખતમ . આવશ્યકતાની પાછળ પાછળ જે અનુકૂળતાઓનો મેળો ઉભો થાય છે એને જાતે જ સમેટવાનો છે . મેળો સમેટાય છે ત્યારે શું થાય છે , જુઓ .
એક , જે જગ્યાએ લાંબો સમય રોકાયા હોઈએ એ જગ્યાના લોકો સાથે આત્મીયતા બને છે . આવ્યા એની પહેલાં તો ઓળખાણ પણ નહોતી . રોકાયા તો ઘરોબો બની ગયો . સાથે બેસીને વાતો કરી , આરાધનાઓ કરી . એ લોકો તરફથી આદર મળવા લાગ્યો . કોઈ આપણને આદર આપે એ સારી વાત છે . આપણને આદર લેવાની આદત પડી જાય એ ન ચાલે . સતત આદર જ લેતાં રહીશું તો આદર વિના જીવવાનું ગમશે નહીં . આદર લેવાની આદત પડી જશે તો અનાદરની ક્ષણોમાં દુઃખી દુઃખી થઈ જશું . જે આદર આપે છે એ લોકો સારા લાગશે તે પછી મન:સ્થિતિ એવી બનશે કે જેઓ આદર આપતા નથી એ ભૂંડા લાગશે . અનાદરમાં દુઃખી ન થવાય , આદર ના આપનાર પર દ્વેષ ન કરાય : સાધનાના બે નિયમ છે . જ્યાં આદર મળે છે ત્યાં જ બેઠા રહીએ છીએ તો આ નિયમ કડક લાગે છે . તમે જ્યાં વધારે રોકાશો ત્યાં તમારા પ્રેમીઓ બનવાના જ છે . એ લોકો તમારી વિશેષ સવિશેષ ભક્તિઓ કરવાના જ છે . સતત ભક્તિઓ લેવાની આદત પડી જાય છે એ પછી સાદગી ફાવતી નથી , કષ્ટો ગમતાં નથી . ભક્તિઓ લેતાં રહેવાની આદતથી પોતાની જાતને બચાવવાની છે , વાસ્તે કરો વિહાર .
બે , આપણે એક જગ્યાએ લાંબો વખત બેઠા રહીશું તો એ જગ્યા માટે અધિકારભાવ બનશે . એ જગ્યા મારી માટે જ છે એવો ભ્રમ બનશે . એ જગ્યામાં બીજા કોઈ આવશે એ વખતે મનમાં દુવિધા થશે . હું છું તો પછી આ શું કામ આવ્યા ? હું અહીં છું તો આમને શું કામ બોલાવ્યા ? આ આવ્યા એટલે મારે તો જવું જ પડશે ને ? આ અધિકાર ભાવનાની રમત છે . આધિપત્યની ભાવના સાધનામાં અડચણ પેદા કરે છે . તમને જેની પર પોતાનો કબજો જમાવો છો એની પર બીજો કોઈ કબજો ન જમાવી જાય એનો તમને ડર લાગે જ છે . આ ડર પણ સાધનાનો દુશ્મન છે . તમે વિહાર કરી લીધો એટલે અધિપત્ય ખતમ . ડર ખતમ . જેને આવવું હોય એ આવે . આપણે તો પહેલેથી છુટ્ટા છીએ . ટાઇટલ ક્લિયર .
ત્રણ , જન્મ લીધો ત્યારે આ શરીર મળ્યું . એક દિવસ આ શરીરને છોડીને જવાનું છે . શરીર સાથેનો સંબંધ થોડા સમયનો છે . શરીર માટે ઝાઝી મમતા બનાવવાની નહીં . વૈરાગ્ય ભાવનાનું આ મોટું રૂપ છે . વૈરાગ્ય ભાવનાનું નાનું રૂપ એટલે વિહાર . ઘર છોડીને નીકળ્યા ત્યારે જ નક્કી હતું કે જે જે મકાન મળશે એ છોડીને જ જવાનું છે . તો પછી કોઈ એક મકાનનું મમત્વ મનમાં શાને બનવા દેવાય ? જે મકાન રહેવા માટે મળ્યું છે તે મારું હતું નહીં , મારું હોય જ નહીં . આપણે તો રસ્તામાં પાણી પીવા માટે એક પરબ પાસે રોકાયા હતા . પરબ ગમે તેટલી સુંદર હોય , આપણે તો પાણી પીને નીકળી જવાનું હોય . પાણી પીવામાં જેટલો સમય લાગે એટલો પરબનો ઉપયોગ . પરબને લાંબો સમય ન અપાય . સાધુ નિવાસસ્થાનને પરબ ગણે છે . થોડો સમય રોકાઈને નીકળી જવું છે , સ્થાન માટેની મમતા મનમાં બનવી જ ના જોઈએ . જે જગ્યાએ રોકાયા એ જગ્યા મને ઘણી જ ગમે છે એવો ભાવ બનતો નથી . જે જગ્યાએ રોકાયા એ જગ્યા છોડીને જવાનું બિલકુલ ગમતું નથી એવું માનસ હોતું નથી . ના રહેવાનો રાગ છે . ન જવાનો અફસોસ છે . છે કેવળ નિર્લેપતા . આવ્યા એ પહેલા જગ્યા આપણા માટે અજાણી હતી , નીકળ્યા તે ક્ષણથી એ જગ્યા આપણા માટે અજાણી બની ગઈ . એ જગ્યામાં રોકાયા ત્યારે રોકાયા . એ જગ્યા છોડી એટલે એ જગ્યાને યાદ કરવાનું પણ છોડી દીધું . બહેતા પાની નિર્મલા .
ચાર , અનુકૂળતાઓ છૂટવી જોઈએ , પ્રતિકૂળતાઓ મળવી જોઈએ . કર્મનિર્જરા માટે બંને જરૂરી છે . ચાર મહિના માટે જ્યાં રોકાયા ત્યાં આપણા માટે બધી જ વ્યવસ્થાઓ અનુકૂળ હતી . એક બારી હતી જ્યાંથી હવા સરસ આવતી હતી . એક ઓરડો હતો જ્યાં બેસવાની અનુકૂળતા હતી . એક પાટ હતી એની પર બેસીને કામ આરામથી થતાં . મકાન ચોખ્ખું હતું . પડદાઓ ઉજળા હતા . જમીન સાફસૂથરી હતી . રહેવા માટે જે પણ સુવિધા જોઈએ એ ઉપલબ્ધ હતી . છતાં આપણે એ મકાન છોડીને નીકળી ગયા કારણ કે અનુકૂળતાને છોડવી છે એવો સંકલ્પ હતો . વિહારમાં બારી હશે કે નહીં , હવા હશે કે નહીં – ખબર ના પડે . ઓરડા કેવા મળશે કોઈ અંદાજ નથી . સાફસફાઈ હશે નહીં અને ગંદકી ઘણી હશે , પહેલેથી જ ખબર છે . ઘણું બધું ચાલવું પડશે , પસીના ટપકશે , થાક લાગશે , ગોચરીપાણીમાં અવ્યવસ્થાઓ થશે , પગમાં કાંટા અને કાંકરા વાગશે , સાપ , વીંછી ને ઉંદરડા હેરાન કરશે , શિયાળે ઠંડી ઘણી લાગશે , ઉનાળે ગરમી ઘણી લાગશે , અગણિત તકલીફો થશે . પ્રતિકૂળતાઓ આવવાની છે , ખબર છે . તેમ છતાં વિહાર કરવાનો સંકલ્પ બદલાયો નથી . વિહાર થયો જ છે .
ચાતુર્માસપરિવર્તનના દિવસે ચાર રીતે મેળો સમેટાય છે . જે મેળો સમેટીને નીકળી જાય છે એમને વંદન કરજો . અનુકૂળતાઓનો મેળો સમેટાઈ ગયો છે . હવે પ્રતિકૂળતાઓનો મેળો ભરાશે . આ મેળામાં જે મહાલવાના છે એમની અહોભાવપૂર્વક અનુમોદના કરજો .
ચોમાસુ પૂરું થાય ત્યારે સાધકે આત્માનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ : ત્રણ સિંહાવલોકન બહુ જરૂરી છે .
ચોમાસું શાસન પ્રભાવનાની ભૂમિકાએ કેવું થયું ? એની વાતો થતી જ રહેવાની છે . કંઈ તપસ્યા કેટલા લોકોએ કરી એની સંખ્યા . ચઢાવા કેટલા મોટા થયા એની અવિરત વાતો . કેટલાં અનુષ્ઠાનો થયાં અને કોણ કોણ ગાયક આવ્યા એના જાહેર સમાચાર . ફંડફાળાના રેકોર્ડ કેટલા બન્યા અને કેટલા રેકોર્ડ તૂટ્યા એનો ભરપૂર પ્રચાર . બીજાબધાને એક એક વાતની જાણકારી મળવી જોઈએ એવી તૈયારીપૂર્વક જ ચોમાસું શરૂ થયું હતું . બીજાબધાને બધી જાણકારી મળી જ ગઈ હશે એવી ધારણા સાથે ચોમાસુ પૂરું થાય છે . બીજા બધાને શું સાંભળીને આશ્ચર્ય થશે એની ગોઠવણપૂર્વક જ વાતો ફેલાવવામાં આવી છે .
આડંબર થયો હોય તો આડંબરનો પ્રચાર થાય , સાદગી રાખવામાં આવી હોય તો સાદગીનો પ્રચાર થાય . જેનો પ્રચાર થાય છે એ ચોમાસું . જે પ્રચાર કરવા માટે જ રચાય છે તે ચોમાસું . આજનું આ સમીકરણ છે . જે જે થયું એની અને જેણે જેણે કર્યું એની અનુમોદના તો થવી જ જોઈએ . જે કરશો એની અનુમોદના થશે એની ખબર છે એટલે અનુમોદના સારામાં સારી રીતે થાય એ રીતે જ બધું કરવાનું છે . બીજાને બતાડવા માટે ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓથી ભરપૂર રહે છે ચોમાસું . બીજાને દરેક પ્રવૃત્તિની જાણ કરવી જોઈએ એવો નિયમ ખોટ્ટી રીતે ઘડાઈ ગયો છે . દાન શીલ તપ અને ભાવની ભૂમિકાએ , જે સંઘમાં અને જે તીર્થમાં જે જે આરાધનાઓ થઈ એની અનુમોદના કરવી જ જોઈએ . જે દૂર બેઠા છે , જે બહાર બેઠા છે તેઓ સામે ચાલીને અનુમોદના કરે એ સારું લાગે છે . આપણે સમાચારો બનાવી બનાવીને બધાયને અનુમોદના કરવા માટે પ્રેરિત કરતા રહીએ , જાગૃત કરતા રહીએ એવી પ્રોસેસ મીડિયાને કારણે સેટલ થઈ છે એ અજીબોગરીબ છે . ફોટા પાડી લો , સમાચારનું ટાઈપ સેટિંગ કરી લો અને સર્ક્યુલેટ કરી દો ચોતરફ . ચોમાસું ગાજવા લાગે છે .
ધર્મ કરવો જ જોઈએ . ધર્મ થયો . ધર્મની અનુમોદના થવી જ જોઈએ . અનુમોદના થઈ . પરંતુ જેણે ધર્મ કર્યો એને એવો વિચાર આવે કે મેં કરેલા ધર્મની કે મેં કરાવેલા ધર્મની અનુમોદના સૌનાં મોઢેથી થવી જોઈએ . આ વિચારમાં સ્વપ્રચારની વૃત્તિ છે . ધર્મ સ્વપ્રચારની વૃત્તિથી થાય ત્યારે ધર્મમાંથી ધર્મતત્ત્વ ઓસરી જતું હોય છે . ધર્મ આડંબરપૂર્વક જ કરવાનો છે . પરંતુ પ્રચાર તો ધર્મનો જ કરવાનો હોય . ધર્મ કરતાં વધારે પ્રચાર આડંબરનો થાય એવી પદ્ધતિ રાખવી નહીં જોઈએ .
ધર્મ થયો , પરંતુ ધર્મ સાથે સ્વપ્રચારની વૃત્તિ જોડાઈ નહીં એવું ચોમાસું ભગવાન્ કરતા હતા . દીક્ષા પછીનું પહેલું ચોમાસું ભગવાને વર્ધમાનપુરમાં ( અસ્થિક ગ્રામમાં ) કર્યું હતું . ચોમાસું પૂરું થયું ત્યારે ભગવાને વિહાર કર્યો . ચોમાસાના છેલ્લા દિવસે સાધક પોતાના આત્માનો ઈન્ટરવ્યૂ લેતો હોય છે . એ ત્રણ જ પ્રશ્ન પૂછે છે પોતાના આત્માને .
પ્રશ્ન એક : આ ચોમાસામાં કેટલા દિવસ ઉપવાસમાં વીત્યા અને કેટલા દિવસ ખાવાપીવામાં વીત્યા ? આ ચોમાસામાં કેટલા દિવસ વિગઈનો ઉપયોગ થયો અને કેટલા દિવસ વિગઈનો ત્યાગ થયો ?
પ્રશ્ન બે : સાધકની આ માનસિકતા હોય છે કે જેણે સેવા કરી એ એની ધન્યતા છે , જે સહન કરવા મળ્યું એ મારી ધન્યતા છે . આ ચોમાસામાં સેવા કોની અને કેટલી લીધી ? અને આ ચોમાસામાં સહન કરવાનો આનંદ મેં કેટલો લીધો ?
પ્રશ્ન ત્રણ : આ ચોમાસામાં મેં મારામાં નવો ઉમેરો શું કર્યો ? મારી નવી આરાધના શું શરૂ થઈ ? મારું નવું ગુણ ઉપાર્જન કે જ્ઞાન ઉપાર્જન શું થયું ?
સાધક તરીકે ભગવાન્ પાસે ત્રણેત્રણ પ્રશ્નના જવાબ બહુ સ્પષ્ટ હતા . ૩૧ વર્ષની ઉંમરે મહાવીર સ્વામી ભગવાને દીક્ષાજીવનનું પહેલું ચોમાસું દુઈજ્જંતગ તાપસના આશ્રમમાં શરૂ કર્યું હતું , ૧૫ દિવસ પછી ભગવાન્ ચાલુ ચોમાસે વિહાર કરી ગયા અને વર્ધમાનપુર ગામમાં શૂલપાણિ યક્ષનાં ચૈત્યમાં બિરાજમાન થયા . આશરે સાડા ત્રણ મહિના ભગવાન્ આ ચૈત્યમાં જ રહ્યા . ચોમાસુ પૂરું થયું એટલે ભગવાને વિહાર કર્યો . વિહારના સમયે ભગવાન એક એક પ્રશ્નનો જવાબ આપે એ શું હોય ? વિચારીએ .
પહેલા પ્રશ્નનો જવાબ : ચોમાસું પૂરું થયું . ચોમાસાના ૧૨૦ દિવસમાં ભગવાને ૧૫ ઉપવાસનાં પારણે ૧૫ ઉપવાસ કર્યા હતા . એટલે કે ચોમાસાના ૧૨૦ દિવસમાંથી ભગવાને ફક્ત સાત દિવસ આહારગ્રહણ કર્યું હતું અને બાકીના ૧૧૩ દિવસ ભગવાને ઉપવાસ કર્યા હતા . આપણે લોકો ૧૨૦ દિવસમાંથી સાત દિવસ ઉપવાસ કર્યા હોય અને ૧૧૩ દિવસ વાપર્યું હોય એવું પણ નથી કરી શક્યા . ભગવાને ચાર મહિનામાં ફક્ત સાત વખત વાપર્યું . આપણે એક દિવસમાં સાત વાર ખાઈએ એવું રોજેરોજ બન્યું છે . આપણે કોઈ વિગઈ છોડી નથી . ભગવાને પારણામાં જે મળ્યું તે એક દ્રવ્ય લીધું છે . દ્રવ્ય જ એક લેવાનું હોય તો વિગઈના પ્રશ્ન ક્યાંથી ઊભા થાય ? આપણે રોજે રોજ એક દિવસમાં કેટલાં દ્રવ્ય ખાધાં એની તો ગણતરી જ રાખી નથી . ભગવાનનાં પહેલાં ચોમાસાનું રિપોર્ટ કાર્ડ ખતરનાક છે . ૧૨૦ દિવસ હતા એમાંથી ૧૧૩ દિવસ ઉપવાસ કર્યા . દરેક ઉપવાસ ચોવિહારા હતા . સાત દિવસ વાપર્યું . જે વાપર્યું તે એકવારમાં વાપર્યું . પ્રાયઃ જે વાપર્યુ તે એક જ દ્રવ્ય વાપર્યુ . ચાર મહિનાના ચોમાસામાં સાત એકાસણાં થયાં . દરેક એકાસણું એક દ્રવ્યનું થયું . આવું ચોમાસું આજે કોણ કરી શકે ? જે ઉલ્લાસ ઉમંગથી વર્તમાનકાલીન ચોમાસાઓની શાસન પ્રભાવનાઓના સમાચાર ફેલાવાય છે એ જ ઉલ્લાસઉમંગથી ભગવાનના પહેલા ચોમાસામાં ભગવાને શું તપ કર્યું હતું એના સમાચાર પણ ફેલાવવા જોઈએ .
બીજા પ્રશ્નનો જવાબ : બીજા ચોમાસામાં ભગવાને શું સહન કર્યું એ જોઈએ . ભગવાને ચાર મહિનાના ચોમાસામાં રહેવાની જગ્યા તરીકે ઝૂંપડીનો સ્વીકાર કર્યો હતો , એક . એ ઝૂંપડી ગાયને કારણે તૂટી ગઈ હતી , બે . ઝૂંપડી તૂટી એના દોષનો ટોપલો ભગવાનનાં માથે ઢોળવામાં આવ્યો હતો , ત્રણ . ભાવિ તીર્થંકરને એક તુચ્છ માણસે સૌમ્ય ભાષામાં ઠપકો આપ્યો હતો , ચાર . ચાલુ ચોમાસામાં ભગવાન્ વિહાર કરીને નીકળી ગયા હતા , પાંચ . ભગવાન્ નવી જગ્યાએ જ્યાં રહેવા ગયા ત્યાં પહેલી જ રાત્રે પ્રાણઘાતક ઉપસર્ગો થયા હતા , છ . હું કેટલું સહન કરું છું , મેં કેટલું સહન કર્યું છે , અમારે કેટલું સહન કરવું પડે છે એવો કોઈ જ પ્રચાર ભગવાન્ તરફથી થયો નહોતો . ભગવાને ચૂપચાપ સહન કરી લીધું હતું . ભગવાનનાં કારણે કોઈને કાંઈ સહન કરવું પડ્યું હોય એવું બન્યું નહીં . ભગવાનનાં પ્રથમ ચાતુર્માસનું આ બીજું રિપોર્ટ કાર્ડ છે . અમારે ત્યાં ચોમાસામાં આમ થયું અને એમ થયું એનું વર્ણન કરતા સમાચારો આજે જે રીતે ફેલાય છે એ રીતે ભગવાનનાં ચોમાસામાં ભગવાન્ સાથે શું થયું ? એની વિગતો પણ શ્રદ્ધાપૂર્વક ફેલાવવી જોઈએ . ભગવાનને ચોમાસાની વિનંતી કરનાર તાપસ , ભગવાનને સાડા ત્રણ મહિના પોતાનાં ચૈત્યમાં નિહાળનાર યક્ષ અને ભગવાનને સાડા ત્રણ મહિના દરમિયાન દરેક ૧૫ ઉપવાસનું પારણું કરાવનાર ગ્રામીણ પ્રજા . એમને પણ સમાચારમાં સ્થાન મળવું જોઈએ . આપણાં લાભાર્થીઓનાં નામો હંમેશાં યાદ આવે છે . ક્યારેક એમના નામ યાદ આવવા જોઈએ જે સીધા ભગવાનની સાથે જોડાયા હતા .
ત્રીજા પ્રશ્નના જવાબમાં પણ ખૂબ સરસ વિગતો મળે છે : ભગવાને દીક્ષા લીધી ત્યારે ભગવાનનો વૈરાગ્ય પ્રબળ જ હતો . પરંતુ કુલપતિની ઘટના બની તે વખતે ભગવાનનો વૈરાગ્ય , જે પ્રબળ હતો તે વધારે પ્રબળ બન્યો હતો એવું ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતમાં વાંચવા મળે છે . આનો અર્થ એ થયો કે ચોમાસામાં ભગવાને પોતાની ભાવનાઓને એક નવી ઊંચાઈ પર પહોંચાડી હતી . ચોમાસું શરૂ થયું ત્યારે જે ઊંચાઈ હતી એ અલૌકિક જ હતી પરંતુ ચોમાસામાં સમય વીત્યો એ દરમિયાન ભાવનાઓએ આગળની નવી જ ઊંચાઈ સાધી હતી . નવો અભ્યંતર વિકાસ ચોમાસા દરમિયાન ભગવાને મેળવ્યો હતો . પહેલાં ચોમાસાની પૂર્વે ભગવાન્ પાસે પાંચ અભિગ્રહ હતા નહીં . પહેલું ચોમાસુ પૂરું થયું એ વખતે ભગવાન્ પાસે પાંચ પરિગ્રહ હતા . અર્થાત્ ચોમાસામાં ભગવાને પોતાની ભૂમિકાએ નવા નિયમોનું પાલન શરૂ કર્યું હતું . ચોમાસું શરૂ થયું એ વખતે ભગવાન્ જેવા હતા એ પણ અદ્ ભુત જ હતા . પરંતુ ચોમાસુ પૂરું થયું ત્યારે ભગવાન્ જેવા હતા એવા ને એવા જ ન રહ્યા . બલ્કે એક નવી સાધકતા સાથે જોડાયેલા જોવા મળ્યા . ચોમાસા પહેલાના ભગવાન્ કરતાં ચોમાસા પછીના ભગવાન્ વધારે સમૃદ્ધ બન્યા એવું જો ભગવાનનાં જીવનમાં બનતું હોય તો આ કોઈ નાના સમાચાર નથી . આજકાલના ચોમાસામાં કયા રેકોર્ડ બન્યા અને કયા રેકોર્ડ તૂટ્યા એના સમાચાર જે રસપૂર્વક ફેલાવવામાં આવે છે એવા જ રસપૂર્વક ભગવાને ચોમાસામાં જે પાંચ નિયમો લીધા હતા એના સમાચારો ફેલાવવા જોઈએ . પહેલું ચોમાસું ભગવાને પૂરું કર્યું પરંતુ પહેલાં ચોમાસામાં લીધેલા નિયમો ચોમાસા પછી પણ ચાલુ જ રહ્યા હતા . આપણાં આજકાલનાં ચોમાસા પર્યુષણ પછી ઠંડા પડી જાય છે અને કારતક સુદ પૂનમ સુધીમાં તો ચોમાસાની શું દશા થાય છે એ ન લખવાની જરૂર છે , ન બોલવાની જરૂર છે . પ્રવર્ધમાન વૈરાગ્ય , પ્રવર્ધમાન નિયમ પાલન અને પ્રવર્ધમાન કર્મનિર્જરા સાથે ભગવાન્ ચોમાસાના છેલ્લા દિવસ પાસે પહોંચ્યા હતા અને બીજા દિવસે વિહાર કરી લીધો હતો . આપણાં ચોમાસામાં છેલ્લા દિવસ સુધી ભાવધારા ઉપરની તરફ જ જતી હતી એવું કહી શકાય છે કે કેમ એની તપાસ થવી જોઈએ .
ભગવાન્ ચોમાસું કરવા પધાર્યા ત્યારે શૂલપાણિ યક્ષ ક્રૂર હતો . ભગવાને ચોમાસું પૂરું કરીને વિહાર કર્યો ત્યારે શૂલપાણિ યક્ષની ક્રૂરતા ખતમ થઈ ગઈ હતી . ભગવાન્ ચોમાસું કરવા પધાર્યા ત્યારે આખું ગામ તકલીફમાં હતું . ભગવાન્ ચોમાસું કરીને નીકળ્યા ત્યારે આખું ગામ તકલીફથી મુક્ત હતું . સાધક જ્યાં રોકાય છે ત્યાં માનસન્માન માંગતો નથી પણ માનસન્માન મેળવે છે જરૂર . માનસન્માન મળે એ ખુશીની વાત છે . માન સન્માન મેળવવાની કોશિશ કરવામાં આવે એ વિચિત્ર વાત છે .
ત્રણ સિંહાવલોકન ચોમાસાના છેલ્લા દિવસે કરજો . એક : મેં ચોમાસામાં તપ કેટલું કર્યું , ખાવાપીવાના શોખને કેટલો ઓછો કર્યો ? બે : મેં ચોમાસામાં બીજાઓની સેવા કેટલી લીધી અને પોતાની મરજીથી સહન કેટલું કર્યું ? જેણે મારી સેવા કરી એને મેં ધન્યવાદ આપ્યા કે નહીં અને મેં જે સહન કર્યું એની ફરિયાદ કરવાનું ટાળ્યું કે નહીં ? ત્રણ : ચોમાસા પહેલાં હું જેટલો ધર્મ કરતો હતો એ ધર્મ ચોમાસા દરમિયાન વધ્યો ? અને વધેલો ધર્મ ચોમાસા પછી એ રીતે જ ટકી રહ્યો ખરો ? ચોમાસું સરસ ગયું છે એમ બોલતાં પહેલાં આ ત્રણ પ્રશ્નના જવાબ શક્તિશાળી જ છે એની ખાતરી કરી લેજો .
ફૂલ સ્વપ્રશંસા કરતું નથી : ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
એક ખૂણે આ આયખું નાનું
કેવું વીતી જાય મજાનું
કોઈનું નહીં ફરિયાદીને કોઈનું નહીં કાજી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
એનું નિજના રંગમાં રાતું
ખુશ્બૂભર્યું એકલું ખાતું
મસળી નાંખે કોઈ તો સામે
મહેક દે તાજી તાજી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
તમને જે માણસ દેખાય એની માટે તમે વિચારો છો કે આ કોણ છે ? એ પછી તમે વિચારો છો કે આ શું કરે છે ? શું કરે છે , આ પ્રશ્નનો જવાબ તમારા સ્વભાવ અનુસાર આવે છે . તમારો સ્વભાવ નેગેટિવ હોય તો તમને એ માણસમાં કંઈક નેગેટિવ દેખાય . તમારો સ્વભાવ પોઝિટિવ હોય તો તમને એ માણસમાં કંઈક પોઝિટિવ દેખાય . મકરંદ દવે ફૂલને જુએ છે અને જે અનુભવે છે તે કોઈ કવિ જ અનુભવી શકે . એમના શબ્દો છે : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી .
ફૂલ ખુશ છે , દેખાય છે . ફૂલ શું કામ ખુશ છે એનું કારણ દેખાય છે . ફૂલની સુગંધ ચારે તરફ રેલાઈ રહી છે . સુગંધનું હોવું એ ખુશીનું કારણ છે . સુગંધ કોઈની સાથે જોડાય એ પણ ખુશીનું કારણ છે . જેની પાસે સુગંધ હશે એ સુગંધ રેલાવી શકશે . એની પાસે સુગંધ હશે નહીં એ સુગંધ રેલાવી શકશે નહીં . જેની પાસે સુગંધ છે એની પાસે દુર્ગંધ નથી , એ વાત પાક્કી છે . જેની પાસે દુર્ગંધ નથી , એ દુર્ગંધ ફેલાવતો નથી , એ વાત પણ પાક્કી છે . તમારી પાસે સુગંધ છે એનો અર્થ એ છે કે તમે દુર્ગંધથી મુક્ત છો . તમે દુર્ગંધથી મુક્ત છો એની ખુશી તો થાય જ ને . જે રોગથી મુક્ત હોય એને રોગ ન હોવાની ખુશી હોય . જે દુર્ગંધથી મુક્ત હોય એને દુર્ગંધ ન હોવાની ખુશી હોય . દુર્ગંધ ન હોવાની ખુશી શું કરે છે ? દુર્ગંધને દૂર રાખવાની સભાનતા આપે છે . સુગંધથી ખુશ હોવું એનો અર્થ એ છે કે સુગંધ સતત સાથે રહેશે એવી સભાનતા રાખવી . બે સભાનતા આનંદ આપે છે : સુગંધ સાથે રહેશે એની સભાનતા અને દુર્ગંધ દૂર રહેશે એની સભાનતા .
ફૂલ પાસે પોતાનું નાક નથી એટલે ફૂલ પોતે સુગંધનો આનંદ લઈ શકતું નથી . પરંતુ ફૂલ સૌ કોઈને સુગંધનો આનંદ આપે છે . ફૂલ સુગંધ આપે છે એની પાછળ ફૂલનો પોતાનો કોઈ સ્વાર્થ નથી . ફૂલ પાસે પોતાની આંખ પણ નથી . પોતાના સુંદર રંગ ફૂલ જોઈ શકતું નથી . ફૂલ પાસે સુંદરતા જોવા માટે આંખ નથી . પણ એ પોતાને એટલું બધું સુંદર બનાવી રાખે દે કે દુનિયાની બધી આંખો એની સુંદરતાને જોયા કરે છે . સારો માણસ સારો છે એની પાછળ કોઈ સ્વાર્થ ભાવ હોતો નથી . સારો માણસ સારો છે કારણ કે એ સારો રહેવા માટે સર્જાયો છે . ફૂલ સુગંધી છે કારણ કે ફૂલ સુગંધિત રહેવા માટે સર્જાયું છે . ફૂલ સુંદર છે કારણ કે ફૂલ સુંદર રહેવા માટે સર્જાયું છે . ફૂલમાં આટલી બધી સુગંધ શું કામ આવી , આટલી બધી સુંદરતા શું કામ આવી એવો વિચાર કરવાની જરૂર નથી . ફૂલમાં સુગંધ છે એ વધારે અગત્યનું છે , ફૂલમાં સુગંધ શું કામ છે એ અગત્યનું નથી . ફૂલમાં સુંદરતા છે એ વધારે અગત્યનું છે . ફૂલમાં સુંદરતા શું કામ છે એ વધારે અગત્યનું નથી . સારા માણસનાં મનમાં કોઈ પણ સ્વાર્થનો ભાવ હોતો નથી . સારો માણસ કોઈ પણ કારણ વગર સારો હોય છે . સારો માણસ એકદમ સ્વાભાવિક રીતે સારો હોય છે . તમે નકલી રીતે સારા માણસ હોવાનો દેખાવ કરો એ ના ચાલે . તમે કોઈપણ દેખાવની વૃત્તિ રાખ્યા વગર સહજ રીતે સારા હો એ અગત્યનું છે . તમે કોઈ સારું કામ કરો ત્યારે એ સારાં કામના બદલામાં કોઈ આકાંક્ષા રાખો , કોઈ ગણતરી રાખો એવું હોવું ના જોઈએ . તમને સારું કામ ગમે છે એટલે તમે તારું કામ કર્યું , બસ એટલું જ દૃશ્ય હોવું જોઈએ . સારાં કામના બદલામાં તમારે આ જોઈતું હતું અને એ જોઈતું હતું . સારું કામ કરવાને લીધે તમને આ મળ્યું અને એ મળ્યું એવો સ્વાર્થભાવ સારાં કામ સાથે જોડવાનો હોય નહીં .
ફૂલમાંથી વહેતી સુગંધ , પવનની પાંખ પર બેસીને દૂર દૂર સુધી જતી હોય છે . ફૂલનો યશ ચારે તરફ ફેલાતો હોય છે . પરંતુ ફૂલને પોતાનો યશ ફેલાય એવો વિચાર પણ આવતો નથી . ફૂલ યશની કામના રાખતું નથી . કોઈ આદમી ગુણવાન્ બને છે અથવા સારાં કામ કરે છે ત્યારે એ આદમીએ પોતાનાં મનમાં યશની કામના રાખવી જોઈએ નહીં . યશની કામના એ લાલચ છે . લાલચ મનમાં રાખીને જે પણ કરીએ એ દૂષિત કહેવાય . લાલચ મનમાં રાખ્યા વિના જે કંઈ પણ કરીએ એ સહજ કહેવાય . ફૂલ કોઈપણ લાલચ વગર સુગંધ ફેલાવે છે . ફૂલ સહજ સુગંધી છે . કવિના શબ્દો જુઓ : વાયરો ક્યાં જઈ ગંધ વખાણે , ફૂલ તો એનું કાંઈ ન જાણે . વાયરો સુગંધને ક્યાં ક્યાં લઈ જાય છે એની ફૂલને કોઈ પરવા નથી .
ફૂલની પાસે ભમરો આવે છે . ફૂલ ઉપર બેસે છે . ફૂલની આસપાસ ગુંજારવ કરે છે . કવિ કલ્પના કરે છે : ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી . ફૂલ બોલતું નથી . ફૂલ ચૂપ રહે છે . ભમરો પ્રશ્ન પૂછે છે : તારી પાસે સુગંધ ક્યાંથી આવી ? ફૂલ મલકાય છે . ભમરો પૂછે છે : તું આટલું સુંદર કેવી રીતે છે . ફૂલ ચૂપ રહે છે . ભમરો અવાજ કરે છે . ફૂલ અવાજ કરતું નથી . ફૂલ એટલે સજ્જન માણસ . સજ્જન માણસની નિશાની છે : એ ક્યારે પણ આત્મપ્રશંસા કરતો નથી . આપણાં વખાણ બીજા લોકો કરે એવી ઈચ્છા પણ ન રખાય . પરંતુ , બીજા લોકો આપણાં વખાણ કરતાં હોય એમાં કશું અજુગતું નથી . આપણે પોતે જ આપણાં મોઢે ખુદનાં વખાણ કરીએ એ બહુ ખરાબ લાગે છે . ફૂલને સેલ્ફ માર્કેટિંગ કે સેલ્ફ પ્રમોશનની કોઈ જરૂર નથી લાગતી . ફૂલ સેલ્સમેઈડ હોય છે અને સેલ્ફ હેપ્પી હોય છે . ફૂલ પોતાનાં વખાણ કરતું નથી એને કારણે એ વધારે સુંદર લાગે છે . સજ્જન માણસ પોતાનો ડંકો વાગે એને માટે કોઈ જ પ્રયત્ન કરતો નથી . એને લીધે એની સજ્જનતા વધારે શક્તિશાળી બની જતી હોય છે . આપણે સ્વપ્રશંસા કરીએ અથવા આપણા ચમચાઓના હાથે આપણી પ્રશંસાઓ ફેલાવીએ , બંને એક સરખી વાત છે . ફૂલ સ્વપ્રશંસા કરતું નથી . ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી . ફૂલ પોતાની પ્રશંસા કરતાં શરમાય છે , ફૂલ પોતાની પ્રશંસા સાંભળવામાં શરમાય છે , આથી જ ફૂલ હંમેશાં નાજુક હોય છે .
ફૂલ પોતાનો ઠાઠમાઠ રચતું નથી . ફૂલ પોતાનો વિસ્તાર વધારવાની કોશિશ કરતું નથી . દરેક ફૂલ નાનકડા છોડ પર આવે છે અને ફૂલનો દરેક છોડ નાનકડી જગ્યામાં ગોઠવાઈ જાય છે . એક ફૂલને રહેવા માટે , ન બંગલો જોઈએ છે , ન મહેલ જોઈએ છે . ફૂલને જોઈએ છે , થોડી માટી અને થોડું પાણી . બગીચામાં ઘણાં ફૂલો હોય છે એને કારણે બગીચો સુંદર લાગે છે એ હકીકત છે . પરંતુ ફૂલનું એક જ કુંડું રાખ્યું હોય અને કુંડામાં ફૂલનો એક જ છોડ હોય અને છોડ પર એક જ ફૂલ ઊગ્યું હોય તો પણ એ એકલું ફૂલ જ્યાં હોય ત્યાંની શોભા વધારે છે . ફૂલ પોતાની શોભા વધારવા કોઈ એક્સ્ટ્રા ઈફોર્ટ કરતું નથી . ફૂલ જ્યાં , જેટલી જગ્યા મળી એટલી જગ્યામાં સુંદરતા બનાવી લે છે અને સુગંધ ફેલાવી દે છે . કવિ કહે છે : એક ખૂણે આ આયખું નાનું , કેવું વીતી જાય મજાનું ? સજ્જન હંમેશા આત્મસંતુષ્ટ હોય છે . સજ્જન સ્પર્ધા રચતો નથી , સજ્જન ઈર્ષા પાળતો નથી , સજ્જન નારાજગી કે નિરાશામાં ફસાતો નથી . સજ્જન પોતાની નાનકડી દુનિયામાં રાજી હોય છે . સજ્જન અભરખા પાળતો નથી . સજ્જન પોતાને જે ખૂણો મળ્યો એ ખૂણાને સજાવી લે છે . સજ્જન બીજાને ખૂણામાં ધકેલવાનો પ્રયત્ન કરતો નથી . સજ્જન પોતે જ્યાં હોય ત્યાં પ્રસન્ન હોય છે .
કાંટા બીજાને વાગે છે , ફૂલ બીજાને વાગતાં નથી . થોર બીજાને નડે છે , ફૂલ બીજાને નડતાં નથી . જંગલના વૃક્ષો શિકારી પશુઓને રક્ષણ આપે છે . કોઈ પણ ફૂલ હિંસક પશુઓને રક્ષણ આપતાં નથી . ફૂલના સ્વભાવમાં નેગેટિવિટીનું નામોનિશાન નથી . ફૂલો પૂર્ણતઃ પોઝિટિવ છે . નેગેટિવ માણસોનાં બે કામ છે : એ કોઈની માટે ખરાબ બોલશે , એ કોઈની માટે પૂર્વગ્રહો પાળશે . ફૂલ ફક્ત સુગંધની વાત કરે છે . ફૂલ કેવલ સૌંદર્યનો સંવાદ રચે છે . કવિની આ પંક્તિ કમાલની છે : કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી . સજ્જન માણસ બીજાની માટે આડુંઅવળું બોલતો નથી . સજ્જન માણસ બીજાની માટે ખોટી ધારણાઓ બનાવતો નથી . સજ્જન માણસ પોતાની સજ્જનતા અખંડ રહે એનું જ ધ્યાન રાખે છે . સજ્જન માણસ અન્યને દુર્જન પુરવાર કરવાની કોશિશ કદીપણ કરતો નથી . આપણાં મોઢે પ્રશંસાના શબ્દો શોભે , આપણાં મોઢે નિંદાના શબ્દો ના શોભે . ફૂલની નીતિ બહુ સ્પષ્ટ છે .
ફૂલની ઊંચાઈનું શિખર આવે છે : એનું નિજના રંગમાં રાતું , ખુશ્બૂભર્યું એકલું ખાતું . ફૂલ સુગંધ બનાવે છે , એ ફૂલનો સ્વપુરુષાર્થ છે . ફૂલ સુંદરતા બનાવે છે , એ ફૂલનો સ્વપુરુષાર્થ છે . ગુલાબ પોતાની સુગંધ પોતે બનાવે છે . ગુલાબ મોગરા પાસેથી કાંઈ લેતું નથી . મોગરો પોતાની સુગંધ પોતે બનાવે છે . મોગરો ગુલાબ પાસેથી કાંઈ લેતો નથી . કમળ પોતાની સુંદરતા પોતે બનાવે છે . કમળ સૂરજમુખી પાસેથી કાંઈ લેતું નથી . ફૂલની સુગંધ એ ફૂલની આપકમાઈ છે . ફૂલની સુંદરતા એ ફૂલનું સ્વ ઉપાર્જન છે . ફૂલ કોઈની પાસેથી કંઈ ચોરતું નથી . ફૂલ કોઈનાં ઘરમાંથી કાંઈ ઉઠાવતું નથી . સજ્જન કોઈની સ્પર્ધામાં આવીને સજ્જન બનવાની કોશિશ કરે છે , એવું હોતું નથી . સજ્જન પોતાની મસ્તીમાં રહીને જ પોતાની સજ્જનતાને સાચવે , સજાવે છે . સજ્જનતાની મસ્તી એ જ સજ્જનતાની તાકાત છે .
ફૂલનો સ્વભાવ ચરમ ઉત્કર્ષ બતાવે છે ત્યારે શું થાય છે જુઓ : મસળી નાંખે કોઈ તો સામે , મહેક દે તાજી તાજી . ફૂલ કોઈની ઉપર આક્રમણ કરતું નથી . ફૂલ તો બસ , જેની પાસે જાય એને સજાવી દે છે . પરંતુ ફૂલ પાસે અમુક લોકો આવે છે તેઓ ફૂલને મસળી નાંખે છે , ફૂલને ચગદી નાંખે છે . કોઈ ફૂલની પાંખડીઓ છૂટી પાડી દેશે , કોઈ ફૂલના ચીંથરા ઉડાવી દેશે . જવાબમાં , ફૂલ ના કોઈને દઝાડે છે , ના કોઈને જખમી કરે છે . જે પોતાના હાથે ફૂલને નુકસાન કરે છે એના એ હાથને પણ ફૂલ સુગંધથી ભરી દે છે . સજ્જન સાથે દુર્જનતા થાય એવું બને છે . સજ્જન ક્યારે પણ દુર્જન સાથે દુર્જનતાવાળો વ્યવહાર કરતો નથી . તમને ખરાબ માણસ મળશે પરંતુ ખરાબ માણસ સાથે તમે ખરાબ માણસ બનીને વર્તશો એવું બનવાનું નથી . દુર્જનનો વ્યવહાર ખરાબ હશે , સજ્જનનો વ્યવહાર ખરાબ નહીં થાય . દુર્જન આડુંઅવળું ગમ્મે તેવું બોલશે , સજ્જન બોલવાની બાબતમાં પૂરેપૂરો અંકુશ જાળવશે . દુર્જનની વર્તણૂક અનુચિત હશે . પરંતુ , સજ્જન ઔચિત્ય નહીં ચૂકે .
ફૂલ માટે જે લખાયું છે તે હકીકતમાં અન્યોક્તિ અલંકાર છે . વાક્ય ફૂલ માટે લખાયાં છે . વાત , સજ્જનની થઈ છે . ફૂલનું કામ છે , સુગંધ આપવાનું . ફૂલ સુગંધ આપતું રહેશે . સજ્જનનું કામ છે , ઉમદા વર્તન રાખવાનું અને સારાં સારાં કામ કરવાનું . સજ્જન ઉમદા વર્તન બનાવી રાખશે અને સારાં સારાં કામ કરતા જ રહેશે .
તમારે જે સાંભળવું છે અને તમને જે સાંભળવા મળે છે , આ બંનેમાં ફરક હોઈ શકે છે
તમારામાં સદ્ ગુણ છે , તમે સારાં કામ કરો છો . તમારા સદ્ ગુણની પ્રશંસા થાય , તમારાં સારા કામની તારીફ થાય . આ હોય છે પહેલું દૃશ્ય . તમારામાં દોષ હોય છે , તમે ભૂલ કરતા રહો છો . તમારી ભૂલની સમીક્ષા થાય , તમારે કડવું કડવું સાંભળવું પડે . આ બીજું દૃશ્ય છે . આ બહુ સાધારણ વાત છે . ગુણ હોય અને ગુણની પ્રશંસા થાય . દોષ હોય અને દોષની ટીકા થાય . ગુણ દુર્લભ છે , ગુણ મેળવવા જોઈએ , ગુણ ટકવા જોઈએ . ગુણ મળ્યા , ગુણ ટક્યા . ગુણની વાહ વાહ થઈ . દોષ હોવા ના જોઈએ , દોષને દૂર જ રાખવા જોઈએ . દોષ આવ્યા , દોષ લાંબા ચાલ્યા . દોષની ફરિયાદ થઈ , દોષવાનને કડક શબ્દો સાંભળવા પડ્યા . દર વખતે આવું બનતું હોય છે .
આ સિવાય પણ બીજાં બે દૃશ્ય જોવા મળે છે . તમારામાં ગુણ છે અને તમારી પ્રશંસા થતી નથી . તમારામાં દોષ છે અને તમારી સમીક્ષા થતી નથી . તમારામાં ગુણ હોય અને તમારી પ્રશંસા ના થાય એ વખતે તમને તમારા ગુણ માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ . તમારી પ્રશંસા થાય એ પછી જ તમને એમ લાગે કે હા , હું ગુણવાન્ છું . તમારી પ્રશંસા થાય નહીં તો તમને એમ જ લાગે કે મારામાં ગુણ નથી . તમે સારું કામ કરો છો એ પછી પણ તમારી પ્રશંસા થતી નથી એ વખતે તમને એમ લાગે કે મેં સારું કામ કર્યું એની કોઈને કદર જ નથી . પ્રશંસાના અભાવમાં ગુણવાન્ નારાજ થાય , પ્રશંસાના અભાવમાં સારું કામ કરનાર નારાજ થાય આ પરિસ્થિતિ કેટલી ઉચિત કહેવાય ?
તમે ચોક્કસ ગુણ મેળવ્યો , તમે ચોક્કસ ગુણનો વિકાસ કર્યો અને તમે ચોક્કસ ગુણને સ્થિર બનાવ્યો એટલે તમારી સાધના સફળ થઈ ગઈ . કોઈ પ્રશંસા કરે , કોઈ મોટિવેશન આપે એ પછી તમને તમારા ગુણ બાબતે સંતોષ મળે , તમને તમારાં સારાં કામ બાબતે સંતૃપ્તિ મળે એવું ના હોય . તમારો ગુણ તમને સંતૃપ્તિ આપે છે , ગુણની પ્રશંસા અન્યથા સિદ્ધ છે . તમારું સારું કામ તમને સંતૃપ્તિ આપે છે , સારાં કામની પ્રશંસા અન્યથા સિદ્ધ છે . કોઈ પ્રશંસાને કારણે ગુણવાન્ હોતું નથી , કોઈ પ્રશંસાને કારણે સારાં કામ કરતું નથી . ગુણ મેળવવો એ ઉત્તમ પ્રવૃત્તિ છે માટે ગુણ મેળવવામાં આવે છે . સારું કામ કરવું એ ઊંચી ગુણવત્તા છે માટે સારું કામ કરવાનું છે . પ્રશંસા ન થઈ આ એક મુદ્દો પકડી રાખીએ અને ગુણસંપન્ન હોવા છતાં પ્રશંસાના વિરહમાં નારાજ રહીએ , સારા શબ્દોમાં વખાણ ન થયા આ એક કારણને મોટું બનાવીએ અને સારું કામ કર્યું હોવા છતાં , વખાણના વિયોગમાં દુઃખાર્ત થઈએ આ વલણ વ્યાજબી નથી . તમારામાં ગુણ છે એ અગત્યનું છે , ગુણના વખાણ થાય એ અગત્યનું નથી . તમે સારું કામ કર્યું એ અગત્યનું છે . સારાં કામની તારીફ થઈ કે નહીં એ અગત્યનું નથી . તમારા ગુણ અને તમારાં સત્કાર્યની બાબતમાં તમારો આત્મવિશ્વાસ પ્રચંડ હોવો જોઈએ . તમારી ગુણવત્તાને તમે કોઈના અભિપ્રાય પર આધારિત બનાવી દો એ ન ચાલે .
અમુક લોકો કડવું બોલવા માંગતા નથી . અમુક લોકો તમને ઠપકો આપવા માંગતા નથી . તમને કોઈ મોઢામોઢ કંઈ કહી રહ્યું નથી . તમારામાં કોઈ દોષ છે એવું કોઈ તમને સમજાવતું નથી . તમને કોઈએ કંઈ કહ્યું એ વખતે તમે આર્ગ્યુમેન્ટ કરીને એને ચૂપ કર્યા છે આથી હવે તમને કોઈ કશું કહી રહ્યું નથી . તમને કોઈ કંઈ કહેવા આવે છે એ વખતે તમે રડવા બેસી જાઓ છો , ઝગડવા બેસી જાઓ છો આથી કોઈ તમને કશું કહેવા તૈયાર જ નથી . તમને તમારી ભૂલ કોઈએ બતાવી એ વખતે તમે એને એની દસ ભૂલ સામે બતાવી . હવે તમને તમારી ભૂલ કોઈ બતાવતું નથી . તમે વ્યવસ્થા જ એવી બનાવી લીધી કે તમને તમારી ભૂલ કોઈ કહે જ નહીં . તમારામાં કોઈ દોષ છે એવું કોઈ બોલતું નથી . તમે કોઈ ભૂલ કરો છો એવું કોઈ કહેતું નથી . તમે આ ખોટું કરો છો એમ કહેવાની કોઈની હિંમત નથી . તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો . તમને કોઈ રોકવાવાળું નથી , ટોકવાવાળું કોઈ નથી . માહોલ એવો છે કે બધા તમારી પ્રશંસા જ કરે છે , તમારી ભૂલની ચર્ચા કોઈ કરતું જ નથી . વાતાવરણ એવું છે કે તમે બહુ સારા માણસ છો એવું જ બધા બોલ્યા કરે છે , તમે વિચિત્ર માણસ છો એવું કહેવાવાળું કોઈ રહ્યું જ નથી .
કહાની હવે શરૂ થાય છે . તમારી ભૂલની ચર્ચા તમારી સામે થતી નથી , તમારા દોષની વિચારણા તમારી સમક્ષ થતી નથી , તમારે જે ના કરવું જોઈએ એ તમે કરો છો શું કામ ? આવો પ્રશ્ન કોઈ ઉઠાવતું નથી . આને લીધે તમે એવું માની લીધું છે કે તમારામાં કોઈ દોષ છે નહીં , તમારા હાથે કોઈ ભૂલ થતી નથી . યાદ રાખજો , તમારામાં દોષ છે એવું કોઈ કહેતું નથી એનો અર્થ એ નથી કે તમારામાં દોષ નથી . તમારામાં દોષ હોઈ શકે છે . તમે ભૂલ કરી રહ્યા છો એવું કોઈ બોલ્યું ન હોય એનો અર્થ એ નથી કે તમે ભૂલ નથી કરી રહ્યા . બની શકે છે કે તમારા હાથે કોઈ ભૂલ થઈ રહી હોય . તમારામાં દોષ છે એ તમને પોતાને યાદ હોવું જોઈએ . બીજા આવીને કહી જાય એ પછી તમને સમજાય કે તમારામાં દોષ છે એ કેવું વિચિત્ર કહેવાય ?
તમારામાં ગુણ હોય અને તમારા ગુણની પ્રશંસા ના થાય એનો અર્થ એ નથી કે તમારામાં ગુણ નથી . તમારામાં દોષ હોય અને તમારા દોષની સમીક્ષા ન થાય એનો અર્થ એ નથી કે તમારામાં દોષ નથી . પોતાના ગુણ બાબતે આત્મવિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના દોષ બાબતે આત્મજાગૃતિ રાખવી જોઈએ . બીજા કંઈક કહેશે એના પર નિર્ભર રહેવાની કોઈ જરૂર નથી . તમારે જે સાંભળવું છે એ સાંભળવા ના મળે , તમારે જે નથી સાંભળવું એ સાંભળવા ના મળે ત્યારે સંભાળજો .
વર્ષો પહેલાં આપણાં દેરાસરોમાં પૂજાઓ ભણાવાતી . પૂજાઓમાં ફક્ત ભગવાનનાં જ પદો હોય . દેવીદેવતાઓનાં નામોનિશાન ન હોય . ફક્ત અને ફક્ત ભગવાનનાં ગુણગાન કરતી પૂજાઓ વર્ષો વર્ષો સુધી દેરાસરમાં ગવાતી રહી અને પૂજાઓ જ જૈનશાસનનાં મુખ્ય અનુષ્ઠાનનું સ્થાન જાળવતી રહી . ધીમે ધીમે પૂજનો આવ્યાં અને વધ્યાં . શરૂઆતમાં પૂજનો એવાં હતાં જેમાં ભગવાન્ હોય અને ભગવાનની સાથે વિવિધ દેવીદેવતા માટેના મંત્રોચ્ચાર પણ હોય . આ પૂજનોને લીધે પૂજાઓ ઓછી થઈ ગઈ . ખરી સમસ્યા હવે આવી . પૂજનોને કારણે પૂજાઓ ઓછી થઈ એ પછી હવે એવું થયું છે કે દેવી-દેવતાઓની મુખ્યતાવાળા પૂજનને કારણે ભગવાનની મુખ્યતાવાળા પૂજનો ઓછા થઈ રહ્યાં છે . સરવાળે આપણે જે અનુષ્ઠાનો કરીએ છીએ એમાં ભગવાન્ પર ફોકસ ઓછું હોય છે અને દેવીદેવતા પર ફોકસ વધારે હોય છે એવી પરિસ્થિતિ બની રહી છે . ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન હોય તો અનુષ્ઠાનમાં ભગવાન્ જ મુખ્ય રહે તેનું ધ્યાન આપણે રાખવાનું હોય . નામ ભગવાનનું હોય અને ફોકસ ભગવાનને બદલે દેવી-દેવતા ઉપર વધારે હોય , એ ગડબડ કહેવાય .
આપણે ધર્મ કરીએ છીએ કારણ કે ધર્મ ભગવાને આપ્યો છે . ધર્મ દેવીદેવતાઓએ નથી આપ્યો . ધર્મતીર્થની સ્થાપના ભગવાન્ જ કરે છે . કોઈ દેવીદેવતા ધર્મતીર્થની સ્થાપના કરતા નથી . જો હોવે મુજે શક્તિ ઇસી , સવિ જીવ કરું શાસન રસી , આ ભાવનાનાં સ્પંદનો જે રીતે ભગવાનમાં હોય છે એ રીતે કોઈ દેવીદેવતાઓમાં હોતા નથી . આપણે સામાયિક પ્રતિક્રમણ આદિ આરાધના કરીએ છીએ . એ આરાધના ભગવાને શીખવાડી છે . એ આરાધના કોઈ દેવીદેવતાએ શીખવાડેલી નથી . આપણે તપત્યાગ કરીએ છીએ એ તપત્યાગ આપણા ભગવાને આચરેલા છે , કોઈ દેવીદેવતા તપ ત્યાગ આચરતા નથી . આપણા ધર્મનું લક્ષ્ય મોક્ષ છે . મોક્ષમાં ફક્ત ભગવાન્ વસે છે . મોક્ષમાં કોઈ દેવીદેવતા વસતા નથી . આપણે જે ધર્મ કરીએ છીએ એમાં ભગવાનની પૂજા કરવાની હોય છે અને દેવીદેવતાનું ઔચિત્યભાવે સન્માન કરવાનું હોય છે . જેટલું માન સન્માન ભગવાનને મળે એટલું જ માન સન્માન દેવીદેવતાને મળે એ દૃશ્ય અજુગતું છે . જેટલું માન સન્માન ભગવાનને મળે એના કરતાં વધારે માનસન્માન દેવીદેવતાને મળે એ દૃશ્ય અસ્વીકાર્ય છે . આપણે ચાર ગતિમાંની એક ગતિ તરીકે દેવગતિને સ્વીકારીએ છીએ . દેવીદેવતાઓને વીતરાગ ભગવાન્ માટે ભક્તિ હોય છે એ પણ આપણે સ્વીકારીએ છીએ . આપણી ભક્તિ ભગવાન્ માટે ઓછી હોય અને દેવી દેવતા માટે વધારે હોય એવી માનસિકતા આપણે સ્વીકારતા નથી . જે ધર્મનો સાચો જાણકાર છે તે ભગવાન્ ઉપર જ કેન્દ્રિત હોય છે .
ભગવાન કેન્દ્રમાંથી હટી ગયા એવું જે દિવસે બનશે એ દિવસે દેવીદેવતાઓ આપણી સામે જોવાનું છોડી દેશે . દેવી દેવતાઓ માટે તમે સાધર્મિક છો . સાધર્મિકનું સન્માન સાધર્મિક કરે એ રીતે દેવી દેવતા આપણી માટે આત્મીયતા રાખે છે . દેવી દેવતાઓ સ્વભાવે વત્સલ હોય છે . એમની પાસેથી કશુંક મળતું હોય એવી સંભાવનાને નકારી શકાય નહીં . પરંતુ એમની પાસેથી કશુંક મળે છે એટલે એમની સાથે સ્વાર્થ ભરેલો સંબંધ રાખવો આ દૃષ્ટિકોણ ખોટો . દેવીદેવતાને રાજી રાખવાથી કંઈક મળે છે માટે દેવીદેવતાને રાજી રાખો આવું વિચારવાનું હોય નહીં . દેવીદેવતા જે ભગવાનના ભગત છે એ ભગવાનના ભગત આપણે પણ છીએ આ રીતે વિચારવાનું હોય . જે ચમત્કારી ગણાય છે , જે મહાપ્રભાવશાળી ગણાય છે , જે જાગૃત અને હાજરાહજૂર ગણાય છે એ દેવીદેવતા ભગવાનનાં ચરણોમાં મસ્તક નમાવતા હોય છે . તો ભગવાનનું સ્થાન કેટલું મોટું ગણાય ? સમજાય છે તમને ?
દેવી-દેવતા જેમની પૂજા કરતા હોય છે એ આપણા ભગવાન્ છે . આપણી સમક્ષ ભગવાન્ હોય અને દેવીદેવતા પણ હોય ત્યારે આપણું કર્તવ્ય એ છે કે આપણે ભગવાનને વધારે આદર આપીએ , ભગવાનને વધારે સમય આપીએ . અમુક લોકોની આદત એવી થઈ ગઈ છે કે ભગવાન કરતાં વધારે સમય દેવીદેવતાને આપે છે . ભગવાનની પૂજાને પાંચ મિનિટ મળે અને દેવી-દેવતાનાં અનુષ્ઠાનને ખાસ્સોબધો સમય મળે એવા પૂજાપૂજનોમાં ભગવાન્ હાજર હોવા છતાં ભગવાન્ ગૌણ બની જતા હોય છે . આપણી સામે ભગવાન્ હોય અને ભગવાન્ જ ગૌણ બની જતા હોય એવું થાય ત્યારે વીતરાગ તત્ત્વની આરાધનાને ધક્કો લાગે છે .
મોટાભાગના લોકોને દેવી દેવતામાં જ રસ પડે છે . એમને વીતરાગ તત્ત્વની આરાધના શું છે એ સમજાતું પણ નથી અને સમજવું પણ નથી . દેવી દેવતાને વધારે પડતું મહત્ત્વ આપવાના ચક્કરમાં આપણે જૈન તરીકેનો આપણો દરજ્જો ભૂલી જતાં હોઈએ છીએ . જૈન આત્મા માટે ધર્મ કરે છે . જૈન મોક્ષ પામવા માંગે છે . કોઈ દેવીદેવતા મોક્ષ આપી દેતા હોય એવું ક્યારે બન્યું છે ? વિચારજો . કોઈ દેવી દેવતા ધર્મ કરાવતા હોય એવું બને છે ? વિચારજો . દેવીદેવતાનાં અસ્તિત્વનો ઇનકાર નથી કરવો . દેવીદેવતાની સહાયક શક્તિનો અસ્વીકાર પણ નથી કરવો. વંદિત્તુમાં તો લખ્યું જ છે : સમ્મદ્દિઠ્ઠી દેવા દિન્તુ સમાહિં ચ બોહિં ચ ।
વાત ફક્ત એટલી જ છે કે જે ઊંચાઈ પર ભગવાન્ બેઠા છે એ ઊંચાઈ પર કોઈ દેવી દેવતા પહોંચી શક્યા નથી એ યાદ રહેવું જોઈએ . જે ભગવાન્ પાસેથી મળે છે એ કોઈ દેવીદેવતા પાસેથી મળતું નથી એવો વિશ્વાસ આકંઠ હોવો જોઈએ . લોકો આવે છે પોતાનો સ્વાર્થ લઈને . લોકો આવે છે પોતાની ક્ષુલ્લકતા લઈને . લોકો આવે છે પોતાનું અજ્ઞાન લઈને . દેવીદેવતાઓ આપણને નિઃસ્વાર્થ બનવાનું શીખવતા નથી . દેવીદેવતાઓ આપણને ક્ષુલ્લકતામાંથી બહાર લાવતા નથી . દેવીદેવતાઓ આપણા ખોટા વિચારોને અટકાવતા નથી . નિઃસ્વાર્થ બનવાનું ભગવાન્ શીખવે છે . ક્ષુલ્લકતામાંથી બહાર લાવે છે ભગવાન્ . ખોટા વિચારોને ખતમ કરે છે ભગવાન્ . સ્વાર્થને સિદ્ધ કરવા માટે દેવીદેવતા છે પરંતુ સ્વાર્થથી મુક્ત બનવા માટે ભગવાન્ છે . ભગવાન આપણી માટે સર્વોચ્ચ પદાસીન પરમાત્મા છે . દેવીદેવતા આપણી માટે સાધર્મિક છે .
પરમાત્માની પૂજા હોય . સાધર્મિકનો આદર હોય . પરમાત્મા સર્વજ્ઞ છે . સાધર્મિક સર્વજ્ઞ નથી . પરમાત્મા વીતરાગ છે . સાધર્મિક વીતરાગ નથી . પરમાત્મા વિશ્વવંદનીય છે . સાધર્મિક વિશ્વવંદનીય નથી . પરમાત્માનું પુણ્ય અનંત છે . સાધર્મિકનું પુણ્ય સીમિત છે . પરમાત્મા સાથે જોડાયેલું છે તીર્થંકર નામ કર્મ . સાધર્મિક સાથે તીર્થંકર નામ કર્મ જોડાયેલું નથી , સમજી શકાય છે . આજકાલ ઘણા બધા લોકોને જોડવા માટે દેવીદેવતાઓ ઉપર ફોકસ રાખીને અનુષ્ઠાનો યોજવામાં આવે છે . આ અનુષ્ઠાનમાં દેવી-દેવતાને જે માન સન્માન આપવામાં આપે છે એ જોઈને આપણને આ દેવી-દેવતાઓ ભગવાન્ જેવા જ છે એવી ભ્રમણા થવા લાગે છે . આવી ભ્રમણામાં પડવા જેવું નથી .
સમાજમાં અજ્ઞાની લોકો વધારે હોય છે . અજ્ઞાની લોકોને દેવીદેવતામાં જ વધારે રસ પડતો હોય છે . આપણે અજ્ઞાની બની રહીએ અને દેવીદેવતામાં અટકેલા રહીએ , આ પહેલું ઑપ્શન છે . આપણે અજ્ઞાની બની રહેવાને બદલે જ્ઞાનની દિશામાં આગળ વધીએ અને વીતરાગ ભગવાનની તુલનામાં બીજા કોઈ દેવીદેવતા આવી જ ના શકે એવી સ્પષ્ટ માનસિકતા રાખીએ એ બીજું ઑપ્શન છે . પહેલા ઑપ્શનમાં ભગવાનની ઉપેક્ષાના ચાન્સ બનેલા રહે છે . બીજા ઑપ્શનમાં ભગવાનની ઉપેક્ષાના કોઈ ચાન્સ નથી . જે ભગવાનની ઉપેક્ષા કરે એ ભગવાનનો ભગત નથી . જે ભગવાનની ઉપેક્ષા ન કરે એ જ ભગવાનનો ભગત છે .
તમે લાંબા સમયથી કોઈ એક કામ કરી રહ્યા છો તો તમને એ કામ તમારા કબજામાં છે એવું લાગે છે . તમે લાંબા સમયથી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા છો તો તમને એમ લાગે છે કે એ વ્યક્તિનાં મનમાં તમારી માટે એકદમ ખાસ જગ્યા છે . તમે લાંબા સમયથી કોઈ એક પૉસ્ટ ઉપર છો તો તમને એમ લાગે છે કે એ પૉસ્ટ પર તમારો અધિકાર છે . તમે લાંબા સમયથી એકહથ્થુ સંચાલન કર્યું છે તો તમને એમ લાગે છે કે તમારા સિવાય સંચાલનમાં બીજું કોઈ જોડાઈ જ ન શકે . પઝૅશન એટલે શું ? તમને સમજાઈ ગયું હશે . તમે જ્યાં બેઠા છો ત્યાં તમારા સિવાય બીજું કોઈ બેસી ના શકે એવું તમે માની લીધું છે એ જ તમારું પઝૅશન છે . તમને જે મળ્યું છે એ તમારા સિવાય બીજા કોઈને મળવું ન જોઈએ એવી તમારી માનસિકતા હોય એને પણ પઝૅશન જ કહેવાય .
તમે બુદ્ધિશાળી છો પરંતુ તમને એમ લાગે છે કે તમારા જેટલું બુદ્ધિશાળી બીજું કોઈ છે જ નહીં , આ છે પઝૅશન . સમજો કે તમારા જેટલું બુદ્ધિશાળી કે તમારા કરતાં વધારે બુદ્ધિશાળી કોઈ ઉપસ્થિત થાય તો તમારાથી એ સહન ન થાય . આ જે સહનશક્તિનો અભાવ છે તે પઝૅશન છે . તમારી પાસે ઘર છે . એ ઘરમાં તમે રહો છો . હવે એ ઘરમાં બીજું કોઈ રહેવા આવે તો જે પાછળથી રહેવા આવ્યો છે એ આ ઘરમાં શું કામ રહેવા આવ્યો છે એવો પ્રશ્ન થયા કરે , એ ઘરમાં કેવી રીતે રહેવા આવી ગયો એની પીડા થયા કરે , આ પ્રશ્ન અને આ પીડા એ જ પઝૅશન . તમે જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ થવું જોઈએ એવું તમને લાગે છે . હવે , તમે નક્કી કર્યું એના કરતાં કંઈક જુદું થવાનું છે એવું તમને દેખાય અને એનાથી તમને ખોટું લાગે છે . આ ખોટું લાગવાનું વલણ જે આવ્યું તે પઝૅશન .
તમે રોટલી સરસ બનાવો છો એટલે તમારાં મનમાં નક્કી થઈ જાય કે તમારા સિવાય બીજા કોઈને રોટલી બનાવતાં આવડતું નથી . હવે બીજો કોઈ આવે છે અને રોટલી બનાવવામાં ઇન્ટરેસ્ટ લે છે ત્યારે તમારા પેટમાં તેલ રેડાય છે . તમારા સિવાય બીજું કોઈ રોટલી બનાવવા આવે અને તમારા સિવાયનું કોઈ માણસ તમારા કરતાં વધારે સારી રોટલી બનાવી જાય એની માટે તમે તૈયાર નથી . તમે એમ ચાહો છો કે રોટલી ફક્ત તમે જ બનાવશો . તમને એમ લાગે છે કે રોટલી ફક્ત તમારા હાથે સારી બને છે . બીજા કોઈના હાથમાં રોટલી બનાવવાનું કામ ગયું એ તમને ગમે નહીં . એના હાથે રોટલી ખરાબ બને તો તમે રાજી થાઓ . એના હાથે રોટલી સારી બને તો તમને અસલામતી થવા લાગે . આ છે પઝૅશન . જિંદગીભર તમે જ રોટલી બનાવ્યા કરશો તો આરામ ક્યારે કરશો ? તમારા સિવાય બીજા કોઈ રોટલી બનાવતા શીખશે નહીં તો તમારી ગેરહાજરીમાં લોકોની માટે રોટલી કોણ બનાવશે ? રોટલી તો હું જ બનાવીશ આવી જે માનસિકતા છે એ પઝૅશન છે . રોટલીનો દાખલો સમજવા પૂરતો છે . રોટલી શબ્દને પકડીને ઉહાપોહ કરવાની જરૂર નથી . તમે મુદ્દો સમજ્યા વગર ફક્ત રોટલી શબ્દ પકડીને ખળભળાટ મચાવો એ પણ પઝૅશન છે .
પઝૅશન ખુરશીનું પણ હોય છે . પઝૅશન જવાબદારીનું પણ હોય છે . પઝૅશન સંબંધનું પણ હોય છે . પઝૅશન રોટીનું , કપડાંનું અને મકાનનું પણ હોય છે . તમે માની લો છો કે અમુક વસ્તુ તમારા કબજામાં છે . પછી તમે માની લો છો કે જે મારા કબજામાં છે એ મારા કબજામાંથી જતું રહેશે તો ગડબડ થઈ જશે . તમે જે જે માની લીધું છે ને , એ પઝૅશનને લીધે માની લીધું છે . બાકી એવું માની લેવાની જરૂર હતી જ નહીં . તમે માની લીધું એટલે તમે ફસાઈ ગયા . તમે જે માની લીધું છે એ મુજબ તમે વિચાર બનાવશો . તમે જે માની લીધું છે એ વ્યાજબી હોત તો તમે જે વિચાર બનાવો તે પણ વ્યાજબી હોત . તમે જે માની લીધું છે એ વ્યાજબી હોય જ નહીં તો તમે જે વિચાર બનાવો એ પણ વ્યાજબી તો હોય જ નહીં ને . સીધી વાત છે .
તમે પઝૅશન રાખો છો તો તમારા વિચાર ખોટા બને છે . તમારી સાથે જે લોકો છે એમાંથી કોઈ જો પઝૅશન રાખે છે તો એના વિચારો પણ ખોટા બની જાય છે . પઝૅશન શું છે એ સમજવાનું સહેલું નથી . પઝૅશનમાંથી બહાર આવવું ઘણું જ અઘરું છે . તમે કોઈપણ બાબતને લઈને તમારાં મનમાં પઝૅશન ન બનાવો એ સાધનાની પહેલી શરત છે . બીજી શરત વધારે અગત્યની છે : જે પઝૅશનમાં ફસાયા છે એ પોતાનાં પઝૅશનમાંથી બહાર આવી શકવાના નથી . તમારી આસપાસમાં જે પણ લોકો છે એમનું પોતપોતાનું પઝૅશન નિશ્ચિત છે . કંઈ વ્યક્તિને શેનું પઝૅશન છે એ જોવાનું શીખી લો . જેણે જેની સાથે વધારે સમય વિતાવ્યો હશે એને એનું પઝૅશન હશે . એને કશુંક પકડી રાખવું હશે , એને કશુંક પોતાના હાથમાં રાખવું હશે , એને કશુંક પોતાનાં વર્ચસ્વમાં રાખવું હશે . એ જેને પકડી રાખવા માંગે છે એ જ એનું સુખ છે . એ જેને પોતાના હાથમાં રાખવા માંગે છે એનાથી જ એને રાજીપો મળે છે . એ જેને પોતાનાં વર્ચસ્વમાં રાખવા માંગે છે એ રીતે કરવાથી જ એનો હોંસલો બુલંદ રહેવાનો છે . તમારાં કારણે એનાં પઝૅશનમાં અડચણ ઊભી થશે એનાથી એ રઘવાયો બનશે . જેનું જેનું પઝૅશન તમારા લીધે ડિસ્ટર્બ થાય છે તે તમારી વિરુદ્ધમાં જતો રહે છે .
શ્રી મહાવીર સ્વામી ભગવાનને અચ્છંદક તાપસ મળ્યો હતો . એ પઝૅશનનો દર્દી હતો . એને લાગતું હતું કે ભવિષ્યવાણી હું જ કરી શકું , મારા સિવાય બીજા કોઈને ભવિષ્યવાણી કરતાં આવડે જ નહીં . એણે જોયું કે ભવિષ્યવાણી ઉપરની મારી મૉનૉપૉલી શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં કારણે તૂટી રહી છે . એણે મહાવીર સ્વામી ભગવાનને પોતાના દુશ્મન સમજી લીધા . ભગવાને એનું કશું બગાડ્યું નહોતું . ભગવાને એના વિરોધમાં એક પણ શબ્દ કહ્યો ન હતો . ભગવાને એને નુકસાન નહોતું કર્યું , ધક્કો નહોતો માર્યો . છતાં એ તાપસ ભડકી ગયો હતો . કારણ કે ભવિષ્યવાણી કરવી આ પ્રવૃત્તિ ઉપર અચ્છંદક તાપસનું પઝૅશન હતું .
જેનું જે વિષયમાં પઝૅશન હોય છે , એ વિષયમાં આપણે હસ્તક્ષેપ કરીએ ત્યારે એને અસલામતીની લાગણી થાય છે . એ વિરોધ કરે છે . એ કાવાદાવા રચે છે . કોઈ કામ હાથમાં લો , કોઈ જગ્યા લો કે કોઈ જવાબદારી સ્વીકારો ત્યારે એ કામ , એ જગ્યા કે એ જવાબદારી ઉપર કોઈએ પઝૅશનની લાગણી બનાવી લીધી છે કે નહીં એ પહેલેથી ચકાસી લેજો . જેની પર કોઈનું પઝૅશન હોય એની સાથે જોડાતાં પહેલાં લાખ વાર વિચાર કરજો . સમજ્યા વિના જોડાઈ જશો એ પછી શું થવાનું છે એ પાક્કું છે : જેણે પઝૅશન રચી લીધું હશે એ તમારાં કારણે હેરાન થતો રહેશે અને એનાં પઝૅશનનાં કારણે તમે હેરાન થતાં રહેશો . ભગવાન્ અચ્છંદક તાપસનાં પઝૅશનનાં કારણે હેરાન ના થયા કારણ કે એ ભગવાન્ હતા . આપણે ભગવાન્ નથી એ આપણે યાદ રાખવું જોઈએ .
જે જેનાથી સંપન્ન હોય છે એને એનું પઝૅશન હોય છે . ધનસંપન્નને ધનનું પઝૅશન હોય છે . કલાસંપન્નને કલારચનાનું પઝૅશન હોય છે . શેઠને શેઠાઈનું અને નોકરને નોકરીનું પઝૅશન હોય છે . ગાયકને ગાવાનું , કારભારીને કારભારનું , અધ્યાપકને અધ્યાપનનું , વક્તાને બોલવાનું અને નેતાને નેતાગીરીનું પઝૅશન હોય છે . સાસુને ઘરનું અને વહુને પતિનું પઝૅશન હોય છે . પઝૅશનનો મામલો બહુ પેચીદો છે . કોનું પઝૅશન કેવી રીતે ડિસ્ટર્બ થાય છે એ તરત સમજાતું નથી અને સમજાય છે ત્યારે મોડું થઈ ગયું હોય છે .
કોઈ ક્રોધ કરનાર ઉપર તમે ક્રોધ કરીને જીત્યા , ત્યારે જીત ક્રોધની જ થઈ છે , તમારી નહીં
અમુક લોકોનો સ્વભાવ હોય છે , ગુસ્સો કરવાનો . એમને વાતે વાતે ગુસ્સો આવતો હોય છે . એ ગુસ્સામાં શું બોલશે , કાંઈ નક્કી નહીં . એ ગુસ્સામાં કેવો વર્તાવ કરશે , કાંઈ અંદાજ ના આવે . એમની સામે જે આવે એની ઉપર એ ચિડાય છે . એમની લપેટમાં જે આવે છે , એની ધોલાઈ થતી હોય છે . એમણે અત્યાર સુધી જેમની જેમની પર ગુસ્સો કર્યો છે , તે લોકો એમનાથી સાચવીને રહે છે . ગુસ્સો કરનાર ઉપર કોઈને પ્રેમ ઉભરાતો નથી . ગુસ્સો કરનાર કડવો ગણાય છે . એનાથી દૂર રહેવાનું વલણ સહુ કોઈ અપનાવે છે . હવે વાત છે તમારી . આવા ગુસ્સાખોર માણસને મળવું જ ના પડે એવી પ્રભુને પ્રાર્થના . પરંતુ આપણું ધાર્યું થતું નથી . ક્યારેક આવા લોકોને મળવું પડે છે . આવા લોકોની સાથે થોડાક કલાક કે થોડા દિવસો વિતાવવા પડે છે . એ ભાગ્યશાળીનું વર્તન કેવું હશે એનો કોઈ અંદાજ આપણને હોતો નથી . તે ગુસ્સો કરશે એ પાક્કું છે . આપણે આપણા તરફથી શું કરવાનું છે એમાં સ્પષ્ટ રહેવાનું .
જે માણસ સતત ગુસ્સો કર્યા કરતો હોય , ઘણો ગુસ્સો કરતો હોય એને ભૂતકાળમાં જરૂરથી કોઈ મોટું દુઃખ સહન કરવું પડ્યું હશે . એ દુઃખ એનાથી સહન નહીં થયું હોય . એ અંદરથી તૂટી ગયો હશે . દુઃખના દિવસો વીતી ગયા પછી પણ દુઃખના લિસોટા એનાં મનમાં બનેલા રહ્યા હશે . એનું એ દુઃખ ગુસ્સો બનીને બહાર આવતું હોય એવું બની શકે છે . તમને ગુસ્સો દેખાય છે . તમને એની સાથે ભૂતકાળમાં શું થયું છે , એ નથી દેખાતું . જેનામાં ઘણો ગુસ્સો છે એ ભૂતકાળથી ઘવાયેલો માણસ છે . જ્યાર સુધી એના જૂના જખમો ભૂંસાશે નહીં , એ ગુસ્સો કરતો રહેવાનો છે . ગુસ્સો કરનારી વ્યક્તિને દૂરથી જોઈએ છીએ તો એની મજાક કરવાનું સૂઝે છે . તમારી પર એ ગુસ્સો કરતો હોય અને તમને ગુસ્સો આવ્યો ન હોય એ વખતે તમે એ ગુસ્સો કરનાર વ્યક્તિના મુકાબલે સંતુલિત અવસ્થામાં છો . આથી તમે સામો ગુસ્સો કરવાને બદલે થોડી જુદી હરકત કરો છો . જેણે ગુસ્સો કર્યો છે , જે ગુસ્સો કરી રહ્યો છે એની તમે મજાક ઉડાવો છો . મજાક ઉડાવવા દ્વારા તમે એને એવો અહેસાસ આપો છો કે તું કમજોર માણસ છે , નબળો માણસ છે આથી તને ગુસ્સો આવે છે . ભલે , તને ગુસ્સો આવ્યો પણ જોઈ લે . મને તો ગુસ્સો આવ્યો જ નથી . જેને ઘણો ગુસ્સો આવે છે એની મજાક કરવાને બદલે એની માટે દયા અને સહાનુભૂતિની લાગણી બનાવો . દયાની લાગણી તમને હંસીમજાકમાંથી બહાર લઈ આવશે . ગુસ્સો કરનારની મજાક ઉડાવીએ એ આપણી પહેલી ભૂલ હોય છે .
જે માણસ ગુસ્સો કરવા માટે મજબૂર છે એ માણસ માટે તમારાં મનમાં દયાના ભાવ હશે નહીં તો તમે એ માણસ સાથે જે પણ કરશો એમાં ભોગવવાનું તમારે જ છે . તમે ગુસ્સો કરનાર વ્યક્તિને શિખામણ આપવા જશો તો એ તમારી પર નવેસરથી ગુસ્સો કરશે . તમે ગુસ્સો કરનાર વ્યક્તિને દલીલ કરીને ચૂપ કરવા જશો તો એ ચૂપ થવાનો નથી . એ નવા નવા મુદ્દા ઉછાળ્યા કરશે . ગુસ્સો કરનાર જે પણ સાંભળે છે એના જવાબમાં એને કંઈ બોલવું જ હોય છે . ગુસ્સો કરનાર સાથે દલીલબાજી કરવા બેસી જઈએ એ આપણી બીજી ભૂલ હોય છે .
ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપી શકાય નહીં . ગુસ્સાને શાંત પાડવો હોય ત્યારે એક જ કામ કરવું પડે . ગુસ્સાનો જવાબ શાંતિથી આપવો પડે . જવાબ ના આપીએ એ પણ શાંતિ છે . જવાબ આપવો જરૂરી બને ત્યારે જવાબ જણાવી દઈએ પણ અભિવ્યક્તિમાં ક્રોધને લાવીએ નહીં એ પણ શાંતિ છે . ગુસ્સો કરનારને હરાવવો જોઈએ એવું ક્યાંય લખ્યું નથી . ગુસ્સો કરનાર ગુસ્સો કરે છે એ એનો રોગ છે . ગુસ્સો કરનાર ઉપર સામો ગુસ્સો કરવાથી એનો રોગ વધવાનો છે . એટલું જ નહીં જે રોગ એને લાગુ પડ્યો છે એ રોગ તમને પણ લાગુ પડી જશે . તમે ગુસ્સો કરનાર વ્યક્તિ ઉપર ગુસ્સો કરશો તો ગુસ્સાના મામલામાં એ તમારાથી સિનિયર છે એટલે એ જીતશે અને ગુસ્સાના મામલામાં તમે એનાથી જુનિયર છો એટલે તમે હારશો . ગુસ્સો કરનાર ઉપર આપણે ગુસ્સો કરવા માંડીએ એ આપણી ત્રીજી ભૂલ હોય છે .
સાધારણ જીવન વ્યવહારમાં એવું બને છે કે ગુસ્સો કરનારને સામો ગુસ્સો કરીને આપણે ઠંડો પાડીએ . પરંતુ તમે સાધક છો . સાધના કરી રહ્યા છો . કોઈ તમારી પર ગુસ્સો કરે છે , એના ગુસ્સાના જવાબમાં તમારા તરફથી ગુસ્સો થવા દેવાનો નથી . જે સામા માણસ પર ગુસ્સો કરે છે એ શક્તિશાળી છે એવું નથી . જે સામા માણસનો ગુસ્સો સહન કરી લે છે એ શક્તિશાળી છે . તમે સામા માણસને સાદી સરળ ભાષામાં ફક્ત યાદ કરાવી શકો છો કે તું ગુસ્સામાં છે . એ યાદ કરાવતી વખતે પણ , તમે પોતે ગુસ્સામાં ન હો , એ બહુ જરૂરી હોય છે . તમને પોતાને યાદ હોય કે સામો માણસ ગુસ્સામાં છે અને એના ગુસ્સાની સામે મારે ગુસ્સો કરવાનો નથી , આનાથી પરિસ્થિતિ સરળ બની જાય છે . ઝેરથી ઝેર ઉતરતું હશે , લોઢાથી લોઢું કપાતું હશે . ક્રોધની સામે ક્રોધ કરવાથી ક્રોધ ઓછો થતો નથી . કોઈ ક્રોધ કરનાર ઉપર તમે ક્રોધ કરીને જીત્યા , ત્યારે જીત ક્રોધની જ થઈ છે , તમારી નહીં : આવું સુવાક્ય ક્યાંક વાંચ્યું હતું .
સામો માણસ ક્રોધ કરે અને આપણે ક્રોધ ના કરીએ આમાં આપણે કમજોર દેખાઈએ છીએ . વાત સાચી છે . સામો માણસ ગુસ્સામાં હોય અને આપણે ગુસ્સામાં ન આવીએ આમાં આપણી હાર થઈ જશે એવું લાગે છે . વાત સાચી છે . મોટેભાગે એવું જ થતું આવ્યું છે કે સામો માણસ ક્રોધ કરે એના જવાબમાં આપણે ક્રોધ કરીએ એટલે પેલો ઠંડો પડી જાય . આપણે આ પોલિસીથી જ ચાલતા આવ્યા છીએ . આ પોલિસીથી હારજીત નક્કી થાય છે . આ પોલિસીથી માનસિક શાંતિનો માર્ગ ખૂલતો નથી . ક્યારેક આપણા ક્રોધને કારણે સામે માણસ ઠંડો પડે અને ક્યારેક સામા માણસના ક્રોધને કારણે આપણે ઠંડા પડીએ . જીવનભર આ વહેવાર ચાલતો જ રહે છે .
સાધના અલગ વસ્તુ છે . સાધનામાં તમે પોતાની જાતને સૂચના આપી છે કે મારે દ્વેષની જંજાળમાં પડવું નથી . આથી તમે સાધનામાં સહન કરવાનો રસ્તો અપનાવો છો . સહન કરવાનો રસ્તો અહિંસક સત્યાગ્રહ જેવો છે . સામો માણસ તકલીફ આપીઆપીને થાકી જશે ત્યાર સુધી આપણે રાહ જોતા રહીશું . ગુસ્સો કરનારો ગુસ્સો કરીકરીને થાકી જશે એ પછી એ ગુસ્સો કરવાનું છોડી દેશે એવો આશાવાદ . પ્રભુ મહાવીરે શૂલપાણિ યક્ષ સાથે આ માર્ગ અપનાવ્યો હતો . શૂલપાણિ યક્ષ ભગવાનને જુદી જુદી તકલીફ આપતો જ રહ્યો , આપતો જ રહ્યો . જવાબમાં ભગવાન શાંત જ રહ્યા , શાંત જ રહ્યા . ન ગુસ્સો કર્યો , ન ડર બનાવ્યો .
નેગેટિવ માણસનાં નેગેટિવ વર્તનની સામે તમે સતત પોઝિટિવ જ રહો છો તો છેવટે નેગેટિવ માણસને નેગેટિવિટી છોડી દેવી પડે છે . શૂલપાણિ યક્ષ અત્યંત નેગેટિવ હતો . એણે ભગવાનને તકલીફ આપવામાં કાંઈ બાકી રાખ્યું નહીં . પણ ભગવાન્ નેગેટિવ બન્યા નહીં . ભગવાન પોઝિટિવ જ રહ્યા . ભગવાન્ નેગેટિવ બન્યા હોત તો શૂલપાણિ યક્ષની નેગેટિવિટી વધી જવાની હતી . ભગવાન્ નેગેટિવ થયા જ નહીં . ભગવાન્ પોઝિટિવ જ રહ્યા . પરિણામ એ આવ્યું કે યક્ષની નેગેટિવિટી કમજોર પડી ગઈ અને ખતમ થઈ ગઈ .
સામો માણસને નેગેટિવ વર્તન કરે એના જવાબમાં તમારે પણ નેગેટિવ વર્તન કરવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી . સામા માણસનાં નેગેટિવ વર્તનની પહેલાં તમે પોઝિટિવ હતા અને સામા માણસનાં નેગેટિવ વર્તન પછી પણ તમે પોઝિટિવ જ રહ્યા . સાધનામાં તમારે આ સ્તરે પહોંચવાનું છે . જે ભગવાન્ કરી શકે તે બીજા કોઈ ના કરી શકે . જે ભગવાન્ માટે પોસિબલ છે એ બીજા માટે પોસિબલ ના પણ હોય . ભગવાને જે કર્યું તે યાદ કરીએ એનાથી કંઈક શીખવા જરૂર મળે છે .
તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે . તમે તૈયાર રહેજો . તમે તમારાં જીવનને જે રીતે બનાવ્યું છે એ તમારો પોતાનો દૃષ્ટિકોણ છે . તમે જે રાખ્યું છે એ તમારી મરજીથી રાખ્યું છે . તમે જે નથી રાખ્યું એ ન રાખવા પાછળ પણ તમારી પોતાની એક મરજી છે .
તમે એકાસણું કરો છો અને એમાં મીઠાઈ વાપરો છો એ તમારી મરજી છે . તમે આંબેલ કરો છો અને મીઠાઈ નથી વાપરતા એ તમારી મરજી છે . તમે મોંઘાં કપડાં પહેરો છો , તમારી મરજી છે . તમે સાદા કપડાં પહેરો છો , તમારી મરજી છે . તમે ટોળાં ભેગા કરીને ટોળાની વચ્ચે જીવો છો , તમારી મરજી છે . તમે ટોળાથી દૂર રહેવાનું પસંદ કરો છો , તમે એકાંત જીવન બનાવો છો , તમારી મરજી છે . તમે તમારી પ્રશંસા થાય એવું વાતાવરણ રચો છો , તમારી મરજી છે . તમે તમારી પ્રશંસા થાય એવું વાતાવરણ બનવા દેતા નથી , તમે તમારી પ્રશંસાને ટાળો છો , તમારી મરજી છે . તમે જાહેર જીવન જીવો છો , તમારી મરજી છે . તમે જાહેર જીવનથી દૂર રહો છો , તમારી મરજી છે . તમે ચોક્કસ વ્યવસ્થાઓ સ્વીકારો છો , એ વ્યવસ્થાઓ તમારું સ્ટેટસ બનાવે છે , તમારી મરજી છે . તમે ચોક્કસ વ્યવસ્થાઓ સ્વીકારતા નથી , એ વ્યવસ્થાઓનો અભાવમાં તમારું સ્ટેટસ બનતું નથી , તમારી મરજી છે . તમે મહેલમાં રહો છો , તમારી મરજી છે . તમે ઝૂંપડીમાં રહો છો , તમારી મરજી છે . તમે દાગીના પહેરો છો , તમારી મરજી છે . તમે દાગીના નથી પહેરતા , તમારી મરજી છે . આવું ઘણું બધું છે જે તમે સ્વીકાર્યું છે , એમાં પણ તમારી મરજી છે . એવું ઘણું બધું છે જે તમે સ્વીકાર્યું નથી , એમાં પણ તમારી મરજી છે .
તમારી પાસે જે છે એનાથી તમે ખુશ છો , તમારી પાસે જે નથી એમાં પણ તમે ખુશ છો . જે છે અને જે નથી એ બંને દ્વારા તમારી મરજી મુજબનું જીવન તમને મળ્યું છે . તમે એ રીતે જ જીવન જીવતાં રહેશો એવું લોકો બનવા નહીં દે . લોકોને તમારાં જીવનમાં દરેક જગ્યાએથી કારણો શોધવા છે . તમારી પાસે જે છે એ શું કામ છે એની લોકોને ચિંતા છે અને એની લોકો ચર્ચા કરે છે . તમારી પાસે જે નથી એ શું કામ નથી એની લોકોને ચિંતા છે અને લોકો એની ચર્ચા કરે છે . તમે જે કરો છો એ તમારે કરવું જોઈએ કે નહીં એની લોકોને ચિંતા છે અને લોકો એની ચર્ચા પણ કરે છે . તમે જે નથી કરતા એ તમે શું કામ નથી કરતા એની સમીક્ષા લોકો કરે છે કારણ કે લોકો એ બાબતમાં પણ ચિંતા કરતા જ હોય છે .
લોકો તમારી આસપાસ રહે છે . લોકો તમને જુએ છે . લોકો તમારા વિશે વિચારે છે . લોકો તમારા વિશે વાત કરે છે . લોકો તમારા વિશે સમાચાર બનાવે છે . લોકો તમારા વિશે અભિપ્રાય બનાવે છે . લોકો સારું બોલે છે ત્યારે સારું બોલવાનાં કારણો શોધી કાઢે છે . લોકો ખરાબ બોલે છે ત્યારે ખરાબ બોલવાનાં કારણો શોધી કાઢે છે . લોકો તમને છોડવાના નથી . લોકોને તમારી માટે ઘણી ફુરસદ છે . લોકો પોતાનાં જીવનમાં શું થઈ રહ્યું છે એ ભલે છુપાડે , પણ તમારાં જીવનમાં શું થઈ રહ્યું છે એ ખુલ્લું પાડ્યાં કરશે . લોકો તમારી શક્તિને ઓળખી નહીં શકે , લોકોને લાગશે કે તમે અભિમાની છો . લોકો તમારા ત્યાગને સમજી નહીં શકે , લોકોને લાગશે કે તમે દયાપાત્ર છો . લોકો શું બોલશે તમારા હાથમાં નથી , લોકો શું વિચારશે એ પણ તમારા હાથમાં નથી . લોકો તમારી સાથે કેવો વ્યવહાર કરશે એ પણ ખરેખર જ તમારા હાથમાં નથી . લોકો તમારી માટે ઊંચો આદરભાવ બનાવે એવું પણ બને . લોકો તમારી માટે વાહિયાત વાતો ફેલાવે એવું પણ બને . લોકો છે , લોકો કાંઈ પણ કરી શકે છે .
તમે જે સાંભળીને ખુશ રહેશો એ રીતે જ લોકો બોલશે એવું ક્યારેય બનવાનું નથી . તમે જે સાંભળીને પ્રોત્સાહન પામશો એ રીતે જ લોકો બોલશે એવું ક્યારે બનવાનું નથી . લોકો એવું પણ બોલશે જેનાથી તમને દુઃખ થશે , જેનાથી તમારો ઉત્સાહ તૂટી જશે . લોકોનું કામ તો ફક્ત બોલવાનું છે . પોતે બોલે છે એ શું છે એ લોકો વિચારતા નથી . લોકો બસ , બોલ્યા કરે છે . તમારે લોકોને ગંભીરતાથી લેવા છે કે નહીં એ તમારા હાથમાં છે . લોકો જે ક્ષણે જે સૂઝે છે એ બોલીને એ છૂટા થઈ જાય છે . એ પછીની ક્ષણોમાં લોકો સાવ જુદી વાતો કરવા લાગે છે . લોકો પહેલાં શું બોલે છે અને પછી શું બોલે છે એની વચ્ચે કોઈ મેળ હોતો નથી . લોકો પોતાનાં મોઢામાંથી જે શબ્દ આવ્યા એ વહેતા મૂકી દે છે , બસ .
તમે મીઠાઈનો ત્યાગ કર્યો છે એવું લોકો સમજશે નહીં . લોકોને એમ જ લાગશે કે તમને મીઠાઈ મળતી નથી , તમે બીચારા છો . તમે પૈસાથી દૂર રહો છો તો લોકોને એ સમજાશે નહીં . લોકોને એમ જ લાગશે કે તમે ગરીબ છો , તમે દયાપાત્ર છો . તમે બોલવાનું ઓછું કરી દેશો તો લોકોને એમ લાગશે કે તમને બોલવાનું આવડતું જ નથી . લોકો એવી સ્ટોરી પણ ફેલાવશે . તમે બીજા લોકોને મળવાનું બંધ કરી દેશો તો લોકોને એમ લાગશે કે તમારી પાસે કોઈ આવતું નથી . લોકો એવા સમાચાર પણ બનાવશે . તમે સ્વાધીન રહીને પોતાનું કામ પોતાના હાથે કરતા હશો તો લોકોને એવું લાગશે તમે એકલા પડી ગયા છો . લોકો એવી વાર્તાઓ એકબીજાને કહેવા માંડશે . તમે કોઈનો સાથ લેતા હશો તો લોકોને એ દેખાશે . તમને જેનો સાથ મળ્યો છે એના વિષયમાં લોકોને શંકાકુશંકા થશે . લોકો એની ચર્ચાઓ જરૂરથી કરશે . તમે કોઈ મોટું કામ કરી બતાવશો ત્યારે , આ કામ થયું કેવી રીતે એની લોકોને ચિંતા થશે . તમારામાં આ કામ કરવાની શક્તિ ક્યાંથી આવી ગઈ એનું ગંભીર વિશ્લેષણ લોકો વિસ્તારપૂર્વક કરશે . આમ કરીને લોકો ગર્વ અનુભવશે . પોતાનું વિશ્લેષણ લોકો દૂર દૂર સુધી ફેલાવશે પણ ખરા . તમે કોઈ જ કામ કરશો નહીં તો લોકોને લાગશે કે તમે નવરા બેઠા છો . હવે લોકો તમારી જવાબદારી શું છે એની ઉપર ચર્ચાસત્રનું આયોજન કરશે . એમાંથી જે મુદ્દા મળ્યા એ મુદ્દા દરેક બજારમાં પહોંચે એ માટે લોકો પુરુષાર્થ આદરશે .
લોકોને મૂકો તડકે . તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એનો આધાર તમારો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય જ છે . તમે શું રાખ્યું છે અને તમે શું છોડ્યું છે એનો આખરી નિર્ણય એકમાત્ર તમારા હાથમાં જ છે . તમારાં સુખની વ્યાખ્યા તમે બનાવેલી હશે એ જ તમને કામ આવશે . લોકોએ બનાવેલી સુખની વ્યાખ્યા , તમારી સુખની વ્યાખ્યા કરતાં જુદી જ હોવાની . તમે લોકોએ બનાવેલી સુખની વ્યાખ્યાને સમજવા મહેનત કરશો એમાં દિવસો નીકળી જશે છતાં તમારા હાથમાં કાંઈ આવશે નહીં . લોકો પોતે બનાવેલી વ્યાખ્યાને વફાદાર હોતા નથી , લોકો પોતાની વ્યાખ્યા બદલતા રહે છે . તમે તમારાં સુખની વ્યાખ્યા બનાવો , એ વ્યાખ્યામાં સ્પષ્ટ રહો અને એ મુજબ જીવન જીવો એમાં તમને શાંતિ મળશે .
દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાને લોકોથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું . એ ભગવાને નક્કી કરેલી પોતાની વ્યવસ્થા હતી . સિદ્ધાર્થ નામના દેવને ભગવાને નક્કી કરેલી વ્યવસ્થા સમજાઈ નહીં . સિદ્ધાર્થ નામનો દેવ ભગવાનને પ્રેમ કરતો હતો પણ એનાં મનમાં ભગવાન્ માટે ગલતફહેમી ઊભી થઈ હતી . દેવને એમ લાગ્યું કે ભગવાન એકલા પડી ગયા છે . હકીકત એ હતી કે ભગવાન્ એકલા રહેવા માંગતા હતા . દેવને એમ લાગતું હતું કે ભગવાન્ પાસે કોઈ આવતું નથી . હકીકત એ હતી કે પોતાની પાસે કોઈ આવે એ ભગવાનને મંજૂર જ નહોતું . દેવને એમ લાગતું હતું કે ભગવાનની પાસે અનુયાયીઓ છે જ નહીં . હકીકત એ હતી કે ભગવાન્ અનુયાયીઓ વિનાનું જીવન જીવવા માંગતા હતા . દેવને એમ લાગતું હતું કે ભગવાનનો જય જયકાર નથી થઈ રહ્યો . હકીકત એ હતી કે ભગવાનને પોતાનો જયજયકાર થાય એ પરિસ્થિતિ સ્વીકાર્ય નહોતી . દેવને એમ લાગતું હતું કે ભગવાનનો પ્રચાર નથી થઈ રહ્યો . હકીકત એ હતી કે પોતાનો પ્રચાર થાય એમાં ભગવાનને કોઈ રસ નહોતો . દેવને એમ લાગતું હતું કે ભગવાન પાસે મોટા મોટા લોકો આવતા નથી . હકીકત એ હતી કે ભગવાન્ નાના કે મોટા કોઈ પણ માણસો માટે સમય ફાળવવા તૈયાર નહોતા . દેવને એમ લાગતું હતું કે ભગવાન બોલતા નથી . હકીકત એ હતી કે ભગવાને બોલવાથી દૂર રહેવાનો સંકલ્પ બનાવ્યો હતો .
ભગવાન્ જેવા ભગવાન્ માટે ગેરસમજ ઊભી થઈ હતી . એ ગેરસમજ એ દેવનાં મનમાં ઊભી થઈ હતી જે ભગવાનને પ્રેમ કરતો હતો . ગેરસમજ દુશ્મનોનાં મનમાં જ બને છે એવું નથી . ગેરસમજ આપણાં પોતાનાં લોકોનાં મનમાં પણ બને છે . સિદ્ધાર્થ નામના દેવે , ગેરસમજ બનાવી તે પછી બીજી એક ભૂલ કરી હતી . જે જે ભગવાનને કરવું નહોતું એ બધું ભગવાન્ દ્વારા થઈ રહ્યું છે એવું વાતાવરણ એણે બનાવ્યું . જે જે ભગવાનને બોલવું નહોતું એ બધું ભગવાન્ દ્વારા બોલાઈ રહ્યું છે એવું વાતાવરણ એણે બનાવ્યું . જે જે ભગવાનને નહોતું જોઈતું એ બધું ભગવાનની સામે ઉપસ્થિત કરવામાં આવ્યું . લોકો . જય જયકાર . પ્રશંસા . ભક્તોની ભીડ . ભગવાનનું પ્રિય એકાંત થોડા સમય માટે ગાયબ થઈ ગયું હતું .
તમારી માટે ગેરસમજ થશે , તમારી સાથે એવો વ્યવહાર થશે જેની માટે તમે તૈયાર નથી . આવું બનશે . જેણે તમારી માટે ગેરસમજ બનાવી અને ફેલાવી એની માટે દ્વેષ નહીં કરવાનો . જેણે તમારી સાથે અનિષ્ટ વ્યવહાર કર્યો એની માટે સંક્લિષ્ટ વિચારો નહીં રચવાના . સાધનાનો આ નિયમ છે .
કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .
સાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે . વીતરાગ અવસ્થામાં રાગ નથી હોતો . રાગનાં આલંબનની છાયામાં ન આવીએ , રાગનાં સ્પંદનો ના બને , વીતરાગ અવસ્થાનું સ્મરણ આ રીતે કરાય . વીતદ્વેષ અવસ્થામાં દ્વેષ નથી હોતો . દ્વેષનાં આલંબનની છાયામાં ન આવીએ , દ્વેષનાં સ્પંદનો ના બને , વીતદ્વેષ અવસ્થાનું સ્મરણ આ રીતે કરાય . દ્વેષનું કારણ રાગ છે , જો રાગ મટી ગયો તો દ્વેષ મટવાનો જ છે . આપણે આ વાત હંમેશા સાંભળતા આવ્યા છીએ . આપણે એમ જ વિચારતા રહીએ છીએ કે રાગ ઓછો કરો , રાગ ઓછો કરો . રાગનાં આલંબનની હાજરીમાં જે રાગથી બચેલા રહ્યા એમને આપણે યાદ કરીએ છીએ . આપણે આ જ રીતે વિચારતા રહેવાનું છે કે દ્વેષ ઓછો કરો , દ્વેષ ઓછો કરો . દ્વેષનાં આલંબનની હાજરીમાં જે દ્વેષથી બચેલા રહ્યા એમને પણ આપણે યાદ કરીએ એ જરૂરી બને છે . આપણને કેવા કેવા વહેવારને કારણે દ્વેષ થતો હોય છે તે શોધી કાઢવું જોઈએ . આપણાં મનમાં દ્વેષ જાગે છે તે આપણને જ અશાંતિનાં વમળમાં ફસાવી દે છે . ખુદને બચાવી રાખીએ તે સાધના .
૧. કોઈ આપણી પર આક્ષેપ કરશે ત્યારે આપણને દ્વેષ થશે .
શ્રી મહાવીર સ્વામી ભગવાનને દીક્ષા બાદ દ્વેષનું કારણ બની શકે એવા લોકો વારંવાર મળ્યા છે . દરેક વ્યક્તિની એકાદ વર્તણૂક એવી હતી કે એને કારણે મનમાં દ્વેષ જાગે . પ્રભુએ સ્વયંને દ્વેષથી બચાવી રાખવા માટે સભાનતા જાળવી હતી .
દીક્ષાની પહેલી રાતે ગોવાળિયો મળ્યો હતો . ગોવાળિયો પોતાના બળદ ભગવાનને સોંપીને ગયો હતો. ભગવાને ન તો સ્વીકાર કર્યો હતો , ન તો વચન આપ્યું હતું . ગોવાળિયો બિલકુલ ગળે વળગ્યો હતો . છતાં છેવટે એણે ભગવાન પર જ આક્ષેપ કર્યો . આક્ષેપ પણ કેવો ? ભગવાન બળદની ચોરી કરવા ચાહે છે એવો આક્ષેપ .
આપણી ઉપર આક્ષેપ થયો તે પછી આપણાં મનમાં દ્વેષ બને છે આ પહેલો તબક્કો છે . તે પછી બીજા તબક્કામાં આપણે આ બધું કરીએ છીએ : આપણી પર આક્ષેપ આવશે ત્યારે ખુલાસો કરીશું , ઝઘડો કરીશું , આક્ષેપની સામે પ્રતિઆક્ષેપ કરીશું . આપણને ખોટું લાગશે / ખરાબ લાગશે . આપણે ડરવા લાગશું / રડવા લાગશું . જેણે આપણી પર આક્ષેપ કર્યો હોય એની માટે ખરાબ બોલવાનું આપણને સ્વાભાવિક લાગશે . આક્ષેપ કરનાર કેવો વાહિયાત માણસ છે એનો પ્રચાર કરવાનું આપણને ઉચિત લાગશે . આક્ષેપ કરનારનો પૂરેપૂરો ભૂતકાળ ખુલ્લો પાડવાનો પુરુષાર્થ આપણે અવશ્ય કરવાના . આક્ષેપ કરનાર ઉપર આપણે અપશબ્દોનો વરસાદ વરસાવશું . આક્ષેપ કરનાર ઉપર આપણે ભયંકર ગુસ્સો કરીશું . આક્ષેપ વસ્તુ જ એવી છે કે જેની પર આક્ષેપ થાય છે એનાં મનમાં ભરપૂર દ્વેષ જાગે છે .
જે આક્ષેપ કરે છે એની માનસિકતા જબરી હોય છે . આક્ષેપ કરનારા લોકો જે અઠ્ઠાણું ટકા સારું થયું છે એની વાત નહીં કરે . એ લોકો બે ટકા જે બાકી રહ્યું છે એમાંથી કાંઈક પકડશે અને એ બે ટકાની વાતને જ ડહોળ્યા કરશે . જે અઠ્ઠાણું ટકા સારું હતું એની વાત વિગતવાર કરી હોય તો સારું લાગે . પણ આક્ષેપવીરો સારું નહીં બોલે . આક્ષેપવીરો જે બે ટકા બાકી રહેલું છે એની ઉપર ફોકસ બનાવેલું રાખશે . આક્ષેપવીરોને મફતમાં બોલવાનું જ હોય છે . આક્ષેપવીરનાં માથે કોઈ જવાબદારી હોતી નથી . આક્ષેપવીરની વાતો એવી હોય છે કે એમની વાતોને ગંભીરતાથી લેવામાં આવે તો આપણો આત્મવિશ્વાસ તૂટી જાય અને આપણી હિંમત ઓસરી જાય .
ગોવાળિયો તો ભગવાનને મારવા માટે તૈયાર થઈ ગયો હતો . જેણે આપણને ચાબૂક મારવાનું નક્કી કર્યું હોય , જે આપણી સામે ઉભો રહીને આપણી વિરુદ્ધમાં રાડારાડ કરતો હોય એની માટે આપણને દ્વેષ નહીં થાય તો શું રાગ થશે ? ભગવાને ગોવાળિયા માટે પોતાના મનમાં દ્વેષ ન બનવા દીધો એ જ હતી ભગવાનની સાધક દશા . જે વર્તણૂક દ્વેષનું કારણ બની શકે છે તેને એ રીતે જીરવી જઈએ કે મનમાં દ્વેષ બને જ નહીં આ સાધના છે . ગોવાળિયો ચાબૂક મારવાનો હતો પણ મારી ન શક્યો કારણ કે ઇન્દ્ર મહારાજા વચ્ચે આવ્યા . ઇન્દ્ર મહારાજા આવ્યા ન હોત અને ગોવાળિયાની વર્તણૂક આગળ વધી હોત તો પણ ભગવાનનાં મનમાં દ્વેષ જાગવાનો નહોતો .
શીખવાની વાત એ છે કે તમારી પર આક્ષેપ થશે , એવો આક્ષેપ હશે કે મનમાં પીડા બનશે , આક્રોશ જાગશે . સાધારણ માણસને ગુસ્સો આવે એવી એ પરિસ્થિતિ હશે પરંતુ તમે સાધક છો , તમને યાદ હશે કે તમે સાધક છો . આથી તમે ગુસ્સો કરવાનું ટાળશો . તમે મનમાં દ્વેષ બનવા ના દીધો , તમે વ્યવહારમાં ગુસ્સો આવવા ના દીધો , તમારી સાધકદશાને તમે સાર્થક કરી દીધી .
૨ . કોઈ આપણને બિનજરૂરી સલાહ આપશે ત્યારે આપણને દ્વેષ થશે .
દીક્ષાનાં પ્રથમ ચોમાસામાં પ્રભુને કુલપતિ મળ્યો હતો . પ્રભુ ઘાસની એક કુટિરમાં ચોમાસું રોકાયા હતા . વરસાદના અભાવે ગાય આશ્રમમાં આવે છે અને પ્રભુની કુટિરને તોડી નાંખે છે . તે વખતે આશ્રમનો સંચાલક કુલપતિ પ્રભુ પાસે આવીને પ્રભુને સૂફિયાણી સલાહ આપે છે કે તમે રાજકુમાર છો , તમારે ઝૂંપડીની રક્ષા કરવી જોઈએ . નાનકડા પંખી પણ પોતાના માળની રક્ષા કરે છે વગેરે વગેરે .
કુલપતિની વાતનો સારાંશ એ હતો કે તમારે જે સમજવું જોઈએ , એ તમે સમજતા કેમ નથી ? કોઈપણ સલાહ આપવાવાળો માણસ બીજાને સલાહ આપતી વખતે પોતાને મહાન્ જ્ઞાની સમજે છે અને સામા માણસને તુચ્છ અને મંદબુદ્ધિ સમજે છે . સલાહવાચસ્પતિ લોકો સામા માણસને સમજાવતી વખતે લાંબુલચક ભાષણ આપે છે . ફક્ત બોલવાથી જ બધાં કામો થતા હોત ને , તો આ દુનિયામાં પસીનો પાડવાની જરૂર જ ના પડત . પસીનો પુરુષાર્થનો હોય છે . પસીનો મહેનતનો હોય છે . સલાહ આપવામાં કોઈ પસીનો પડતો નથી . જેણે ખરેખર પસીનો પાડીને ઘણાંબધાં મોટાં કામ કરી લીધાં છે એની પાસે જઈને એને જે સલાહ આપવા માંડે છે એને એમ મહેસૂસ થતું હોય છે કે હું મહાન્ માણસ થઈ ગયો . સલાહ આપનારનું અભિપ્રેત એ હોય છે કે હું તમારા કરતાં વધારે સમજદાર છું . સલાહ આપનારનું માનવું એ હોય છે કે આ દુનિયામાં સૌથી વધારે સમજદાર હું છું . મારા જેટલો સમજદાર કોઈ છે જ નહીં . સલાહ આપનાર તમને તુચ્છ સમજે છે , પોતાને વિરાટ સમજે છે . સલાહ આપનાર તમને અજ્ઞાની માને છે , પોતાને વિદ્વાન્ સમજે છે . સલાહ આપનારનો જે રવૈયો હોય છે એ જે ક્ષણે સમજાય છે એ ક્ષણે આપણને ખરેખર ઘણોબધો ગુસ્સો આવવા લાગે છે . આપણે કોની પાસેથી માર્ગદર્શન લેશું એ આપણે નક્કી કરેલું છે . આપણે એમનું માર્ગદર્શન લઈએ પણ છીએ . આપણા માર્ગદર્શક સિવાયનો કોઈ આવે અને એ આપણો માર્ગદર્શક બનવાની કોશિશ કરે ત્યારે મનમાં દ્વેષ બનવા માંડે છે . તમને જે વગરમાંગે સલાહ આપે એ તમારાં મનમાં દ્વેષની લાગણી જગાડી શકે છે . તમે તમારાં મનમાં દ્વેષ જાગવા ન દો . તમે તમારાં મનને સંક્લેશથી બચાવી રાખો .
સાધકનું કામ છે : દ્વેષજનક વ્યવહારમાં પણ દ્વેષથી મુક્ત રહેવું . તમે પહેલેથી પોતાને સૂચના આપી રાખો : કોઈ મારી પર આક્ષેપ કરશે ત્યારે હું મનમાં દ્વેષ બનાવીશ નહીં , કોઈ મને તુચ્છ સમજીને સલાહ આપવા માંડશે ત્યારે હું દ્વેષ કરીશ નહીં . જોકે આક્ષેપ કરનાર કે સૂફિયાણી સલાહ આપનારને ઉચિત જવાબ આપી શકાય છે . પરંતુ એ જવાબ આપતી વખતે આપણે દ્વેષથી અલિપ્ત હોઈએ એ અતિશય જરૂરી છે . કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું . ખોટું લાગે છે એ દ્વેષની નિશાની છે . જે આક્ષેપ કરે છે તે સ્વયં દ્વેષમાં ડૂબેલો હોય છે અને જે સલાહ આપે છે તે ખુદ અહંકારમાં ફસાયેલો હોય છે .
ભલા માણસ ! જેના દ્વારા જ્ઞાનનું ઉપાર્જન થતું હોય અને જ્ઞાનનો વ્યવહાર સચવાતો હોય એને જમીન પર મૂકાય જ કેવી રીતે ?
જ્ઞાનપાંચમના દિવસે આપણે બધા જ્ઞાનની પૂજા કરવાના , આરાધના કરવાના , ઉપાસના કરવાના . પુસ્તકની પૂજા , પુસ્તકને વંદન . પુસ્તકના માન સન્માન . એક દિવસ માટે જ્ઞાનને માન આપવું અને બાકીના દરેક દિવસોમાં જ્ઞાનનું અપમાન કરવું , એવું વલણ ઉચિત ગણાતું નથી . આપણો એક વ્યવહાર એવો છે જેમાં કોઈ પણ કારણ વગર જ્ઞાનનું અપમાન થતું હોય છે . એ વ્યવહારને બંધ કરવાની ફરજ આપણી છે . પુસ્તક , નોટબુક , લેટરપેડ આ બધાં દ્વારા જ્ઞાનનું આદાનપ્રદાન સચવાય છે માટે આ બધાં આપણી માટે જ્ઞાન જ છે .
એ દુઃખદ વ્યવહાર છે પુસ્તકને જમીન મૂકવાની આદત . આપણે ઘરમાં જમીન ઉપર ખુલ્લા પગ મૂકીને ચાલતા હોઈએ છીએ . પગની નીચેના તળિયા જમીનને અડતા હોય છે . પગના તળિયે લાગેલી ધૂળ જમીન પર વેરાતી હોય છે . ઘરની જમીન ચાલવા માટે છે . ઘરમાં મહેમાન આવે છે એમને આપણે જમીન પર નથી બેસાડતા , એમની માટે ચટાઈ પાથરીએ છીએ , ખુરશી મૂકીએ છીએ . મહેમાનને જમીન પર બેસાડીએ , જમીન પર કશું પાથર્યું ન હોય એનો અર્થ એ થાય છે કે આપણે મહેમાનનુ અપમાન કર્યું . મહેમાન બહાર જઈને લોકોને કહે છે કે આ લોકોએ તો અમને સાવ જમીન પર બેસાડ્યા . જો મહેમાન જમીન પર બેસી ન શકે તો જ્ઞાનને જમીન પર કેવી રીતે બેસાડાય ? વિચારજો . અમુક શેઠિયાઓ તો ઘરમાં ચપ્પલ પહેરીને ફરતા હોય છે . એમને પોતાનાં ઘરની જમીન પોતાને અડે એ પણ ગમતું હોતું નથી , બોલો . પોતાનાં ઘરની જમીન પોતાને અડે એ ન ચાલે અને જ્ઞાન જમીનને અડે એ ચાલે . કેવી કમાલની વાત છે ?
પુસ્તક હાથમાં આવે છે . આપણે એને જમીન પર મૂકીને ખોલીએ છીએ અને પાનાં પલટીએ છીએ . કંઈ લખવું હોય તો લેટરપેડ કે નોટબુક જમીન પર મૂકીને ખોલીએ છીએ અને લખવા માંડીએ છીએ છીએ . જે ચોપડીનું કામ ન હોય એને બાજુ પર મૂકવી હોય તો આપણે જમીન ઉપર મૂકી દઈએ છીએ . જમીન પર મૂકવાનો આ વ્યવહાર આપણને ઠીક લાગે છે પણ એ ઠીક નથી . આપણે લોકો એકાસણું કે બેસણું કરીએ ત્યારે થાળીને પણ જમીન પર મૂકતાં નથી અને પાટલો હલે નહીં એનું ધ્યાન પણ રાખીએ . કંઈક તો છે જેને કારણે થાળી જમીન પર મૂકવાની નથી અને પાટલા પર જ મૂકવાની છે . જમવાની થાળી જમીન પર ના મૂકીએ અને જ્ઞાનને જમીન પર મૂકીએ એ કેમ ચાલે ? આપણે સૂવું હશે ત્યારે જમીન પર કશું પાથરશું અને એની પર સૂઈશું . આપણે પૈસા ગણવા હશે તો ચાદર કે ચટાઈ પાથરીને એની પર પૈસા મૂકીશું અને ગણશું . જે રીતે આ વ્યવહાર જળવાય છે એ રીતે જ્ઞાન માટેનો વ્યવહાર આપણે જાળવવો જોઈએ .
તમે ક્યારેય પણ કોઈ પણ પુસ્તક વાંચતા હો તો સીધું જમીન પર મૂકીને નહીં વાંચતા , પુસ્તકને સાપડા ઉપર , પાટલા ઉપર , ટેબલ ઉપર કે પ્લાસ્ટિક પાથરીને પ્લાસ્ટિકની ઉપર મૂકજો . પુસ્તકને જમીન પર મૂકવાથી પ્રચંડ આશાતનાનો દોષ લાગે છે . જ્ઞાનને જમીન પર મૂકવાથી જ્ઞાનનું અપમાન થાય છે એ હંમેશા માટે યાદ રાખો . જે રીતે પુસ્તક સાથે સારો વ્યવહાર કરવાનો છે એ જ રીતે નોટબુક , લેટરપેડ , કાગળ કે લખવાની કોઈ પણ સામગ્રી સાથે સારો વ્યવહાર કરવાનો છે . કંઈ લખવું છે તો જમીન પર મૂકીને લખીએ એમાં જ્ઞાનની ભયંકર આશાતના થાય છે . એક તો આપણી પાસે ધર્મનું જ્ઞાન ઓછું છે . એમાં વળી જ્ઞાનની આશાતના કરતાં રહીએ તો ભવિષ્યમાં પણ નવું જ્ઞાન આપણને મળશે નહીં .
પુસ્તક કે નોટબુક એ સરસ્વતીની મૂર્તિ છે એમ સમજીને ચાલો . મૂર્તિને માનસન્માન આપીએ તે પહેલો નિયમ છે . મૂર્તિનું અપમાન ન કરીએ એ બીજો નિયમ છે . આપણે પુસ્તકને વાંચીએ છીએ ત્યારે પુસ્તકનું સન્માન થાય છે પરંતુ આપણે પુસ્તકને જમીન પર મૂકીએ છીએ ત્યારે પુસ્તકનું અપમાન થાય છે . આપણે નોટબુકમાં કે લેટરપેડમાં કંઈ લખીએ છીએ ત્યારે જ્ઞાનનું સન્માન થાય છે પરંતુ એ નોટબુક કે લેટરપેડ જમીન પર પાથરીએ છીએ ત્યારે નોટબુક કે લેટરપેડનું અપમાન થાય છે . પૈસાની નોટ કે પૈસાનો સિક્કો જે રીતે જમીન પર મૂકાય નહીં , મૂકીએ તો લક્ષ્મીજીની અવમાનના થાય . એ રીતે પુસ્તક , નોટબુક , લેટરપેડ , કાગળ જેવું વાંચવાનું કે લખવાનું કોઈ પણ સાહિત્ય જમીન પર મૂકાય નહીં , મૂકીએ તો સરસ્વતીજીની અવમાનના થાય . જ્ઞાનપાંચમના દિવસે સંકલ્પ કરી લો કે મારા હાથમાં આવેલું પુસ્તક ક્યારે પણ જમીન પર મૂકીશ નહીં . મારા હાથમાં જે નોટબુક કે લેટરપેડ હોય તે જમીન પર પાથરીને લખવાનો વ્યવહાર હું કદી કરીશ નહીં . ભલા માણસ ! જેના દ્વારા જ્ઞાનનું ઉપાર્જન થતું હોય અને જ્ઞાનનો વ્યવહાર સચવાતો હોય એને જમીન પર મૂકાય જ કેવી રીતે ?
તમારાં કપડાંની બાબતમાં તમારી પોલીસી શું છે એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? તમને એમ થશે કે કપડાંની તે કોઈ પોલિસી હોય ? પણ શ્રી મહાવીર સ્વામી ભગવાને પોતાનાં એકમાત્ર વસ્ત્ર બાબતે ત્રણ પોલિસી બનાવી હતી . ભગવાન્ પોતાની પોલિસી બાબત કશું બોલ્યા નહોતા . પણ એમનો વ્યવહાર જોઈને સમજાય છે કે પ્રભુએ વસ્ત્રની બાબતમાં આ જ પોલિસી રાખી છે . કોઈ પણ સાધકે વસ્ત્રની ત્રણ પોલિસી હંમેશા યાદ રાખવી જોઈએ .
પોલિસી વન : કપડાંનો રંગ કેવો હશે , કપડાંની કંપની કંઈ હશે , કપડાંનો રેટ શું હશે , કયાં કપડામાં હું કેવો દેખાઈશ , કયા કપડાંનું સ્ટેટસ શું છે આ બધું સાધારણ માણસ વિચારે છે . સાધક આ બધું વિચારતો નથી . કપડાં સરસ હશે એને કારણે હું સરસ દેખાઈશ . કપડાં સરસ હશે એનાથી મનેં મજા આવશે આવું માનસિક વાતાવરણ સાધકમાં હોતું નથી . સાધક કપડાંની બાબતમાં સાદગી રાખે છે . ચોક્કસ પ્રકારનાં કપડાં જોઈએ , ચોક્કસ બ્રાન્ડેડ કપડાં જોઈએ , ચોક્કસ કિંમતનાં કપડાં જોઈએ , આવું બંધન સાધકનાં મનમાં હોતું નથી . જે કપડાંની બાબતમાં શોખીન હોય , જુદી જુદી ડિઝાઈનનાં કપડાં વગર જેને ચાલતું નથી તેને સાધનામાં ફાવટ આવવાની નથી . સાધનાની આ અપેક્ષા છે : કપડાંની બાબતમાં સાદગી રાખો . કપડાંનો ઠાઠમાઠ જરૂરી નથી . ભગવાનને ઇન્દ્ર મહારાજાએ મોંઘુ વસ્ત્ર આપ્યું એ ઇન્દ્ર મહારાજાનું કાર્ય હતું. ભગવાને તો જે મળ્યું એનો સ્વીકાર કર્યો હતો . ભગવાને મોંઘાં વસ્ત્રની અપેક્ષા રાખી નહોતી . મારી પાસે મોંઘુ વસ્ત્ર છે એવી ખુશી ભગવાને બનાવી નહોતી . મારું વસ્ત્ર મોંઘું છે તો મારાં વસ્ત્રની હું વિશેષ કાળજી લઉં એવી મમતા ભગવાનનાં મનમાં બની નહોતી . જે વસ્ત્ર છે એ છે . બસ , વસ્ત્ર માટે ભગવાન્ આટલું જ ધ્યાન આપતા હતા . આનાથી વિશેષ કશું નહીં . મારા કપડાં મારું સુખ નક્કી કરે છે , મારાં કપડાં મારું સ્ટેટસ બનાવે છે આવો વિચાર સાધકને નથી આવતો . આવા વિચારો શોખીન લોકોને આવે હોય છે . તમારો કપડાં બાબતે વ્યવહાર કેવો છે એ તપાસો . તમે સાધક છો કે શોખીન છો એ પોતાની મેળે તમને સમજાઈ જશે .
પોલિસી ટુ : આપણે દર મહિને , દર વર્ષે નવાં નવાં કપડાં ખરીદતા હોઈએ છીએ . મોટા ફંક્શનમાં જે કપડાં એક બે વાર પહેરી લીધાં એ કપડાં આપણે ફરીથી બીજા ફંક્શનમાં પહેરતા નથી . આપણને દર વખતે નવાં કપડાં જોઈએ છે . આપણા કબાટમાં ઢગલાબંધ કપડાં હોય છે . નવાં નવાં કપડાં લાવતા રહો અને જુદાં જુદાં કપડાં પહેરતા રહો આ પદ્ધતિથી આપણે ચાલીએ છીએ . કપડાના શોખની આ નિશાની છે : કપડાં જુદાં જુદાં હોય તો મજા આવે , કપડાં નવાં નવાં હોય તો મજા આવે . શ્રી મહાવીર સ્વામી ભગવાને દીક્ષાના પહેલા દિવસે બ્રાહ્મણને પોતાનું અડધું વસ્ત્ર આપી દીધું હતું . એટલે કે ભગવાને દીક્ષાના પહેલા દિવસથી સવા વર્ષ સુધી જે વસ્ત્ર પહેરી રાખ્યું તે અડધું ફાટેલું હતું . વસ્ત્રનો શોખ નથી એનો આ પુરાવો છે . કપડું જૂનું થાય તે ફાટેલું ન હોય તો પણ આપણને ગમતું નથી અને ફાટેલું વસ્ત્ર તો આપણે પહેરતા જ નથી . ભગવાને ફાટેલું વસ્ત્ર પોતાના સ્કંધ પર રહેવા દીધું એનાથી સમજાય છે કે ભગવાન્ વસ્ત્ર ધારણ ભલે કરતા હતા પરંતુ ભગવાનને કપડાંની બાબતમાં કોઈ શોખ કે કોઈ વળગણ પાળ્યાં નહોતાં . ભગવાને વસ્ત્રને એક વ્યવસ્થા રૂપે સ્વીકાર્યું હતું. ભગવાન માટે વસ્ત્ર એ કોઈ શોખ ન હતો .
પોલિસી થ્રી : ભગવાનના સ્કંધ પરથી વસ્ત્ર સરકી ગયું તે ક્યાં પડ્યું છે એ ભગવાને પાછળ નજર ફેરવીને જોયું હતું . ભગવાને એ તપાસ્યું હતું કે મારું વસ્ત્ર કોઈ વિરાધનાનું કારણ તો બન્યું નથીને ? આનાથી એ સમજાય છે કે આપણું વસ્ત્ર વિરાધનાનું કારણ બનતું હોય છે . તમારી પાસે વસ્ત્રો વધારે હોય તો એ બધાં જ વસ્ત્રો જ્યારે જ્યારે વપરાય છે ત્યારે ત્યારે વિરાધના કરાવે છે . વસ્ત્રો ઓછાં હોય એનો અર્થ છે એ છે કે વસ્ત્રો દ્વારા થનારી વિરાધના સીમિત છે . વસ્ત્રો ઘણાં હોય એનો અર્થ એ છે કે વસ્ત્રો દ્વારા થનારી વિરાધના સીમિત નથી . વર્ષોથી જે સાધુસાધ્વીના સંપર્કમાં રહે છે એની ઉપર સાધુસાધ્વીજીની જીવનચર્યાની ઊંડી છાયા આવી જતી હોય છે . એ નવાં નવાં કપડાં ખરીદતો નથી , નવાં નવાં કપડાં સીવડાવતો નથી , નવાં નવાં કપડાં ભેગા કરતો નથી . એની પાસે ગણતરીનાં જ કપડાં હોય છે . બાકીનાં કપડાંનો સંગ્રહ એ રાખતો જ નથી . તમારા સંગ્રહમાં કપડાં થોડાં હોય તો સમજજો કે તમે સાધનાના રસ્તે આગળ વધી રહ્યા છો . તમારા સંગ્રહમાં કપડાં ઘણાં હોય તો સમજજો કે તમે સાધનામાં ઘણા કમજોર છો . ઘણાંબધાં કપડાં ભેગા કરીએ એ ઘરસંસારમાં મોટી વાત ગણાતી હશે છે પરંતુ ઘણાંબધાં કપડાં ભેગા થયા હોય એ સાધનાનાં ક્ષેત્રમાં કમજોરી ગણાય છે . ભગવાન પાસે અડધું જ વસ્ત્ર હતું . એ પણ જ્યારે જતું રહ્યું ત્યારે ભગવાનને કોઈ ફરક પડ્યો નહીં . પોતાની પાસે કપડાં ઓછાં હોય એનાથી સાધકને કોઈ ફરક પડતો નથી . વસ્ત્રનો શોખ હોય નહીં કે ઓછો હોય એ જ સાધનાની તાકાત છે .
હજી પણ એક વાત છે . તમે લોકો તમારાં ઘરના પાંચ કે દશ કે પંદર સભ્યોના બારેબાર મહિનાનાં કપડાંનો ખર્ચો આરામથી કરી શકો છો . જો આ વાત સાચી છે તો તમે કોઈપણ એક દેરાસરનાં બારેબાર મહિનાના કપડાંનો લાભ જરૂરથી લઈ શકો . દેરાસરમાં કપડાં કયાં કયાં જોઈએ ? અંગલૂંછણા , પાટલૂંછણા , નેપકિન , ગળણા , પાયદાન , પડદાં વગેરે . તમે દરવરસે કોઈ એક દેરાસરનાં બારેમાસનાં વસ્ત્રોનો લાભ લો . તમે ભગવાનની વસ્ત્ર ભક્તિ કરશો એ પછી ભગવાનની એવી કૃપા થશે કે તમારી વસ્ત્ર સંબંધી મમતાઓ તૂટવા લાગશે .
દેવદૂષ્યદાનનો બોધપાઠ : તમારું નાનું સુખ વધારે નાનું થાય , તમારું ઓછું સુખ વધારે ઓછું થાય ત્યારે સમજવાનું કે સાધક દશા આવી છે .
તમે સાધના સાથે જોડાયા છો . સાધનામાં દુઃખ સહન કરવું એ અગત્યની વાત છે . દુઃખ કેવી કેવી રીતે આવે છે એ જાણવું રસપ્રદ રહે છે . દુઃખ આવવાની એક પદ્ધતિ થોડીક વિશિષ્ટ છે . તમારી પાસે જે છે એમાંથી તમે કશું ઓછું કરો અને જે ઓછું કર્યું એને લીધે તમને અગવડનો અનુભવ થાય આ પરિસ્થિતિ બને . આમાં તમે કોઈ એક દુઃખને આમંત્રણ આપ્યું છે એવું કહી શકાય . તમે સાધારણ જિંદગી જીવતા હોત તો બસ્સો સામગ્રીઓ સાથે રાખી હોત . પરંતુ તમે સાધના માટે જીવી રહ્યા છો તો તમારી પાસે ફક્ત દશ સામગ્રી છે . આ દશ સામગ્રીમાંથી પણ તમે બે સામગ્રી હજી ઓછી કરો છો ત્યારે તમારે ફક્ત આઠ સામગ્રીથી ચલાવવું પડે છે . તમે બસ્સો સામગ્રીમાંથી બે સામગ્રી છોડત તો તમારી પાસે એકસો અઠ્ઠાણું સામગ્રી રહેવાની હતી . એ વખતે તમને વધારે તકલીફ પડત નહીં . પરંતુ તમે દશ સામગ્રી પર આવ્યા એ પછી તમે હજી બે સામગ્રી છોડી અને તમે આઠ જ સામગ્રી પર આવી ગયા . તમે બે સામગ્રી ઓછી કરી એને કારણે તમને કોઈ અગવડ પડશે , તમને કોઈ તકલીફ પડશે , તમને કોઈ અસુવિધા થશે . તમને એની ખબર પણ હશે . તેમ છતાં તમે એ અસુવિધાનો સ્વીકાર કર્યો ત્યારે મૂલત: તમે એક દુઃખનો સ્વીકાર કર્યો છે એમ કહી શકાય .
શ્રી મહાવીર સ્વામી ભગવાને પોતાની પાસે દેવદૂષ્ય હતું એમાંનો અડધો હિસ્સો બ્રાહ્મણને આપી દીધો . એ વખતે આ ઘટના બની હતી . ભગવાન્ પાસે દશ કે બાર વસ્ત્ર હોત અને એમાંનું એક વસ્ત્ર આપી દીધું હોત તો ફરક પડવાનો નહોતો . પણ ભગવાન્ પાસે વસ્ત્ર એક જ હતું અને એ વસ્ત્ર પણ પોતાનું શરીર ઢંકાય એટલું જ હતું . ઘણા લોકો તો બસ્સો સામગ્રીમાંથી દશ સામગ્રી ઉપર પણ આવી શકતા નથી . ઘણા લોકો દશ સામગ્રી પર હોય તો દશમાંથી આઠ પર આવી શકતા નથી . પણ ભગવાને શું કર્યું , જુઓ . ભગવાન્ પાસે એક જ સામગ્રી હતી . હવે એક સામગ્રીમાં ઓછું શું કરે ? પણ ભગવાને ઓછું કર્યું . એક સામગ્રી હતી . પોતાનું શરીર ઢંકાય એટલી જ એ સામગ્રી હતી . એમાં વધારાનું કશુંય હતું નહીં . તેમ છતાં – પોતાની પાસે જે છે એમાંથી કશુંક ઓછું કરવું અને એ રીતે દુઃખ વેઠવું – આ નિયમનું ભગવાન્ પાલન કરે છે .
ભગવાન્ પોતાનાં દેવદૂષ્યને અડધું કરે છે અને એ અડધો હિસ્સો ભગવાન્ બ્રાહ્મણને આપી દે છે . પોતાની પાસે સુખ ઓછું હોય ત્યારે પોતાનું થોડું સુખ પૂરેપૂરું પોતાનું રહે એવી માનસિકતા જ બનતી હોય છે . સુખ ઓછું હોય ત્યારે આ સુખમાં હજી પણ ઘટાડો થાય એવો વિચાર મનમાં બની શકતો નથી . પહેલેથી જ એક સમાધાન , મનમાં તૈયાર હોય છે કે જેટલું સુખ ઓછું થાય એટલું ઓછું કરી જ લીધું છે . હવે વધારે ઓછું શું કરવાનું ? પોતાની પાસે જે છે એમાંનું સુખ હજી પણ ઓછું થાય એની માટે જે તૈયાર રહી શકે એ જ સાધના કરી શકે .
સુખ ઓછું થાય એનાથી કોઈ એક દુઃખ આવે છે . ઠંડીના દિવસોમાં આખી ચાદરને બદલે અડધી ચાદર ઓઢવા મળે તો અડધી ચાદર , ઠંડીની સામે રક્ષા કરશે તો અડધી જ રક્ષા કરશે . અડધી ચાદર ઠંડીની સામે પૂરી રક્ષા નહીં કરી શકે . ઠંડીના દિવસોમાં આખી ચાદર ઓઢવા મળી હોય એ વખતે જે પોતાની ચાદરના બે ટુકડા કરે અને અડધી ચાદર બીજા કોઈને ઓઢવા આપી દે , એવો માણસ જાણતો જ હોય છે કે પોતાની અડધી ચાદરને લીધે પોતાની સુવિધા અડધી થઈ જશે . સુવિધા પહેલીથી જ ઓછી હોય તેમ છતાં ઓછી સુવિધાને પણ ફરીથી અડધી કરી નાંખવી એ સહેલું કામ નથી . સાધક એ કામ પણ આસાનીથી કરી શકતો હોય છે . તમને જમવા માટે ૫૦ / ૬૦ વસ્તુઓ મળી હોય અને તમે બધી વસ્તુઓ આરોગવા માટે તૈયાર છો એ સામાન્ય પરિસ્થિતિ છે . તમારી સામે ૫૦ / ૬૦ વસ્તુઓ છે , તેમ છતાં તમે નક્કી કરો છો કે હું ફક્ત ૧૦ જ વસ્તુ લઈશ . તમે ઓલરેડી ૪૦ થી ૫૦ વસ્તુઓ છોડી દીધી . હવે તમારી સામે બીજો કોઈ માણસ આવે છે . એની પાસે કશું ખાવાનું છે જ નહીં . તમને દયા આવે છે , તમે તમારી થાળીમાંથી બે વસ્તુ એને આપી દો છો . આ વખતે જેને બે વસ્તુ મળી એને તો સમજો કે ફાયદો થઈ ગયો . એની પાસે કશું હતું જ નહીં એને બદલે એની પાસે બે વસ્તુ તો આવી જ . પરંતુ તમારી પાસે ૫૦ / ૬૦ વસ્તુ હતી જ નહીં . તમારી પાસે દશ જ વસ્તુ હતી. આ દશમાંથી તમે બે વસ્તુ પૂરેપૂરી બીજાના હાથમાં પીરસી દીધી એટલે તમારી થાળીમાં તો આઠ જ વસ્તુ રહી . તમારું સુખ નાનું હતું એ વધારે નાનું થઈ ગયું . સુખ નાનું થાય ત્યારે પણ દુઃખ થાય છે . સુખ ઓછું થાય ત્યારે પણ દુઃખ થાય છે .
તમારું સુખ ઓછું ન થાય એની કોશિશ તમે કરતાં જ હશો . તમારાં સુખની સાઈઝ પહેલેથી નાની જ હોય ત્યારે એ નાની સાઈઝનું સુખ , વધારે નાની સાઈઝનું ન થઈ જાય એની કાળજી તમે લેવાના જ છો . ભગવાનનું દેવદૂષ્યદાન , એક પ્રતીકાત્મક ઘટના છે એમ માનીએ તો દેવદૂષ્ય એ સુખનું પ્રતીક છે . દેવદૂષ્ય એક જ હતું એટલે કે સુખની સામગ્રી એક જ હતી . દેવદૂષ્ય એક જ વ્યક્તિ ઓઢી શકે એટલું લાંબુ હતું , બે વ્યક્તિ કે ચાર વ્યક્તિ ઓઢી શકે એટલું મોટું એ હતું નહીં . આનો અર્થ એ થયો કે એ સુખ નાનું હતું . દેવદૂષ્ય અડધું ફાટ્યું એનો અર્થ એ થયો કે નાનું અને ઓછું સુખ પણ અડધું કપાયું હતું . સો રૂપિયામાંથી પચાસ રૂપિયા બીજાને ફાળવી દેવાયા હતા . એમ કહી શકાય કે એક જ રૂપિયો હતો એમાંથી પચાસ પૈસા બીજા કોઈને આપી દેવામાં આવ્યા હતા .
તમે જ્યારે પણ , જે પણ જિંદગી જીવતાં હશો એમાં તમારી પાસે કોઈ સુખ હશે . એમાંથી અડધો ટકો સુખ , એક ટકો સુખ , સવા ટકો સુખ , દોઢ ટકો સુખ તમે તરત ઓછું કરવાના નથી . જે સુખ તમારી પાસે હશે એને તમે તમારી પાસે જ રાખવાના છો . સુખ , સુવિધા સ્વરૂપ પણ હોય છે . સુખ , સુચારુ વ્યવસ્થા સ્વરૂપ પણ હોય છે . સુવિધા ઓછી થાય , વ્યવસ્થા ઓછી મળે એ વખતે અગવડ પડે છે અને અગવડ એ દુઃખ જ છે . પોતાનું સુખ ઓછું થાય એ પછી કોઈ એક દુઃખ વેઠવું પડે છે . પોતાની સુવિધા ઓછી થાય એ પછી કોઈ એક દુઃખ ઝીલવું પડે છે . પોતાની વ્યવસ્થા ઓછી થાય એ પછી એક દુઃખ સામે આવીને ઊભું જ રહે છે . તમને ખબર હોય કે એક નવું દુઃખ આવી પડશે તેમ છતાં તમે સુખને , સુવિધાને કે વ્યવસ્થાને છોડો છો . તમે એક દુઃખ આવવાનું છે એની માટે તૈયાર ઊભા છો એ જ તમારી સાધક અવસ્થા છે .
ભગવાને દેવદૂષ્ય આપ્યું એના દ્વારા ભગવાને દાન આપવાની ત્રણ રીત બતાવી . એક , જે માંગવા આવ્યો છે એને એ રીતે દાન આપવાનું છે કે એ યાચકની તકલીફ દૂર થાય . બે , જે માંગવા આવ્યો છે એને એ રીતે દાન આપવાનું છે કે એ યાચકની આવશ્યકતા સંતૃપ્ત થઈ જાય . ત્રણ , જે માંગવા આવ્યો છે એને એ રીતે દાન આપવાનું છે કે એને ફરીથી બીજે ક્યાંય માંગવા જવું જ ન પડે . ભગવાને દાન આપ્યું એ અવિસ્મરણીય ઘટના છે . પરંતુ દાનમાં ભગવાને દેવદૂષ્ય ફાડીને અડધું કરી દીધું હતું અને એ દ્વારા ભગવાને એક નવાં દુઃખને સહન કરવાની તૈયારી બતાવી હતી . ભગવાનની સાધકદશાનું આ રૂપ આપણી માટે એકદમ નવું છે .
બેસતાં વર્ષના બીજા દિવસે ભાઈ બીજ આવે . નામ બદલવાની સ્વતંત્રતા લઈ શકાતી હોય તો ભાઈબીજનું બીજું નામ રાખવું જોઈએ નંદીવર્ધનબીજ .
આજનો દિવસ મહારાજા નંદીવર્ધનનો દિવસ છે . એમનાં આંસુ સુકાઈ નહોતાં રહ્યાં . એમનો શોક ઓછો નહોતો થઈ રહ્યો . એમની પીડા શાંત નહોતી થઈ રહી . એ સ્તબ્ધ હતા , અવાચક હતા . એમણે ખાવાનું પીવાનું છોડી દીધું હતું . અમાસની રાતે પ્રભુ મહાવીરનું મોક્ષગમન થયું . ભગવાનનો વિયોગ થયો હતો . ભાઈનો વિરહ આવી પડ્યો હતો . દુનિયામાં એવો શિરસ્તો જોવા મળે છે કે મોટો ભાઈ દુનિયામાં પહેલાં આવે છે . નાનો ભાઈ દુનિયામાં પછી આવે છે . તદનુસાર મોટો ભાઈ દુનિયામાંથી પહેલાં વિદાય લે છે , નાનો ભાઈ દુનિયામાંથી પછી વિદાય લે છે . પરંતુ , આજે એવું બન્યું હતું કે મોટાભાઈની પહેલાં નાના ભાઈએ વિદાય લઈ લીધી હતી . નાનો ભાઈ ગયો એ વાત હતી ખરી , પણ એ વાતની મુખ્યતા નહોતી . મુખ્યતા એ વાતની હતી કે ભગવાન્ ચાલી ગયા હતા .
મહારાજા નંદીવર્ધનનાં જીવનમાં ભગવાન્ , ભાઈ બનીને આવ્યા હતા . બાળ નંદીવર્ધને પહેલી વાર બાળ પ્રભુને જોયા હશે એ સમયે એમના અંતરાત્મામાં કેવો આનંદ ફેલાયો હશે ? માતા ત્રિશલા દ્વારા બાળ નંદીવર્ધને ૧૪ સપનાં , ૫૬ દિક્ કુમારી , ઇન્દ્ર મહારાજા – આ બધાની વાત સાંભળી હશે એ વખતે એમને પોતાના નાના ભાઈ માટે કેવી લાગણી થઈ હશે ? આમલકી ક્રીડાના બે પ્રસંગ બનેલા . અજગર આવ્યો હતો અને તાડપિશાચ પ્રગટ્યો હતો . નાના ભાઈએ બંનેને કેવી મહાત આપી હતી તે મોટાભાઈએ જોયું હતું અને એને લીધે નાના ભાઈ માટેનો પ્રેમ ઘણો બધો વધી ગયો હતો . પાઠશાળાગમનનો પ્રસંગ તો ગજબનો થયો હતો . માબાપ નાના ભાઈને ભણવા માટે પાઠશાળા લઈ ગયા હતા પણ નાના ભાઈએ તો પાઠશાળામાં જઈને પંડિતજીને જ પાઠ પઢાવી દીધા હતા . લોકો પાઠશાળામાં જઈને ગ્રંથ વાંચે . નાનાભાઈએ તો પાઠશાળામાં જઈને પહેલાં જ દિવસે ગ્રંથની રચના કરી નાંખી હતી . મોટાભાઈને પોતાના નાના ભાઈ માટે એટલું બધું ગૌરવ થયું હશે એ દિવસે ?
યૌવનકાળ આવ્યો . નાનો ભાઈ યુવાન થઈ ગયો , મોટા મોટા દેવો એની સેવામાં આવતાં હોય , મોટા મોટા રાજપુત્રો એની સાથે મૈત્રી રાખતા હોય . પરંતુ , એ નાનો ભાઈ પોતાના મોટા ભાઈને હંમેશા માન આપે , એ નાનો ભાઈ દરેક જગ્યાએ પોતાના મોટા ભાઈને આગળ જ કરે . ભગવાનનું તો આપણે માનસન્માન જાળવવાનું હોય . એને બદલે જો ભાવિના ભગવાન્ વર્તમાન સમયે આપણું માનસન્માન જાળવતા હોય એ વખતે કેવો અનુભવ થાય ? મહારાજા નંદીવર્ધન નિતનિત એ અનુભવ પામી રહ્યા હતા . પ્રેમ વધતો જતો હતો : દિન દુગુના , રાત ચોગુના .
વિવાહ થયા . પ્રભુની દીકરી તરીકે પ્રિયદર્શના આવી . સમગ્ર પરિવારમાં ખુશી છવાઈ ગઈ . પરંતુ , નાનો ભાઈ વૈરાગ્યમાં ગળાડૂબ છે એ સમજાતું હતું . માબાપની વિદાય પછી એક દિવસ નાના ભાઈએ દીક્ષાની અનુમતિ માંગી હતી . મોટાભાઈએ તુરંત દીક્ષા લેવાની સ્વીકૃતિ દાખવી નહીં . નાના ભાઈએ બે વર્ષ સુધી સંસારમાં રહેવાનું સ્વીકાર્યું , તે પણ સાધકની અવસ્થામાં . સમય તો ઝડપથી વીતી ગયો અને એક દિવસ દીક્ષાભિષેક થયા , દીક્ષા કલ્યાણકનો વરઘોડો નીકળ્યો અને નાના ભાઈની દીક્ષા થઈ . નાના ભાઈની સાથે જંગલમાં જવાનો મોકો મળ્યો નહીં . નાના ભાઈને એકલા જ જવું હતું . નાનો ભાઈ પ્રસ્થાન કરી ગયો . મોટો ભાઈ એકલો રહી ગયો . જંગલમાં નાનો ભાઈ શું તપ કરે છે , કેવી રીતે વિહાર કરે છે , કેવાં કષ્ટો સહન કરે છે – એની ચિંતા રહેતી પરંતુ નાનો ભાઈ કોઈની સાથે સંપર્ક રાખવા માંગતો ન હતો . પાક્કા સમાચાર મળતા નહીં . દીક્ષાના સવા વરસ પછી એક બ્રાહ્મણ આવ્યો હતો . એના હાથમાં દીક્ષા વખતનું દેવદૂષ્ય હતું . તે એને નાના ભાઈ પાસેથી મળ્યું હતું . સિંહાસન પરથી ઊભા થઈને મોટા ભાઈએ એ દેવદૂષ્યનું સ્વાગત કર્યું હતું . એ બ્રાહ્મણ પાસેથી નાના ભાઈના સમાચાર મળ્યા તે સાંભળીને મોટા ભાઈની આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસ્યો હતો . મોટાભાઈએ એક લાખ સુવર્ણમુદ્રા આપીને એ દેવદૂષ્ય ખરીદી લીધું હતું . જાણે નાના ભાઈએ મોટાભાઈને આશ્વાસન આપવા માટે જ આ દેવદૂષ્ય મોકલ્યું હતું .
ભાઈની યાદમાં ભાઈ શું કરી શકે ? મોટાભાઈની યાદમાં નાનો ભાઈ કશુંક કરે એવી સંભાવના હતી નહીં કારણ કે નાનો ભાઈ તો વિરાગી હતો . પરંતુ નાના ભાઈની યાદમાં મોટાભાઈએ કશુંક કર્યું કેમ કે મોટો ભાઈ અતિશય રાગી હતો પોતાના નાના ભાઈ માટે . મોટા ભાઈએ નાના ભાઈની યાદમાં એક ભુવન વિમોહિની મૂર્તિ રચાવી હતી , વર્ધમાન કુમારની મૂર્તિ . એ મૂર્તિમાં કળા હતી , ઉર્જા હતી , અનુભૂતિ હતી , જીવંતતા હતી , સાક્ષાત્કારનો અહેસાસ હતો .
દીક્ષા પછીના સાડાબાર વર્ષે ઋજુવાલિકાથી સમાચાર આવ્યા હતા કે નાના ભાઈને કેવળજ્ઞાન થઈ ગયું છે . પછી તરત એ સમાચાર મળ્યા કે નાના ભાઈએ પાવાપુરી જઈને ધર્મતીર્થની સ્થાપના કરી છે . નાનો ભાઈ તીર્થંકર બની જાય એ સમાચાર કેટલા બધા રોમાંચક હતા ? કેવળજ્ઞાન પછી થોડા જ સમયમાં તીર્થંકર બનેલા નાના ભાઈ ક્ષત્રિયકુંડ આવ્યા હતા . અહીં ૫૦૦ પુરુષો અને ૧૦૦૦ મહિલાઓની દીક્ષા થઈ હતી , તીર્થંકર બનેલા નાના ભાઈના હાથે . કદાચ , અહીં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં દીક્ષા જોવા મળી હતી . મોટાભાઈએ તીર્થંકર બનેલા નાના ભાઈને પેલી મૂર્તિ દેખાડી હતી . કેવલ જ્ઞાની બનેલા નાના ભાઈએ અનંત જ્ઞાનની નજરે એ મૂર્તિને નિહાળી હતી . એ ક્ષણ મહારાજા નંદીવર્ધન માટે ઘણી જ મહત્ત્વપૂર્ણ હતી .
તીર્થંકર બનેલા નાના ભાઈએ ક્ષત્રિયકુંડથી નીકળ્યા બાદ વિવિધ રાજ્યોમાં વિચરણ કર્યું હતું . ૩૦ વર્ષમાં એમના હાથે ૧૪૦૦૦ સાધુઓની અને ૩૬૦૦૦ સાધ્વીઓની દીક્ષા થઈ . તીર્થંકર બનેલા નાના ભાઈ બોત્તેર વરસની વયે પાવાપુરી પધાર્યા . મોટાભાઈ ૩૦ વર્ષમાં વારંવાર વંદન કરવા જતા , દેશના સાંભળવા બેસતા , કોઈ અલગ જ ભક્તિભાવની અનુભૂતિ પામતા . આસો માસની અમાસ આવી . તીર્થંકર બનેલા નાના ભાઈનું મોક્ષગમન થયું . મોટાભાઈને સમાચાર મળ્યા . એ મારતા ઘોડે પાવાપુરી પહોંચ્યા . પ્રભુની નિશ્ચેતન કાયાને નિહાળીને મોટા ભાઈ પારાવાર શોકમાં નિમગ્ન થઈ ગયા . ન ખાવાનું સૂઝે , ન પીવાનું સૂઝે . ન બોલવાનું સૂઝે , બેસવાનું કે ઊંઘવાનું સૂઝે . સ્વયં ઇન્દ્ર મહારાજા સમજાવવા આવ્યા તોય એમનો શોક ઓછો ના થયો . અમાસની રાત વીતી ગઈ . તીર્થંકર બનેલા નાના ભાઈના અગ્નિસંસ્કાર સંપન્ન થયા . મોટા ભાઈ અંદરથી પૂરેપૂરા તૂટી ગયા . જીવનનો બધો જ રસ ઉડી ગયો . હવે ખાઈને શું કરવું છે , પીને શું કરવું છે અને જીવીને શું કરવું છે એવો ઉદ્વેગ એમને ઘેરી વળ્યો . આ પરિસ્થિતિમાં બહેન સુદર્શના દેવી મોટાભાઈને હાથ પકડીને પોતાના ઘરે લઈ ગયા . ખૂબબધું આશ્વાસન આપ્યું . હિંમત આપી . સાંત્વના આપી અને પરાણે ખાવાનું ખવડાવ્યું , પાણી પીવડાવ્યું . એક બહેન રડતી હોય અને ભાઈ એને શાંત કરે એવું દૃશ્ય દર વખતે જોવા મળે . પણ એક ભાઈ રડતો હોય અને બહેન એને શાંત કરે એવું દૃશ્ય પ્રથમ વાર જોવા મળ્યું હતું . ભાઈએ આદરેલો હતો ઉપવાસ , બહેને એ ઉપવાસનું પારણું કરાવ્યું હતું . એ પારણું કારતક સુદ બીજના દિવસે થયું હતું , આજના દિવસે . તેથી કારતક સુદ બીજને ભાઈ બીજ એવું નામ મળ્યું છે .
મહારાજા નંદીવર્ધનના બે મહાન્ ઉપકાર સમગ્ર ભારત ઉપર થયા છે . એક , એમણે લચ્છવાડમાં અપ્રતિમ પ્રતિમાનું સર્જન કરાવ્યું . આજે પણ એ મૂર્તિ લાખો કરોડો લોકોને અનિર્વચનીય શાંતિ આપે છે . બે , પાવાપુરીમાં દેખાતું વિશાલ જલ મંદિર એમની પરિકલ્પના છે . આપણે લછવાડના શ્રી વર્ધમાન સામે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીને પવિત્ર આનંદની અનુભૂતિ કરીએ છીએ ત્યારે આ મૂર્તિના નિર્માતા તરીકે મહારાજા નંદીવર્ધનને યાદ કરતા નથી , એમને યાદ કરવા જોઈએ , ભાઈ બીજનો આ પહેલો સંદેશ છે . ૧૬ એકડના તળાવની વચ્ચે દીપી રહેલા જલમંદિરનાં દર્શન કરતી વખતે પણ આપણે અનેરો રોમાંચ અનુભવીએ છીએ . એ વખતે પણ જલમંદિરના નિર્માતા તરીકે મહારાજા નંદીવર્ધનને આપણે યાદ કરતા નથી , આપણે એમને યાદ કરવા જોઈએ , ભાઈ બીજનો આ બીજો સંદેશ છે .
ભક્ત તરીકે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ ચાર નિયમોનું પાલન હંમેશા કર્યું હતું .
અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનાં નામે નૂતન વર્ષનો પ્રારંભ થવો જોઈએ આ પરંપરા અદ્ ભુત છે . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા તીર્થંકર નથી પરંતુ એમને જે માનસન્માન મળે છે તે અકલ્પનીય છે . બેસતાં વર્ષના દિવસે તીર્થંકર ભગવંતનો રાસ વાંચવાને બદલે ગણધર ભગવંતનો રાસ વંચાય છે . કેવો સંઘનો આદર અને કેવું ગણધર ભગવંતનું પુણ્ય ? ગૌતમ ગુરુ મહાગુરુ છે કેમ કે એ પોતાના ગુરુના મહાભક્ત છે . કોઈ પણ ભક્ત પોતાના ગુરુ સાથે ચાર તબક્કે જોડાય છે . પહેલો તબક્કો છે : अज्ञान – तिमिरान्धानाम् । બીજો તબક્કો છે : ज्ञानांंजन – शलाकया । ત્રીજો તબક્કો છે : नेत्रमुन्मीलितं येन । ચોથો તબક્કો છે : तस्मै श्री गुरवे नमः ।।
પહેલા તબક્કે , ભક્ત પોતાનાં અજ્ઞાનને કોસતો હોય છે . જેને એમ લાગે છે કે હું ઘણું જાણું છું , મને ઘણું બધું આવડે છે , હું ઘણું બધું કરી શકું છું – એ જ્ઞાનના અહંકારમાં ફસાયેલો છે . જેનું જ્ઞાન ઓછું હોય એને જ જ્ઞાનનો અહંકાર થાય છે અને જેને અહંકાર થાય છે એનું જ્ઞાન ઓછું જ થતું જાય છે . આ નિયમ છે . મારામાં જ્ઞાન નથી , હું કશું જાણતો નથી , મને કાંઈ આવડતું નથી – આવો અહેસાસ ભક્તનાં મનમાં સતત રહેતો હોય છે . આ અહેસાસ જ એને ભક્ત બનાવે છે . મારી પાસે બધું છે એવું જે વિચારતો હશે એને અન્યની આવશ્યકતા પ્રતીત નહીં થાય . એ પોતાનામાં ખુશ હશે . એને બીજાની પાસે જવાની કે બેસવાની આવશ્યકતા મહેસૂસ નહીં થાય . એને એવું લાગશે કે બધા મારી પાસે આવશે . એને એ તો યાદ જ આવશે નહીં કે મારે કોઈની પાસે જવું જોઈએ , બેસવું જોઈએ . આપણે જેમની પાસે જઈશું એમની પાસેથી કંઈક શીખવા મળશે , જાણવા મળશે એવું એ વિચારી શકતો નથી . હું જાણકાર માણસ છું એવી ભ્રમણા જેણે જેણે પાળી રાખી છે તે પહેલા તબક્કાથી દૂર રહ્યો છે . આવો માણસ સાચા અર્થમાં ભક્ત બની જ શકતો નથી . મારામાં જ્ઞાન નથી અથવા મારામાં જ્ઞાન ઘણું ઓછું છે આવી સભાનતા જ ભક્તને ભક્ત બનાવી રાખે છે . આ સભાનતાનું સૂત્ર છે : अज्ञान – तिमिरान्धानाम् । બેસતાં વર્ષના દિવસે ગૌતમ સ્વામીજીને તમે યાદ કર્યા હશે . એ વખતે તમારે પોતાની જાતને પૂછી લેવું જોઈતું હતું કે શું હું મારી જાતને જ્ઞાની માનું છું ? શું હું પોતાને મહાન્ સમજુ છું ? જો હું પોતાને અજ્ઞાની માનું છું અને નાનો માણસ સમજું છું તો જ મને ગૌતમ સ્વામીના આશીર્વાદ મળી શકે . ગૌતમ સ્વામીજીનું નામ લેવાથી બેસતું વરસ સુધરે છે એવું નથી . ગૌતમ સ્વામીજી પાસેથી પ્રેરણા લઈએ તો જ બેસતું વરસ સુધરે છે .
બીજા તબક્કે , મારે કશુંક શીખવું છે , કશુંક જાણવું છે , કશુંક સમજવું છે , કશુંક નવું ઉમેરવું છે મારામાં – આવી ભાવના લઈને ભક્ત ગુરુ પાસે બેસે છે , ભક્ત ગુરુની સાથે સંવાદ સાધે છે , વાર્તાલાપ કરે છે . ભક્ત શ્રોતા બને છે . ભક્ત વિદ્યાર્થી બને છે . ભક્ત જિજ્ઞાસુ બને છે . ભક્ત અનુયાયી બને છે . જ્યારે જ્યારે ભક્ત ગુરુની સંગે સમય વિતાવે છે ત્યારે ત્યારે એનો એક સ્વાર્થ સંતૃપ્ત થતો હોય છે . એનું કોઈએક અજ્ઞાન તૂટતું હોય છે . એનું કોઈએક અજ્ઞાન ખતમ થતું હોય છે . એને કોઈ એક નાનકડી પ્રેરણા મળતી હોય છે . એને કોઈ એક નાનકડો બોધ મળતો હોય છે . આ જૂનાં અજ્ઞાનનું તૂટવું અને નવી પ્રેરણાનું મળવું તે જ બીજો તબક્કો છે . અજ્ઞાનને ઠેસ પહોંચતી રહે અને અંતર આત્માને બોધ મળતો રહે એવી ઘટના તે જ બીજો તબક્કો છે . બીજા તબક્કાનું સૂત્ર છે : ज्ञानांंजन – शलाकया । તમે ગુરુને મળ્યા નહીં ત્યાર સુધી તમારું જ્ઞાનનું સ્તર અને વિચારનું સ્તર જે હતું એ જુદું હતું . પરંતુ ગુરુને મળ્યા બાદ તમારું જ્ઞાનનું સ્તર બદલાયું , તમારું વિચારનું સ્તર બદલાયું , સ્તર ઊંચું થયું . જો આ બને છે તો બેસતાં વર્ષના દિવસે તમને ગૌતમ સ્વામીજીના આશીર્વાદ અવશ્ય મળે છે .
ત્રીજો તબક્કો ક્રિયાન્વયનનો છે . આપણે જે શીખ્યા નહોતા એ આપણે કરી શકવાના નહોતા . આપણે જે જાણ્યું નહોતું એ કરવાની ત્રેવડ આપણામાં આવવાની જ નહોતી . આપણને જેની ખબર જ ન હોય એ બાબતમાં આપણે કામ શું કરી શકવાના ? આપણને કંઈક કરવું હોય પણ શું કરવું એની ખબર ના હોય , આપણામાં કરવાની શક્તિ હોય પણ કરવા જેવું શું છે એની જાણકારી ન હોય , આપણે કશું કરવા માંગતા હોઈએ પણ કયું કામ કરવું જરૂરી છે એની ગતાગમ ના હોય , એને લીધે આપણે ચોક્કસ કામ સાથે જોડાઈ શકતાં નથી . જ્ઞાનના અભાવે આપણે અમુક કામ કરતાં જ નથી . ગુરુના સત્સંગથી જ્ઞાન મળવા લાગે છે એટલે નવાં નવાં કામ કરવાની ભાવના જાગવા લાગે છે . ભાવનાની પાછળ પાછળ પુરુષાર્થ આવે છે અને એક એક કામ થવા માંડે છે . પહેલાં તપ નહોતા કરતા , હવે તપ થવા લાગ્યા . પહેલાં ત્યાગ નહોતા કરતા , હવે ત્યાગ કરવા લાગ્યા . પહેલાં દાન નહોતા કરતા , હવે દાન કરવા લાગ્યા . પહેલાં ભક્તિ નહોતા કરતા , હવે ભક્તિ કરવા લાગ્યા . પહેલાં પચખાણ નહોતા લેતા , હવે પચખાણ લેવા લાગ્યા . જ્ઞાન મળ્યું એ પછીના તબક્કે જીવનમાં નવા કામ શરૂ થયાં . નવું જાણી લઈએ પણ જે જાણ્યું છે એ મુજબ નવો પુરુષાર્થ , નવી મહેનત કે નવું કામ બિલકુલ ના કરીએ ત્યારે જ્ઞાન અધૂરું રહી જાય છે . પહેલાં જાણ્યું અને પછી જ્ઞાન અનુસાર પુરુષાર્થ શરૂ કર્યો . પુરુષાર્થને કારણે કોઈ એક પરિણામ પણ આવ્યું . પુરુષાર્થ નાનો હતો , પરિણામ નાનું આવ્યું . પુરુષાર્થ મધ્યમ હતો , પરિણામ મધ્યમ આવ્યું . પુરુષાર્થ મોટો હતો , પરિણામ મોટું આવ્યું . પરંતુ પુરુષાર્થ કર્યો અને પરિણામ આવ્યું આ પ્રક્રિયા એની એ રહી . આ જે પ્રક્રિયા છે એ જ ત્રીજો તબક્કો છે : नेत्रमुन्मीलितम् । ગુરુ પાસેથી જે મળ્યું છે એ ફક્ત દિમાગમાં રહ્યું , એવું ના થયું . ગુરુ પાસેથી જે મળ્યું એ જીવનમાં અવતરિત થયું . તમે જે જાણો છો તે તમારી સમૃદ્ધિ છે . તમે જેટલું જાણો છો એ મુજબ જીવનમાં કોઈને કોઈ પુરુષાર્થ ચાલુ રાખો છો . એ તમારી જવાબદારી છે . દર વર્ષે કોઈ નવો ધર્મ જીવનમાં જોવા મળતો હોય તો સમજવું કે આપણી ત્રીજા તબક્કે આવ્યા છીએ . તમે જે નવો બોધ મેળવ્યો એને અનુસરીને તમે જીવનમાં નવો ધર્મ શરૂ કર્યો , એવું દર મહિને બનતું હોય તો બેસતાં વરસે તમને ગૌતમ સ્વામીજીના આશીર્વાદ મળે જ મળે .
ચોથો તબક્કો આ રીતે આવે છે : તમે ઉત્તમ રીતે ધર્મપાલન શરૂ કર્યું , ધર્મક્રિયાઓ કરવા લાગ્યા , ધર્મનાં સ્થાનમાં નાનામોટા લાભ લેવા લાગ્યા . લોકોને આ બધું દેખાવા લાગ્યું . લોકો તમારી પ્રશંસા કરવા લાગ્યા . એ વખતે તમને એ પ્રશંસા ગમી નહીં . તમને એમ થયું કે આ પ્રશંસા મારી થાય છે એ ખોટી છે . જો ગુરુએ જ્ઞાન આપ્યું હોત નહીં તો આ જે પ્રશંસા થાય છે એવાં કોઈ કામ હું કરી જ ના શકત . પ્રશંસા ગુરુના ઉપકારની થવી જોઈએ . મારી પ્રશંસા ના થવી જોઈએ . તમારા અંતરાત્મામાં આ લાગણી બને છે એ તમારો ગુરુ સમર્પણ ભાવ છે . તમને બે વિચાર આવે છે . એક , મારા હાથે એવો કોઈ ધર્મ થયો જેની પ્રશંસા લોકો કરે છે , આ ધર્મ હું કરી શકવાનો જ નહોતો . આ ધર્મ ગુરુને કારણે થયો . ગુરુનો મારી પર કેવો ઉપકાર કે કોઈ ધર્મ ન કરનારો હું , આજે એવો ધર્મ કરું છું કે લોકો પ્રશંસા કરવા લાગ્યા છે . લોકોને જે ધર્મ દેખાયો છે એ ધર્મ મેં કર્યો નથી . લોકોને જે ધર્મ દેખાયો છે એ ધર્મ ગુરુએ કરાવ્યો છે . ગુરુને ધન્ય છે , જેમણે મને ઊંચે ચડાવી દીધો . બે , મારી પ્રશંસા કરનારા લોકો જાણતા નથી કે આ પ્રશંસાનો હકદાર હું નથી . મારે આ લોકોને જણાવી દેવું છે કે આ ધર્મ ક્યાંથી આવ્યો છે ? મારા ધર્મદાતા કોણ છે એ મારે લોકોને કહી દેવું છે . મારામાં આ ધર્મની સમજણ ક્યાંથી આવી એની જાણકારી મારે લોકોને આપી દેવી છે . લોકોની પ્રશંસાનો હું સ્વીકાર કરીશ તો સચ્ચાઈને અન્યાય થઈ જશે . હું આ પ્રશંસાને રોકું એમાં મને સફળતા મળે કે ના મળે મને ખબર નથી . પરંતુ હું મારા ગુરુની ભરપૂર પ્રશંસા કરું એ સંભવિત છે . આ બે વિચારોથી પ્રેરિત થયેલો ભક્ત પોતાના ધર્મદાતા ગુરુની પ્રશંસા હંમેશા કરતો રહે છે . આ છે ચોથો તબક્કો : तस्मै श्री गुरवे नमः ।।
સારાંશ એ છે કે તમે તમારું અજ્ઞાન સ્વીકારી લો , પહેલો તબક્કો . તમે ગુરુ પાસે બેસીને પોતાનાં અજ્ઞાનને ઓછું કરતાં રહો , બીજો તબક્કો . તમને ગુરુ પાસેથી જે જ્ઞાન મળ્યું એનો યથાસંભવ અમલ કરો , ત્રીજો તબક્કો . તમને ધર્મ પ્રવૃત્તિમાં સફળતા મળી એનો યશ ગુરુને આપો , ચોથો તબક્કો .
બેસતાં વર્ષના દિવસે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાને યાદ કરીએ અને એમનામાં વસેલા ભક્તભાવનું અનુસરણ કરવાનો સંકલ્પ કરીએ . આખું વરસ પ્રાણવાન્ બનવાનું જ છે .
પ્રભુ વીરનાં મોક્ષગમન પછી પાવાપુરીમાં શું શું બન્યું હતું તે જાણી લો
ભગવાનનું મોક્ષગમન થયું તે નિમિત્તે દીવાળીનું પ્રવર્તન થયું . આ વાત શ્રી મહાવીર સ્વામી ભગવાનને પણ લાગુ પડે છે અને પંચ કલ્યાણકની પૂજા અનુસાર શ્રી પાર્શ્વનાથ ભગવાનને પણ લાગુ પડે છે . પૂજામાં એમ લખ્યું છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મોક્ષગમન પછી દેવતાઓએ દીવાળી પ્રવર્તાવી : दीवाळी करता देव . આનો અર્થ એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન્ મોક્ષમાં ગયા એ વખતે પ્રભુની યાદમાં દેવો દ્વારા દીવાઓની હારમાળા પ્રગટાવવામાં આવી હતી . બરોબર , આ જ રીતે આસો માસની અમાસે શ્રી મહાવીર સ્વામી ભગવાન્ મોક્ષમાં ગયા તે પછી ૧૮ રાજાઓએ દીવા પ્રગટાવ્યા હતા . એ જોઈને તે સમયની જનતાએ પણ દીવા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દીવાળીનું પ્રચલન શરૂ થયું હતું . શું દીવાળીમાં ફક્ત દીવા પ્રગટ્યા એટલી જ ઘટના બની હતી કે બીજું પણ કંઈ બન્યું હતું ? આનો જવાબ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત – દશમ પર્વના તેરમા સર્ગમાંથી મળે છે . પ્રભુ મહાવીરનાં મોક્ષગમન પછી પ્રભુની નિશ્ચેતન કાયા સંબંધી પ્રમુખ વિધિઓ દેવતાઓએ સંપન્ન કરી હતી , જેમાં પ્રમુખ કાર્ય સૌધર્મ ઇન્દ્ર સંભાળે છે એવું દૃશ્ય હતું . પ્રભુની પવિત્ર કાયાના અગ્નિસંસ્કાર માટે મેરુપર્વત પર રહેલાં નંદનવનના જંગલમાંથી ગોશીર્ષ ચંદન મંગાવવામાં આવ્યું હતું . પ્રભુએ ૪૨ વરસમાં કાયા પાસેથી ઘણી તપસ્યા અને સાધના કરાવી . પ્રભુનો આત્મા મોક્ષમાં બિરાજમાન થયો એટલે એ કાયા એકલી પડી ગઈ . જે કાયા દ્વારા પ્રભુનાં ૭૨ વર્ષનું જીવન વ્યતીત થયું હોય એ કાયાનું સન્માન થવું જ જોઈએ . ઇન્દ્ર સમજતા હતા .
(૧) સૌ પ્રથમ ઇન્દ્ર મહારાજાએ એ કાયાને સ્નાન કરાવ્યું હતું . સ્નાન માટેનું જળ ક્ષીરસાગરથી લાવવામાં આવ્યું હતું . જે જલ આવ્યું તે હતું તો જલ , પણ એનો રંગ દૂધ જેવો ઉજળો હતો . પ્રભુની સુવર્ણરંગી કાયાને દુગ્ધધવલ જલથી સ્નાન કરાવવામાં આવ્યું . પ્રભુએ દીક્ષા કલ્યાણકના દિવસે ત્રીસ વરસની વયે સ્નાન કર્યું તે પછી સ્નાન કર્યું ન હતું . હવે પ્રભુની કાયા ૪૨ વર્ષ પછી સ્નાન પામી હતી . (૨) સ્નાન પછી પ્રભુની પવિત્ર કાયાને મોંઘેરા વિલેપન કરવામાં આવ્યાં . દીક્ષા કલ્યાણકના દિવસે પ્રભુનાં શરીર પર દેવોએ વિલેપન પણ કર્યાં હતાં તે પછી ૪૨ વર્ષે પ્રભુની કાયા પર દેવો દ્વારા જ વિલેપન થયું હતું . (૩)દેવોએ પ્રભુની કાયાને હંસ જેવું સમુજ્જ્વલ વસ્ત્ર પહેરાવ્યું . દીક્ષાનાં બીજાં વર્ષે પ્રભુ વસ્ત્રરહિત થયા હતા આથી એમ કહી શકાય કે ૪૦ વર્ષ પછી પરમાત્માના શરીર ઉપર ફરીથી વસ્ત્ર બિરાજીત થયું . (૪) પ્રભુને જેઓ જાણે છે એમને ખબર છે કે પ્રભુએ ૨૮ વર્ષની ઉંમરે આત્મસાધનાની પ્રવૃત્તિનો પ્રારંભ કરી દીધો હતો આથી ૨૮ વર્ષની ઉંમર પછી ભગવાને દાગીના પહેર્યા નહોતા . આમ ૪૪ વર્ષ પછી પ્રભુની કાયા ઉપર અલંકાર આવ્યા હતા . (૫) પ્રભુની કાયાને ફૂલના હાર પહેરાવવામાં આવ્યા . પ્રભુ સચિત્તના સ્પર્શનો પરિહાર કરતા હતા . ૪૨ વર્ષથી પરમાત્માએ કોઈપણ સચિત્ત તત્ત્વને સ્પર્શ કર્યો નહોતો . દેવતાઓએ પ્રભુની કાયાને ફૂલોની માળા પહેરાવી , એ સચિત્ત સ્પર્શ હતો જે ૪૨ વર્ષ પછી પ્રભુની કાયા સાથે જોડાયો હતો .(૬) પ્રભુની કાયાને દેવલોક જેવી સુંદર શિબિકામાં બિરાજમાન કરવામાં આવી . દીક્ષા લીધી ત્યારથી પ્રભુએ વાહનનો પરિત્યાગ કર્યો હતો . જ્યારે પણ પ્રભુ એક સ્થાનથી બીજે સ્થાને પધારે તો પોતાના પગથી ચાલીને જ પધારે એ નિયમ હતો . પ્રભુને ક્યારે પણ કોઈ વાહનમાં બેસવાનો અવસર આવ્યો હતો નહોતો . પ્રભુ ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા કલ્યાણકના દિવસે શિબિકામાં બેઠા તે પછી ક્યારે પણ વાહન પર આરૂઢ થયા નહોતા . આ વાહન પ્રયોગ ભગવાન સાથે ૪૨ વર્ષ પછી જોડાયો .
અગ્નિસંસ્કાર પૂર્વે જે બન્યું અને સમગ્ર સાધનાજીવનમાં જે નહોતું બન્યું તે આ હતું . સાધનાજીવનમાં દાગીના નહોતા , અગ્નિસંસ્કાર પૂર્વે દાગીના આવ્યા . સાધનાજીવનમાં ફૂલની માળા નહોતી , અગ્નિસંસ્કાર પૂર્વે ફૂલની માળા આવી . અધિકાંશ સાધનાજીવનમાં વસ્ત્ર નહોતું , અગ્નિસંસ્કાર પૂર્વે વસ્ત્ર આવ્યું . સાધનાજીવનમાં સ્નાન નહોતું . અગ્નિસંસ્કાર પૂર્વે સ્નાન આવ્યું . જે રીતે પ્રભુની મૂર્તિને પૂજાસત્કાર દ્વારા ઘણો આદર આપવામાં આવે છે એ રીતે પ્રભુને કાયાને પૂજાસત્કાર સ્વરૂપે ઘણો આદર આપવામાં આવ્યો . પ્રભુ જો જીવિત હોત તો આ પૂજા સત્કારનો સ્વીકાર ન કરત એ સૌ સમજતા હતા . પરંતુ પ્રભુની વિદાય થઇ હતી અને પ્રભુની કાયા દ્રવ્ય ભગવાન્ તરીકે પૂજનીય હતી આથી એની પૂજા થઈ હતી .
શ્રાવક અને શ્રાવિકાઓએ એટલે કે મનુષ્યોએ પણ પ્રભુની કાયાને પૂજી હતી , વંદી હતી , જુહારી હતી . મનુષ્યનો વિલાપ પણ ભારે હતો . નંદીવર્ધન રાજા , સુદર્શનાદેવી , યશોદાદેવી , સુલસાજી આવાં અગણિત નામો યાદ આવે . સૌ દુઃખમાં ડૂબ્યા હતા . મુકરર સમયે મોક્ષ કલ્યાણકનાં સ્થાનેથી પ્રભુની શિબિકાનું પ્રસ્થાન થયું હતું . આસમાનમાં જયજયકારના ધ્વનિ ગુંજતા થયા હતા . આખાય માર્ગ પર દેવોએ સુગંધિત જળનો છંટકાવ ચાલુ રાખ્યો હતો . ભક્તો છાતી કૂટીને રડી રહ્યા છે એ જોવા મળતું હતું . શિબિકાની આગળ દેવાંગનાઓ શોક દર્શક નૃત્ય કરતી કરતી આગળ વધી રહી હતી . વિવિધ વાજિંત્રોમાંથી દુઃખના સ્વરો વહી રહ્યા હતા .
ઇન્દ્ર મહારાજાએ અપાપાપુરી નગરીની બહાર એક ખુલ્લા મેદાનમાં ચંદનચિતાની રચના કરાવી હતી . ત્યાં શિબિકા પહોંચી . શોકાકુળ હૈયે ઇન્દ્ર મહારાજાએ પ્રભુને ચંદન ચિતા પર બિરાજમાન કર્યા . અગ્નિકુમાર દેવોને ઇન્દ્રનો આદેશ મળ્યો એટલે એમણે અગ્નિ પ્રગટાવ્યો . વાયુકુમાર દેવોને ઇન્દ્રનો આદેશ મળ્યો એટલે એમણે પવનના તરંગો વહેતા મૂક્યા . ચંદનચિતા પર આગની લપેટો ફેલાઈ ગઈ . પ્રભુની મનોહર કાયા એ આગમાં અલોપ થઈ ગઈ . જલકુમાર દેવોને ઇન્દ્રનો આદેશ મળ્યો એટલે એમણે જલધારા વરસાવી . આગ શાંત થઈ . ચંદન ચિતાની જગ્યાએ રાખ જોવા મળી હતી , એમાં પ્રભુની કાયાના અવશેષ રૂપ દાઢા , દાંત અને હાડકા પણ હતા . સૌધર્મ ઇન્દ્ર અને ઈશાન ઈન્દ્ર દ્વારા ઉપરની તરફની દાઢા લઈ લેવામાં આવી . ચમર ઇન્દ્ર અને બલી ઈન્દ્ર નીચેની તરફની દાઢા લઈ લેવામાં આવી . અન્ય ઈન્દ્રો અને દેવો દ્વારા દાંત અને હાડકા લઈ લેવામાં આવ્યા . અગ્નિ સંસ્કારની ભસ્મ લેવા ભક્તિભર્યા માનવો ધસી આવ્યા . એમણે બધી જ ભસ્મ લૂંટી લીધી તે પછી જ્યાં અગ્નિસંસ્કાર થયો એ ભૂમિની માટી એ લૂંટવા લાગ્યા . એટલીબધી માટી એમણે લૂંટી કે અગ્નિસંસ્કારની ભૂમિ પર સોળ એકર લાંબો ખાડો થઈ ગયો .
મોક્ષ કલ્યાણકના સમયમાં ત્રણ વાતો બની . એક , પ્રભુનો આત્મા મોક્ષમાં બિરાજમાન થયો .બે , પ્રભુની કાયાની ભસ્મ લાખો લોકોનાં ઘરમાં પહોંચી . ત્રણ પ્રભુની કાયાના હાડકા , દાઢા અને દાંત દેવલોકમાં પહોંચ્યા .
અગ્નિસંસ્કારનાં સ્થાને જે મોટો ખાડો બન્યો હતો ત્યાં પાણી ભરાયાં એને કારણે એ ખાડો વિશાળ સરોવરમાં ફેરવાઈ ગયો . જે સ્થાન પર અગ્નિસંસ્કાર થયા હતા એ સ્થાન પર દેવતાઓએ રત્ન સ્તૂપની રચના કરી હતી . એ સ્થાન ઊંચું હતું આથી પાણીમાં ડૂબ્યું નહીં . ત્યાં મંદિરની રચના થઈ છે . આ મંદિરની આસપાસ વિશાળ વિસ્તારમાં જળથી ભરેલું તળાવ છે આથી આ મંદિર જળમંદિર તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયું છે .
દીવાળીના દિવસે આપણે પાવાપુરીમાં હોઈએ તો ત્રણ સ્થાન અવશ્ય જુહારવા જોઈએ . પહેલું સ્થાન છે નૂતન સમવસરણ મંદિર , જ્યાં ભગવાને સોળ પ્રહરની દેશના ફરમાવી . બીજું સ્થાન છે મોક્ષ કલ્યાણક મંદિર , જ્યાં ભગવાને છેલ્લું ચોમાસું કર્યું અને જ્યાંથી ભગવાન્ મોક્ષમાં પધાર્યા . ત્રીજું સ્થાન છે જલ મંદિર , જેનાં મધ્યસ્થાનમાં ભગવાનના અંતિમ સંસ્કાર થયા હતા . પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પ્રભુમાં એકાગ્ર બનીએ એ જ દીવાળી છે . પ્રભુનાં જીવનના છેલ્લા બે દિવસોમાં જે જે બન્યું એ બધું જ યાદ કરવું જોઈએ . યાદ કરતાં કરતાં એ ઘટનાઓ કેવી રીતે બની હશે એની કલ્પનાઓ કરવી જોઈએ . કલ્પનાઓ કરતાં કરતાં આપણે આપણી આંખની સામે જીવંત ભગવાનને જોઈ રહ્યા છીએ એવી અનુભૂતિ રચવી જોઈએ . તમે પ્રભુને યાદ કરો . તમે પ્રભુની કલ્પના કરો . તમે પ્રભુની અનુભૂતિ કરો . તમારી દીવાળી સફળ .
પ્રભુની યાદમાં દિવાળીના દિવસોમાં શું કરી શકાય ? શિષ્યએ પ્રશ્ન કર્યો . ગુરુએ જવાબ આપ્યો : પ્રભુની યાદમાં બે કામ કરી શકાય . એક , દીવાળીમાં પ્રભુએ જે કર્યું તે યાદ કરો . બે , દીવાળીમાં પ્રભુએ જે કહ્યું તે યાદ કરો . દીવાળીમાં પ્રભુએ છઠ કર્યો હતો એની યાદમાં આપણે સૌ છઠ કરીએ છીએ . દીવાળીમાં પ્રભુએ દેશના ફરમાવી હતી . આપણે એ દેશનાની યાદમાં ઉત્તરાધ્યયન સૂત્ર સાંભળીએ છીએ . પ્રભુએ પિતાની જેમ આ સૂત્રનું કથન સામે ચાલીને કર્યું હતું . પિતા એટલે પુત્રનું પૂર્ણ પ્રશિક્ષણ . પિતા પોતાના પુત્રના દરેક પ્રશ્નના જવાબ આપતા હોય છે . ઘણી વખત પુત્ર પ્રશ્ન પૂછે એ જરૂરી હોય છે પરંતુ પુત્ર પ્રશ્ન પૂછવાનું ભૂલી જાય છે . આવા સમયે પિતા એ પ્રશ્નના પણ જવાબ આપતા હોય છે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા નથી . પુત્રે જેના વિષયમાં કાંઈ પૂછ્યું નથી પરંતુ પુત્રે જે વિષયમાં જાણવું જોઈએ એ વિષયની વાતો પિતા સામે ચાલીને પુત્રને જણાવે છે . દેવાધિદેવ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પરમાત્માએ અંતિમ દેશનામાં ૩૬ પ્રશ્નોના જવાબ આપ્યા છે પરંતુ આ પ્રશ્નો એવા છે જે કોઈએ પૂછ્યા જ નથી . પરમાત્માએ પિતા બનીને પોતાના આશ્રિતો માટે ૩૬ ઉત્તર ફરમાવ્યા અને આ ઉત્તર એવા હતા જેની માટે પ્રશ્નો તો કોઈએ પૂછ્યા જ નહોતા . કરુણાનિધાન ભગવંતે જે ૩૬ ઉત્તર ફરમાવ્યા તેનું સંકલન એક જ ગ્રંથમાં થયું . તે ગ્રંથનું નામ ઉત્તર અધ્યયન એટલે કે ઉત્તરાધ્યયન સૂત્ર રાખવામાં આવ્યું . પરમાત્માએ ઉત્તરરૂપે જે ફરમાવ્યું તે હકીકતમાં પ્રેરણા હતી , ઉપદેશ હતો , માર્ગદર્શન હતું . પરમાત્માએ ૩૬ પ્રેરણા આપી તે સેંકડો શ્લોકોમાં શબ્દબદ્ધ થઈ છે . ઉત્તરાધ્યયન સૂત્રના એક એક શબ્દમાં અપરિસીમ પ્રેરણાઓ ભરી છે . એમાંથી બિલકુલ પ્રારંભિક કક્ષાની થોડીક પ્રેરણાઓને આપણે દિવાળીના દિવસે યાદ કરીએ .
१ . विनयश्रुत अध्ययन : તમે જે બોલો છો એનાથી કોઈપણ વ્યક્તિને અનાદરનો અનુભવ ના થવો જોઈએ . તમારા પોતાના સ્વજનો જે ધાર્મિક ઈચ્છા રાખે છે તેને તમારે આદર આપવો જોઈએ . વડીલોની ભાવનાઓ અધૂરી ના રહેવી જોઈએ . કોઈ દુષ્ટ વચન બોલે ત્યારે તમારે તમારાં મનનો અંકુશ ખોવો જોઈએ નહીં .
२ . परिषह प्रविभक्ति अध्ययन : જ્યારે પણ દુઃખ આવે ત્યારે વિચારજો કે મારાં જૂનાં પાપોનો નાશ થઈ રહ્યો છે . તમને કોઈ સુખ કે આનંદ પ્રમોદનો અવસર મળે ત્યારે એ સુખ કે આનંદ પ્રમોદ માટે કોઈ ધર્મપ્રવૃત્તિને ઠેસ મારી દેતા નહીં . જે વ્યક્તિનાં કારણે તમને કોઈ દુઃખ થયું છે એની માટે મનમાં દ્વેષ બનાવશો નહીં .
३ . चतुरंगीय अध्ययन : રોજેરોજ નવું ધાર્મિક જ્ઞાન મેળવતા રહો .જે દિવસે તમે નવો અભ્યાસ કર્યો નહીં એ દિવસ અધૂરો રહ્યો છે એમ માનજો . તમારી શ્રદ્ધા ગઈકાલે જેટલી મજબૂત હતી એના કરતાં આજે વધારે મજબૂત હોવી જોઈએ અને આજે જેટલી મજબૂત છે એના કરતાં આવતીકાલે વધારે મજબૂત હશે એવી તમારી ભૂમિકા હોવી જોઈએ . જે ધર્મ તમે કરી લીધો છે એનો રાજીપો રાખો . પરંતુ જે ધર્મ કરવાનો બાકી છે એ તુરંત કરવો છે એનું લક્ષ બનાવો .
४ . असंस्कृत अध्ययन : તમને ધર્મક્રિયા કરવાનો કંટાળો આવશે એવું બની શકે છે . પણ એ કંટાળાની છાયામાં આવીને તમે ધર્મક્રિયાની ઉપેક્ષા નહીં કરતા . ધર્મક્રિયામાં ખાડા ન પડે , ધર્મક્રિયામાં ઉતાવળ ન થાય , ધર્મક્રિયામાં અવિધિ કે આશાતના ન થાય એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે . તમારાં મનને સમજાવીને ક્રોધ માન માયા લોભ ઘટાડવા માંડો . ધર્મ કરતાં રહીએ અને કષાયો નબળા પડે નહીં – એવું ન ચાલે .
५ . अकाम मरणीय अध्ययन : ભૌતિક સુખ માટેની સાધનસામગ્રી વિના તમે જેટલો સમય વિતાવી શકો છો એટલો વિતાવો કારણ કે આવતા ભવમાં તમે કેવી ગતિમાં જવાના છો એની તમને કલ્પના નથી . જે સુખ વિના તમે ચલાવી શકો છો એ સુખથી દૂર રહેવાનું રાખો . રોજ એક બે દુઃખને સ્વેચ્છાપૂર્વક સહન કરો . રાત્રે ઊંઘતા પહેલા બધું જ વોસિરાવી દેવાની આદત રાખો .
६ . क्षुल्लक निर्ग्रन्थीय अध्ययन : તમને તમારા પરિવાર માટે મમતા છે . એ મમતા પરલોકને નુકસાન કરી શકે છે માટે એ મમતાને ઓછી કરવાનું લક્ષ્ય રાખજો . તમને તમારાં ઘરની તમામ સાધનસામગ્રી માટે મમતા છે . એ મમતા પણ પરલોકને નુકસાન કરી શકે છે . એ મમતાને પણ ઓછી કરવાનું લક્ષ્ય રાખજો . તમને તમારાં શરીર માટે ઘણી મમતા છે . આ મમતા પણ પરલોકને નુકસાન કરી શકે છે . તમે આ મમતાને પણ ઓછી કરવાનું લક્ષ્ય રાખજો .
७ . उरभ्रीय अध्ययन : તમારાં જીવનમાં ઘણાં પાપો ચાલે છે . એમાંથી અમુક પાપો તમે છોડી શકો એમ છો . એ પાપોને છોડવાનું શરૂ કરો . તમારાં જીવનમાં ઘણાં સુખ ચાલે છે , આનંદપ્રમોદ ચાલે છે . અમુક સુખ અને આનંદપ્રમોદ તમે છોડી શકો છો . તમે એ છોડવાનું શરૂ કરો . તમારાં જીવનમાં જે ધર્મ ચાલે છે એ ધર્મમાં તમને અઢળક આનંદનો અનુભવ થાય એવી ભાવધારા બનાવતાં રહો .
८ . कापिलीय अध्ययन : મારે મરીને દુર્ગતિમાં જવું નથી એવી સૂચના પોતાને આપતાં રહો . તમને કાયમ કોઈ ને કોઈ ઈચ્છા થતી રહે છે . તમે તમારી દરેક ઈચ્છા પૂરી થાય એવી જીદ રાખો છો . આ જીદ સારી નથી . તમારી ઈચ્છા પૂરી ના થાય એવી પરિસ્થિતિમાં પણ તમે તમારાં મનને પ્રસન્ન રહેવાનું શીખવો . કોઈપણ ભૌતિક સામગ્રી વિનાય તમે ખુશ રહી શકો છો એવી ક્ષણો બનાવો અને એવી ક્ષણોને વધારતાં જાઓ .
९ . नमि प्रव्रज्या अध्ययन : મારે કોઈ સંઘર્ષ કરવો નથી , કોઈ સંક્લેશ કરવા નથી એવો સંકલ્પ બનાવી રાખો . તમે વ્યક્તિઓ અને વસ્તુઓ બાબતે જે અપેક્ષાઓ રાખો છો તે અપેક્ષાઓ ઓછી કરી દો . જેમ જેમ અપેક્ષા ઓછી થતી જશે એમ એમ સંક્લેશ ઓછા થતાં જશે . ઓછામાં ઓછી વસ્તુઓથી કામ ચલાવવાની આદત પાડો . ઓછામાં ઓછા લોકો સાથે વ્યવહાર રાખવો પડે એવી જીવનશૈલી બનાવો . સાધનામાં આગળ વધવું હશે તો આ કરવું જ પડશે .
१० . द्रुम पत्रक अध्ययन : તમારાં મનમાં જે રાગ બને છે તેનાં આલંબન પ્રશસ્ત હોતા નથી . આથી તમારો રાગ અપ્રશસ્ત બની જાય છે . તમારો રાગ પ્રશસ્ત આલંબન સાથે જોડાય અને રાગ પોતે પ્રશસ્ત બનતો રહે એવી માનસિકતા બનાવો . અપ્રશસ્ત રાગ ઘટે અને પ્રશસ્ત રાગ વધે આ પહેલું પગથિયું છે . મનનો રાગ ઓછો થતો જાય આ બીજું પગથિયું છે . મનને વૈરાગ્યનો સ્પર્શ મળે આ ત્રીજું પગથિયું છે . જે આ ત્રણ પગથિયાં પસાર કરે છે તેને આખરે વીતરાગ ભાવ પ્રાપ્ત થતો હોય છે .
११ . बहुश्रुत पूजा अध्ययन : ધર્મનું જ્ઞાન વધતું રહેવું જોઈએ પરંતુ એ જ્ઞાનનો અહંકાર ન બનવો જોઈએ . ધર્મનું જ્ઞાન એવું હાંસિલ કરો કે મનમાં મોક્ષ અવસ્થાના વિચારો ચાલતા જ રહે . જે ધર્મના જ્ઞાની છે એમની નિંદા કરો નહીં . જે ધર્મના જ્ઞાની છે એમની નિંદા સાંભળો નહીં . જ્ઞાનને સન્માન આપો અને જેમનું જ્ઞાન ઉપાર્જન ઉત્કૃષ્ટ છે એમને પણ ભરપૂર સન્માન આપો . જ્ઞાનીનું સન્માન એટલે જ્ઞાનનું સન્માન . જ્ઞાનીનું અપમાન એટલે જ્ઞાનનું અપમાન .
१२ . हरिकेशीय अध्ययन : તમારાં જીવનમાં નિયમ પાલન હોવું જોઈએ , વ્રત આચરણ હોવું જોઈએ . જીવનમાં નિયમ ન હોય , વ્રત આચરણ ન હોય તો તમે જે જ્ઞાન મેળવ્યું એ વ્યર્થ છે . દરેક ભૂમિકાના જીવો માટે ચોક્કસ ગુણોનું વર્ણન શાસ્ત્રોએ કર્યું છે . તમે જે ભૂમિકામાં હો એ ભૂમિકાએ તમારામાં કેટલા ગુણો હોવા જોઈએ તે શોધો અને તે ગુણો તમારી અંદર જાગે એવો પુરુષાર્થ કરો . ગુણ ઉપાર્જનનો પુરુષાર્થ આત્માને પવિત્ર બનાવે છે . વ્રતનું પાલન કરનારા શ્રમણ શ્રમણી ભગવંતોને પુષ્કળ આદર આપો . વ્રતધારીને આપેલો આદર તમારામાં વ્રતપાલનની શક્તિ પ્રગટાવે છે .
१३ . चित्र संभूतीय अध्ययन : તમે જે પણ વ્રતનિયમનો સ્વીકાર કર્યો હોય એને પૂર્ણ રીતે વફાદાર રહેજો . એકવાર જે વ્રત લીધા તેનો ભંગ ક્યારે પણ કરવો જોઈએ નહીં . એકવાર જે નિયમ લીધો એ ક્યારે પણ તૂટવો ના જોઈએ . વ્રત લેવાથી અને વ્રતનું અખંડ પાલન કરવાથી પ્રચંડ કર્મનિર્જરા થતી હોય છે . કામભોગની પ્રવૃત્તિઓ પ્રિય લાગે છે પરંતુ એ વ્રતમાં બાધાકારી હોય છે . કામભોગની પ્રવૃત્તિથી દૂર રહીને પણ પ્રસન્ન રહી શકાય એવી માનસિકતા બધા નથી બનાવી શકતા . તમે એવી માનસિકતા બનાવી લો . આત્માની અંદર જે આનંદ વસે છે એને શોધવો છે અને પામવો છે એવું લક્ષ્ય બનાવો . એ દિશામાં આગળ વધવા અંતરંગ પુરુષાર્થ કરો .
१४ . इषुकारीय अध्ययन : આત્મા પરલોકમાંથી અહીં આવ્યો છે અને અહીંથી મરીને આત્મા ફરીથી પરલોકમાં જવાનો છે . આ વિષય પર પૂર્ણ શ્રદ્ધા રાખો . આત્માને લાભ થાય તે માટે ધર્મક્રિયા કરો . સાથોસાથ યાદ રાખો કે જે ધર્મક્રિયા કરો છો એના દ્વારા હૃદયમાં શુભ ભાવોનું જાગરણ થવું જ જોઈએ . હંમેશ માટે યાદ રાખજો કે તમારાં પરિવારજનોને રાજી રાખવા માટે તમારે તમારા નિયમિત ધર્મ સાથે બાંધછોડ કરવાની હોય નહીં .
१५ . सभिक्षु अध्ययन : તમને જે પણ જ્ઞાન મળ્યું છે એની ઉપર વૈરાગ્યની છાયા હોવી જોઈએ . જ્ઞાનને જો વૈરાગ્યનો સથવારો નથી મળતો તો જ્ઞાન શુભ વિચારો જગાડી શકતું નથી . તમને જે જે વિષયમાં શ્રદ્ધા છે તે વિષયમાં તમારે આચરણ લાવવાનું છે . એકલી શ્રદ્ધા હોય અને આચારપાલન સહેજ પણ ન હોય એવું કેવી રીતે થવા દેવાય ? સાચી શ્રદ્ધા આચારને લાવ્યા વગર રહેતી નથી . તમારી પાસે શ્રદ્ધા હોય અને તમારી પાસે આચાર ન હોય તો જે આચાર તમે નથી પામ્યા એનો પસ્તાવો મનમાં રહેવો જોઈએ . તમે તમારા ધર્મ સાથે બાંધછોડ ન કરો , તમે ધર્મમાં ઢીલા ન પડો એ તમારી જવાબદારી છે અને આ જવાબદારી ફક્ત તમારે જ સંભાળવાની છે .
१६ . ब्रह्मचर्य समाधि स्थान अध्ययन : વિજાતીય તત્ત્વનું આકર્ષણ મૈથુનસંજ્ઞામાંથી આવે છે . મૈથુનસંજ્ઞાને કમજોર પાડવાનો પુરુષાર્થ મનથી , વચનથી અને કાયાથી સતત કરવાનો છે . મૈથુનની પ્રવૃત્તિ આકર્ષક લાગે છે પરંતુ આ પ્રવૃત્તિ આત્માને પારાવાર નુકસાન પહોંચાડતી હોય છે . મનમાં ચોક્કસ પ્રકારની વાસનાઓ સતત રમતી રહે છે મૈથુનસંજ્ઞાને કારણે . શરીર દ્વારા ચોક્કસ પ્રકારની કામપ્રવૃત્તિઓ થતી રહે છે મૈથુનસંજ્ઞાને કારણે . વાસનાઓ અને કામપ્રવૃત્તિઓ થકી આત્મા એવાં ચીકણા કર્મો બાંધે છે જે આત્માને નરકમાં ધકેલી દે છે . વાસનાઓ અને કામપ્રવૃત્તિઓ પુનરાવર્તનની આદત પાડે છે અને પુનરાવર્તનની આદત આગામી ભવોમાં પણ વાસનાઓ અને કામપ્રવૃત્તિઓને સાથે લઈ આવે છે . વાસનાઓ અને કામપ્રવૃત્તિઓનું પુનરાવર્તન ઓછું થાય કે અટકી જાય તો એ આગામી ભવમાં સાથે આવતી નથી અને દુર્ગતિમાં જવાની સંભાવના બનતી નથી .
१७ . पाप श्रमणीय अध्ययन : સાધનાના દરેક નિયમ આત્મા માટે લાભકારી હોય છે . કોઈ પણ નિયમ તૂટે એનાથી આત્માને નુકસાન થાય છે . જેણે સાધનાનો સ્વીકાર કર્યો તેણે સાધનાના નિયમો તોડવા ના જોઈએ . સાધનાના નિયમો સાથે જે બાંધછોડ કરે છે તે સાચો સાધક ગણાતો નથી . શરીરના રોગને કારણે નિયમમાં બાંધછોડ થાય એ જુદી વાત છે . પરંતુ મનના રાગને કારણે અને આવેશને કારણે સાધનામાં બાંધછોડ થાય એ ચલાવી શકાય નહીં . અલબત્ , દોષવાન્ સાધકને જોઈએ ત્યારે દ્વેષ થવો ન જોઈએ કે નિંદા કરવી ન જોઈએ . બલ્કે જે દોષમાં ફસાયા છે એમની માટે અનુકંપાના ભાવ બનાવવા જોઈએ .
१८. संयतीय अध्ययन : વ્રતનું પાલન ઘણાંબધાં વર્ષો સુધી કરવામાં આવે એનાં કારણે આત્મામાં વૈરાગ્યના ઊંડા સંસ્કારો બનતા હોય છે . આથી વ્રતનું પાલન ઘણાં ઘણાં વર્ષો સુધી થાય એવી પરિસ્થિતિ હંમેશા અનુમોદનીય છે . મનમાં જે પણ અશુભ વિચારો જાગે તેને રોકવા માટે આપણે ઉત્તમ સાધક પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ . તમે ચોક્કસ વસ્તુ કે ચોક્કસ વ્યક્તિ માટેના રાગને ઘણાંબધાં વર્ષો સુધી જીવંત રાખશો તો રાગનો એ સંસ્કાર પરલોકમાં સાથે આવશે અને પરલોકમાં પણ તમને શુભ ભાવોથી વંચિત રાખશે . આપણાં મનમાં જે જે રાગ બને છે તે અલ્પકાલીન હોય , તીવ્રતામુક્ત હોય એનું ધ્યાન આપણે રાખીએ તો સાધનામાં વિઘ્નો ઓછા આવે છે .
१९ . मृगापुत्रीय अध्ययन : તમે કોઈને દુઃખમાં ફસાયેલા જુઓ ત્યારે વિચારો કે એણે પૂર્વના ભવોમાં ઘણાંબધાં પાપો કર્યાં હશે . જે જે દુઃખ દેખાય તે તે દુઃખ કયાં કર્મને કારણે આવે છે એ કર્મનું ચિંતન કરવું જોઈએ . જે દુઃખથી ડરે એ કમજોર છે . જે દુઃખનાં કારણ સ્વરૂપ કર્મોથી ડરે એ ભાગ્યશાળી છે . તમારા હાથે જ્યારે પણ કોઈ પાપ થવાનું હોય કે થઈ રહ્યું હોય ત્યારે વિચારજો કે આ પાપનું ફળ કેટલું ભયાનક હશે . જે જે પાપ થયાં તે પાપનો પશ્ચાત્તાપ મનમાં બનાવતા રહેજો . પાપનો પસ્તાવો પાપની તીવ્રતાને ખતમ કરી નાખે છે .
२०. महानिर्ग्रंथीय अध्ययन : જે સુખ આવ્યાં પછી પાછું ન જાય એને સુખ સાચું સુખ કહેવાય . જે સુખ આવ્યાં પછી થોડા સમયમાં પાછું જતું રહે એને સાચું સુખ કહી શકાય નહીં . ભૌતિક સુખ થોડા સમયની રાહત આપે છે પરંતુ પછીથી એ ક્ષીણ થઈ જાય છે . દોષનું વિસર્જન કરવા દ્વારા અને ગુણનું ઉપાર્જન કરવા દ્વારા આત્માની ભીતરમાં જે સુખ પ્રગટે છે તે થોડા સમયપૂરતું સીમિત હોતું નથી . આ સુખ ભૌતિકસામગ્રીની અપેક્ષા રાખતું નથી આથી સાધનામાં આ સુખને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે . ભૌતિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી સ્થિર બનવું એ સાધનાનો સ્વભાવ છે . આનો અનુભવ લેવા રોજ એકાગ્રતાપૂર્વક કાઉસગ્ગ કરવો જોઈએ .
२१ . समुद्र पालीय अध्ययन : સાધકે ઉપસર્ગ સહન કરવા જોઈએ , કષ્ટો વેઠવા જોઈએ . સહન કરવાથી કર્મોની નિર્જરા થાય છે . દુઃખ સહન કરવા માટે વિશેષ પુરુષાર્થની આવશ્યકતા હોય છે . અશુભ વિચારને રોકવા માટે પણ વિશેષ પુરુષાર્થની જ આવશ્યકતા હોય છે . તમારો જેટલો સમય ધર્મ સાથે જોડાયેલો રહ્યો એટલો સમય સાર્થક છે . જે સમય ધર્મ સાથે જોડાયેલો નથી તે સમયની નિરર્થક છે .
२२ . रथनेमीय अध्ययन : જે વ્યક્તિ ધર્મ સાથે જોડાયેલી છે એ તમારાં કારણે ધર્મથી દૂર થાય એવું ક્યારેય થવા દેશો નહીં . જે વ્યક્તિ કોઈ પણ કારણસર ધર્મથી દૂર થઈ ગઈ હોય કે ધર્મથી દૂર થઈ રહી હોય એ તમારાં કારણે ધર્મની સાથે ફરીથી જોડાઈ એવું અવશ્ય થવું જોઈએ . તમારી પોતાની ભૂલો તમારે જાતે શોધવી જોઈએ અને ભૂલોને સુધારવાનો પુરુષાર્થ પણ તમારે જાતે જ કરવો જોઈએ . મોટામાં મોટા ધર્માત્માના હાથે પણ ભૂલ થઈ શકે છે અને મોટામાં મોટી ભૂલ હોય તો પણ એ ભૂલ જરૂર સુધરી શકે છે .
२३ . केशी गौतमीय अध्ययन : ધર્મના વિષયમાં બે વ્યક્તિ વચ્ચે મતભેદ થાય એવું બને . પરંતુ બે વ્યક્તિ વચ્ચે દ્વેષ થાય એવું બનવું ના જોઈએ . કોઈપણ ધર્માત્મા માટે આપણાં હૃદયમાં દ્વેષની ભાવના જાગે એમાં કોઈ ઔચિત્ય નથી . ધર્માત્માને સન્માન આપવું જોઈએ . ધર્માત્માને સન્માન આપવાથી ધર્મની શક્તિ વધે છે . ધર્માત્માનું અપમાન કરવાથી ધર્મની શક્તિ તૂટે છે . બે ધર્માત્મા પરસ્પર મળે ત્યારે એકબીજાના ધર્મનું ખૂબ સન્માન કરે છે , એકબીજા પાસેથી જ્ઞાન મેળવે છે અને પવિત્ર અનુભવનું આદાનપ્રદાન કરે છે .
२४ . प्रवचन माता अध्ययन : કોઈપણ જીવની વિરાધનાથી ડરવું એ સાધકનું કર્તવ્ય છે . વિરાધનાનો ભય એ જ સાધનાની સૌથી મોટી શક્તિ છે . આપણા હાથે કોઈ પણ જીવની વિરાધના ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ . આપણી વાણીથી કોઈને પીડા ના પહોંચે એની કાળજી રાખવી જોઈએ અને આપણા વિચારો પ્રભુની આજ્ઞાથી વિપરીત દિશામાં ન જાય તેની સતત જાગૃતિ રાખવી જોઈએ . આપણું જીવન પ્રભુવચનનાં અનુસરણ માટે સમર્પિત છે એવો આદર્શ રાખવો જોઈએ .
२५ . यज्ञीय अध्ययन : પાંચ પાપ આત્માના સૌથી મોટા શત્રુ છે : હિંસા , મૃષાવાદ , ચોરી , મૈથુન અને પરિગ્રહ . આ પાંચ પાપ જીવનમાં હોવા જ ન જોઈએ . જો હોય તો આ પાંચ પાપમાં તીવ્રતા ના હોવી જોઈએ . જો પાંચ પાપ છૂટતાં ન હોય તો પાંચ પાપનો પસ્તાવો હૈયામાં જીવતો રાખવો જોઈએ . કોઈપણ વ્યક્તિ માટે આપણાં મનમાં દ્વેષ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ . જીવનમાં સંયમસાધના હોય અને તપસ્યા હોય તો પૂર્વભવનાં તીવ્ર કર્મોનો નાશ ઝડપથી થાય છે .
२६ . सामाचारी अध्ययन : પ્રત્યેક ધર્મક્રિયા અને સ્વાધ્યાય ગુરુનાં માર્ગદર્શન મુજબ જ કરવા જોઈએ , પોતાની મરજીથી નહીં . સંઘમાં અને સમુદાયમાં જે વ્યવસ્થા અને જે પરંપરા નિર્ધારિત છે તેની સાથે બાંધછોડ થાય એવી કોઈ હરકત કરવી ના જોઈએ . દરેક મુનિએ મુનિસમુદાયનું અને સમુદાયના નેતાનું સન્માન જાળવવું જોઈએ . દરેક શ્રાવકે સંઘનું અને સંઘના વડીલોનું સન્માન જાળવવું જોઈએ . આપણે કોઈ વ્યવસ્થા કે કોઈ નિયમનો ભંગ કરી ના શકીએ . દરેક ધર્માત્માએ અરસપરસની આત્મીયતા અને આમન્યાને જાળવી રાખવી જોઈએ .
२७ . खलुंकीय अध्ययन : તમને જેમણે જ્ઞાન આપ્યું છે એમની સામે વધારે પડતી દલીલો કે વધારે પડતા સવાલો ના કરશો . સંઘના કે સમુદાયના કોઈપણ સાધક માટે મનમાં ઈર્ષાનો ભાવ બનવો જોઈએ નહીં . સારું સારું ખાવાની અને સારું સારું પીવાની આદત સાધનાની ભૂમિકાને વિક્ષિપ્ત કરી દે છે .
२८ . मोक्षमार्ग गति अध्ययन : આત્મા શું છે , આત્મા શું કામ સંસારમાં પરિભ્રમણ કરે છે , આત્મા કર્મો શું કામ બાંધે છે અને આત્મા કર્મોથી કેવી રીતે મુક્ત થશે આ વિષયનું ચિંતન અવિરત ચાલતું રહેવું જોઈએ . મારા આત્માને મોક્ષ મળશે એવો વિશ્વાસ હંમેશા બનેલો રહેવો જોઈએ . ચારિત્રનું પાલન એ રીતે કરવું જોઈએ કે અતિચાર લાગે નહીં અને આરાધના ઉત્કૃષ્ટ રીતે થયા કરે .
२९ . सम्यक्त्व पराक्रम अध्ययन : તમારાં હૈયામાં દેવ ગુરુ અને ધર્મ માટે અપરંપાર શ્રદ્ધાભાવ હોવો જોઈએ . તદુપરાંત દેવ ગુરુ ધર્મના પ્રેમી એવા દરેક ધર્માત્મા માટે પણ તમને અપરંપાર પ્રેમ હોવો જોઈએ . સમકિતનાં પાંચ લક્ષણ શું છે અને એ લક્ષણો મારામાં પ્રગટ્યાં છે કે નહીં એનું આત્મનિરીક્ષણ ચાલુ રાખવું જોઈએ . પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિતની મૂળ વિભાવના મનમાં સદૈવ જીવંત રહેવી જોઈએ .
३० . तपोमार्ग गति अध्ययन : આહાર સંબંધી ચાર તપ છે : અનશન , ઉનોદરી , વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ . કષ્ટ સહન કરવા સંબંધી બે તપ છે : કાયક્લેશ અને સંલીનતા . ભાવ વિશુદ્ધિ સંબંધી છ તપ છે : પ્રાયશ્ચિત , વિનય , વેયાવચ્ચ , સ્વાધ્યાય , ધ્યાન અને ઉત્સર્ગ . આ તપસ્યાઓ ઉત્કૃષ્ટ ભાવે થવી જોઈએ .
३१ . चरण विधि अध्ययन : તમે સાધક છો . મનને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચાવીને રાખો . અર્થકથા , કામકથા , ભક્તકથા અને રાજકથાથી દૂર રહો . આહાર , ભય , મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓનું વર્ચસ્વ ઢીલું પાડતાં રહો .
३२ . प्रमाद स्थान अध्ययन : મન , વચન અને કાયા તેમ જ દૃષ્ટિને સંયમથી બાંધીને રાખો . અકલ્પ્ય આહાર પાણીને અડ શો પણ નહીં અને લેશો પણ નહીં . પાંચ ઇન્દ્રિયના દરેક આનંદ આત્મા માટે બહુ જ નુકસાનકારી છે તે ભૂલશો નહીં .
३३. कर्म प्रकृति अध्ययन : આઠ કર્મનાં નામ જાણી લો . આ કર્મોનો બંધ કેટકેટલાં કારણોથી થાય છે તે સમજી લો . સૌથી ખતરનાક છે મોહનીય કર્મ . ચાર કષાયનો સ્વભાવ અને નવ નોકષાયનો પ્રભાવ શું છે તે તમારે યાદ રાખવાનું છે . કર્મોની નિર્જરા માટે આપણે શું શું કરી શકીએ એનો બોધ મેળવતા રહો અને વધારતા રહો . કર્મક્ષય નિમિત્તે વિશેષ તપ અને વિશેષ કાઉસગ્ગ કરતાં જ રહો .
३४ . लेश्या अध्ययन : જે વિચાર અને જે ભાવના લાંબા સમય સુધી પુનરાવર્તન પામે છે તે લેશ્યા બની જાય છે . આત્મા અને ધર્મ સંબંધી , વિચાર અને ભાવના લાંબા સમય સુધી પુનરાવર્તન પામતા રહે એ રીતે જીવન વ્યવહાર ગોઠવી લો . શુભ શ્રવણ , શુભ દર્શન , શુભ વાંચન અને શુભ સમાગમમાં ભરપૂર સમય વીતવો જોઈએ . મનને અશુભ વિચાર બનાવવાનો સમય જ ના મળે એવી જીવનચર્યા બનાવી લો .
३५ . अणगार मार्गगति अध्ययन : અહિંસા , સત્ય , અચૌર્ય , બ્રહ્મચર્ય , અપરિગ્રહ . આ પાંચ મહાવ્રત જીવનમાં આવવા જોઈએ અને આવ્યા હોય તો એમનું પાલન સર્વોત્તમ રીતે કરવું જોઈએ . ક્ષમા , મૃદુતા , ઋજુતા , મુક્તિ , તપ , સંયમ , સત્ય , શૌચ , અકિંચનતા અને બ્રહ્મ . આ દસ પ્રકારના મુનિધર્મનું પાલન સાંગોપાંગ કરવું જોઈએ . સહન કરે તે સાધુ એ કહેવત છે , તદનુસાર સાધકે શારીરિક સહનશક્તિ પણ ધારણ જોઈએ અને માનસિક સહનશક્તિ ધારણ પણ જોઈએ .
३६ . जीवाजीव विभाग अध्ययन : આ વિશ્વમાં એક તરફ જીવ શક્તિ છે , બીજી તરફ અજીવ શક્તિ છે . અજીવ પદાર્થોની આસક્તિમાં ફસાયેલો જીવ , અગણિત જીવોની વિરાધના કરતો હોય છે . આ વિરાધના ઓછી થાય અને અટકી જાય એ સાધનાનું મુખ્ય લક્ષ્ય છે . જેનાથી વિરાધનાને પોષણ મળે અને વિરાધનાને સમર્થન મળે એવું કશું સાધક કરે નહીં . સાધક જે કરે એનાથી વિરાધના ઓછામાં ઓછી થાય છે અને આરાધના વધુમાં વધુ થાય છે . વિરાધના બે છે : એક , અન્ય જીવનાં દ્રવ્યપ્રાણની વિરાધના . બે , પોતાના ભાવપ્રાણની એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર તપ અને વીર્ય આચારની વિરાધના . આપણે વિરાધના માત્રથી મુક્ત બનવાનું છે .
અંતિમ દેશનાના પહેલા દિવસે પ્રભુ વીર પુણ્ય અને પાપના વિષયમાં જે બોલ્યા હતા તે વિષય વિપાકસૂત્રમાં વાંચવા મળે છે
દિવાળીના દિવસો શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં નામે લખાયેલા હોય છે . આયુષ્યના છેલ્લા બે દિવસોમાં પ્રભુએ છઠનો તપ કર્યો હતો . આ બે દિવસોમાં ભગવાને અંતિમ દેશના ફરમાવી હતી . ભગવાને મોક્ષમાં જતાં પહેલાં જે જે વિષયનું પ્રતિપાદન કર્યું તેનાં નામ આ મુજબ છે : એક , પુણ્ય અને પાપના વિપાકનું વર્ણન . બે , ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ વિષય . ત્રણ , પુણ્યપાલ રાજાને આવેલ સ્વપ્નનાં અર્થઘટન સ્વરૂપે ભવિષ્ય કથન . ચાર , પ્રધાન અધ્યયનની વિભાવના . આજકાલ પ્રભુની અંતિમ દેશના સ્વરૂપે ક્યાંક ઉત્તરાધ્યયન સૂત્ર અને ક્યાંક સ્વપ્નનો ફલાદેશ આ બે વિષય ઉપર દિવાળીનાં વ્યાખ્યાનો થતાં હોય છે .
આ વ્યાખ્યાનો ખરેખર , પ્રભુ સાથે જોડાયેલા જ ગણાય પરંતુ બીજા બે વિષયને મોટે ભાગે કોઈ અડતું નથી . આ બે વિષય સંબંધી જાણકારી આપણને હોવી જોઈએ . પ્રધાન અધ્યયન શું હતું આ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો ફક્ત એટલું જાણવા મળે છે કે પ્રભુએ પ્રધાન અધ્યયનની વિભાવના કરી હતી , એ વિભાવના ચાલુ હતી એ દરમિયાન જ પ્રભુનું મોક્ષગમન થયું એટલે પ્રધાન અધ્યયનનું વિષય નિરૂપણ પૂરું થયું નહીં . પ્રધાન અધ્યયનનો વિષય અધૂરો રહ્યો તેથી એ પ્રધાન અધ્યયન સંબંધી વિષયનું સંકલન કરતી રચના તત્કાલીન અતિશય જ્ઞાનીપુરુષોએ પણ કરી નહીં . આ કારણે પ્રધાન અધ્યયનમાં વિષય શું હતો ? એની જાણકારી આપણને મળતી નથી .
હવે પુણ્ય અને પાપના વિપાકની વાત કરીએ તો પુણ્ય શું ફળ આપે અને પાપ શું ફળ આપે એનું વિષયનિરૂપણ ભગવાને કર્યું છે એ સમજાય છે . પ્રશ્ન એ છે કે આ વિષય નિરૂપણ કરનારું કોઈ આગમસૂત્ર આજે ઉપલબ્ધ છે ખરું ? આ પ્રશ્નના બે જવાબ છે . પહેલો જવાબ એ છે કે જે રીતે ઉત્તરાધ્યયન સૂત્ર , પ્રભુએ અંતિમ દેશના ફરમાવી એના આધારે રચાયું એ રીતે પુણ્ય અને પાપનાં ફળનું નિરૂપણ કરનારું કોઈ શાસ્ત્ર અંતિમ દેશનાના આધારે રચાયું એવો ઉલ્લેખ મળતો નથી . પરંતુ પુણ્ય અને પાપનાં ફળનું નિરૂપણ કરનારું એક આગમસૂત્ર પહેલેથી જ રચાયેલું હતું એ જાણવા મળે છે . એ આગમસૂત્રનું નામ છે : વિપાકસૂત્ર . વિપાકસૂત્ર એ , દ્વાદશાંગી અંતર્ગત અગિયારમું અંગશાસ્ત્ર છે . વિપાકસૂત્રમાં જે વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે એ જ વિષય ઉપર ભગવાન્ અંતિમ દેશનામાં બોલ્યા છે .
અત્યારે જે વિપાકસૂત્ર ઉપલબ્ધ થાય છે એમાં પુણ્યના વિપાક સંબંધી ૧૦ અધ્યયન મળે છે . જ્યારે ભગવાને પુણ્યના વિભાગ સંબંધી ૫૫ અધ્યયનની વાત કરી હતી . અત્યારે જે વિપાકસૂત્ર મળે છે એમાં પાપનાં ફળ સંબંધી ૧૦ અધ્યયન મળે છે જ્યારે ભગવાને પાપનાં ફળ સંબંધી ૫૫ અધ્યયનની વાત કરી હતી . અંતિમ દેશના સ્વરૂપે ભગવાને પાપના વિપાકની વાત પછી કરી છે . વર્તમાન સમયમાં જે વિપાકસૂત્ર મળે છે . એમાં પાપના વિપાકની વાત પહેલાં છે . અંતિમ દેશના સ્વરૂપે ભગવાને પુણ્યના વિપાકની વાત પહેલાં કરી છે . અત્યારે જે વિપાકસૂત્ર ઉપલબ્ધ થાય છે એમાં પુણ્યના વિપાકની વાત પછી કરવામાં આવી છે . આટલો ફરક જોવા મળે છે . એક ફરક સંખ્યાનો છે . એક ફરક ક્રમનો છે . બાકી વિષયની દૃષ્ટિએ વાત કરીએ તો કોઈ જ ફરક નથી . પુણ્યના વિપાક શું હોય એની વિવિધ વાતો ભગવાને કરી હતી . પુણ્યનો વિપાક શું હોય એની વિવિધ વાતો વિપાકસૂત્રમાં મળે છે . પાપના વિપાક શું હોય એની વિવિધ વાતો ભગવાને કરી હતી . પાપના વિપાક શું હોય એની વિવિધ વાતો વિપાક સૂત્ર કરે છે . પરમાત્મા અંતિમ દેશના સ્વરૂપે વિપાકસૂત્ર જ બોલ્યા હતા એવું આપણે નથી કહી શકતા . કારણ કે વિપાકસૂત્રની રચના વૈશાખ સુદ અગિયારસે દ્વાદશાંગીની રચના થઈ એ વખતે થઈ ચૂકી હતી . વિપાકસૂત્રની રચના થઈ તેનાં ૩૦ વર્ષ પછી ભગવાનનું મોક્ષગમન થયું આથી ભગવાન્ વિપાકસૂત્ર ઉપર બોલ્યા એવું કહી શકાય એમ નથી . પરંતુ ભગવાન્ એ વિષય પર બોલ્યા જે વિષય વિપાકસૂત્રમાં મળે છે એવું તો જરૂર કહી શકાય . આ રીતે અંતિમ દેશના સાથે વિપાકસૂત્રનો સંબંધ બને છે . આથી ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રવણ જેમ અંતિમ દેશના રૂપે કરીએ છીએ તેમ વિપાકસૂત્રના વિષયનું સ્મરણ અંતિમ દેશનાનાં સ્મરણ સ્વરૂપે કરીએ તો થોડોક આત્મસંતોષ જરૂર મળે છે .
વિપાકસૂત્રના બે વિભાગ છે . બંને વિભાગમાં દસ દસ પ્રકરણ છે . પ્રથમ વિભાગને પ્રથમ શ્રુતસ્કંધ કહેવામાં આવે છે અને દસ પ્રકરણને દસ અધ્યયન કહેવામાં આવે છે . દ્વિતીય વિભાગને દ્વિતીય શ્રુતસ્કંધ કહેવામાં આવે છે અને દસ પ્રકરણને દસ અધ્યયન કહેવામાં આવે છે . આ રીતે વિપાક સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે અને વીશ અધ્યયન છે .
પ્રથમ શ્રુતસ્કંધમાં પાપનું ફળ કેવું ભયાનક હોય છે એનું વર્ણન કરનારી દસ કથા , દસ અધ્યયનમાં બતાવવામાં આવી છે . દરેક કથામાં એક શહેર છે . ત્યાં કથાનાં મુખ્ય પાત્રને ગૌતમ સ્વામીજી જુએ છે . એનાં જીવનમાં ચાલી રહેલી પીડા જોઈને ગૌતમ સ્વામીજી આશ્ચર્ય અનુભવે છે . ગૌતમ સ્વામીજી પ્રભુ મહાવીર સમક્ષ પ્રશ્ન કરે છે કે એનાં જીવનમાં આવી પીડા શું કામ આવી ? એના જવાબમાં ભગવાન્ ત્રણ વાત કરે છે : એણે પૂર્વમાં શું પાપ કર્યાં હતાં , એ વર્તમાન ભવમાં કેવું કેવું દુઃખ ભોગવી રહ્યો છે અને ભવિષ્યમાં એ કેવું કેવું દુઃખ ભોગવશે ? સમગ્ર કથા કહી દીધા બાદ પ્રભુ એ પણ જણાવે છે કે એ મોક્ષમાં ક્યારે જશે . દસ પાત્ર છે , દસ કથા છે , દસ પાત્ર આગામી ભવોમાં ઘણાબધા દુઃખ ભોગવીને છેલ્લે મોક્ષમાં જશે એવું કથન છે .
પ્રથમ અધ્યયનમાં મૃગાપુત્રની કથા છે . આ કથા ભગવાને મૃગાગ્રામમાં સંભળાવી હતી . દ્વિતીય અધ્યયનમાં ઉજ્ઝિતકની કથા છે . આ કથા ભગવાને વાણિજ્ય ગ્રામમાં સંભળાવી હતી . તૃતીય અધ્યયનમાં અભગ્નસેનની કથા છે . આ કથા ભગવાને પુરિમતાલમાં સંભળાવી હતી . ચતુર્થ અધ્યયનમાં શકટની કથા છે . આ કથા ભગવાને સાહંજની નગરીમાં સંભળાવી હતી . પંચમ અધ્યયનમાં બૃહસ્પતિ દત્તની કથા છે . આ કથા ભગવાને કૌશાંબીમાં સંભળાવી હતી . છઠ્ઠા અધ્યયનમાં નંદિવર્ધનની કથા છે . આ કથા ભગવાને મથુરામાં સંભળાવી હતી . સાતમા અધ્યયનમાં ઉંબરદત્તની કથા છે . આ કથા ભગવાને પાટલિખંડ શહેરમાં સંભળાવી હતી . આઠમા અધ્યયનમાં શૌરિક દત્તની કથા છે . આ કથા ભગવાને નંદિપુર શહેરમાં સંભળાવી હતી . નવમા અધ્યયનમાં દેવદત્તાની કથા છે . આ કથા ભગવાને રોહીતક શહેરમાં સંભળાવી હતી . દશમા અધ્યયનમાં બાલિકા અંજૂની કથા છે . આ કથા ભગવાને વર્ધમાનપુરમાં સંભળાવી હતી .
દ્વિતીય શ્રુતસ્કંધમાં પુણ્યનું ફળ કેવું ઉત્કૃષ્ટ હોય છે એનું વર્ણન કરનારી દસ કથા , દસ અધ્યયનમાં બતાવવામાં આવી છે . દશ કથાનાં દશ પાત્ર છે . દરેક પાત્ર પ્રભુની સમક્ષ સમવસરણમાં ઉપસ્થિત થાય છે . પ્રભુની દેશના સાંભળે છે . બાર વ્રતનો સ્વીકાર કરે છે . એમને જોઈને ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે આ આટલા સુખી કેવી રીતે ? આમનું ભવિષ્ય શું છે ? જવાબમાં ભગવાન જણાવે છે કે એમણે પૂર્વમાં શું પુણ્ય કર્યું છે ? એ વર્તમાનમાં કેવી કેવી રીતે સુખી છે ? અને શી રીતે ધર્માત્મા બન્યા છે ? એ ભવિષ્યમાં કેટલાં સુખ પામશે ? અને ક્યારે મોક્ષમાં જશે ? દશ પાત્ર છે , દશ કથા છે અને દરેક કથાનું એક શહેર છે .
પ્રથમ અધ્યયનમાં સુબાહુની કથા છે . આ કથા ભગવાને હસ્તીશીર્ષ શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . દ્વિતીય અધ્યયનમાં ભદ્રનંદીની કથા છે . આ કથા ભગવાને ઋષભપુર શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . તૃતીય અધ્યયનમાં સુજાતકુમારની કથા છે . આ કથા ભગવાને વીરપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . ચતુર્થ અધ્યયનમાં સુવાસવની કથા છે . આ કથા ભગવાને વિજયપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . પંચમ અધ્યયનમાં જિનદાસની કથા છે . આ કથા ભગવાને સૌગંધિકા નગરીમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . છઠ્ઠા અધ્યયનમાં ધનપતિની કથા છે . આ કથા ભગવાને કનકપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . સાતમા અધ્યયનમાં મહાબલની કથા છે . આ કથા ભગવાને મહાપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . આઠમા અધ્યયનમાં ભદ્રનંદીની કથા છે . આ કથા ભગવાને સુઘોષનગરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . નવમા અધ્યયનમાં મહાચંદ્રની કથા છે . આ કથા ભગવાને ચંપાનગરીમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . દશમા અધ્યયનમાં વરદત્તની કથા છે . આ કથા ભગવાને સાકેત શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે .
કોઈ આ ભવમાં દુઃખી છે તો એનો અર્થ એ છે એણે ભૂતકાળમાં પાપ ઘણાં કર્યાં છે . કોઈ આ ભવમાં સુખી છે એનો અર્થ એ છે એણે ભૂતકાળમાં પુણ્ય ઘણાં કર્યાં છે . તમે આ ભવમાં પાપ ઘણાં કરશો તો ભવિષ્યમાં તમને ઘણું દુઃખ મળશે . તમે આ ભવમાં પુણ્ય ઘણાં કરશો તો ભવિષ્યમાં તમને ઉત્તમ અવસ્થા મળશે . પુણ્ય દ્વારા સુખ મળે છે , પુણ્ય દ્વારા દુઃખનું આગમન અટકે છે , પુણ્ય દ્વારા ધર્મ કરવાની લાગણી જાગે છે , પુણ્ય દ્વારા વ્રતનિયમ લેવાની ભાવના થાય છે , પુણ્ય દ્વારા વ્રતનિયમનો સ્વીકાર થાય છે , પુણ્ય દ્વારા વ્રતનિયમનું પાલન થાય છે , પુણ્ય દ્વારા મોક્ષમાર્ગ આસાન બને છે . વિપાક સૂત્રનો આ સારાંશ છે .
જે કારેલાં વાવે છે એને કેરી નથી મળતી : જે બાવળ વાવે છે એને ગુલાબ નથી મળતાં .
દુઃખ આપવું ના જોઈએ . સાધક કડક રીતે આ નિયમ પાળે છે . સામાન્ય સંસારી માટે આ નિયમ પાળવાનું અઘરું છે . એ અમુક અંશે આ નિયમનું પાલન કરી શકતો હશે પરંતુ સાધક આ નિયમનું પાલન કરે છે ત્યારે એનાં પાલનની વ્યાપકતા ઘણી મોટી હોય છે . આપણે બીજાને દુઃખ આપીએ ત્યારે શું શું બનતું હોય છે ? ક્યારે પણ વિચાર્યું છે ? વિચારજો .
આપણે બીજાને દુઃખ આપીશું એ વખતે કર્મસત્તા આપણાં વર્તનને જોતી હશે . કર્મસત્તાનો નિયમ છે કે જે બીજાને દુઃખ આપે છે એને ભવિષ્યમાં બીજા લોકોના હાથે દુઃખ મળે છે . જે બીજાને અત્યારે હેરાન કરે છે તેને ભવિષ્યમાં બીજા કોઈ હેરાન કરે છે . જે અત્યારે બીજાને તકલીફમાં મૂકે છે એને ભવિષ્યમાં બીજા કોઈ લોકો તકલીફમાં મૂકે છે . કર્મસત્તાનો નિયમ નિશ્ચિત છે . તમે જે વખતે બીજાને દુઃખ આપો છો એ વખતે એ તમને દુઃખ આપશે એવું ના પણ બને . તમે આપેલું દુઃખ એ ચૂપચાપ સહન કરી લે છે . પ્રતિકાર નથી કરતો , વિરોધ નથી કરતો , ફરિયાદ નથી કરતો . એની લાચારી એવી છે કે તમારો પ્રતિકાર કરવા માટે એ તત્કાળ તૈયાર હોતો નથી . તમે એને દુઃખ આપ્યું એના જવાબમાં એણે તમને દુઃખ ના આપ્યું. આવું બન્યું એટલે તમને એવું લાગ્યું કે દુઃખ આપવાથી દુઃખ મળે છે એવું નથી. તમે એને બીજી વાર દુઃખ આપ્યું . તમે બીજા લોકોને પણ વારંવાર દુઃખ આપ્યું . એવું બનતું રહ્યું . દુઃખ આપવાથી દુઃખ મળે છે એવું સાંભળ્યું છે . પરંતુ દુઃખ આપવાથી તરત દુઃખ મળ્યું નહીં એવું ક્યારેક બન્યું . એમાંથી ભ્રમણા બની કે દુઃખ આપવામાં કોઈ હરકત નથી .
પણ આપણે નાનપણથી જ એક સારો સંસ્કાર લઈને આવ્યા છીએ કે તમે બીજાને દુઃખ આપશો તો ભવિષ્યમાં બીજા તમને દુઃખ આપશે . આ સંસ્કાર એકદમ સાચો છે . તમે જુઓ . અમુક લોકોએ વર્તમાન જીવનમાં બીજા લોકોને કોઈ તકલીફ આપી નથી પણ એ પોતે ઘણી તકલીફ ભોગવી રહ્યા છે . આજના સમયમાં જેણે બીજાને તકલીફ આપી નથી એને ખુદને તકલીફો વેઠવી પડે છે . એવું શું કામ બને છે ? કુદરતના ચક્કરને કારણે એવું બને છે . વર્તમાનમાં જેણે કોઈને તકલીફ આપી નથી એણે ભૂતકાળમાં કોઈને તકલીફ જરૂર આપી હશે . એણે જ્યારે જેને જે તકલીફ આપી તે એના ખાતામાં જમા જ રહી . હવે આ જનમમાં એ જૂની તકલીફનો હિસાબ એને ચૂકવવો પડે છે . સીધી વાત છે . જે કારેલા વાવે છે એને કેરી નથી મળતી . જે બાવળ વાવે છે એને ગુલાબ નથી મળતાં . કોઈનાં ખેતરમાં કારેલા જુઓ તો સમજી લેજો કે એણે કેરી વાવી જ નથી . કોઈના બગીચામાં બાવળ જુઓ તો સમજી લેજો કે એણે ગુલાબ વાવ્યાં જ નથી . કેરી ના વાવે એને કેરી ના મળે . ગુલાબ ના વાવે એને ગુલાબ ના મળે . બાવળ વાવે એને બાવળ જ મળે . કારેલા વાવે એને કારેલા જ મળે . જેણે ભૂતકાળમાં બીજાને તકલીફ ના આપી હોય એને વર્તમાનમાં તકલીફ આવતી નથી .
જે વર્તમાનમાં કોઈને તકલીફ આપતો નથી એને ભવિષ્યમાં કોઈ તકલીફ આવશે નહીં . જે આજે કોઈનાં દિલને ઠેસ પહોંચાડશે એનાં દિલને ભવિષ્યમાં કોઈના દ્વારા ઠેસ પહોંચશે . જે આજે કોઈની સાથે જૂઠું બોલશે એને ભવિષ્યમાં એવું કોઈ મળશે જે જૂઠું બોલીને ખુદ એને જ ફસાવશે . જે આજે કોઈના ત્યાંથી ચોરી કરી કરશે એના ત્યાંથી ભવિષ્યમાં કોઈ ચોરી કરી જશે . કર્મનો ચોપડો બધો જ હિસાબ રાખે છે . આજે તમે કોઈની પર ક્રોધ કરશો તો કાલે તમારા પર કોઈ ક્રોધ કરશે . આજે તમે કોઈની સાથે છળકપટ કરશો તો કાલે કોઈ તમારી સાથે છળકપટ કરશે . તમે આજે કોઈને ડરાવશો તો તમને આવતીકાલે કોઈ જરૂરથી ડરાવશે . તમે આજે કોઈની સાથે કંઈ ખોટું કરશો તો કાલે તમારી સાથે કોઈ કંઈ ખોટું કરી જશે . દુઃખ કોઈને ગમતું નથી . દુઃખ તમને પણ ગમતું નથી . જે બીજાને દુઃખ નથી આપતો એને બીજાના તરફથી દુઃખ મળતું નથી . જે બીજાને દુઃખ આપે છે એને બીજાના તરફથી દુઃખ મળે છે . સાધક કોઈને દુઃખ આપવું નથી એવો નિર્ણય કરે છે ત્યારે અને એ નિર્ણયનો અમલ કરે છે ત્યારે એનું ભવિષ્ય નિશ્ચિત થઈ જાય છે . એને ભવિષ્યમાં કોઈ દુઃખ આપશે નહીં .
જોકે , મને ભવિષ્યમાં દુઃખ આવશે એનાથી હું ડરું અને ડરથી હું ભયભીત રહું એવી કમજોર માનસિકતા સાધકની હોતી નથી . સાધક ભવિષ્યનાં દુઃખથી ડરીને જીવતો હોય છે એવું હોતું જ નથી . સાધકને કોઈ દુઃખ ડરાવી શકતું નથી . સાધક દુઃખનો સામનો મજબૂત રીતે કરી શકે છે . પરંતુ દુઃખનો આ નિયમ સાધકને યાદ છે : દુઃખ આપીએ નહીં તો દુઃખ મળે નહીં . સાધક આ નિયમનું સન્માન કરે છે .
બીજાને દુઃખ આપીએ ત્યારે બીજી પણ એક ઘટના બને છે તમે જેને દુઃખ આપો છો એ પીડાનો અનુભવ કરે છે અથવા દ્વેષનો અનુભવ કરે છે . તમે જેને દુઃખ આપ્યું એ જો પીડા અનુભવે છે તો એ આર્તધ્યાનમાં ફસાયો છે . તમે જેને દુઃખ આપ્યું એ જો દ્વેષ અનુભવે છે તો તે રૌદ્રધ્યાનમાં ફસાયો છે . આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ દુર્ગતિમાં લઈ જનારા દુર્ધ્યાન છે . તમારાં કારણે કોઈ દુર્ધ્યાન કરશે એનો અર્થ એ છે કે તમારાં કારણે કોઈ દુર્ગતિમાં જશે . સાધક તરીકે તમને આ કેવી રીતે ગમશે ? સાધક બીજાને આર્તધ્યાનમાં ફસાવે કે એનાથી મુક્ત કરે ? સાધક બીજાને રૌદ્રધ્યાનમાં ફસાવે કે એનાથી મુક્ત કરે ? સાધક દુઃખ આપવા દ્વારા કોઈને આર્તધ્યાનમાં કે રૌદ્રધ્યાનમાં ફસાવતો નથી . આ અર્થમાં સાધક કોઈને દુઃખ આપવાનો પસંદ કરતો નથી . સાધક પોતે દુર્ગતિમાં જાય નહીં અને સાધક પોતાનાં કારણે કોઈ દુર્ગતિમાં જાય એવું થવા ન દે .
તમે બીજાને દુઃખ આપો છો ત્યારે હજી પણ એક ઘટના બને છે . સહાનુભૂતિ એક અદ્ ભુત સંવેદના છે . અન્ય વ્યક્તિને કોઈના હાથે કોઈ દુઃખ ના થવું જોઈએ એવી લાગણી એટલે સહાનુભૂતિ . કોઈ દુઃખી હોય તે આપણે જોઈ ના શકીએ એ સહાનુભૂતિ . કોઈ દુઃખી થયું તે આપણે સહન ના કરી શકીએ એ સહાનુભૂતિ . કોઈ દુઃખમાં હોય તો એનાં દુઃખ મટે એવી લાગણી મનમાં જાગે છે એ સહાનુભૂતિ . સહાનુભૂતિ કરુણાની ભાવનામાંથી આવે છે . બીજાને દુઃખ આપીએ ત્યારે એ માણસ માટે આપણાં મનમાં સહાનુભૂતિ હોતી નથી . જે ક્ષણે હૃદયમાં સહાનુભૂતિ ન હોય એ ક્ષણે જીવનમાં સાધના ન હોય . જેટલા સમય સુધી હૃદય સહાનુભૂતિથી વંચિત રહે એટલા વખત માટે જીવન સાધનાથી વંચિત રહી જાય . તમે દુઃખ આપ્યું એનો અર્થ એ થયો કે તમે સહાનુભૂતિની સંવેદના ગુમાવી દીધી . સૌ કોઈની માટે હૃદયમાં સહાનુભૂતિ રાખે એ જ સાધક હોઈ શકે , કોઈની પણ માટે સાધક ઓછી સહાનુભૂતિ રાખે એવું બની શકતું નથી . જે સહાનુભૂતિ રાખશે એ દુઃખ નહીં આપી શકે અને જે દુઃખ આપશે એનાં હૃદયમાં સહાનુભૂતિ જીવંત નહીં રહી શકે .
સાધક કોઈને દુઃખ આપતો નથી એ વખતે એને ત્રણ વાત યાદ હોય છે . એક , આજે આપણે કોઈને દુઃખ આપશું તો કાલે આપણને કોઈ દુઃખ આપશે . બે , આપણે જેને દુઃખ આપીએ છીએ એનાં મનમાં દુર્ધ્યાન ઊભું થાય છે અને એ દુર્ધ્યાનનું પાપ આપણને લાગે છે . ત્રણ , આપણે બીજાને દુઃખ આપીએ છીએ ત્યારે આપણાં હૃદયની કરુણા કમજોર પડી જાય છે .
સાધનાનો આ નિયમ બહુ અગત્યનો છે : બીજાને દુઃખ નહીં આપવાનું . આ નિયમનું સ્તર ઘણું જ વ્યાપક છે . તમે જેટલા અંશે આ નિયમ પાળો છો એટલા અંશે તમારી સાધના શક્તિશાળી બને છે .
મહત્ત્વાકાંક્ષા કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર લાવે છે : સાધના સુખશીલતામાંથી બહાર લાવે છે
સુખનો ત્યાગ કરવાની ક્ષમતા દરેકમાં હોય છે . તબિયત ખરાબ થાય ત્યારે કોઈપણ માણસ સુખનો ત્યાગ કરી જ લે છે . માથે મોટી જવાબદારી આવે ત્યારે પણ લોકો સુખનો ત્યાગ કરીને મહેનતનો મારગ અપનાવી લેતા હોય છે . સુખનો ત્યાગ અઘરો નથી . સુખ કરતાં વધારે મહત્વનું બીજું કંઈક છે એ સમજાઈ જાય એટલે સુખ છૂટવા લાગે છે . સુખ બે પ્રકારનાં છે . એક , એવું સુખ જેને આપણે આરામથી છોડી શકીએ . બે , એવું સુખ જેને છોડવું અઘરું પડે છે . આપણે મીઠાઈ છોડીએ એમાં મીઠાઈ એવું સુખ છે જે છોડવામાં સહેલું છે . પણ આપણે આરામ કરવાનું છોડી દઈએ એમાં આરામ એવું સુખ છે જે છોડવામાં અઘરું છે . તમે આરામ કરવાનું ન છોડી શકો એવી પરિસ્થિતિમાં પણ મીઠાઈને તો છોડી જ શકો છો . તમારે આરામ પણ છોડવો નથી અને મીઠાઈ પણ છોડવી નથી તો તમે સુખનો ત્યાગ નહીં કરી શકવાના . જેનામાં સુખનો ત્યાગ કરવાની હેસિયત નથી એ ક્યારેય મોટાં કામ કરી શકતો નથી .
આજકાલ એક શબ્દ બહુ પ્રચલિત થયો છે કમ્ફર્ટ ઝૉન . તમને એવું લાગતું હતું કે તમારી પાસે જે સુખ છે એ સુખ જાળવીને પણ મોટાં કામ થઈ શકે છે એટલે તમે સુખને વધારે મહત્ત્વ આપતા રહ્યા અને મોટાં કામને ઓછું મહત્ત્વ આપતા રહ્યા . તમને એમ લાગ્યું કે મોટાં કામને વધારે સમય આપવાને બદલે ઓછો સમય આપો . તમે એવું માનતા રહ્યા કે સુખને સમય ન આપીએ એવું કેમ ચાલે ? સુખને તો સમય આપવો જ પડે . પછી તમે સુખને સમય આપવાનાં ચક્કરમાં મોટાં કામને સમય આપવાનું ઓછું કરી દીધું . તમે મોટાં કામ ભૂલી જાઓ અને સુખમાં મગન રહો એ પરિસ્થિતિ પહેલી નજરે સારી લાગે છે પરંતુ લાંબા ગાળે આ પરિસ્થિતિ નુકસાનકારક પુરવાર થાય છે .
તમારી પાસે બાર કલાક હતા . એમાંથી તમે મોટાં કામને અગિયાર કલાક આપી શકતા હતા અને એક કલાક સુખને આપી શકતા હતા . એક કલાકમાં સુખની ભૂખતરસ પરિપૂર્ણ થઈ જતી હતી અને અગિયાર કલાકમાં તમે મોટાં કામ માટે મહેનત કરી શકતા હતા પરંતુ તમે સુખને પૂરા છ કલાક કે આઠ કલાક આપતા રહ્યા . આને લીધે મોટાં કામને તમે બાર કલાક આપી શકતા હતા એના બદલે મોટાં કામને છ કલાક કે ચાર કલાક જ આપી શક્યા . આ ભૂલ હતી . તમને આ ભૂલ સમજાઈ નહીં . તમારું ફોકસ સુખ ઉપર હતું . તમે તમારાં સુખને લીધે તમારાં મોટાં કામને ભૂલી જાઓ એવી પરિસ્થિતિને કમ્ફર્ટ ઝૉન મૅન્ટાલિટી કહેવામાં આવે છે . તમને મોટાં કામ પર ભરોસો નથી પરંતુ સુખ પર ભરોસો છે . તમારે મોટાં કામને સમય નથી આપવો કેમ કે એમાં મહેનત કરવી પડે છે . તમને સુખ માટે ભરોસો છે કેમ કે સુખમાં કોઈ મહેનત નથી એટલે સુખમાં કોઈ તકલીફ નથી . આ માનસિકતાનો સવાલ છે . તમે કોઈ મહત્ત્વાકાંક્ષા રાખો છો ત્યારે સુખ સાથે બાંધછોડ કરો છો . તમે સુખ સાથે બાંધછોડ કરો એની માટે એમ કહેવાય છે કે તમે કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર આવ્યા .
જો સાધારણ મહત્ત્વાકાંક્ષા પણ સુખને છોડાવી શકતી હોય તો આત્મશુદ્ધિની આકાંક્ષા સુખને છોડાવી શકે એમાં કોઈ આશ્ચર્ય નથી . ફરક એટલો છે કે મહત્ત્વાકાંક્ષા થોડાક સુખ છોડાવે છે , થોડાક સમય માટે સુખ છોડાવે છે . આત્મશુદ્ધિની આકાંક્ષા ઘણાં સુખ છોડાવે છે અને લાંબા સમય માટે છોડાવે છે .
સાધનામાં સુખનો ત્યાગ કરીએ એનું મહત્ત્વ ઘણું વધારે છે. તમે ખાવામાં ૨૦૦ આઇટમની જગ્યાએ ૨૦ આઈટમ લો છો . તમે મોંઘા કપડાંને બદલે સાદાં કપડાં પહેરો છો . તમે કપડાં તો પહેરો છો પણ દાગીના નથી પહેરતા . તમે ચાંદીની થાળીમાં જમવાને બદલે સાધારણ થાળીમાં જમો છો . તમે છ વિગઈને બદલે પાંચ વિગઈ કે ચાર વિગઈથી કામ ચલાવો છો . તમે એકાસણું કરવાને બદલે આંબેલ કરો છો . તમે પગમાં ચંપલ પહેરવાને બદલે ખુલ્લા પગે ચાલો છો . તમે જાહેરમાં માનસન્માન લેવાને બદલે ગુપ્તતા રાખવાનું પસંદ કરો છો . તમે ચોખ્ખાચણક કપડાંને પહેરવાને બદલે થોડા લઘરવઘર રહી શકો છો . તમે લોકોથી ઘેરાયેલા રહેવાને બદલે ટોળાથી દૂર રહેવાની તાકાત બનાવી શકો છો . તમે કોઈની સેવા લેવાનું ટાળો છો પરંતુ સેવા કરવાનું ચૂકતા નથી . તમને માથાના વાળ ઓળવાનું યાદ આવતું નથી . તમને મોટા માણસ બનવાનો શોખ નથી અને સારા માણસ બનવાનું લક્ષ હાંસિલ કરીને તમે સંતુષ્ટ છો . સાધનામાં તમે સુખથી દૂર ભાગો છે . સાધનામાં તમે મહત્ત્વાકાંક્ષાની જેમ દશ કલાકની મહેનત અને બે કલાકનું સુખ એવું કૅલ્ક્યુલેશન નથી રાખતા . સાધનામાં બાર કલાક સુખથી દૂર રહેવાનું સમીકરણ સ્પષ્ટ હોય છે . બાકીના બાર કલાક દરમિયાન મહત્ત્વાકાંક્ષા આરામ કરવામાં માને છે પરંતુ બાકીના બાર કલાકમાં સાધના સાધના જ રહે છે . મહત્ત્વાકાંક્ષાની પછી જે આવે છે તે સુખશીલતા હોય છે . સાધનામાં પહેલાં અને પછી એવો કશો ફરક નથી . સાધનાની પહેલાં પણ સાધના હોય છે અને સાધનાની પછી પણ સાધના હોય છે અને સાધનાના સમયમાં પણ સાધના હોય છે . હું સુખ વગર ખુશ રહી શકું છું આવો આત્મવિશ્વાસ સાધના થકી મળે છે .
તમે સુખ છોડવાની કાબેલિયત મેળવી લીધી એટલે તમારી કામ કરવાની શક્તિ હજારો ઘણી વધી ગઈ છે એમ સમજી લેજો . તમે સુખ શેની માટે છોડ્યું છે તે તમારે સમજવાનું છે . તમે આગામી સમયમાં મળનારા સુખ માટે વર્તમાન સમયનું સુખ છોડો એમાં સાધના જેવું કશું બનતું નથી . તમે કોઈ પણ સુખ વિના પ્રસન્ન રહી શકો છો એવી ભૂમિકા આગામી સમયમાં બનવાની છે . તેની માટે તમે વર્તમાન સમયમાં સુખથી દૂર રહો છો એમાં સાધના બને છે .
સાધનાના ત્રણ નિયમ છે . નિયમ એ નિયમ હોય છે . નિયમમાં બાંધછોડ હોતી નથી . નિયમમાં ઢીલાશ રખાતી નથી . નિયમ કડક હોય છે . નિયમનું પાલન કરવું પડે છે એટલે કરવું જ પડે છે . આ ત્રણ નિયમ દરેક સાધક પાળે છે . આ ત્રણ નિયમ જે પાળતા નથી એ સાધના કરી શકતા નથી . અરિહંતો અરિહંત બને છે તે પહેલાં આ ત્રણ નિયમો અવશ્ય પાળે છે . સિદ્ધ ભગવંતો સિદ્ધ બને એ પહેલાં આ ત્રણ નિયમોનું પાલન અનિવાર્ય રૂપે કરે છે . આચાર્ય , ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી પદ પર બિરાજમાન છે તે પણ આ નિયમોનું પાલન અવિરત કરતા હોય છે . જે જે પૂજનીય તત્ત્વ છે , વંદનીય તત્ત્વ છે , આરાધ્ય તત્ત્વ છે એનામાં પૂજનીયતા , વંદનીયતા અને આરાધ્યતા આવી એનું કારણ આ ત્રણ નિયમો છે . ત્રણ નિયમ કઠણ છે , સરળ નથી . નિયમનું પાલન પૂરેપૂરું કરીએ એવું પણ બની શકે છે . નિયમનું પાલન થોડા અંશે કરીએ એવું પણ બની શકે છે . નિયમનું પાલન ન કરતાં હોઈએ તો મનમાં પસ્તાવો રહેવો જોઈએ . નિયમનું પાલન ઢીલું ઢીલું થતું હોય તો મનમાં એનો રંજ રહેવો જોઈએ . ત્રણ નિયમો સાથે જીવન જોડાય તો સર્વોત્તમ . બાકી ત્રણ નિયમો સાથે મનનો સાચો પ્રેમ જોડાય એ પણ અગત્યનું જ છે .
તમારે વિશ્વનાં કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો ચોક્કસ નિયમો પાળવા જ પડે છે . તમે નિયમની મર્યાદામાં રહેશો નહીં તો શક્તિશાળી બની જ નહીં શકો . તમારે જો જીવનમાં સુખી બનવું હોય તો બે કામ કરી શકાય . યા તો શક્તિશાળી બનો યા તો , શક્તિશાળી સાથે જોડાઈ જાઓ . તમે શક્તિશાળી પણ નથી અને શક્તિશાળી સાથે જોડાયા પણ નથી તો તમે જીવનમાં ક્યારેય સુખી નહીં થઈ શકવાના . સાધનાનાં ક્ષેત્રમાં આત્મા શક્તિશાળી બને એ માટે આ ત્રણ નિયમોનું પાલન અગત્યનું છે . પહેલી ભૂમિકા એ બને કે તમે સ્વયં આ નિયમોનું ઉત્તમ રીતે પાલન કરો . બીજી ભૂમિકા એ બને કે જે આ નિયમોનું ઉત્તમ રીતે પાલન કરે છે એમની સાથે તમે જોડાયેલા રહો . સાધનામાં આ બે સિવાયનું ત્રીજું કોઈ ઓપ્શન તમને મળવાનું નથી .
ત્રણ નિયમ આ મુજબ છે : એક , તમે સુખ છોડી શકો છો અને સુખ છોડીને પણ રાજી રહી શકો છો . બે , તમે દુઃખ સહન કરી શકો છો અને દુઃખ સહન કરતી વખતે પણ રાજી રહી શકો છો . ત્રણ , તમે બીજાને દુઃખ આપતાં નથી અને ભૂલેચૂકે પણ તમારા થકી બીજાને દુઃખ પહોંચી ગયું તો તમે એનો પારાવાર પસ્તાવો અનુભવો છો . વાંચવામાં કે સાંભળવામાં આ નિયમો બહુ સરળ લાગે છે પરંતુ આ નિયમો સહેજ પણ સરળ નથી . આ નિયમ લેતી વખતે પણ ઘણી પરીક્ષા થાય છે . આ નિયમ પાળવામાં પણ ઘણી પરીક્ષા થાય છે અને આ નિયમમાં ટકી રહેવામાં પણ ઘણી પરીક્ષાઓ થાય છે .
તમારી પાસે સુખ હોય અને તમે એ સુખનો આનંદ ન લો એવું સામાન્ય રીતે બને નહીં . પરંતુ તમે જ્યારે કોઈ સુખમાં મગન બનો છો ત્યારે તમે તમારા હાથે થઈ શકે એવા કોઈ એક કામને તમે લટકતું મૂકી દો છો . તમે સુખમાં ડૂબો છો ત્યારે પેલું કામ ટલ્લે ચડી જાય છે . તમે સાધક નથી તો તમને આ પરિસ્થિતિ વાંધાજનક લાગશે નહીં પરંતુ તમે સાધક હશો તો તમને આ પરિસ્થિતિમાં ગરબડ જણાશે . સાધક ખાવાનું સુખ માણતો હોય છે ત્યારે એની સાધના ખોરંભે ચડી જાય છે . સાધક સુગંધના તરબતર આનંદમાં પ્રસન્ન બનતો હોય ત્યારે હોય એની વિરાગ દશા અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે . સાધક કોઈ સુંદરતાને નિહાળવામાં એકરૂપ થઈ જાય ત્યારે એની સાધક દશાને ધક્કો લાગતો હોય છે . સાધક સુંદર કપડાં , સુંવાળી પથારી કે અનુકૂળ સ્પર્શને માણવા લાગે છે ત્યારે એની સાધના વિચલિત થવા માંડે છે . સ્પર્શ , સ્વાદ , સુગંધ , સુંદરતા અને સ્વર – આ પાંચ ઇન્દ્રિય સંબંધી સુખોથી સાધક દૂર રહેતો હોય છે .
સાધકને સાધનાની ક્ષણોમાં જે આત્મશુદ્ધિ થાય છે તે જ અગત્યની લાગતી હોય છે . આત્મશુદ્ધિ વધતી જાય એની પર સાધકનું પૂરેપૂરું ફોકસ બનેલું હોય છે . સહજ રીતે આવી પડેલી અનુકૂળતામાં સાધક ભૌતિક આનંદનો અનુભવ રચતો નથી . થોડી અઘરી વાત છે . પણ સમજવા જેવી છે . તમે જ્યારે આ પાંચમાંથી કોઈ પણ એક સુખ આનંદ લો છો ત્યારે એનાથી આત્માને કશો ફાયદો થતો નથી . તમે જ્યારે આ પાંચમાંથી કોઈ એક સુખનો આનંદ લો છો ત્યારે આત્માનું વિસ્મરણ થાય એવું બનતું હોય છે . તમે જ્યારે આ પાંચમાંથી કોઈ એક સુખનો આનંદ લો છો ત્યારે એ સુખની સંવેદના આત્મશુદ્ધિને નુકસાન કરે એવું બની શકે છે . આત્માનો સ્વભાવ એવો છે કે આ પાંચ વગર પણ આત્મા પ્રસન્ન રહી શકે છે . પરંતુ સામાન્ય આદમીએ એવું માની લીધું છે કે જો સુખ મળે છે તો આ પાંચ દ્વારા જ મળે છે અને આ પાંચ હોય નહીં તો સુખ મળે નહીં . આ માન્યતા આત્મા માટે નુકસાનકારી છે . આ માન્યતા મજબૂત થાય એવું દરેક વર્તન આત્મા માટે નુકસાનકારી છે .
આત્મા સાથે ચાર પરિસ્થિતિઓ બનતી હોય છે . એક , આત્માને લાભ થાય છે . બે , આત્માને લાભ નથી થતો . ત્રણ , આત્માને નુકસાન થાય છે . ચાર , આત્માને નુકસાન નથી થતું . ક્યારે પણ કંઈ પણ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સાધક આ ચાર પરિસ્થિતિઓમાંથી કંઈ પરિસ્થિતિ બનશે અને કંઈ પરિસ્થિતિ નહીં બનશે એનું સંતુલન રાખે છે . એક , જેનાથી આત્માને લાભ થતો ન હોય એની સાથે જોડાવામાં સાધકને રસ પડતો નથી . બે , જેનાથી આત્માને નુકસાન થતું હોય એની સાથે જોડાવા માટે સાધક તૈયાર હોતો નથી . ત્રણ , જેનાથી આત્માને નુકસાન નથી એની સાથે જોડાવામાં સાધકને સંકોચ થતો નથી . ચાર , જેનાથી આત્માને ઘણો લાભ થતો હોય એનાથી સાધક દૂર રહેતો નથી .
પાંચ ઈન્દ્રિયોથી મળનારો આનંદ ઘણીબધી સાધનસામગ્રીની અપેક્ષા રાખે છે . વળી તે સાધનસામગ્રી માટે ઘણાબધા પૈસા આદિની વ્યવસ્થા બનાવવી પડે છે . ઈન્દ્રિયને પ્રિય લાગે એવી સાધનસામગ્રીનું સંગ્રહણ વિશેષ રીતે કરવું પડે છે , સાધન સામગ્રી માટે પૈસા આદિનું સંગ્રહણ પણ કરવું પડે છે . આ દરેક સંગ્રહણ માટે જે જે પુરુષાર્થ કરવાનો થાય છે એ પુરુષાર્થ આત્મા માટે લાભકારી હોતો નથી .
સુખ ત્રણ રીતે આત્માને નુકસાન કરતું હોય છે . એક , ઈન્દ્રિયનું સુખ પણ આત્માને નુકસાન જ કરે છે . બે , ઈન્દ્રિયનું સુખ આપનાર સાધન સામગ્રીનું સંગ્રહણ પણ આત્માને નુકસાન જ કરે છે . ત્રણ , એ સાધનસામગ્રી માટે જે ધન ઉપાર્જન આદિ કરવું પડે તેનાથી પણ આત્માને નુકસાન જ થાય છે . સાધક સુખથી દૂર રહેવાનો સંકલ્પ કરે છે એને લીધે તે આ ત્રણ નુકસાનથી બચી જાય છે . સાધનામાં આત્માને નુકસાન ન થાય એ સૌથી વધારે અગત્યનું હોય છે કારણ કે નુકસાન થવાનું બંધ થાય તે પછી લાભ એની મેળે થવા લાગે છે .
સુખને સ્વ ઈચ્છાથી છોડવું તે સાધના છે . જે સુખને છોડ્યું તેને યાદ ન કરવું તે સાધના છે . સુખ વિના પણ પ્રસન્ન રહેવું તે સાધના છે . સુખની સામગ્રી હશે તો જ હું પ્રસન્ન રહી શકીશ એમ વિચારવું એ એક ભ્રમણા છે . સુખસંબંધી ભ્રમણાથી મુક્ત રહેવું એ સાધના છે . સુખની દાદાગીરી ખતમ થઈ જાય તે પછી જ સાધના શરૂ થાય છે .
સુખનો ત્યાગ એ પહેલો નિયમ છે . બીજો અને ત્રીજો નિયમ શું છે એની વાત હજી બાકી છે .
ટીપે ટીપે સરોવર ભરાય છે એમાં દરેક ટીપું ગુલાબજળનું હોવું જોઈએ , ગટરનાં પાણીનું ના હોવું જોઈએ .
ટીપે ટીપે સરોવર ભરાય આ કહેવત બહુ જાણીતી છે . હમણાં એક ટીપું પડશે , થોડી વાર પછી બીજું ટીપુ પડશે એમ સતત એક એક ટીપું પડતું રહેશે , રોજ ટીપું પડતું રહેશે તો એક દિવસ આખું સરોવર ભરાઈ જશે એવો આ કહેવતનો સારાંશ છે . આ કહેવતમાં ટીપું એટલે શું એ બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી . એ સ્પષ્ટતા આપણે પોતે જ કરવાની રહે છે . ટીપે ટીપે સરોવર ભરાય એમાં ટીપું જો ગટરનાં પાણીનું હશે તો સરોવર ગટરનાં પાણીનું જ બનશે . ટીપે ટીપે સરોવર ભરાય એમાં ટીપું જો ગુલાબજળનું હશે તો સરોવર ગુલાબજળનું જ હશે . તમારું ટીપુ ગટરનાં પાણીનું છે કે ગુલાબજળનું છે એ તમારે શોધી કાઢવાનું છે .
તમારાં મનમાં જેની જેની માટે દ્વેષના ભાવો બનેલા છે તેવાં નામોનું લિસ્ટ બનીને તૈયાર પડેલું છે . આપણા પોતાના હાથે બનેલું લિસ્ટ આપણે પોતે જ વાંચવું જોઈએ . વાંચ્યું નથી . તમને કોની માટે ગુસ્સો છે , કોની સાથે સ્પર્ધા છે , કોની માટે ઈર્ષા છે , કોની માટે ફરિયાદ છે , કોની માટે વિરોધ છે , કોની સાથે ઝઘડો છે , કોની સાથે મનભેદ છે એની તમને જવાબદારીપૂર્વક જાણ હોવી જોઈએ . આ બધા દ્વેષનાં જ અલગ અલગ રૂપો છે . અને દ્વેષનો સ્વભાવ શું છે , તમને ખબર નથી . જે દ્વેષ તીવ્ર હોય છે તે એક જીવનનાં પ૦ / ૫૫ વર્ષ પૂરતો સીમિત રહેતો નથી . એ દ્વેષ આગામી ભવમાં પોતાની મેળે જ સાથે આવતો હોય છે .
તીવ્ર દ્વેષની ત્રણ નિશાની હોય છે . ૧ . જે દ્વેષ લાંબા સમય સુધી ચાલે છે તે પરલોકમાં સાથે આવે છે . ૨ . જે દ્વેષ એક જ વ્યક્તિ ઉપર વારંવાર વ્યક્ત થાય છે તે પરલોકમાં સાથે આવે છે . ૩ . જે દ્વેષને ઓછો કરવાનો પ્રયત્ન થતો નથી , જે દ્વેષને વધારવામાં આપણને કોઈ સંકોચ હોતો નથી એ દ્વેષ પરલોકમાં સાથે આવે છે .
આપણને એવું લાગે છે કે દ્વેષ તો દુશ્મન સાથે હોય , વૈરી સાથે હોય , મારે કોઈ પાકિસ્તાન જેવું દુશ્મન નથી . મારે બસ , થોડીઘણી બોલાચાલી કોઈની સાથે થાય છે . એને કાંઈ દ્વેષ કહેવાય ? આ આપણી ગલતફહેમી છે . કોઈ બોલાચાલી થોડી કે ઘણી હોતી નથી . બોલાચાલી , બોલાચાલી જ હોય છે . એમાં ગુસ્સો હોય છે , આક્રોશ હોય છે , પ્રતિશોધ હોય છે . એક પિતા પોતાના પુત્ર કે પુત્રી સાથે ક્રોધ સ્વરૂપે જે વ્યવહાર કરે છે એમાં દ્વેષ હોવાની સંભાવના છે . એક માતા પોતાના સંતાન સાથે ક્રોધ સ્વરૂપે જે વ્યવહાર કરે છે એમાં દ્વેષ હોવાની સંભાવના છે . ભાઈ કે બહેન પોતાના ભાઈ કે બહેન સાથે , સાસુ કે વહુ પોતાના વહુ કે સાસુ સાથે , પુત્ર કે પુત્રી પોતાના મા બાપ સાથે , મિત્ર મિત્રની સાથે , વ્યક્તિ પોતાના પાડોશી સાથે – નોકર સાથે – ભાગીદાર સાથે કે બીજા કોઈ સાથે – ક્રોધ સ્વરૂપે જે વ્યવહાર કરે છે એમાં દ્વેષ હોવાની સંભાવના છે . ક્રોધ એકવાર કર્યો હોય તો પણ એ ભયાનક જ ગણાય છે . યાદ કરો ચંડકૌશિકનો પૂર્વભવ . એમણે એક જ વખત ક્રોધ કર્યો હતો પણ એ ક્રોધ એમને દુર્ગતિમાં લઈ ગયો . એમની પાસે તપસ્યા હતી , વૈરાગ્ય હતો છતાં એક વખતનો ક્રોધ એમને દુર્ગતિમાં લઈ ગયો તો વિચારો : આપણી પાસે તપસ્યા નથી , વૈરાગ્ય નથી અને ક્રોધ વારંવાર કરતા હોઈએ છીએ . આ ક્રોધ આપણને ક્યાં લઈ લઈ જશે ? કોઈ કલ્પના આપણે કરી ના શકીએ .
રાત્રે સૂતાં પહેલાં તમારે પોતાની જાતને પૂછવાનું છે : જો હું ઊંઘમાં ને ઊંઘમાં મરી ગયો તો , મારાં મનમાં જે પણ વે૨વિરોધ ઉભા છે એ મને કંઈ ગતિમાં લઈ જશે ? વેરવિરોધનાં કારણો જે પણ હોય , સામા માણસનો સ્વભાવ , સામા માણસની વર્તણૂક , એ કારણોને આગળ ધરી દેવાથી આપણને વેરવિરોધ કરવાની છૂટ મળી જતી નથી . દુર્ગતિથી બચવું હોય તો એક જ વાત કામ આવે છે : મનમાં વેરવિરોધ હોય નહીં એવી દશા . સૂતાં પહેલાં સાધકે પોતાની જાતને પૂછવાનું છે : મારે જેની જેની સાથે મતભેદ છે , જેની જેની સાથે વાંધોવચકો છે , જેની જેની સાથે ઝઘડો છે , જેની જેની સાથે પણ અણબનાવ છે , જેની જેની સાથે મનમુટાવ છે – એ બધા લોકો અહીં જીવતાં રહી જશે અને હું જો ઊંઘમાં પરલોકની સફરે ઉપડી ગયો તો મારું શું થશે ? આ લોકો મારી સાથે નહીં આવે પણ એમનાં કારણે કરેલો ક્રોધ , એમનાં કારણે મનમાં બનેલી અશાંતિ જરૂર મારી સાથે આવશે . શું આવું થવા દેવું છે ?
મારે કોઈ પણ સંક્લેશ કે અશાંતિને સાથે લઈ જવાં નથી . વર્ષો વર્ષોથી જે માનસિક ક્લેશ અને કષાયો બનેલા છે એને હું ઢીલા પાડીશ નહીં તો એ બધું આવતા જનમમાં સાથે જ આવશે . આવતા જન્મમાં આ કષાયોને કારણે મને સદ્ગતિ નહીં મળે પણ દુર્ગતિ મળશે , મને શાંતિ નહીં મળે પણ અશાંતિ મળશે , મને સારો વ્યવહાર કરવાની સૂઝ સમજ નહીં મળે અને ખરાબ વ્યવહાર કરવાની અંતઃસ્ફુરણા જ મળ્યા કરશે . આ ભવનો કષાય , થોડોક કષાય આવતા ભવમાં ઘણા કષાય કરાવશે . આ ઘણા કષાય એના પછીના ભવમાં ઘણાબધા કષાય કરાવશે . એ ઘણાબધા કષાય એના પછીના ભવમાં ઘણા ઘણા ઘણા કષાય કરાવશે . આમ આ એક ભવના કષાય આવતા ભવોમાં નવા નવા કષાયો કરાવ્યા કરશે અને નવી નવી દુર્ગતિઓ લાવ્યા જ કરશે . મારે નવા નવા કષાયો પણ જોઈતા નથી , નવી નવી દુર્ગતિઓ પણ જોઈતી નથી . મારે આ જનમના કષાયો આ જ ભવમાં ખતમ કરવા છે .
તકલીફ એ છે કે પાંચમો આરો ચાલે છે એટલે આ ભવમાં બધા જ કષાયો ખતમ થઈ જાય એ સંભવિત નથી . ચોથો આરો હોય તો ચોક્કસ પ્રકારની સાધના દ્વારા અને ચોક્કસ પ્રકારની ભાવશુદ્ધિ દ્વારા બધા જ કષાયોનો ક્ષય થઈ શકે . એ રીતે કષાયોથી મુક્તિ મળી શકે . પરંતુ કર્મક્ષય સ્વરૂપે કષાયોથી મુક્તિ મળે એ અત્યારે સંભવિત નથી . તો હવે કરવું શું ?
આટલું કરી શકાય . પહેલા તબક્કે આપણાં મનમાં જે જે વ્યક્તિ માટે કષાયગ્રસ્ત વિચારો ચાલે છે એ વ્યક્તિ પ્રત્યેના કષાયની તીવ્રતા ઘટે એવો પુરુષાર્થ કરી શકાય . ચોક્કસ વ્યક્તિ માટે દ્વેષ ઉગ્ર હતો એની ઉગ્રતા ઘટે એવું કરી શકાય . બીજા તબક્કે જે કષાય ઉગ્ર નથી રહ્યા એને ભૂંસવાનો પ્રયત્ન કરી શકાય . ચોક્કસ વ્યક્તિ માટે મારાં મનમાં મારે કોઈ નારાજગી રાખવી નથી એવો સંકલ્પ કરી શકાય . નારાજગી મટે કે મટે પણ – મારે નારાજગી રાખવી નથી એવો જે સંકલ્પ થાય છે તે સંકલ્પ કષાયવિરોધી માનસ જરૂર બનાવી આપે છે . ત્રીજા તબક્કે જે જે વ્યક્તિ માટે મારાં મનમાં નારાજગી છે એ વ્યક્તિને યાદ કરીને દૂર બેઠાં બેઠાં એમની ક્ષમાયાચના કરી શકાય . એમની પાસે જઈશું એ કદાચ સંભવિત નથી . એમની પાસે જઈએ તો પણ એમને આપણો પસ્તાવો સમજાય એ કદાચ સંભવિત નથી . એટલું જરૂર થાય કે આપણે દૂરથી મનોમન એમની માટેના ક્રોધ આદિ દુષ્ટ ભાવોની ક્ષમાયાચના કરીએ . खामेमि सव्व जीवे આ રીતે થતું હોય છે . તમારાં મનમાં રહેલા કષાયો નબળા પડ્યા એ બહુ અગત્યનું કામ છે . તે પછી ચોથા તબક્કે આપણાં નિમિત્તે જેમનાં જેમનાં મનમાં કષાયો બન્યાં હોય , જાગ્યાં હોય એમની સાથે સારો વાર્તાલાપ કરીને એ કષાયો ઓછા કરી દેવાની પ્રામાણિક કોશિશ કરીએ . અને પાંચમા તબક્કે જીવનભરમાં જે જે કષાયો થયા એની પ્રભુ સમક્ષ માફી માંગીએ , ગુરુ સમક્ષ માફી પણ માંગીએ અને આલોચના પણ લઈએ . જીવનભરના કષાયોની માટે મિચ્છામિ દુક્કડં બોલતા રહીએ .
આપણો અંતરાત્મા આ પાંચ તબક્કામાંથી પસાર થાય એ જરૂરી છે . મૃત્યુની ક્ષણે જીવને સંક્લેશ મુક્ત રાખવામાં પાંચ તબક્કાની પ્રક્રિયા બહુ ઉપયોગી બને છે . ટીપે ટીપે ભરાયેલું સરોવર જો ગટરનાં પાણીથી ભરેલું હોય તો ગટરનું પાણી ખાલી થઈ જાય એ બહુ જરૂરી છે . ગટરનું પાણી ખાલી થઈ જશે એ પછી જ એ સરોવરમાં ટીપે ટીપે ગુલાબનું જળ ભરી શકાય છે .
સુખીને જોઈને શું વિચારવું જોઈએ ? : દુઃખીને જોઈને શું વિચારવું જોઈએ ?
કોઈને સુખી જુઓ તો શું વિચારશો ? કોઈને દુઃખી જુઓ તો શું વિચારશો ? કુલ મળીને ચાર વાત બને છે . સુખી હશે અને ધર્મ કરતો હશે . સુખી હશે અને ધર્મ નહીં કરતો હોય . દુઃખી હશે અને ધર્મ નહીં કરતો હોય . દુઃખી હશે અને ધર્મ કરતો હશે .
સુખી હશે , સંપન્ન હશે , ધર્મના ખાસ્સાબધા કાર્ય કરતો હશે , સંભાળતો હશે , એવું દૃશ્ય હોય તો પ્રસન્ન થવાનું . વિચારવાનું કે આ પૂર્વભવથી પુણ્ય સારું લઈને આવ્યો છે એટલે સુખી જીવન મળ્યું છે અને પુણ્યનો ઉપયોગ સારા માર્ગે કરી રહ્યો છે . પુણ્ય એને સારી જગ્યાએ લઈ આવ્યું છે અને પુણ્યને એ સારી જગ્યા સાથે જોડી રહ્યો છે . સુખીનાં સુખને જોઈને ઈર્ષા કરીએ તો દોષ લાગે . સુખીનાં સુખની જોઈને સ્પર્ધા અનુભવીએ તોય દોષ લાગે . સુખીનાં સુખને જોઈને એની નિંદા કરીએ તોય દોષ લાગે . સુખીનાં સુખને જોઈને તેની સાથે સ્વાર્થભાવનાપૂર્વક સંબંધ જોડીએ તો પણ દોષ લાગે . પરંતુ સુખીનાં સુખને જોઈને એના સુખથી પ્રભાવિત ના થઈએ અને એના દ્વારા થઈ રહેલા ધર્મના ઉત્તમ કાર્યથી પ્રભાવિત થઈએ . આ છે સત્ અહોભાવ .
સુખી સંપન્ન વ્યક્તિ ધર્મ સાથે ખાસ જોડાયેલી હશે નહીં , ધર્મનાં ક્ષેત્રમાં આવવાનો એનો કોઈ ઇરાદો પણ નહીં હોય , એને દુનિયાદારી પસંદ હશે , આનંદ પ્રમોદ પસંદ હશે . આ બીજી પરિસ્થિતિ થઈ . આવો સુખી માણસ જો થોડો ઘણો ધર્મ કરે છે તો એમાં પણ નામ કમાવાની વૃત્તિ વધારે છે અને આત્માનું ભલું કરવાની વૃત્તિ ઓછી છે . એટલે એનો ધર્મ પણ કષાય પ્રેરિત જ છે . આ સુખીને જોઈને એનું સુખ ઘણું મોટું છે એવો વિચાર આવે તો આપણે ફસાયા એમ સમજવાનું . આ સુખીને જોઈને એટલું જ વિચારવાનું એ પૂર્વનું પુણ્ય લઈને આવ્યો છે એટલે સુખી જીવન મળ્યું છે . પરંતુ જુઓ તો ખરા . પુણ્યનો સદ્ ઉપયોગ તો આ કરતો જ નથી . પુણ્યનો સારો ઉપયોગ જે કરે નહીં એ દુર્ગતિમાં જાય એ નક્કી છે . આટલું મોટું પુણ્ય લઈને આવ્યો છે પરંતુ ધર્મથી વંચિત છે એટલે બિચારો દુર્ગતિમાં જવાનો . આવો વિચાર મનમાં બનાવીએ . એનાં સુખથી પ્રભાવિત ના થઈએ . એનાં સુખની અનુમોદના ન કરીએ . બલકે એનું સુખ એને દુર્ગતિમાં લઈ જશે આથી એની માટે ફક્ત દયાવૃત્તિ ધારણ કરીએ . આ વિચારણા અસત્ અનુમોદનાથી મુક્ત રહે છે .
કોઈને દુઃખી અવસ્થામાં જોઈશું ત્યારે આપણને એની માટે અહોભાવ નહીં થાય , એની અનુમોદના કરવાનું મન નહીં થાય . બલ્કે તે દુઃખી છે એ જોઈને જુદા જુદા વિચાર આવશે . જો એ દુઃખી વ્યક્તિ આપણી શત્રુ હશે આપણે એનું દુઃખ જોઈને રાજી થઈશું . જો એ દુઃખી વ્યક્તિ આપણી પ્રતિસ્પર્ધી હશે તો એને દુઃખી જોઈને આપણને કોઈ અજીબ રાહતનો અનુભવ થશે . જો એ દુઃખી વ્યક્તિ આપણા વિરોધમાં ગયેલી હશે તો આપણને એ વ્યક્તિનાં દુઃખમાં આપણી જીત દેખાશે . જો એ દુઃખી વ્યક્તિ આપણું કહેલું માનતી નથી એને લીધે દુઃખી થઈ છે એવું જોવા મળે તો આપણને એ દુઃખી વ્યક્તિ પર ગુસ્સો આવશે . જો એ દુઃખી વ્યક્તિની પરિસ્થિતિ નબળી પડી છે એને કારણે દુઃખી છે અને એ વ્યક્તિની જવાબદારી લેવા માટે આપણે કોઈપણ રીતે તૈયાર ન હોઈએ તો એ દુઃખી વ્યક્તિને જોઈને આપણને છટકવાનું મન થશે . દુઃખી વ્યક્તિને જોયા બાદ તમને એ દુઃખી વ્યક્તિ માટે દ્વેષ થાય એવું પણ બને . દુઃખી વ્યક્તિને જોઈને તમને કેવા વિચાર આવશે એનો કોઈ ભરોસો નથી . ઘણા વિચાર આવી શકે .
સર્વ સામાન્ય રીતે દુઃખી વ્યક્તિને જોઈને , આપણને દયાના વિચાર આવે , સહાય કરવાના વિચાર આવે . પરંતુ અહોભાવ અને અનુમોદનાની શ્રેણીમાં વિચારોને ગોઠવવા હોય તો દુઃખી વ્યક્તિને જોઈને અહોભાવ ક્યારે થાય , ક્યારે ન થાય અને અનુમોદના ક્યારે થાય , ક્યારે ન થાય – એ આપણે સમજી લેવાનું છે . દુઃખમાં ફસાયેલી વ્યક્તિ પણ પૂર્વનાં પાપકર્મનો બોજો ઉઠાવીને આવી છે એ સમજી શકાય એવું છે . જે જે વ્યક્તિ જૂનાં પાપનો હિસાબ ચૂકવી રહી હોય એણે નવાં પાપ બાંધવાના હોય નહીં . જૂનાં પાપમાંથી નવા પાપ ઊભા કરવા એ મૂર્ખામીનો ધંધો છે . વિકટ પરિસ્થિતિમાં પણ જે મૂર્ખામી ન કરે એની માટે અહોભાવ બને છે , જે મૂર્ખામી કરે એની માટે અહોભાવ નથી બનતો .
દુઃખની પરિસ્થિતિમાં માણસ ધર્મને ભૂલી જાય , ધર્મને છોડી દે , ધર્મ માટેનો આદર ગુમાવી દે એવું બની શકે છે . અમુક લોકો પહેલેથી જ ધર્મવિરહિત હોય છે . એ લોકોનાં જીવનમાં દુઃખ આવે ત્યારે તેઓ ધર્મને યાદ કરે નહીં એવું બની શકે છે . એમનાં જીવનમાં દુઃખ ચાલુ છે પરંતુ એમણે જીવનમાં ધર્મ ચાલુ કર્યો નથી . આવા લોકો પાપનો ઉદય ભોગવી રહ્યા છે અને પાપનો બંધ કરી રહ્યા છે . જે લોકો વર્તમાનમાં પાપનું ફળ ભોગવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ પાપનું ફળ જ ભોગવવાના છે એમની માટે કેવળ અનુકંપા જ રાખવાની હોય . આ દુઃખી જીવો માટે દ્વેષ બનાવીને મનને ખરાબ કરવાની કોઈ જરૂર નથી . આ દુઃખી જીવો માટે ફક્ત અનુકંપા જ રાખવાની હોય .
દુઃખની પરિસ્થિતિમાં જે માણસ ધર્મને ભૂલતો નથી , બલકે દુઃખને લીધે જ એ વિશેષ રીતે ધર્મમાં મગ્નતા બનાવે છે . આ વ્યક્તિએ દુઃખને ધર્મનું આલંબન બનાવી દીધો . દુઃખના સમયમાં ધર્મ એની શક્તિ બની . ધર્મ એનો આધાર બન્યો છે . ધર્મ એનાં મનને શક્તિ આપે છે . ધર્મ એનાં જીવનને સત્ત્વ આપે છે . દુઃખના સમયમાં જે ધર્મ સાથે જોડાયેલો રહે છે તે પ્રબળ ભાગ્યશાળી હોય છે . સુખના સમયમાં ધર્મ યાદ રહે તે ખુશીની વાત છે . દુઃખના સમયમાં પણ ધર્મ યાદ રહે તે આત્મસંતોષની વાત છે . દુઃખના સમયમાં જેણે ધીરજ રાખી છે , મનને મજબૂત રાખ્યું છે , જીવનને ધર્મ સાથે જોડી રાખ્યું છે તે ભવિષ્યના નવાં પાપોને બાંધી રહ્યો નથી . તે ફક્ત પુરાણાં પાપોને આહિસ્તા આહિસ્તા ખતમ કરી રહ્યો છે . જે પાપ બાંધી રહ્યો ના હોય અને પાપને ખતમ કરી રહ્યો હોય તેની અનુમોદના જ હોય .
જેનાં જીવનમાં દુઃખ છે એને દુઃખથી બચાવવો એ આપણું કર્તવ્ય છે . આ કર્તવ્ય ક્યારે પણ ભૂલી શકાય નહીં .
જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ છે ત્યાં સાધના છે : જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ નથી ત્યાં સાધના નથી .
તમારે અન્યને દુઃખ નથી આપવાનું . આ નિયમ સાધનાને શક્તિશાળી બનાવે છે . દુઃખ ન આપવાની વાત બોલવામાં સહેલી લાગે છે . એનું અમલીકરણ ઘણું અઘરું છે . તમે કડવું બોલશો એનાથી બીજાને દુઃખ થશે માટે તમે કડવું બોલતા નથી આ તમને સમજાય છે . પણ કડવું નથી બોલવું , એની માટે તમારે ક્રોધ પર સંયમ બનાવવો પડે છે અને તે અઘરું છે . અન્યને દુઃખ નથી આપવું એવો વિચાર કરવાથી કામ પૂરું થતું નથી . તમારા ખુદના વ્યવહારને , તમારી વર્તણૂકને તમે બદલો એ અગત્યનું છે . તમે જેમ જેમ બદલાતાં જાઓ છો તેમ તેમ તમારી સાધનામાં નવી ઊર્જા ઉમેરાતી જાય છે .
મારે પૃથ્વીકાયની વિરાધના નથી કરવી આવો બોધ તમને મળે છે . તમે સ્વયંને બદલવાનો સંકલ્પ કરો છો . પૃથ્વીકાયની વિરાધના ક્યાં ક્યાં થાય છે એની જાણકારી તમે મેળવો છો અને તમે જીવનશૈલીને એ રીતે બદલો છો કે તમારા હાથે થનારી પૃથ્વીકાયની વિરાધના ઓછી થઈ જાય અથવા અટકી જાય . આમાં ત્રણ પ્રક્રિયા થઈ . એક , તમે ચોક્કસ વિરાધનાથી બચવાનો બોધ મેળવ્યો . બે , એ વિરાધનાથી બચવા માટે તમે સ્વયંનું પરિવર્તન કર્યું . ત્રણ , એ પરિવર્તનને લીધે તે વિરાધના ઓછી થઈ અથવા અટકી . આવું જ અપ્ કાય , વાયુકાય , તેઉકાય , વનસ્પતિકાય , વિકલેન્દ્રિય અને પંચેદ્રિયની વિરાધના બાબતે પણ થાય છે .
વિરાધના કોની કોની થઈ શકે છે , કેવી કેવી રીતે થઈ શકે છે એની જાણકારી મેળવવા માટે ઘણો મોટો જ્ઞાન પુરુષાર્થ કરવો પડે છે . ધીમે ધીમે થોડું થોડું જ્ઞાન મળતું રહે છે , જેટલું જ્ઞાન મળે છે એમાંથી પ્રેરણા પામીને સાધક થોડી થોડી વિરાધના ઘટાડતો રહે છે . મારે વિરાધના ઓછી કરવી છે એવો સંકલ્પ કરવો તે સાધના છે . વિરાધના શું છે અને વિરાધના કેવી રીતે થાય છે એની જિજ્ઞાસા રાખવી તે સાધના છે . વિરાધના શું છે અને વિરાધના કેવી રીતે થાય છે એનો બોધ મેળવવા પુરુષાર્થ કરવો તે સાધના છે . વિરાધના શું છે અને વિરાધના કેવી રીતે થાય છે એનો બોધ , થોડા કે ઘણા અંશે મેળવીએ તે સાધના છે . બીન આવશ્યક વિરાધના અટકે તે માટે પોતાની જીવનશૈલીને બદલવાનું શરૂ કરીએ તે સાધના છે . તે પછી બિનજરૂરી વિરાધનાઓ અટકવા લાગે તે સાધના છે . આગળ જતાં જીવન આવશ્યક વિરાધનાઓ પણ ઓછી થવા લાગે તે સાધના છે .
કારણનું નિવારણ કરવાથી કાર્ય અટકી જાય છે , વિજ્ઞાનનો આ નિયમ છે . વિરાધનાનું કારણ બને છે અજ્ઞાન . આ અજ્ઞાન ઘટવા થવા લાગે તે સાધના છે . વિરાધનાનું કારણ બને છે સુખશીલતા . આ સુખશીલતા ઓછી થવા લાગે તે સાધના છે . વિરાધનાનું કારણ બને છે સહનશક્તિનો અભાવ . સહનશક્તિ વધવા લાગે તે સાધના છે . સુખશીલતા ઘટતી જ જાય , સહનશીલતા વધતી જ જાય તે સાધના છે .
તમે પૂજા કરો છો , સામાયિક કરો છો , પ્રતિક્રમણ કરો છો , પૌષધ કરો છો , નિયમોનું પાલન કરો છો , ઘણીબધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરો છો તે જરૂરી છે . પરંતુ અંતરંગ ભૂમિકાએ તમે વિરાધનાઓ ઓછી કરવાનો પ્રામાણિક પુરુષાર્થ કરો છો અને તમારો આ પુરૂષાર્થ અવિરત ચાલુ જ રહે છે , આ સાચા અર્થમાં સાધના છે .
સિદ્ધશિલામાં બિરાજમાન મુક્ત આત્માઓ સર્વ વિરાધનાઓથી મુક્ત છે . આથી તેમને સિદ્ધ ભગવાન્ કહેવામાં આવે છે . સર્વ વિરાધનાઓથી મુક્ત અવસ્થા મળે એ જ સિદ્ધિ છે . ભગવાન્ કહે છે કે કોઈ પણ આતમા સ્વ પુરુષાર્થ વિના વિરાધનામુક્ત બની શકતો નથી . જે સંસારી જીવ નિયમિત રીતે વિરાધનાથી બચવાનો પુરુષાર્થ કરે છે તે જ એક દિવસ સંપૂર્ણ વિરાધનામુક્ત બને છે .
જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ છે ત્યાં સાધના છે . જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ નથી ત્યાં સાધના નથી . અત્યારની આ ક્ષણે , તમારાં જીવનમાં કંઈ કંઈ વિરાધના ચાલુ છે તે જુઓ , એમાંથી તમે કંઈ કંઈ વિરાધના દૂર કરી શકો છો તે તપાસો . એ વિરાધના ઓછી કરવાનો સંકલ્પ કરો , એ વિરાધના ઓછી કરવા માટે પુરુષાર્થ શરૂ કરી દો . આ તમારી સાધના છે . તમારી ભીતરમાં વિરાધનાનો ભય નથી બન્યો તો તમે સાધક નથી બની શક્યા એટલું યાદ રાખજો .
જે વિરાધનાને આપણે અટકાવી શકીએ છીએ એને અટકાવી દઈએ એ સાધનાનું પ્રથમ સૂત્ર છે . જે વિરાધનાને આપણે અટકાવી શકતા નથી એનો પસ્તાવો રાખીએ એ સાધનાનું બીજું સૂત્ર છે . જે વિરાધનાઓ ચાલુ છે એને ઓછી કરવાના પ્લાનિંગ ચાલુ રાખીએ એ સાધનાનું ત્રીજું સૂત્ર છે . તમે ધર્મ કરો એ અગત્યનું છે . તમે ધર્મને સાધના બનાવો એ વધારે અગત્યનું છે .
ઈચ્છાઓ વ્યાજબી છે કે નહીં તેનું એનાલિસિસ કરવાનું શું કામ રહી જાય છે ?
તમને ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે . દરેક ઈચ્છા પૂરી થાય એવું બનતું નથી . જે ઈચ્છા આપણને થઈ અને અધૂરી રહી એ ઈચ્છા બીજા કોઈનાં જીવનમાં સાકાર થયેલી જોવા મળે ત્યારે દુઃખ થાય છે . તમારે કરોડપતિ થવું હતું . તમે કરોડપતિ ના થઈ શક્યા . તમારી ઈચ્છા અધૂરી રહી . પણ તમારો એક મિત્ર કરોડપતિ થઈ ગયો . ઈચ્છા તમારી હતી અને સાકાર એનાં જીવનમાં થઈ . આ ઈર્ષ્યાની પરિસ્થિતિ છે .
ઈચ્છાની રમત જીવનભર રમાતી રહે છે . તમને લાગતું હતું કે તમારી ઈચ્છા વ્યાજબી છે એટલે તમે તમારી ઈચ્છા માટે મહેનત કરતા હતા . છેલ્લે ખબર પડી કે તમારી ઈચ્છા જ ખોટી હતી , તમારો મુદ્દો જ ખોટો હતો . તમે જે ઈચ્છા બનાવી હતી એ ઈચ્છાનો જ તમને પસ્તાવો થવા લાગે બને છે . એ ઈચ્છાની પાછળ જે સમય વિતાવ્યો હતો એ પૂરો સમય બરબાદ પુરવાર થાય છે .
ઈચ્છાની રમત . તમારી જે જે ઈચ્છા પૂરી થઈ એનો સંતોષ તમે લઈ શકતા હતા પણ એ સંતોષ લેવાને બદલે તમે શું કર્યું ? તમે જે જે ઈચ્છાઓ પૂરી થવાની બાકી હતી એનો ભાર પોતાનાં માથા પર બનાવી રાખ્યો . નવી નવી ઈચ્છાઓ જાગતી ગઈ . એનો ભાર મન પર આવતો ગયો . વર્ષો નીકળી ગયાં . જે ઈચ્છા સાકાર થઈ એનો સંતોષ માણવાનું સાવ જ રહી ગયું . આવું બને છે . જે ઈચ્છાઓ પૂરી થઈ છે એનો સંતોષ લેવાની માનસિકતા બની જ નહીં .
જે વસ્તુની તમને જરૂર હતી નહીં એ વસ્તુની તમને ઈચ્છા થઈ કારણ કે તમે એ વસ્તુ બીજા કોઈની પાસે છે એવું જોયું . તમે એ તમારી ઈચ્છાના ભરોસે એ વ્યક્તિ સાથે સ્પર્ધામાં ઉતરી ગયા . કોઈપણ કારણ વગરની સ્પર્ધા . બિનજરૂરી ઈચ્છા હતી . એમાંથી બિનજરૂરી સ્પર્ધા આવી . સમજાયું પણ નહીં . જિંદગી સમસ્યાઓમાં ફસાઈ ગઈ .
પ્રાથમિક નજરે એવું જરૂર લાગે છે કે કોઈપણ કામ કરવા માટે ઈચ્છા શક્તિ પ્રબળ જોઈએ . ઈચ્છાશક્તિ હોય નહીં તો કામ થતાં નથી . ખરેખર છે પણ એવું જ . ઈચ્છાશક્તિ વિના કોઈ કામ થતાં નથી . પરંતુ ઈચ્છા વ્યાજબી છે કે નહીં એનું એનાલિસિસ થતું નથી . ઈચ્છા વ્યાજબી હોય એ સુખી થવાની પહેલી શરત છે . ઈચ્છાઓ જ ગેરવ્યાજબી હોય તો સુખ હાથમાં આવશે નહીં અને દુઃખ પીછો છોડશે નહીં .
આજનો જમાનો માર્કેટિંગ અને પ્રચારતંત્ર ઉપર ચાલે છે . તમારાં મનમાં કંઈ ઈચ્છા જગાડવી છે એ એડવર્ટાઇઝમેન્ટ એજન્સીઓ નક્કી કરે છે . એ એજન્સી તમને સુખ આપવા માંગે છે એવું નથી . એ એજન્સી તમારા પૈસા લૂંટવા માંગે છે . એને ધંધો કરવો છે . પણ એ એવું તો બોલશે નહીં . એ તમારાં મનમાં ઈચ્છા જાગે એવી રજૂઆત કરશે , એવું દૃશ્ય બતાવશે . એવી વાત રજૂ કરશે કે જેની એડવર્ટાઇઝમેન્ટ થઈ રહી છે એ વસ્તુ મારા માટે બહુ જ કામની છે એવું તમે માની જ લેશો .
તમે એ વસ્તુ માટે ઈચ્છા બનાવશો અને ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી એ વસ્તુ માટે પ્રયત્ન કરશો . તમે એ ઈચ્છા વગર સુખી જ હતા એવું તમને યાદ પણ આવતું નથી . તમે દિવસમાં ૫૦ એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો અને બિલકુલ બિનજરૂરી રીતે ૫૦ ઈચ્છાઓ બનાવી લો છો . આ ૫૦ ઈચ્છાઓ એવી છે જે પૂરી ન થાય તો પણ જીવન સરસ જ ચાલવાનું છે . પણ એડવર્ટાઇઝમેન્ટ જોઈને ઈચ્છા ઊભી થઈ એટલે જીવ ઉથલપાથલ કર્યા કરે છે . એક સર્વે એમ કહે છે કે સમગ્ર વિશ્વમાં જેટલી પણ કંપનીઓ છે એ પોતપોતાની એડવર્ટાઇઝમેન્ટ કરે છે . સમગ્ર વિશ્વની કંપનીઓની એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો કુલ મળીને ૬૭૪ બિલિયન ડોલર્સનો છે . એક ડોલર એટલે ચોર્યાસી રૂપિયા અને એક બિલિયન એટલે દસ લાખ . તમારાં મનમાં તે તે વસ્તુઓની ઈચ્છા જાગે એ માટે એડવર્ટાઈઝમેન્ટ કરવામાં આવે છે . એડવર્ટાઈઝમેન્ટ માટેનો ખર્ચો કંપનીઓને પોસાય છે કારણ કે એડવર્ટાઈઝમેન્ટ પછી લોકો ગાંડાની જેમ ખરીદી કરવા લાગે છે , જેની જરૂર નથી એ બધું જ ખરીદે છે . એડવર્ટાઇઝમેન્ટ થાય નહીં તો લોકો કંપનીઓનો માલ ખરીદે નહીં . લોકોનાં મનમાં ઈચ્છાઓ જગાડવાનું કામ એડવર્ટાઇઝમેન્ટ કરે છે , બાકીનું કામ લોકો ખુદ પોતાના હાથે જ કરે છે .
તમારા મોજશોખ પૂરા ન થાય ત્યારે તમને એ લોકો બહુ સારા લાગે છે જેમના મોજશોખ પૂરા થઈ રહ્યા છે . તમારી મોટી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે તમને એ લોકો વધારે મહાન્ લાગે છે જેમની મોટી ઈચ્છાઓ પૂરી થઈ હોય . તમારી મહત્ત્વાકાંક્ષા સંતૃપ્ત ન થાય ત્યારે તમને એ લોકો વધારે શક્તિશાળી લાગે છે એમને મહત્ત્વાકાંક્ષા સંતૃપ્ત થઈ હોય . તમને ઘણું માનસન્માન ના મળે ત્યારે તમને એ લોકો વધારે આદરપાત્ર લાગે છે જેમને ઘણું માનસન્માન મળે છે . તમને પ્રસિદ્ધિ ના મળી હોય ત્યારે તમને એ લોકો ઘણા લકી લાગે છે જેમને ઘણી પ્રસિદ્ધિ મળી હોય છે . તમે કોઈ પણ ફિલ્ડમાં ટોપ પર પહોંચી ન શક્યા હો ત્યારે તમને એ માણસ બહુ પ્રભાવશાળી લાગે છે જે કોઈ એક ફિલ્ડમાં ટોપ પર પહોંચી ચૂક્યો હોય .
આ ઈચ્છાઓની ટ્રેપ ગેમ છે . ઈચ્છા પૂરી ના થાય તો પણ માણસ દુઃખી રહે છે . ઈચ્છા પૂરી થાય ત્યારે પણ નવી ઈચ્છાઓના ચક્કરમાં આવીને માણસ દુઃખી જ રહે છે . જેને આ ટ્રેપ ગેમ સમજાય એ સાવધાનીથી વર્તે છે અને સુખી રહે છે .
ઉપધાન વાચના : ૮
વિ.સ. ખાંડેકરની વાર્તામાં અલગ અલગ લોકો દ્રાક્ષના ઝૂમખાને જુએ છે . એક વૈદ્ય દ્રાક્ષના ઝૂમખાને જુએ છે તો એને વિચાર આવે છે કે આમાંથી દવા સારી બનશે . એક દારૂડિયો દ્રાક્ષના ઝૂમખાને જુએ છે તો એને વિચાર આવે છે કે આમાંથી દારૂ સારી બનશે . એક ચોર દ્રાક્ષના ઝૂમખાને જુએ છે તો એને વિચાર આવે છે કે આ દ્રાક્ષની ચોરી કરીશ તો પૈસા સારા બનશે . દ્રાક્ષનો ઝૂમખો એ જ છે પણ એને જોઈને બનનારા વિચારો અલગ અલગ છે .
જે વિચાર તમને આવે છે એ વિચાર બીજાને ન આવે . જે વિચાર બીજાને આવે છે એ વિચાર તમને ન આવે . એક જ વિષયને લઈને બે જુદી વ્યક્તિ વિચારે તો બે જુદા વિચાર બને . એક જ વિષયને લઈને પાંચ જુદી જુદી વ્યક્તિ વિચારે તો પાંચ જુદા જુદા વિચાર બને . આ સંભાવના બનેલી રહે છે . તમને આવેલો વિચાર તમને સાચો લાગશે પણ તમને આવેલો વિચાર સાચો ન પણ હોય . આ નિયમ મનોવિજ્ઞાનનો છે પરંતુ ધર્મને લાગુ પડે છે .
જે વિચાર તમે કરી શકતા નથી એ વિચાર પણ હોય છે જરૂર . એ વિચાર સુધી તમે પહોંચી શકો છો એની માટે તમારે સારા વાચક કે સારા શ્રોતા બનવું પડે . ઉત્તમ પુસ્તકોને હંમેશા વાંચતા રહો , ઉત્તમ પ્રવચનકારને ઘણા ઘણા દિવસો સુધી સાંભળતા રહો . એનાથી તમારી વિચારની પેટર્ન બદલાય છે . તમારી વિચારપદ્ધતિ નબળી હોય એમાં ફરક પડે છે , અધૂરી હોય એમાં બદલાવ આવે છે , ઢીલી હોય એમાં ફેરફાર થવા લાગે છે . જૈનને શ્રાવક કહેવામાં આવે છે . જેને નવું નવું સાંભળવાનું ગમે છે એ શ્રાવક છે . જે વધારેમાં વધારે અભિનવ જ્ઞાન મેળવવા માટે ઉત્સાહિત છે એ શ્રાવક . શ્રાવક હંમેશા યાદ રાખે છે કે મારી વિચાર કરવાની પદ્ધતિ સુધરી શકે છે , મારે એ સુધારવી છે . તમારા વિચાર જેમ જેમ સુધરતા જાય તેમ તેમ તમારી લાગણીઓ અને પ્રવૃત્તિઓ બદલાતી જાય , સમજી શકાય એવી વાત છે .
સાધનાનો માર્ગ એમ સૂચવે છે કે દરેક માણસ ચોક્કસ વ્યક્તિઓ માટે અહોભાવ બનાવેલો રાખે છે અને સતત ચોક્કસ વ્યક્તિઓની અનુમોદના કરતા રહે છે . તમારો અહોભાવ જેની સાથે જોડાયેલો હોય એ વિષય સારો હોવો જોઈએ , તમારી અનુમોદના જે પ્રવૃત્તિ માટે બનતી હોય એ પ્રવૃત્તિ સારી હોવી જોઈએ . આપણે ત્યાં ચાર પુરુષાર્થનાં નામ આવે છે . ધર્મ પુરુષાર્થ , અર્થ પુરૂષાર્થ , કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ . આમાં બે પુરુષાર્થ પૂર્ણતઃ સંસાર સાથે જોડાયેલા છે . અર્થ અને કામ . તમે તમારાં જીવનમાં કેટલા પૈસા બનાવ્યા અને કેટલો આનંદ કર્યો એ તમારી વ્યક્તિગત બાબત છે . પરંતુ તમારી આસપાસ અને તમે જ્યાં સુધી જોઈ શકો છો ત્યાં સુધીમાં – તમારા કરતાં વધારે પૈસા જેમણે જેમણે બનાવ્યા છે , તમારા કરતાં વધારે આનંદપ્રમોદ જેમનાં જેમનાં જીવનમાં છે એમને એમને જોઈને તમને કોઈ ઈર્ષાનો અનુભવ જરૂર થયો હશે . તમને એમની ઉપલબ્ધિઓ સારી લાગતી હશે . તમે એમની જેટલા પૈસા કે એમનાથી વધારે પૈસા કમાવાનું વિચારતા રહેતા હશો . એમની જેમ જ મહાન્ થવાનું સપનું જોતાં હશો . જેઓ દુનિયાદારીની દૃષ્ટિએ એ મહાન્ , સફળ અને ઊંચા લોકો બન્યા છે , એમની એક એક ઉપલબ્ધિઓ તમને ગમતી હોય , એમની ઉપલબ્ધિઓથી પ્રેરણા લઈને તમને મોટા માણસ બનવાના વિચાર આવતા હોય , તમે એમની જેમ મોટા માણસ બની ના શક્યા એનો તમને અફસોસ હોય અને એ કેવી રીતે આટલા મોટા માણસ બની ગયા એની વિસ્મયભાવના તમારાં મનમાં હંમેશા રહેતી હોય તો સમજી લેજો કે તમારાં મનમાં એ વ્યક્તિ માટે અહોભાવ અને અનુમોદનાની લાગણી બેસેલી છે . એણે જે કર્યું એ સરસ કર્યું તે અહોભાવ છે . હું જે ના કરી શક્યો એ એણે કરી બતાવ્યું તે અનુમોદનાની લાગણી છે .
અર્થ પુરૂષાર્થ અને કામ પુરુષાર્થનાં ક્ષેત્રમાં જેમણે અવ્વલ દરજ્જો મેળવ્યો છે એમની માટેનો અહોભાવ અને એમના પ્રત્યેની અનુમોદનાનો ભાવ તમારાં મનને અસાત્ત્વિક બનાવી રાખે છે . તમારે એનાથી બચવાનું હોય . વિચારોને બદલવાની ભૂમિકા હવે આવે છે . ઘણાઘણા આત્માઓએ ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થનાં ક્ષેત્રમાં અવ્વલ દરજ્જો મેળવેલો છે . આપણે એવા આરાધકો અને સાધકો માટે અહોભાવ બનાવીએ અને અનુમોદનાની લાગણી રાખીએ . એમણે જે સર્વશ્રેષ્ઠ ધર્મ કર્યો એની માટેનો અહોભાવ . જે ધર્મ આપણે ક્યારેય કરી શકવાના નથી એ ધર્મ એમણે કરી લીધો છે એની અનુમોદના . દાનધર્મનાં ક્ષેત્રમાં જેઓ ઘણા આગળ નીકળી ગયા છે , સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ-બ્રહ્મચર્ય-દેશવિરતિ આદિ ચારિત્રનાં ક્ષેત્રમાં જેઓ ખૂબ ઊંચે ચડેલા છે , ઉપવાસ આંબેલ આદિ તરસ્યાનાં ક્ષેત્રમાં જેઓ ઘણી પ્રગતિ કરી ચૂક્યા છે , જ્ઞાન – ધ્યાન – શુભ ભાવની ભૂમિકામાં જેમનો પ્રચંડ વિકાસ થઈ ચૂક્યો છે એ લોકો આધ્યાત્મિક ભૂમિકાએ મહાન્ છે . એમની માટે અહોભાવ બનાવીએ એ પવિત્ર અહોભાવ છે , એમની અનુમોદના કરીએ એ પવિત્ર અનુમોદના છે .
વિચારો બદલીએ એનો અર્થ એ છે કે અહોભાવને બદલીએ , અનુમોદનાને બદલીએ . સાંસારિક ઉપલબ્ધિઓના અહોભાવ રાખવાના ન હોય , એવી ઉપલબ્ધિઓની જ અનુમોદના કરવાની ન હોય . આધ્યાત્મિક ઉપલબ્ધિઓના જ અહોભાવ રાખવાના હોય અને એવી ઉપલબ્ધિઓની જ અનુમોદના કરવાની હોય . કોઈ સાંસારિક ઉપલબ્ધિ , કોઈ સાંસારિક સફળતા તમારું ઇન્સ્પિરેશન ન હોઈ શકે . તમારું ઇન્સ્પિરેશન કોઈ આધ્યાત્મિક ઉપલબ્ધિ જ હોઈ શકે , તમારું ઈન્સ્પિરેશન કોઈ આધ્યાત્મિક સફળતા જ હોઈ શકે . સાધનામાં આ અપેક્ષિત છે . જે તમારું ઈન્સ્પિરેશન છે તેના સંસ્કાર તમારી સાથે પરલોકમાં આવશે . જે તમારું ઇન્સ્પિરેશન નથી એના સંસ્કાર તમારી સાથે પરલોકમાં નહીં આવે .
આપણે અનુકૂળ ક્ષણોમાં સારા શબ્દો ન બોલીએ અને પ્રતિકૂળ ક્ષણોમાં ખરાબ શબ્દો અવશ્ય બોલીએ આ કેવો અભિગમ કહેવાય ?
બે રીતની પરિસ્થિતિ આવશે . અનુકૂળ પરિસ્થિતિ . પ્રતિકૂળ પરિસ્થિતિ . બંને પરિસ્થિતિમાં તમારા મોઢેથી સારા શબ્દો જ નીકળવા જોઈએ . તમે જે બોલો છો એ તમારી ઓળખાણ છે . તમે જે બોલો છો એ તમારા વિચારનો પડછાયો છે . તમે જે બોલો છો એ તમારી આદત છે . તમારાં મોઢેથી જે શબ્દો નીકળે છે એ શબ્દો કોઈ ને કોઈ સાંભળે છે . તમારા શબ્દ જે સાંભળે તેને તમારા શબ્દો થકી શું મળે છે એનો વિચાર તમે કરી શકો . સાધનાનો નિયમ એમ કહે છે કે તમારા શબ્દોથી સામા માણસને ખોટો વિચાર મળવો ના જોઈએ . તમારાં કથનથી કોઈનાં મનમાં નિરાશા જાગે કે ગુસ્સો જાગે કે અયોગ્ય ઈચ્છા જાગે એવું ના થવું જોઈએ . તમે જે બોલો છો એ કોઈની માટે આલંબન બને છે . તમારો શબ્દ બને તો શુભ આલંબન જ બને , તમારો શબ્દ અશુભ આલંબન ન જ બને , એનું ધ્યાન તમારે રાખવાનું છે . તમે કોઈને અનુચિત કાર્ય કરવા માટે પ્રેરણા આપો એ તમારી ભૂલ . તમે કોઈની સાથે છલપ્રપંચભરી ભાષા વાપરો એ તમારી કમજોરી . તમે કોઈને અસત્ય કહો એ તમારી નબળાઈ . તમે કોઈને અપશબ્દ કહો એ તમારી નિષ્ફળતા . તમે કોઈની નિંદા કરો એ તમારી હાર . તમે કોઈની વિરોધમાં બોલો એ તમારો અવિવેક . તમે કોઈનાં સત્કાર્યમાં ઉત્સાહભંગની પરિસ્થિતિ બનાવો એ તમારું અજ્ઞાન .
તમારાં કથનથી કોઈને સત્કાર્ય કરવાનું મન થાય એ તમારું બળ . તમારી ભાષામાં સીધી સરળ વાત હોય અને છલપ્રપંચ બિલકુલ ન હોય એ તમારો સંસ્કાર . તમે અસત્યનું સમર્થન થાય એવી વાત ન કરો એ તમારી તાકાત . તમે ઉત્તમજનોની પ્રશંસા મોઢામોઢ કરો એ તમારી જીત . તમે ગુણવંત જનોનાં સમર્થનમાં બોલો એ તમારો વિવેક . તમે કોઈનાં પણ હૈયામાં ઉત્સાહભંગની પરિસ્થિતિનું નિર્માણ ન થવા દો એ તમારું જ્ઞાન . તમે કોઈની સાથે વાત કરો ત્યારે તમારો વાત કરવાનો મુદ્દો સારો જ હોવો જોઈએ . તમે જે બોલો એમાં ધર્મની છાયા હોવી જોઈએ . તમે જે કહો એમાં દેવ અને ગુરુ પ્રત્યે સમર્પણની ભાવના ટપકતી હોવી જોઈએ . તમે જે બોલો એમાં તત્ત્વચિંતનની છાયા હોવી જોઈએ . તમે જે કહો એમાં આરાધકભાવની ઊંડી અસર હોવી જોઈએ .
સાધનાના નિયમો યાદ રાખજો . પહેલી વાત એ છે કે તમે જેટલું જરૂરી હોય તેટલું જ બોલો છો . બીજી વાત એ છે કે તમે ઓછામાં ઓછું બોલો છો . ત્રીજી વાત એ છે કે તમે જે બોલો છો એમાં સચ્ચાઈ હોય છે . ચોથી વાત એ છે કે તમે કારણ વગર બોલતા નથી . પાંચમી વાત એ છે કે તમે વ્યાજબી કારણ ઉપસ્થિત થાય ત્યારે બોલ્યા વગર રહેતા નથી . છઠ્ઠી વાત એ છે કે તમે જ્યારે જ્યારે બોલો છો ત્યારે ત્યારે ભગવાનની વાણીને વફાદાર રહો છો . સાતમી વાત એ છે કે તમે બોલો છો ત્યારે તમારા શબ્દો ઉત્તમ જ હોય છે , તમારા શબ્દોમાં તુચ્છતા નથી હોતી . આઠમી વાત એ છે કે તમે અસરકારક રીતે બોલો છો , તમારું કથન વ્યર્થ જાય એવી રીતે તમે બોલતા જ નથી . નવમી વાત એ છે કે તમે અનુચિત પ્રવૃત્તિનો વિરોધ કરવામાં અચકાતા નથી અને દશમી વાત એ છે કે તમે સમુચિત પ્રવૃત્તિનું સમર્થન કરવામાં સંકોચ અનુભવતા નથી .
એક પ્રયોગ કરો . દિવસમાં દશ વાર , વીશ વાર આ એક વાક્ય બોલો . કયું વાક્ય ? વાક્ય છે : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . આ વાક્ય તમારે ખુદને કહેતાં રહેવાનું છે . તમને નબળાં વાક્યો બોલવાની ટેવ પડેલી છે . તમારાં મોઢેથી આખા દિવસમાં દશ , વીશ , પચીશ નબળાં વાક્યો નીકળતાં જ હોય છે . એ વાક્યોનાં રિપ્લેસમેન્ટમાં આ એક વાક્ય બોલતાં રહેવાનું છે . સવારે નાસ્તો થઈ જાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . બપોરે જમવાનું થઈ જાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . સાંજે ભોજન સંપન્ન થાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . સવારે ઊંઘમાંથી ઉઠો ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . દેરાસર દેખાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . ગુરુવંદન કરવા મળે ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . દૂરથી સાધર્મિકનાં દર્શન થાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . આખો દિવસ નાની નાની જે પણ અનુકૂળ ઘટના બને એના પછી બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . તમે જે બોલશો એ મુજબ તમારા મનમાં વિચાર બનશે . बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) , बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) એમ બોલતા રહેવાથી ખરેખર જ સારું થયું હોવાનો અહેસાસ મળવા લાગશે . એ અહેસાસ તમારાં મોઢામાં સારા શબ્દોને ખેંચી લાવશે અને એ અહેસાસ તમારાં મોઢામાં ખરાબ શબ્દોને આવતા અટકાવી દેશે .
આપણે અનુકૂળ ક્ષણોને સારા શબ્દોથી વધાવતાં રહીશું એનું પરિણામ એ આવશે કે અનુકૂળ ક્ષણો વધતી જશે . આપણે પ્રતિકૂળ ક્ષણોમાં આ શબ્દો કદાચ , નહીં બોલી શકીએ . વાંધો નથી . પણ અનુકૂળ ક્ષણો મળે ત્યારે આ શબ્દો બોલી શકીએ છીએ . આ શબ્દો દ્વારા આપણે આપણી વાણીને સારા સંસ્કાર આપીએ છીએ . તમે સારા શબ્દો વારંવાર વાપરવાનું શરૂ કરશો એટલે તમારી વાણીમાં સારા શબ્દો વધતા જશે . એ સારા શબ્દો તમને સારા અનુભવની યાત્રા કરાવતા રહેશે .
આદિપુરુષની સર્વપ્રથમ અને યુગપ્રવર્તક ઘટનાઓ : કલિકાલ સર્વજ્ઞનાં જ્ઞાનાલોકમાં
દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાને , દીક્ષા લેતાં પહેલાં જે યુગ પ્રવર્તન કર્યું તેનું વર્ણન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત મહાકાવ્યના પ્રથમ પર્વમાં કર્યું છે . વર્તમાનકાલીન લેખકોની નજરે શ્રી ઋષભદેવ ભગવાન્ કેવા છે , કોણ છે તે આપણે વાંચતા આવ્યા છીએ . કલિકાલ સર્વજ્ઞ દ્વારા ઋષભદેવ ભગવાનનું જે વર્ણન થયું છે તે સૌથી વધારે અધિકૃત લાગે છે . તીર્થંકરોનાં જીવનમાં જે સર્વ સામાન્ય ઘટના બને છે તે સર્વ વિદિત છે . શ્રી ઋષભદેવ ભગવાનનાં જીવનમાં અમુક વિશેષ ઘટનાઓ એવી બની છે જે યુગપ્રવર્તનની દિશાદોરી બની રહી . અમુક ઘટનાઓ એવી પણ બની હતી જે યુગપ્રવર્તક નહોતી પરંતુ સર્વપ્રથમ હતી .
૧ . ચૌદ સપનાનું અર્થઘટન ઈન્દ્રો દ્વારા થયું
મરુદેવી માતાએ ૧૪ સપનાં જોયાં તે પછી સ્વપ્નલક્ષણ પાઠકોએ ભવિષ્યવાણી કરી એવી ઘટના બની નહોતી આ આપણે જાણીએ છીએ . મરુદેવી માતાએ નાભિરાજાને ચૌદ સપનાની વાત કરી ત્યારે નાભિરાજાએ – ઉત્તમ કુલકર સંતાન અવતરશે , એવી ભવિષ્યવાણી કરી હતી . પરંતુ ૧૪ સપનાંની ઘટના અહીં અટકી નહોતી . અનેક ઈન્દ્રોનાં સિંહાસન કંપાયમાન થયાં હતાં . ઈન્દ્રોને ચ્યવન કલ્યાણકની ઘટનાની ખબર પડી . સૌ ઈન્દ્રો મિત્રમંડળની જેમ એકસાથે મળીને મરુદેવી માતા સમક્ષ આવ્યા . સૌ ઈન્દ્રોએ મરુદેવી માતાને ચૌદે ચૌદ સ્વપ્નનાં એક એક અર્થઘટન સંભળાવ્યા અને ચૌદ સ્વપ્નનું એક સામૂહિક અર્થઘટન પણ સંભળાવ્યું . ( त्रिषष्टि प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक २२७ થી २४९ ) પ્રભુની માતાને ઈન્દ્રો , ચૌદ સ્વપ્નનાં અર્થઘટન સંભળાવે છે આવી ઘટના સર્વપ્રથમ વાર બની છે .
૨ . ઇન્દ્રના હાથ પર વિલેપન
નવજાત પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયેલા ઇન્દ્ર મહારાજા પ્રભુની માતાને અવસ્વાપિની નિદ્રા આપે છે . તે પછી પોતાના પાંચ રૂપનું નિર્માણ કરે છે અને એમાંથી એક રૂપ દ્વારા પ્રભુને ગ્રહણ કરે છે . પ્રભુને હાથમાં લેતાં પહેલાં ઇન્દ્ર પોતાના બેય હાથને ગોશીર્ષ ચંદનનાં વિલેપન લગાવી લે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ४१९ ) આ વાત થોડીક નવી લાગે છે .
૩ . જન્માભિષેકમાં પૂજાનો ક્રમ
સર્વ પ્રથમ અભિષેક કરનાર અચ્યુત ઇન્દ્ર પ્રભુનો અભિષેક કર્યા બાદ પ્રભુને અંગલૂંછણા કરે છે ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५३८ / ५३९ ) અને તે પછી પ્રભુની વિલેપન પૂજા અને પુષ્પ પૂજા કરે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५६९ / ५७० ) ત્યારબાદ અન્ય ઇન્દ્રો પણ અભિષેક અને અન્ય પૂજા કરે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५७२ ) છેવટે ઈશાન ઇન્દ્ર પાંચ રૂપ ધારણ કરીને પ્રભુને ગ્રહે છે . ઈશાન ઇન્દ્ર વજ્રને બદલે ત્રિશૂલ ધારણ કરે છે આટલો એક ફરક રહે છે . હવે સૌધર્મ ઈન્દ્ર અભિષેક , અંગલૂંછણા અને અન્ય પૂજા કરે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५८५ )
૪ . પ્રભુનું આહાર ગ્રહણ
બાળ અવસ્થામાં પ્રભુ અંગૂઠે અમૃતવાહી હતા . ઇન્દ્ર પ્રભુના અંગૂઠામાં જે અમૃત સિંચન કરે છે એનું આચમન લઈને પ્રભુ જીવન નિર્વાહ કરતા હતા , માતાનું દૂધ પરમાત્મા લેતા ન હતા. બાળ અવસ્થા વ્યતીત થયા બાદ અન્ય અવસ્થામાં પ્રભુ રાંધેલું અન્ન લેતાં નથી . પ્રથમ પ્રભુ ભોજન તરીકે કેવળ કલ્પવૃક્ષનાં ફળ આરોગે છે અને પાણી તરીકે ક્ષીર સમુદ્રનું જળ વાપરે છે . અન્ય તીર્થંકરો બાળવય વ્યતીત થયા બાદ રાંધેલું અન્ન સ્વીકારે છે . પ્રથમ પ્રભુએ જન્મથી માંડીને દીક્ષા સુધીમાં રાંધેલું અન્ન વાપર્યું નહોતું . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ६८३ / ६८४ )
૫ . પ્રભુના વંશનું નામકરણ
પ્રથમ પ્રભુ એક વર્ષના થયા ત્યારે ઇન્દ્ર પ્રભુના કુળનું નામ પાડવા માટે મનુષ્ય લોક આવ્યા હતા . ખાલી હાથે ન જવાય એટલે હાથમાં એમણે ઈક્ષુનો સાંઠો રાખ્યો . ઈન્દ્ર પ્રભુ પાસે પહોંચ્યા ત્યારે પ્રભુ અવધિજ્ઞાનથી ઇન્દ્રની ભાવના જાણતા હતા . પ્રભુએ એ ઈક્ષુને લેવા માટે પોતાનો હાથ લંબાવ્યો . ઇન્દ્રે એ ઈક્ષુદંડ પ્રભુના હાથમાં મૂક્યો . આ ઈક્ષુ ગ્રહણના આધારે પ્રથમ પ્રભુના વંશનું નામ નિર્ધારિત થયું : ઈક્ષ્વાકુ . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ६५४ થી ६५९ )
૬ . યુગલિક બાળનું અકાળ મરણ
તે સમયમાં યુગલિક વ્યવહાર ચાલતો હતો . પુરુષ અને સ્ત્રીનું દરેક યુગલ જનમની ક્ષણથી માંડીને મરણની ક્ષણ સુધી સાથે સાથે રહેતું . સાથે જ જન્મે , સાથે જ જીવન વીતાવે અને સાથે જ મરણ પામે . કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી એકલા જન્મ્યાં હોય , એકલા જીવતાં હોય કે એકલા મર્યા હોય એવું જોવા મળતું નહીં . આ વ્યવસ્થાનો ભંગ પહેલીવાર થયો . એક બાળ વયનું યુગલ વનમાં ફરતું હતું તે એકદા તાડવૃક્ષની નીચે આવ્યું ત્યારે તાડવૃક્ષનું ફળ બાળવયના પુરુષ પર પડ્યું . આનાથી તે બાળનું મરણ થયું . આ ઘટનાને લીધે જે અવ્યવસ્થા સર્વપ્રથમ વાર જોવા મળી તે આ મુજબ છે . એક , પૂર્ણ આયુષ્યનો મનુષ્ય જ મૃત્યુ પામે છે એેવું આજ સુધી જોવા મળતું હતું એને બદલે પહેલીવાર એવું જોવા મળ્યું કે અલ્પ આયુષ્યનો મનુષ્ય મૃત્યુ પામ્યો છે . બે , યુગલિક અવસ્થાનાં પુરુષ અને સ્ત્રી એકી સાથે મરણ પામે છે એેવું આજ સુધી જોવા મળતું હતું એને બદલે પહેલીવાર એવું જોવા મળ્યું કે યુગલિક અવસ્થાનો પુરુષ મૃત્યુ પામ્યો અને સ્ત્રી મૃત્યુ ના પામી . ત્રણ , પૂર્ણ આયુષ્યના પુરુષ અને સ્ત્રી એકી સાથે મરણ પામતા તે પછી એમનાં મૃતકને વિરાટ પક્ષીઓ સમુદ્રમાં ફેંકી દેતા હતા . પરંતુ અપૂર્ણ આયુષ્યમાં એકાકી મરણ પામેલા પુરુષની કાયાને કોઈ પક્ષીએ સમુદ્રમાં ના ફેંકી , એ કાયા એમનેમ પડી રહી .( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ७३५ થી ७४० )
૭ . વિવાહ વિધાન
+ એકલી પડેલી યુગલિક બાલિકા યુવાવસ્થાએ પહોંચી ત્યારે યુગલિકો એને નાભિરાજા પાસે લઈ ગયા . યુગલિક મહિલાનો વિવાહ પોતાના યુગલિક પુરુષ સાથે થાય એવો વ્યવહાર અખંડ રીતે ચાલુ હતો . પરંતુ આ યુગલિક મહિલા એકલી પડી ગઈ હતી . એની સાથેનો યુગલિક પુરુષ જીવિત નહોતો રહ્યો . આ પરિસ્થિતિમાં નાનપણથી એકલી રહેલી યુગલિક સ્ત્રી સાથે વૃષભ કુમારનો સંબંધ જોડાશે એવો નિર્ણય નાભિરાજાએ કર્યો હતો . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ७५५ / ७५६ ) અન્ય પરિવારમાં રહેનારી કન્યાને પોતાના પરિવારમાં લાવવાનો વહેવાર અહીંથી શરૂ થયો . + પ્રભુના વિવાહનો સમય થયો છે એવું અવધિજ્ઞાનથી ઇન્દ્રે જાણ્યું . તે પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયા . એમણે પ્રભુને કહ્યું કે લોકવ્યવહારનાં પ્રવર્તન માટે આપનો પાણિગ્રહણ મહોત્સવ કરવાની ભાવના છે , આપ અનુમતિ આપો . ઈન્દ્રની પ્રાર્થનાના શબ્દો વાંચવા જેવા છે : मन्ये स्वामी वीतरागो गर्भवासात् प्रभृत्यपि । चतुर्थपुरुषार्थाय सज्जोડन्यार्थाડनपेक्षया ।। तथाડपि नाथ लोकानां व्यवहारपथोડपि हि ।त्वयैव मोक्षवर्त्मेव सम्यक् प्रगटयिष्यते ।। આ વિનંતી સાંભળીને પ્રભુ સ્વીકૃતિના સંકેતપૂર્વક મૌન રહ્યા . હવે ઇન્દ્રે વિવાહની સંપૂર્ણ તૈયારીઓ કરી , કરાવી . તે પછી પ્રભુને વિવાહમાં પધારવા ઇન્દ્રે વિનંતી કરી . ત્યારે પ્રભુએ શું વિચાર્યું તે જુઓ : दर्शनीया स्थितिर्लोके भोक्तव्यं भोग्य कर्म च ।अस्ति मे चिन्तयित्वैवमन्वमन्यत तद्वच: ।।( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८२५ )
પ્રભુએ વિચાર્યું હતું કે મારે આ વ્યવસ્થા લોકોને બતાવવાની છે અને કર્મ ભોગવવાનું બાકી છે . આથી પ્રભુએ વિનંતી સ્વીકારી હતી . સૌ પ્રથમવાર સંપન્ન થયેલી તે વિવાહવિધિ દ્વારા દુનિયામાં વિવાહની વ્યવસ્થાનું પ્રવર્તન થયું . तत: प्रभृति सोद्वाहस्थिति: स्वामिप्रदर्शिता । प्रावर्तत ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८८१ )આ વિવાહ વિધિમાં પ્રભુના પરિવારપક્ષે પુરુષ બની દેવો જોડાયા હતા . આ પુરુષ વર્ગની મજાક કન્યાપક્ષની સ્ત્રીઓએ ઉડાવી હતી . એ મજાક એવી હતી પુરુષરૂપે જોડાયેલા દેવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા . પરંતુ પ્રભુએ વ્યવહાર પ્રવર્તન તરીકે આ મજાક ઉડાવવાની ક્રિયાને રોકી નહોતી . लोकेषु व्यवहारोડयं दर्शनीय इति प्रभु: ।विवाद इव मध्यस्थस्तदुपेक्षितवान् तथा ।। ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८६४ )
૮ . પરિવારનો વિસ્તાર
યુગલિકનો એ યુગ હતો . દરેક યુગલિકના પરિવારમાં એકવાર જ સંતાન જન્મ થતો હતો . પરિવારમાં સંતાનજન્મ બીજીવાર પણ થાય છે એવું યુગલિકોએ જોયું હશે કે કેમ એ પ્રશ્ન છે . પ્રભુના પરિવારમાં સંતાનનું અવતરણ થયું એની પહેલાં એક નાનો પ્રસંગ બનેલો . સુમંગલાદેવીએ ૧૪ સપનાં જોયાં . એમણે ૧૪ સપનાંની વાત ઋષભદેવ ભગવાનને કહી . ઋષભદેવ ભગવાને ભવિષ્યવાણી સ્વરૂપે કહ્યું એ તમને પુત્ર થશે અને એ ચક્રવર્તી બનશે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८८६ / ८८७ ) સ્વપ્નની યથાર્થ ભવિષ્યવાણી કરવાની આ પ્રવૃત્તિ પ્રાયઃ સર્વપ્રથમ હતી . સુમંગલાદેવીએ સંતાનયુગલને જન્મ આપ્યો હતો : ભરત અને બ્રાહ્મી . સુનંદાદેવીએ પણ સંતાનયુગલને જન્મ આપ્યો હતો : બાહુબલી અને સુંદરી . આ પછી સુમંગલાદેવીએ અન્ય ૪૯ સંતાનયુગલને જન્મ આપ્યો હતો . આ દરેક સંતાનયુગલ પુત્ર રૂપે જ અવતરિત થયા હતા . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८९० ) જે યુગમાં સંતાનયુગલ પુત્ર અને પુત્રી સ્વરૂપે જન્મ લેતાં એ યુગમાં સંતાનયુગલ તરીકે આવેલાં બંને સંતાન પુત્ર જ હોય , આ સર્વપ્રથમ ઘટના હતી . ઋષભદેવ ભગવાન્ કુલ મળીને ૧૦૦ સંતાનના પિતા બન્યા . જે યુગમાં એક યુગલિકના પરિવારમાં બે જ સંતાનનું અવતરણ થતું એ યુગમાં એક પરિવારમાં એકસો સંતાનનું અવતરણ થાય એ પ્રાયઃ સર્વપ્રથમ ઘટના હતી .
૯ . રાજ્ય અભિષેક
યુગલિકોનાં જીવન કલ્પવૃક્ષ પર અવલંબિત હોય છે . કલ્પવૃક્ષ યુગલિકોની તમામ આકાંક્ષાની પૂર્તિ કરી આપે છે . દશ કલ્પવૃક્ષ હોય છે . પ્રથમ આરામાં દરેક કલ્પવૃક્ષની શક્તિ એની ચરમસીમા પર હોય છે . બીજા આરામાં કોઈપણ કલ્પવૃક્ષની શક્તિ થોડીક ક્ષીણ થાય છે . ત્રીજા આરામાં કલ્પવૃક્ષની શક્તિ વધુ ક્ષીણ થાય છે . છતાં કલ્પવૃક્ષ ખૂબ શક્તિશાળી હોય છે . પ્રથમ કલ્પવૃક્ષ હોય છે મદ્યાંગ . યાચના કરનારને તેની પાસેથી સ્વાદિષ્ટ મદ્ય મળે છે . બીજું કલ્પવૃક્ષ હોય છે ભૃતાંગ . યાચના કરનારને તેની પાસેથી સુંદર પાત્ર એટલે કે વાસણ મળે છે . ત્રીજું કલ્પવૃક્ષ હોય છે તૂર્યાંગ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ વાજીંત્ર મળે છે . ચોથું અને પાંચમું કલ્પવૃક્ષ હોય છે દીપશિખા અને જ્યોતિષિકા . તેમની પાસેથી અજવાળું મળે છે . છઠ્ઠું કલ્પવૃક્ષ હોય છે ચિત્રાંગ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ પુષ્પમાળા મળે છે . સાતમું કલ્પવૃક્ષ હોય છે ચિત્રરસ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ ભોજન મળે છે . આઠમું કલ્પવૃક્ષ હોય છે મણ્યંગ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ દાગીના મળે છે . નવમું કલ્પવૃક્ષ હોય છે ગેહાકાર . યાચના કરનારને તેની પાસેથી વિવિધ નિવાસસ્થાન મળે છે . દશમું કલ્પવૃક્ષ હોય છે અનગ્ન . યાચના કરનારને તેની પાસેથી વિવિધ કપડાં મળે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक १२० થી १३३ )
ત્રીજા આરામાં યુગલિક લોકોની બધી જ આવશ્યકતાઓ કલ્પવૃક્ષ દ્વારા સંતૃપ્ત થતી હતી , યુગલિકોની વિષયવાસનાઓ અને કષાયભાવનાઓ તીવ્ર હોતી નથી . આથી યુગલિક લોકો સહસા પ્રસન્ન રહેતા હોય છે . ત્રીજા આરાના છેલ્લા તબક્કામાં કલ્પવૃક્ષની શક્તિ ક્ષીણ થાય છે તેમ જ યુગલિકોની વિષયવાસનાઓ અને કષાયભાવનાઓની તીવ્રતાઓ બદલાય છે . આથી યુગલિક લોકોની પ્રસન્નતાનું ધોરણ બદલાય છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८९३ / ८९४ ) અનુશાસન માટે નિર્ધારિત એવી હાકાર , માકાર અને ધિક્કાર નીતિને યુગલિકો ગાંઠતા નથી . સંક્લેશનું વાતાવરણ વારંવાર બને છે . સૌ સાથે મળીને ઋષભદેવ ભગવાનને આ અવ્યવસ્થાની જાણકારી આપે છે અને માર્ગદર્શન માંગે છે . ભગવાન્ કહે છે કે લોકોને અંકુશમાં રાખવા માટે રાજા જોઈએ અને રાજ્ય વ્યવસ્થા જોઈએ . લોકો કહે છે કે અમારા રાજા આપ જ બનો , અમારામાંથી કોઈમાં આપનાં જેવી સમજણ નથી . ભગવાન્ કહે છે કે નાભિરાજા પાસે જઈને પ્રાર્થના કરો . એ રાજા નક્કી કરી આપશે . યુગલિકો નાભિરાજા પાસે જઈને પ્રાર્થના કરે છે . નાભિરાજા યુગલિકોના રાજા તરીકે ઋષભદેવ ભગવાનનું નામ જાહેર કરે છે . યુગલિકો ઋષભદેવ ભગવાન્ પાસે જઈને સમાચાર આપે છે . રાજ્ય અભિષેક કરવાની તૈયારી સ્વરૂપે યુગલિકો જળ લેવા જાય છે . આ જ સમયે ઇન્દ્રનું સિંહાસન કંપે છે . રાજ્ય અભિષેકની વિધિ કરવાની છે તે ઇન્દ્રને સમજાય છે . તે પ્રભુ સમક્ષ ઉપસ્થિત થાય છે . પ્રભુને સુવર્ણ આસન પર બિરાજમાન કરી અભિષેક વિધિ સંપન્ન કરે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९०६ ) તેમ જ વસ્ત્ર આભૂષણ આદિથી પ્રભુની શોભા રચના કરે છે . થોડીવારમાં યુગલિકો આવી પહોંચે છે . તેઓ પ્રભુની શોભારચના જોયા બાદ અભિષેક જળ ક્યાં રેડવું તેની વિમાસણ અનુભવે છે . પછી તેઓ પ્રભુનાં ચરણ પર જળ રેડે છે અને એ રીતે અભિષેક કર્યાનો આનંદ અનુભવે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९१० ) દેવો અને માનવો દ્વારા આ જે રાજ્ય અભિષેક થયો તે સર્વપ્રથમ વારની ઘટના હતી .
૧૦ . નગર રચના
ઇન્દ્ર યુગલિકોનો વિનયભાવ જોઈને પ્રસન્ન થાય છે . રાજ્ય અભિષેક પામેલા ઋષભદેવ ભગવાન્ અને યુગલિકો એકીસાથે રહી શકે તે માટે ઇન્દ્ર એક મહાન્ નગરીની રચના કરે છે . યુગલિકોનો વિનયભાવ યાદ હતો તેથી ઈન્દ્રે નગરીનું નામ રાખ્યું વિનીતા નગરી . ઋષભદેવ ભગવાન્ બન્યા વિનીતા નગરીના રાજા . યુગલિકો બન્યા વિનીતા નગરીની પ્રજા . આજ સુધી , ગેહાકાર નામક કલ્પવૃક્ષ દ્વારા મળેલાં ઘરમાં યુગલિકો રહેતાં હતાં . પ્રાયઃ પહેલીવાર યુગલિકો એવા ઘરમાં અને શહેરમાં રહેવા લાગ્યા જેમાં કલ્પવૃક્ષનું કોઈ યોગદાન નહોતું . આ નગરીમાં હવેલીઓ , ઝરૂખા , અટારી , ઉદ્યાન , વાવ , કૂવા , સરોવર , કિલ્લા આદિનું નિર્માણ થયું હતું જેની રચના ઇન્દ્રના આદેશથી કુબેરદેવતાએ કરી હતી . નગરી બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તીર્ણ હતી . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९१२ થી ९२४ ) .
૧૧ . શાસન અને જીવન સંબંધી વ્યવસ્થાઓ
+ રાજા બન્યા બાદ તરત જ ઋષભદેવ ભગવાને મંત્રી , આરક્ષક , લોકપાલ , સેના , સેનાપતિ આદિની નિયુક્તિ કરીને રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરી હતી . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९२६ થી ९३३ )
+ યુગલિકોને અશન – પાન કલ્પવૃક્ષ પાસેથી મળતાં હતાં . તેઓ ભોજન બનાવવાની વ્યવસ્થાથી અજાણ હતા . એમને ભોજન કેવી રીતે બનાવાય અને ખવાય એની આખી પ્રક્રિયા ભગવાન્ શીખવે છે . એ પ્રક્રિયા માટે ભગવાન્ બે બાબત વિશેષ રીતે શીખવે છે : અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરવો અને વાસણ કેવી રીતે બનાવવા . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९३४ થી ९५१ )
+ પ્રભુના પ્રભાવે પાંચ પ્રકારની કળાના નિષ્ણાત લોકો તૈયાર થયાં . માટીનાં વાસણ , રમકડાં આદિ બનાવનાર કુંભકાર . મકાન આદિનું બાંધકામ કરી આપનાર વાર્ધકિ . વિવિધ પ્રકારનાં વસ્ત્રો બનાવનાર વણકર . વિધવિધ ચિત્રો બનાવી બનાવનારા ચિત્રકાર . વાળ અને નખને વ્યવસ્થિત કરી આપનારા નાપિત એટલે કે વાળંદ . કુંભકાર સાથે જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . વાર્ધકિ સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . વણકર સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . ચિત્રકાર સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . નાપિત સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . આ રીતે ૧૦૦ પ્રકારનાં રચનાકર્મનું એટલે કે શિલ્પનું પ્રવર્તન થયું . ઘાસ , કાષ્ટ , ખેતી અને વાણિજ્ય સંબંધી કર્મ પ્રભુ થકી પ્રવર્ત્યા . સામ , દામ , દંડ , ભેદ આ ચાર નીતિઓ પ્રભુએ પ્રવર્તાવી . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९५२ થી ९५९ )
+ પ્રભુએ પોતાના પુત્ર ભરતને ૭૨ કળા શીખવી . ભરતે એ કળા પોતાના અન્ય ભાઈઓને તેમ જ પોતાના અનેક પુત્રોને શીખવી . પ્રભુએ બાહુબલીને હસ્તી , અશ્વ , પુરુષ અને સ્ત્રી સંબંધી લક્ષણોની જાણકારી વિસ્તારપૂર્વક આપી . પ્રભુએ બ્રાહ્મીને બ્રાહ્મી આદિ ૧૮ લિપિ શીખવાડી . પ્રભુએ સુંદરીને ગણિત સંબંધી વિદ્યા વિસ્તારથી શીખવી . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९६० થી ९६४ ) + નિષ્પક્ષ સાક્ષિની હાજરીમાં વાદી પ્રતિવાદીનો વ્યવહાર , ધનુર્વિદ્યા અને આયુર્વેદ , યુદ્ધ તેમ જ અર્થશાસ્ત્ર . આવા અન્ય અન્ય અનેક દુનિયાદારી વહેવાર પ્રભુનાં કારણે પ્રવર્તન પામ્યા . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९६५ થી ९७० )
+ આ સઘળાય વહેવાર અંગે પ્રભુનો આશય શું હતો ?एतच्च सर्वं सावद्य – मपि लोकानुकंपया ।प्रभु : प्रवर्तयामास जानन् कर्तव्यमात्मन : ।। तदाम्नायात् कलादीदमद्यापि भुवि वर्तते ।अर्वाचीनैर्बुद्धिमद्भि – र्निबद्धं शास्त्ररूपत: ।। स्वामिन: शिक्षया दक्षो लोकोડभूदखिलोડपि स: । ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९७१ થી ९७३ )
પ્રભુએ જે જે શીખવ્યું તે સાવદ્ય હતું પરંતુ પ્રભુનાં હૈયે લોકો માટે અનુકંપા હતી આથી પ્રભુએ પોતાનું કર્તવ્ય સમજીને તે તે વ્યવસ્થાઓનું પ્રવર્તન કર્યું . પ્રભુએ કળા અને વ્યવસ્થા આદિ જે પ્રવર્તાવ્યાં તેના આધારે આધુનિક વિદ્વાનોએ શાસ્ત્રો રચ્યાં છે અને એ શાસ્ત્રો રૂપે પ્રભુની શિક્ષા આજે પણ જીવિત છે .
૧૨ . લોકોને આપ્યો વિવેકનો બોધ
હેય શું છે તે પણ પ્રભુએ લોકોને શીખવ્યું અને ઉપાદેય શું છે તે પણ શીખવ્યું . ઘણાબધા લોકો હેય અને ઉપાદેયના વિષયના ઊંડા જાણકાર બની ગયા હતા . આથી ભરતક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રનું વાતાવરણ રચાઈ ગયું હતું . हेयादेय – विवेकज्ञी – कृतैर्लोकैर्व्यधात् प्रभु: ।प्रायेण भरतक्षेत्रं विदेहक्षेत्र – संनिभम् ।। ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९८३ ) પ્રભુ જીવનના વીશ લાખ પૂર્વ વીત્યાં તે પછી રાજા બન્યા હતા . પ્રભુનો રાજ્યકાળ ત્રેસઠ લાખ પૂર્વનો રહ્યો .
૧૩ . વનક્રીડા જોતાં જોતાં વૈરાગ્યનું સ્પંદન
તીર્થંકર સ્વયં સંબુદ્ધ હોય છે . એમને વૈરાગ્ય સહજ સિદ્ધ હોય છે . કોઈ કારણ દ્વારા તેઓ વૈરાગ્ય પામે છે એવું હોતું નથી . પરંતુ દીક્ષાનો સમય નજીક આવે તે વખતે વૈરાગ્યને અનુકૂળ ઘટના બની શકે છે . પાર્શ્વનાથ ભગવાને નેમિનાથ પરમાત્માની ચિત્રકથા જોઈ તે વૈરાગ્યને અનુકૂળ ઘટના હતી . આથી એવું વહેવારમાં કહેવાય છે કે પ્રભુ ચિત્ર જોઈને દીક્ષા માટે ઉદ્યુક્ત થયા . પ્રથમ પ્રભુ , એકવાર પરિવારની વિનંતીથી વસંત ઋતુની વનક્રીડા જોવા વનમાં પધાર્યા . ક્રીડારત લોકોને જોઈને પ્રભુ વિચારે છે કે શું આવી આનંદક્રીડાઓ મેં ક્યાંક જોઈ છે ? અવધિજ્ઞાનથી પ્રભુ જુએ છે કે મેં દેવલોકમાં આવો આનંદ ઘણીવાર લીધો છે . એ જ વખતે પ્રભુ વૈરાગ્યવાહી વિચારો પણ ધારણ કરે છે . આ સમયે નવ લોકાંતિક દેવ પ્રભુની સેવામાં ઉપસ્થિત થયા .( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक १०१७ થી १०३४ ) મનુષ્યલોકમાં ચાલી રહેલી આનંદક્રીડાને જોઈને પ્રભુ અવધિ જ્ઞાન દ્વારા પોતાના પૂર્વભવની આનંદક્રીડાને યાદ કરે અને એના થકી વૈરાગ્યનાં સ્પંદન અનુભવે આ કંઈક વિશેષ વાત છે .
૧૪ . પાંચને બદલે ચાર મુષ્ટિનો લોચ
કોઈ પણ તીર્થંકર પ્રભુ દીક્ષા ગ્રહણની ક્ષણે પંચમુષ્ટિ લોચ કરે છે . દીક્ષાના સમયે પ્રથમ પ્રભુ લોચ કરી રહ્યા હતા એમાં ચાર મુષ્ટિનો લોચ થઈ ગયો . પાંચમી મુષ્ટિમાં ભગવાન્ મસ્તકની પાછળના કેશનો લોચ કરવાના હતા ત્યારે ઈન્દ્રે પ્રભુને વિનંતી કરી કે ‘ આ મસ્તકની પાછળના વાળ એમ જ રહેવા દો . આપના સોનેરી સ્કંધ પર , શ્યામ રંગી વાળ ફેલાય છે એ જોવાનું ખૂબ ગમે છે . પ્રભુ મસ્તકની પાછળના વાળનો લોચ ન કરો એવી મારી ખાસ વિનંતી છે . ‘ પ્રભુએ ઇન્દ્ર મહારાજાની આ વિનંતીનો સ્વીકાર કર્યો . સામાન્ય રીતે દરેક તીર્થંકરો પંચમુષ્ટિ લોચ કરતા હોય છે . એકમાત્ર આદીશ્વર ભગવાન સાથે એવી ઘટના બની કે પ્રભુએ પંચમુષ્ટિને બદલે ચાર મુષ્ટિનો જ લોચ કર્યો . ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक ६७ થી ७१ ) આ ઘટના અભૂતપૂર્વ છે .
૧૫ . સર્વપ્રથમ દાનપ્રવૃત્તિ
સામાન્ય રીતે દીક્ષાના દિવસે પ્રભુ જે તપ કરે એનું પારણું દીક્ષાના બીજા દિવસે થતું હોય છે . પરંતુ પ્રથમ પ્રભુનું દીક્ષા તપનું પારણું દીક્ષાના બીજા દિવસે થયું નહીં . भगवान् पारणाहेડपि भिक्षां प्राप न कुत्रचित्।भिक्षुदानाડनभिज्ञो हि तदेकान्त ऋजुर्जन: ।। ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक ९४ ) ઘરમાં ભોજન બનતું હોય તેમ છતાં ભિક્ષુને દાન તરીકે શું આપવું તેની વિધિ લોકો જાણતા ન હોય અને એ કારણસર પ્રભુને પારણું ન થાય આવી પરિસ્થિતિ સર્વ પ્રથમવાર જોવા મળી હતી . પ્રભુનાં પારણાનો સમય ચારસો દિવસે આવ્યો . વૈશાખ સુદ ત્રીજ . આ દિવસે પારણાંની ઘટના બની . પારણું શ્રેયાંસકુમારે કરાવ્યું તે પહેલાં કોઈએ કોઈને પારણું કરાવ્યું નહોતું . જે રીતે અન્ય સઘળો વ્યવહાર ઋષભદેવ ભગવાને પ્રવર્તાવ્યો એ રીતે દાનધર્મ શ્રેયાંસકુમારે પ્રવર્તાવ્યો . પ્રભુનું પારણું જે સુપાત્રદાન દ્વારા થયું તે વર્તમાન યુગનું સર્વપ્રથમ દાન હતું . राधशुक्लतृतीयायां दानमासीत् तदक्षयम् । पर्वाડक्षयतृतीयेति ततोડद्यापि प्रवर्तते ।। श्रेयांसोपज्ञमवनौ दानधर्मं प्रवृत्तवान् । स्वाम्युपज्ञमिवाशेषव्यवहारनयक्रम: ।। ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक ३०१ / ३०२ ) પ્રભુએ જ્યાં પારણું કર્યું ત્યાં શ્રેયાંસકુમારે એક રત્નમયપીઠિકાની રચના કરી જેને આદિત્યપીઠ એવું નામ આપવામાં આવ્યું . જ્યાં ઊભા રહીને પ્રભુએ પારણું કર્યું ત્યાં કોઈ પગ ન મૂકે એવી ધારણાથી આ પીઠિકાની રચના કરવામાં આવી હતી . આ પીઠિકા બની તે પછી પ્રભુ જ્યાં જ્યાં પારણું કરતા ત્યાં ત્યાં સ્થાનિક લોકો દ્વારા પીઠિકાની રચના થતી રહી . લોકમાં આ પીઠ આદિત્યપીઠ તરીકે પ્રસિદ્ધ થઈ . ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक ३३१ થી ३३४ )
૧૬ . જટાધારી તાપસોની પરંપરાનો પ્રારંભ
ઋષભદેવ ભગવાન્ દીક્ષા લે છે ત્યારે એમની સાથે ૪૦૦૦ રાજાઓ પણ દીક્ષા લે છે , જેમાં કચ્છ અને મહાકચ્છ મુખ્ય સ્થાને હોય છે . પ્રભુ – પારણું નથી થતું ત્યારે ઉપવાસ ઉપર ઉપવાસ કરતાં આગળ અને આગળ તપ વધારતા રહે છે . પરંતુ સાથેના દીક્ષિત મહાત્માઓ ઉપવાસ કે તપ કરવા માટે પ્રભુની જેમ સક્ષમ નથી . એમને પ્રભુની સાથે રહેવું છે એ સ્પષ્ટ છે . એમને સંસારનો પરિત્યાગ કર્યો એનો કોઈ પસ્તાવો પણ નથી . એ ફક્ત લાંબા ઉપવાસ કરવા સમર્થ નથી . એમને પણ ભિક્ષા મળી નથી રહી . પેટની ભૂખથી તેઓ થાકી હારી જાય છે . તેઓ પ્રભુથી છૂટા પડીને ગંગા નદીના કિનારે નિવાસ કરે છે , કંદમૂળ અને ફળ આદિ વાપરીને પેટ ની ભૂખ સંતોષે છે . સંસારત્યાગ બાબતે તેઓ સ્પષ્ટ છે . આથી તેઓ ગૃહવાસમાં પ્રવેશ કરતા નથી . કચ્છ અને મહાકચ્છ દ્વારા વનવાસી તાપસોની પરંપરા શરૂ થઈ . प्रावर्तन्त तत: कालात् तापसा वनवासिन: । जटाधरा: कंदफलाद्याहारा इह भूतले ।। ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक १२३ )
૧૭ . વૈતાઢ્યગિરિ પર નગરોની શ્રેણિ રચાઈ
કચ્છ અને મહાકચ્છના પુત્ર નમિ અને વિનમિ , દીક્ષિત ઋષભદેવ ભગવાન્ પાસેથી પોતાના સંસારી હક તરીકેનું રાજ્ય વાંછે છે . તેઓ રોજ દીક્ષિત ભગવાનની સેવા કરતાં રહે છે . ધરણેન્દ્ર એમની સેવા અને લાગણીથી પ્રસન્ન થાય છે . એ નમિવિનમિને ૪૮૦૦૦ વિદ્યા આપે છે . ધરણેન્દ્ર નમિવિનમિને વૈતાઢ્ય પર્વત પર પોતપોતાનું રાજ્ય સ્થાપવા કહે છે . ધરણેન્દ્રનાં શાસન અનુસાર – વૈતાઢ્ય પર્વત પર દક્ષિણ દિશાની શ્રેણિમાં નમિએ૫૦ નગરની રચના કરી , વૈતાઢ્ય પર્વત પર ઉત્તર દિશાની શ્રેણિમાં વિનમિએ ૬૦ નગરની રચના કરી . સર્વ પ્રથમ વાર આખેઆખા બે નવાં રાજ્યની સ્થાપના થઈ . એની સત્તાવાર જાણકારી ભરત રાજાને પણ મળી . નમિ અને વિનમિ માટે વિશાલ રાજ્યની રચના થઈ તે ઋષભદેવ ભગવાનના પ્રભાવે . ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक १२४ થી २३३ )
૧૮ . સિદ્ધગિરિરાજની ગૌરવસ્થાપના
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્યમાં પ્રભુ સિદ્ધગિરિરાજ ઉપર પધાર્યા , ભરતચક્રીએ ગિરિરાજ પર શ્રી ઋષભ જિન ચૈત્યની રચના કરી . એવો ઉલ્લેખ મળે છે . ( प्रथम पर्व : षष्ठ सर्ग : श्लोक ३९१ થી ४५० ) પ્રભુ કેટલી વાર પધાર્યા અને કયા દિવસે પધાર્યા એ સંબંધી ઉલ્લેખ શત્રુંજયમાહાત્મ્ય અને શત્રુંજય કલ્પવૃત્તિ ગ્રંથમાં મળે છે . એટલું ચોક્કસ છે કે ઋષભદેવ ભગવાનને લીધે જ સિદ્ધગિરિરાજની યાત્રાનો મહાન્ યુગ પ્રવર્તન પામ્યો છે .
૧૯ . અષ્ટાપદગિરિની ગૌરવસ્થાપના
પ્રભુ અષ્ટાપદ ગિરિરાજ ઉપર પધાર્યા અને ૧૦.૦૦૦ આત્માઓ સાથે મોક્ષમાં સિધાવ્યા . ભરતચક્રીએ અષ્ટાપદગિરિ પર ચોવીશ જિન ચૈત્યની રચના કરી . એમ અવશ્ય કહી શકાય કે અષ્ટાપદગિરિની ગૌરવસ્થાપના પ્રભુના પ્રભાવે થઈ . ( प्रथम पर्व : षष्ठ सर्ग : श्लोक ४५९ થી ६७९ )
ઋષભદેવ ભગવાનનાં જીવનની આ ઓગણીસ વિશેષ ઘટનાઓ છે . જેમાં અમુક ઘટના સર્વપ્રથમ વાર સંપન્ન થઈ છે અને અમુક ઘટનાઓ યુગપ્રવર્તક છે . આ સિવાયની અન્ય દરેક ઘટના પણ મહત્ત્વપૂર્ણ છે .
( પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોવર્મ સૂરીશ્વરજી મ.સા. , પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થયશવિજયજી મ.સા.ની આત્મીય અભ્યર્થનાથી આ લેખ ઋષભાયન ગ્રંથ માટે લખ્યો છે . ઋષભાયન ગ્રંથ વિમોચન દિન : ૧૯.૧૦.૨૦૨૪ )
શું સાથે નથી લઈ જવું એમાં સ્પષ્ટ થઈ જાઓ : શું સાથે આવશે એ એની મેળે નક્કી થઈ જશે
બહારગામ જતી વખતે આપણે લોકો સાથે સામાન લઈને જઈએ છીએ . જેની સાથે સામાન ઓછો હશે એનો પ્રવાસ સારો થશે . જેની સાથે સામાન ઘણો વધારે હશે એનો પ્રવાસ અઘરો જશે . ઓછામાં ઓછો સામાન રાખીએ , બિલકુલ જરૂરી હોય એટલો જ સામાન સાથે રાખીએ તો પ્રવાસમાં સુગમતા રહે છે . કયો સામાન સાથે નથી રાખવો એનું જજમેન્ટ આપણામાં હોવું જોઈએ . ભાઈઓ બહારગામ જવા નીકળશે તો સામાનની બાબતમાં એમને પોલીસી સીધી હોય છે . આ નથી રાખવું , આ નથી રાખવું અને આ નથી રાખવું . પરંતુ બેનો બહારગામ નીકળે તો એમની પોલીસી અલગ હોય છે . આ પણ સાથે રાખો , આ પણ સાથે રાખો અને આ પણ સાથે રાખો . એટલે તમે જોજો . પુરુષો એકલા બહારગામ નીકળશે તો એમનો સામાન ઓછો હશે . પણ બહેનો બહારગામ માટે નીકળશે તો એમનો સામાન ઘણો વધારે હશે . તમારે જો પ્રવાસમાં નિરાંત જોઈતી હોય તો કયો સામાન સાથે નથી રાખવો એ નક્કી કરી લેવું જોઈએ .
આના જેવી એક બીજી પણ વાત છે . આપણે અહીંથી મરીને પરલોકમાં જઈશું . પરલોકમાં શું લઈ જવું છે એ પણ નક્કી હોવું જોઈએ અને શું નથી લઈ જવું એ પણ નક્કી હોવું જોઈએ . જે જે લઈ જવું છે એની સાથે જોડાયેલા રહેવાનું . જે નથી લઈ જવું એનાથી દૂર રહેવાનું . આવતા ભવમાં શું સાથે નથી લઈ જવું એની વિચારણા થવી જોઈએ . ત્રણ વાતો યાદ રાખજો . આ ભવમાં તમે જે કામથી દૂર રહો છો એ કામ આવતા ભવમાં તમારી સાથે આવતું નથી . આ ભવમાં તમે જે જે કામનો પસ્તાવો કરો છો એ કામ આવતા ભવમાં સાથે આવતું નથી . આ ભવમાં તમે જે જે કામ પ્રત્યે અણગમો રાખો છો એ કામ આવતા ભવમાં સાથે આવતું નથી . પરંતુ આ ભવમાં જે કામ તમે સતત કરતા રહો છો એ કામ આવતા ભવમાં તમારી સાથે આવે છે . આ ભવમાં તમે જે કામમાં આનંદ અનુભવો છો એ કામ તમારી સાથે જ આવે છે . આ ભવમાં તમે તમારાં મનમાં જેની માટે આકર્ષણ બનાવીને રાખ્યું હશે એ બધું આવતા ભવમાં તમને ફરીથી મળશે . સાથે શું આવે છે ? જે પ્રવૃત્તિ આપણે સતત કરીએ છીએ એ પ્રવૃત્તિ સાથે આવે છે . જે પ્રવૃત્તિમાં આપણને ઘણો આનંદ આવે છે એ આપણી સાથે આવે છે . જે પ્રવૃત્તિ આપણને ઘણી ગમે છે એ પ્રવૃત્તિ આપણી સાથે આવે છે .
આનાથી બિલકુલ ઉલટું તથ્ય બીજું છે . સાથે શું નથી આવતું ? જે પ્રવૃત્તિ આપણે કરતા નથી તે સાથે નથી આવતી . જે પ્રવૃત્તિનો આપણને પસ્તાવો હોય છે , એ પ્રવૃત્તિ સાથે નથી આવતી . જે પ્રવૃત્તિ માટે આપણે મનમાં અણગમો બનાવી રાખ્યો હોય છે એ પ્રવૃત્તિ સાથે નથી આવતી . આ ભવમાં તમે અન્યને દુઃખ આપવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હશે તો આવતા ભવમાં પણ તમારામાં બીજાને દુઃખ આપવાના સંસ્કાર બનેલા રહેશે . આ ભવમાં તમે અન્યને દુઃખ આપવાની પ્રવૃત્તિથી દૂર રહ્યા હશો તો આવતા ભવે તમારામાં અન્યને દુઃખ આપવાની ભાવના બહુ ઓછી હશે .આ ભવમાં ચોક્કસ પાપ કર્યા પછી પણ તમે એ પાપનો પસ્તાવો કરશો , પ્રાયશ્ચિત્ત કરશો , એ પાપ સંબંધી પ્રતિક્રમણ કરશો તો પાપનો એ પસ્તાવો આગામી ભવમાં તમને પાપની માનસિકતાથી બચાવીને રાખશે . કારણ કે તમે જેનો પસ્તાવો કર્યો હોય છે એના સંસ્કાર તીવ્ર હોતા નથી . પરંતુ આ ભવમાં જો તમે પાપ કરીને એ પાપ કરવાનો હર્ષ બનાવ્યો હશે તો આવતા ભવમાં તમે પાપનો આદર લઈને જ જનમશો . તમે પાપનો પસ્તાવો કર્યો નહીં હોય તો એ પાપનો પક્ષપાત તમારી સાથે આવશે અને આવતા ભવે પણ તમારામાં પાપની તીવ્રતા બનાવેલી રાખશે . જે ધર્મ તમે કર્યો નથી , જે આરાધના તમે કરી નથી એ ધર્મ અને આરાધનાની આકાંક્ષા મનમાં ઊભી રાખો , જે જે કરવાનું બાકી છે તેના સપનાં જોયા કરો . એ સપનાઓને વાગોળ્યા કરો . તમારો ધર્મ નાનો હશે તો ચાલશે પણ તમારા ધર્મનાં સપનાં નાના હશે એ બિલકુલ નહીં ચાલે . ધર્મના સપનાં ઊંચા હોવા જોઈએ , ધર્મનાં સપનાં મોટા હોવા જોઈએ . ધર્મના સપનાં સાચા હોવા જોઈએ . ધર્મના સપનાં નક્કર હશે તો એક એક સપનાં આવતા ભવમાં સાથે આવશે અને આવતા ભવમાં એ સાકાર પણ થશે . આનાથી વિપરીત બીજી પણ વાત છે : તમે જો પાપ કરવાના સપનાં જોતા હશો તો એ અપવિત્ર સપનાં પણ પોતાનો પરચો બતાવશે જરૂર . તમે અહીંથી મરીને જ્યાં પણ જશો ત્યાં એ પાપનાં સપના તમારો પીછો કરશે . તમારી સાથે પાપનાં સપનાં એટલે કે પાપના સંસ્કાર સાથે આવે એવું બનવું ના જોઈએ .
ધર્માત્મા ત્રણ કામ કરે છે : એક , એ અમુક સંસારવર્ધક પ્રવૃત્તિઓ ક્યારે પણ કરતો નથી . એ અમુક પાપ પ્રવૃત્તિઓ કોઈ દિવસ આચરતો નથી . પાપનો પરિત્યાગ જેટલો મોટો હશે , આગામી ભવમાં પાપનો બોજો એટલો ઓછો હશે . બે , પોતે કરેલા પ્રત્યેક પાપનો પસ્તાવો એના મનમાં જીવતો હોય છે . આ પસ્તાવાને લીધે એના પાપના સંસ્કારો કમજોર પડી ગયા હોય છે . ત્રણ , ધર્માત્માનાં મનમાં ઉત્તમ પ્રવૃત્તિઓ આચરવાના ઢગલાબંધ સપનાં રમતાં હોય છે . અમુક સપનાં આ ભવમાં પૂરા થાય છે . અમુક સપનાં આ ભવમાં પૂરા નથી થતા પરંતુ ધર્મનાં સપનાઓનો એ સંસ્કાર આગામી ભવમાં સાથે આવે છે અને એ સપનાં આગામી ભવમાં સાકાર થાય છે .
તમે ખરાબ વિચાર કરો છો એ સાધનાની હાર છે : તમે સારા વિચાર કરો છો એ સાધનાની જીત છે .
ઉપધાન વાચના – ૪
સારો વિચાર કોઈપણ રીતે આવે , એ વિચાર લાભકારી છે . સારું પુસ્તક વાંચતાં વાંચતાં સારો વિચાર આવે એમાં મુખ્ય ઘટના એ બની કે સારો વિચાર આવ્યો . સારા પ્રવચનકારને સાંભળતાં સાંભળતાં સારો વિચાર આવ્યો એમાં પણ મુખ્ય ઘટના એ જ બની કે સારો વિચાર આવ્યો . તમારી સાથે જે આરાધક આરાધના કરે છે એ તમારા કલ્યાણમિત્ર છે . એમની સાથે વાત કરતાં કરતાં મનમાં સારો વિચાર આવ્યો એમાં પણ મુખ્ય ઘટના એ જ બની કે સારો વિચાર આવ્યો . સારો વિચાર કોઈ પણ રીતે આવે એ ઉત્તમ ઘટના જ હોય છે . પરંતુ સારો વિચાર આવવાની એક પ્રક્રિયા એ પણ છે કે તમને પોતાની મેળે જ સારો વિચાર આવતા હોય છે . પોતાની મેળે એકવાર સારો વિચાર આવે એ બહુ મોટી વાત છે . પોતાની મેળે વારંવાર સારો વિચાર આવે એ ઘણી જ મોટી વાત છે . પોતાની મેળે સતત ને સતત સારા જ વિચાર આવ્યા એ સર્વશ્રેષ્ઠ પરિસ્થિતિ છે . સારા વિચાર આવવા ન આવવાના મામલે તમે ક્યાં સ્તરે છો એ તમે શોધો .
પહેલું સ્તર એ હશે કે તમને સારા વિચાર આવતા જ નહીં હશે . તમને જે વિચાર આવતા હશે એ ચિત્રવિચિત્ર હશે , ઊંધાચત્તા હશે , ઢંગધડા વિનાના હશે . વિચારનું આ સ્તર દયાપાત્ર છે . માણસ વિચારી શકતો હોય પણ એના મનમાં સારા વિચાર આવે જ નહીં એ કેવી વિચિત્ર પરિસ્થિતિ કહેવાય ? ઘણા લોકોનાં જીવનમાં આવું જોવા મળે છે . એ સારા વિચાર કરે એવું વાતાવરણ એમને મળતું જ નથી . એને કારણે એમનાં મનમાં સારા વિચાર બનતા જ નથી . આ આદર્શ પરિસ્થિતિ નથી . સારા વિચાર એટલે પવિત્ર વિચાર . સારા વિચાર એટલે તાત્ત્વિક વિચાર . સારા વિચાર એટલે આધ્યાત્મિક વિચાર . આવા વિચાર આવે જ નહીં એવું પણ બનતું હોય છે . આ પરિસ્થિતિ હોય તો આત્મા જોખમમાં છે એમ સમજી લેવાનું .
બીજું સ્તર એ હશે કે તમને ખરાબ વિચાર આવતા નથી . સારા વિચાર કરીએ એ અગત્યનું છે એ રીતે એ પણ અગત્યનું છે કે ખરાબ વિચાર ના કરીએ . અમુક લોકો થોડાક સારા વિચાર કરે છે અને સાથે સાથે થોડાક ખરાબ વિચાર પણ કરે છે . ખરાબ વિચારનો પાવર એટલો મોટો હોય છે તે તે ખરાબ વિચારને કારણે મનમાં રહેલા સારા વિચારની તાકાત તૂટી જતી હોય છે . તમને સારો વિચાર આવે એ પછી એ સારા વિચારની માવજત જરૂરી બને છે . તમે ખરાબ વિચાર ન કરો એને કારણે સારા વિચારની માવજત થાય છે . પોતાની જાતને સૂચના આપીને મજબૂત થવાનું છે કે મારે ખરાબ વિચાર કરવા નથી . આત્માને ઉપયોગી ના હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . આત્માને નુકસાન કરતા હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . ધર્મનું સમર્થન કરતા ન હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . તત્વચિંતનમાં સહાયકારી ન બનતા હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . ખરાબ વિચાર હોય નહીં એવી પરિસ્થિતિ મનને સાત્ત્વિક બનાવી રાખવામાં બહુ ઉપયોગી થાય છે . આમ ખરાબ વિચાર ન કરવા એ એક અલગ જવાબદારી છે . આ દિશામાં જે સભાન છે અને પોતાનાં મનમાં ખરાબ વિચાર બનવા દેતો નથી , ખરાબ વિચારને આવવા દેતો નથી – એનું સ્તર સારું કહેવાય , એની પરિસ્થિતિ ઉત્તમ કહેવાય .
ત્રીજું સ્તર એ છે કે તમને સતત ખરાબ વિચાર આવ્યા કરે છે . એવા વિચાર , જેનાથી આત્માને નુકસાન થાય . એવા વિચાર , જેનાથી ધર્મને ક્ષતિ પહોંચે . એવા વિચાર , જેના થકી સાત્ત્વિકતાની હાનિ થાય . આવો એક પણ વિચાર ક્યારેય પણ મનમાં ના બનવા જોઈએ . ખરાબ વિચાર બને છે એને કારણે સંસારનું પરિભ્રમણ વધે છે . ખરાબ વિચાર ઓછા થાય છે એના પરિણામે સંસારનું પરિભ્રમણ ઘટે છે . જનમોજનમના પરિભ્રમણમાં આપણને ખરાબ વિચારોને જગાડે એવું વાતાવરણ વારંવાર મળ્યું છે . જનમોજનમથી આવું જ બનતું આવ્યું છે આ કારણે આપણને સહજ રીતે ખરાબ વિચારોમાં ખોવાઈ જવાની આદત પડેલી છે . આદત એવી તો ભયાનક છે એ તમે જ્યારે ખરાબ વિચાર કરતા હશો ત્યારે પણ તમને યાદ આવતું નથી કે હું ખરાબ વિચાર કરી રહ્યો છું . તમને તો એમ જ લાગતું હશે છે કે હું સામાન્ય વિચાર કરું છું . તમે જે વિચાર કરતા હો એ વિચાર ખરાબ હોય અને તમને તમારો ખરાબ વિચાર પણ એક સામાન્ય વિચાર જ લાગે આ બહુ ભયાનક પરિસ્થિતિ છે . જે લોકો ખરાબ વિચાર કરે છે તે લોકો ખરાબ વિચાર કરતી વખતે હું જે વિચારું છું તે ખરાબ છે એવું સમજી શકતા નથી . એ લોકો ખરાબ વિચારના પ્રવાહમાં તણાઈ જાય છે . આ સમસ્યા સમજવી આવશ્યક છે . એક દિવસમાં અનેક વાર આપણે ખરાબ વિચારમાં તણાઈ ગયા હોઈએ એવું અવશ્ય બને છે . જે ખરાબ વિચારમાં તણાઈ જાય છે તે ખરાબ વિચારની સામે લડી શકતો નથી . ખરાબ વિચાર આવે એ પછી થોડાક સમય માટે ખરાબ વિચાર અટકે પણ છે . એ વખતે આપણે પોતાની જાતને સૂચના આપીએ કે મેં જે વિચાર કરેલા એ વિચાર ખરાબ હતા , મારું ખરાબ વિચાર કરવાનું વલણ બદલાય એ માટે હું મહેનત કરીશ આ રીતે પોતાની જાતને સૂચના આપવી પડે . આ સૂચના દૃઢ રીતે અપાય તો ખરાબ વિચાર કરવાની આદત બદલાવા લાગે છે . આત્માને અનુકૂળ ન હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . તીવ્ર કર્મબંધ કરાવે એવા વિચાર એટલે ખરાબ વિચાર . વિષયની આકર્ષણવૃત્તિ વધારે એવા વિચાર એટલે ખરાબ વિચાર . કષાયની ધારાઓને ચિરંજીવી બનાવે એવા વિચાર એટલે ખરાબ વિચાર .
ચોથુ સ્તર એવું હોય છે કે સારા વિચારો મનમાં વારંવાર જાગવા લાગે છે . સારો વિચાર એકવાર આવે છે , બે વાર આવે છે , ત્રણ વાર આવે એમ કરતાં કરતાં સારો વિચાર એટલો મજબૂત થઈ જાય સારો વિચાર વારંવાર આવે . તમે પ્રારંભિક ભૂમિકાએ ધર્મ કરો છો તો તમને સારો વિચાર આવશે . પણ એ સારો વિચાર કોઈના સહારે આવશે , કોઈના આધારે આવશે . હવે જો તમે સાધનામાં આગળ વધેલા હશો તો એવું બનવા લાગશે કે કોઈપણ સહારો નહીં હશે , કોઈપણ પ્રેરણા નહીં હશે તેમ છતાં તમારાં મનમાં પોતાની મેળે સારા વિચાર આવતા રહેશે . સતત સારા વિચારોમાં જ રમમાણ રહેવું એ સાધનાની ઉત્કૃષ્ટ અવસ્થા છે . ક્યાંક કોઈ તબક્કો એવો અવશ્ય હોય છે જેમાં તમને ખરાબ વિચાર પણ આવે છે અને સારા વિચાર પણ આવે છે . ખરાબ વિચાર વધારે હોય , સારા વિચાર થોડા હોય . ખરાબ વિચાર અડધોઅડધ હોય , સારા વિચાર અડધોઅડધ હોય . ખરાબ વિચારો ઓછા હોય , સારા વિચાર વધારે હોય . આખરે આવે છે છેલ્લો તબક્કો . એમાં ખરાબ વિચાર આવવાના બંધ થઈ જાય અને ફક્ત સારા જ વિચાર આવ્યા કરે છે . આ પરિસ્થિતિ એ જ સાધનાનો સર્વોત્કૃષ્ટ તબક્કો છે .
તમે બીજાની છાયામાં આવીને સારા વિચાર કરો છો એવું બની શકે છે . તમે બીજાની છાયામાં આવ્યા વિના સારા વિચાર કરો છો એવું પણ બની શકે . તમે બીજાને છાયામાં આવીને ખરાબ વિચાર કરો છો એવું પણ બની શકે . તમે બીજાની છાયામાં આવ્યા વિના ખરાબ વિચાર કરો છો એવું બની શકે છે . તમે ખરાબ વિચાર કરો છો એ સાધનાની હાર છે . તમે સારા વિચાર કરો છો એ સાધનાની જીત છે .
સવારે ઊઠીને શું વિચારવાનું છે ? રાતે સૂતાં પહેલાં શું વિચારવાનું છે ? : નક્કી કરી લો
ઉપધાન વાચના . ૩
અમુક વિચાર દવા જેવા હોય છે . દવા એકવાર લીધી એટલે કામ પૂરું થતું નથી . દવા બીજી વાર લો , પછી ત્રીજી વાર લો , એમ રોજ લેતાં રહો તો દવા કામ કરે છે . દવા એક જ વાર લો તો કામ નથી કરતી . આ રીતે અમુક વિચાર રોજ કરવા જોઈએ . સાધક સાધનામાં સ્થિર રહે છે એની પાછળ ચોક્કસ વિચારોનું પુનરાવર્તન કામ કરતું હોય છે . વિચાર દવાની જેમ કામ કરે એની બે શરત હોય છે . વિચાર સારો હોય એ પહેલી શરત . વિચારનું પુનરાવર્તન હોય એ બીજી શરત .
સાધક સવારે ઊઠે ત્યારે એનાં મનમાં એક પ્રશ્ન જાગે છે . આજે સવારે હું ઉઠ્યો જ ન હોત તો ? મારી આંખો કાયમ માટે મીંચાઈ ગઈ હોત તો ? તો હું ક્યાં હોત ? હું જીવતો છું તો મનુષ્ય ગતિમાં છું . હું જીવતો છું તો સાધના નાં વાતાવરણમાં છું . હું જીવતો છું તો સારો વિચાર કરવાની ભૂમિકામાં છું . હું જીવતો જ ના હોત તો અત્યારની આ ક્ષણે હું ક્યાં હોત ? સવારની પ્રારંભિક ક્રિયાઓની આસપાસ સાધકનાં મનમાં આ વિચાર ઘોળાયા કરે છે . રાત્રે હું ઊંઘી રહ્યો હતો , ઊંઘમાં ને ઊંઘમાં મારું આયુષ્ય પૂરું થઈ ગયું હોત તો મારો જન્મ બીજે ક્યાં થયો હોત ? સાધક આ વિચારતો હોય છે અને પવિત્ર ડર અનુભવતો હોય છે . આજની આ દુનિયામાં રોજ એક લાખ ૬૦ હજારથી વધુ લોકો મરણ પામે છે . દર કલાકે ૬૦૦૦થી વધારે લોકો મરણ પામે છે . દર મિનિટે ૧૦૦થી વધુ માણસ મરણ પામે છે . સાધક પોતાની જાતને પૂછે છે કે હું રાત્રે ઊંઘમાં મરી ગયો નહીં એ સારી વાત છે પણ જો મરી ગયો હોત તો કંઈ ગતિમાં જાત ? જો હું એકેન્દ્રિય ગતિમાં જાત તો મારું જીવન કેવું હોત ? જો હું બેઈન્દ્રિય , તેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય ગતિમાં જાત તો મારું જીવન કેવું હોત ? જો હું નરક ગતિમાં કે તિર્યંચ્ ગતિમાં જાત તો મારું જીવન કેવું હોત ? જો હું મનુષ્ય ગતિમાં કે દેવગતિમાં ગતિમાં જાત અને ત્યાં મને ધર્મ ન મળત , સમકિત ના મળત તો મારું જીવન કેવું હોત ? સાધક આ વિચાર થકી ભય અનુભવે છે અને પછી પોતાની જાતને કહે છે કે હું મર્યો નથી અને હું જીવિત રહ્યો છું . હું જ્યાં છું તે જગ્યાએ મારી પાસે સમકિત છે અને ધર્મ છે . મારે સમકિતની અનુભૂતિ ઊંડાણથી લેવી જોઈએ અને ધર્મની સેવના ઉત્તમ રીતે કરવી જોઈએ . સાધકના દિવસની શરૂઆત આ વિચાર સાથે થતી હોય છે .
સાધક આખો દિવસ આરાધના સાધનામાં વિતાવે છે એનો આનંદ એના હૃદયને સંતૃપ્ત બનાવે છે . રાતનો સમય આવે છે . ઊંઘમાં ઉતરતાં પહેલાં સાધકનાં મનમાં એક બીજો પ્રશ્ન જાગતો હોય છે : જો હું મરી જઉં તો મારે સાથે શું લઈને જવું છે અને શું નથી લઈ જવું ? સાધક સમજે છે કે મેં જીવન દરમિયાન ૧૮ પાપ વારંવાર કર્યા છે . એ ૧૮ પાપની અનુમોદના સતત ચાલુ જ રહી છે . હું મરી જઉં તે પછી મારી સાથે ૧૮ પાપ આવે , ૧૮ પાપની અનુમોદના આવે એવું મારે નથી જોઈતું . હું મરી જઉં તો મારી સાથે રાગ અને દ્વેષ આવે એ મારે નથી જોઈતું . હું મરી જઉં તો મારી સાથે ક્રોધ , માન , માયા અને લોભ આવે એવું મારે નથી જોઈતું . હું મરી જઉં તો મારી સાથે ખૂબબધા પાપ આવે , ખૂબબધા કર્મો આવે એવું મારે નથી જોઈતું . તો મારે શું જોઈએ છે ? હું મરી જઉં તો મારી સાથે ધર્મના સંસ્કારો આવે એવું મારે જોઈએ છે . હું મરી જઉં તો મારી સાથે નવકાર મંત્ર આવે એવું મારે જોઈએ છે . હું મરી જઉં તો મારી સાથે ભગવાનની ભક્તિના , ગુરુની ભક્તિના અને ધર્મની ભક્તિના ઉત્તમ સંસ્કારો આવે એવું મારે જોઈએ છે . શરીર અહીં છૂટી જશે પણ શરીરની મમતા સાથે આવશે , શરીર અહીં છૂટી જશે પણ શરીરથી કરેલા કર્મો સાથે આવશે એ નિશ્ચિત છે . શરીરની મમતા ભવોભવ ભટકાવે છે . શરીરથી કરેલાં કર્મ ભવોભવ ભટકાવે છે . હું મરું એ પહેલાં આ શરીરની મમતા ઓછી થઈ જાય , શરીર થકી કર્મો બંધાય છે એ કર્મોનો બંધ કમજોર પડી જાય એવી મારી ઈચ્છા છે . જ્યાં સુધી મમતા ઓછી થતી નથી , કર્મો ઓછાં થતાં નથી ત્યાં સુધી મારાં મનમાં એ મમતાનો પસ્તાવો બનેલો રહે , એ કર્મનો પસ્તાવો બનેલો રહે અને જો હું મરું તો હું જ્યાં જઉં ત્યાં આ પસ્તાવાની ભાવના મારી સાથે આવે એવું સાધક ઈચ્છતો હોય છે .
આપણે જે ક્ષણે મરશું એ જ ક્ષણે ઘણું બધું વિસ્મરણ થઈ જવાનું છે . આપણે મનુષ્ય હતા એ આપણે ભૂલી જઈશું . આપણે કોઈ ના પિતા કે માતા હતા , ભાઈ કે બહેન હતા , પુત્ર કે પુત્રી હતા , પતિ કે પત્ની હતા , વડીલ મિત્ર કે સંબંધી સ્વજન હતા એ બધું આપણે ભૂલી જવાના છીએ . આપણે શું કરતા હતા એ ભૂલી જવાના છીએ . આપણે શું હતા એ ભૂલી જવાના છીએ . મરણની ક્ષણ આવશે તે પછી બધું જ વિસ્મરણ થઈ જવાનું છે . અને છતાં પાપના સંસ્કાર અને ધર્મના સંસ્કાર સાથે આવે એવી સંભાવના બની રહેવાની છે . અહીંથી મરીને જઈએ તો પાપના સંસ્કાર ભલે સાથે આવે પણ એ પાપના સંસ્કાર કમજોર પડી ગયા હોય એ પાકું કરી લેવું છે . અને અહીંથી મરીને બીજે જઈએ ત્યારે ધર્મના સંસ્કાર જરૂર સાથે આવે અને ધર્મના એ સંસ્કાર એકદમ શક્તિશાળી હોય એ પાકું કરી લેવું છે . સાધકનાં મનમાં આ સંકલ્પ બનેલો હોય છે .
સવારે ઊઠીને શું વિચારવાનું છે એ નક્કી કરી લો . રાત્રે સૂતાં પહેલાં શું વિચારવું છે એ નક્કી કરી લો . તમે જે વિચારશો એના આધારે એ નક્કી થશે કે તમે આવતા જન્મમાં ક્યાં જશો અને કેવા બનશો ?
ઉપધાન વાચના . ૨
તમે સાધના સાથે જોડાયા છો એટલે અમુક કામો કરવાનું તમે છોડી દીધું છે એ નક્કી વાત છે . તમે શું છોડ્યું છે એના આધારે તમારી સાધનાની ઊંચાઈ નિર્ધારિત થાય છે . તમે જે છોડ્યું તે કેવી રીતે છોડ્યું છે એના આધારે પણ તમારી સાધનાની તાકાત કેટલી છે એનો નિર્ણય થાય છે .
સાધના કરનાર વિરાધના છોડે છે .
સાધના કરનાર વાસના છોડે છે .
સાધના કરનાર વૈરવિરોધ છોડે છે .
સવારે ઊંઘમાંથી બહાર આવીએ ત્યારથી આપણી વિરાધનાઓ શરૂ થઈ જાય છે . જુઓ તમે . નળ ચાલુ થઈ જાય . પંખા ચાલુ થઈ જાય . લાઈટના બટન દબાવવાના ચાલુ થઈ જાય . મોબાઈલ તથા ફોન અને પ્રિન્ટર તથા કમ્પ્યુટર ચાલુ થઈ જાય . ગાડીઓમાં ફરવાનું ચાલુ થઈ જાય . લિફ્ટ ચાલુ થઈ જાય . રસોડું ચાલુ થઈ જાય . આવું ઘણુંય ચાલુ થઈ જાય . આખો દિવસ વિરાધના ચાલતી રહે . પછી સાંજ પડે , રાત પડે તોય અમુક વિરાધનાઓ ચાલુ જ હોય . વિરાધનાઓ ચાલુ રાખીને આપણે ઊંઘી જઈએ . ઊંઘતા પહેલાં પણ વિરાધનાઓ , અડધી રાતે ઊંઘમાંથી જાગીએ તો પણ વિરાધનાઓ . રાત પૂરી થાય અને સવાર પડે ત્યારે પણ વિરાધનાઓ . આપણી વિરાધનાઓનો અંત આવતો જ નથી . દિવસરાત સતત વિરાધના વચ્ચે રહેનારો રાત્રે ઊંઘે ત્યારે , મારે વિરાધના નથી કરવી – એવો સંકલ્પ રાખ્યા વગર ઊંઘે છે . આથી એની નિદ્રા ભોગનિદ્રા ગણાય છે . આનાથી વિપરીત ઉપધાનનો આરાધક સતત અને સતત વિરાધનાઓથી પોતાને બચાવી રાખે છે . આવો આરાધક રાત્રે નિદ્રાધીન થાય એ વખતે વિરાધનાઓથી પોતાને બચાવી રાખવાની સાવધાનીમાં વર્તે છે . આથી એની નિદ્રા યોગનિદ્રા ગણાય છે .
ભૌતિક આનંદપ્રમોદની ભાવનાને અને પ્રવૃત્તિને વાસના કહેવાય છે . પખ્ખીસૂત્રમાં લખવામાં આવ્યું છે : सद्दा रूवा रसा गंधा फासाणं पवियारणा . મનગમતું ગીત સંગીત સાંભળવું , સજીવ નિર્જીવ સુંદરતાઓ જોવી , વિવિધ સુગંધ લેવી , અલગ અલગ સ્વાદ માણવો , અનુકૂળ સ્પર્શનો આનંદ લેવો . ભૌતિક સુખની હજારો ક્રિયાઓ આપણે આખો દિવસ કરતા રહીએ છીએ . સાંજ પડે , રાત પડે અને બાહ્ય આનંદપ્રમોદની ધારા સાથે જ નિદ્રાધીન થઈ જઈએ . આવી નિદ્રાને ભોગનિદ્રા કહેવાય છે . આનાથી વિપરીત હોય છે ઉપધાનના આરાધકો . તેઓ તમામ આનંદપ્રમોદની ગતિવિધિઓથી સ્વયંને દૂર રાખે છે . તેઓ રાત્રે નિદ્રાધીન થાય ત્યારે વાસનાઓથી સ્વયંને બચાવી રાખે છે એ ભૂમિકાએ એમની નિદ્રાને યોગનિદ્રા કહેવાય છે .
આપણી આસપાસ જે લોકો રહે છે , જોવા મળે છે એમની પર ક્રોધ કરવો , નારાજગી બનાવવી , સ્પર્ધા રાખવી , આવેશ રાખવો , દ્વેષ કરવો , કાષાયિક ભાવ રચવા તે વૈરવિરોધ છે . ઘરમાં રહીને , દુકાન કે ઓફિસમાં બેસીને આપણે સતત કાષાયિક ભાવો બનાવતા રહીએ છીએ . આ ભાવો આપણી સાત્ત્વિકતાનો નાશ કરે છે . આખો દિવસ કાષાયિક ભાવો બનાવતા રહીએ અને રાત્રે એ જ કાષાયિક ભાવોની ધારામાં નિદ્રાધીન બનીએ ત્યારે જે નિદ્રા બને તે ભોગનિદ્રા છે . આનાથી વિપરીત હોય છે ઉપધાનના આરાધકો . તેઓ કાષાયિક ભાવોથી અને વૈરવિરોધથી સ્વયંને દૂર રાખે છે . તેઓ રાત્રે નિદ્રાધીન થાય ત્યારે કાષાયિક ભાવોથી અને વૈરવિરોધથી સ્વયંને બચાવી રાખે છે . આ ભૂમિકાએ એમની નિદ્રાને યોગનિદ્રા કહેવાય છે .
સાધક ધર્માત્માનાં બે લક્ષણ ખાસ હોય છે .
એક , સાચો સાધક કોઈપણ ધર્મપ્રવૃત્તિને આવતીકાલ પર ટાળતો નથી . ધર્મપ્રવૃત્તિ આવતીકાલે કરીશું એવાં બહાનાં જેને સૂઝે છે એ સાધના માટે લાયક બન્યો જ નથી . યાદ રાખજો . આજે ધર્મ કરવો છે તે આજે જ કરીશું એ બાબતમાં ધર્માત્મા એકદમ સ્પષ્ટ હોય છે . મને જે ધર્મ મળ્યો છે તે અતિશય દુર્લભ છે એવું ધર્માત્મા સમજતો હોય છે આથી ધર્મ માટે એને ઘણો બધો આદર હોય છે . આજે જે ધર્મ કરી શકાય છે એ ધર્મ આજે જ કરી લેવાનો . એ ધર્મને આવતીકાલ પર ટાળવાનો નહીં . એવો નિયમ ધર્માત્માએ હંમેશ માટે બનાવી રાખ્યો હોય છે .
બે , સાચો સાધક ફક્ત એ જ વિચાર કરે છે જે એને કરવું હોય છે . જે એને કરવાનું નથી એના વિચાર સાચો સાધક કરતો નથી . દાખલા તરીકે : સાધક જો સ્નાન નથી કરતો તો સ્નાન કરવાના વિચાર પણ નથી કરતો . સાધક જો રાત્રિભોજન નથી કરતો તો રાત્રિભોજનના વિચાર પણ નથી કરતો . સાધક જો નૃત્ય નથી કરતો તો સાધક નૃત્ય કરવાના વિચાર પણ નથી કરતો . આપણે જે કરવું નથી એના વિચાર આપણે કરવાના જ ન હોય . જે ઉચિત હોય એ કરવું છે . અને જે કરવું છે એના જ વિચાર કરવા છે આ પહેલો મુદ્દો છે . જે ઉચિત નથી એ કરવું નથી . અને જે કરવું જ નથી એના વિચાર પણ કરવા નથી આ બીજો મુદ્દો છે .
ઉપધાનના આરાધકોમાં તમને આ લાક્ષણિકતાઓ જરૂરથી જોવા મળશે .
ઉપધાન વાચના . ૧
આપણે આખો દિવસ જે પ્રવૃત્તિ કરીએ છીએ એના જ વિચાર ઊંઘવાના સમયે મનમાં ઘોળાયા કરે છે . ઊંઘવાના સમયે જે વિચાર ચાલતા હોય એ મુજબના આંદોલનો નિદ્રાધીન મનમાં બને છે . ઉપધાનના આરાધકો આખો દિવસ સતત ધર્મક્રિયાઓ કરતા રહે છે . સો લોગસ્સનો કાઉસગ્ગ . સો ખમાસમણા . પ્રતિક્રમણ . પડિલેહણ . અને બીજું ઘણું બધું . તપમાં ઉપવાસ હોય અથવા નીવિ હોય . રાતનો સમય આવે ત્યાં સુધીમાં આરાધક થોડો પરિશ્રમ જરૂર અનુભવે છે . અલબત્ત , આ થાક પવિત્ર હોય છે .
હવે નિદ્રાધીન થતાં પહેલાં આરાધક ત્રણ ખાસ કામ કરે છે .એક , આખો દિવસ વિરાધનારહિત વીતે એવી જાગૃતિપૂર્વક એ આરાધના કરી લે છે . બે , રાત દરમિયાન કોઈ જ વિરાધના નથી કરવી એનો પાક્કો સંકલ્પ કરે . ત્રણ , રાત દરમિયાન કોઈ જ વિરાધના નથી કરવી એની સંપૂર્ણ તૈયારી છે . ધર્મક્રિયાઓનો પવિત્ર પરિશ્રમ અને આ ત્રણ કામની છાયામાં એ નિદ્રાધીન થાય છે . આથી એની નિદ્રા પ્રમાદરૂપ હોવા છતાં યોગનિદ્રા ગણાય છે .
તમે મોબાઈલ કે ટીવીને જોતાં જોતાં સૂઈ જશો એ ભોગનિદ્રા બનશે . આરાધક સંથારાપોરિસી ભણાવીને ચરવળામુહપત્તી સાથે નિદ્રાધીન થશે તે યોગનિદ્રા બનશે .તમે પરિવારજનોની સાથે મમતાભર્યો વાર્તાલાપ કરતાં કરતાં સૂઈ જશો તે ભોગ નિદ્રા છે . આરાધક એકત્વ ભાવનામાં નિમગ્ન થઈને નિદ્રાધીન થશે તે યોગનિદ્રા બનશે .તમે એસી , કૂલર , પંખા આદિના વપરાશ પૂર્વક , ફ્રીજ , રસોડું આદિ સાધન સામગ્રીના ઉપયોગ કરવાની માનસિકતા સાથે સૂઈ જશો તે ભોગનિદ્રા હશે . આરાધક પૌષધના દરેક નિયમના અણીશુદ્ધ પાલનપૂર્વક નિદ્રાધીન થશે તે યોગનિદ્રા બનશે .
જે ઉપધાનનો આરાધક છે તે યોગનિદ્રાનો આનંદ પામે છે . જે ઉપધાનનો આરાધક બન્યો નથી તે ભોગનિદ્રામાં ફસાયેલો છે .
આપણે જીવદયાપ્રેમી છીએ . એક તરફ આપણે ગૌશાળા અને પાંજરાપોળને પૂરી સહાય કરીએ છીએ . બીજી તરફ આપણે કતલખાનાઓનો સખત વિરોધ પણ કરીએ છીએ . ભારતમાં સત્તાવાર રીતે રજિસ્ટર્ડ થયેલાં મોટાં કતલખાનાઓ ૩૬૦૦થી વધારે છે , અમેરિકામાં ૨૮૩૦ થી વધારે , ચીનમાં પ૦૦૦થી વધારે . નાના નાના કતલખાનાઓની કોઈ ગણતરી થઈ શકતી નથી . ભારત દેશ માટે શરમજનક બીના છે કે રોજની પચાસ હજારથી વધારે ગાયો કતલખાનામાં પ્રાણ ગુમાવે છે .
Our world in data – માં મેક્સ રોઝર લખે છે કે વર્તમાન માનવ સમાજમાં એક મોટો વર્ગ એવો છે રોજનું ૩૬૦ મિલિયન માંસ આરોગી જાય છે. દુનિયાભરમાં રોજ ૯ લાખ ગાયની કતલ થાય છે . આ બધી ગાયને એક લાઈનમાં ઊભી રાખો તો તેમની લાઈન અઢારસો કિલોમીટર લાંબી થઈ જાય . ૨૦૨ મિલિયન ચિકન રોજનાં કપાય છે . આનો અર્થ એ છે કે દરમિનિટે ૧, ૪૦૦૦૦ ચિકન કપાય છે . બકરી ૧.પ મિલિયન , ઘેટા ૧.૮ મિલિયન , ભૂંડ ૩ . ૮ મિલિયન , બતક ૧૨ મિલિયન અને માછડી સેંકડો મિલિયન . આ લેખમાં એવી ચર્ચા છે કે માનવ સમાજ મીટ કન્ઝપ્શન ઓછું કરે એ બહુ જરૂરી છે . માનવ સમાજનું ભારેખમ મીટ કન્ઝપ્શન , વાતાવરણને અને વનજીવનને અને માનવીય વ્યવસ્થાને ઘણી ઘણી રીતે નુકશાન કરી રહ્યું છે . જેમ જેમ મીટ કન્ઝપ્શન ઘટતું જશે તેમ તેમ મીટ પ્રોડક્શન ઓછું થતું જશે અને જેમ જેમ મીટ પ્રોડક્શન ઓછું થતું જશે તેમ તેમ મીટ મેળવવા થઈ રહેલી પશુહત્યા ઘટવા લાગશે . ( 26.9.2023 ) આ વિચારસરણી સમગ્ર વિશ્વમાં પ્રચલિત થઈ રહી છે .
આપણે પશુહત્યાને રોકવા માટે આપણી સીમામાં રહીને જે કરી શકીએ તે કરીએ છીએ . કતલખાનેથી જીવો છોડાવીએ છીએ અને કતલખાને જઈ રહેલા જીવોને કતલખાને જવાથી બચાવીએ છીએ . કતલખાનેથી બચેલા જીવો ગૌશાળા કે પાંજરાપોળમાં સારી રીતે સચવાય એની જવાબદારી આપણે સ્વીકારીએ છીએ . પરંતુ જે જીવોને આપણે બચાવી ના શક્યા એ તો કતલખાનામાં જાય જ છે . એવા જીવોની સંખ્યા ઘણી જ મોટી છે . આ જીવોને કતલખાને લઈ જવાનું ઓછું થઈ જાય એવું કોઈ આયોજન થઈ શકે ખરું ? લોકો આ જીવોને કતલખાને લઈ જ ના જાય એવી કોઈ વ્યવસ્થા પ્રસ્થાપિત થઈ શકે ખરી ? શું એવી કોઈ સમાંતર વ્યવસ્થા પ્રણાલિ છે ખરી , જેના દ્વારા નિર્ધારિત થઈ જાય કે આ પશુઓને અકાળે મારવાની જરૂર જ નથી . એક એવી સિસ્ટમ સેટ થયેલી હોય જેના આધારે એમ કહી શકાય કે પશુ જ્યાર સુધી જીવિત છે ત્યાર સુધી એની ઉપયોગિતા ઘણી મોટી છે . આથી પશુને કતલખાને મોકલવાના હોય જ નહીં . જીવદયાના પ્રેમીઓને ગમે એવી આ પરિકલ્પના છે .
આ પરિકલ્પનાને થોડે ઘણે અંશે વાચા આપનારી પશુપ્રેમી સંસ્થા દેવલાપારમાં છે : ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર . નાગપુરથી આશરે ૭૪ કિલોમીટર થાય . મારા વિહારના ચોથા દિવસે આખો દિવસની સ્થિરતા અહીં હતી . ગાયનાં શરીરમાં બનતું દૂધ , એમાંથી બનતા દહીં અને ઘી , ઉપરાંત ગોમૂત્ર અને ગોબર . આ પાંચને પંચગવ્ય કહેવામાં આવે છે . પંચગવ્ય દ્વારા જે જે જીવન ઉપયોગી વસ્તુઓ બની શકે તે બનાવવાનો આ સંસ્થાનો ઉપક્રમ છે . પંચગવ્ય આધારિત કૃષિ વિદ્યા અને આરોગ્ય વિજ્ઞાન પર અહીં વરસોથી કામ થાય છે . આ કોઈ જૈન સંસ્થા છે એવું નથી . આ હિન્દુત્વવાદી સંસ્થાન છે . સમગ્ર ભારતમાં ગૌહત્યાને રોકવી હશે તો ગૌવંશની વ્યાપક ઉપયોગિતા સાબિત કરવી જોઈએ , આ એમની થીમ ઓફ થિંકિંગ છે . અહીં ૯૦૦ ગાય છે અને ગાયને સ્વજનની જેમ સાચવવાનું વલણ છે . અહીં પંચગવ્ય આધારિત રિસર્ચ લેબોરેટરી છે , દવાઓ અને ખાતર બનાવનારા નિષ્ણાતોની ટીમ છે , આ દવાઓ અને ખાતરની ઈફેક્ટિવનેસની પરીક્ષા કરનારા વૈજ્ઞાનિકો છે . જે દિવસે પંચગવ્યમાંથી બનેલી દવાઓ અને ખાતરનું માર્કેટ ઘણું મોટું થઈ જશે તે દિવસે જીવંત ગૌવંશની ડિમાન્ડ વધી જશે , જે દિવસે આ ડિમાન્ડ એકદમ વધી જશે તે દિવસે ગૌવંશની હત્યા અટકી જશે . ગૌહત્યા કરવા જેવી નથી તેવી થિયરી પહેલા તબક્કે સર્વસ્વીકૃત થઈ જાય તે પછી બીજા તબક્કે , અન્ય પશુઓની હત્યા પણ ન કરવી જોઈએ એ થિયરી પ્રસ્થાપિત કરી શકાય છે . એકલા ગોવંશને જ બચાવવાની વિચારસરણી અધૂરી ગણાય . પ્રાણીમાત્રને બચાવવાનો વિચાર જ પ્રામાણિક અહિંસામાં ગણત્રી પામે . શરૂઆત કોઈ એક જગ્યાએથી થાય એેવું બની શકે છે .
આ સંસ્થામાં બનેલી પંચગવ્ય આધારિત ઔષધિ અને ચિકિત્સા દ્વારા ૫૦,૦૦૦થી વધુ દર્દીઓ રોગમુક્ત થયા છે . અહીં બનેલી દવાથી કેન્સર મટ્યા હોય એવા કિસ્સા પણ પ્રચારમાં છે . આ સંસ્થાએ વૈજ્ઞાનિક પ્રયોગપૂર્વક મિડિયા સમક્ષ દાવો કર્યો કે પંચગવ્ય આધારિત ઔષધિ અને ચિકિત્સા દ્વારા કેન્સર મટે છે ત્યારે ભયભીત બનેલી એક કેન્સર હોસ્પિટલે મુંબઈથી આ દાવાનો વિરોધ કર્યો હતો . અલબત્ત , દેવલાપારના ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રને , નાગપુરની એક મોટી હોસ્પિટલનું સમર્થન મળ્યું હતું . અત્યારે પણ કીમો થેરપીથી થાકેલા કેટલાય પેશન્ટને આ સંસ્થા રાહતના શ્વાસ આપી રહી છે . નોર્મલ ડિસીઝ અને ક્રોનિક ડિસીઝના અગણિત કેસમાં પંચગવ્યની દવાઓએ ગજબનું રિઝલ્ટ બતાવ્યું છે . એલોપેથીની દવામાં હોય છે એવી સાઈડ ઈફેક્ટ નહીં , મોંઘી કિંમત નહીં , પ્રયોગશાળાની ઘોર હિંસાઓ નહીં . છતાં અહીં બનેલી વીસ જેટલી દવાઓને અમેરિકા , ચીન , આફ્રિકા જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય પેટન્ટ મળી છે .
ભારતદેશમાં ખેતીકામ ઘણું થાય છે . ખેતરોમાં વપરાતું ખાતર , પંચગવ્ય નિર્મિત હોય અને ફક્ત પંચગવ્ય ખાતર જ આખાય ભારતમાં વપરાય તો વિચારો કે ગૌવંશની ઉપયોગિતાની રેન્જ કેટલી બધી વધી જાય ? જો ખરેખર આમ થાય તો ગૌહત્યાનો સિલસિલો કેટલો ઝડપથી અટકી જાય ? એક વાર ગૌહત્યા અટકે એટલે અન્ય પશુની હત્યા અટકાવવાની દિશા પણ ખૂલી જાય . પંચગવ્ય ખાતરનો ઉપયોગ સરળ છે , સસ્તો છે અને આના ઉપયોગથી ખેતરની ઉત્પાદકતા વધે છે – આ વિષયનું પ્રશિક્ષણ અહીં વૈજ્ઞાનિક રીતે અને પ્રાયોગિક ધોરણે અપાય છે . આસામ – બિહાર – ઓરિસ્સા – હરિયાણા – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ – કર્ણાટક – મહારાષ્ટ્ર – નેપાલથી આવેલા ૪૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અહીંની પંચગવ્ય ખાતરથી ખેતી કરવાની પ્રક્રિયા શીખી ચૂક્યા છે . ભારતીય કૃષિઉદ્યોગમાં અંગ્રેજો થકી જે ભયાનક ભૂલો ઘૂસી ગઈ છે તેની હકાલપટ્ટી આ પંચગવ્યની પરિકલ્પના દ્વારા થવા માંડી છે .
મૂળભૂત રીતે આ જીવદયાનો વિચાર છે . એનું અમલીકરણ સાવ જુદી રીતે થયેલું છે . આપણે પશુઓને કતલખાનેથી બચાવવાનો પ્રયાસ કરીએ છીએ . કતલખાનાઓમાં પશુઓ જ ન જાય એવું સપનું , ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રની આંખોમાં છે . આપણે પાંજરાપોળમાં મવેશીઓની સારસંભાળ લઈએ છીએે . આ સંસ્થા ગૌશાળા ચલાવે છે અને અનાયાસ મળેલા પશુ ઉત્પાદ દ્રવ્યો દ્વારા એવી સિસ્ટમ સેટ કરવા માંગે છે જે સિસ્ટમના આધારે પશુઓને કતલખાને લઈ જવાનું ચલણ જ અટકી જાય . દેશમાં પશુપાલન જ રહે , પશુહત્યા દેશમાં થાય જ નહીં આ હવાઈ તુક્કો લાગે એવી વાત છે . પરંતુ દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અતુલ વૈદ્ય , પ્રમોદ પડોલે અને રીતેશ વિજય – તેમ જ ગૌઔષધિના ડોક્ટર નંદિની ભોજરાજ , ગૌવિજ્ઞાનના અનુભવી સુનીલ માનવ પાસેથી આ ગૌવિજ્ઞાનની પરિકલ્પના સાંભળી . એટલે ઘણાય કુતર્કો પાછળ છૂટી ગયા . આ સંસ્થા જે કરે છે તેમાં વ્યાવસાયિક દૃષ્ટિકોણ મુખ્ય સ્થાને નથી તે સમજાતું હતું . સંસ્થાની પ્રયોગશાળા , કાર્યશાળા , ખેતી , લાઇબ્રેરી , ઓફિસ અને અન્ય ગતિવિધિઓમાં જે જે લોકો કાર્યરત હતા તેઓ પ્યોરલી પશુપ્રેમી હતા તેય દેખાતું હતું .
શુદ્ધધર્મની ભૂમિકાએે વિચારીએ તો કોઈ પણ આરંભ સમારંભ અનુમોદનીય હોતો નથી . આત્મચિંતનની મુખ્યતા ન હોય એવી ગતિવિધિઓમાં સીધું ઈન્વોલ્વમેન્ટ રાખવાનું હોતું નથી . દર્શન જ્ઞાન ચારિત્ર તપ સિવાયની પ્રવૃત્તિ સાથે સાધનાનો સંબંધ બનતો નથી . બસ , જીવદયા અને અનુકંપામાં વસેલી કરુણા દૃષ્ટિ અહીં જોવા મળી . ગ્રામીણ પ્રજાની રોજીરોટી સચવાઈ રહી છે . કોઈ પશુ પર કોઈ જબરદસ્તી નથી . દૂધ લેવાની પ્રક્રિયામાં પણ બાળપશુના હકની માવજત થાય છે . પૈસા પડાવવાની કે લૂંટવાની વૃત્તિ નથી . દુનિયામાં ચોતરફ ચાલી રહેલી પશુહત્યાને ઓછી કરવાનો મોટો મનોરથ છે અને યથાસંભવ પુરુષાર્થ છે . વિદેશી સંસ્કૃતિને પ્રથમ ક્રમાંકે ન રખાય એવી સ્પષ્ટતા છે . ભારતીય સંસ્કૃતિને જ પ્રથમ ક્રમાંકે રખાય એવો કટ્ટરભાવ છે . બીનજરૂરી આડંબર નથી . નિરર્થક વેડફાટ જોવા મળતો નથી . દેવલાપારની ગૌશાળાને ઘણી પ્રસિદ્ધિ મળેલી છે , અનુદાન ઘણું મળે છે . જીવદયા અને અનુકંપાની ભૂમિકાએે જૈનો ઘણા પૈસા લખાવે છે .
જોકે , કતલખાનાનો પ્રશ્ન ઘણો મોટો છે . જુદી જુદી વેબસાઈટ પરથી મળતી માહિતી અલગ અલગ આંકડા બતાવે છે . पशु संदेश જણાવે છે કે સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ બેઝ લાઈન સર્વે , ૨૦૧૪માં થયો છે એનાથી સમજાય છે કે દેશની ૨૯ ટકા પ્રજા શાકાહારી છે . રાજસ્થાનમાં ૭૫ ટકા પ્રજા શાકાહારી છે . હરિયાણામાં ૭૦ ટકા પ્રજા , પંજાબમાં ૬૭ ટકા પ્રજા , ગુજરાતમાં ૬૧ ટકા પ્રજા , મધ્ય પ્રદેશમાં ૫૧ ટકા પ્રજા , અને ઉત્તર પ્રદેશમાં ૪૮ ટકા પ્રજા , મહારાષ્ટ્રમાં ૪૧ ટકા પ્રજા શાકાહારી છે . આંધ્રપ્રદેશ , બિહાર , ઝારખંડ , કેરાલા , ઓરિસ્સા , તામિલનાડુ અને વેસ્ટ બેંગાલમાં સરેરાશ ૧૦ ટકા જેટલી પ્રજા શાકાહારી છે . આસામ , છત્તીસગઢ અને કર્ણાટકમાં સરેરાશ ૨૦ થી ૩૦ ટકા જેટલી પ્રજા શાકાહારી છે . દિલ્લી , જમ્મુ કશ્મીર , ઉત્તરાખંડમાં સરેરાશ ૩૦ થી ૪૦ ટકા જેટલી પ્રજા શાકાહારી છે . આ આંકડા ચોંકાવી દે એવા છે . અમેરિકામાં ૧૨ ટકા પ્રજા શાકાહારી હશે એવું અનુમાન છે . ઓસ્ટ્રેલિયામાં ૧૩ ટકા પ્રજા , આર્જેન્ટિનામાં ૧૪ ટકા પ્રજા , બ્રાઝિલમાં ૧૫ ટકા પ્રજા , કેનેડામાં ૧૬ ટકા પ્રજા , ફ્રાન્સમાં ૧૮ ટકા પ્રજા , સાઉથ કોરિયામાં ૨૦ ટકા પ્રજા શાકાહારી હશે . જાપાનમાં ફક્ત બે ટકા પ્રજા શાકાહારી છે . સમગ્ર વિશ્વમાં ૨૨ ટકા પ્રજા શાકાહારી છે . જ્યાં જે પ્રજા શાકાહારી નથી તે માંસાહારી છે એમ સમજી શકાય છે . આ મુજબ વિચારીએ તો માંસાહાર એ વિશ્વવ્યાપી સમસ્યા છે . જ્યાં સુધી માંસાહાર ચાલુ રહેશે ત્યાં સુધી કતલખાના ચાલુ જ રહેવાના છે . કતલખાનાઓ પૂરેપૂરા બંધ થઈ જાય એ ઉજ્જ્વળ સ્વપ્ન છે . આ સપનું સાકાર થશે કે કેમ એ પ્રશ્ન છે . પરંતુ દેશમાં અને વિદેશમાં શાકાહારીઓ વધી રહ્યા છે એમ સમાચાર સૂત્રો વારંવાર જણાવે છે . આ એક આશ્વાસનની વાત છે .
શાકાહારી ભોજનશૈલીનો પ્રચાર જુદા જુદા દૃષ્ટિકોણથી અનેક સંસ્થાઓ કરે છે . રોજેરોજ હજારો લોકો શાકાહારી ભોજનશૈલી અપનાવી રહ્યા છે . નોનવેજ ન ખાવું જોઈએ – આવો પ્રચાર પણ અનેક રીતે કરવામાં આવે છે , પરિણામે રોજરોજ હજારો લોકો નોનવેજનો ત્યાગ કરી રહ્યા છે . કતલખાને જતાં જીવો અભયદાન પામે એ માટે જે જે પ્રચાર આવશ્યક છે તે પ્રચાર વધે અને એ પ્રચારની અસરકારકતા વધે એ માટે ઘણી ઘણી સંસ્થાઓ સતત કાર્યરત છે . એમાંની એક જોવા મળી દેવલાપા૨માં .
ભીલવાડા રાજસ્થાનમાં પણ ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર છે . મથુરામાં પશુચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય છે . 2023માં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી – ( IIT ) ગુવાહાટીમાં ગૌવિજ્ઞાન સંબંધી નેશનલ કોન્ફરન્સ થયેલી જેમાં મેડિકલ સાયન્સ અને મોડર્ન લાઈફ સ્ટાઈલમાં ગૌવિજ્ઞાન થકી શો ફરક લાવી શકાય છે તેની પર ચર્ચા કરવામાં આવી હતી . ધ પ્રિન્ટ ન્યૂઝપેપર જણાવે છે કે 2021માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (UGC) અલગ અલગ બાર ભાષાઓ દ્વારા દેશની દરેક યુનિવર્સિટીમાં ગૌવિજ્ઞાનનો પ્રચાર પ્રસાર થવો જોઈએ એવી જાહેરાત કરી હતી . દૈનિક ભાસ્કર રાયપુર જણાવે છે કે 2024 માં ગૌવિજ્ઞાનનો પ્રચાર વધારવા છત્તીસગઢમાં સ્કૂલ – કોલેજના પાંચ લાખ વિદ્યાર્થીઓની ગૌવિજ્ઞાન પરીક્ષા લેવામાં આવશે . જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થશે , એમને ગૌવિજ્ઞાન સાહિત્ય આપવામાં આવશે . એના જ આધારે પરીક્ષા લેવાશે . શહેરમાં રખડતાં પશુ સાથે કેવો વહેવાર કરવાનો ? એમનો અકસ્માત્ થાય , એમની પર અત્યાચાર થાય , એમની સાથે અઘટિત વહેવાર થાય , એમનું આરોગ્ય ખરાબ હોય ત્યારે શું કરવાનું ? પશુપીડા અને પશુહત્યાને ઓછી કરવા શું કરી શકાય ? જે ગાય દૂધ આપતી નથી તેને કતલખાને મોકલવાની જરૂર નથી – આવા આવા વિષયો અંગેનું પ્રશિક્ષણ પાંચ લાખ વિદ્યાર્થીઓને મળશે . ગૌવિજ્ઞાન માટે અંગ્રેજીમાં Cow Science શબ્દ વાપરવામાં આવે છે . કતલખાનાવિરોધી ગૌવિજ્ઞાન કેટલો કેટલો પ્રચાર પામી રહ્યું એના આ બેત્રણ ઉદાહરણ છે .
એક વાત હંમેશા યાદ રાખવાની છે કે જૈન તરીકે આપણે એકલી ગાયની જ સુરક્ષા થાય એવી આકાંક્ષા રાખતા નથી . આપણે દરેક ચતુષ્પદની સુરક્ષાને એકસરખું મહત્ત્વ આપીએ છીએ . આપણી જીવદયાની વિભાવના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી વિસ્તરેલી છે . જ્યારે હિન્દુઓ ગાયને અને અમુક વૃક્ષોને વધારે મહત્ત્વ આપે છે . જોકે , પશુહત્યાના વિરોધ બાબતે આપણી અને હિન્દુઓની વિચારસરણી મોટેભાગે એકસરખી છે .
જે પશુઓ કતલખાને ગયા એમની માટે આપણે કશું કરી શકતા નથી , જે પશુઓ કતલખાને જવાના છે એમને બચાવવા માટે આપણે કશું કરી શકીએ છીએ . આ બે વિકલ્પ સિવાય એક ત્રીજી વાત પણ છે . અમુક પશુઓ કતલખાને ગયા નથી પણ એમની પર અત્યાચાર ઘણા થતા હોય છે અથવા એ પ્રતિફૂળ આરોગ્યમાં ફસાયેલા હોય છે . આવા પશુઓ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવે એ રીતે પણ જીવદયાની પ્રવૃત્તિ થતી હોય છે . જીવતા પશુઓ વિકટ પરિસ્થિતિમાં ફસાય જ નહીં એ રીતે પણ જીવદયાની પ્રવૃત્તિ થતી હોય છે . અમુક સંસ્થાઓ આ દિશામાં સક્રિય છે :
+ પિપલ ફો૨ એનિમલ્સ : પિપલ ફો૨ એનિમલ્સના મેમ્બર્સની સંખ્યા છે અઢી લાખ . ૨૬ હોસ્પિટલ , ૧૬૫ યુનિટ અને ૬૦ મોબાઈલ યુનિટ સાથે આ સંસ્થા સક્રિય છે . જીવદયા માટે આટલું મોટું તંત્ર હોય , તમે કલ્પના કરી શકો છો ? જીવતા પશુપંખીઓની સારસંભાળ અને સુરક્ષા માટે સમગ્ર દેશમાં આ સંસ્થા 1992 થી કાર્યરત છે . જીવ તરીકે પશુઓના જે જે હક બને છે તેની માટે આ સંસ્થા સરકાર સામે પણ લડી જાણે છે . પશુપંખીઓ સંબંધી – આરોગ્ય ઉપચાર , કાયદાકીય સંરક્ષણ , પર્યાવરણ નિર્મિતિ , આક્રમણ અત્યાચાર નો વિરોધ – જેવા અગણિત કાર્યક્ષેત્ર પિપલ ફો૨ એનિમલ્સ સંભાળે છે . દેશમાં અલગ અલગ જગ્યાએ એકીસાથે એક સમયે ૩૦૦૦ પશુઓની ટ્રીટમેન્ટ થઈ શકે એવું વ્યવસ્થાતંત્ર પિપલ ફો૨ એનિમલ્સ પાસે છે . હજારો પશુઓની ટ્રીટમેન્ટ અને લાખો પશુઓની કાયદાકીય સુરક્ષા પિપલ ફો૨ એનિમલ્સને લીધે સંભવિત થઈ છે .
+ બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી : ભૂમિ , નદી , સમુદ્ર , આકાશ , જંગલ , શહેર , ગામમાં રહેનારા કોઈ પણ પશુપંખી કે જીવજંતુને જેનાથી નુકશાન થાય , તકલીફ થાય , પ્રાણહાનિ થાય એવી જીવનશૈલી અને સાધનસામગ્રીનો વિરોધ કરવામાં આ સંસ્થા કદાચ , પ્રથમ સ્થાને છે . બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટીનો મૉટૉ સ્પષ્ટ છે : ક્લોથ્સ , કોસ્મેટિક્સ , કેમિકલ્સ , ફૂડ્સ , ડ્રિંક્સ , સ્વીટ્સ , ફર્નિચર જેવી પ્રત્યેક જીવનોપયોગી સાધનસામગ્રીમાં કોઈ પણ ફ્રૂરતાની પૂર્વભૂમિકા ના હોવી જોઈએ . બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટીનું પ્રચારતંત્ર પાવરફૂલ છે . સમગ્ર સમાજની માનસિકતા બદલવાનું બીડું આ સંસ્થાએ ઊઠાવેલું છે . જે જે એલોપેથી , હોમિયોપથી દવાઓની પશ્ચાદ્ ભૂમાં ક્રૂરતા થયેલી છે એને ખુલ્લી પાડવામાં બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટીનું યોગદાન ઘણું મોટું છે . એમનો શબ્દ છે ક્રૂરતામુક્ત જીવનશૈલી , આપણો શબ્દ છે વિરાધનામુક્ત જીવનશૈલી . જેની જેની જેની પશ્ચાદ્ ભૂમિમાં ક્રૂરતા છે એને ખુલ્લા પાડવાનું કામ બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી ૫૦ વર્ષથી કરે છે . આ સંસ્થાના સાહિત્ય થકી અગણિત લોકોએ ક્રૂરતાનિર્મિત સામગ્રીનો વપરાશ છોડી દીધો છે .
આવી ઘણી સંસ્થાઓ છે . જીવદયાની જૈન પરિભાષા જેમને મળી નથી તેઓ પણ પોતાની સમજ અનુસાર જીવદયાના જે જે કાર્ય કરે છે એમાં જીવો માટે ઊંડી કરુણાના ભાવ અવશ્ય જોવા મળે છે . એ ભાવ એમના આતમાને સમકિત સુધી પહોંચાડે એવી સંભાવના ઘણી મોટી હોય છે .
જગદ્ ગુરુ શ્રીહીરસૂરીશ્વરજી મહારાજા . સાત મહામહોપાધ્યાય , એકસો સાંઠ પંન્યાસ અને બે હજાર સાધુઓના એ ગણાધીશ ( = ગચ્છાધિપતિ ) હતા . વિમલ મંત્રી , વસ્તુપાલ મંત્રી , જગડૂશા જેવા મહાપુરુષો જે ઓશવાલવંશીય પરંપરામાં થયા એ જ પરંપરામાં એમનો જન્મ થયો હતો . વિ.સં. ૧૦૦૫માં શ્રીરત્નસૂરીશ્વરજી મહારાજાનો ઉપદેશ સાંભળીને રાજા રણસિંહ રાઠોડ જૈનધર્મી બન્યો . આ રાજા થકી ઓશવાલ વંશની સ્થાપના થઈ . આ રાજાની જ એકતાલીસમી પેઢીએ પરમ શ્રાવક કુંઅરો શાહ થયા . જોકે એ સ્વયં તો રાજા નહોતા પરંતુ એમને તત્કાલીન રાજા ઘણું સન્માન આપતા . કુંઅરો શાહના વિવાહ પરમ શ્રાવિકા નાથીદેવી સાથે થયા હતા . એમને ત્રણ પુત્ર હતા : સંઘો , સૂરો અને શ્રીપાળ . એમને ત્રણ પુત્રીઓ પણ હતી : ગુણવંતી , રંભા અને વિમલા . એક રાતે નાથીદેવીએ સ્વપ્નમાં હાથી જોયો , એવો હાથી જેને ચાર દાંત હતા અને જેનાં કુંભસ્થળમાંથી મદજળ ઝરી રહ્યું હતું . સવારે પતિપત્નીએ સ્વપ્નલક્ષણપાઠકને ઘરે બોલાવી વાત જણાવી . પાઠકે અર્થઘટન રૂપે જણાવ્યું કે પરિવારમાં એક ઉત્તમ પુત્રનો જન્મ થશે . પતિપત્નીએ રાજીપો અનુભવ્યો . આશરે ત્રણ મહિના બાદ નાથીદેવીનાં મનમાં ચાર દોહદ જાગ્યા . જાણે પૂજું પ્રતિમા અંગ , શત્રુંજય ગિરિ જાવાનો રંગ . જાણે મુનિવરને દેઉં દાન , અમારિ પડહો વગડાવ્યાનું ધ્યાન ( ઢાળ ૧૪ : પદ્ય ૧૮૧ ) ૧. પ્રભુપ્રતિમાની પૂજા કરવી છે .૨ . સિદ્ધગિરિરાજની યાત્રા કરવી છે . ૩ . મુનિભગવંતોને ગોચરી વહોરાવવી છે .૪ . શહેરમાં અમારિ પ્રવર્તન કરવું છે . આ દોહલા પૂરા કરવામાં આવ્યા .
વિ. સં. ૧૫૮૩માં માગસર સુદ નોમ સોમવારના દિવસે , પાલનપુરમાં એક તેજસ્વી બાળકનો જનમ થયો . એ જમાનામાં ગુજરાતમાં ૧૭,૦૦૦ ગામડાં હતાં . ( આજે ગુજરાતમાં ૧૮,૨૨૫ ગામડાં છે . ) ફોઈબાએ હીર કુમાર નામ પાડ્યું . પાંચ વરસની વયે નિશાળમાં ભણવા માટે દાખલ થયા . ગણિત વગેરે મુખ્ય વિષયનો અભ્યાસ બહુ ઝડપથી પૂરો કર્યો . તે પછી ગુરુ ભગવંત પાસે ધાર્મિક અભ્યાસ માટે રહ્યા . પ્રતિક્રમણના સૂત્ર , જીવવિચાર , નવતત્ત્વ , ઉપદેશમાલા , યોગશાસ્ત્ર , સંગ્રહણી અને અન્ય પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો . એનાથી મનમાં વૈરાગ્ય જાગૃત થયો . બાર વરસની વયથી દુકાને બેસવા લાગ્યા . માતાપિતા હીરકુમારને વિવાહ કરી લેવાનો આગ્રહ કરે છે . હીરકુમાર બે જવાબ આપે છે . એક , હું વિવાહ હમણાં નહીં કરું , પછી કરીશ . બીજો જવાબ : આપણા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ દીક્ષા લે તો સમસ્ત પરિવારનું નામ ઉજ્જ્વળ થાય . માતાપિતા દીક્ષાની સહમતી આપતા નથી . સમય વીતતો જાય છે . કાળક્રમે માતાપિતા સ્વર્ગવાસી થયા . હીરકુમારનો વૈરાગ્ય તીવ્ર થયો . હીરકુમારની બે બહેનો પાટણ રહેતી હતી તે શોકાકુલ હીરકુમારને પાલનપુરથી પાટણ લઈ આવી . પાટણમાં બિરાજમાન શ્રીદાનસૂરીશ્વરજી મહારાજાની વાણી સાંભળી હીરકુમાર દીક્ષા માટે સંકલ્પબદ્ધ બન્યા . બહેનોએ દીક્ષાની સહમતી ન આપી . હી૨કુમારે એમને સમજાવી લીધી .
વિ. સં. ૧૫૯૬ ની સાલમાં કાર્તક વદ બીજ , સોમવારના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં હીરકુમારે મહોત્સવપૂર્વક દીક્ષા સ્વીકારી . હીરકુમારની સાથે બીજા આઠ દીક્ષાર્થીઓ પણ દીક્ષિત થયા : અમીપાલ . અમીપાલના પિતા અમરસંગ શેઠ . અમીપાલની માતા . અમીપાલની બહેન કપૂરા . ધર્મશ્રી ઋષિ . રૂડો ઋષિ . વિજય હર્ષ અને કનકશ્રી . તારણહાર ગુરુદેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ હીરકુમારનું દીક્ષિત નામ રાખ્યું : હીરહર્ષ મુનિ . ગુરુએ ધર્મસાગરજી મહારાજા અને હીરહર્ષ મુનિને અભ્યાસ કરવા માટે દેવગિરિ મોકલ્યા . અભ્યાસ પૂર્ણ કરીને બેય મહાત્માઓ નાડુલાઈમાં ગુરુદેવને આવી મળ્યા . વિ.સં. ૧૬૦૭માં ગુરુએ નાડુલાઈમાં આદિનાથ જિનાલયમાં હીરહર્ષમુનિને પંન્યાસ પદ આપ્યું . વિ.સં. ૧૬૦૮માં નાડુલાઈમાં નેમિપ્રાસાદમાં ગુરુએ હીરહર્ષમુનિને ઉપાધ્યાય પદ આપ્યું .
સિરોહીમાં ચાતુર્માસ દરમ્યાન શ્રીદાનસૂરીશ્વરજી મહારાજા ધ્યાનલીન હતા ત્યારે શાસનદેવી પ્રગટ થઈ . સૂરિજીએ પૂછ્યું કે મારે મારા ઉત્તરાધિકારી પદે કોને સ્થાપવા જોઈએ ? શાસનદેવીએ જણાવ્યું કે આપના ઉત્તરાધિકારી પદે હીરહર્ષ ઉપાધ્યાયજી બિરાજિત થશે . દેવી આમ કહીને સ્વસ્થાને ગયાં ત્યારે ઉપાશ્રયમાં કેસર – કુમકુમની વૃષ્ટિ થઈ , દીવડાઓ પ્રજ્વલિત થયા અને ઘણા ઘંટનાદ થયા .
વિ.સં. ૧૬૧૦માં પોષ સુદ પાંચમ ગુરુવારના દિવસે હીરહર્ષ ઉપાધ્યાયજી આચાર્યપદે બિરાજમાન થયા . નામ જાહેર થયું : શ્રી હીરવિજયસૂરિજી મહારાજા . સંવત સોલ ને દાહોતરો , પોષ શુદિ પાંચમ દિન ખરો . હીરહર્ષ છે નામ પ્રસિદ્ધ , હીરવિજય સૂરિ પછે કીધ . ( ઢાળ ૨૫ : પદ્ય ૩૭૨ ) સૂરિપદારોપણ ઉત્સવનો સંપૂર્ણ લાભ ચાંગા મહેતાએ લીધો . સૂરિવર બન્યા બાદ પ્રથમવાર પાટણ પધાર્યા . ગુરુએ અહીં પટ આપ્યો . આ નિમિત્તે મોટો ઉત્સવ થયો જેનો સંપૂર્ણ લાભ ઓસવાલવંશીય સમરથ ભણસાલીએ લીધો હ .
વિહારક્રમે નાડુલાઈ , સુરત , અમદાવાદ થઈને જોટાણા પધાર્યા . અહીં સમાચાર મળ્યા કે વડલી( વડાવલી)માં શ્રીદાનસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા છે . ગુરુના પટ્ટાધિકારી પદે શ્રીહીરવિજયસૂરિજી મહારાજાનું નામ ઉદ્ ઘોષિત થયું . બાર વરસ તેઓ આચાર્યપદે રહ્યા , તે પછી ભટ્ટારક પદે બિરાજમાન થયા .
કટોકટીના પ્રસંગો આવતા રહ્યા . હેમખેમ પાર ઉતરતા રહ્યા . ખંભાતમાં શિતાબખાને સતામણી કરી હતી . બોરસદમાં એક હાકીમે તકલીફ આપી હતી . અમદાવાદમાં શિહાબ ખાન સમક્ષ ઈર્ષાળુઓએ ફરિયાદ કરી હતી તેને લીધે ઘણી પરીક્ષા થઈ હતી . પાટણમાં બનેલી ઘટના અલગ હતી . પાટણનો સૂબો હતો કલાખાન . હીરગુરુ પાટણ પધાર્યા ત્યારે હીરગુરુના માહાત્મ્યના સમાચાર આ સૂબાને મળેલા . એણે હીરગુરુને મળવાની ઈચ્છા જાહેર કરી . જોકે , કલાખાન નિર્દય નેતા તરીકે પ્રસિદ્ધ હતો એટલે સંઘના સૌ સદસ્યોએ હીરગુરુને વિનંતી કરી કે આપ એમને મળશો નહીં . પરંતુ હીરગુરુ નિર્ભય હતા તેઓ કલાખાનને મળ્યા . નાસ્તિકશિરોમણિ સૂબાખાને હીરગુરુ સાથે વાર્તાલાપ કરીને પ્રસન્નતા અનુભવી . એણે શ્રીહીરગુરુને કોઈ આદેશ ફરમાવો ., એવી વિનંતી કરી . હીરગુરુએ બે ઈચ્છાઓ વ્યક્ત કરી . એક , જેલના મૃત્યુપાત્ર કેદીઓને મુક્તિ મળે . બે , રાજ્યમાં એક મહિના માટે અમારિપ્રવર્તન થાય . કલાખાને રાજીખુશીથી હીરગુરુની બે ઈચ્છાઓ સાકાર કરી . ( ઢાળ ૨૮ : પદ્ય ૪પ૩ / ૪૫૪ )
આપણને એવી ખબર છે કે છ મહિનાના ઉપવાસના તપસ્વી શ્રી ચંપાશ્રાવિકાને કારણે હીરગુરુનું નામ રાજા અકબર સુધી પહોંચ્યું . હકીકત એવી છે કે ચંપાશ્રાવિકાની ઘટના બની એની પહેલાં જ હીરગુરુનું નામ રાજા અકબર પાસે પહોંચી ચૂક્યું હતું . એક જગમાલ ઋષિ કરીને સાધુ હતા . એ વ્યક્તિગત અદાવત મનમાં રાખીને આગરા પહોંચ્યા હતા . ત્યાં એમણે હીરગુરુની વિરુદ્ધમાં રાજા અકબર સમક્ષ ફરિયાદ કરી હતી . જગમાલ ઋષિની વાતમાં આવીને રાજા અકબરે હીરગુરૂની વિરુદ્ધમાં ફરમાન પર જારી કરી દીધું હતું પરંતુ બે સજાગ શ્રાવકોએ રાજાને સાચી પરિસ્થિતિની જાણ કરી . આથી રાજા અકબરે બીજું એક ફરમાન લખીને હીરગુરૂની તરફદારી કરી હતી અને જૂનું ફરમાન નિષ્ફળ બનાવ્યું હતું . હીરગુરૂની તરફદારી કરતું રાજા અકબરનું ફરમાન હીરગુરુને મળ્યું ત્યારે હીરગુરુ ગંધાર તીર્થમાં બિરાજમાન હતા . થોડા સમય પછી ચંપાશ્રાવિકાને લીધે અકબર રાજા ફરીવાર હીરગુરુથી પ્રભાવિત થયો . આ વખતે રાજાએ હીરગુરુને ભારતની રાજધાની પધારવા માટે આમંત્રણ પાઠવ્યું . દિલ્લીપતિ બોલ્યો નર ત્યાંહિં , હીરગુરુનિં તેડો યાંહિં . તુમ કાગલ લખીએ દેઈ માન , મૈ ભી લિખ ભેજું ફરમાન . ( ઢાળ ૩૬ : પદ્ય ૬૮૭ / ૬૮૮ ) . રાજાએ જૈન શ્રાવકોને કહ્યું કે તમે જૈન સંઘ વતી વિનંતીપત્ર લખો . હું ગુજરાતના સૂબાને અમદાવાદમાં ફરમાન મોકલું છું . રાજાએ લખેલું ફરમાન અને આગરા જૈન સંઘનો વિનંતીપત્ર , બેય અમદાવાદમાં શિહાબુદ્દીન એહમદ ખાન સમક્ષ પહોંચ્યા . તેણે ફરમાન શિરોધાર્ય ગણ્યું . અમદાવાદના અગ્રણી શ્રાવકોને તેણે આગરા જૈન સંઘનો વિનંતીપત્ર સોંપ્યો અને રાજાનું ફરમાન વંચાવ્યું . અમદાવાદ અને ખંભાતના શ્રાવકો ગંધાર આવ્યા . ફરમાન અને વિનંતીપત્ર હોવા છતાં હીરગુરુ દિલ્લી ન પધારે એવો મત સૌનો બની રહ્યો હતો . હીરગુરુનો નિર્ણય શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયજીએ જાહેર કર્યો : વિમલ હરખ મોટો ઉવજ્ઝાય , તેજ ધરી બોલ્યો તેણિ ઠાય . અવર વાત તે બેઠી રહી , હીર અકબરને મલવું સહી ( ઢાળ ૩૮ : પદ્ય ૮૧૬ )
હીરગુરુએ માગસર વદ સાતમે ગંધારથી પ્રસ્થાન કર્યું . ચાંચોલ – જંબૂસર – વટાદરા – સોજીત્રા – માતર – બારેજા – અમદાવાદ – ઉસ્માનપુર – સોહલા – હાજીપુર – બોરીસાણા – કડી – વિસનગર – મહેસાણા – પાટણ – વડલી – સિદ્ધપુર – સરોતર – આબુ – સિરોહી – સાદડી – રાણકપુર – આઉઆ – મેડતા – ફલોદી – સાંગાનેર – નવલીગામ – ચાટસૂ – હિંડવણી – સિકંદરપુર – બ્યાના – ઇબ્રાહિમાબાદ થઈને જેઠ વદ બારસે ફતેહપુર સિક્રી પહોંચ્યા . સાલ હતી વિ.સં. ૧૬૩૯ . રાજાશાહી સામગ્રીઓ સાથે ભવ્ય સામૈયું થયું . હજારો ભક્તોની ઉપસ્થિતિ હતી . પ્રવેશના દિવસે સામંત જગન્મલ્લ કચ્છવાહના સ્થિરતા કરી . જેઠ વદ તેરસે હીરગુરુએ આંબેલનું પચ્ચખાણ લીધું . સવારે સૂરિ ભગવંતના પ્રથમ સત્સંગનો લાભ અબ્દુલ ફઝલને મળ્યો . હીરગુરુ તો રાજા અકબરને જ મળવા માંગતા હતા . પણ જ્યારે હીરગુરુ પધાર્યા છે એવા સમાચાર રાજા અકબરના દરબારમાં અબ્દુલ ફઝલ દ્વારા પહોંચ્યા ત્યારે રાજાએ અબ્દુલ ફઝલને જણાવ્યું કે ‘ હું હમણાં જૈનાચાર્યને મળી શકું એવી સ્થિતિમાં નથી . હું થોડીવાર પછી મળીશ . ત્યાર સુધી તમે જ જૈનાચાર્ય સાથે વાર્તાલાપ કરો . ‘
રાજાના આ પ્રત્યુત્તર પછી અબ્દુલ ફઝલનાં નિવાસસ્થાને હીરગુરૂ અને અબ્દુલ ફઝલનો તાત્ત્વિક વાર્તાલાપ લાંબા વખત સુધી ચાલ્યો . મધ્યાહ્ન સમય વીતી ગયો . અબ્દુલ ફઝલના નિવાસની પાસે કરણરાજનાં નિવાસસ્થાને હીરગુરૂએ મર્યાદાનુસારી રીતે આંબેલ સંબંધી ગોચરી વાપરી . એટલામાં રાજા તરફથી સ્વાગતનો સંદેશો આવ્યો . હીરગુરુ હવે રાજાના દરબારમાં પધાર્યા . હાથી ઘોડા ઊંટ પાલખી જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ હતી તેમ છતાં હીરગુરુ પગપાળે જ પધાર્યા છે તે જાણીને રાજા ગદ્ ગદ થઈ ગયો . એનાં હૃદયમાં અપરિસીમ બહુમાનભાવ જાગ્યો .
રાજાએ હીરગુરુને ચિત્રશાળામાં પધારવા કહ્યું . ચિત્રશાળામાં જમીન પર ગાલીચો બીછાવ્યો હતો . હીરગુરુએ રાજાને કહ્યું કે ગાલીચા પર પગ મૂકીને અમે અંદર ન આવી શકીએ કેમ કે ગાલીચાની નીચે જીવજંતુ હોવાની સંભાવના છે . અમે એમની હિંસાથી બચવા સંકલ્પબદ્ધ છીએ . આ સાંભળીને રાજાએ પોતાના હાથે ગાલીચો ઊંચો કર્યો. નીચે ઘણી કીડીઓ હતી. રાજા જૈનધર્મની સૂક્ષ્મ અહિંસાથી અહોભાવિત થયો. આખો ગાલીચો સેવકોએ હટાવી દીધો . કીડી આદિ જીવજંતુઓની જયણાપૂર્વક સંભાળ લેવામાં આવી. હીરગુરુ ચિત્રશાળામાં પધાર્યા , યોગ્ય આસને બિરાજ્યા . રાજા અને હીરગુરુ વચ્ચે વિશદ ધર્મચર્ચા થઈ . રાજા પ્રભાવિત થયો . હીરગુરુએ જ્યોતિષ અને મંત્રતંત્રના વિષયમાં રસ ના લીધો . રાજાએ પ્રસન્ન થઈને વિશાળ ગ્રંથસંગ્રહ હીરગુરુને આપવાની ભાવના વ્યક્ત કરી . હીરગુરુએ એનો પણ અસ્વીકાર કર્યો. રાજાએ વિશેષ આગ્રહ કર્યો . રાજાનું મન પ્રસન્ન બનેલું રહે તે માટે એ વિશાળ ગ્રંથસંગ્રહ આગરા જૈન સંઘને સોંપવામાં આવ્યો . રાજા આશ્વસ્ત હતો કે આ સંગ્રહના ગ્રંથો હીરગુરુ ઉપયોગમાં લેશે .
એ વરસનું ચોમાસું હીરગુરુ આગરામાં બિરાજમાન રહ્યા . હીરગુરુની પ્રેરણાથી રાજા અકબરે પર્યુષણના દિવસો દરમ્યાન આગરામાં કોઈ જીવહિંસા ન થાય એવા ફરમાન જારી કર્યા . ચોમાસા બાદ હીરગુરુ શૌરિપુરી પધાર્યા . ત્યાંથી આગરા પધાર્યા . અહીં રાજા અકબર તેમ જ અબ્દુલ ફઝલ સાથે વિશેષ વાર્તાલાપ થતો રહ્યો . એક વાર રાજાએ અબ્દુલ ફઝલ સાથે તત્ત્વસંવાદ કરી રહેલા હીરગુરુને કાર્યપૃચ્છા કરી . હીર પટોધર વીર તણો તિહાં બોલીઓ રે , સુણિ હો અકબરશાહ ; ગાજી રે ગાજી રે કોડી એક ન લીજીએ રે . હીર કહિં સુણિ હુમાઉ નંદન તુહ્મ કહું રે , વચન હમારું એહ ; કીજેરે કીજે રે જગ સારે બહુ સુખી રે ( ઢાળ પ૬ : પદ્ય ૧૨૮૬ / ૧૨૮૭ )
હીરગુરુએ રાજાને કહ્યું કે અમને અમારી માટે કશ્શું જોઈતું નથી . તમે જગતના જીવોને સુખ આપો એ જ અમારી ઈચ્છા છે . રાજા કહે : કંઈક તો ફરમાવો . હીરગુરુ એ પર્યુષણાના આઠ દિવસનું અમારિપ્રવર્તનની કરવાની પ્રેરણા આપી . રાજાએ પોતાના તરફથી ચાર દિવસ ઉમેરીને બાર દિવસનું અમારિપ્રવર્તન કરવાનું વચન આપ્યું અને એ મુજબ છ ફરમાન જારી કર્યા . એક ફરમાન ગુજરાત પહોંચ્યું . બીજું ફરમાન માલવ દેશ પહોંચ્યું . ત્રીજું અજમેર પહોંચ્યું . ચોથું દિલ્હી પહોંચ્યું . પાંચમું લાહોર – મુલતાન પહોંચ્યું . છઠ્ઠું પોતાની પાસે રાખ્યું. આ ઘટના પછી રાજાએ હીરગુરુને જગદ્ ગુરુ પદવી આપી . જગત ગુરુ બિરુદ તે દેહ , હીર તણી શોભા વાધેહ ( ઢાળ ૫૯ : પદ્ય ૧૩૪૩ )
હીરગુરુ વિશે અકબર રાજાનો અભિપ્રાય આ હતો : અજા મીન ગઉ પંખી છુડાએ , સારે કી ઉમર વધાઈ હો લાલ ( ઢાળ ૬૧ : પદ્ય ૧૩૮૯ ) હીરગુરુએ કેટલાય ઘેટા – બકરા – માછલાં – ગાય અને પક્ષીઓને મુક્તિ અપાવીને એમનું આયુષ્ય વધારી દીધું છે . ડાબર તળાવનો જળવિસ્તાર બાર ગાઉનો હતો . રાજાની પ્રેરણાથી આ વિશાળ તળાવમાં થનારી જલચર હિંસા પર પાબંદી લાગુ થઈ . હીરગુરુએ રાજા અકબરને જીજીયાવેરો અને મુંડકાવેરો લેવાનું બંધ કરવાની પ્રેરણા આપી . રાજાએ એ પ્રેરણા શિરોધાર્ય ગણી . જીજીયાવેરો એટલે હિંદુપ્રજાના દરેક ઘરમાં જેટલા અબાળ સદસ્ય હોય તે સૌએ ભરવાનો ટેક્સ . આ ટેક્સની રકમ ઘણી મોટી હતી . શ્રીમંત હિંદુ માટે ટેકસની રકમ અલગ રહેતી . સામાન્ય હિંદુ માટે ટેક્સની રકમ અલગ રહેતી . જેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હોય તેને જીજીયાવેરો ભરવો પડતો નહોતો . એક ઉલ્લેખ એવો મળે છે હિંદુનાં ઘરમાં ખાવાપીવાનો જે ખર્ચો હોય તેમાં હિંદુ પોતાના જે પૈસા વાપરે તે ભલે વાપરે . પણ બાકીના જે પૈસા હિંદુ પાસે બચે તે જીજીયાવેરા પેઠે રાજ્યતંત્રને આપી દેવાના . જે હિંદુએ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો નથી તેમને સજારૂપે આ પૈસા ભરવા પડતા એવું કહી શકાય . મુંડકાવેરો એટલે યાત્રા કરવા નીકળેલા દરેક હિંદુ યાત્રાળુ પાસેથી લેવામાં આવતી જકાત . મુસ્લિમધર્મીઓને એમના તીર્થની યાત્રા માટે મુંડકાવેરો ભરવો પડતો નહોતો .
જીજીયાવેરાથી અને મુંડકાવેરાથી રાજ્યતંત્રને કરોડો રૂપિયાની આવક થતી હતી . રાજાએ તેની ચિંતા કર્યા વિના આ વેરા રદ કરી દીધા હતા . હીર કહે તુહ્મ ભલા સુજાણ , છોડો પુંછી જજીયા દાણ . અકર અન્યાય તીરથ મુંડ્યકું , તે કિમ હોઈ પાતશા થકું . કહે પાતશા છોડ્યા સબ્બ ( ઢાળ ૬૧ : પદ્ય ૧૩૯૬ )
ત્રણ વરસ રોકાયા બાદ ગુજરાત તરફ વિહાર કરવાની વાત જ્યારે હીરગુરુએ કરી ત્યારે રાજાએ જણાવ્યું કે હવેથી હું હરણ – બાજ – ચિત્તા – વાઘનો શિકાર કરીશ નહીં . વરસમાં છ મહિના માંસાહારનો પરિહાર કરીશ . ત્રણ અઠ્ઠાઈ , વર્ષગાંઠ અને સંક્રાંતિના દિવસે જીવહત્યા કરીશ નહીં. હીરગુરુએ આગરાથી વિહાર કરી લીધો .
પણ રાજાની ઈચ્છાથી હીરગુરુના પ્રતિનિધિ તરીકે શાંતિચંદ્ર ઉપાધ્યાય આગરા રોકાયા . એેમની વાણીથી પ્રેરિત થઈને રાજાએ છ માસનું અમારિપ્રવર્તન કર્યું. લાહોરમાં આનો સત્તાવાર ઢંઢેરો પીટવામાં આવ્યો હતો . રાજાએ અને ઉપાધ્યાયજીએ આ અમારિપ્રવર્તનનો સંપૂર્ણ યશ હીરગુરુને જ આપ્યો .
હીરગુરુને ખંભાતમાં સુલતાન હબીબુદ્દીને પરેશાન કર્યા . એની ફરિયાદ રાજા અકબરને પહોંચી . રાજાએ સુલતાનને કડક સજા કરવાનું ફરમાન મોકલ્યું . ડરીને સુલતાને હીરગુરુની ઘણી આગતા સ્વાગતા કરી . હીરગુરુએ મનમાં નારાજગી રાખી નહોતી તે જોઈને હબીબ પ્રસન્ન થયો . એણે કાર્યપૃચ્છા કરી . હીરગુરુએ એના દ્વારા બંદીમોચન અને અમારિપ્રવર્તન કરાવ્યું .
હીરગુરુના પ્રતિનિધિ તરીકે ભાનુ ચંદ્ર ઉપાધ્યાયજી અકબર રાજાની સાથે હતા . ઉપાધ્યાયજીની પ્રેરણાથી રાજા અકબરે શત્રુંજય મહાતીર્થનું અધિકાર પત્ર લખી આપ્યું . બોલ્યો પાતશા ધરી આણંદ , તુહ્મ માંગો જો દેઉં ભાણચંદ . માગી લીધો શેત્રુંજગિરિ સાર , ફરમાન કર્યા તેણી વાર ( ઢાળ ૭૬ : પદ્ય ૧૮૫૦ ) હીરગુરુના પ્રતિનિધિ તરીકે હવે શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા લાહોર પધાર્યા . એમના થકી પણ જીવદયાની ઘણીય પ્રવૃત્તિઓ થઈ .
હીરગુરુએ પાટણથી સિદ્ધગિરિ તરફ પ્રસ્થાન કર્યું . લાહોર આગ્રા મુલતાન કાશ્મીર ખુરસાન બંગાળ કાબુલ ભોટ લાટ ભંભેર ચોડ મેવાડ સુધી સંદેશા પસર્યા . અમદાવાદમાં શેખ ફરીદને ધર્મ સમજાવી અમારિપ્રવર્તન કરાવ્યું . ( ઢાળ ૮૩ : પદ્ય ૨૦૬૯ ) ચૈત્રી પૂનમના દિવસે હીરગુરુએ સિદ્ધગિરિરાજની યાત્રા કરી . મલ્યા સાધુ તિહાં એક હજાર , હીરવિજયસૂરિનો પરિવાર ( ઢાળ ૮૪ : પદ્ય ૨૧૬૧ ) સાથે ૭૨ મોટા સંઘો અને અન્ય નાના સંઘો હતા જેમાં જેસલમેર વિસનગર સિદ્ધપુર મહેસાણા ઈડર અહીમનગર સાવલી કપડવંજ માતર સોજીત્રા નડિયાદ વડનગર ડાભલા કડા મહેમદાબાદ બારેજા વડોદરા આમોદ શિનોર જંબુસર કેરવાડા ગંધાર સુરત ભરૂચ રાંદેર ઉના દીવ ગોગા નવા નગર માંગરોળ વેરાવળ દેવગીરી વિજાપુર વૈરાગ નંદરબાર શીરોહી નડુલાઈ રાધનપુર વડલી કુણઘેર પ્રાંતિજ મહીજ પેથાપુર બોરસદ કડી ધોળકા ધંધુકા વિરમગામ નવાનગર જુનાગઢ કાલાવડ અને અન્ય નામો મુખ્ય હતાં . અહીં ખંભાત અને દીવ સંઘે ચોમાસાની વિનંતી કરી . દીવ સંઘે હીરગુરુને કહ્યું કે આપે પાટણમાં આઠ ચોમાસાં કર્યાં , ખંભાતમાં સાત ચોમાસાં કર્યાં , અમદાવાદમાં છ ચોમાસાં કર્યાં , સિરોહીમાં અને સાંચોરમાં બે બે ચોમાસાં કર્યાં . ફત્તેહપુર , કુણઘેર , મહેસાણા , સોજિત્રા , બોરસદ , આમોદ , ગંધાર અને રાધનપુરમાં એક એક ચોમાસું કર્યું છે પરંતુ ઉનામાં ચોમાસું કર્યું નથી . આ વખતે ઉનાને લાભ મળવો જોઈએ .
ઉના સંઘની વિનંતીનો સ્વીકાર થયો . હીરગુરુ પાલીતાણા શેત્રુંજી નદી દાઠા મહુઆ દેલવાડા અજારા થઈને ઉના પધાર્યા . ચોમાસું યાદગાર રીતે સંપન્ન થયું . આરોગ્ય પ્રતિકૂળ બન્યું . વિહારના સમયે સંઘે હીરગુરુને આરોગ્ય ઉપચાર માટે ઉના રહેવાની જ વિનંતી કરી . હીરગુરુ રોકાયા . બીજું ચોમાસું શરૂ થયું. પર્યુષણમાં કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું. ભાદરવા સુદ ૧૦ ની મધ્યરાત્રિએ આરોગ્ય ગંભીર થયું . નિર્યામણા અને ક્ષમાયાચના કરી . પદ્માસને બિરાજ્યા . હાથમાં માળા રાખી ગણવા લાગ્યા . ચાર માળા પૂરી ગણાઈ . પાંચમી માળા ગણતાં ગણતાં હાથમાંથી પડી ગઈ . આ રીતે હી૨ગુરુ સાત પહોરનું અનશન સાધી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા . દિવસ હતો ભાદરવા સુદ ૧૧ વિ. સં. ૧૬પર ગુરુવાર .
અગ્નિસંસ્કાર જે વાડીમાં થયા ત્યાં વાંઝણા આમ્રવૃક્ષો પર ઢગલાબંધ કેરીઓ ઉગી આવી , રાતે દેવતાઈ આડંબર જોવા મળ્યો . અગ્નિસંસ્કારના દિવસે ઉનાના સમગ્ર દરિયાકાંઠે અમારિપ્રવર્તન જાહેર થયું . ભારતનાં વિવિધ રાજ્યોમાં શોકસંદેશ પસર્યા અને અમારિ પટહ વાગ્યા . ગુરુભક્તોએ અગ્નિસંસ્કારની ભૂમિ પર સ્તૂપની રચના કરી . જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પાટે સવાઈ હીરલા તરીકે પ્રસિદ્ધ એવા શ્રીસેનસૂરીશ્વરજી મહારાજા બિરાજમાન થયા .
( કવિ ઋષભદાસે આ રાસમાં ૧૧૦ ઢાળ અને ૩૧૩૪ પદ્ય લખ્યાં છે . એમાં ઘણાઘણા પ્રસંગો છે જે આ કથાસારમાં સમાવેશ પામ્યા નથી . રાસ સંપાદક : પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા )
પરમાત્મા જીવંત અવસ્થાએ સમવસરણમાં બિરાજમાન હોય ત્યારે પ્રભુની સાથે બે જ્ઞાન જોડાયેલા હોય છે . પ્રભુની ભીતરમાં પ્રગટેલું જ્ઞાન તે કેવળજ્ઞાન અને પ્રભુની વાણી થકી પ્રકટી રહેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન . પ્રભુ મોક્ષમાં ગયા તો પોતાનું કેવળજ્ઞાન સાથે લઈને ગયા પરંતુ શ્રુતજ્ઞાન આપણને સોંપીને ગયા .
શ્રુતજ્ઞાનના ત્રણ સમયખંડ બને છે . શ્રી મહાવીર સ્વામી ભગવાનના મોક્ષગમન પછીના ૯૮૦ વરસનો સમયખંડ આ પ્રથમ સમયખંડ છે . પ્રથમ સમય ખંડમાં કેવળ મૌખિક સ્વાધ્યાય થતો હતો . પુસ્તકમાં જોઈને વાંચવાનો કે શીખવાનો વ્યવહાર શ્રમણસંઘમાં હતો નહીં . જે પણ અભ્યાસ થતો તે કેવળ સાંભળીને થતો . જોકે , આ સમયખંડના અંતે તાડપત્ર ઉપર ગ્રંથો લખવાનું શરૂ થયું . તે પછીના ૧૪૦૦ વર્ષનો સમયખંડ આ બીજો સમયખંડ છે . . બીજા સમયખંડમાં હસ્તલિખિત ગ્રંથો હતા અને એમના જ આધારે જ્ઞાન ઉપાર્જન થતું હતું . આ પછીના ૨૦૦ વર્ષનો સમયખંડ આ ત્રીજો સમયખંડ છે . આ સમયખંડમાં પુસ્તકો મુદ્રિત રૂપે મળવા લાગ્યા . મુદ્રિત પુસ્તકોમાં કોઈપણ એક પુસ્તકની ૧૦૦૦ નકલ કે ૧૦.૦૦૦ નકલ બની શકે . આવી સુવિધા હસ્તલિખિત પુસ્તકોમાં સંભવિત નથી .
ત્રણ સમયખંડના આધારે વિચારીએ તો શ્રુતના ત્રણ સ્વરૂપ બને છે . એક મૌખિક શ્રુત . બે હસ્તલિખિત શ્રુત . ત્રણ મુદ્રિત શ્રુત . આ ત્રણેય પ્રકારનાં શ્રુતથી મનમાં જે શ્રદ્ધા પ્રકટે છે , શુભ ભાવો પ્રગટે છે તે ભાવશ્રુતની ભૂમિકા ધારણ કરે છે . પર્યુષણ દરમિયાન ૧૧ કર્તવ્યોની વાત થાય છે એમાં શ્રુતભક્તિની વાત આવે છે . આપણે શ્રુતભક્તિના જુદા જુદા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ .
૧ . જ્ઞાનભંડારની સેવા કરવી જોઈએ . કબાટ સાજાનરવા હોય . પુસ્તકો ફાટેલાતૂટેલા ન હોય . કવર ચડેલા હોય , નામ – નંબર અને સ્ટીકર સરસ રીતે લાગેલા હોય . લિસ્ટ તૈયાર હોય . આ દરેકની દેખરેખ રાખવાની હોય . જ્ઞાનભંડારની શ્રદ્ધાપૂર્વકસેવા કરવાથી જ્ઞાનાવરણનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પ્રગટે છે .
૨ . આપણે જે રીતે પ્રભુમૂર્તિની પૂજા કરીએ છીએ તે રીતે ગ્રંથની પણ પૂજા કરી શકીએ છીએ . ગ્રંથની પૂજામાં શું શું કરી શકાય ? ગ્રંથની શણગાર પૂજા , અષ્ટપ્રકારી પૂજા , અલંકાર પૂજા , વિશિષ્ટ વાસક્ષેપપૂજા . જે રીતે પ્રભુને ભાવપૂર્વક ખૂબ ખૂબ પૂજીએ એ રીતે ગ્રંથને મર્યાદાપૂર્વક ખૂબખૂબ પૂજીએ . સૂત્રોના ચડાવા બોલીએ .
૩ . આપણાં શાસ્ત્રોનો ઈતિહાસ સાંભળવો જોઈએ , વાંચવો જોઈએ અને યાદ રાખવો જોઈએ . આગમ સાહિત્ય , આગમિક વૃત્તિ સાહિત્ય , આગમેતર સાહિત્ય , આગમેતર વૃત્તિ સાહિત્ય . કઈ શતાબ્દીમાં કયો ગ્રંથ લખાયો ? આ બધું જાણવું જોઈએ . જે પ્રજા પોતાના ઇતિહાસને યાદ નથી રાખતી એ પ્રજાનું પતન થાય છે . જે પ્રજા પોતાના ઇતિહાસને ગૌરવપૂર્વક યાદ રાખે છે એ પ્રજાની ઉન્નતિ થાય છે .
૪ . આપણે ત્યાં ગાથાઓ અને સૂત્રો કંઠસ્થ કરવાની પરંપરા છે . જે ગાથાઓ અને જે સૂત્રો કંઠસ્થ હોય છે એને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે . જે વ્યક્તિ ગાથા કે સૂત્રને કંઠસ્થ કરવાની કોશિશ કરે છે તેને શ્રુતને આત્મસાત્ કરવાનું વિશિષ્ટ પુણ્ય પ્રાપ્ત થાય છે . આ પુણ્યના પ્રભાવે આવતા ભવમાં ફરીથી સમ્યક્ શ્રુતની પ્રાપ્તિ થાય છે . આપણી ઉંમર કોઈ પણ હોય , રોજ નવી ગાથા કરવાની કોશિશ ચાલુ જ રાખવી જોઈએ . આપણને કેટલી ગાથા ચડે છે એ અગત્યનું નથી . આપણે ગાથા કંઠસ્થ કરવાની કોશિશ કરીએ છીએ એ ઘણું જ અગત્યનું છે .
૫ . શ્રુતનો અર્થ છે શાસ્ત્ર . શાસ્ત્રનું શ્રવણ કરે એને શ્રાવક કહેવાય છે . દર વર્ષે બે ત્રણ પાંચ કે એનાથી વધુ શાસ્ત્રોનું શ્રવણ ગુરુના મુખે કરવું જોઈએ . વાચના લેવી જોઈએ . વાચનામાં જે સાંભળ્યું એની નોંધ નોટબુકમાં કરવી જોઈએ . વ્યાખ્યાન સાંભળવું એ અગત્યનું છે પરંતુ શાસ્ત્રો સાંભળવા એ વધારે અગત્યનું છે . શાસ્ત્રની પૂજા કરતા હોઈએ અને શાસ્ત્રને , મૂળશાસ્ત્રને સાંભળતા ન હોઈએ તો એ પૂજાનો અર્થ શું રહે ? શાસ્ત્ર સાંભળવા જોઈએ .
૬ . એક જીવનમાં બધા જ શાસ્ત્રો સાંભળી શકશું એ સંભવિત નથી . ઘણાં શાસ્ત્રો એવાં હશે જેમનું શ્રવણ રહી જશે . કરવાનું શું ? ઘણાંબધાં શાસ્ત્રનાં નામ જાણવા જોઈએ અને તે તે શાસ્ત્રમાં કયો વિષય છે એ વિષયને જાણી લેવો જોઈએ . જેમ કે સમરાદિત્યકથામાં ક્રોધ ન કરવાનો ઉપદેશ છે , ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં ચોવીશ તીર્થંકરની કથા છે . આ રીતે દરેક ગ્રંથમાં કયો વિષય છે એની જાણકારી મેળવવી જોઈએ .
૭ . જ્યાં મૌખિક શ્રુતની આરાધના થાય છે તેવી પાઠશાળામાં આર્થિક સહયોગ આપવો જોઈએ . જ્યાં હસ્તલિખિત શ્રુતની આરાધના થાય છે એટલે કે તાડપત્ર અથવા ટકાઉ કાગળ પર શ્રુતલેખનની પ્રવૃત્તિ ચાલે છે એવી સંસ્થામાં આર્થિક સહયોગ આપવો જોઈએ . વર્તમાન સમયમાં મુદ્રિત થતું પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય જ્યાંથી પ્રકાશિત થતું હોય ત્યાં આર્થિક સહયોગ આપવો જોઈએ .
૮ . આપણા શાસ્ત્રોની પ્રાચીન ભાષા છે સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા . આ ભાષાઓ શીખવી જોઈએ . આ ભાષામાં વાંચન કરી શકીએ એવું પ્રશિક્ષણ મેળવવું જોઈએ .
૯ . આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં ધર્મશાસ્ત્રના જે સર્વશ્રેષ્ઠ જ્ઞાની ગુરુ ભગવંત હોય એમને ખૂબબધો આદર આપવો જોઈએ . એમની માટે અહોભાવ રાખવો જોઈએ . એમની ભક્તિ કરવી જોઈએ . એમના મનમાં પ્રસન્નતા જાગે એવી રીતે એમની સેવા કરવી જોઈએ . વિશિષ્ટ જ્ઞાનસંપન્ન ગુરુ ભગવંતની ભક્તિથી આપણને અવશ્ય વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે .
૧૦ . વર્તમાન સમયમાં જે ઉત્તમ સાત્વિક પુસ્તકો પ્રકાશિત થાય છે એને ખરીદવા જોઈએ . ઘરે રાખવા જોઈએ અને યોગ્ય લોકો સુધી સારાં પુસ્તકો પહોંચાડવા જોઈએ . આપણે પુસ્તકો ખરીદશું નહીં તો એ પુસ્તકોમાં જે જ્ઞાન છે એનાથી વંચિત રહી જઈશું . આપણે પુસ્તક બીજાને આપીશું નહીં તો કદાચ એ પણ પુસ્તકમાં રહેલાં જ્ઞાનથી વંચિત રહી જશે . પુસ્તક ખરીદવા જોઈએ , ઘરે રાખવા જોઈએ અને યોગ્ય લોકોના હાથમાં મૂકવા જોઈએ .
૧૧ . આપણે ગુરુવંદન , ચૈત્યવંદન , પ્રતિક્રમણ , સ્નાત્રપૂજા આદિ ક્રિયાઓમાં – જે જે સૂત્રો બોલીએ છીએ , સ્તવન- -સજ્ઝાય-થોય બોલીએ છીએ એની રચના કોઈ ને કોઈ ગુરુ ભગવંતે કરી છે . આવશ્યક ક્રિયાના સૂત્રોની રચના ગણધર ભગવંતોએ કરી , અન્ય સૂત્રોની રચના ચોક્કસ ગુરુ ભગવંતોએ કરી . સૂત્રોના રચનાકાર ગુરુ ભગવંતોનો આપણી પર અનહદ ઉપકાર છે . આપણે તે દરેક ગુરુ ભગવંતોને વંદન કરીએ , અહોભાવપૂર્વક યાદ કરીએ એ આપણું કર્તવ્ય છે .
શ્રુતિભક્તિનાં કાર્યમાં કાયમ જોડાયેલા રહેવાનું છે : સંકલ્પ પાકો રાખજો .
( પર્યુષણ તૃતીય દિન પ્રવચન : ૨૦૨૪ )
ક્ષમાપના હવે આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિશાળી પૂરવાર થવાની દિશામાં આગળ વધી રહી છે
૧૧ સપ્ટેમ્બર , ૨૦૦૧નો દિવસ . અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ગગનચુંબી ઈમારતો પર તદ્દન અપ્રત્યાશિત હુમલો થયો . પેટ્રોલથી ઠાંસોઠાંસ ભરેલા વિમાન ટ્રેડ સેન્ટરને ટકરાયા . અકલ્પનીય તબાહી મચી . ૩૦૦૦ લોકોની મોત થઈ . ૬૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા . અમેરિકામાં અને સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાઈ ગયો . આ ઘટના પછી અમેરિકાના સમાજચિંતક વિદ્વાનોની એક બેઠક મળી . આ બેઠકમાં જે વિચારો ચાલ્યા એનો સારાંશ કંઈક કામ મુજબ છે : અલગ અલગ દેશો અને સંસ્કૃતિઓ એકબીજા સાથે લડે અને એકબીજાને નુકસાન કરે આ પદ્ધતિ હજારો વર્ષોથી ચાલી આવે છે . લડે છે બે દેશ , લડે છે બે પરંપરા , લડે છે બે સંસ્કૃતિ પણ એનું કડવું પરિણામ સમગ્ર માનવસમાજ ભોગવે છે . માનવસમાજને ચિરકાલીન નુકસાનથી બચાવવો હશે તો અરસપરસ લડવાની વૃત્તિ ઓછી થાય એવા વિચારોનો પ્રસાર કરવો પડશે . હવે , વિચારવસ્તુની દૃષ્ટિએ જોઈએ તો ક્ષમાપનામાં સંક્લેશનિવારણની શક્તિ ઘણી મોટી છે .
આ વિચારને આધારસૂત્ર બનાવીને The society of forgiveness જેવા કોઈ નામનું સંગઠન બન્યું . વિશ્વના દરેક ધર્મમાં ક્ષમાપના વિશે શું શું લખવામાં આવે છે , શું શું સમજાવવામાં આવે છે , શું શું કરવામાં આવે છે , શું શું કહેવામાં આવે છે એનો અભ્યાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી . આ ટીમ વિશ્વના દરેક દેશોમાં ફરી . આ ટીમ ભારતમાં પણ આવી . ભારતમાં વૈદિક ધર્મ , બૌદ્ધ ધર્મ ઈસ્લામિક ધર્મ , શીખ ધર્મ , પારસી ધર્મ અને જૈન ધર્મ – ક્ષમાપના વિશે શું કહે છે એનો આ ટીમે અભ્યાસ કર્યો . જૈન ધર્મમાં ક્ષમાપના વિશે જે અવધારણા રજૂ કરવામાં આવી છે એનાથી આ ટીમ ઘણી જ પ્રભાવિત થઈ છે . એમને ગમેલી અવધારણા શું છે ? જાણીએ .
દરેક માણસ અન્ય વ્યક્તિ માટે મનમાં દ્વેષ બનાવે છે ત્યારે એની પાસે એક બહાનું હોય છે કે સામા માણસે આવો અયોગ્ય વહેવાર કર્યો એને કારણે મેં મનમાં દ્વેષ બનાવ્યો છે . મારાં મનમાં દ્વેષ બને છે એનું કારણ સામા માણસનો વ્યવહાર છે આવું દરેક વખતે લાગતું હોય છે . આ વાત એવી રીતે ગોઠવાઈ જાય છે કે સામા માણસે અયોગ્ય વ્યવહાર કર્યો છે એટલે મને દ્વેષ કરવાની છૂટ મળી ગઈ છે . એ માણસ ભૂલ કરત જ નહીં તો મારાં મનમાં દ્વેષ બનત જ નહીં . પહેલી નજરે આ વાત સાચી લાગે છે પણ હકીકત એ છે કે આ વાતમાં ભ્રમણા વધુ છે . હું દ્વેષ શું કામ કરું છું એનાં કારણો આપણી પાસે સેંકડો હશે . પણ એ કારણો દ્વેષ વધારવામાં જ મદદગાર થાય છે . એ કારણો દ્વેષને ઓછો કરવામાં ઉપયોગી થતા નથી .
દ્વેષને ઓછો કરવામાં ઉપયોગી બને એવો વિચાર કંઈક જુદો છે . હું અત્યારે મારાં મનમાં દ્વેષ જીવતો રાખીને બેઠો છું . એ દ્વેષને કારણે ભવિષ્યમાં શું પરિણામ આવશે એનો વિચાર મારે કરવો જ જોઈએ . બે દેશ એકબીજાની માટે દ્વેષ રાખીને ચાલશે એનું પરિણામ છેવટે યુદ્ધમાં આવશે અને યુદ્ધનું પરિણામ છે પ્રજાની પાયમાલી . બે સંસ્કૃતિ એકબીજાના વિરોધમાં કટ્ટર ભાવે ઊભી હશે એનું પરિણામ છેવટે લાંબા સંઘર્ષમાં આવશે . બે વ્યક્તિ એકબીજાના વિરોધમાં વિચાર કરતી હશે એનું પરિણામ છેવટે લડાઈમાં જ આવશે . દ્વેષનું કારણ સામા પક્ષનો વહેવાર છે આ મુદ્દે ઘણી લાંબી ચર્ચા ચાલે છે એને કારણે દ્વેષમાંથી નીપજેલી લડાઈ પણ ઘણી લાંબી ચાલે છે . દ્વેષ કરનારો માણસ ખુદ પણ અશાંત રહે છે . દ્વેષ કરનારો માણસ અન્યને પણ અશાંત બનાવે છે . દ્વેષ કરનારો માણસ વાતાવરણમાં અને સમાજમાં પણ અશાંતિના વમળો ફેલાવે છે . અશાંત માનસિકતા અને અશાંત પરિસ્થિતિને સુધારવી હોય તો કામ એક જ જગ્યાએ કરવું પડે . અરસપરસનો દ્વેષ ઓછો થાય એવો માનસિક પુરુષાર્થ સ્વયં કરવો અને એવો માનસિક પુરુષાર્થ સૌ કરે એવો માહોલ રચવો .
ક્ષમાપનાનો સિદ્ધાંત કહે છે કે પરસ્પર જે સંઘર્ષ ચાલે છે , લડાઈ ચાલે છે એનું લાંબા ગાળે પરિણામ શું આવશે એનો વિચાર કરવાનું શરૂ કરો . દ્વેષ કરવાનાં કારણો ગમે તેટલા મજબૂત હોય પરંતુ તમે દ્વેષ કર્યો હોય એનું પરિણામ ક્યારે પણ સારું આવતું નથી . દ્વેષ એટલે કોઈની ઉપર ગુસ્સો કરવો . દ્વેષ એટલે કોઈની ઉપર હુમલો કરવો . દ્વેષ એટલે કોઈની માટે ખરાબ બોલવું . દ્વેષ એટલે કોઈની સાથે સ્પર્ધામાં ઉતરવું . દ્વેષ એટલે કોઈની ઈર્ષ્યા કરવી . દ્વેષ એટલે કોઈની વિરૂદ્ધમાં કાવતરાં રચવા . દ્વેષ એટલે કોઈની માટે નારાજ રહેવું . દ્વેષ એટલે કોઈને નુકશાન કરવું કે નુકશાન કરવા માટે વિચારવું . દ્વેષની માનસિકતા હજારો છે પણ દરેક માનસિકતા નેગેટિવ છે .
દ્વેષનું પહેલું ખરાબ પરિણામ એ છે કે દ્વેષ તમારી માનસિક પ્રસન્નતાને ધક્કો પહોંચાડે છે . જેનાં મનમાં દ્વેષ તીવ્ર હશે એનાં મનમાં જો આનંદ બને તો એ આનંદ ખોખલો હશે . જેનાં મનમાં દ્વેષ નહીં હોય કે દ્વેષ ઓછો હશે એની પ્રસન્નતા શક્તિશાળી હશે , એનો આનંદ નક્કર હશે . દ્વેષ માનસિક શાંતિને ખાઈ જાય છે , યાદ રાખજો .
દ્વેષના આવેશમાં આપણે અન્યને હેરાન કરવા લાગીએ છીએ . એ આપણને પહેલાં હેરાન કરે છે કે આપણે એને પહેલાં હેરાન કરીએ છીએ એ નક્કી કરવાનું મુશ્કેલ થઈ જાય છે . બંને એકબીજાને હેરાન કરે છે . બંને એકબીજાને ગાળો આપે છે . બંને એકબીજાને બદનામ કરે છે . બંને એકબીજાનો વિરોધ કરે છે . બંને એકબીજાને મુશ્કેલીમાં મૂકે છે . બંને એકબીજાના સુખને છીનવે છે . બંને એકબીજાને દુઃખમાં ડૂબાડે છે . આ પરિસ્થિતિ દ્વેષને કારણે આવે છે . દ્વેષનું બીજું ખરાબ પરિણામ એ છે કે આપણો દ્વેષ અન્યની માનસિક પ્રસન્નતાને ધક્કો પહોંચાડવા ચાહે છે , કોઈની પ્રસન્નતાનો નાશ કરવાની ભૂખ આપણા મનમાં સતત બનેલી રહે છે . આ સાત્ત્વિક મનોવૃત્તિ ના જ કહેવાય .
દ્વેષનાં ઝનૂનમાં આવેલો માણસ થોડા દિવસ કે થોડા મહિના પૂરતો જ અશાંત રહે છે એવું નથી . એ વર્ષો સુધી દ્વેષની આગમાં સળગ્યા કરે છે . જૈન ગ્રંથકારો જણાવે છે કે દ્વેષ જો એક વર્ષથી વધારે ચાલે છે તો એવા દ્વેષવાળો જીવ , મરીને નરકમાં જ જાય છે . એક વર્ષથી વધારે ચાલેલો દ્વેષ , જીવનભરના ધર્મને નિષ્ફળ બનાવી દે છે . દ્વેષનું આ ત્રીજું ખરાબ પરિણામ છે . જીવનભર બાળે છે દ્વેષ . મર્યા પછી પણ બાળતો રહે છે દ્વેષ .
પ્રશ્ન એ છે કે ક્ષમાપનામાં દ્વેષ ઘટાડવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે . જવાબ એ છે કે દ્વેષ ઘટાડવાની પ્રક્રિયામાં પાંચ ચરણ હોય છે .
પહેલાં ચરણમાં આપણે પોતાની જાતને સૂચના આપીએ છીએ કે દ્વેષની માનસિકતા મારા આત્મા માટે નુકસાનકારી છે . મારે દ્વેષના તીવ્ર સંસ્કારો ખતમ કરવા છે . અન્યથા મારે ઘોર દુર્ગતિમાં જવું પડશે .
બીજાં ચરણમાં આપણે વર્તમાન પરિસ્થિતિથી સાવધાન બનીએ છીએ . સામા માણસનાં કારણે મારાં મનમાં અત્યારે જે જે દ્વેષની ધારાઓ ચાલી રહી છે એ દરેક ધારાને મારે કમજોર પાડવી છે એવો સંકલ્પ કરવાનો છે .
ત્રીજાં ચરણમાં આપણે સામી વ્યક્તિનાં મનમાં ચાલી રહેલા દ્વેષની ધારાને કમજોર પાડવાનો સંકલ્પ કરીએ છીએ . જો સામો માણસ મારાં વચનો કે મારા વહેવારને કારણે મારી માટે દ્વેષ રાખે છે તો એ મારા મનમાં દ્વેષ જગાડી પણ શકે છે . જો સામા માણસનાં મનમાં મારા થકી નીપજેલો દ્વેષ જીવતો ના બચે તો એ મને પણ દ્વેષમાં ફસાવી નહીં શકે .
ચોથા ચરણમાં આપણે સામી વ્યક્તિને મળીને એની સમક્ષ ક્ષમાયાચના કરીએ છીએ .
પાંચમા ચરણમાં આપણે સામી વ્યક્તિ સમક્ષ ભવિષ્યમાં ક્યારેય દુઃખદાયક વાણી કે દ્વેષકારક વચનો ન બોલવાનો સંકલ્પ કરીએ છીએ , દુઃખદાયક વહેવાર કે દ્વેષકારક વર્તન ન કરવાનો સંકલ્પ કરીએ છીએ .
આ રીતે પાંચ ચરણમાં જે દ્વેષને કમજોર પાડવાનો પ્રયત્ન કરે છે તે ક્ષમાયાચના સમ્યગ્ રીતે કરી શકે . The society of forgiveness જેવા સંગઠન માને છે કે ભવિષ્યમાં સમગ્ર માનવસમાજને સંઘર્ષમુક્ત રાખવો હશે તો ક્ષમાપનાનો સિદ્ધાંત અમલીકરણમાં લાવવો પડશે .
( પર્યુષણ દ્વિતીય દિન પ્રવચન : ૨૦૨૪ )
દરિયાઈ અમારિપ્રવર્તન થયું હતું જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાનાં નામે : પર્યુષણના પહેલાં દિવસે આ યાદ કરવું જોઈએ
પર્યુષણના પહેલા દિવસે અમારિ પ્રવર્તનની વાતમાં શ્રી હીર સૂરીશ્વરજી મહારાજાને અવશ્ય યાદ કરવામાં આવે છે . એમને યાદ ન કરીએ તો પર્યુષણનો પહેલો દિવસ અધૂરો લાગે અને અમારિપ્રવર્તનની વાત પણ અધૂરી લાગે . સૂરિ ભગવંતેરાજા અકબરને અહિંસાધર્મ સાથે જોડ્યો એની કથા પ્રચલિત છે . વિક્રમ સંવત્ સોળસો બાવનમાં ભાદરવા સુદ અગિયારસે તેમના કાળધર્મની ઘટના બની . તે પછી એમના અગ્નિસંસ્કાર સંપન્ન થયા . કવિવર શ્રી ઋષભદાસજી વિરચિત શ્રી હીરવિજયસૂરિજી રાસમાં વાંચવા મળે છે કે જે દિવસે એમનો અગ્નિસંસ્કાર થયો તે દિવસે ઊનાના દરિયાકિનારે અમારિપ્રવર્તન થયું હતું . આજે ઊના તાલુકામાં ૨૦૦થી વધારે ગામની ગણતરી થાય છે એમાં નવા બંદર ગામ ઊનાથી ૫૦ કિલોમીટર દૂર છે . ત્યાંનો દરિયો ઊના તાલુકા સાથે જોડાયેલો ગણાય છે . આ આખા દરિયાકિનારે કોઈ માછીમાર જાળી , નાવડા કે તરાપા લઈને ના ઉતરે એવું ફરમાન જારી થયું હતું . આ ગજબનાક વાત છે . અમારી પલાવી રે આખે કાંઠડે , નહીં સાગરમાહી જાલ રે – આ મુજબ શબ્દો છે . ( ઢાળ ૯૫ : પદ્ય ક્રમાંક ૨૪૭૩ ) . આખા દરિયાકાંઠે જળચર જીવોને અભયદાન મળ્યું . એ દૃશ્ય કેવું હશે ? રોજરોજ કેટલા દરિયાખેડૂઓ દરિયામાં ઉતરતા હશે ? પરંતુ અગ્નિસંસ્કારના દિવસે તો બધા જ નાવડા , તરાપા , મછવા કિનારે પડેલા રહ્યા હશે . એક દિવસમાં લાખો જળચરોને અભયદાન મળ્યું હશે . માછલા , કાચબા , દેડકા , કરચલા , સર્પ અને અન્ય જળચર જીવો . આ જીવોને ચોવીશ ચોવીશ કલાક સુધી કોઈ અડ્યું નહીં હોય . મુસ્લિમોનું રાજ હતું . એ લોકોને હિંદુઓનાં મંદિર કે જૈનોનાં મંદિરમાં શો રસ હોય ? એ લોકો પોતાની જ અપેક્ષિત ભોજનસામગ્રીથી વંચિત રહે એવો જનાદેશ જારી થયો હતો . જે લોકોને અને જે પ્રજાને આ એકદિવસીય અમારિ પ્રવર્તનનું પાલન કરવું પડ્યું હશે એમની જનસંખ્યા મોટી જ હશે . એમને પણ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા માટે કોઈ અહોભાવ થયો જ હશે . દરિયાઇ અમારિ પ્રવર્તનનાં ફરમાન જેમણે જારી કર્યા હશે એ રાજકીય હોદ્દેદારોને શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા માટે અનુરાગ હશે જ હશે . સમગ્ર ભારતમાં આ દરિયાઈ અમારિ પ્રવર્તનના સમાચાર ફેલાયા જ હશે . ભારતભરના સંઘોએ આ દરિયાઈ અમારિ પ્રવર્તનના સમાચાર સાંભળીને કેવો અહોભાવ અનુભવ્યો હશે .
આ દિવસથી પૂર્વે શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી અમારિ પ્રવર્તન ઘણાં થયાં હતાં . + વિ.સં. ૧૬૩૯ માં જેઠ વદ બારસના દિવસે જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા ૬૭ સાધુઓની સાથે ફતેહપુર સિક્રી પધાર્યા . રાજા સાથે મુલાકાત થઈ . લાંબો સત્સંગ ચાલ્યો . સૂરિ ભગવંત આગરામાં ચોમાસું બિરાજમાન રહ્યા . પર્યુષણના દિવસો નજીક આવ્યા . આગ્રા જૈન સંઘના અમીપાલ દોશી આદિ શ્રાવકો રાજાને મળવા ગયા . રાજાએ એમને પૂછ્યું હતું કે આચાર્ય ભગવંતનો કોઈ આદેશ હોય તો કહો . ત્યારે આગ્રા જૈન સંઘના અમીપાલ દોશી આદિ શ્રાવકોએ પર્યુષણ નિમિત્તે જીવોને અભયદાન મળે એવી ભાવના વ્યક્ત કરી હતી . શ્રાવકોની ભાવનાની પાછળ આચાર્ય ભગવંતનો ઉપદેશ છે એ રાજાને સમજાતું હતું . આચાર્ય ભગવંતના ઉપદેશને શિરોધાર્ય ગણીને રાજાએ પર્યુષણના ઉપલક્ષમાં અમારિપ્રવર્તનનું આદેશપત્ર જારી કર્યું . આ આદેશપત્ર અનુસાર આગરામાં પર્યુષણ દરમ્યાન આઠ દિવસ સુધી તમામ કતલખાના અને પંચેન્દ્રિયવધ બંધ રહ્યા , એમ વિજયપ્રશસ્તિમાં લખ્યું છે . અકબર રાજાએ કરેલું આ પહેલીવારનું અમારિપ્રવર્તન હતું .+ વિ.સં.૧૬૪૦માં રાજાએ ખૂબ આગ્રહપૂર્વક કાર્યપૃચ્છા કરી . સૂરિભગવંતે પક્ષિઓના અને જલચર જીવોનાં અભયદાનની પ્રેરણા આપી . રાજાએ પાંજરે પડેલા અગણિત પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડતા મૂકવાનો આદેશ કર્યો . ફત્તેહપુર સિકરીનું ડાબર તળાવ ઘણું મોટું . એમાં રોજેરોજ જલચર જીવોની હિંસા થતી . એ હિંસા પર કાયમી પ્રતિબંધ લાગુ થયો . + વિ.સં.૧૬૪૦માં એક ધાર્મિક વાર્તાલાપ દરમ્યાન શ્રી હીર સૂરીશ્વરજી મહારાજાએ અકબર રાજાને પર્યુષણ દરમિયાન આઠ દિવસની અમારિપ્રવર્તન માટે પ્રેરણા કરી . આ પ્રેરણાથી આનંદિત બનેલા રાજાએ પોતાના તરફથી બીજા ચાર દિવસ ઉમેરીને ૧૨ દિવસનું અમારિપ્રવર્તન જાહેર કર્યું . દિવસો હતા શ્રાવણ વદ ૧૦ થી ભાદરવા સુદ ૬ સુધી . આ અમારિપ્રવર્તનના આદેશપત્ર ગુજરાત , સૌરાષ્ટ્ર , દિલ્હી , ફત્તેહપુર સિકરી , અજમેર , નાગોર , માળવા , દક્ષિણ ભારત , લાહોર , મુલતાન સુધી પહોંચ્યા હતા અને આદેશના અમલ થયા હતા . + અકબર રાજા બારે મહિના માંસભક્ષણ કરતો હતો પરંતુ સૂરિ ભગવંતના સંપર્કના પ્રભાવે છ મહિના માટે એણે માંસ ભક્ષણનો ત્યાગ કરી દીધો હતો . એમ કહેવાય છે કે રાજા રોજેરોજ ૫૦૦ ચકલાઓની જીભ ખાતો હતો પરંતુ સૂરિ ભગવંતના સંપર્કના પ્રભાવે આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હતી . + એકવાર સૂરિભગવંતે અકબર રાજાને બંદિવિમોચન માટે પ્રેરણા કરી હતી . જોકે , અકબર રાજાએ કેદીઓને જેલમાંથી મુક્ત ના કર્યા . રાજાએ એવું કારણ આપ્યું હતું કે કેદીઓ રીઢા ગુનેગાર છે , એમને છુટ્ટા ન મૂકાય . + એકવાર સૂરિભગવંતે વિશેષ ધર્મપ્રેરણા કરી તેથી રાજાએ પોતાનાં સમગ્ર રાજ્યમાં છ મહિના , છ દિવસ સુધી અમારિ પ્રવર્તન કરાવ્યું હતું . + સિદ્ધગિરિ , ગિરનાર , તારંગા , આબુ , કેસરિયા , રાજગૃહી અને સમેતશિખર – આ તીર્થોના માલિકીહક જૈનોના છે એવા ફરમાન રાજાએ લખી આપ્યા હતા . + ગુજરાતમાં યાત્રાળુઓ પાસેથી જીજીયાવેરો એટલે કે તીર્થયાત્રા સંબંધી કર લેવાનું રાજાએ બંધ કર્યું હતું એની પાછળ સૂરિ ભગવંતની પ્રેરણા કામ કરી ગઈ હતી . + સિદ્ધગિરિના યાત્રાળુઓ પાસેથી મુંડકાવેરો એટલે કે યાત્રાળુ દીઠ કર લેવાનું રાજાએ બંધ કર્યું હતું એની પાછળ પણ સૂરિ ભગવંતની પ્રેરણા કામ કરી ગઈ હતી . + મૃતકનું ધન રાજખજાનામાં જમા થાય અને પરાજિત યોદ્ધાઓ કેદી બને આ બે પ્રથાનો રાજાએ પરિત્યાગ કર્યો એની પાછળ પણ સૂરિ ભગવંતની પ્રેરણા કામ કરી ગઈ હતી .
આવા મહાન્ સૂરિ ભગવંત કાળધર્મ પામ્યા એ પછી એમના અગ્નિસંસ્કારના દિવસે ઊના નજીકની દરિયાપટ્ટી પર જલચર જીવોનું અમારિ પ્રવર્તન થયું તે એક અભૂતપૂર્વ ઘટના હતી . દરિયાપટ્ટી પર જલચર જીવો સંબંધી અમારિ પ્રવર્તનની અન્ય કોઈ ઘટના વાંચવા મળી નથી .
( પર્યુષણ પ્રથમ દિન પ્રવચન : ૨૦૨૪ )
પંદરમી ઓગસ્ટે ઉલ્લાલની જૈન રાણી અબ્બક્કા ચૌટાને પણ યાદ કરજો : શી વોઝ ફર્સ્ટ ફિમેલ ફ્રીડમ ફાઈટર ઓફ ઈન્ડિયા
પંદરમી ઓગસ્ટે ભારત દેશને વિદેશી આક્રાંતાઓથી મુક્ત કરવા માટે જેમણે લડાઇ લડી , જેમણે કુરબાની આપી એમને યાદ કરવામાં આવે છે . જેમણે અંગ્રેજોના હાથે લાઠીના માર ખાધા , અંગ્રેજોની બંદૂકમાંથી નીકળેલી ગોળીઓ ઝીલી અને જેમને અંગ્રેજોએ ફાંસીએ ચડાવી દીધા એવા સ્વતંત્રતાવીરોને પંદરમી ઓગસ્ટે વિશેષ રીતે યાદ કરવામાં આવે છે . Dictionary Of Martyrs પુસ્તક અનુસાર સન્ ૧૮૫૭ની ૧૯૪૭ સુધીમાં આશરે ૧૩૫૦૦ લોકો આ દેશને આઝાદી મળે એ માટે શહીદ થઈ ગયા હતા . આમાં હિંદુ મુસલમાન શીખ પારસી જૈન બધા એકસાથે મળીને લડ્યા હતા . સૌ એકબીજાને સાથે રાખીને લડ્યા હતા . પોતાને અલગથી મહાન્ બતાવવાનો વિચાર કે પોતે કશુંક કર્યું છે એવી પ્રદર્શનવૃત્તિનો ભાવ કોઈનાં મનમાં નહોતો . સૌ એકસાથે હતા . સૌ એકબીજાના હતા . આઝાદીની લડત માટે સૌ એક થઈ ગયા હતા .
સન્ ૧૫૨૫માં પણ એક સ્વતંત્રતા સેનાની આવી હતી . સન્ ૧૫૭૦ સુધી એ જીવી . એ સમયે દેશમાં અંગ્રેજોનો પગ પેસારો થયો નહોતો પરંતુ સન્ ૧૪૯૮માં પુર્તગાલ વાસ્કો ડિ ગામા ભારત આવ્યો તે પછી તરત પરદેશી પોર્ટુગિઝ લોકોએ દમણ , મુંબઈ , ગોવા , કાલિકટ અને બીજાપુર પર સત્તા જમાવી દીધી હતી . એમનો કબજો દરિયાઈ રસ્તા પર રહેતો .
એમની સામેની લડત આ જૈન રાણી લડી હતી . ભારતના કર્ણાટક રાજ્યમાં મેંગલોરનો દરિયાકિનારો જોવા મળે છે . ત્યાંથી નજીકમાં ઉલ્લાલ શહેર છે .
ત્યાંની રાજપુત્રી હતી અબ્બક્કા ચૌટા . જૈન માબાપની જૈન દીકરી . વીતરાગપૂજા અને નવકારજાપના સંસ્કાર એને મળેલા . ઘોડેસવારી , તલવારબાજી , ભાલાફેંક અને ધનુષ્યબાણની પ્રશિક્ષા એ બાળપણથી લેતી રહી હતી . રાજનીતિની દરેક વિધામાં એ માહેર બની . ચૌટાવંશીય રાજ્ય વ્યવસ્થામાં માતૃવંશીય પરંપરા ( અલિયા સંતાન ) ચાલતી આથી દીકરાને બદલે દીકરીને રાજ્યગાદીએ બેસાડતા . અબ્બક્કા જુવાન થઈ ત્યારે એને ઉલ્લાલ શહેરની રાણી બનવાનું ગૌરવ મળ્યું . અબક્કાના મામા તિરુમલાય રાયે એને યુદ્ધ અને રાજનીતિના પાઠ પઢાવી ગાદીએ બેસાડી હતી . અબ્બક્કા રાણી ન્યાયપ્રેમી અને પ્રજાવત્સલ હતી આથી એને ઉત્કૃષ્ટ લોકપ્રિયતા હાંસિલ થઈ હતી .
અરબી સમુદ્રના રસ્તે આવતા જતા જહાજો દ્વારા ઉલ્લાલ રાજ્યના ચોખા , મસાલા અને કપડાં મધ્યપૂર્વના દેશોમાં વેચાણ માટે જતા . ઉલ્લાલ રાજ્યના જહાજમાં જે માલસામાન રહેતો તે જોઈ પોર્ટુગિઝનો ડોળો ઉલ્લાલ પર પડ્યો . પોર્ટુગિઝ લોકોએ ઉલ્લાલના વ્યાપારીઓ પાસે સસ્તાભાવે માલસામાન માંગ્યો . રાણી અબ્બક્કા આની માટે તૈયાર નહોતી . એણે પોર્ટુગિઝને વેપારીઓ સામાન નહીં વેંચે એવો આદેશ જારી કર્યો અને પોર્ટુગિઝને ઉલ્લાલથી ખદેડી મૂક્યા . પોર્ટુગિઝ નારાજ થયા . એમણે ઉલ્લાલને કબજે કરવાનો કારસો વારંવાર રચ્યો . રાણીએ એમને દાદ ન આપી .
દરમ્યાન અબ્બક્કાના વિવાહ મેંગલોરના રાજા લક્ષમપ્પા બંગા અંગરાજ સાથે થયા . એ વિવાહ લાંબા ચાલ્યા નહીં . અબક્કા રાણીને રાજાએ વિવાહ વખતે જે જે દાગીના આપ્યા હતા એ બધા જ દાગીના રાજાના હાથમાં મૂકીને રાણી પાછી ઉલ્લાલ આવી ગઈ . રાણીએ પતિનો સંગ હંમેશ માટે છોડી દીધો.
સન્ ૧૫૫૫માં પોર્ટુગિઝ સેનાએ દરિયાઈ રસ્તેથી ઉલ્લાલ પર હુમલો કરવા આવી . સેનાપતિ હતો : એડમિરલ ડોન અલ્વરો સિલ્વેરિયા . એણે અબક્કા રાણીને ડરાવવાની કોશિશ કરીને ટેક્સ માંગ્યો . અબ્બક્કા રાણીએ એનો ઇન્કાર કર્યો . પછી થયું એક ઘમાસાણ યુદ્ધ . પોર્ટુગિઝ સેનાને પોતાની જીત થશે એની સો ટકા ખાતરી હતી. પણ રાણી અબ્બક્કાની સેનાએ પોર્ટુગિઝ સેનાને ધોળે દિવસે તારા દેખાડી દીધા . ઉલ્લાલ પાસે સમુદ્ર યુદ્ધના મહારથી ઘણા હતા . પોર્ટુગિઝ સેના પર ઉલ્લાલના સૈનિકોએ અગ્નિબાણની ઘોર વર્ષા કરી . પોર્ટુગિઝ સેના દુમ દબાવીને ભાગી ગઈ . આ પછી પોર્ટુગિઝ સેના અવારનવાર હુમલા કરતી રહી અને દર વખતે માર ખાઈને પાછી ફરતી રહી . વરસો સુધી સંઘર્ષ ચાલ્યો . રાણી અબ્બક્કા હારી નહીં . પોર્ટુગિઝ જીતી શક્યા નહીં .
સન્ ૧૫૫૭માં પોર્ટુગિઝ સેનાએ મેંગલોર શહેર જીતી લીધું . ત્યાં કબજો જમાવ્યો . ઉલ્લાલને હરાવવાની કોશિશ પોર્ટુગિઝ સેનાએ ચાલુ જ રાખી . સફળતા ના મળી . સન્ ૧૫૬૮માં પુર્તગાલ વોઇસરોય એેન્તોનિયો નોરોન્હવાએ , જનરલ જોવાઓ પિક્સોટોને મોટી સેના સાથે ઉલ્લાલ પર હુમલો કરવા મોકલ્યો . દેખીતી રીતે આ હુમલો સફળ રહ્યો . ઉલ્લાલ હાર્યું . અબ્બક્કા રાણી ભાગી નીકળી . પોર્ટુગિઝ સેનાએે ઉલ્લાલ શહેર પર કબજો જમાવ્યો . પરંતુ રાતે મોટો ખેલો થઈ ગયો . અબ્બક્કા રાણીએ ૨૦૦ સૈનિકો સાથે રાતના સમયે વળતો હુમલો કર્યો . પોર્ટુગિઝ સેના ઉલ્લાલ છોડીને ભાગી નીકળી . જનરલ જોવાઓ પિક્સોટો માર્યો ગયો . આક્રોશે ભરાયેલી અબ્બક્કા રાણીએ તત્કાળ મેંગલોર પર મોટી સેના સાથે ચડાઈ કરી . રાણીએ મેંગલોર પર હકૂમત જમાવીને બેસેલા પોર્ટુગિઝ શાસકને હરાવ્યો અને મેંગલોરમાંથી પોર્ટુગિઝ સેનાને ભગાડી મૂકી . રાણી અબ્બક્કાનું આ પરાક્રમ જોઈને ઉલ્લાલ તેમ જ મેંગલોરની જનતાએ રાણીને અભયા રાણી એવું બિરૂદ આપ્યું હતું .
જો કે , રાણીનો પૂર્વ પતિ લક્ષમપ્પા , ઘરનો ભેદી દુશ્મન નીકળ્યો . એને રાણી અબ્બક્કાની માટે ઘણી ઈર્ષા થતી હતી . એણે રાણી અબ્બક્કાને પરાજીત કરવા માટે પોર્ટુગિઝ શાસકો સાથે હાથ મિલાવ્યા . એ પછી જે લડાઈ થઈ એમાં પાપી પતિના પ્રતાપે રાણી અબક્કા હારી અને પોર્ટુગિઝ સેનાના હાથમાં જીવતેજીવત પકડાઈ . એને જેલ થઈ . એની પર ભયાનક અત્યાચાર થયા . એ ઝૂકી નહીં . એણે વિદ્રોહ ચાલુ રાખ્યો . અને સન્ ૧૫૭૦માં એક દિવસ સમાચાર આવ્યા કે રાણી અબ્બક્કાનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે . ઉલ્લાલની પ્રજા એ દિવસે છાતીફાટ રોઈ હતી .
+ ઉલ્લાલ નગરમાં અને આસપાસના રાજ્યવિસ્તારમાં અબક્કા રાણી માટે અનેક લોકગીતો અને લોકકથાઓ પ્રચલિત છે . ઉલ્લાલ નગરમાં કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા રાણી અબક્કાની વિશાલ કાંસ્ય પ્રતિમા સ્થાપવામાં આવી છે તેમ જ જ્યાં આ પ્રતિમા છે એ સ્થાનને રાણી ચોક નામ આપવામાં આવ્યું છે . ઉલ્લાલ નગરમાં આજે પણ વીર રાણી અબક્કા દિવસ મનાવવામાં આવે છે તેમ જ વિશિષ્ટ મહિલાને વીર રાણી અબક્કા પુરસ્કાર આપવામાં આવે છે .
+ રાણી અબક્કાને ભારત દેશની સર્વ પ્રથમ મહિલા સ્વતંત્રતા સેનાની હોવાનું સન્માન મળેલું છે . સન્ ૨૦૧૨માં ભારતીય તટ રક્ષક બળે એક પ્રચંડ સમુદ્રી જહાજને અબક્કા ચૌટાનું નામ આપ્યું છે . કર્ણાટકમાં તુલુનાડુ મ્યુઝિયમ ખાસ રાણી અબક્કાની યાદમાં બનેલું છે .
+ ભારત દેશની ભૂમિ પર વિદેશી સત્તા હોવી જ ના જોઈએ એવી ખુમારીથી રોમ રોમને ભરી લેનારી અભયા રાણી અબક્કાને કર્ણાટક રાજ્યમાં પારંપરિક યક્ષગાન દ્વારા ભરપૂર સન્માન મળે છે તેમ જ ઉલ્લાલ નગરમાં વીર રાણી અબક્કા ઉત્સવનું આયોજન દર વરસે થાય છે .
ભારતીય સ્વતંત્રતા સંગ્રામની વાતો કરતી વખતે અભયા રાણી અબક્કાને પણ યાદ કરવી જોઈએ . એ શ્રી આદિનાથ ભગવાન્ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરમ ઉપાસિકા હતી .
૧ . પ્રતિભાવ આનંદ આપે છે
આદરણીય સૂરિભગવંતોનાં પત્રો આવે છે. કોઈ કૌશાંબીને લઈને રાજી છે. કોઈ ભદ્દિલપુર માટે પ્રસન્ન છે. કોઈ ઋજુવાલિકા અંગે આનંદિત છે. કોઈ પુરિમતાલ બાબતે હર્ષ અનુભવે છે. યાત્રાળુઓ મળે છે ત્યારે એમના પ્રતિભાવ ચમકાવી દે છે . એક ભાઈ મળેલા તે ઋજુવાલિકા વિશે બોલતા જ રહ્યા , બોલતા જ રહ્યા . મેં એમને પૂછ્યું કે તમારી પાસે આટલી બધી જાણકારી કેવી રીતે ? એમણે મને કહ્યું કે ‘હું કલ્યાણમાં જે લેખમાળા આવે છે એ વાંચું છું . તમે પણ કલ્યાણ મંગાવો અને લેખમાળા વાંચો , તમને બહુ કામ આવશે . ‘
એ દૃશ્ય ગજબ હતું . આ લેખમાળાના લેખકને જ એક યાત્રાળુ દ્વારા એવી સૂચના મળી રહી હતી કે તમે આ લેખમાળા વાંચો . મેરી બિલ્લી , મેરે કો મ્યાઉં . કેટલાય યાત્રાળુ એવા મળ્યા જેમણે કહ્યું કે અમે ઋજુવાલિકા આવવાના જ નહોતા . કલ્યાણમાં વાંચ્યું તો ખબર પડી કે ઋજુવાલિકાનો મહિમા મોટો છે એટલે કલ્યાણની લેખમાળાને લીધે ખાસ આવ્યા છીએ . અમુક યાત્રાળુઓ એવા પણ મળ્યા , જેમણે કહ્યું કે અમે અડધો પોણો કલાક લઈને જ આવવાના હતા . કલ્યાણમાં વાંચ્યું ત્યારે ઇતિહાસની ખબર પડી તો આખો દિવસ લઈને આવ્યા છીએ . કેટલાય પ્રવચનકાર મહાત્માઓ પોતાના વ્યાખ્યાનમાં આ લેખમાળાના વિષયને લઈને હોંશે હોંશે બોલે છે . કોઈ લેખક પોતાના લેખમાં આ લેખમાળાનું એકાદ ઉદ્ધરણ ટાંકે છે . કોઈ મહાત્મા આ લેખોનો સંગ્રહ કરે છે અને ભક્તોને વાંચવા આપે છે . કોઈ ભક્ત આ લેખોની ઝેરોક્ષ કોપી બનાવે છે અને મિત્રોને વાંચવા માટે આપે છે . જે ગુણાનુરાગી છે એમને સારું લાગે છે .
અમુક મહાનુભાવને ભૂલો જોવી હોય છે . લેખકને સીધો પત્ર લખવાની હિંમત એ બનાવી શકતા નથી . એ કોઈ ત્રીજી વ્યક્તિને પત્ર લખે છે . એમાં તથાકથિત ભૂલની ચર્ચા કરે છે અને તે વિગત એ ત્રીજી વ્યક્તિ મને પહોંચાડે એવી એ અપેક્ષા રાખે છે . આ જબરું કહેવાય . મને કહેવું છે તો મને સીધેસીધું કહી દેવું જોઈએ . કોઈ ત્રીજી વ્યક્તિ શું કામ વચ્ચે આવે ? પણ અમુક લોકોની માનસિકતા વિચિત્ર હોય છે . એમને ભૂલો દેખાય છે , ત્યારથી એમને એ ભૂલોનો પ્રચાર કરવાનું શૂરાતન ચડે છે . ભૂલ ખરેખર છે કે નહીં એ વિશે સૌથી પહેલાં સ્પષ્ટ થવું જોઈએ . ખરેખર ભૂલ હોય તો વ્યક્તિગત સંપર્ક કરવો જોઈએ . જો ભૂલ હોય જ નહીં તો પોતાને શીખવા મળશે . જો ભૂલ હશે તો જેમની ભૂલ હશે એમને શીખવા મળશે . ભૂલ થઈ છે કે નહીં એ નક્કી થાય એ પહેલાં જ ભૂલનો પ્રચાર કરવા માંડીએ એને પરિપક્વતાનો અભાવ કહેવાય . વાત એક ચોક્કસ તીર્થના એક ચોક્કસ ચરણ પાદુકાની છે . એ તીર્થમાં જે મુખ્ય સ્થાન છે ત્યાં જે ચરણ પાદુકા છે તે પ્રાચીન નથી . અને એ જ તીર્થમાં જે મુખ્ય સ્થાન નથી ત્યાં પ્રાચીન ચરણપાદુકા બિરાજમાન છે . મુખ્ય સ્થાન પાસે બધા આવે છે અને જે ચરણ પાદુકા મુખ્ય સ્થાને છે એને જ પ્રાચીન ચરણ પાદુકા માનીને વ્યવહાર કરે છે . તીર્થની ભક્તિની દૃષ્ટિએ વ્યવહાર સરસ રીતે ચાલી જ રહ્યો છે . ઉપેક્ષાની હાલતમાં પ્રાચીન ચરણ પાદુકા છે . પ્રાચીન ચરણપાદુકા એવી જગ્યાએ વિરાજમાન છે કે જ્યાંથી એમને મુખ્ય સ્થાને લાવવાનું થોડું અઘરું છે . આવી પરિસ્થિતિમાં મુખ્ય સ્થાને બિરાજમાન ચરણપાદુકાનું ગૌરવ અખંડ રહે અને એના થકી મુખ્ય સ્થાનનું ગૌરવ બનેલું રહે એ અગત્યનું છે . મુખ્ય સ્થાને પ્રાચીન ચરણ પાદુકા શું કામ નથી ? આ પ્રશ્ન વિચાર માંગી લે છે . મુખ્ય સ્થાને જે ચરણ પાદુકા છે તે નવા છે તો એ નવા ચરણપાદુકા મુખ્ય સ્થાને કેવી રીતે આવી ગયા આ પણ વિચાર માંગી લે એવો પ્રશ્ન છે . જ્યાં સુધી આખો મુદ્દો પ્રમાણપૂર્વક સ્પષ્ટ થાય નહીં ત્યાં સુધી આ વિષયમાં મોઘમ વાત કરવાની રહે . જે ભાગ્યશાળી ભૂલ જણાવવા ઉત્સુક છે એમને ફક્ત મુખ્ય સ્થાનમાં ચરણપાદુકા છે એટલી જ ખબર છે . એ સિવાયના સ્થાને બીજા પણ એક ચરણપાદુકા છે એનો એમને ખ્યાલ જ નથી . આવા અર્ધદગ્ધ મહાનુભાવો પણ પોતાની ભૂમિકાએ ચિત્ર વિચિત્ર પ્રતિભાવ મોકલતા રહે છે . આપણે હાથ જોડીને એ પ્રતિભાવને સ્વીકાર્ય લેખતાં રહેવાનું છે તે સમજાય છે . મારી પાસે બેય ચરણપાદુકાનો ફોટો છે . ફોટા પરથી જ સમજાય છે કે આ ચરણપાદુકા પ્રાચીન નથી અને આ ચરણપાદુકા પ્રાચીન છે . આપણે લોકો જ્યારે જે તીર્થમાં જઈએ છીએ ત્યારે ઊભા ઊભા જે જોવા મળી ગયું એટલું જોઈને નીકળી જઈએ છીએ . પછી જેટલું જોયું એના આધારે તીર્થના ઇતિહાસની ચર્ચા શરૂ કરીએ છીએ . તીર્થમાં ગયા પછી તીર્થમાં જે છે એ બધું જોવાની જવાબદારી આપણી છે . કશુંક જોવાનું રહી જાય તો એ આપણી કચાશ છે એ યાદ રાખવું જોઈએ . એ તીર્થમાં મુખ્ય સ્થાને કશું જ હતું નહીં એવી પણ પરિસ્થિતિ બનેલી . એ પરિસ્થિતિ આજે નથી . અત્યારે મુખ્ય સ્થાને ચરણપાદુકા છે અને એ ચરણપાદુકાએ મુખ્ય સ્થાનની ગરિમા વધારી છે એ ખુશીની વાત છે . એ તીર્થનું નામ જાહેર કરીને એનાં મુખ્ય સ્થાને બિરાજીત ચરણપાદુકાનું ગૌરવ ઘટાડવાની ફિલહાલ કોઈ આવશ્યકતા નથી .
૨ . કોલસાની ખાણનો વિસ્તાર : બેરમો
જંગલોથી હર્યુંભર્યું દેખાતું ઝારખંડ રાજ્ય કોલસાની ખાણો માટે મશહૂર છે . ભારત દેશનું કોયલા મંત્રાલય જણાવે છે કે દેશમાં ૪૨૬ કોયલા ખદાન એટલે કે કોલસાની ખાણ છે . એમાંથી ૧૧૯ કોયલા ખદાન ઝારખંડમાં છે . ત્રણ લાખ મજૂરોની એ જીવાદોરી છે . દર વરસે એકસો પંદર મેટ્રિક ટન કોલસો આ ખાણોમાંથી નીકળે છે . એક મેટ્રિક ટન એટલે એક હજાર કિલોગ્રામ . ૧૧૫ મેટ્રિક ટન એટલે કેટલા કિલો થાય એ જાતે ગણી લેજો . રાનીગંજ , ઝરીઆ , ચંદ્રપુરા , ધનબાદ , બોકારો , બેરમો , રામગઢ , કરણપુરા , ઔરંગા , હુટર , દલતોનગંજ , ઈખતોરી , છોપે , ગિરિડિહ , જૈન્તી , સહજોરી , કુન્ડિતકરિયા , બ્રહ્માણી , પછવારા , છૂપરભિટા , જીલવારી , હુરા . આ બધા વિસ્તારોમાં કોલસાની ખાણ છે . ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સન્ ૧૭૭૪માં રાનીગંજમાં કોલસાની ખાણ ખોદી કાઢી . ત્યારથી માંડીને આજસુધી આ ઇલાકો કોલસા માટે જાણીતો છે . એમ કહેવાય છે કેટલીય ખાણના માલિક જૈન હતા . એમના લીધે ઝારખંડ રાજ્યના અમુક શહેરોમાં જૈન શેઠિયાઓનો દબદબો હતો . અમદાવાદમાં કાપડ બજાર અને સુરતમાં હીરાબજાર પર જે રીતે જૈનોનો કબજો છે એ રીતે ઝારખંડમાં કોલસાની ખાણ પર જૈનોની પકડ બનેલી હતી . જે કોલસાની ખાણનો માલિક હોય છે તેની પર લક્ષ્મીદેવી મહેરબાન હોય છે . જોકે , કોલસાની ખાણ સ્વયં એક પડકાર હોય છે . જમીન ખોદ્યા જ કરવાની . જમીનને ખોદવાના , ખોતરવાના મોટા મોટા મશીનો જમીનની અંદર ભમરડા લેતાં ફર્યા કરે . કાળી માટી , કાળો ધુમાડો અને કાળી ધૂળની વચ્ચે કામ કરનારા મજૂરિયાઓ પગથી લઈને માથા સુધી કાળા થઈ જાય . સેંકડો સેંકડો ફીટ નીચે મજૂરિયાઓ ઉતરે . અંદરથી કાચો માલ ઉઠાવે . તોતિંગ લિફ્ટ વાટે બહાર મોકલાવે . અંદર રેલવેના પાટા પાથર્યા હોય , એની ઉપર બે ટાયરવાળી ટ્રોલીઓ ભાગતી હોય એ કોલસાની હેરાફેરી કરે . માથા પર ટોર્ચ વાળો પટ્ટો બાંધીને મજૂરે અંદર જવાનું . અંદર લાઈટ ન હોય . અજવાળું ન હોય . પૂરતો ઓક્સિજન ન હોય . ગરમી અને અંધારું હોય એમાં કામ કરવાનું . ગમે ત્યારે સુરંગ ફૂટે , અંદરથી પહાડ તૂટે . કોઈ વાર મજૂરિયાઓ દટાઈ મરે . કોઈ વાર મોટા પહાડમાં ઊભી તિરાડ પડે , બહાર વહેતી કોઈ નદીના પાણી નીચે ટનલમાં ધસી આવે અને મજૂરિયાઓ ફસાઈ મરે . મજૂરિયાઓ જીવતાં હોય એમના ફેફસાં કમજોર પડે . કોલસાની ખાણનું કામકાજ કોઈ પણ રીતે સરળ નથી . ખાણના માલિક પાસે હજારો કે સેંકડો મજૂરિયાઓ હોય , મોટી મોટી મશીનરી હોય , કેટકેટલાય ખટારા હોય , સરકારી અને બીન સરકારી ખરીદારો હોય , મોટ્ટી ઓફિસ હોય , મજબૂત મેનેજમેન્ટ અને મેનેજર્સ હોય . ઠાઠમાઠ તો કોઈ રાજા મહારાજા જેવો હોય . ભારત દેશ આઝાદ થયો તે પછી પણ કોલસાની ખાણના માલિકોનો ઠાઠમાઠ ચાલતો રહ્યો . ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે કોલસાની ખાણના માલિકો પાસેથી એ ખાણની માલિકિયત છીનવાઈ ગઈ . આવું બન્યું તે પછી કોલસાની ખાણ મોટાભાગે સરકાર હસ્તક થઈ ગઈ અને ખાણના માલિકો અંગૂઠાછાપ બનીને બેઠા રહ્યા . જૈનોનો દબદબો હતો તેમાં ફરક આવી ગયો .
મારે આ કોલસાની ખાણનો વિસ્તાર જોવાનો બાકી હશે . વિ.સં.૨૦૮૦ની સાલમાં ચૈત્ર મહિને હું ઋજુવાલિકાથી બેરમો જવા નીકળ્યો . પહેલો મુકામ પિરટાન્ડ , બીજો મુકામ પારસનાથ , ત્રીજો મુકામ નવાદિહ અને ચોથા મુકામે બેરમો . નવાદિહથી ફુસરો થઈને બેરમો જવાય . ફુસરોથી કોલ માઈન એરિયા શરૂ થઈ જાય છે . હાઈવે રોડ છે . બંને તરફ નાની નાની ટેકરીઓ ઉપસેલી છે . રોડને અડીને ઘણાય લીલા ઝાડ ઉગે છે . હું નીકળ્યો એ દિવસે તો પાર વિનાના પતંગિયાઓ વૃક્ષે વૃક્ષે ઉડાઉડ કરી રહ્યા હતા . કોલ માઈનની પહેલી નિશાની એટલે ઘણા બધા ટ્રકની સતત ઘરઘરાટી , બીજી નિશાની એટલે રોડના બંને કિનારે પથરાયેલી કાળીમસ ધૂળ . કોલસાઓથી ઠાંસોઠાંસ લદાયેલી ટ્રક , કાળા ધુમાડા ઓકતી ઓકતી ભાગે ત્યારે એના ટાયરથી કાળીમસ ધૂળ હવામાં ચોતરફ ફેલાય . આપણે રોડ પરથી ચાલીને જતા હોઈએ તો આપણા સફેદ કપડાં , માથાના વાળ , હાથ પગ , નાક અને આંખ – આ બધું જ કાળી કાળી ધૂળથી ભરાઈ જાય . પસીનો લૂંછીએ ત્યારે કપડાં પર , પસીનાની સાથે કાળી રજના ધાબા ચોટેલા દેખાય . નાકના બેય બાકોરામાં એ કાળાશના ધબ્બા વળગે . અમુક જગ્યાએ ટેકરીમાંથી ધુમાડા નીકળતા હતા . પૂછ્યું તો ખબર પડી કે સેંકડો ફૂટ નીચે જમીનમાં કોલસાને આગ લાગેલી છે એના આ ધુમાડા છે . ખતરનાક વાત હતી . હું બેરમો પહોંચ્યો એ પહેલાં સામે લેવા ઘણા શ્રાવકો દૂર સુધી આવ્યા હતા . એમની લાગણી હૃદયને સ્પર્શી જાય તેવી હતી . રસ્તામાં પાણીના મોટા મોટા તળાવ દેખાતા હતા. કોલસાના વિસ્તારમાં આ તળાવ કેવી રીતે બન્યાં એવું મેં પૂછ્યું તો જાણવા મળ્યું કે આ તળાવ હતા જ નહીં . આ વપરાઈ ચૂકેલી કોલસાની ખાણ હતી . ખાણમાંથી જેટલો કોલસો નીકળવાનો હતો તે નીકળી ગયો એ પછી ખુલ્લી પડી રહેલી ખાણમાં ચોમાસી વરસાદના ભરપૂર પાણી ભરાયા એનાથી તળાવ બની ગયાં હતાં . જે તળાવ મેં સૌથી પહેલું જોયું એ એક હજાર ફૂટ ઊંડું હતું . તળાવમાં કોઈ અંદર પડે તો બહાર આવવાનું અઘરું થઈ જાય . અમુક ખાણમાં કામ ચાલુ હતું. કોલસાને ખોદીને ભેગો કરવામાં આવેલો એ મોટી મોટી ટ્રકમાં ભરાઈ રહ્યો હતો . કોલસા ખોદતા પહેલાં જે માટી નીકળે એના મોટા મોટા ટીંબા ખાણની આજુબાજુમાં ઉભા થયેલા હતા . રાત્રે પણ કામ ચાલતું હોય એટલે મોટી મોટી ટાવર લાઈટ્સ ઉભી હતી . ટ્રકના અવાજ કાન થકવી દેતા હતા . ટ્રકની દોડધામ શ્વાસમાં શ્યામ રજકણો ભરી દેતી હતી . દૂરથી સુરંગ ફૂટવાના અવાજ આવી રહ્યા હતા . અહીં આ રોજનું હતું . સુરંગથી જમીન ફાટે પછી જમીનની અંદર ખોદકામ થાય . અંદર ઉતરતાં ઉતરતાં છેવટે કોલસો મળે . ખોદકામ અટકે . ટ્રકના કાફલા આવે અને જમીનને લૂંટી લે . આ બધું રોડ પરથી સહજ રીતે દેખાતું હતું . બેરમો આવ્યું . દેરાસર ઉપાશ્રય બેય પહેલાં માળે છે . પ્રભુનાં દર્શન કર્યા .
ઉપાશ્રયમાં પગ મૂક્યો . સાફસફાઈ તો થઈ ચૂકી હતી પણ કોલસાના વિસ્તારની હવાએ બારીબારણા પર કાળી રજ પાથરેલી હતી એ દેખાતું હતું . મકાનમાં એવી ગરમી કે સહન ના થાય . આ ગરમીનું કારણ ઉનાળો હતો એનાથી વધારે કોલસાનો વિસ્તાર હતો . સાધુસાધ્વીજીઓએ બેરમો જેવા વિસ્તારમાં જવું હોય તો શિયાળામાં જ જવું જોઈએ જેથી ગરમી હેરાન ના કરે . ઉનાળામાં અહીં રહેવાનું ઘણું જ અઘરું છે . આ વાત ઉનાળામાં ત્યાં પહોંચ્યા પછી સમજાઈ . જોકે , બેરમોમાં જે થોડા જૈન પરિવાર છે એમની ગુરુભક્તિ ઘણી ઉત્તમ છે . હું થોડા દિવસ રહ્યો . આશ્ચર્યની વાત એ રહી કે ચૈત્ર સુદ તેરસે શ્રી મહાવીર પ્રભુનાં જન્મ કલ્યાણકના વરઘોડામાં કોઈ મુનિ ભગવંતની નિશ્રા હોય એવું દૃશ્ય બેરમોના ઘણાંય ભાવિકોએ પહેલીવાર જોયું . ચૈત્ર સુદ પૂનમે સિદ્ધચક્ર પૂજન રાખ્યું હતું . બેરમોવાસીઓએ ૨૦ વર્ષ પછી સિદ્ધચક્ર પૂજન જોયું હતું . આપણે સહુ મોટા સંઘોમાં થનારી મોટી સંખ્યાની આરાધનાઓ સાથે એકદમ જોડાઈ ગયા છીએ . નાનો સંઘ હોય , નાની સંખ્યા હોય ત્યાં થનારી આરાધનાનું વાતાવરણ સમાચારના લિસ્ટમાં આવે એવું આપણને લાગતું જ નથી . આપણે મોટા શ્રીમંતો અને મોટી સંખ્યા પર અવલંબિત થઈ ગયા છીએ એવું ક્યારેક જરૂર લાગે છે . પાંચ પંદર ઘરવાળા સંઘમાં કોઈ મહારાજ સાહેબ પધારે , રોકાય અને આરાધના કરાવે એવા દૃશ્ય વિરલ થઈ ગયા છે . મોટી ધર્મશાળાઓ અને મોટા સંઘોનું પુણ્ય મોટું છે તેવી ધારણા જાણેઅજાણે મજબૂત બનેલી છે .
બેરમોમાં દેરાસર કેવી રીતે બન્યું એની એક કથા છે . દેરાસરની બહાર તકતી પર એ લખાઈ છે . ગૃહજિનાલય જેવું નાનું નમણું દેરાસર છે . પંચધાતુના શ્રી સંભવનાથ પ્રભુ , મૂળનાયક ભગવાન્ છે . વિ. સં. ૨૦૧૦માં પ્રભુ આવ્યા . પ્રભુ એકલા નથી આવતા . પ્રભુ આવે એટલે પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય આવે . પ્રભુ આવે એટલે શાસનની પ્રભાવના આવે . પ્રભુ આવે એટલે સંઘની ઉન્નતિ આવે . પ્રભુ આવે એટલે ઘણુંબધું આવે .
પ્રભુ અજીમગંજથી આવ્યા . પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય ઝરિયાથી આવ્યા . ઝરિયામાં બહુ મોટો પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો . પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય વિ.સં. ૨૦૦૮ની સાલમાં દિલ્હીમાં ચાતુર્માસ કરીને કલકત્તા પધાર્યા હતા . દિલ્હીમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ , વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને અન્ય રાજનેતાઓએ એમની પાસેથી ભરપૂર જ્ઞાનપ્રસાદી મેળવી હતી . દિલ્હીમાં ચાતુર્માસ કર્યાબાદ એમણે વિ.સં. ૨૦૦૯ની સાલમાં કલકત્તામાં ચાતુર્માસ કર્યું હતું . કલકત્તામાં અવિસ્મરણીય શાસનપ્રભાવનાઓ થઈ હતી . કેનીંગ સ્ટ્રીટમાં શ્રી મહાવીર સ્વામી જિનાલય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બન્યો હતો . આ મહોત્સવમાં જ ઝરિયાના અભિનવ જિનાલયમાં બિરાજિત થનારા શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાના પણ અંજનશલાકાવિધાન સંપન્ન થયા હતા . કલકત્તાથી તેઓ વિવિધ કલ્યાણકતીર્થોની યાત્રા કરીને ઝરિયા પધાર્યા હતા . કલકત્તામાં પણ વીરવિક્રમ પ્રાસાદમાં પ્રતિષ્ઠા થઈ હતી . ઝરિયામાં પણ વીરવિક્રમ પ્રાસાદમાં પ્રતિષ્ઠા થઈ હતી . તે પછી કરકેન્દ્ર , પુટકી , કુમારડીહ , નોર્થ કેસરગડા કોલિયારી , ભંડારીદહ , ફુસરો આ ક્ષેત્રોને લાભ આપીને , પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય પ્રભુના આદેશથી પ્રભુ માટે બેરમો પધાર્યા હતા . સામૈયાનો દિવસ હતો વૈશાખ વદ બીજ . મૂળનાયક ભગવાન્ શ્રી સંભવનાથ પ્રભુ વૈશાખ વદ છઠે બેરમો પધાર્યા . વૈશાખ વદ સાતમે સવારે ૫.૦૦ વાગે પ્રભુનો જિનાલયમાં પ્રવેશ થયો અને સવારે ૭.૦૦ વાગે પ્રભુની મંગલ પ્રતિષ્ઠા સંપન્ન થઈ . પંચ કલ્યાણક પૂજા , મોહનીય કર્મ નિવારણ પૂજા , અંતરાય કર્મ નિવારણ પૂજા , નવપદજીની પૂજા , પાટલા પૂજન , અઢાર અભિષેક , શાંતિસ્નાત્ર અને સત્તરભેદી પૂજા થકી અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયો હતો . વિધિકારક હતા અમદાવાદના ભોગીલાલ ગુલાબચંદ અને ગાયક કલાકાર હતા અમદાવાદના જ ગજાનન ઠાકુર .
દ્વારોદ્ઘાટનના દિવસે વ્યાખ્યાન ઉપાશ્રયમાં થયું એમાં સકળ શ્રી સંઘ ઉપસ્થિત હતો . તદુપરાંત સ્થાનકવાસી પરંપરાના શ્રી જગજીવનજી મહારાજ પણ આવ્યા હતા . પ્રભુના પ્રતિષ્ઠાચાર્યની ધર્મદેશનામાં ચાર વસ્તુઓના ત્યાગ કરવાની વિશેષ પ્રેરણા કરી હતી : રાત્રિભોજન ત્યાગ , કંદમૂળ ત્યાગ , વાસી આહાર ત્યાગ અને દ્વિદળ ભક્ષણ ત્યાગ . શ્રોતાજનોએ પ્રેરણાનો યથા સંભવ અમલ કરવાની ભાવના બનાવી હતી . વૈશાખ વદ નોમે પ્રતિષ્ઠાચાર્ય સૂરિભગવંતે પાવાપુરી તરફ પ્રસ્થાન આદરી દીધું હતું . બેરમો પાસે હવે પોતાના ભગવાન્ હતા , પોતાનું જિનાલય હતું . વિ.સં.૨૦૮૦ની સાલમાં હું બેરમોના ઉપાશ્રય અને દેરાસરની દીવાલ પર એ પ્રતિષ્ઠાચાર્યનું નામ વાંચી રહ્યો હતો . લખ્યું હતું કે પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કી નિશ્રા મેં શ્રી સંભવનાથ દાદા કી પ્રતિષ્ઠા સંવત્ ૨૦૧૦ વૈસાખ વદી ૭ તા. ૨પ – પ – ૧૯૫૪ કી હુઈ જિસ કી પ્રતિષ્ઠા કા લાભ બેરમો નિવાસી શ્રી મણીલાલ રાઘવજી કોઠારી ને લિયા .
આપણા ગુરુનું નામ ઉપાશ્રયની દીવાલ પર વર્ષો પહેલાં કોતરાયેલું હોય તે જોઈને કેટલો બધો રાજીપો થાય ? પૂર્વ ભારતના નાનામોટા સંઘોમાં જ્યારે ગુરુનિશ્રાનો લાભ નહીં જેવો મળતો ત્યારે તેઓ ગામે ગામે પધાર્યા . રોકાયા . ધર્મ સમજાવ્યો , શીખવાડ્યો . નાસ્તિકને આસ્તિક બનાવ્યા. અધાર્મિકને ધાર્મિક બનાવ્યા . ઢીલા હતા એમને મજબૂત બનાવ્યા . શૂન્યમાંથી સર્જન થયું હોય એવા પરિવર્તન આણ્યાં . જ્યાં ભગવાન્ નહોતા ત્યાં ભગવાન્ આવ્યા . જ્યાં દેરાસર નહોતા ત્યાં દેરાસર બન્યાં . ધર્મ નહોતો ત્યાં ધર્મ આવ્યો . સંસ્કાર નહોતા ત્યાં સંસ્કાર આવ્યા . જાગૃતિ નહોતી ત્યાં જાગૃતિ આવી . જે જીરણ હતું એનો ઉદ્ધાર થયો . જ્યાં કોઈ આવતું નહોતું ત્યાં ઘણાબધા લોકો આવતા થયા . આ મહાપુરુષ અંગ્રેજોના જમાનામાં વ્યાખ્યાન આપતા અને એ વખતેય તેમની સભામાં દસ દસ હજાર લોકો ભેગા થતા . આવું વરસો સુધી બનેલું છે. અંગ્રેજોએ ભારત છોડતાં પહેલાં ભારતને જે જે નુકસાન કરવાનું વિચારેલું તેમ જ ભારત છોડતી વખતે ભારતને જે જે નુકસાન કરીને જવાનું વિચારેલું એ આ મહાપુરુષ જાણતા હતા . એમણે અંગ્રેજોની છાયામાં આવી ગયેલા કાળા અંગ્રેજ જેવા ભારતીય લોકોને બુદ્ધિભ્રમથી બચાવવાનો ભરપૂર પુરુષાર્થ કર્યો હતો . અમુક લોકો અંગ્રેજોની છાયામાંથી બહાર આવીને ભારતીયતા સાથે જોડાઈ ગયા હતા . અગણિત આત્માઓ અંગ્રેજોની છાયામાં આવવાથી બચી ગયા હતા . દીક્ષા , બાળદીક્ષા , પ્રાચીન શાસ્ત્રોની ગરિમા , ગુરુ તત્ત્વનું ગૌરવ , આર્ય દેશની પરલોક પ્રધાન સંસ્કૃતિને ભૂંસી નાંખવા માટે ગોરા અંગ્રેજો અને કાળા અંગ્રેજો જે જે કારસ્તાન રચતા હતા તેની સામે એ જૂના જમાનામાં જે મહાપુરુષાર્થ થયેલો એમાં અન્ય મહાપુરુષોની સાથે સાથે આ મહાપુરુષનું પણ બહુ જ મોટું યોગદાન રહ્યું છે . એ યોગદાનને કારણે આજની તારીખે પણ લાખો લોકો આ મહાપુરુષને ઘણો મોટો આદર આપે છે .
આજકાલ અમુક મહાનુભાવો આ મહાપુરુષ વિશે ઘસાતું બોલવાનું અને ઘસાતું લખવાનું ચાલુ રાખે છે . એમને આ મહાપુરુષ માટે આદર નથી તે દેખાય છે. એમની માનસિકતા પણ સમજાય છે . જેમની માટે મને આદર નથી એમને લાખો લોકો શું કામ આદર આપે છે ? આ એમની પીડા છે . એવું કશુંક બોલવું કે લખવું જેથી એમની માટેનો આદરભાવ તૂટે – આમ એ વિચારી લે છે . કોઈક મુદ્દાને પકડીને , કોઈક પરિસ્થિતિને યાદ રાખીને તેઓ આમતેમ બોલે છે અથવા લખે છે . એ મહાનુભાવને બોલવાની સ્વતંત્રતા મળી છે. એ બોલે . એ મહાનુભાવને લખવાની સ્વતંત્રતા મળી છે . એ લખે . એમના લખવાથી કે બોલવાથી જૂના ઇતિહાસ બદલાવાના નથી . અંગ્રેજોના જમાનામાં અને ભારત સ્વતંત્ર થયું એ પછીના પ્રારંભિક વર્ષોમાં ધર્મની સુરક્ષા માટે આ મહાપુરુષે જે કર્યું છે એને આગામી દરેક પેઢી હંમેશ માટે આદરપૂર્વક યાદ કરતી રહેશે . કોઈ કંઈક બોલી દે એટલામાત્રથી કે કોઈ કંઈક લખી દે એટલામાત્રથી આ મહાપુરુષની ગરિમા લવલેશ પણ ઓછી થવાની નથી . પૂર્વ ભારતની ભૂમિ પર એમની ઉપકારધારા આજે પણ જીવિત છે . તે જોવાનું ગમે છે .
૩ . રાણકપુર મહાતીર્થના પ્રતિષ્ઠાચાર્ય
રાણકપુર મહાતીર્થ વિશ્વપ્રસિદ્ધ છે . વિક્રમ સંવત્ ૧૪૩૪ માં રાણકપુરનાં દેરાસરનું બાંધકામ શરૂ થયું અને વિક્રમ સંવત્ ૧૪૯૬માં પ્રતિષ્ઠા થઈ એમ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીની ડોક્યુમેન્ટરી જણાવે છે . રાણકપુર મહાતીર્થના પ્રતિષ્ઠાચાર્ય તરીકે તપાગચ્છીય પૂજ્યપાદ શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજાનું નામ અજર અમર છે. બેરમોના ૭૦ વર્ષ જૂના દેરાસરમાં શાંતિનાથ ભગવાનની પંચતીર્થી પ્રતિમા છે . એ ઘણી જ પ્રાચીન છે એવું સમજાયું એટલે એ પ્રતિમાના લેખને ઉકેલવાની કોશિશ કરી . પ્રતિમા ઉપર પાછળની તરફ જે લખ્યું છે એ બધું તો ન સમજાયું . પણ એ પ્રતિમા ઉપર જે સંવત્ લખી છે એ સમજાઈ અને એ પ્રતિમા ઉપર જે પ્રતિષ્ઠાચાર્યનું નામ લખ્યું છે એ નામ સમજાયું . વિક્રમ સંવત્ ૧૪૯૪ કે ૧૪૯૬ કે ૧૪૯૮ની સાલ લખેલી છે . પ્રતિષ્ઠાચાર્ય તરીકે તપાગચ્છીય શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજાનું નામ લખેલું છે . આ સાલ જો ૧૪૯૬ જ હોય તો મૂર્તિની પ્રતિષ્ઠાનો સમય અને રાણકપુર દેરાસરની પ્રતિષ્ઠાનો સમય એકસમાન ગણાય . સોનામાં સુગંધ જેવી વાત એ છે કે જે ગુરુ ભગવંત પંચતીર્થી મૂર્તિના પ્રતિષ્ઠાચાર્ય છે તે જ ગુરુ ભગવંત રાણકપુર દેરાસરના પ્રતિષ્ઠાચાર્ય છે . આ તો કમાલ થઈ . સાવ ખોબા જેવડા બેરમો ગામમાં તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજાનાં જાણે કે દર્શન કરવા મળી ગયા .
આપણે લોકો તેરસના પ્રતિક્રમણમાં જે સંતિકરં સ્તોત્ર બોલીએ છીએ એ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું છે . એમના ગુરુ હતા શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા . દેરાસર ૭૦ વરસ પ્રાચીન અને પ્રતિમા આશરે ૫૮૪ વરસ પ્રાચીન . બેરમોમાં આવો ઇતિહાસ વસે છે એની કલ્પના બેરમોવાળાને પણ નહોતી . નગરશેઠ ગિરિશભાઈને આ ખબર આપી . એ રાજી રાજી થઈ ગયા . નાનકડા ગામમાં આપણે લોકો જતા નથી . જઈએ તો રોકાતા નથી . નાના ગામનું ગૌરવ સાચવવામાં આપણે કમજોર સાબિત થયા છીએ . જ્યાં ગૌરવ સાચવતા જ નથી આવડતું ત્યાં ગૌરવ વધારવાની આવડત તો આપણામાં ક્યાંથી આવવાની ? જે જે સાધુસાધ્વીજી શિખરજી આવે છે તે બધા બેરમો આવતા નથી . જે જે બેરમો આવતા નથી તે આ રાણકપુર પ્રતિષ્ઠાકાલીન પ્રતિમાના દર્શનથી વંચિત રહે છે . આ નુકસાન જેને જેને થયું છે તે જિંદગીભર પસ્તાશે . હું આ પસ્તાવાથી બચી ગયો છું . ધન્ય ઘડી , ધન્ય ભાગ્ય .
અલબત્ત , બેરમોની કહાની લાંબી છે . ગામની આજુબાજુમાં કોલસાની ખાણો ઘણી છે . એમાં સુરંગના વિસ્ફોટ થયા જ કરે છે . એવા વિસ્ફોટને લીધે એકવાર દેરાસરના મકાનના પાયા હલી ગયા . વિ . સં . ૨૦૪૦માં પ્રભુની પ્રતિષ્ઠા બીજી વાર કરવી પડી . બીજી વારની પ્રતિષ્ઠા પૂજ્ય મુનિરાજ શ્રી હેમરત્ન વિજયજી મહારાજ સાહેબના હાથે સંપન્ન થઈ . હું બેરમો વધારે રહેવાનો હતો . પરંતુ ગરમી અસહ્ય હતી અને કોલસાવાળી હવાને લીધે મને એલર્જીના શરદી ખાંસી ઉધરસ થઈ ગયાં . બેરમો જેવી જ ગરમી અને બેરમો જેવી જ કોલસા વાળી હવા , બોકારો – ધનબાદ – ઝરીયામાં છે એવી ખબર પડી એટલે બેરમોથી નીકળીને હું ચૂપચાપ પાછો ઋજુવાલિકા આવી ગયો . કોલસાવાળા વિસ્તારમાં વસેલા આપણા દરેક જૈન સંઘમાં જવાનું ઘણું મન છે પણ હજી સુધી જવાનું બાકી જ છે .
જૂના જમાનાની બાંધણીવાળો ડેલો બેરમો સંઘની ઈમારતને રોનકદાર બનાવે છે . એ વખતની પદ્ધતિ મુજબ દિવાલોમાં જ સ્લોગન બનાવેલા છે . બેરમો જૈન મંદિરના શિખર પર આંબાની ડાળો પથરાયેલી હોય છે . ધજાની આસપાસ કેરીઓ ઝૂલતી દેખાય છે . ભગવાનનાં ચૈત્ય ઉપર હંમેશ માટે આમ્રવૃક્ષની છાયા બનેલી રહે છે .
દેરાસરના મકાનની પાછળ તરફ ફૂલના કુંડાઓ છે એમાં ખૂબબધાં ગુલાબ આવે છે . ત્યાંની છત પર ઘણાબધા સફેદ કબૂતરોએ ઘર બનાવેલાં છે . દેરાસરના પૂજારીજી વરસોથી પ્રભુભક્તિ કરે છે . તેમને ભગવાનના ઘણાય ચમત્કારી અનુભવો થાય છે . એમનાં મોઢે એ અનુભવો સાંભળવાની મજા અનેરી છે . સંઘ પાસે પોતાની પાલખી અને ઘણી સામગ્રી છે . એક જમાનો હતો જ્યારે બેરમોમાં જૈનોના ઘણાં ઘર હતાં . વ્યાખ્યાનમાં એવી ભીડ થતી ઉપાશ્રયનો હોલ નાનો પડી જતો . બેરમો ગામ દામોદર નદીના કિનારે વસેલું છે . દામોદર નદી આસનસોલ પાસે પહોંચે છે ત્યારે એમાં ઋજુવાલિકા નદી આત્મસમર્પણ કરી દે છે . એટલે દામોદર નદી સાથે ઘરોબો બનેલો જ રહે છે .
આપણી પાસે જે છે એનાથી રાજી રહેવું અને આપણી પાસે જે નથી એ બાબતે દુઃખી ન રહેવું આ સંતોષી જીવનની નિશાની છે . આવો સંતોષ જીવનને પ્રસન્નતાથી ભરી દે છે . પરંતુ જૂઠો સંતોષ નુકસાનકારક હોય છે . આપણે નવાં જિનાલયોનાં નિર્માણથી પ્રસન્નતા અનુભવીએ છીએ . આનો સંતોષ રાખવો પણ જોઈએ . નવું જે મળે તેનો હરખ મનાવવાનો જ હોય . પણ જે જૂનું છે તે યથાવત્ બનેલું રહે તે બહુ જરૂરી હોય છે . એ પણ બહુ જરૂરી છે કે જે જૂનું છે તેનો સમ્યગ્ ઉદ્ધાર થાય . એ તો એકદમ જરૂરી છે કે જે જૂનું છે અને આપણું છે તે આપણું જ બનેલું રહે . આપણી પાસે જે છે તે આપણું હોય તે આપણી નૈતિકતા છે. જે આપણું છે તે આપણી જ પાસે રહે એ આપણી જવાબદારી છે . જ્યારે જ્યારે આપણે કશુંક એ ગુમાવીએ છીએ જે આપણું પોતાનું છે ત્યારે ત્યારે એમ પુરવાર થાય છે કે આપણે જવાબદારીના મામલે નિષ્ફળ સાબિત થયા છીએ .
પાલીતાણાની વાત લો . સિદ્ધગિરિરાજની ઉપર આપણાં જિનાલયો છે . આપણું ધ્યાન એ જિનાલયો પર છે . પરંતુ ગિરિરાજ પર ઘણીબધી ગુફાઓ છે . આપણું ધ્યાન એ ગુફાઓ પર છે જ નહીં . એ ગુફાઓ અતિશય સુંદર છે . આપણે લોકોએ એ ગુફાઓ પર નજર ન રાખી . આજે દુનિયાના સૌથી મોટા જૈન તીર્થની પાસે કહેવાપૂરતી એકબે ગુફા છે . ( જાલી મયાલી ઉવયાલીની ગુફા . ત્યાં કોઈ જતું નથી . સરસ્વતી ગુફા છે પણ એની આસપાસ નિર્માણ ઘણું થઈ ગયું છે .) આ બે સિવાય બીજી એક પણ ગુફા આપણા હાથમાં રહી નથી . મહારાષ્ટ્રના નાસિક પાસે ચાંદવડ છે . ત્યાં ટેકરી પર જૈન ગુફા છે , આપણે ધ્યાન આપ્યું નહીં . હવે એ ગુફાઓ પર શ્વેતાંબર જૈનોની માલિકી નથી રહી . દેશમાં આવી અગણિત ગુફાઓ સાથે જૈનોનો અને શ્વેતાંબર સંઘનો સંબંધ હતો . અમુક ગુફાઓ આપણી નથી રહી . સો રૂપિયાની એક થેલી આપણે ખરીદી હોય અને એની પર બીજો કોઈ હાથ મારે તો આપણે એ થેલીને આપણા હાથમાંથી જવા દેતા નથી . સવાલ સો રૂપિયા બચાવવાનો નથી . સવાલ માલિકીનો છે . સો રૂપિયાની એક થેલી આપણે હાથમાંથી જવા દેતા નથી . પરંતુ આપણે હજારો વરસો જૂની કેટલીય ગુફાઓને હાથમાંથી જવા દીધી છે . આપણે શું ગુમાવ્યું છે ? એની જાણકારી આપણને મળે ત્યારે નાલેશીનો અહેસાસ થાય છે . આપણે શું ગુમાવ્યું છે ? એની જાણકારી પણ આપણી પાસે ન હોય ત્યારે અહેસાસ ફક્ત નાલેશીનો નથી થતો બલ્કે આત્મગ્લાનિનો પણ થાય છે .
આપણો વિશાળ શ્રમણ સમુદાય જ્ઞાની છે , ધ્યાની છે , અનુભવી છે . શું સમગ્ર જૈન શ્રમણસમુદાય એ જાણે છે કે આપણી પાસે જૈન ગુફાઓ કેટલી હતી ? શું સમગ્ર જૈન શ્રમણસમુદાય એ જાણે છે કે આપણે કેટલી જૈન ગુફાઓ ગુમાવી દીધી છે ? કદાચ , આ દિશામાં આપણું ધ્યાન જ ઓછું છે . સકલતીર્થ સ્તોત્રની જેમ એક સકલગુફા સ્તોત્ર લખાય અને એ સ્તોત્ર સકલતીર્થની જેમ જ શ્રમણસંઘને કંઠસ્થ હોય એ બહુ જરૂરી છે . ભારતના દરેક રાજ્યમાં નાની મોટી પહાડીઓ છે અને લગભગ દરેક પહાડીમાં કોઈ ગુફા છે . દરેક ગુફા સાથે જૈન ધર્મ જોડાયો છે એવું ભલે નથી . પરંતુ ઘણીબધી પહાડીમાં એકાદ ગુફા એવી જરૂર છે જ્યાં જૈન ધર્મના નક્કર અવશેષો જોવા મળે છે .
એક સમયખંડ એવો હતો જ્યારે અમુક મહાત્માઓ શહેરમાં રહેવાનું ટાળતા . ગોચરી લેવાની હોય ત્યારે શહેરમાં કે ગામમાં આવે . બાકી લોકોથી દૂર રહે . નિવાસ માટે ગુફાઓનો ઉપયોગ થતો . વનવાસી મહાત્માઓ જંગલના ઝાડની નીચે તો રહે નહીં . એ ગુફામાં રહે . શાંતસુધારસ ગ્રંથમાં એ મહાત્માઓને ખાસ વંદના કરવામાં આવી જે ઊંડી ગુફામાં ધ્યાનસ્થ બનેલા છે . આમ તો ગુફાઓમાં વાઘ ,સિંહ કે રીંછ રહે છે , ગુફાઓની છત પર ચામાચીડિયા ઊલટા લટકે છે , ગુફામાં સાપના સૂસવાટા અને વીંછીના ડંખ હોય છે , ગુફાઓમાં ઘોર અંધારું અને ભયંકર એકાંત હોય છે . છતાં ગુફાનો આનંદ એકદમ અલગ હોય છે . ગુફામાં ભીડ નથી હોતી . ગુફામાં અવરજવર કે કોલાહલ નથી હોતો . ગુફામાં મૌનનું વાતાવરણ હોય છે . ગુફામાં એકાંતનું અજવાળું હોય છે . ગુફામાં ડૂબકી હોય છે . ગુફામાં જગત્ ભૂલવાની ઘટના હોય છે . ગુફામાં એ જ જાય છે જેને સ્વપ્રચાર કરવો નથી . ગુફામાં એ જ બેસે છે જેને દુનિયાના લોકો પાસેથી આદર સત્કાર લેવાની જરૂર રહી નથી . ગુફામાં સ્વાભાવિકતાનું સામ્રાજ્ય હોય છે . રાચરચીલું ગુફામાં જામે જ નહીં . મંડપ અને માઇકને ગુફામાં મોકો ના અપાય . ખરબચડી દીવાલ , ફરસ અને છતના કાળા રંગમાં ગુફાનો શણગાર પૂરો થઈ જાય છે . ગુફા એટલે દિવસના સમયે એકવાર અંદર આવતું સૂરજનો તડકો . ગુફા એટલે દીવા અને મશાલથી માંડ ભેદાય એવો અંધકાર . ગુફા એટલે ધોધમાર હવાનો અભાવ અને ચોખ્ખીચણક આબોહવા . ઓછામાં ઓછા સાધનો , ઓછામાં ઓછી વ્યવસ્થાઓ અને ઓછામાં ઓછી અપેક્ષાઓ સાથે જે જીવી શકે છે તેને જ ગુફા ફાવે .
આંધ્રપ્રદેશના વિજયવાડામાં અંબાપુરમ્ ગુફા છે . એ ઈસુની સાતમી શતાબ્દીની ગણાય છે . એમાં મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ છે . કર્ણાટક રાજ્યના બગલકોટ જિલ્લામાં બદામી ગુફા છઠ્ઠી શતાબ્દીની ગણાય છે . ગુજરાતમાં રાજકોટની પાસે ઉપલેટાની નજીકમાં ઢંક પહાડી છે ત્યાં ગુફામાં શ્રી આદિનાથ પ્રભુ , શ્રી આદિનાથ પ્રભુ , શાંતિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે . મહારાષ્ટ્રમાં બાલાઘાટ પહાડીમાં ધારાશિવ શહેરની પાસે ધારાશિવ ગુફા છે . આ ગુફા પાંચમી શતાબ્દીની ગણાય છે . ગુફામાં શ્રી મહાવીર પ્રભુ , શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે . મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં આવેલી ઈલોરાની ગુફાઓ વિશ્વ પ્રસિદ્ધ છે . આ ગુફાઓનો સમયકાળ છઠ્ઠીથી દશમી શતાબ્દી સુધીનો છે . એકસોથી વધુ ગુફાઓમાં ગુફા નંબર ત્રીસથી ચોત્રીસ જૈન છે . તામિલનાડુના મદુરાઈ ઇલાકામાં કુપ્પાલનાથમ્ ગામ પાસે પોઈગઈ માલાઈ ગુફા છે . આનો સમયખંડ નવમી દશમી શતાબ્દીનો છે . મહારાષ્ટ્રના નાસિક પાસે ત્રિરશ્મિ ગુફા છે , જેમાં ૨૩ ગુફાઓ છે . આમનો સમયખંડ પહેલીથી ત્રીજી શતાબ્દીનો ગણાય છે . આમાં અમુક મૂર્તિઓ જૈન છે , અમુક બૌદ્ધ . તામિલનાડુના પુદુકોટ્ટઈ જિલ્લામાં સિત્તનવાસલ ગુફાઓ વિશ્વપ્રસિદ્ધ છે . આમનો સમય પહેલી/બીજી શતાબ્દીનો ગણાય છે . આમાં પ્રાચીન જૈન મૂર્તિ અને જૈન ચિત્રો છે . મધ્યપ્રદેશના વિદિશા વિસ્તારમાં ઉદયગિરિ ગુફા બહુ પ્રચલિત છે : સમય છે પાંચમી શતાબ્દી . આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં ઉંડવલ્લી ગુફાઓ છે : સમય છે સાતમી શતાબ્દી .
ગુજરાતમાં ગિરનાર અને તળાજાની ગુફા , ઓરિસ્સામાં ભુવનેશ્વરની ગુફા હોય , બિહારમાં રાજગૃહી તીર્થની રોહિણિયા ગુફા અને સોનભંડાર હોય , આ બહુ પ્રસિદ્ધ છે . એક કેલેન્ડર પણ નીકળ્યું છે જૈન ગુફાઓ પર . મારે એ જોવાનું બાકી છે . પણ મેં થોડીક ગુફાઓ નરી આંખે જોઈ છે . અચલગઢની એ ગુફા જેમાં એવું અંધારું છે કે અંદર જવાની હિંમત ન થાય . તારંગાની એ ગુફા જેમાં રાતવાસો કરવા વાઘ આવે છે . મહારાષ્ટ્રમાં જુન્નર પાસેની લેન્યાદ્રિ ગુફાઓ . સમેતશિખરજી પર પારસનાથદાદાની મોક્ષ ગુફા . ભારતભરમાં ઘણી ઘણી ગુફાઓ છે . અફઘાનિસ્તાનની ગુફાઓમાંથી જૈનધર્મના અવશેષો મળી આવ્યા છે એવું કુમારપાળભાઈ દેસાઈનાં મોઢેથી સાંભળવા મળ્યું છે .
ઘણીવાર એવો વિચાર આવે છે કે જેમ દરેક જૈન સંઘ કે જૈન તીર્થ પાસે પોતાનું દેરાસર હોય છે , પોતાનો ઉપાશ્રય હોય છે એ રીતે દરેક સંઘ કે તીર્થ પાસે પોતાની ગુફા હોય તો કેવું સારું ? ગુજરાતમાં ઈડર તીર્થ પાસે પોતાની ગુફા છે . થોડા વરસ પહેલાં એમ કહી શકાતું કે મહારાષ્ટ્રના ભદ્રાવતી જૈન તીર્થ પાસે પણ પોતાની ગુફા છે . આજે દુઃખની વાત એ છે કે હવે એ ગુફાની બહાર જૈન ગુફા તરીકેનું બોર્ડ લખાતું નથી . એ ગુફાની બહાર બૌદ્ધ ગુફાનું પાટિયું લાગી ગયું છે . આપણી ગુફાને આપણે ગુમાવી દીધી છે .
ગુફાને બહારથી જુઓ તો એક ટેકરી છે . ટેકરી પર ચડીએ તો આખાય ભદ્રાવતી શહેરનો નઝારો દેખાય છે . ગુફા ટેકરીની તળેટીમાં છે . ગુફા તરફ જવાના ઘાટીલા પગથિયાં બનેલાં છે . એને પાર કરીને ગુફા પાસે જવાય છે . ભદ્રાવતી શ્રી સંઘના ભાઈબહેનોને સાથે લઈને હું એ ગુફાના દરવાજે પહોંચ્યો હતો . દેરાસરની જેમ જ ગુફાનાં કેન્દ્રસ્થાને ભગવાનનો ગભારો છે . એમાં દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાનની જે મૂર્તિ હતી તે હવે ગૌતમ બુદ્ધની મૂર્તિ તરીકે દલિત બૌદ્ધો દ્વારા પૂજા પામે છે . જૈન મૂર્તિ અન્યધર્મીય મૂર્તિ બની જાય એ કેવી વાત છે ? જાણે આપણા પોતાના શ્વાસ પર બીજા કોઈ માલિકી જમાવી દે . આ દૃશ્ય જોવાનું આંખોને અઘરું પડે છે . બહુ સ્પષ્ટ છે કે આ મૂર્તિ હવે પછી ક્યારેય જૈન મૂર્તિ બનવાની નથી . આ વાક્યની સાથે કદાચ , શબ્દ જોડી શકાય છે . આપણી મૂર્તિ આપણી ના રહે , આપણી ભૂમિ આપણી ના રહે , આ કેવી મનહૂસ લાચારી ? એમ કહેવાય છે કે આ ગુફા બે હજાર વરસ પ્રાચીન છે . મૂર્તિ પણ એટલી જ પ્રાચીન હશે .
ઈંટ પર ઈંટ મૂકીએ , સિમેન્ટ પાથરીએ ત્યારે મકાન બને છે . ગુફા ઈંટસિમેન્ટથી નથી બનતી . ગુફા નક્કર પહાડની પોલાદી પાષાણથી બનેલી હોય છે . પથ્થરના પર્વતને આરપાર ખોતરીફોડીને પહાડની ભીતરમાં જે નાનકડો અવકાશ બને છે તે ગુફા હોય છે . મકાનની છત અને દીવાલ માંડ એકાદબે ફૂટ જાડી હોય છે . ગુફાની છત અને દીવાલ સેંકડો ફૂટ જાડી હોય છે . મકાનમાં બહારના અવાજ અંદર આવે છે . ગુફામાં બહારના અવાજ ન આવે . મકાન ઉનાળે તપે અને શિયાળે ઠરે . ગુફા ઉનાળે ટાઢક આપે અને શિયાળે હૂંફ આપે . ખબર નહીં કેમ પણ ગુફામાં પગ મૂકતાવેંત વિચારો સ્થિર અને શાંત થવા લાગે છે . સાચો સાધક તો દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ , સંતુલિત અને પ્રસન્ન જ રહે . પણ ગુફામાં જે અહેસાસ મળે છે તે અલગ હોય છે . ઓમ્ કાર કે અન્ય મંત્રોના કંઠ્ય ઉદ્ઘોષ ગુફામાં કરી જુઓ . ગુફા એક અલગ જ પડઘો સંભળાવશે . અજિતશાંતિ સ્તોત્ર કે અન્ય સ્તોત્ર સ્તવનો ગાઈ જુઓ એક અલગ જ મસ્તી અનુભવાશે . અધ્યાત્મપરક સજ્ઝાયો લલકારશો ત્યારે એમ લાગશે કે આ તો સ્વયં આનંદઘનજી મહારાજા કે દેવચંદ્રજી મહારાજા બોલી રહ્યા છે . કથાની સજ્ઝાયો ઉચ્ચારશો તો એવો અનુભવ થશે કે આપણે એ પુરાતન સમયકાળમાં પહોંચી ગયા . શાસ્ત્રની ગાથાઓ ધીમે અવાજે વાંચશો તો અર્થનાં ચિંતનમનનનું નવું સ્તર ઉઘડી આવશે . કાઉસગ્ગ કરશો તો ठाणेणं मोणेणं झाणेणं દ્વારા શું વિસર્જન પામે છે એની ઝાંખી થશે . ભદ્રાવતીની વિજ્જાસન ગુફામાં આ બધું જ સંભવિત છે . ઘણાય જૈન સાધકોએ આ ગુફામાં સાધના કરી છે . ઘણાય જૈન ભક્તજનોએ આ ગુફામાં ભક્તિ કરી છે . બહાર રાની પશુ ફરતાં હોય અને અંદર સાધના ઉપાસના ચાલતી હોય એવો પણ એક જમાનો હતો . ગુફામાં પચાસથી વધારે લોકો આરામથી બેસી શકે એટલી જગ્યા છે . ગુફાની અંદર જ અંતર્ગુફા જેવી બખોલ બેય તરફ બની છે . એમાં તો વળી ઔર ગહન શાંતિ છે . ગભારો મોટો છે . પ્રતિમા બહુ મોટી છે . બેહદ અફસોસની વાત છે કે આધિકારિક રીતે આ ગુફા સરકારી સંપત્તિ બની ગઈ છે . આપણે વિઝિટર તરીકે આવી શકીએ છીએ . કેવી વાત છે ? ઘર આપણું છે , એમાં આપણે મહેમાન તરીકે થોડાસમય માટે આવવાનું છે અને પછી સ્મિતપ્રદર્શનપૂર્વક ચૂપચાપ નીકળી જવાનું છે . શું કરવાનું છે અને શું નથી કરવાનું એ બોલવાનો આપણને હક નથી . દશ ડિસેમ્બર બે હજાર બાવીસના દિવસે વિજ્જાસન ગુફાને છેલ્લીવાર જોઈ . પછી થોડા દિવસમાં ઋજુવાલિકા માટે વિહાર થયો . વિજ્જાસન ગુફામાં બેસીને જે અનુભૂતિ મેળવી હતી તે કોઈ અલગ જ હતી . એ ગુફા આપણી નથી રહી એની પીડા ત્યારે જેટલી હતી એટલી જ આજે છે .
ગુફા હાથમાંથી જતી રહી એમાં વાંક કોનો ? એકલો સ્થાનિક તીર્થના સંચાલકોનો વાંક કાઢી શકાય નહીં . વાંક યાત્રાળુઓનો છે કે ગુફા જવાનું એમણે યાદ જ ન રાખ્યું . જો નિયમિત રીતે યાત્રાળુઓ ગુફાએ જતાં હોત તો પરિસ્થિતિ જુદી હોત . વાંક અમારા જેવા સર્વે શ્રમણશ્રમણીઓનો છે . જો અમે તીર્થના સંપર્કમાં રહીને આ બાબતે માર્ગદર્શન આપતા રહેત તો આવા દિવસો જોવા ના પડત . આપણી ગુફાઓ માટે આપણે શું કરી શકીએ આ પ્રશ્ન પર ચર્ચા તો થવાની જ . દૂર બેઠાં બેઠાં સૂફિયાણી સલાહો આપવાને બદલે આ વિષય પર પ્રામાણિક ચિંતન કરવું જોઈએ .
ચિંતન એક : ભારતમાં જ્યાં જ્યાં જૈન ગુફાઓ છે એની માહિતી એકત્રિત કરવી જોઈએ અને પ્રસારિત થવી જોઈએ . અમુક ગુફાઓ એકલી જૈન ગુફા છે . અમુક ગુફાઓમાં જૈન ગુફા અને બૌદ્ધ ગુફાઓનું સાયુજ્ય છે . અમુક ગુફાઓમાં જૈન ગુફા , બૌદ્ધ ગુફા અને હિન્દુ ગુફાઓનું સંમિલન છે . કોઈ ગુફા નિસર્ગનિર્મિત છે , કોઈ ગુફા માનવનિર્મિત છે . કેટલીક ગુફાઓમાં એક કે બે કે ત્રણ માળ છે , કેટલીક ગુફાઓ એકતલ છે એટલે કે કોઈ માળ નથી . ક્યાંક ગુફાઓની શ્રેણી છે , ક્યાંક એકલી ગુફા છે . કોઈ કોઈ ગુફામાં મૂર્તિ છે , કોઈ કોઈ ગુફામાં મૂર્તિ નથી . કોઈ ગુફા જૈન હતી અને જૈન નથી રહી . કોઈ ગુફા શ્વેતાંબર હતી અને શ્વેતાંબર નથી રહી . આ બહુ જ મોટો રિસર્ચ ટોપિક છે . ડિટેઈલ્ડ સ્ટડી થવો જોઈએ . ચિંતન બે : ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંતો વ્યાખ્યાન , વાચના અને લેખનમાં ગુફાસંસ્કૃતિ વિશે રજૂઆત કરે . ગુફાઓનો ઉપયોગ શો હતો ? સાધુ સાધ્વીજીઓ કેવી કેવી પરિસ્થિતિમાં ગુફામાં નિવાસ કરતા ? ગુફાઓમાં રહેવાની મર્યાદાઓ શું હતી અને સમસ્યાઓ શું હતી ? ગુફામાં ઓરડાઓ શું કામ બનાવતા ? ઘણી ઘણી વાતો થાય . આજે ભલે ગુફાસંસ્કૃતિ સક્રિય નથી . પણ જે જમાનામાં ગુફાસંસ્કૃતિ સક્રિય હતી ત્યારે ગુફાઓમાં શું ગતિવિધિઓ થતી એનો બોધ સકલ શ્રી સંઘને મળવો જોઈએ . સાધુસાધ્વીઓ પચખાણ પારીને જે સત્તર ગાથા ગણે છે એમાં ત્રણ ગાથા સાથે ગિરનારની રાજીમતી ગુફા જોડાયેલી છે . ચિંતન ત્રણ : પુરાણા સમયમાં ગુફાઓમાંથી જે મળતું તે મેળવવા આજના સમયમાં શું કરી શકાય ? સામાન્યતઃ ઉપાશ્રયમાં ભોંયરા રચીને આપણે ગુફાની ખોટ પૂરી કરી છે . અમદાવાદમાં ભગવાનનગર ટેકરાનો ઉપાશ્રય અને સાબરમતીમાં પુખરાજ રાયચંદ આરાધના ભવનમાં જે ભોંયરું બનેલું છે તે ગુફાઓની ખોટ વર્તાવા દેતું નથી . આ વ્યવસ્થા ઘણા ઉપાશ્રયોમાં છે . ગુફાઓમાં જવા ન મળે તો ગુફાનું વાતાવરણ કેવી રીતે મેળવવું આ શીખવા જેવું છે . આ ડેકોરેશનવાળો બનાવે છે તે ફિઝિકલ ગુફાની વાત નથી . આ એકાંત અને અધ્યાત્મનું વાતાવરણ રચવાની વાત છે . ગુફા ભીતરનો અવાજ સાંભળવાની પ્રક્રિયા છે . એને બાંધકામ અને વાસ્તુ સમજવાની ભૂલ ન કરાય . ચિંતન ચાર : આજની સ્કૂલોમાં પાષાણયુગની ગુફા તરીકે જેનું વર્ણન થાય છે તે ગુફા અભણ અવસ્થાની લાચારી બતાવે છે . આપણી જૈન ગુફાઓમાં સુઘડ યોજના છે , કળા છે , સંસ્કૃતિ છે . જૈન ગુફાઓનો સત્તાવાર પરિચય જૈન પરિભાષા મુજબ જ આપવાનો હોય . કોઈ અર્ધ દગ્ધ પ્રોફેસર પોતાની અક્કલ મુજબનો પરિચય વર્ણવે તે ન ચાલે . ચિંતન પાંચ : આપણે ગુફાઓની ચૈત્યપરિપાટી ગોઠવી શકીએ . ભારતદેશનાં દરેક રાજ્યમાં જે જે ગુફાઓ છે ત્યાં આપણા લોકો જાય . જુએ અને જાણે કે ગુફા શું હોય છે . દરેક ગુફાનો પોતપોતાનો ઇતિહાસ મોટેભાગે સ્થાનિક લોકો કે સ્થાનિક ગાઇડ પાસેથી જાણી જ શકાય છે . તે તે રાજ્યમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનો તંતુ એ ગુફા સાથે જરૂર જોડાયેલો હશે .
આ દિશામાં ચિંતન કરતા રહીએ અને સજાગ બનીએ . વિજ્જાસનની ગુફા હાથમાંથી ગઈ . બીજી ગુફા ન જવી જોઈએ .
ઓલિયાઓ : વ્યાખ્યાન આપવાથી દૂર રહે છે અને મોટાં મોટાં કામો પાર પાડે છે
( વર્તમાન સમયમાં મને સૌથી વધુ કયા મહાત્મા ગમે છે ? આ વિષય પર એક ગ્રંથ પ્રકાશિત થવાનો છે . સંપાદક : પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજા . અનેક ગુરુભગવંતોએ આ વિષય પર લેખ લખ્યા છે . પ્રસ્તુત લેખ એ ગ્રંથ માટે , સંપાદક સૂરિદેવના આત્મીય આગ્રહથી લખવામાં આવ્યો છે. )
તમે કોઈ એક કામને સમર્પિત છો અને એ કામને સારી રીતે કરવા શકાય તે માટે તમે કોઈ બીજાં એક કામથી અળગા થઈ શકો છો એવી ભૂમિકાને ત્યાગની ભૂમિકા કહી શકાય છે . આવો ત્યાગ ઊંચી સમજદારી વિના આવતો નથી . એકથી વધુ જવાબદારી સંભાળવાની ક્ષમતા સૌમાં ઓછેવધતે અંશે હોય જ છે . કંઈ જવાબદારી રાખવી અને કંઈ જવાબદારી સંભાળવી એનો નિર્ણય સમયસર કરી લેવાનો હોય છે . બધું જ હું કરીશ આ અભિગમ ખોટો . બધું બીજાનાં માથે ઢોળી દો , આપડે છુટ્ટા – આ વૃત્તિ પણ ખોટી . હું શું કરીશ અને હું નહીં કરીશ તે શું હશે – આનો નિર્ણય સારી રીતે થવો જોઈએ .
If you are truely intelligent , you would do what you want. But if you are genius, do what is needed. તમને જે ગમતું હશે એ તમે કરતા હશો આ એક પરિસ્થિતિ છે . તમે એ કામ કરતાં હશો જે ખૂબ જરૂરી છે . આ બીજી પરિસ્થિતિ છે . જરૂરી કામને વધુ સમય આપવા માટે , મનગમતાં કામને ઓછો સમય આપવો છે આવો નિર્ણય સરળ નથી . આવો નિર્ણય જેઓ કરી ચૂક્યા છે એમને અહોભાવપૂર્વક યાદ કરવા છે . જેમ આંબેલ કરનારો વિગઈનો ત્યાગ કરે છે , ઉપવાસ કરનારો આહારનો ત્યાગ કરે છે અને એ ત્યાગ જ એમને તપસ્વી બનાવી દે છે તેમ મનગમતી પ્રવૃત્તિનો ત્યાગ કરનારો , પોતાની ભૂમિકાનો તપસ્વી બની જાય છે . આવા તપસ્વીઓને ત્યાગી તરીકે માનસન્માન મળે કે ન મળે – એમને ફરક પડતો નથી . જેમ માતા પોતાના દીકરાને પ્રેમ કરતી હોય છે , એને દીકરાને પ્રેમ કરવાના બદલામાં યશ કે ગૌરવની અપેક્ષા હોતી નથી એમ આ geniusને પોતાનાં કામ માટે ઘણો પ્રેમ હોય છે અને એ પ્રેમ એમને બીજી બધી બાબતોથી બેપરવા બનાવી દે છે .
તમે જે કામ કરો છો તે જેમ અગત્યનું છે તેમ તમે જે કામ છોડો છો કે ટાળો છો તે કામને છોડવું કે ટાળવું પણ ઘણું અગત્યનું હોય છે . એ કામ જે છોડવાનું છે તે છોડવામાં એટલું આસાન હોતું નથી . કામ આસાન હોય ત્યારે કામને છોડવાનું આસાન નથી હોતું . અઘરું કામ હોય ત્યારે એ કામને છોડવાનું અઘરું નથી હોતું . આસાન કામ છોડવા જેવું છે એવી વાત નથી . અઘરું કામ અપનાવવા જેવું છે એની વાત છે .
આજે ચોતરફ વાતાવરણ વ્યાખ્યાનલક્ષી છે . જેમને વ્યાખ્યાન સરસ આપતા આવડતું હોય એ જરૂરથી વ્યાખ્યાન આપે . વ્યાખ્યાન સારું હોય એને લીધે શ્રોતા ઘણા મળે , ભક્તો ઘણા બને , નામના ઘણી થાય અને ગામો ગામની વિનંતીઓ ચાલતી આવે સતત . એ વિનંતી સ્વીકારીને ગામો ગામ જવાનું , વ્યાખ્યાનો આપવાના , શ્રોતા અને ભક્તો વધારવાના . શાસન પ્રભાવના કરવાની અને , અને લોકપ્રિયતાનાં નવા નવા શિખરો સર કરવાના . લોકપ્રિયતા લોકપૂજ્યતા બને , લોકપૂજ્યતા લોકમાનનીયતા બને એ ક્રમ ચાલતો રાખવાનો . આ સ્વાભાવિક છે , કરણીય છે , ઉપકારની પ્રવૃત્તિ છે . જે આ કરે છે તે પરંપરાનું નિર્વહન , સંવર્ધન કરે છે . એમનું પુણ્ય ઊંચું ગણાય છે એમાં શક નથી .
પરંતુ એકાદ ઓલિયો એવો નીકળી આવે છે જેને ખબર છે કે મારું વ્યાખ્યાન સરસ છે , લોકાકર્ષક છે છતાં એ વ્યાખ્યાનથી દૂર થઈ ગયો છે . મારું સૌભાગ્ય છે કે એવા થોડાક ઓલિયાઓ મેં જોયા છે .
પ્રથમ નામ યાદ આવે છે શ્રી હેમવલ્લભ સૂરિજી મ.નું . બીજું નામ યાદ આવે છે શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.નું . ત્રીજું નામ યાદ આવે છે શ્રી વિમલહંસ વિજયજી મ . અને સાથોસાથ શ્રી પરમહંસ વિજયજી મ.નું . વધુ એક નામ યાદ આવે છે શ્રી આત્મરતિવિજયજી મ.નું .
(૧) પૂજ્ય આચાર્ય શ્રી હેમવલ્લભસૂરિજી મ.સા.
શ્રી ગિરનાર તીર્થમાં પહેલાં યાત્રાળુઓ ઓછા હતા અને આશાતનાઓ ઘણી હતી . શ્રી હેમવલ્લભ વિજયજી મ . તરીકે તેઓ ગિરનાર આવ્યા ત્યારે એમને ગિરનારમાં કે તીર્થરક્ષાનાં કોઈપણ કાર્યક્ષેત્રમાં કોઈ ઓળખતું નહોતું . પડકારો ઘણા હતા . ધારેલી સફળતા ના મળે એવી પરિસ્થિતિનો દબાવ બનેલો હતો . તેઓ ત્યાં રહ્યા . એમણે ત્યાગને કામે લગાડી દીધો . વ્યાખ્યાન નહીં . લોકોમાં ચમકવાનો મારગ દૂર . પગ દબાવવાવાળું કોઈ નહીં . કામકાજ પૂછવાવાળું કોઈ નહીં , લગભગ . વડીલો અને સંનિષ્ઠ યુવાનો સાથે હતા પણ પોતાના તરફથી તીવ્ર સમર્પણનું વાતાવરણ એમણે સ્વયં ઊભું કર્યું . રોજની એક યાત્રા કરવાની જ . શ્રી નેમનાથ દાદાએ વિઘ્નહરણ શક્તિ તરીકે આંબેલનો ઉપદેશ આપેલો એ યાદ રાખીને આંબેલ ચાલુ કર્યાં . યાત્રા કરીને નીચે ઉતરે તે પછી જૂનાગઢ ગામના અજૈન ઘરોમાં ગોચરી લેવા જાય , લૂખી રોટલીથી નિર્દોષ ગોચરીની વિધિ જાળવે . શરૂશરૂમાં દર્શનાર્થીઓ, યાત્રાળુઓ, ભક્તજનો ખાસ વધારે આવતા નહીં . એ વખતે મનમાં ફરિયાદો જાગી શકતી હતી . વાણી દ્વારા એ ફરિયાદો રજૂ થઈ શકતી હતી . કંઈ ફરિયાદો ?
૧ . અરે , કોઈ મળવા જ આવતું નથી .
૨ . કંઈ કામ હોય તો કોને કહેવાનું ?
૩ . આખા દિવસમાં વાત કરવાની કોની સાથે ?
૪ . વ્યાખ્યાનમાં તો કોઈ આવતું નથી .
૫ . અમારું ધ્યાન કોણ રાખે છે ?
૬ . આ કામ બાકી છે , એ કામ બાકી છે ?
૭ . આમને મોકલો , એમને બોલાવો .
૮ . હું બધાને ખુલ્લા પાડી દઈશ .
૯ . તમને ખબર નથી , હું કોણ છું તે .
૧૦ . બધાની સાન ઠેકાણે લાવી દઈશ , હા .
આવી ઘણીબધી ફરિયાદો બની શકતી હતી . જેમ વિગઈનો ત્યાગ , માંગલિક ગણાય છે – આંબેલ રૂપે . તેમ ફરિયાદોનો ત્યાગ પણ માંગલિક ગણાય છે – સહનશીલતા રૂપે . શ્રી હેમવલ્લભસૂરિજીમ . એ જેની ફરિયાદ કરી નથી તેવી પરિસ્થિતિઓ અગણિત હશે . તેઓ બધું હજમ કરી ગયા છે . ફરિયાદ ફરિયાદ ન લાગે એ સાધના છે . ફરિયાદ કરવાનું યાદ ન આવે એ તપસ્યા છે . જેમના હાથમાં સત્તા હોય , જેમની પાસે જવાબદારી હોય એમની નિંદા કરીને વાતાવરણ બગાડી શકાતું હોય છે . ઓલિયાઓ નિંદા નથી કરતા , વાતાવરણ નથી સળગાવતા . ઓલિયાઓ સહન કરી લે છે . શ્રી હેમવલ્લભસૂરિ મ.ને ગિરનારના રક્ષણહાર માનીને વાંદનારા આજે અગણિત લોકો છે . એમની હજારો આંબેલની તપસ્યા સૌ જાણે છે . તેઓ એ બધું નથી જાણતા જે શ્રી હેમવલ્લભસૂરિ મ . ચૂપચાપ , એકલપંડે સહન કરી ચૂક્યા છે .
અને ખાસ વાત , જેટલા વરસ એમણે ગિરનાર તીર્થને આપ્યા એટલા વરસ એ અલગ અલગ શહેરોમાં ચોમાસું કરી શકતા હતા . ચોમાસાં ગાજ્યાં જ હોત . નામના બની જ હોત. અનુષ્ઠાનો , પ્રસંગો , કાર્યક્રમોની હારમાળાઓ સર્જાઈ જ હોત . શાસનપ્રભાવનાના ઈતિહાસ રચાયા જ હોત . સમાચાર વિભાગ જે જે મુખપત્રોમાં હોય છે તેમાં લાંબી લાંબી ખબરો આવી જ હોત . પણ હેમવલ્લભસૂરિ મ . એ ગિરનારમાં રહેવા સિવાયનું બીજું કશું વિચાર્યું જ નહીં . બે પ્રેરણા મળે છે : એક , વ્યાખ્યાનથી દૂર રહેવામાં સંકોચ ના રાખો . બે , કોઈ એક પવિત્ર જવાબદારીને નિઃસ્વાર્થ ભાવે સમર્પિત થઈ જાઓ . એ જવાબદારી તમારી મર્યાદાને અનુરૂપ હોય એટલે બસ . મનેં શ્રી હેમવલ્લભ સૂરિ મ . માટે બે કારણસર વિશેષ આદર છે .
૧) તેમને લોકપ્રિય બનવામાં કોઈ જ રસ નથી . ૨) તેમને ગિરનારી નેમજીમાં સર્વોચ્ચ રસ છે .
( ૨ ) પૂજ્ય ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ .
એમનાં વ્યાખ્યાનો જેમણે સાંભળ્યાં છે તેઓ એમને ભૂલી જ ના શકે . અવાજ , રજૂઆત , પદાર્થ વિશ્લેષણ , મૂળભૂતતા અને મૌલિકતાનો સંગમ . એક તરફ આ વાત છે . બીજી તરફ તેઓ વરસોથી વ્યાખ્યાનને સાઈડ ટ્રેક કરી ચૂક્યા છે . એક વ્યવહાર એવો બની ગયો છે કે સાધુ ભગવંત ઉપાશ્રયમાં આવે એટલે વ્યાખ્યાન આપવાનું જ હોય એમણે . ગૃહસ્થને શ્રાવક કહેવામાં આવે છે કેમકે ધર્મશ્રવણ કરવું એ શ્રાવકનો ધર્મ છે . સાધુનો ધર્મ છે યથા આવશ્યક વિનિયોગ . હું વ્યાખ્યાન આપું નહીં તો મારી પાસે લોકો આવશે નહીં આવી ભયગ્રંથિ સાધુમાં હોવી જોઈએ નહીં . હું વ્યાખ્યાન આપીશ તો લોકોમાં મારો પ્રચાર થશે આની લાલચવૃત્તિ પણ સાધુમાં હોવી જોઈએ નહીં . વ્યાખ્યાન બાબતે સાધુ નિર્ગ્રંથ હોવો જોઈએ . અમુક કામો કરાવવાના છે અને તે માટે વ્યાખ્યાન આપવું જરૂરી છે આવું માનસ બને છે ત્યારે જવાબદારીનું બંધન જોયું છે એ સૂચિત થાય છે . અમુક વખતે વ્યાખ્યાન આપવાનો શોખ કે રસ ઘણો વધારે છે અને વ્યાખ્યાન આપવાની પ્રતિભા ઘણી ઓછી છે , એવી પરિસ્થિતિ જોવી મળતી હોય છે . નિયમ એ છે કે જે શક્તિશાળી છે તે વ્યાખ્યાન આપે . એને બદલે નિયમ એવો માની લેવાયો છે કે જે વ્યાખ્યાન આપવા પાટ પર બેસે છે એ શક્તિશાળી છે . વિનિયોગની ભૂમિકાએ બોલવું એ સાધુનો ધર્મ છે . પણ વ્યાખ્યાન આપવા માટે એકદમ તલપાપડ રહેવું એ સાધુનો ધર્મ નથી . વ્યાખ્યાન આપવા ન મળે તો પણ પ્રસન્ન રહેવું એ સાધુનો ધર્મ છે .
ખબર નહીં કેમ ? ગૃહસ્થો વ્યાખ્યાનદાતાઓને જ મહત્ત્વ આપે છે . આ પણ હકીકત છે . આવી પરિસ્થિતિ વચ્ચે એવો નિર્ણય કરી લેવો કે વ્યાખ્યાન આપવું એ મારી પ્રાથમિકતા નથી . એ અઘરું છે . એમણે વ્યાખ્યાનને બદલે વ્યાખ્યા પર પસંદગી ઉતારી છે . તેઓ શ્રુતસંપદા સાથે સંશોધનની ભૂમિકાએ જોડાયા છે .
વ્યાખ્યાન આપતી વખતે તમારી સામે શ્રોતા હોય છે . સંશોધન કરતી વખતે તમારી સામે તમારું એકાંત હોય છે . વ્યાખ્યાન આપતી વખતે તમે બીજાની પાસેથી મેળવેલું – ઊઠાવેલું બોલી શકો છો . સંશોધનમાં તમારી સ્વતંત્ર ક્ષમતા પર જ બધો આધાર હોય છે . વ્યાખ્યાનમાં તમને જે શ્રોતા મળે છે તે તમારી પરીક્ષા લે એ જરૂરી નથી , શ્રોતા તમારી વાતને , રજૂઆતને આદરપૂર્વક સ્વીકારી શકે છે . સંશોધનમાં તમારી એક એક લાઈન સમીક્ષકોના ચશ્માતળે આવે છે અને ગમે તેટલી મહેનત કરી હોવા છતાં એકાદ ભૂલનો હિસાબ ચૂકવવો ભારે પડી શકે છે . વ્યાખ્યાનમાં તમારો પ્રચાર ઘણો થાય , થઈ શકે કેમકે વ્યાખ્યાન શ્રવણના પ્રેમીઓ ઘણા બધા છે . દરેક વક્તાએ યાદ રાખવાનું છે કે શ્રોતાને તમારું વ્યાખ્યાન ગમે છે માટે એ વ્યાખ્યાન સાંભળવા આવ્યો છે એવો ભ્રમ રાખવાનો નહીં . શ્રોતાને ભગવાનની વાણી સાંભળવી ગમે છે માટે તે વ્યાખ્યાનમાં આવે છે . અને વાણીના પ્રેમીઓની સંખ્યા વિશાળ છે . કેમકે વાણી , વ્યાખ્યાનવાણી સરળ હોય છે . સંશોધન સરળ હોય છે ? ના . બિલકુલ નહીં . જેણે સંશોધનનું ક્ષેત્ર અપનાવ્યું છે એમને પૂછજો . માથાના વાળ ધોળા થઈ જાય , ખાલી થઈ જાય એટલી બધી મહેનત કરવાની આવે છે સંશોધનમાં . અને તે પછી જે સંશોધિત સાહિત્ય તૈયાર થાય છે તેના વાંચનારો / સમજનારો વર્ગ ઘણો નાનો હોય છે . સંશોધનને સમર્પિત થયા હોય એવા વિદ્વાનોનો પ્રચાર કેટલો થાય ? વ્યાખ્યાનદાતાઓ જેટલો પ્રચાર પામે છે તેના કરતાં ઘણો જ ઓછો પ્રચાર થાય સંશોધકોનો . આ કડવી હકીકતની જાણ હોવા છતાં પોતાને વ્યાખ્યાનથી દૂર રાખવાનો નિર્ણય એમણે લીધો એ નાનોસૂનો ત્યાગ નથી .
જો એ વ્યાખ્યાન આપવા માટે નિયમિત રીતે લોકસંપર્ક બનાવી રાખત તો એમના હાથે શ્રુતભવનના માધ્યમે જે મહાન્ કાર્યો થયા તે કદાચ , સંપન્ન ન થાય . શ્રુતભવન સંશોધન કેન્દ્ર થકી કેટલી બધી હસ્તલિખિત પ્રતોનો ડિજિટલ ડાટા તૈયાર થયો છે ? આજ સુધી ક્યારેય પ્રકાશિત ન થઈ હોય એવી કેટલી બધી રચનાઓ પ્રકાશમાં આવી છે ? આજ સુધી એકબીજાના સંપર્કમાં ન હોય એવી કેટલી સંસ્થાઓ એકબીજાના સંપર્કમાં આવી છે ? આનો જવાબ તમે જાતે શોધજો . એક ગંજાવર ઈતિહાસ રચીને બેઠું છે શ્રુતભવન . અને એના માર્ગદર્શક તરીકે શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.સા . એ એક નિયમ પાકો બનાવી રાખ્યો છે : ખૂબ જ અગત્યનું કામ હોય ત્યારે વ્યાખ્યાન આપવું . બાકી વ્યાખ્યાનથી દૂર રહેવું . વ્યાખ્યાન સિવાયનું એક વિશ્વ એમણે રચી લીધું છે અને પોતાનાં વિશ્વમાં રમમાણ રહેવાવાળા જોગંદર બની ચૂક્યા છે તેઓ .
મનેં એમની એક પરિકલ્પના ખૂબ જ ગમી છે : દુનિયામાં જેટલા પણ જ્ઞાનભંડારો છે , લાઈબ્રેરી છે એમાં રહેલી હસ્તલિખિત પ્રતોને સ્કેન કરીને એ તમામ ડિજિટલ પ્રતો એક જગ્યાએ એ રીતે સંગૃહીત કરવી કે જેનો ઉપયોગ દુનિયાના દરેક ખૂણેથી કરી શકાય . આ દિશામાં કામ કેટલું થયું છે ? ૮૪ જ્ઞાનભંડાર પાસેથી દોઢ લાખ હસ્તલિખિત ગ્રંથ મળ્યા છે અને અંદાજે એંશી લાખ હસ્તલિખિત પાનાંનું સ્કેનિંગ થઈ ચૂક્યું છે . ચાળીસ જ્ઞાનભંડારમાંથી મળેલી પાંસઠ હજાર હસ્તલિખિત પ્રતોનું સૂચીકરણ પણ થઈ ચૂક્યું છે . આ શ્રુતસેવા જ પોતાની જવાબદારી છે એવું એમનું માનસ સ્પષ્ટ છે . તેઓ વ્યાખ્યાન અર્થે ગામે ગામે અને સંઘે સંઘે જતા નથી બલ્કે શ્રુતભવનમાં રહે છે . સામે એ પરિણામ આવ્યું છે કે જૈન શાસનના કોઈ પણ મોટા આચાર્ય ભગવંત પૂના પધારે છે તો તેઓ શ્રુતભવન આવવાનું ચૂકતા નથી અને શ્રુતભવન આવ્યા બાદ ધન્યતા અનુભવે છે . શ્રુતભવને આ એક વાત સજ્જડ રીતે સાબિત કરી દીધી છે : First they will ignore you, then they will critisize you, then they will try to copy you and then you win. ખેર , હજી જે કામો બાકી છે તેની માટે તેઓ એટલા ઉત્સાહિત અને પ્રતિબદ્ધ છે કે જે થઈ ચૂક્યું છે એનો હરખ મનાવવા તરફ એમનું ધ્યાન જ નથી .
( ૩ ) પૂજ્ય પંન્યાસ શ્રી વિમલહંસ વિજયજી મ ./ પૂજ્ય પંન્યાસ શ્રી પરમહંસ વિજયજી મ .
શ્રી અંતરીક્ષજી તીર્થનો પ્રશ્ન . એવી ગૂંચ હતી કે ઉકેલ જ ના દેખાય . કોર્ટનો નિર્ણય આવશે એવું કહેવાતું પણ દર વખતે કોર્ટે નવી તારીખ આપી છે એટલા જ સમાચાર આવતા . લોકોએ આવવાનું ઓછું કરી દીધું હતું . દિગંબરોના ઘરો ઘણાં . શ્વેતાંમ્બરનાં ઘર એક કે બે . તીર્થની ધર્મશાળા-ભોજનશાળનાં મકાનો જૂનાં .અવર જવરના અભાવે વ્યવસ્થાતંત્ર પણ ઢીલું છે એવું ચર્ચાતું . આવાં વાતાવરણમાં લાંબો સમય માટે રહેવા કોણ મહાત્માઓ આવી શકે ?
આજકાલ દરેક સમુદાયને ચાતુર્માસની વિનંતીઓ ઘણીબધી આવે છે . સંઘમાં ચોમાસું કરો એટલે વ્યાખ્યાનોમાં ભીડ થાય , ભક્તો બને ,જાહોજલાલી સર્જાય અને શાસનનો ડંકો વાગ્યો છે એવું પ્રમાણપત્ર મળે . આ બે મહાત્માઓએ બાર વરસ સુધી એ ભીડ , એ જાહોજલાલીથી સ્વયંને દૂર રાખવાનો પુરુષાર્થ કર્યો . એમણે બાર વરસમાં મોટા મોટા સંઘોમાં ચોમાસાં કર્યા હોત અને એમનાં નામની આગળ શાસન પ્રભાવક એવું બિરૂદ લખાયું હોત . પણ એવું થયું નહીં . એમણે પોતાના ગુરુદેવ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજીમ . માટે એક સપનું જોયું . શું સપનું ? ગુરુદેવનું સપનું સાકાર થવું જોઈએ એ જ સપનું . ગુરુનાં સપનાનો વારસો શિષ્યોને જ મળે ને . પૂજ્ય પન્યાસજી ભગવંતના શિષ્યોને વ્યાખ્યાન કલા વારસામાં મળેલી હોય છે . એમના પરિવારના મહાત્માઓ જ્યાં જાય ત્યાં સભાઓ ગજવતાં હોય છે અને મોટા મોટા હોલ નાના પડે છે . આ બે મહાત્માઓ એ દિશામાં જઈ જ શકતા હતા . એ માટેની ઈચ્છા કે જીદ્દ રાખી શકતા હતા . એમણે એવું કર્યું ? ના . એમણે જીદ્દ ના રાખી અને ઈચ્છાઓ ન રાખી . આ ત્યાગ નાનોસૂનો નથી . વિગઈનો ત્યાગ નજરે ચડે છે . પ્રસિદ્ધિનો ત્યાગ નજરે ચડતો નથી . જે નજરે ચડે એની પ્રશંસા થાય . જે નજરે જ ના ચડે તેની પ્રશંસા શી થવાની ? જેમનાં વસ્ત્ર મલીન હોય , જેઓ નિર્દોષ ગોચરીપાણીના આગ્રહી હોય તેમને ત્યાગી કહેવામાં કશું ખોટું નથી . જે હકીકત તે છે . પરંતુ સંભવિત પ્રસિદ્ધિનો મોકળો માર્ગ જેમણે પડતો મૂક્યો એમને ત્યાગી કેમ ન ગણાય ? પ્રસિદ્ધિની આકાંક્ષાને સમેટી લેનારા પૂજ્ય પુરુષને પણ સંયમી તરીકેનું સન્માન કેમ ન મળે ? સતત એક જ વિષય પર કરવામાં આવતો પુરુષાર્થ પ્રચંડ જાગૃતિ લાવે છે . મનેં એક વિધિકારકે કહ્યું હતું કે : ‘ સાહેબ , દેવદ્રવ્યની આવક બધા ગુરુભગવંત કરાવે . સાધારણ દ્રવ્યની આવક બહુ ઓછા ગુરુભગવંત કરાવી શકે . શ્રી વિમલહંસ વિજયજી મ . ની માસ્ટરી છે સાધારણની આવકમાં . ‘ તમે તુલના કરજો . ક્યાં પહેલાંનું અંતરીક્ષતીર્થનું સંકુલ ? અને ક્યાં અત્યારનું નવનિર્મિત સંકુલ ? અલબત્ત , પ્રાચીન પરમાત્મા પર જ તીર્થ અવલંબે છે . પરંતુ યાત્રાળુઓ આવે , આવતા રહે , આવતા જ રહે એ માટેનો માહોલ રચવાનો હતો . એ માહોલ રચવામાં પોતાની મર્યાદાને ધક્કો ના લાગે તે પણ જોવાનું હતું . આ બેય મહાત્માઓએ તીર્થ માટે જે કર્યું તેની યશોગાથા ઘણી લાંબી થાય . તીર્થ માટે જે કર્યું તે એમનેમ નથી થયું . કશુંક કરવા માટે કશુંક છોડવું પડે છે . તીર્થ માટે એમણે જેનો ત્યાગ કર્યો તે સમજવાનું છે . વર્ષોથી એક જ જગ્યાએ ચોમાસું કરવામાં કંટાળો આવે , સાધુ તો ચલતા ભલા એટલે જ તો લખાયું છે . પણ એ કંટાળાનો ત્યાગ કર્યો . ઘરની રસોઈ અને તીર્થના રસોડાની રસોઈમાં ફરક હોય છે . રસોડાની રસોઈ રોજરોજ લેવાની અને છતાં ઘરની રસોઈ યાદ નહીં કરવાની . સંઘમાં રહે તો શ્રાવકશ્રાવિકાઓ સેવામાં ઉપસ્થિત હોય . તીર્થમાં મોટે ભાગે નોકરભરોસે નૈયા . સંઘમાં રહેવાનું સ્થાન સારું હોય . તીર્થમાં વ્યવસ્થાની અનુકૂળતા અને અનુકૂળતાની વ્યવસ્થા પર આપણો કોઈ અંકુશ ના હોય . તીર્થમાં માણસ ન હોય તો કોઈ ન હોય અને હોય તો સીધા છસ્સો કે હજાર માણસની લાઈન લાગી હોય . કોઈ ના હોય એનો સન્નાટો પણ વાગે . અને મોટી સંખ્યામાં યાત્રાળુ આવે એનો ધસારો પણ કોઈક રીતે અસુવિધાજનક જ રહે .
સાધુ દરેક પરિસ્થિતિમાં એક સમાન માનસિકતા , પ્રસન્નતા રાખે છે , એ જ સાધુનો ધર્મ છે . એ વાત સાચી . એક જ સ્થાનમાં લાંબો સમય રહેવા મળે તે પછી જ ખબર પડે કે એકસમાન માનસિકતા , પ્રસન્નતા બનાવી રાખવાનું કેટલું અઘરું છે . આશા હતી કે શ્વેતાંમ્બર પરંપરાની તરફેણમાં જ સુપ્રીમ કોર્ટ ફેંસલો સુણાવશે પરંતુ એ ફેંસલો ક્યારે સુણાવશે , ખબર પડતી ન હોતી . તારીખ પર તારીખ પડતી જતી હતી . એમની પ્રતિબદ્ધતા આ તીર્થ પ્રત્યે એટલી બધી મજબૂત હતી કે એકવાર તેઓ આકોલા – સંભવનાથજી સંઘમાં એમનું ચોમાસું નક્કી થઈ ચૂક્યું હતું તે કેન્સલ કરીને તેઓ ચોમાસા પૂર્વે અંતરીક્ષજી પાછા આવી ગયા હતા . કારણ કે એ ચોમાસામાં જ સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી જશે એવી એ વખતે સંભાવના બની હતી . પોતાનું મોટું ચોમાસું છોડી દે એવો વિરલો તમે જોયો નહીં હોય જિંદગીમાં . જે સંઘમાં ચોમાસું હતું એ સંઘ નારાજ થઈ શકતો હતો કેમ કે છેલ્લી ઘડીએ ચોમાસું અંતરીક્ષમાં કરવાનો નિર્ણય લેવાયો એટલે એ સંઘ બીજા ગુરુભગવંતને લાવી શકે કે કેમ એ પ્રશ્ન હતો . પ્રસિદ્ધિ પામવાનો અવસર છોડી દેવો અને એક જગ્યાએ અપયશ થાય એવો નિર્ણય લેવો એ કાચાપોચાનું કામ નથી .
સન્ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને અંતરીક્ષ પ્રભુના દરવાજા ખૂલશે એવા સમાચાર સકલ સંઘને આપવાના હતા તે વખતે શ્રી પરમહંસ વિજયજી મ . એ જે ટૂંકું વક્તવ્ય આપ્યું તેમાં એમણે પોતાનો યશ ગાવાનો નાનોસરખો પણ પ્રયાસ કર્યો નહોતો . તીર્થ સાથે જે જે લોકો સંકળાયેલા છે તે સૌની મહેનતને એમણે યશ આપી દીધો . મારે મહેનત કરવાની છે પરંતુ સફળતાનો યશ મારે લેવાનો નથી આવી સભાનતા ક્યારે આવે ? લોકસંજ્ઞા પર પ્રચંડ જીત મેળવી હોય ત્યારે . મને એમની આ સભાનતા બહુ ગમી . ઇન્દ્રિયસંયમની જેમ કષાયસંયમનો પણ મહિમા ઘણો મોટો છે .
नमो लोए सव्वसाहूणं
વર્તમાન સમયના શ્રેષ્ઠ સંયમીઓ વિશે વિચારું છું ત્યારે અલગ અલગ બે પંક્તિઓ યાદ આવે છે .
એક , नमो लोए सव्व साहूणं - બધા સાધુ ઉત્તમ છે . ઉત્તમ સાધુ બધે જ છે . અમુક સાધુ ઉત્તમ છે અને અમુક સાધુ ઉત્તમ નથી આવો વ્યવહાર – લેખની ભૂમિકાએ હું ના કરી શકું .
બે , जावंत के वि साहू – જે પણ સાધુ છે તે ઉત્તમ તત્ત્વથી અલંકૃત છે . આ પંક્તિ દેરાસરમાં ભગવાન્ સામે પણ બોલી શકાય છે . તેનું કારણ જ્યાં જ્યાં સાધુતા છે ત્યાં ત્યાં આજ્ઞાનુસારિતા અને ઉત્તમતા છે – એવી સ્પષ્ટતા .
અમુક મહાત્માનું સંયમ સારું છે એમ કહેવા દ્વારા અનુમોદના જરૂર થાય છે . એ અનુમોદના સારી પણ છે . બને છે એવું કે ભાષારચનાના નિયમ અનુસાર એ વાક્યનો અર્થ એવો નીકળે છે કે અમુક મહાત્માનું સંયમ સારું છે અર્થાત્ અમુક મહાત્મા એવા પણ છે જેમનું સંયમ સારું નથી . આવો કોઈ ભાવ મનમાં બનાવી શકાય નહીં . આવી કોઈ રજૂઆત કરવાની ભૂમિકા આપણી પાસે હોઈ શકે નહીં . कूरगडू મુનિને કેવળજ્ઞાન મળી ગયું અને એમની માટે તિરસ્કાર વ્યક્ત કરનારા ત્રણ તપસ્વી મહાત્માઓ કેવળજ્ઞાનથી વંચિત રહ્યા . જ્યાં મહાત્મા સ્થૂલભદ્રજી ના હાર્યા , ત્યાં સિંહગુફાવાસી મહાત્મા હારી ગયા . શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં ચારિત્રપદનાં પૂજન વખતે જે મંત્ર બોલાય છે તેનો રોજ જાપ કરવો જોઈએ . तत्त्वपरिणतिरूपाय श्री सम्यक् चारित्राय नम: | જેમની પરિણતિ નિર્મળ છે , નિર્દોષ છે , નિર્ભેળ છે તેમનામાં ચારિત્ર છે .
મોટી તપસ્યા નહીં કરી શકનારા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા , પોતાની આ કમજોરીને યાદ કરી કરીને જાહેરમાં આત્મનિંદા કરતાં કરતાં રડી પડતા હતા . એ હતી तत्त्वपरिणति . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા મુંબઈમાં આધુનિકતાવાદીઓ અને સુધારકોની સામે પ્રખર પ્રવચનો ફરમાવી રહ્યા હતા અને હજારો શ્રોતાઓ ભાવવિભોર થઈ એ પ્રવચનો સાંભળી રહ્યા હતા પ્રતિદિન . તે વખતે એક સભામાં એક વિરોધીએ એમને જાહેરમાં પૂછ્યું : આ તમે મુહપત્તિના ઉપયોગ વગર બોલો છો તે ચાલે ? આ સવાલના જવાબમાં પોતાનો બચાવ કર્યા વગર સૂરિ ભગવંતે કહી દીધેલું કે ‘ આ અમારી ભૂલ ‘ . પોતાની ભૂલનો બચાવ ના કરવો એ तत्त्वपरिणति જ છે .
( ૪ ) પૂજ્ય મુનિરાજ શ્રી આત્મરતિવિજયજી મ.
જેમનું ચારિત્ર પાલન કડક છે અને પોતાના એ કડક ચારિત્ર પાલનની પ્રશંસા જેઓ સ્વયં કરે છે અને એવી પ્રશંસા અન્ય પાસે કરાવડાવે છે તેમની માટે પૂરેપૂરો આદરભાવ બનેલો રહે છે પણ એ દૃશ્ય સમજાતું નથી . જેઓ પોતાના કડક ચારિત્રપાલન બાબતે ક્યારેય બાંધછોડ કરતા નથી અને સાથોસાથ પોતાના કડક ચારિત્રપાલનનો રેફરન્સ વાપરીને જે , ન તો પોતાની પ્રશંસા કરે છે , ન તો અન્યની નિંદા / સમીક્ષા કરે છે એવા મહાત્માઓની શ્રેણિમાં એક નામ છે પૂ . આત્મરતિવિજયજી મ.નું . દીક્ષા લીધી ત્યારથી = ચાલીસ વરસથી તેઓ વરસીતપ કરી રહ્યા છે . તેમણે છેલ્લા ચાલીસ વરસોમાંથી વીસ વરસો કેવળ ઉપવાસ કરવામાં વિતાવી દીધા છે . બાકીના વીસ વરસોમાં તેમણે કેવળ એકાસણાં જ કર્યા છે . એકાસણાને બદલે આંબેલ કે ઉપવાસ કર્યા હશે . પણ એકાસણાથી ઓછું તપ કર્યું નથી . પારણાના દિવસે ગોચરી એ જ ઘરોમાંથી લેવાની જ્યાં એમના આ વરસીતપની જાણકારી ના હોય . સમજો કે એવા ઘેરથી ગોચરી લેવાની આવે જ્યાં એમના વરસીતપની જાણ હોય તો તેઓ સાદું સહજ દ્રવ્ય લઈને નીકળી જાય . આ તપસ્યામાં વિહાર પણ કર્યા . વડીલોની સેવા પણ કરી . સમુદાયની માંડલીના કામ પણ કર્યા . જવાબદારીઓ સંભાળી . કપડાં મેલા જ હોય એમના . સામાન એમનો કેટલો ? પોતાનાથી ઊંચકી શકાય એટલો . ગૃહસ્થો સાથેના વાર્તાલાપ , ગૃહસ્થોને આપવાની પ્રેરણા સંબંધે એમના કડક નિયમો છે . તપની વાતમાં ઉમેરવાનું છે કે ચાલીસ વરસીતપ કર્યા અને આ વરસોમાં જ એકવાર ૩૧ ઉપવાસ કર્યા , બે વાર ૧૬ ઉપવાસ કર્યા . લાંબા ઉપવાસનાં પારણે એકાસણું જ . દર વરસે બે વાર નવપદની ઓળી. ઓળીમાં ઉપવાસનાં પારણે આંબેલ . દર મહિને એક અઠ્ઠમ . એક વાર સળંગ પંદર મહિના સુધી ઉપવાસનાં પારણે આંબેલ અને આંબેલ ઉપર ઉપવાસ આ રીતે વરસીતપ ચાલ્યો . વરસો સુધી જૈનેતરોનાં ઘરના છાસરોટલા વાપર્યા . એમનો ત્યાગ ઊંચો છે , વંદનીય છે , અનુમોદનીય છે . અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હું તપસ્વી છું કે ત્યાગી છું કે ઊંચું ચારિત્રપાલન કરું છું આવું પ્રદર્શન કરવાનો અભરખો એમનામાં જોવા મળતો નથી . મારું આચારબળ ઉત્તમ છે એવું બતાવીને અન્ય કોઈનું આચારબળ ઢીલું છે એવી સમીક્ષા કરવાનો ભાવ એમનામાં જોવા મળતો નથી . જેમ જ્ઞાનનું ઘમંડ તે તે વ્યક્તિનાં જ્ઞાનની ગરિમાને ઘટાડે છે તેમ તપત્યાગનું ઘમંડ તે તે વ્યક્તિનાં તપત્યાગની ગરિમાને જ ઘટાડે છે . આ વ્યક્તિગત સમજણની વાત છે . જ્ઞાન અથવા તપત્યાગની ગરિમા સદા સર્વદા એકસરખી હોય છે . વ્યક્તિનું વલણ પ્રશ્નો સર્જે છે .
વર્તમાન સમયના સંયમી મહાત્માઓ સૌ વંદનીય છે . પૂજનીય છે , આદરણીય છે , અભિવાદનીય છે , મોહનીય કર્મના ઉત્કૃષ્ટ ક્ષયોપશમ વિના , વીર્યાંતરાયને કમજોર પાડ્યા વિના ઉચ્ચ દરજ્જાનું ચારિત્ર પાળી શકાતું નથી . શરીર પાસેથી જેટલું કામ કઢાવી શકાય , કઢાવી જ લે છે સંયમીઓ . જેના વગર ચાલે છે તેનો ત્યાગ કરી જ લે છે સંયમીઓ . જે સહન કરવાનું અઘરું છે તેને સહન કરી જ લે છે સંયમીઓ . સંયમીઓ પાસે પ્રચંડ મનોબળ છે , ઉદ્દંડ સહનશીલતા છે , પ્રકાંડ ત્યાગશક્તિ છે . આવતા ભવે મોક્ષમાં જવાની સંભાવના આ સંયમી મહાત્માઓમાં સૌથી વધારે હોય છે . એ સંભાવનાને અનંત અનંત વંદના .
અને સાથોસાથ એ મહાત્માઓ પણ છે જેમણે શાસનનું મોટું કામ પાર પાડવા માટે જીવનની ભૂમિકાએ કોઈ મોટો ત્યાગ , કોઈક ભવ્ય પરિત્યાગ કરી દીધો છે . એ મહાત્માઓ પણ છે જેમને પોતાના સંયમજીવનની કમીઓ કઠે છે , જેમને પોતાની કમજોરીઓનો સતત પસ્તાવો થાય છે અને પોતાનાથી ઊંચું ચારિત્રપાલન કરનારા મહાત્માઓ માટે જેમને ખૂબ મોટો આદર છે .
મનની સામે કષાય કરવાનું આલંબન આવે છે તે પછી મન થકી કષાયોનું સર્જન થાય છે , એ કષાય પછી જીવન પર ફેલાય છે . આ સિલસિલો જેમણે તોડી પાડ્યો છે તે સંયમી છે . જેમણે કષાયનાં આલંબનોને નિષ્ફળ બનાવી દીધા છે તે સંયમી છે . કષાયનું કારણ ન હોય ત્યારે પણ જે કષાયમુક્ત રહે છે અને કષાયનું કારણ ઉપસ્થિત થાય ત્યારે પણ જે કષાયમુક્ત રહેવાનું જાણે છે તે સંયમી છે . એવા સૌ સંયમીઓને વંદના .
૧ . સવારે નદીકિનારે જાપ
વૈશાખ સુદ દશમનો દિવસ યાદગાર રહ્યો હતો . ઘણા સાધુ ભગવંતો હતા . ઘણા ઘણા સાધ્વીજી ભગવંતો હતા . જીવનમાં પહેલીવાર સૌ પ્રભુવીરની કૈવલ્યભૂમિ પર , પ્રભુવીરના કૈવલ્યદિવસે ઉપસ્થિત હતા . વહેલી સવારે ૫.૩૦ વાગે સૌ ઋજુવાલિકાના તટ પર બેઠા હતા . નદીને પેલે પાર દૂર શિખ૨જી સન્મુખ જોતાં જોતાં ૨પ૮૦ વરસ પૂર્વેના સમયની યાદમાં સરી પડ્યા હતા . પ્રભુ પધારેલા . નદીના ઉત્તરી કિનારે તપ અને ધ્યાન સાધ્યું . એ ધ્યાન કેવું હશે ? એ ધ્યાન મુદ્રા કેવી હશે ? એ ધ્યાનનો ધારક કેવો હશે ? જિજ્ઞાસાઓ જાગતી જ રહી , જાગતી જ રહી .
આતમરામને નડી રહેલી ચાર સમસ્યાઓનો સતત અફસોસ અનુભવ્યો . પહેલી સમસ્યા જ્ઞાનાવરણમાંથી આવી છે . ધાર્મિક જ્ઞાન ઓછું છે . આત્મજ્ઞાનનું ઠેકાણું નથી . જે અભ્યાસ કર્યો છે એનાથી અનેકગણો અભ્યાસ બાકી છે. . વિધિઅવિધિની પૂરી સમજણ નથી કેળવાઈ . ભણવાનું થાય છે ઓછું અને ભણેલું ભૂલાય છે વધુ . કેટલાબધા ગ્રંથો વાંચવાના બાકી છે ? કેટલાબધા પદાર્થોને સમજવાના બાકી રહ્યા છે ? કેટકેટલી ક્રિયાઓથી વંચિત રહ્યા છીએ ? અમુક તત્ત્વજ્ઞાન અઘરું અઘરું લાગે છે . નવું શીખવાનો કંટાળો આવે છે . જૂનું શીખેલું છે એનું પુનરાવર્તન કરવામાં આળસ બને છે . પ્રભુએ ઋજુવાહિની ઋજુવાલિકાના તીરે વૈશાખ સુદ દશમના દિવસે જ્ઞાનાવરણનો પૂર્ણ નાશ કર્યો હતો . પ્રભુનાં ગોદોહિકા આસનને યાદ કરીકરીને પ્રાર્થના કરી હતી કે મારું જ્ઞાનાવરણ કર્મ કમજોર પડે એવી કૃપા કરજો . પ્રભુને કેવલજ્ઞાન થયું એ ક્ષણ કેવી હશે એની કલ્પના મનમાં ચાલતી રહી હતી .
આતમરામને નડી રહેલી બીજી સમસ્યા દર્શનાવરણમાંથી આવી છે . આંખો થોડું વાંચે છે અને થાકે છે , એ થાક ગમતો નથી . આંખો પ્રભુને જોતાં જોતાં પલક ઝપકાવે છે એ નથી ગમતું . એમ થાય છે આંખો અપલક કેમ નથી રહેતી ? બપોરે અને રાત્રે ઊંઘ ચડે છે . નાકના નસકોરા ગાજતા રહે એવી રીતે નિદ્રા માણવામાં કેટલો બધો સમય જાય છે ? એ ઊંઘવાના સમયમાં ન તો સ્વાધ્યાય થાય છે , ન તો સાધના થાય છે . ચોવીસ કલાકમાં ઊંઘ જ ના આવે તો કામ કરવાનો અનુપાત કેટલોબધો વધી જાય ? આ વિચાર ઘણો મોટો છે . જોકે , આ વિચાર સાકાર થવાનો નથી , એનું દુઃખ મનમાં રહે છે . ક્યારેક તો બેઠા બેઠા ઝોકાં આવે છે અને બગાસાં ચડે છે . દર્શનાવરણને લીધે આ પ્રમાદભાવ આવે છે. પ્રભુની અખંડ કાર્યોત્સર્ગ સાધનાને યાદ કરતાં કરતાં પ્રભુને પ્રાર્થના કરી હતી કે મારા નિદ્રાસંબંધી પ્રમાદભાવનો નાશ થાય એવા આશિષ વરસાવજો .
આતમરામને નડી રહેલી ત્રીજી સમસ્યા મોહનીયમાંથી આવી છે . ગુસ્સો આવે છે . ઘમંડ ચડે છે . જૂઠ અને દંભનું ચડી વાગે છે . લોભલાલચ ખતમ જ નથી થતાં . આ છે ચાર કષાયો . ઠઠ્ઠા મશ્કરી અને હંસીમજાક કરવાની ધૂનમાં બીજાનાં દિલ તૂટી જાય છે તેનો ઉપયોગ રહેતો નથી . સુખ મળે એનો રાજીપો ઘણો થાય છે અને દુ:ખ આવે તેમાં પીડાની સંવેદના તીવ્ર બને છે . ડર લાગે છે . હતાશાઓ અનુભવમાં આવે છે . સૂગ ચડે છે . કામવાસના અંદર ઉકળ્યા જ કરે છે . આ છે નવ નોકષાય . અહીં પ્રભુએ ક્ષપકશ્રેણિ દ્વારા મોહનીયનો નાશ કર્યો એટલે કે ચાર કષાય અને નવ નોકષાયનો નાશ કર્યો અને બારમું ગુણઠાણું મેળવ્યું . શાંત ધારાએ વહેતી નદીનાં નીરને નિરખતાં નિરખતાં પ્રભુની વીતમોહ અવસ્થાનું સ્મરણ કર્યું હતું અને પ્રભુ સમક્ષ અકષાય અવસ્થાનો આનંદ માંગ્યો હતો . મોહનીય કર્મમાંથી પ્રગટનારી એક એક નબળાઈઓનો નાશ માંગ્યો હતો , પ્રભુ પાસે .
આતમરામને નડી રહેલી ચોથી સમસ્યા અંતરાય કર્મમાંથી આવી છે . આપવું જોઈએ એ આપી શકાતું નથી. મળવું જોઈએ મળતું નથી. માણવું છે એ માણવા મળતું નથી. કરવું જોઈએ એ કરી શકાતું નથી. જોશ હોવું જોઈએ એની જગ્યાએ ઢીલાશ રહે છે . સ્ફૂર્તિ હોવી જોઈએ એની બદલે કમજોરી વર્તાય છે . કામ કરવું જોઈએ એના બદલે કામ ન કરવાના બહાનાઓ જ ચાલતા હોય છે . પ્રભુએ સાડાબાર વરસ સુધી ઘોર તપસ્યાનો મહાપુરુષાર્થ કર્યો એનાથી બધાય અંતરાયનો નાશ થઈ ગયો હતો . નદીની રેતીમાં અને શિલાઓમાં પ્રભુનો સ્પર્શ વસેલો છે એને ગદ્ગદભાવે યાદ કરતાં કરતાં પ્રભુને પ્રાર્થના કરી હતી કે મારા સૌ અંતરાયો તૂટે અને મારો ધર્મ પુરુષાર્થ ઉત્કૃષ્ટ બને એવી કૃપા કરજો .
નદીની પ્રશંસા સ્તવના કરાય ? આ પ્રશ્ન પર ચર્ચા કરી હતી . શત્રુંજયમાહાત્મ્ય ગ્રંથમાં શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું છે કે ઇન્દ્ર મહારાજાએ ભરત ચક્રવર્તી સમક્ષ શત્રુંજય નદીનું મહિમાગાન વિસ્તારથી કર્યું હતું . મહામહોપાધ્યાય શ્રીમેઘવિજયજી મહારાજાએ દિગ્વિજયમહાકાવ્યમાં ગંગા અને યમુના નદીની સ્તવનાનાં અષ્ટકો લખ્યાં છે . નદીની સાથે પ્રભુનું જે કથાનક જોડાયું છે એનું સ્મરણ કરવામાં લાભ જ લાભ છે . એકલી નદીને સુંદર નદી તરીકે જોવામાં આવે ત્યારે અનર્થદંડ લાગે . એ જ નદીને પ્રભુ સાથે જોડાયેલા પ્રસંગોની સાક્ષિનદી તરીકે જોવામાં આવે ત્યારે એ નદી પ્રભુનું સ્મરણ કરાવી આપે છે . પ્રભુનાં સ્મરણથી વધુ સુંદર આ વિશ્વમાં બીજું શું હોય ? આવી સંવેદના પૂર્વક ઋજુવાલિકા નદીનું અષ્ટક ગાયું હતું :
૨ . ૠજુવાલિકા સ્તવના
૩ . ગોદોહિકા આસને જાપ
પ્રભુ પધાર્યા ત્યારે પ્રભુએ પૂર્વ દિશા તરફ જ મુખ રાખ્યું હતું એ યાદ હતું . નદીથી પૂર્વદિશામાં જ કેવળજ્ઞાન કલ્યાણકનું જિનાલય દેખાય છે . પૂરવ સન્મુખ થઈ પ્રભુનાં જિનાલયને ત્રણ ખમાસમણાં આપી લઘુ ચૈત્યવંદન કર્યું હતું . સમય હોત તો મોટું ચૈત્યવંદન કરત પણ નદીની સ્તવનામાં ઘણો સમય વીતી ગયો હતો . બરોબર યાદ હતું કે નદીની પૂજા હોતી નથી . નદીને વંદના કરવાની હોતી નથી . પૂજા અને વંદના માટે તો જિનાલય અને જિનમૂર્તિ જ હોય .
નદીકિનારે જાપ કર્યો હતો . દીવાળીમાં આપણે બે જાપ કરીએ છીએ . એક , સર્વજ્ઞ અવસ્થાનો જાપ . બીજો , મોક્ષ કલ્યાણકનો જાપ . આ રીતે વૈશાખ સુદ દશમના દિવસે બે જાપ કરી શકાય . એક , દીક્ષા કલ્યાણકના મંત્ર સાથે દીક્ષિત અવસ્થાનો જાપ : ॐ ह्रीं श्रीं महावीर स्वामी नाथाय नमः ….. બે , કેવળજ્ઞાન કલ્યાણકનો જાપ : ॐ ह्रीं श्रीं महावीर स्वामी सर्वज्ञाय नमः ….. . બંને જાપ ભાવપૂર્વક કર્યા હતા . નદી કિનારે સૌ પૂર્વસન્મુખ બેઠા હતા. કોઈએ એક માળા ગણી . કોઈએ પાંચ માળા ગણી . કોઈએ વીશ માળા ગણી . ગોદોહિકા આસનમાં લાંબો સમય બેસવાનું અઘરું પડે છે . જેટલો જાપ ગોદોહિકામાં થયો તેટલો ગોદોહિકામાં કર્યો. બાકીનો જાપ સુખાસને કર્યો .
પ્રભુ જેટલો વખત ઋજુવાલિકાતીરે રહ્યા એ દરમિયાન પ્રભુએ ગોદોહિકામુદ્રામાં જ સ્થિરતા ધરેલી . આસન પાથરીને બેસવાનું કે સંથારો પાથરીને સૂવાનું કે પાટ પર ગોઠવાઈ જવાનું કે પ્લાસ્ટિકના સિંહાસને બિરાજમાન થવાનું કોઈ કામ ભગવાને કર્યું નહોતું . એ આરામનાં કામ આપણે કરીએ છીએ . પ્રભુએ તો ગોદોહિકામાં જ આખો દિવસ વીતાવેલો . સવારનો તડકો આંખો પર આવ્યો ત્યારેય ગોદોહિકા . સૂરજ ઉપર ચડ્યો અને તડકો તીખો થયો ત્યારેય ગોદોહિકા . મધ્ય આકાશમાં સૂરજ આવ્યો ત્યારે તડકો શાલિવૃક્ષે ઝીલી લીધો હતો અને પ્રભુ પર શાલિવૃક્ષનો પડછાયો પથરાયો હતો . એ વખતેય ગોદોહિકા આસન અભંગ હતું. બપોર ઢળી ત્યારે પીઠ પર અને પગના પંજા પર તડકો રેલાયો તે સમયે પણ ગોદોહિકા આસન અવિચલ હતું . જે ક્ષણે કેવળજ્ઞાન થયું એ ક્ષણે પણ ગોદોહિકા આસન અભંગ હતું . કેવો મહિમા આ ગોદોહિકાનો ? નદીકિનારે જે અલ્પકાલીન ગોદોહિકા અમે કર્યું એમાં પ્રભુની ગોદોહિકાનું ભાવુક સ્મરણ સાથે જ રહ્યું .
૪. કેવળજ્ઞાન કલ્યાણક મંદિરમાં ધ્વજારોહણ
પ્રભુને કેવળજ્ઞાન થાય છે. સમવસરણ રચાય છે . સમવસરણની બહાર ગગનચુંબી ઈન્દ્રધ્વજ ઊભો હોય છે . તેને યાદ કરી શકાય તેવો લાભ વૈશાખ સુદ દશમે મળ્યો હતો . કેવળજ્ઞાન કલ્યાણકમંદિરની વાર્ષિક ધ્વજાનો લાભ . ओम् पुण्याहं पुण्याहंના ઉદ્ઘોષપૂર્વક લાલધવલ ધ્વજા આસમાનમાં લહેરાઈ હતી . કેવળજ્ઞાન કલ્યાણકમંદિરમાં ગર્ભગૃહની દેરી છે એની ઉપર ધ્વજા ચડે છે અને જિનાલયનાં શિખરે પણ ધ્વજા ચડે છે . આઈ સુંદર નાર . કર કર સિગાર . ઠાડી ચૈત્ય દ્વાર . મન મોદ ધાર . પ્રભુ ગુણ વિચાર . અઘ સબ ક્ષય કીનો . શ્રી આત્મારામજી મહારાજ કહે છે કે ભગવાનના ગુણનો વિચાર મનમાં ચાલે છે . મસ્તક પર ધજા ઊંચકી છે એનો આનંદ હૈયામાં છલકાઈ રહ્યો છે . ધજાના સન્માનમાં ઉત્તમ શણગાર સજ્યાં છે . પ્રભુના દરવાજે ઉભા ઉભા વિચાર બને છે કે પ્રભુના શિખરે ધ્વજા લહેરાશે , કેવો ઉત્તમ લાભ મળશે . આ ભાવધારા ઉત્કટ બને છે અને અગણિત પાપોનો ક્ષય થવા લાગે છે . વિધિ ધ્વજાની છે . સંવેદના પ્રભુગુણચિંતનની છે . લક્ષ્ય કર્મનિર્જરાનું છે . નીચેથી ઉપર સરકતી ધ્વજા આત્માનાં ઊર્ધ્વ આરોહણની પ્રેરણા આપે છે . ધ્વજદંડને સ્પર્શીને અટકતી ધ્વજા હવાના ધક્કે લહેરાય છે . એમ લાગે કે જાણે વીતરાગદશાએ બિરાજીત થઈને જીવ અનંત સુખોમાં મહાલે છે .
૫ . નંદપ્રભા જિનાલયમાં કેવલજ્ઞાન કલ્યાણકની પૂજા
+ ચોવીસ તીર્થંકર ભગવંતોનું કેવળજ્ઞાન કલ્યાણક એક જ તીર્થમાં સંપન્ન થયું છે ? ના . દરેક પ્રભુની કૈવલ્યભૂમિ અલગ છે . શ્રી આદિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી પુરિમતાલ તીર્થ . શ્રી અજિતનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી અયોધ્યા તીર્થ . શ્રી સંભવનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી શ્રાવસ્તી તીર્થ . શ્રી અભિનંદન પ્રભુની અને શ્રી સુમતિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી અયોધ્યા તીર્થ . શ્રી પદ્મપ્રભ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી કૌશંબી તીર્થ . શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ભદૈની તીર્થ – બનારસ . શ્રી ચંદ્રપ્રભ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ચંદ્રપુરી તીર્થ – બનારસ . શ્રી સુવિધિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી કાકંદી તીર્થ . શ્રી શીતલનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ભદ્દિલપુર તીર્થ . શ્રી શ્રેયાંસનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી સિંહપુરી તીર્થ – બનારસ . શ્રી વાસુપૂજ્ય પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ચંપાપુરી તીર્થ . શ્રી વિમલનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી કંપિલપુર તીર્થ . શ્રી અનંતનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી અયોધ્યા તીર્થ . શ્રી ધર્મનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી રત્નપુરી તીર્થ . શ્રી શાંતિનાથ પ્રભુ , શ્રી કુંથુનાથ પ્રભુ અને શ્રી અરનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી હસ્તિનાપુર તીર્થ . શ્રી મલ્લિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી મિથિલા તીર્થ . શ્રી મુનિસુવ્રત પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી રાજગૃહી તીર્થ . શ્રી નમિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી મિથિલા તીર્થ . શ્રી નેમિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ગિરનાર તીર્થ . શ્રી પાર્શ્વનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી વારાણસી તીર્થ . શ્રી મહાવીર પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ઋજુવાલિકા તીર્થ . કેવલજ્ઞાન કલ્યાણકની પૂજામાં ચોવીસ પ્રભુની કૈવલ્યભૂમિઓનું સ્મરણ કરીને પ્રથમ જલપૂજા થઈ હતી .
+ ચોવીસ તીર્થંકર ભગવંતોનું કેવળજ્ઞાન કલ્યાણક તપ એક સમાન છે ? ના . દરેક પ્રભુનું કૈવલ્ય તપ અલગ છે . શ્રી આદિનાથ પ્રભુ , શ્રી મલ્લિનાથ પ્રભુ , શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ – અઠ્ઠમ તપ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા . શ્રી વાસુપૂજ્ય પ્રભુ એક ઉપવાસ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા . બાકીના ઓગણીસ પ્રભુ છઠ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા . આ મુજબ તપ તરંગિણી અનુસાર ચોવીસ તીર્થંકર ભગવંતોનું કેવળજ્ઞાન કલ્યાણક તપ યાદ કરીને ચંદન કેસર પૂજા થઈ હતી .
+ દરેક પ્રભુ વૃક્ષની નીચે જ કેવળજ્ઞાન પામે છે . જે વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન થાય એને કૈવલ્ય વૃક્ષ કહેવાય છે . પ્રભુનું સમવસરણ રચાય એમાં અશોકવૃક્ષની ઉપર આ કૈવલ્યવૃક્ષ જ , ચૈત્યવૃક્ષ તરીકે બિરાજીત હોય છે . શ્રી આદિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : વટ વૃક્ષ . શ્રી અજિતનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : સપ્તચ્છદવૃક્ષ ( સપ્તપર્ણ વૃક્ષ ) . શ્રી સંભવનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : સાલ વૃક્ષ . શ્રી અભિનંદન પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : રાયણ વૃક્ષ . શ્રી સુમતિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પ્રિયંગુ વૃક્ષ . શ્રી પદ્મપ્રભ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : વટ વૃક્ષ . શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : શિરીષ વૃક્ષ . શ્રી ચંંદ્રપ્રભ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પુન્નાગ વૃક્ષ . શ્રી સુવિધિ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : માલુર વૃક્ષ . શ્રી શીતલ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પીપળો વૃક્ષ . શ્રી શ્રેયાંસ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : અશોક વૃક્ષ . શ્રી વાસુપૂજ્ય પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પાટલ વૃક્ષ . શ્રી વિમલનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : જંબૂ વૃક્ષ . શ્રી અનંતનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : અશોક વૃક્ષ . શ્રી ધર્મનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : દધિપર્ણ વૃક્ષ . શ્રી શાંતિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : નંદી વૃક્ષ . શ્રી કુંથુનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : તિલક વૃક્ષ . શ્રી અરનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : આમ્ર વૃક્ષ . શ્રી મલ્લિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : અશોક વૃક્ષ . શ્રી મુનિસુવ્રત પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : ચંપક વૃક્ષ . શ્રી નમિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : બોરસલ્લી વૃક્ષ . શ્રી નેમિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : વેતસ વૃક્ષ . શ્રી પાર્શ્વનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : ધાતકી વૃક્ષ . શ્રી મહાવીર પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : સાલ વૃક્ષ . દરેક પ્રભુનાં કૈવલ્ય વૃક્ષોનું મંગલ સ્મરણ કરીને હજારો ફૂલો દ્વારા પુષ્પ પૂજા થઈ હતી .
+ દરેક તીર્થંકર ભગવાને દીક્ષા લીધા બાદ જ કેવળજ્ઞાન મેળવ્યું છે . દરેક પ્રભુનો પોતપોતાનો છદ્મસ્થ અવસ્થાનો સંયમપર્યાય છે. આ દીક્ષાકાળની સાધના જ પ્રભુને કેવળજ્ઞાન સુધી લઈ ગઈ હતી . શ્રી આદિનાથ ભગવાનનો છદ્મસ્થ અવસ્થાનો સંયમપર્યાય એક હજાર વરસનો હતો . શ્રી અજિતનાથ ભગવાન્ : બાર વરસ . શ્રી સંભવનાથ ભગવાન્ : ચૌદ વરસ . શ્રી અભિનંદન ભગવાન્ : અઢાર વરસ . શ્રી સુમતિનાથ ભગવાન્ : વીશ વરસ . શ્રી પદ્મપ્રભ ભગવાન્ : છ માસ . શ્રી સુપાર્શ્વનાથ ભગવાન્ : નવ માસ . શ્રી ચંંદ્રપ્રભ ભગવાન્ : ત્રણ માસ . શ્રી સુવિધિનાથ ભગવાન્ : ચાર માસ . શ્રી શીતલનાથ ભગવાન્ : ત્રણ વરસ . શ્રી શ્રેયાંસનાથ ભગવાન્ : બે માસ . શ્રી વાસુપૂજ્ય ભગવાન્ : એક માસ . શ્રી વિમલનાથ ભગવાન્ : બે વરસ . શ્રી અનંતનાથ ભગવાન્ : ત્રણ વરસ . શ્રી ધર્મનાથ ભગવાન્ : બે વરસ . શ્રી શાંતિનાથ ભગવાન્ : એક વરસ . શ્રી કુુંથુનાથ ભગવાન્ : સોળ વરસ . શ્રી અરનાથ ભગવાન્ : ત્રણ વરસ . શ્રી મલ્લિનાથ ભગવાન્ : એક દિવસ . શ્રી મુનિસુવ્રત ભગવાન્ : અગિયા૨ માસ . શ્રી નમિનાથ ભગવાન્ : નવ માસ . શ્રી નેમિનાથ ભગવાન્ : ચોપ્પન દિવસ . શ્રી પાર્શ્વનાથ ભગવાન્ : ચોર્યાસી દિવસ . શ્રી મહાવીર ભગવાન્ : સાડા બાર વરસ .દરેક પ્રભુનો છદ્મસ્થ અવસ્થાનો સંયમપર્યાય કેટલો હતો એનું સ્મરણ કરતાં કરતાં મઘમઘતી ધૂપપૂજા થઈ હતી .
+ પ્રભુ ચાર ઘાતી કર્મનો નાશ કરે છે . પ્રભુને ચાર અનંતતા પ્રાપ્ત થાય છે . અનંત જ્ઞાન . અનંત દર્શન . અનંત શાંતિ . અનંત ઉર્જા . આનું સ્મરણ કરવાપૂર્વક ઝગમગતી દીપપૂજા થઈ હતી .
+ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા બાદ સર્વપ્રથમ ધર્મતીર્થની સ્થાપના કરે છે . એ મહાન્ ઘટનાને યાદ કરીને એકાવન સ્વસ્તિક રચવાપૂર્વક અક્ષતપૂજા કરી હતી .
+ જે દિવસે પ્રભુ કેવળજ્ઞાન પામે છે એ દિવસે પ્રભુ પ્રથમ દેશના આપે છે . પ્રથમ દેશના સાંભળીને પ્રભુના હાથે જે સર્વપ્રથમ દીક્ષા પામે છે તેમનું અહોભાગ્ય મોટું ગણાય છે . ચોવીશ તીર્થંકરનાં શાસનમાં પ્રભુના હાથે સર્વપ્રથમ કોણે દીક્ષા લીધી અને કેટલાની સાથે લીધી ? સર્વપ્રથમ દીક્ષા ગણધર લે છે . શ્રી આદિનાથ ભગવાનના હાથે સર્વપ્રથમ દીક્ષા ઋષભસેન આદિ ચોર્યાસી ગણધરોએ લીધી . શ્રી અજિતનાથ ભગવાનના હાથે સિંહસેન આદિ પંચાણું ગણધરો . શ્રી સંભવનાથ ભગવાનના હાથે ચારુ આદિ એકસો બૅ ગણધરો . શ્રી અભિનંદન ભગવાનના હાથે વજ્રનાભ આદિ એકસો સોળ ગણધરો . શ્રી સુમતિનાથ ભગવાનના હાથે ચમર આદિ એકસો બે ગણધરો . શ્રી પદ્મપ્રભ ભગવાનના હાથે સુવ્રત આદિ એકસો સાત ગણધરો . શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના હાથે વિદર્ભ આદિ પંચાણું ગણધરો . શ્રી ચંદ્રપ્રભ ભગવાનના હાથે દત્ત આદિ ત્રાણું ગણધરો . શ્રી સુવિધિનાથ ભગવાનના હાથે વરાહ આદિ અઠ્યાસી ગણધરો . શ્રી શીતલનાથ ભગવાનના હાથે આનંદ આદિ એક્યસી ગણધરો . શ્રી શ્રેયાંસનાથ ભગવાનના હાથે ગોશુભ આદિ છોત્તેર ગણધરો . શ્રી વાસુપૂજ્ય ભગવાનના હાથે સૂક્ષ્મ આદિ છાસઠ ગણધરો . શ્રી વિમલનાથ ભગવાનના હાથે મંદર આદિ સત્તાવન ગણધરો . શ્રી અનંતનાથ ભગવાનના હાથે પશ આદિ પચાસ ગણધરો . શ્રી ધર્મનાથ ભગવાનના હાથે અરિષ્ટ આદિ તેતાલીસ ગણધરો . શ્રી શાંતિનાથ ભગવાનના હાથે ચક્રાયુધ આદિ છત્રીસ ગણધરો . શ્રી કુંથુનાથ ભગવાનના હાથે સ્વયંભૂ આદિ પાંત્રીસ ગણધરો . શ્રી અરનાથ ભગવાનના હાથે કુંભ આદિ તેત્રીસ ગણધરો . શ્રી મલ્લિનાથ ભગવાનના હાથે ભિષક આદિ અઠ્યાવીસ ગણધરો . શ્રી મુનિસુવ્રત ભગવાનના હાથે ઈન્દ્ર આદિ અઢાર ગણધરો . શ્રી નમિનાથ ભગવાનના હાથે કુંભ આદિ સત્તર ગણધરો . શ્રી નેમિનાથ ભગવાનના હાથે વરદત્ત આદિ અગિયાર ગણધરો . શ્રી પાર્શ્વનાથ ભગવાનના હાથે આર્યદત્ત આદિ દસ ગણધરો . શ્રી મહાવીર ભગવાનના હાથે ગૌતમ આદિ અગિયાર ગણધરો .પ્રભુ કેવળજ્ઞાની થયા તે પછી પ્રભુના હાથે સર્વપ્રથમ દીક્ષા પામનારા મહાભાગી આત્માઓને યાદ કરીને વિધવિધ એકાવન મીઠાઇઓ દ્વારા નૈવેદ્ય પૂજા થઈ હતી .
+ કેવળજ્ઞાન પ્રભુને મળે છે તે પછી પ્રભુ ચિરકાળ સુધી ધરાતલ પર વિહરમાન રહે છે . સંપૂર્ણ જીવનકાળ દરમ્યાન પ્રભુના હાથે કેટલા આત્માઓ કેવળજ્ઞાન પામે છે ? આંકડાઓ સ્પષ્ટ મળે છે : શ્રી આદિનાથ ભગવાનના હાથે વીશ હજાર આત્માઓ કેવળજ્ઞાન પામ્યા . શ્રી અજિતનાથ ભગવાનના હાથે બાવીશ હજાર આત્માઓ કેવળજ્ઞાન પામ્યા . શ્રી સંભવનાથ ભગવાનના હાથે પંદર હજાર . શ્રી અભિનંદન ભગવાનના હાથે ચૌદ હજાર . શ્રી સુમતિનાથ ભગવાનના હાથે તેર હજાર . શ્રી પદ્મપ્રભ ભગવાનના હાથે બાર હજાર . શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના હાથે અગિયાર હજાર . શ્રી ચંદ્રપ્રભ ભગવાનના હાથે દશ હજાર . શ્રી સુવિધિનાથ ભગવાનના હાથે સાડા સાત હજાર . શ્રી શીતલનાથ ભગવાનના હાથે સાત હજાર . શ્રી શ્રેયાંસનાથ ભગવાનના હાથે સાડા છ હજાર . શ્રી વાસુપૂજ્ય ભગવાનના હાથે છ હજાર . શ્રી વિમલનાથ ભગવાનના હાથે સાડા પાંચ હજાર . શ્રી અનંતનાથ ભગવાનના હાથે પાંચ હજાર . શ્રી ધર્મનાથ ભગવાનના હાથે સાડા ચાર હજાર . શ્રી શાંતિનાથ ભગવાનના હાથે ચાર હજાર . શ્રી કુંથુનાથ ભગવાનના હાથે ત્રણે હજાર બસ્સો . શ્રી અરનાથ ભગવાનના હાથે બે હજાર આઠસો . શ્રી કુંથુ નાથ ભગવાનના હાથે ત્રણ હજાર બસ્સો . શ્રી અરનાથ ભગવાનના હાથે બે હજાર આઠસો . શ્રી મલ્લિનાથ ભગવાનના હાથે બે હજાર બસ્સો . શ્રી મુનિસુવ્રત ભગવાનના હાથે અઢારસો . શ્રી નમિનાથ ભગવાનના હાથે સોળસો . શ્રી નેમિનાથ ભગવાનના હાથે પંદરસો . શ્રી પાર્શ્વનાથ ભગવાનના હાથે એક હજાર . શ્રી મહાવીર ભગવાનના હાથે સાતસો આત્માઓ કેવળજ્ઞાન પામ્યા . પ્રભુ પાસેથી કેવળજ્ઞાન મેળવનારા બડભાગી આત્માઓને યાદ કરીને એકાવન લીલા નાળિયેર દ્વારા ફળપૂજા થઈ હતી . ફળપૂજાની માંગણી આ હતી : ઓ સાહેબજી , આવતા ભવમાં કેવળજ્ઞાન મને આપજો . ઓ જિનવરજી , સિદ્ધશિલા દરબારે સ્થાન મને આપજો .
૬ . કેવળજ્ઞાન સૂત્રવાંચન
વૈશાખ સુદ દશમે ત્રીજા પ્રહરના અંતે પ્રભુને કેવળજ્ઞાન થયું હતું. ત્રીજા પ્રહરના અંતનો સમય અને ચતુર્થ પ્રહરના પ્રારંભનો સમય ઋજુવાલિકામાં સૌથી વધુ અગત્યનો હોય છે . આ સમય સાથે બારસાસૂત્રની વાંચના રાખવામાં આવી હતી . જીર્ણોદ્ધારકેસરી પૂજ્યપાદ આ.શ્રી મુક્તિ પ્રભસૂરીશ્વરજી મહારાજાએ બારસાસૂત્ર અંતર્ગત શ્રી મહાવીર સ્વામી કેવળજ્ઞાન ઉત્પત્તિ સૂત્રનો મંગલ પાઠ સૌને સંભળાવ્યો હતો . પછી એ પાઠનો ભાવાર્થ હિંદી ભાષામાં સૌને સાંભળવા મળ્યો હતો . પ્રભુને કેવળજ્ઞાન થયું એની જાહેરાત થઈ એ સાથે જ શંખ ફૂંકાયા હતા , દુંદુભિનાદ તરીકે મોટું નગારું વાગ્યું હતું , ઘંટનાદ થયો હતો , થાળીએ સત્યાવીસ ડંકા દેવાયા હતા , વારંવાર જયજયકાર થયા હતા . ભક્તો નાચ્યા હતા . આખો દિવસ યાત્રાળુઓની હલચલ બનેલી રહી હતી .
૭ . શાલિવૃક્ષની છાયા
નંદપ્રભા જિનાલયના રંગમંડપમાં ગોદોહિકા આસનધારી પ્રભુ મહાવીરજી શાલિવૃક્ષતળે બિરાજમાન છે એવી રચના કરવામાં આવી હતી . સાચુકલા શાલિવૃક્ષોનું નાનું એવું જંગલ ઊભું હતું. ઋજુવાલિકાની રેત પાથરીને નાનક્ડી નદી રચવામાં આવી હતી . એમાં ઋજુવાલિકાના જ પથ્થરો પાથર્યા હતા . વૈશાખ સુદ દશમનો આખો દિવસ એ શાલિવૃક્ષની પર્ણઘટા ઝૂલતી રહી હતી . શાલિના એક એક પાંદડાં પર ઓજસ આવી ગયું હતું . ગોદોહિકાબદ્ધ દર્શનીય મૂર્તિ વૃક્ષની નીચે હતી . મુખમુદ્રા પર અપરિસીમ આનંદ હતો . વિશાળ આંખોમાં નિઃસ્પૃહદશાનો નશો હતો . મૃદુ સ્મિતરેખાથી અંકિત હોઠો પર મૌનની મધુરતા હતી . વિશાળ ભાલપ્રદેશ પર વિશ્વવિજેતાનું પરમતેજ હતું . સાડા બાર વરસની તપસાધનાની ખુમારી રોમરોમમાં વિલસતી હોય એ રીતે મૂર્તિ દેદીપ્યમાન લાગતી હતી . પ્રભુ પર છાંયડો પાથરી રહેલા શાલિવૃક્ષવનનો લીલોછમ પર્ણવિસ્તાર હવામાં ઝૂમી રહ્યો હતો . ઋજુવાલિકા નદીના સામા કિનારે ઉભેલા અગણિત વૃક્ષો પણ આ દૃશ્ય નિહાળીને હરખના હિલોળા લેતા રહ્યા હતા . જાણે એ કહી રહ્યા હતા : દર વરસે આ જ રીતે વૈશાખ સુદ દશમ ઉજવજો . ( વિ .સં. ૨૦૮૦ )
જાણવું અને અનુભવ કરવો આ બે વચ્ચે ઘણો તફાવત છે . પુસ્તકનાં પાનાં પર કાળા અક્ષરોથી જે છપાયું છે એની પર આંખ ફેરવવી અને જે દેખાયું એની પર બુદ્ધિ ચલાવવી – આ બધી જાણવાની વાત છે . જાણવું એ ઉપરછલ્લી પ્રક્રિયા છે . અનુભવ કરવો એટલે અંદર ઉતરવું . જેને તરતાં આવડતું નથી એ પાણીમાં અંદર ઉતરવા જાય તો ડૂબી મરે . અંદર ઉતરવું સહેલું નથી . અંદર ઉતરવું એક પ્રક્રિયા છે . આ પ્રક્રિયામાં સૌ કોઈ એકસરખા પારંગત હોય એ જરૂરી નથી . પરંતુ જે અંદર ઉતરે છે એને તળિયાનાં રત્ન મળી આવે છે . જે અંદર ઉતરે છે એ રત્નોને બહાર લાવે છે . આ રત્નો દુર્લભ હોય છે અને એટલે જ એ યોગ્ય જગ્યાએ સચવાય એ જરૂરી હોય છે . બધા જ લોકો પાણીની અંદર ઉતરવાના નથી . પણ બહાર નીકળેલાં રત્નોને જરૂરથી બધા જોઈ શકશે . વચનરતિ આ પુસ્તકમાં જલની ભીતરથી બહાર આવેલાં રત્નોનો સંગ્રહ છે . અંદર ઉતરવાનો આનંદ જેમણે લીધો છે તે ગીતાર્થ છે , જ્ઞાની છે , પ્રબુદ્ધ ચિંતક છે.
પૂર્વના મહાપુરુષો જે ગ્રંથો લખી ગયા તે એમના સમયમાં વર્તમાન સાહિત્ય તરીકે ઓળખાતાં. એ વખતે એમણે પોતાના પૂર્વપુરુષોને નજર સમક્ષ રાખીને રચના કરી હતી. આજે આપણે જે લખીએ છીએ તે જો ત્રણસો ચારસો વરસ ટકી ગયું તો ? તો બે વાત છે . એક , આપણે લખ્યું છે તે નબળું નહીં હોય તો ભવિષ્યમાં એનું સન્માન થશે. બે , આપણે લખ્યું એ જો નબળું હશે તો ભવિષ્યની એ પેઢી એને આદર કે સ્વીકારની નજરે જોશે નહીં .
લેખન કરનારે યાદ રાખવું જોઈએ કે મનેં લખવાની છૂટ મળી છે એટલે હું કાંઇ પણ લખ્યા કરું એવું ના હોય . લખવાનું મન થતું હોય તો ત્રણ સ્પષ્ટતા મનમાં કરી લેવાની . એક , જે વિષય પર વારંવાર , વારંવાર લખાતું જ આવ્યું છે એ વિષયને અડવાની જરૂર નથી . જો એવા વિષય પર લખવું જ છે તો એ વિષયની છણાવટ અથવા રજૂઆત એ રીતે કરવાની કે વાચકને નવી સ્પષ્ટતા , નવી દૃષ્ટિ જરૂર મળે . આપણાં શાસ્ત્રો ચર્વિતચર્વણનું ખાસ સમર્થન કરતા નથી .બે , હું જે લખું તે શાસ્ત્ર અને પરંપરા અનુસાર લખું . આ બરાબર છે . પરંતુ બીજાએ લખેલાં પુસ્તકમાંથી ઉઠાંતરી કરી કરીને લખવાની કોઈ જરૂર નથી . સારાં સારાં પુસ્તકો દરેક ભાષામાં લખાતાં જ આવ્યાં છે. તે તે પુસ્તકોએ જે સફળતા મેળવી છે એવી સફળતા મારાં પુસ્તકને પણ મળે એવી ધારણા રાખીને લખવા ન બેસાય . હું આના જેવું લખીશ કે હું એની જેમ લખીશ એવો વહેમ રાખવાનો નહીં . હું જે લખીશ તે મારી પ્રતિભાનું નીપજેલું હશે આવો અભિગમ રાખવાનો . અન્ય લેખકનો જેટલો આધાર લેવાયો એટલો યશ એ લેખકને આપવાની વૃત્તિ અવશ્ય કેળવવાની .ત્રણ , આજે સમગ્ર માનવજાતિને શાંતિ અને સંતૃપ્તિની ઘણી જરૂર છે . મારું લેખન સમગ્ર માનવજાતિને ભાવનાત્મક ભૂમિકાએ સાચી શાંતિ અને બૌદ્ધિક ભૂમિકાએ સાત્ત્વિક સંતૃપ્તિ આપી શકે એવું હશે આ લક્ષ્ય રાખવાનું . એક પુસ્તકની એક હજાર કોપી છપાતી હોય તો એ પુસ્તકને પાંચ હજાર કે દશ હજાર વાચક વાંચશે જ . સંખ્યા વધારે પણ થાય . મારાં પુસ્તકથી વાચકનાં હૃદયમાં કેવી ભાવના અંકુરિત થશે એની કલ્પના લેખકને હોવી જ જોઈએ . સારી ભાવના સુધી પહોંચાડે એવું લખવાનું . સારી ભાવના ન જગાડી શકે એવું લખવાનો કશો અર્થ નથી .
વિચારરતિ , વિકાસરતિ , વચનરતિ , વિબોધરતિ , વિશોધરતિ , વૈરાગ્યરતિ અને મિચ્છા મિ દુક્કડં – સાત પુસ્તકોના કુલ મળીને બસ્સો લેખોમાંથી પસાર થઇએ ત્યારે એના લેખકનાં મનમાં આ ત્રણેય સ્પષ્ટતાઓ છે એ સમજાય છે . આજનો વાચક એટલાં બધાં પ્રલોભનોથી ઘેરાયેલો છે કે એને નક્કર વાંચનનો સંતોષ નહીં મળે તો એ પુસ્તકને અડધેથી પડતું મૂકી દેશે . આ પુસ્તકો માટે એમ કહી શકાય કે સત્ સાહિત્યના પ્રેમીઓ આ પુસ્તકોને વારંવાર વાંચશે .
તપાગચ્છાધિરાજ મહામહિમ સૂરિસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રભાવશાળી શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.સા.નું વ્યક્તિત્વ અનેક આયામી છે . તેઓ પ્રબુદ્ધ પ્રવચનકાર છે . તેઓ વરિષ્ઠ વાચનાદાતા છે . વર્તમાન સમયમાં નવ્યન્યાયનો ઊંડો બોધ જે જૂજ મહાત્માઓ પાસે છે એમાં એક નામ એમનું આવે છે . પ્રાચીન શાસ્ત્રો વિશે કાંઈ નક્કર કરવું છે એવી ભાવનામાંથી નિર્માણ પામેલ શ્રુત ભવન સંશોધન કેન્દ્રની શાસ્ત્ર સુરક્ષા પ્રવૃત્તિઓના તેઓ કુુશલ માર્ગદર્શક છે . આ સિવાય તેઓ આગવી શૈલીના પદાર્થ ચિંતનકાર છે . આપણને જે વિષય સામાન્ય લાગે એ જ વિષયમાં કેટલું ઊંડાણ છે એ તેઓ રજૂ કરે છે ત્યારે એમ થાય કે આ તો કમાલ થઈ ગઈ .તેઓ વાચકોને રાજી રાખવા માટે નહીં બલ્કે વાચકનું સ્તર ઊંચું કરવા માટે લખે છે . એમના લેખોમાં વિષય આગવો હોય છે અને એની છણાવટ અનેરી હોય છે . અઘરી ભાષા ન વાપરવાની સભાનતા એ હંમેશા રાખે છે . કોઈ એક શાસ્ત્ર કે શાસ્ત્રીય પદાર્થ ઉપર જ એમનું લેખન કેન્દ્રિત હોય છે . વચનરતિમાં તેમના દશ લેખ સંંગૃહીત છે .
કલ્પસૂત્રમાં આંસુનાં સરનામાં કેટલાં છે તે પ્રથમ લેખમાં વાંચવા મળે છે . તો સ્કીલ ઑફ કમ્યુનિકેશન માટે કલ્પસૂત્ર પાંચ મુદ્દા બતાવે છે : સાંભળવું , વિચારવું , પૂછવું , નક્કી કરવું અને સન્માન આપવું . આ મુદ્દાઓનું વિશ્લેષણ દ્વિતીય લેખમાં છે .
ત્રીજો લેખ પ્રમાદ વિશે છે . પ્રમાદનું આવું વિશ્લેષણ છે આજસુધી જોવા મળ્યું નથી . તેઓ લખે છે : હું કોણ છું અને હું શું કરું છું આ બે વાતોનું વિસ્મરણ એ પ્રમાદ છે. હું કોણ છું આનો અર્થ એ થાય કે હું શું શું કરી શકું એમ છું એ મારે વિચારવાનું છે, સતત . હું શું કરું છું એનો અર્થ એ છે કે મારામાં જે જે ક્ષમતા છે એ તેમાંની કેટલી ક્ષમતા વપરાયા વગરની એમને એમ પડી છે એનો વિચાર કરવો . આ વિચારવાનું ભૂલાય છે એટલે જ પ્રમાદ આવે છે. આ પ્રમાદને ચાર રીતે જોઈ શકાય છે. એક – માન્યતાનાં સ્તરનો પ્રમાદ , જે ધર્મના અનાદર રૂપે વ્યક્ત થાય છે . બે – લાગણીનાં સ્તરનો પ્રમાદ , જે રાગ, દ્વેષ અને મતિભ્રંશ રૂપે વ્યક્ત થાય છે . ત્રણ – બુદ્ધિનાં સ્તરનો પ્રમાદ , જે અજ્ઞાન , સંશય અને મિથ્યા જ્ઞાન રૂપે વ્યક્ત થાય છે . ચાર – આશય નાં સ્તરનો પ્રમાદ , જે મન – વચન – કાયાનાં દુષ્પ્રણિધાન રૂપે વ્યક્ત થાય છે.
પ્રમાદ વિશેનું આ વિશ્લેષણ વાંચ્યા બાદ અંતરમાં થોડું પરિવર્તન જરૂર આવે છે .
ચતુર્થ લેખમાં દશવૈકાલિક સૂત્રનાં ગહન ગંભીર પદ સૂત્રોનો આસ્વાદ છે . ચૂર્ણિકારના સંદર્ભ સાથે લખેલી વાત : આત્માને અનુલક્ષીને જે કંઈ પણ કરો તે અધ્યાત્મ છે . આ જ લેખમાં સાધુતાનો આસ્વાદ પામવાનાં ત્રણ સોપાન બતાવ્યાં છે : ચિત્તને સમાધિમાં રાખવું , મનને જિનવચનથી ભાવિત કરવું અને આત્માર્થી બનવું . સાચો સાધુ કોણ એની સુરેખ વ્યાખ્યા આમાંથી મળી રહે છે .
પાંચમો લેખ ઉપમિતિ ભવપ્રપંચાની વાત માંડે છે . ઉપમિતિ પાસેથી કંઈ કંઈ સમસ્યાઓનું સમાધાન મળે છે તે જુઓ : ૧ .લાગણીઓ અને આવેશો કેવી રીતે દોષ કે પાપને જન્મ આપે છે ? ૨. આવેશ કેવી રીતે પેદા થાય છે ?૩ . આવેશની વિચારો ઉપર શું અસર થાય છે ?૪ . આવેગ અને આવેશમાં વ્યક્તિનું વર્તન કેવું બને છે ?૫ . ઈન્દ્રિયો કેવી રીતે વિષય તરફ આકર્ષિત થાય છે ?૬. કેવી રીતે મનમાં નબળી ભાવનાઓ જાગે છે ?
આ સાધના પ્રેમીને નડી રહેલા પ્રશ્નો છે. મારે આ પ્રશ્નોનું સમાધાન શોધવું છે એવી ભાવના બનાવો અને પછી ઉપમિતિ વાંચો . તમને ઉપમિતિ દરેક પ્રશ્નના જવાબ આપી દેશે .
છટ્ઠો લેખ એક અલ્પ પરિચિત કૃતિ વિશે છે : શિક્ષા શત દોધક .
કોઈ પણ ગ્રંથ વિશે બોલવું કે લખવું હોય તો સૌપ્રથમ એના ગ્રંથકાર વિશેની ઐતિહાસિક જાણકારી પ્રસ્તુત કરવી જોઈએ . અહીં માહિતી આ મુજબ મળે છે : અઢારમી સદીમાં થયેલા ઉપાધ્યાય શ્રી હંસરત્નજી ગણિએ તેની રચના કરી છે. પ્રસ્તુત કૃતિના કર્તા , પ્રખ્યાત કવિ શ્રી ઉદયરત્નજીના સગા ભાઈ છે . આ બંને ભાઈઓ મૂળ ખેડાના વતની હતા. સંસારી નામ : હરખચંદ અને ઉત્તમચંદ . જ્ઞાતિએ પોરવાલ . પિતા વર્ધમાન . માતા માનબાઈ . તપાગચ્છની રત્નશાખાના આચાર્ય ભગવંત શ્રી વિજય રાજસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં પં.શ્રી જ્ઞાનરત્ન ગણિવરે હરખચંદને દીક્ષા આપી . હરખચંદ દીક્ષા બાદ શ્રીન્યાયરત્ન ગણિવરના શિષ્ય થયા . નામ : હર્ષરત્ન મુનિવર . દીક્ષા પૂર્વ હરખચંદનું બીજું નામ હેમરાજ પણ મળે છે . દીક્ષા બાદ હર્ષરત્ન મુનિવરનું બીજું નામ હંસરત્ન મુનિવર પણ મળે છે. આગળ જતાં તેઓ ઉપાધ્યાય બન્યા. એમના ભાઈ ઉત્તમચંદને શ્રીસિદ્ધિરત્ન ગણિવરે દીક્ષા આપી . ઉત્તમચંદ બન્યા ઉદયરત્ન મુનિવર . તેઓ પણ આગળ જતાં ઉપાધ્યાય બન્યા . નાના ભાઈ શ્રી ઉદયરત્નજીએ મોટા ભાઈ હંસરત્નજી માટે એક સજ્ઝાય લખી છે. કૃતિના રચનાકાર વિશે આટલી વિગતો પણ ઘણી હતી. પરંતુ આનાથી વધારે વિગતો લેખમાં મળે છે . હવે રચનાની વાત . અજૈન અને જૈન કોઈ પણ સંપ્રદાયની ઉપાસના પદ્ધતિને અનુસરતા સાધકને નજર સામે રાખીને આ રચના લખાઈ છે આ જરૂરી સ્પષ્ટતાથી પ્રારંભ થયો છે . શિક્ષા શતમાં એકસો ચિંતન સૂત્ર મળે છે એમાંના એક સૂત્રનો સાર આ મુજબ છે : આતમાનો અનુભવ પામવો છે ? ચાર બાબતો પર ધ્યાન આપો .૧ . જે પરમ તત્ત્વને જોઈ શકાય એમ નથી એની પર શ્રદ્ધા રાખવી જોઈએ . ૨ . જે પરમ તત્ત્વને જોવાનું બાકી છે એના વિશે તીવ્ર જિજ્ઞાસા રાખવી જોઈએ.૩ . પરમ તત્ત્વને પામવા માટે ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ . ૪ . સતત શાસ્ત્રનાં શ્રવણ – વાંચન સાથે જોડાયેલા રહેવું જોઈએ . ઘણા ખરા વાચકો આ શિક્ષાશતનો અભ્યાસ સૌપ્રથમ વાર કરશે . જે કૃતિને પ્રાયઃ કોઈએ જોઈ નથી એ કૃતિનો આસ્વાદ એ રીતે આપવામાં આવ્યો છે કે સમગ્ર કૃતિનો સારાંશ મળી જાય .
સાતમા લેખમાં અઢાર પાપ સ્થાનક બાલાવબોધનો સારભૂત પરિચય છે . અવબોધકાર છે શ્રી દેવચંદ્રજી મહારાજા . જોવા જેવી વાત છે કે શેઠ ભક્તિદાસના સ્વાધ્યાય માટે આ અવબોધ લખાયો છે . આમાં પાપસ્થાનકની વ્યાખ્યાઓ વિશિષ્ટ છે. + પોતાના જ્ઞાન આદિ ગુણોને હણવા તે ભાવહિંસા છે . + પોતાના સ્વભાવને પોતાનો ન કહેવો અને શરીર , ઘર , પરિવાર વગેરે મારા છે એમ કહેવું એ ભાવ અસત્ય છે . + જીવ સિવાયના પુદ્ગલ વગેરેને ગ્રહણ કરવા તે ભાવથી ચોરી છે .+ આત્મા સિવાયની બહારની ભૌતિક વસ્તુઓમાં આનંદ અનુભવવો તે મૈથુન છે , ભાવમૈથુન . + આત્મા સિવાયના બીજા તમામ ભાવોને મનમાં કે આત્મામાં સંઘરી રાખવા તે પરિગ્રહ છે.આ રીતે અઢારે અઢારની વ્યાખ્યા મળે છે . મિથ્યાત્વની વ્યાખ્યા જુઓ : મિથ્યાત્વ એટલે જગતનાં તત્ત્વોને સ્યાદ્વાદ રૂપે ન માનવા , પોતાની કલ્પના મુજબ માનવા . આત્મ પરિણતિ જેમાં ન સધાતી હોય તેને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે .
અઢાર પાપ સ્થાનક અને એની આલોચના સંબંધી બોધ આપે છે બાલાવબોધ .
આઠમો લેખ દ્રવ્યાનુયોગના એક લઘુ ગ્રંથનો પરિચય આપે છે . આ લેખમાં એક જગ્યાએ દર્શનાચારના આઠ નિયમોનું બિલકુલ આધ્યાત્મિક અર્થઘટન વાંચવા મળે છે .
નવમો લેખ મુનિવર શ્રી ચરણકુમારજી વિરચિત સમકિતની સજ્ઝાય આધારે સમ્યગ્ દર્શનનું ચિંતન મનન નિદિધ્યાસન કરે છે . ચિંતનનો પ્રારંભ બે મુદ્દાથી થાય છે. એક , આત્માને જ્ઞાન થાય છે. બે , આત્મા સુખ અનુભવે છે . આત્માનું આત્માની ભૂમિકાનું જ્ઞાન અને સુખ પામવાનો માનસિક પુરુષાર્થ કરીએ એ સમકિત છે . મારામાં સમકિત આવ્યું છે એની ખબર શી રીતે પડે ? આ સોળ ગુણો તમારામાં આવ્યા હોય તો સમજવું કે સમકિત આવ્યું છે . ૧ . સમકિતી જીવ નવ તત્વનો અભ્યાસુ હોય છે. ૨ . સમકિતી જીવ આગમ સૂત્રનો પ્રેમી હોય છે .૩ . સમકિતી જીવ ગુણોનો અનુરાગી હોય છે. ૪. સમકિતી જીવ અવગુણનો ત્યાગી હોય છે. પ . સમકિતી જીવ ધૈર્યવાન્ હોય છે , ઉતાવળિયો નહીં .
૬ . સમકિતી જીવને વિષય વિકાર માટે અણગમો હોય છે . ૭ . સમકિતી જીવ વ્યક્તિગત વાદવિવાદ અને પરનિંદાથી દૂર રહેતો હોય છે . ૮ . સમકિતી જીવના રાગદ્વેષમાં તીવ્રતા ઓછી હોય છે . ૯ . સમકિતી જીવમાં સમતા અને ઇન્દ્રિયનિગ્રહ યથાસંભવ જોવા મળે છે. ૧૦ . સમકિતી જીવ સ્યાદ્વાદ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. ૧૧ . સમકિતી જીવ કુમતિ અને કદાગ્રહને દૂર રાખે છે. ૧૨. સમકિતી જીવ આત્માનું સાચું સ્વરૂપ શું છે તેનો બોધ રાખે છે. ૧૩ . સમકિતી જીવ હંસ જેવી પરીક્ષક દૃષ્ટિ ધરાવે છે. ૧૪. સમકિતી જીવ સાત નયોનો જાણકાર હોય છે.૧૫. સમકિતી જીવ આઠ કર્મોની દરેક પ્રકૃતિનો બોધ ધરાવે છે.૧૬. સમકિતી જીવ અન્યના મર્મને ખોલતો નથી.
દશમા લેખમાં એક પ્રાચીન આદેશપત્રનું અવલોકન છે : अणहिल्ल पाटक संघादेश पत्रम् . આદેશપત્ર લખાયું તે સમયે ગુજરાતમાં અમદાવાદની સ્થાપના થઈ નહોતી અને જૈન ધર્મમાં સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા શરૂ થઈ નહોતી . વિ. સં. ૧૨૯૯ નો સમય હતો . પાટણમાં અલગ અલગ ગચ્છના અને ભિન્ન ભિન્ન સામાચારીના શ્રમણ શ્રમણીઓ પધારતા . આદેશપત્ર જાહેર કરીને પાટણ સંઘમાં બારેય મહિના એકસરખો વહેવાર જળવાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી . લેખક સમજાવે છે કે આ આદેશપત્ર ચાર વિભાગમાં વહેંચાયેલું છે . ૧ . આદેશ જેમણે જારી કર્યો છે તે સત્તાધીશો .૨ . આદેશ જેમને લાગુ પડે છે આશ્રિત પક્ષ .૩ . આદેશની બાર કલમો . ૪ . આદેશને માન્યતા આપનારા સાક્ષિજનો .
આદેશપત્રમાં નીતિનિયમોની વાત છે . સંઘમાં શું કરવું અને શું ન કરવું એના આદેશ છે . એ આદેશ શું છે તે લેખમાં વિસ્તારથી સમજાવ્યું છે.એ સમયની પરિસ્થિતિ શું હતી એની ઝીણી ઝીણી વિગતો અને એ સમયે જેનાં નામ મોટાં ગણાતાં એમની જાણકારી લેખમાં અવતરિત થઈ છે .
આપણે ત્યાં જે રીતનાં પુસ્તકો લખાય છે એના કરતાં અલગ પડે છે આ પુસ્તક . અહીં એવા વિષયની વાતો છે જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ . અહીં જે જે વાતો રજૂ થઈ છે તેની માટે શાસ્ત્રપાઠ અને સંદર્ભ મૂકવામાં આવ્યા છે . અહીં એવો દૃષ્ટિકોણ મળે છે જે કેળવવો જરૂરી છે . સમગ્ર લેખનનું લક્ષ્ય એમણે સ્પષ્ટ રાખ્યું છે : જીવનનું કેન્દ્રબિંદુ શરીર નથી , આત્મા છે . હું આ શરીરમાં કેવી રીતે આવ્યો ? શરીર છૂટી જશે પછી હું ક્યાં જઈશ ? શરીર વગર મારું અસ્તિત્વ હોઈ શકે ? હું શરીરમાં શું કામ આવ્યો ? મારાં જીવનમાં દુઃખ કેમ છે ? હું આત્મા છું તો મને મારો આત્મા દેખાતો કેમ નથી ? આત્માને જાણવા શું કરવું જોઈએ ? આવા પ્રશ્નો મનમાં ચાલે તો સાધનાની યાત્રા શરૂ થઈ એમ કહી શકાય .
જૈનશાસનને અને જૈનશાસનની જ્ઞાનપરંપરાને પોતાનું સમગ્ર અસ્તિત્વ સમર્પિત કરનારો મરજીવો કેવો હોય તે જોવું હોય તો તમારે પૂજ્ય ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.સા.નાં દર્શન કરવાના . મરજીવો બનવાની વાતો કરીએ ત્યારે રોમાંચ થાય છે પરંતુ ખરેખર મરજીવો બનવાનો સમય આવે ત્યારે ભલભલાના હાંજા ગગડી જાય છે . પૂજ્ય ગણિવર્યે મરજીવા બનવા માટે જે સહન કરવું પડે તે સહન કર્યું છે , જે છોડવું પડે તે છોડ્યું છે અને જે બોજો ઉઠાવવો પડે તે એકલા ખભે ઉઠાવ્યો છે. શાસ્ત્રોનાં સંરક્ષણ માટે શું શું કરી શકાય આ દિશામાં પૂજ્ય ગણિવર્યે પૂનામાં શ્રુતભવનનાં માધ્યમે એક અનોખી કેડી કંડારી છે. ખુશીની વાત છે કે એમની છાયા લઈને અનેક સંસ્થાઓ આ જ રીતે શ્રુત સેવા કરવા સક્રિય બની છે. મહાજનો યેન ગતઃ સ પંથા .
આજના સમયના વાચકોને જે બૌદ્ધિક સંતુષ્ટિ જોઈએ છે તે આ સાત પુસ્તકોમાં મળે છે. આ પુસ્તકો દ્વારા જે બોધપદાર્થ અને પદાર્થબોધ સંઘને મળ્યો છે એ મરજીવાનું મોતીકર્મ છે . આ મોતીઓ સૌના કંઠે હાર બનીને બેસે એવી શુભ અભિલાષા .
( વૈશાખ સુદ દશમ , ૧૮.૫.૨૦૨૪ પ્રભુવીર કૈવલ્યભૂમિ , ઋજુવાલિકા મહાતીર્થ )
સ્વભાવ સારો હોય તેના ફાયદા ઘણા છે પરંતુ ફાયદો મેળવવાની લાલચ , સ્વભાવને સુધારવામાં મદદ કરતી નથી . લાલચ રાખ્યા વિના સાહજિક રીતે સારો સ્વભાવ કેળવાય તેનું ધ્યાન રાખવાનું છે . સારો સ્વભાવ ધરાવનારી વ્યક્તિ દશ નિયમની મર્યાદામાં રહેતી હોય છે . ૧. શબ્દો ઉત્તમ હોય છે . ૨. વહેવાર ઉત્તમ હોય છે . ૩ . પસંદગી ઉત્તમ હોય છે . ૪. સમજણ ઉત્તમ હોય છે . ૫. લાગણી ઉત્તમ હોય છે . ૬. જિજ્ઞાસા ઉત્તમ હોય છે . ૭. ગુણો ઉત્તમ હોય છે . ૮. વિચારણા ઉત્તમ હોય છે . ૯. અભિપ્રાય ઉત્તમ હોય છે . ૧૦. શ્રદ્ધા ઉત્તમ હોય છે . તમારો સ્વભાવ સારો છે કે નહીં તે જાણવું હોય તો આ દશ નિયમોનો અભ્યાસ કરતા રહેજો .
ઉત્તમ શબ્દો
માનસિક રીતે સ્વસ્થ હોઈએ તો મોઢામાંથી અપશબ્દો નીકળે જ નહીં . બીજાને ઉતારી પાડવાની ભાવનાથી બોલાયેલા શબ્દોને અધમ શબ્દ કહેવાય . ગાળ ઉપરાંત મજાક – મશ્કરી – કટાક્ષની ભાષા પણ ઉત્તમ શબ્દોની મર્યાદામાં ગોઠવાતી નથી . સામી વ્યક્તિ તુચ્છ છે એવું દેખાડવા માટે જે કોઈ શબ્દપ્રયોગ થાય છે તે અધમ શબ્દો છે . સામી વ્યક્તિ ઉત્તમ ન હોય તો તેના વિશે કશું જ ન બોલવું . સામી વ્યક્તિ ઉત્તમ હોય તો તેના વિશે ઉત્તમ રીતે બોલવું . બોલવું તેનો મતલબ એ નથી કે મનમાં આવ્યા તે શબ્દોને ઉચ્ચાર બનાવી દેવા . બોલવું તેનો મતલબ એ છે કે તમારી રજૂઆતને સારા અને સમુચિત શબ્દોથી સજાવી લેવી . પ્રશંસા કરો , પ્રેરણા આપો , જિજ્ઞાસાભાવે પ્રશ્ન પૂછો , સારી વાતનો પ્રચાર કરો , સચ્ચાઈને સારી રીતે સમજાવો – આ બધું તમે કરો છો તો તમે ઉત્તમ શબ્દો પ્રયોજી રહ્યા છો . તમારા શબ્દો તમારા સ્વભાવનો પડછાયો છે . ગમે તેવું બોલીને ગુનેગાર બનવું છે કે ઉત્તમ શબ્દો બોલીને નિર્દોષ પૂરવાર થવું છે તે તમે નક્કી કરો . તમારી ભાષા અને તમારાં મોઢે આવતા શબ્દોનું ચોક્કસ રીતે ચયન કરો . તમારો સ્વભાવ સારો બને તેની માટે આ જરૂરી છે .
ઉત્તમ વહેવાર
તમે જેમને મળો છો તેમને તમે પ્રેમ કરતા જ હશો એવો નિયમ નથી . સારા સ્વભાવનો નિયમ એ છે કે તમે જે વ્યક્તિને મળો છો તે વ્યક્તિને તમે આદર અને સદ્ભાવ આપતા રહો છો . ઉપેક્ષા કરવી એ અનાદર છે . દૂરી ઉભી રાખવી તે અનાદર છે . યોગ્ય રીતે જવાબ ન આપવો તે અનાદર છે . અનાદર વહેવારને ઉત્તમ બનવા દેતો નથી . સદ્ભાવ આપવો તેનો મતલબ એ છે કે તમારા તરફથી સામી વ્યક્તિને તમે લાગણી દર્શાવો છો . સહાનુભૂતિ અને સમાનુભૂતિ તમારા સ્વભાવને ઉત્તમ બનાવે છે કેમકે આ બંનેની અભિવ્યક્તિ માટેનો વહેવાર નમ્રતાપૂર્ણ હોય છે . પોતાની ધૂનમાં ચાલતા રહેવાથી વહેવાર બગડે છે . એક માત્ર હું જ બોલ્યા કરું આવી પદ્ધતિથી વહેવાર બગડે છે . બે જણા વાત કરતા હોય તેમાં વચ્ચે હસ્તક્ષેપ કરવાથી વહેવાર બગડે છે . સામી વ્યક્તિ તમારા વર્તન દ્વારા કંઈક પામે છે . વર્તન દ્વારા વાત પહોંચાડવી તે વહેવાર છે . સારો વહેવાર હોય તો સારી વાત પહોંચે . સારો વહેવાર ના હોય તો સારી વાત પહોંચતી નથી . બોલવા દ્વારા સારી વાત પહોંચાડીએ તે તો સારું જ છે . બોલીએ નહીં અને વહેવાર એવો રાખીએ કે એના દ્વારા સારી વાત પહોંચે તો એ ઉત્તમ વહેવાર છે .
ઉત્તમ પસંદગી
તમને શું ગમે છે અને શું નથી ગમતું તે તમારા સ્વભાવને ઓળખવા માટે તમારે સ્પષ્ટ રીતે જાણી લેવું જોઈએ . પસંદગીનું ધોરણ ઉત્તમ – સાત્ત્વિક હોય તો સ્વભાવ સારો ઘડાય છે . ખાવાપીવાની બાબતમાં , પહેરવેશની બાબતમાં , મનોરંજનની બાબતમાં , સંબંધોની બાબતમાં , કામ અને જવાબદારીની બાબતમાં અને બીજી ઘણી બધી બાબતમાં તમે તમારી રીતે પસંદગી કરી લીધી છે . મને આ ગમે , આ ન ગમે . મને આમ ફાવે , આમ ન ફાવે . આ પસંદગીનું ધોરણ નાનીનાની વસ્તુઓમાં અટવાઈ પડે અને મામૂલી બાબતોની પસંદગી થયા કરે તે સારા સ્વભાવની નિશાની નથી . સારો સ્વભાવ સ્વાધીનતામાં માને છે . સારા સ્વભાવની વિશેષતા એ છે કે તે અનુકૂલન સાધી શકે છે . પરિસ્થિતિ પ્રમાણે રહેવાની આવડત , સારા સ્વભાવની નિશાની છે . નાની નાની બાબતમાં ગમો – અણગમો રાખીને તેમાં રચ્યા કરવું તે ઉત્તમ સ્વભાવ નથી . નાનીનાની બાબતોમાં જે હોય તે ચલાવી લેવાની વૃત્તિ રાખવી અને મહત્ત્વની બાબતોમાં સાત્ત્વિકતા અને સચ્ચાઈનું ધોરણ પસંદ કરવું . તમે જે પસંદ કરો છો તે તમારા સ્વભાવને પ્રભાવિત કરે છે . તમારો સ્વભાવ તમારી પસંદગીને પ્રભાવિત કરે છે .
ઉત્તમ સમજણ
સારો સ્વભાવ બહાર વ્યક્ત થાય છે . વ્યક્ત જ્યાંથી થાય છે તે સરનામું અંદર છે . સારો સ્વભાવ , સારી સમજણમાંથી આવે છે . સ્વભાવનો અર્થ છે સંતુલિત વિચારણા . વિચારણા ઉત્તમ હોય તો સ્વભાવ ઉત્તમ બનવાનો જ છે . તમારા વિચારોને તમે પોતે પારખી શકો , વિચારો સારા હોય તો પોતાની જાતને શાબાશી આપી શકો , વિચારો નબળા હોય તો પોતાની જાત પાસેથી પરિવર્તનનો આગ્રહ કરી શકો . આ સારા સ્વભાવનાં ભીતરની ભાગોળ છે . સામી વ્યક્તિનો સ્વભાવ અને આશય સમજવાની આવડત હોવી જોઈએ . સામી વ્યક્તિની નબળાઈ અને ઉણપ ઓળખી શકે તેવી દૃષ્ટિ હોવી જોઈએ . સામી વ્યક્તિની માનસિકતા સમજીને તેની સાથે વાત કરવા માટે સમજણપૂર્વક બોલવું પડે છે . વાણીની છટા અહીં કામ નથી લાગતી . સામી વ્યક્તિ તમને કંઈ કહેવા માંગે છે તો તેના શબ્દો ઉપર ધ્યાન આપવાને બદલે તેનું મન વાંચવા પર ધ્યાન આપવું જોઈએ . એ શું બોલે છે તે મહત્ત્વનું હશે પરંતુ એ શું વિચારીને બોલે છે તે વધારે મહત્ત્વનું છે . પોતાને સાચી રીતે સમજવાની આવડત , સામી વ્યક્તિને સારી રીતે સમજવાની આવડત તે ઉત્તમ સમજણ છે .
ઉત્તમ લાગણી
લાગણીમાં વળતરની અપેક્ષા ન હોય , અધિકારનો ભાવ ન હોય અને પ્રદર્શનની વૃત્તિ ન હોય તો લાગણી ઉત્તમ . લાગણી તમારા હ્નદયમાંથી ઉઠે છે . સ્વાર્થ તમારાં મનમાંથી ઉઠે છે . હ્રદય અને મન સાથે કામ કરતા હોય ત્યારે હ્રદયનો અવાજ બુલંદ હોવો જોઈએ . મન આટાપાટા ખેલે છે . હ્રદય સીધી લીટીમાં ચાલે છે . મને શું મળ્યું અને મને શું ન મળ્યું આ મનની રજૂઆત છે . મેં શું આપ્યું અને મારે શું કરવું જોઈએ આ હ્રદયની રજૂઆત છે . મન શું કરશે ? સામી વ્યક્તિને દોષિત પૂરવાર કરીને છટકી જશે . હ્રદય શું કરે , સામી વ્યક્તિ દોષિત હશે તો દયા કેળવીને પણ જવાબદારી નિભાવશે . તમને મહત્ત્વ મળે તો તમે કામ કરો – એ મનની ભાષા છે . તમારી જવાબદારી છે માટે તમે કામ કરો તે હૃદયની ભાષા છે . લાગણી હોય ત્યાં શું વિચાર આવે કે મારે શું કરવું જોઈએ ? અહંકાર હોય ત્યાં વિચાર આવે કે તમારે શું કરવું જોઈએ . લાગણીમાં સ્વાર્થ ન હોય , લાગણીમાં દેખાડો ન હોય . લાગણીમાં હોય એક અપરિસીમ આદરભાવના .
ઉતમ જિજ્ઞાસા
મનમાં સતત સવાલો ચાલતા હોય છે . આતમા શું છે ? આતમા શરીરમાં શું કામ છે ? કર્મોનું બંધન કેમ લાગુ પડ્યું છે ? ભગવાન વીતરાગ છે તો તેમનો સ્વભાવ કેવો છે ? ગુરુભગવંતની સાધનાનું બળ કયું છે ? ધર્મ કરીએ તો તેનું અંતિમ પરિણામ શું ? ધર્મ ન કરો તો શું નુકસાન થાય ? આવા સુંદર મજાના પ્રશ્નો સતત મનમાં ચાલતા રહેવા જોઈએ . મનને ખોટા સવાલોમાં ફસાઈ જવાની આદત છે . કામ વગરના સવાલો કરવાથી હાથમાં કશું આવતું નથી . તમારા સવાલો કેવા છે ? એ તમારા સ્વભાવનું લક્ષણ બને છે . સુંદર મજાના સવાલો પરથી સમજાય છે કે જિજ્ઞાસા ઉત્તમ છે . જિજ્ઞાસા , માનસિકતામાંથી આવે છે . માનસિકતા ઉત્તમ એટલે જિજ્ઞાસા ઉત્તમ . જિજ્ઞાસા ઉત્તમ એટલે સ્વભાવ ઉત્તમ .
ઉત્તમ ગુણો
પૈસાની જેમ ગુણોની કમાણી પણ વધતી રહેવી જોઈએ . સારો બિઝનેસ હોય તો પૈસાની કમાણી સારી થાય . સારો સ્વભાવ હોય તો ગુણોનું ઘડતર સારું થાય . અભિમાન કર્યા વિના પોતાના ગુણોને જોવા જોઈએ . પોતાના ગુણો માટે મમતા રાખવી જોઈએ . ગુણો ઘટે નહીં તેની પૂરી તકેદારી રાખવી જોઈએ . ગુણોમાં સતત ઉમેરો કરવાનો હોય . એક ગુણ દ્વારા બીજો નવો ગુણ આવે . બીજા ગુણ દ્વારા ત્રીજો નવો ગુણ આવે . આ રીતે ગુણોની પાછળ ગુણો આવતા રહેવા જોઈએ . ઉંમર વધતી જાય છે . બંધાઈ રહેલાં કર્મો વધતા જાય છે તો ગુણો પણ વધતાં રહેવા જોઈએ . દસ નાના ગુણના મૂળમાં એક મોટો ગુણ હોય છે . આવા મોટા અને મુખ્ય ગુણો ઘણા હોય તો નાના નાના ગુણો તો પાર વિનાના મળી રહે છે . ગુણોની ભૂમિકા ઊંચી હોવી જોઈએ . બીજાની સામે મહાન્ પૂરવાર થવા માટે ગુણો કેળવવાના નથી . ગુણો પોતાની જાતને ઉત્તમ બનાવવા માટે કેળવવાના છે . ગુણો સાહજિક રીતે મળ્યા હોય તો ઉત્તમ . ગુણો કેળવવા માટે મહેનત કરીને ગુણો મેળવ્યા હોય તો પણ ઉત્તમ . ગુણવાન વ્યક્તિને દુનિયામાં કોઈ દુઃખી કરી શકતું નથી . ગુણવાન વ્યક્તિની વિશેષતા એ હોય છે કે તે પ્રેમ , પ્રેરણા અને ધર્મ આપવામાં સફળ રહે છે .
ઉત્તમ વિચારણા
વિચારશીલતા એ મનુષ્યનો સ્વભાવ છે . સતત અને સતત વિચારતા રહેવાની શક્તિ મનુષ્યને મળી છે . આપણને મુદ્દો નક્કી કરીને વિચારવાની આદત નથી હોતી એટલે આડેધડ વિચારો ચાલુ રહે છે . મનની આ દોડધામને ઉત્તમ વિચારણા કહી શકાય નહીં . ઉત્તમ વિચારણા ત્રણ બાબતની અપેક્ષા રાખે છે . ૧. શરીર અને મન સિવાયની ત્રીજી દુનિયા છે . આત્માની દુનિયા . મૃત્યુ થશે તે પછી આતમા સાથે આવશે . શરીર અહીં જ રહી જશે . શરીર પર કેન્દ્રિત વિચારોને વિષયવાસના કહેવાય . મન પર કેન્દ્રિત વિચારોને કષાયવાસના કહેવાય . વિષય અને કષાયની આધીનતા ઓછી થાય તે પછી જે વિચારણા ચાલે તે ઉત્તમ વિચારણા છે . ૨ . બીજાના ગુણો , બીજાનો ધર્મ , બીજાનું સુખ અને બીજાની સફળતા જોઈને રાજી થવું એ મૈત્રીભાવનામૂલક પ્રમોદભાવના છે . આ જ તો ઉત્તમ વિચારણા છે . ૩. મારે સ્વતંત્ર રીતે વિચારવું હોય તો મારું અજ્ઞાન મને સમ્યક્ વિચારણા નહીં કરવા દે . મારું સદ્ વાંચન અને શાસ્ત્રશ્રવણ ચાલુ હશે તો જ સમ્યક્ ચિંતન થઈ શકશે . ‘ આવી સભાનતા એ ઉત્તમ વિચારણા છે .
ઉત્તમ અભિપ્રાય
ઘટનાઓ અને વ્યક્તિઓ તમને હંમેશા જોવા મળશે . તમે ઘટનામાંથી બોધપાઠ લેતા રહો . તમે વ્યક્તિઓમાંથી ગુણોનું ગ્રહણ કરતા રહો . આદત પડી છે ફરિયાદો કરવાની અને ભૂલો કાઢવાની અને દોષો જોવાની . આ આદતની અસરહેઠળ રહીને તમે જે અભિપ્રાય આપો છો તે ઉત્તમ હોતો નથી . તમારો અભિપ્રાય ગુણગ્રાહી હોવો જોઈએ . તમારો અભિપ્રાય મૂલ્યસાપેક્ષ હોવો જોઈએ . તમારો અભિપ્રાય સંતુલિત હોવો જોઈએ . તમે તટસ્થ અભિપ્રાય આપી શકો છો તેવું બીજાને ક્યારે જાણવા મળે ? સામાન્ય વહેવારમાં ઘટના અને વ્યક્તિઓની બાબતમાં તમારો અભિપ્રાય સારું ધારાધોરણ ધરાવતો હોય તો જ બીજી – ત્રીજી વ્યક્તિઓ તમારા અભિપ્રાયને માન આપશે . ઉત્તમ અભિપ્રાયનું સ્તર બનાવવું હોય તો સમજી – વિચારીને બોલવાની આદત રાખવી પડે . મનમાં આવ્યું તે તુરંત બોલી નાખવું આવી વૃત્તિ હોય તો ઉત્તમ અભિપ્રાયનું સ્તર ઘડાતું નથી . તમે બીજાની માટે શું બોલો છો અને કેવું બોલો છો તે જોતા રહો . બીજા તમારી માટે શું બોલશે અને કેવું બોલશે તેની તમને ખબર પડી જશે . ઉત્તમ અભિપ્રાય તમારી વ્યક્તિમત્ત્તાને ઉત્તમ બનાવે છે .
ઉત્તમ શ્રદ્ધા
દેવ – ગુરુ – ધર્મની શ્રદ્ધાને સમકિત કહેવાય છે . શ્રદ્ધા એક માનસિકતા છે . ‘ મારામાં રહેલી ઉણપ દૂર કરવા માટે મારે જેમની જરૂર છે તેમને હું સમર્પિત રહીશ . ‘ આવો સ્પષ્ટ આશય સતત જીવતો હોય તે શ્રદ્ધા છે . ફક્ત સમર્પિત હોવું તે સાધારણ શ્રદ્ધા છે . પોતાની ઉણપ સમજતા રહીને , તે તે ઉણપને દૂર કરવાનું લક્ષ્ય રાખીને સમર્પિત રહેવું તે ઉત્તમ શ્રદ્ધા છે . ત્રણ દોષ સંસારને વધારતા રહે છે . રાગ – દ્વેષ અને મોહ . શ્રી યોગશતક ગ્રંથમાં આ ત્રણને વશમાં લેવાનું માર્ગદર્શન મળે છે . શ્રદ્ધા વ્યક્તિગત હોય છે તેવું લાગે છે . હકીકતમાં શ્રદ્ધા ચિન્તનપ્રધાન હોવાથી આત્મગત છે . વ્યક્તિગત શ્રદ્ધા દેવ અને ગુરુ અને ધર્મ અંગેની ચોક્કસ ક્રિયાઓ સાથે જોડાયેલી હોય છે . ચિન્તનપ્રધાન આત્મગતશ્રદ્ધા રાગ – દ્વેષ અને મોહના પ્રભાવને કમજોર બનાવવાનાં લક્ષ્ય સાથે જોડાયેલી હોય છે . ઉત્તમ શ્રદ્ધાનો મતલબ છે કે આતમા ઉત્તમ બની શકે છે તેવી શ્રદ્ધા . ઉત્તમ શ્રદ્ધાનો મતલબ છે કે હું પ્રયત્ન કરીશ તો મારો આતમા વધુ ને વધુ ઉત્તમ બનતો જશે – એવી શ્રદ્ધા . ઉત્તમ શ્રદ્ધાનો મતલબ છે કે મારે મારા આતમાને પરમાતમા બનાવવાનો છે તેવી ભાવનાપૂર્વકની શ્રદ્ધા .
આતમાનો સ્વભાવ
ધર્મ અસ્તિત્વની યાત્રા છે . સંસાર વ્યક્તિત્વની યાત્રા છે . વ્યક્તિત્વની સીમામાંથી બહાર આવી અસ્તિત્વની વિશાળ દુનિયામાં પ્રવેશ કરવા માટે સારો સ્વભાવ કેળવવો જરૂરી છે . સારા સ્વભાવને પણ પૂર્ણ સ્વભાવ કહી શકાય નહીં . સારો સ્વભાવ વ્યક્તિની મર્યાદામાં જ જોવા મળે છે . પૂર્ણ સ્વભાવ અસ્તિત્વની અનુભૂતિસ્વરૂપ છે . તે કેવળ મોક્ષમાં હોય છે . આતમાનો સ્વભાવ તે પૂર્ણ સ્વભાવ છે . શું હોય છે આ પૂર્ણ સ્વભાવમાં ?
૧ . પૂર્ણ સ્વભાવમાં પ્રતિભાવો નથી હોતા . ૨. પૂર્ણ સ્વભાવમાં પ્રવૃત્તિ નથી હોતી . ૩. પૂર્ણ સ્વભાવમાં અજ્ઞાન નથી હોતું . ૪. પૂર્ણ સ્વભાવમાં રાગ નથી હોતો . ૫. પૂર્ણ સ્વભાવમાં દ્વેષ નથી હોતો . ૬. પૂર્ણ સ્વભાવમાં મનનો વ્યાપાર નથી હોતો . ૭. પૂર્ણ સ્વભાવમાં વાસના નથી હોતી . ૮. પૂર્ણ સ્વભાવમાં નબળાઈ નથી હોતી . ૯. પૂર્ણ સ્વભાવમાં અધર્મ નથી હોતો . ૧૦. પૂર્ણ સ્વભાવમાં સંસાર નથી હોતો . પૂર્ણ સ્વભાવ શું છે ? તે સમજવું સહેલું નથી . ખૂબ અઘરું છે . સારો સ્વભાવ ઘડાય તો જ પૂર્ણ સ્વભાવ શું છે તેની સમજ પડે છે . તમે તમારા સ્વભાવને સારો સ્વભાવ બનાવી લો . પૂર્ણ સ્વભાવ શું છે તે આપોઆપ સમજાઈ જશે .
(તમે જે ધર્મ કરો છો તે શ્રેષ્ઠ છે . એ ધર્મ સાથે શું શું જોડી શકાય એમ છે એનો વિચાર કરવા જેવો છે . સોનાની સાથે સુગંધ ભળે એની જેમ ધર્મ સાથે આ સરળ અગિયાર સૂત્રો જોડાઈ શકે છે .)
પરિણામલક્ષી બનો
ધર્મ કરવો જોઈએ . સાંભળ્યું છે . ધર્મ દ્વારા પામવાનું છે શું ? મોક્ષ તો દૂર છે . ક્યા જનમે મોક્ષ થશે તેની જાણ સુદ્ધાં નથી . મોક્ષ મળે તે માટે જ ધર્મ કરવાનો છે પણ મોક્ષ ન મળે ત્યાં સુધી બીજું શું મેળવવાનું છે મારે ? વિચાર કર્યો છે કોઈ દિવસ ? ધર્મ કર્યો તે સારું છે . ધર્મ દ્વારા શું પામ્યા , તે મુદ્દાનો સવાલ છે . ધર્મ દ્વારા તમારે એક પરિણામ સુધી પહોંચવાનું છે . પરિણામ શબ્દના બે અર્થ છે . પરિણામ એટલે Result. પરિણામ એટલે નિશ્ચિત વિચાર . આ બંને અર્થમાં પરિણામ સુધી પહોંચવાનું છે ધર્મ દ્વારા . ધર્મ કરતા જઈએ તેમ પરિણામ નિષ્પન્ન થતા આવે તે સાચી પ્રક્રિયા છે . ધર્મ , કરી લેવાની વસ્તુ નથી . ધર્મ સાધના છે . ધર્મ દ્વારા ઘણુંબધું સિદ્ધ કરતા જવાનું છે . અનુષ્ઠાનો અને આલંબનો પ્રવૃત્તિનો ધર્મ આપે છે . એ પ્રવૃત્તિ દ્વારા તમારે પરિણતિના ધર્મ સુધી પહોંચવાનું છે . પ્રવૃત્તિ દ્વારા પરિણતિનું ઘડતર થવું જોઈએ . પરિણતિ દ્વારા પ્રવૃત્તિનું સર્જન થવું જોઈએ . બંને અરસપરસ પૂરક છે . પ્રવૃત્તિ વિના પરિણતિ અધૂરી રહે છે . પરિણતિ વિના પ્રવૃત્તિ અધૂરી રહે છે . ધર્મ દ્વારા તમે શું પામો છો અને ક્યાં પહોંચો છો તેની રૂપરેખા હોવી જોઈએ તમારી પાસે . પરિણામલક્ષી બનો .
કર્મનિર્જરા
કર્મો , તમને દુઃખ આપે છે , દોષબદ્ધ બનાવી રાખે છે . આ કર્મો , તમને સારા વિચારોથી વંચિત રાખે છે અને અનુચિત વિચારોમાં બાંધી રાખે છે . આ કર્મો તમને વિઘ્ન બનીને નડે છે અને સંતાપ બનીને સતાવે છે . આતમા અને કર્મનો સંયોગ એ મૂળભૂત સંસાર છે . આ સંયોગને જે જે બાબતો મજબૂત બનાવે છે તે અધર્મ છે . આ સંયોગને જે જે બાબતો કમજોર બનાવે છે તે ધર્મ છે . આતમાને શરીર લાગુ પડેલું છે . શરીરને સાચવવા જે કાંઈ કરીએ છીએ તે બધું કર્મોનો બંધ કરાવે છે . પરંતુ આ શરીર ધર્મની પ્રવૃત્તિ સાથે જોડાય છે તો પછી શરીર દ્વારા જે કાંઈ થાય છે તે કર્મોના બંધને ઓછો પણ કરે છે અને કર્મો બંધાયેલા હોય છે તેને પણ ઓછા કરે છે . આ અર્થમાં શરીર દ્વારા , ભાવનાપૂર્વક થનારો તમામ ધર્મ કર્મની નિર્જરા કરાવે છે . સમજણપૂર્વક ધર્મ કરવાથી કર્મ તૂટે છે અને કર્મનો અનુબંધ તૂટે છે . અનુબંધ તૂટે છે મતલબ આત્માની કર્મગ્રાહકતા મંદ પડે છે . સમજણ વિના ધર્મ કર્યો હોય તો પણ કર્મ તો તૂટે જ છે પણ આત્માની કર્મગ્રાહકતા મંદ થતી નથી . આમ ધર્મ સમજણપૂર્વક કરો તો સકામનિર્જરા થાય છે . સમજણ વિના કરો તો અકામનિર્જરા થાય છે . કર્મનિર્જરા ધર્મની સાક્ષાત અસર છે .
પુણ્ય નિર્માણ
ઉત્તમ આલંબનોનું આસેવન એ ધર્મ છે . ઉત્તમ અનુષ્ઠાનોનું આચરણ એ ધર્મ છે . ધર્મ કરીએ ત્યારે આપણે ઉત્તમ તત્ત્વના સંપર્કમાં આવીને તે ઉત્તમ તત્ત્વ દ્વારા ભાવિત બનીએ છીએ . તે તે પ્રવૃત્તિ કરતી વખતે આપણો સંપર્ક તે તે પ્રવૃત્તિ સાથે જ રહેતો હોવાથી , ધર્મ કરવાની ક્ષણોમાં સંસાર સાથેનો સંપર્ક તૂટી જાય છે . આ સંસારથી અળગા થવું , તે જ ધર્મની ખરી મજા છે . પ્રવૃત્તિ પવિત્ર હોય છે , એની ભાવનાત્મક અસર જેટલે અંશે મન પર ઊભી થઈ હોય તે અસર પણ પવિત્ર હોય છે . આવું થવાને લીધે આત્મા પુણ્યનું નિર્માણ કરે છે . અસમાધિ અને અશાતાથી દૂર રાખનારા કર્મો આત્માને મળે છે , ધર્મ કરવાને લીધે . ધર્મ કરવાનું લક્ષ્ય પુણ્ય નથી પણ ધર્મ કરવાની અસર પુણ્ય નિર્માણ કરે છે . ફૂલ પોતાની પાસે આવનારને સુવાસ આપે છે . ધર્મ પોતાની પાસે આવનારને પુણ્ય આપે છે . નિઃસ્વાર્થભાવે કરેલો ધર્મ પુણ્યાનુબંધી પુણ્ય આપે . સ્વાર્થભાવે કરેલો ધર્મ પાપાનુબંધી પુણ્ય આપે . ધર્મ કર્યો હોય તે મોટેભાગે નિષ્ફળ જતો નથી . ધર્મ પુણ્યનું નિર્માણ કરનારું તત્વ છે .
શુભભાવનું સર્જન
સમ્યક્ રીતે ધર્મ કરતા હોઈએ તો ધર્મ કરતી વખતે રાગ પ્રધાન વિચારો પણ નથી આવતા અને દ્વેષ પ્રધાન વિચારો પણ નથી આવતા . સંસારકેન્દ્રી રાગ અને દ્વેષ એ આત્માની અનાદિકાલીન નબળાઈ છે . દરેક પ્રવૃત્તિઓ રાગ અને દ્વેષનું સર્જન કરાવતી હોય છે સંસારમાં . જૂના રાગદ્વેષ નવા રાગદ્વેષનું સર્જન કરતા જ રહે છે . સંસાર આ રીતે જ તો આગળ વધે છે . ધર્મ કરતી વખતે સંસારકેન્દ્રી હોઈ નથી શકાતું . ધર્મ કરતી વખતે કેન્દ્રમાં પરમાત્મા હોય અથવા આત્મા હોય . પરમાત્માનો ધર્મ વિચારવાનું આલંબન બને છે . આત્માની અનંત શક્તિ કલ્પના અને ભાવનાનું આલંબન બને છે . પરમાતમા અને આતમા વચ્ચે સેતુ છે આજ્ઞા . આજ્ઞાની શ્રદ્ધા અને આજ્ઞાનો આદર એ વિચારનું આલંબન બને છે . અટકે છે શરીરસંબંધી રાગદ્વેષ . અટકે છે પરિવાર સંબંધી રાગદ્વેષ . અટકે છે અહંકાર અને સ્વાર્થ સંબંધી રાગદ્વેષ . જાગે છે પરમ તત્ત્વનું આકર્ષણ . જાગે છે સાચા ગુણોનું આકર્ષણ . જાગે છે સંસારમાં હોવાનો પસ્તાવો . જાગે છે લાગુ પડેલા દોષોનો પસ્તાવો . ધર્મ કરતાં કરતાં , સંસાર સંબંધી આલંબનોના વિચારો હટે છે અને આતમા સંબંધી આલંબનોના વિચારો જાગે છે . આ વિચારો શુભભાવ છે . શુભભાવની અનુભૂતિ એ સાચી પ્રસન્નતા છે . એ ધર્મ દ્વારા જ મળી શકે .
સંસ્કાર નિષ્પાદન
આતમા સંવેદનશીલ છે . સંવેદનાની સક્રિયતા તે મન છે . સંવેદના જેની સાથે જોડાય છે તેની ચિરસ્થાયી અસર સ્વીકારી લે છે . સંવેદનાને અડ્યું હોય તે તુરંત ભૂંસાતું નથી . સતત જે સંવેદના સાથે રહ્યું હોય તે સંસ્કાર બની જાય છે . ધર્મ , કેવળ શરીર દ્વારા થઈ જનારી બાબત નથી જ . ધર્મ કરીએ ત્યારે પોતપોતાની યોગ્યતા અને ભૂમિકા અનુસાર , મનનું અનુસંધાન રચાતું હોય છે ધર્મ સાથે . જેટલું અનુસંધાન તીવ્ર થયું હોય તેટલો સંસ્કાર તીવ્ર બને છે . ધર્મ કરવા દ્વારા ખરેખર તો આ સંસ્કારનું નિષ્પાદન કરવાનું છે . કેમકે મૃત્યુ પામ્યા બાદ આ જ સંસ્કાર સાથે આવી શકે છે . સંસ્કાર સાથે હશે તો , સારું નિમિત્ત મળતાં જ ફરીથી ધર્મનું જાગરણ થઈ જશે . વહેતું પાણી પથ્થરને લીસા બનાવી દે છે તે પાણીની કોમળતાનો સંસ્કાર છે . આચરાતો ધર્મ મનને ભાવિત બનાવી દે છે તે ધર્મની તારકતાનો સંસ્કાર છે . ધર્મ સંસ્કારભ્રમણને અટકાવે છે તેની ભૂમિકા સ્વરૂપે ધર્મ શુભ સંસ્કારોનું નિષ્પાદન કરે છે . આ સંસ્કારો એવા શક્તિશાળી હોય છે કે સંસારી ભાવોને પાછા હટવું જ પડે છે .
પાત્રતાનો વિકાસ
આત્મા પરમાત્મા બની શકે છે . ધર્મ આત્માને પરમાત્મા થવામાં સતત સહાય કરે છે . ધર્મ આપણને પરમાત્મા બનાવવા જેવું સર્વોત્કૃષ્ટ ફળ આપી શકતો હોય તો એ ધર્મ પરમાત્મા બનાવતા પૂર્વે શું શું આપે ? એક ધડાકે , સંસારી માંથી પરમાત્મા બની જવાતું નથી . સરોવર ટીપે ટીપે ભરાય છે , પરમાત્મા ક્રમે ક્રમે થવાય છે . આત્મામાં ભરપૂર પાત્રતા છે . પાત્રતાનું સંપૂર્ણ અનાવરણ થાય ત્યારે આત્મા પરમાત્મા બને . પાત્રતાનું ક્રમિક અનાવરણ થતું રહે છે , ધર્મ દ્વારા . તમારામાં વસેલો ધર્માત્મા તમે ધારણા પણ ન રાખી હોય એટલી ઊંચાઈ સુધી પહોંચી શકે તેમ છે . જે ધર્મ તમે કરતા નથી તે ધર્મ કરવાની તમારામાં શક્તિ તો છે જ . તમારી સતત પ્રગતિશીલ બની રહેવાની શક્તિ તે તમારી પાત્રતા છે . ધર્મ કરતાં કરતાં ધીમે ધીમે તમારી પાત્રતા ખીલે છે . એક ગાથા નિયમિત ગોખવાની આદત રાખવાથી , ધીમે ધીમે એવું બને છે કે એક ગાથાને બદલે બે ગાથા કે પાંચ ગાથા ગોખવાની શક્તિ ખીલે છે . આ દાખલો છે . આવું ઘણું બની શકે છે . તમારે ધર્મ વધારવાનો છે . તે માટે તમારે ધર્મ કરવાની પાત્રતા ખીલવવાની છે . ધર્મ કરવાથી ધર્મની પાત્રતા ખીલે છે . પાત્રતા ખીલે તેમ ધર્મ વધતો જાય છે . પાત્રતાનો વિકાસ અને વિકાસની પાત્રતા , બન્ને ધર્મ દ્વારા સંભવિત છે .
સત્ત્વ ઉત્થાન
ધર્મ કરવો એટલે સુધારો કરવો અને ઉમેરો કરવો . આજે જ્યાં છીએ ત્યાંથી બે ડગલાં આગળ વધવાનું હોય છે ધર્મ દ્વારા . પ્રશસ્ત કક્ષાની સારી પ્રવૃતિઓ શરૂ કરવાની હોય છે . અપ્રશસ્ત કક્ષાની પ્રવૃતિઓ છોડવાની હોય છે . કરવા જેવું કરવા માટે હિંમત જોઈએ છે . છોડવા જેવું છોડવા માટે પણ હિંમતની જરૂર પડે છે . મન દઢ બનાવવું પડે છે . સંકલ્પ મજબૂત રાખવા પડે છે . મનમાં જાગેલા સારા વિચારને આચારમાં ઉતારવા માટે , ખરાબ તત્વો સાથે બાંધછોડ કરવી જ પડે છે . ધર્મ કરવાનું મન થયું પરંતુ ધર્મ કર્યો જ નથી તો હિંમત નહીં જાગે . ધર્મ કર્યો થોડો થોડો . તેનું પરિણામ મળ્યું જોવા . ધર્મ કર્યો તે બરોબર થાય છે અને તે તે ધર્મ લેખે લાગે છે તેવો વિશ્વાસ આવી ગયો . ધર્મ કરવા દ્વારા જાગતો ધર્મસંબંધી આત્મવિશ્વાસ નવા ધર્મનું નિર્માણ કરે છે . તેમાંથી નવો આત્મવિશ્વાસ આવે છે . તેમાંથી વળી નવો ધર્મ આવે છે . આમ આતમાનુ સત્ત્વ વધતું જાય છે . સત્ત્વ વધે છે એનો અર્થ એ છે કે ધર્મ કરવા માટેનું મનોબળ મક્કમ રીતે વધતું જાય છે .
ગુણ વિકાસ
સારી આદતો . સારી ભાવનાઓ . સારી પ્રવૃતિઓ . આમાં નિયમિતતાને ટકાવી રાખવી તે ગુણ છે . ગુણો ઘણા છે . ધર્મ દ્વારા એક પછી એક ગુણો મળતા જાય છે . આત્મવિકાસની શાસ્ત્રશુદ્ધ વિકાસયાત્રાને ગુણસ્થાનક કહેવાય છે . ચૌદ ગુણસ્થાનક છે . દરેક ગુણસ્થાનકમાં પ્રવેશ થાય ત્યારે એકાદ નવા ગુણનો પ્રવેશ થાય જ છે આતમામા . ધર્મ દ્વારા ગુણો ખીલવા જોઈએ . ધર્મ કર્યો અને ગુણો ન આવ્યા તો ધર્મ પૂર્ણરીતે નિષ્ફળ ગયો એમ સમજવાનું . ધર્મ થતો ગયો તેમ ગુણો આવતા ગયા અને ગુણો આવતા ગયા તેમ ધર્મ વધતો રહ્યો આ સાચી પદ્ધતિ છે આત્મવિકાસની . ગુણોના સ્વરૂપનો અભ્યાસ કરીને તે તે ગુણોને આત્મસાત્ કરવાની પદ્ધતિ તે જ સાચી ધર્મસાધના છે . ગુણોના અભ્યાસ વિના સ્વાધ્યાય અધૂરો રહે છે . ગુણોના વિકાસ વિના ધર્મ અધૂરો રહે છે . ગુણો પામવાની ભાવનાથી ધર્મ કરવાનો છે અને ધર્મ પામવાની ભાવનાથી ગુણો મેળવવાના છે .
દોષ વિસર્જન
ઠંડુ પાણી પીવાથી તરસ મટે છે એમ ધર્મ કરવાથી દોષ ઘટે છે . સ્વભાવમાં પેસી ગયેલા અવગુણોને દૂર કરવા માટે ધર્મને સાધન બનાવવાનો છે . ધર્મની પ્રવૃત્તિ અને પરિણતિની અસર જીવનવ્યાપી બને છે . ધર્મ કર્મોને નબળા પાડે છે તેને લીધે કર્મોદયજનિત દોષો ઓછા થવા લાગે છે . કર્મ નિકાચિત હોય તેને લીધે અમુક દોષો કદાચ , ન ટળે તો પણ તે દોષ માટેનો પક્ષપાત તો અવશ્ય ઘટે છે . દોષનો ડંખ જાગે . દોષને ટાળવાનું મન થાય . દોષ હાજર હોય તે ખૂંચ્યા કરે . દોષની સામે પગલાં લેવાનું મન થાય . દોષોથી થનારા નાનામોટા નુકસાનોની સમજ પડે . દોષો દૂર થયા તો એને લીધે થનારા લાભની પણ સ્પષ્ટ સુવાંગ કલ્પના કરી શકાય . ધર્મ દ્વારા દોષ ઢીલા પડે , ધર્મ દ્વારા દોષનું વર્ચસ્વ તૂટે . થોડા થોડા સમયના ગાળે એકાદ દોષ નાબૂદ થતો જાય . ધર્મ જ દોષવિસર્જન કરવાની તાકાત આપે છે .
ત્રણ સવાલ
ધર્મ કરવા દ્વારા આઠ પરિણામ પેદા થાય છે તે સમજી લીધા બાદ પોતાની જાતને ત્રણ સવાલ પૂછવાના છે : ૧) હું આજે જેટલો ધર્મ કરું છું તેનાથી વધારે ધર્મ મારાથી થઈ શકે એમ છે ? ૨) હું આજે જેટલો ધર્મ કરું છું તેનાથી વધારે ધર્મ કરું તો મને કોઈ રોકે એમ છે ? ૩) હું આજે જે ધર્મ કરું છું તેનાથી વધારે ધર્મ કરું તો મને કોઈ નુકશાન છે ? પહેલા સવાલનો જવાબ છે , હા . બીજા અને ત્રીજા સવાલનો જવાબ છે , ના . હવે આ ત્રણ જવાબોને ત્રણ સવાલોપૂર્વક દસ વાર વિચારો . આ વિચારવાની પ્રક્રિયા સતત એક મહિનો ચાલુ રાખો . ત્રણ સવાલો દ્વારા તમે અનુભવશો કે મારામાં ધર્મ કરવાનો નવો ઉત્સાહ જાગી રહ્યો છે . એ ઉત્સાહને કામે લગાડી દો . મોડું ના કરો . ધર્મના આ પરિણામો સુધી પહોંચવું હોય તો આ ત્રણ સવાલો સાથે કાયમી દોસ્તી બનાવી લેજો .
ત્રિપદી
ત્રણ શબ્દો યાદ રાખી લો . શ્રદ્ધા + શક્તિ + વિધિ . તમે જે ધર્મ કરો તેમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો . કરવા પૂરતો ધર્મ કરી લેવાથી ફાયદો નહીં થાય . આગળ બતાવ્યા તે આઠ પરિણામ , ધર્મ દ્વારા મારા આત્મામાં જાગી રહ્યા છે તેવો દઢ વિશ્વાસ રાખો . તમારી ઉપલબ્ધિ બાબત તમે જેટલા સ્પષ્ટ હશો તેટલી શ્રદ્ધા તીવ્ર બનશે . તમારામાં રહેલી શક્તિને પૂરેપૂરી કામે લગાવી દેવાની છે . શક્તિ વાપર્યા વગરની પડી રહે તો તેને કાટ ચડી જાય છે . પૂરી તાકાતથી ધર્મ કરો . ધર્મ સાથે જેટલી શક્તિ જોડાશે તેટલું જ ધર્મ , ઊંચું ફળ આપશે . • ધર્મ કરતી વખતે ધર્મના દરેક નિયમોનું ચુસ્તરીતે પાલન કરવાનું છે . ધર્મ કરો પણ જો અવિધિ ચાલુ રાખો તો ધર્મનું સાચું ફળ મળી શકતું નથી . ધર્મ ખૂબબધો કરો અને જે ધર્મ કરો તે પૂરેપૂરી વિધિ સાચવીને કરો .
પુણ્યશક્તિ અને ગુણશક્તિ . બેયનો પોતપોતાનો પ્રભાવ છે . પુણ્યની પ્રશંસા સૌ કરે છે કેમ કે પુણ્યને જોવાનું , સમજવાનું સરળ છે . ગુણની પ્રશંસા સૌ કરી શકતા નથી કેમ કે ગુુણને જોવાનું , સમજવાનું સરળ નથી . ગુણની તારીફ એ જ કરી શકે છે જે ગુણનો પ્રેમી હોય છે , ગુણનો અભિલાષી હોય છે , ગુણનો અન્વેષક અને અન્વીક્ષક હોય . આચાર્યભગવંતોના ગુણાનુવાદ એમનાં પુણ્ય પર કેન્દ્રિત રહીને થતા હોય એવું બનતું આવ્યું છે . આ પુસ્તિકામાં આચાર્યભગવંતના ગુણાનુવાદ એમના ગુણો પર કેન્દ્રિત છે . કાલિદાસે गुणा गुणानुबंधित्वात् એમ લખ્યું . એક ગુણ આવે છે તે બીજા દશ ગુણોને ખેંચી લાવે છે અને એના લીધે ગુણવાન્ વધુ ને વધુ ગુણવાન્ બનતો રહે છે . આ જ રીતે એક ગુણ જે સારી રીતે જોઈ શકે છે એને બીજા ગુણો પણ સારામાં સારી રીતે દેખાતા રહે છે . ગુણવાન્ કોઈ પણ હોય , ગુણ જોઈને જે હર્ષ થાય છે એ અનેરો જ હોય છે . ગુણવાન્ જો આપણા ગુરુ હોય તો ગુણ જોઈને જે હર્ષ થાય છે એનું સ્તર ઘણું ઊંચું હોય છે .
પરમ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાના ગુણો અને ગુણપ્રસંગો , એમના શિષ્યવૃંદની કલમે અહીં શબ્દાવતાર પામ્યા છે . સૂરિભગવંત ઉત્કૃષ્ટ દરજ્જાના શાસન પ્રભાવક છે , પ્રખર જ્ઞાની છે , મહામેધાવી માર્ગદર્શક છે , આધ્યાત્મિક પ્રવચનકાર છે , લોકપ્રિય કવિ છે , વિશિષ્ટ કક્ષાના વિષ્ટિકાર છે અને આ સિવાય તેેમનામાં બીજું ઘણુંબધું છે . એક અનોખું મહાન્ કાર્ય એમના અજોડ પ્રભાવથી સંપન્ન થયું છે , પૂર્વભારતનાં કલ્યાણ તીર્થોના જીર્ણોદ્ધારનું .
આવા ગુરુદેવના ગુણોને શિષ્ય લખે છે પ્રસંગોનાં રૂપમાં . નાનીનાની ઘટનાઓ છે જેમાં ગુરુદેવનું ગુણગૌરવ છતું થયું છે . દૂરથી પાણી લાવવાનો કંટાળો કરનાર શિષ્યને ગુરુદેવ પોતાના શિક્ષાકાળની વાત જણાવે છે . એક રૂપાળું ટેબલ કોઈ આચાર્યભગવંતને ભેટમાં અપાયેલું એની શિષ્યોને જાણ નહોતી . પખ્ખી પ્રતિક્રમણ માંડલીમાં ન કરવા બાબત ખુલાસો . પત્રિકામાં નામ ન લખનારા સાધ્વીજી પ્રત્યે નારાજ ન થવું . પાંચસો ગાથાનો રાત્રિસ્વાધ્યાય જેમણે નથી કર્યો એમને નિદ્રા લેવાની અનુમતિ ન આપી . પ્રવર્તિની પદ પ્રદાનમાં પોતાની મર્યાદા અખંંડ જાળવી રાખી . સાંજે પાણીનો ઘડો ફૂટી ગયો એ પછી સૂરિભગવંતે પાણી વાપરવામાં આનાકાની કરી અને ઓછું જ પાણી વાપર્યું .
ગુણ જેનામાં છે તેઓ સહજભાવે આ ગુણો દ્વારા નિજાનંદ અનુભવે છે . આ ગુણો જેમને જોવા મળે છે તેઓ પણ પ્રેરિત અને ઉપકૃૃત અને અહોભાવિત બને છે અને એ રીતે સાત્ત્વિક આનંદ પામે છે . આ ગુણો પ્રસંગ રૂપે લેખન પામે છે અને એનું વાંચન જે કરે છે એમને પણ પ્રેરણા મળે છે , ઉત્સાહિત કરનારી ઉર્જા મળે છે . ગુણો દરેક ભૂમિકાએ પોતાનો પ્રભાવ બતાવે જ છે .
અહીં પ્રેરક પ્રસંગો કુલ મળીને ૬૮ છે કેમ કે પુસ્તિકાલેખન સૂરિભગવંતના સંયમપર્યાયના ૬૮ વરસ પૂરા થયા એ નિમિત્તે થયું છે . આમ આ પુસ્તિકા આપણને અડસઠ પ્રસંંગતીર્થની યાત્રા કરાવે છે . શિષ્યવૃંદ ગુરુગુણલેખનના બીજા તબક્કામાં હવે , ૧૦૮ કે ૨૧૬ કે ૩૩૩ કે ૪૦૫ કે ૫૦૪ પ્રસંગોને લખવાનું લક્ષ રાખી શકે છે . પૂજ્યપાદ સૂરિભગવંતમાં ગુણો એટલાબધા છે કે જેમ જેમ ગુુણપ્રસંગો લખાતા જશે તેમ તેમ નવા નવા પ્રસંગો યાદ આવતા જ જશે .
અગણિત ગુણો થકી સ્વયંને સદા સુગંધિત રાખે છે સૂરિભગવંત . એ ગુણોની સુગંધથી જ ચતુર્વિધ સંઘને પ્રેરિત/ઉત્સાહિત રાખે છે સૂરિભગવંત . એ ગુણોને વંદન . એ ગુણોનો સુગંધ સ્પર્શ જેમને જેમને મળ્યો છે એ સૌ ધન્ય છે . એ ગુણોનું હૃદયસ્પર્શી લેખન કરનાર શિષ્યવૃંદનું આનંદપૂર્વક અભિવાદન .
( ચૈત્ર વદ બીજ , 8.4.2023 , નંદપ્રભા સંકુલ , ઋજુવાલિકા )
પ્રભુ , તમારી માટે થોડાં સપનાં જોયાં છે . પ્રભુ , તમારી માટે મારાં નયણાં રોયાં છે .
૧ . કૈવલ્ય માર્ગ અને શાસનસ્થાપના માર્ગ
રોજ બપોરે ત્રણ વાગ્યા બાદના સમયમાં હું મારી અટારીએથી ૠજુવાલિકાને જોતો રહું છું . સૂરજનું હાલતું ચાલતું પ્રતિબિંબ ૠજુવાલિકાનાં પાણીમાં ચળકતું હોય છે . વૈશાખ સુદ દશમે ત્રીજા પ્રહરના અંતે પ્રભુ કેવલજ્ઞાન પામ્યા ત્યારે નદીમાં આ જ પ્રતિબિંબ પથરાયેલું હતું . જેમ બપોરના ઉગ્ર સૂરજને જોવાનું મુશ્કેલ થાય છે તેમ આ પ્રતિબિંબને જોવામાં પણ આંખોને તકલીફ પડે છે . એ લાંબું અને ઝળહળતું પ્રતિબિંબ , આખી પશ્ચિમ દિશાને દેદીપ્યમાન બનાવી દે છે . બનારસમાં જેમ આહ્લાદક સૂર્યોદય જોવા માટે પૂર્વ દિશામાં વહેતી ગંગા સહજ ઉપલબ્ધ છે એમ બરાકરમાં મોડી બપોરે અને સાંજે , આંખોને આંજી દેનાર સૂર્યના પડછાયા જોવા માટે , ૠજુવાલિકા સહસા સમક્ષ રહે છે . એક વૈશાખ સુદ દશમની સાંજ , આશરે ૨૫૭૯ વરસ પૂર્વે ૠજુવાલિકામાં આવી હતી . પ્રભુએ એક ક્ષણની દેશના આપી દીધી હતી , દેવતાઓએ વરસાવેલા ફૂલો હજી ધરતી પર બિછાયેલા હતા , સમવસરણ હજી એમનું એમ ઊભું હતું , સમવસરણના ચારેય મુખ્ય દ્વારે પ્રગટેલી ધૂપની ધૂમ્રઘટા હજી હવામાં તરતી હતી , હજી અશોક વૃક્ષ આકાશને અડીને ઊભું હતું , હજી દુંદુભિનાદના પડઘા , વાતાવરણમાં ગુંજતા હતા , હજી ચામર અને છત્રત્રય , અવકાશમાં ઝૂલી રહ્યા હતા . હજી સોનાનું મહાસિંહાસન , પ્રભુના ક્ષણભરના સ્પર્શથી રોમાંચિત , પુલકિત દેખાતું હતું . આ બધાની ઉપર પેલો સાંજ સમયનો સૂરજ , સોનેરી અજવાસ પાથરી રહ્યો હતો . એ સાંજે ૠજુવાલિકાના સામા કિનારે ઊભા રહેલા લોકોને આ નદીમાં સમવસરણની પ્રતિછાયા પણ દેખાઈ હશે . ૠજુવાલિકા નદીમાં જ્યારે ઢળતા સૂરજની અને સમવસરણની ચમકિલી ઝલક પથરાયેલી હતી ત્યારે પ્રભુ વીરે , પાવાપુરી તરફ પ્રસ્થાન કર્યું હતું . એક જ રાતમાં વિહાર પૂરો થયો હતો . પાવાપુરીમાં વૈશાખ સુદ અગિયારસે , પ્રભુની છત્રછાયામાં શાસનસ્થાપના થઈ .
ૠજુવાલિકાથી પાવાપુરીનો માર્ગ એ શ્રી શાસનસ્થાપના મહામાર્ગ તરીકે પ્રસિદ્ધ થવો જોઈએ . એ મહામાર્ગ પર ચાલવા જેવું છે , એ રસ્તે વહેવા જેવું છે . એ પંથે કોઈ પથ્થર પર , કોઈ વૃક્ષના તળિયે , કોઈ પૂલની પાળી પર બેસવા જેવું છે . પ્રભુએ આ મારગડે , જતી વખતે પણ શ્વાસ લીધેલા અને આવતી વખતે પણ શ્વાસ લીધેલા . એ શ્વાસને વાયા વાયા વાયા સ્પર્શવા મળે એવી લાલચ સાથે , આ રસ્તા પર વધુમાં વધુ સમય વીતાવવો જોઈએ.
સવાલ એ છે કે ૠજુવાલિકાથી પાવાપુરીના માર્ગે શું કોઈ છ’રી પાલક સંઘ નીકળ્યો છે ? જવાબ છે : લગભગ , ના . શું આ માર્ગથી કોઈ છ’રી પાલક સંઘ નીકળવો જોઈએ ? જવાબ છે , હા . પ્રભુ વીરના ભક્તો માટે આ માર્ગનું મહત્ત્વ પણ ઘણું મોટું છે . પ્રભુ વીરે કેવળજ્ઞાન પામ્યા બાદ ૠજુવાલિકાથી પાવાપુરી તરફ વિહાર કર્યો હતો . ગૂગલ મેપથી જોઈએ તો , ૠજુવાલિકાથી પાવાપુરીના બે માર્ગ છે . એક માર્ગ ૧૭૭ કિલોમીટર લાંબો છે , આ રસ્તે નવાદા આવે છે . બીજો માર્ગ ૨૦૩ કિલોમીટર લાંબો છે .
કૈવલ્ય અવસ્થાનો સૌથી પહેલો વિહાર પ્રભુએ આ રસ્તેથી કર્યો . પ્રભુ વીરે શાસન સ્થાપના કરવા ૠજુવાલિકાથી પાવાપુરી તરફ વિહાર કર્યો હતો . એ વિહાર , આપણા સૌનાં આત્મકલ્યાણનો માર્ગ સ્થાપવા માટેનો વિહાર હતો . એ વિહાર , અગિયાર ગણધર ભગવંતો માટેનો વિહાર હતો . એ વિહાર , દ્વાદશાંગીની રચના માટેનો વિહાર હતો . એ વિહાર , ચંદનબાળાજીની દીક્ષા દ્વારા શ્રમણી સંઘની સ્થાપના માટેનો વિહાર હતો . એ વિહાર બારવ્રતધારી શ્રાવક શ્રાવિકાઓની પરંપરાનો પ્રારંભ કરાવવા માટેનો વિહાર હતો . એ વિહાર સાંજે થયો હતો . અને પાવાપુરીથી ૠજુવાલિકાનો માર્ગ …. શું આ માર્ગથી કોઈ છ’રી પાલક સંઘ નીકળ્યો છે ? જવાબ છે : એકાદ વાર નીકળ્યો હશે એ જુદી વાત . બાકી , આવો સંઘ નીકળ્યો છે એ સમાચાર દુર્લભ છે . શું આ માર્ગથી પણ છ’રી પાલક સંઘ નીકળવવા જોઈએ ? જવાબ છે , હા . પ્રભુ વીરના ભક્તો માટે આ માર્ગનું મહત્ત્વ ઘણું મોટું છે . પ્રભુ વીરે કેવળજ્ઞાન પામવા પાવાપુરીથી ૠજુવાલિકા તરફ આ મારગથી વિહાર કર્યો હતો . આ માર્ગને , શ્રી મહાવીર ભગવાન્ કૈવલ્ય માર્ગ તરીકે જોવો જોઈએ . છદ્મસ્થ અવસ્થાનો છેલ્લો વિહાર પ્રભુએ આ રસ્તેથી કર્યો . પ્રભુ કેટલા દિવસમાં પાવાપુરીથી ૠજુવાલિકા પહોંચેલા એનો કોઈ આંકડો મળતો નથી . આજની તારીખે આ રૂટ પર સરકારી રોડ તૈયાર છે . અમુક મહાત્માઓ આ રૂટથી વિહાર પણ કરી ચૂક્યા છે . આ માર્ગ પરથી પ્રભુનાં સ્મરણપૂર્વક વિહાર કરવો જોઈએ . શ્રીશાંબ અને પ્રદ્યુમ્નની યાદમાં જેમ સિદ્ધગિરિરાજ પર છ ગાઉની યાત્રા થાય છે , એવી રીતે પાવાપુરીથી ૠજુવાલિકાની યાત્રા થાય . આ રસ્તેથી છ’રી પાલક સંઘો નીકળતા હોય , વાહન વ્યવહાર દ્વારા યાત્રાપ્રવાસ ચાલુ રહેતા હોય એવી કલ્પના મનમાં રમી રહી છે . આ માર્ગ જ પહેલા તબક્કે કૈવલ્ય માર્ગ બન્યો હતો અને બીજા તબક્કે શાસનસ્થાપના માર્ગ બન્યો હતો .
પ્રભુનો આ કૈવલ્ય માર્ગ આજે ઉપલબ્ધ છે એની આપણને ખબર જ નથી . એ માર્ગની યાત્રાઓ કરવી જોઈએ એવો આપણને વિચાર જ નથી આવ્યો . વિચાર આવે , એ દુર્લભ બાબત હોય છે . એક વાર વિચાર શરૂ થાય એટલે એ સાકાર થવાનો જ છે .
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ પહેલું સપનું છે . કૈવલ્ય માર્ગ અને શાસનસ્થાપના માર્ગ , બેય માર્ગ યાત્રાળુઓથી ધમધમતા રહેવા જોઈએ .
૨ . વૈશાખ દશમનો મેળો
પોષ દશમનો મેળો જેમ શંખેશ્વરમાં દરવરસે ભરાય છે એમ વૈશાખ સુદ દશમનો મેળો ૠજુવાલિકામાં ભરાવો જોઈએ . પ્રભુનાં કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ પર સેંકડો અથવા હજારો લોકો ભેગા થયા હોય . કેવળજ્ઞાન કલ્યાણકની આરાધના કરવા સ્વરૂપે આરાધકોએ છઠ કર્યો હોય . એ તપ ન કરી શકનારા , બે આંબેલ કે બે એકાસણા કરે . આરાધના તરીકે , બે દિવસમાં સાડાબાર હજારનો જાપ કરવા માટે ૧૨૫ માળા કરવાની થાય . મંત્ર : ॐ ह्रीँ श्रीँ महावीर स्वामी सर्वज्ञाय नम: . બાકી ઉભયકાળ આવશ્યક ક્રિયા , ત્રિકાળપૂજા , આરતી , ભક્તિભાવના અને પ્રવચન . પ્રવચનનો વિષય કેવળજ્ઞાન કલ્યાણકને અનુરૂપ હોય .
વૈશાખ સુદ દશમની બપોરે , ત્રીજો પહોર પૂરો થાય તે વેળાએ નદીકિનારે જવાનું . પાણીને સ્પર્શ કર્યા વિના , પ્રભુને યાદ કરી , જાપ કરવાનો . ૠજુવાલિકાની ઓતરાદી દિશાએ આપણે બેઠા હોઈએ . આપણાથી દખણાદી દિશામાં આ નદી હોય અને નદીની પાછળ દક્ષિણમાં જ થોડેક દૂર વિરાટ સમેતશિખર ગિરિરાજ , ચોથા આરાના જોગંદર જેવી વિરાટ કાયા લઈને બેઠો હોય . એ ગિરિરાજ સમક્ષ ચૈત્યવંદન કરાય , વીશ તીર્થંકર કે પારસનાથ દાદાનું સ્તવન ગવાય . એ પછી મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન , પ્રભુનાં કેવળજ્ઞાન અને સમવસરણ સંબંધી સ્તવન ગવાય . જયવીયરાય અને અરિહંત ચેઈયાણં બોલાય , થોય ગવાય . તે પછી પ્રભુ વીરનાં અરિહંત પદની આરાધનાર્થે બાર લોગસ્સનો કાઉસગ્ગ થાય , પ્રભુ વીરનાં કેવળજ્ઞાનની આરાધનાર્થે એકાવન લોગસ્સનો કાઉસગ્ગ થાય . નદી કિનારે જ જિનાલય છે. ત્યાં સાંજની આરતી થાય , એ આરતી કેવળજ્ઞાન સંબંધી હોય . રાત્રે ભક્તિભાવના થાય . વૈશાખ સુદ દશમના છઠ સાથે પ્રભુએ મૌન ધારેલું એની યાદમાં બે દિવસની મૌનસાધના પણ થાય .
મહા મહિનો કે ફાગણ મહિનો આવે ત્યારથી ગુજરાત , રાજસ્થાન , મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ , ઉત્તરપ્રદેશ , પશ્ચિમ બંગાળ , ઝારખંડ , બિહારના સંઘોમાં એટલે કે પોતપોતાના સંઘમાં એવી જાહેરાત પહેલેથી જ થાય કેવૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા મહાતીર્થ જવું છે . વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા મહાતીર્થની યાત્રા કરવાનો મહિમા શું છે એનો સરસ પ્રચાર થાય . વધુમાં વધુ ભાવિકો યાત્રા કરવા આવે એ રીતનાં આયોજન થાય . આ વાતાવરણ સર્જાયું હોય એનું પરિણામ એ આવે કે વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા મહાતીર્થની ભૂમિ પર , સેંકડો સેંકડોની કે હજારો હજારોની ભીડ ઉભરાય .
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ બીજું સપનું છે . વૈશાખ સુદ દશમે , કેવળજ્ઞાન કલ્યાણકનો મેળો ભરાવો જોઈએ .
૩ . સૂરિમંત્ર , વર્ધમાન વિદ્યા આદિ મંત્રોની સાધના
પ્રભુ વીરે અન્ય અન્ય સ્થાનોમાં મોટાં મોટાં તપ આચર્યાં . છ મહિનાના ઉપવાસ . પાંચ મહિના પચીસ દિવસના ઉપવાસ . ચાર મહિનાના , ત્રણ મહિનાના , બે મહિનાના , દોઢ મહિનાના , એક મહિનાના ઉપવાસ , ઘણા થયા . પણ એ ઉપવાસોએ કેવળજ્ઞાન ના આપ્યું . પ્રભુએ ૠજુવાલિકામાં ફક્ત બે ઉપવાસ કર્યા અને મળ્યું કેવળજ્ઞાન . જોકે , સાડાબારવર્ષીય સમગ્ર તપસ્યાનું એ સાગમટું ફળ હતું . પરંતુ ૠજુવાલિકાની ભૂમિ પર , ફક્ત છઠનો તપ થયો અને કૈવલ્યલાભ થયો એ ઘટનાક્રમ વાસ્તવિક છે . પંચમકાળમાં સુવિહિત મર્યાદાનુસારી જાપવિધાન અત્યંત લાભકારી નીવડે છે . મહામંત્ર નવકાર , નવપદ મંત્ર . વીશ સ્થાનક મંત્ર . ચોવીશ તીર્થંકર ભગવંતોમાંથી કોઈ એક ભગવાનનો વિશેષ મંત્ર . ઉવસગ્ગહરં જેવા સ્તોત્રમાં નિહિત મંત્ર . કોઈ પણ એક વિદ્યામંત્ર . ગુરુનિર્દેશ અનુસાર મંત્રજાપ કરવાનો હોય છે . એ જાપ માટે ભૂમિ , તીર્થની હોય તો એક અનોખો શુદ્ધિયજ્ઞ સર્જાતો હોય છે .
સૂરિભગવંતો સૂરિમંત્રની પીઠિકા સાધે છે અને વિશિષ્ટ જાપ કરે છે . મહાત્માઓ વિવિધ પ્રકારે વર્ધમાન વિદ્યાની આરાધના કરે છે . શ્રમણી ભગવંતો કેટલાય મંત્રજાપ કરતા હોય છે . ગૃહસ્થોમાં – વિધિકારકો , ગીતકારો , ગાયક કલાકારો , પંડિતો , પ્રવક્તાઓ અને આરાધકો ચોક્કસ મંત્રજાપ કરતા હોય છે . પ્રાચીન પૂજનોમાં , પુરાતન સ્તોત્ર આધારિત અનુષ્ઠાનોમાં મંત્ર ઊર્જા અપરંપાર હોય છે . ૠજુવાલિકા નદીનો કિનારો , દરેક મંત્રસાધનાને અભિનવ ઓજસ આપી શકે છે .
આ તીર્થમાં રહેવાનું . યથાશક્તિ તપસ્યા સ્વીકારવાની . બાહ્ય પ્રવૃત્તિઓથી સ્વયંને મુક્ત રાખવાનો સંકલ્પ લેવાનો . નિયત કલાકો સુધી કે નિયત દિવસો સુધી મંત્રજાપ કરવાનો . ૠજુવાલિકાની ભૂમિ કેવલજ્ઞાન દાયિની છે . ૠજુવાલિકાની ભૂમિ પરમ સિદ્ધિ દાયિની છે . ૠજુવાલિકાની ભૂમિ સર્વોચ્ચ સાફલ્ય દાયિની છે .
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ ત્રીજું સપનું છે . અહીં ઘણાબધા સાધનાપ્રેમીઓ આવે , રોકાય . મંત્રસાધના અને મંત્રગર્ભિત સાધના કરે .
૪ . સ્ટેશન નહીં , જંક્શન બને
યાત્રાળુઓ , સમેતશિખરજી કે પાવાપુરીજી માટે નીકળે છે . વચ્ચે થોડો વખત ૠજુવાલિકાને આપી દે છે . સમેતશિખરજીને , જે યાત્રિકો એક કે બે દિવસ આપે છે , તે યાત્રિકો ૠજુવાલિકાને એક કે બે કલાક આપે છે . જે યાત્રિકો પાવાપુરીજીને આઠ કે દશ કલાક આપે છે તે યાત્રિકો , ૠજુવાલિકાને દોઢ કે એક કલાક આપે છે . આ દૃશ્ય બદલાવું જોઈએ . યાત્રિકો ૠજુવાલિકાને આઠ દશ કલાક કેમ ન આપે ?
નાનું સ્ટેશન હોય ત્યાં ગાડી થોડું રોકાય છે . જંક્શન હોય ત્યાં ગાડી ઘણું રોકાય છે . ૠજુવાલિકા સાથે સ્ટેશન જેવો વહેવાર થાય છે . યાત્રિકો ૠજુવાલિકા ઘણું રોકાય એવું કેમ ન બને ? શું સ્પેશિયલી ૠજુવાલિકા માટે જ યાત્રિક નીકળ્યા હોય , ૠજુવાલિકામાં જ બાર પંદર કલાક રોકાવાનું નક્કી હોય , એવી રીતે યાત્રા ન થાય ? ધારણા એવી છે કે ‘ દેરાસરમાં પૂજા પતી ગઈ એટલે યાત્રાનું મુખ્ય કાર્ય પતી ગયું , હવે નીકળો . ‘ ૠજુવાલિકા માટેની ધારણા પૂજા પૂરતી સીમિત ના રહી શકે . ૠજુવાલિકામાં , દિવસનો ચોથો પહોર પરમારાધ્ય છે , એ કૈવલ્યનો સમય છે , એ કર્મક્ષયનો સમય છે , એ મોહવિજયનો સમય છે . મધ્યગગનથી પશ્ચિમ તરફ ઢળતા સૂર્યના તડકા નદી ઉપર ઝબૂકતા હોય , ખુદ સૂરજ , ૠજુવાલિકાને અરીસો બનાવી એમાં , પોતાનો ચહેરો જોવા નીચે ઝૂકી રહ્યો હોય એ સમયે નદીકિનારે બેસવાનું હોય , સર્વજ્ઞાય નમઃ – ની ધૂન જગાવવાની હોય . અરિહંત પદનો અથવા પંચમ જ્ઞાનનો કાઉસગ્ગ કરવાનો હોય .
ચોવિહારનો સમય થાય તે પહેલાં નદીકિનારે આરાધના કરી લેવાની અને ચોવિહાર કર્યા પછી પંચમ જ્ઞાનની ભૂમિ પર પાંચ જ્યોતિવાળી આરતી કરવાની . આટલું કર્યું તે પછી જ ૠજુવાલિકાની યાત્રા પૂરી થઈ ગણાય . આ ધારણા બનવી જોઈએ . ૠજુવાલિકા તીર્થ ઉડતી મુલાકાત માટે નથી , ૠજુવાલિકા તીર્થ ઊંડી મુલાકાત માટે છે . ૠજુવાલિકામાં ઘણાબધા દેરાસરો નથી એટલે કામ પતાવીને ઝડપથી નીકળી જવાનું વલણ ન રાખવું જોઈએ . ૠજુવાલિકા સાથે જંક્શન જેવો વહેવાર થવો જોઈએ .
ખાસ વાત : એવું નથી કે પ્રભુ મહાવીર , સમેતશિખરજી માટે નીકળ્યા હતા અને થોડો વખત જ ૠજુવાલિકા રોકાયા . પ્રભુ ફક્ત અને ફક્ત ૠજુવાલિકા માટે જ નીકળ્યા હતા . પ્રભુ ફક્ત અને ફક્ત ૠજુવાલિકામાં જ રોકાયા હતા . પ્રાય:કથન એવું છે કે પ્રભુ વીર સમેતશિખરજી પધાર્યા નહોતા . તમે જો મહાવીર પ્રભુના ભક્ત છો તો , તમારે , ૠજુવાલિકાની મુખ્યતા યાદ રાખીને જ નીકળવાનું હોય . ૠજુવાલિકાને પૂરતો સમય આપી દીધો એ પછી , સમેતશિખરજીને પણ પૂરતો સમય આપવાનો . ૠજુવાલિકાને પૂરતો સમય આપવાનું રહી જાય એ ભૂલ છે . ભૂલથી બચવાનું . ભૂલ થવી ન જોઈએ એ યાદ રાખવાનું .
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ ચોથું સપનું છે . એક શામ , ૠજુવાલિકા કે નામ હોની ચાહિએ . આટલું તો દરેકે દરેક યાત્રિકે યાદ રાખવું જ જોઈએ .
૫ . ધૂણી રે ધખાવી , સ્વાધ્યાયની ધ્યાનની
ૠજુવાલિકાની ભૂમિ , શુભ વિચારોનાં નવતર આંદોલનો આપી શકે છે , આપે છે . અહીં દેરાસરમાં , ઉપાશ્રયમાં , બગીચામાં કે નદીકિનારે બેઠા હોઈએ એ વખતે મનને ઊંચું આલંબન આપી રાખવાનું . એક ઉત્તમ ગ્રંથનો પૂરેપૂરો સ્વાધ્યાય કરવાનો . એક શાસ્ત્ર પૂરેપૂરું સાંભળવાનું . એક સાત્ત્વિક પુસ્તક સંપૂર્ણ વાંચવાનું . જે વાંચ્યું કે સાંભળ્યું તેની પર સતત ચિંતન કરવાનું .
પ્રભુ વીરે અહીં અપૂર્વ કરણ સાધ્યું હતું . પ્રથમ અપૂર્વ કરણથી ગ્રંથિભેદ થાય અને સમકિત મળે . અપૂર્વ કરણ એટલે આજ સુધી ક્યારેય ન કર્યો એવો વિચાર કરવો . દ્વિતીય અપૂર્વ કરણ , કેવળજ્ઞાન અપાવે . ૠજુવાલિકામાં પ્રભુએ દ્વિતીય અપૂર્વ કરણ સાધ્યું જે પ્રભુને ક્ષપક શ્રેણિ સુધી લઈ ગયું હતું . એ ક્ષપકશ્રેણિ પ્રભુને કેવળજ્ઞાન સુધી લઈ ગઈ હતી . આ ભૂમિ એવા શક્તિશાળી વિચાર આપે છે જે સામાન્ય ભૂમિકામાં આવતા નથી . તીર્થનો ઉપયોગ કરવાનો છે , અપૂર્વ કરણ માટે . એવા શુભ વિચારો અંદર જગાડવાના જે આજ પહેલા જાગ્યા ન હોય . તીરથની ભૂમિ પર બેસીને , ફાલતુની ગપ્પાગોષ્ઠિ કરવાની નહીં , મોબાઈલ પર ચપડ ચપડ વાતો નહીં કરવાની . તીર્થની ભૂમિ પર બેસીને સારું સારું સતત વાંચવાનું , જે વાંચ્યું તે સતત વાગોળવાનું .
હજી એક વાત : અહીં ધ્યાનમગ્નતા સાધવાની છે . વિધવિધ મુદ્રાએ કાઉસગ્ગ કરવાના છે . ગોદોહિકા આસનમાં ખાસ્સોબધો સમય વીતાવવાનો . સૂત્ર , અર્થ અથવા તત્ત્વનાં ચિંતનમાં એકાગ્રતા પૂર્વક ડૂબવાનું . મનમાં ચાલી રહેલા સરેરાશ વિચારોને વિશ્રામ આપવાનો . એક શાંત , સુસ્વસ્થ માનસિકતા રાખવાની . આ ભૂમિ ઊંચો વિચાર આપવા માંગે છે . જે મનને સાત્ત્વિક બનાવી રાખે એને આ ભૂમિ ખરેખરો ઉચ્ચ વિચાર આપે છે . એટલું જ નહીં . જે ઉત્તમ વિચાર આ ભૂમિ આપે તે વિચારને સાકાર કરવાનું બળ પણ આ ભૂમિ આપે છે . જરૂર હોય છે , શાંત , પ્રસન્ન મને એકાગ્ર ધ્યાન રચવાની . આ સંકલ્પ નિર્માણની ભૂમિ છે અને સંકલ્પ સિદ્ધિની ભૂમિ છે .
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ પાંચમું સપનું છે . અહીં જ્ઞાનપ્રેમી , ધ્યાનપ્રેમી જનો લાંબો નિવાસ કરે . સ્વાધ્યાય અને ધ્યાનની ધૂણી ધખાવે .
૬ . આરાધકોની આરાધનાઓ અવતરે
સામૂહિક ચાતુર્માસ થાય , નવપદની ઓળીઓ થાય . ઉપધાન યોજાય . છ’રીપાલક સંઘ નીકળે અથવા આવે . જીવિત મહોત્સવ . વાચના શ્રેણિ . સદ્ ધ્યાન સાધક ઉપક્રમ . મહા અભિષેક . વિશિષ્ટ અનુષ્ઠાનો . પ્રાચીન પૂજાઓ , પૂજનો .
ૠજુવાલિકાની ભૂમિ પર આ બધું જ સંભવી શકે છે . આપણે લોકો અમુક જ તીર્થોમાં આ બધું કરતા હોઈએ છીએ . પ્રભુ વીરનાં કૈવલ્યતીર્થમાં આરાધનાઓ વધે તે માટે જે વિચારી શકાય , જેટલું વિચારી શકાય , જે રીતે વિચારી શકાય – વિચારવું જ જોઈએ .
દુઃખની વાત છે કે પ્રભુ વીરની કૈવલ્યભૂમિ પર ભારતના સંઘોનું ધ્યાન ઘણું ઓછું છે . ઉપેક્ષાનું વલણ આ બહાનાઓમાંથી આવે છે : દૂર પડે છે , બીજા તીર્થોમાં પણ જવાનું હોય છે , વ્યવસ્થાઓ ઓછી છે , ગરમી બહુ છે , આ નાનું ગામડું છે વગેરે વગેરે . આ બહાનાઓની સામે એક જ વાક્ય લખવાનું છે : આ દેવાધિદેવ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી પરમાત્માની કૈવલ્ય ભૂમિ છે .
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ છટ્ઠું સપનું છે . ભારતભરના આરાધકો આવે . રોકાય અને ઘણી ઘણી આરાધનાઓ કરતા રહે . દેરાસરો ખાલી ન દેખાય . ઉપાશ્રયો સૂના ન રહે . ભોજનશાળા અને ધર્મશાળામાં લાંબા સમયનો સન્નાટો ના રહે .
૭ . સ્વર્ગીય વાતાવરણનો નઝારો
+ સવારે અને સાંજે પંખીઓનો કલબલાટ ગજબ હોય છે . મોટા મોટા વૃક્ષો પર સાંજે ઉતરી આવે છે અગણિત પંખીડાઓ . એમની ઉડાન . એમની ટોળાબંધી . એમનો અસ્ખલિત અવાજ . એમની ફફડતી પાંખો . વરસો વરસો પૂર્વે પ્રભુ વીરનું સર્વપ્રથમ સમવસરણ અહીં રચાયું હતું ત્યારે તિર્યંચ્ પર્ષદામાં જે પક્ષીઓ આવ્યા હશે એમના આ વારસદારો છે . પોતાના પૂર્વજો પાસેથી સાંભળેલી સમવસરણની કહાની એ પંખીડાઓ એકબીજાને સંભળાવતા હોય છે . શહેરી સાંજથી તદ્દન વિપરીત , આ તીર્થની સાંજ વાહનનાં ઘોંઘાટથી મુક્ત છે .
+ નદીના દોડતાં પાણી મીઠો સાદ સુણાવે છે . એ જાણે કહે છે કે અમે પ્રભુને જોયા છે . તમે જોયા છે ? શું પ્રભુનું રૂપ હતું ? શું પ્રભુનો ધ્વનિ હતો ? શું પ્રભુની ગતિ હતી ? શું પ્રભુની આંખો હતી ? શું પ્રભુનું આસન હતું ? શું પ્રભુની ગતિ હતી , ચાલ હતી ? તમે નદીનો એ સાદ સાંભળો એટલે તમને સમજાય કે પ્રભુને જોવાનો હરખ કેવો હોય , એ ગદ્ગદભાવ કેવો હોય , એ ઉલ્લાસ ઉમંગ કેવો હોય ? ક્યાંક પાણી પથ્થરોને અફળાય છે અને વળ ખાય છે , ક્યાંક પાણીની ધારા પથ્થરને ટકરાઈટકરાઈને ધુંવાદાર ફીણ ઉડાડે છે . ક્યાંક ચૂપચાપ સરકતાં નીર છે , ક્યાંક જળના નૈસર્ગિક કુંડ બનેલાં દેખાય .
+ નદીના સામા કિનારે ઘેરો જંગલવિસ્તાર છે . નદીનો ઢાળ ઊંડો છે . એની નાનીઅમથી ટેકરી જેવી ઊંચાઈએથી જંગલ શરૂ થાય છે . એ જંગલમાં હાથીનાં ટોળાં ફરે છે . જંગલ સમેતશિખરજીથી છત્તીસગઢ સુધી ફેલાયેલું છે . આદિવાસીઓ ઘણા વસે છે . ઝારખંડી સંસ્કૃતિની તમામ ધારાઓ આ જંગલમાં ધ્રબુકતી રહે છે . જંગલની વચાળે ટેકરીઓ ઉપસેલી છે .
+ શિયાળામાં વહેલી સવારના ધુમ્મસ ફેલાય છે . એના પટલ એકદમ સ્વર્ગીય દૃશ્યો રચે છે . બારીમાંથી બહાર બધું ઝાંખું થઈ જાય . નદી ગાયબ . દેરાસર અલોપ . બારીના કાચ પર વરાળના લાંબા લાંબા રેલા . વૃક્ષોનાં પાંદડાં ઓસબિંદુઓનાં ઘરેણાં પહેરી લે . ફૂલની પત્તીઓ ઝાકળની ચાદર ઓઢી લે . ઘાસમાં ભીનાશનું રેશમ વર્તાય . ધુમ્મસના પાલવમાં બેસેલું તીર્થ , ચોથા આરાની અનુભૂતિ કરાવે છે . + વરસાદ બહુ જ જોશથી પડે . પાણીની ધાર જમીનને ફાડી નાંખે . આંધીનો વેગ ધરતીકંપ જેવો પવનકંપ ફેલાવે . વીજળીના પ્રચંડ કડાકા , છાતીના ધબકારા વધારી દે . વરસાદ વરસતો હોય ત્યારે જમીન પર દરિયા જેવું પાણી ઉભરાઈ આવે અને ગાંડી હવા ચારેકોર ઊંચા ઊંચા સમંદરી મોજાં જેવું પાણી ઉછાળે . વરસાદ સિવાય બીજું કશું દેખાય જ નહીં . એ વરસાદનો ઘોર નાદ , કાનને ફાડી નાંખે . આવું ઘણું છે ૠજુવાલિકામાં . તમે આવશો , રોકાશો તો બધું જોવા મળશે . સ્વર્ગીય વાતાવરણનો નઝારો એટલા માટે ગમે કારણ કે એની પર પ્રભુ વીરની છાયા પથરાયેલી છે . ઉર્દૂ શાયર નવાઝ દેવબંદીની બે કડી યાદ આવે : वो घडी दो घडी जहां बैठे वो जमीं महके वो शझर महके . અર્થ : જ્યાં તમે ઘડી બે ઘડી બેઠા હતા ત્યાંની જમીન અને વૃક્ષમાંથી કાયમ સુગંધ નીતરે છે .
ૠજુવાલિકાની આત્મકથા : મેરે સાહેબને મુજકો બહોત કુછ દિયા : મહાતીર્થની ૨૧ વિશેષતાઓ …..
હું ઋજુવાલિકા નદી છું . ભારત દેશમાં ગંગા , સિંધુ , નર્મદા , કાવેરી , બ્રહ્મપુત્રા જેવી મહાન્ નદીઓ અવિરત વહેતી રહે છે . આ બધી નદીઓની સામે હું તો સાવ પામર અને વામણી લાગું . મને મારામાં કશુંક છે એવો અહેસાસ જ નહોતો . જંગલોની વચ્ચેથી વહેતાં વહેતાં જિંદગી ગુજારી દેવાની છે એટલું જ હું જાણતી હતી . મેં કોઈ મોટું સપનું જોયું નહોતું . મોટું સપનું જોઈ શકાય છે એવો વિચાર પણ મનમાં આવ્યો નહોતો . જે સપનું મેં જોયું નહોતું એ સપનું અચાનક જ સાકાર થઈ ગયું . જે યોગ્યતા મારામાં મનેં દેખાઈ ન હતી . એ યોગ્યતા અચાનક મારામાં પ્રગટ થઈ ગઈ . આજે મનેં લાખો લાખો લોકો ઓળખે છે . મેં તો એવું કશું કર્યું નથી કે લોકો મારી પાસે આવે . પરંતુ એક વાર , મારા કિનારે , મારા સાહેબ આવ્યા હતા . મારા સાહેબે મારા કિનારે બિરાજીને તપસ્યા કરી હતી , સાધના કરી હતી , ગોદોહિકા આસન ધારણ કર્યું હતું , કર્મક્ષય કર્યો હતો અને અનંત જ્ઞાન ઉપાર્જીત કર્યું હતું . મારા સાહેબ જ્યાં જાત ત્યાં એમને કેવળજ્ઞાન મળી શકત . પરંતુ મારા સાહેબે કેવળજ્ઞાન પામવા માટે મારા કિનારાને યાદ કર્યો , મને યાદ કરી એ મારા જીવનનું અનંત સૌભાગ્ય છે . મને તો મારા સાહેબ , તરીકે કોઈક છે એવી પણ કલ્પના નહોતી . મારા સાહેબ આવ્યા . મેં એમને કશું માનસન્માન આપ્યું નહીં પરંતુ એમણે મનેં ભરપૂર માન સન્માન અપાવ્યું . મારા સાહેબે મારાં પાણીને સ્પર્શ નથી કર્યો , મારી સહજ સુંદરતાને નજરે નિહાળી સુદ્ધાં નથી . મારા સાહેબ નિર્લિપ્તતાની ટોચ પર હતા . એ એમની નિજાનંદ અવસ્થામાં નિમગ્ન હતા . અહીં આવીને એમણે જે મેળવ્યું એ શું હતું તે હું જાણતી નથી કેમ કે હું અજ્ઞાની છું . મને એટલી ખબર છે કે મારા સાહેબે મારી જિંદગીને બે દિવસમાં જ બદલી નાંખી હતી . મેં જોયું છે . મારા સાહેબ આવ્યા એની પહેલાં હું એક નોંધારી નદી હતી . કિનારાના પથ્થરો પર માથું ટીંચીને જિંદગી ગુજારી રહી હતી . મારા સાહેબ આવ્યા . એ પછી મને મારામાં કશુંક છે એવું ભાન થયું . મને સભાન અવસ્થા આપનાર મારા સાહેબે મારી પર કેટલા ઉપકારો કર્યા છે એ હું દિવસ રાત વિચારતી રહું છું . એક એક ઉપકારો યાદ આવે છે . અને એમ થાય છે કે મેરે સાહેબને મુજકો બહોત કુછ દિયા .
પ્રથમ ઉપકાર : ક્ષપક શ્રેણીની સાધના
મારા સાહેબે મારા તટ પ્રદેશ પર બિરાજીને ગોદોહિકા આસન ધારણ કર્યું હતું . સાડા બાર વરસની તપસ્યા અને આત્મશુદ્ધિ , એ જ હતી ગાય . વૈશાખ સુદ દસમે એ ગાયનું દોહન કરવાનો સમય આવી પહોંચ્યો હતો . મારા કિનારે પ્રભુ દોહન કરવા બેઠા હતા . પ્રભુએ અપૂર્વ કરણ , અનિવૃત્તિ કરણ અને સૂક્ષ્મ સંપરાય , આ ત્રણ ગુણ સ્થાનકને સ્પર્શ કર્યો હતો . મારા સાહેબ અહીં આવ્યા ત્યારે તે છઠ્ઠાસાતમા ગુણસ્થાનકે બિરાજમાન હતા . એ અવસ્થા પણ અનુપમ હતી . પરંતુ કેવળ જ્ઞાન પામવા માટે ક્ષપક શ્રેણી સાધવી પડે છે . મારા સાહેબે ચાર ઘાતી કર્મના ક્ષયનો પ્રારંભ કર્યો અપૂર્વ કરણ દ્વારા , ઘાતી કર્મના ક્ષયની પ્રક્રિયાને ઉત્કૃષ્ટ બનાવી અનિવૃત્તિકરણ દ્વારા અને ઘાતી કર્મના ક્ષયની મહાપ્રક્રિયાને નિર્ધારિત પરિણામ સુધી પહોંચાડી સૂક્ષ્મ સંપરાય દ્વારા . આત્મા સમગ્ર સંસારજીવનમાં એક જ વાર ક્ષપક શ્રેણીની સાધના કરી શકે છે . મારા સાહેબનાં સમગ્ર સંસારજીવનની આ એકમાત્ર ક્ષપક શ્રેણી હતી . ઘાતી કર્મના નાશની પ્રક્રિયા સ્વરૂપ ક્ષપક શ્રેણી સાધવા માટે મારા સાહેબે મારા કિનારાની ભૂમિ સ્વીકારી . મારા સાહેબનો મારી પર આ સર્વપ્રથમ ઉપકાર છે .
દ્વિતીય ઉપકાર : વીતમોહ અવસ્થા
ક્ષપક શ્રેણીની સાધનાનું સમાપન બારમાં ગુણસ્થાનકે થાય છે . વીતમોહ અવસ્થા . ક્રોધ , માન , માયા અને લોભ આ ચાર કષાય અને હાસ્ય , રતિ , અરતિ , ભય , શોક જુગુપ્સા , પુરુષ વેદ , સ્ત્રી વેદ , નપુંસક વેદ આ નવ નોકષાય આત્મા પરથી પૂર્ણતયા હટી જાય એ અતિશય દુર્લભ અવસ્થા છે . એકવાર કષાય અને નોકષાય સ્વરૂપ મોહનીય કર્મ આત્મા પરથી હટી જાય તે પછી એ ફરીથી આત્મા પર આવી શકતું નથી . આ અવસ્થાને જ બારમું ગુણ સ્થાનક કહેવાય છે . ધર્મ સાધનાનું લક્ષ્ય છે આ વીતરાગ ભાવ . પ્રભુ જન્મથી જ નિર્મોહી હતા . મોહનીય કર્મ પ્રભુને પરેશાન કરી શકે એવું તો ક્યારેય બન્યું નથી . પરંતુ સત્તામાં પડેલા મોહનીય કર્મનો બારમા ગુણ સ્થાનકે સદંતર અભાવ સિદ્ધ થયો . પ્રભુનું લક્ષ્ય જ હતું આ વીતરાગ ભાવ . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર મોહનીય કર્મનો નાશ કર્યો એ મારા સાહેબનો મારી ઉપરનો બીજો ઉપકાર છે .
તૃૃતીય ઉપકાર : કેવલજ્ઞાન અને એની સર્વપ્રથમ ક્ષણ .
મારા સાહેબને જે ક્ષણે કેવલજ્ઞાન થયું એ ક્ષણે એમને સર્વ પ્રથમ વાર સમગ્ર વિશ્વને પૂર્ણ રૂપે જાણી લીધું હતું . મારા સાહેબે કેવલ જ્ઞાનની પ્રથમ ક્ષણે જીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ જાણી લીધો . મારા સાહેબે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે અજીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ પણ જાણી લીધો . જીવ અને અજીવ સિવાય બીજું શું છે આ વિશ્વમાં ? કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જે જાણ્યું એ પરિપૂર્ણ જાણ્યું . એના પછીના સમય માટે નવું કશું જાણવાનું બાકી ના રહ્યું . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર જ્ઞાન આવરણ કર્મનો નાશ કર્યો , કેવલ જ્ઞાનની પ્રથમ ક્ષણે મારા જ કિનારેથી સમગ્ર વિશ્વને સૌ પ્રથમ વાર પરિપૂર્ણ રીતે જાણ્યું . આ એમનો મારી પરનો ત્રીજો ઉપકાર છે .
ચતુર્થ ઉપકાર : કેવલ દર્શન અને એની સર્વપ્રથમ ક્ષણ .
મારા સાહેબને જે ક્ષણે કેવલ દર્શન થયું એ ક્ષણે એમણે સર્વ પ્રથમ વાર સમગ્ર વિશ્વને પૂર્ણ રૂપે જોઈ લીધું હતું . મારા સાહેબે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ જોઈ લીધો . મારા સાહેબે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે અજીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ પણ જોઈ લીધો . જીવ અને અજીવ સિવાય બીજું શું છે આ વિશ્વમાં ? કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જે જોયું એ પરિપૂર્ણ જોયું . એના પછીના સમય માટે નવું કશું જોવાનું બાકી ના રહ્યું . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર દર્શનાવરણ કર્મનો નાશ કર્યો અને કેવલ દર્શનની પ્રથમ ક્ષણે મારા કિનારેથી સમગ્ર વિશ્વને સૌ પ્રથમ વાર પરિપૂર્ણ રીતે જોયું આ એમનો ચોથો ઉપકાર છે .
પાંચમો ઉપકાર : અનંત આનંદ ઊર્જાનું અનાવરણ
ચાર ઘાતી કર્મમાં ચોથું કર્મ છે અંતરાય કર્મ . અંતરાય કર્મનો પૂર્ણ નાશ થવાથી આત્મા અવર્ણનીય આનંદસ્ફૂર્તિ અને અંતરંગ તાજગી અનુભવે છે . આત્માની અપરિસીમ ઊર્જા , એ આત્માના અનંત આનંદનું આધારસૂત્ર છે . એકધારી એકસરખી આનંદ અવસ્થામાં સતત અને સતત પ્રસન્નતા અને ઉલ્લાસનો ઝગમગાટ અખંડ વરતાયેલો રહે છે . આ આનંદ અવસ્થા પ્રથમ ક્ષણે જેવી હતી એવી ને એવી જ અનંત કાળ સુધી બનેલી રહે છે . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર અંતરાય કર્મનો નાશ કર્યો અને અનંતાનંદી અવસ્થાની સૌ પ્રથમ ક્ષણ મારા કિનારે સાધી એ એમનો પંચમ ઉપકાર છે .
છટ્ઠો ઉપકાર : આઠ પ્રાતિહાર્યનું પ્રાગટ્ય .
મારા સાહેબને કેવળજ્ઞાન થયું એ સાથે જ એમની સેવામાં આઠ પ્રાતિહાર્ય ઉપસ્થિત થઈ ગયા હતા . અશોક વૃક્ષ . સુર પુષ્પ વૃષ્ટિ . દિવ્ય ધ્વનિ . ચામર . સિંહાસન . ભામંડલ . દુંદુભિનાદ . છત્ર ત્રય . આ અષ્ટ મહાપ્રાતિહાર્યનું સ્મરણ કરવાથી પણ કર્મનો ક્ષય થતો હોય છે . મહાયોગીઓ અને મહર્ષિઓ આમનું ધ્યાન પણ ધરતા હોય છે . જેમનું ધ્યાન પણ મહા પુણ્યકારી ગણાય એ મહાપ્રાતિહાર્ય આ ભૂમિ ઉપર સૌ પ્રથમ વાર સાક્ષાત્ સ્વરૂપે પ્રગટ થયા એ મારા સાહેબનો મારી પરનો છઠ્ઠો મહાન્ ઉપકાર છે .
સાતમો ઉપકાર : ત્રિલોકમાં કૈવલ્યતીર્થ તરીકે પ્રસિદ્ધિ મળી
ૠજુવાલિકાની ભૂમિ એકાંત સ્થાને વસેલી છે . લોકોની વસ્તી દૂર છે . અવરજવર બહુ જ ઓછી . પ્રભુને પણ એકાંત જ જોઈતું હતું . સાવ એકાંત સ્થાનમાં પ્રભુ ધ્યાનસ્થ થયા . પ્રભુને કૈવલ્યનો લાભ જ્યાં થયો એ મનુષ્ય લોકનો એક અજાણ્યો ખૂણો હતો . પ્રભુના પ્રભાવે કૈવલ્યના સમાચાર , આ ખૂણેથીત્રણ લોકમાં વિસ્તરી ગયા . આ ભૂમિને ત્રિલોકમાં કૈવલ્ય તીર્થ તરીકે પ્રસિદ્ધિ મળી . આ ભૂમિ પર અગણિત દેવતા આવ્યા અને એમણે ઘણીબધી રીતે આનંદનૃત્ય કર્યાં . મારી સાધારણ જેવી ભૂમિને મારા સાહેબે ત્રિલોક વિશ્રુત મહાતીર્થનું ગૌરવ અપાવી દીધું એ મારા સાહેબનો સાતમો ઉપકાર છે .
આઠમો ઉપકાર : સમવસરણની રચના
સમવસરણ દેવતાઓની પ્રિય રચના છે . ભવનપતિ , વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો સાથે મળીને સમવસરણ રચે છે . આ દેવો એકવાર પણ જ્યાં સ્વયં સમવસરણ રચ્યું હોય એ સ્થાનને યાદ રાખે છે . એકવાર જ્યાં સમવસરણ બન્યું એ ભૂમિ સમવસરણતીર્થ તરીકે વંદનીય બને છે . મારા સાહેબના પ્રભાવે મારા કિનારે સમુત્તુંગ સમવસરણ રચાયું . મારી સાધારણ ભૂમિ , સમવસરણ ભૂમિ તરીકે આદરણીય બની ગઈ એ મારા સાહેબનો આઠમો ઉપકાર છે .
નવમો ઉપકાર : સમવસરણની પરંપરાનો પ્રારંભ
મારા સાહેબ કેવલજ્ઞાની બન્યા પછી ત્રીસ વરસ સુધી ધરાતલ પર વિહર્યા . ત્રીસ વરસમાં એમની માટે કુલ મળીને કેટલાં સમવસરણ બન્યાં હશે ? ગણના ન થઈ શકે . એ તમામ સમવસરણોમાંનું સૌ પ્રથમ સમવસરણ ૠજુવાલિકાની આ ભૂમિ પર બન્યું . મારા સાહેબ અહીં પધાર્યા ત્યારે એમની માટે સમવસરણ બનતાં નહોતાં . અહીથી પ્રસ્થાન કરીને મારા સાહેબ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં એમની માટે સમવસરણ બનતાં રહ્યાં . પ્રભુ હવે રોજેરોજ સમવસરણમાં બિરાજમાન થશે , એવી ત્રીસવર્ષીય પરંપરાનો પ્રારંભ આ ભૂમિ પરથી થયો , એ મારા સાહેબનો નવમો ઉપકાર છે .
દશમો ઉપકાર : મૌન સમાપન
મારા સાહેબ સાડાબાર વરસથી મૌન ધારણ કરી ચૂક્યા હતા . કોઈની સાથે બોલવું નહીં . કોઈને જવાબ આપવો નહીં . કોઈને કશું કહેવું નહીં . મારા સાહેબે ૠજુવાલિકાની ભૂમિ પર એક ક્ષણની જે ફરમાવી તે દેશના ભલે એક ક્ષણની હતી પણ એ દેશના થકી સાડાબાર વરસનાં મૌનનું સમાપન કર્યું હતું . પ્રભુ મૌન રાખે એ પણ ઉપકારક જ હોય , પ્રભુ મૌન ત્યાગે એ પણ ઉપકારક જ હોય . મૌન સમાપન એ પ્રભુનો દશમો ઉપકાર છે .
અગિયારમો ઉપકાર : મહાદેશનાની સર્વ પ્રથમ ક્ષણ
મારા સાહેબની પ્રથમ દેશનાને નિષ્ફળ દેશના પણ કહેવામાં આવે છે. કોઈએ દીક્ષા ગ્રહણ ન કરી એટલે આવું પ્રતિપાદન થાય છે . પરંતુ અહીંની એક ક્ષણ દ્વારા પ્રભુએ ત્રીસવર્ષીય દેશનાધારાનો મહામંગલકારી પ્રારંભ કર્યો હતો . ૩૦ વર્ષ સુધી પ્રભુએ બોલવાનું ચાલુ રાખ્યું . પ્રભુ પ્રાયઃ બે પ્રહરની દેશના ફરમાવતા . બે પ્રહર એટલે છ કલાક થાય . ૩૦ વર્ષના દિવસ ગણાય આશરે ૧૦.૮૦૦ . જાડી ગણત્રી માંડીએ તો મારા સાહેબ ત્રીસ વરસમાં ૬૦.૦૦૦ કલાક બોલ્યા . એ ૬૦.૦૦૦ કલાકની મહાદેશનાની સર્વ પ્રથમ ક્ષણ ૠજુવાલિકાની ભૂમિને મળી હતી એ મારા સાહેબનો અગિયારમો ઉપકાર છે .
બારમો ઉપકાર : યક્ષ અને યક્ષિણીનું પ્રાગટ્ય
મારા સાહેબ પ્રથમ વાર સમવસરણમાં બિરાજમાન થયા ચારેય નિકાયના દેવતાઓ ઉપસ્થિત થયા . કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિતનાં દશમા પર્વમાં લખે છે કે પ્રથમ સમવસરણમાં માતંગ યક્ષ અને સિદ્ધાયિકાદેવી પ્રગટ થયા હતા. અહીંથી માતંગ યક્ષને પ્રભુતીર્થના અધિષ્ઠાયક દેવની ભૂમિકા મળી . અહીંથી જ સિદ્ધાયિકાદેવીને પ્રભુતીર્થના અધિષ્ઠાયિકાદેવીની ભૂમિકા મળી . આ બંને ૩૦ વર્ષ સુધી પ્રભુની સેવામાં જોડાયેલા રહ્યાં . પ્રભુનાં મોક્ષ ગમન પછી જ્યાં જ્યાં પ્રભુનું મંદિર છે , બિંબ છે , પરિકર છે , અનુષ્ઠાન છે , તીર્થ છે , યંત્ર છે ત્યાં ત્યાં આ યક્ષ અને યક્ષિણી પ્રભુની સેવામાં અદૃશ્ય સ્વરૂપે ઉપસ્થિત રહે છે . આ બંને મારા સાહેબ સાથે ૠજુવાલિકાની ભૂમિ પરથી જોડાયાં એ મારા સાહેબનો બારમો ઉપકાર છે .
તેરમો ઉપકાર : સાક્ષાત્ ચરણનો સ્પર્શ
પ્રભુની કાયાનો સ્પર્શ જેને મળે એને સાક્ષાત્ પ્રભુનો સ્પર્શ મળ્યો એમ જ કહેવાય . મારા સાહેબ અહીં ખુલ્લા પગે પધાર્યા હતા . એમના બે પગના દશ આંગળા , એમનો કમળકોમળ પંજો , એમાં વસેલાં સામુદ્રિક લક્ષણો અને એ ચરણમાં વસેલી અનંત ઊર્જા . આનો આખેઆખો સ્પર્શ ૠજુવાલિકાની ભૂમિને મળ્યો છે . મારા પથ્થરોમાં પ્રભુનો સ્પર્શ વસેલો છે . મારી લાલ અને પીળી માટીમાં અને રેતીમાં પ્રભુનો સ્પર્શ વસે છે . પથ્થર , માટી , રેતી કેવળ કુદરતનો હિસ્સો હતા . એને તીર્થની પૂજનીયતા આપી મારા સાહેબે . મારા સાહેબનો ચરણ સ્પર્શ મારી રેતીમાં , મારી માટીમાં અને મારા પથ્થરમાં વસે છે એ મારા સાહેબનો તેરમો ઉપકાર છે .
ચૌદમો ઉપકાર : શ્વાસોશ્વાસનો સુગંધ સ્પર્શ
મારા સાહેબ અહીં આવ્યા . એ શ્વાસ લેતા હતા . તીર્થંકરના શ્વાસમાં ફૂલોની સુગંધ વસેલી હોય છે . મારા સાહેબ અહીં આશરે ૪૮ કલાક રોકાયા હશે . મારા સાહેબના શ્વાસમાં સુગંધ હતી . મારા સાહેબના શ્વાસમાં ઉર્જા હતી . મારા સાહેબ અહીંથી ગયા પરંતુ પોતાના શ્વાસની સુગંધ અને ઊર્જા મૂકતા ગયા . અહીંની હવામાં મારા સાહેબની સુવાસનો અને ઊર્જાનો સ્પર્શ વસે છે . મારા સાહેબનો આ ચૌદમો ઉપકાર છે .
પંદરમો ઉપકાર : ધ્યાનભૂમિનું નિર્માણ
મારા સાહેબે આ ભૂમિ પર શુક્લધ્યાન ધારણ કર્યું હતું . આમ તો આ ક્ષપક શ્રેણીનો જ હિસ્સો ગણાય . પણ ધ્યાન શબ્દમાં એક વજન છે . મારા સાહેબે આ ભૂમિ પર એ રીતે ધ્યાન ધારણ કર્યું કે મોહનીય કર્મનો નાશ થઈ ગયો . મારા સાહેબે સાડાબાર વરસમાં છ મહિનાના ઉપવાસ પણ કર્યા , ચાર મહિનાના , ત્રણ મહિનાના , બે મહિનાના , દોઢ મહિનાના , એક મહિનાના ઉપવાસ વારંવાર કર્યા . પરંતુ મોહનીયનો નાશ બાકી રહી જતો હતો . મારા સાહેબ અહીં પધાર્યા અને ફક્ત બે ઉપવાસ કર્યા એમાં મોહનીયના ભુક્કા બોલાઈ ગયા . મારા સાહેબ જ્યાં ધારે ત્યાં જઈને કેવળ જ્ઞાન હાંસિલ કરી શકે પણ મોહનીય કર્મનો ક્ષય કરવા માટે મારા સાહેબે આ ભૂમિ ઉપર ધ્યાન ધરવાનું સ્વીકાર્યું . મારા સાહેબે આ ભૂમિને ધ્યાન ભૂમિ બનાવી દીધી. અહીં આજે કોઈપણ મંત્ર જાપ કરો , સ્તોત્ર પાઠ કરો , કોઈપણ સૂત્રનો સ્વાધ્યાય કરો , તમને મારા સાહેબનાં ધ્યાનની ઊર્જાનો તુરંત અનુભવ થશે . મારા સાહેબે આ ભૂમિને ધ્યાનની ભૂમિ બનાવી દીધી છે . એ મારા સાહેબનો પંદરમો ઉપકાર છે .
સોળમો ઉપકાર : અરહસ્યભાગી અવસ્થાનો સ્વીકાર
દીક્ષાની પહેલી રાતે ઇન્દ્રએ પ્રભુને વિનંતી કરી હતી કે હું આપની સેવામાં રહીશ . એ વખતે મારા સાહેબે દેવતાની સેવાનો અસ્વીકાર જાહેર કરી દીધો હતો . સાડાબાર વર્ષ સુધી મારા સાહેબે દેવતાઓની સેવાનો અસ્વીકાર ચાલુ જ રાખ્યો હતો . પરંતુ , ભવ્ય જીવો ઉપર ઉપકાર કરવાનો સમય આવી ગયો હતો એ હેતુથી મારા સાહેબે દેવતાઓની સેવા લેવાનો પ્રારંભ કર્યો . બારસાસૂત્રમાં લખ્યું છે કે ૠજુવાલિકાતીરે મારા સાહેબ અરહસ્યભાગી બન્યા . અર્થાત્ ૠજુવાલિકા આવતા પહેલાં મારા સાહેબેપોતાની સેવામાં કોઈને રાખ્યા નહોતા . અહીં પધાર્યા એ પછી , ઓછામાં ઓછામાં એક કરોડ દેવ પોતાની સેવામાં રહેશે એ ભૂમિકાનો મારા સાહેબે સ્વીકાર કર્યો હતો . સેવા સ્વીકારવાનું શરુ કર્યું એ મારા સાહેબનો સોળમો ઉપકાર છે .
સત્તરમો ઉપકાર : તપસ્યાકાળને મળ્યો અલ્પવત્ વિરામ
મારા સાહેબનો દીક્ષા પર્યાય ૪૫૧૫ દિવસનો . આ દરમ્યાન મારા સાહેબે ૪૧૬૬ ઉપવાસ કરેલા . પારણા કેવળ ૩૪૯ કરેલા . આવું પ્રખર તપ શું મારા સાહેબે કેવળજ્ઞાન પછી ચાલુ રાખ્યું હતું ? જવાબ છે , ના . કેવલજ્ઞાન પછી મારા સાહેબની તપસ્યા જરૂર ચાલુ હતી . પણ પ્રચંડ , ઘનઘોર , દુર્ગમ તપસ્યાઓ જે સાડાબાર વર્ષમાં થઈ એવી ઘનઘોર તપસ્યાને આગામી ત્રીસ વરસમાં સ્થાન મળ્યું નહીં . પ્રભુ ઉગ્ર તપ કરે તેની પણ અનુમોદના જ હોય . પ્રભુ ઉગ્ર તપનાં સ્થાને સામાન્ય તપસ્યા કરે તેની પણ અનુમોદના જ હોય . અહીં આવ્યા બાદ પ્રભુની ઉગ્ર તપસ્યાને અલ્પવત્ વિરામ મળ્યો એ મારા સાહેબનો સત્તરમો ઉપકાર છે .
અઢારમો ઉપકાર : એક દિવસમાં સાત રૂપે દર્શન આપ્યાં
મારા સાહેબ અહીં પધાર્યા ત્યારે છટ્ઠા અને સાતમા ગુણસ્થાનકે બિરાજમાન હતા . અહીં પધાર્યા બાદ આઠમું , નવમું અને દશમું ગુણસ્થાનક સાધ્યું . તે પછી બારમે ગુણસ્થાનકે પહોંચ્યા , છેવટે તેરમાં ગુણસ્થાનકે બિરાજમાન થયા . પ્રભુનાં સાત અલગ રૂપ અહીં એક જ દિવસમાં જોવા મળ્યાં એ મારા સાહેબનો અઢારમો ઉપકાર છે .
ઓગણીસમો ઉપકાર : જીવન્ મુક્ત અવસ્થા
મારા સાહેબનું મોક્ષ કલ્યાણક તો પાવાપુરીમાં સંપન્ન થયું . પરંતુ યોગગ્રંથો જણાવે છે વીતરાગ અવસ્થા અને કેવલી અવસ્થા એ જીવન્ મુક્તિ દશા છે કેમ કે અઘાતી કર્મો આત્માનું કશ્શું બગાડી શકવાના નથી . મારા સાહેબે જીવન્ મુક્તિ દશા તરીકેનો અડધો મોક્ષ , ૠજુવાલિકાની ભૂમિ પરથી મેળવી લીધો એ મારા સાહેબનો ઓગણીસમો ઉપકાર છે .
વીસમો ઉપકાર : તીર્થંકર નામકર્મનો રસોદય
તીર્થંકરના આત્મા અંતિમ ભવમાં જ્યાર સુધી છદ્મસ્થ હોય છે ત્યાર સુધી તીર્થંકર નામકર્મનો પ્રદેશ ઉદય અનુભવતા હોય છે . તીર્થંકરના આત્માને કેવળજ્ઞાન થયા બાદ તીર્થંકર નામકર્મનો રસ ઉદય થતો હોય છે . આ રસ ઉદયને લીધે જ સમવસરણ , આઠ પ્રાતિહાર્ય , પાંત્રીસ વાણીગુણ , ચોત્રીસ અતિશય આદિ વિશેષતાઓ પ્રગટે છે . બાર ગુણ અરિહંત દેવ , આ અવસ્થાનો પ્રારંભ , મારા કિનારેથી થયો તે વીસમો ઉપકાર છે .
એકવીસમો ઉપકાર : ચાર રૂપ ધારણ કર્યાં
પ્રભુએ બેતાલીસ વર્ષની જિંદગીમાં ક્યારેય ચાર રૂપ લીધેલા નહીં . મારા કિનારે પ્રભુએ સર્વપ્રથમ વાર ચાર રૂપ ધારણ કર્યાં . અને ચાર રૂપ લેવાનો સિલસિલો ત્રીસ વર્ષ સુધી ચાલતો જ રહ્યો . પ્રભુએ મારી સમક્ષ ચાર રૂપ પ્રગટાવ્યા એ પ્રભુનો એકવીસમો ઉપકાર .
મારા સાહેબે કરેલા એકવીસ ઉપકાર , એ આ ભૂમિની ૨૧ મહાન્ વિશેષતા છે . પ્રભુએ આ ભૂમિ પર ફક્ત એક જ ક્ષણની દેશના આપી છે એ વાક્યમાંથી , ફક્ત શબ્દને ફગાવી દેવો જોઈએ . એ એક ક્ષણની દેશનાની સાથે જોડાયેલી ૨૧ મહાન્ વિશેષતાઓએ આ ભૂમિને એકમેવ અદ્વિતીય તીર્થ તરીકે સ્થાન અપાવ્યું છે એ યાદ રાખવું જોઈએ . મારી આ આત્મકથા વાંચ્યાબાદ , આ ૨૧ મહાન્ વિશેષતાઓને યાદ રાખી લેજો અને વધુમાં વધુ લોકોમાં આ ૨૦ મહાન્ વિશેષતાઓનો પ્રચાર કરજો . તમે દર વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા તીર્થની યાત્રાએ આવજો . ઋજુવાલિકા તીર્થની ભૂમિ પર બેસીને આ ૨૧ મહાન્ વિશેષતાઓનો સ્વાધ્યાય કરજો , કરાવજો . કૈવલ્યભૂમિ વિશેનું આત્મીય ચિંતન મનન , આગામી ભવમાં જ કેવળજ્ઞાન અપાવી દે એવી સંભાવના છે , યાદ રાખજો .
અહીં આવનારા યાત્રાળુઓ જાણતા નથી કે મારા સાહેબ અહીં કેવી રીતે આવ્યા હતા ? યાત્રાળુઓ અહીં આવે છે ગાડીમાં બેસીને . મારા સાહેબ અહીં ચાલીને આવ્યા હતા . યાત્રાળુઓ અહીં પગમાં ચંપલ પહેરીને આવે છે . મારા સાહેબ અહીં ખુલ્લા પગે આવ્યા હતા . યાત્રાળુઓ અહીં શરીર પર રૂપાળાં વસ્ત્રો ઓઢીને આવે છે . મારા સાહેબ અહીં નિરાવરણ અવસ્થાએ પધાર્યા હતા . યાત્રાળુઓ અહીં આવીને ગાદી તકિયા પર લેટી જાય છે . મારા સાહેબે અહીં આવીને આરામ કર્યો જ નથી , નિદ્રા લીધી નથી . યાત્રાળુઓ અહીં આવીને ખાય છે , પીએ છે . મારા સાહેબે અહીં આવીને આહાર ગ્રહણ કે જલ ગ્રહણ કર્યું નથી . યાત્રાળુઓ અહીં આવે છે અને બે ત્રણ કલાકમાં નીકળી જાય છે . મારા સાહેબ અહીં બે દિવસ રોકાયા હતા અને એમાં મારા સાહેબે ચોવિહારો છઠ કર્યો હતો . યાત્રાળુઓ અહીં આવીને અવાજ કરે છે , ઘોંઘાટ કરે છે . મારા સાહેબે અહીં આવ્યા બાદ એક જ ક્ષણ માટે બોલવાનું સ્વીકાર્યું હતું . બાકી તો , મારા સાહેબ અહીં મૌન જ મૌન રહ્યા હતા . યાત્રાળુઓ અહીં આવીને થોડી ભક્તિ કર્યા બાદ આનંદ પ્રમોદમાં ખોવાઈ જાય છે . મારા સાહેબે અહીં આવીને એકમાત્ર ધ્યાન અવસ્થા જ સ્વીકારી હતી . મારા સાહેબે અહીં આવીને શું કર્યું અને શું ના કર્યું એનું લિસ્ટ ઘણું લાંબુ છે . એ લિસ્ટ હું બનાવી રહી છું , તમે પણ બનાવજો .
૧ . કૈવલ્યની પ્રથમ ક્ષણ અને દેશનાની પ્રથમ ક્ષણ
પ્રભુવીરને કેવળજ્ઞાન થયું તે વખતે શું વાતાવરણ હશે ? ગોદોહિકા મુદ્રા . શ્યામાકનું ખેતર . શાલિ વૃક્ષની લાંબી શ્રેણિ . શ્રી મહાવીર ચરિયં ગ્રંથમાં લખ્યું છે કે શાલિ વૃક્ષ પર ફૂલ ખીલેલાં હતાં અને પંખીઓનો જમાવડો થયેલો હતો . એ નદી કિનારાની એવી જગ્યા હતી જ્યાં પાણી દેખાય છે પણ પાણી પગને અડતું નથી . આકાશના પશ્ચિમી ખૂણા તરફ ઢળી રહેલો સૂરજ . તડકામાં ઝગારા મારતાં પાણી . હવાની લહેરખીઓ . માનવના આવાગમનથી અસ્પૃશ્ય વાતાવરણ . અર્ધ નિમિલિત આંખોની સાક્ષિમાં ઉછળતાં ૠજુવાલિકાનાં પાણી . કૈવલ્ય પ્રાપ્તિ પછી ઈન્દ્રનું અને દેવી દેવતાઓનું આગમન . વાદળાની ગર્જના જેવો દુંદુભિ નાદ . મુશળધાર વરસાદ જેવી અપરંપાર પુષ્પ વૃષ્ટિ . ત્રણ લોકમાં બીજે ક્યાંય જોવા ન મળે એવા અષ્ટ મહાપ્રાતિહાર્ય . ત્રણ ગઢની રચના રૂપ સમવસરણ . વીસ હજાર પગથિયાનું સમવસરણ કેટલું ભવ્ય હશે . એ સમવસરણે કેટલી બધી જમીન કે જગ્યા રોકી હશે ? એ સમવસરણમાં કેટલા શ્રોતા હાજર હશે , પ્રભુ વીરની ક્ષણભરની દેશનાના સમયે ? ભલે પ્રભુએ અહીં એક જ ક્ષણની દેશના આપી . પણ એ એક ક્ષણની પછી જ ત્રીસ વરસની દેશનાઓનો વારો આવ્યો હતો . એક ક્ષણ આ નદીને મળી હતી . એક ક્ષણ આ ભૂમિને પણ મળી હતી . એક ક્ષણમાં આખું ચ્યવન કલ્યાણક ઘટિત થઈ જાય છે . એક ક્ષણમાં ત્રણ લોકના દરેક જીવોને સુખાનુભૂતિ મળી જાય . એક ક્ષણને નાની ગણો તો નાની છે . બાકી એક ક્ષણ મળી એ બહુ મોટી વાત છે . સાવ કાંઈ જ ન મળે એની બદલે એક ક્ષણ તો મળી . સાધારણ કક્ષાની હજારો , લાખો ક્ષણો મળે તેના શા મૂલ ? એક ક્ષણ પણ એવી મળે જે હીરાથી જડેલી હોય , મોતીથી ગૂંથેલી હોય , સોનાથી રસેલી હોય અને ચાંદીથી સજાવેલી હોય . એ એક ક્ષણ બસ છે . ઋજુવાલિકા તીર્થ પાસે એવી એક ક્ષણ બે વાર આવી છે . પ્રભુ વીરનાં જીવનની મહત્વપૂર્ણ એક એક ક્ષણ ઋજુવાલિકાનાં વાતાવરણમાં અકબંધ જીવે છે . કેવલજ્ઞાનલાભની એક ક્ષણ એટલે કે કલ્યાણકની એક ક્ષણ . પ્રથમ દેશનાની પ્રથમ ક્ષણ એટલે કે ધર્મ તીર્થની પ્રસ્તાવના એક લખનારી ક્ષણ .
કૈવલ્યની ક્ષણે પ્રભુ નદીની ઉત્તર તરફ બિરાજમાન હતા . કૈવલ્યોદય પછી પ્રભુની ઉત્તર દિશાએ સમવસરણ રચાયું . પ્રભુ સમવસરણમાં બિરાજમાન થવા માટે ચાલ્યા . પ્રભુ પૂર્વ દિશાએથી સમવસરણમાં પધાર્યા. ક્ષણભરની દેશના થઈ . પ્રભુ ઉત્તર દ્વારે સમવસરણથી બહાર આવ્યા અને પ્રભુએ પાવાપુરી તરફ પ્રસ્થાન કર્યું .
વિ.સં.૨૦૭૯ની ચૈત્ર સુદ તેરસે બરાકર તીર્થના સંકુલમાં પ્રવેશ કરતી વખતે મનેં આ બધું યાદ આવી રહ્યું હતું . વરસો પહેલાં , સાધુ તો ચલતા ભલા , લેખમાળા લખવાનું ચાલુ હતું ત્યારે જોયેલું તીર્થસંકુલ અને આજનાં સંકુલમાં ફરક છે . એ વખતે ઉત્તુંગ પ્રવેશદ્વાર હતું નહીં . આજે છે . અંદર જમણા હાથે દેખાય છે એક નવી ધર્મશાળા . એ ત્યારે નહોતી . થોડુંક આગળ ચાલો એટલે દેખાય જૂની ઈમારત , જૈન શ્વેતાંબર સોસાયટીની જૂની પેઢી , જૂની ઘડિયાળ અને જૂની બેઠક વ્યવસ્થા . આગળ ગુલાબના બગીચા વચ્ચેથી ચાલતા જાઓ . પ્રભુની જ્ઞાનભૂમિ નજીક આવતી જાય . બંને બાજુ બગીચા છે , એમાં ફૂલોના ગુચ્છા છે . બગીચાના છેવાડે નળિયાના છાપરાંવાળી જૂની બાંધણી છે . સામે બગીચો પૂરો થાય એટલે નાનકડું ચોગાન આવે . બે હાથી ઊભા છે પ્રતિમા રૂપે . એ કૈવલ્યકાંક્ષીઓનું જાણે સ્વાગત કરે છે . વચ્ચે સંગેમરમરી સંપૂર્ણ જિનાલયનાં દર્શને રોમરાજી વિકસ્વર થાય . આને જિનાલય કહેવું કે ક્ષણાલય ? જેમાં પ્રભુ વસે તેને જિનાલય નામ મળે . જેમાં પ્રભુની મંગલ ક્ષણ વસે તેને ક્ષણાલય નામ મળે . પ્રભુની મધુરામૃત રેલાવતી મૂર્તિ પહેલાં નહોતી , અત્યારે છે . મૂર્તિ સમક્ષ છે ચોમુખી ચરણ પાદુકા . પ્રભુએ ચાર રૂપ સૌથી પહેલી વાર ઋજુવાલિકામાં લીધાં હતાં એની આ નિશાની . એ કેવું દૃશ્ય હશે ? જે પ્રભુનું એક રૂપ પણ અતિ પ્રિય લાગે છે તે પ્રભુનાં ચાર રૂપ બન્યાં હશે . મૂળરૂપમાંથી ત્રણ રૂપ પ્રગટ થયાં એક જ ક્ષણમાં . ત્રણ રૂપ મૂળરૂપમાં અંતર્નિહિત થઈ ગયાં , એક જ ક્ષણમાં . ચાર રૂપે દેશના ફરમાવી , એક જ ક્ષણમાં . આ ક્ષણનો મહિમા ઘણો છે ઋજુવાલિકામાં . ચતુર્મુખ પગલાની નીચે ઋજુવાલિકાની રેતીની શોધ રહે . કેમ કે પગલાંના નિશાન તો રેતીમાં જ પડે છે . જોકે , રેતીની વાત કરીએ તો એમાં રચાયેલાં પગલાં એકમુખી જ હોય . ચતુર્મુખ પગલાં તો ફક્ત સમવસરણની યાદમાં જ રચાય .
૨ . ૠજુવાલુકા , ૠજુવાલિકા અને બરાકર
રેતીને વાલુકા કહે છે . નદીના રેતાળ પટ પર વાલુકાના કેટલા કણ હોય ? ગણના ના થઈ શકે ને ? એમાંથી કેવળ એક જ કણને હથેળીમાં લઈને જુઓ . એ એક કણનું અસ્તિત્વ સાવ પામર લાગશે . એવું જ તો ક્ષણનું છે . ચોવીસ કલાકની અગણિત ક્ષણોમાંથી ફક્ત એક ક્ષણને છુટ્ટી પાડીને જુઓ . એક ક્ષણનું મૂલ્ય કશું નહીં લાગે . આંખની પલક બંધ થાય અને ઉઘડે એટલી વારમાં ક્ષણ પૂરી થઈ જાય છે . આટલી નાની ક્ષણને પ્રભુએ અમર બનાવી . એ અમર ક્ષણને પ્રભુએ ઋજુવાલુકા સાથે જોડી દીધી . પ્રભુ એક વાર આવ્યા . એક ક્ષણનો ઈતિહાસ અહીં મૂકીને પ્રભુ ગયા . પ્રભુની એ ક્ષણ ઋજુવાલિકાની રેતીમાં જીવે છે . ક્ષણ અને કણનો અનુપ્રાસ મેળ સારો છે . આ મેળમાંથી નામ આવ્યું છે ઋજુવાલુકા . અહીંની રેતી લીસ્સી છે , સુંવાળી છે , પ્રભુની ક્ષણની જેમ ખૂબસૂરત છે . તેથી નામ બન્યું ઋજુવાલુકા . ક્યાંક ક્યાંક રેતીના ઢગલા નદીમાં એવા છે કે આપણી ચાલવાની ગતિ એકદમ ઘટી જાય છે . ત્યારે નદી પૃથુવાલિકા લાગે છે . પ્રભુ વીરના સમયમાં સુવર્ણ વાલુકા , રૂપ્ય વાલુકા જેવી નદીઓ હતી એની સાથે શોભે એવું નામ ઋજુવાલુકા છે . કોમળ રેતી વાળી નદી . બારસા સૂત્રમાં ઉજ્જુવાલુયા આ નામ મળે પણ છે .
ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિતનાં દશમા પર્વમાં ઋજુ પાલિકા શબ્દ છે. એનો અર્થ છે કોમળ કિનારા વાળી નદી . પાલિકાના ઉચ્ચારમાંથી વાલિકાનો ઉચ્ચાર બને છે , એમાંથી ઋજુવાલિકા નામ આવે છે . આશ્ચર્યની વાત એ છે કે જૈન સમાજમાં ઋજુવાલિકા શબ્દ અતિશય પ્રચલિત છે પરંતુ જે વિસ્તારમાં ઋજુવાલિકા તીર્થ આવેલું છે ત્યાં ઋજુવાલિકા શબ્દ બિલકુલ પ્રચલિત નથી . આ વિસ્તારમાં તો ઋજુવાલિકા નદીને બરાકર નદી કહેવામાં આવે છે . ગામનું નામ બરાકર . અહીં સાધુ સાધ્વી ભગવંતોને અનુભવ થયેલો છે . વિહાર કરતાં કરતાં રસ્તો જાણવા માટે લોકોને પૂછીએ કે ઋજુવાલિકા કિતના દૂર હૈ , તો લોકો જવાબ નથી આપી શકતા . એમને આ સવાલ સમજાતો નથી . પણ એમ પૂછીએ કે બરાકર કિતના દૂર હૈ તો લોકો તરત જવાબ આપે છે . સવાલ એ છે કે જો ઋજુવાલુકા અને ઋજુવાલિકા આ નામ શાસ્ત્રોમાં મળે છે તો આ બરાકર નામ આવ્યું ક્યાંથી ?
આનો જવાબ સવા બસ્સો વર્ષ જૂના ઇતિહાસ પાસેથી મળે છે . સન્ ૧૮૯૦માં જ્યારે ભારત દેશ પર અંગ્રેજોનું રાજ ચાલતું હતું ત્યારે બિહારના આ વિસ્તારમાં અંગ્રેજોએ જમીનો ખોદાવી હતી અને જમીનમાંથી અબરખના ઢગલા નીકળી આવ્યા હતા . અબરખ મોંઘું દ્રવ્ય કહેવાય . અબરખનો વ્યવસાય કરવા માટે અંગ્રેજોએ આજુબાજુના ૨૦૦ ગામના લોકોને અબરખની ખાણ ખોદવાના કામે લગાડી દીધા . ખાણ શબ્દને મૂળ ભાષામાં આકર કહે છે . અબરખની આકર એટલે કે અબરખની ખાણ . અબરખ- આકર આ શબ્દમાંથી બરાકર શબ્દ આવ્યો છે એવું અનુમાન થઈ શકે છે . આપણી ઋજુવાલિકા નદીની આસપાસનો ભૂવિસ્તાર અભરખથી ઠાસોઠાસ ભરેલો છે . હજારો આદિવાસીઓ આ ખાણ ખોદવાના કામમાં જોતરાયેલા છે . માટીના ઢેફાં જેવા રૂપમાં કાચો અબરખ નીકળે છે . આ કાચા માલને ઢિબરા કહેવામાં આવે છે . કાચો માલ સારો હોય તો વીસ રૂપિયે કિલોના ભાવે વેચાય છે , માલ ખરાબ હોય તો પાંચ રૂપિયે કિલોમાં પણ વેચાય છે . વચેટિયાઓ ગરીબો પાસેથી માલ લઈ લે છે અને કલકત્તા જેવા મોટા સેન્ટરમાં વેચી મોટી કમાણી કરે છે . અબરખનો વપરાશ કોસ્મેટિક અને ઇલેક્ટ્રોનિકમાં થાય છે . એક જમાનામાં ભારતનું સૌથી મોટું અભરખનું સેન્ટર ગણાતું બદરમા શહેર ઋજુવાલિકાના કિનારે જ છે . આ નદીના બેય કિનારે અબરખની અગણિત આકર છે . આજની તારીખે આ ખાણો ખરીદાય છે અને વેંચાય છે . અબરખ – આકર શબ્દના મૂળમાં અભ્રકાકર શબ્દ છે . અને અભ્રકાકરનો અપભ્રંશ ઉચ્ચાર બરાકર થાય છે . જે વિસ્તારની જમીનમાં ઘણી અભ્રકાકર છે તે વિસ્તારમાંથી વહેતી નદીને બરાકર નામ મળ્યું છે . અને આ નદીને સ્પર્શીને વસેલા ગામને પણ બરાકર નામ મળ્યું છે . સોનાની ખાણ હોય એ ખબર હતી , હીરાની ખાણ હોય એ ખબર હતી , અબરખની ખાણ હોય એ વિશે ખાસ વિચારવાનો મોકો મળ્યો નહોતો . આજની તારીખે આ ખાણોમાં ગરીબો ઉતરે છે એમાંથી કોક તો મરે પણ છે અને બાળમજૂરીની સમસ્યા પણ છે .
. ૠજુવાલિકા નદીનાં પાણી પર ડેમ બનેલા છે . નદીનું પાણી સમેતશિખરજી તીર્થનાં ગામવિસ્તારને પહોંચાડવામાં આવે છે .
. સમેતશિખર પહાડ પરનું જંગલ દૂરદૂર સુધી વિસ્તરેલું છે . એક તરફ છત્તીસગઢ સુધી આ જંગલ જાય છે , બીજી તરફ જમુઈ સુધી . આ ઋજુવાલુકા નદી બરાકર પાસેથી નીકળે છે એના લીધે બરાકર ગામ જંગલથી બચી ગયું . બરાકરને જંગલ બનવાથી બચાવનાર ઋજુવાલિકા છે . જો બરાકર જંગલ હોત તો વીર પ્રભુ અહીં આવત ખરા ? ઋજુવાલિકાએ , શબરી બનીને પ્રભુનાં આગમનની તૈયારી કરી રાખી હતી . એ તૈયારી એટલી જોરદાર હતી કે પ્રભુને આવવું જ પડ્યું .
. સ્થાનિક લોકવાયકા એવી છે કે પ્રભુ મહાવીર સમેતશિખરજી ધ્યાન કરવા માટે જવાના હતા . નદીને આની જાણ થઈ તો નદીએ પોતાનું પાણી એટલું વધારી દીધું કે પ્રભુ નદીપાર કરી ન શક્યા . પ્રભુએ નદીના ઉત્તર કિનારે ધ્યાન ધર્યું અને પૂર્ણ જ્ઞાન મેળવ્યું . જોકે આ વાત જૈન પરંપરા સાથે બંધબેસતી નથી . પરંતુ પ્રભુ માટેની કથા આ રીતે પણ બનેલી છે આદિવાસીઓમાં .
પ્રભુ આવ્યા ત્યારે સામૈયું નહોતું થયું , લોકો સામે લેવા આવ્યા નહોતા . બહારગામથી મહેમાન પણ આવ્યા નહોતા . પ્રભુ એકલા જ આવ્યા , એકલા જ પ્રવેશ કર્યો . કોઈને ખબર પણ નહીં પડી હોય કે પ્રભુ આવ્યા . પણ ઋજુવાલિકાએ પ્રભુના સામૈયાનો મંગલઘોષ કર્યો હતો . એના કણકણ ગુંજ્યા હતા , એના બુંદ બુંદમાંથી અવાજ જાગ્યો હતો , એની લહેરે લહેરે હરખનો સાદ હતો . પ્રભુ આવ્યાની વધામણી ઋજુવાલિકાએ સમગ્ર જંગલને આપી હતી . અલબત્ત , પ્રભુ તો પોતાની રીતે ધ્યાનમાં આસીન થઈ જ ગયા હતા .
હું વિહાર પૂરો કરી ચૈત્ર સુદ તેરસે પહોંચી રહ્યો હતો તે પહેલાં બારસના દિવસે પિર્ટાન્ડમાં મનેં કહેવામાં આવ્યું સામૈયા વિશે . મેં ના પાડી દીધી સામૈયાની . કહ્યું : જ્યાં ભગવાન સામૈયા વગર આવ્યા ત્યાં હું સામૈયા સાથે શી રીતે આવું ? મારે બેન્ડબાજાં ના જોઈએ . હું એમનેમ આવીશ . અને હું સામૈયા વિના જ ઋજુવાલિકા પહોંચ્યો . નદી પરનો પૂલ આવ્યો ત્યાંથી ઋજુવાલિકાનાં પાણીનો અવાજ હરખભેર સાંભળ્યો . એ જ મારું સામૈયું હતું . જે જળનાદથી પ્રભુનું સામૈયું થયું હતું એ જ જળનાદનું શુકન લઈને મેં ઋજુવાલિકામાં પ્રવેશ કર્યો .
‘સાહેબ , બેન્ડની કેમ ના પાડી દીધી ? અમે બેન્ડની તૈયારી કરાવી લીધી હતી .’ કલકત્તાથી આવેલા મિતેશભાઈ શેઠે પૂછ્યું હતું . મેં કહ્યું હતું કે ‘ભગવાનને આ રીતે સાથે રાખવાનું મન હતું . તમે તો સામૈયા કરવાના જ . તમારો એ ધર્મ . પણ અહીં ભગવાનનું સામૈયું નહોતું થયું એ યાદ રાખવાનું કામ અમારું .
૩ . બરાકર નદીનો મારગ
ઝારખંડ અને પશ્ચિમ બંગાળની બોર્ડર પર બરાકર નામનું શહેર છે , આસનસોલની પાસે . આ ઋજુવાલિકા નદી ત્યાં પણ છે . ત્યાં ઘણી મોટી થઈ ગઈ છે બરાકર નદી . બરાકર નદીને લીધે જ એ શહેરનું નામ બરાકર છે . ત્યાં નદી પર મોટો રેલ્વે બ્રિજ બનેલો છે . ત્યાંની નદીના મુકાબલે ઋજુવાલિકા તીર્થ પાસેની નદીનો પટ નાનો છે . પાણી પશ્ચિમ તરફથી આવે છે અને પૂર્વ ભણી દોડી જાય છે . ઋજુવાલિકા તીર્થ પાસેની નદીનો પટ નાનો છે . પાણી પશ્ચિમ તરફથી આવે છે અને પૂર્વ તરફ દોડી જાય છે . ઋજુવાલિકા તીર્થ પાસે પણ બરાકર નામનું ગામ છે અને એ ગામનું સત્તાવાર પાટિયું રોડ પર ઊભું પણ છે .
વિકિપીડિયા જણાવે છે કે બરાકર નદી ૨૨૫ કિલોમીટર લાંબી છે . ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુર પઠાર પાસે પદમા ગામથી ઋજુવાલિકા નીકળી છે . પઠાર એટલે એવો ભૂખંડ જે આસપાસની જમીન કરતાં ઊંચો ઊઠી આવ્યો છે . ભૂકંપ વિગેરે કારણસર જમીનમાં હલચલ થાય ત્યારે આખેઆખો ભૂખંડ ઉપર ઊભરી આવે એને પઠાર કહેવાય છે . પઠારનો ઉપરનો હિસ્સો વિશાળ અને સપાટ હોય છે . આવા પઠાર રાંચી , હજારીબાગ , કોડરમાં , મેઘાલય – શિલાંગ , દક્કન , તેલંગાના , બધેલખંડ , બૂંદેલખંડ , માલવા , ઝુનીયામાં જોવા મળે છે . આ પઠારનું ઉચ્ચતમ બિંદુ પારસનાથ પહાડી છે . છોટા નાગપુર પઠાર પરથી ત્રણ નદીઓ નીકળી છે : દામોદર , સ્વર્ણરેખા અને બરાકર . એમાં પદમા ગામ હજારીબાગ જિલ્લામાં આવેલું છે . ૨૦૧૭માં આ ગામની જનસંખ્યા ૭૮૯૬ જેટલી હતી . ઋજુવાલિકા અહીંથી નીકળે છે તે ૨૨૫ કિ.મી. ની યાત્રા કરીને આસનસોલની પશ્ચિમ તરફ ડિશરગઢ પાસે દામોદર નદીને મળે છે . જેમ પ્રયાગરાજ પાસે યમુના નદી ગંગામાં ભળી જાય છે તેમ ડિશરગઢ પાસે ઋજુવાલિકા દામોદર નદીમાં ભળી જાય છે . આ દામોદર નદી હાવડા પાસે હુગલી નદીમાં ભળે છે અને આગળ એ બંગાળની ખાડીમાં વિલીન થાય છે .
પદમા ગામથી ઋજુવાલિકા તીર્થ આવવાના બે રસ્તા છે . એક રસ્તો ૧૧૮ કિ.મી.નો છે , બીજો ૧૨૬ કિ.મી.નો . આ હિસાબે , ઋજુવાલિકા તીર્થ પાસે બરાકર નદી પહોંચે ત્યારે એની યાત્રાના એકસોથી વધુ કિલોમીટર પૂરા થઈ ગયા હોય છે . ઋજુવાલિકાનો દક્ષિણ કિનારો ગાઢ જંગલથી લદાયેલો છે . ઋજુવાલિકાના પાણી પાસે મોટા મોટા હાથીઓ ઝૂંડમાં આવતા હોય છે . આ હાથીઓ કિનારાના વિસ્તારો પર ક્યારેક તોફાન પણ મચાવે છે .
૪ . તીર્થ પરિસર
ઋજુવાલિકા તીર્થના મૂળ જિનાલયના મૂળ પાદુકા પર આ મુજબનું લખાણ છે : ऋजुवालका – नदीतटे श्यामाक कुटुम्बि क्षेत्रे वैशाख शुक्ल १० तृतीय प्रहरे केवलज्ञान कल्याणिक समवसरणमभूत् ……. અર્થાત્ ઋજુવાલિકા નદીના કિનારે , શ્યામાક કુટુંબીના ખેતરમાં , વૈશાખ સુદ દશમના ત્રીજા પ્રહરમાં કેવળજ્ઞાન કલ્યાણક સંબંધી સમવસરણ રચાયું હતું ….. શિલાલેખમાં આગળ લખ્યું છે કે મુર્શિદાબાદ નિવાસી પ્રતાપસિંહના પત્ની મહેતાબ કુંવરીનાં પુત્ર લક્ષ્મીપતસિંહ બહાદુરના નાના ભાઈ ધનપતસિંહ બહાદુરે સં . ૧૯૩૦ ના વરસે જીર્ણોદ્ધાર કરાવ્યો . આ ચરણ પાદુકાને જે પુરાતન વૃક્ષની છત્રછાયા મળી હતી તે વૃક્ષ હવે નથી રહ્યું . એને કલ્પવૃક્ષ કહેવામાં આવતું , એ કૈવલ્ય વૃક્ષ કહેવાતું . કેવળજ્ઞાન કલ્યાણક જિનાલયના ગભારામાં અત્યારે એક દેરી છે . એમાં પ્રાચીન ચરણ પાદુકા છે અને અભિનવ પ્રતિષ્ઠિત મૂર્તિ છે .
શું પ્રથમ સમવસરણની ભૂમિ પર આવો નાનોસરખો ગભારો પર્યાપ્ત છે ? પ્રશ્ન થાય છે . આ ગભારામાં તો આઠ દસ લોકો ઊભા રહી શકે એટલી જ જગ્યા છે . નાની દેરી પૂજનીય છે , એમાં કોઈ શક નથી . પ્રભુનો પ્રભાવ જોતાં એવી ઝંખના જાગે કે ગભારો વિશાળ હોવો જોઈએ . એમાં પ્રભુની સ્વકાયપ્રમાણ મૂર્તિ બિરાજમાન હોવી જોઈએ . આ કેવળ ક્રિયેટિવિટીની વાત થઈ . બાકી નાનો તો નાનો પણ આ ગભારો કૈવલ્યઉદયનો સાક્ષિ છે . સર્વજ્ઞાય નમઃ , સર્વજ્ઞાય નમઃ નો અખંડ સ્વર અનુભવાય છે . વીતરાગ અવસ્થાની સૂક્ષ્મ પ્રતિછાયા હવામાં વર્તાય છે . મોહને મારવાનું બળ શ્વાસોમાં ભરી લેવાનું મન થાય .ઘાતી કર્મો આતમા પરથી હટી જાય તે પછી અંદર શું આભા પ્રગટી આવતી હશે ? આંખો સાજીનરવી હોય છતાં દૃશ્ય જોવાનું બને કૈવલ્ય દ્વારા જ . કાન સાબૂત હોય છતાં આકલન થાય પરમ વિશુદ્ધ આંતરિકતા દ્વારા જ . મન ઉપસ્થિત હોવા છતાં પ્રતિક્રિયાની ધારા સદંતર ગાયબ . જિંદગીનાં જેટલાં વરસો , જેટલા મહિનાઓ , જેટલા પખવાડિયા અને અઠવાડિયા , જેટલા દિવસ અને રાત , જેટલા કલાકો બાકી છે એની ક્ષણેક્ષણની જાણકારી અને ક્યારે શું થવાનું છે એનો પાક્કો બોધ . સિદ્ધશિલામાં શું હશે , નહીં હશે એનું પૂર્ણ જ્ઞાન . વીતેલા જનમોમાં ક્યારે ક્યારે કંઈ કંઈ મળી ગતિ હતી તેની આરપાર જાણકારી . અંતર્જગતમાં અનંત અનંત શક્તિઓ પ્રકટેલી પણ એનો ભાર કોઈ નહીં . દરેક જીવોના દરેક ગુણ પર્યાય જુએ , જાણે . દરેક અજીવોના દરેક ગુણ પર્યાય જુએ , જાણે . એમનાથી કશું ગુપ્ત નહીં . એમની માટે કોઈ રહસ્ય નહીં . એક રોગ ઘણોલાંબો સમય રહે છે અને છેવટે જાય એ પછી નિરોગ અવસ્થાએ જે નિરાંત અનુભવાય છે એ કેવી હોય ? આ દાખલો છે . ચારેચાર ઘાતીકર્મ અનાદિકાળથી વળગેલા હતા એમનો નાશ થઈ ગયો તે પછી પ્રગટનારી અનહદ નિરાંત કેવીક હશે ? ગભારામાં ઊભા ઊભા ( બેસવાની જગ્યા જ ઓછી છે ) આ કલ્પનાઓ ચાલતી રહે છે .
કેવળજ્ઞાન કલ્યાણકમંદિરના ગર્ભગૃહની બહાર ડાબી તરફ એક પ્રાચીન મૂર્તિ છે જે ઋજુવાલિકા નદીમાંથી જ મળી છે . એના નિર્માતા કોણ હશે ? પ્રતિષ્ઠાચાર્ય કોણ હશે ? એ મૂર્તિ નદીમાં કેવી રીતે પહોંચી ? એ મૂર્તિ લાલવર્ણી શું કામ છે ? સવાલ પૂછવા છે , જવાબ કોણ આપશે ? ખબર નથી . આ પ્રાચીન મૂર્તિની પાછળ નવું પરિકર સ્થાપવામાં આવ્યું છે . આ મૂર્તિને ચૈતર મહિનામાં સૂરજ લાડ લડાવે છે . સૂર્યોદય સમયનો તાજો તડકો મૂર્તિના જમણા અંગૂઠાને અડે છે , તે પછી મૂર્તિના ખોળા પર ફેલાય છે અને પછી પ્રાચીન મૂર્તિ પર પૂરેપૂરો પથરાઈ જાય છે . સૂરજની રોશનીમાં આકંઠ , આશીર્ષ દીપી રહેલી મૂર્તિને નિહાળવાનો આનંદ , ચૈત્ર મહિનામાં ખૂબ મેળવ્યો છે . દરેક તીર્થ પાસે પ્રાચીન પ્રતિમા , પ્રાચીન ચરણપાદુકા હોય છે . પ્રાચીન તત્ત્વોની ઊર્જાથી તીરથની ભૂમિમાં ચૈતન્યનો સંચાર થતો રહે છે . એ ભાગવત ચૈતન્ય સાથે જેટલું વધારે જોડાઈએ એટલી યાત્રાની ગુણવત્તા ઊંચી ગણાય .
મૂળ જિનાલયની પાછળ કેવળજ્ઞાન કલ્યાણક મુદ્રા એટલે કે ગોદોહિકા મુદ્રા ધારી પ્રભુ વીરની વિશાળ પ્રતિમાથી અલંકૃત જિનાલય છે . પ્રભુને ગોદોહિકા મુદ્રામાં જોવાનો અનુભવ અલગ જ છે . કર્મક્ષય કરનારી મુદ્રા એમ સૂચવે છે હજી કેવળજ્ઞાન બાકી છે . મુદ્રા એમ પણ સૂચવે છે કે કેવળજ્ઞાન બહુ દૂર નથી . આઠમું , નવમું , દશમું , બારમું ગુણઠાણું હાંસિલ કર્યું આ જ મુદ્રાએ . સંજ્વલન કષાયનો છેલ્લો ભેટો થયો આ મુદ્રાએ . કેવળજ્ઞાનને અવાજ દઈ આમંત્રણ આપ્યું આ જ મુદ્રાએ .આજે ગભારા સામે ગોદોહિકા આસને બેસીને જાપ કરવાનો લાભ મળે . ગોદોહિકા આસનમાં પગ દુઃખે છે , બેલેન્સ તૂટે છે , એકાગ્રતા બનવી જોઈએ તે ઓછી બને છે . અફસોસ અને પસ્તાવો . એ દિવસ ક્યારે આવશે કે હું પણ ગોદોહિકા આસનમાં જ ઘાતી કર્મોનો નાશ કરીશ એવો મનોરથ બને છે . ઘાતી કર્મોનો નાશ કરવા માટે ગોદોહિકા આસન અનિવાર્ય નથી પરંતુ મહાવીર પ્રભુની પ્રીતિ આમ જ બોલે છે . મનેં આ પ્રીતિ ગમે છે , આ પ્રીતિમાંથી આવનારો એક એક વિચાર ગમે છે . અલબત્ત , કશુંક નવું કરીએ ત્યારે મર્યાદા અને પરંપરાનું માન જાળવવું જ જોઈએ .
મંદિરના રંગમંડપમાં ચિત્રમાળા છે , પ્રભુ વીરને થયેલા ઉપસર્ગોની ઘટનાઓ રજૂ થઈ છે . શૂલપાણિ યક્ષના ઉપસર્ગ પછી પ્રભુ વીરે સ્વયં જોયેલાં દશ સપનાંઓનું પણ એક ચિત્ર છે . પ્રભુ વીરે પોતાના આંતરડાથી માનુષોત્તર પર્વતને વીંટાયેલો જોયો હતો , એ સપનાનું ચિત્ર કેવું હશે ? જિજ્ઞાસા થઈ . પર્વત છે અને એની ઉપરથી નીચે સુધી વીંટળાયેલ જાડો પાટો છે , એ ચિત્રમાં જોયું . ગમ્યું . અમુક વસ્તુ જ ચિત્રમાં બતાવી શકાય , બધું નહીં . કલાકારે વિવેક જાળવ્યો છે .
મંદિરની બહાર પ્રદક્ષિણા પથમાં એક પછી એક દેખાય એ રીતે ૧ર દૃશ્યોની રચના કાચમઢેલા ગોખલામાં કરવામાં આવી છે . દરેક દૃશ્યની નીચે હિંદી ભાષામાં એક દોહો મૂકેલો છે . દોહાની રચના કરનારે અનુપ્રાસનો ખ્યાલ સારો રાખ્યો છે . કેવળજ્ઞાન કલ્યાણકનું દૃશ્ય અને એનો દોહો સૌથી વધુ ગમ્યો .મંદિરનો જાજરમાન રંગમંડપ અને દ્વિતલ પ્રાસાદ જેવું ઊંચું શિખર તીર્થનો દબદબો વધારે છે .
મૂળ જિનાલયને અડીને એક અભિનવ સમવસરણ મંદિર છે . સામાન્યતઃ ત્રણ ગઢ એકની ઉપર એક નાના થતા જાય એવી રચના હોય છે . સમવસરણની આ મુજબની બાંધણીમાં ત્રીજો એટલે કે છેલ્લો ગઢ નાનો થઈ જાય છે . બેસવાની જગ્યા ઓછી રહે છે . આ સમવસરણ મંદિરના ત્રીજો ગઢ મોટો રહે તે માટે ત્રણ ગઢના ત્રણ માળની વાસ્તુ રચના લગભગ એક ભીંતની સરસાઈથી કરવામાં આવી છે . મેરૂપર્વતની રચના હોય તેવો આભાસ થાય . પણ ત્રણ ગઢ સંબંધી આકૃતિઓ જોઈને સમજાય કે આ સમવસરણ છે . આ સમવસરણ મંદિરના ત્રીજા માળની ઊંચાઈએ બનેલા ત્રીજા ગઢમાં , બેસવાની જગ્યા ભરપૂર છે . ચૌમુખ ભગવાન્ છે એને અનુરૂપ ચાર મોટા રંગમંડપ . ઊંચાઈ ઘણી છે માટે નદીનો કિનારો પણ દૂર દૂર સુધી દેખાય છે . એક ક્ષણ માટે પ્રભુએ દેશના આપી તે વખતે શું માહોલ હશે એનો એક આછોપાતળો અંદાજ આ રંગમંડપમાં બેસીને માંડી શકાય .
વૈશાખ સુદ દશમની ભૂમિ પર વૈશાખ સુદ દશમે કેટલા જૈનો આવે છે ? સાવ જ ઓછા …
૧ . વૈશાખ સુદ અગિયારસનો પ્રેમ , વૈશાખ સુદ દશમના પ્રેમને પાછળ છોડી દે એવું દૃશ્ય ગમતું નથી .
વૈશાખ સુદ અગિયારસે મહાતીર્થ પાવાપુરીમાં શાસનની સ્થાપના થઈ . વૈશાખ સુદ અગિયારસે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા , શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા આદિ કુલ અગિયાર ગણધર ભગવંતો દીક્ષિત થયા . તે દિવસે એક જ દિવસમાં ચાર હજાર , ચારસો પણ દીક્ષાઓ થઈ . આ સાધુ દીક્ષા હતી . સાધ્વી દીક્ષાઓ અલગ . આ જ દિવસે અગણિત શ્રાવક શ્રાવિકાઓએ બાર વ્રત ધારણ કર્યા . સર્વ વિરતિધરો અને દેશવિરતિધરોની સામૂહિક ઉપસ્થિતિ બની અને એ સ્વરૂપે ધર્મતીર્થની , ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ . એ દિવસે દ્વાદશાંગીની રચના થઈ . બાર મહાન આગમસૂત્રોની રચના . એમાંથી અગિયાર આગમસૂત્રો આજે ઉપલબ્ધ છે . વૈશાખ સુદ અગિયારસે જે થયું તેની છાયા એકવીસ હજાર વરસ સુધી રહેવાની છે એ નિશ્ચિત હતું . આ એકવીસ હજાર વરસમાં ચોથા આરાનો સમય હતો ત્યાર સુધી મોક્ષગમન ચાલુ રહ્યું અને પાંચમા આરામાં મહામંગલકારી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો , ચાલુ રહેવાનો છે . વૈશાખ સુદ અગિયારસે મહાઆર્યા ચંદનબાળાજી દીક્ષિત થયા , આજે જે પણ શ્રમણી સમુદાય છે તે એમની વંશપરંપરામાં આવે છે . વૈશાખ સુદ અગિયારસે શું શું થયું એની વાતો ઘણી થઈ શકે છે અને તે વાતો થવી પણ જોઈએ . વૈશાખ સુદ અગિયારસની ઉજવણી શાસન સ્થાપના દિવસ તરીકે થાય છે તે થતી રહેવી જોઈએ . પ્રશ્ન એ છે કે વૈશાખ સુદ અગિયારસ એ શું કલ્યાણકનો દિવસ છે ? પ્રશ્ન એ પણ છે કે વૈશાખ સુદ અગિયારસે જે શાસનની સ્થાપના થઈ તે શાસનનું આયુષ્ય એકવીસ હજાર વરસનું છે તો વૈશાખ સુદ દશમે શ્રી મહાવીર સ્વામી ભગવાનને જે કેવળજ્ઞાન થયેલું એ કેવળજ્ઞાનનું આયુષ્ય પણ શું એકવીશ હજાર વરસનું જ છે ? આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે શોધી શકો છો . આ પ્રશ્નનું તાત્પર્ય સમજવાની ઘણી જરૂર છે આજે . શાસન સ્થાપના દિવસની ઉજવણી કરનારા મહાનુભાવોને , વૈશાખ સુદ દશમે – કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી કરવાનું યાદ આવે છે ખરું ?
શાસન સ્થાપનાનું ગૌરવ બહુ મોટું છે . जैनं जयति शासनम् – નો ઘોષ ગાજે છે તે બહુ પ્રિય છે માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . प्रधानं सर्व धर्माणां બોલતી વખતે છાતી ગજ ગજ ફૂલતી જ હોય છે માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . सर्व कल्याण कारणं નો ઉચ્ચાર કરતી વખતે પ્રખર શ્રદ્ધા ભાવનો ઉમળકો જાગતો હોય માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . सर्व मंगल मांगल्यं નું ઉદ્ ગાન રૂંવાડા ઊભા કરી દેતું હોય છે માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . વૈશાખ સુદ અગિયારસને પ્રેમ કરવાનાં હજારો / લાખો કારણો છે અને એ દરેક કારણો ગમે છે કેમકે મૂળતઃ વૈશાખ સુદ અગિયારસ ગમે છે , શાસન સ્થાપના દિવસ ગમે છે .
પરંતુ વૈશાખ સુદ અગિયારસનો પ્રેમ , વૈશાખ સુદ દશમના પ્રેમને પાછળ છોડી દે એવું દૃશ્ય ગમતું નથી . વૈશાખ સુદ દશમે પ્રભુને કેવળજ્ઞાન તો થયું પણ પ્રભુએ જે દેશના આપી તે નિષ્ફળ થઈ આમ કહીને કે બોલીને કે લખીને – આપણે વૈશાખ સુદ દશમની વાર્તા પૂરી કરી દેતા હોઈએ છીએ . વલણ એવું બનેલું છે કે વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન થયું અને દેશના નિષ્ફળ ગઈ આ બે વાત ટૂંકાણમાં બોલી દેવાય છે . આ બે સિવાયની બીજી કોઈ બાબત યાદ આવતી નથી . શું આ વલણ બનેલું છે ? જો આ વલણ ના બનેલું હોય તો બહુ સારી વાત છે . પરંતુ જો આ વલણ થોડેઘણે અંશે બનેલું હોય તો એ વલણને સુધારી લેવાની આવશ્યકતા છે .
( ૨ ) દર વરસે હજારો ભક્તો આવવા જોઈએ
પ્રભુ વીરનો સાડાબાર વરસનો કઠિન સાધના કાળ ઋજુવાલિકા પાસે વિરામ લે છે . અહીંથી પ્રારંભ થાય છે પ્રભુ વીરનો તીર્થંકર કાળ . ત્રીસ વરસનો એ દેશના કાળ હતો એમ પણ કહી શકાય . તીર્થંકર ભગવાન્ પ્રથમ દેશના દ્વારા ધર્મ તીર્થની સ્થાપના કરે છે અને પછી પ્રાય: પ્રતિદિન , દેશના ફરમાવતા રહે છે આ વાત સાચી છે . મુખ્ય મુદ્દો એ છે કે પ્રભુ દેશના આપવાનો પ્રારંભ ક્યારથી કરે છે ? કેવળજ્ઞાન થાય ત્યારથી . પહેલાં કેવળજ્ઞાન થાય છે અને પછી જ દેશના થાય છે . કેવળજ્ઞાન ન થાય તો દેશના પણ ન થાય અને શાસન સ્થાપના પણ ન થાય . કેવળજ્ઞાન થાય તે પછી જ દેશના શરૂ થાય . કેવળજ્ઞાન થાય તે પછી જ શાસન સ્થાપના થાય . દેશનાનું મૂળ છે કેવળજ્ઞાન કલ્યાણક . દેશના સફળ છે કે નિષ્ફળ એ અલગ મુદ્દો છે . કેવળજ્ઞાન એ જ સૌથી મોટું ફળ છે , કેવળજ્ઞાન મળ્યું એ જ સૌથી મોટી સફળતા છે . ત્રીસ વરસ સુધી દેશનાઓ સફળ રહી તે કેવળજ્ઞાનના જ પ્રભાવે . હવે વાક્ય પરિવર્તન સાથે પુનરાવર્તન . વૈશાખ સુદ દશમ – આવી તે પછી જ પ્રભુની દેશના આવી . વૈશાખ સુદ દશમ આવી તે પછી જ શાસન સ્થાપના આવી . વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન કલ્યાણક સંપન્ન થયું તે પછી જ પ્રભુએ સમવસરણ સાથેનો સંબંધ સ્વીકાર્ય લેખ્યો . વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન સંપન્ન થયું તે પછી જ પાવાપુરીને ચાર હજાર ચારસો અગિયાર દીક્ષાની ભૂમિ બનવાનો લાભ મળ્યો . વૈશાખ સુદ દશમ એ એકડો છે , કેવળજ્ઞાનનો એકડો . આ એકડા વિના – આગળ વધવાનું સંભવિત જ નથી .
શાસન સ્થાપના દિવસને જે માન-સન્માન મળે છે તે મને ઘણું ગમે છે . પરંતુ શાસનનું આયુષ્ય એકવીસ હજાર વરસનું છે . જયારે પ્રભુ વીરને મળેલ કેવળજ્ઞાનનું આયુષ્ય સાદિ અનંત છે . સંખ્યાથી કેવળજ્ઞાનનું આયુષ્ય માપી જ ના શકાય . છતાં કેવળજ્ઞાન દાયિની વૈશાખ સુદ દશમને , વૈશાખ સુદ અગિયારસ જેવું માન-સન્માન મળતું નથી . મારી આ ગેરસમજ હોઈ શકે . ગેરસમજ સુધારવાનું મને ગમવાનું જ છે . પરંતુ હકીકત એ હકીકત છે . જે ઠાઠ માઠથી ચૈત્ર સુદ તેરસ ઉજવાય છે એ ઠાઠ માઠથી વૈશાખ સુદ દશમ નથી ઉજવાતી : આવું શું કામ ? વિચારવું જોઈએ . જે નિયમિતતાથી દિવાળીનાં મોક્ષ કલ્યાણકની આરાધના થાય છે એ નિયમિતતાથી વૈશાખ સુદ દશમની આરાધના થતી નથી . આવું શું કામ ? વૈશાખ સુદ દશમની ઉજવણી સાવ જ નથી થતી એવું નથી . થોડી ઘણી આરાધના કરે છે , કરવાવાળાઓ . પણ મોટે ભાગે દૃશ્ય એવું રહે છે કે વૈશાખ સુદ દશમ ક્યારે આવી અને જતી રહી તેની પર ધ્યાન જ રહેતું નથી . આપણી આ ઉદાસીનતાથી ઘેરી અસર – ઋજુવાલિકા તીર્થમાં શ્રી કેવળજ્ઞાન કલ્યાણક મંદિરમાં જોવા મળે છે . જે ભૂમિ પર પ્રભુ વીરને કેવળજ્ઞાન થયું એ ભૂમિ પર કેવળજ્ઞાન કલ્યાણકના દિવસે , કોઈ મેળો ભરાતો નથી , કોઈ ભીડ થતી નથી . વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા તીર્થ – બરાકરમાં , માંડ પંદર વીસ યાત્રાળુ હોય છે . છે ને આંચકા દાયક વાત ?
મનેં આની કલ્પના હતી નહીં . હું નાગપુરથી નીકળ્યો ત્યારે જ માનસિકતા સ્પષ્ટ હતી કે જે લોકો દર્શન વંદન કરવા આવવાના છે એમને વૈશાખ સુદ દશમે જ બોલાવવા છે . આ વરસે વૈશાખ સુદ દશમે મુંબઈ , કલકતા , નાગપુર , ભદ્રાવતી , યવતમાળ , ચંદ્રપુર , વર્ધા , અમદાવાદ , નાસિક આદિથી આશરે સવા બસો લોકો આવ્યા હતા . મનેં આ સંખ્યા ઓછી લાગી , વૈશાખ સુદ દશમની આરાધના સરસ રીતે થઈ . બધા રવાના થયા તે પછી મેં પૂજારીને પૂછ્યું : હર સાલ કિતને લોગ હોતે હૈં વૈશાખ સુદ દશમ કે દિન . પૂજારીએ કહ્યું : ગુરુજી , કોઈ નહીં આતા હૈ . પૂજારીના શબ્દો કાનમાં ઘણની જેમ વાગ્યા . પૂજારીએ કહ્યું : મુશ્કિલ સે દસ બારહ યા પંદરહ બીસ લોગ હોતે હૈ . ઈસ સાલ કાફી લોગ આ ગયે .
પૂજારી પ્રશંસા કરવાના સૂરમાં બોલ્યો હતો પરંતુ મને એ પ્રશંસા ગમી નહીં . બસો / સવા બસો લોકો જોઈને મને થયું હતું કે ‘ અરે , ઋજુવાલિકાની ભૂમિ પર કેવળજ્ઞાન કલ્યાણકના દિવસે ઓછામાં ઓછું હજાર / પંદરસો માણસ થવું જોઈએ , એને બદલે ફક્ત બસો / સવા બસો લોકો ? ‘ અલબત્ , મનેં જે સંખ્યા નાની લાગતી હતી તે સંખ્યા અહીંની પરિસ્થિતિ પ્રમાણે ઘણી વધારે હતી .
જોવા જેવી વાત એ છે કે વૈશાખ સુદ દશમે જ કેવળજ્ઞાન કલ્યાણકનાં મુખ્ય જિનાલયની ધ્વજા , વાર્ષિક ધ્વજા હોય છે . વાર્ષિક ધ્વજા માટે પણ કોઈ વિશેષ મોટી ઉપસ્થિતિનો માહોલ હોતો નથી . આજે ભારતમાં અને ભારત બહાર – શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં કેટલાં જિનાલયો હશે ? એ દરેક જિનાલયની ધ્વજાનો પ્રસંગ કેવો સરસ ઉજવાતો હોય છે ? સત્તરભેદી પૂજા થાય , સંઘજમણ થાય , આખો સંઘ ભેગો થાય , ગગન ભેદી જયઘોષ થાય તે પછી ધ્વજા ચડે . પાલીતાણાના આદીશ્વર દાદાની ધ્વજા જુઓ , શંખેશ્વરના પારસનાથ દાદાની ધ્વજા જુઓ ….. શો ઠાઠમાઠ હોય છે ? ઋજુવાલિકા તીર્થ , બરાકરમાં ન કેવળજ્ઞાન કલ્યાણક તિથિનો ઠાઠ માઠ હોય છે , ન વાર્ષિક ધ્વજારોહણનો ભવ્ય આડંબર . આ દૃશ્ય દર વરસનું છે . તીર્થમાં ધર્મશાળા છે , ભોજનશાળા છે . ઉપાશ્રય છે . એવું નથી કે વ્યવસ્થા નથી . પણ સચ્ચાઈ એ છે કે વૈશાખ સુદ દશમની ભૂમિ પર વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન કલ્યાણક તિથિનો દબદબો બનતો નથી . તિથિ આવે છે અને આવતાં વરસને બોલાવવા ઝડપથી આગળ નીકળી જાય છે .
આ પરિસ્થિતિ બદલવી જોઈએ . આ ફરિયાદ છે . આ પીડા છે . પ્રભુ મહાવીરના લાખો ભક્તોમાંથી બે ત્રણ હજાર ભક્તો દર વૈશાખ સુદ દશમે ઋજુવાલિકા આવે એવું વાતાવરણ બનવું જોઈએ .
(૩) વૈશાખ સુદ દશમે ઋજુવાલિકામાં શું શું કરી શકાય ?
વૈશાખ સુદ દશમે ઋજુવાલિકામાં શું શું કરી શકાય ? આ જિજ્ઞાસા ઘણાનાં મનમાં હતી . ત્રણ રીતે ભક્તિ કાર્ય થયાં .
એક . નદીકિનારે ધ્યાન .
વૈશાખ સુદ દશમની બપોરના છેવાડે , અમે સૌ ઋજુવાલિકાની રેતી પર , શિલા પર , માટી પર , ચાલતાં ચાલતાં નદી કિનારે પહોંચ્યા હતા . ત્યાં પ્રભુ મહાવીરને યાદ કરીને ગોદોહિકા આસન સાથે ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો હતો . પ્રભુ મહાવીરે આશરે બે દિવસ સળંગ ગોદોહિકા આસન ધારણ કર્યું હતું . અમારામાંથી કોઈ પણ વ્યક્તિ એવી ના નીકળી જે બે મિનિટ પણ ગોદોહિકા આસને રહી શક્યું હોય . ડગમગતું હતું અમારું ગોદોહિકા આસન . ઘૂંટણ અને પાનીમાં ખેંચાણ આવતું હતું , પગની દશ આંગળી પર ભાર આવ્યો હતો , બેલેન્સ બનાવવાનું મુશ્કેલ લાગ્યું હતું . પ્રભુ મહાવીરના બે દિવસની સામે અમારી પાસે સમ ખાવા પૂરતી બે મિનિટ નહોતી બની ગોદોહિકામાં . પણ પ્રયત્ન કર્યો હતો . જોકે ગોદોહિકા વિના , આરામ આસનમાં તો અમે સૌ ઘણું બેઠા . પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો જાપ કર્યો . ઋજુવાલિકાની આત્મસંવેદનાની ભાવયાત્રા કરી . દૂર દૂરથી નદીનાં પાણી આવી રહ્યા હતા . અમે બેઠા હતા ત્યાં પાણી શિલાઓને અફળાઈ રહ્યા હતા એટલે પાણીમાંથી કલશોર જાગી રહ્યો હતો . સામા કિનારે વિશાળ જંગલ હતું તે આખું હવાના તાલે ઝૂમતું હતું . આકાશમાં વાદળાં જામેલાં હતા એટલે તડકો તીખો લાગ્યો નહોતો . ઘણું બેઠા . ઊઠવાનું મન જ થતું ન હોતું . એમ લાગતું હતું કે હમણાં ક્યાંકથી પ્રભુ દર્શન આપશે . પણ સૂર્યાસ્ત પહેલાં આહાર પાણી કરી લેવાના હતા – અને સૂરજ પશ્ચિમ કોરે ઢળવા લાગ્યો હતો એટલે સૌ પરાણે ઉઠ્યા . તીર્થસ્વરૂપ ઋજુવાલિકાનો નદીકિનારો એકદમ ઉર્જાવાન્ છે . એ દિવસે સમજાયું હતું .
બે . શ્રી કેવળજ્ઞાન સૂત્ર વાંચન .
પર્યુષણમાં કલ્પસૂત્ર વાંચન થાય છે . એમાં શ્રી મહાવીર જન્મવાંચનનું સૂત્ર સકલ શ્રી સંઘ એકી સાથે સાંભળે છે . આ જ કલ્પસૂત્રમાં પ્રભુને કેવળજ્ઞાન થયું એનું પણ વર્ણન છે . બરાકરની ભૂમિ પર , કેવળજ્ઞાન કલ્યાણક મંદિરના ચોગાનમાં , વૈશાખ સુદ દશમે સવારે , આશરે બસો લોકોની સમક્ષ શ્રી મહાવીર કેવળજ્ઞાન સૂત્ર વાંચન થયું હતું . પ્રભુના દીક્ષાકાળને વર્ણવતાં સૂત્રોમાંનાં છેલ્લા બે સૂત્રો શ્રી બારસા સૂત્રના મૂળ અક્ષર રૂપે વાંચ્યા હતા . તે પછી બેય સૂત્રનો અર્થ સમજાવ્યો હતો . એમાં છેલ્લી પંક્તિ : પ્રભુને કેવળજ્ઞાન / કેવળદર્શન પ્રાપ્ત થયું … બોલાઈ તે પછી સત્યાવીસ ડંકા વાગ્યા હતા અને સૌ ઊભા થઈને નાચ્યા હતા .
મેં મારી જિંદગીમાં પહેલીવાર શ્રી બારસા સૂત્રના આધારે જાહેરમાં શ્રી કેવળજ્ઞાન કલ્યાણક સૂત્રનું વાંચન કર્યું . વાંચન કરતાં કરતાં અહોભાવનાં સ્પંદનો બન્યા , શ્રવણ કરતાં કરતાં શ્રોતાઓમાં પણ એ જ સ્પંદનો બન્યાં . પ્રભુ વીરની કૈવલ્ય ભૂમિ પર , પ્રભુ વીરનાં કૈવલ્ય દિવસે , પ્રભુ વીરનાં કૈવલ્યસૂત્રનું વાંચન આ રીતે પ્રાય: સર્વપ્રથમ વાર સંપન્ન થયું હતું .
સકલ શ્રી સંઘને એક પ્રાર્થના કરવાનું મન થાય છે . વૈશાખ સુદ દશમે , સાધુ ભગવંતો જ્યાં હોય ત્યાં , આ બારસાસૂત્ર અંતર્ગત કેવળજ્ઞાન સૂત્ર વાંચનનું વ્યાખ્યાન રાખી શકે ? સાધુ – સાધ્વી ઉપલબ્ધ ના હોય તો , કલ્પસૂત્ર ઢાળિયાના આધારે પણ કેવળજ્ઞાન વાંચન કરી શકાય . સાધુ ભગવંતો વિહારમાં હોય , વ્યાખ્યાનની સંભાવના ન હોય તો – સૌ મહાત્માઓ સાથે બેસીને – શ્રી કેવળજ્ઞાન સૂત્ર વાંચન , બારસા સૂત્રના આધારે કરે . સૂત્ર વાંચવાનું ન બને તો અર્થનો સ્વાધ્યાય કરી જ શકાય . જેમ પર્યુષણમાં – પારણું ઝૂલાવવાના દિવસે – આરોગ્યવતી માતાએ આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો – આ શબ્દોને વધાવવામાં આવે છે તે રીતે દર વૈશાખ સુદ દશમે – પ્રભુને કેવળજ્ઞાન / કેવળદર્શન પ્રાપ્ત થયું – આ શબ્દોને વધાવવા જોઈએ . પ્રભુને કેવળજ્ઞાન મળ્યું એ પ્રભુનાં જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ હતી . વૈશાખ સુદ દશમે એ ક્ષણને યાદ કરવી જોઈએ . એ ક્ષણનું મહિમા ગાન કરવું જોઈએ . એ ક્ષણ જે દિવસે આવી , એ જ દિવસે એ ક્ષણનું ગૌરવગાન કરવું જોઈએ . સકલ શ્રી સંઘ આ પ્રાર્થના પર વિચાર કરશે એવી આશા છે . શ્રી બારસા સૂત્રમાં પ્રભુ વીરની કેવળજ્ઞાન પ્રાપ્તિની ક્ષણોને ચૌદ પૂર્વધર , મહાપ્રભાવક શ્રી ભદ્રબાહુ સૂરીશ્વરજી મહારાજાએ આ મુજબ વર્ણવી છે .
દેવાધિદેવ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પરમાત્મા દીક્ષિત અવસ્થામાં હતા ત્યારે શેષકાળમાં આઠ માસ વિહાર કરતા અને ચોમાસામાં એક સ્થાને સ્થિરતા ધારણ કરતા . આઠમાસનાં વિચરણ દરમ્યાન પરમાત્મા ગામડામાં એક રાત , નિવાસ કરતા અને શહેરમાં પાંચ રાત , નિવાસ કરતા . પરમાત્મા સમક્ષ કોરું વાંસ મૂકો કે સુગંધિત ચંદન મૂકો – પરમાત્માનું માનસ એકસમાન રહેતું . પરમાત્મા સમક્ષ સસ્તું ઘાસ મૂકો કે મોંઘુ મણિરત્ન મૂકો પરમાત્માની માનસિકતા એક સરખી રહેતી . પરમાત્મા સમક્ષ કિંમતવિહોણું માટીનું ઢેફું મૂકો કે અતિશય કિંમતી સોનું મૂકો , પરમાત્માની મનઃસ્થિતિમાં કશો ફરક આવતો નહીં . પરમાત્મા સુખમાં અને દુઃખમાં એકસમાન પ્રશન્નતા રાખતા . પરમાત્મા વર્તમાન જીવન અને ભાવિ જીવન વિશે નિર્વિકલ્પ રહેતા . અર્થાત્ પરમાત્મા આ લોક વિશે કોઈ કામના રાખતા નહીં અને પરલોક વિશે કોઈ આકાંક્ષા સેવતા નહીં . પરમાત્માને જીવવાનો મોહ નહોતો , મરવાનો ભય નહોતો . પરમાત્મા મારે ઘણું જીવવું છે એમ પણ ના વિચારતા અને મારે આયુષ્ય સમાપ્ત કરવું છે એમ પણ ના વિચારતા . પરમાત્મા સંસારના સામા કિનારે પહોંચ્યા હતા . પરમાત્મા પોતાના આત્મા પર રહેલા કર્મોનો નાશ કરવા ઉદ્યમવંત હતા , તત્પર હતા . આ રીતે પ્રભુનો દીક્ષા કાળ વીતી રહ્યો હતો .
આ પવિત્ર સાધનાકાળ દરમ્યાન પરમાત્માનું જ્ઞાન સર્વ શ્રેષ્ઠ હતું , પરમાત્માની શ્રદ્ધા સર્વ શ્રેષ્ઠ હતી , પરમાત્માની ચારિત્ર સાધના સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનો નિવાસ કાળ સર્વશ્રેષ્ઠ હતો . પરમાત્માનો વિહાર કાળ સર્વશ્રેષ્ઠ હતો . પરમાત્માનો વીર્યોલ્લાસ સર્વશ્રેષ્ઠ હતો . પરમાત્માની સરળતા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની નમ્રતા / કોમળતા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની અપરિગ્રહવૃત્તિ સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની ક્ષમા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની નિર્લોભ મનોદશા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનો મનવચનકાયા પરનો આત્મસંયમ સર્વ શ્રેષ્ઠ હતો . પરમાત્માની અંતરંગ પ્રસન્નતા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનું સત્ય , સંયમ અને તપ આદિ ગુણોનું આચરણ સર્વશ્રેષ્ઠ હતું . આથી પરમાત્માના મોક્ષમાર્ગની આરાધના પણ સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનું સમ્યગ્ દર્શન , સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર સર્વશ્રેષ્ઠ હતું . સર્વશ્રેષ્ઠ આરાધનાઓને લીધે પરમાત્માનો નિર્વાણલાભનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો . પરમાત્મા સર્વશ્રેષ્ઠ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા રહેતા હતા . દીક્ષા જીવનના ૪૫૧૫ દિવસો વીત્યા . બાર વરસ અને સાડા છ મહિના પસાર થઈ ગયા . એ દરમિયાન ૪૧૬૬ ઉપવાસ થયા હતા અને ૩૪૯ પારણાંં થયાં હતાં . બાર વરસ વીત્યાં . તેરમાં વરસનો મધ્યાંતર સમય આવ્યો . વૈશાખ માસ હતો . શુક્લ પક્ષ હતો . દશમ તિથિ હતી . પોરિસીનો કાળ પૂર્ણ થયો હતો . સુવ્રત નામનો દિવસ હતો . વિજય નામનું મુહૂર્ત હતું . પરમાત્મા જૃંભકગ્રામની બહાર , ઋજુવાલિકા નદીના કિનારે , એક જીર્ણ થયેલાં ચૈત્યની નજીકમાં , શ્યામાક નામના ગૃહપતિનાં ખેતરમાં – ગોદોહિકા આસન ધારણ કરીને ધ્યાન અવસ્થાએ સ્થિર થયા .
પરમાત્માએ ચોવિહારો છઠ , તપરૂપે આચર્યો હતો . જયારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે ધ્યાન દશાએ બિરાજમાન પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનને અનંત , ઉત્તમોત્તમ , અવરોધ રહિત , આવરણ મુક્ત , સમગ્ર રીતે પરિપૂર્ણ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું .
પરમાત્મા અરિહંત બન્યા . પરમાત્મા અંતરંગ શત્રુઓના વિજેતા બન્યા . પરમાત્મા ત્રણ લોક માટે પૂજનીય બન્યા . પરમાત્મા સર્વજ્ઞ , સર્વદર્શી થયા .
આ કેવળજ્ઞાન સૂત્રવાંચનનો પાઠ હજી લાંબો થઈ શકે . ત્રેવીસ તીર્થંકરનો છદ્મસ્થકાળ કેટલા દિવસનો કે વરસનો હતો તે વર્ણવી શકાય . ત્રેવીસ તીર્થંકરોની કેવળજ્ઞાનની તિથિ , ભૂમિ અને કૈવલ્યસમયનું ( સવાર હતી કે બપોર હતી તેનું ) વર્ણન પણ આવરી શકાય . અનુકૂળતા હોય તો સાધનાકાળનાં દરેક સૂત્રોનું , વિશેષણોનું વર્ણન થઈ શકે છે . જેટલો સમય હોય , જેટલો ઉત્સાહ હોય તેટલું કરી શકાય .
ત્રણ . કૈવલ્ય મંત્રનો જાપ અને અનુષ્ઠાન
કોઈ ગાયક કલાકારને બોલાવીને ઘણાંબધાં ગીતો કે પદો ગાવાનો ઉપક્રમ રાખ્યો નહોતો . કલકત્તાથી બાંસુરીવાદક / તબલાવાદક આવ્યા હતા . એમનાં સંગીત ના સથવારે – કેવળજ્ઞાન કલ્યાણક મંત્રના ઘણા જાપ કર્યા હતા . અને જાપ કરતાં કરતાં આશરે ચાલીસ હજાર પુષ્પો કેવળજ્ઞાન કલ્યાણક મંદિરની ચરણ પાદુકા પર સમર્પિત કર્યા હતા . ચાલીસ હજાર ફૂલો બે મોટી પાટ પર પાથરવામાં આવ્યાં હતાં . તે બધાજ નાનકડી દેરી પર સમાઈ ગયાં હતાં . આ ચમત્કાર જેવી કમાલ હતી .
આટલાં બધાં ફૂલો અર્પિત થઈ રહ્યાં હતાં ત્યારે વારંવાર સૂચના આપી હતી કે એકપણ ફૂલ પગની નીચે ન આવે એનું ધ્યાન રાખજો . સૂચનાનું પાલન પણ થયું હતું . જે ફૂલો પ્રભુ માટે આવ્યાં તેમાંના મોટાભાગનાં ફૂલો પ્રભુને અર્પિત થઈ ગયાં . થોડાઘણાં ફૂલ જે જમીન પર પડી ગયેલાં એમને ભેગા કરીને પ્રભુની સમક્ષ થોડેદૂર પાટપર બિછાવી દીધાં . એટલે એ ફૂલો પણ પ્રભુ સાથે વિના આશાતનાએ જોડાઈ ગયાં . સૂચના આપી હતી : જે ફૂલ ભગવાન્ પાસે આવે છે તે ભગવાનને અર્પિત થયાં વિના પાછું ન જવું જોઈએ .
કેવળજ્ઞાનનો દિવસ હતો એટલે પંચમ જ્ઞાનની આરાધના રૂપે પ્રભુ સમક્ષ ૫૧ સ્વસ્તિક , ફળ , નૈવેદ્ય , દીપકની સુંદર ગોઠવણ કરવામાં આવી હતી . પ્રારંભે ઉત્તમ ઔષધિ જળથી લઘુશાંતિ ધારા અભિષેક પણ થયો હતો . ધ્વજા ઠાઠમાઠથી ચડી હતી .
આ રીતે વૈશાખ સુદ ૧૦ ના દિવસે ત્રણેય ભક્તિકાર્યપૂર્વકનું આયોજન પ્રાય: પ્રથમવાર થયું હતું . આ આયોજનનો સંપૂર્ણ લાભ નંદપ્રભા પરિવારે લીધો હતો . પંખીઓ અને પશુઓની જીવદયા પણ થઈ , અનુકંપા દાન પણ થયું .
વિ.સં.૨૦૭૯માં આ કૈવલ્ય ઉત્સવ થયો . દરવરસે કૈવલ્યતીર્થમાં કૈવલ્ય મહોત્સવ માટે પ્રભુ વીરના ભક્તો મોટી સંખ્યામાં આવે એવી ભાવના રહે છે .
પક્ખી સૂત્ર . નાનકડો ગ્રંથ. સાડાત્રણસો ગાથા. આજકાલ કેટલાય બાળમુનિઓ એક જ દિવસમાં કંઠસ્થ કરી લે છે. શું આ ગ્રંથ ખરેખર નાનો છે ? જવાબમાં એક કલ્પના સૂઝે છે. આવશ્યક નિર્યુક્તિની ટીકા લખનારા શ્રીમલયગિરિસૂરીશ્વરજી મહારાજાએ પક્ખી સૂત્ર પર સંસ્કૃત ભાષામાં વિવરણ લખ્યું હોય . શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પક્ખી સૂત્ર પર લલિતવિસ્તરા જેવી ટીકા લખી હોય, એવી કલ્પના.
नमुत्थुणं સૂત્રમાં પ્રભુનાં વિશેષણોની પ્રલંબ શ્રેણિ છે. પક્ખી સૂત્રમાં પ્રભુનિરૂપિત ધર્મના વિશેષણોની પ્રલંબ શ્રેણિ છે. जं मए इमस्स धम्मस्स, આ શબ્દોની આગળનાં એક એક વિશેષણો અદ્ભુત છે. केवलीपन्नत्तस्स થી પ્રારંભ. निव्वाणगमण-पज्जवसाण फलस्स થી પર્યવસાન. ધર્મની આવી પ્રશસ્તિ ભાગ્યે જ બીજા કોઈ ગ્રંથમાં જોવા મળે. વાત અહીં પૂરી થતી નથી. આગળની વાતો પણ ગજબ છે.
ભૂલોનાં પંદર કારણ
પક્ખી સૂત્ર ધર્મપાલનમાં થનારી ભૂલોનાં કારણો વિશે વિસ્તારથી વાત કરે છે.
૧ . ભૂલોનું પ્રથમ કારણ છે અજ્ઞાનતા . જે આવડવું જોઈએ એ આવડતું ન હોય તે અજ્ઞાન .
૨ . ભૂલોનું બીજું કારણ : અશ્રવણતા . જે સાંભળવું જોઈએ , જેમનું સાંભળવું જોઈએ
એ ન સાંભળવું .
૩ . ભૂલોનું ત્રીજું કારણ : અબોધિતા . જેમાં જેવી શ્રદ્ધા હોવી જોઈએ એમાં એવી શ્રદ્ધા ન હોય .
૪ . ભૂલોનું ચોથું કારણ : અનભિગમ . તથ્યનો સ્વીકાર ન કરવો .
૫ . ભૂલોનું પાંચમું કારણ : પ્રમાદભાવ . જે તથ્યનો બોધ છે એ તથ્ય માટે અપેક્ષિત સક્રિયતાનો અભાવ .
૬ . ભૂલોનું છટ્ઠું કારણ : રાગદ્વેષ પ્રતિબદ્ધતા . રાગ અને દ્વેષની તીવ્ર છાયામાં રહેવાનો સ્વભાવ .
૭ . ભૂલોનું સાતમું કારણ : બાલબુદ્ધિ . વિચારોમાં પરિપક્વતાનો અભાવ .
૮ . ભૂલોનું આઠમું કારણ : મોહતા . વિચાર સંબંધી અધૂરપ કે ભ્રમણા .
૯ . ભૂલોનું નવમું કારણ : મંદતા . અપેક્ષિત ઝડપનો અભાવ . અપેક્ષિત સ્ફૂર્તિનો અભાવ .
૧૦ . ભૂલોનું દશમું કારણ : ક્રીડાશીલતા . જે ધર્મને અનુકૂળ નથી એની માટેનું આકર્ષણ .
૧૧ . ભૂલોનું અગિયારમું કારણ : ત્રણ ગારવની તીવ્રતા . સ્વાદનો રસ , ઐશ્વર્યનો રસ અને આનંદપ્રમોદનો રસ .
૧૨ . ભૂલોનું બારમું કારણ : ચાર કષાયોની ઉગ્ર અવસ્થા .
૧૩ . ભૂલોનું તેરમું કારણ : પાંચ ઈન્દ્રિયો સંબંધિત સુખલાલસા .
૧૪ . ભૂલોનું ચૌદમુું કારણ : પૂર્વબદ્ધ એવા પ્રતિકૂળ કર્મોનો ઉદય .
૧૫ . ભૂલોનું પંદરમું કારણ : પ્રતિકૂળતા સહન કરવી છે એવી માનસિકતાનો અભાવ . અનુકૂળતા છોડવી છે એવી માનસિકતાનો અભાવ .
પક્ખી સૂત્ર કહે છે . ભૂલ શું થાય છે તે સમજવું જેમ જરૂરી છે, તેમ એ પણ સમજવું જરૂરી છે કે ભૂલ શું કામ થાય છે ? ધર્મમાં થનારી ભૂલોથી બચવા ઈચ્છનારે अन्नाणयाए થી માંડીને साया सुक्खमणुपालयंतेणं સુધીનાં પદો પર ખૂબબધું ચિંતન કરવું જોઈએ.
સાધકની છ અવસ્થા
સાધક સાધના કરતો હોય ત્યારે એની છ અવસ્થા બનતી હોય છે. एगओ वा, परिसागओ वा, એ એકાંતમાં હોય અથવા સભાની વચ્ચે હોય. सुत्ते वा जागरमाणे वा એ નિદ્રાધીન હોય અથવા જાગૃત હોય. दिआ वा … राओ वा… એ દિવસના સમયે પ્રવર્તમાન હોય અથવા રાત્રિના સમયે નિવર્તમાન હોય. આ છએ છ પરિસ્થિતિમાં સાધના સંબંધી વફાદારી અને કટ્ટરતા તૂટવી ન જોઈએ. સંકલ્પ રાખવાનો છે. સમજો કે આ પરિસ્થિતિઓમાંથી એકાદ પરિસ્થિતિમાં ભૂલ થઈ. હવે શું કરવાનું ? ભૂલના રૂપનો વિચાર કરવાનો. ત્રણ રીતે ભૂલ થાય कओ वा काराविओ वा कीरंतो वा परेहिं समणुन्नाओ. ન કરવાનું કામ થાય. ન કરવાનું કામ બીજાના હાથે કરાવીએ. ન કરવાનું કામ કોઈ કરે એની અનુમોદના કરીએ. કરણ, કરાવણ ને અનુમોદન.
આ ભૂલને લઈને માફી માંગવાની.
આ ભૂલ ફરી નહીં થાય એવો સંકલ્પ લેવાનો.
આ ભૂલ કરી તેનો પસ્તાવો બનેલો રાખવાનો .
આ ભૂલનું આત્મનિવેદન ગુરુ સમક્ષ કરવાનું, આલોચના લેવાની અને આલોચના પૂરી કરવાની.
જેની આલોચના લીધી છે તે ભૂલ પ્રત્યે પક્ષપાત ન બનવો જોઈએ.
ભૂલ કરવી નથી. ભૂલ કરવા જેવી નથી, ભૂલ કરનારનું ભલું થતું નથી આવો દૃઢ વિચાર બને છે તે ભાવધર્મનો અનિવાર્ય અંશ છે. આવો ભાવ બને તેને વિરમણ કહેવાય અથવા વિરમણની ભૂમિકા કહેવાય .
વિરમણ ધર્મની વાતો
પાપનું વિરમણ પવિત્ર હોય છે. તમારાં જીવનમાં આચરણ કેવું છે તે અગત્યનું છે તેમ તમારાં જીવનમાં વિરમણ કેટલું છે તે પણ મહત્ત્વનું છે. વિરમણ કલ્યાણકારી છે, વિરમણ સુખકારી છે. વિરમણ મોક્ષદાયક છે, વિરમણ શક્તિસ્વરૂપ છે, વિરમણ ભવોભવનું ભ્રમણ ટાળે છે. વિરમણ દુર્ગતિને અટકાવે છે. વિરમણ એટલે વિરતિ. વિરમણ જેટલું નાનું ધર્મ એટલો જ નાનો . વિરમણ જેટલું મોટું ધર્મ એટલો જ મોટો .
વિરમણના વિધવિધ રૂપ છે. તેમાનું એક રૂપ છેઃ अदुक्खणयाए, असोयणयाए, अजूरणयाए अतिप्पणयाए, अपीडणयाए, अपरियावणयांए अणुददवणयाए. મારૂં પાપ વિરમણ અન્ય જીવોને સાત રીતે દુઃખથી બચાવે છે.
૧ . વિરમણનો અર્થ છે અન્યને તકલીફ નથી દેવી.
૨ . વિરમણનો અર્થ છે અન્યને શોક નથી કરાવવો.
૩ . વિરમણનો અર્થ છે અન્યનો શક્તિભંગ નથી કરવો.
૪ . વિરમણનો અર્થ છે અન્યને ખેદ થાય તેવું નથી કરવું.
૫ . વિરમણનો અર્થ છે અન્યને પીડામાં મૂકવા નથી.
૬. વિરમણનો અર્થ છે અન્યને સંતાપ થાય તેવું નથી કરવું .
૭. વિરમણનો અર્થ છે અન્યને હેરાન નથી કરવા.
આ વિરમણની છ ભૂમિકા છે. પ્રાણતિપાતનું વિરમણ . મૃષાવાદનું , અદત્તાદાનનું , મૈથુનનું , પરિગ્રહનું અને રાત્રિભોજનનું વિરમણ. મહાવ્રત છે તેથી વિરમણ મહાન્ છે. અણુવ્રત હોય ત્યારે વિરમણ નાનું બને. આ વિરમણનો ધર્મ કેવો છે, તેની વાત ૨૨ વિશેષણ દ્વારા કરવામાં આવી છે. केवलिपन्नत्तस्स આ પ્રથમ વિશેષણ અને निव्वाणगमण पज्जवसाण फलस्स આ બાવીશમું વિશેષણ . પક્ખી સૂત્રનો પરમ આસ્વાદ આ વિશેષણોમાં છે. આ બિલકુલ नमुत्थुणं જેવી ધારા છે. આ વિશેષણોને કોઈ ભાષ્યકાર મળે, કોઈ લલિતવિસ્તરાકાર મળે એ પછી સંઘને સમજાશે કે પક્ખી સૂત્ર કેટલો વિરાટ ગ્રંથ છે. આપણે લોકોએ પક્ખી સૂત્ર ને ફક્ત સૂત્ર, ક્રિયાનું સૂત્ર માની લીધું છે. બોલવાનું છે એટલે બોલવાનું લાંબું છે એટલે ફટાફટ બોલવાનું બસ. જેવું સન્માન બારસા સૂત્ર કે ઉત્તરાધ્યયન સૂત્ર કે ભગવતી સૂત્રનું થયું છે તેવુ સન્માન પક્ખી સૂત્રનું થયું છે ખરૂં ? પ્રશ્ન ખાસ વિચારવા લાયક છે. વિરમણધર્મના વિશેષણો છ વાર બોલવાના થાય છે. દરેક મહાવ્રત સાથે. આમાં પદોનું જે પુનરાવર્તન થાય છે તે આત્મિક ઉપચાર જેવું નીવડે છે.
ધર્મનાં ૨૨ વિશેષણો
એક એક વિશેષણની અર્થગંભીરતા જુઓ.
૧. મારો ધર્મ, કેવલી ભગવાને પ્રરૂપેલો છે. દરેક કેવલજ્ઞાની આ જ ધર્મનો ઉપદેશ આપે છેઃ
૨. મારો ધર્મ, અહિંસાના પાયા પર ઊભો છે.
૩. મારો ધર્મ, સત્ય પર અવલંબિત છે અને અસત્યથી મુક્ત છે.
૪. મારો ધર્મ, વિનયને મુખ્યતા આપે છે.
૫. મારા ધર્મમાં, બીજાને માફ કરવા અને બીજાની માફી માંગવી – આ બેયનું મહત્ત્વ ઘણું છે.
૬. મારા ધર્મમાં સાદગીનું ગૌરવ થાય છે. સોનાનું કે સોનાના દાગીનાઓનું અહીં કોઈ મહત્ત્વ નથી.
૭. મારો ધર્મ આવેશથી મુક્ત રહેવાની શીખ આપે છે અને એનો આગ્રહ રાખે છે.
૮. મારો ધર્મ બ્રહ્મચર્યને અને બ્રહ્મચર્યની નવ મર્યાદાઓને પૂર્ણ આદર આપે છે.
૯. મારો ધર્મ ચૂલાથી, રસોડાથી અને તેની વિરાધનાઓથી દૂર રહેવાનું કહે છે.
૧૦ . મારો ધર્મ ભિક્ષાવૃત્તિ પર નિર્ભર છે, ભેગું કરવા પર નિર્ભર નથી.
૧૧ . મારો ધર્મ આવતી કાલનો આહાર આવતી કાલે જ લાવીશું , એવો ઉપદેશ આપે છે. ગઈ કાલનો લાવેલો આહાર આજે નથી વાપરવો , તેનો પણ ઉપદેશ આપે છે.
૧૨ . મારો ધર્મ અગ્નિની સહાય લેવી પડે તેવી પ્રવૃત્તિઓનો નિષેધ કરે છે. અગ્નિ એટલે અગ્નિકાય. અગ્નિકાયની વિરાધના જે જે રીતે થતી હોય તેનાથી દૂર રહેવાની સૂચના આપે છે મારો ધર્મ.
૧૩. મારા ધર્મનું મુખ્ય લક્ષ્ય છે કર્મની નિર્જરા. જ્યાંથી, જે રીતે, જેટલી પણ કર્મ નિર્જરા થાય તેટલી કર્મ નિર્જરા કરી જ લેવાની છે એવી પ્રેરણા આપે છે મારો ધર્મ.
૧૪. મારો ધર્મ કહે છે કે ખુદના દોષ જુઓ અને એ દોષને ઓછા કરવાની પુરુષાર્થ યાત્રા કરતા જ રહો.
૧૫. મારો ધર્મ ગુણોને ગ્રહણ કરવા પર કેન્દ્રિત છે . જે ગુણ અન્યમાં છે તે જોવાના છે અને રાજી થવાનું છે. જે ગુણ મારામાં નથી તે પ્રગટ કરવાના છે.
૧૬. મારો ધર્મ કહે છે કે મનના વિકારોમાં તણાઈ ન જવાય. વિકારને સમજણપૂર્વક વારવાના . અન્યથા વિકાર વધતા જ રહેશે.
૧૭. મારો ધર્મ સમજાવે છે કે છોડવા લાયક બાબતો ઘણી છે. છોડવાનું શીખો અને છોડતા રહો. પકડી રાખશો મા.
૧૮ . મારો ધર્મ પાંચ મહાવ્રતમાં સમાયેલો છે. પાંચ મહાવ્રતનું પાલન કરવાનું છે. પાંચ મહાવ્રત સુધી પહોંચવાનું મન બનાવવાનું છે. પાંચેય મહાવ્રતનું ભાવ તત્ત્વ સંવેદવાનું છે.
૧૯. મારો ધર્મ કહે છે કે શરીર માટેના આહાર/ઔષધનો સંગ્રહ કરવાનો નહીં. આહાર/ઔષધનો સંગ્રહ ઘણાઘણા પ્રમાદને જન્મ આપે છે.
૨૦. મારો ધર્મ ભૂલ વિનાનો છે , વિખવાદ વિનાનો છે , પૂર્વાપર વિરોધ વિનાનો છે, તર્કબદ્ધ છે.
૨૧ . મારો ધર્મ જન્મમરણની પરંપરાને ખતમ કરવા સક્ષમ છે. મારે આ પરંપરાને ખતમ કરવા માટે જ ધર્મ કરવાનો છે.
૨૨ . મારો ધર્મ મને મોક્ષમાં અવશ્ય પહોંચડવાનો છે. હું સારો ધર્મ કરીશ અને એકાદ બે ભવમાં મોક્ષમાં પહોંચીશ. મને ખબર છે કે હું ધર્મમાં ઢીલાશ રાખીશ એના લીધે મારાં મોક્ષગમનમાં વિલંબ થવાનો જ છે.
ધર્મનાં આ બાવીશ વિશેષણો છે. જેમ જેમ ચિંતન કરીએ તેમ તેમ એનું મહત્ત્વ વધતું જાય.
દશ ના અને દશ હા
આ ચિંતન પછી આવે છે. દશ don’ts અને દશ do’s. મતલબ દશ એવી ના જેને યાદ રાખવી પડે ( परिवज्जंतो गुत्तो ) અને દશ એવી હા જેને જીવંત રાખવી જ પડે. ( उवसंपन्नो जुत्तो )
સાધનામાં ઝીણી ઝીણી હજારો વાતો યાદ રાખવાની છે. આ વાતોને બે સ્તરે યાદ રાખી શકાય શું શું નથી કરવાનું અને શું શુ છોડવાનું ? શું શું કરવાનું છે અને શું શું ઉમેરવાનું છે? આ રીતે દશ ના અને દશ હા નો સ્વ-અધ્યાય પક્ખી સૂત્ર કરાવે છે.
अप्पसत्था य जे जोगाથી માંડીને एवं तिदंडविरओ સુધીમાં no and yes ની સ્પષ્ટતાઓ થાય છે સ્પષ્ટતાઓ જરૂરી હોય છે.
સ્વાધ્યાયનું સિંહાવલોકન
અને છેવટે એક પ્રશ્ન ઊઠે છે ? શું મારો સ્વાધ્યાય ખરોખર ચાલુ છે ? આનો જવાબ વારંવાર ખોજવામાં આવે છે. વસ્તુતઃ ત્રણ પ્રશ્ન બને છે. ૧ . શું મારું મહાવ્રત પાલન ખરોખર ચાલુ છે. ? ૨ . શું મારું આચાર પાલન ખરોખર ચાલુ છે. ? ૩ . શું મારું આત્મચિંતન ખરોખર ચાલુ છે. ?
પક્ખી સૂત્રમાં સૌપ્રથમ મહાવ્રત પાલન સંબંધી આત્મનિરીક્ષણ થાય છે. उवसंपज्जिताणं विहरामि સુધીમાં . પક્ખી સૂત્રમાં બીજા તબક્કે આચારપાલનસંબંધી આત્મનિરીક્ષણ થાય છે. ठाणं अब्भुवगया સુધીમાં. અને ત્રીજા તબક્કે ચાર આલાવા દ્વારા આત્મચિંતન સ્વરૂપ સ્વાધ્યાય સંબંધી સ્વ-અવલોકન થાય છે કે શું મેં છ આવશ્યક સાથે આત્મચિંતન જોડ્યું ? શું મેં અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્રો, અંગ બાહ્ય કાલિક આગમસૂત્રો અને દ્વાદશાંગી અંતર્ગત આગમસૂત્રોનો સ્વાધ્યાય કર્યો ? તે સ્વાધ્યાય દ્વારા શું મેં આત્મચિંતન કર્યું અને વધાર્યું ?
જવાબમાં જ્યારે જ્યારે સ્વાધ્યાય થયો તે યાદ આવે છે અને મન પ્રસન્ન ભાવે પ્રાર્થના કરે છે કે મારો સ્વાધ્યાય, दुक्खक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसारुत्तरणयाए બનશે એવો મારો વિશ્વાસ છે. હવે યાદ એ પણ આવે છે કે ક્યારે ક્યારે સ્વાધ્યાય ના જ થયો અને સ્વાધ્યાયમાં ગડબડો કેવી કેવી થઈ ? આનો પસ્તાવો પણ થવા લાગે છે. મારામાં શક્તિ છે, ઉલ્લાસ છે અને પુરુષાર્થ વૃત્તિ છે છતાં સ્વાધ્યાય પર બરોબર ધ્યાન ન અપાયું. संते बले संते वीरिए संते पुरिसकारपरक्कमे । હું એની આલોચના યાચું છું, પ્રતિક્રમણા કરૂં છું, નિંદા કરૂં છું, ગર્હા કરૂં છું , એવા સંસ્કારનો વિચ્છેદ કરૂં છું અને સ્વયંની અશુદ્ધિને ટાળવા ચાહું છું.
વારંવાર नमो तेसिं खमासमाणं દ્વારા ધર્મદાતાઓ, સૂત્રદાતાઓ, જ્ઞાનદાતાઓનો અઢળક આદર થાય છે. અને છેવટે શ્રુતદેવતાની સ્તવના દ્વારા સમાપન થાય છે.
પક્ખીસૂત્રનો કાઉસગ્ગ દર પંદર દિવસે એકવાર પક્ખી પ્રતિક્રમણમાં કરીએ છીએ. યથાસમય પક્ખીસૂત્રનો કાઉસગ્ગ રોજે રોજ કરવો જોઈએ. મનમાં સૂત્ર સ્મરણ અને સાથે સાથે અર્થ ચિંતન . આનો લાભ મોટો થશે. જેમની ચારિત્રસાધના ઉગ્ર અને ઉત્કૃષ્ટ છે તેમની એ સાધના વધુમાં વધુ નિર્મળતા ધારણ કરતી જશે. હું હજી વધારે શું કરી શકું તેની કલ્પના બનતી રહેશે. જેમની ચારિત્ર સાધના ઉગ્ર અને ઉત્કૃષ્ટ નથી તેમનો શુદ્ધ આચરણ પ્રત્યેનો પક્ષપાત્ર સુદૃઢ બનેલો રહેશે . હું જે કહું છું તેમાં આટલી આટલી ભૂલ છે અને એ ભૂલ મારે સુધારવાની છે આ યાદ બનેલી રહેશે .
શ્રી ગૌતમસ્વામી મહારાજા અનંત લબ્ધિઓના નિધાન હતા . પક્ખી સૂત્ર એ મહાગણધરની રચના છે. રચનાને અને રચનાકારને, ગ્રંથને અને ગ્રંથકારને અનંત વંદના.
( પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી બૃહત્ સંગ્રહણી ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને સકલ શ્રી સંઘ પર ઘણો મોટો ઉપકાર કર્યો છે . સૂરિભગવંતનાં આત્મીય આગ્રહથી આ વિસ્તૃત પ્રસ્તાવના લખાઈ છે . )
૧ . આત્મચિંતન માટે આવશ્યક છે વિશ્વ ચિંતન
જૈન દર્શન માને છે કે જીવ પૂર્વ ભવમાંથી આવ્યો અને પુનર્જન્મ લેવાનો છે . પ્રશ્ન એ થાય કે પૂર્વ ભવમાં હું ક્યાં હતો અથવા ક્યાં ક્યાં ફરીને આવ્યો છું . પ્રશ્ન એ પણ થાય કે આવતા જન્મમાં હું ક્યાં હોઈશ અથવા ક્યાં ક્યાં રખડવાનો છું . ૭૦ / ૮૦ વર્ષની આ જિંદગી એક દિવસ પૂરી થશે એ નક્કી છે . ત્યારબાદ જ્યાં જવાનું છે એનું ચિત્ર નજર સમક્ષ થોડેઘણે અંશે સ્પષ્ટ હોવું જોઈએ . અહીંથી વિશ્વ સ્વરૂપ ચિંતનની શરૂઆત થાય છે . જો હું મરીને નરકમાં જઈશ તો નરક ગતિમાં શું છે એની મને જાણકારી હોવી જોઈએ . જો હું મરીને દેવલોકમાં જઈશ તો દેવલોકમાં શું છે એનો મને ખ્યાલ હોવો જોઈએ . જો હું મરીને તિર્યંચ્ ગતિમાં જઈશ તો તિર્યંચ્ ગતિમાં કેવી કેવી અવસ્થાઓ વેઠવાની આવે છે એ મારા ધ્યાનમાં હોવું જોઈએ . જો હું મરીને મનુષ્ય લોકમાં જઈશ તો મનુષ્ય લોક કેટલો વિસ્તૃત છે એની પણ મને ખબર હોવી જોઈએ . આ ભૂમિકાથી જૈન દર્શન , વિશ્વનાં સ્વરૂપનું નિરૂપણ કરે છે .
આપણને હજારો વિચારો સતાવે છે . વિચારોનું જોર એટલું બધું હોય છે કે સામાયિકમાં કે પ્રતિક્રમણમાં કે પછી પૂજામાં એકાગ્ર થઈ શકાતું નથી . કાઉસગ્ગમાં અને સ્વાધ્યાયમાં એકાગ્રતા જરૂરી છે . એકાગ્રતા માટે વિઝ્યુલાઈઝેશન અતિશય આવશ્યક છે . ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં ક્યાંક વિશ્વનાં સ્વરૂપનું ચિંતન ઉપયોગી બને છે . વિશ્વ વિરાટ છે . વિશ્વ અગમ અપાર છે . આ વિશ્વની સામે આપણું અસ્તિત્વ અણુથી પણ નાનું છે આવી ભૂમિકાથી શુભ વિચારણા થઈ શકે છે અને થતી રહેવી જોઈએ .
ખગોળ અને ભૂગોળ એકદમ રોચક વિષય હોય છે . જેને રસ ન પડે એને કંટાળો આવી શકે પણ જેને રસ પડે છે એની માટે આ વિષય બેહદ રોમાંચક . દરેક ધર્મોએ વિશ્વના સ્વરૂપ વિશે પોતપોતાની અવધારણા રજૂ કરી છે . વૈદિક દર્શનો એટલે કે હિન્દુ ધર્મ માને છે કે આ વિશ્વની રચના ઈશ્વર કરે છે . ખ્રિસ્તી પરંપરા માને છે કે ગૉડ દ્વારા છ દિવસમાં વિશ્વની રચના થઈ . ઈસ્લામિક પરંપરા માને છે કે આ વિશ્વ અલ્લાહે બનાવેલું છે . શીખ પરંપરા માને છે કે આ વિશ્વને વાહે ગુરુએ બનાવ્યું છે . યહૂદી પરંપરા માને છે સર્વપ્રથમ અબ્રાહમે ઈશ્વરની મરજીથી વિશ્વની રચના કરી છે . બૌદ્ધ ધર્મ નથી માનતો કે વિશ્વની રચના થઈ છે , આ ધર્મ કહે છે કે આ વિશ્વમાં જે કાંઈ છે તે બધું પરિવર્તમાન ધારાનો એક અંશ છે . આજના વૈજ્ઞાનિકોએ એક બિગબેંગ થિયરી રજૂ કરી છે . તદનુસાર આજથી બાર કે ચૌદ અબજ વરસ પૂર્વે એક મહાવિસ્ફોટ થયો અને એમાંથી જગત્ , જીવજાતિ અને વિશ્વ વ્યવસ્થાઓનું ક્રમિક નિર્માણ થયું . એક ઉત્ક્રાંતિની થિયરી પણ રજૂ થઈ છે . બિગબેંગ અને ઉત્ક્રાંતિની થિયરી , સ્કૂલી સિલેબસમાં ભણાવાય છે તેથી આજની નવી પેઢી આ માન્યતા મુજબનું જ જગત્ છે એવું માને છે અને પ્રચારે છે .
જૈન પરંપરાની માન્યતા આ બધાથી અલગ છે . જૈન પરંપરા અનુસાર જગત્ શાશ્વત છે અને એની શરૂઆત કોઈ રચના દ્વારા થયેલી નથી . અન્ય તમામ માન્યતાઓ અને જૈન માન્યતા વચ્ચે જે ફરક છે તે સંબંધી તર્ક પ્રતિતર્ક કરવા બેસીએ તો એકહજાર પાનાનો ગ્રંથ ભરાય એટલી વાતો લખી શકાય . ષડ્દર્શન સમુચ્ચય જેવા ગ્રંથોમાં આ સંબંધી ચર્ચા વાંચવા મળે છે . આજના સમયની વાત કરીએ તો પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ અભયસાગરસૂરીશ્વરજી મહારાજાએ અન્ય પરંપરાઓથી જૈનદર્શન અલગ છે આ વિષય સંબંધિત વિશાળ સાહિત્યનું સર્જન કર્યું છે / કરાવ્યું છે . અને હાલમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નંદીઘોષસૂરીશ્વરજી મહારાજા પણ આ વિષય પર ઘણું જ ઉપયોગી બને એવું સાહિત્ય રચી રહ્યા છે .
આ જગતનો સમગ્ર આકાર કેેવો છે અથવા આ જગતનું સમગ્ર આકૃતિચિત્ર કેવું છે , આ એક અનોખો વિષય છે . દરેક ધર્મની પરંપરાએ આ વિશે પોતાની માન્યતા રજૂ કરી છે . જગતનું સમગ્ર આકૃતિચિત્ર કેવું છે , આ બાબતમાં જૈન દર્શન પહેલેથી સ્પષ્ટ રહ્યું છે . અન્ય દર્શનની માન્યતાઓ ખોટી છે અને અમારી માન્યતા જ સાચી છે એવા કોઈ આગ્રહ વિના જૈનદર્શને વિશ્વ સ્વરૂપનું આગવું ચિંતન રજૂ કર્યું છે . અન્ય દર્શનોની માન્યતા સાથે લડવાનું લક્ષ્ય જૈન ધર્મે રાખ્યું નથી . જૈન ધર્મ કેવળ આત્મચિંતન માટે વિશ્વ સ્વરૂપનું વર્ણન કરે છે . તમે આ સ્વરૂપને માનો ન માનો એ તમારી સ્વતંત્રતા છે . તમે આ સ્વરૂપનિરૂપણનું ખંડન કરો ન કરો એ તમારી મરજી છે . અમે તો આ સ્વરૂપને માનીશું , આ સ્વરૂપ અનુસાર ચિંતન કરીશું અને આત્માને કલ્યાણના માર્ગે ખુદને આગળ વધારીશું આ જૈન દર્શનનો અભિગમ છે .
પરલોક હોય જ નહીં એવી કલ્પના ચાર્વાક દર્શને આપી . આજના બુદ્ધિવાદીઓ પૂર્વજન્મ અને પુનર્જન્મની વાતોની મજાક કરતા હોય છે . પણ વારંવાર એવા કિસ્સાઓ જરૂર જોવા મળે છે જેમાં પૂર્વ જન્મમાં જોવા મળેલો જીવ જ આ જનમમાં ફરીથી નવા શરીર સાથે જોવા મળ્યો છે એવું સાબિત થયું હોય . આવું ભારતમાં પણ બને છે અને ભારતની બહાર પણ બને છે . જે પરંપરા પરલોકમાં માનતી નથી એમને પણ વિશ્વનાં સ્વરૂપ વિશે પોતાની માન્યતા રજૂ કરવી જ પડી છે .
મુદ્દે , વિશ્વનાં સ્વરૂપનો વિચાર કરવો એ દરેક ધર્માત્માનું કર્તવ્ય છે . આપણે ત્યાં બાર ભાવનાઓમાં એક ભાવનાનું નામ છે , લોક સ્વભાવ ભાવના . લોક એટલે વિશ્વ . એનું ચિંતન કરવું એ દિગંતગામી પુરુષાર્થ છે . પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં , ચૌદ રાજલોક અને અઢી દ્વીપનાં ચિત્રો ઘણાબધા બન્યાં એનું કારણ આ લોક સ્વભાવ ભાવના . હાથમાં નકશો લઈને ચૌદ રાજલોક જોવાનું શરૂ કરો એટલે સૌ પ્રથમ ત્રણ વિભાગ દેખાય . અધોલોક , મધ્યલોક અને ઉર્ધ્વલોક . અધોલોકમાં નીચેથી ઉપર જુઓ તો સાતમી નરકથી માંડીને પહેલી નરક સુધીનું દૃશ્ય દેખાય . તે પછી વચોવચ મધ્યલોક દેખાય . મધ્યલોકની એકદમ વચ્ચે મેરુ પર્વત દેખાય . મેરૂ પર્વત જ્યાં જમીનને અડેલો છે ત્યાં આસપાસ મનુષ્ય લોક દેખાય . પરંતુ મેરુ પર્વતની ઊંચાઈ જ્યાં પૂરી થવા આવે . ત્યાંથી દેવલોક શરૂ થઈ જાય . સૌ પ્રથમ જ્યોતિષ દેવલોક . પછી વૈમાનિકના બાર દેવલોક . તે પછી નવ ગ્રૈવેયક . તે પછી પાંચ અનુત્તર . અને તેના પછી ઉપર તરફના અંતિમ છેડે હોય છે સિદ્ધશિલા . ૧૪ રાજલોકના પટની લોકપ્રિયતા ઘણી મોટી રહી છે . આવી જ લોકપ્રિયતા અઢીદ્વીપના પટની રહી છે . થાળી આકારનો જંબૂદ્વીપ , કંકણ આકારના સમુદ્ર , દ્વીપ , સમુદ્ર અને દ્વીપ . દરેક દ્વીપમાં ભરત , મહાવિદેહ અને ઐરવતની ભૂમિઓ અને વિધવિધ પહાડો . સમુદ્રમાં હોય જળચર જીવોનું ચિત્રાંકન . આ પ્રાથમિક આકલન છે .
હજી વિસ્તારથી ચૌદ રાજલોક અને અઢીદ્વીપ આદિ ક્ષેત્રોની જાણકારી મેળવવી હોય તો એની માટે આ અનુવાદ ગ્રંથ તમારા હાથમાં છે . પ્રાકૃત ભાષામાં વિરચિત મૂળ ગ્રંથનું નામ છે સંગ્રહણી રત્ન . અહીં આ ગ્રંથની સરળ વિવેચના થઈ છે ગુજરાતી ભાષામાં . આ ગ્રંથમાં નિરૂપિત પદાર્થોને સ્વયં શ્રી મહાવીર સ્વામી ભગવાને સમવસરણમાં પ્રકાશિત કર્યા છે . શ્રી સુધર્મા સ્વામીજી મહારાજાએ આ પદાર્થોને દ્વાદશાંગીમાં સંગૃહીત કર્યા છે . શ્રી શ્યામ આચાર્ય દ્વારા પન્નવણા સૂત્રમાં આ પદાર્થોનું નિરૂપણ વિસ્તારથી થયું છે . એના આધારે બૃહત્ સંગ્રહણી ગ્રંથમાં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે આ પદાર્થોની રજૂઆત કરી છે . આ ગ્રંથમાં અન્ય અન્ય ગાથાઓ પ્રક્ષિપ્ત થતી રહી તેથી ગ્રંથ ઘણો જ મોટો થઈ ગયો . આ કારણસર શ્રી ચંદ્રસૂરિજી મહારાજાએ મોટું લંબાણ ટાળીને સંક્ષેપમાં આ સંગ્રહણીની રચના કરી છે . સંઘને આ ગ્રંથના સરળ અનુવાદની અપેક્ષા હતી . અનુવાદક સૂરિભગવંતે સંઘની અપેક્ષા પૂર્તિ કરવા દ્વારા મોટું પુણ્ય કમાઈ લીધું છે .
ચાર ગતિ સંબંધી મુખ્ય મુખ્ય તમામ બાબતો આ ગ્રંથમાં સંકલિત થયેલી છે . ગ્રંથ મોટો હોય એટલે સ્વાભાવિક છે કે એમાં ઘણા બધા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું હોય. અલગ અલગ વિષયોને ગ્રંથકાર ક્રમબદ્ધ રીતે રજૂ કરે છે . એક પછી એક વિષય રજૂ થતા જશે એમ ગ્રંથકાર શરૂઆતમાં જણાવે છે . જે વિષય રજૂ થવાના છે તેને દ્વાર કહેવામાં આવે છે . દ્વારનો મતલબ છે કે હવે તમે આ વિષયમાં પ્રવેશ કરી રહ્યા છો , હવે તમે આ વિષયમાં પ્રવેશ કરવાના છે , હવે તમે આ વિષયમાંથી પસાર થઈ ચૂક્યા છો . જે જે વિષય વિસ્તારથી રજૂ કરવાનો હોય તે વિષયને દ્વાર કહેવામાં આવે અને જે વિષય અવાંતર વિષય તરીકે રજૂ થયો હોય તેને ઉપદ્વાર કહેવામાં આવે આ પ્રણાલી પ્રાચીન ગ્રંથકારોએ જાળવેલી છે . આ ગ્રંથમાં કુલ મળીને ૩૪ દ્વાર છે મતલબ કે આ ગ્રંથમાં ૩૪ વિષયની ચર્ચા છે .
નવ વિષય દેવગતિ સંબંધિત . નવ વિષય નરકગતિ સંબંધિત . આઠ વિષય મનુષ્યગતિ સંબંધિત . આઠ વિષય તિર્યંચગતિ સંબંધિત . જૈન દર્શન વિશ્વ વ્યવસ્થાને જે સ્વરૂપમાં વર્ણવે છે તેનો પ્રમુખ બોધ આ ૩૪ વિષયોના અભ્યાસથી આપણને મળી જાય છે .
૨ . દેવગતિ સંબંધી બોધ
દેવતા સંબંધી નવ વિષય આ મુજબ છે :
૧ .અલગ અલગ દેવતાઓનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૦૨થી માંડીને ગાથા ૧૮ સુધીમાં મળે છે .
૨ . અલગ અલગ દેવતાઓનું રહેવાનું પોતપોતાનું સ્થાન – ભવન કેવું હોય ? એની જાણકારી ગાથા ૧૯થી માંડીને ગાથા ૧૩૩ સુધીમાં મળે છે .
૩ . અલગ અલગ દેવતાઓની પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી ગાથા ૧૩૪થી માંડીને ગાથા ૧૪૧ સુધીમાં મળે છે .
૪ . અલગ અલગ દેવતાઓ પોતપોતાના દેવલોકમાં અવતાર લે તેમાં એક દેવે અવતાર લીધો તે પછી બીજા દેવે અવતાર લીધો , આ બે દેવના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં મળે છે .
૫ . અલગ અલગ દેવતાઓ પોતપોતાના દેવલોકમાંથી પરલોક તરફ વિદાય લે તેમાં એક દેવે વિદાય લીધી તે પછી બીજા દેવે વિદાય લીધી , આ બે દેવની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી પણ ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં જ મળે છે .
૬ . એક દેવલોકમાં એક સાથે કેટલી સંખ્યામાં દેવતા અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ? એની જાણકારી પણ ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં જ મળે છે .
૭ . એક દેવલોકમાંથી એક સાથે કેટલી સંખ્યામાં દેવતા વિદાય લે છે ? એની જાણકારી પણ ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં જ મળે છે .
૮ . દેવલોકમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી દેવલોકમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૧૪૭થી માંડીને ગાથા ૧૬૩ સુધીમાં મળે છે .
૯. તે તે દેવતા આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? એની જાણકારી ગાથા ૧૬૪થી માંડીને ગાથા ૧૬૫ સુધીમાં મળે છે . આ સિવાય ,
- તે તે દેવોનું અને દેવીઓની કામવાસનાનું માનસિક અને શારીરિક સ્વરૂપ શું હોય છે , એની જાણકારી ગાથા ૧૬૬ થી માંડીને ગાથા ૧૭૩ સુધીમાં મળે છે .
- તે તે દેવોની લેશ્યા કંઈ કંઈ હોય અને તે તે દેવોનાં રંગરૂપ કેવાં હોય એની જાણકારી ગાથા ૧૭૪ થી માંડીને ગાથા ૧૭૫ સુધીમાં મળે છે .
- તે તે દેવોના શ્વાસોશ્વાસ સંબંધી જાણકારી ગાથા ૧૭૬ થી માંડીને ગાથા ૧૮૦ સુધીમાં મળે છે .
- તે તે દેવોના આહાર સંબંધી જાણકારી ગાથા ૧૮૧ થી માંડીને ગાથા ૧૮૬ સુધીમાં મળે છે .
- તે તે દેવોની શરીરરચના સંબંધી જાણકારી ગાથા ૧૮૭ થી માંડીને ગાથા ૧૮૯ સુધીમાં મળે છે .
- તે તે દેવો , મનુષ્યલોકમાં શું કામ આવે અને શું કામ ન આવે , એની જાણકારી ગાથા ૧૯૦ થી માંડીને ગાથા ૧૯૨સુધીમાં મળે છે .
- તે તે દેવો , અવધિજ્ઞાન દ્વારા ક્યાં સુધી જોઈ શકે અને ક્યાં સુધી ન જોઈ શકે એની જાણકારી ગાથા ૧૯૩ થી માંડીને ગાથા ૧૯૮ સુધીમાં મળે છે .
ટૂંકમાં કહીએ તો દેવ ગતિ સંબંધી તમામ જાણકારી આ ગ્રંથના ગાથા ક્રમાંક ૦૦.૨થી માંડીને ગાથા ક્રમાંક ૧૯૮ સુધીમાં મળે છે . પૅજ નંબર ૨૨થી પૅજ નંબર ૧૯૧ સુધીમાં .
૩ . નરકગતિ સંબંધી બોધ
નરક સંબંધી નવ વિષય આ મુજબ છે :
૧ .અલગ અલગ નારકીઓનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૧૯૯ થી માંડીને ગાથા ૨૦૩ સુધીમાં મળે છે .
૨ . અલગઅલગ નારકીઓનું રહેવાનું પોતપોતાનું
સ્થાન – ભવન કેવું હોય ? એની જાણકારી ગાથા ૨૦૪ થી માંડીને ગાથા ૨૨૪ સુધીમાં મળે છે .
૩ . અલગઅલગ નારકીઓનાં પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી ગાથા ૨૨૫ થી માંડીને ગાથા ૨૩૦ સુધીમાં મળે છે .
૪ . અલગઅલગ નારકીઓ પોતપોતાની નરકમાં અવતાર લે તેમાં એક નારકીએ અવતાર લીધો તે પછી બીજા નારકીએ અવતાર લીધો , આ બે નારકીના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૫ . અલગઅલગ નારકીઓ પોતપોતાની નરકમાંથી પરલોક તરફ વિદાય લે તેમાં એક નારકીએ વિદાય લીધી તે પછી બીજા નારકીએ વિદાય લીધી , આ બે નારકીઓની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી પણ ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૬ . એક નરકમાં એક સાથે કેટલી સંખ્યામાં નારકીઓ
અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ? એની જાણકારી પણ ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૭ . એક નરકમાંથી એક સાથે કેટલી સંખ્યામાં નારકીઓ વિદાય લે છે ? એની જાણકારી પણ ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૮ . નરકમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી નરકમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૨૩૨ થી માંડીને ગાથા ૨૩૬ સુધીમાં મળે છે .
( નરકમાં આવનારા તે તે જીવોને કંઈ કંઈ લેશ્યા હોય તેની જાણકારી ગાથા ૨૩૭ થી માંડીને ગાથા ૨૩૮ સુધીમાં મળે છે . )
૯ . તે તે નારકી આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? તેની જાણકારી ગાથા ૨૩૯ માં મળે છે . નરક ગતિમાં આવેલ તે તે દેવો , અવધિજ્ઞાન દ્વારા ક્યાં સુધી જોઈ શકે અને ક્યાં સુધી ન જોઈ શકે એની જાણકારી ગાથા ૨૪૦ માં મળે છે .
ટૂંકમાં કહીએ તો નરક સંબંધી નવ પ્રશ્નોના જવાબ ,આ ગ્રંથના ગાથા ક્રમાંક ૧૯૯થી માંડીને ગાથા ક્રમાંક ૨૪૦ સુધીમાં મળે છે . પૅજ નંબર ૧૯૩થી પૅજ નંબર ૨૪૩ સુધીમાં .
૪ . મનુષ્યગતિ સંબંધી બોધ
મનુષ્ય સંબંધી આઠ વિષય આ મુજબ છે :
૧ . અલગ અલગ મનુષ્યોનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૨૪૧ માં મળે છે .
૨ . અલગઅલગ મનુષ્યોનાં પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી પણ ગાથા ૨૪૧ માં જ મળે છે .
૩ . અલગઅલગ મનુષ્યો પોતપોતાની ભૂમિ પર અવતાર લે તેમાં એક મનુષ્યે અવતાર લીધો તે પછી બીજા મનુષ્યે અવતાર લીધો , આ બે મનુષ્યના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૨૪૨ માં મળે છે .
૪ . અલગઅલગ મનુષ્ય પોતપોતાની ભૂમિ પરથી પરલોક તરફ વિદાય લે તેમાં એક મનુષ્યે વિદાય લીધી તે પછી બીજા મનુષ્યે વિદાય લીધી , આ બે મનુષ્યોની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી પણ ગાથા ૨૪૨ માં જ મળે છે .
૫ . મનુષ્યગતિમાં એક સાથે કેટલી સંખ્યામાં મનુષ્યો અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ? એની જાણકારી પણ ગાથા ૨૪૨ માં જ મળે છે .
૬ . મનુષ્યગતિમાંથી એક સાથે કેટલી સંખ્યામાં મનુષ્યો વિદાય લે છે એટલે કે મરણ પામે છે ? એની જાણકારી પણ ગાથા ૨૪૨ માં જ મળે છે .
૭ . મનુષ્ય ગતિમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી મનુષ્ય ગતિમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૨૪૩ થી માંડીને ગાથા ૨૪૪ માં મળે છે .
૮ . મનુષ્ય પોતાનું આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? એની જાણકારી પણ ગાથા ૨૪૯ થી માંડીને ગાથા ૨૫૮ માં મળે છે .
- ચક્રવર્તી , બલદેવ , વાસુદેવ , અને અરિહંત સંબંધી વિશેષ વાતોની જાણકારી ગાથા ૨૪૪ થી માંડીને ગાથા ૨૪૮ સુુધીમાં મળે છે .
- મનુષ્ય ગતિના તે તે જીવો મોક્ષમાં કેવી કેવી ભૂમિકાએથી જઈ શકે છે અને નથી જઈ શકતા એની જાણકારી ગાથા ૨૪૯ થી માંડીને ગાથા ૨૫૮ સુુધીમાં મળે છે .
ટૂંકમાં કહીએ તો મનુષ્ય સંબંધી આઠ પ્રશ્નોના જવાબ , આ ગ્રંથના ગાથા ક્રમાંક ૨૪૧ થી માંડીને ગાથા ક્રમાંક ૨૫૮ સુધીમાં મળે છે . પૅજ નંબર ૨૪૫ થી પૅજ નંબર ૨૬૪ સુધીમાં .
૫ . તિર્યંચ્ ગતિ સંબંધી બોધ
તિર્યંચ્ ગતિ એટલે કે પશુગતિ સંબંધી આઠ વિષય આ મુજબ છે :
૧ . અલગ અલગ તિર્યંચ્ જીવોનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૨૫૯ થી માંડીને ગાથા ૨૬૩ સુુધીમાં મળે છે .
( અલગ અલગ તિર્યંચ્ જીવોની સ્વકાયસ્થિતિ કેટલી હોય એની જાણકારી ગાથા ૨૬૪ થી માંડીને ગાથા ૨૬૫ સુુધીમાં મળે છે . )
૨ . અલગ અલગ તિર્યંચ્ જીવોનાં પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી ગાથા ૨૬૬ થી માંડીને ગાથા ૨૭૩નાં પૂર્વાર્ધ સુુધીમાં મળે છે .
૩ . અલગ અલગ તિર્યંચ્ જીવો પોતપોતાની ભૂમિ પર અવતાર લે તેમાં એક તિર્યંચ્ જીવે અવતાર લીધો તે પછી બીજા તિર્યંચ્ જીવે અવતાર લીધો , આ બે તિર્યંચ્ જીવના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં મળે છે .
૪ . અલગઅલગ તિર્યંચ્ જીવ પોતપોતાની ભૂમિ પરથી પરલોક તરફ વિદાય લે તેમાં એક તિર્યંચ્ જીવે વિદાય લીધી તે પછી બીજા તિર્યંચ્ જીવે વિદાય લીધી , આ બે તિર્યંચ્ જીવોની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા પણ ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં જ મળે છે .
૫ . તિર્યંચ્ ગતિમાં એક સાથે કેટલી સંખ્યામાં તિર્યંચ્ જીવો અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ?એની જાણકારી ગાથા પણ ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં જ મળે છે .
૬ . તિર્યંચ્ ગતિમાંથી એક સાથે કેટલી સંખ્યામાં તિર્યંચ્ જીવો વિદાય લે છે ? એની જાણકારી ગાથા પણ ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં જ મળે છે .
૭ . તિર્યંચ્ ગતિમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી તિર્યંચ્ ગતિમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૨૮૧ થી માંડીને ગાથા ૨૮૨નાં પૂર્વાર્ધ સુુધીમાં મળે છે .
૮ . તિર્યંચ્ જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? એની જાણકારી ગાથા ૨૮૧નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૮૨ સુુધીમાં મળે છે . ૯ . તિર્યંચ્ ગતિના જીવોની લેશ્યા કંઈ કંઈ હોય છે એની જાણકારી ગાથા ૨૮૩ થી માંડીને ગાથા ૨૮૬ સુુધીમાં મળે છે .
ટૂંકમાં કહીએ તો તિર્યંચ જીવો સંબંધી આઠ પ્રશ્નોના જવાબ , આ ગ્રંથના ગાથા ક્રમાંક ૨૫૯ થી માંડીને ગાથા ક્રમાંક ૩૧૭ સુધીમાં મળે છે . પૅજ નંબર ૨૪૫ થી પૅજ નંબર ૩૧૦ સુધીમાં .
૬ . અવાંતર વિષયોનો બોધ
- ચાર ગતિના અલગ અલગ જીવોમાં , પુરુષ વેદ – સ્ત્રી વેદ – નપુંસક વેદનો ઉદય કોને કોને હોય એની જાણકારી ગાથા ૨૮૮ માં મળે છે .
- શરીર , પર્વત આદિની ઊંચાઈ / લંબાઈ / પહોળાઈ માપવા માટેનાં પ્રમાણની ગણત્રી આત્માંગુલ , ઉત્સેધાંગુલ અને પ્રમાણાંગુલ આ ત્રણ દ્વારા થતી હોય છે . તે સંબંધી જાણકારી ગાથા ૨૮૯ થી માંડીને ગાથા ૨૯૩ સુુધીમાં મળે છે .
- જીવાયોનિની સંખ્યા ચોર્યાસી લાખ છે તે કેવી રીતે એની જાણકારી ગાથા ૨૮૯ થી માંડીને ગાથા ૨૯૯ સુુધીમાં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોનાં પોતપોતાનાં આયુષ્ય હોય છે , આ સૌનાં આયુષ્ય સાથે જોડાયેલી સાત મહત્ત્વપૂર્ણ વાતોની જાણકારી ગાથા ૩૦૦ થી માંડીને ગાથા ૩૧૧ સુુધીમાં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોની પોતપોતાની પર્યાપ્તિઓ સંબંધી જાણકારી ગાથા ૩૧૨ થી માંડીને ગાથા ૩૧૩ સુુધીમાં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોને પોતપોતાની ગતિમાં કયા કયા પ્રાણ મળે તે સંબંધી જાણકારી ગાથા ૩૧૪માં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોને કેવી રીતે ચોવીશ દંડકની દૃષ્ટિએ જોઈ શકાય તેની જાણકારી ગાથા ૩૧૬ થી માંડીને ગાથા ૩૧૭ સુુધીમાં મળે છે .
- આ ગ્રંથની રચના કોણે કરી અને શેના આધારે કરી જાણકારી ગાથા ૩૧૫માં અને ગાથા ૩૧૮ માં મળે છે .
ગ્રંથકાર દરેક વિષયનું વિગતવાર નિરૂપણ કરવા કરવા માંગે છે . એમને ઝાઝું લાંબું કરવું નથી પણ તેઓ ટૂંકાણમાં કે ઉપલક રીતે રજૂઆત કરવામાં માનતા નથી . તેઓ અવાંતર વિષયને બરોબર રજૂ કરે છે . આવું જ વલણ અનુવાદકારે પણ અપનાવેલું છે .
૧ .
દેવલોક સંબંધી વાત શરૂ થાય છે અને તરત ટિપ્પણીમાં એક સરસ વાત વાંચવા મળે છે : પાંચ પ્રકારની વ્યક્તિને દેવ શબ્દ લાગુ પડે છે . જે આ ભવમાં મનુષ્ય અથવા તિર્યંચ્ છે પણ આવતા ભવમાં જે અવશ્ય દેવલોકમાં જવાના છે એમને દ્રવ્ય દેવ કહેવાય . લાખો કરોડો મનુષ્યની વચ્ચે જે રાજા તરીકે ઉત્કૃષ્ટ સામ્રાજ્ય બનાવે છે એવા ચક્રવર્તીને નરદેવ કહેવામાં આવે છે . જેઓ સાક્ષાત્ પંચ આચારનું પાલન કરે છે અને પંચ આચારનું નિરૂપણ કરે છે એવા ગુરુ ભગવંતોને ધર્મદેવ કહેવાય છે . જેઓ તીર્થંકર નામકર્મના ઉદયને અધીન રહીને દેશના આદિ આપવા દ્વારા અગણિત આત્માઓ ઉપર ઉપકાર કરે છે એમને દેવાધિદેવ કહેવાય છે . અને જે બે દેવલોકમાં અવતરિત થઈ ચૂક્યા છે અને દેવલોકમાં જ આનંદ પ્રમોદ કરી રહ્યા છે એમને ભાવદેવ કહેવાય છે . આ રીતે પાંચ પ્રકારના દેવની વાત કેવી સુંદર છે ? વાંચવી પણ ગમે અને આ ગ્રંથમાં પાંચમા પ્રકારના દેવની વાત થઈ રહી છે તે પણ તરત સમજાઈ જાય છે .
૨ .
દેવના ચાર પ્રકાર છે : ભવનપતિ , વ્યંતર , જ્યોતિષ અને વૈમાનિક . અત્યારે મિડિયાએ એવી હવા ઊભી કરી છે કે સરેરાશ મહિલાઓ પુરૂષ કરતાં વધુ લાંબું જીવે છે . આ વાત સાચી છે કે નહીં તેની પર લાંબી ચર્ચા થઈ શકે છે . પરંતુ દેવલોકમાં કંઈક જુદી જ પરિસ્થિતિ છે . દેવલોકમાં દેવ અને દેવી આ બંને જન્મ લે છે . પરંતુ દેવના મુકાબલે દેવીઓનાં આયુષ્ય ઘણાં જ ટૂંકા હોય છે .
દાખલા તરીકે ભવનપતિમાં અસુરકુમાર કક્ષાના પ્રથમ ઈન્દ્ર ચમરેન્દ્ર એક સાગરોપમ જેટલું જીવે છે . જ્યારે કે ચમરેન્દ્રની દેવી ફક્ત સાડા ત્રણ પલ્યોપમ જીવે છે . બલીન્દ્ર એક સાગરોપમ જેટલું જીવે છે પરંતુ તેમની દેવી ફક્ત સાડાચાર પલ્યોપમ જીવે છે . આ વાત એકદમ નવી લાગે છે . ક્યાં એક સાગરોપમ અને ક્યાં સાડા ત્રણ કે સાડા ચાર પલ્યોપમ ? આમ થવાનું કારણ શું હોઈ શકે ? અનુવાદકાર જણાવે છે કે દેવો પુણ્યનો ભોગવટો કરે એ જ દેવલોકનું મુખ્ય કાર્ય હોય છે . દેવીઓ ઓછા આયુષ્યની હોવાથી બદલાતી રહે અને એ રીતે દેવ પોતાનાં પુણ્યનો ઉપભોગ કરતા રહે છે .
વ્યંતર કક્ષાના દેવ જો એક પલ્યોપમનું આયુષ્ય ધરાવે છે તો ત્યાંની દેવી પોણા પલ્યોપમનું આયુષ્ય ધરાવે છે . આ વળી અલગ પરિસ્થિતિ છે .
જ્યોતિષ દેવોમાં – ચંદ્ર અને ચંદ્ર વિમાનમાં રહેનારા દેવ એક પલ્યોપમ ઉપરાંત એક લાખ વર્ષ સુધી વધુમાં વધુ જીવે છે . જ્યારે અહીંની દેવી પોણો પલ્યોપમ ઉપરાંત ૫૦.૦૦૦ વર્ષ સુધી જીવે છે . સૂર્ય , ગ્રહ , નક્ષત્ર અને તારામાં પણ દેવ અને દેવીઓનાં આયુષ્ય અલગ જોવા મળે છે .
વૈમાનિક દેવલોકમાં બે પ્રકારના દેવો હોય છે : કલ્પોપપન્ન અને કલ્પાતીત . બાર દેવલોક કલ્પોપપન્નની શ્રેણિમાં આવે છે . તેનાથી ઉપર , નવ ગ્રૈવેયક અને પાંચ અનુત્તર છે , એમની ગણના કલ્પાતીતની શ્રેણિમાં થાય છે . કલ્પોપપન્ન દેવોમાં સ્વામી સેવક ભાવ , નાના મોટાનો ભેદભાવ અને કલ્યાણક આદિ પ્રસંગે જવા સંબંધી વહેવાર હોય છે . કલ્પાતીત દેવોમાં – સ્વામી સેવક ભાવ , નાના મોટાનો ભેદભાવ અને કલ્યાણક આદિ પ્રસંગે જવા સંબંધી વહેવાર હોતો નથી . બાર દેવલોકમાંથી પહેલા બે દેવલોકમાં દેવીઓ જન્મ લે છે . આ દેવીઓ બે પ્રકારની હોય છે , પરિગૃહીતા ( રાણી સમાન) અને અપરિગૃહીતા ( વેશ્યા સમાન ) . આશ્ચર્યની વાત એ છે કે પ્રથમ દેવલોકની પરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત પલ્યોપમનું હોય છે અને પ્રથમ દેવલોકની અપરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પચાસ પલ્યોપમનું હોય છે . દ્વિતીય દેવલોકની પરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ પલ્યોપમનું હોય છે અને દ્વિતીય દેવલોકની અપરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંચાવન પલ્યોપમનું હોય છે . પ્રથમ દેવલોકની અપરિગૃહીતા દેવીઓ , ત્રીજા – પાંચમા – સાતમા – નવમા – અગિયારમા દેવલોક સુધીના દેવો માટે ભોગસુખનું આલંબન બને છે . દ્વિતીય દેવલોકની અપરિગૃહીતા દેવીઓ , બીજા – ચોથા – છટ્ઠા – આઠમા – દસમા અને બારમા દેવલોક સુધીના દેવો માટે ભોગસુખનું આલંબન બને છે . મુખ્ય મુદ્દો એ છે કે કલ્પોપપન્ન દેવોમાં દેવીઓનું ચલણ છે પરંતુ દેવીઓનો જન્મ કેવળ , પ્રથમ અને દ્વિતીય દેવલોકમાં જ થાય છે .
તમે જોયું ? દેવોનું આયુષ્ય કેટલું હોય છે એ વિષયમાંથી શરૂ થયેલી વાત કેટલા મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ ? આવું જ દરેક વિષયમાં થાય છે .
૩.
દેવલોકમાં ચોસઠ ઈન્દ્ર છે માટે ઈન્દ્રાણી પણ ચોસઠ હશે એવું માની લેવાની જરૂર નથી . દેવલોકમાં પટરાણી તરીકે સ્થાન પામનારા ઈન્દ્રાણી બસ્સોસિત્તેર છે . કેવી રીતે ?
ભવનપતિમાં અસુરકુમારના બે ઈન્દ્ર છે , ચમરેન્દ્ર અને બલીન્દ્ર . દરેકને પાંચ પટરાણી છે . દશ . ભવનપતિમાં જ નાગકુમારની નવ નિકાયના અઢાર ઈન્દ્ર છે . દરેકને છ પટરાણી છે . એકસો આઠ .
વ્યંતર નિકાયના સોળ ઈન્દ્ર છે અને વાનવ્યંતર નિકાયના સોળ ઈન્દ્ર છે . દરેકને ચાર પટરાણી છે . એકસો અઠ્યાવીસ .
જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રના બે બે ઈન્દ્ર છે . દરેકને ચાર પટરાણી છે . આઠ .
વૈમાનિકમાં પ્રથમ અને દ્વિતીય દેવલોકમાં એક એક ઈન્દ્ર હોય છે . દરેકને ચાર પટરાણી છે . આઠ .
૪.
બાર દેવલોક છે એમ જાણ્યા બાદ આપણને એમ લાગે કે એકની ઉપર એક એમ બાર લાઈન હશે . ગ્રંથકાર જણાવે છે કે બાર દેવલોકમાં કુલ મળીને બાસઠ લાઈન છે . લાઈનને શાસ્ત્રશુદ્ધ ભાષામાં પ્રતર કહી શકાય . પ્રથમ અને દ્વિતીય દેવલોક સમાંતરે છે . એ બેયના મળીને તેર પ્રતર હોય છે . ત્રીજા ચોથા દેવલોકના મળીને કુલ બાર પ્રતર હોય છે . પાંચમા દેવલોકના કુલ છ પ્રતર હોય છે . છટ્ઠા દેવલોકના કુલ પાંચ પ્રતર હોય છે . સાતમા દેવલોકના ચાર પ્રતર હોય છે . આઠમા દેવલોકના ચાર પ્રતર હોય છે . નવમા અને દસમા દેવલોકના મળીને કુલ ચાર પ્રતર હોય છે . આરણ અને અચ્યુત દેવલોકમાં કુલ મળીને ચાર પ્રતર હોય છે . નવ ગ્રૈવેયકના નવ પ્રતર હોય છે અને પાંચ અનુત્તર એક જ લાઈનમાં હોવાથી પાંચ અનુત્તરનો પ્રતર એક જ હોય છે .
મનુષ્ય લોકથી સિદ્ધશિલા તરફ જવાના રસ્તે પહેલાં બાર દેવલોક આવે છે , તે પછી નવ ગ્રૈવેયક આવે છે , તે પછી પાંચ અનુત્તર આવે છે . નીચેથી ઉપર તરફ જતી વખતે પહેલો દેવલોક પસાર કરીએ ત્યારે પ્રથમ દેવલોકનાં તેર પ્રતર પસાર કરવા પડે .
બીજી રીતે કહીએ તો ભારત દેશની કન્યા કુમારી સરહદથી કાશ્મીર સરહદ સુધી જવા માટે જેમ જુદા જુદા રાજ્યમાંથી પસાર થવું પડે છે તેમ પ્રથમ દેવલોકમાં નીચેથી ઉપર સુધી જવું હોય તો તેર પ્રતર પસાર કરવા પડે છે . જે રીતે દરેક દેેશનાં જુુદા જુદા રાજ્ય હોય છે એ જ રીતે અન્ય દેવલોકનાં પણ જુુદા જુદા પ્રતરો હોય છે .
તે તે દેવ , જે પ્રતરમાં હોય છે તદનુસાર એનું આયુષ્ય નિર્ધારિત થાય છે . ભવનપતિ , વ્યંતર અને જ્યોતિષમાં પ્રતર નથી .
૫.
આપણે ચોસઠ ઈન્દ્ર , એમ બોલીએ છીએ ત્યારે ભવનપતિના વીસ ઈન્દ્ર , વ્યંતરના સોળ ઈન્દ્ર , વાણ વ્યંતરના સોળ ઈન્દ્ર , જ્યોતિષના બે ઈન્દ્ર અને વૈમાનિકના દશ ઈન્દ્ર ગણનામાં આવે છે . આમાં ભવનપતિના વીસ ઈન્દ્ર આ મુજબ છે :
- અસુર કુમારના બે ઈન્દ્ર : ચમર અને બલી . આમનો શરીર વર્ણ શ્યામ હોય છે . વસ્ત્રનો રંગ લાલ .
- નાગ કુમારના બે ઈન્દ્ર : ધરણ અને ભૂતાન . આમનો શરીર વર્ણ અતિશય શ્વેત હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
- સુવર્ણ કુમારના બે ઈન્દ્ર : વેણુદેવ અને વેણુદાલી . આમનો શરીર વર્ણ સોનેરી પીળો હોય છે . વસ્ત્રનો રંગ ધોળો .
+વિદ્યુત્ કુમારના બે ઈન્દ્ર : હરિકાંત અને હરિસહ . આમનો શરીર વર્ણ લાલ હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+અગ્નિ કુમારના બે ઈન્દ્ર : અગ્નિશિખ અને અગ્નિ માનવ . આમનો શરીર વર્ણ લાલ હોય છે . વસ્ત્રનો રંગ લીલો . - દ્વીપ કુમારના બે ઈન્દ્ર : પૂર્ણ અને વિશિષ્ટ . આમનો શરીર વર્ણ લાલ હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+ઉદધિ કુમારના બે ઈન્દ્ર : જલકાંત અને જલપ્રભ . આમનો શરીર વર્ણ અતિશય શ્વેત હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+દિશિ કુમારના બે ઈન્દ્ર : અમિતગતિ અને અમિતવાહન . આમનો શરીર વર્ણ સોનેરી પીળો હોય છે . વસ્ત્રનો રંગ ધોળો .
+વાયુ કુમારના બે ઈન્દ્ર : વેલંબ અને પ્રભંજન . આમનો શરીર વર્ણ વૃક્ષ જેવો લીલો હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+સ્તનિત કુમારના બે ઈન્દ્ર : ઘોષ અને મહાઘોષ . આમનો શરીર વર્ણ સોનેરી પીળો હોય છે . વસ્ત્રનો રંગ સંધ્યાસમયના આકાશ જેવો .
( દરેેકમાં પ્રથમ ઈન્દ્ર દક્ષિણમાં રહે છે , દ્વિતીય ઈન્દ્ર ઉત્તરમાં રહે છે . )
વ્યંતરના સોળ ઈન્દ્ર આ મુજબ છે .
+પિશાચ વ્યંતરના બે ઈન્દ્ર . કાલ અને મહાકાલ . શરીરનો વર્ણ સહેજ શ્યામ .
+ભૂત વ્યંતરના બે ઈન્દ્ર . સુરૂપ અને પ્રતિરૂપ . શરીરનો વર્ણ અતિશય શ્યામ .
+યક્ષ વ્યંતરના બે ઈન્દ્ર . પૂર્ણભદ્ર અને માણિભદ્ર . શરીરનો વર્ણ સહેજ શ્યામ .
+રાક્ષસ વ્યંતરના બે ઈન્દ્ર . ભીમ અને મહાભીમ . શરીરનો વર્ણ ધોળો .
+કિંનર વ્યંતરના બે ઈન્દ્ર . કિંનર અને કિંપુરૂષ . શરીરનો વર્ણ લીલો .
+કિંપુરુષ વ્યંતરના બે ઈન્દ્ર . સત્ પુરુષ અને મહાપુરુષ . શરીરનો વર્ણ ધોળો .
+મહોરગ વ્યંતરના બે ઈન્દ્ર . અતિકાય અને મહાકાય . શરીરનો વર્ણ શ્યામ .
+ગંધર્વ વ્યંતરના બે ઈન્દ્ર . ગીતરતિ અને ગીતયશ . શરીરનો વર્ણ શ્યામ .
વ્યંતર અંતર્ગત વાણવ્યંતરના સોળ ઈન્દ્ર આ મુજબ છે .
+અણપન્ની વાણવ્યંતરના બે ઈન્દ્ર . સંનિહિત અને સામાન .
+પણપન્ની વાણવ્યંતરના બે ઈન્દ્ર . ધાતા અને વિધાતા .
+ઋષિવાદી વાણવ્યંતરના બે ઈન્દ્ર . ઋષિ અને ઋષિપાલ .
+ભૂતવાદી વાણવ્યંતરના બે ઈન્દ્ર . ઈશ્વર અને મહેશ્વર .
+કંદિત વાણવ્યંતરના બે ઈન્દ્ર . સુવત્સ અને વિશાલ .
+મહાકંદિત વાણવ્યંતરના બે ઈન્દ્ર . હાસ્ય અને હાસ્ય રતિ.
+કોહંડ વાણવ્યંતરના બે ઈન્દ્ર . શ્વેત અને મહાશ્વેત .
+પતંગ વાણવ્યંતરના બે ઈન્દ્ર . પતંગ અને પતંગ ગતિ .
જ્યોતિષના બે ઈન્દ્ર આ મુજબ છે .
સૂર્ય અને ચંદ્ર .
વૈમાનિકના દશ ઈન્દ્ર આ મુજબ છે .
સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર .
ઈશાન દેવલોકનો ઈન્દ્ર .
સનત્ કુમાર દેવલોકનો ઈન્દ્ર .
માહેન્દ્ર દેવલોકનો ઈન્દ્ર .
બ્રહ્મલોક દેવલોકનો ઈન્દ્ર .
લાંતક દેવલોકનો ઈન્દ્ર .
મહાશુક્ર દેવલોકનો ઈન્દ્ર .
સહસ્રાર દેવલોકનો ઈન્દ્ર .
આનત અને પ્રાણત દેવલોકની વચ્ચે એક જ ઈન્દ્ર .
આરણ અને અચ્યુત દેવલોકની વચ્ચે એક જ ઈન્દ્ર .
( ગ્રૈવેયક અને અનુત્તરમાં ઈન્દ્રની ભૂમિકા હોતી નથી . )
૬.
અલગ અલગ દેવલોકના દેવો ભેગા થાય છે ત્યારે કયો દેવ , કયા દેવલોકનો છે એ ખબર કેવી રીતે પડે ? દરેક દેવલોકના દેવની એક નિશાની નિશ્ચિત છે . આ નિશાની એટલે ચિહ્ન . પ્રત્યેક દેવલોકના દેવની નિશાની એના મુગુટમાં બનેલી હોય છે .
પ્રથમ દેવલોકના દેવોના મુગુટમાં મૃગનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . બીજા દેવલોકના દેવોના મુગુટમાં પાડાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . તૃતીય દેવલોકના દેવોના મુગુટમાં વનવિહારી વરાહનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . ચતુર્થ દેવલોકના દેવોના મુગુટમાં સિંહનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . પંચમ દેવલોકના દેવોના મુગુટમાં બકરાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . છટ્ઠા દેવલોકના દેવોના મુગુટમાં દેેડકાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . સાતમા દેવલોકના દેવોના મુગુટમાં ઘોડાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . આઠમા દેવલોકના દેવોના મુગુટમાં હાથીનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . નવમા દેવલોકના દેવોના મુગુટમાં સાપનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . દશમા દેવલોકના દેવોના મુગુટમાં ગેંંડાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . અગિયારમા દેવલોકના દેવોના મુગુટમાં બળદનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . બારમા દેવલોકના દેવોના મુગુટમાં મૃૃગવિશેેષનું ચિહ્ન અંકિત થયેલું હોય છે .
અહીં પ્રશ્ન થાય છે કે ગ્રૈવેયક અને અનુત્તરના દેવોને મુગુટમાં કયાં ચિહ્ન હોય ? જવાબ જાણવા જેવો છે : ગ્રૈવેયક અને અનુત્તરના દેવોને પોતાના નિવાસથી બહાર જવાની આવશ્યકતા હોતી નથી . જેમને બહાર નીકળવાનું કામ પડે તેમને બહારના દેવોને પોતાની ઓળખ બતાવવા માટે ચિહ્ન રાખવું પડે છે . ગ્રૈવેયક અને અનુત્તરના દેવોને બહાર જવાનું જ નથી તો ઓળખાણ ચિહ્નની એમને જરૂર જ નથી .
૭.
સૌધર્મ દેવલોકના દેવ અને ઈશાન દેવલોકના દેવ વચ્ચે ક્યારેક યુદ્ધ થાય છે . ઈન્દ્ર અને અન્ય દેવને જખમ પણ થાય છે અને એની પીડા પણ હોય છે . આ જખમ અને પીડા શેનાથી મટે ? ઈન્દ્રની સુધર્મા સભામાં માણવક ચૈત્ય છે . તેમાં એક મંજૂષામાં તીર્થંકરની કાયાની દાઢા રાખેલી હોય છે . એ દાઢાનાં ન્હવણજળથી જખમ અને પીડા મટે છે . એ દાઢાનાં ન્હવણજળના પ્રભાવે ગુસ્સો પણ નાશ પામે છે . આમ હોવાને લીધે દેવો આ માણવક ચૈત્યમાં દેવીસંંગે આનંદ પ્રમોદ કરવાનું સભાનતાપૂર્વક ટાળે છે .
૮.
દેવતાઓ આહાર ગ્રહણ ક્યારે કરે ? આ સમજવાનું સરળ સમીકરણ આ મુજબ છે . જે દેવોનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તેટલા પખવાડિયા બાદ શ્વાસોશ્વાસ લે અને એટલા હજાર વરસે એને આહાર ગ્રહણની ઈચ્છા થાય . જેમ કે ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય તો ૩૩ પખવાડિયે શ્વાસોશ્વાસ લે અને ૩૩ હજાર વરસે આહારની ઈચ્છા થાય . જે દેવનું દશ હજાર વરસનું આયુષ્ય હોય તેને એક અહોરાત્ર પછી આહાર ગ્રહણની ઈચ્છા થાય . જેમનું આયુષ્ય દશ હજાર વરસથી વધારે અને એક સાગરોપમથી ઓછું હોય તેમને સરેરાશ ૨ થી ૯ દિવસે આહાર ગ્રહણ કરે અને ૨ થી ૯ મુહૂર્તે શ્વાસોશ્વાસ લે . ઝીણવટથી વિચારીએ તો દરેક દેવલોકનાં આયુષ્ય મુજબ જુદા જુદા આંકડા મળે છે .
૯ .
દેવતાઓ ચાર કારણે મનુષ્ય લોકમાં આવે :
૧ . તીર્થંકરનાં કલ્યાણકની ઉજવણી માટે .
૨ . મહાન્ ઋષિની તપસ્યાથી આકર્ષણ પામીને .
૩ . પૂર્વભવના સ્નેહનાં સ્મરણથી .
૪ . નિયત પ્રકારના દ્વેષથી.
દેવતાઓ ચાર કારણે મનુષ્ય લોકમાં ન આવે :
૧ . દેવ દેવી અરસપરસ પ્રેમાનુબંધમાં મગ્ન હોવાને લીધે . ૨ . દેવતાઈ આનંદમાં ડૂબેલા હોવાને લીધે .
૩ . મનુષ્ય લોક માં આવવાનું કારણ ન હોવાથી . ૪ . મનુષ્યની કાયાની અશુચિમય દુર્ગંધથી દૂર રહેવા માટે .
દેવગતિ સંબંધી આ બધી જાણકારીઓ આપણા માટે બિલકુલ નવી છે . આપણે કલ્પના પણ ન કરી શકીએ કે દેવલોકમાં આવું બધું પણ હોઈ શકે અને દેવલોકની વાતો આવી રીતે પણ જાણવા મળી શકે . જેમ દેવલોકની વાતોમાં ઘણી વાતો નવી છે તે જ રીતે ગ્રંથકારે સંગૃહીત કરેલી નરક ગતિ , મનુષ્ય ગતિ અને તિર્યંચ્ ગતિની વાતો ઘણી નવી છે.
૭ . ગ્રંથકારનો પરિચય
એક ગ્રંથકાર ગ્રંથ રચના કરવા બેસે ત્યારે એની પાસે સૌપ્રથમ તો રચના શક્તિ હોવી જોઈએ . છંદમાં લખવાની આવડત ન હોય તો ગ્રંથકાર બની શકાતું નથી . વળી ગ્રંથકારે પ્રાકૃત અથવા સંસ્કૃત ભાષામાં લખવાનું હોય છે . પ્રાકૃત અથવા સંસ્કૃત ભાષાની પકડ ન હોય તે ગ્રંથકાર બની ન શકે અને ગ્રંથકાર બની ન શકાય . ભાષાની પકડ વિનાના જે ગ્રંથ રચના કરે તેમનો તે ગ્રંથ ઉપાદેય અને સન્માનનીય બની શકતો નથી . આ ગ્રંથની ભાષા મહારાષ્ટ્રીય પ્રાકૃત છે . આ ગ્રંથમાં પ્રયોજિત છંદ છે આર્યા . છંદ અને ભાષાનું પોતાનું મહત્ત્વ તો છે જ . મુખ્ય વિશેષતા એમણે રજૂ કરેલા પદાર્થોમાં જોવા મળે છે. સાવ સરળ ભાષામાં એમણે ગાથાઓ રચી છે . ગ્રંથના પ્રારંભે કે ગ્રંથના અંતમાં ગ્રંથકારે કવિત્વમય રજૂઆત બિલકુલ નથી કરી . ગ્રંથકાર આ બાબતમાં સ્પષ્ટ છે . તેમને વિષય નિરૂપણ કરવું છે . દરેક વિષયની રજૂઆત કરવામાં તેમણે અદ્ભુત કુશળતા દાખવી છે . ચાર ગતિનું વર્ણન તમે લોકપ્રકાશ ગ્રંથમાં વાંચો તો હજારો હજારો શ્લોકો સુધી ફેલાય છે . એ જ ચાર ગતિનું વર્ણન કરવા માટે આ ગ્રંથકારે કેવળ ૩૧૮ ગાથાઓનો ઉપયોગ કર્યો છે . ઓછા શબ્દમાં ઘણું બધું કહી દેવું એ પણ કળા છે અને ઓછા શબ્દમાં બધું જ કહી દેવું એ પણ કળા છે. ગ્રંથકાર આવી રચનાકલાના સ્વામી છે .
જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ – ના ચોથા ભાગમાં ડૉ. મોહનલાલ મહેતા અને પ્રો. હીરાલાલ કાપડિયા જણાવે છે કે આ ગ્રંથ શ્રી સંક્ષિપ્ત સંગ્રહણી અથવા સંગ્રહણીરત્ન તરીકે પ્રસિદ્ધ છે . શ્રીચંદ્રસૂરિજી મહારાજા દ્વારા આ ગ્રંથની રચના થઈ છે . એમના ગુરુનું નામ છે મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા . શ્રીચંદ્રસૂરિજી મહારાજાએ વિ.સં.૧૧૯૩માં શ્રી મુનિસુવ્રત ચરિત્ર ( ભાષા : પ્રાકૃત ) ની રચના કરી હતી . આ સિવાય એમણે શ્રી ક્ષેત્રસમાસ ( ભાષા : પ્રાકૃત )ની રચના પણ કરી છે . શ્રીચંદ્રસૂરિજી મહારાજા ગૃહસ્થ અવસ્થામાં , લાટદેશના તત્કાલીન કોઈ રાજાના મુદ્રાધિકારી મંત્રી હતા .
આ ગ્રંથની ઉપયોગિતા અને લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે પ્રસ્તુત ગ્રંથ ઉપર બે ટીકા , બે અવચૂરિ અને બે બાલાવબોધ લખાયા છે .
૧ . શ્રીચંદ્રસૂરિજીસ્વશિષ્યશ્રીદેવભદ્રસૂરિજીકૃત સંસ્કૃત ટીકા
૨ . અજ્ઞાત કર્તૃક ટીકા
૩ . શ્રી ધર્મનંદનગણિ કૃત અવચૂરિ
૪ . શ્રી ચારિત્રમુનિ કૃત અવચૂરિ
૫ . શ્રી દયાસિંહગણિ કૃત બાલાવબોધ (વિ.સં.૧૪૯૭)
૬ . શ્રી શિવનિધાન ગણિ કૃત બાલાવબોધ (વિ.સં.૧૬૮૦)
જે વિશાળ વિષયની ચર્ચા સંગ્રહણીરત્ન ગ્રંથમાં કરવામાં આવી છે એ જ વિષયને લગતા અન્ય ગ્રંથો પણ છે .
૧ . જીવ સમાસ . કર્તા : અજ્ઞાત
૨ . જીવ વિચાર . કર્તા : શ્રી શાંતિસૂરિજી મહારાજા
૩ . પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણિ . કર્તા : શ્રી અભયદેવસૂરિજી મહારાજા
૪ . જીવાજીવાભિગમસંગ્રહણિ ( અપ્રકાશિત )
૫ . જંબૂદ્વીપ સમાસ . કર્તા : શ્રી ઉમાસ્વાતિજી મહારાજા
૬ . સમય ક્ષેત્ર સમાસ . કર્તા : શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
૭ . લઘુ ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી રત્નશેખરસૂરિજી મહારાજા
૮ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી દેવાનંદ
૯ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી સોમતિલકસૂરિજી મહારાજા
૧૦ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી પદ્મદેવસૂરિજી મહારાજા
૧૧ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી શ્રીચંદ્રસૂરિજી મહારાજા
૧૨ . જંબૂદ્વીપ સંગ્રહણિ . કર્તા : શ્રી હરિભદ્ર સૂરિજી મહારાજા
૧૩ . બૃહત્ સંગ્રહણિ . કર્તા : શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ
૧૪ . ક્ષેત્રલોકપ્રકાશ. કર્તા : શ્રીવિનયવિજયજી વાચક
આ દરેક ગ્રંથ પદાર્થ નિરૂપણમાં થોડેઘણે અંશે એકબીજાની સાથે મળતા આવે છે .
૮ . અનુવાદકની અનુમોદના
જ્ઞાની ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી સંગ્રહણીરત્ન ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને સકલ શ્રી સંઘ પર ઘણો મોટો ઉપકાર કર્યો છે . જોકે , આ ગ્રંથનું સૌ પ્રથમ વાર ભાષાંતરસમેત સંપાદન અને પ્રકાશન પંડિત અમૃતલાલ પુરુષોત્તમદાસે કર્યું હતું . એની તમામ નકલો પૂરી થઈ ગઈ તે પછી , આ જ સૂરિદેવે , પૂ. મુનિરાજ શ્રી રત્નજ્યોતવિજયજી મ. તરીકે તેનું યથાવત્ પુનઃ પ્રકાશન કરાવ્યું હતું , આજથી વીસ વરસ પહેલાં . એની પણ તમામ નકલો પૂરી થઈ ગઈ અને ફરીથી પ્રકાશન કરવાનો પ્રસંગ આવ્યો . સૂરિદેવે વિચાર કર્યો કે We can do better . આ જ ભાવનાપૂર્વક એમણે અનુવાદને મઠાર્યો . ખૂબ જ ઉપયોગી એવું સારગ્રાહી વિવેચન કર્યું . જુદા જુદા કોષ્ટક બનાવ્યાં . ગણિતના લાંંબા લાંબા અંક તૈયાર કર્યા . સરસ ચિત્રો બનાવડાવ્યાં . કેટલીય જગ્યાએ પોતાની સ્વતંત્ર નોંધ ઉમેરી . આને લીધે આ ગ્રંથ કેવળ અનુવાદ ગ્રંથ ન રહ્યો બલ્કે વિવેચનાથી સમૃદ્ધ એવો એક સંદર્ભ ગ્રંથ બની ગયો . સૂરિદેવના પુરુષાર્થને લીધે આ એક ગ્રંથમાં જ અનેક ગ્રંથ સંબંધિત બોધ ઉપલબ્ધ થઈ ગયો છે . નમ્રતા સૂરિદેવની કેવી છે તે જુઓ . આ ગ્રંથનું પૂરેપૂરું સંશોધન તેમણે , મહાન્ શાસનપ્રભાવક પૂ.પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિભગવંત શ્રી ગુણહંસવિજયજી મ.સા.ના શિષ્ય મુનિરાજ શ્રી શીલગુણવિજયજી દ્વારા કરાવ્યું છે . આ સંશોધન કરવાનો લાભ જે મહાત્માને મળ્યો એમની પુણ્યાઈ મોટી . ખુશીની વાત એ છે કે આ સંપૂર્ણ ગ્રંથની હિંદી આવૃત્તિ પણ સૂરિદેવનાં માર્ગદર્શનમાં બનવાની છે . સૂરિદેવના જ્ઞાનગર્ભિત શાસ્ત્રરસની અઢળક અઢળક અનુમોદના . ગીતાર્થો , વિદ્વાનો , જિજ્ઞાસુઓ , અધ્યેતાઓ અને વિદ્યાર્થીઓને ઉત્તમ જ્ઞાનસામગ્રી પૂરી પાડવી એ આચાર્યભગવંતોની પ્રમુખ જવાબદારી હોય છે . સૂરિદેવના હાથે એ જવાબદારીનું સમ્યગ્ નિર્વહન થયું છે . સૂરિદેવના હાથે આવા અનેક અનુવાદ ગ્રંથ અને વિવેચન ગ્રંથ શ્રી સંઘને મળતા રહે એવી શ્રી તીર્થંકર પરમાત્માને પ્રાર્થના .
( લેખન તિથિ : શ્રાવણી પૂનમ / વિ.સં.૨૦૭૮ /૧૨.૮.૨૦૨૨ )
( મારો પ્રિય યોગ આ વિષય પર એક ગ્રંંથ સંપાદિત થઈ રહ્યો છે જેમાં અલગ અલગ સમુદાયના મહાત્માઓએ પોતાના પ્રિય યોગ વિશે લેખ લખ્યો છે . ગ્રંથસંપાદક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પીયૂષભદ્રસૂરીશ્વરજી મ.સા. ડહેલાવાળાની આત્મીય માંગણીથી આ લેખ લખ્યો છે . )
વિષાદ યોગથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે : મારાથી આ નહીં થાય અને હું આ કેવી રીતે કરું – એનો વિષાદ . પછી કૃષ્ણજી સમજાવવાનું શરુ કરે છે અને ગીતાના અધ્યાયો એક પછી એક ઉઘડવા લાગે છે . અર્જુન વિષાદ ન કરે તો ગીતાને આકાર મળે શી રીતે ? શક્તિશાળી વિષાદ ઈતિહાસ લખી આપે છે . મહાત્મા મેઘકુમારનો વિષાદ , કલ્પસૂત્રના धम्मसारहीणं પદમાં અમર બને છે . મહાસતી ચંદનબાળાનો વિષાદ , પ્રભુ જેવા પ્રભુ બીજીવાર આંગણે આવે , એવો જાદુ કરે છે . મહાગુરુ ગૌતમનો વિષાદ એવું પરિણામ લાવી બતાવે છે જે પ્રભુ મહાવીરની હાજરીમાં સંભવિત નહોતું બન્યું . નંદીવર્ધન રાજાનો વિષાદ , ભાઈબીજનું પ્રવર્તન કરાવી જાય છે . અરે , ક્રૌંચ પક્ષીના વિષાદને લીધેસ્તો शोक: श्लोकत्वमागत: એ પંંક્તિપૂર્વક શ્લોકયુગનાં મંડાણ થયાં હતાં . વિષાદની શક્તિ ક્યાંયથી ઓછી નથી . ફરક ફક્ત એટલો આવે છે કે વિષાદની અનુભૂતિ સુખાત્મક નથી .
ઈચ્છાયોગ , પ્રતિક્રમણ અને ક્ષમાપનાને વિષાદયોગ વિના ચાલતું નથી . એવું કશુંંક છે જે કરવું છે પણ કરી શકાતું નથી , શક્તિ ઓછી પડે છે , સંયોગોનો સાથ નથી , હિંમત નથી અથવા હાથ ફસાયેલા છે . અહીં વિષાદયોગ આવે છે . અમુક ભૂલો થઈ છે , અમુક ભૂલો ચાલુ છે , યાદ છે કે આ બધી ભૂલો થવી ના જોઈએ એટલે એ ભૂલોનો પસ્તાવો જાગેલો જ રહે છે , આ પણ વિષાદયોગનું રૂપ છે . સંબંધોમાં કડવાશ , નારાજગી , ગેરસમજ , દૂરી આવેલી હોય અને મીઠાશ મરી પરવારી હોય ત્યારે પોતાના હાથે થયેલ ગડબડ યાદ આવ્યા કરે છે . મેં આમ ના કર્યું હોત , મેં આવું ના કહ્યું હોત તો , એવા વિચારો ચાલ્યા કરે છે . એમાંથી સંબંધ સુધારવાની કોશિશ થાય , સામેવાળો મચક ન આપે અને અંદર અફસોસ રહ્યા કરે . આ પણ છે વિષાદયોગ .
વિષાદયોગમાં બે સંવેદના અગત્યની : જે કરવા જેવું છે તે હું કરી શકતો નથી અને જે કરવું ના જોઈએ તે હું કરી રહ્યો છું .
મેં જોયા છે શ્રી તીર્થચન્દ્ર વિજયજી મહારાજને . કર્મયોગે આંખેથી દેખાવાનું બંધ થઈ ગયું હતું અને ગાંડપણનો આછોપાતળો ઉદય થયેલો . સેવા કોઈની લેવી ન હોય . અમદાવાદ , જ્ઞાનમંદિરે સ્થિરવાસ . મનસુખભાઈની પોળમાં જાતે ગોચરી લેવા જાય . ગોચરી પાત્રામાં આવી જાય તે પછી દેરાસર જાય , ગભારાની સામે ઊભા રહે , ભગવાનને ગોચરી બતાવે અને રડતાં રડતાં બોલે : મારે ઉપવાસ કરવો જોઈએ એને બદલે હું નવકારશી કરી રહ્યો છું , મારે આંબેલ કરવું જોઈએ એને બદલે હું વિગઈ વાપરી રહ્યો છું , મારે એકાસણું કરવું જોઈએ એને બદલે હું આજે છુટ્ટા મોઢે રહેવાનો છું , આ જુઓ હું શું વાપરવાનો છું ? મારો આહાર છૂટે અને હું અનાહારી બનું , તેવું ક્યારે બનશે પ્રભુ ?
એમનું ગોચરી લઈને દેરાસરમાં જવું , એને વિધિશુદ્ધ પ્રવૃત્તિ કહી શકાય નહીં અને આ પ્રવૃત્તિની અનુમોદના કરી શકાય નહીં . પરંતુ એમની પર ગાંડપણની છાયા હતી એને લીધે આમ થતું . કમાલ એ હતી કે ગાંડપણની છાયામાં પણ એ વિષાદયોગ સાધી શકતા . એ દેરાસરમાં વાપરતા નહીં , એ પ્રભુસાક્ષિએ પોતાને ઠપકો આપતા : રોજ સવાર પડે અને મનેં ખાવા જોઈએ . તપ યાદ ન આવે , તપસ્વીઓ યાદ ન આવે , કંઈ શરમ આવે છે ? આમાં ઉદ્ધાર ક્યારે થશે ? ….. રડતાં જાય અને ઊંચા અવાજે બોલતા જાય .
એ વિષાદયોગ , યાદ રહી ગયો છે .
શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાધુસાધ્વીઓને વાચનામાં કહેતા કે ‘ આપણે નવકારશી વાપરવી છે તે માટે વિધિ જાળવવા દેરાસરે જઈએ છીએ અને દર્શન કરીએ છીએ . આપણે અણહારી બનવાની ભાવનાપૂર્વક દેરાસર જઈએ તે વિધિ કહેવાય . દેરાસરમાં વિચારવું કે હું ભગવાનની જેમ મોક્ષમાં હોત તો આ ખાવાપીવાની પળોજણ હોત જ નહીં . ‘ આ જ તો છે વિષાદયોગ .
જીવનમાં આચારશુદ્ધિ અને ભાવશુદ્ધિનું મહત્ત્વ ઘણું મોટું છે . આચાર સંબંધી ભૂલો , નાની પણ હોય છે અને મોટી પણ હોય છે . તપ ન કરતા હોઈએ , કષ્ટ સહન ન કરતા હોઈએ , ક્રિયાઓમાં ગોટાળા થતા હોય , બોલવાસંબંધી મર્યાદાઓ તૂૂટ્યા કરતી હોય , મનોયોગમાં અશુદ્ધિઓનાં રમખાણ ચાલતા હોય – એ બધું યાદ રહેવું જોઈએ , યાદ આવવું જોઈએ . એ ભૂૂલોનો સાચુકલો અફસોસ જીવંત રહેવો જોઈએ . પશ્ચાત્તાપની ભૂમિકાએ જીવ બળતો રહે એ જ છે વિષાદયોગ . રત્નાકર પચીસી વિષાદયોગની ગંગા , જમના , સરસ્વતી છે .
મારા ગુરુદેવ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા પોતાના દાદા ગુરુ મહારાજ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાને અને ગુરુ મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાને યાદ કરીને ક્યારેક બોલતા : સાહેબજીએ જીવનભર ઘણી કૃપા રાખી પણ દેવલોકમાં ગયા બાદ તો જાણે ભૂલી જ ગયા . ક્યારેય ખબર લેેવા આવ્યા નહીં . સંબંધની ભૂમિકાનો આ વિષાદયોગ છે . હિંંદુ પરંપરામાં ગોકુળવાસીઓના વિયોગને વ્યક્ત કરનારા કેટલાય પદ લખાયા છે . એમાં ભગો ચારણ , કૃષ્ણને યાદ કરીને એક પદ લખે છે :
માને તો મનાવી લેજો રે ,
હે ઓધાજી રે મારા વાલાને વઢીને કે’જો રે .
એકવાર ગોકુળ આવો , માતાજીને મોઢે થાવો રે
ગાયોને હંભારી જાઓ રે હે ઓધાજી રે મારા વાલાને વઢીને કે’જો રે
મથુરાના રાજા થયા છો , ગોવાળોને ભૂલી ગયા છો ,
માનીતીને મહેલે ગયા છો રે , હે ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે .
આ પદનો જે દેશી રાગ છે તેય અદ્ભુત છે . હું આ રાગમાં રાજીમતીજીનું એક પદ સજ્ઝાય તરીકે ગાતો હોઉં છું :
કરમે કુંવારા રહ્યા રે
સાહેલી મોરી , કરમે કુંવારા રહ્યા રે
નેમ નેમ કરતી નારી , કાંઈ નહીં ચાલી કારી ,
રથ લીધો પાછો વાળી રે . સાહેલી મોરી , કરમે કુંવારા રહ્યા રે
જાવ મા જાદવ રાયા , આઠ ભવની મેલી માયા
આવો શિવાદેવીના જાયા રે . સાહેલી મોરી , કરમે કુંવારા રહ્યા રે
વિષાદયોગનું ઊડું સંવેદન રાજીમતી સંબંધી દરેક પદોમાં મળે છે . વિષાદયોગે એમને વફાદારી આપી , વૈરાગ્ય આપ્યો અને વીતરાગત્વ આપ્યું . મરૂદેવી માતાનો વિષાદયોગ , આંસુ નિર્મિત અંધતા પાસે થઈને છેવટે કેવળજ્ઞાન સુધી પહોંચે છે . મહાયોગી આનંદઘનજીનો વિષાદ આ શબ્દોમાં વ્યક્ત થયો છે : નિશદિન જોઉં તારી વાટડી ઘર આવોને ઢોલા . વાચક જસનો વિષાદ : ચેતન અબ મોહે દરિશન દીજે .
જેમની યાદથી આંખ તરબોળ થાય છે અને છતાં જે મળતા નથી તેમની માટેની પ્રીતિ પણ વિષાદયોગ સુધી લઈ જાય છે . પ્રીતિભંગની પ્રતીતિ , અપ્રીતિની આશંકા , અપ્રાપ્તિની સંવેદના જેવી વિષાદછાયાઓ , પ્રભુ સાથે પણ જોડાતી હોય છે , ગુરુ અને કલ્યાણમિત્ર સાથે પણ .
શૂલપાણિ યક્ષનો વિષાદયોગ બહુ જાણીતો નથી . પ્રભુએ એને પ્રતિબોધ આપ્યો , શેષ ચોમાસું એનાં મંદિરે રોકાયા અને પછી વિહાર કર્યો . શૂલપાણિ યક્ષ પ્રભુને વળાવવા ગયો હતો . પ્રભુથી છૂટા પડવાની ક્ષણે એણે વિલાપ જેવી ભાષામાં ભરપૂૂર ક્ષમા માંગી હતી . આ પણ વિષાદયોગ જ હતો . વિવિધ તીર્થકલ્પમાં લખ્યું છે કે પ્રતિબોધ પામ્યા પછી શૂલપાણિને નવું નામ મળ્યું હતું : બ્રહ્મશાંતિ .
મૃગાવતીજીએ ગુરુની ક્ષમાયાચના કરી એમાં વિષાદયોગ એવો તીવ્ર હતો કે ઘાતીકર્મ બળીને ખાખ થઈ ગયા . અઈમુત્તા મુનિ પોતાની ભૂલની માફી માંગતા માંગતા , વિષાદયોગમાં વહી ગયા અને બાળકેવલી બની ગયા .
મેં જે કર્યું તે મારી ભૂલ છે , મનેં મારી ભૂલનો અહેસાસ છે , હું અપરાધી છું , મનેં મારી ભૂલની સજા મળવી જોઈએ , હું મારી ભૂલની માફી માંગું છું : આ બધી સંવેદનાઓ વિષાદયોગનું રૂપ ધારણ કરી લે છે .
મહાકવિ ભવભૂતિ કહે છે : एको रस: करुण एव . કરુણ રસ જ સાચો રસ છે . બીજા રસ ફિક્કા છે . યોગ ઘણા છે , સૌ પ્રભાવશાળી છે પણ આ વિષાદયોગનું ગૌરવ અનેરું છે . અલબત્ત , વિષાદયોગનું કોઈ પ્રદર્શન ન હોય , એને બિલકુલ અંગત રાખવાનો હોય . સુંદરમ્ કહે છે તેમ , મૈં તો ચુપ ચુપ ચાહ રહી . એટલે લેખનાં માધ્યમે હું મારા વિષાદયોગનું વર્ણન કરી ના શકું . હું દુઃખી છું , એની જાહેરાત થોડી કરાય , ભલા ભાઈ ?
છતાં અમુક વાતો અંગતની સરહદમાં નથી . મારા વિષાદયોગમાંની અમુક વાતો આ મુજબ છે :
- આ જનમમાં એક પણ તીર્થંકર ભગવાનનાં સાક્ષાત્ દર્શન થયા નથી . એકવાર મહાવિદેહમાં , સીમંધર પ્રભુુનાં દરશન કરવા મળે એવી ઈચ્છા છે . દેવલોકના કોઈ શાશ્વત જિનબિંબનાં દરશન કરવા મળે , એવી ભાવના છે . મેરુપર્વત અને અને મેેરુશિખર નજરે નિહાળવા મળે એવી કામના છે . મહાવિદેહ અને ઐરવત ક્ષેત્રમાં વિહરતા મુનિ ભગવંતોને જોવા છે . એકવાર , કમસેકમ એકવાર કોઈ કેવળજ્ઞાની ભગવંત સાથે વાત કરીને મારે મારા પૂૂર્વ ભવ અને આગામી ભવ જાણવા છે . આવી ઢગલાબંધ ઈચ્છાઓ છે . મનેં ખબર છે કે આ ઈચ્છાઓ પૂરી થવાની નથી . એનો અફસોસ મનમાં બનેલો જ રહે છે . આ વિષાદયોગ યાવજ્જીવ રહેવાનો છે . આ વિષાદયોગ , ઈચ્છાયોગ છે .
- જીવનના જેટલાં વરસો વીતી ગયા એટલાં વરસો હવે બાકી નથી , કદાચ . ઘણાંઘણાં ગ્રંથો અને પુસ્તકો વાંચવાના બાકી છે . અમુક વાંચ્યાં છે તેને ફરીએક વાર વાંચવા છે . અમુુક ભાષાઓ શીખવી છે . લાગતું નથી કે એ બધાં ગ્રંંથો અને પુસ્તકો વંચાશે . સમય ઓછો પડશે અને ઘણુંબધું વાંચવાનું શીખવાનું રહી જશે . સમજાય છે . જે જે રહી જશે , એનો વિષાદયોગ , અખંડ છે .
- ઉત્તમ ચારિત્રપાલન કરી રહેલા મહાત્માઓને જોઉં છું અને અહોભાવથી આંખો ભીની થાય છે . કપડાં મેલાં અને કધોણાં . ગોચરી અને પાણીમાં નિર્દોષતાનો કટ્ટર આગ્રહ . રજોહરણની પ્રમાર્જના વિના શરીર હલે જ નહીં . મુહપત્તી મોઢે રાખ્યા સિવાય બોલે જ નહીં . સ્વાધ્યાય ખૂબ . જ્ઞાનોપાર્જન સદૈવ વર્ધમાન . વિહાર ખુલ્લા પગે કરે : ન ડોળી , ન વ્હીલચેર . ભક્તોની કે ભીડની ભૂખ નહીં . વિરાધનાઓથી અને વિરાધનાનાં સાધનોથી દૂૂર ભાગે . મહત્ત્વાકાંક્ષાનું નામોનિશાન નહીં . શાસનની અપભ્રાજના ન થવી જોઈએ એની જાગૃતિ અવિરત રાખે . વ્યાખ્યાન અને વાંચનામાં વૈરાગ્ય નીતરતો રહે . નિંદાનો રસ નહીં . આત્મપ્રશંસાની તલપ નહીં . આવા મહાત્માઓને જોઈને અપરંપાર અનુમોદનાના ભાવ જાગે . સાથોસાથ મારાં ખુદના વિશે એક અસંતોષ જાગે કે મારું આચારપાલન આવું ઊંચું કેમ નથી ? હું આ સ્તરે ક્યારે પહોંચીશ ? તે દિન ક્યારે આવશે. આ પણ વિષાદયોગ છે .
જોકે , વિષાદયોગમાં રોત્તલવેડા હોતા નથી . બલ્કે એક એકરાર હોય છે સચ્ચાઈનો . સચ્ચાઈને સમજ્યા બાદ જ , વિષાદયોગ આવે છે . વિષાદયોગમાં સ્વહીનતાનો અહેસાસ નથી , વિષાદયોગમાં અધૂરી રહેલી જવાબદારીનો અહેસાસ છે . વિષાદયોગમાં લઘુતાગ્રંથિનો અનુભવ નથી , વિષાદયોગમાં પારાવાર સ્વભાનતા અને સભાનતા છે . મંત્રીશ્વર વસ્તુપાળ , જીવનની છેલ્લી ઘડીએ વિષાદયોગની ભૂમિકાથી જ આ શબ્દો બોલ્યા હતા : न कृतं सुकृतं किंचित् सतां संस्मरणोचितम् । मनोरथैकसाराणाम् एवमेव गतं वयः ।। મેં મારાં જીવનમાં સજ્જનોને ગમે એવું કોઈ જ ઉત્તમ કામ કર્યું નહીં . હું બસ , વિચાર કરતો રહ્યો . એમાં ને એમાં બધી ઉંમર વહી ગઈ .
વિષાદયોગનો ફાયદો એ છે કે વિષાદયોગ ઘમંડને ભગાવી દે છે , મિથ્યા સંતૃપ્તિને દૂર રાખે છે અને આળસ , અનુત્સાહને ખંખેરતો રહે છે . સવાર સાંજ બોલાતું વંદિત્તુ સૂત્ર વિષાદયોગને જગાડવા વારંવાર કહે છે : तं निंदे तं च गरिहामि .
પ્રયાગરાજ પહોંચ્યો નહીં એનો એળે ગયો અવતાર : આદિનાથ દાદાની કૈવલ્યભૂમિ છે પુરિમતાલ તીર્થ
૧ . આ તીર્થ જૈનોને યાદ નથી
આદિનાથ ભગવાનના ભક્તો સમગ્ર વિશ્વમાં કેટલા હશે આ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબમાં લાખો લાખો ભક્તોનાં નામ જમા થાય . લાખો ભક્તો દર વર્ષે એકવાર કે વારંવાર પાલીતાણા આવે છે , દાદાની યાત્રા કરે છે , ભક્તિ કરે છે અને થોડા સમયમાં ફરી પાછા આવીશું એવા વચન આપીને વિદાય લે છે . સિદ્ધગિરિરાજની યાત્રા કરનારા લાખો ભક્તજનો ખરેખર ભાગ્યશાળી છે . શાશ્વત તીર્થની યાત્રા કરી તેનું પુણ્ય સૌથી મોટું ગણાય . સવાલ એ થાય છે કે શું સિદ્ધિગિરિના આદિનાથદાદાના ભક્તજનો આદિનાથ દાદાની કલ્યાણક ભૂમિની યાત્રા કરતા હોય છે ? આ પ્રશ્ન સૌએ પોતાની જાતને પૂછવાનો છે .
આદિનાથ દાદાના ધામ તરીકે જે સિદ્ધગિરિની યાત્રા કરે છે તેમાં કોઈ નવાણું કરે છે , કોઈ છઠ કરીને સાત યાત્રા કરે છે , કોઈ અઠ્ઠમ કરીને અગિયાર યાત્રા કરે છે , કોઈ માસખમણ કરીને એકસો આઠ યાત્રા કરે છે . યુવાનો તો યાત્રાઓ કરે જ છે , વૃદ્ધજનો અને બાળકો પણ યાત્રા કરે છે . સવાલ એ ઊભો જ રહે છે કે શું સિદ્ધિગિરિના આદિનાથદાદાના ભક્તજનો આદિનાથ દાદાની કલ્યાણક ભૂમિની યાત્રા કરતા હોય છે ? દર વરસે હજ્જારો ભાગ્યશાળીઓ આદિનાથ દાદાના નામે વરસીતપ આરાધે છે . શું આ બધા જ તપસ્વીઓ આદિનાથ દાદાની કલ્યાણક ભૂમિની યાત્રા કરતા હોય છે ?
જવાબ હા હોય એનાથી ઘણો આનંદ થાય પરંતુ જવાબ હા નથી . બહુ ઓછા લોકો આદિનાથ દાદાના કલ્યાણક તીર્થ સુધી પહોંચે છે . પ્રભુનાં ચ્યવન કલ્યાણકતીર્થ , જન્મ કલ્યાણકતીર્થ અને દીક્ષા કલ્યાણકતીર્થની યાત્રા કરવા અયોધ્યા તીર્થની યાત્રા કરવાની છે. પ્રભુનાં કેવળજ્ઞાન કલ્યાણકતીર્થની યાત્રા માટે પ્રયાગરાજની યાત્રા કરવાની છે . પ્રભુનાં મોક્ષ કલ્યાણકતીર્થની યાત્રા માટે અષ્ટાપદની યાત્રા કરવાની છે . જોકે , અષ્ટાપદની યાત્રા આજે સંભવિત નથી રહી . જે પોતાની શક્તિથી અષ્ટાપદની યાત્રા કરે તેને એ જ ભવમાં મોક્ષ મળે છે એવું પ્રભુ વીરે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાને જણાવેલું . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ અષ્ટાપદની યાત્રા કરી હતી , એમને પાછળથી કેવળજ્ઞાન પણ થયું હતું. આજે આપણને કેવળજ્ઞાન થવાનું નથી એટલે અષ્ટાપદની યાત્રા આજના સમયમાં સંભવિત નથી રહી . ખેર , પ્રભુનાં ચાર કલ્યાણકની યાત્રા દરેક જૈન કરે તોય ઘણું છે . સચ્ચાઈ એ છે કે બધા જ જૈનો અયોધ્યાની યાત્રા નથી કરતા અને પ્રયાગરાજની યાત્રા તો બહુ જ ઓછા જૈનો કરે છે .
હું ભદ્રાવતીથી નીકળ્યો ૨૬ ડિસેમ્બરે અને સતના પહોંચ્યો ૨૦ ફેબ્રુઆરીના દિવસે . ભદ્રાવતી તીર્થની સાથે સતનાનો કોઈ સંબંધ હશે એની કલ્પના નહોતી . સતનામાં આદિનાથ દાદાની જાજરમાન પ્રાચીન પ્રતિમા છે .
એ પ્રતિમા ભદ્રાવતી તીર્થમાં બિરાજમાન હતી . એની પ્રતિષ્ઠા ભદ્રાવતી તીર્થમાં જ થવાની હતી . સતનાના કોઈ ભાગ્યશાળીને આ આદિનાથ ભગવાન સપનામાં વારંવાર દેખાતા હતા . આ કારણે આ ભગવાન સતના પધારે એવી સતના શ્રી સંઘે ભદ્રાવતી તીર્થના ટ્રસ્ટીઓને વિનંતી કરી અને આ ભગવાન ભદ્રાવતીથી સતના પધારી ગયા . કેવી ગજબની વાત ? સતનામાં આ આદિનાથ દાદાને જોયા બાદ લાગ્યું કે સતના શ્રી સંઘ સાથે આદિનાથ દાદાનું કોઈ વિશેષ ઋણાનુબંધ હશે . ગૂગલ મેપ દ્વારા ખબર પડી કે સતનાથી પ્રયાગરાજ આશરે ૧૮૮ કિલોમીટર દૂર છે .
સતનામાં મેં વ્યાખ્યાન આપ્યું એમાં આદિનાથ દાદાના કૈવલ્યતીર્થની વાત માંડી હતી . ખાસ કહ્યું કે ભારતના અન્ય અન્ય સંઘોને હું પ્રયાગરાજની યાત્રાએ જવાનું કહીશ તો એમની પાસે જવાબ હશે કે અમારા શહેરથી પ્રયાગરાજ દૂર પડે છે . પરંતુ સતનાવાસીઓ માટે પ્રયાગરાજ દૂર નથી . દર મહિને એકવાર કે દર વરસે એકવાર અવશ્ય પ્રયાગરાજ જવું જોઈએ અને આદિનાથ દાદાની કેવળ જ્ઞાન કલ્યાણકની ભૂમિને જુહારવી જોઈએ . બહુ ઓછાં જૈનો પ્રયાગરાજ આવે છે . નજીક રહેનારાઓ પણ ઓછું આવતા હશે તો દૂર રહેનારને શું કહી શકાય ?
આનો સરસ પ્રતિભાવ એ આવ્યો કે થોડા દિવસ પછી જે દિવસે હું વિહાર કરીને પ્રયાગરાજ પહોંચ્યો હતો એ દિવસે સતનાથી એકસો જેટલા ભાગ્યશાળીઓ પ્રયાગરાજની યાત્રાએ આવ્યા હતા . સહુએ પ્રભુને વચન આપ્યું હતું કે અમે દર વરસે આવશું , વારંવાર આવશું .
મારો અનુભવ એમ કહે છે કે પ્રાચીન તીર્થો માટે મહાત્માઓ દ્વારા શ્રાવકોને પ્રેરણા આપવામાં આવે છે તો શ્રાવકો જરૂર જોડાય છે . જો કોઈ તીર્થમાં અવરજવર ઓછી છે તો એનો અર્થ એ છે કે એ તીર્થ માટે પ્રેરણા આપવામાં શ્રમણસંઘની કોઈ કમી રહી છે . બાકી પ્રેરણા બરોબર આપવામાં આવે તો શ્રાવકો જરૂર જોડાય છે . ભારતભરના શ્રાવકોને પ્રયાગરાજ માટે પ્રેરણા આપવાની જવાબદારી શ્રમણસંઘની છે . બધા જ સમુદાયના બધા જ મહાત્માઓ બધા જ સંઘોને પ્રયાગરાજ યાત્રાની પ્રેરણા કરે તો પ્રયાગરાજ એટલું દૂર નથી કે લોકો આવી જ ના શકે .
મને નાગપુરમાં સુરેશભાઈ ચેન્નાઈવાળા મળવા આવ્યા હતા . બે દિવસમાં કલ્યાણક તીર્થ અંગે ઘણી વાતો થઈ હતી . મેં એમને કહ્યું હતું કે તમારી વાત તમે જો હજારો , લાખો જૈનોને પહોંચાડી શકો છો તો તમે બે વાત આપણા જૈનોને ખાસ પહોંચાડજો . એક , જૈનોને આદિનાથ દાદાનું પાલીતાણા યાદ છે પણ આપણા આદિનાથ દાદાને પ્રયાગરાજ તીર્થમાં કેવળજ્ઞાન થયું હતું એ જૈનોને યાદ નથી . બે , જૈનોને નેમનાથ દાદાનું ગિરનારતીર્થ યાદ છે પણ આપણા નેમનાથ દાદાનું ચ્યવન કલ્યાણક અને જન્મકલ્યાણક શૌરીપુરી તીર્થમાં થયું એ જૈનોને યાદ નથી . જે દિવસે પ્રયાગરાજમાં પાલીતાણા જેવી ભીડ થશે અને શૌરીપુરી તીર્થમાં ગિરનાર જેવી અવરજવર જોવા મળશે એ દિવસે સમજજો કે જૈન સંઘ જાગી ગયો છે . બાકી અત્યારે તો બેય મહાતીર્થ ઉપેક્ષિત હોય એવું દૃશ્ય બનેલું છે .
૨ . અકબર રાજાનો કિલ્લો
પ્રયાગરાજમાં અકબર રાજાએ બંધાવેલો તોતિંગ કિલ્લો યમુનાના કિનારે ઊભો છે . દરેક પર્યુષણમાં જેને આપણે યાદ કરીએ છીએ તે રાજા અકબર , ઈ.સ.૧૫૮૩માં જગદ ગુરુ શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાને મળ્યો હતો એમ ગુજરાતી વિશ્વકોશ જણાવે છે . આ કિલ્લાનું કામ ઈ.સ.૧૫૮૩માં પૂરું થયું હતું . રાજા અકબરે પોતાનાં પચાસ વરસના રાજ્યકાળમાં પાંચ ઐતિહાસિક કિલ્લા બનાવ્યા . રાજસ્થાનમાં અજમેરનો કિલ્લો . દિલ્હી પાસે આગરાનો લાલ કિલ્લો . લાહોરનો શાહી કિલ્લો . ફતેહપુર સિક્રીનો કિલ્લો . અને આ ઈલાહાબાદનો કિલ્લો . અકબરની કારકિર્દીનો આ સૌથી મોટો કિલ્લો હતો . એક કિલ્લો બને એમાં બહાર ઊંચો દુર્ગ હોય અને અંદર સેંકડો મકાનો હોય , રાજા રાણીના મોટા મહેલ હોય , બગીચા હોય , કચેરી હોય , રાજ દરબાર હોય , વિશાળ રાજ સૈન્યને રહેવાની પ્રચંડ વ્યવસ્થા હોય . મધ્ય ભારત પર અંકુશ જમાવવા અકબરે આ કિલ્લો બંધાવેલો . અહીં એની ખૂંખાર મુગલ સેના બારેય મહિના તૈનાત રહેતી . અફઘાન વિદ્રોહને અકબરે આ કિલ્લામાં રહીને ડામ્યો હતો . અકબરનો રાજ્ય આશ્રિત ઇતિહાસકાર અબુલ ફઝલ જણાવે છે કે ઈલાહાબાદનો કિલ્લો બનવામાં ૪૫ વરસ , ૫ મહિના અને ૧૦ દિવસ લાગ્યા હતા . કિલ્લો બન્યો એમાં ૬ કરોડ , ૧૭ લાખ , ૨૦ હજાર અને ૨૧૪ રૂપિયા લાગ્યા હતા . આશરે વીસ હજાર મજૂરોએ કામ કર્યું હતું . કિલ્લો ઊભો થઈ ગયો તે પછી અકબર રાજાએ પ્રયાગ શહેરને નવું નામ આપ્યું : ઈલાહાબાદ , એટલે કે ઈશ્વરોનું શહેર .
પહેલાં અકબરે અને પછી જહાંગીરે આ કિલ્લાને , આ શહેરને રાજકીય ગતિવિધિઓનું મુખ્ય સ્થાન બનાવ્યું હતું . કાળનું ચક્ર ફર્યું અને ઈ.સ .૧૭૭૩માં આ કિલ્લા પર અંગ્રેજોએ કબજો જમાવી દીધો . ભારતદેશ પર સામ્રાજ્ય જમાવી ચૂકેલા ગોરાઓનું હોનહાર લશ્કર આ કિલ્લામાં રહેતું . ઈ.સ.૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી તે પછી ઇન્ડિયન આર્મીને આ કિલ્લો સોંપી દેવાયો છે . અત્યારે પણ કિલ્લામાં ભારતીય સેના રહે છે . સન્ ૧૫૮૭માં ઊભો થયેલો અકબર રાજાનો લશ્કરી કિલ્લો આજે સન્ ૨૦૨૪માં પણ લશ્કરી કિલ્લો જ છે . કિલ્લાની ઉપર ઉત્તુંગ ભારતીય તિરંગો ચોવીસેય કલાક લહેરાતો હોય છે .
( આટલો મોટો કિલ્લો બન્યો એનો એકસરખો પથ્થર ક્યાંથી આવ્યો આ પ્રશ્ન બને છે . યમુનાના કિનારે કિનારે ૧૮ કિલોમીટર જઈએ તો દેવરિયા નામનું ગામ આવે છે , અહીં ૪૦૦ વરસ પહેલાં મોટી મોટી ચટ્ટાનો હતી , એને તોડીતોડીને નદીમાર્ગે પ્રયાગ મોકલવામાં આવી હતી . એક ચટ્ટાન પર હિંદુ મંદિર હતું તે હજી ત્યાં જ છે . એની આજુબાજુનો આખો શિલાવિસ્તાર કિલ્લામાં જોતરાઈ ગયો . એ વિસ્તારમાં એક ગુફા છે તે સાત હજાર વરસ જૂની છે એવી માન્યતા છે . ગુફાનું નામ : સીતા કી રસોઈ . દેવરિયાથી બે કિલોમીટર દૂર ભીટા ગામ છે . ત્યાં ૨૪૦૦ વરસ પ્રાચીન પુષ્કળ અવશેષો , પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણમાં જળવાયેલા છે . આમાં કોઈ જૈન અવશેષ પણ હોય એવું બની શકે છે . )
જાહેર જનતાને અકબરના કિલ્લામાં પ્રવેશ મળતો નથી . કિલ્લો મુગલ સ્થાપત્યકલાનું આગવું સ્થાન છે . પ્રવાસીઓ અને યાત્રાળુઓને વિશેષ પરમિશનથી પ્રવેશ મળે છે . પ્રવાસીઓને સમગ્ર કિલ્લામાંથી ફ્કત જોધાબાઈનો મહેલ , પાતાલપુરી મંદિર , અશોક સ્તંભ , સરસ્વતી કૂપ અને અક્ષય વટ જોવા મળે છે .
જોધાબાઈના મહેલનું નામ છે , બાકી એમાં વિશેષ કશું નથી . અકબર મુસલમાન હતો . એમની રાણી બનેલી જોધાબાઈ હિંદુ હતી . રાણીને રાજી રાખવા રાજાએ આ કિલ્લામાં ૪૪ હિંદુ મૂર્તિઓ લાંબા ભોંયરામાં મુકાવી હતી એ રીતે જોધાબાઈનું નામ સ્થાનિક પૂજારીઓ જોડે છે . હિંંદુ યાત્રાળુઓ આ ભોંયરાને પાતાલપુરી મંદિર કહે છે .
લોકવાયકા એવી છે કે રામાયણના સમયમાં વટવૃક્ષ નદીના કિનારે હતું . એક તરફથી ગંગા નદી આવતી . બીજી તરફથી યમુના નદી આવતી . વટવૃક્ષ બંનેની વચ્ચે હતું . વટવૃક્ષને અક્ષયવટ નામ મળેલું . આ વટવૃક્ષની નીચે જ એક વિશાળ કૂવો હતો જેમાં પાતાળમાંથી પાણી આવતું . આ પાણીને સરસ્વતી નદીનું પાણી માનવામાં આવતું . કૂવાનું નામ બન્યું કામકૂપ અથવા સરસ્વતી કૂપ . જે સરસ્વતીના પાણીમાં ડૂબકી લગાવે છે એનો મોક્ષ થઈ જાય એવી શ્રદ્ધા હિન્દુઓમાં બની હતી . લોકો આવતા . વટવૃક્ષ પર ચડતા . કૂવામાં કૂદી પડતા . ડૂબીને મરી જતા . કૂવામાં મૃતક પડ્યું રહેતું અને હાડપિંજર બની જતું . તીર્થનો મશહૂર કૂવો આ રીતે હાડપિંજરોનો કૂવો બની ગયો હતો . ઈ. સ. ૬૪૪માં રાજા હર્ષવર્ધનના સમયમાં આ પરિસ્થિતિ હતી . અકબર રાજા જ્યારે પ્રયાગરાજ આવ્યો ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી . લોકવાયકા અનુસાર એ સમયે અકબર રાજાની કુંડલી જોઈને પ્રયાગના એક પૂજારીએ રાજાને કહ્યું હતું કે તમે પૂર્વભવમાં આ પ્રયાગમાં મુકુંદ બ્રહ્મચારી નામના તપસ્વી હતા . તમે એકવાર ગાયનું દૂધ પીધું એની સાથે ભૂલથી ગાયનો એક વાળ પણ ગળી ગયા . આના પ્રાયશ્ચિત્ત રૂપે તમે આ જ કામકૂપમાં ડૂબકી લગાવી આયુષ્ય સમાપ્ત કર્યું અને રાજા બન્યા . હવે તમે આ કૂવો પૂરાવી મંદિર બનાવો .
આ લોકવાયકા સાચી હશે કે ખોટી તેનો વિવેક સ્વયં કરી શકાય છે . ડૂબકીની પરંપરાને બંધ કરવા માટે અકબર રાજાએ કૂવાની ઉપર મોટા મોટા પથ્થર પાથરીને કૂવો બંધ કરાવી દીધો અને એની ઉપર પાતાળ મંદિર બનાવીને એમાં ૪૪ હિન્દુ મૂર્તિઓને બેસાડી દીધી . ત્રિવેણી સંગમ પર રહેનારા પૂજારીઓ આવી કથા સંભળાવતા હોય છે . પાતાળ મંદિરમાં જમીન પર લાલ પટ્ટો બનાવેલો છે . એને જોવાથી સરસ્વતીકૂપની સીમા કેવી હતી તે સમજાય છે . એક જગ્યાએ છેદ છે જેમાંથી આજે પણ કૂવામાં પાણી ઉતરી જાય છે એમ પૂજારી જણાવે છે . પાતાલપુરી મંદિરના એક ગભારામાં વટવૃક્ષની વડવાઈઓની પૂજા થાય છે .
અશોક સ્તંભ ૩૫ ફૂટ ઊંચો છે . એ ઇસુથી ૨૩૨ વરસ પહેલાંનો છે . આ સ્તંભ ગુપ્તકાલીન કે મૌર્યકાલીન છે . અકબર અથવા જહાંગીરે એ કૌશાંબીથી લાવીને અહીં સ્થાપિત કર્યો એવી એક માન્યતા છે . પણ ઘણા સંશોધકોનું મંતવ્ય એવું છે કે આ અશોક સ્તંભ પહેલેથી જ અહીં હતો . આ સ્તંભ પર અશોકના સમયનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે , ભાષા પાલિ . અશોકરાજાની બીજી રાણી કારૂવાકીએ કૌશાંબીમાં એક બૌદ્ધવિહારને આમ્રવન ભેટમાં આપ્યું એવું એમાં જણાવ્યું છે . રાજા સમુદ્રગુપ્તના સમયનો બીજો શિલાલેખ પણ બ્રાહ્મી લિપિમાં છે , ભાષા સંસ્કૃત . આ શિલાલેખને પ્રયાગ પ્રશસ્તિ કહેવામાં આવે છે . આ પ્રશસ્તિના લેખક છે : કવિ હરિષેણ . રાજા સમુદ્રગુપ્તે ઉત્તર ભારતમાં ત્રણ રાજાઓને હરાવ્યા , દક્ષિણ ભારતમાં બાર રાજાઓને હરાવ્યા , એ પછી ઉત્તર ભારતમાં નવ રાજાઓને હરાવ્યા એનું વર્ણન પ્રશસ્તિમાં વાંચવા મળે છે . ત્રીજો શિલાલેખ પર્શિયન લિપિમાં છે જેમાં જહાંગીરે પોતાની વંશ પરંપરા લખાવી છે . આ શિલાલેખના લિપિકારે જાણીજોઈને પ્રાચીન શિલાલેખને અમુક હદે નુકશાન પહોંચાડ્યું છે . ભારતમાં આશરે વીશ અશોકસ્તંભ મૌજૂદ છે. સારનાથ અને વૈશાલીના અશોકસ્તંભની ચર્ચા વધારે થતી હોય છે .
૩ . પ્રયાગમાં વડલો છે એક વિશાળ
અકબરના કિલ્લામાં કલોઝ સર્કિટ ટીવી કેમેરાની નજરતળે અને રેલિંગની જાળ વચ્ચેથી ચાલતાં ચાલતાં જઈએ તો કિલ્લાના પશ્ચિમી ખૂણે એક આડશ પાસે ઊભા રહી જવું પડે . અહીંથી તમને વડલો દેખાય . હજાર હાથ ફેલાવીને એ એકલો ઊભો હોય એવું લાગે . પણ સ્પેશ્યલ પરમિશન વિના વડલા પાસે જવા મળતું નથી . અમે લોકો પરમિશન મેળવીને આવ્યા છીએ એ જાણ્યા બાદ સિક્યુરિટી ગાર્ડે જાળી ખોલીને અમને અંદર લીધા .
હવે અમે આદિનાથ દાદાના કૈવલ્ય વૃક્ષ તરીકે પ્રસિદ્ધ બનેલા અક્ષયવટની સમક્ષ હતા . આ વટવૃક્ષ પ્રભુના સમયે શકટમુખ નામનાં ઉદ્યાનમાં હતું . એ સમયે પ્રયાગરાજ પુુરિમતાલ તરીકે પ્રસિદ્ધ હતું . પુુરિમતાલ અયોધ્યાનું ઉપનગર હતું . પુરિમતાલમાં હતું આ શકટમુખ ઉદ્યાન . પ્રભુએ આ ઉદ્યાનમાં અઠ્ઠમ તપ કર્યો હતો . ત્રીજા ઉપવાસે પ્રભુને અનંત , અપરિસીમ , અપરિમેય , અનુપમ , અવ્યાબાધ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું . તિથિ હતી : મહા વદ અગિયારસ.
જોકે , આ વૃક્ષ આદિનાથ ભગવાનના સમયનું વૃક્ષ છે એવું માની શકાય એમ નથી . જૈન જીવશાસ્ત્ર અનુસાર વૃક્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦.૦૦૦ વરસનું હોય છે . આદિનાથ ભગવાનનો સમય તો કેટલો દૂર છે ? ત્રીજો આરો પૂરો થયો અને ચોથો આરો શરૂ થયો એ આદિનાથ ભગવાનનો સમય . બારસાસૂત્ર અનુસાર આદિનાથ ભગવાન્ મોક્ષમાં ગયા તે પછી એક કોડાકોડી સાગરોપમ જેટલો સમય વીત્યો ( બેંતાલીસ હજાર વરસ , ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન) ત્યારે મહાવીર સ્વામી ભગવાન્ મોક્ષમાં ગયા . એક વટવૃક્ષનું આયુષ્ય એક કોડાકોડી સાગરોપમ જેટલું લાંબું તો હોય નહીં . એમ જરૂર માની શકાય કે જે ભૂમિ પર આદિનાથ દાદાને વટવૃક્ષ તળે કેવળજ્ઞાન થયું એ ભૂમિ ઉપર પર આ વડલો સૈકાઓથી ઊભો છે . વડલાઓની વંશપરંપરા બનતી હશે . એક વડલો કરમાય તે પૂર્વે એની પાસે બીજો વડલો ઊભો થઈ જતો હશે . એમ કહેવાય છે કે મુસ્લિમ આક્રાંતાઓએ આ વૃક્ષને ૨૩ વાર તોડ્યું પણ દરેક વખતે એ વૃક્ષ ફરીથી ઉગી નીકળ્યું . આ વટવૃક્ષ ૩૦૦ વરસ જૂનું છે એવો દાવો દૈનિક જાગરણ (15 માર્ચ 2021 ) માં બ્રિજેશ શ્રીવાસ્તવે કર્યો છે . ઉત્તર પ્રદેશની સરકારે આ વૃક્ષને વિરાસત વૃક્ષનો વિશેષ દરજ્જો આપ્યો છે . જોકે , પ્રયાગવાસી હિંદુઓ આ વૃક્ષને રામાયણકાલીન માને છે .
અલબત્ , પ્રયાગરાજના વડલાને જોઈને લાગણી તો એવી જ જાગે છે કે આ આદિનાથ દાદાને છાંયડો ધરનારો વડલો છે . વડલાની વડવાઈઓ ઘણી ફેલાયેલી છે . એની નીચે નાની એવી દેરી છે . પ્રાચીન તીર્થમાળાના આધારે જાણવા મળે છે કે સં.૧૫૫૬માં અહીં પ્રભુની ચરણપાદુકાઓ હતી . સં.૧૬૪૮માં રાય કલ્યાણ નામના શૈવ વણિકે એને ઉત્થાપી દીધી હતી અને એની જગ્યાએ શિવલિંગ બેસાડી દીધું હતું . પાછળથી ઔરંગઝેબે એ શિવલિંગ તોડી નાંખ્યું હતું . લાંબા સમય સુધી વટવૃક્ષની નીચે જૈન મૂર્તિ કે પાદુકા નહોતી . આણંદજી કલ્યાણજી પેઢીના પ્રયત્નોથી થોડા સમય પહેલાં વટવૃક્ષની નીચે નાનકડી દેરી બની છે .
એમાં ઋષભદેવ ભગવાનની નાની એવી મૂર્તિ છે , કાયોત્સર્ગ મુદ્રાવંત ધવલમૂર્તિ સમક્ષ ચરણપાદુકા છે . એને જોતાં જોતાં તિલકમંજરીનો એક જ શ્લોક વારંવાર મનમાં આવે : ध्वानेनाsमृतवर्षिणा श्रवणयोरायोजनं भ्राम्यता , भिंदाना युगपद् विभिन्न-विषयं मोहं हृदि प्राणिनाम् । आद्ये धर्मकथा-विधौ जिनपते-राद्यस्य वाणी नृणां , वृंदैरुद्यदपूर्व-विस्मयरसै-राकर्णिता पातु व: ।। ભાવાર્થ : લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા . સૌ ભાવવિભોર અને એકાગ્ર અને અભિભૂત હતા કેમ કે એમના કાનને એક અદ્ભુત અવાજ દ્વારા અમૃતનું આચમન મળી રહ્યું હતું . એ અવાજ એક યોજન સુધી ગુંજી રહ્યો હતો . એ અવાજ થકી જે ઉપદેશ મળી રહ્યો હતો તેનાથી સૌનો પોતપોતાનો મોહ એકસાથે તૂટી રહ્યો હતો . આવું દૃશ્ય આજપહેલાં કોઈએ જોયું નહોતું . આ શું ઘટના હતી , જાણો છો ?
પ્રથમ તીર્થંકર ભગવાન્ સૌ પ્રથમવાર દેશના ફરમાવી રહ્યા હતા . મહાકવિ ધનપાલે જે લખ્યું તે દૃશ્ય નજર સામે આવી રહ્યું હતું . સમવસરણ . ચૌમુખ ભગવાન્ . પ્રભુનો અવાજ . પ્રભુનો ઉપદેશ . અનુયુગલિકકાળના માસૂમ ભોળા શ્રોતાઓને કલ્પના જ નહોતી કે સમવસરણ જેવું પણ કંઈક હોય અને દેશના જેવું પણ કંઈક હોય . એ સૌ મુગ્ધ ભાવે આવેલા . પ્રભુએ એમને ખોબલે ખોબલે આપ્યું . એ જે આપ્યું એનો વારસો આજસુધી વહેતો આવ્યો છે .
પ્રભુએ ત્રિપદી આપી , દેશના આપી , દીક્ષાઓ આપી . તે પૂર્વે પ્રભુએ આ વટવૃક્ષની છાયામાં જ્ઞાનાવરણ , દર્શનાવરણ , મોહનીય અને અંતરાયનો નાશ કર્યો . જે આદિનાથ દાદા અગણિત આત્માઓને અપરિસીમ કૃૃપાદાન આપી ચૂક્યા છે એ પ્રભુને આ વૃક્ષે વીતરાગ ભાવ , કેવળજ્ઞાન , કેવળદર્શન આપ્યાં . ધન્ય વૃક્ષ . ધન્ય ભૂમિ . ચરણપાદુકાને જોતાંજોતાં જાપ કર્યો . સમય ઘણો ઓછો પડ્યો . ત્રણ પ્રદક્ષિણા આપી , બાર ખમાસમણાં આપ્યાં . મન ધરાયું જ નહીં .
એમ લાગે છે કે દાદા બેઠા છે . કાઉસગ્ગનો આખરી તબક્કો ચાલુ છે . હમણાં ઘાતીકર્મનો ક્ષય થશે અને કેવળજ્ઞાનની દેવદુંદુભિ વાગશે . હમણાં ભૂમિદેવતા આવશે અને સમગ્ર વિસ્તારની ભૂમિને પવિત્ર બનાવશે , અલબત્ત , પ્રભુ આવ્યા એટલે પવિત્રતા તો આવી જ હોય પણ ભૂમિદેવતા સમવસરણ રચવાની તૈયારી કરશે . એમના પછી જલદેવતા અને વાયુદેવતા આવશે અને સમવસરણ રચનાનો માહોલ રચશે . એ પછી આવશે સમવસરણના નિર્માતા દેવો અને પછી નિર્માણ પામશે ભવ્ય સમવસરણ . આપણે ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય આ શબ્દ એટલીબધી વાર વાપરી લીધા છે કે આ શબ્દો પોતાનો ચાર્મ ખોઈ બેેઠા છે .
સમવસરણની રચના માનવીય રચનાશક્તિની હેેસિયતમાં બેસે એવી નિર્મિતિ નથી . એ કેવળ દેવોના જ વશની વાત છે . દશાર્ણભદ્ર જેવા રાજાઓ , દેવતાઓની સામે આ મામલે હારે જ છે . એ હાર પણ વૈરાગ્યને ખેંચી લાવે છે એ અલગ વાત છે . અક્ષય વટની નીચે દેવો આવે છે , સમવસરણ રચે છે , આખાય સમવસરણને ઢાંકી દે એવું અપ્રતિમ અશોક વૃક્ષ બને છે અને દેેવો એ અશોક વૃક્ષની ઉપર કૈવલ્ય વૃક્ષ તરીકે આ વટવૃક્ષને બિરાજમાન કરે છે . પ્રભુએ પ્રથમ દેશના આપી ત્યારે આ વટવૃક્ષ પ્રભુનાં મસ્તક પર છાયા પાથરી રહ્યું હતું અને સમવસરણમાં રહેલા દેવ મનુષ્ય તિર્યંચનાં મસ્તક પર પણ છાંયડો બિછાવી રહ્યું હતું . શું આ વટવૃક્ષનું સૌભાગ્ય ?
અક્ષય વટથી પાંચ કિલોમીટર દૂર પ્રયાગરાજ ગામમાં આપણું જિનાલય છે એમાં પ્રાચીન મૂર્તિ છે આદિનાથ દાદાની . એ અદભુત છે . વીતરાગ દશા અને કેવળજ્ઞાન પામ્યા પછીનો આનંદ કેવો હોય તે પ્રભુની મુખમુદ્રા થકી સમજાય . આભાનો ઝળહળાટ છે . ઊર્જાનો ધોધ છે . તેજની લખલૂટ ધારા છે . એમ લાગે કે પ્રભુ બોલે છે , પ્રભુ સાંભળે છે , પ્રભુ જુએ છે , પ્રભુ દેખાડે છે . કલ્યાણક તીર્થની મૂળનાયક પ્રતિમા આવી રોમહર્ષકારી જ હોવી જોઈએ .
પ્રભુદરશન કરતાં કરતાં એમ વિચાર આવ્યો કે પાલીતાણામાં દરવરસે કેટલા જૈનો આવે છે ? ગણ્યા ગણાય નહીં એટલા . પ્રયાગરાજમાં દર વરસે કેટલા જૈનો આવે છે ? પૂજારીને પૂછ્યું તો સારો આંકડો મળ્યો નહીં .
૪ . પ્રયાગરાજ માહાત્મ્ય
પ્રયાગરાજમાં પ્રભુનાં કેવળજ્ઞાન કલ્યાણકની સાથે સાથે બીજું શું શું સંપન્ન થયું ?
૧ .વર્તમાન અવસર્પિણીનું સર્વપ્રથમ કેવળજ્ઞાન પ્રયાગરાજની ભૂમિ પર પ્રકાશિત થયું .
૨ . વર્તમાન અવસર્પિણીનું સર્વપ્રથમ સમવસરણ પ્રયાગરાજની ભૂમિ પર રચાયું .
૩ . વર્તમાન અવસર્પિણીમાં સર્વપ્રથમવાર તીર્થંકર સમક્ષ દેવકૃત ઓગણીસ અતિશયોનું પ્રાગટ્ય પ્રયાગરાજની ભૂમિ પર રચાયું .
૪ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ તીર્થંકર દેશના પ્રયાગરાજની ભૂમિ પર સંપન્ન થઈ .
૫ .વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ બાર પર્ષદા પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળી .
૬ . વર્તમાન અવસર્પિણીમાં સર્વપ્રથમ વાર દેવ પર્ષદા , મનુષ્ય પર્ષદા અને તિર્યંચ્ પર્ષદા પ્રયાગરાજની ભૂમિ પર એકસાથે બેસેલી જોવા મળી હતી .
૭ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ દીક્ષા પ્રયાગરાજની ભૂમિ પર સંપન્ન થઈ .
૮ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ ગુરુ પ્રયાગરાજની ભૂમિ પર ઉદ્ ઘોષિત થયા હતા . એ અર્હદ્ ગુરુ હતા શ્રી આદિનાથ દાદા .
૯ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ શિષ્ય પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળ્યા . એ હતા શ્રી ૠષભસેનજી એટલે કે શ્રી પુંડરીક સ્વામી .
૧૦ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ શાસ્ત્રીય વાચના પ્રયાગરાજની ભૂમિ પર સંપન્ન થઈ . વાચનાદાતા હતા પ્રભુના ચોર્યાસી ગણધરો .
૧૧ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ ગ્રંથરચના પ્રયાગરાજની ભૂમિ પર સંપન્ન થઈ . એ હતી દ્વાદશાંગીની રચના .
૧૨ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ શ્રમણી ભગવંત પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળ્યા . એ હતા આર્યા શ્રી બ્રાહ્મીજી .
૧૩ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ બારવ્રતધારી શ્રાવક શ્રાવિકા પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળ્યા . એ હતા શ્રેયાંસકુમાર અને સુભદ્રા દેવી આદિ . ( સંદર્ભ : બારસાસૂત્ર )
૧૪ . મહામાતા મરુદેવાને કેવળજ્ઞાન આ ભૂમિ પર થયું . મહામાતા મરુદેવાનું મોક્ષગમન પ્રયાગરાજની ભૂમિ પરથી થયું . માતાની આંસુભરી અંધ આંખોમાં કેવળજ્ઞાનનો પ્રકાશ અહીં રેલાયો . ત્રિષષ્ટિ પ્રથમ પર્વમાં એમ જણાવ્યું છે કે મોક્ષગામી મરુદેવીમાતાની અચેતન કાયાને દેવોએ સન્માન સાથે વિસર્જીત કરી . આ જોઈને લોકોએ મૃતકને આદર આપવાની પરંપરા શરૂ કરી .
૧૫ . પ્રભુનાં કેવળજ્ઞાનથી દરેક ઈન્દ્રોનાં સિંહાસન કંપાયમાન થયા હતા . પ્રથમ દેવલોકના સૌધર્મ ઈન્દ્ર ઐરાવણ હાથી પર બેસીને પ્રયાગરાજની ભૂમિ પર આવ્યા હતા . ઐરાવણ હાથી કેવો હતો ? દેવલોકથી સૌધર્મ ઈન્દ્ર નીકળ્યા ત્યારે ઐરાવણ હાથી એક લાખ યોજનનો હતો . એને મુખ આઠ હતાં. દરેક મુખને આઠ આઠ દાંત હતા. દરેક દાંત પર એક એક વાવડી હતી. દરેક વાવડીમાં આઠ આઠ કમળ હતાં . દરેક કમળને આઠ આઠ પાંદડી હતી . દરેક પાંદડી પર આઠ આઠ નાટક શોભી રહ્યા હતા . દરેક નાટકમાં બત્રીસ પાત્ર હતાં . આમાં ગણતરી કરો તો હાથીના દાંત થાય ૬૪ . વાવડીની સંખ્યા થાય ૬૪ . વાવડીનાં કમળની સંખ્યા થાય ૫૧૨ . કમળની પાંદડીઓની કુલ સંખ્યા થાય ૪૦૯૬ . દરેક પાંદડી પર આઠ નાટક હતાં એટલે નાટકની સંખ્યા થાય ૩૨,૭૬૮ . દરેક નાટકમાં પાત્ર હતાં ૩૨ એટલે નાટકના પાત્રોની કુલ સંખ્યા થાય ૧૦,૪૮,૫૭૬ . તીર્થંકર પરમાત્માનો કેવો પ્રભાવ હશે ? એક ઈન્દ્ર આટલો મોટો પરિવાર લઈને આવ્યા તો બાકીના ઈન્દ્રો અને દેવો કેવી રીતે આવ્યા હશે એની કલ્પના કરવાની .
૧૬ . વિવિધતીર્થકલ્પ અનુસાર અહીં શીતલનાથ ભગવાનનાં ચરણપાદુકા બિરાજતા હતા .
૧૭. પ્રયાગરાજમાં જ્યારે મહાબલ નામનો રાજા હતો ત્યારે પ્રભુ વીરે પુુરિમતાલના શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનસાધના કરી હતી .
૧૮ . પ્રયાગરાજમાં અમોઘદર્શી ઉદ્યાનમાં પ્રભુ મહાવીરનું સમવસરણ મંડાયું હતું . પ્રભુએ અભગ્નસેનના પૂર્વભવનું વર્ણન કર્યું હતું .
૧૯ . સાધ્વી પુષ્પચૂલા અને આચાર્ય અર્ણિકાપુત્રને પ્રયાગરાજમાં કેવળજ્ઞાન થયું હતું .
૨૦ . પ્રયાગનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે . પાંડવોનો નાશ કરવા મય નામના શિલ્પીએ અહીં લાક્ષાગૃહની રચના કરી હતી .
૨૧ . સૌથી અલગ પડી જાય એવી વાત : પ્રભુનાં કેવળજ્ઞાનનો મહોત્સવ દેવતાઓ કરી રહ્યા હતા તે ભરતરાજાના પુત્ર મરીચિએ જોયો . એનાથી ભાવિત થઈ એણે દીક્ષાગ્રહણ કરી . અર્થાત્ પ્રભુ મહાવીરના જીવે સત્યાવીસ ભવની પરંપરામાં ત્રીજો ભવ હતો ત્યારે પુુરિમતાલ તીર્થમાં દીક્ષા લીધી હતી . આમ તો ભરતના ૫૦૦ પુત્રોએ અને ૭૦૦ પૌત્રોએ આદિનાથ દાદા પાસે તે દિવસે દીક્ષા લીધી હતી . પણ મરીચિની દીક્ષા એક અલાયદું કથાનક કહેવાય .
પ્રયાગરાજની ભૂમિ પર જે જે બન્યું છે એની વાત કરવા બેસીએ તો પાર ન આવે . પ્રયાગરાજના સરકારી મ્યુઝિયમમાં કેટલીય જૈન કલારચનાઓ સંગૃહીત છે . પ્રયાગરાજનો નદીકિનારો ત્રિવેણી સંગમ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે . સન્ ૨૦૧૩ના અર્ધકુંભસ્નાનમાં ૫ કરોડ હિંદુઓ આવ્યા હતા . સન્ ૨૦૧૯ના મહાકુંભસ્નાનમાં ૩ કરોડ હિંદુઓ આવ્યા હતા . આમાંથી મોટ્ટા ભાગના લોકોને ખબર જ નહોતી કે પ્રયાગરાજ એક જૈન મહાતીર્થ પણ છે . જો લાખો જૈનો પ્રયાગરાજમાં આદિનાથ ભગવાનની યાત્રા કરવા આવતા હોત તો આ કરોડો લોકોને આદિનાથ ભગવાનની કૈવલ્યકથા ખબર જ હોત . મુશ્કેલી એ છે કે લાખો જૈનો પણ જાણતા નથી કે પ્રયાગરાજમાં આદિનાથ દાદાનું કૈવલ્યતીર્થ છે અને એનો મહિમા ઘણો જ મોટો છે .
હે વ્યાખ્યાનદાતા ગુરુ ભગવંતો , સૌને એક વિનંતી છે . દરેક ગચ્છ અને દરેક સમુદાયના દરેક પ્રવચનકાર , દરેક સંઘમાં દરેક ભાગ્યશાળીને પ્રયાગરાજના આદિનાથ દાદાની યાત્રા કરવાની પ્રેરણા આપે એ વિશે વિચારશોજી . આપનાં વચનથી અસંભવ કાર્યો સંભવિત થયાં છે , આપનાં કથનની અસર હજારો , લાખો લોકોને થાય છે . સિદ્ધગિરિરાજના દરેક યાત્રાળુઓ અને વર્ષીતપના દરેક તપસ્વી દરવરસે કમસેકમ એકવાર પ્રયાગરાજના આદિનાથ દાદાની યાત્રા કરવા અવશ્ય આવે એવું વાતાવરણ બનાવો . ઠીક લાગે તો ભક્તોને કડક ભાષામાં કહેજો : જૈન કુળે તું અવતર્યો , સુધારી લે સંસ્કાર . પ્રયાગરાજ પહોંચ્યો નહીં , એનો એળે ગયો અવતાર .
૨ . કલ્યાણક ભૂમિ
કલ્યાણક ભૂમિ એટલે શું ? આકાશમાંથી તીર્થંકરના આત્માનું અવતરણ થાય , માતાને ચૌદ મહાસ્વપ્ન દેખાય , નિવાસમાં અભિવૃદ્ધિ જોવા મળે , ત્રણ લોકમાં આનંદની લહેરો પસરે , છપ્પન દિક્ કુમારી આવે , ઇન્દ્ર એક રૂપે આવે અને પ્રભુને લઈ પાંચ રૂપે મેરૂ પર્વત સિધાવે , ઘરે પુનરાગમન થતાવેંત બત્રીસ કોડી કનક મણિ માણેક વસ્ત્રની વૃષ્ટિ થાય , કુલ મર્યાદા મહોત્સવ પ્રવર્તે , મંત્ર સ્વરૂપ નામકરણ થાય , શૈશવ વીતે અને બાળપણ પણ વીતી જાય . તારૂણ્ય પ્રગટે અને પછી યૌવનના ઉન્મેષ પ્રગટે . વિવાહ મંડાય , રાજ્ય અભિષેક થાય . દશે દિશામાં આણા પ્રવર્તે . સંતાન અવતરે . એક દિવસ નવ લોકાંતિક આવે અને જય જય નંદાનો ઘોષ ગાજે . વર્ષીદાન મંડાય . સૌના દુઃખ દારિદ્રનું નિવારણ થાય . એક દી’ દીક્ષાભિષેક થાય , દીક્ષા કલ્યાણકનો વરઘોડો નીકળે . નગર બહાર વનમાં દીક્ષા થાય . નગરની નજીકમાં દીક્ષા પછીનું સર્વપ્રથમ પારણું થાય . પ્રભુ ગામોગામ વિહરે. પુનઃ નગર સમીપે પધારે . ક્ષપક શ્રેણી મંડાય અને કેવળજ્ઞાન થાય .
૨ . ચંદનબાળાના હાથે પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થયો અને એકસો પંચોતેર ઉપવાસનું પારણું થયું . આંખોમાં આંસુ , આંગળીમાં સૂપડી અને એમાં બાકળા .
૩ . મહાસાધ્વી શ્રી ચંદનબાળા સમક્ષ મિચ્છામિ દુક્કડં કહેતાં કહેતાં સાધ્વી શ્રી મૃગાવતીજીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ક્ષમાયાચનાનો મહિમા ઉજાગર થાય છે .
૪ . સવા લાખ જિનાલયનું નિર્માણ કરાવનાર મહારાજા સંપ્રતિ , પૂર્વભવમાં ભીખારી હતા એ આપણને ખબર છે પણ એ ભીખારી કૌશાંંબી નગરીમાં રહેતો એ આપણને નથી ખબર . કૌશાંંબી નગરીના ભીખારીએ જૈન ગુરુ પાસે દીક્ષા લીધી અને એ જ ભીખારી આગામી ભવમાં સમ્રાટ સંપતિ બન્યો. શું ગજબનાક વાત છે ભાઈ .
૫ . કૌશાંંબીની મહારાણી મૃગાવતીની કથા ઇતિહાસ પ્રસિદ્ધ છે . એક ચિત્રકાર કૌશાંંબીના રાજદરબારમાં આવ્યો . એણે રાણીનું ચિત્ર બનાવ્યું . ચિત્રના અમુક અંશને જોઈને રાજા શતાનીક નારાજ થયા . એમણે ચિત્રકારને જેલમાં પૂર્યો . ગુસ્સે ભરાયેલો ચિત્રકાર જેલમાંથી છૂટ્યા બાદ ચંડપ્રદ્યોત પાસે ગયો અને એને મૃગાવતીનું ચિત્ર બતાવ્યું . ચંડપ્રદ્યોતે મૃગાવતીને મેળવવા આ નગરી ઉપર આક્રમણ કર્યું . રાજા શતાનીક મરણ પામ્યો . મૃગાવતીએ કટોકટીનો સમય સંભાળી લીધો .ચંડપ્રદ્યોતને તેણીએ મૂર્ખ બનાવ્યો . અને છેવટે મહાવીર સ્વામી ભગવાન પાસે મૃગાવતીએ દીક્ષા સ્વીકારે છે . એની સાથે જ ચંડપ્રદ્યોતની અવંતિકા આદિ આઠ રાણીઓએ પણ દીક્ષા સ્વીકારી . કોઈ રોમાંચક નવલકથા બની શકે એવો સંપૂર્ણ ઘટનાક્રમ કૌશાંંબી નગરીમાં આકાર પામ્યો હતો .
૬ . શ્રી મહાવીર સ્વામી ભગવાન , પાંચ વાર કૌશાંંબી નગરીમાં પધાર્યા હતા . બે વાર છદ્મસ્થ અવસ્થામાં , ત્રણ વાર તીર્થંકર અવસ્થામાં . તીર્થંકર અવસ્થાનું ત્રીજું ચોમાસું વૈશાલીમાં કરીને પ્રભુ કૌશાંંબી થઈને શ્રાવસ્તી પધાર્યા હતા . એ વખતે પ્રભુએ જયંતી શ્રાવિકા ઉપદેશ આપ્યો હતો . તીર્થંકર અવસ્થાનું સાતમું ચોમાસું રાજગૃહીમાં કરીને પ્રભુ કૌશાંંબી પધાર્યા હતા . આ વખતે મૃગાવતીજીની દીક્ષા થઈ હતી . તીર્થંકર અવસ્થાનું અગિયારમું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં કરીને પ્રભુ કૌશાંંબી પધાર્યા હતા . આ વખતે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાન સાથે પ્રભુ દર્શનાર્થે આવ્યા હતા . બૃહત્કલ્પ ભાષ્યમાં એમ જણાવ્યું છે કે ચંદ્રનું અવતરણ જ્યાં થયું ત્યાં ચંદ્રાવતરણ ચૈત્ય બન્યું .
૭. અનાથી મુનિનું કથાનક કોણ નથી જાણતું ? શ્રેણિક રાજાને સમકિતનું બીજ મળ્યું અનાથી મુનિ દ્વારા . આ અનાથી મુનિ કૌશાંંબીના રાજકુમાર હતા . એમની કથા ઉત્તરાધ્યયનમાં મળે છે .
૮ . કપિલ કેવલી એટલે લોભને થોભ નથી એ ઉપદેશના ઉદ્ ગાતા . આ કપિલ કેવલી પણ પૂર્વ અવસ્થામાં કૌશાંંબીવાસી હતા .
૯ . તરંગવતીની કથા પણ કૌશાંંબીની જ કથા છે . બે પંખીડા શિકારીના વેધથી વિખૂટા પડે છે અને બીજા ભવમાં વિલક્ષણ સંયોગોમાં પ્રેમી અને પ્રેમિકા તરીકે ભેગા થાય છે . એમનો વિરોધ થાય છે . બન્ને ઘર છોડીને ભાગી છૂટે છે . જંગલમાં ડાકુઓના હાથમાં સપડાય છે . માંડ બચીને ભાગે છે . કૌશાંંબી આવે છે . પરિવાર સહાનુભૂતિપૂર્વક એમના વિવાહ કરાવે છે . હવે એમને એક મહાત્મા મળે છે . આ મહાત્મા જ પૂર્વભવમાં શિકારી હતા . તેઓ પૂર્વભવની કથા બેયને જણાવે છે . જાતિ સ્મરણ દ્વારા પ્રતિબોધ પામીને તરંગવતી દીક્ષા લે છે . પૂજ્યપાદ શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજા દ્વારા લિખિત તરંગવતી કથા સાહિત્યજગતમાં અમર છે .
૧૦ . માન સન્માન પામવાની લાલચ વિના ધર્મ કરવો જોઈએ આવો બોધ સુણાવતી એક કથા બે મહાત્માઓની છે જે શ્રી જંબૂ સ્વામીજીના શિષ્યો હતા . બેય મહાત્માઓ અનશન સ્વીકારે છે . એક મહાત્મા માન સન્માન પામવા માટે કૌશાંંબીમાં સૌને દેખાય એવા સ્થાને બિરાજમાન થાય છે પણ યુદ્ધનું વાતાવરણ બને છે અને એમને માન સન્માન મળતું નથી . બીજા મહાત્મા માળવાની સરહદે વત્સિકા નદીના કિનારે પહાડી પર એકાંતમાં રહીને અનશન આદરે છે . એમણે માન જોઈતું નહોતું . બન્યું એવું કે યુદ્ધમાં સમાધાન થયું એટલે કૌશાંંબીના રાજા મણિપ્રભ અને અવંતિષેણ એ જ પહાડીના માર્ગે ઉજ્જૈન જવા નીકળેલા . એમણે આ મહાત્માને જોયા . તેઓ સેવામાં રોકાઈ ગયા . મહાત્માનું આયુષ્ય પૂરું થયું . રાજાએ એમની માટે ત્યાં વિશાળ સમાધિ સ્તૂપ રચાવ્યો . કથાનો સાર એ છે કે જે માન સન્માન પામવા કૌશાંંબી રોકાયા એમને કોઈ માન ના મળ્યું અને જે માન સન્માનથી બચવા જંગલમાં ગયા તેમને કૌશાંંબીના રાજાએ જીવતેજીવત પણ માન આપ્યું અને મરણોત્તર સન્માન પણ આપ્યું . કૌશાંંબી સાથે કેવી કેવી વાર્તાઓ જોડાયેલી છે ?
૧ . સંગમકુમારની ખીર
શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ છે . ત્યાં એક પશુપાલક રહે છે . સુખી જીવન છે . પશુપાલકને પત્ની છે , દીકરો છે . એકદા યુવાન વયે જ પશુપાલકનું મરણ થઈ ગયું . ઘરમાં પૈસાની આવક બંધ થઈ ગઈ . માદીકરો ગરીબ થઈ જાય છે . માતાનું નામ ધન્યા . દીકરાનું નામ સંગમ : ઉંમર આઠ વરસ . તેઓ રાજગૃહી આવી રહે છે . માતા લોકોનાં ઘરમાં ઝાડુ પોતા લગાવે છે . દીકરો લોકોનાં ગાયભેંસ જંગલમાં ચારવા લઈ જાય છે . એકવાર સંગમકુમાર ઘેર ઘેર રંધાયેલી ખીર જુએ છે . એને ખીર આરોગવાનું મન થાય છે . એ ઘેર આવીને માતા પાસે ખીર માંગે છે . માતાને પારાવાર લાચારીનો અહેસાસ થાય છે કેમ કે ઝૂંપડીમાં દૂધ ચોખા સાકર ઘી વગેરે સીધુંસામાન નથી . બાળક ખીર માટે જીદ્દ કરીને રડે છે . મા , બાળકની ઈચ્છા પૂરી નહીં થાય એની પીડાથી રડે છે . રડવાનો અવાજ બાજુનાં ઘરોમાં જાય છે . પાડોશણો ઝૂંપડીમાં આવીને માતાને સાંત્વના આપે છે . પાડોશણો ખીર માટેનો સામાન આપે છે , ઘી દૂધ સાકર ચોખા વગેરે . મા ખીર બનાવે છે , બાળકને થાળીમાં ખીર પીરસે છે . હવે મા ઘરોમાં કામ કરવા જાય છે . બાળક ખીરની થાળી પાસે બેસે છે . મનમાં એ રાજી છે કે એની ઈચ્છા આજે પૂરી થઈ છે .
૨. સંગમકુમારે મહાત્માને ખીર વહોરાવી
સંગમકુમારે મઘમઘતી ખીર આરોગતાં પહેલાં ઝૂંપડીની બહાર જોયું . એક તપસ્વી મહાત્મા આવતાં દેખાયા . એણે મહાત્માને પોતાની થાળીમાંની ખીર વહોરાવી દીધી . જે મહાત્મા પધારેલા એમને માસક્ષમણ હતું . સંગમકુમારે પ્રચંડ પુણ્ય બાંધી લીધું . મહાત્મા ગયા તે પછી સંગમ ખીરની થાળી ચાટવા લાગ્યો . મા આવી . સંગમકુમારે ખીરનાં દાનની વાત માતાને ન જણાવી . સંગમકુમારની ખાલી થાળીમાં માતાએ બાકીની ખીર પીરસી દીધી . સંગમકુમારે એ ખીર હરખભેર આરોગી . જોકે , એ ખીર સંગમકુમારને હજમ ના થઈ . એ જ દિવસે રાત્રિના સમયે એનું આયુષ્ય પૂરું થઈ ગયું . અંતિમ સમયે એનાં મનમાં દાનધર્મની અનુમોદનાનો આનંદ રમતો હતો . એ શુભધ્યાનના પ્રભાવે એ બીજા ભવમાં રાજગૃહીનગરે ગૌભદ્ર શેઠનાં ઘરે સાત માળની હવેલીમાં , ભદ્રા શેઠાણીની કૂખે પુત્ર તરીકે અવતરિત થયો . ગર્ભવતી માતાએ સ્વપ્નમાં શાલિનું ખેતર જોયું . ( શાલિ એટલે ડાંગર , ચોખા ) . ગૌભદ્ર શેઠે ભવિષ્ય વાણી ભાખી કે સંતાન થશે અને એ તેજસ્વી થશે . શુભ દિને બાળકનો જન્મ થયો . સ્વપ્ન સંકેત અનુસાર બાળકનું નામ રાખવામાં આવ્યું : શાલિભદ્ર .
ઉત્તમ સુપાત્રને ઉત્તમ ભાવપૂર્વક ઉત્તમ દ્રવ્યનું દાન કર્યું એના પ્રભાવે દત્તકુમારને ચાર ઉત્તમ તત્ત્વ મળ્યાં . એક , મનુષ્યગતિમાં જન્મ મળ્યો . બે , જૈન ધર્મ મળ્યો . ત્રણ , ઉત્તમ પુણ્યાઈ અને ઉત્તમ પ્રજ્ઞા મળી . ચાર , દીક્ષા લેવાની સાચી પાત્રતા મળી .
શાલિભદ્ર નાનપણમાં પ્રજ્ઞાવાન્ છે . વિદ્યા અભ્યાસ ઉત્તમ રીતે સંપન્ન કરે છે . ગૌભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીને એક દીકરી પણ છે . એ ઉંમરમાં શાલિભદ્રથી નાની છે . શાલિભદ્ર યુવાન થાય છે . રૂપ , બુદ્ધિમત્તા , વિનય વિવેક આદિ ગુણો એનામાં ઝળહળે છે . રાજગૃહી નગરીના બત્રીસ શેઠિયાઓએ પોતપોતાની યુવાન દીકરીઓ શાલિભદ્ર સાથે વિવાહિત થાય એવો પ્રસ્તાવ ગૌભદ્ર શેઠ સમક્ષ મૂક્યો . દરેક કન્યા પદ્મિની હતી . ગૌભદ્ર શેઠે એ પ્રસ્તાવ સ્વીકાર્યો અને બત્રીસ પદ્મિની કન્યાઓ સાથે શાલિભદ્રના વિવાહ સંપન્ન થયાં .
પિતા ગૌભદ્ર શેઠ વ્યવસાય આદિ સર્વ કાર્ય સંભાળે છે , માતા ભદ્રા શેઠાણી – ઘર , પરિવાર આદિની જવાબદારીનું નિર્વહન કરે છે . શાલિભદ્રજી બત્રીસ પત્નીઓ સાથે આનંદપ્રમોદમાં નિમગ્ન રહે છે .
૩ . ગૌભદ્ર શેઠની દીકરીના વિવાહ ધન્નાજી સાથે
ગૌભદ્ર શેઠની સાથે ગામોગામના વેપારીઓનો લેણદેણનો વહેવાર છે . એકવાર ચંપાપુરીનો કોઈ નકલી વેપારી આવ્યો . એ કાણો હતો , એને એક જ આંખે દેખાતું . એ શેેઠને કહે છે કે મારી એક આંખ તમારી પાસે ગિરવે પડી છે , એ મને પાછી આપો . ગૌભદ્ર શેઠ કહે છે કે તું ખોટું બોલે છે . પેલો વેપારી કહે છે કે તમે મને ચંપાપુરીમાં એક લાખ સોનામહોર આપી હતી . એના બદલામાં મેં મારી આંખ તમને આપી હતી . હવે તમારી આ સોનામહોર તમે પાછી લો અને મારી આંખ મને પાછી આપો . વેપારીએ એવો ગૂંચવાડો ઊભો કર્યો કે ગૌભદ્ર શેઠ પાસે જવાબ ન રહ્યો . શેઠે રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને વાત જણાવી . રાજા વિચારે છે કે અભયકુમાર હાજર હોત તો એ જરૂર કોઈ રસ્તો સુઝાડત . પરંતુ અભયકુમાર રાજગૃહીમાં હાજર નથી . હવે અભયકુમાર જેવું બુદ્ધિબળ ધરાવનાર વ્યક્તિને શોધવી પડશે . રાજાએ ઉદ્ ઘોષણા કરાવી કે ગૌભદ્ર શેઠની સમસ્યાનું સમાધાન જે શોધી આપશે એના વિવાહ ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે થશે .
રાજગૃહીમાં ધન્નાજી શેઠ સ્વ નિર્મિત સાત માળની હવેલીમાં રહેતા હતા . તેમની જન્મભૂમિ હતી પ્રતિષ્ઠાનપુર ( એટલે કે આજનું પૈઠણ . ) એમનો રાજા સાથે પારિવારિક સંબંધ હતો . એમણે રાજાની અનુમતિથી પેલા વેપારી સાથે ચર્ચા કરી . વેપારી પાક્કો હતો . એણે તુરંત મચક ના આપી . એને ધન્નાજી શેઠે કહ્યું કે અમે ઘણા લોકોને પૈસા આપીએ છીએ . આથી અમારી પાસે ઘણી આંખો જમા છે . તમે તમારી બીજી આંખ થોડાક સમય માટે અમને આપો . પહેલાં તમે જે આંખ આપી હતી એની સાથે આ આંખ મેળવીને અમે તમને , બંને આંખો એકસાથે પાછી આપી દઈશું . પેલો વેપારી ગભરાયો . એણે પોતાની જૂઠમાયા કબૂલી લીધી . એ નકલી વેપારી સોનામહોર ચૂકવીને ભાગી ગયો . રાજગૃહીની ઈજ્જત બચી એનાથી રાજા રાજી થયા . પોતાનું આત્મસન્માન સુરક્ષિત રહ્યું એનાથી ગૌભદ્ર શેઠ પ્રસન્ન થયા . ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે ધન્નાજીના લગ્ન થયાં . આ રીતે ધન્નાજી અને શાલિભદ્રજી વચ્ચે સાળાબનેવીનો સંબંધ બન્યો .
૪ . પિતા ગૌભદ્ર બન્યા ગૌભદ્ર દેવ
રાજગૃહી નગરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન પધાર્યા . રાજા અને પ્રજા એક સાથે પ્રભુની દેશના સાંભળવા સમવસરણમાં બેસે છે . ગૌભદ્ર શેઠ પણ દેશના સાંભળે છે અને વૈરાગ્ય ભાવ ધારણ કરે છે . ભદ્રા શેઠાણીને વિશ્વાસમાં લઈને ગૌભદ્ર શેઠ દીક્ષા ગ્રહણ કરે છે . પ્રભુનાં સાંનિધ્યમાં ઉત્તમ સાધના કરીને ગૌભદ્ર શેઠ પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે . દેવ લોકમાંથી ગૌભદ્ર દેવ શાલિભદ્રને જુએ છે અને વિચારે છે કે મારા પુત્ર માટે મારે વિશેષ કંઈક કરવું છે . ગૌભદ્ર દેવ પુત્ર અને ૩૨ પુત્રવધુઓ માટે રોજ ૩૩ પેટી વસ્ત્રની ૩૩ પેટી આભૂષણની અને ૩૩ પેટી દિવ્ય ભોજનસામગ્રીની મોકલે છે . શાલિભદ્ર પોતાની બત્રીસ પત્નીઓ સાથે મનુષ્ય લોકમાં રહીને દેવલોકના આનંદનો આસ્વાદ લે છે .
પૂર્વ ભવમાં સંગમકુમાર તરીકે જ્યારે એમણે તપસ્વી મહાત્માને ખીર વ્હોરાવી હતી ત્યારે આવા કોઈ સુખની કામના એમનાં મનમાં હતી જ નહીં . પણ ખીરનું દાન આપતી વખતે એમનાં મનમાં જે ઉત્સાહ હતો અને ખીરનું દાન આપ્યા બાદ એમનાં હૃદયમાં જે આત્મસંતોષ હતો એના થકી જે પુણ્ય બંધાયું હતું તે પુણ્ય આ રીતે ઉદયમાં આવ્યું હતું . રોજ નવા વસ્ત્રો અને નવા દાગીના દેવલોકથી આવે . ગઈકાલના વસ્ત્રો અને દાગીના આજે કાઢી નાંખવાના . આજના વસ્ત્રો અને દાગીના આવતીકાલે કાઢી નાંખવાના . એકવાર જે વસ્ત્રો અને દાગીના ઉતરી ગયા તે ફરીથી પહેરવાના ના હોય એટલે એ નિર્માલ્ય તરીકે ખાળકૂવામાં ફેંકી દેવાના . આવું અલૌકિક સુખ એ જમાનામાં કોઈ રાજા મહારાજાના નસીબમાં પણ નહોતું .
૫ . રત્નકંબલની ખરીદી
રત્નકંબલ એટલે એવી શાલ જે શિયાળામાં ગરમી આપે અને ઉનાળામાં ઠંડક આપે . ઉનાળાના દિવસોમાં પીગળીને પ્રવાહી બની ગયેલા ઘીનાં વાસણ પર રત્નકંબલ ઢાંકીએ તો એ ઘી ફરીથી એકદમ થીજી જાય . શિયાળાના દિવસોમાં થીજીને કઠણ બની ગયેલા ઘીનાં વાસણ પર રત્નકંબલ ઢાંકીએ તો એ ઘી પીગળીને પાણી જેવું થઈ જાય . એક રત્નકંબલની કિંમત મોંઘા દાગીનાઓ જેટલી થતી . એકવાર નેપાળ દેશથી કંબલના વેપારીઓ રાજગૃહી આવ્યા . એમની પાસે સોળ રત્નકંબલ હતી . એમણે રાજાને રત્નકંબલ બતાવી . રાજાએ ભાવ પૂછ્યો . વેપારીઓએ એક રત્નકંબલનો ભાવ કહ્યો : સવા લાખ સુવર્ણમુદ્રા . રાજાને આ ભાવ વધારે લાગ્યો . રાજાએ એક પણ રત્નકંબલ ના ખરીદી . હતાશ વેપારી પાછા જતા હતા . ભદ્રા શેઠાણીએ વેપારીઓની વાત જાણી . એમને બોલાવીને ભદ્રા શેઠાણીએ પોતાની બત્રીસ વહુઓ માટે બત્રીસ રત્નકંબલ માંગી . વેપારીઓ પાસે સોળ જ રત્નકંબલ હતી તો ભદ્રા શેઠાણીએ સોળમાંથી અખંડ આકારવાળી બત્રીસ રત્નકંબલ દેખાય એ રીતે બત્રીસ ટુકડા કરાવીને એ રત્નકંબલ ખરીદી લીધી . પૈસા ચૂકવ્યા વીશ લાખ સુવર્ણમુદ્રા . વેપારીઓ રાજી થયા . ભદ્રા શેઠાણીએ એ બત્રીસ રત્નકંબલ બત્રીસ વહુઓને આપી દીધી . બત્રીસ વહુઓને દેવતાઈ વસ્ત્રોની આદત હતી . આ રત્નકંબલથી પગ લૂંછીને એમણે એ બત્રીસ રત્નકંબલ ઘરની ખાળમાં ફેંકી દીધી .બીજા દિવસે શ્રેણિક રાજાના મહારાણી ચેલણાએ એક રત્નકંબલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી . રાજાએ વેપારીઓને બોલાવીને રત્નકંબલ માંગી . વેપારીઓએ કહ્યું કે બધી કંબલ ભદ્રામાતાએ ખરીદી લીધી છે . અમારી પાસે એક પણ નથી બચી . રાજાએ એક રાજસેવકને ભદ્રા શેઠાણી પાસે સવા લાખ સુવર્ણમુદ્રામાં એક રત્નકંબલ લેવા મોકલ્યો . રાજસેવકને ભદ્રા શેઠાણીએ કહ્યું કે શાલિભદ્રની વહુઓએ રત્નકંબલ એકવાર વાપરીને ખાળમાં ફેંકી દીધી છે . રાજસેવકે પાછા આવીને રાજાને વાત જણાવી . રાજાને વિસ્મય થયું . રાજાએ મંત્રીશ્વર અભયકુમારને ભદ્રા શેઠાણી પાસે મોકલ્યા. અભયકુમારે ભદ્રા શેઠાણીને કહ્યું કે મહારાજા શ્રેણિક શાલિભદ્રને મળવા માટે રાજમહેલમાં બોલાવે છે .
હવે ભદ્રા શેઠાણી રાજા શ્રેણિકને મળવા આવે છે અને જણાવે છે કે શાલિભદ્ર કદી હવેલીની બહાર નીકળ્યો નથી . એની દેવતાઈ સુખની દુનિયામાંથી એ બહાર આવે એવી અમારી ઈચ્છા પણ નથી . આપ જ અમારી હવેલીએ પધારો .
રાજા આમંત્રણ સ્વીકારે છે .
૬ . સ્વામીનાં કારણે શાલિભદ્રજીને વૈરાગ્ય થયો
+ શ્રેણિક રાજા શાલિભદ્રને મળવા માટે ભદ્રા શેઠાણીની હવેલીએ આવ્યા . શ્રેણિક રાજાનાં આગમનની ખુશાલીમાં ગૌભદ્રદેવે નગરીના મુખ્ય માર્ગને દૈવી શણગારથી સજાવ્યો હતો . હવેલીનું વાતાવરણ અદ્દલ દેવલોક જેવું હતું . રાજા ચોથા માળ સુધી પહોંચ્યા . રાજાને બેસાડી ભદ્રા શેઠાણી શાલિભદ્રને બોલાવવા સાતમા માળે ગયા . શેઠાણીએ શાલિભદ્રને કહ્યું કે શ્રેણિકજી આવ્યા છે , તારે મળવાનું છે . શાલિભદ્રે જવાબ આપ્યો કે એ જે પણ સામાન આવ્યો હોય તે ખરીદી લો . મને શું કામ બોલાવો છો ?
માતાએ કહ્યું કે આ કોઈ કરિયાણું નથી . આ આપણા સ્વામી છે . આપણા સ્વામીના સેવક તરીકે આપણે એમને મળવું પડે .
મારાં માથે સ્વામી છે આ સાંભળીને શાલિભદ્રને આશ્ચર્ય થયું . શાલિભદ્ર માતાની સાથે શ્રેણિકને મળવા આવ્યા . શ્રેણિક શાલિભદ્રને જોઈને અભિભૂત થઈ ગયા . એમણે શાલિભદ્રને વાત્સલ્યથી ખોળે બેસાડ્યો . શાલિભદ્રથી રાજા શ્રેણિકનો સ્પર્શ સહન ના થયો . એ આકુલવ્યાકુલ થઈ ગયા . રાજા સાથે થોડો વાર્તાલાપ કરી શાલિભદ્રજી સાતમા માળે જતા રહ્યા .
ભદ્રા શેઠાણીએ શ્રેણિક રાજાને આતિથ્ય સ્વીકારની વિનંતી કરી . રાજાને તૈલમર્દન કરવામાં આવ્યું . રાજા સ્નાન કરવા સ્નાનકક્ષમાં ગયા . એમની સુવર્ણમુદ્રિકા આંગળીમાંથી નીકળીને પાણીમાં વહી ગઈ . રાજાએ સ્નાનકક્ષમાંથી બહાર આવ્યા . ભદ્રા શેઠાણીએ રાજાની ખાલી આંગળી જોઈ . ભદ્રા શેઠાણીએ સ્નાનકક્ષની ખાળમાંથી રોજેરોજના દાગીના એક થાળમાં ભરીને મંગાવ્યા . રાજાએ થાળમાં જોયું . શાલિભદ્રના દિવ્ય દાગીનાની વચ્ચે રાજાની મુદ્રિકા કોલસાના ટુકડા જેવી લાગતી હતી . રાજાએ એ લીધી . રાજા ભોજન લેવા બેઠા . વાસણો પાથર્યા સેવકોએ અને એમાં ભોજન પીરસાયું દિવ્ય તત્ત્વો દ્વારા . આ જોઈ રાજા પ્રસન્ન થયા . રાજા પાછા પધાર્યા .જોકે શાલિભદ્રનાં મનમાં વૈરાગ્યના વિચારો શરૂ થઈ ચૂક્યા હતા .
૭ . શાલિભદ્રજીની દીક્ષાની ભૂમિકા
+ બત્રીસ પત્નીઓને સમજાયું કે શાલિભદ્રજીનું મન આનંદ પ્રમોદથી ઊઠી ગયું છે . એમણે ભદ્રા શેઠાણીને જણાવ્યું . ભદ્રા શેઠાણીએ શાલિભદ્રજીને પૂછ્યું કે તારું મન કેમ નારાજ જણાય છે ? શાલિભદ્રજીએ જણાવ્યું કે હું દેવતાઈ સુખો ભોગવું છું તો મારા માથે કોઈ નાથ છે એ હું કલ્પના પણ કરી ના શકું . જ્યારે મને ખબર પડી કે શ્રેણિક રાજા મારા માથે મારા સ્વામી તરીકે બેઠા છે તો મારો સુખસંસારનો રસ ખતમ થઈ ગયો છે . + એક દિવસ રાજગૃહી નગરીમાં શ્રી ધર્મઘોષ મુનિરાજ પધાર્યા . શાલિભદ્રજી સપરિવાર દેશના સાંભળવા ગયા . એમનાં મનમાં દીક્ષા લેવાનો સંકલ્પ પાક્કો થયો . ઘેર આવી એમણે માતાને પોતાની ભાવના જણાવી . માતાએ એમને પહેલાં તો દીક્ષા લેવાની ના જ પાડી . શાલિભદ્રજીનો આગ્રહ ઘણો હતો તો માતાએ મમતાવશ એમ કહ્યું કે : તમે ધીમે ધીમે સુખનો ત્યાગ કરો. તમે કોમળ છો . એક સાથે ત્યાગ કરવાનું તમારા માટે કઠિન છે . સુખનો ત્યાગ પણ વિશેષ પુરુષાર્થ માંગી લે છે . જે સુખ છોડી ના શકે તે દુઃખ સહન કરી ન શકે તો અને જે દુઃખ સહન કરી ન શકે તે સાધુ બની ના શકે . માટે તમે સુખના ત્યાગનો અભ્યાસ કરો . + શાલિભદ્રજીએ માતાનું મન રાખવા ધીમે ધીમે સુખત્યાગ શરૂ કર્યો . એ રોજ એક પત્નીનો ત્યાગ કરે છે . સુભદ્રાજી દ્વારા આ સમાચાર ધન્નાજીને મળ્યા . એમણે સુભદ્રાજીને કહ્યું કે જેણે ત્યાગ કરવો જ છે તે ધીમે ધીમે ત્યાગ શું કામ કરે ? એણે એકસાથે જ બધો ત્યાગ કરવો જોઈએ . જવાબમાં ભાઈનો પક્ષ લઈ સુભદ્રાજીએ કહ્યું કે તમારામાં એક સાથે બધો ત્યાગ કરવાની તાકાત છે ? આ સાંભળી ધન્નાજીએ આઠ પત્નીનો ત્યાગ કરી દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો . શાલિભદ્રજીને આ સમાચાર મળે છે તો એ પણ સમગ્ર ત્યાગ એક સાથે કરવાનો સંકલ્પ કરે છે . એવું કહી શકાય કે ધન્નાજીની દીક્ષામાં શાલિભદ્રજી નિમિત્ત બન્યા અને શાલિભદ્રજીની દીક્ષામાં ક્યાંક ધન્નાજી નિમિત્ત બન્યા .+ જોકે , ભદ્રા શેઠાણી શાલિભદ્રજીને દીક્ષાની અનુમતિ આપતા નથી . આ સમયે ગૌભદ્ર દેવ પ્રગટ થાય છે અને ભદ્રા શેઠાણીને સમજાવે છે કે શાલિભદ્રજીને દીક્ષા માટે અનુમતિ આપી દો . ગૌભદ્ર દેવના કહેવાથી ભદ્રા શેઠાણીએ શાલિભદ્રજીને દીક્ષા માટે અનુમતિ આપી . વિધિનું વિધાન જુઓ કે જે ગૌભદ્ર દેવ શાલિભદ્રજીનાં સંસારી સુખમાં પ્રમુખ સહાયકારી હતા એ જ ગૌભદ્ર દેવ શાલિભદ્રજીની દીક્ષામાં પ્રમુખ સહાયકારી બન્યા .+ હવે શાલિભદ્રજીની દીક્ષા થશે એ પાક્કું થયું . સ્વયં શાલિભદ્રજીએ ગૌભદ્ર દેવને વિનંતી કરી કે આપે આજસુધી મારાં સંસારી સુખની ઘણી તૈયારી કરી છે . હવે આપ મારી દીક્ષાની તૈયારી કરો કેમ કે જે દીક્ષા આપે લીધી હતી તે હવે હું લઈ રહ્યો છું . પ્રસન્ન પિતા દેવે પોતાના પુત્ર શાલિભદ્રજીની દીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી .
૮ . ધન્નાજી અને શાલિભદ્રજીની દીક્ષા
રાજગૃહી નગરીની બહાર દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાન પધાર્યા હતા . સમવસરણ મંડાયું હતું . ધન્નાજી અને શાલિભદ્રજી પ્રભુના હાથે જ દીક્ષાગ્રહણ કરશે એવી મંગલ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું .
ધન્નાજી અને શાલિભદ્રજીનો દીક્ષાનો શાનદારવરઘોડો પોતપોતાની સાત માળની હવેલીથી એક જ દિવસે નીકળ્યો હતો . ઉભય દીક્ષાર્થી વિશાલ શિબિકામાં બિરાજમાન થયા હતા. ઉભય દીક્ષાર્થીની શિબિકા એક હજાર પુરુષોએ ઊંચકી હતી . શિબિકામાં દીક્ષાર્થી અને દીક્ષાર્થીના પરિવારજનો બિરાજિત થયા હતા .
ધન્નાજીની દીક્ષાના વરઘોડામાં મંત્રીશ્વર અભય કુમાર અને મગધ સામ્રાજ્યના તમામ ઐશ્વર્યવંત શ્રીમંતો અને અગણિત નરનારીઓ જોડાયા હતા . ધન્નાજી શેઠે ભવ્ય દીક્ષા મહોત્સવ માંડીને સાત ક્ષેત્રમાં તેમ જ જીવદયા અને અનુકંપામાં ભરપૂર દાન આપ્યું હતું .
શાલિભદ્રજીની દીક્ષાના વરઘોડામાં રાજા શ્રેણિક સેચનક હાથી ઉપર બિરાજમાન થઈને સાથે રહ્યા હતા . ગૌભદ્ર દેવ પણ દીક્ષાના વરઘોડામાં આસમાન માર્ગે જોડાયા હતા . રાજગૃહી નગરીના અગણિત પ્રજાજનો પણ વરઘોડામાં ઉમંગભેર સામેલ થયા હતા . ભદ્રા શેઠાણીએ પણ ભવ્ય દીક્ષા મહોત્સવ માંડીને સાત ક્ષેત્રમાં તેમ જ જીવદયા અને અનુકંપામાં ભરપૂર દાન આપ્યું હતું .
રાજગૃહી નગરીની બહાર એક જગ્યાએ બંને દીક્ષાર્થીના વરઘોડા ભેગા થયા હતા . બંને એક સાથે સમવસરણમાં મહાવીર સ્વામી ભગવાન પાસે પહોંચ્યા હતા. પ્રભુ મહાવીરના હાથે ઉભય દીક્ષાર્થીને દીક્ષા મળી હતી. વિશેષમાં ધન્નાજીની આઠ પત્નીઓએ પણ એ જ સમયે દીક્ષા સ્વીકારી હતી . દીક્ષાર્થીઓનાં ઉપકરણની વ્યવસ્થા કુત્રિકાપણ નામના દિવ્યસ્થાનથી કરવામાં આવી હતી .
૯ . રાજગૃહીમાં માતાના હાથે પારણું
શાલિભદ્રજીએ દીક્ષા લીધી . દીક્ષા લીધા બાદ શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા પાસે મહાત્મા શાલિભદ્રજીએ ૧૧ અંગ આગમસૂત્રોનો અભ્યાસ કર્યો હતો . મહાત્મા શાલિભદ્રજીએ બાર વરસનું દીક્ષાપાલન કર્યું એમાં એકમાસી ઉપવાસ એટલે કે માસક્ષમણ , બેમાસી ઉપવાસ , ત્રણમાસી ઉપવાસ , ચારમાસી ઉપવાસ આદિ તપસ્યાઓ કરીને શરીરને સૂકવી દીધું હતું .
દીક્ષા લીધા બાદ મહાત્મા શાલિભદ્રજીએ જે પણ આરાધના કરી એમાં મહાત્મા ધન્નાજી સાથે જોડાયેલા રહ્યા હતા . પ્રભુવીરનાં સાંન્નિધ્યમાં ઉભય મહાત્માઓ બાર વરસે રાજગૃહી પધાર્યા . માસક્ષમણનાં પારણે ઉભય મહાત્માઓ વહોરવા જઈ રહ્યા હતા ત્યારે પ્રભુ વીરે કહ્યું કે આજે તમારું પારણું તમારી માતાના હાથે થશે . ઉભય મહાત્માઓ ભદ્રા શેઠાણીની હવેલીએ પહોંચ્યા . હવેલીમાં આખો પરિવાર સમવસરણમાં પ્રભુ દર્શન અને મુનિ દર્શન માટે નીકળવાની તૈયારીમાં ડૂબેલો હતો . તપસ્યાને કારણે ઉભય મહાત્માઓ એટલા કૃશ થઈ ગયા હતા કે એમને કોઈ ઓળખી જ ના શક્યું . ઉભય મહાત્માઓ પાછા નીકળી ગયા . રસ્તામાં એમને એક વૃદ્ધ ગોવાળણે જોયા . એ શાલિભદ્રજીની પૂર્વ ભવની માતા હતી . નામ ધન્યા . એ મહાત્માને જોઈ ભાવવિભોર થઈ . એણે મહાત્માઓને ભરપૂર દહી વહોરાવ્યું. ગોવાળણને મુનિઓના પૂર્વભવની કથા ખબર નહોતી . મુનિઓને ગોવાળણનો સાચો પરિચય નહોતો . ઉભય મહાત્માઓ પ્રભુ પાસે આવીને પૂછે છે કે માતા પારણું કરાવશે એ કથનનું રહસ્ય શું છે ?
ઉત્તરમાં પ્રભુએ ઉભય મહાત્માઓને શાલિભદ્રજીના પૂર્વભવની કથા સુણાવીને જણાવ્યું કે પૂર્વ ભવની માતાએ જ પારણું કરાવ્યું છે . ઉભય મહાત્માઓ પારણું કર્યા બાદ સંવેગભાવે અનશનનો સંકલ્પ કરે છે . પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને સમગ્ર અતિચારની આલોચના લે છે , પ્રભુનાં શ્રીમુખે ફરીથી મહાવ્રત ગ્રહણ કરે છે . તે પછી શ્રી ગૌતમસ્વામીને નિશ્રાદાતા તરીકે સાથે રાખીને વૈભાર ગિરિ પધારે છે .
૧૦ . ધન્નાજી અને શાલિભદ્રજીનું અનશન
+ શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા , શ્રી સુધર્મા સ્વામી મહારાજા આદિ અગિયાર ગણધરોની મોક્ષગમન ભૂમિ બનવાનું ગૌરવ ધારણ કરે છે વૈભારગિરિ પર્વત . વૈભારગિરિ પર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનાં શ્રીમુખે ઉભય મહાત્માઓએ સંલેખનાનાં પચ્ચખાણ લીધાં . કાળા રંગની કઠોર પથ્થર શિલા પર સંથારો કર્યો અને કાયાનો ઉત્સર્ગ કરીને ધ્યાનમાં લીન થઈ ગયા . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા પ્રભુની સેવામાં પાછા આવી ગયા . + હવે ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓ પ્રભુનાં દર્શનાર્થે સમવસરણમાં પહોંચ્યા . પ્રભુનાં દર્શન વંદન કર્યા બાદ ઉભય મહાત્મા વિશે પૃચ્છા કરી . પ્રભુએ પારણાંનો કિસ્સો જણાવીને કહ્યું કે ઉભય મહાત્માઓએ અનશન સ્વીકારી લીધી છે . હતપ્રભ ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓ તેમ જ રાજા શ્રેણિક અને અભયકુમાર મંત્રી – વૈભારગિરિ પર જ્યાં ઉભય મહાત્માઓ હતા ત્યાં પહોંચ્યા . અનશન ધારી મહાત્માઓને જોઈને માતાએ ખૂબ વિલાપ કર્યો .
+ વિલાપનો સારાંશ એ હતો કે -આપ મારાં ઘેર આવ્યા અને અમે આપને ઓળખી ન શક્યા એ મારો મોટો અપરાધ છે . એમણે ક્ષમા આપો . એકવાર અમારી સાથે વાર્તાલાપ કરો , એકવાર અમારા હાથે ગોચરી સ્વીકારો . એ પૂરવભવની માતાને ધન્ય છે જેણે ગયા ભવમાં ખીર બનાવી , એ ખીર મુનિએ વહોરી અને આ ભવમાં દહી બનાવ્યું એ પણ મુનિઓએ વહોર્યું . એના મુકાબલે હું સાવ અભાગી છું કે મને તો કોઈ લાભ જ ન મળ્યો . મારું ચાલે તો એ પૂર્વ ભવની માતાને બહેન બનાવી મારા ઘરે રહેવા બોલાવી લઉં . એક વાર મારી સામે જુઓ . એક વાર મારી સાથે વાત કરો . મારું હૃદય ભાંગી ગયું છે . મારી વેદનાનો કોઈ પાર નથી .
+ મહાત્માઓ ધ્યાનમાં એકાકાર જ રહ્યા . કોઈ પ્રતિભાવ આપ્યો નહીં . રાજા શ્રેણિક અને અભયકુમાર મંત્રીએ માતાને સાંત્વના આપતા કહ્યું કે વીરના વારસદારને શોભે એવું મહાન્ પરાક્રમ આ મહાત્માઓ કરી રહ્યા છે એની અનુમોદના કરો . ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓ આશ્વસ્ત થઈ પાછા ફર્યા . +એક મહિનાનું અનશન કરી ઉભય મહાત્માઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર દેવ તરીકે અવતાર પામ્યા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તેઓ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે . ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓએ પ્રભુ પાસે આજીવન શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યો . તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવ થયા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તેઓ પણ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે .
( આધાર ગ્રંથ : પૂજ્યપાદ પંડિત શ્રી જિનવિજયજી મહારાજા વિરચિત શ્રી ધન્ના શાલિભદ્રનો રાસ / રચના સમય : વિ.સં.૧૭૯૯ )
૧ . દત્તકુમારની ખીર
ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . એમાં મા દીકરો રહે છે . મા શ્રીમંત લોકોનાં ઘરમાં ઝાડુંપોતું મારીને , કપડાંવાસણ ધોઈને જે કમાય છે એનાથી ઘર ચલાવે છે . દીકરો આઠ વરસનો છે , નામ છે દત્ત . એ લોકોના ગાયભેંસ જંગલમાં ચારવા લઈ જાય છે. એકવાર દત્તકુમાર ઘેર ઘેર રંધાયેલી ખીર જુએ છે . એને ખીર આરોગવાનું મન થાય છે . એ ઘેર આવીને માતા પાસે ખીર માંગે છે . માતાને પારાવાર લાચારીનો અહેસાસ થાય છે કેમ કે ઝૂંપડીમાં દૂધ ચોખા સાકર ઘી વગેરે સીધુંસામાન નથી . બાળક ખીર માટે જીદ્દ કરીને રડે છે . મા , બાળકની ઈચ્છા પૂરી નહીં થાય એની પીડાથી રડે છે . રડવાનો અવાજ બાજુનાં ઘરોમાં જાય છે . પાડોશણો ઝૂંપડીમાં આવીને માતાને સાંત્વના આપે છે . ચાર પાડોશણો ખીર માટેનો સામાન આપે છે , ચાર પાડોશણો સામાન આપનારની પ્રશંસા કરે છે . બધી પાડોશણો પાછી ગઈ એ પછી મા ખીર બનાવે છે , બાળકને થાળીમાં ખીર પીરસે છે . હવે મા ઘરોમાં કામ કરવા જાય છે . બાળક ખીરની થાળી પાસે બેસે છે . મનમાં એ રાજી છે કે એની ઈચ્છા આજે પૂરી થઈ છે .
૨ . દત્તકુમારે મહાત્માને ખીર વહોરાવી
દત્તકુમારે મઘમઘતી ખીર આરોગતાં પહેલાં ઝૂંપડીની બહાર જોયું . એક તપસ્વી મહાત્મા આવતાં દેખાયા . એણે મહાત્માને પોતાની થાળીમાંની ખીર વહોરાવી દીધી . જે મહાત્મા પધારેલા એમને માસક્ષમણ હતું . દત્તકુમારે પ્રચંડ પુણ્ય બાંધી લીધું . મહાત્મા ગયા તે પછી મા આવી . દત્તકુમારની ખાલી થાળીમાં માતાએ બાકીની ખીર પીરસી દીધી . દત્તકુમારે એ ખીર હરખભેર આરોગી . જોકે , એ ખીર દત્તકુમારને હજમ ના થઈ . એ જ દિવસે મધ્યરાત્રિના સમયે એનું આયુષ્ય પૂરું થઈ ગયું . અંતિમ સમયે એનાં મનમાં દાનધર્મની અનુમોદનાનો આનંદ રમતો હતો . એ શુભધ્યાનના પ્રભાવે એ બીજા ભવમાં પ્રતિષ્ઠાનપુર નગરે ધનસાર શેઠનાં ઘરે , શીલવતી શેઠાણીની કૂખે ચોથા પુત્ર તરીકે અવતરિત થયો . ત્રણ ઘટના એવી બની જે નામકરણનું કારણ બની . એક , ગર્ભવતી માતાએ સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું . સ્વપ્નલક્ષણપાઠક જોશીજીએ ભવિષ્ય વાણી ભાખી કે સંતાન , ગુણવાન્ , રૂપવાન્ અને ધનવાન્ થશે .બે , ગર્ભકાળના ત્રીજા મહિને માતાને જિનભક્તિ , ગુરુભક્તિ , સાધર્મિક ભક્તિ , જીવદયા , અનુકંપા , પંચાચાર પાલન આદિના દોહદ જાગ્યા. ત્રણ , જન્મ થયાબાદ નવજાત બાળકની નાળ દાટવા માટે જમીનમાં જ્યાં ખાડો ખોદવામાં આવ્યો ત્યાં એ ખાડાની જગ્યાએથી જ સુવર્ણ નિધાન પ્રગટ થયાં . આ બધું જોયા બાદ માતાપિતાએ ધન્યતાનો અનુભવ કર્યો હતો અને નામ પડ્યું હતું : ધન્ય કુમાર . ઉત્તમ સુપાત્રને ઉત્તમ ભાવપૂર્વક ઉત્તમ દ્રવ્યનું દાન કર્યું એના પ્રભાવે દત્તકુમારને ચાર ઉત્તમ તત્ત્વ મળ્યાં . એક , મનુષ્યગતિમાં જન્મ મળ્યો . બે , જૈન ધર્મ મળ્યો . ત્રણ , ઉત્તમ પુણ્યાઈ અને ઉત્તમ પ્રજ્ઞા મળી . ચાર , દીક્ષા લેવાની સાચી પાત્રતા મળી .
૩ . ધન્યકુમારનું પરિવાર જીવન
ધન્યકુમારને ત્રણ ભાઈ હતા : ધનદત્ત , ધનદેવ અને ધનચંદ્ર . ધન્યકુમારના જન્મ પછી ઘરનો વૈભવ ઘણો વધ્યો હતો તેથી પિતા ધનસાર પોતાના ત્રણ દીકરાની પ્રશંસા ઓછી કરતા અને અને ધન્યકુમારની પ્રશંસા વધારે કરતા . ધન્યકુમાર યુવાન થયા તે પછી ત્રણ ભાઈઓએ પિતા ધનસારને વિનંતી કરી હતી કે ધન્યકુમારની આવી રીતે એકતરફી પ્રશંસા ન કરે . જોકે , પિતા ધનસારે ત્રણ ભાઈઓને ધન્યકુમારનાં ઉત્કૃષ્ટ પુણ્યની હકીકત જણાવી હતી . ત્રણ ભાઈઓનું પુણ્ય અને ધન્યકુમારનું પુણ્ય આ બે પુણ્યમાંથી કોનું પુણ્ય વધે એ નક્કી કરવા પિતાએ ચારેય ભાઈઓની ભાગ્યપરીક્ષા ત્રણવાર લીધી હતી . ત્રણેય વાર સાબિત થયું હતું કે ત્રણ ભાઈઓનું પુણ્ય કમજોર છે . ત્રણ ભાઈઓની પત્નીઓ પણ માનવા લાગી હતી કે પુણ્ય તો ધન્યકુમારનું જ સર્વશ્રેષ્ઠ છે . આનાથી ત્રણ ભાઈઓની ઈર્ષાવૃત્તિ વધી હતી . આ ત્રણ ભાઈઓ પૂર્વ ભવમાં સુગ્રામ ગામના રહેવાસી કઠિયારા હતા . સાથે મળીને જંગલમાં જતા અને વૃક્ષોનાં લાકડાં કાપતા . એકવાર એમણે જંગલમાં ભોજનસમયે તપસ્વી જૈન મુનિને જોયા . પોતાનું ભોજન એમણે તપસ્વીને વહોરાવી દીધું . પોતે ભૂખ્યા રહ્યા . સાંજે ગામ પાછા આવ્યા . લાકડાં વેંચાયા નહીં . ભોજન બની શકે એવી સગવડ ના થઈ . રાતે ભૂખ્યા પેટે સૂવાનો વારો આવ્યો . ત્રણેય કઠિયારાએ વિચાર્યું કે સવારે જમવાના સમયે સુપાત્રદાન કર્યું છતાં આમ ભૂખ્યા સૂવાનો વારો આવ્યો , આપણું સુપાત્રદાન નિષ્ફળ છે . એમણે ચાર વખત પોતાનાં સુપાત્રદાનની નિંદા કરી . આથી અંતરાય કર્મ બંધાયું . આયુષ્ય પૂરું કર્યા બાદ સુપાત્રદાનના પ્રભાવે ધનસાર શેઠનાં ઘરે જન્મ મળ્યો પરંતુ સુપાત્રદાનની નિંદા કરી હતી એના પ્રભાવે એવું અંતરાય કર્મ ઉદયમાં આવેલું હતું કે સ્વ પુરુષાર્થથી ધન ઉપાર્જન કરી જ ના શકે . આનાથી બોધપાઠ એ મળે છે કે ઉત્તમ રીતે દાન જરૂર કરવું પરંતુ સુપાત્રદાનનો પસ્તાવો ન કરવો , સુપાત્રદાનની નિંદા ન કરવી .મોટા ભાઈઓની ઈર્ષાથી કંટાળીને નાના ભાઈએ ગૃહત્યાગ અને નગરત્યાગ કર્યો હતો . જે વ્યક્તિગત ક્લેશ કલહથી દૂર રહે છે એ ધર્માત્મા કહેવાય .
૪ . રાજગૃહી નગરી પહોંચ્યા
ધન્યકુમાર પ્રતિષ્ઠાનપુરને અલવિદા કહીને ગામોગામ ફરતાં ફરતાં માલવદેશ ઉજ્જૈની પહોંચ્યા . ત્યાં બુદ્ધિનું પરાક્રમ બતાવી ઉજ્જૈની નગરીના મંત્રીશ્વર પદે બિરાજીત થયા હતા . અહીં લાંબો સમય રહ્યા . એકવાર એમના માતાપિતા અને ભાઈભાભીઓ દરિદ્ર અવસ્થામાં ત્યાં પહોંચ્યા . ધન્યકુમારે એમને પોતાનાં ઘરમાં સમાવ્યા . ભાઈઓની ઈર્ષાપ્રવૃત્તિ ફરી જોવા મળી . એ કારણે ધન્યકુમાર ઉજ્જૈનીનું સ્વનિર્મિત ઘર માતાપિતા અને ભાઈભાભીઓના હાથમાં છોડીને વારાણસી આવી ગયા . અહીં ગંગાદેવીએ ધન્યકુમારની પરીક્ષા લીધી જેમાં ધન્યકુમાર ઉત્તીર્ણ થયા . પ્રસન્ન ગંગાદેવીએ ધન્યકુમારને મહાપ્રભાવશાળી ચિંતામણિરત્ન આપ્યું . હવે ધન્યકુમાર રાજગૃહી આવ્યા . રાજગૃહીનું ઐશ્વર્ય વિશ્વવિખ્યાત હતું . રાજગૃહી નગરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાને ૧૪ ચોમાસાં કર્યાં હતાં . રાજગૃહી નગરીમાં શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા સ્વયં સકલ શ્રી સંઘને નવપદજીની ઓળી આદિ આરાધના કરાવવા પધારતા .રાજગૃહી નગરીમાં શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા સ્વયં પધારતા અને સકલ શ્રી સંઘ એમની દેશનાનો લાભ લેતો . રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજાનું રાજ હતું અને મંત્રીશ્વર અભયકુમારનું સંચાલન હતું . રાજગૃહી નગરીમાં ગૌભદ્ર શેઠ , સુદર્શન શેઠ , જિનદાસ શેઠ જેવા મહાશ્રીમંત શ્રેષ્ઠી રહેતા . એમની હવેલીઓ પર કોટિધ્વજાઓ લહેરાતી .રાજગૃહી નગરીની આસપાસ પાંચ પહાડ હતા : વિપુલગિરિ , રત્નગિરિ , ઉદયગિરિ , સ્વર્ણગિરિ અને વૈભારગિરિ .
૫ . શ્રેણિક રાજાની પુત્રી સાથે વિવાહ
+ ધન્યકુમાર રાજગૃહીમાં એકલા જ આવ્યા હતા . નગરની બહાર બગીચામાં મુકામ કર્યો હતો . આશ્ચર્યની વાત એ હતી કે તે બગીચામાં લાંબા સમયથી ફૂલો આવતા નહોતાં . પરંતુ ધન્યકુમાર એ બગીચામાં રાત રોકાયા તો સવારે બગીચામાં ઘણાબધા ફૂલો વિકસિત થયેલાં જોવા મળ્યાં . એ બગીચાના માલિક હતા મહાશ્રીમંત કુુસુમપાલ શેઠ . ધન્યકુમારનું મહાપુણ્ય પારખીને એમણે પોતાની દીકરી કુસુમશ્રીના વિવાહ ધન્યકુમાર સાથે કરાવ્યા . ગંગાદેવી પ્રદત્ત ચિંતામણિ રત્નના પ્રભાવથી પોતાની માટે સાતમાળની આલીશાન હવેલી બનાવી ધન્યકુમાર એમાં પત્ની સમેત રહેવા લાગ્યા .
+ ઉજ્જૈનીના રાજા ચંડપ્રદ્યોત ચાલાકીપૂર્વક રાજગૃહીના મંત્રીશ્વર અભયકુમારનું અપહરણ કરી એમને ઉજ્જૈની લઈ ગયા અને નજરકેદમાં રાખ્યા . રાજગૃહીમાં મંત્રીશ્વર અભયકુમાર વિના શ્રેણિક મહારાજા ખાલીપો અનુભવતા હતા . એકવાર રાજાનો મુખ્ય હાથી સેેચનક ગાંડો થઈ ગયો અને આખી નગરીને રંજાડવા લાગ્યો . રાજાએ નગરમાં ઉદ્ ઘોષણા કરાવી કે જે હાથીને વશમાં લાવશે એના વિવાહ રાજાની પુત્રી સાથે થશે અને રાજા એને એક હજાર ગામ ભેટમાં આપશે . ધન્યકુમારે ચિંતામણિરત્નની સહાયથી હાથીને શાંત કર્યો . પ્રસન્ન બનેલા શ્રેણિક રાજાએ ધન્યકુમાર સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યાં અને ધન્યકુમારને એક હજાર ગામના સ્વામી બનાવ્યા .
૬ . શાલિભદ્રજીની નાની બહેન સાથે વિવાહ
રાજગૃહી નગરીમાં ગૌભદ્ર શેઠ વસે છે , પત્ની છે ભદ્રા શેઠાણી . શેઠ અત્યંત ધનાઢ્ય છે . ઘણો મોટો વ્યવસાય છે . સાત માળની દેદીપ્યમાન હવેલીમાં એમનો નિવાસ છે . એમના પુત્ર છે શાલિભદ્રજી . ગૌભદ્ર શેઠે બત્રીસ શ્રેષ્ઠીકન્યાઓ સાથે શાલિભદ્રજીના લગ્ન કરાવ્યા હતા . ગૌભદ્ર શેઠની સાથે ગામોગામના વેપારીઓનો લેણદેણનો વહેવાર છે . એકવાર ચંપાપુરીનો કોઈ નકલી વેપારી આવ્યો . એ કાણો હતો , એને એક જ આંખે દેખાતું . એ શેેઠને કહે છે કે મારી એક આંખ તમારી પાસે ગિરવે પડી છે , એ મને પાછી આપો . ગૌભદ્ર શેઠ કહે છે કે તું ખોટું બોલે છે . પેલો વેપારી કહે છે કે તમે મને ચંપાપુરીમાં એક લાખ સોનામહોર આપી હતી . એના બદલામાં મેં મારી આંખ તમને આપી હતી . હવે તમારી આ સોનામહોર તમે પાછી લો અને મારી આંખ મને પાછી આપો . વેપારીએ એવો ગૂંચવાડો ઊભો કર્યો કે ગૌભદ્ર શેઠ પાસે જવાબ ન રહ્યો . શેઠે રાજાને વાત જણાવી . રાજા વિચારે છે કે અભયકુમાર હાજર હોત તો એ જરૂર કોઈ રસ્તો સુઝાડત . ઉકેલ શોધવા રાજાએ ઉદ્ ઘોષણા કરાવી કે ગૌભદ્ર શેઠની સમસ્યાનું સમાધાન જે શોધી આપશે એના વિવાહ ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે થશે . હવે ધન્યકુમારે રાજાની અનુમતિથી પેલા વેપારી સાથે ચર્ચા કરી . વેપારી પાક્કો હતો . એણે તુરંત મચક ના આપી . એને ધન્યકુમારે કહ્યું કે અમે ઘણા લોકોને પૈસા આપીએ છીએ . આથી અમારી પાસે ઘણી આંખો જમા છે . તમે તમારી બીજી આંખ થોડાક સમય માટે અમને આપો . પહેલાં તમે જે આંખ આપી હતી એની સાથે આ આંખ મેળવીને અમે તમને , બંને આંખો એકસાથે પાછી આપી દઈશું . પેલો વેપારી ગભરાયો . એણે પોતાની જૂઠમાયા કબૂલી લીધી . એ નકલી વેપારી સોનામહોર ચૂકવીને ભાગી ગયો . રાજગૃહીની ઈજ્જત બચી એનાથી રાજા રાજી થયા . પોતાનું આત્મસન્માન સુરક્ષિત રહ્યું એનાથી ગૌભદ્ર શેઠ પ્રસન્ન થયા . ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે ધન્યકુમારના લગ્ન થયાં . આ રીતે ધન્યકુમાર અને શાલિભદ્રજી વચ્ચે સાળાબનેવીનો સંબંધ બન્યો . સુભદ્રાકુમારી ઉંમરમાં શાલિભદ્રજીથી નાની હતી .
૭ . રાજગૃહીનો ત્યાગ
+ ધન્યકુમાર સાથે વ્યાપાર સંબંધ રાખનારા શ્રેષ્ઠીવર્યોનાં નામ આ મુજબ હતા : કુુસુમપાલ શેઠ . ગૌભદ્ર શેઠ . સુભદ્ર શેઠ . દેવપાલ શેઠ . મહિપાલ શેઠ . દેવેન્દ્ર શેઠ . અમિતેજ શેઠ . મહિતેજ શેઠ . દયાલ શેઠ . પુણ્યપાલ શેઠ . જિનાલય શેઠ . કૃપાલ શેઠ . ધનપાલ શેઠ . ધર્મપાલ શેઠ . મયાલ શેઠ . ભુદર શેઠ . શ્રીધર શેઠ . શ્રીપાલ શેઠ . આસપાલ શેઠ . ગુણપાલ શેઠ . ખેમકરણ શેઠ . જયકરણ શેઠ . દેવકરણ શેઠ . કુંભકરણ શેઠ . વિજય કરણ શેઠ . ગજ કરણ શેઠ . ગોદાસ શેઠ . જિનરક્ષિત શેઠ . જઇ જિનદત્ત શેઠ . જયંત શેઠ . દેવદત્ત શેઠ . ઋષિદત્ત શેઠ . સાગરચંદ શેઠ . શિવચંદ શેઠ . મુકુંદ શેઠ . ગોવિંદ શેઠ . માધવ શેઠ . ધવલ શેઠ . આણંદ શેઠ . શંખ શેઠ . સુનંદ શેઠ . સુજશ શેઠ . જયસેન શેઠ . વીરસેન શેઠ . દેવસેન શેઠ . મહસેન શેઠ . અને અન્ય અનેક શેઠ પણ હતા .આટલા બધા વ્યાપારીઓ સાથે જોડાયેલા ધન્યકુમારને દુનિયા – ધન્ના શેઠ અને ધન્નાજી શેઠઆવા નામથી ઓળખવા લાગી . + ધન્યકુમારના માબાપ ભાઈભાભી ઉજ્જૈનીમાં આર્થિક સંકડામણનો ભોગ બન્યા . ગામોગામ ભટકીને તેઓ રાજગૃહી આવ્યા . ધન્યકુમારે એમને ઘરમાં સમાવી લીધા . થોડા દિવસમાં ભાઈઓની ઈર્ષાપ્રવૃત્તિ શરૂ થઈ . હવે ધન્યકુમાર પરિવારને રાજગૃહી છોડીને કૌશાંબી જતા રહ્યા . એમને કલહ ક્લેશનું વાતાવરણ જોઈતું નહોતું . + પૂર્વભવનાં સુપાત્રદાનનું પ્રચંંડ પુણ્ય હંમેશા ધન્યકુમારની સાથે રહ્યું . કૌશાંબીના રાજા શતાનીકના ખજાનામાં અતિશય મૂલ્યવાન્ એવોસહસ્રકિરણ મણિ હતો . એની અસલી હોવા તરીકેની પરખ બાકી હતી . રાજાએ ઉદ્ ઘોષણા કરાવી હતી કે એ પરખ જે કરી આપશે એના વિવાહ શતાનીક રાજાની દીકરી સૌભાગ્યમંજરી સાથે થશે અને રાજા એને પાંચસો ગામ ભેટમાં આપશે . ધન્યકુમારે મણિની સાચી પરખ કરી આપી . શતાનીક રાજાએ રાજકુમારી સાથે ધન્યકુમારના વિવાહ કરાવ્યા અને એમને પાંચસો ગામ ભેટમાં આપ્યા . ધન્યકુમારે કૌશાંબી પાસે ધનપુર નામનું નવું ગામ વસાવ્યું . + ધન્યકુમારના માબાપ ભાઈભાભી હવે ઉજ્જૈનીમાં આર્થિક સંકડામણનો ભોગ બન્યા . ગામોગામ ભટકીને તેઓ ધનપુર આવ્યા . ધન્યકુમારે એમને ઘરમાં સમાવી લીધા . થોડા દિવસમાં ભાઈઓની ઈર્ષાપ્રવૃત્તિ શરૂ થઈ . હવે ધન્યકુમાર પરિવારને ધનપુર છોડીને લક્ષ્મીપુર જતા રહ્યા .+ લક્ષ્મીપુરમાં ધન્યકુમારના ચાર વિવાહ થયા .પ્રથમ વિવાહ લક્ષ્મીપુરના રાજા જિતારિની પુત્રી ગીતકલા સાથે થયા . બીજા વિવાહ લક્ષ્મીપુરના મંત્રી સુગુપ્તની પુત્રી સરસ્વતી સાથે થયા . ત્રીજા વિવાહ લક્ષ્મીપુરના શેઠ પત્રામલની પુત્રી લક્ષ્મી સાથે થયા . ચતુર્થ વિવાહ લક્ષ્મીપુરના શેઠ ધનપાલની પુત્રી ગુણમાલિકા સાથે થયા .
૮ . પરિવારજનોની દીક્ષા
હવે ધન્યકુમાર રાજગૃહી પાછા આવ્યા . શ્રેણિક રાજાએ ઠાઠમાઠથી સ્વાગત કર્યું . ધન્યકુમાર અને આઠ પત્ની હવે એકસાથે રહે છે . ધન્યકુમારે પોતાને રહેવા માટે સાત માળની હવેલી બનાવી જ હતી . હવે એમણે આઠેય પત્નીઓને સાત માળની એક એક હવેલી બનાવી આપી . ધન્યકુમારની સંપત્તિ આ મુજબ હતી . ધન્નાજી શેઠ – સાત માળની નવ હવેલી , ૫૦૦ હાથી , ૫૦૦ અશ્વ , ૫૦૦ રથ , ૫૦૦ મકાન , ૫૦૦ દુકાન , ૮ ગોકુળ અને ૧૫૦૦ ગામના માલિક હતા . એમણે પોતાનો વ્યવસાય સંભાળવા ૧૦૦૦ મુનીમને કામે રાખ્યા હતા . ધન્નાજી શેઠની તિજોરીમાં અનેક દૈવી રત્નો હતા . ધન્ના શાલિભદ્ર રાસમાં ધન્યકુમાર માટે લખ્યું છે : દેવ તણાં સુખ ભોગવે , માનવને અવતાર .+ કૌશાંબી ધનપુરમાં ધન્યકુમારના માબાપ ભાઈભાભી ફરી આર્થિક સંકડામણનો ભોગ બન્યા . તેઓ રાજગૃહી આવ્યા . ધન્યકુમારે એમને ઘરમાં સમાવી લીધા અને જીવનમાં સ્થિર થવા માટે દરેક ભાઈને અલગ અલગ ૧૪ કરોડ રૂપિયા આપ્યા . એટલે કે ત્રણ ભાઈઓને કુલ મળીને ૫૬ કરોડ રૂપિયા આપ્યાં . આ જોઈને ભાઈઓની ઈર્ષાવૃત્તિ અને સ્પર્ધા ભાવના ખતમ થઈ ગઈ . તેમણે ધન્યકુમારનાં માર્ગદર્શન મુજબ રહેવાનું વચન આપ્યું . + રાજગૃહીમાં ધર્મઘોષ મુનિરાજ પધાર્યા . સંઘ દેશના સાંભળવા બેઠો . ધન્યકુમાર પણ સંપૂર્ણ પરિવાર સાથે દેશનામાં આવ્યા . પિતા ધનસારની વિનંતી માનીને મુનિરાજે ધન્યકુમાર અને ત્રણ ભાઈઓના પૂર્વભવની કથા પરિવારને સંભળાવી. માતાપિતા અને ભાઈઓને દીક્ષા લેવાની ભાવના જાગી . ધન્યકુમારે ભવ્ય દીક્ષા મહોત્સવ કર્યો . દીક્ષા થઈ .
૯ . ધન્નાજીની દીક્ષા
પૂર્વભવમાં ધન્નાજી જ્યારે દત્તકુમાર હતા ત્યારે ચાર પાડોશણે ખીર બનાવવાની સામગ્રી માતાને આપી હતી અને ચાર પાડોશણે સામગ્રી આપનારની અનુમોદના કરી હતી. ખીરનાં દાન સાથે જોડાયેલી એ આઠ પાડોશણ જ વર્તમાન ભવમાં ધન્નાજીની આઠ પત્ની બની હતી . આઠ પત્નીમાં મુખ્ય પત્નીનું સ્થાન શાલિભદ્રજીની બહેન સુભદ્રાજીને મળ્યું હતું . તે સમયના પારિવારિક રીતરીવાજ મુજબ એકવાર આઠેય પત્નીઓ સાથે મળીને ધન્નાજીને સ્નાન કરાવી રહી હતી ત્યારે સુભદ્રાજીની આંખમાંથી આંસુ ટપક્યા અને એ ધન્નાજીના ખભા પર પડ્યા . ધન્નાજીએ સુભદ્રાજીને પૂછ્યું કે તમે શું કામ રડો છો ? સુભદ્રાજીએ જવાબ આપ્યો કે મારો ભાઈ દીક્ષા લેવાની ભાવના રાખે છે અને દીક્ષા લેવાની તૈયારી રૂપે રોજ એક એક પત્નીનો ત્યાગ કરે છે . મારો ભાઈ સૌને છોડીને દીક્ષા લઈ લેશે એના દુઃખથી મારી આંખમાં આંસુ આવી રહ્યા છે . આ વાત સાંભળીને ધન્નાજી બોલ્યા : ત્યાગ કરવો જ હોય તો એક સાથે બધી જ પત્નીઓનો ત્યાગ કરવો જોઈએ ને . તમારો ભાઈ તો કાયર લાગે છે માટે એક એક પત્નીનો ત્યાગ કરે છે .આ વાત સાંભળીને સુભદ્રાજી બોલ્યા કે મારો ભાઈ ત્યાગ કરે છે એ તો જુઓ . મોટી મોટી વાતો કરવી સહેલી છે . શું તમારામાં તાકાત છે એકસાથે બધી પત્નીઓનો ત્યાગ કરવાની ? આ વાત સાંભળીને ધન્નાજીએ તુરંત આઠેય પત્નીઓનો ત્યાગ કરીને દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો . ધન્નાજીની સાથે આઠેય પત્નીઓએ પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો . ધન્નાજી દીક્ષા લે છે એ જાણ્યા બાદ શાલિભદ્રજીએ પણ વિલંબ કર્યા વિના દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો . ટૂંક સમયમાં રાજગૃહી નગરીમાં પ્રભુ વીરના સમવસરણમાં ધન્નાજી , શાલિભદ્રજી અને ધન્નાજીની આઠ પત્નીઓએ એકસાથે દીક્ષા સ્વીકારી .
૧૦ . મહાત્મા ધન્નાજીની જય હો
ધન્નાજીએ દીક્ષા લીધી . ધન્નાજીના માતાપિતાએ દીક્ષા લીધી .ધન્નાજીના ત્રણ ભાઈઓએ દીક્ષા લીધી .ધન્નાજીની આઠ પત્નીઓએ દીક્ષા લીધી .ધન્નાજીના સાળા શાલિભદ્રજીએ દીક્ષા લીધી . ધન્નાજીને પોતાના પૂર્વભવની કથા શ્રી ધર્મઘોષ મુનિરાજનાં શ્રીમુખે સાંભળવા મળી હતી .દીક્ષા લીધા બાદ શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા પાસે મહાત્મા ધન્નાજીએ ૧૧ અંગ આગમસૂત્રોનો અભ્યાસ કર્યો હતો . દીક્ષા લીધા બાદ મહાત્મા ધન્નાજીએ બાર વરસનું દીક્ષાપાલન કર્યું એમાં એકમાસી ઉપવાસ એટલે કે માસક્ષમણ , બેમાસી ઉપવાસ , ત્રણમાસી ઉપવાસ , ચારમાસી ઉપવાસ આદિ તપસ્યાઓ કરીને શરીરને સૂકવી દીધું હતું . દીક્ષા લીધા બાદ મહાત્મા ધન્નાજીએ જે પણ આરાધના કરી એમાં મહાત્મા શાલિભદ્રજી સાથે જોડાયેલા રહ્યા હતા .પ્રભુવીરનાં સાંન્નિધ્યમાં ઉભય મહાત્માઓ બાર વરસે રાજગૃહી પધાર્યા . માસક્ષમણનાં પારણાની ઘટના બની તે પછી ઉભય મહાત્માઓ વૈભારગિરિ પર પધાર્યા . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનાં શ્રીમુખે સંલેખનાનાં પચ્ચખાણ લીધાં . એક મહિનાનું અનશન કરી ઉભય મહાત્માઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર દેવ તરીકે અવતાર પામ્યા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તેઓ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે . મહાત્મા ધન્નાજીના સંસારી પક્ષે માતાપિતા , ભાઈઓ અને પત્નીઓ પણ ઉત્તમ આરાધનાઓ કરી દેવલોકમાં અવતાર પામ્યા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તે સૌ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે .એકવાર એક ઉત્તમ મહાત્માને ઉત્તમ ભાવપૂર્વક ઉત્તમ દ્રવ્યનું સુપાત્રદાન કરનાર કેવું ઉત્થાન સાધે છે એ શ્રી ધન્નાજીનાં સમગ્ર જીવનમાં જોવા મળે છે .
૧ . કાવ્યની કલ્પનામાં યમુના
કૌશાંબી કાલે પહોંચવાનું થશે . આજે એક માર્ચ(૨૦૨૩)ની સવારે યમુના પરના સેતુને પાર કર્યો ત્યારે મોટા અક્ષરે લખાયેલા कौशांबी जनपद આ બે શબ્દ વાંચી રોમાંચ અનુભવ્યો હતો . નીચે યમુનાને જોતી વખતે ગીતગોવિંદના શબ્દો મનમાં ચાલી રહ્યા હતા : धीरसमीरे यमुनातीरे . રાજાપુર ગામના સીમાડે બંધાયેલા ઊંચા પૂલ પરથી જોયું : નદીનું પાણી ઊડું હતું , પટ પહોળો હતો , ખુલ્લો ભાગ રેતીથી ખીચોખીચ ભરેલો હતો . સૂરજનો પડછાયો પાણીને ચમકાવી રહ્યો હતો . આ યમુના નદીનું પાણી પાંચ કરોડ લોકોને કામ આવે છે . રાજાપુર પૂલની નીચે વહેતાં પાણીમાં પાંચ નદીઓ હતી . યમુના , ચંબલ , બેટવા , સિંધ અને કેન . કેવી રીતે ? સાવધાન થઈ સાંભળો .
યમુના સ્વતંત્ર રીતે ૧૩૭૬ કિ.મી. લાંબી છે . ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના બંદરપુચ્છ શિખર પરથી યમુના પ્રસ્થાન આદરે છે . દિલ્હી , મથુરા , આગ્રા , ફિરોઝાબાદ થઈને આ નદી ઈટવાહ પહોંચે છે . ત્યાંથી આગળ આ નદીઓ અલગ અલગ સ્થાનથી યમુના નદીમાં આત્મ સમર્પણ કરે છે . ચંબલ નદી , જે ૧૦૨૪ કિલોમીટર લાંબી છે અને જેની વાર્તાઓ વિશ્વવિશ્રુત છે . બેટવા નદી , જે ૬૧૦ કિલોમીટર લાંબી છે અને વેત્રવતી નદી તરીકે પ્રખ્યાત છે . સિંધ નદી જે ૪૭૦ કિમી લાંબી છે ( સિંધુ મહાનદી અલગ છે ) અને કેન નદી જે ૪૨૭ કિમી લાંબી છે . આ નદીઓ અલગ અલગ જગ્યાએથી યમુનામાં નિલીન થાય છે . આમ , કૌશાંબી પાસે એક યમુના નદીમાં પાંચ નદીનું જોશ જોવા મળે છે .
હિંદુ પરંપરામાં યમુનાને સૂર્યની પુત્રી અને યમરાજની બહેન કહેવાય છે . મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજાએ દિગ્ વિજય મહાકાવ્યમાં અગિયારમા સર્ગમાં શ્લોકાંક ૧૦ થી ૨૦ સુધી યમુનાનું વર્ણન કર્યું છે . એમાં આ વૈદિક માન્યતાઓના આધારે ઘણીય કલ્પનાઓ રજૂ કરી છે . એ કલ્પનાઓ મહાકાવ્યના અભ્યાસીને જ સમજાય એવી અઘરી છે .
યમુના જો માનવીય અવતારમાં હોય અને એને જે કરવું હોય તે કરવાની એને છૂટ હોય તો એ શું કરે એની કલ્પનાઓ આજે પણ થઈ શકે છે . કલ્પના એક , યમુના રોજેરોજ પદ્મપ્રભસ્વામીની , કલ્યાણક મંદિરે બિરાજિત મૂર્તિની પ્રક્ષાળપૂજા કરવા આવે . કલ્પના બે , યમુના પદ્મપ્રભસ્વામીની માટે બગીચો બનેલો હોય એના ફૂલછોડને પાણી સિંચવા એ આવે છે . કલ્પના ત્રણ , યમુનાનાં જળ શ્યામ છે એવી કવિસમયની માન્યતા છે , યમુના પદ્મપ્રભ સ્વામી ભગવાન્ ના સંગે રહે છે માટે એનાં પાણીએ એ શ્યામલતા ગુમાવી છે અને ગંગા જેવી ઉજળી દેખાવા લાગી છે . કલ્પના ચાર , દરવરસે એકવાર યમુના પૂર બનીને પદ્મપ્રભ સ્વામી ભગવાન્ નાં ચૈત્ય સુધી ઉછળતી આવે છે , ગભારાના દરવાજા સુધી ધસી આવે છે , પોતાનાં પાણીમાં પદ્મપ્રભ સ્વામી ભગવાન્ નાં જિનબિંબનો પડછાયો પડે એટલી નજીક આવે છે . અને પછી એ પડછાયા રૂપે પ્રભુનો સ્પર્શ મળ્યો એનો હરખ પામીને , ફરી પાછી પોતાની સીમામાં પાછી વળી જાય છે . કલ્પના પાંચ , યમુનાએ પ્રભુનું વરસીદાન જોયું છે એટલે યમુનાનું જળ સૂકાતું જ નથી .કલ્પના છ , યમુનાને ઘણો ગર્વ છે એ વાતનો કે એણે નેમિનાથ દાદાનાં ચ્યવન અને જન્મ કલ્યાણકની ભૂમિ સ્વરૂપ શ્રી શૌરીપુરી તીર્થને અર્ધપ્રદક્ષિણા આપવા દ્વારા નેમિનાથ દાદાની અપરિસીમ કૃપા મેળવી છે .
જોકે , યમુનાનાં પાણી દિલ્હીની પાસે એટલાં ગંદા છે કે ત્યાં યમુનાનાં ઓક્સિજનશૂન્ય પાણીને ડેડ વોટર કહેવામાં આવે છે . મથુરા અને વૃંદાવનની યમુનાનાં ભવ્ય વર્ણન કરનારા કવિઓ અને સ્તોત્રકારો – દિલ્હીની પાસેની યમુનાને જુએ તો બેભાન જ થઈ જાય . અલબત્ત , કોરોના વખતે લોકડાઉન દરમ્યાન દિલ્હીની યમુનાનાં પાણીમાં જળચરોની ભારે ભીડ જોવા મળેલી . આજે જે યમુના મનેં જોવા મળી તેનાં જળ લીલાઝગ હતાં એટલે કલ્પનાઓ આવતી હતી . ૧૦૮ તીર્થનદીઓમાં યમુનાનું નામ આવે છે . યમુના કલ્યાણકનદી છે . પદ્મપ્રભ સ્વામી ભગવાન્ . ચ્યવન કલ્યાણક , જન્મ કલ્યાણક , દીક્ષા કલ્યાણક , કેવળજ્ઞાન કલ્યાણક . આવતીકાલે એ કલ્યાણક ભૂમિની સ્પર્શના થશે . આનંદ અહો આનંદ . આ કલ્યાણક ભૂમિ યમુનાના કાંઠે છે .
કૌશાંબી સાથે કોનાં કોનાં નામ જોડાયાં છે ? મહાવીર પ્રભુ , છપ્પન દિશાકુમારી , સૌધર્મ ઈન્દ્ર , નવ લોકાંતિક , ચંદનબાળા , ગોશાળો , શતાનીક , જયંંતી , મૃગાવતી , ઉદયન રાજર્ષિ , ચંડપ્રદ્યોત , વાસવદત્તા , અશોક , સંપ્રતિ . એક એક નામની આગવી કથા છે . એક વિશ્વવિદ્યાલયની પણ જાણકારી મળે છે . તીર્થો પોતાની કથા લઈને બેઠા હોય છે . એ કથા શોધવી જોઈએ , એ કથાને મળવું જોઈએ , એ કથાને યાદ રાખવી જોઈએ અને પ્રચારમાં લાવવી જોઈએ . તીર્થકથા તીર્થની જેમ જ પવિત્ર હોય છે .
૨ . ચાર સ્પર્શના કરવાની છે
ચિત્રકૂટથી સાંંજે કર્વી . કર્વીથી સવારે પહાડી બુઝુર્ગ અને સાંજે અર્જુનપુરા . અર્જુનપુરાથી સવારે બેરામપુર અને સાંજે સર્પતાહી . સાડા ત્રણ દિવસમાં ૭૭ કિ.મી.નો વિહાર કરીને કાલે પ્રભુ પાસે પહોંચ્યા હતા . પ્રભુની ભૂમિ પર ઘણું રહેવું જોઈએ . ચાર કલ્યાણકના ચાર દિવસ અથવા એથી વધુ . પણ પાંચ તારીખે પ્રયાગરાજ પહોંચવાનું જ હતું . ભગવાનની માફી માંગી , ઓછું રોકાવા બદ્દલ . અને સાંજે પ્રયાગરાજ તરફ પ્રયાણ કર્યું , રાતનો મુકામ રકસઈમાં . આજે તિલાહાપુર મોડ . ગઈકાલે આખો દિવસ કૌશાંબી નિમજ્જનમાં ગયો એટલે કશું જ લખાયું નહીં . આજે ગઈકાલની યાત્રાની યાદમાં ઝકઝોળ છું .
અલબત્ત , મનેં તો ખબર જ નહીં કે કૌશાંબીમાં આપણાં બે જિનાલય છે . એટલું સારું લાગ્યું એ જોઈને કે અહીં બે બે ધવલ સુંંદર જિનાલય આભની સાથે દિવસરાત વાતો કરી રહ્યા છે . પ્રથમ જિનાલય છે કૌશાંબી તીર્થ શણગાર નિર્મલ ચંપા પદ્મપ્રભ જિન પ્રસાદ , આનું સંચાલન હસ્તિનાપુરથી થાય છે .
બીજું જિનાલય છે જૈન શ્વેતાંબર તીર્થ કૌશાંબી , આનું સંચાલન શિખરજીથી થાય છે .
શ્રી પદ્મપ્રભ ભગવાનનો દેહવર્ણ રક્તકમળ સમાન લાલાશવાળો હતો એની સ્મૃતિમાં બેય મંંદિરના મૂૂળનાયકની પ્રતિમા પદ્મવર્ણી જ છે .
કૌશાંબીમાં મારો સમય આ મુજબ વીત્યો .
૧ . કૌશાંબીનાં પુરાતાત્ત્વિક સ્થાનો .
૨ . પદ્મપ્રભ સ્વામીનું સૂક્ષ્મ શિલ્પકલાબદ્ધ જિનાલય
૩ . સમવસરણમંદિર / ચિત્રશાલા
૪ . નિર્મલ ચંપા પદ્મપ્રભ જિન પ્રસાદ .
ચારેય વિશે લખવું છે , સૌથી વધુ ચિત્રશાલા વિશે .
૩ . પુરા તાત્ત્વિક અવશેષોનું અવલોકન
શતાનીક રાજા . ઉદયન રાજા . અશોક રાજા . એમનો મહેલ અને એમનો કિલ્લો અને એમનો જલમાર્ગીય ડક્કો . કૌશાંબીની વર્લ્ડ ફૅમસ આર્કિયોલોજિકલ સાઈટ્સની સાથે આ દિગ્ગજ નામો જોડાયેલાં છે . આ રાજાઓનો સમય છે ૨૫૦૦થી ૨૨૦૦ વરસજૂનો . મતલબ એ છે કે કૌશાંબીનાં પુરાતાત્ત્વિક અવશેષોમાં તમને જે ભાંંગીતૂટી ભીંતો , જમીની ચણતર , ઈંટોડા , પથ્થરો જોવા મળે છે તે પ્રાયઃ મહાવીર સ્વામી ભગવાનના સમયનો સ્પર્શ ધરાવે છે . કેવી ગજબની વાત ? લાલ ઈંટોનું બાંધકામ ઘણું છે પણ બાંધકામ શું છે બરોબર સમજાતું નથી . કોઈ કહે છે કે આ રાજાનો મહેલ છે , કોઈ કહે છે કે આ પૌરજનોનાં નિવાસસ્થાન છે . આ ભાંગેલી ભીંતો જ્યારે ઊંચા , રોનકદાર મકાન તરીકે સાબૂત હશે ત્યારે અભિગ્રહધારી પ્રભુ મહાવીર શું આ લાલ ઈટાળવી દીવાલો વચ્ચે ખુલ્લા પગે ચાલ્યા હશે ? પ્રભુ શીદ પારણું નથી કરતા એની ચિંતા આ મહેલવાસીઓએ , મકાનવાસીઓએ આ જ ઈલાકામાં કરી હશે ? કૌશાંબીમાં પ્રભુ મહાવીરને પાંચ મહિના અને પચીસ દિવસોના ઉપવાસનું પારણું ચંદનબાળાએ કરાવેલું . રોતી ચંદનબાળાનો ઉંબરો , હું આ પુરાણા અવશેષોમાં શોધતો રહ્યો . ઉદયન-વાસવદત્તાની ભૂમિ પણ આ જ કૌશાંબી . વીણા વાદનથી હરણાઓને મંત્રમુગ્ધ કરનારા ઉદયન રાજાને , આ લાલ ખંડેરો વચ્ચે સાદ દેવાનું મન થતું હતું . ખંડિત અશોકસ્તંભ છે અહીં . એની પર જૂની લિપિમાં ઉદયનનું નામ કોરાયેલું જોયું ત્યારે રોમાંચ અનુભવ્યો હતો .
અશોકસ્તંભ પર કશુંક બીજું પણ લખ્યું છે પુરાતન લિપિમાં .
કૌશાંબીની બહાર યમુના તરફના રસ્તે ચાલીસ પચાસ ફૂટ જાડી દીવાલોની લંગાર જોવા મળે . એ જ છે કૌશાંબીનો કિલ્લો . વચ્ચે વચ્ચે ગાળા બની ગયા છે એને લીધે કિલ્લો ટેકરીઓના શ્રેણિબદ્ધ સમૂૂહમાં ફેરવાઈ ગયો છે . દૂર દૂર સુધી દેખાતી ટેકડીઓ એ વસ્તુત: કૌશાંબીનો જગ વિખ્યાત ગઢ , મહાગઢ છે .
મારી સાથે જે યુવાન આવેલો એણે મને કેટલાય ખેતરો બતાવ્યાં , ખેતરોમાં સેંકડો સેંકડો વરસ જૂના ઈંટ પથ્થરો પથરાયેલા હતા .
લોકો એને ઘરનો પાયો ભરવામાં , ખેતરની પાળ બનાવવામાં વાપરતા આવ્યા છે . ખુદાઈમાં જૂૂના રત્નો , દાગીનાઓ પણ નીકળી આવે છે જે હજારો , લાખોનાં મોલે વેંચાઈ જાય છે . હમણાં પ્રયાગ રાજમાં , સાતસો વરસ જૂના ૧૭૦ સિક્કા વેંચનારાને પોલીસે પકડેલા . એની કિંમત નવ લાખ થતી હતી . આંતરરાષ્ટ્રીય બજારમાં એ ઊંચા દામે વેંચાત . આવું વારંવાર થાય છે એટલે સરકાર હવે કડક છે , ખોદકામ પર પૂરો પ્રતિબંધ છે . પણ જે ગયું તે ગયું જ . ઘણી મૂર્તિઓ અને મુદ્રાઓ નીકળી જે પ્રયાગરાજ મ્યુઝિયમમાં આરક્ષિત છે .
આપણાં દેરાસરના મેનેજર પાસેથી જાણવા મળ્યું કે કૌશાંબીની ભૂમિમાં ઘણું ઘણું દટાયેલું છે એ બહાર લાવવા સરકારી સ્તરે મોટાપાયે ખોદકામ શરૂ કરવામાં આવેલું પણ એ વખતે જમીનમાંથી એવા એવા અવાજો સંભળાયા , સંભળાતા રહ્યા કે કામ જ પડતું મૂકી દેવું પડ્યું . કૌશાંબી ગેબી રહસ્યોની ભૂમિ છે .
ખાસ જગ્યા ગમી હતી યમુનાકિનારે બનેલો પોર્ટ એરિયા . શતાનીક રાજાના સમયમાં નદીમાર્ગે વ્યવસાય ચાલતો , સેનાઓ નીકળતી , આનંદપ્રમોદના પ્રવાસો પણ ગોઠવાતા . લાંબી અને વિશાળ યમુનાની ઉપર એ જમાનામાં કેટકેટલાં વહાણો સરકતાં હશે . લોકોની અને માલ સામાનની ભરચક અવરજવર રહેતી હશે . તોસ્તાન ડેમ જેવી એક બુરજબંદ દીવાલ યમુનાને અડોઅડ ઊભી હતી . બધા જહાજો એને અડકીને અટકતા. એ દીવાલનું કન્સ્ટ્રકશન એટલું મજબૂત છે કે જમનાનો ધસમસતો વેગ , કિનારાની જમીનને ન ઘસારો પહોંચાડી શકે છે , ન નુકસાન .
આ જલમાર્ગનો ઉપયોગ શતાનીક રાજાએ કાયમ કર્યો હશે . ચંપાનગરી પર ગુુપ્ત આક્રમણ કરવા શતાનીક રાજાનાં સૈન્યે આ જલમાર્ગથી જ પ્રસ્થાન કર્યું હતું .
કમાલની વાત એ છે કે વૈશાલી નરેશ્વર ચેટકરાજાની સાત દીકરીમાંની એક દીકરી મૃગાવતી , એ રાજા શતાનીકની રાણી હતી અને ચેટકરાજાની જ સાત દીકરીમાંની એક દીકરી જ્યેષ્ઠા , પ્રભુ વીરના બંધુ રાજા નંદીવર્ધનની રાણી હતી . આનો અર્થ એ થાય કે કૌશાંબી નગરી સાથે પ્રભુ વીરનો પારિવારિક સંબંધ હતો . કૌશાંબી નગરીના અવશેષો જોયા વિના જે નીકળી જાય છે તે પ્રભુ વીર , પ્રભુ વીરના સ્વજનો અને પ્રભુ વીરના ભક્તોની સ્પર્શના પામેલી પુરાણી નગરીને જોવાથી અને સ્પર્શવાથી વંચિત રહી જાય છે . અહીં પુરાણી દીવાલોને ઘસાઈને જે હવા આવે છે એમાં ૨૫૦૦ વરસ પુરાણી ઊર્જા હોય છે . એનો સ્પર્શ ચૂકાય જ કેમ ?
ઈતિહાસની વાત કરીએ તો કૌશાંબી રામાયણના સમયે પણ હતું એમ હિંદુ પરંપરા કહે છે . રામચંદ્રજીનો પુત્ર કુશ . કુશનો પુત્ર કુશંભ . કુશંભે આ નગરી રચી તેથી એનું નામ પડ્યું કૌશાંબી . મહાભારતના સમયમાં અર્જુનપુત્ર અભિમન્યુનો પુત્ર પરીક્ષિત. એની પાંચમી પેઢીએ નિચક્ષુ રાજા થયો . મહાભારતનું સર્વજન પ્રિય નગર હસ્તિનાપુર ગંગા નદીના પૂરમાં નાશ પામ્યું તે પછી નિચક્ષુએ કૌશાંબીને રાજધાની બનાવી હતી . પ્રભુ વીરના સમયમાં આ શહેરો મહાનગર તરીકે પ્રખ્યાત હતા : ચંપા . શ્રાવસ્તી . અયોધ્યા . રાજગૃહી . વારાણસી . કૌશાંબીનું નામ આ શહેરોની સમકક્ષ હતું . અલબત્ત , પાટલીપુત્ર મગધની રાજધાની બન્યું તે પછી કૌશાંબીનો દબદબો ઘટ્યો હતો . મૌર્યકાળમાં એટલે કે ઈસાપૂર્વ ૩૨૧થી ૧૮૫ સુધી કૌશાંબી એકદમ સમૃદ્ધ હતી . પાંચમી શતાબ્દીમાં ચીની યાત્રી વા હિયાન પગે ચાલીને ચીનથી ભારત આવેલો અને દસ વરસ ભારત રહ્યો હતો . એણે કૌશાંબીની સમૃદ્ધિનું વર્ણન કરેલું છે . સાતમી શતાબ્દીમાં ચીની યાત્રી હ્યુ એન ત્સંગ ભારત આવેલો , એણે પણ કૌશાંબીનાં ઐશ્વર્યનું વર્ણન કરેલું છે . સાતમી શતાબ્દીથી અગિયારમી શતાબ્દી સુધીમાં પરમાર વંશીય ગઢવાલ રાજાઓનું રાજ્ય ચાલ્યું પરંતુ દેેશમાં કૌશાંબીનો દબદબો ઘટતો રહ્યો . બારમી શતાબ્દીમાં યવન આક્રમણ થયું . ( હૂૂણ રાજા તોરમાણનું નામ આવે છે ) . એ પછી કૌશાંબી તૂટતું ગયું .
દેશ પર અંગ્રેજોની હકૂમત આવી . સન્ ૧૮૬૧માં અલેક્ઝાંડર કનીંઘમ ભાંગીતૂટી કૌશાંબીને જોવા આવ્યા , એમણે અહીં પુુરાણા અવશેષો છે એમ જાહેર કર્યું . સન્ ૧૯૩૬માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ તરફથી નની ગોપાલ મઝુમદારે કૌશાંબીનું સર્વેક્ષણ કરાવ્યું . અંગ્રેજો ભારત છોડીને ગયા તે પછી સન્ ૧૯૪૯માં ઈલાહાબાદ વિશ્વવિદ્યાલયના ગોવર્ધન રાય શર્માએ ઉત્ખનન કરાવ્યું . એમણે પોતાના રિપોર્ટમાં એમ જણાવ્યું કે કૌશાંબીના અવશેષો , હડપ્પાના સમકાલીન છે . બાય ધ વે , હડપ્પા સંસ્કૃતિ ૮૦૦૦ વરસ જૂની છે . એ વખતની ખુદાઈમાં આટલા અવશેષ વાસ્તુ મળેલા .
૧ . ઘોષિતારામ વિહાર ( આને જ ઉદયન કા કિલ્લા કહે છે )
૨ . સુરક્ષા પ્રાચીર ( વિશાલ દુર્ગ વિસ્તાર )
૩ . પાષાણ નિર્મિત પ્રાસાદ
૪ . અશોક સ્તંભ . સ્તંભ બે નીકળેલા . એક અહીં છે , એક પ્રયાગરાજ લઈ ગયા છે . સ્તંભ પર અશોકના શિલાલેખ છે .
બાકી , આજની તારીખે કૌશાંબી પર ગરીબીનો પડછાયો પથરાયેલો છે . ઘરો જુઓ કે ગલીઓ , ગરીબી છાપરે ચડીને બોલે છે . કૌશાંબી શહેરનો ભૂતકાળ રોમાંચક છે , વર્તમાન સાધારણ છે .
કૌશાંબીના પુરાતાત્ત્વિક મહત્ત્વની વાત આપણે કરી . હવે પછી કરીશું કૌશાંબીની જૈૈન તીર્થભૂમિ તરીકેની વાતો .
તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .
૧ . ૩૦૦૦ યાત્રાળુઓની ભૂમિ
અમદાવાદ , મુંબઈ , સુરત , વડોદરા જેવા શહેરોમાં એક દિવસના કાર્યક્રમમાં ૩૦૦૦ જૈનો ભેગા થઈ જાય એ બહુ સહેલું છે . વરસમાં એટલી બધી વાર ૩૦૦૦ લોકો ભેગા થાય છે કે ૩૦૦૦ લોકોનું ભેગા થવું એ કોઈ મોટી વાત લાગતી જ નથી . પણ એક કલ્યાણક તીર્થ એવું છે જ્યાં આખા વર્ષમાં કુલ મળીને ૩૦૦૦ જેટલા જ જૈનો આવે છે . શું આવું બને છે ? આજના જમાનામાં બને છે ? હા , આજે આવું બની રહ્યું છે .
તમે જે સંઘમાં રહો છો , જે શહેરમાં રહો છો , જે વિસ્તારમાં રહો છો ત્યાં શ્રી શીતલનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન તો થતાં જ હશે . કલકત્તામાં શ્રી શીતલનાથ ભગવાનનું જિનાલય બાબુ બદ્રીદાસ ટેમ્પલ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે અને ત્યાં અગણિત યાત્રાળુઓ આવે પણ છે . જે આવે છે એની ખુશી બિલકુલ હોવી જોઈએ . પરંતુ શ્રી શીતલનાથ ભગવાનનું જ્યાં ચ્યવન કલ્યાણક થયું , જ્યાં જન્મ કલ્યાણક , દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક થયું એ ભૂમિ પર બાર મહિનાના ૩૬૦ દિવસમાં ફક્ત ૩૦૦૦ જેટલા જૈનો જ આવે છે એ હકીકત જૈન સંઘ માટે ઘણી જ શરમજનક કહેવાય . હોઈ શકે છે કે વરસે ત્રણ હજારને બદલે પાંચ હજાર કે આઠ હજાર જૈનો આવતા હોય . ત્રણ હજારનો આંકડો ત્યાંના પૂજારીએ આપ્યો .
ઋજુવાલિકા તીર્થમાં કેવલજ્ઞાન કલ્યાણક મંદિરનાં આંગણે આસપાસના નજદીકી તીર્થોનાં નામ અને એ કેટલા દૂર છે એની જાણકારી આપતું એક બોર્ડ રાખવામાં આવ્યું છે .
ઋજુવાલિકા તીર્થથી શિખરજી અઢાર કિલોમીટર દૂર છે . ચંપાપુરી બસ્સો ત્રીસ કિલોમીટર . પાવાપુરી બસ્સો પચીસ કિલોમીટર . લછવાડ એકસો સાઠ કિલોમીટર . રાજગૃહી બસ્સો ચાલીસ કિલોમીટર . કાકંદી એકસો પચાસ કિલોમીટર . આ સિવાય અન્ય સ્થાનોના નામ પણ એ બોર્ડ પર છે . પરંતુ એ બોર્ડમાં શીતલનાથ ભગવાનનાં ચાર કલ્યાણકનાં એક તીર્થનું નામ નથી . આનો અર્થ એ છે કે શીતલનાથ ભગવાનનાં મુખ્ય કલ્યાણકતીર્થનું નામ હજી જન સાધારણ સુધી પહોંચ્યું નથી .
એ તીર્થનું નામ છે શ્રી ભદ્દિલપુર તીર્થ . ઋજુવાલિકાથી શ્રી ભદ્દિલપુર તીર્થ આશરે બસ્સો ચાલીસ કિલોમીટરની દૂરી પર છે . વાહન માર્ગે પાંચ કલાક જેટલો સમય થાય . આ ભદ્દિલપુરનો ઉલ્લેખ વિ. સં. ૧૭૭૦માં શ્રી સૌભાગ્યવિજયજી મ.સા.એ સ્વરચિત તીર્થમાળામાં આ મુજબ કર્યો છે :
તિહાંથી સોલેં કોસેં જાણજો રે ભદ્દિલ પૂર છે , દતારા પ્રસિદ્ધ રે વિષમ મારગ છે વનખંડે કરી રે સાથે પંથ દિખાઉં લિદ્ધ રે . ૬આવ્યા ભદ્દિલપુર ઉલટ ધરી રે ગિરિ ચડિયા જિન પૂંજે ભાય રે રાજાનો આદેશ લઈ કરી રે ફરસ્યા પારસનાથના પાય રે . ૭સપ્તફણામણી મૂરતિ પાસની રે એક ગુફામાં એક મલ્લ રે નિપર સરોવર કમલ ફૂલે ભર્યો રે નિર્મલ પાણી તસ અવલ્લ રે . ૮પૂજીને તે ગિરીથી ઉતરી રેઆવ્યા ગામ દંતારે જેથ રેજનમ થયો શીતલ જિનરાયનો રે ચાર કલ્યાણક હુઆ એથ રે . ૯
તેઓ એમ લખે છે કે ‘ અમે બોધિગયાથી ભદ્દિલપુર આવ્યા . અમારો એ વિહાર સોળ કોસનો થયો . રસ્તામાં જંગલ ઘણું હતું. ક્યાંથી નીકળશું , ક્યાં પહોંચશું એ સમજાય પણ નહીં એટલે અમે એક વોળાવિયો રાખેલો . એ અમને ભદ્દિલપુર સુધી દોરીને લાવ્યો . ભદ્દિલપુરમાં અમે પહાડ ઉપર યાત્રા કરી . રાજાનો આદેશ મેળવીને પહાડી ઉપર ગુફામાં બિરાજમાન અને મણિસદૃશ સાત ફણાથી દીપી રહેલી શ્રી પારસનાથ દાદાની પ્રતિમાનાં દર્શન કર્યાં . પહાડ પર તળાવ છે એનું પાણી એકદમ નિર્મળ છે અને એમાં ઢગલાબંધ કમળો ઉગે છે . ત્યાં પૂજા થઈ તે પછી અમે નીચે ઉતર્યા . ‘ શ્રીસૌભાગ્યવિજયજી મહારાજા જણાવે છે કે અમે નીચે ઉતર્યા ત્યાં શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિની સ્પર્શનાનો લાભ મળ્યો .
આજે કેટલા જૈનોએ શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિની સ્પર્શનાનો લાભ મેળવ્યો છે ? પ્રશ્ન વિચારવા જેવો છે . એવું નથી કે આજે શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ પર કોઈ સગવડ નથી . દેરાસર છે , ધર્મશાળા છે , ભોજનશાળા છે , ઉપાશ્રય છે , નાનો એવો બગીચો છે , સુગંધિત ફૂલો છે . હાઇવે છે , વાહન વ્યવહાર છે , નાનું એવું શહેર છે . ખેદની બીના એ છે કે આવવાવાળાની સંખ્યા સીમિત છે . અને આ ઓછી સંખ્યા પણ ખુશી આપે છે . આટલા જૈનો આવે છે તે હમણાંથી આવતા થયા છે .
૨ . વિચ્છેદ પામેલું તીર્થ ફરીથી સાંપડ્યું
બાકી એક સમય એવો પણ હતો કે આ ભદ્દિલપુરમાં જૈનોને પગ મૂકવાનું પણ સૂઝતું નહોતું . ભદ્દિલપુર તીર્થનો ઉચ્છેદ થઈ ગયો છે આ એક કહાની એવી ગોઠવાઈ ગઈ હતી કે જૈનોને ભદ્દિલપુરની આ ભૂમિની જાણ જ નહોતી . શું એ દિવસો હશે ? જ્યાં શીતલનાથ ભગવાનની માતા મહારાણી નંદાદેવીએ ચૌદ સપનાં જોયાં એ નગરમાં એક જૈન બચ્ચો જોવા ના મળે . જ્યાં શીતલનાથ ભગવાનના પિતા મહારાજા દૃઢરથે સ્વપ્નલક્ષણપાઠકોના શ્રીમુખે ચૌદ સપનાં સંબંધિત દિવ્ય ભવિષ્યવાણી સાંભળી ત્યાં પ્રભુની એક સ્તુતિ ગવાતી ના હોય . જ્યાં છપ્પન દિશા કુમારીઓએ આવીને સર્વપ્રથમ જન્મ મહોત્સવ કરેલો ત્યાં સ્નાત્ર પૂજા કરવા માટે ભગવાનની મૂરતિ નહોતી , ત્રિગડું વગેરેની વ્યવસ્થા પણ નહોતી અને કોઈ સ્નાત્રપૂજાર્થી પણ નહોતા . જ્યાં આવીને ઈન્દ્રે પાંચ રૂપ ધારણ કરેલા ત્યાં એક પણ પ્રભુભક્ત જોવા મળતો નહોતો . આવું શી રીતે થયેલું એની ચર્ચા , કેસ સ્ટડી રૂપે કરવી જોઈએ . ક્યારેક એ કરીશું . પણ એ પરિસ્થિતિ દોઢસો વરસ રહી . શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ લુપ્ત થઈ ચૂકી છે એવું માનીને જૈન સંઘે એ ભૂમિનાં દર્શન વિશે આશા રાખવાનું છોડી દીધું હતું . આકરી ભાષા વાપરીએ તો શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિને આખો જૈન સંઘ ભૂલી ગયો હતો . શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ પર જૈન યાત્રાળુ આવતા જ નહોતા . શીતલનાથ ભગવાનની હજારો મૂર્તિઓ છે ભારત દેશમાં . એ મૂર્તિની પૂજા કરનારા ભકતજનોને ભદ્દિલપુરની ભૂમિ પર આવવાનો વિચાર આવતો જ નહીં . એક જ દલીલ હતી કે શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ એ લુપ્ત તીર્થ છે . જ્યાં શ્રી શીતલનાથ પ્રભુએ એક વરસ સુધી વરસી દાન આપીને દીક્ષા લીધી એ ધન્ય ભૂમિ પર શ્રી શીતલનાથ પ્રભુનું નામોનિશાન નહોતું બચ્યું . વિ. સં . ૧૭૭૦ પછી વિ. સં . ૧૮૭૦ સુધી આ ભૂમિ પર પ્રભુનું કોઈક અસ્તિત્વ હશે . વિ. સં .૧૯૦૦ સુધીમાં પરિસ્થિતિ દર્દનાક બની . તીર્થ વિચ્છેદ પામ્યું છે એમ સરેઆમ બોલાતું હતું , લખાતું હતું . આજથી ત્રીસ વરસ પહેલાં સુધી એ દર્દ ઊભું રહ્યું .
સન ૧૯૯૩માં એક નરબંકો જાગ્યો . એને લાગ્યું કે આમ હાર માનીને બેઠા ન રહેવાય . એના બાપ અને એના દાદાએ એને જોશ આપ્યું . એ કામે લાગી ગયો . એણે ઘણા ખાંખાખોળા કર્યાં . શ્વેતાંબર , દિગંબર , હિંદુ અને બૌદ્ધ સાહિત્યના સંદર્ભો તપાસ્યા . એને માહિતી મળવા લાગી . શ્રી સૌભાગ્યવિજયજી મહારાજા જે પહાડની વાત કરે છે તે પહાડ , આજના ઝારખંડનો કોલ્હૂઆ પહાડ છે એમ પાક્કું થયું . પહાડની પાછળની તળેટીમાં દંતારા ગામ છે એને દિગંબરો , શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ માને છે અને આપણી તીર્થમાળાઓ પણ દંતારા ગામનો ઉલ્લેખ કરે છે . પરંતુ ચોક્કસ સંદર્ભોના આધારે સમજાવા લાગ્યું કે દંતારાથી અલગ એક શહેર કે ગામ છે જેનું નામ ભદ્દિલપુરને મળતું આવે છે . એ કયું શહેર કે ગામ છે ? એ શહેર કે ગામ ક્યાં છે ? એની તપાસ ચાલુ રહી . એક દિવસ નામ મળ્યું : ભોંદલ ગામ . બંગાળી ભાષામાં અકારનો ઉચ્ચાર ઓકારથી કરે છે . કમલને કોમલ કહે , રસને રોસ કહે , જયને જોય કહે . આ જ તાલમાં ભદ્દિલનું ભોદ્દિલ થયું હોય અને ભોદ્દિલનું ભોંદલ થયું હોય એ રીતે તાળો મેળવ્યો . આ ભોંદલ ગામ કોલ્હૂઆ પહાડની નજીકમાં હોય એ જરૂરી હતું . એ નરબંકો કોલ્હૂઆ પહાડની નજીકમાં હટવરિયા ગામમાં તપાસ ચલાવી રહ્યો હતો કે ભોંદલ ગામ છે ક્યાં ? સન ૨૦૦૬ની આ વાત છે . ત્યાં એને જાણવા મળ્યું કે કોલ્હૂઆ પહાડની બીજી તરફ હન્ટરગંજ છે અને એને અડીને જે ગામ છે તેનું નામ જ ભોંદલ ગામ છે . એ નરબંકો હટવરિયા ગામથી તુરંત દોડ્યો . હન્ટરગંજ પહોંચ્યો . હન્ટરગંજની ભાગોળે એણે ભોંદલ ગામનું નામ વાંચ્યું .
એની આંખોમાં હરખનાં આંસુ ઉભરાયા . દોઢસો વરસથી લુપ્ત મનાતું આવેલું અતિ પ્રાચીન તીર્થ , ભદ્દિલ શબ્દના અવશેષ જેવા ભોંદલ શબ્દનો શંખ વગાડતું , અડીખમ ઊભું હતું . એ નરબંકો , ભોંદલની ગલી ગલીએ ફર્યો . ભોંદલ ગામને અડીને વહે છે નિરંજના નદી . સરિતાતટના પરિવેશને લીધે ભોંદલ ગામમાં છુપાયેલું ભદ્દિલપુર જાણે કે આખેઆખું ઊઘડી આવ્યું હતું . એ નરબંકાએ ઘણા અનુભવીઓ સાથે ચર્ચાવિમર્શ કર્યો . સૌનું કથન એક જ હતું કે , આપણે જેને લુપ્ત માનતા હતા તે તીર્થની ભૂમિ આ જ સંભવે છે .
ભોંદલની શોધ કરનાર એ નરબંકાનું નામ છે લલિતકુમાર નાહટા . એના પિતાનું નામ હરખચંદજી નાહટા . એના દાદાનું નામ ભંવરલાલજી નાહટા . દાદા અને પિતા લાંબા સમયથી ભદ્દિલપુરની શોધમાં હતા . બેયના સપનાંને સાકાર કર્યું આ નરબંકાએ . ચૌદ વરસની શોધ પછી પ્રભુ શ્રી શીતલનાથ દાદાની ભૂમિ મળી હતી . તીર્થ લુપ્ત છે એવી લોકવાયકા બન્યા બાદ દોઢસો વરસે તીર્થભૂમિનું પ્રાગટ્ય થયું હતું . તીર્થલોપની લોકવાયકા આખરે ખોટી પુરવાર થઈ . હજાર વરસના ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે એવી ઘટના બની . જમીનમાંથી પ્રાચીન ભગવાન મળી આવે એવું જોવા મળ્યું છે . જમીનમાંથી પ્રાચીન દેરાસર મળી આવે એવું જોવા મળ્યું છે . મોહેંજોદડો , લોથલ જેવી નગરી જમીનમાંથી મળી આવી એ પણ જોવા મળ્યું છે . પરંતુ એક ગામ સાબૂત હોય છતાં એની ઓળખ ભૂંસાઈ ગઈ હોય એવું પ્રાય: પહેલીવાર બન્યું હતું . અને એ ગામને શોધી કાઢવામાં આવ્યું હોય અને એને તીર્થભૂમિ તરીકેની ઓળખ આપવાનો પવિત્ર પુરુષાર્થ થયો હોય એવું પણ પ્રાય: પહેલીવાર બન્યું હતું . નાહટા પરિવારને જે લાભ મળ્યો તે અકલ્પનીય હતો .
ભોંદલ ગામ સાથે ભદ્દિલપુર તીર્થનું નામ ફરીથી જોડાય એ માટે શું કરવું પડે ? ભોંદિલ ગામમાં એક ભૂમિખંડ ખરીદવો પડે . એ ભૂમિખંડ એવી જગ્યાએ હોય કે આખું ગામ જોઈ શકે . એ ભૂમિખંડ પર જિનાલયનું નિર્માણ થાય , એમાં ભૂમિની ઓળખાણને અનુરૂપ પ્રભુ બિરાજમાન થાય , પ્રભુની સાથે એવો આડંબર રચાય કે આવનારો દર્શનાર્થી અભિભૂત થાય . આ બધી જ વાતોનો વિચાર , નાહટા પરિવારે કર્યો . ભોંદલ ગામ જ ભદ્દિલપુરની ભૂમિ છે એ નક્કી થયું તે પછી તરત જ લલિતકુમાર નાહટાના માતા શ્રીમતી રૂખમણીદેવી નાહટાના નામે ભૂમિ ખરીદવામાં આવી . ગામમાં સસ્તા ભાવે જમીન ઘણી મળતી હતી પરંતુ તીર્થભૂમિ તરીકેનો દરજ્જો શોભાવે એવી જમીન લેવાની હતી . ભૂમિની આસપાસના લોકો સારા જ હોવા જોઈએ . રાષ્ટ્રીય મહામાર્ગ અને નિરંજના નદીની વચોવચ એક જમીન જોવામાં આવી . જમીનના એક છેડે મહામાર્ગ ધમધમતો હતો અને બીજા છેડે નદી ખળખળતી હતી . આવું વાતાવરણ જોયું , ગમ્યું . તે પછી મોંઘા ભાવની જ જમીન લેવામાં આવી . સસ્તી જમીનનો મોહ રાખ્યો જ નહીં . તીર્થની ગરિમા પણ તો જોવાની હોય ને .
હજી એક કામ થયું . જૈન શ્વેતાંબર કલ્યાણક તીર્થ ન્યાસ , આ નામે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયું અને નાહટા પરિવાર નામે જે ભૂમિ હતી તે આ ટ્રસ્ટને અર્પિત કરવામાં આવી . આમ તીર્થભૂમિ સાથે સકલ શ્રી સંઘ જોડાય એવી વ્યવસ્થા બની . જોતજોતામાં જિનાલય બન્યું , પ્રતિષ્ઠા થઈ . સરકારી પદાધિકારીઓ ભૂમિપૂજનથી માંડીને પ્રતિષ્ઠા સુધી જોડાયેલા રહ્યા . આણંદજી કલ્યાણજી પેઢી , જૈન શ્વેતાંબર સોસાયટી જેવી વડીલ સંસ્થાઓ પણ સાથે જોડાઈ હતી . યાત્રાળુઓને ભક્તિ અને આરાધનાની દરેક સુવિધા મળે એવું તીર્થ નિર્માણ પામ્યું . એક ભગવાન બિરાજ્યા . ચાર કલ્યાણકની ચાર ચરણપાદુકાઓ બિરાજિત થઈ .
નાહટા પરિવારે જે કરવાનું હતું , એણે કર્યું . હવે જે કરવાનું હતું તે સમગ્ર ભારતના જૈન પરિવારોએ કરવાનું છે . શું જૈન પરિવારો ભોંદલ ગામ સાથે , ભદ્દિલપુરની ભૂમિ સાથે મોટી સંખ્યામાં જોડાયા છે ? પહેલો જવાબ એ છે કે વરસે ત્રણેક હજાર યાત્રાળુ આવે છે એટલે કોઈ નથી આવતું એવું ના કહેવાય . સાવ કોઈ નહોતું આવતું એને બદલે આટલા આવે છે એ સારી વાત છે . હવે બીજો જવાબ એ છે કે હજારો હજારોની ભીડ જે રીતે પાવાપુરી , સમેત શિખરજીમાં જોવા મળે છે એવી ભીડ અહીં નથી . અહીં માટે પાલીતાણા કે શંખેશ્વર જેવી ભીડની કલ્પના પણ મુશ્કેલ છે . ભદ્દિલપુર તીર્થ માટે મુખ્ય મુદ્દો એ છે કે આ કલ્યાણક તીર્થનો પ્રચાર કરવાની જવાબદારી આપણી છે એ આપણને સમજાયું જ નથી .
૩ . શ્રી સીયલ ભગવાન્ તમારી રાહ જુએ છે
ભદ્દિલપુર કરતાં ઋજુવાલિકા તીર્થમાં વધારે યાત્રાળુ આવે છે . અહીં બહારના બોર્ડ પર બીજા તીર્થોની જેમ ભદ્દિલપુરનું પણ નામ હોય તો ? આ વિચાર આવે છે અને તરત એવું લાગે છે આમાં ઋજુવાલિકા તીર્થની ભૂલ કાઢવાનો કોઈ આશય નથી . બીજાને સલાહ આપવી અને બીજાની ભૂલો કાઢવી આ આપણા બધાનો કાયમી બિઝનેસ છે . શું સલાહ આપી દેવાથી કામ થઈ જશે ? શું ભૂલો ગણાવી દેવાથી રસ્તા નીકળી જશે ? કામ કરવું હોય અને રસ્તા કાઢવા હોય તો જાતે પસીનો પાડવો જોઈએ . એમ સલાહ જરૂર આપી શકાય કે દરેક તીર્થનાં આંગણે ભદ્દિલપુર તીરથનો પ્રચાર કરનારા બોર્ડ હોવા જોઈએ વગેરે વગેરે . પણ એ અન્યને આપવામાં આવેલી સલાહ કહેવાય . જવાબદારી એ હોય કે મારા તમામ પરિચિતોને હું , મારી ભૂમિકા અનુસાર , ભદ્દિલપુર તીર્થ વિશે જાણકારી અને પ્રેરણા આપું . હું જેને ઓળખતો હોઉં અને મને જે ઓળખતા હોય તે સૌને હું ભદ્દિલપુર તીર્થ વિશે કશુંક જણાવું તો જ જવાબદારીનું પાલન કર્યું લેખાય . આ તમે જે ભદ્દિલપુર વિશે વાંચી રહ્યા છો એ તમને વાંચવા મળે , આ વાંચતા વાંચતા તમે ભદ્દિલપુર વિશે જે વિચારી રહ્યા છો તે તમે વિચારી શકો તેની જ માટે આ લેખ તમારી સામે આવ્યો છે . મારી જવાબદારી છે , તમને ભદ્દિલપુર વિશે જણાવવાની અને હું એ જણાવી જ રહ્યો છું .
યાદ કરો , સીયલ નામનો પવિત્ર શબ્દ આપણે લોગસ્સ સૂત્રમાં બોલીએ છીએ . આજસુધી આપણે સેંકડો સેંકડો વાર , લોગસ્સ સૂત્ર બોલી ચૂક્યા છીએ . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં માતાની કુક્ષિમાં પધાર્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં માતાને ચૌદ સપનાં દેખાડી ચૂક્યા છે એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં જન્મ કલ્યાણકના સ્વરૂપે પધાર્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં દીક્ષા કલ્યાણકના સ્વરૂપે શ્રમણ બન્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , ચાર ઘાતી કર્મોનો નાશ કરીને જ્યાં કેવલજ્ઞાની બન્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . તમે મોટા મોટા તીર્થોની યાત્રા કરો છો તે જરૂર કરો . એ યાત્રા કરવાની જ હોય . બસ , શ્રી શીતલનાથ ભગવાનની ચાર કલ્યાણકની ભૂમિને ભૂલવાની નથી . એટલું યાદ રાખજો . ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જોતી હતી , રાહ જુએ છે , રાહ જોતી રહેશે . તમે ભદ્દિલપુરની યાત્રા કરી નહીં હોય તો તમારી પ્રભુભક્તિ અધૂરી છે , સમજી લેજો .
૪ . શ્રી શીતલનાથ જિનાલય અને શ્રી પાર્શ્વનાથ ગુફા
બનારસથી ઋજુવાલિકાના રસ્તે , ઓન ધ રોડ ભદ્દિલપુર આવતું નથી . બનારસથી ચંદોલી , મોહનીયા , સાસારામ , ડેહરી , ઔરંગાબાદ , મદનપુર , શેરઘાટી સુધી આવો . ત્યાંથી ડોભી આવો . ડોભીથી એક રસ્તો જમણા હાથે હન્ટરગંજ જાય છે . ડોભીથી ૧૪ કિલોમીટર અંદર હન્ટરગંજ આવે . હન્ટરગંજની સાથે જ ભોંદલ જોડાયેલું છે . અમે આ રસ્તે ચાલી રહ્યા હતા . આશ્ચર્યજનક બાબત હતી કે ડોભીથી અંદર વળ્યા ત્યારથી માંડીને છેક હન્ટરગંજ સુધી , જે જે વાહનો નીકળ્યા તે તમામ પર , ઢોલનગારાવાળા જોરજોરથી ઢોલનગારા વગાડતા હતા . જે વાહન પર ઢોલનગારાવાળા નહોતા એમની પરથી ડીજેનો ઘનઘોર શોર આવી રહ્યો હતો . પહેલાં તો લાગ્યું કે આજે કોઈને ત્યાં લગ્ન હશે એમાં આ ગાડીઓ દ્વારા મહેમાનો જઈ રહ્યા હશે . પછી રહસ્ય ખૂલ્યું કે આ ગાડીઓમાં બેેસીને હિંદુ યાત્રાળુઓ કોલ્હૂઆ પહાડ તરફ જઈ રહ્યા છે . કોલ્હૂઆ પહાડ પર રોજ હજારો હિન્દુઓ યાત્રા કરવા આવે છે . અમે ડોભીથી અંદર વળ્યા ત્યાંથી માંડીને હન્ટરગંજ સુધી , વાહનોના વાજીંત્રવાદન થકી કોલ્હૂઆ પહાડના ડંકા વાગતા જ રહ્યા . હન્ટરગંજ શહેરના હાઈવેના મુખ્ય ગેટ પર કોલ્હૂઆ પહાડીનું સ્વાગત બેનર લાગેલું છે . એની પર લખ્યું છે કે આ હિંદુ , બૌદ્ધ અને જૈન તીર્થ ભૂમિ છે , પધારો . ૨૬ માર્ચના દિવસે સવારે સાડાઆઠની આસપાસના સમયે , જિંદગીમાં પહેલીવાર ભોંદલમાં એટલે કે ભદ્દિલપુરમાં પગ મૂક્યો . મનમાં ચાલી રહ્યાં હતાં શીતલનાથ પ્રભુનાં પ્રાચીન સ્તવનો . શીતલ જિન મોહે પ્યારા . મુજ મનડામાં તું વસ્યો રે . જોતજોતામાં નજરની સામે આવ્યું દેરાસર . ઊંચું અને રમણીય . જે મહેલમાં પ્રભુનો નિવાસ હતો , એ મહેલ કેવો હશે ? જ્યાં શૈશવ અને બાળપણ વીત્યું , યૌવન આવ્યું એ રાજમહાલય કેવો હશે ? વિચાર ચાલતા રહ્યા . ધવલ ઉજ્જ્વળ પ્રતિમાનાં દર્શન કર્યાં . જેની મૂરતિ આવી ટાઢક આપે છે એ ભગવાન જીવતા જાગતા બેઠા હશે ત્યારે એમનાં દર્શન કરનારને કેવી ટાઢક મળતી હશે ? વિચાર આવતા રહ્યા . શાંતિથી પ્રભુદર્શન કર્યા બાદ નિરંજના નદીને નિહાળી . એક વાત સમજાઈ . જે પ્રસિદ્ધિ ઋજુવાલિકાને મળી છે એના એકસોમા ભાગની પ્રસિદ્ધિ પણ આ નિરંજના નદીને નથી મળી . ઋજુવાલિકા નદીનો ઠાઠમાઠ અનેરો છે . નિરંજના નદીના પટ પર પાણી હોતું નથી , આખી નદી ખાલી દેખાય છે . હિંદુ પરંપરા મુજબની માન્યતા છે કે આ નદીને અભિશાપ લાગેલો છે . અભિશાપ એ કે આ નદીમાં પાણી રેતીની નીચે દબાયેલું રહેશે , રેતી જે ખોદશે એને પાણી મળશે પણ નદીની ઉપર પાણી વહેતું જોવા નહીં મળે . ખરેખર એવું જ દૃશ્ય હતું . રેગિસ્તાન જેવી રેતાળ અને સૂકીભઠ નદી . આ નદીના પશ્ચિમ કિનારે દેરાસર છે . વહેલી સવારે સામા કિનારે પૂૂરવમાં સૂરજ ઉગે છે એનું લાલ , ગુલાબી , સોનેરી અજવાળું દેરાસરના શિખરના રંગરૂપને નવી આભા બક્ષે છે .
૨૭ માર્ચના દિવસે કોલ્હૂઆ પહાડની યાત્રા કરી . ભદ્દિલપુરથી આ પહાડ બાર કિલોમીટર દૂર છે . નદીરસ્તે શોર્ટકટથી જઈએ તો સાત આઠ કિલોમીટર થાય .
કોલ્હૂઆ પહાડ પર ચાર આરાધ્ય આલંબન છે . એક , ગુફામાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાન્ . બે , તળાવ પાસે શ્રી શીતલનાથ ભગવાનનાં ચરણપાદુકા . ત્રણ , શ્રી શીતલનાથ ભગવાનનાં કેવલજ્ઞાન કલ્યાણકનાં ચરણપાદુકા . ચાર , પહાડીની દીવાલ પર ઉત્કીર્ણ જિનપ્રતિમાઓ . પહાડનું આરોહણ ત્રણ કિલોમીટરનું છે . પગથિયાં સિદ્ધગિરિ જેવા સરળ નથી . ચઢાણ ઘણું છે . ચડતાં ચડતાં શ્વાસ ભરાય . લગભગ એક કલાકે આરોહણ પૂરું થયું . વિશાળ સંખ્યામાં ઊભેલી પૂજાપાની દુકાનો અને ખાવાપીવાની હાટડીઓમાં કોલાહલનો પાર નહોતો . કોલ્હેશ્વરી દેવીનાં મંદિરે પૂજા કરવા માટે હજારો હિંદુ આવેલા એમની લાંબી કતાર ખડી હતી . કોઈના હાથમાં થાળી , કોઈના હાથમાં થેલી , કોઈના હાથમાં કાળી બકરીને બાંધેલી દોરી . આ પહાડ પર યાત્રાળુઓની ખાસ્સી ભીડ હોય પરંતુ જૈનો નહીંવત્ . હિંદુઓની ભીડ મુખ્ય . એમના રીતરિવાજ મુજબ યાત્રા કરે .આ કોલ્હેશ્વરી દેવીનું મંદિર , અસલમાં તો શ્રી શીતલનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અશોકા દેવીનું મંદિર હતું , એમ કહેવાય છે . દુર્ગમ પહાડી પર જૈનોની અવરજવર વધુ હતી નહીં એમાં એ મંદિર આપણા હાથમાંથી ચાલી ગયું . જોકે , આ રીતે અલગ જગ્યાએ અલાયદું અધિષ્ઠાયિકા મંદિર બનાવવાનું કારણ શું હશે એ વિચારવું જોઈએ . આ પહાડ પર પ્રભુને કેવળજ્ઞાન થયું અને કેવળજ્ઞાન પછી શાસનસ્થાપના થઈ એ વખતે જે અધિષ્ઠાયક અધિષ્ઠાયિકાની સ્થાપના થઈ એની સ્મૃતિમાં આ મંદિર બન્યું હોય એમ સંભવે છે . ગિરનાર પર પણ અંબિકા દેવીનું અલાયદું મંદિર છે જ . મહાભારતના સમયમાં પાંડવોએ ગુપ્તવાસનો સમય અહીં વીતાવેલો . કૌરવોએ પાંડવોના ગુપ્તવાસનો રહસ્યસ્ફોટ કરવા અહીં જ સૈન્ય આક્રમણ કરાવ્યું હતું . ગુપ્તવાસ દરમ્યાન પાંડવોને આશ્રય આપનારા રાજા વિરાટે કોલ્હૂઆ પહાડી પર આ મંદિર બનાવડાવ્યું અને એમાં કાલીદેવીની મૂર્તિ બેસાડી એવી હિંદુઓની માન્યતા છે . હિંંદુઓ અહીં મુંડન સંસ્કાર અને વિવાહ સંસ્કારની રસમ પાળે છે . કોલ્હેશ્વરી મંદિરની પાસે જ એક પથ્થરિયું તળાવ છે . એને આકાશલોચન નામ મળ્યું છે . એનાં પાણી નિર્મળ છે , એમાં ઢગલેઢગલા ભરાય એટલા કમળ ઉગે છે . જોકે , અમારે જવાનું હતું પારસનાથ દાદાની ગુફા તરફ . કાળા શિલાખંડો પર પગ મૂકીમૂકીને પહાડી પર આગળ ચાલ્યા . આગળ માથોડા ઊંચી કાળચટ્ટી શિલાઓ આવી . એની વચ્ચેથી પસાર થયા . એક નિસર્ગ રચિત સાંંકડી ગલી દેખાઈ . સાથે ભોંદલથી પૂજારી આવેલો , એણે કહ્યું કે ગુરુજી , યહીં પર ગુફા હૈ , આપ દર્શન કર લો . મને ગુફા દેખાઈ નહીં . હું એમનેમ ઊભો રહ્યો .એ પૂજારી ગલીમાં સાત-આઠ ડગલાં આગળ ગયો . પછી એ અધડૂક ઝૂકીને ડજમણી તરફ પથ્થરમાં ઘૂસ્યો એટલે દેખાતો બંધ થયો . હવે મનેં સમજાયું કે ગુફા ક્યાં છે . એ ગુફા અને સાંકડી ગલીમાંથી બહાર આવ્યો . એટલી નાની એ ગલી હતી કે બે જણા સાથે ચાલી ન શકે . એ પૂજારી ગલીમાંથી બહાર આવ્યો તે પછી હું એ ગલીમાં ગયો . મનેં કબીરદાસજીના શબ્દો યાદ આવી રહ્યા હતા : जब मैं था तब गुरु नहीं,अब गुरु हैं हम नाय … प्रेम गली अति सांकरी, जा में दो न समाय … જ્યાં સુધી એ ગલીમાં હતો , મારું જવાનું બંધ હતું . હવે હું ગલીમાં હતો તો એનું જવાનું બંધ . થોડાક ડગલાં ભર્યા , જમણી તરફ લાંબો અને ઊભો ખાંચો દેખાયો , હું વાંકો વળીને એ ખાંચામાં ઘૂસ્યો .
સાવ જ ઓછી જગ્યા . આગળ વનરાજની બોડ જેવી નાનીસરખી ગુફા હતી . જોકે , આને ગુફા કહેવાય કે બખોલ ? એ પ્રશ્ન થયો . અંદર થોડું અંધારું લાગતું હતું . દીવાનું અજવાળું કરાવ્યું ત્યારે શ્યામવરણી પ્રતિમાનાં દર્શન થયાં . આ જ ગુફાની વાત શ્રી સૌભાગ્યવિજયજી મહારાજાએ કરી હશે , એ પાક્કું . એમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુની જે પ્રતિમાની વાત કરી હતી તે જ આ પ્રતિમા હશે ? આ પ્રતિમાને , હિંદુઓ ભૈરોજી બાબા તરીકે પૂજે છે , બૌદ્ધો બોધિધર્મ તરીકે માને છે અને આપણે જૈનો તીર્થંકર તરીકે આરાધીએ છીએ . આપણે દેરાસરમાં પ્રભુને જે રીતે બિરાજેલા જોઈએ છીએ એનાથી સાવ જુદી રીતે ભગવાન્ બેઠા હતા . આશાતના નિવારણની કોઈ વ્યવસ્થા નથી . પૂજાવિધિ કે સામગ્રી સમર્પણની કોઈ સુવિધા નથી . સત્તરભેદી પૂજામાં શ્રી સકલચંદ્રજી મહારાજા લખે છે એમ ભગવાન્ પૂજામાં જે થાય એ પણ સહન કરી લે છે : સુણો જિનરાજ તવ મહનં , ઈન્દ્રાદિક પરે કિમ હમ હોવત ? તો ભી તુમ સબ સહનં…… પ્રભુ અવ્યવસ્થા અને આશાતનાથી ઘેરાયેલા હતા . પ્રતિમામાં આર્હન્ત્યનાં દર્શન કર્યા . મૂર્તિ પ્રાચીન નહોતી . પૂજારીને પૂછ્યું . પૂજારીએ કહ્યું કે અહીં એક દિગંબર મુનિ આવેલા . એમણે જાહેરમાં કહ્યું કે આ મૂર્તિનાં મસ્તકમાં રત્ન છે . આ ઢંઢેરો પીટીને એ મુનિ તો જતા રહ્યા . પણ મૂર્તિનાં મસ્તકમાં રત્ન છે એની ચર્ચા ચોતરફ થઈ . વેરાન રાતે ચોર આવ્યા , મૂર્તિ ચોરવાની કોશિશ કરી , મૂર્તિનાં મસ્તકને છૂટું પાડીને ઊઠાવી ગયા . પ્રાચીન પ્રતિમા પ્રગટ થયેલી તળાવમાંથી . એ પ્રાચીન મહાશક્તિનો ગરિમાભંગ થયો . ગુફામાં ખંડિત પ્રતિમા રાખવામાં ઔચિત્ય નહોતું . એ પ્રાચીન પ્રતિમાની જગ્યાએ , આ નવી પ્રતિમા બિરાજિત કરવામાં આવી છે . આજની તારીખે , ગુફા પ્રાચીન છે અને પ્રતિમા અર્વાચીન છે . પરંતુ તીર્થની અપરિસીમ ઊર્જાનો સંચય આ ગુફામાં સમ્યક્ સંગૃહીત છે . એ ઊર્જામાં બેસીને સ્તવના ગાઈ , જાપ કર્યા , પ્રાર્થના કરી . સરખું પલાંઠી વાળીને બેસી શકાય એટલી પણ જગ્યા નહોતી . છતાં ત્યાંથી ઊઠવાનું મન થતું નહોતું . પણ , રાંચીથી અમુક બુદ્ધભક્તો આવ્યા હતા , એમને પૂજા કરવાની હતી , એ પાછળ ચૂપચાપ ઊભા હતા . એમની માટે હું ગુફામાંથી સરકીને બહાર આવ્યો . મેં અજંતા , ઈલોરા , ચાંદવડની ગુફાઓ જોઈ છે . એ કેવી મોટ્ટી મોટ્ટી હોય છે ? એમની સરખામણીમાં કોલ્હૂઆ પહાડની આ ગુફા કદકાઠીએ સાવ નાની લાગે . જોકે આવી તુલના કરાય નહીં . દરેક તીર્થભૂમિ અને દરેક પ્રતિમામાં પવિત્રકારી તત્ત્વ એકસરખું હોય છે .
૫ . આકાશલોચનનો અફસોસ રહી ગયો
ગુફાથી નીકળ્યા તો મહાશિલાઓ મળી . દશમાળની ઈમારતો જેવા ગગનચુંબી ઘાટ કોણે ઘડ્યા હશે , કેવી રીતે ઘડ્યા હશે ? આ શિલા કેટલા વરસ પુરાણી હશે ? આ આપમેેળે વધીને મોટી થઈ છે કે હવાઓથી ઘસાઈને નાની થઈ છે ? આમને ઊઠાવીને અહીં લાવી શકાય ખરી ? તર્કવિહોણા સવાલો જાગતા ગયા . કોઈ શિલા ઉપરથી એકદમ પહોળી અને નીચેથી સાવ સાંકડી . એમ થાય કે આ શિલા હમણાં ગબડી પડશે . એવી એક શિલાની નીચે બેસીને જાપ કર્યો . જાપ કરી લીધાબાદ માથું ઊંચકીને ઉપર જોયું તો સમજાયું કે શિલા વિરાટ , અતિ વિરાટ હતી અને એની નીચે બેસનાર , સાવ કીડી જેટલો વામન લાગતો હતો .
કાળચટ્ટા પહાડનો ઢાળ આકાશલોચન તળાવ તરફ નીચે જતો હતો . એ ઢાળે ઉતરીને અમેે સામે દિગંબર મંદિર તરફ ચડવાનું શરૂ કર્યું . હલકોફૂલકો હાંફ ખાતાં ત્યાં પહોંચ્યા . મંદિર માંગલિક હતું . હવે નજર ગઈ આકાશલોચન ટેકરી તરફ .
એવું વાંચ્યું હતું કે આકાશલોચનની ટેકરી પર ચડવાનું ઘણું જ અઘરું છે . એ વાંચ્યું’તું ત્યારે એક પડકારનો અહેસાસ થયેલો . જ્યારે કોલ્હૂઆની ચટ્ટાન પરથી એ ટેકરીને નજર સામે જોઈ તો ઝનૂન મનમાં સવાર થયું કે કોઈ પણ હાલતમાં આ ટેકરીના શિખર સુધી તો પહોંચવું જ છે . અઘરું શાનું પડે ? સાચી રીતે ધારીએ તો કોઈ પણ કામ પાર પાડી શકાય છે . આકાશ લોચનની ટેકરી ચડવાનું શરૂ કર્યું . ખરેખર કઠણ હતું . પગથિયા નહીં , ટેકા પણ નહીં . સીધે સીધી શ્યામલ શિલાઓ . ક્યાંક ખરબચડી , ક્યાંક લિસ્સી . સતત ચાલવાનું હતું , ચડાણ એટલું ઊભું હતું કે ચડનાર વાંકો થઈને ચાલે છે એવું લાગે . થોડુંક ચડો અને પોરો ખાઓ , થોડું ચડો અને છાતીમાં શ્વાસ ભરો . ઊભા ઊભા પાછળ વળીને જુઓ તો એકદમ નીચે , દૂર કોલ્હાદેવીના બજારના એકેએક છાપરાં દેખાય . ચોતરફ નજર નાંખો તો દૂર સુધી જંગલ અને પહાડીઓ ફેલાયેલી દેખાય . આ જંગલમાં કેટલા પશુઓ હશે , કેટલા આદિવાસીઓ હશે , એ લોકોની જિંદગી કેવી રીતે ચાલતી હશે , આપણે એમની હડફેટે આવ્યા એ લોકો આપણી શું હાલત કરશે એ બધું મનમાં આવ્યા કરે . ઝાઝું ટેન્શન લીધા વિના ફરીથી ચડવાનું શરૂ કરવાનું . એક એક પગલું પસીનો પાડી દે . એક એક ડગલું શ્વાસની નિચોવી લે . પણ આનંદ અપાર અનુભવાય . શીતલનાથ ભગવાનના કેવળજ્ઞાનના સ્થાન ઉપર આપણે પહોંચી રહ્યા છીએ એનો આનંદ .
શ્રી શીતલનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણક સંપન્ન થયું ચૈત્ર વદ છઠના દિવસે . જન્મ કલ્યાણક સંપન્ન થયું પોષ વદ બારસના દિવસે . દીક્ષા કલ્યાણક સંપન્ન થયું પોષ વદ બારસના જ દિવસે . કેવળજ્ઞાન કલ્યાણનો દિવસ કયો ? માગશર વદ ચૌદસ . પ્રભુનો છદ્મસ્થ કાળ ત્રણ મહિનાનો છે એમ ત્રિષષ્ટિમાં લખ્યું છે પરંતુ પોષ વદ બારસે દીક્ષા થાય અને માગશર વદ ચૌદસે કેવળજ્ઞાન થાય તો ત્રણ માસની વાત સંગત ના થાય . શ્રી વીરવિજયજી મહારાજાએ પ્રભુનો છદ્મસ્થ કાળ ત્રણ વરસનો છે એમ ચોમાસી દેવવંદનના ચૈત્યવંદનમાં જણાવ્યું છે .
દીક્ષાના ત્રણ વરસ બાદ , એ ધન્ય દિવસે પ્રભુ , આ આકાશલોચનનાં શિખરે પધારેલા . ઉત્તમ સાધના હતી . ઉત્તમ તિતિક્ષા હતી . ઉત્તમ તપસ્યા હતી . ઉત્તમ શુદ્ધિ હતી . ઉત્તમ અધ્યવસાય શ્રેણી હતી . પ્રભુ શુક્લ ધ્યાને આરૂઢ થયા . ચાર ઘાતી કર્મોનો નાશ થયો . પ્રભુ કેવળજ્ઞાન , કેવળ દર્શન પામ્યા . પ્રભુ મોહ વિજેતા અરિહંત બન્યા . પ્રભુ વિશ્વ વંદનીય તીર્થંકર ભગવાન્ બન્યા . સમવસરણની રચના થઈ . પ્રભુ સર્વ પ્રથમ વાર ચતુર્મુખ રૂપે બિરાજમાન થયા . ઈન્દ્ર મહારાજાએ સ્તવના કરી . પ્રભુએ પ્રથમ દેશના ફરમાવી . દેશનામાં સંવરનું વિવરણ થયું હતું : ચોથા ગુણઠાણે મિથ્યાત્વનો સંવર થાય . પાંચમા ગુણઠાણે અવિરતિનો સંવર થાય . સાતમા ગુણઠાણે પ્રમાદનો સંવર થાય . અગિયારમા અને બારમા ગુણઠાણે કષાયનો સંવર થાય . ચૌદમા ગુણઠાણે યોગનો સંવર થાય . સૌ જીવો પોતપોતાની ભૂમિકાએ સંવર કરે એનાથી જ સાચું આત્મકલ્યાણ સધાશે , પ્રભુએ ફરમાવ્યું હતું .
આકાશલોચનની ઉત્તુંગ ટેકરી ચડતાં ચડતાં પ્રભુની પ્રથમ દેશનાનું સ્મરણ થઈ રહ્યું હતું . વચ્ચે વીશ તીર્થંકરની ગુફા આવી હતી . પહાડીની કુદરતી દીવાલો પર પ્રભુની પ્રતિમાઓ કોતરાયેલી છે . ન દેરાસર , ન દેરી , ન ગોખલો . સીધેસીધી દીવાલ પર જ મૂર્તિઓ . હિંંદુઓ માટે એ એમના ભગવાન્ . બૌદ્ધો માટે એ એમના ભગવાન્ . દિગંબર જૈનો માટે એ એમના ભગવાન્ . આપણી માટે આપણા ભગવાન્ . ખૂબ ખૂબ શ્રદ્ધા આદર સાથે ઘણો જાપ કર્યો . અહીં કોઈ અલૌકિક સ્પર્શના વસેલી છે એવી સંવેદનાપૂર્વક ઊંડા શ્વાસ લીધા અને તીર્થની પરમ ચેતનાને અંદર ભરી લેવાનો પ્રયાસ કર્યો .
આદિલ મનસૂરીના શબ્દો થોડાક બદલીને યાદ આવે છે : આ તીર્થની હવાને મારા શ્વાસમાં ભરી લેવી છે , ખબર નથી કે અહીં પાછું આવવા મળે ન મળે . ગુફાનંદમાં ખાસ્સો સમય વીતાવ્યો અને પછી પહાડની છેલ્લી ટોચ તરફ પ્રસ્થાન કર્યું . મનમાં હતું કે હવે શ્રી શીતલનાથ ભગવાનનાં કેવલજ્ઞાનનાં ચરણપાદુકાની સ્પર્શના થશે . છેલ્લી ટોચ પર સંભાળી સંભાળીને ચાલતાં ચાલતાં પહોંચ્યા .
એક પ્રચંડ નિરાશા અહીં તૈયાર ઊભી હતી . આકાશલોચનની એ છેલ્લી ટેકરી પર ચડવાનો કોઈ રસ્તો જ નહોતો . એકદમ ઊંચા , સાવ ઊભા અને ખૂબ લપસણા મહાપથ્થરોનો પ્રચંડ ખડકલો નજર સામે હતો . ઉપર ચડવાની કોશિશ કરી પણ પગ જ લપસી જાય . જબરદસ્તી થોડું ચડીને પાછળ જોયું તો ઉતરવાની હિંમત ન થાય એવી ઊંડી અગાધ ખીણો દેખાય . ચડતા તો ચડી જવાશે , ઉતરશું શી રીતે એવો ભય જાગતો હતો . બીજા યાત્રાળુઓ ડરીને પાછા નીકળ્યા છે એ જોયું . ટેકરીની બીજી કિનારીએ જઈને જોયું . બે હાથેથી અદ્ધર લટકીને ચડવું પડે એવું ઊંચાણ હતું . આપણું એવું ગજું નથી . સમજાયું . આકાશલોચન પર ચડવાનું સંભવિત નથી એ મનમાં સ્પષ્ટ થયું એ જ ક્ષણે આંખમાં ઝળહળિયાં આવી ગયાં .
કેવલજ્ઞાન કલ્યાણકની ચરણપાદુકાને જુહાર્યા વિના પાછા જવાનું મન થતું નહોતું . ચડવા માટે , રસ્સી કે સીડી કે પાઈપ જેવું કાંઈ જ નહોતું . પારાવાર નિરાશા સાથે પાછા ફર્યા . અમુક ટીનેજર્સ વાંદરાની જેમ છલાંગ મારીને ઉપર પહોંચી રહ્યા હતા એ દેખાતું હતું . આવી છલાંગ મારવાનું આપડું કામ નહીં એ પણ સમજાતું હતું . ભારે હૈયે , ગમગીન આંખે કેવલજ્ઞાનભૂમિની યાત્રા અધૂરી છોડી નીચે ઉતરવાનું શરૂ કર્યું . દિલના ટુકડે ટુકડા થઈ ગયા હતા . વારંવાર નજર પાછળ જતી હતી , જીવ બળતો હતો . પ્રભુ , આવી નિરાશા કોઈને આપતા નહીં એવી પ્રાર્થના કરતાં કરતાં ઉતરવાનું શરુ કર્યું . ચડવાનું જેમ અઘરું હતું એમ ઉતરવાનું પણ અટપટું હતું . સહેજ ગાફેલ રહ્યા તો લીસ્સા પથ્થર પરથી લપસ્યા સમજો .
ફરીથી કોલ્હેશ્વરી મંદિરની બજારમાં પહોંચ્યા . એક જગ્યાએ રસ્તાની વચોવચ , બિલકુલ જમીનના લેવલે , શ્રી શીતલનાથ દાદાની ચરણપાદુકા હતી .
આજુબાજુ ગ્રામીણ લોકોની ભીડ હતી . એ પગલાં પર હિંદુઓ અને બૌદ્ધોનો પણ પૂજા હક હતો . થોડોક સમય એનાં દર્શન કર્યાં . પ્રભુનાં ચરણપાદુકાની કોઈ આમન્યા નહોતી જળવાઈ રહી , ભયંકર આશાતના ચાલુ હતી . જોઈને પારાવાર પીડા થઈ . આ આમન્યાભંગ અટકે , આશાતનાઓ અટકે એનો કોઈ ઈલાજ , આજની તારીખે આપણી પાસે નથી . આ સચ્ચાઈ છાતીમાં ખંજરની જેમ વાગી રહી હતી .
કોલ્હૂઆ પહાડી ઉતરતી વખતે માનસિક પીડા ઘણી હતી . ભોંદલથી વિહાર કર્યો એ પણ આ જ પીડાને સાથે રાખીને . આપણે આપણાં પવિત્ર તીર્થોને ભૂલી ગયા છીએ. એ તીર્થમાં થનારી અવ્યવસ્થાઓનો દોષ , આપણને જ લાગવાનો છે . નાહટા પરિવારે , ભદ્દિલપુરમાં તીર્થ અને તીર્થનું વાતાવરણ રચી આપ્યું છે . હવે , જૈનોએ જાગવાનું છે અને ભદ્દિલપુર વારંવાર આવવાનું છે.
( હું ઋજુવાલિકા પહોંચ્યો એના થોડા દિવસ પછી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હર્ષતિલક સૂરીશ્વરજી મ.સા. ભદ્દિલ પુર પધાર્યા . એમણે કોલ્હૂઆ પહાડીની યાત્રા કરી અને સારી વ્યવસ્થા ગોઠવીને , આકાશલોચનના ચરમ શિખરે કેવળજ્ઞાન કલ્યાણકના ચરણપાદુકાની પણ યાત્રા કરી . એમણે પત્ર લખીને મનેં આ સમાચાર આપ્યા . હવે , આકાશલોચન માટે બીજીવાર ભદ્દિલપુર જવાની ભાવના બની છે . જોઈએ દાદાનો હુકમ ક્યારે થાય છે ? )
સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . આત્મા કર્મ ઉદયની પરતંત્રતા હેઠળ જે અનુભવે છે તે સંસાર છે . આતમા શરીર અને કર્મ ઉદય વિનાની અવસ્થા પામે એ મોક્ષ છે . સંસાર અને મોક્ષની વચ્ચેનો માર્ગ છે સાધના . સાધક જીવનનાં સ્તરે પ્રસંગોમાં અને સંબંધોમાં જોડાય છે ત્યારે પાપ અને પુણ્યના ઉદયનો ખેલ ચાલતો રહે છે. સાધક પાપના ઉદયને ખમી જાય છે અને પુણ્યના ઉદયને જીરવી લે છે . પાપનો ઉદય અસ્વસ્થતાનું નિર્માણ કરી શકે છે . પુણ્યનો ઉદય અસમતુલાનું નિર્માણ કરી શકે છે . સાધક અસ્વસ્થતાને અને અસમતુલાને ટાળે છે . લોકોને શું ગમ્યું , પરિવારને શું ગમ્યું , લોકોને કે પરિવારને શું ન ગમ્યું ? આની અસમંજસથી સાધક સ્વયંને મુક્ત રાખે છે . મારા આત્માને શેનાથી લાભનુકસાન છે એની પર જ સાધક કેન્દ્રિત રહે છે . આ સમાધિ છે . મહાપુરુષોને એમનાં આ અંતરંગ વ્યક્તિત્વના આધારે જ બહુમાન અપાતું હોય છે . પુણ્યાઈ અને મોટાઈ બાળજીવોને આંજે છે . મધ્યમ વૃત્તિના જીવો પ્રારંભિક બોધ પામે છે મહાપુરુષોનાં વ્યક્તિત્વનો . ઉત્તમ વૃત્તિના જીવો સાધકની અંતરંગ અવસ્થા એટલે કે પરિણામધારાને જુએ છે , સમજે છે અને એની અનુમોદના કરે છે . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને , ઉત્તમ જીવોની ભૂમિકાએથી જોઈએ તો એમની ગરિમા શું બને છે એનું અવલોકન श्री आवश्यकसूत्र बृृहद्वृत्तिના આધારે આપણે કરીશું .
સાધનાનો આનંદ એ સમાધિસ્થાન છે . સાધક સમાધિસ્થાનથી વંચિત રહે એવી પરિસ્થિતિને અસમાધિસ્થાન કહેવામાં આવે છે . અસમાધિસ્થાન વીસ છે . સાધકે અસમાધિસ્થાનથી બચવાનું હોય . સાધક એવી તકેદારી રાખે કે સમાધિ તૂટે નહીં અને આ અસમાધિ આવે નહીં . મહારાજજીએ નૂતન દીક્ષિત પૂજ્ય મુનિરાજ શ્રી રામ વિજયજી મહારાજા સ્વરૂપે પોષ સુદ તેરસે દીક્ષા જીવનનો પ્રારંભ કર્યો ત્યારથી માંડીને પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તરીકે અષાઢ વદ ચૌદશે અલવિદા લીધી ત્યાં સુધીના સમયગાળામાં અસમાધિસ્થાનોને એકદમ જાગૃતિપૂર્વક દૂર રાખ્યા હતા . કેવી રીતે ? વિસ્તારથી જોઈએ .
પ્રથમ અસમાધિસ્થાન છે दवदवનો સંયોગ . दवदव એટલે ઉતાવળ . સાધક જે ક્ષણે જે પ્રવૃત્તિ કરે છે તેમાં એ પૂર્ણ ઉપયોગ અને અહોભાવને જોડે છે . સંસારીને પોતાની મનગમતી પ્રવૃત્તિમાં આનંદ આવે . સાધકને સાધનાની ક્રિયાઓમાં આનંદ આવે છે . સાધક દરેક ક્રિયાને અંતર્યાત્રા રૂપે આદરતો હોય છે . જેમાં આનંદ આવતો હોય એમાં ઉતાવળ ના હોય . ચાર પ્રકારે ઉતાવળ થતી હોય છે : दवदवचारी , दवदवभोई , दवदवभासी અને दवदवपडिलेही . दवदवचारी એટલે ચાલવામાં ઉતાવળ અને ઔચિત્યભંગ . दवदवभोई એટલે ખાવાપીવામાં ઉતાવળ અને ઔચિત્ય ભંગ . दवदवभासी એટલે બોલવામાં ઉતાવળ અને ઔચિત્ય ભંગ . दवदवपडिलेही એટલે પડિલેહણ આદિ ક્રિયાઓમાં ઉતાવળ અને ઔચિત્ય ભંગ .
૧ .
दवदवचारी અવસ્થાનાં ચોકઠામાં સાધક ગોઠવાઈ શકતો નથી . સાધક ચાલે એમાં સ્ફૂર્તિ ઘણી હોય . સાધક ચાલે એમાં ઉત્સાહની ધાણી ફૂટે . સાધક માંદલો માંદલો ચાલે નહીં . પણ એટલું ચોક્કસ સમજાય કે સાધક ધીમે ધીમે ચાલે છે , ન ઉતાવળ છે , ન ભાગાદોડી છે . સાધકની ચાલમાં સાધનાનો સ્પર્શ વર્તાય છે . મહારાજજીની વિહારચર્યા પર दवदवचारी અવસ્થા હાવી થઈ નહોતી . મહારાજજીએ વિહાર સંબંધી નિયમ બનાવીને રાખ્યા હતા .૧ . અંધારે વિહાર નહીં કરવાનો .૨ . એવો લાંબો વિહાર કરવાનો જ નહીં કે જેની માટે પરોઢનાં અંધારે નીકળવું પડે .૩ . એકીસાથે એટલાબધા પ્રસંગો ન સ્વીકારવા કે લાંબો વિહાર કરવાનો વારો આવે . મહારાજજીએ વિહારયાત્રાને ભાગદોડ બનવામાંથી બચાવી રાખી હતી . શાસન પ્રભાવના કરતા સંયમ યાત્રાનું મહત્વ ઘણું જ વધારે છે . એ વાત એમના વિહારક્રમ જોઈને પણ શીખવા મળતી. એક વર્ષમાં વધારેમાં વધારે કેટલો વિહાર કર્યો એની ગણતરી સંયમયાત્રામાં નથી થતી . જે વિહાર કર્યો તેમાં વિધિ કેટલી જળવાઈ અને અવિધિથી કેટલી હદે બચી શકાયું તેનું જ માહાત્મ્ય જાળવવાનું હોય છે . दवदवથી બચવાનો આ પહેલો મુદ્દો . બીજો મુદ્દો રોજીંદી અવરજવર સાથે જોડાય છે . તેમની દૈનિક અવરજવરની દરેક પ્રવૃત્તિ ઉતાવળથી મુક્ત રહેતી. ઉપાશ્રયથી દેરાસરે જવું છે, આરામથી જતા . ત્રણ પ્રદક્ષિણા આપવી છે , આરામથી આપતા . ખમાસમણ આપવા છે , આરામથી આપતા . દેરાસરથી પાછા ઉપાશ્રયે આવવું છે , આરામથી આવતા . પોતાની બેઠક પરથી વ્યાખ્યાન હોલ તરફ જવું છે , આરામથી જતા . જ્યાંથી નીકળતા , આરામથી પસાર થતા . એમની અવરજવરની ક્રિયાઓમાં ઉતાવળનો અણસાર રહેતો જ નહીં . સમયના પાબંધ હતા . વહેલા પહોંચે એ બને , મોડા તો ક્યારેય ન પહોંચે . એટલે સમયની મારામારી પણ બનતી નહીં . દરેક કામ પોતપોતાના સમયે પૂરું થઈ જવું જોઈએ એવી નિયમિતતા જાળવતા . એટલે એક જગ્યાએ ફસાયેલા રહ્યા એને કારણે બીજી જગ્યાએ પહોંચવામાં મોડું થયું એવી ગડબડ પણ થતી નહીં . બધું ટકોરાબંધ સમયસર થતું . પોતાની સમયબદ્ધતા અતૂટ રાખી હતી . મોડા પડવાનો સવાલ આવતો જ નહોતો અને જલ્દી કરો જલ્દી કરોવાળી હડબડી બનતી નહોતી . જુવાનીમાં ગોચરી લેવા જતા ત્યારે પણ સમયસર નીકળતા . જ્યાં પહોંચવાનું હોય તે જગ્યા નજીક હોય તો સમય જુદો . જ્યાં પહોંચવાનું હોય એ જગ્યા દૂર હોય તો સમય જુદો . આ રીતે ચોક્કસ ગોઠવણ થતી જ . તેને કારણે તેઓ ગોચરી લેવા નીકળતા એમાં પણ ઉતાવળ વર્તાતી નહીં. दवदवचारी અવસ્થા એક સમસ્યા છે . આ સમસ્યા અવ્યવસ્થા , અશાંતિ અને અજંપામાંથી આવે છે . મહારાજજી વ્યવસ્થા , શાંતિ અને જંપના મહારથી હતા . આને કારણે दवदवचारीની પરિસ્થિતિ એમને લાગુ પડતી જ નહીં . ઈર્યાપથિકાનો પ્રેમ મહારાજજીમાં આકંઠ . ધીમી ગતિએ ચાલવામાં એમને આધ્યાત્મિક આનંદ સાંપડતો . મારું ચાલવું એ મારી આરાધનાની પ્રવૃત્તિ છે એમ માનતા અને दवदवचारी અવસ્થાને માત દેતા .
૨ .
दवदवभोई અવસ્થા આહારપાણી સાથે જોડાય છે . આહારનો કોળિયો અને પાણીનો ઘૂંટડો , દેહવૃત્તિ છે . સાધક એમાં શોખ ન પાળે એ હકીકતે સાચું પણ સાધક આહારપાણીમાં અનાવશ્યક ઉતાવળ કરતો નથી . આહારપાણી સાથે સાધક જોડાય છે . આહાર પાણી સાધનાને સહાયક બને છે . આહારપાણી આરાધનાને બળ આપે છે એટલે આહાર પાણી લેતી વખતે વેઠ વાળવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી . ઉપવાસ કરો એ સર્વોત્તમ , પણ કેટલા ઉપવાસ કરી શકાય ? પારણું કરવું જ પડે છે . ઉપવાસ વિનાના દિવસો માથે ઝીલવા જ પડે છે . એ દરમિયાન આહાર , શક્તિ સાધક બને અને પાણી , ઊર્જા સાધક બને એ રીતે આહાર અને પાણી સાથે સમય વીતાવવો જ પડે છે . ઉતાવળે લીધેલો કોળિયો અને ઉતાવળે ભરેલા ઘૂંટડા પેટમાં તુરંત હજમ થતા નથી , લાંબા ગાળે નુકસાન કરે છે . આહાર લેતી વખતે , પાણી વાપરતી વખતે આનું ધ્યાન ન રખાય તો આરોગ્યશાસ્ત્રના નિયમનો ભંગ થઈ જાય છે . સાધક શરીર પાસેથી કામ લેવા આહાર લે છે , શરીરને બગાડવા માટે નહીં . આહાર , આત્માનો સ્વભાવ નથી એ વાત સાચી છે પરંતુ આહાર શરીર માટે તો સ્વભાવ જેવી જ આવશ્યકતા છે . એ આહાર , વિવેક વગર લેવામાં , નુકસાન વધુ છે . ખાવા પીવાનો શોખ રાખવાનો નહીં એ પાકું છે અને ખાવા પીવામાં લોચા વાળવાના નહીં એ પણ છે પાકું છે . મહારાજજી જે આહાર ગ્રહણ કરતા તેમાં સ્વાદ વૃત્તિ ન પોષવાની તકેદારી જાળવતા . મીઠું મળે તો હરખાય , કડવું મળે તો કચવાય એવું થતું નહીં . ગરમાગરમ મળે તો રાજીપો નહીં , ઠંડુગાર મળે તો વસવસો નહીં . જે મળ્યું તે વાપરી લેવાનું . દોષિત આહારથી બચવાની ભાવના હંમેશા બનેલી રહે . જેમણે ઉપવાસ અને આંબેલ કર્યા છે એમની અનુમોદના મનમાં ચાલતી રહે . જે પાત્રે આવ્યું છે તેને સંભાળપૂર્વક અંદર ઉતારી દેવાનું જરૂર . પણ જીભને ટેસડો ના મળવો જોઈએ એટલું તો ખરું જ . ભાવતી વસ્તુ મોંમાં મમળાવવાની અને ન ભાવતી વસ્તુ ઝટ ગળાની નીચે ઉતારી દેવાની એવું વલણ નહોતું રાખ્યું . दवदवभोई અવસ્થાથી બચવા મહારાજજીએ આટલા નિયમ બનાવી રાખેલા . ૧ . ઓછાં દ્રવ્યોથી ચાલી જતું હોય તો વધારે દ્રવ્ય લેવાના નહીં . ૨ . એકાદ વિગઈ છોડી શકાતી હોય તો , છએ છ વિગઈઓનો લબાલબ થાળ , સ્વીકારવાનો નહીં . ૩ . થોડા સમયમાં વાપરવાનું પૂરું થઈ જતું હોય તો , લાંબો વખત બેઠા રહેવાનું નહીં . ૪ . નિર્દોષ દ્રવ્ય મળી જવાનું નિશ્ચિત હોય ત્યારે દોષિત દ્રવ્ય તરફ લલચાવાનું નહીં . ૫ . નિર્દોષ પાણી નહીં જ મળે એવું પાક્કું હોય ત્યારે જ ન છૂટકે દોષિત પાણી લેવાનું . આ નિયમો તૂટશે એટલે दवदवभोईનો દોષ લાગશે . અચૂક યાદ રાખતા .
૩ .
दवदवभासी અવસ્થા વાણી સંબંધી છે . મનમાં જે આવ્યું તે એમ ને એમ બોલી નાખવું એ ગંભીરતાની નિશાની નથી . અલબત્ત મનમાં જે હોય તે જ બોલવું એને અધ્યાત્મવચન કહેવાય છે પરંતુ એ આગમશાસ્ત્રની અલગ ભૂમિકા છે . સામાન્યતઃ મનમાં જે હોય એ બધું જ બોલવા લાયક હોતું નથી . સાંભળનારની ભૂમિકા અને પરિસ્થિતિની આવશ્યકતા અનુસાર જે બોલવાનું હોય એ જ બોલાય . જે ભૂમિકા અને આવશ્યકતાથી વિપરીત હોય તે ના જ બોલાય . જે બોલીએ તે ઉપયોગી હોવું જોઈએ . જે બોલીએ એનું કોઈ સારું પરિણામ આવશે એ નિશ્ચિત હોવું જોઈએ . બસ , આમ બેઠા છીએ તો બોલતા જઈએ એવો ગપ્પાબાજીનો સ્વભાવ સાધકને શોભતો નથી . સાધક વિચારપૂર્વક બોલે . આવેશ અને પૂર્વગ્રહ રાખ્યા વિના બોલે . પોતાનું કથન ભાષા સમિતિ અને વચન ગુપ્તિને અનુરૂપ હોય એની કાળજી સાધક હંમેશા રાખે . વાતો કરવી અને વાર્તાલાપ કરવો આ બંને વચ્ચેનો ફરક સાધક સમજે છે . ઉપયોગી વ્યક્તિ સાથે ઉપયોગી કક્ષાની વાર્તા એટલે કે વાતચીત કરવી એ વાર્તાલાપ છે . જે ઉપયોગી છે જ નહીં એવું બધું બોલવું અને એવી વ્યક્તિ સાથે બેસીને બોલવું જેની કોઈ ઉચિત ભૂમિકા જ નથી એ दवदवभासी અવસ્થા છે . ખુદ તીર્થંકર ભગવાન્ શ્રમણ અવસ્થામાં અલ્પતમભાષી હોય છે આ વાત સાધકને યાદ હોય છે . હું છદ્મસ્થ છું માટે મારે પણ ઓછામાં ઓછું જ બોલવાનું હોય એવી મર્યાદા સાધકને યાદ હોય છે . વાતોડિયો માણસ . તડફડિયો માણસ લાંબા ગાળે કાર્ય સાધક બની શકતો નથી . વાર્તાલાપ માં મર્યાદા હોય છે , સીમા હોય છે અને એક સમુચિત અનુસંધાન હોય છે . અમથા બેઠા બેઠો , જે આવ્યા એ બધાની સાથે વાતો જ કર્યા કરે એને મર્યાદા શું ? સીમા શું ? અને આગળ પાછળના લેવાદેવા શું ? મહારાજજી વ્યાખ્યાન વાચસ્પતિ બન્યા તે પૂર્વે વાર્તાલાપવાચસ્પતિ બની ચૂક્યા હતા . બિનજરૂરી બાબતો પર , નકામા મુદ્દા ઉપર બોલવાનું જ નહીં . ચોક્કસ શબ્દો તો ક્યારેય મોઢામાં આવે જ નહીં . જે બોલે તે ધીમે ધીમે બોલે . ધીમું બોલવામાં પણ સ્વાભાવિકતા . દંભી માણસ ચીપી ચીપીને બોલે એમાં કશીક દુર્ગંધ આવતી હોય છે . ગોઠવી ગોઠવીને બોલનારા સફાઈથી જૂઠ બોલી શકે છે પણ એવું બોલેલું આખરે તો બેકાર જ ગણાય છે . ધીમે ધીમે બોલવું એટલે નુકસાન ન થાય એટલું જ બોલવું . ધીમે ધીમે બોલવું એટલે ભૂલ ન થાય એ રીતે જ બોલવું . ધીમે ધીમે બોલવું એટલે ઉત્સૂત્ર ન બને એવું જ બોલવું . હિતકારી વચન . મિત વચન . તથ્ય વચન અને પથ્ય વચન . આ ચારેય સાથે મહારાજજીને કાયમ સંબંધ રહ્યો . આ ચાર સિવાયની કોઈ વાત મહારાજજીનાં મોઢેથી ક્યારેય કોઈને સાંભળવા મળી નથી . વાતે વાતે તરત જવાબ આપી દેવો , કારણ વગરના પ્રશ્ન પૂછવા , નિંદા કરવી , ઉત્સાહ તોડી નાંખવો , શાસ્ત્ર સાથે લેવા દેવા ના હોય એવી બાબતોની ચર્ચા કર્યા કરવી આ બધી બાબતો दवदवभासी અવસ્થામાં જોવા મળે છે . જે સમજ્યા વિના બોલે છે તે તેને માફી માંગવી જ પડે છે . મહારાજજી दवदवभासी નહોતા . આવેશમાં આવીને કાંઈપણ બોલી જવું એવો મહારાજજીનો સ્વભાવ ન હતો . એટલે મહારાજજીને ૭૭ વર્ષની લાંબી સંયમચર્યામાં ક્યારે પણ માફી માંગવાનો વારો આવ્યો નહોતો .
૪ .
दवदवपडिलेही અવસ્થા પ્રતિલેખન આદિ ક્રિયા સંબંધી છે . એક કામ ફટાફટ પૂરું થાય એ પછી બીજું કામ કરવું છે . બીજું કામ ફટાફટ પૂરું થાય એ પછી ત્રીજું કામ કરવું છે આ રીતે ટાર્ગેટ અચિવ કરવાની થિયરી સાધકે રાખી હોતી નથી . સાધકનું સૂત્ર બહુ સિમ્પલ હોય છે : જ્યારે જે કરવું છે તે એકાગ્રતાપૂર્વક કરવું છે , જ્યારે જે કરવું છે તે આજ્ઞા અનુસાર જ કરવું છે . પહેલા શું હતું અને પછી શું હશે એ વિચારવા કરતાં – અત્યારે શું કરવાનું છે એ વધારે અગત્યનું હોય છે . આગળની અને પાછળની પળોજણમાં અટવાઈને જે વર્તમાન ક્રિયાને ઉતાવળે પતાવવા માંગે છે તેની હાલત એક એવા પશુ સમાન હોય છે જે ન ઘરનો હોય છે અને ઘાટનો હોય છે . પ્રતિક્રમણ , પડિલેહણ જેવી ક્રિયાઓ ફટફટ કરી લેવી છે એવું વલણ સાધક રાખતો નથી . આપણી દરેક ક્રિયા એકલે હાથે કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે . જે ક્રિયા આટલું મોટું ફળ આપી શકે તે ક્રિયા પૂરતો સમય માંગે એમાં કોઈ આશ્ચર્ય નથી . ઢીલાશ ન રાખવી અને આળસ ન કરવી આ વાત બરોબર છે . પરંતુ ઉતાવળ ઉતાવળ અને ઉતાવળની જ ભૂતાવળ રાખવી એ સદંતર ખોટું છે . ક્રિયાઓની બાબતમાં મહારાજજી ક્યારે ઉતાવળ રાખતા નહીં . કોઈને માંગલિક સંભળાવવાનું હોય કે દિવસમાં વારંવાર પછી પચખાણ આપવાના હોય કે દેરાસરમાં દર્શન કરવાના હોય કે સિદ્ધગિરિરાજની નવ ટૂંક જુહારવાની હોય કે અમદાવાદ – પાટણના ભવ્ય જિનાલય જુહારવાના હોય , મહારાજજી ઉતાવળ વિના જ ક્રિયાઓ કરતા. કોઈ ઉતાવળ કરે તો એને રોકતા , ટપારતા અને ઉતાવળને નિવારી દેતા . મહારાજજીને મુહપત્તિનાં પડિલેહણમાં વાર લાગતી , મહારાજજીનો કાઉસગ્ગ લાંબો ચાલતો . આવું એટલા માટે થતું આવું થતું કારણ કે મહારાજજી મનમાં સૂત્ર બોલતી વખતે પણ ઉતાવળ કરતા નહીં . અનાદિકાલીન ચાર મહાસંજ્ઞાઓ આત્માને મોક્ષથી દૂર રાખી રહી છે . એ સંજ્ઞાઓ દુષ્ટ સંસ્કારોનો મહાસમૂહ છે . આ દુષ્ટ સંસ્કારોની સામે ઉત્તમ સંસ્કારોનો મહાસમૂહ ઊભો કરવા માટે જ તો ક્રિયાઓ અને સાધનાઓ કરવાની છે . ઉતાવળથી થયેલી ક્રિયાઓ સંસ્કાર નિર્મિતિ કરી શકતી નથી . ઉતાવળ વિના થયેલી ક્રિયાઓ ભરપૂર સંસ્કાર નિર્મિતિ કરી શકે છે . અશુભ સંસ્કારોનું બળ તૂટીને ચૂરચૂર થઈ જાય એ માટે જરૂરી હોય છે કે શુભ સંસ્કારોનું બળ ભરપૂર વધે . દિવસ અને રાત દરમિયાન જે કંઈ પણ ક્રિયાઓ કરવાની છે તે શુભ અને સાત્ત્વિક સંસ્કારોનું પ્રબળ નિર્માણ કરશે એવો આત્મવિશ્વાસ સાધકે રાખવાનો છે. સંસ્કારનું શુભ તત્ત્વ આત્માની શક્તિ છે. એવી શક્તિ જે આગામી ભવોમાં સથવારો બની રહેશે . જે ક્રિયામાં ગોટાળા વાળે છે તેને આગામી ભવોમાં ક્રિયાઓ ફરીથી મળશે જ નહીં . ક્રિયાઓમાં જે માવજત રાખે છે તેને આગામી ભવોમાં ક્રિયાઓ ત્યારસુધી મળ્યા કરશે જ્યાં સુધી એ મોક્ષમાં પહોંચતો નથી . ક્રિયાઓમાં ઉતાવળ ન કરવી એ જ છે दवदवपडिलेही અવસ્થાનો પ્રતિકાર . મહારાજજીએ આ પ્રતિકાર , પ્રતિદિન અને પ્રતિપળ ચાલુ રાખેલો .
( ક્રમશઃ ) — લેખક : देवर्धि
श्रीमद् वीरजिनेशजन्मसुभगं कल्याणकेषूत्तमं
चैत्रं शुक्लमयं त्रयोदशदिनं जीयात् सुखैकाश्रयम् |
देवेन्द्रो भगवत्-प्रभाव-चलित-स्वीयासनानंदितो
यस्मिन् कोटिकदेववृंदसहितः चक्रे सुमेरूत्सवम् ।।१।।
धन्या क्षत्रियकुंडभूमिरनघा वीरप्रभोरादिम-
श्वासोच्छ्वास-सुगंध-बंधुर-मरूद्-धाराभिरालिंगिता ।
भक्तैर्भारतदेशराज्यनगरग्रामेषु वीरोत्सवो
यः सर्वत्र विधीयतेsद्य स खलु प्रारंभितोsस्याः भुवः ।।२।।
वीरो पूर्वभवान् व्यतीत्य भगवान् षड्विंशतिं प्राप्तवान्
आषाढे सितपक्षषष्ठदिवसे गर्भस्थितिं निर्मलाम् ।
ग्रामे ब्राह्मणकुंडनामनि महासौभाग्यवान् देवत
आनंदामधिकृत्य नक्तमृषभाद् दत्तस्य गेहे प्रभु: ।।३।।
ईन्द्रादेशमवाप्य हारिनिगमेषी नाथमुत्थाप्य तत्-
कालं क्षत्रियकुंडराजभवने सिद्धार्थराज्ञीं नमन् ।
तस्याः कुक्षिमलंचकार भगवद्विन्यासनेनादराद्
आश्चर्यं तदभूदनन्तसमयेनाsत्रैव तीर्थस्थले ।।४।।
श्री सिद्धार्थनरेश्वरस्य भवने संपत्तिसंपूरिते
माता श्रीत्रिशला चतुर्दशमहास्वप्नाsवलोकेन यम् ।
आनंदातिशयं जगाम परमं तस्याsभवत् साक्षिणी
सेयं क्षत्रियकुंडभूमिरमरैराराध्यमानाsनिशम् ।। ५।।
धन्यो जन्मकरः क्षणो भगवतः धन्या तिथिः जन्मनो
धन्या क्षत्रियकुंड-नाममहिता श्रीवीरजन्मस्थली ।
यत्राsद्यापि विशिष्ट – देव – निकरै-रदृश्यभावाश्रितै-
रुत्कृष्टा प्रतिरात्रि भक्ति – रसितैरारात्रिका गीयते ।।६।।
षट्पंचाशकसंख्यया किल दिशां देव्योsत्र शश्वत् क्रमे
चक्रुः स्नात्रमहोत्सवं बहुविधै: द्रव्यैरमन्दादरात् ।
शक्रो वैक्रियलब्धिना शिशुविभो रूपं व्यधादुत्तरं
जग्राह स्वयमत्र पंचतनुतां चोत्कृष्टभावोद्धुर: ।। ७ ।।
सुप्तः प्रेङ्खणके जगत्त्रयपतिः सौवर्णरत्नांचिते
किंकिण्या रणकारिरज्जुचलिते शय्यासुखे पाटलै: ।
दोलागीतिमलौकिकामविरतं शृण्वन् जनन्या पितुः
प्रीतीक्षाप्रगुणः कुटुंबिभिरिहैवैकाग्रमालोकितः ।। ८ ।।
आसीत् शैशवमद्भुतं भगवतो बाल्यं च सौभाग्यवद्
तारुण्यं कमनीयमुत्तमगुणं योगाssवृतं यौवनम् ।।
कर्मक्षीणदशाकरः परिणयः पितृत्वमाध्यात्मिकं
तत् सर्वं धरयाsनया विमलया दृष्टं प्रभोः मातृवत् ।।९।।
नंदीवर्धनबांधवः विनयवान् सौहार्दवारांनिधिः
विख्यातश्च सुदर्शनाsनुजतया कारुण्यधाराधरः ।
देवार्यः प्रियदर्शना-जनयिता श्रीमान् यशोदापतिः
त्रिंशद्वर्षमिहाsवसद् गृहितया श्रीवर्धमानप्रभु: ।। १० ।।
वीरस्पर्शवती धरेह रजसा वृक्षैः समीरैः जलैः
रोगान्नाशयति प्रभावगुरुता तीर्थस्य का कथ्यते ।
यस्यामामलकीं गतः निकृतवान् सर्पं पिशाचं प्रभुः
तस्यां निंबवनं मनोहरघनच्छायं स्थितं संप्रति ।। ११ ।।
स्वर्याते पितरि प्रभुर्हि विरतिं संप्रार्थयन् वारितो
भ्रात्रा भोगसुखं जहौ शुचिमनाः वैराग्यमध्याश्रित: ।
कायोत्सर्गरतः प्रलंबितभुजा नासाग्रनेत्र: स्थिरः
संवेगस्थितिरेतया शुभधरण्या नित्यमालोकितः।। १२ ।।
दीक्षार्थं जयकारिनंदिवचनैर्लोकांतिकै: सन्मतिः
विज्ञप्तोsवधिबोधवानिह सदा देदीप्यमानोsर्कवत् ।
तेने वार्षिकदानमिच्छितकरं सर्वार्थसंपादकं
श्रीसिद्धाचलतीर्थवद् भविकतानिर्घोषकं सिद्धिदम् ।।१३ ।।
कार्तिक्या दशमीदिनेsसितरसे दीक्षाsभिषेको महान्
सर्वेन्द्रै: विहितः ततश्च शिबिकायात्रा प्रभो: निर्गता ।
यद् यद् वर्णनमस्ति तस्य सरसं श्रीकल्पसूत्राभिधे
शास्त्रे क्षत्रियकुंडभूमिरखिलं प्रत्यक्षमैक्षिष्ट तत् ।।१४।।
आषाढांबुधरोपमस्त्रिभुवनाssनंदो नभोभेदकः
निर्घोषो दशदिग्जयी भगवति स्वीयाssलयात् प्रस्थिते ।
एतस्यां पुरि देवदानवनरैः संख्यातिगैः यः कृतः
तेनेव स्वरितैः झरैर्गिरिगतैरद्यापि संगीयते ।। १५ ।।
आयाते नगराद् बहिः बहुतरौ श्रीज्ञातखंडे वने
प्रस्थाने परिहृत्य पुण्यशिबिकामायादशोकांघ्रिपे ।
संग्राहैरथ पंचभि: शिरसिजानां केशलोचं प्रभुः
कृत्वा दीक्षितवानिहत्र हि नमो सिद्धाणमित्युच्चरन् ।।१६ ।।
देवेन्द्रार्पितदेवदूष्यसुभगः श्रीवर्धमानप्रभु:
षष्ठं सप्तममाप्तवान् वरगुणस्थानं मनःपर्ययम् ।
निर्ग्रंथो महाभिक्षुरूर्ध्वगतिमानध्यात्मसंवित्तिभाक्
एतां पुण्यवतीं निरावृतपदस्पर्शेन चक्रे भुवम् ।। १७ ।।
वीरे प्रव्रजिते वने च विगते शून्यत्वमध्यागतं
पुर्यां पौरजनेsथ राजभवनस्थेषु स्वकीयेष्वपि ।
सर्वेषां नयनाश्रुभिः प्रतिपलं वर्षद्भिरापूरिता
गंभीरा बहुवारिसिंधुरमलाsक्षीणप्रवाहाsभवत् ।। १८ ।।
नंदीवर्धनभूपतिः किल निजां हर्तुं वियोगव्यथां
मूर्तिं कारयति स्म भक्तहृदयः साक्षादिवोज्जागृताम् ।
भव्यां मेचकवर्णतर्जितमहामेघद्युतिं निर्मलां
चित्तोषाय शताधिकाष्टभिरुदारैः लक्षणैः शोभिताम् ।। १९ ।।
देवा भक्तिरसेन बिंबरचनाकाले तनौ शिल्पिनः
स्थित्वा चक्रुरनारतं भगवतः प्रत्यंगनिर्मापणम् ।
मूर्तौ तेन हि मानवोत्तरमहः प्रत्यक्षमालोक्यते
सौंदर्यं कमनीयमात्मसुखदं चैतन्यमत्यद्भुतम् ।। २० ।।
शीर्षं कोमलकुंतलं वरशिखोच्छृंगं सुमेरून्नतं
भालः चंद्रविशाल उन्नतघनभ्रूभ्राजितो भास्वरः ।
आर्हन्त्यप्रगुणे महोत्पलदलस्निग्धे कृपावासिते
नेत्रे भार्गवभासुरे भगवतः सर्वज्ञतोट्टंकिते ।। २१ ।।
तीक्ष्णाsग्रा करवालिकेव मणिनेवोद्दीपिता नासिका
सुस्पर्शा कलिकावदच्छमृदुला पुष्टा कपोलस्थली ।
बिंबौष्ठौ स्थलपद्मपाटलतरौ माधुर्यगंगाधरौ
कर्णावाकृतिसुंदरौ विसृमरौ सेवंतिकापत्रवत् ।। २२ ।।
ग्रीवा शंखसमा त्रिरत्नसदृशा रेखात्रयेणांकिता
स्कन्ध: गौरववान् हिमालयसमुत्तुंगः सदाधारद: ।
वक्षो वारिधितीरभूमिविततं श्वासैरिव प्रोन्नतं
कुक्षिः नाभिसुलक्षणा तनुतरा श्रोणिश्च पंचास्यवत् ।। २३ ।।
अंगुलीदशकेन पुष्पकलिकारम्येण हस्तांजलि:
बद्धो वीरविभोरनंतबलिनः प्रत्यक्षमाशीःसमः ।
अम्भोजासनवर्तिनो: चरणयो: पार्ष्णिप्रदेशे स्पृशन्
ऊर्जाssनन्त्यमिवार्हतः प्रकटयत्यदृश्यभाभास्वरम् ।। २४ ।।
गंगातीरविशालतामिव वहन् जंघाप्रदेशो मृदु:
जानुस्थानमिवाssम्रतुल्यमभयाssधानं च पंचांगुलम् ।
पूते पादतले सुरेखिततया संपद्भिरभ्यर्चिते
प्रत्यङ्गं विलसत्यवर्णनीयता देवाधिदेवे परा ।। २५ ।।
जीवत्वेन सनातनेन सततं सिक्तेव साक्षात् कृतिः
सर्वांगीणसुखाsवतारसुभगा सौन्दर्यसंवाहिनी
मूर्तिः वीरजिनेश्वरस्य परमानंदप्रदा राजते
लोकालोकविलोकिनीव परमै: तेजोभिरूद्दीपिता ।। २६ ।।
राज्ञा सा भुवनाsभिरामभवनालंकारहारोपमे
चैत्ये बांधवतुल्यरूपसुभगा मूर्तिः प्रतिष्ठापिता ।
दुःखं दोषमघं हरत्यविरतं दुर्भाग्यमज्ञानितां
सौभाग्यं च सुखं सदैव वितरत्यध्यात्ममुर्जां मुदम् ।। २७ ।।
कैवल्यादनु वर्धमानभगवान् अभ्यागतो ब्राह्मणाद्
कुंडग्रामणि भव्यकैरववनान्युल्लासयन् सूर्यवत् ।
आद्यां मातरमाद्यतातमनघज्ञानश्रियाsबोधयत्
देवानंदकरीप्रसूः वृषभदत्तस्यांगजः सर्ववित् ।। २८ ।।
पुण्यः प्रेमपयःस्रवः स्वजननीवक्षःस्थलाद् योsभवत्
तं वित्त्वा गुरूगौतमः जिनपतिं पप्रच्छ तत्कारणम् ।
माता मे जनको ममेति पितरौ संलक्ष्य नाथोsवदत्
तं श्रुुत्वा पितरौ महाव्रतधरौ जातौ शिवं चाssप्नुताम् ।। २९ ।।
आयाति भगवानमेयकरूणाशाली स्म वर्षे चतु –
श्चत्वारिंशति जन्मतीर्थनगरे कुंडे चलन् क्षत्रिये।
प्रव्रज्या प्रियदर्शनां भगवता दत्ता सजामातृकां
लोकान् पंचशतान् च राजपरिवारस्थान् सहस्राsधिकान् ।। ३० ।।
निध्यातुं निजगेहमंदिरगतां मूर्तिं नृपेणेश्वरो
विज्ञप्तः समुपेतवान् स्वसहभू-वात्सल्यशाली किमु ।
सा दृष्टा निजनेत्रसाक्षिकमनंतज्ञानिना जीवित –
स्वामित्वेन सुशोभिता समभवत् श्वासैरिव प्राणिता ।। ३१ ।।
कल्याणत्रयशोभिता भगवतो वीरस्य भूमिः गुणै –
राकंठं सुभृता सुधारसमयी जीयात् सुधर्माश्रया ।
यातेषु किल पंचविंशतिशतेष्वद्यापि वर्षेष्वियं
प्रख्याता लछवाड इत्यभिधया विष्वक्चमत्कारिणी ।। ३२ ।।
एतत् पर्वततीर्थमस्ति शिखरे ग्रामे तटस्थायिनि
चंचच्चैत्यचतुष्टयं विलसति प्रौढप्रभावाश्रयम् ।
वैशालीजनवासदायिलछवाडे श्वेतशृगांकित-
माद्यं यात्रिनिवासभोज्यसुविधाsत्राssस्ते बहिर्मंदिरम् ।। ३३ ।।
अन्यं तु च्यवनस्थले बहुजलातीरे तृतीयं प्रभोः
प्रव्रज्याभुवि तुर्यमस्ति भगवज्जन्मस्थले पर्वते ।।
धन्या लक्षजना जिनेन्द्रचरणेष्वायान्ति कर्मक्षयं
पुण्योपार्जनमाप्नुवन्ति कल्याणकस्पर्शनात् ।। ३४ ।।
मातंगः सुरनायकः भगवतीसिद्धायिकासंयुत
एतं तीर्थमनारतं स्वयमधिष्ठाति प्रभावोत्कट: ।
नक्तं देवगणेन जन्मभवने तोर्यत्रिकेणोत्सव
आरात्रीयविधिश्च सांध्यसमये लोकोत्तर: साध्यते ।। ३५ ।।
काले काल उपागतैः मुनिजनैः संप्रेरितैः श्रावकैः
उद्धारादिकमादृतं प्रतियुगं चैत्येषु मार्गेषु च ।
तेनाद्यावधि तीर्थगौरववतीयं भूमिराभ्राजते
अर्हच्छासनभासनैः सुविहितैः गच्छैः समग्रैर्मता ।। ३६ ।।
उद्धारो विमलाद्रिणेव सुमहानस्याsभवद् विश्रुतः
कालेस्मिन्नवद्यशिल्परचनाशाली जगद्भासुरः ।
श्रीश्वेतांबरजैननामसुभगासोसायटीप्रार्थितै
राचार्यैः नयवर्धनैः सुविहितैः सूरीश्वरै: निश्रितः ।। ३७ ।।
जन्मस्थानगचैत्यमेकशिखरं पूर्वं यदासील्लघु
तत् त्रिंशन्नवशृंगमुच्चजगतीमंडोवरं मध्यतः ।
स्वर्गाsभ्याहृतवद् विशिष्टधवलैः पाषाणखंडै: कृतं
निर्दोषै: निपुणैरुदारललितैः शिल्पैः समुट्टंकितम् ।। ३८ ।।
दुग्धैः किं दधिभिश्च किं नु नवनीतैः किं हिमैः निर्मितं
किं मुक्ताभिरपां कणैः शशिकरैः किं शारदाभ्रैः कृतम् ।
नव्यं वीरजिनालयं विजयते सर्वांगशुभ्रं महा-
मेरूत्तुंगमनंतपुण्यकरणं पापावलिह्रासकृत् ।। ३९ ।।
स्तंभानां कमनीयसूक्ष्मरचना भास्वत्कलामंडिता
भित्तीनां सकलैव चित्रघटना प्राणैरिवोज्जीविता ।
द्वाराणां दशदिग्जितामिव महार्घ्या तोरणाsलंकृतिः
काचिद् देवविनिर्मितेव च वितानानां कलोत्कृष्टता ।। ४० ।।
मुक्तापुंजवदुज्ज्वलं च रजतालंकारवद्दीप्तिमद्
अत्यंताsद्भुतमाबुचैत्यसदृशं विस्तारकं नेत्रयोः ।
शब्दाsतीतकलाकृति स्वरमहादेव्येव संटंकितं
चैत्येsस्मिन् जननीयुगाभिधमतुल्याssभं गवाक्षद्वयम् ।। ४१ ।।
उद्ग्रीवो ननु वीरविक्रममहाप्रासाद ऊर्जामयो
लोधापानिगतं महालयमहो दूरस्थितं प्रेक्षते ।
यत्राsर्हज्जनकस्य पुण्यवसतिर्जीर्णा वरीवर्तते
देवाधिष्ठितगुप्तकोशकलिता भूमिश्च यत्राsनघा।। ४२ ।।
उत्तुंगे शिखरे ध्वजा विहरति स्वर्णीयदंडाश्रिता
मातृस्वप्नसहोदराsतिचपला सर्वांगनृत्यंकरा ।
अश्रांतं गगनांगणे जिनयशोगाथाsभिलेखे रता
भाषावर्गणयेव सर्ववचनैराध्यया सर्वदा ।। ४३ ।।
सर्वैकेन्द्रिय-वर्ग-ढौकित-नमस्या-द्रव्य-पुंजोपमै-
रुद्याने सुमनोभिरस्ति सततं सौरभ्यलीलाद्भुता ।
भक्तिः किं विकलेन्द्रियैरपि मृदादिस्थैश्च पंचेन्द्रियै:
कान्तारे निवसद्भिरत्र भवति श्रीवर्धमानप्रभो : ।। ४४ ।।
जीर्णोद्धार उदात्त आदृतवति प्रख्यातशिल्पिजनै
राष्ट्रव्यापकशोकदात्री घटना याsत्राsभवत् तां शृणु ।
श्रीवीरप्रतिमैव दुष्टहृदयै: स्तेनैररे चोरिता ।
कैरेतच्च कथं किमर्थमकृत ज्ञप्तिर्न तस्याsभवत् ।। ४५।।
संख्याsतीतजनाश्रुनीरनिकरैर्जाने समुद्रो भृत:
भक्तानामथ वीर वीर वचनैर्दुःखावलिर्जागृता ।
पृथ्वीवारिमरूद्दवेषु गगने पीडाप्रसारोsभवत्
शून्यत्वं स्फुरितं त्रिलोकमहिते श्रीवीरबिंबे हृते ।। ४६।।
जापो ध्यानमनुष्ठितिः बहु तपो संघेन संपादितं
तत्कालीनप्रजाधिपैर्निजनिजा राज्याधिपा देशिता: ।
आशाभंगभयाकुलै: गुरुजनैर्देवा अपि प्रार्थिता
किंतु स्वामिजिनेश्वरोsप्रकटितोsस्थात् कुत्रचित् पावनः ।।४७।।
एकस्मिन् दिवसे स्वयं क्वचिदपि क्षेत्रे ददौ दर्शनं
नाथः पूर्णमबाधितः सुखमुख: चौरादिवृत्तांतगुप् ।
मन्ये स्वां शुभपीठिकामपि समुद्धर्तुं जिनेन्द्रोsकरोत्
क्षेत्राधीश्वरदेवसाधितमहो स्थानांतरं सावधि ।। ४८।।
अत्यंतं सरलीकृतं भगवता आमूलमुद्धारणं
तेनोत्साहरसोल्लसत्कृतिजनैरुद्दामशोभांचितो ।
प्रासादो दिविषन्मदापहरणो निर्मापितः सत्वरं
जीयाद् वीरविभु: स्वभक्तहृदयाकांक्षां सदा पूरयन् ।।४९।।
आकाशाश्वखपक्ष(२०७०)संवति गुरुं विज्ञप्तवान् विक्रमाद्
श्रीसंघो नयवर्धनं भुवि समुद्धारं सुनिर्देशितुम् ।
क्ष्माधात्वंबरयुग्म(२०७१)संवति समुद्धारस्य भूपूजनं
शिलास्थापनमप्यभूदभिनवप्रासादनिर्मापणे ।।५०।।
नेत्राब्ध्यभ्रकरे च मूर्तिरनघा चौरै: हृता कार्तिकी –
कृष्णायाया अपरातिथौ च पुनराप्ता सा दशम्या दिने
नूनं सा नवनिर्मितिं सरलयितुं बन्धुप्रतिष्ठापिता
गात् सर्वप्रथमं प्रणीतिसमयादन्यत्र मूलस्थलात् ।।५१।।
क्ष्माखंडाsगखकर्णसंवति (२०७६)महामासस्य शुक्लाचतु-
र्दश्यां वीरजिनेश्वरो नवतरे चैत्ये प्रतिष्ठापित: ।
आचार्यैनयवर्धनै: सविजयैरुद्धारनिर्देशकै
र्गीतार्थैर्गुरुरामचंद्रभगवत्पट्टांशुमद्भिर्मुदा ।। ५२।।
अध्युच्चे शिखरे ध्वजा प्रसरिता वाजिंत्रनादैस्समं
ओम् पुण्याहमिति प्रघोषरटणा भक्तैरसंख्यै: कृता ।
देवैर्नर्तनमादृतं विलसितं राष्ट्रे महाहर्षणं
वन्यां सौरभवर्षणं नगकुले व्याप्तं सुखस्पंदनै: ।।५३।।
नानापूजनमंडित: सुरथयात्राशोभनो गायनै:
संगीतै: बहुमंत्रमंगलगुणः भव्यातिभव्योsभवत् ।
अर्हच्छासनभासनो भविजनानंदः प्रतिष्ठोत्सवः
सर्वत्रोन्नतिकारकांजनशलाकादिव्यविध्याश्रितः ।। ५४।।
तिर्यंचो वनवासिनश्च विहगा खाद्यै: प्रसन्नीकृता:
ग्राम्या निर्धनमानवाश्च वसनाद्यै: भूरि संतोषिता ।
सत्कारैर्बहुराज्यकारिण उदारैर्जग्मुरात्मीयतां
सम्यग्दर्शनभूमिकामिव धियं जैनेतरा प्रापिता ।।५५।।
आस्ते गर्भगृहे त्रिलोकहृदयस्था जीवितस्वामिनी
मूर्ति: मानवदेवदानवसमाराध्याsमृतस्राविणी ।
श्यामाsम्भोधरभास्वराsक्षियुगलं विद्युुत्समं बिभ्रती
तापं नाशयति प्रसन्नयति हृत् पुष्णाति सत्त्वोन्नतिम् ।।५६।।
श्रीमानादिजिनो मरीचिसमये वीराssत्मदीक्षार्पकः
श्रीसीमंधरनायकः भगवतः सम्यक्त्वसाक्षी बहिः ।
श्रीमान् पार्श्वजिनः त्रिलोकमहितः पित्रोः समर्च्यः प्रभो-
रागामिजिनपद्मनाभभगवांश्च श्रेणिकाssत्मा कृती ।। ५७।।
वीराssद्याsन्तिकवासिगौतमगणाधिपस्य लब्धीशितुः
वीरस्याssदिमपट्टधारकसुधर्मास्वामिनः मूर्तयः ।
मातंगस्य महासुरस्य भगवद्भक्तस्य तीर्थेशितुः
चंचच्चारू-चमत्कृतीष्टवरदा-सिद्धायिकाया अपि ।। ५८।।
दृष्ट्वा यानि मनोरमाणि नितमां वर्णेषु रेखास्वपि
श्रेष्ठै: सन्मतिसप्तविंशतिभवानां भावयात्रा भवेत् ।
चित्रैस्तै परिमाणकत्रययुतैः पाषाणपट्टांकितैः
त्रिंशत्तो नवसंख्यदेवकुलिका भ्राजन्त उद्यत्कला: ।। ५९।।
मुंबय्यां पुरि नव्यबिंबनिकरो प्राणै: प्रतिष्ठां गतः
सोsयं कुंडपुरे प्रफुल्लनयनैरानीत आस्थालुभि: ।
नव्यैका प्रतिमा च कुंडनगरे प्राणप्रतिष्ठामगात्
सर्वाभिश्च नवं जिनालयमिदं स्वर्गीयतामाप्नुवत् ।। ६०।।
दीक्षाया च्यवनस्य मंदिरयुगं यत् कुंडघाटे बभौ
तन्मग्नं जलबंधवारि वसुधा राज्येण दत्ता नवा ।
एतस्यां तलहट्टिका विरचिता शोभामयी श्रावकै:
रम्यं चैत्ययुगं सुशिल्पमिह सच्चित्रांचितं कारितम् ।।६१।।
आसीद्यत्र पुरा पुरं तदभवत् स्थानं वनं चैत्यवद्
दारामस्थलभोज्यगेहविकलं मार्गोsप्यभूद् दुर्गमः ।
तत्रोपाश्रययुग्म-भक्तिभवन-स्नानस्थली-भोजन
शाला-गोपुरनिर्मिति: समभवद् मार्गोsनुकूलोsभवत् ।। ६२।।
माओवादिन उग्रशस्त्रकलिता लुण्टाकवृत्ता अति-
क्रूरा नास्तिकधीषणा इह समुद्धारेsन्तरायेच्छव: ।
प्रापु: निष्फलतां द्विवारमयमेवास्ति प्रभावोर्हतः
वीरो विघ्नविदारणो विजयते वन्दारूवृंदार्चित: ।। ६३।।
द्रव्याणां शतकोटितोsधिकधनं संघैश्च भक्तैर्जनै-
रुद्धाराय समर्पितं भगवते स्वोल्लासतः सादरम् ।
याञ्चापत्रकमुद्रणे न विहिते न प्रेषितेsपि क्वचित्
पूर्णं वित्तमुपागतं स्वयमहो देशाद् विदेशादपि ।। ६४।।
वीराद् कोटिगणे चराचरहिते श्रीवज्रशाखास्थिते
धन्ये चान्द्र कुले विभासिनि तपागच्छे जगद्विश्रुते ।
आरूढ शुभपीठमात्मकमलाद् श्रीवीरदानादनु
प्रेमाचार्यगुरोः प्रचंडयशसः पट्टाधिकारे पदे ।।६५।।
दीक्षाधर्मसुरक्षको जिनमतोद्भासे सहस्रांशुमान्
कारुण्योदधिरात्मशुद्धिकुशलो व्याख्यानवाचस्पति: ।
अर्हद्धर्मधुराधरः त्रिकरणैैर्योगी पवित्रो महान्
आचार्येश्वररामचन्द्रसुगुरु: सम्यक्त्वविस्तारकः।। ६६।।
निर्लेपो बहुमाननेsपि धनिभिर्भक्तैर्जनैर्लक्षशः
निर्भीः धर्मविरोधिवारणविधौ निस्तंद्रपुण्योदयः ।
निर्मानो शत एकविंशतियुते स्वे शिष्यसंघे सति
निर्द्वंद्वो जयतीह सूरिभगवान् तीर्थंकरै: सदृश: ।।६७।।
पुण्यानामधिशेखरो मतिमतामीष्टो महाssध्यात्मिको
गच्छाधीश्वररामचंद्रभगवान् पृष्ठः समाख्यातवान् ।
जानुस्थानलघुक्षतेsपि भगवान् पूज्योsस्ति निःसंशयम्
एवं मूर्तिसुरूपवांछुककनैयालाल वैद्योपधम् ।।६८।।
जीर्णोद्धारनिदेशमुन्नतिधिया चक्रे स्वयात्राक्षणे
श्रीजैनप्रवचस्युदात्तवचनं तल्लभ्यते मुद्रितम् ।
सत्य वाक्यमभूदिदं निजकशिष्यस्यैव संप्रेरणात्
सूरीणां सफलीभवन्ति नियतं वाचो विचारा अपि ।। ६९।।
लक्ष्मीनंदनवृंदवंदितपदो व्याख्यानसम्राट् कवि:
विश्वग्गामियशाः कुशाग्रमतिमान् आज्ञैकनिष्ठोsमलः ।
वाणीवैभववान् श्रुतार्थकुशलः सारस्वतो मंत्रविद्
सूरीन्द्रो नयवर्धनो मुनिपति: शास्त्रोदधि: सत्त्ववान्।। ७०।।
मूर्तिं सुंदरमंदिरे निजगुरोरस्थापयत् श्रावकै:
साधुुं श्रीनयदर्शनं स्वजनकं चैव स्मरन् प्रत्यहम् ।
प्रेम्णा श्री जिनशासनेति समितिं सद्धर्मसेवाकरीं
नाम्ना भारतवर्षिकामिह समुद्धारे समायोजयत् ।। ७१।।
धन्यः क्षत्रियकुंडराड् भगवतोsग्र्यो नंदितो वर्धन :
धन्या श्रीजिनशासनेति समितिः तीर्थोद्धृतौ संगता ।
धन्यो श्रीनयवर्धनो गुरुवरो तीर्थोद्धृतिप्रेरको
धन्या वीरजिनेन्द्रभक्तसुजना येsर्थाsर्पणं चक्रिरे ।। ७२।।
( क्षत्रियकुंडप्रशस्ति: सूरीश्वररामचंद्रशिष्येण ।
प्रशमरतिविजयेन नयवर्धनसूरिणेरितेन कृता ।। )
દેવાર્ય , શાતામાં રહેજો
અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો અને એમની હજારો જાતિ . અગણિત પશુપંખીઓ અને એમની હજારો પ્રજાતિ . નદીઓ , ધોધ અને ઝરણા , તળાવો . સવારનો સમય અને ધુમ્મસ . બપોરનો વખત , તીખો તડકો અને શીતળ પડછાયા . સાંજનો સમય અને દખણાદો વાયરો . રાતનો સમય અને રાની પશુઓની ઘોર ત્રાડો . નવલખ રોશની રેલાવતા સૂર્યોદય . અજબની મોહિની ફેલાવતા ચંદ્રોદય . દેવાર્યે આ રસ્તે વિહાર કર્યો , વનવગડે વિહરે વીર .
અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામના માર્ગને દેવાર્યે આરામથી પસાર કર્યો . વચ્ચે , કર્દમ ગ્રામ ( કોદરમા ) આવ્યું હતું . દક્ષિણ દિશાએથી ૠજુવાલિકા નદીએ દેવાર્યનાં દર્શન કર્યા હતા . આગળ , ગામો આવ્યા અને ગયા . બજારો . સમશાનો . પાદરે ઊભેલા કૂવાઓ , વડલાઓ . પનિહારીઓ અને માલધારીઓ . ઘરો પરના નળીયા અને ઝૂૂંપડી પરના ઘાસ . મહેલવાળા મહારાજાઓ અને હવેલીવાળા શેઠિયાઓ . લહેરાતા ખેતરો અને લચી પડેલી વાડીઓ . દેવાર્યને સૌ દેખતા રહ્યા .
સાવ એકલા હતા દેવાર્ય . સાથે સાધુ નહીં , સમુદાય નહીં , પ્રચારક નહીં , નોકરચાકર નહીં . એકલા રહેવું એ પણ ઉપસર્ગ છે , મોટો ઉપસર્ગ . કોઈ સેવા ન કરે , કોઈ પ્રચાર ન કરે , કોઈ બચાવ ન કરે , કોઈ સમર્થન ન કરે . મોટો આત્મ સંયમ જોઈએ નહીં તો ભૂલો પર ભૂલો થયા જ કરે . દેવાર્યે આ ઉપસર્ગ પણ પચાવી લીધો હતો . જેને જે રીતે જેટલું હેરાન કરવું હોય તે કરે . જેને જે બોલવું હોય તે બોલે . દેવાર્ય ડગતા નહીં , ડરતા નહીં . ભલે એકલા હતા દેવાર્ય , પણ દેવાર્ય સ્વયં એક વાતાવરણ હતા . એ જ્યાંથી નીકળતા ત્યાં સુગંધ ફેલાઈ જતી . સૌ જોતા રહી જતા . દેવાર્ય પાસે નિજી એકાંતનું મહાન્ સામ્રાજ્ય હતું . કોઈની સાથે વાતો કર્યા વિના અને કોઈનાં મોઢેથી વાતો સાંભળ્યા વિના દેવાર્ય , મહિનાઓના મહિના વીતાવી શકતા . આવી અંદરની તાકાત ભાગ્યે જ કોઈનામાં જોવા મળે .
દેવાર્ય જૃંભકગ્રામની સીમાએ પહોંચ્યા . ન ઢોલ ધ્રબુક્યા , ન શરણાઈ વાગી , ન શંખ ફૂંકાયા , ન આગતા સ્વાગતા થઈ . દેવાર્યને કશો ફેર ના પડ્યો . દેવાર્યને જૃંભકગ્રામ દેખાયું . જૃંભકગ્રામમાં વિશાળ જનસમુદાય રહેતો . સૌ સુખી સંપન્ન . એવી ઊંચી ઈમારતો પણ હતી જૃંભકગ્રામમાં કે સૂરજનો તડકો અમુક જગ્યાઓમાં જમીનને અડી ન શકે . ( સંદર્ભ : મહાવીર ચરિયં ) દેવાર્યને વસતિમાં જવું જ નહોતું . દેવાર્ય બારોબાર સમેતશિખરના રસ્તા પર ચાલ્યા . થોડુંક જ આગળ વધ્યા હશે ત્યાં એક નદી આવી : ૠજુવાલિકા એનું નામ . દેવાર્ય વળ્યા , એના કિનારે ઉતર્યા અને ચાલ્યા . નદીની રેતીમાં દેવાર્યનાં પગલાં અંકાતાં ગયાં . ૠજુવાલિકા નદી પાસે વનવાસીઓ અને વન્ય પશુઓ ઘણા આવતા . અરે , મોટામોટા હાથીઓ પણ આવતા . પણ એની રેત પર , પરમ પિતાએ પહેલીવાર પગ મૂક્યો હતો . નદીના કણકણમાં હરખના હિલ્લોળ ઊઠ્યા હતા .
જૃંભકગ્રામથી પૂરવ તરફ આશરે સાંઠસિત્તેર ગાઉ દૂર , ઝારખંડ રાજ્ય હજારીબાગ જિલ્લાના , પદમા ગામના ખોળે ઋજુવાલુકાનો ઉગમ થયો છે . જૃંભકગ્રામ પાસેથી આગળ નીકળીને , પશ્ચિમ તરફ આશરે સોએક ગાઉ દૂર , બંગાલ રાજ્યમાં આસનસોલ પાસે એ દામોદર નદીમાં ભળી જાય છે . ખબર નહીં કેમ પણ ઋજુવાલુકાને , બરાકર નદી કહેવામાં આવે છે . આ નદી વરસના સાત આઠ મહિના નાની , પાતળી દેખાય છે પરંતુ ચોમાસામાં આ નદીના તોફાન ચરમસીમાએ હોય છે , એટલું પાણી આવે છે નદીમાં અને એટલું જોશ હોય છે પાણીમાં કે ભલભલા સેતુઓ અને જલબંધો એના ધક્કાથી તૂટતા જ રહે છે . બરાકર નદીમાંથી બે ઉપનદી નીકળી છે , ઉસરી નદી અને બરસોતી નદી . અલગ અલગ સ્થાનોમાં , આશરે પંદરેક નાની નદીઓ બરાકર નદીમાં આત્મ સમર્પણ કરતી જોવા મળે છે . આ નદીને એક નાયક , એક ભગવાન્ મળ્યો નહોતો . એટલે એનું નામ લોકોના કંઠે રમતું નહોતું . આ નદી અખંડસ્વરા છે . ગમ્મે ત્યારે જાઓ , એ ખળખળ અવાજ કરતી જ હોય . આજે આ બોલકણી નદી પાસે , મૌનનો મહારથી આવ્યો હતો . નદી ઉછળીને ઉછળીને દેવાર્યને જોતી રહી .
દેવાર્ય ચાલતા ચાલતા એક જીર્ણશીર્ણ ચૈત્ય પાસે આવ્યા . આમ તો જીર્ણ સ્થાનમાં રોકાવાનો દેવાર્યને છોછ નહોતો . પણ આ ચૈત્યને છોડીને થોડુંક આગળ નીકળ્યા . એક નાનું વૃક્ષ આવ્યું , શાલ વૃક્ષ . ત્યાં ઊભા રહ્યા . શ્યામાક ગાથાપતિના ખેતરની એ ભૂમિ હતી . નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહી હતી . દેવાર્યે ગોદોહિકા આસન સ્વીકાર્યું . વર્ષોથી – દેવાર્ય શિયાળામાં ઉગ્ર ઠંડીને સહન કરતા , ઉનાળામાં ભારે તડકાનો તાપ ખમતા . આજે વૈશાખ માસનો સૂરજ બપોરની પ્રખર ગરમી વરસાવી રહ્યો હતો . દિવસનો ચોથો પ્રહર આવ્યો . દેવાર્યની કાયા સૂરજના તડકામાં તપી રહી હતી . ખુલ્લા પગનીચેની રેતી તડકે તપી ગઈ હતી . નદીનાં પાણીમાં તડકો ઉગ્ર ચળકાટ વેરી રહ્યો હતો . દેવાર્યની આંખો અર્ધી મીંચાયેલી હતી . છઠની તપસ્યાનો બીજો ઉપવાસ હતો .
ભીતરમાં એક ધ્યાન આંદોલન સરજાયું . પૃથક્ત્વ વિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર , આ બે તબક્કાનું શુક્લધ્યાન અનુભવીને આગલા તબક્કે પહોંચ્યા . આજસુધી છઠ્ઠાસાતમા ગુણઠાણે બિરાજતા હતા . આજે પહેલી વાર આઠમા ગુણસ્થાનકને સ્પર્શ કર્યો , ક્ષપકશ્રેણિએ આરોહણ કર્યું . જોતજોતામાં બારમા ગુણઠાણે પહોંચ્યા અને પળવારમાં તેરમા ગુણઠાણે બિરાજમાન થયા . જ્ઞાનાવરણ , દર્શનાવરણ , મોહનીય અને અંતરાય , આ ચાર ઘાતી કર્મનો નાશ થયો . કેવળજ્ઞાન ઉત્પન્ન થયું . ૠજુવાલિકાએ દેવાર્યને છદ્મસ્થમાંથી કેવલી બનતા જોયા , સાધકમાંથી તીર્થંકર બનતા જોયા . જેમ લછવાડની બહુવારી નદીને દીક્ષા કલ્યાણકના સાક્ષિ બનવાનો લાભ મળેલો તેમ જૃંભકગ્રામની ૠજુવાલિકાને કેવળજ્ઞાન કલ્યાણકના સાક્ષિ બનવાનો લાભ મળ્યો . એ કલકલતી નદી , વૈશાખ સુદ દશમના દિવસે સદાસોહાગણ બની ગઈ .
દેવલોકમાં ઈન્દ્રોના સિંહાસન કંપ્યા . દેવતાઓ કૈવલ્ય મહોત્સવ મનાવવા આવી પહોંચ્યા . સમવસરણ રચાયું . દેવાર્યની આસપાસ અગણિત દેવતાઓએ જયઘોષ ગજવ્યા . વાજીંત્ર વાગ્યા , ફૂલ વરસ્યા .
દેવાર્ય ધીમેથી ઊભા થયા . ગોદોહિકા આસનને લીધે પગની દશ આંગળીઓ પર આખા શરીરનું વજન હતું તે અવસ્થા બદલાઈ . પગના પંજા , આંગળીથી પાની સુધી જમીનને અડક્યા . ચાલવા માટે દેવાર્યે એક પગ ઊંચક્યો અને દેવતાઓએ દેવાર્યના પગની નીચે સુવર્ણ કમલ મૂક્યું , દેવાર્યે બીજો પગ ઊંચક્યો અને દેવતાઓએ દેવાર્યના બીજા પગની નીચે પણ સુવર્ણ કમલ મૂક્યું . દેવાર્યની તીર્થંકર અવસ્થાનો આ પ્રારંભ હતો , હવે દેવાર્યના પગ જમીનને અડવાના નહોતા .
સામાકિનારેથી વનવગડો એ દૃશ્ય , એ સુવર્ણ કમલ જોઈને ખૂબ રોયો હશે કેમ કે વૈશાખ સુદ દશમના દિવસે , સાંજે – દેવાર્યનો વનવગડા સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો . કાર્તક વદ દશમે દેવાર્યની દીક્ષા બાદ જેવો વિલાપ મહારાજા નંદીવર્ધને કરેલો એવો જ વિલાપ , વૈશાખ સુદ દશમની સાંજે વનવગડાએ કર્યો હશે . કેમ કે હવે દેવાર્ય વનવગડા ભણી ક્યારેય જોવાના નહોતા . વનવગડા પાસે એક મોટું આશ્વાસન હતું કે આજથી દેવાર્ય દુનિયાને જ્ઞાન આપવાના હતા તેની પૂર્વતૈયારી દેવાર્યે વનવગડામાં જ કરી હતી . વનવગડાને દેવાર્યે શું આપ્યું ? દેવાર્યે પોતાના કમલસુગંધી શ્વાસ-ઉચ્છ્વાસથી વનવગડાને ભરી દીધો હતો , પોતાના ઉઘાડા પગનો પરમ સ્પર્શ આપ્યો , સાચુકલો ચરણ સ્પર્શ . વનવગડાએ દેવાર્યને શું આપ્યું ? વનવગડાએ દેવાર્યને નિર્જન એકાંત આપ્યું , તાજી હવા આપી , કાઉસગ્ગ કરવા લાયક જમીન આપી અને વૃક્ષોનો છાંયડો આપ્યો . વનવગડાએ દેવાર્યને લાંબાસમય સુધી મૌન રહેવાની સ્વતંત્રતા આપી . આવી સ્વતંત્રતા શહેરમાં કે ગામમાં મળે જ નહીં . એવું ઘણુંબધું હતું વનવગડા પાસે જેનો દેવાર્યને ખપ હતો , દેવાર્ય એ બધું વનવગડા પાસેથી લેતા રહ્યા . વનવગડાએ દેવાર્યનું એ રૂપ જોયું હતું જે દુનિયાને જોવા મળતું નહીં અને જોવા મળશે પણ નહીં . વનવગડાએ દેવાર્યને ધ્યાનસ્થ અવસ્થાએ , પ્રચંડ કર્મનિર્જરા કરતા જોયા , કષ્ટોમાં ધૈર્ય ધરતા જોયા . વરસાદમાં / તડકામાં / આંધીમાં / ઠંડીમાં / વસંતમાં / પાનખરમાં નિજાનંદે નિમગ્ન જોયા .
જેનો સાથ લાંબા સમય સુધી રહે છે તેની આદત થઈ જાય છે . વનવગડાને દેવાર્યનાં સતત સાંનિધ્યનું વ્યસન લાગી ગયું હતું . આજથી વનવગડાનો ઝુરાપો શરૂ થતો હતો . દેવાર્ય સાથે વનવગડામાં શું શુંં થયુું એની કથા તો લખાતી આવી છે અને લખાતી જ રહેશે . વનવગડાએ દેવાર્યને જે પ્રેમ કર્યો તેની પ્રેમકથા કોઈ કવિ લખી શક્યો નથી અને લખી શકશેે પણ નહીં . વનવગડો જો માણસની જેમ બોલી શકતો હોત તો , હાથ જોડીને , વરસતી આંખે , ધ્રુજતા સાદે જરૂર કહેત :
‘ દેવાર્ય , શાતામાં રહેજો . આપના વિના ગમવાનું નથી , અહીંંનો સૂનકાર દૂર કરવા ફરીથી પધારજો , આ વનવગડો કાયમ આપની પ્રતીક્ષામાં રહેશે .’ ( સમાપ્ત )
અક્રિયા સમાધિનો અનાહત નાદ
૧ .
દેવાર્ય , અક્રિયા સમાધિ સાધી રહ્યા હતા . ચાર સમાધિ છે : વિજય સમાધિ , આનંદ સમાધિ , સત્ ક્રિયા સમાધિ અને અક્રિયા સમાધિ .
વિજય સમાધિમાં અનાદિ કાલીન રાગ દ્વેષની ધારાનું વર્ચસ્વ કમજોર પડે છે . રાગ દ્વેષની ધારાનું વર્ચસ્વ આત્મિક ચિંતનને જાગવા દેતું નથી . આત્મિક ચિંતન ન હોય તે પરાજય છે . આત્મિક ચિંતન શરૂ થાય અને વિકસતું જાય તે વિજય છે . અનાદિ કાલીન રાગ દ્વેષની તીવ્ર છાયામાં જે વિચારો બને તે આત્માને નુકશાન કરે છે . એ છાયાની તીવ્રતા તૂટે તેનાથી બે ફાયદા થાય છે : એવા વિચારો આવવા લાગે છે જે આત્માને નુકસાન નથી કરતા , એક . એવા વિચારો આવવા લાગે છે જે આત્માને લાભ કરે છે , બે . આ બેય વિચારોનું પ્રારૂપ કાંઈક આવું હોય છે . પ્રશ્નો શરૂ થાય છે કે હું મારા આત્માનું સુખ પામવા માટે શું કરું છું અને શું કરી શકું છું ? ભાવનાઓ જાગે છે કે હું આ રીતે આ ધર્મ કરીશ , હું આ રીતે આ અધર્મ ઓછો કરીશ . આ પ્રશ્ન અને આ ભાવના દ્વારા એક ભવિષ્યની કલ્પના બને છે . એવું ભવિષ્ય જેમાં આત્માનું સુખ મળી ચૂક્યું હશે , ધર્મ ઘણોબધો થયો હશે અને અધર્મ ઘણોબધો ઘટી ગયો હશે . એ ભવિષ્યની વાસ્તવિક કલ્પના પૂર્વકનું યથાશક્તિ ધર્માચરણ એ વિજય સમાધિ છે . ધર્મની દિશામાં આગળ વધારનારા સાત્ત્વિક વિચારો આવવા લાગ્યા , અને એ વિચારો વધતા ગયા તે વિજય સમાધિ .
આનંદ સમાધિ . જે જે ધર્મક્રિયા કરવા મળે તેમાં ઘણો આનંદ આવે છે . અને એ આનંદ વર્તમાન ધર્મભાવનાને પ્રબળ બનાવતો જાય છે . ધર્મક્રિયા દ્વારા મળનારો આનંદ ધર્મભાવનાને મજબૂત બનાવે છે અને ધર્મભાવનાનો હાર્દિક આનંદ , ધર્મક્રિયાઓની શ્રેણિને આગળ વધારતો જાય છે . આધ્યાત્મિક આનંદ દ્વારા આત્મા પોતાના અંતરંગ ધર્મને બળવાન્ બનાવતો જાય એ આનંદ સમાધિ છે . ગૃહસ્થ અવસ્થામાં જ દેવાર્યે વિજય સમાધિ અને આનંદ સમાધિને સિદ્ધ કરી લીધી હતી કેમ કે દેવાર્ય સ્વયંસંબુદ્ધ હતા .
સત્ ક્રિયા સમાધિ : ઉત્કટ આત્મશુદ્ધિ અને ઉત્કૃષ્ટ કર્મનિર્જરા માટે જે જે અપેક્ષિત હોય તે તમામ ધર્મક્રિયાઓ કરવાનું સામર્થ્ય પ્રગટે તેમ જ ક્રિયાઓનું અણિશુદ્ધ પાલન કરતાં કરતાં મન આનંદિત બનેલું જ રહે . શુદ્ધ વ્રતપાલન . કોઈ અવિધિ નહીં , કોઈ વિરાધના નહીં . પરિપૂર્ણ રીતે નિર્મલ અધ્યવસાય . કઠિનમાં કઠિન વ્રતસાધનામાં પણ પારાવાર પ્રસન્નતા . તપત્યાગમય કઠોર જીવનચર્યાનું પરમોચ્ચ સભાનતાપૂર્વક પાલન . ક્રિયાની નિર્ધારિત મુદ્રાઓ ( = સ્થાન ) , સૂત્રના શુદ્ધ પાઠ ( = ઊર્ણ ), એકધારું પદાર્થચિંતન ( = અર્થ ) અને મૂર્તિ – સ્થાપનાજી આદિ બાહ્ય સાધન ( = આલંબન) આ ચારેય હોય છે સત્ ક્રિયા સમાધિમાં . દેવાર્ય સત્ ક્રિયા સમાધિમાં હતા એવું લાગે કેમ કે દેવાર્ય વિધવિધ મુદ્રાઓ અને આસનોમાં કાઉસગ્ગ કરતા . પરંતુ દેવાર્યને આલંબનની આવશ્યકતા નહોતી . દેવાર્ય સત્ ક્રિયા સમાધિથી એક ડગલું આગળ હતા , અક્રિયા સમાધિમાં .
અક્રિયા સમાધિ . આ એવી અવસ્થા છે જેમાં કોઈ ઘટના કે પરિસ્થિતિની સામે મનમાં પ્રતિભાવ જાગતા જ નથી એટલે કે સંકલ્પ વિકલ્પ આકાર લેતા નથી , પ્રતિક્રિયા રૂપે વાણીપ્રયોગ થતો નથી . શરીર પણ એવું કેળવાયેલું હોય છે કે સાધના સિવાયની પ્રવૃત્તિમાં આનંદ માનતું નથી . મણેણં , વાયાએ , કાયેણં – આત્મનિમજ્જન ચાલતું હોય છે . દેવાર્યને રોજીંદી આવશ્યક ક્રિયાઓની જરૂર નહોતી કેમ કે સમગ્ર ધર્મક્રિયાઓ દ્વારા સંપાદિત થનારો પરમ વિશુદ્ધ મનોયોગ દેવાર્યે સિદ્ધ કરી લીધો હતો . ભીતરમાં શુદ્ધ અધ્યવસાય સિવાય કશું બચ્યું જ નહોતું . ચિર સ્થાયી શુભધ્યાનનો ચિદાનંદ સ્પર્શ અખંડ ધારે બન્યો રહેેેતો . પોતાનાં શરીર પર જ ધ્યાન નહોતું તો પછી ક્રિયાઓ પર ધ્યાન રહે શી રીતે ?
૨ .
સાડા બાર વરસમાં જ્યારે જ્યારે ઉપસર્ગ આવ્યા ત્યારે ત્યારે દેવાર્યને એ ઉપસર્ગ દુઃખરૂપ છે તેની જાણકારી રહેતી પરંતુ દેવાર્ય એ દુઃખને દુઃખ રૂપે સંવેદતા નહીં . સામાન્ય સાધકો દુઃખમાં ત્રણ આશ્વાસન બનાવે છે . આ આશ્વાસન આરાધ્ય છે એમાં કોઈ શક નથી .
૧ . હું દુઃખ સહન કરીશ તો કર્મ ખપશે . આ ભવમાં વેઠીશ નહીં તો આવતા ભવે વેઠવું પડશે . આવતા ભવે સમ્યક્ સમજણ હશે નહીં . માટે સમજણપૂર્વક સમતા બનાવુું છું અને દુઃખ વેઠી લઉં છું .
૨ . દુઃખ આપનાર , મારી કર્મનિર્જરામાં સહાયક થઈ રહ્યો છે , હું તેની પર દ્વેષ નહીં કરું .
૩ . જેમ જેમ દુઃખ વધે છે તેમ તેમ કર્મનિર્જરા વધે છે અને જેમ જેમ કર્મનિર્જરા વધે છે તેમ તેમ મારો મોક્ષ નજદીક આવે છે . આ દુઃખ ઉપકારી છે કેમ કે મારો મોક્ષ દુઃખને કારણે નજીક આવી રહ્યો છે . પૂર્વ મહાપુરુષો કેવું કેવુું સહન કરી ગયા ? હું પણ સહન કરીશ.
શું દેવાર્ય દુઃખની ક્ષણોમાં આવા આશ્વાસનો બનાવતા હતા ? જવાબ છે , ના . આવા વિચાર એને આવે જેને દુઃખ સહન કરવાનું અઘરું પડે છે . દેવાર્યનું સ્તર અલૌકિક હતું . દેવાર્ય , આત્મ ગુણ ચિંતન અને તત્ત્વ ચિંતનમાં એટલી હદે ડૂબેલા રહેતા કે શરીરને નડનારા કષ્ટ પર ધ્યાન જ જતું નહીં . એમ કહો કે દેવાર્યની આત્મરમણતા એવી ઉત્કૃષ્ટ હતી કે શરીર પર આવેલા કષ્ટ , એમને આત્મરમણતાથી ચલિત કરી શકતા નહીં . કષ્ટની તીવ્રતા ઓછી નહોતી . દેવાર્યની દૃઢતા સામે તે તે કષ્ટની અસરકારકતા કમજોર પડી જતી . પ્રશ્ન એ નથી કે દેવાર્ય કેવી રીતે સહન કરતા હશે ? દેવાર્યે , સહન કરતી વખતે , ઉપર લખેલા ત્રણ આશ્વાસનોથી મનને મક્કમ બનાવ્યું હોય એવી પરિસ્થિતિ બની જ નહોતી . દેવાર્યનું મન પહેલેથી જ એવું મક્કમ હતું કે હું સહન કરું છું અથવા મારે સહન કરવું જોઈએ , એવી સભાનતા રહેતી નહીં . દેવાર્ય દુઃખને અનાયાસે જીરવી લેતા .
પ્રશ્ન એ જરૂર થવો જોઈએ કે દેવાર્ય એવી તે કેવી આત્મરમણતા બનાવતા કે કષ્ટ શરીરને અડતા , પણ મનને અડી શકતા નહોતા ? આ જ રહસ્ય છે . આ પ્રશ્નનો જવાબ જડવાનો નથી . એક વનવગડો બહાર હતો , ત્યાં દેવ , મનુષ્ય અને તિર્યંચ કષ્ટ આપવા આવતા હતા . એક વનવગડો દેવાર્યની ભીતરમાં હતો . ત્યાં દેવાર્યનું વર્ચસ્વ ચાલતું . એ વગડામાં દુષ્ટ , અશુભ , અશુદ્ધ અને અનુચિત વિચારો પર સંપૂર્ણ પાબંધી હતી . શરીર સાથે જે થતું હોય તે દેવાર્ય થવા દેતા . પણ ભીતરના વગડામાં એની અસર પડવા દેતા નહીં . ભીતરનો વગડો પણ એવો છલોછલ હતો કે બહારનો વગડો દેવાર્યની કાયા સાથે જે કરે તેની અસર એ અંદર સુધી આવવા દેતો નહીં . દુનિયાએ દેવાર્યને બહારના વનવગડે વિહરતા જોયા અને એ વનવગડાના કષ્ટોની કથા જાણી . એ કથા બેલાશક , મહાન્ હતી . દુનિયા દેવાર્યને ભીતરના વનવગડે વિહરતા જોઈ શકી નહીં અને એ વનવગડાના પરમ આનંદની કથા જાણી પણ ન શકી . એ કથા અગમ અગોચર હતી .
મન , પ્રતિભાવ આપવાનું સદંતર છોડી દે , મન પ્રતિક્રિયાઓથી સર્વાંશે મુક્ત થઈ જાય , મન સંકલ્પવિકલ્પની ધારામાં તણાવાનું એકદમ છોડી દે તે પછી અંદરથી એક અનાહત નાદ પ્રગટે છે . એ નાદના અનહદ સૂર , દુઃખમાત્રની સંવેદનાને ખતમ કરી નાંખે છે . જે માણે તેને સમજાય , એવી વાત આ છે . જેણે માણ્યું નથી તેને આ વાત સમજાવાની નથી . ( ક્રમશઃ )
તપસ્યા : આહારની ઉપેક્ષા , પાણીની ઉપેક્ષા , શરીરની ઉપેક્ષા
વનવગડે વિહરે વીર . ચાર હજાર આઠસો ચોસઠ દિવસની અંતર્યાત્રા . ઉપવાસ કર્યા ચાર હજાર પાંચસો પંદર . પારણાં કર્યાં , ત્રણસો ઓગણપચાસ . એકવાર સળંગ એકસો એંશી ઉપવાસ કર્યા . એકવાર સળંગ એકસો પિંચોત્તેર ઉપવાસ કર્યા . નવ વખત સળંગ એકસો વીશ ઉપવાસ કર્યા . બે વખત સળંગ નેઉં ઉપવાસ કર્યા . બે વખત સળંગ પિંચોત્તેર ઉપવાસ કર્યા . છ વખત સળંગ સાંઈઠ ઉપવાસ કર્યા . બે વખત સળંગ પિસ્તાળીસ ઉપવાસ કર્યા . બાર વખત સળંગ ત્રીસ ઉપવાસ કર્યા . બોત્તેર વખત સળંગ પંદર ઉપવાસ કર્યા . બાર વખત સળંગ ત્રણ ઉપવાસ કર્યા . બસ્સો ઓગણત્રીસ વખત સળંગ બે ઉપવાસ કર્યા . એક વખત સળંગ સોળ ઉપવાસ દ્વારા ત્રણ પ્રતિમા ( કઠિન ધ્યાનમુદ્રા ) આરાધી : ભદ્ર , મહાભદ્ર અને સર્વતોભદ્ર .
એક પણ ઉપવાસ એવો નહોતો જેમાં જલપાન થયું હોય . દરેક ઉપવાસ નિર્જલ જ . એક પણ પારણું એવું નહોતું જેમાં બે ટંક આહાર લીધો હોય . દરેક પારણે એકાસણું જ . કોણ પારણું કરાવશે તેની કોઈ પૂર્વધારણા ન હોય . શેનાથી પારણું થશે તે નક્કી ન હોય .
શેષકાળમાં દેવાર્યનો તપ અનિયત રહેતો . કોઈવાર બે ઉપવાસ પછી પારણું કરે , કોઈ વાર ત્રણ ઉપવાસ પછી પારણું કરે , કોઈ વાર ચાર ઉપવાસ પછી પારણું કરે , કોઈ વાર પાંચ ઉપવાસ પછી પારણું કરે . ( સંગમે છમાસી ઉપવાસ કરાવ્યા તે અલગ કિસ્સો હતો , બાકી ) ભિક્ષા લેવા નીકળે અને આહાર ન મળે એવું બનતું નહીં . પણ પાણીનો પ્રશ્ન બનેલો રહેતો . સૂઝતું પાણી સહેલાઈથી મળતું નહીં . ક્યારેક બે મહિના સુધી પાણી મળતું નહીં , ક્યારેક છમાસથી વધારે સમય સુધી પાણી મળતું નહીં . ( સંદર્ભ : આચારાંગ શીલાંકાચાર્ય ટીકા ) દેવાર્ય જેમ ભૂખને ઘણી ખમતા તેમ દેવાર્ય તરસને પણ ઘણી ખમતા . ખાધા વિના ટકવું મુશ્કેલ છે , પણ માનો કે ખાધા વિના ટકી જવાય પરંતુ પાણી પીધા વિના લાંબા સમય સુધી ટકી રહેવું ઘણું જ અઘરું છે . પાણી વિના દેવાર્યનું ગળું સોસાયું હોય , હોઠ સૂકાયા હોય અને ચક્કર આવી ગયા હોય એવું બનતું નહીં . દેવાર્યનાં મક્કમ આત્મબળની આ નિશાની હતી .
દેવાર્ય પારણું કરવા નીકળે તે વખતે પોતાના કારણે પશુપંખીનો ચારો છિનવાઈ ન થાય , પોતાને લીધે પશુપંખી ભાગી કે ઉડી ન જાય , એ રીતે જ પગ માંડતા . કબૂતર , પારેવડું , કાગડો કે અન્ય પંખી જ્યાં બેઠા હોય ત્યાંથી ડરીને બીજે ન જતાં રહે એ રીતે એક એક પગલું ભરતાં .
દેવાર્ય ભિક્ષા લેવા નીકળતા ત્યારે કોઈ રાજર્ષિ કે રાજગુરુનો વિશેષ દરજ્જો બનાવતા નહીં , તેઓ સામાન્ય માણસ તરીકે નીકળતા . દેવાર્ય ગામમાં કે શહેરમાં ગોચરી માટે આવતા એ વખતે આસપાસ નજર રાખતા અને બીજા કોઈ ભીખારીનો , મજૂરનો , બાવાજીનો કે યાચકનો કોળિયો પોતાના કારણે છિનવાઈ ન જાય એની ચિંતા રાખતા . આના લીધે એવું બનતું કે દેવાર્યને જે ઘરેથી આહાર મળવો જોઈએ તે ઘરેથી બીજા કોઈને આહાર અપાઈ જતો . દેવાર્ય પારણું કરવા બીજા કોઈનાં ઘર તરફ નીકળી જતા . બીજાબીજા માંગણિયાઓને પોતપોતાનું અન્ન મળી જાય તે પછી કોઈક ઘેર , કોઈ સાદા દ્રવ્યથી દેવાર્યનું પારણું થતું . દેવાર્ય આવી ઉપેક્ષાવૃત્તિ રાખીને પણ પ્રસન્ન જ દેખાતા .
હવે પારણું કરાવનારાઓની વાત . ક્યારેક પારણું કરાવનારા આદર આપે , ક્યારેક આદર ન આપે . ક્યારેક પારણું કરાવનારા આવકાર આપે , ક્યારેક આવકાર ન આપે . દેવાર્ય માનસન્માનની મનોવૃત્તિથી મુક્ત હતા .
પારણું ઊભા ઊભા થતું , બેઠા બેઠા નહીં . પારણું બે હાથના ખોબામાં દ્રવ્ય લઈને થતું , પાત્રમાં દ્રવ્ય લઈને નહીં . પારણું કરાવનારને ખબર નહોતી રહેતી કે આજે દેવાર્ય આવવાના છે , પરિણામે પારણાના ઉપલક્ષમાં રસોડે કોઈ તૈયારી થયેલી રહેતી નહીં . ક્યારેક રસોઈ બની ન હોય , ક્યારેક ખપે તેવી રસોઈ ન હોય , ક્યારેક વધેલી ઠંડી રસોઈ હોય . ક્યારેક સૂકુંપાકું લઈને નીકળી જવાનું . ઢંગની પૂરેપૂરી રસોઈ ભાગ્યે જ મળતી .
ઉપવાસનું પારણું મોટેભાગે એક જ દ્રવ્યથી થતું . ભાત , બોરનું ચૂર્ણ , અડદના દાણા . આ ત્રણમાંથી એક દ્રવ્ય સર્વસામાન્ય રીતે બધે જ મળી રહેતું . શેષકાળમાં ઘણેભાગે એનાથી શરીરને ટેકો આપતા દેવાર્ય . ( આ ત્રણ દ્રવ્ય કે ત્રણમાંનું એક દ્રવ્ય – શું પેટ ભરે અને શું ટેકો આપે ? અહીં તો ભાઈ , ટેકો લેનારો જ વધુ શક્તિશાળી હતો . ટેકો આપનારો બસ , નામ કમાઈ લેતો . એટલું જ . ) આ ત્રણ સિવાયનાં દ્રવ્યો પણ મળી જતાં : સાદી ખીર . ઘીવાળી ખીર . દૂધપાક . દહીભાત . સત્તું . ઘઉંના ખાખરા . સૂકા વાલ . સૂકા ચણા . સિઝેલા વાલ . સિઝેલા ચણા . આ બધામાંથી એકાદ દ્રવ્યથી પારણું થતું . એકાદવાર સર્વ કામગુણ ( એ જમાનાનું પ્રચલિત ખાદ્ય ) દ્વારા પારણું થયેલું . એકાદવાર ખાજા દ્વારા પારણું થયેલું . બીજા ચોમાસા દરમિયાન , રાજગૃહીમાં માસક્ષમણનાં પારણે વિવિધ ભોજનસામગ્રીથી પારણું થયેલું . આવી અન્ય સામગ્રીઓ પણ હશે , જેનાથી પારણું થયું હશે . બધી વાતોની નોંધ થઈ નથી . મુદ્દાની વાત એ છે કે શાંતિથી કે શોખથી ખાવાની મજા લેવાનું દેવાર્ય ટાળતા . જે મળ્યું તેનાથી કામ ચલાવી લેતા .
સાડાબાર વરસમાં દેવાર્યે કરેલા ઉપવાસની સંખ્યા ઘણીમોટી હતી , પારણાની સંખ્યા નાની હતી . પણ જે જે પારણું થયું તેમાં પણ ભરીથાળી કે ભર્યુંભાણું કહી શકાય એવું આહારગ્રહણ ભાગ્યે જ થયું હશે . દેવાર્ય વાપરવાના સમયને ટૂંકો રાખતા . એકાદ બે ઘડી જેટલો લાંબો સમય વાપરવામાં લાગતો નહીં . અડઘી ઘડીમાં દેવાર્યનું દરેક પારણું સમેટાઈ જતુું .
દેવાર્ય તપસ્વી હતા . એમને શું તપસ્યા ચાલે છે તે કોઈ જાણી શકતું નહીં . એમને પારણું કોણ કરાવશે તેની કોઈને ખબર રહેતી નહીં . એટલું ખરું કે પારણું શબ્દનો અર્થ દેવાર્યે બદલી નાંખ્યો હતો . દેવાર્યનું પારણું એટલે આજે ઉપવાસ નથી , એમ કહેવાની વ્યવસ્થા . દેવાર્યનું પારણું એટલે આજે શાંતિથી બેસીને બધું વાપર્યું , એમ કહી જ ન શકાય . દેવાર્યે કર્યા એવા ઉપવાસ બીજા તપસ્વીઓ ન કરી શકે , એ તો સાચું જ છે . દેવાર્યે કર્યાં એવા પારણાં પણ બીજા તપસ્વીઓ ન કરી શકે . જે દેવાર્ય કરી શકે તે ફક્ત દેવાર્ય જ કરી શકે . ( ક્રમશઃ )
ખીલા કાનમાંથી બહાર ખેંચાયા
દેવાર્ય મધ્યમ અપાપા પધાર્યા . કોઈ અનોખો ૠણાનુબંધ આ ભૂમિ સાથે પણ હતો . ગામ બહાર ઉદ્યાનમાં ધ્યાનસ્થ . ઉપવાસનાં પારણાનો સમય થયો . સિદ્ધાર્થ વણિક્ ના ઘરે પધાર્યા . ભિક્ષાવિધિ સંપન્ન થઈ . એક વૈદ્ય બેઠો હતો . એ સિદ્ધાર્થનો મિત્ર હતો . એણે દેવાર્યને જોયા અને સિદ્ધાર્થને કહ્યું ,
‘ આ તપસ્વીનું તેજ અપૂર્વ છે પણ થોડી ઝાંખપ આવી ગઈ છે . કાયામાં કોઈ શલ્ય હોય એવું લાગે છે . ‘
‘ શું વાત કરે છે ? ‘
‘ હા , એમને પીડા ઘણી છે પણ ધીરજથી ખમી રહ્યા છે . ‘
‘ તને કેવી રીતે ખબર પડી ?’
‘ ચહેરો જોઈને સમજાય . ‘
‘ અરે તો તપાસ કર , શલ્ય શું છે , ક્યાં છે . ખાલી વાતો જ કરવાથી શું વળે ? ‘
સિદ્ધાર્થ ચિંતામાં આવી ગયો . વૈદ્ય સ્તબ્ધ હતો . એણે દેવાર્યને તપાસ્યા . પગમાં , હાથમાં શલ્ય નહોતું . એ ધીરજથી જોતો રહ્યો . એની આંખ દેવાર્યના કાન પાસે અટકી , એણે હળવા હાથે સ્પર્શ કર્યો . શલ્ય કાનમાં હતું , વૈદ્યને ચક્કર આવી ગયા . બીજો કાન તપાસ્યો . એમાં પણ ખીલો હતો . વૈદ્ય પૂરેપૂરો ધ્રુજી ઊઠ્યો . આ કેવી રીતે બને ? પગમાં કાંટો વાગે એ સમજી શકાય . બે પગમાં કાંટા વાગી જાય તેય સમજી શકાય . કાનમાં કાંટો વાગે એવું બની ન શકે . એકીસાથે બે કાનમાં કાંટા વાગે એવું તો ક્યારેય ન બની શકે . કાનમાં કાંટો વાગે તેનાથી કાનનું કાણું બંધ થતું નથી . દેવાર્યના કાનમાં કાંટાથી મોટું કાંઈક હતું . એનાથી આખ્ખા કાન બંધ થઈ ગયા હતા . એ જે પણ હતું એને હથિયાર જ કહેવું પડે . દેવાર્યના કાનમાં હથિયાર હતું . હથિયાર સામે ચાલીને વાગતા નથી , હથિયાર કોઈકના હાથે વાગે છે . મતલબ કે કોઈએ જાણીજોઈને દેવાર્યના કાનમાં હથિયાર માર્યું હતું . બે કાન . બે હથિયાર . મારનારો અણઘડ હુમલાખોર હતો કે સુનિયોજિત હત્યારો હતો તે રાજ્યના ગુપ્તચરોએ શોધવું પડે .
વૈદ્ય કોઈક્કાળે કલ્પના કરી ન શકત કે આવો હુમલો થઈ શકે છે . એને અરેરાટી થઈ રહી હતી . એણે સિદ્ધાર્થને ધ્રુજતા અવાજે કહ્યું :
‘ શલ્ય છે , શલ્ય મોટું છે અને એ કાનમાં છે , બેય કાનમાં . ‘
સિદ્ધાર્થના પગતળેથી જમીન ખસકી પડી . એ તમ્મર ખાઈ ગયો . દેવાર્ય પર આવું ક્રૂર કષ્ટ ? એણે કહ્યું :
‘ કોણે આવું કર્યું હશે ? સમજાતું નથી . આ ભયાનક પાપાત્માનું કામ છે , અત્યારે આપણે વાતોમાં સમય બરબાદ નહીં કરીએ . શલ્ય ચિકિત્સા અને શલ્ય ઉદ્ધારની તૈયારી કરો , વૈદ્યજી . દેવાર્ય બોલશે નહીં . આપણે જ આરોગ્ય ઉપચાર કરવાના છે . ‘
દેવાર્ય કાંઈ ઉપચાર માટે આવ્યા નહોતા . એ ભિક્ષાર્થે પધારેલા . પારણું થયું , નીકળી ગયા . સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય દેવાર્યની પાછળ પાછળ ગયા . દેવાર્યે મધ્યમ અપાપાના એક વનખંડમાં કાઉસગ્ગ સ્વીકાર્યો . બેય મિત્રો દેવાર્ય સમક્ષ ઊભા રહ્યા . રડવા લાગ્યા , કહ્યું :
‘ આપ કેમ મૌન રહો છો , આપ શરીર પ્રત્યે ઉદાસીન કેમ રહો છો ? આટલો મોટો જખમ કાનમાં છે , બેય તરફ ખીલો અંદર જ ખૂંપેલો છે , આપ સહન કેવી રીતે કરો છો ? આપે અમને કહેવું જોઈતું હતું , સાહેબ . હવે , અમારી એક વિનંતી સ્વીકારવાની છે . આ ખીલા બહાર કાઢવાની અમારી ભાવના છે . આપ અમને ના પાડશો મા . આપ હા નહીં પાડો , અમને ખબર છે . બસ , ના નહીં પાડતા . અમે अनिषिद्धम् अनुमतम् સમજી લેશું . આટલી કૃપા કરજો . ‘
દેવાર્ય મૌન જ રહ્યા . બાર વરસમાં દેવાર્ય કાયમ દુઃખ સહેવા માટે મૌન રહેતા . આ પહેલીવાર હતું કે દેવાર્ય દુઃખને મિટાવવા માટે મૌન રહ્યા . એક મોટું દુઃખ આવી રહ્યું હતું તેેને સ્વીકારવા માટેય કદાચ , મૌન રાખ્યું . દેવાર્ય મૌન રહ્યા એટલે ઉપચારની આજ્ઞા મળી ગઈ એમ સમજી બે મિત્રો કામે લાગી ગયા .
આયુર્વેદિક તેલ , મોટી તાવડીઓ , ઔષધિઓ , સાણસા અને એવી ઘણી સાધનસામગ્રી દેવાર્ય સમક્ષ ખડકાઈ . વૈદ્યરાજે મોંઘેરા તેલથી દેવાર્યને આખા શરીરે મર્દન કર્યું . દીક્ષા પછી આ પહેલીવાર દેવાર્યના દેહ પર વિલેપન થયું . તૈલમર્દનથી દેવાર્યના સ્નાયુઓ નરમ થયા . કાનમાંથી શલ્ય બહાર લાવવાનું હતું . પ્રયાસ એવો હતો કે આજુબાજુનો ભાગ માલિશ કરતાં કરતાં , બહારથી દબાણ આપીએ અને અંદરનું શલ્ય એની મેળે બહાર નીકળી આવે . એમાં પીડા ઓછી થાય . દેવાર્ય સિવાય કોઈને ખબર નહોતી કે ખીલા કેટલે અંદર સુધી ગયા છે . કાનની પાછળ અંગૂઠેથી મર્દન કરવાથી શલ્ય નિવારણ થઈ જાય એવું વૈદ્યને માનવું હશે . એ અલગ અલગ બિંદુઓથી કોશિશ કરતો રહ્યો . એવું કાંઈ થયું નહીં . કાનના કાણામાંથી ખીલા પકડાય અને ધીમે ધીમે હલાવીને બહાર લાવી દેવાય , એવી કોશિશ નિષ્ફળ નીવડી .
‘ ખીલા ગાઢ રીતે ચીપકી ગયા છે , ઘણે અંદર સુધી ગયા હોય એવું પણ લાગે છે . માની શકાતું નથી . ખીલા નાંખનારે ખીલા અંદર નાંખ્યા શી રીતે ? એના હાથ કાંપ્યા નહીં ? અને દેવાર્ય આ કષ્ટને સહે છે કેવી રીતે ? ‘ વૈદ્યે સિદ્ધાર્થને કહ્યું . ‘ મેં કે મારી સાત પેઢીના પૂર્વજોએ આવો નિઘૃણ કિસ્સો જોયો નથી . આનો ઈલાજ કરવા માટે મારે બધું એકડેએકથી વિચારવું પડે છે . ઉપચારશાસ્ત્રોના ઈતિહાસમાં આવું વિકટ દર્દ આજસુધી કોઈનામાં જોવા મળ્યું નથી . હું સુંવાળા હાથે ઉપચાર કરવા માંગતો હતો . પણ આ તકલીફ , કડક અને કઠોર ઉપચાર વિના જવાની નથી . ‘
સિદ્ધાર્થ પણ એ જ મતનો હતો કે દેવાર્યની પીડા ઓછી થવી જોઈએ અને દેવાર્યને નવી કોઈ પીડા ના થવી જોઈએ . જોકે , કાનમાં શલ્ય હતું તે સરળતાથી બહાર નીકળશે જ નહીં એમ હવે સમજાતું હતું . ઝાટકો આપવાથી ખીલો એક ક્ષણમાં નીકળી જાય ખરો પણ એક ક્ષણની પીડા કેવી હશે તેનો કોઈ અંદાજો લગાવી શકાતો નહોતો . એ પીડા આપવાની હિંમત કેળવવાની હતી . કાંટો અંદર રહે અને લાંબા સમય સુધી પીડા આપતો રહે તેના કરતાં વધારે ઉચિત એ હતું કે એક વખતની , થોડા સમયની પીડા આપીને કાંટાને બહાર જ કાઢી નાંખવો . ઉપચારશાસ્ત્રની આ નિર્દયતા જ ચિર આરોગ્ય આપી શકે છે . કાંટો અંદર રહીને સડો જ બનાવે , કાંટાની જગ્યા બહાર જ હોય , અંદર નહીં .
આગળ જે થયું તેનું વર્ણન મુશ્કેલ છે . સાણસો કાનના કાણા પાસે પહોંચ્યો . સાણસાનું મોઢું ખુલ્લું હતું . સાણસાના બેય ટોપચાં કાનના કાણા પર દબાયાં . કાનની ચામડી દબાઈ . સાણસો વધારે અંદર દબાયો . ખીલો બે ટોપચાની વચ્ચે પકડમાં આવશે , એવું લાગ્યું પણ પકડ બની શકી નહીં . સાણસો વધારે જોરથી દબાયો . હવે ખીલો સાણસાની પકડમાં આવ્યો . સાણસાને બહારની તરફ ખેંચ્યો . ખીલો હલે જ નહીં . સાણસાને ઉપરનીચે ડાબેજમણે હલાવી જોયો , ખીલો બિલકુલ ન હલે . હવે ? એક જ રસ્તો બચ્યો હતો , જોરથી ખેંચવાનો . દેવાર્ય આખી પ્રક્રિયામાં ધ્યાનમુદ્રાએ સ્થિર હતા . એમને પીડા થતી હશે , પણ એ શાંત હતા .
વૈદ્યે સિદ્ધાર્થની સામે જોયું , આંખોથી પૂછ્યું . સિદ્ધાર્થે માથું હલાવીને હા કહી . વૈદ્યે સેવામાં આવેલા બધા જ સેવકોને બોલાવ્યા . દેવાર્યના બંને કાન પર સાણસાનો આગલો હિસ્સો દબાયેલો હતો . સેવકોએ એક જ સમયે , એક સાથે , એક સરખો ઝટકો લાગે એ રીતે જોરથી સાણસો ખેંચ્યો .
એક સાથે બે વાત બની .
ખચ્ચાક કરતા ખીલા બહાર નીકળી આવ્યા . ખીલા પર દેવાર્યનું સફેદ લોહી બાઝેલું હતું . કાનમાંથી લોહીની ધાર નીકળી આવી .
સાથોસાથ , દેવાર્યનાં મોઢામાંથી રાડ નીકળી ગઈ . દેવાર્યથી સહન થયું હશે ખરું પણ પીડા તીવ્ર હશે . ખરબચડા ખીલા ઠોકાયા ત્યારે , કાન અંદરથી પૂરેપૂરા છોલાયા હશે . ખરબચડા ખીલા બહાર નીકળ્યા ત્યારે કાન ફરીથી પૂરેપૂરા છોલાયા હશે . ખીલા અંદર ગયા ત્યારે કાનમાં પહેલેથી જખમ કે સોજો નહોતા , ખીલા બહાર આવ્યા ત્યારે કાનમાં જખમ હતો અને શરીર જખમની જે પ્રતિક્રિયા બતાવે તે પ્રતિક્રિયા બની ચૂકી હતી . ખીલા બહાર ખેંચાયા એ ક્ષણે ઘોર , અઘોર , અતિઘોર પીડા બની હતી . દેવાર્યનાં સમગ્ર જીવનની આ સૌથી મોટી પીડા હતી . એનો જ પડઘો હતો કે દેવાર્યનાં મોઢામાંથી રાડ નીકળી આવી . એનો ઉચ્ચાર પ્રચંડ હતો . સિદ્ધાર્થ , વૈદ્ય અને અન્ય સેવકોના કાનમાં એકદમ ધાક બેસી ગઈ . વગડામાં હજારો વાદળના ગગડાટ જેવો ઘનઘોષ ફેલાયો . વીજળી જમીન પર પડે અને કડાકો થાય એવી રીતે દેવાર્યની રાડનો બુલંદ અવાજ સામે ઊભેલી ટેકરીને વચોવચ અથડાયો અને ટેકરીમાં લાંબી તિરાડ પડી ગઈ . પળભર માટે આસમાન હલી ગયું , ધરતી ધ્રુજી ઊઠી .
એ રાડના ભણકારા શમ્યા તે પછી સમજાયું કે કાનમાંથી ખીલા નીકળી ચૂક્યા હતા . આશા હતી કે ખીલા નીકળી જશે પણ વિશ્વાસ નહોતો . હવે વિશ્વાસ બેઠો . જોકે , રાહતનો અહેસાસ બન્યો નહીં . લોહિયાળ ખીલા એક એક આંગળ જેટલા લાંબા હતા . ખીલાના જખમ પણ કાનમાં એવા જ લાંબા હતા . વૈદ્યે મોંઘી અને શ્રેષ્ઠ ઔષધિઓનો લેપ દેવાર્યના કાને લગાવ્યો . દેવાર્ય વારંવાર ઉપચાર લે એવી સંભાવના ઓછી હતી . દેવાર્ય ઉપચાર લેવા માટે અહીં રોકાયેલા રહે એવું પણ બનવાનું નહોતું . એકવારમાં એવો ઔષધપ્રયોગ કરવાનો હતો કે પીડા પણ જાય અને જખમ પણ ભરાય . જેમ ઘાબાજરિયું નાના જખમ પર અકસીર નીવડે છે એમ સંરોહિણી ઔષધિ મોટા જખમ પર કારગર પુરવાર થતી આવી છે . દેવાર્યના કાને તેના લેપ થયા . દેવાર્યના ચહેરાને વૈદ્યે ચકાસ્યો . હવે દેવાર્યને કોઈ શલ્ય સતાવી રહ્યું નહોતું .
દેવાર્યે અપાપાપુરીથી જૃંભકગ્રામ તરફ વિહાર કર્યો . એક નમણી નદી દેવાર્યની પ્રતીક્ષા કરી રહી હતી . ( ક્રમશઃ )
કાનમાં ખીલા ઠોકાયા
દીક્ષા પછીના બાર ચોમાસાં થઈ ચૂક્યાં હતાં . તેરમા ચોમાસાને ઘણીવાર હતી . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . જંગલ હતું . એકાંત હતું . રડ્યોખડ્યો કોઈ માણસ ટપકી પડે એ વાત અલગ , બાકી સૂમસામ વાતાવરણ હતું . દેવાર્યને જનસંપર્કથી દૂર રહેવું હોય એટલે એમણે નક્કી કરેલી જગ્યામાં એકાંતની જ મુખ્યતા રહેતી . એક ગોવાળે એ એકાંતમાં પ્રવેશ કર્યૉ . તે પોતાની ધૂનમાં હતો . એની પાછળપાછળ બળદ આવ્યા . એમના છીંકોટા , ભાંભર અને પગની પછાડે શાંતતાને ડહોળી નાંખી . ગોવાળે દેવાર્યને જોતાવેંત કહ્યું કે તમે આ બળદ પર નજર રાખજોને , હું ગામમાં મારી ગાય દોહીને તરત પાછો આવું છું .
સવાલ એ હતો કે શું દેવાર્ય એના બળદિયા સાચવવા માટે અહીં આવ્યા હતા ? શું દેવાર્ય સાથે એની કોઈ ઓળખાણ હતી ? એ કંઈ રીતે દેવાર્યને કહી શકે કે તમે આમનું ધ્યાન રાખજો . એણે સમજવું જોઈએ કે દેવાર્ય પોતાનાં અંતરંગ ધ્યાનમાં લીન છે . જે પવિત્ર ધ્યાન કરી રહ્યા હોય તે કોઈનું ધ્યાન શું કામ રાખે ? દેવાર્ય હા કે ના – માં જવાબ ન આપે ત્યારસુધી એણે ત્યાંથી હટવું પણ ના જોઈએ . વગડો હતો . ક્યારે પણ કંઈ પણ થઈ શકે . આમ મવેશીઓને છુટ્ટા મૂકીને થોડી જવાય ? હટ્ટાગટ્ટા જનાવરોને અજાણ્યાના હાથમાં સોંપવાનું કેટલું ઉચિત હતું ? પણ એ ગોવાળ સમજદાર નહીં હોય . દેવાર્યને ચીલાચાલુ ચરવાહો સમજી બેઠો હશે , એ એની ભૂલ હતી . દેવાર્ય એના પાલતુ જનાવરોની જવાબદારી સ્વીકારે એવો કોઈ મુદ્દો જ બનતો નહોતો .
કદાચ , એને ચોખ્ખી ભાષામાં ના કહો તે જ સમજાય એવું બને . પણ દેવાર્ય એને ના પાડવા માટે કાઉસગ્ગ છોડે , એવું ન જ બનેને . દેવાર્યે હોંકારો ભર્યો હોય અને કહ્યું હોય કે , તમતમારે નિરાંતે કામ પતાવીને આવો , હું આમની સાથે અહીં જ ઊભો છું . જો આમ થયું હોય તો ગોવાળ બળદને ત્યાં રાખીને જઈ શકે . અન્યથા એના બળદને એણે જ સંભાળવાના હોય . દેવાર્યની એમાં કોઈ ભૂમિકા ન હોય . ગજબનો ગોવાળ હતો . દેવાર્યને બળદ થમાવીને ગામ ઉપડી ગયો . બળદને દોરીથી બાંધવામાં જોખમ હતું . કોઈ જંગલી પશુ આવી પડે અને બળદ બંધાયેલા હોય , એમાં સલામતી નહીં . ગોવાળ તરત પાછો આવવાનું આશ્વાસન દઈને ગયો .
બાંધ્યા વિનાના ઢોર , ચારો ખાવા આમતેમ નીકળી ગયા . દૂરદૂર ચાલી ગયા . દેવાર્ય એ બળદને રોકવા પોતાનો કાઉસગ્ગ ન છોડી શકે . જેમનો કાઉસગ્ગ ચંડકૌશિક કે સંગમને લીધે પણ ના છૂટ્યો તેમનો કાઉસગ્ગ ગોવાળ કે બળદને લીધે કેવી રીતે છૂટી શકે ? થોડી વારે ગોવાળ પાછો આવ્યો . એણે દેવાર્યને જોયા પણ બળદ ત્યાં નહોતા .
‘ મારા બળદ ક્યાં ગયા ? ‘ એણે પૂછ્યું . દેવાર્ય મૌન રહ્યા .
‘ હું તમને પૂછું છું ? સાંભળો છો કે નહીં ? મારા બળદ તમને ભળાવેલા એ ક્યાં જતા રહ્યા ? ‘ ગોવાળ ગુસ્સામાં બોલ્યો . દેવાર્ય અબોલ .
‘ તમારા કાનની બખોલમાં અવાજ ઘૂસે છે કે નહીં ? સાંભળવું ન હોય તો તમારા કાનના કાણા બંધ કરી દઉં ? ‘ એ બબડ્યો . આ ગજબ વાક્ય હતું . આવું કોઈ વિચારે પણ ખરું ? કાનના કાણા ? આ તે કંઈ વાત છે ? કાણા પૂરવાનો શો મતલબ છે ? દેવાર્ય કોઈ દીવાલ છે ?
‘ તમારે સાંભળવું જ નથી ને ? ‘ એ ગોવાળિયો બળદ નહોતા દેખાઈ રહ્યા એને લીધે ભૂંરાટો થયો હતો . ગુસ્સામાં ગાંડો થઈ રહ્યો હતો . ગામમાં જતા પહેલાં પણ એણે દેવાર્યને કાંઈક કહ્યું અને ત્યારે પણ દેવાર્યે જવાબ નહોતો આપ્યો . એ વખતે એ ધુનકીમાં હતો . એને ન સમજાયું કે જવાબ નથી મળ્યો . અત્યારે એને દેવાર્ય જવાબ નહોતા આપી રહ્યા એ બરોબર સમજાઈ રહ્યું હતું . એને કોણ કહે કે અલા ભાઈ , પહેલીવારમાં સમજી ગયો હોત ને વગડામાં બળદ રેઢા ન મૂક્યા હોત તો તારો આ વારો જ ન આવત .
એનું માથું ભમી ગયું . એ ઝાડવાઓમાં ગયો . તાંબાના તીર જેવી કઠણ , લાંબી અને અણીદાર સૂકી દાંડીઓ લઈ આવ્યો . ધાર કાઢીને અણીને ખીલાની જેમ તીવ્ર બનાવી . એક હાથમાં પથ્થર અને બીજા હાથમાં ખીલાદાંડી લઈને એ ઘુરક્યો .
‘ જવાબ આપો છો કે આ ખીલા કાનમાં ઠોકી દઉં ? ‘
દેવાર્યે એટલું જ બોલવાનું હતું કે ‘તારા બળદ પેલી તરફ ગયા છે , તું ત્યાં જઈને જો .’ દેવાર્ય મૌન રહ્યા . એ જડભરત ગોવાળે દેવાર્યના કાનના કાણાને – ખરેખર , ખીલાનો છેડો અડાડ્યો . હાથ સ્થિર કર્યો અને બીજા હાથે ખીલાના ટોપચા પર પથ્થર ઝીંક્યો . દેવાર્યના કાનમાં ખચ્ચ એવો બોદો અવાજ થયો , લોહીની સફેદ ધાર ફૂટી અને ખીલો કાનમાં ખૂંપી ગયો . મહાભયંકર પીડાની એ ક્ષણ હતી . દેવરાજ શું કરતા હતા ? પેલો સિદ્ધાર્થ ક્યાં ભટકતો હતો ? દેવાર્યના કાનમાં ખીલો ઠોકાઈ રહ્યો હતો . ગોવાળને રોકવાવાળું કોઈ હાજર નહોતું . એણે ફરી હથોડાની જેમ પથ્થર માર્યો , ખીલો પડદાના પેટાળમાં ઉતરી ગયો . સામાન્ય માણસ – કાન પર મચ્છર કરડે તોય ચમકી ઊઠે છે , કાનમાં પાણી ભરાય તેમાંય ત્રાસે છે . દેવાર્યના કાનમાં એક આંગળ લાંબો ખીલો ખૂંતી ગયો . દેવાર્ય હલ્યા નહીં , બોલ્યા નહીં , પીડાર્ત થયા નહીં . ગોવાળ બીજા કાન પાસે આવ્યો . ત્યાં પણ એણે ખીલો ઠોકી દીધો . આ અકલ્પનીય હતું . દેવાર્યે ગોવાળનું શું બગાડ્યું હતું ? આટલો ભયાનક ફટકો , કાનમાં ? દેવાર્યે આ સહન કેવી રીતે કર્યું હશે ? ભીંતમાં ખીલો ઠોંકાય ત્યારે આખી ભીંત ધ્રુજે છે , દેવાર્યના એક એક કાનમાં ખીલો ઠોકાયો ત્યારે એમની કાયાને કેવા ઉગ્ર ઝટકા લાગ્યા હશે ? એમના મોઢામાંથી એક ઉંહકારો પણ ન નીકળ્યો . એમના ચહેરા પર પીડાની એક રેખા પણ ન ફરકી .
ગોવાળે દેવાર્યની સામે ઊભા રહીને જોયું . કાનમાંથી બહાર તરફ ખીલાની દંડી દેખાઈ રહી હતી . ‘ આ જેને કોઈને દેખાશે તે બહાર કાઢી લેશે . આ દંડીને કાનના કાણા સુધી અંદર રહેવા દઉં છું અને બહારનો ભાગ કાપી જ લઉં છું . ‘ એ મનોમન બોલ્યો .
તમારા પગમાં ક્યારેક કાંટો વાગ્યો જ હશે . એ કાંટો સાવ ઝીણો હોય છે . કાંટો કાઢનારે કાંટો કાઢતી વખતે એ કાંટાને , થોડો હલાવ્યો હશે , એ કાંટો પગની અંદર થોડો પણ હલે તો કેવી પીડા થાય છે એ તમે અનુભવ્યું હશે . હવે વિચારો કે દેવાર્યના કાનમાં જે ખીલા ઠોંકાઈ ચૂક્યા છે તેને બહારથી કાપવા માટે ગોવાળે કરવત ઘસી હશે કે ચાકુ ઘસ્યું હશે . એ ઘસાતી વખતે કાનની અંદરનો એક એક ખીલો કેટલું બધું હલ્યો હશે ? એની પીડા કેવી કાળઝાળ હશે . આ નરકનો સાક્ષાત્કાર કરાવી દેનારું મહાકષ્ટ હતું . દેવાર્ય પલકમાત્ર પણ વિચલિત થયા નહીં . ગોવાળે પોતાનું પરમાધામી કર્મ પૂરું કર્યું અને ચાલ્યો ગયો .
દેવાર્ય કાઉસગ્ગ પારી શકતા હતા . ડોક એક તરફ ઝૂકાવીને , પોતાની આંગળીથી ખીલાને બહાર કાઢવાની કોશિશ કરી શકતા હતા . માથું ગોળગોળ ફેરવીને ખીલાને બહાર લાવવા ઝટકા લગાવી શકતા હતા . વસતિમાં જઈને કોઈને કહી શકતા હતા કે આ જુઓ , બેય કાનમાં ખીલા છે . દેવાર્યે કંઈ પણ કર્યું હોત , એ ખીલા તરત નીકળી જાત . તાજો તાજો ઘા હતો , ઓછી વેદનામાં ઈલાજ થઈ જાત .
દેવાર્યે ન કાઉસગ્ગ પાર્યો , ન આંગળી ઊઠાવી , ન ગરદન હલાવી , ન કોઈને જાણકારી આપી . જાણે કશું થયું જ ન હોય તે રીતે પોતાના કાઉસગ્ગમાં દેવાર્ય સ્થિર ઊભા રહ્યા . ખીલાની આસપાસ લોહી થીજે , સોજો ચડે , ફાટેલી નસોનો દુખાવો થાય , સણકા ઉપડે . ઘણું કષ્ટ થઈ શકતું હતું . . દેવાર્ય એ અંગે બેપરવા રહ્યા . જાણે કાનમાં ખીલા ઠોકાયા જ ન હોય એવી દૃઢ માનસિકતા સાથે દેવાર્યે ત્યાં ઊભા રહીને ધ્યાનસાધના યથાવત્ ચાલુ રાખી . ( ક્રમશ: )
કૌશાંબીથી નીકળીને સુમંગલ સંનિવેશ આવ્યા . ત્રીજા દેવલોકના ઈન્દ્ર વંદન કરવા આવ્યા . સુખશાતા પૂછી . આગળ સુક્ષેત્ર સંનિવેશ આવ્યા . ચોથા દેવલોકના ઈન્દ્ર વંદન કરવા આવ્યા . સુખશાતા પૂછી . પછી પાલક ગામ આવ્યા . વાઈલ નામનો વેપારી બહારગામ જઈ રહ્યો હતો . દેવાર્યને જોઈને એને લાગ્યું કે આ અપશુકન થયા . એ તલવાર લઈ દેવાર્યને મારવા દોડ્યો . સિદ્ધાર્થ દેવે એને કઠોર સજા ફટકારી . સિદ્ધાર્થ દેવે કદાચ , પહેલીવાર પોતાની જવાબદારી બરોબર નિભાવી .
ચંપાપુરી પધાર્યા . સ્વામિદત્ત બ્રાહ્મણની અગ્નિહોત્રશાલામાં બારમું ચોમાસું .
આ ચોમાસામાં દેવાર્યની સેવામાં બે યક્ષ નિયમિત આવતા રહ્યા . પૂર્ણભદ્ર અને માણિભદ્ર . બન્ને રાત્રે આવતા , દેવાર્યની ભક્તિ કરતા . દિવસે અદૃશ્ય . આ ક્રમ ચાર મહિના સુુુધી ચાલ્યો .
ઘરમાલિક સ્વામિદત્તને દેવોનું આવાગમન સમજાયું . બ્રાહ્મણને આશ્ચર્ય થયું : શું આ દેવાર્ય આટલા દિવ્યજ્ઞાની છે , રાતે દેવો આવે છે ? મારે એમનું જ્ઞાન જોવું જોઈએ .
સ્વામિદત્ત દેવાર્યને મળવા આવ્યો . એણે દેવાર્યને આત્માવિષયક અઘરા સવાલો પૂછ્યા . દેવાર્યે સ્વમુખે વિસ્તારથી જવાબ આપ્યા . બ્રાહ્મણ પ્રતિબોધ પામી ગયો .
ચોમાસા બાદ જૃંભકગ્રામ પધાર્યા . હવાથી લહેરાતો ખેતીવાડીઓનો વિશાલ વિસ્તાર હતો . ચાંદીની જેમ ચમકતો નદીનો પટ હતો . કોઈ પ્રબળ ૠણાનુબંધ હતો આ ભૂમિ સાથે . દેવરાજ આવ્યા હતા . તેમની ખુશીનો પાર નહોતો . તેમણે દેવાર્ય સમક્ષ ભાવપૂર્ણ નૃત્ય કર્યું હતું . પૂજાવિધિ આદરી હતી . દેવરાજે દેવાર્યને કહ્યું હતું : પ્રભુ , હવે થોડા જ દિવસોમાં આપને કેવળજ્ઞાન થશે . ધન્ય સાધના . ધન્ય આત્મલીનતા . ( સંદર્ભ : આવશ્યક નિર્યુક્તિ / ગાથા : ૫૨૩ )
આ હરખ ઉપજાવે તેવું વાક્ય હતું . દેવાર્ય આ સાંભળીને રાજી થયા ? ના . તેઓ પ્રતિભાવથી પર બની ચૂક્યા હતા . અરીસામાં પાણીનો પડછાયો પડે છે પણ એ પડછાયો અરીસાને ભીંજવી શકતો નથી . દેવાર્ય માટે દરેક વાત , દરેક ઘટના અરીસાના પડછાયા જેવી હતી . એ હોય , પણ એનો સ્પર્શ ન હોય . મારે કશું જોઈએ છે – એ ભાવ જ મરી ચૂક્યો હતો . હું આત્મા છું – એ સંવેદનનું સર્વોચ્ચ સ્તર જીવતું હતું . નિર્લેપભાવ ચરમસીમા પર હતો . હરખશોકના તરંગો થીજી ગયા હતા .
આગળ મેંઢક ગ્રામ પધાર્યા . ચમરેન્દ્ર આવ્યા . વંદના કરી . સુખશાતા પૂછી . હવે , ષણ્માનિ ગામ આવ્યા . એક મોટો હિસાબ ચૂકવવાનો સમય આવી ચૂક્યો હતો . સૌથી મોટો હિસાબ . ( ક્રમશઃ )
દેવાર્યનું પારણું થયું ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યા . આકાશમાં દુંદુભિનાદ થયો . દેવો તુમુલ હર્ષનાદ સાથે નૃત્ય કરવા લાગ્યા . સુવર્ણમુદ્રાઓની વર્ષા થઈ . દેવતાઈ પ્રભાવે ચંદનાના સુંદર વાળ પાછા આવી ગયા , પગની બેડી સોનાના ઝાંઝર થઈ ગઈ . શરીર પર ઉત્તમ વસ્ત્રો અને રત્નના દાગીના આવી ગયા . ચંદના પહેલા કરતાં પણ વધુ સુંદર દેખાવા લાગી . એને દેવાર્યના કઠિન અભિગ્રહને પૂર્ણ કરાવવાનો અને પાંચ મહિના , પચીસ દિવસના લાંબા ઉપવાસના પારણાનો લાભ મળ્યો હતો .
ધનાવહ શ્રેષ્ઠીના દરવાજે મહારાજા અને મૃગાવતી , મંત્રી અને નંદા , દેવરાજ અને નગરજનો ભેગા થઈ ગયા . ચંપાનગરીના યુદ્ધમાં પકડાયેલા કેદીઓમાંથી સત્તાવાર મુક્ત થયેલો એક કેદી પણ ત્યાં પહોંચ્યો . સંપુલ એનું નામ . એ ચંપાનગરીના અંતઃપુરનો આરક્ષક કંચુકી હતો . એણે ચંદનાને જોઈ અને ઓળખી . એ ભીડ વચ્ચેથી જગ્યા બનાવીને ચંદના પાસે પહોંચ્યો અને એના પગમાં પડી રડવા લાગ્યો . મહારાજાએ એને પૂછ્યું :
‘ આ શું કરે છે ? આમ રડે છે શું કામ ? ‘
‘મહારાજ , આ કુમારીને આપ ઓળખો છો ?’ ચંદના તરફ હાથ લંબાવીને તેણે પૂછ્યું .
‘ હા , એણે જ દેવાર્યને પારણું કરાવ્યું છે . ‘ મહારાજા બોલ્યા .
‘ એ વાત બરોબર છે પણ એ ધનાવહ શેઠની દીકરી નથી ‘
‘ તો કોણ છે ? ‘
‘ એ દધિવાહન રાજાની દીકરી છે , વસુમતી . હું ચંપાપુરીના અંતઃપુરમાં કંચુકી હતો . મારી વાતમાં મીનમેખનો ફેર નહીં પડે . ‘
‘ શું વાત કરે છે ? સાચ્ચે ? ‘
‘ હા પ્રભુ , ‘
‘ પણ એ અહીં કેવી રીતે ? ‘
‘ આપ એને પૂછી જુઓ . ‘
મહારાજાએ ચંદના સામે જોયું . એ પણ સંપુલને જોઈને રડવા લાગી હતી .
‘ બેટા , ચંપાયુદ્ધમાં રાજા દધિવાહન ભાગી ગયા ત્યારે તું સાથે નહોતી ગઈ ? ‘ મહારાજાએ ચંદનાને પૂછ્યું .
‘ ના , હું અને મારી માતા ધારિણી , રાજાથી છુટ્ટા પડી ગયા હતા . મારી માએ , ધારિણીરાણીએ આત્મહત્યા કરી . મનેં ધનાવહ શેઠે દાસી તરીકે ખરીદી લીધી ‘ ચંદનાએ કહ્યું .
‘ ઓહો , તું ધારિણીની દીકરી છો ? ‘ મહારાણી મૃગાવતી બોલ્યા . ‘ ધારિણી મારી બેન છે . હું તારી માસી થાઉં . તારી આ હાલત ? મારા જ શહેરમાં તું દાસી તરીકે રહે છે ? હે ભગવાન્ . મનેં કેમ આની ખબર ન પડી ? ‘ મહારાણીએ ચંદનાને ગળે લગાવી .
ચંદનાના હાથે દેવાર્યનો અભિગ્રહ પૂરો થઈ ગયો . જવાબમાં દેવાર્યના પ્રભાવે ચંદનાનાં દુઃખના બધા દિવસો પૂરા થઈ ગયા . ચંદનાનું દાસીપદ દૂર થઈ ગયું . એને રાજકુમારી વસુમતી તરીકેની ઓળખ પાછી મળી . મહારાજા/મહારાણીએ એને દીકરી તરીકે સ્વીકારી લીધી . દેવાર્યે ચંદનાને કેટલો સમય આપ્યો ? સોબસ્સો ક્ષણો . પણ એટલામાં ચંદનાના ભાગ્યના દરવાજા ઉઘડી ગયા . દેવાર્ય ચંદના પાસે ન આવ્યા હોત તો ચંદનાની જિંદગી કેટલી અધૂરી રહી જાત . અરે , એનું નામ સુદ્ધાં લોકોને ખબર પડત નહીં . દેવાર્યે ચંદનાને સાવ થોડો સમય આપ્યો એમાં ચંદના મશહૂર થઈ ગઈ અને એનું નામ અમર થઈ ગયું . આ દેવાર્યની તાકાત હતી .
દેવાર્ય ધનાવહનાં ઘરેથી પાછા નીકળ્યા . આજ કૌશાંબીનગરી રાજી હતી . દેવાર્યે આજે પહેલીવાર કૌશાંબીને પારણાનો લાભ આપ્યો હતો . મહિનાઓની પ્રતીક્ષાનો આજે સુખદ અંંત આવ્યો હતો .
દેવતાઓએ પંચ દિવ્યમાં કરેલી ધનવૃષ્ટિના અગણિત સોનેરી સિક્કા જમીન પર પથરાયેલા હતા , રત્નો પણ વેરાયા હતા . મહારાજાને લાગ્યું આ રાજ્યની સંપદા છે , આને હું લઈ જઈશ . એમને દેવરાજે રોક્યા . કહ્યું : આ ચંદનાનું ધન છે , રાજ્યનું નહીં . ચંદના જેને આપવા ચાહે એને એ મળશે .
મહારાજાએ ચંદનાને પૂછ્યું : આ ધન કોને આપવું છે ?
ચંદનાએ ધનાવહ શેઠ સામે જોયું . શેઠ ક્યારના આવીને ઊભા હતા . એ લુહારને લઈને આવ્યા હતા . પગની બેડી તોડવા . અચાનક દેવાર્ય પધાર્યા , ચંદનાના હાથે પારણું થયું , દેવરાજ , દેવો , મહારાજા/મહારાણી/મંત્રી અને નગરજનો આવી ગયા એમાં એ બાજુ પર રહી ગયા હતા . ચંદનાના નવા દેદાર જોઈને એ શેઠ પણ અવાચક હતા. જે અનુમાન સાથે એમણે ચંદનાને ખરીદી હતી એ અનુમાન સાચું પડ્યું હતું . ચંદના ખરેખર મહાકુલપ્રસૂતા હતી . ચંદનાએ કહ્યું :
‘ આ ધન , પૂજનીય શેઠજીને સોંપવું છે . એમણે પિતા બનીને મારું બધું જ ધ્યાન રાખ્યું . એમનો બહુ મોટો ઉપકાર છે મારી પર . ‘ ચંદના અને શેઠની આંખમાં દીકરી અને પિતા જેવા જ આંસુ વહી નીકળ્યા . કરોડોનું ધન સત્તાવાર રીતે ધનાવહ શેઠને સોંપી દેવાયું . નિઃસ્વાર્થ પરોપકારનુું આ ઉત્કૃષ્ટ ફળ હતું .
દેવરાજે મહારાજા શતાનીકને કહ્યું : આ ચંદના તમારાં ઘરે માન સન્માનપૂર્વક રહેશે . દેવાર્યને કેવળજ્ઞાન થશે તે પછી ચંદના દેવાર્યની પ્રથમ શિષ્યા બનશે . ત્યારસુધી તમે ચંદનાનું ધ્યાન રાખશો . ‘
‘ જી , બિલકુલ ‘ મહારાજાએ જવાબ આપ્યો . સાક્ષાત્ સૌધર્મ ઈન્દ્ર સાથે વાર્તાલાપ કરવાનો આ પહેલો મોકો હશે . શું બોલે બીજું ? એ બસ , દેવરાજને જોતા રહી ગયા . મહારાજાને સમજાઈ રહ્યું હતું કે દેવરાજ સામે હું સાવ ફીક્કો છું અને તદ્દન કમજોર છું . દેવરાજે વિદાય લીધી .
દેવાર્યે કૌશાંબી પાસેથી થોડા અડદના દાણા લીધા . તેય એક જ વાર . આની સામે દેવાર્યે કૌશાંબીને કેટલું બધું આપ્યું ? શક્રસ્તવના ઉદ્ગાતા સૌધર્મ ઈન્દ્રનું આગમન . કૌશાંબીના ઈતિહાસની સૌથી મોટી તપસ્યા . ચોવીસમા તીર્થંકરના પ્રથમ સાધ્વી સંબંધી ભવિષ્યવાણી . દેવો દ્વારા નિર્મિત પંચ દિવ્યને નરી આંખે જોવાનો લહાવો . વિખૂટા પડેલા સ્વજનોનો મેળાપ . દેવાર્યે કૌશાંબીને એક એવી ઘટનાનું સ્થાન બનાવ્યું જેની કથા ઈતિહાસમાં યુગયુગાંતર સુધી ગવાયા જ કરશે . દેવાર્યે લીધું થોડું અને આપ્યું ઘણું . (ક્રમશઃ)
ચંદનાએ કરાવ્યું પારણું
મહારાજા શતાનીકની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી રહેતી . રાજ્યનો સીમાડો વિસ્તારવાનો એક પણ મોકો એ ગુમાવતા નહીં . કોઈ રાજા નબળો પડે તેને હરાવીને પોતાનો ખંડિયો રાજા બનાવવામાં મહારાજાને ઘણો આનંદ આવતો . એક રાતે મહારાજાએ ચંપાનગરી પર અચાનક , નદીમાર્ગેથી નૌસેના દ્વારા હલ્લો કર્યો . ચંપાનગરીનો રાજા દધિવાહન ગભરાઈને ભાગી નીકળ્યો . શતાનીકની આસાન જીત થઈ . રાજાએ સૈનિકોને જે લૂંટવું હોય તે લૂંટી લેવાની જાહેરાત કરાવી . સૈનિકોએ મનફાવે તે રીતે શહેર લૂંટ્યું . એક સૈનિકે દધિવાહનની રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીનું અપહરણ કર્યું . બેયને લઈને ઊંટ દ્વારા એ સૈનિક કૌશાંબી તરફ આવી રહ્યો હતો . રસ્તામાં તેણે ધારિણીને કહ્યું કે હવેથી તું મારી પત્ની છે . ધારિણીએ જીભ કચડીને આત્મહત્યા કરી લીધી .
સૈનિક ગભરાયો . એણે વસુમતીને કાંઈ ન કહ્યું . કૌશાંબી પહોંચીને તેણે આ કુમારીને રસ્તાના છેડે ઊભી રાખી દીધી . કોઈ દાસી તરીકે એને ખરીદી લે એવી એની ઉમ્મીદ હતી . એ જમાનામાં દાસદાસીઓને આમ બજારમાંથી ખરીદવામાં આવતા . એ જ રસ્તેથી કૌશાંબીના પ્રખ્યાત શ્રેષ્ઠી ધનાવહ જઈ રહ્યા હતા . એમણે વસુમતીને જોઈ . વિચાર્યું કે આવી નાજુક અને સુંદર કન્યા કોઈ ઊંચા ખાનદાનની જ હોય , બિચારી ખોટી જગ્યાએ આવી ગઈ છે . તેમણે એને ખરીદી લીધી . ઘરે લાવ્યા . તેમણે વસુમતીને પૂછ્યું કે તું કોણ છે , તારા માબાપ કોણ છે ? ડઘાયેલી વસુમતીએ કોઈ જ જવાબ આપ્યો નહીં . શેઠે પોતાની જ દીકરી માનીને એને સાથે રાખી લીધી .
મૂળા શેઠાણીને ગમ્યું નહીં પણ એ ચૂપ રહ્યા . ધીમેધીમે વસુમતી હળીમળી ગઈ . એ હંમેશા શાંતિ નીપજે એવું મીઠું મીઠું બોલતી . એથી એનું નામ રાખ્યું : ચંદના . એ ધનાવહ શેઠની લાડકી હતી અને સેવા ઘણી કરતી . મૂળાને લાગ્યું કે ચંદના યુવાન છે તે મારા પતિને વશમાં કરી લેશે . એ ઈર્ષા અને શંકામાં અટવાઈ ગઈ . એક કિસ્સો એવો બન્યો કે એનો પૂર્વગ્રહ દૃઢ થઈ ગયો . એકવાર ગરમીનો સમય હતો . ધનાવહ શેઠ ઘરે પહોંચ્યા ત્યારે બીજા નોકરચાકર હાજર હતા નહીં . ચંદના શેઠના પગ ધોવા બેસી ગઈ . શેઠે ના પાડી પણ તે ન માની . પગ ધોતા ધોતા ચંદનાના લાંબા વાળ શેઠના પગ પર તરફ સરકવા લાગ્યા . ચંદનાના હાથ , શેઠના પગ ધોવામાં રોકાયેલા હતા . એ વાળ , માટીવાળી જમીનને અડશે તો ગંદા થશે એમ વિચારી શેઠે , વાળને ચંદનાના ખભા પર ગોઠવી દીધા . આ દૃશ્ય મૂળા શેઠાણીએ જોઈ લીધું . એમને લાગ્યું કે ચંદનાએ જાળ બિછાવી છે અને શેઠ એમાં ફસાઈ રહ્યા છે . એમને ગુસ્સો ચડ્યો . એ વખતે મૂળા શેઠાણી કશું ન બોલ્યા .
થોડા સમય પછી શેઠ ક્યાંક બહાર ગયા . શેઠાણીએ ચંદનાને બોલાવીને ખૂબ ધમકાવી . એના લાંબા વાળ નાઈના હાથે કપાવી નાંખ્યા . પગમાં બેડી બાંધી દીધી . ઘણો માર માર્યો . એક ઓરડામાં બંધ કરી દીધી . તાળું લગાવી દીધું . નોકરોને કરડાકીથી કહ્યું કે ચંદના ક્યાં છે અને ચંદના સાથે શું થયું છે તે શેઠને કહેવાનું નથી . કહ્યું છે તો મારો ગુસ્સો વેઠવો પડશે .
થોડીવારે શેઠ આવ્યા . ચંદના દેખાઈ નહીં . નોકરોને પૂછ્યું તો જવાબ મળ્યો કે ક્યાંક રમતી હશે . એ દિવસે શેઠ ચંદનાને ન મળ્યા . બીજા દિવસે પણ શેઠે ચંદના વિશે પૂછ્યું , બધાએ ઉડાઉ જવાબ આપ્યા . બીજા દિવસે પણ શેઠ ચંદનાને ન મળ્યા . ત્રીજા દિવસે પણ શેઠને ચંદના દેખાઈ નહીં . પૂછ્યું તો સરખા જવાબ ન મળ્યા . શેઠે બધા નોકરોને ધમકાવ્યા , મૂળા શેઠાણીના ડરથી કોઈ બોલ્યું નહીં . એક વૃદ્ધ દાસીએ હિંમત કરીને સાચી વાત શેઠને કહી દીધી . શેઠ તાળું ખોલી એ ઓરડામાં ધસી ગયા . ચંદના સાવ મુરઝાયેલા ફૂલ જેવી બેહાલ પડી હતી . શેઠે એને સાંત્વના આપી . બે દિવસથી કાંઈ ખાધું નથી તે ખબર પડી . રસોડામાંથી કશુંક લાવવા ગયા . એક સૂપડામાં અડદ પડ્યા હતા તે લઈ આવ્યા . કહ્યું કે આ ખાઈ લે . હું પગની બેડી તોડવા લુહારને લઈને આવું છું .
શેઠ ગયા . ચંદના મહામહેનતે ઊભી થઈ . એનો માનસિક આઘાત ઓસરવા લાગ્યો હતો . સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનું ચક્કર ખતમ નહોતું થઈ રહ્યું . એ જિંદગીનો ઘટનાક્રમ યાદ કરતી રહી . ભૂખ લાગી હતી . એને વિચાર આવ્યો કે અચાનક ત્રણ ઉપવાસ થઈ ગયા છે . કોઈ અતિથિને દાન આપું તો કેવું ? એણે દરવાજાની બહાર નજર કરી .
અત્યાર સુધીની કથામાં દેવાર્ય નથી પણ આ કથા દેવાર્યની જ છે . દેવાર્યના લાંબા ઉપવાસનાં પારણા માટે કુદરતે કેટલો પ્રલંબ ઘટનાક્રમ યોજ્યો હતો ? ચંપા નગરી હારી . રાણી મરી . રાજકુમારી બજારમાં વેંચાઈ . દાસી બનીને શેઠનાં ઘરે આવી . મૂળાને ઈર્ષા થઈ . ચંદનાનું માથું મુંડાયું અને પગે બેડી લાગી . ત્રણ ઉપવાસના છેડે ચંદનાના હાથમાં , સૂપડાના ખૂણે ગોઠવાયેલા અડદના દાણા પહોંચી ગયા . હવે બસ , દેવાર્યે અહીં પધારવાનું હતું .
ચંદનાએ દરવાજામાંથી બહાર જોયું અને એને દેવાર્ય દેખાયા . ચંદના માટે આ અકલ્પ્ય બીના હતી . એણે એક પગ દરવાજાની બહાર મૂક્યો , એક પગ દરવાજાની અંદર રહેવા દીધો . દેવાર્યને લાભ આપવાનો સાદ દીધો . દેવાર્યે એને શાલીનતાથી જોઈ . અભિગ્રહની બધી શરતો મહદંશે પૂરી થઈ ચૂકી હતી . એક વસ્તુ ખૂટતી હતી . ચંદનાની આંખમાં આંસુ નહોતા . દેવાર્ય પાછા ફર્યા . ચંદના દેવાર્યને જતા જોઈને રડવા લાગી . અભિગ્રહની છેલ્લી શરત પૂરી થઈ હતી . ચંદનાએ દેવાર્યને રડતા સાદે પાછા બોલાવ્યા . દેવાર્ય પાછા આવ્યા . પાંચ મહિના અને પચીસ દિવસના ઉપવાસ પછી દેવાર્યે આજે હાથ લંબાવ્યા . ચંદનાએ સૂપડા દ્વારા દેવાર્યની અંજલિમાં અડદ ભરી દીધા . દેવાર્યે પારણું કર્યું . ( ક્રમશઃ )
નંદા અને મૃગાવતી
યમુના નદીના તીરે કૌશાંબીનો કિલ્લો દેવનગરીના સોનેરી ગઢ જેવો જાજરમાન લાગતો . નગરીનું ઐશ્વર્ય અફાટ હતું . ભારતદેશના એકેક શહેરમાં અને ગામમાં કૌશાંબીનાં ઐશ્વર્યની ચર્ચા હતી . રાજા શતાનીકે અર્થ વ્યવસ્થા માટે રાજ્યના સિક્કા બનાવડાવ્યા હતા . ભારતના દરેક વેપારીની તિજોરીમાં , કૌશાંબીનો ખણખણિયો ચોક્કસ જગ્યા બનાવી ચૂક્યો હતો . જે શહેર પાસે પોતાની એક નદી હોય છે એ શહેરને સ્વર્ગ સમાન સુંદર બનતા કોઈ રોકી શકતું નથી . કૌશાંબી પાસે યમુના હતી . રાજાની ગજસેના ઘનશ્યામવર્ણી યમુનામાં જલક્રીડા કરવા ઉતરતી ત્યારે નદીમાં દરિયા જેવું તોફાન ખળભળી રહેતું . કિનારે ઊભા જ ના રહેવાય , કિલ્લા પરથી જોવાનું અને તાળીઓ પાડવાની . યુવાન હાથીઓના ગંડસ્થળ પરથી ઝરતા મદરસ , જમનામાં ભળીને જળને જોબનવંતું બનાવતા . હાથીઓનાં માથા પરથી ઉછળી ઉછળીને ભાગતાં યમુનાજળ , ચક્રવર્તીમાતાનાં ગૌરવ જેવી ચમક ધારણ કરતાં . આ જ નદીમાં અશ્વસેના ઉતરે ત્યારનો નઝારો અલગ રહેતો . ઘોડાની હણહણાટી અને પાણીનો ખળભળાટ , હજારો દૃષ્ટાઓમાં અનેરું જોશ ભરતાં .
જમનાના અતિશય લાંબાચૌડા ઘાટ પર , નગરજનો સવારથી સાંજ સુધી જોવા મળતા . કોઈ નહાય , કોઈ આરતી કરે , કોઈ ધ્યાન ધરે , કોઈ હોમહવનમાં બેસે , કોઈ સંગીત વગાડે – કોઈ સાંભળે – કોઈ નાચે . કોઈ ઉજાણી કરે , કોઈ ઓમકારના ઉદ્ઘોષ કરે . નૌકાપ્રવાસ માટે સવારસાંજ ભીડ મચતી .
અને શહેર લાખો સુખીસંપન્ન પ્રજાજનોથી ધબકતું રહેતું . નગરીમાં અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની તમામ સુવિધાઓ મળતી હોવાથી પ્રવાસી વ્યાપારીઓનો મેળો જામેલો રહેતો . પાંથશાળા અને અન્નશાળાઓ ( = સાર્વજનીન ધરમશાળાઓ/ભોજનશાળાઓ ) ક્યારેય ખાલી પડતી નહીં . ઊંચા મહેલો . મોટી હવેલીઓ . વિશાળ બાંધણીવાળી ઈમારતો . ચકચકિત પથ્થરમાર્ગો . બગીચાઓ . તળાવો . મંદિરો . વાવડીઓ . કૂવાઓ . ભરચક વૃક્ષવિસ્તારો . આવા સમૃદ્ધ શહેરમાં દેવાર્ય હતા તે ખુશીની વાત હતી . શહેરમાં ધર્મનું મોટું સન્માન હતું . દેવાર્યને વીતેલા વરસોમાં જે ઉપસર્ગો આવ્યા એવા કોઈ ઉપસર્ગો કૌશાંબીમાં હતા નહીં . દેવાર્યે કૌશાંબી જેવા ભવ્ય સ્થાનોમાં રહેવું જોઈએ , જંગલોમાં નહીં – ભક્તોનાં હૈયે આ વિચાર રમે જ .
પણ દેવાર્યને ક્યાં આરામ કરવો હતો ? કષ્ટ દેવાર્ય સુધી ન પહોંચી શકે તો દેવાર્ય કષ્ટને શોધી કાઢતા . કોઈ ઉપસર્ગ હતો નહીં . છઠને પારણે છઠ ચાલતા રહેત . કોઈ વાંધો નહોતો . લાંબા ઉપવાસનાં તપ માટે ચોમાસું હતું જ . એમ લાગતું હતું કે આરામનો સમય છે . એમાં દેવાર્યે આ અભિગ્રહ લીધો . પોષ મહિનો હતો . કૃષ્ણ પક્ષ હતો . એકમ તિથિ હતી . દેવાર્યે નિર્ધારિત ઉપવાસ કરી લીધા બાદ ભિક્ષા માટે ઘેર ઘેર જવાનું શરૂ કર્યું . કૌશાંબીવાસીઓની ખુશીનો પાર ન રહ્યો . દેવાર્ય મારાં ઘેર પારણું કરશે , આ એક વિચાર રહેતો . મને લાભ ન મળે તોય દેવાર્ય કોઈકના ઘેર પારણું કરશે જ , આ બીજો વિચાર રહેતો . પધારો પધારો – ના ઘોષ સંભળાયા . દેવાર્ય ખરેખર પધાર્યા . જોયું . અભિગ્રહને અનુરૂપ કાંઈ દેખાયું નહીં એટલે પાછા નીકળી ગયા . એ એક દિવસનો ઉપવાસ વધી ગયો , પારણું થયું નહીં . જે ઘેરથી દેવાર્ય પારણું કર્યા વિના નીકળી ગયા તે ઘેર અફસોસ ફેલાયો . મહોલ્લામાં વાત ફેલાઈ કે આજે દેવાર્યને સૂઝતો આહાર મળ્યો નહીં એટલે પારણું ના થયું . બીજા દિવસે દેવાર્ય ફરી નીકળ્યા . ગઈકાલનું જ પુનરાવર્તન થયું . દેવાર્યને ફરી ઉપવાસ . નગરજનોમાં ફરી અફસોસ . આમ ત્રીજો , ચોથો , પાંચમો દિવસ એક પછી એક નીકળતો રહ્યો અને ઉપવાસ પર ઉપવાસ ચડતા ગયા . ધીમે ધીમે આખા શહેરમાં વાત ફેલાતી ગઈ . જોતજોતામાં ચાર મહિના જેટલો સમય નીકળી ગયો . શહેરમાં જાણે હાહાકાર મચી ગયો . હજી લોકોને સમજાયું નહોતું કે આ અભિગ્રહનો મામલો છે . બધાને એમ જ હતું કે દેવાર્યને જેનો ખપ છે તે આપણે બનાવી રહ્યા નથી .
એક દિવસ દેવાર્ય નંદાનાં ઘરે પધાર્યા અને ભિક્ષા લીધા વિના પાછા નીકળી ગયા . નંદાને ભારે અફસોસ થયો . નંદા સાધારણ મહિલા નહોતી . એ કૌશાંબીના મંત્રીની પત્ની હતી . દેવાર્ય પાછા નીકળી ગયા , તે પછી એ ઘણુંઘણું રડી . રાજકાજ પતાવીને મંત્રી ઘરે આવ્યા . નંદાને મંત્રીએ રડવાનું કારણ પૂછ્યું . મંત્રીપત્નીએ મંત્રીને વાત જણાવી અને કહ્યું ` મનેં એવું લાગે છે કે દેવાર્યને કોઈ અભિગ્રહ છે , એ અભિગ્રહ પૂરો થતો નથી એટલે દેવાર્ય ભિક્ષા લીધા વિના પાછા જાય છે . ʼ
‘ જો આપણે એ અભિગ્રહ વિશે જાણકારી મેળવી શકીએ તો લાભ મળી જાયને ? ‘ મંત્રી બોલ્યા . દેવાર્ય તીર્થંકર હતા , આજે આ શહેરમાં હતા પણ એકવાર વિહાર કરીને નીકળી ગયા પછી ફરીથી પધારે કે નહીં તે પ્રશ્ન જ હતો .
‘ શું આમ – જો અને તો કરો છો . આટલા મોટા રાજ્યના સંચાલક છો , બુદ્ધિના ભંડાર ગણાઓ છો , ઈજ્જત કમાઈ છે , એનો શો મતલબ છે ? આપણને સામેથી જાણકારી આપવા કોણ આવવાનું છે ? કોઈ જ નહીં . જાણકારી આપણે જ મેળવવી પડશે કે દેવાર્યને શાનો અભિગ્રહ છે ? જો આપણને એની જાણકારી મળતી નથી તો આ મંત્રીપદું બેકાર છે , આ ઘર , આ ઐશ્વર્ય બેકાર છે ‘ નંદાએ રોષમાં જવાબ આપ્યો . મંત્રી સન્ન રહી ગયા . એમણે જાણકારી મેળવવાનો પાકો સંકલ્પ કર્યો અને નંદાને વચન પણ આપ્યું . મંત્રીને એમ હતુું કે અભિગ્રહ જાણવા મળી જશે ને બીજા દિવસે પારણુું થઈ જશે , પણ એવુું કાંંઈ થયું નહીં . મંંત્રી ચિંંતામાં પડ્યા .
મહારાણી મૃગાવતીની એક નોકરાણી વિજયા નંદાને મળવા આવી હતી તેણે આ વાર્તાલાપ સાંભળી લીધો હતો . એણે મહારાણી મૃગાવતીને આખી વાત કહી દીધી . મહારાણી એકદમ દુઃખી થઈ ગયા . મહારાજા શતાનીકે મહારાણીને અસ્વસ્થ જોયા . પૂછ્યું , કેમ આવો ચહેરો ?
મહારાણીએ મહારાજાને દેવાર્યના સમાચાર આપ્યા અને કહ્યું કે – આપની પાસે દેશવિદેશના બધા સમાચાર હોય છે . આપણા શહેરના આ સમાચાર આપની પાસે નથી ? દેવાર્ય બોલતા નથી , લોકોને જવાબ નથી આપતા , કેવળ ધ્યાનમાં જ રહે છે . પણ રોજ ભિક્ષા લેવા નીકળે જ છે . જો દેવાર્યને ઉપવાસ જ કરવો હોય તો એ ભિક્ષા લેવા શું કામ નીકળે ? દેવાર્ય જ્યાંથી પાછા નીકળે છે ત્યાં કોઈ અશુદ્ધિ થઈ હોય છે એવું પણ નથી હોતું . સૂઝતો આહાર હોય છે એ પણ દેવાર્ય સ્વીકારતા નથી . આ જરૂર કોઈ અભિગ્રહ છે . આપણે આ અભિગ્રહ વિશે કેવી રીતે જાણી શકીએ . મનેં ચિંતા થાય છે . દેવાર્ય ચાર મહિનાથી આપણાં શહેરમાં છે . અને હજી સુધી દેવાર્યે એકવાર પણ આહાર સ્વીકાર્યો નથી . આ મારી કે આપની નહીં પરંતુ આખી કૌશાંબીની નાલેશી છે . એકવારનું અન્ન પણ આપણે દેવાર્યને ન આપી શકીએ ? આપણે આટલાબધા દરિદ્ર કેવી રીતે થઈ ગયા ? મનેં તો રડવું આવે છે . ખાવાનું ભાવતું નથી . ‘
મહારાણીની આંખમાં આંસુ આવી ગયાં . મહારાજા સ્તબ્ધ અને અવાચક . દેવાર્ય લાંબા ઉપવાસ કરી રહ્યા હતા એવું મહારાજાએ માની લીધેલું . હકીકત એ હતી કે દેવાર્ય રોજ પારણું કરવા માટે ભિક્ષા લેવા નીકળી રહ્યા હતા અને દેવાર્યને લાંબા સમયથી પારણું થઈ નહોતું રહ્યું . આજે આ સમજમાં આવ્યું . મહારાજાએ દેવાર્યનાં પારણાની ચિંતા જતાવી , પારણા માટે જે કરવું પડે તે કરવાની તૈયારી બતાવી . મહારાણીએ કહ્યું :
‘ દેવાર્ય આપણા શહેરમાં પધાર્યા એ દેવાર્યનો ઉપકાર છે . દેવાર્ય માટે આખો ભારતદેશ ખુલ્લો છે . તે કૌશાંબી જ આવ્યા કેમ કે આપણામાં કશીક પાત્રતા દેખાઈ છે પ્રભુને . આજે નહીં ને કાલે એમ કરતાં ચાર મહિના નીકળી ગયા , આપણે હજી આપણી પાત્રતા સાબિત કરી શક્યા નથી . છેલ્લા ચાર મહિનામાં આપણે કેટલાં ફળ ખાધાં ? કેટલી મીઠાઈ ખાધી ? કેટકેટલું જમ્યા અને કેટલાય પીણાં ગટકાવી લીધા ? કોઈ હિસાબ નથી . અને આપણા દેવાર્યે છેલ્લા ચાર મહિનામાં એક અન્નનો દાણો મોઢામાં નાંખ્યો નથી કે એક ટીપું પાણીનું લીધું નથી . બસ , બોલવા પૂરતા રાજા કે રાણી બનીને બેઠા છીએ , આપણે . બાકી આપણી કોઈ હેસિયત નથી બચી કે દેવાર્યની ભક્તિ કરી શકીએ . શો અર્થ છે આવા રાજવટાનો ? ‘ મહારાણી ફરી રડવા લાગ્યા .
‘ આપની વાત સાચી છે , હું કશુંક કરું છું . ‘ મહારાજાએ ગદ્ગદ સાદે જવાબ આપ્યો હતો . મહારાજાએ મંત્રીને પૂછ્યું , ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એવા તથ્યવાદીને પૂછ્યું . અભિગ્રહને જાણવાનો માર્ગ કોઈ ન બતાવી શક્યું .
તે દિવસે મહારાજાનો ટહેલિયો ગલીએ ગલીએ ફરવા નીકળ્યો . એનો પ્રચંડ અવાજ ઘેર ઘેર ફરી વળ્યો . એ ઠેકઠેકાણે ઊભો રહ્યો . ઢોલ વાગ્યા , શંખ ફૂંકાયા . લોકો રાજાજીની આજ્ઞા કે સૂચના સાંભળવા ભેગા થયા . એ ટહેલિયો બોલ્યો :
‘ નગરજનો , સાંભળો . આપણા શહેરમાં એક દેવાંશી યોગીપુરુષ પધાર્યા છે . તેઓ મહાન્ તપસ્વી છે . તેમનું નામ છે શ્રી વર્ધમાન પ્રભુ . તેઓ ટૂંક સમયમાં તીર્થંકર થવાના છે . ખાસ વાત એ છે કે તેઓ રોજ ભિક્ષા લેવા માટે નીકળે છે પરંતુ ભિક્ષા લીધા વિના પાછા ફરે છે . મહારાજા શતાનીકને એવું લાગે છે કે આ મહાસાધકને કોઈ અભિગ્રહ છે જે પૂરો થઈ રહ્યો નથી . આપ સર્વેને શ્રી શતાનીક મહારાજા ખાસ જણાવે છે કે કૌશાંબીનાં આંગણે પધારેલા આ મહાપવિત્ર અતિથિ ભગવાનનો અભિગ્રહ પૂરો થાય તે માટે આપનાથી જે પુરુષાર્થ થઈ શકે તે કરજો . દેવાર્ય પ્રભુને પારણું થશે એનાથી મહારાજા ઘણી પ્રસન્નતા અનુભવશે . ‘
આ જાહેરાતે લોકોને ચોંકાવી દીધા : અરે દેવાર્યને અભિગ્રહ છે ? આપણને તો ખબર જ નહીં . કાલથી બરોબર ધ્યાન રાખશું . સૌ સાબદા થઈ ગયા . દરેક ચૌરાહે , દરેક બજારમાં , દરેક માર્ગ પર , દરેક ગલીમાં જુદા જુદા ટહેલિયાઓ ફરી વળ્યા . બીજા જ દિવસે દેવાર્યનો અભિગ્રહ પૂરો થઈ જશે એવું વાતાવરણ બનેલું દેખાયું . અલબત્ત . બીજા દિવસે દેવાર્ય નીકળ્યા પણ અભિગ્રહ પૂરો ના થયો . દિવસ પર દિવસ વીતતા ગયા . હવે લોકોનું ધ્યાન , અભિગ્રહ પૂરો થાય એની પર જ રહેતું છતાં પરિસ્થિતિ બદલાઈ નહીં . દેવાર્ય ભિક્ષાર્થે નીકળતા અને ભિક્ષા લીધા વિના પાછા ફરી જતા . પાંચ મહિના વીતી ગયા . છટ્ઠા મહિનાના પચીસ દિવસ પણ વીતી ગયા . આજસુધીમાં આટલા લાંબા ઉપવાસ કોઈએ જોયા નહોતા . આખું કૌશાંબી ચિંતામાં હતું કે દેવાર્યને પારણું કેવી રીતે થશે અને દેવાર્યને પારણું કોણ કરાવશે ? ( ક્રમશઃ )
કૌશાંબી : પાંચ મહિના , પચીસ દિવસ
દેવાર્ય ભોગપુર આવ્યા . ધ્યાનસ્થ બન્યા . માહેન્દ્ર નામનો એક ક્ષત્રિય , ખજૂરીના દંડાથી દેવાર્યને મારવા આવ્યો . એ જ વખતે , ત્રીજા દેવલોકના ઈન્દ્ર સનત્ કુમાર , દેવાર્યને વાંદવા આવ્યા . એમણે પેલાને ભગાવી દીધો . ઈન્દ્રે પ્રભુને ઊંડી લાગણીપૂર્વક સુખશાતા પૂછી .
દેવાર્ય નંદિગ્રામ આવ્યા . અહીં પિતા સિદ્ધાર્થ રાજાના મિત્રે દેવાર્યને વંદન કર્યા . આગળ આવ્યું મિંઢિક ગામ . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . એક ગોવાળિયો દેવાર્યને હેરાન કરવા લાગ્યો . દેવરાજે આવીને તેને ઠપકાર્યો અને ભગાડ્યો .
દેવાર્ય કૌશાંબી પધાર્યા . અત્યાર સુધી ઘણાં કષ્ટો આવ્યાં . દેવાર્ય પોતાને તરાશી તરાશીને સોનાની જેમ અણિશુદ્ધ બનાવી રહ્યા હતા . સમતા તૂટી નહોતી . પ્રસન્નતા ખંડિત થઈ નહોતી . સહેજ પણ નહીં . હજી વધુ સમતાનો આનંદ લેવા માટે દેવાર્યે એક અભિગ્રહ લીધો . એ ઉપવાસનાં પારણા સંબંધી નિયમ હતો . ઉપવાસના તપસ્વીને બે વિચાર આવી જ શકે : એક , પારણું કયા દિવસે થશે ? બે , પારણામાં શું વાપરવું છે ? આ વિચાર ઉપવાસની નિર્લેપતાને ખતમ કરે છે અને છતે ઉપવાસે મનમાં આહારવૃત્તિના ઘોડા દોડાવે છે . ઉપવાસ એટલે ન ખાવું એ જેટલું સાચું છે એટલું જ સાચું છે : ઉપવાસ એટલે ખાવાનો વિચાર ન કરવો . ઉપવાસનો એક અર્થ એ પણ છે કે ખાવાનું ન મળે તોય રાજી રહેવું . દેવાર્ય દર વર્ષે આશરે ત્રણસોથી વધુ ઉપવાસ કરતા . પોતાનો એક એક ઉપવાસ ચોખ્ખો ચણક રહે તેની દેવાર્ય કાળજી લેતા . હવે આ અભિગ્રહ દ્વારા દેવાર્યે ઉપવાસને એકદમ નિર્લેપ બનાવી દીધો .
અભિગ્રહમાં દેવાર્યે નક્કી કર્યું કે ઉપવાસનાં પારણે એક જ દ્રવ્ય લેવું છે અને તે દ્રવ્ય છે અચિત્ત અડદ . અત્યાર સુધીના પારણાઓમાં કોઈ પણ દ્રવ્ય લેવાની છૂટ હતી . આ વખતે એક જ દ્રવ્યની છૂટ . એ દ્રવ્ય મોઢામાં જાય તો સ્વાદ શું આવે અને પેટ શું ભરાય ? કશું નહીં . પારણામાં શું નથી વાપરવું એ સંબંધી આ વિરાટ નિયમ હતો . અડદ સિવાયનું કાંઈ જ વાપરવું નથી . ગજબનો નિયમ . અડદ તરત કોઈ વહોરાવે નહીં . કોઈ ખીર આપે , કોઈ દૂધપાક આપે , કોઈ મીઠાઈ આપે , કોઈ ખાજા આપે . અડદ જવલ્લે જ કોઈ આપે . દ્રવ્ય સ્વાદ કારક નહીં અને દ્રવ્ય સહજ લભ્ય નહીં . નિયમનો આ પહેલો મુદ્દો હતો . આ એક જ મુદ્દો કાફી હતો . આમાં બીજા કોઈ નિયમોને જોડવાની આવશ્યકતા નહોતી . અપેક્ષિત નિર્લેપતા બની રહેતી હતી . દેવાર્યે નિયમને વધુ ધારદાર બનાવ્યો : અડદ સૂપડાના ખૂણે હશે તો લઈશ . મતલબ એ થયો કે અડદના દાણા – કોઈ હાથથી આપશે , ચમચાથી આપશે કે બીજી કોઈ રીતે આપશે તો લઈશ નહીં . આ ધારણાને લીધે એક વાત પાક્કી થઈ ગઈ કે અડદ મળશે એટલે લઈશ જ , એવું પણ નહીં થાય . સૂપડાના અડદ લઈશ , બાકીના અડદ નહીં લઉં . આવા અડદ ક્યાંથી મળે ? – દેવાર્યે વિચાર્યું જ નહીં . ન મળે તો ન મળે , શો ફેર પડે છે ? – દેવાર્યે વિચાર્યું . અભિગ્રહ હવે ઘણો જ કડક થઈ ગયેલો . દેવાર્યે એને હજી કસ્યો .
અડદ આપનાર કોણ હશે , કેવી પરિસ્થિતિમાં હશે એ પણ દેવાર્યે વિચારી લીધું : અડદ આપનારે ત્રણ ઉપવાસ કર્યા હશે , મસ્તક મુંડાવ્યું હશે , હાથ પગમાં બેડી હશે , એ પુરુષ નહિ હોય મહિલા હશે , એ સામાન્ય મહિલા નહીં બલ્કે રાજકુમારી હશે , એ રાજકુમારી હોવા છતાં સંયોગવશ દાસી બની હશે , એ રડતી હશે , એનો એક પગ ઉંબરાની બહાર હશે અને એક પગ ઉંબરાની અંદર હશે .
આટલી બધી શરતો ? એક નિયમને આટલો કડક કેવી રીતે બનાવી શકાય ? આવો અભિગ્રહ પૂરો થાય ખરો ? દેવાર્યે શું પારણું કર્યા વિના લાંબા ઉપવાસ કરવાનો વિચાર બનાવી ચૂક્યા હતા ? દેવાર્યે ગજ્જબ અભિગ્રહ લીધો હતો . અને હજી એક શરત દેવાર્યે ઉમેરી : ભિક્ષાનો સમય વ્યતીત થઈ જાય તે પછીનો સમય હોય ત્યારે જ અડદ સ્વીકારીશ . ઘરોમાં ભોજન થઈ જાય તે પછીનો સમય ભિક્ષાચરોને અનુકૂળ હોય . લોકો ઘરમાં જે બચ્યું હોય તે કોઈને આપી દેવા ઉત્સુક હોય . આવો સમય દેવાર્યને મંજૂર નહોતો . ગૃહસ્થોએ રસોડું વાળીઝૂડીને સાફ કરી લીધું હોય અને બપોરિયો વિશ્રામ લેવાતો હોય તે સમયે અડદ મળે તો જ લઈશ , દેવાર્યે ધારણા બાંધી .
આવો ભારેખમ નિયમ લઈ દેવાર્ય કૌશાંબીમાં લાંબો સમય રોકાયા . કઠણ અભિગ્રહ તુરંત પૂરા થતા નથી , ઘણી પરીક્ષા લે છે . છ મહિનામાં જો અભિગ્રહ પૂરો ન થાય તો દેવતા વચ્ચે હસ્તક્ષેપ કરી અભિગ્રહ પૂરો કરાવે છે , એવી માન્યતા બનેલી છે . દેવાર્યે , પારણામાં દેવતાનો હસ્તક્ષેપ નહીં હોય , એવો કોઈ સંકલ્પ રાખ્યો નહોતો . પરંતુ દેવતાઓ જાણતા હતા કે દેવાર્યને દેવતાઓનો હસ્તક્ષેપ મંજૂર હોતો નથી . આમ એક એવો અભિગ્રહ દેવાર્યે લીધો જે આસાનીથી પૂરો થઈ શકવાનો નહોતો . ( ક્રમશઃ )
સુંસુમારપુર : દેવરાજ અને ચમર ઈન્દ્ર
વૈશાલીથી શ્રાવસ્તી સુધીનો વિસ્તાર ભગ્ગ દેશ તરીકે ઓળખાતો . સુંસુમાર પુર આ દેશની રાજધાની ગણાતું . દેવાર્ય વૈશાલીથી નીકળીને સુંસુમાર પુર આવ્યા . અશોક વનમાં , અશોક વૃક્ષની નીચે , એક રાતની પ્રતિમા ધારણ કરી . અટ્ઠમનું પચ્ચખાણ .
થોડીવારમાં અચાનક એક દેદીપ્યમાન દેવ આવ્યો . એના હાથમાં એક ભયંકર હથિયાર હતું , પરિઘ . દેવાર્યને ત્રણ પ્રદક્ષિણા આપીને તેણે વિનંતી કરી : ‘ હું આપનાં શરણે છું . એક મોટો પુરુષાર્થ કરવા જઈ રહ્યો છું . સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર બહુ ઘમંડી છે . એને પાઠ પઢાવવો છે . આપની છત્રછાયા સ્વીકારીને જાઉં છું . મારું નામ ચમર ઈન્દ્ર . ‘
દેવાર્ય કશું જ બોલ્યા નહીં . એ ગયો . સમય આગળ વહી ગયો . દેવાર્ય હતા ત્યાં ને ત્યાં ધ્યાનસ્થ હતા અને ઘણીવાર પછી ચમર ઈન્દ્ર ડરનો માર્યો ધસમસતો આવ્યો અને દેવાર્યનાં બે પગની વચ્ચે નાનું રૂપ બનાવીને છૂપાઈ ગયો . એની પાછળ એક વિકરાળ હથિયાર આવ્યું , એ વજ્ર હતું : દેવરાજનું હથિયાર . વજ્ર જેને વાગે તેના ભુક્કા બોલાઈ જાય . એ વજ્ર દેવાર્યને વાગવાનું જ હતું કે અચાનક દેવરાજે આવીને એને અટકાવી દીધું . વજ્ર દેવાર્યથી ચાર આંગળ છેટું રહ્યું , બસ .
દેવરાજે હાથ જોડ્યા , ગળગળા સાદે દેવાર્યની માફી માંગી : ` પ્રભુ , મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો . આ વજ્ર આપની પર ત્રાટકી રહ્યું હતું તે . પણ મેં વજ્ર આપની પર નહીં બલ્કે આ ચમર પર છોડ્યું હતું . એ અચાનકથી મારી સભામાં ટપકી પડ્યો હતો . એણે મોટો ઉત્પાત મચાવ્યો , મનેં પડકાર ફેંક્યો , મારું ઘોર અપમાન કર્યું . એણે આવું શું કામ કર્યું તે એ જાણે . મનેં એની પર તત્કાળ ગુસ્સો ચડ્યો . મેં આવેશમાં એની પર આ વજ્ર ફેંક્યું . એ વજ્રથી ડરીને નાઠો . વજ્ર એની પાછળ . મનેં વિચાર આવ્યો કે ચમર મારા કરતાં કમજોર કક્ષાનો ઈન્દ્ર છે , અસુરેન્દ્ર . તે મારા પર હુમલો કરવા સુધી પહોંચ્યો કેવી રીતે ? મેં અવધિજ્ઞાનથી જોયું ત્યારે મનેં સમજાયું કે ચમર આપનું શરણ સ્વીકારીને નીકળેલો એટલે એનામાં આટલું બળ આવ્યું . પછી મેં જોયું કે ચમર વજ્રથી ડરીને આપની તરફ ભાગી રહ્યો હતો . મનેં ડર એ લાગ્યો કે ચમરને બદલે આપને વજ્ર વાગી જશે તો મહાઆશાતના થઈ જશે . હું પાછળ દોડ્યો . આ વજ્ર આપને અડતાં અડતાં રહી ગયું . પ્રભુ , આ હથિયાર મેં આપની સામે ઉગામ્યું નહોતું પણ એ આપની સામે જ આવી ગયું , એ મારો અપરાધ છે . પ્રભુ , હું આપની માફી માંગું છું . ʼ
દેવાર્યે બધું સાંભળી લીધું . એ કશું ન બોલ્યા . દેવરાજે દેવાર્યને ત્રણ પ્રદક્ષિણા આપીને ફરી ક્ષમાયાચના કરી . દેવરાજ દેવાર્યથી થોડે દૂર ઊભા રહ્યા . ચમરનાં કારણે આ અપરાધ થયો , એમને સમજાતું હતું . એમનાં મનમાં ચમર માટે પ્રચંડ ગુસ્સો જાગી રહ્યો હતો . એમણે ક્રોધમાં ને ક્રોધમાં ત્રણ વાર પગ પછાડ્યો અને ચમરને ઉદ્દેશીને કહ્યું :
` ઓ ચમર , તું દેવાર્યનાં શરણમાં છે તે બહુ સારી વાત છે , તેં જે ભૂલ કરી તેનો પરચો તને મળી જ ગયો છે પણ હજી સજા થવાની બાકી હતી . અત્યારે તું દેવાર્યનાં શરણે છે તે જોયાબાદ તારી સજા માફ કરું છું અને તારાપર મનેં જે ક્રોધ આવેલો છે તેનો પણ હું ત્યાગ કરું છું . તું મુક્ત છે . તું ચમરચંચા નગરીમાં જઈને રાજ કર . હું તને હેરાન નહીં કરું . તને મારા તરફથી અભયદાન . ‘
દેવરાજે આકાશમાર્ગે વિદાય લીધી . થોડીવારે , ચમર દેવાર્યના પગ વચ્ચેથી બહાર આવ્યો . એણે દેવરાજથી બચવા સાવ કીડી જેવું રૂપ બનાવેલું . હવે તેણે માનવ જેવું રૂપ ધારણ કર્યું . એ દેવાર્યને આપવીતી કહેવા લાગ્યો :
` પ્રભુ મનેં માફ કરજો . હું હમણાં હમણાં જ દેવ બન્યો છું . હજી ગઈકાલ સુધી હું મનુષ્યના અવતારમાં હતો . પૂરણ મારું નામ . સુખી જીંદગી હતી . મનેં લાગ્યું કે આવતા જનમમાં સુખી બનવું હશે તો તપ કરવું પડશે . મેં તાપસદીક્ષા લીધી . મારો દીક્ષાચાર દાનામ પરંપરાનો હતો . હું બે ઉપવાસનાં પારણે બે ઉપવાસ કરતો . પારણાના દિવસે ભિક્ષા માંગવા નીકળતો . મારું ભિક્ષાપાત્ર ચાર ખાનામાં વિભાજીત હતું . પહેલા ખાનામાં રહેલી ભિક્ષા હું પ્રવાસીઓને આપતો . બીજા ખાનામાં રહેલી ભિક્ષા હું પંખીઓને આપતો . ત્રીજા ખાનામાં રહેલી ભિક્ષા હું જલચરોને આપતો . ચોથા ખાનામાં રહેલી ભિક્ષા હું વાપરતો . બાર વરસો સુધી આ આચાર પાળ્યો . કષાયો અને વાસનાઓને સદંતર અંકુશમાં રાખ્યા . છેવટે વિભેલ ગામમાં એક માસનું અનશન કરી આયુષ્ય પૂરું કર્યું . તપના પ્રભાવે અધોલોકમાં અસુરકુમારની શ્રેણિમાં દેવનો અવતાર મળ્યો અને ઈન્દ્રની પદવી પામ્યો . ચમરચંચા નગરીનું રાજ્ય અને એક સાગરોપમનું આયુષ્ય . જનમતાવેંત અવધિજ્ઞાનથી ઊર્ધ્વલોકને જોયો . પ્રથમ દેવલોકનો ઈન્દ્ર મારા માથાની ઉપર જ સિંહાસન પર બેસે છે તે દેખાયું . આમ તો , એ મારા દેવવિમાનથી ઘણેઘણે દૂર હતો પણ મને દેવપદનું ઘમંડ આવી ગયું . મેં વિચાર્યું કે એ ઇન્દ્રને પડકારું , હરાવું અને એને ગાદી પરથી હટાવું . મનેં મારા સેવાવર્તી દેવોએ રોક્યો . હું ન માન્યો . આપનું શરણ લઈ હું , એક લાખ યોજનની કાયા બનાવી સૌધર્મ દેવલોકમાં પહોંચ્યો . દેવલોકના ઇતિહાસમાં પહેલીવાર કોઈ અસુરકુમાર આટલે સુધી આવ્યો હતો . મને એમ કે હું જીતીશ પણ ઇન્દ્રનો પ્રતાપ મારાથી ઘણો વધારે છે તે સમજાયું . ઇન્દ્રે વજ્જર ઉગામ્યું અને મારા હાલ બૂરા થઈ ગયા . હું ભાગ્યો અને આપનાં ચરણોમાં છુપાયો . આપના પ્રતાપે આજે હું બચી ગયો . આપ ન હોત તો મારું શું થાત તેની હું કલ્પના પણ કરી શકતો નથી . આપને મારા વંદન છે . આપના લાખો ભક્તોમાં એક નામ મારું પણ ઉમેરાઈ ગયું છે હવેથી .
દેવાર્ય મૌન જ રહ્યા . દેવરાજ આવે કે ચમર ઈન્દ્ર , દેવાર્યને કશો ફરક પડતો નહીં . પણ દેવરાજને અને એવા લાખો દેવતાઓને દેવાર્ય પાસે આવીને ઘણો ફરક લાગતો . દેવાર્ય એક વાતાવરણ બનીને , મનઃસ્થિતિ બદલતા . દેવાર્ય એક માર્ગદર્શક બનીને રસ્તો સુઝાડતા . દેવાર્ય એક લહેરખી બનીને રોમેરોમને આહ્લાદિત કરતા . મજાની વાત એ હતી કે કર્તૃત્વમાં દેવાર્ય રહેતા નહીં અને સામ્રાજ્ય દેવાર્યનું છવાઈ જતું . દેવાર્ય યોગિરાજ હતા , અપરિસીમ અંતરંગ ઐશ્વર્યના અધિપતિ . ( ક્રમશઃ )
( સુંસુમારપુર આજે ક્યાં છે , તે વિશે तीर्थंकर महावीर પુસ્તકમાં શ્રી ઈન્દ્રસૂરિજી મહારાજા જણાવે છે કે સુંસુમારપુર , વૈશાલી અને શ્રાવસ્તીની વચ્ચે ક્યાંક હતું . આજે જે ઈલાકો ચુનાર તરીકે ઓળખાય છે તે પ્રાયઃ: સુંસુમાર પુર હોવું જોઈએ . અહીં ચુનાર પર્વત અને ચુનાર શહેર છે . પ્રાચીન અવશેષો ઘણા છે . )
અગિયારમું ચોમાસું : જીરણ શ્રેષ્ઠી
દેવાર્યનો વિહાર અવિરત ચાલતો રહ્યો . દેવતાઓ સંગમની દુષ્ટ હરકતોથી ત્રસ્ત હતા . એના ઉપસર્ગો પૂરા થયા તે પછી અલગ અલગ ઈન્દ્ર શાતા પૂછવા આવવા લાગ્યા . આલંભિકામાં વિદ્યુત્ કુમાર દેવોનો ઈન્દ્ર હરિ , દેવાર્યને વંદન કરવા આવ્યો . તેણે કહ્યું : પ્રભુ , મોટા ભાગના ઉપસર્ગો પૂરા થઈ ગયા છે . થોડા જ બાકી છે . આપને વંદન છે .
દેવાર્ય વિહાર કરી શ્વેતાંબિકા આવ્યા . અહીં વિદ્યુત્ કુમાર દેવોનો ઈન્દ્ર હરિસ્સહ , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યો .
દેવાર્ય વિહાર કરી શ્રાવસ્તી આવ્યા . અહીં સ્કંદપ્રતિમાનાં ભજનકીર્તનનો મેળો ભરાયો હતો . હજારો લોકો સ્કંદપ્રતિમાની સેવા કરી રહ્યા હતા . દેવરાજે સ્કંદપ્રતિમામાં પ્રવેશ કર્યો . એ મૂર્તિને માનવની જેમ ચલાવીને દેવરાજ , દેવાર્ય સમક્ષ લાવ્યા અને એ મૂર્તિએ દેવાર્યને વંદન કર્યાં . હજારો લોકોએ અચંભિત થઈને દેવાર્યને વંદના કરી .
દેવાર્ય વિહાર કરી કૌશાંબી આવ્યા . અહીં ચંદ્ર ઈન્દ્ર અને સૂર્ય ઈન્દ્ર , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા .
દેવાર્ય વિહાર કરી વારાણસી આવ્યા . અહીં દેવરાજ , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા .
દેવાર્ય વિહાર કરી રાજગૃહી આવ્યા . અહીં ઈશાન ઈન્દ્ર , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા .
દેવાર્ય વિહાર કરી મિથિલા આવ્યા . અહીં ધરણ ઈન્દ્ર , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા . રાજા જનકે પણ દેવાર્યની શાતા પૂછી .
દેવાર્ય વિહાર કરી વૈશાલી આવ્યા . નગરની બહાર સમર ઉદ્યાન હતું , બળદેવમંદિર હતું . અગિયારમું ચોમાસું અહીં રોકાયા . હજી હમણાં જ છ મહિનાના ઉપવાસ થયા હતા છતાં ચોમાસામાં દેવાર્યે સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . દેવાર્યને શાતા પૂછવા ભૂતાનંદ ઈન્દ્ર આવ્યો હતો .
દેવાર્યને વંદન કરવા એક શ્રાવક રોજ આવતો . નામ એનું જિનદત્ત હતું પરંતુ સૌ એને જીરણ શ્રેષ્ઠી કહેતા . એ પહેલા જ દિવસથી વંદન કરવા આવતો . એ રોજ દેવાર્યને વિનંતી કરતો કે કાલે ઉપવાસનું પારણું કરવા મારા ઘરે પધારજો . થોડા દિવસ સુધી એને સમજાયું નહીં કે દેવાર્ય લાંબી તપસ્યા કરી રહ્યા છે , પણ જ્યારે લાંબી તપસ્યાનું સમજાયું કે તરત એણે દેવાર્યને માસક્ષમણનાં પારણા માટે વિનંતી કરી . દેવાર્યે માસક્ષમણથી વધુ મોટો તપ કર્યો છે તે સમજાયું તો એણે સાઈઠ ઉપવાસનાં પારણા માટે વિનંતી કરી . દેવાર્યે બે મહિને પારણું ન કર્યું તો એને સમજાયું કે દેવાર્ય ત્રણમાસી તપ કરશે , એણે દેવાર્યને ત્રણમાસી તપનાં પારણાં માટે વિનંતી કરી . હવે એને સમજાયું કે દેવાર્ય ચોમાસી તપ કરશે . એણે દેવાર્યને એકસોવીસ ઉપવાસનાં પારણાનો લાભ આપવા વિનંતી કરી . એ રોજેરોજ વિનંતી કરતો કે કાલે પારણું હોય તો મનેં જ લાભ આપજો . ચોમાસાના છેલ્લા દિવસે એ ફરી વિનંતી કરી ગયો .
પારણાની સવારે એ દેવાર્યની પ્રતીક્ષામાં રહ્યો . પરંતુ દેવાર્યે બીજા કોઈનાં ઘરે જવાનું મુનાસિબ માન્યું . ગૃહસ્થનો વિનય ન કરવો , એ નિયમ યાદ રાખ્યો હશે દેવાર્યે ? શું ખબર ? જીરણ શ્રેષ્ઠી પોતાનાં ઘરના દરવાજે રાહ જોતા ઊભા રહ્યા અને દેવાર્ય અભિનવ શ્રેષ્ઠીનાં ઘેર પધાર્યા . એણે નોકરાણીને ઈશારો કરી દીધો કે આમને શું આપવું છે , તું જોઈ લે . એ નોકરાણીએ પરાણે આપવાનું હોય એ રીતે દેવાર્યને લાકડાની કડછીથી અડદના બાકળા આપી દીધા . દેવાર્યે તેનાથી પારણું કરી લીધું . પંચ દિવ્ય થયા . પેલા શેઠને હવે દેવાર્યનો મહિમા સમજાયો . વૈશાલીમાં પંચ દિવ્યને લીધે પારણાની કે ઘટનાની ઘણી ચર્ચા ચાલી . રાજાએ અને લોકોએ અને જીરણ શ્રેષ્ઠીએ અભિનવ શ્રેષ્ઠીની પ્રશંસા કરી . આ શ્રેષ્ઠીએ પણ જૂઠ કહ્યું કે હા , મેં જ દૂધપાકથી ( પાયસથી ) પારણું કરાવ્યું છે .
દેવાર્ય ત્યાંથી નીકળી ગયા . વૈશાલીનાં ઉદ્યાનમાં એક કેવલજ્ઞાની મહાત્મા પધાર્યા . એમને રાજાએ અને નગરજનોએ પૂછ્યું કે નગરીમાં સૌથી મોટો ભાગ્યવાન્ કોણ છે જેણે પુણ્યની ઘણી કમાણી કરી હોય ?
કેવલી ભગવંતે જીરણ શ્રેષ્ઠીનું નામ આપ્યું . સૌને આશ્ચર્ય થયું . એક સમય હતો જ્યારે જીરણ શ્રેષ્ઠીની સંપત્તિ બેસુમાર હતી . પણ હાલમાં તેનો વૈભવ ઓસરી ચૂક્યો હતો . એણે શું પુણ્ય કમાયું હશે ? વળી , અભિનવ શ્રેષ્ઠીએ પારણું કરાવ્યું અને ત્યાં દેવતાઈ પંચ દિવ્ય થયાં એ બધાએ જ જોયું હતું . સૌએ કેવળજ્ઞાનીને આ સવાલ પૂછ્યો . જવાબમાં –
જીરણ શેઠ રોજેરોજ દેવાર્ય પાસે જતા એ વાત કેવલજ્ઞાની ભગવંતે સૌને જણાવી . પારણાના દિવસે – દેવાર્ય મારાં ઘરે જ પધારશે , હું એમને પારણું કરાવીશ અને ધન્ય બનીશ – એવી મનોરથમાળામાં જીરણ શ્રેષ્ઠી ડૂબેલા હતા . દેવાર્યે બીજે પારણું કરી લીધું તે અવસરે દેવતાઓએ દુંદુભિ વગાડી એ સાંભળીને જીરણ શ્રેષ્ઠીને સમજાયું કે મનેં લાભ નહીં મળે . એમની મનોરથમાળા અટકી પડી . કેવલજ્ઞાની ભગવંતે સભાને કહ્યું કે જીરણ શ્રેષ્ઠીની ભાવના એટલીબધી ઊંચાઈએ પહોંચી ગઈ હતી કે એમને કેવળજ્ઞાન જ થઈ જાત પરંતુ દુંદુભિનાદે ભાવનાનો ભંગ કર્યો અને કેવળજ્ઞાન થતાં થતાં રહી ગયું . એમણે પારણું ભલે ન કરાવ્યું પણ એમણે પુણ્ય સૌથી મોટું બાંધ્યું છે . વાત રહી અભિનવ શ્રેષ્ઠીની તો એમને ફક્ત ભૌતિક લાભ થયો છે , આધ્યાત્મિક નહીં .
આખી નગરી જીરણ શ્રેષ્ઠીની અનુમોદના કરવા લાગી . ભારતદેશને તે દિવસે પહેલીવાર જાણવા મળ્યું કે દેવાર્યની ભક્તિ કરવાના પ્રામાણિક વિચારથી પણ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે . ( ક્રમશઃ )
દેવાર્ય ત્રણ ઉપવાસ કરી પારણું કરવાના હતા . સંગમે ચોથા દિવસે દેવાર્યને પારણું કરવા ન દીધું . દેવાર્ય ભિક્ષા લેવા નીકળ્યા , સૂઝતી ગોચરી લેવાની તૈયારીમાં જ હતા કે સંગમે અશુદ્ધિ ઊભી કરી દીધી . દેવાર્ય ભિક્ષા લીધા વિના જ પાછા ફરી ગયા . દેવાર્યને ચોથો ઉપવાસ થઈ ગયો . પાંચમા દિવસે દેવાર્ય ભિક્ષા લેવા નીકળ્યા તેમાં પણ સંગમે અંતરાય ઊભો કર્યો . પારણું ન થયું . આ રીતે એક મહિનો નીકળી ગયો . દેવાર્ય પારણું કરવાની ધારણાથી નીકળે અને સંગમ પારણું જ ન થવા દે . દેવાર્યની મનઃસ્થિતિ થોડી પણ બગડે તો સંગમ જીતી જાય , પણ દેવાર્ય પ્રસન્ન જ રહેતા . ક્રૂર સંગમે સળંગ છ મહિના સુધી દેવાર્યનું પારણું ન થવા દીધું . આ ભારે ઉપસર્ગ હતો . દેવાર્યને જ્યાં ત્રણ જ ઉપવાસ કરવા હતા ત્યાં સંગમે એકસોએંશી ઉપવાસ કરાવી દીધા . છ મહિનાના ઉપવાસ કોઈ નાનીસૂની વાત નથી . એમાં વળી એક રાતના વીશ ઉપસર્ગોનું કષ્ટ અને રોજેરોજની પ્રતાડનાઓ . દેવાર્ય ઉપવાસમાં પાણી વાપરતા નહીં એટલે છ મહિના સુધી જલપાન પણ ન થયું . દેવાર્યને છ મહિના સુધીના ઉપવાસમાં આરામ ન મળ્યો અને કષ્ટ બેસુમાર મળ્યા . આરામનો અર્થ છે કષ્ટનો અભાવ . આરામ ઉપવાસને સરળ રાખે . કષ્ટ ઉપવાસને કઠિન બનાવે .
એકસોએંશીમા ઉપવાસની સવારે દેવાર્યે ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો નહોતો . દેવાર્ય ભિક્ષાર્થે નીકળ્યા જ હતા . દેવાર્યને એમ હતું કે સંગમ જતો રહ્યો છે . પરંતુ જ્યાંથી ભિક્ષા લેવાની ધારણા બનાવી ત્યાં અશુદ્ધિ બની . તે જોઈ દેવાર્યને સમજાયું કે સંગમ હજી ગયો નથી . દેવાર્ય પાછા , ગામની બહાર એકાંતમાં આવી ધ્યાનસ્થ બન્યા . મનમાં કોઈ જ દુર્ભાવ નહીં .
સંગમે જોયું કે દેવાર્યની અંતરંગ પ્રસન્નતા અતૂટ છે , શરીરની કોઈ પણ પીડા દેવાર્યની માનસિક પ્રસન્નતાને ખંડિત કરી શકતી નથી . એણે છ મહિના સુધી કોશિશ કરી હતી દેવાર્યને ધ્યાનભ્રષ્ટ કરવાની . એ નિષ્ફળ ગયો હતો . એની પ્રતિજ્ઞા તૂટી હતી . એ દેવાર્યને વિચલિત કરી શક્યો નહોતો . એને અફસોસ થયો . એ દેવાર્ય સમક્ષ પ્રગટ થયો અને બોલ્યો :
‘ આપને ધન્ય છે . સાચે જ , ઈન્દ્ર મહારાજે આપની જે પ્રશંસા કરી છે તે સાચી છે . મેં એ પ્રશંસાને સાચી માની નહીં . ઈર્ષાની ધૂનમાં આપને ચલિત કરવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી , મેં લાખ કોશિશ કરી પણ આપ અવિચલ રહ્યા . આપે આપની ધ્યાનપ્રતિજ્ઞાનો ભંગ થવા દીધો નથી . મારી પ્રતિજ્ઞાનો ભંગ થઈ ગયો છે . છેલ્લા છ મહિનાથી હું આપને સતત હેરાન કરી રહ્યો હતો . હવે હું પાછો જાઉં છું . મેં આપની સાથે જે કાંઈ અધમતા આચરી તે મારી ભૂલ છે , હું આપની ક્ષમા યાચું છું . આપ હવે યથેચ્છ વિહરી શકો છો . આપને મારાતરફથી કોઈ ઉપસર્ગ થશે નહીં . આપ ભિક્ષા લેવા પણ જઈ શકો છો , અત્યાર સુધી ભિક્ષામાં જે અશુદ્ધિ થતી હતી તે હું જ ઊભી કરતો હતો , હવે કોઈ અશુદ્ધિ થશે નહીં . ‘
સંગમનું મોઢું ઝાંખું પડી ગયું હતું . એના અવાજમાં ભક્તિભાવની ગરિમા હોતી બલ્કે પરાજિત યોદ્ધાની લાચારી હતી . શું એ માફી માંગી લે એટલામાત્રથી દેવાર્યને થયેલાં કષ્ટોનો હિસાબ પૂરો થઈ જતો હતો ? એણે તો દેવાર્યને મારી નાંખવાની કોશિશ કરી હતી , એ નિષ્ફળ ગયો એ જુદી વાત હતી . બાકી એ તો દેવાર્યને નુકશાન કરીને રાજી જ થવાનો હતો . દુષ્ટતા અને ક્રૂરતાની તમામ સીમા પાર કરી દીધી હતી સંગમે . મનફાવે તે તમામ દુર્વ્યવહાર કરી લીધા પછી હવે બે પળની માફી માંગીને છુટ્ટા થવું હતું ભાઈને . વાહ , દુર્જનનાં મોઢે સજ્જનતાની વાત ?
સંગમની ત્રણ ભૂલો હતી . એક , તેણે દેવાર્યની પ્રશંસા સાંભળીને મનમાં ઈર્ષા અને ગુસ્સો બનાવ્યો . બે , દેવાર્યને ધ્યાનભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી . ત્રણ , દેવાર્યને છ મહિના સુધી અમાનુષી કષ્ટો આપ્યાં . માફી માંગી લેવાથી એની ભૂલો માફ થઈ શકે નહીં . દેવાર્યે ચંડકૌશિકને પ્રતિબોધ આપવા મીઠા બોલ કહ્યા હતા કેમકે ચંડકૌશિકને સાચો પસ્તાવો થવાનો જ હતો . સંગમની માફીમાં નગદ લાચારી હતી , એ પ્રતિબોધને લાયક હતો જ નહીં , અભવ્ય હતો . દેવાર્યે કડક ભાષામાં જવાબ આપ્યો સંગમને .
` મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી , ભાઈ . મારે ક્યાં વિહાર કરવો અને ક્યાં વિહાર નથી કરવો એ હું જ નક્કી કરીશ . તારા કહેવાથી કે કોઈના કહેવાથી મારા વિહારના નિર્ણય થતા નથી . મારી ઈચ્છા હશે ત્યાં હું જઈશ અને મારી ઈચ્છા નહીં હોય ત્યાં હું નહીં જઉં . મારે શું કરવું છે તે હું જોઈ લઈશ . તારે એમાં બોલવાની જરૂર નથી . ‘
આ દેવાર્યનો જવાબ હતો . સ્પષ્ટ , કડક . સંગમ વીલે મોઢે નીકળી ગયો . એ જઈ રહ્યો હતો ત્યારે દેવાર્યને એની દયા આવી રહી હતી . આત્માઓ એકવાર ભગવાન્ પાસે આવે છે અને ભવોભવનું ભાથું કમાઈ લે છે . સંગમ છ મહિના સુધી ભગવાન્ પાસે રહ્યો અને ભવોભવ સુધી ન ખૂટે એવા કર્મો બાંધીને ગયો . લોકો ભગવાન્ પાસે આવીને પાપનો નાશ કરે . સંગમે ભગવાન્ પાસે આવીને જ પાપ બાંધ્યાં , એનો ઉદ્ધાર થવાનો જ નહીં . બિચારો સંગમ , લાંબી દુર્ગતિ એની રાહ જુએ છે . દેવાર્યની આંખની કોરે ભીનાશ છવાઈ હતી , એ કરુણાભાવ હતો .
અને દેવલોકમાં સંગમનું કેવું સ્વાગત થયું ? ઈન્દ્રે એને ધુત્કારી કાઢ્યો . અન્ય દેવોએ એને મારીમારીને અધમૂઓ કરી નાંખ્યો . એને દેવલોકમાંથી , દેવવિમાનમાંથી દેશવટો મળ્યો . એને કાઢી મૂક્યો સૌએ મળીને . એક સાગરોપમ જેટલું જીવવાનું એનું બાકી હતું તે એણે મેરુપર્વતની કોઈ જગ્યાએ વીતાવવું પડશે , એવા સમાચાર દેવલોકમાં પ્રસારિત થઈ ગયા . એ રવાના અને સાથે એની દેવીઓ પણ રવાના . સંગમ તો હતો જ અભવ્ય . પણ એની સાથે રહેવા ગયેલી દેવીઓ પણ અભવ્ય હશે ? સંગમનું મહાપાપ જગજાહેર હતું છતાં એની સાથે જે દેવીઓ જાય તેમને દેવી કહેવાય કે ડાકણ ? સંગમ નીકળેલો દેવાર્યને ધ્યાનભ્રષ્ટ કરવા અને એ પોતે જ દેવલોકથી ભ્રષ્ટ થઈ ગયો . અક્કરમી , નઠારો અને હીણો જીવ .
એકસો ને એક્યાસીમો દિવસ ઉગ્યો . દેવાર્ય ભિક્ષાર્થે નીકળ્યા . વ્રજભૂમિ હતી . ગોવાળોનાં ઘરો ઘણાં હતાં . ગઈકાલે ઉત્સવ હતો એટલે ઘેરઘેર ખીર હતી . સંગમને લીધે ગઈકાલે દેવાર્યને સૂઝતી ભિક્ષા મળી નહીં . આજે દેવાર્ય ભિક્ષાર્થે આવ્યા હતા તો ઘેરઘેર ખીર નહોતી પરંતુ એક ગરીબ અને વૃદ્ધ ગોવાળણે , બીજાની પાસેથી દૂધ માંગીને પોતાનાં ઘેર આજે ખીર રાંધી હતી . દેવાર્ય એનાં આંગણે પધાર્યા . એ વૃદ્ધાએ અઢળક શ્રદ્ધા સાથે દેવાર્યને ખીર વહોરાવી . દેવાર્યને છ માસના ઉપવાસનું પારણું થયું . એ વૃદ્ધાને ખબર નહોતી કે એણે દેવાર્યને એમની સૌથી મોટી તપસ્યાનું પારણું કરાવ્યું હતું . દેવતાઓએ રાજી થઈ પંચ દિવ્ય પ્રગટાવ્યા . ( ક્રમશઃ )
સવારે દેવાર્ય ત્યાંથી નીકળ્યા . સંગમે જોયું . એને થયું કે દેવાર્યને દુઃખથી થાકેલા જોઉં નહીં ત્યારસુધી મારી પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય . એણે દેવાર્યના વિહારમાર્ગ પર પોલી રેતી પાથરી દીધી . દેવાર્ય ચાલ્યા એટલે એમના પગ ઘૂંટણસુધી રેતીમાં ખૂંપવા લાગ્યા . એક એક પગલું ઘૂંટણસુધીની રેતીમાં ફસાતું . આમાં ચાલવાનો શ્રમ મોટો થઈ ગયો અને ચાલવાની ગતિ એકદમ ધીમી પડી ગઈ . દેવાર્ય થાકીને કે કંટાળીને રસ્તો બદલવા જાય એમાં સંગમની જીત હતી કેમ કે થાકવું કે કંટાળવું એ સાધનાનો દોષ છે , સમતાનો ભંગ છે , પ્રસન્નતાની હાનિ છે . દેવાર્ય એ જ રસ્તે મંથરવેગે ચાલતા ગયા .
રસ્તામાં અચાનક ચોરોની એક ટોળી આવી . પાંચસો જેટલા ચોર હશે . સૌ દેવાર્યને જડભરતની જેમ ચીપકવા લાગ્યા . એક એક ચોર , હાડકા ભાંગી જાય એટલા જોરથી દેવાર્યને દબાવતો અને પીડા નીપજાવતો . આ સંગમની ટોળીને લીધે વિહાર હજી વધારે ધીમો થયો . લાંબા સમયે નિર્ધારિત મુકામે પહોંચ્યા : વાલુકાગ્રામ . આ નામ પરથી જ સંગમને રેતીવાળો ઉપસર્ગ કરવાનું સૂઝ્યું હશે ? પ્રભુ જાણે .
સંગમે હવે પછીના દિવસોમાં પોતાની વૈક્રિય લીલાથી લોકોને વારંવાર એવા દૃશ્ય દેખાડ્યા જેમાં દેવાર્ય કશુંક ગલત કરતા હોય એવું દેખાય . દર વખતે દેવાર્યની ભરપૂર બેઈજ્જતી થઈ .
દેવાર્ય વાલુકા ગામમાં ભિક્ષાર્થે પધાર્યા . સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય તરૂણીઓને વિચિત્ર આંખે જુએ છે . ( સંદર્ભ : આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૦૬ ) . પુરુષો દેવાર્યને મારવા લાગ્યા .
દેવાર્ય એ ગામથી નીકળી ગયા . સુભૌમ ગામે આવ્યા . સંગમે અહીં પણ ગામવાસીઓને દેખાડ્યું કે દેવાર્ય તરૂણીઓને વિચિત્ર આંખે જુએ છે અને અહીં પણ પુરુષો દેવાર્યને મારવા લાગ્યા . દેવાર્ય એ ગામથી પણ નીકળી ગયા . સુક્ષેત્રા ગામે આવ્યા . અહીં સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય તરૂણીઓની સમક્ષ વિટચેષ્ટા ( પાવૈયા જેવી હરકતો ) કરે છે . અહીં પણ પુરુષો દેવાર્યને મારવા લાગ્યા . જોકે , દેવાર્ય આવુંકશું કરતા નહોતા . બધો ખેલ સંગમની વૈક્રિયલીલાનો હતો પરંતુ દેવાર્યને ભરપૂર હીણપત અને બદનામી વેઠવી પડી .
દેવાર્ય ત્યાંથી નીકળીને મલય ગામે પધાર્યા . અહીં સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય ગાંડા માણસની જેમ અવિવેકી અને અનુચિત વર્તન કરીને મહિલાઓને અને નાના બાળકોને ત્રાસ આપે છે . પુરુષોએ અને યુવાનોએ દેવાર્યને હડધૂત કરી દીધા . દેવાર્ય અહીંથી નીકળીને હસ્તિશીર્ષ ગામે આવ્યા . અહીં સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય અનાપશનાપ ગુસ્સો કરે છે અને બધાને ધમકાવે છે . લોકોએ દેવાર્યને ઘણોબધો ત્રાસ આપ્યો .
પહેલીવાર એવું બન્યું કે દેવાર્યે સંગમ વિશે વિચાર કર્યો . વિચાર્યું કે હું ગામમાં જાઉં છું તો આ સંગમ અપમાનજનક પરિસ્થિતિઓ ઊભી કરી દે છે , હવે ગામમાં કે વસતિમાં જવું જ નથી .
અને દેવાર્ય ગામની બહાર જ રોકાવા લાગ્યા . પહેલો મુકામ થયો તોસલિ ગામની બહાર . સંગમને સમજાયું કે દેવાર્ય ગામમાં આવશે નહીં . તેણે દાવ બદલ્યો . તે બાળસાધુનું રૂપ લઈ ગામમાં ગયો , ચોરી કરવા લાગ્યો અને ચોરી કરતાં પકડાઈ ગયો . લોકોએ એને મારવા લીધો ત્યારે તેણે કહ્યું કે મનેં શું કામ મારો છો ? મનેં જેમણે મોકલ્યો તે ગામની બહાર જ ઊભા છે . એમણે જ મનેં ચોરી કરવા કહ્યું .
લોકો ગામ બહાર આવ્યા . ફરી પાછો દેવાર્યનો વિરોધ થયો અને દેવાર્ય સાથે ઘોર દુર્વ્યવહાર થયો . સંગમ ચાહતો હતો કે દેવાર્ય માનસિક રીતે દુઃખી થાય અથવા ક્રોધિત બને . એવું કશું થયું નહીં . દેવાર્યની સમતા અતૂટ જ રહી . દેવાર્યને રસ્સીથી બાંધીને સૈનિકો ગામમાં લઈ ગયા . દેવાર્યને મોટી સજા થશે એવો નિર્ણય થયો . એ વખતે મહાભૂતિલ નામનો જાદુગર ત્યાં હતો તેણે દેવાર્યને કુંડગ્રામમાં જોયા હતા . એણે લોકોને કહ્યું કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે . તમે ખોટી સજા આપી રહ્યા છો . લોકોએ દેવાર્યને છોડીને પેલા બાળબાબાની તપાસ કરી , એ બાબા ગાયબ હતા . લોકોમાં ચર્ચા થવા માંડી કે કોઈ દેવ , દેવાર્યને હેરાન કરવા માયાજાળ રચી રહ્યો છે .
દેવાર્ય વિહાર કરીને મોસિલ ગામ પધાર્યા . ગામ બહાર કાઉસગ્ગ ધારણ કર્યો . સંગમે મોસિલ ગામમાં પણ ચોરીનું નાટક રચ્યું અને દેવાર્ય ચોરનો સરદાર છે એવું દૃશ્ય રચ્યું . દેવાર્યને ગુનેગાર તરીકે સ્થાનિક રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા . રાજા સજા ફરમાવે તે પૂર્વે રાજાના દરબારમાં બેસેલા સુમાગધે દેવાર્યને ઓળખી લીધા . તે સિદ્ધાર્થ રાજાની રાજપર્ષદાનો એક અધિકારી હતો . તેણે ઊભા થઈને દેવાર્યને માન આપ્યું અને રાજાને દેવાર્યની ઓળખ આપી . રાજાએ દેવાર્યની માફી માંગી .
દેવાર્ય મુક્ત થયા . ફરીથી તોસલિ ગામની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ સ્વીકાર્યો . સંગમે તોસલિ ગામમાં હથિયારોની ચોરી કરી અને એ હથિયારોનો ઢગલો દેવાર્યની સામે મૂકી દીધો . લોકો દેવાર્યને શસ્ત્રચોરીના ગંભીર ગુનેગાર તરીકે રાજા પાસે લઈ ગયા . રાજાએ દેવાર્યને ફાંસીની સજા આપવાનો આદેશ કર્યો . આ વખતે દેવાર્ય કશુંક બોલી શકતા હતા , દેવાર્ય બોલત તો ખુલાસો થાત અને મરણનું જોખમ ટળી જાત . અજીબોગરીબ બાબત એ બની કે દેવાર્યે ફાંસીની સજા સ્વીકારી લીધી . સૈનિકો દેવાર્યને ફાંસીના માંચડે લઈ ગયા , એમણે દેવાર્યના ગળામાં ફાંસીનો ફંદો બાંધીને દેવાર્યને અદ્ધર લટકાવી દીધા . દેવાર્યે પોતાનો બચાવ ન કર્યો . ગળે ટૂંપો ભીંસાવા લાગ્યો અને અચાનક જ ફાંસીની રસ્સી તૂટી ગઈ . સૈનિકોએ ફરી ફાંસીનો ફંદો બાંધીને દેવાર્યને અદ્ધર લટકાવી દીધા . એ રસ્સી બીજીવાર પણ તૂટી . સૈનિકોએ ફરીથી ફાંસીનો ફંદો બાંધીને દેવાર્યને અદ્ધર લટકાવી દીધા . હવે એ રસ્સી ત્રીજીવાર પણ તૂટી . આમ સાતવાર થયું . સૈનિકો બાંધે અને રસ્સી તૂટે . સૈનિકોએ રાજાને ઘટના જણાવી . રાજાએ અહોભાવિત થઈને દેવાર્યને છોડી દેવાનો આદેશ કર્યો . દેવાર્ય મુક્ત થયા .
સિદ્ધાર્થપુર આવ્યા . લોકોએ ચોર માનીને પકડી લીધા . એક અશ્વના વ્યાપારીએ દેવાર્યને છોડાવ્યા . દેવાર્ય ત્યાંથી વ્રજભૂમિ પધાર્યા . સંગમે છ મહિના સુધી દેવાર્યનો પીછો છોડ્યો નહીં . તકલીફોનો સિલસિલો ચાલુ રહ્યો . ( ક્રમશઃ )
એ એક રાતમાં દેવાર્યે વીસ ઉપસર્ગો જોયા .
૧ .
આકાશમાંથી અપરિસીમ ધૂળનો વરસાદ થયો . દેવાર્ય પૂરેપૂરા ધૂળમાં ઢંકાઈ ગયા . દેવાર્યના મોઢાપર અને નાકપર ધૂળના થર છવાયા . દેવાર્યના શ્વાસ અવરુદ્ધ થઈ ગયા . પણ પ્રસન્નતા ન તૂટી . તે પછી
૨ .
કીડીઓનું ધણ દેવાર્યની આખી કાયા પર ચડી આવ્યું . કીડીઓના ચટકા તીખા અને ઊંડા હતા . કરડતી કીડીઓ દેવાર્યની કાયામાં અંદર સુધી ઉતરી ગઈ હતી . દેવાર્યનું મન સહેજ પણ ચલિત ન થયું . તે પછી
૩.
મચ્છરોનાં ઝૂંડ ઉડતા આવ્યાં . દેવાર્યની કાયા પર બેસીને હજારો ડાંસ મચ્છરોએ , ધગધગતી આગ જેવા ડંખ મારીને દેવાર્યનું લોહી ચૂસ્યું . દેવાર્યનું ચિત્ત અસ્વસ્થ ના જ થયું . તે પછી
૪ .
ઉધઈઓ ફૂટી નીકળી , સેંકડોની સંખ્યામાં. દેવાર્યને તે રીતસર કરડવા લાગી . ઉધઈઓ જે મકાનમાં નીકળે તે મકાનને પણ ફોલી ખાતી હોય છે . દેવાર્યનું શરીર ઉધઈઓનો શિકાર બન્યું હતું . તીવ્ર પીડામાં પણ દેવાર્યનું મન પ્રસન્ન જ રહ્યું . તે પછી
૫ .
વીંછીઓ ઉમટી પડ્યા . દેવાર્યની કાયા પર ઝેરીલા વીંછીઓ સરકતા રહ્યા અને કોઈ પણ જગ્યા કરડતા રહ્યા . મોંમાંથી રાડ નીકળી જાય એવી કાળઝાળ બળતરા દેવાર્યને થતી રહી . પણ દેવાર્ય સમતામાં સ્થિર જ રહ્યા . તે પછી
૬ .
નોળિયા આવ્યા . મોટા અને ક્રૂર . એમણે દેવાર્યને રીતસરના બાચકા ભર્યા . દેવાર્યનાં શરીરનું જીવંત માંસ ચીરાતું રહ્યું . દેવાર્ય તદ્દન શાંત રહ્યા , મનથી અને વચનથી . તે પછી
૭ .
નાગરાજની ફોજ દેવાર્ય પર ચડી આવી . કોઈએ ગળામાં આંટી મારી , કોઈએ પેટ પર , કોઈએ ચહેરા પર , કોઈએ પગમાં . કેટલા નાગ હતા તે ગણી ન શકાયા . દરેક નાગે પૂરા ઝનૂનથી ડંખ માર્યો હતો . દેવાર્યનાં લોહીમાં પ્રાણહારી ઝેર ફેલાયું . દેવાર્ય યથાવત્ સ્વસ્થ ઊભા રહ્યા . તે પછી
૮.
મોટામોટા ઊંદરડાઓ દેવાર્ય પર ચડી આવ્યા . એમણે દેવાર્યની કાયાને ચાકુ જેવા તીવ્ર દાંતથી ઠેરઠેર ફોલી ખાધી . દેવાર્યે નક્કર સાક્ષિભાવ બનાવી રાખ્યો . તે પછી
૯ .
હાથી આવ્યો . એણે દેવાર્યને સૂંઢથી લપેટીને આકાશમાં ઉછાળ્યા . હાથીએ દેવાર્યને લાંબા દંતશૂળથી ઊંચકીને જમીન પર પટકી દીધા . દેવાર્યના હાડકા અને પાંસળાનો કડાકો બોલાઈ જાય એવીરીતે દેવાર્યને દાંતથી દબાવ્યા , ભીંસ્યા . આ પરિસ્થિતિમાં દેવાર્ય ભૌતિક રીતે સ્થાન ભ્રષ્ટ તો થયા ગણાય પણ એમની માનસિકતા શાંત , પ્રશાંત , ઉપશાંત જ રહી . તે પછી
૧૦ .
હાથણ આવી . તેણે કઠોર આક્રમણ કરીને દેવાર્યના આખાં શરીરને જખમી અને લોહીલોહાણ કરી દીધું . તેણે ધક્કો મારીને દેવાર્યને જમીન પર પાડી દીધા . અને પછી તેણે પોતાના ગંદા મૂત્રનો ઢગલો દેવાર્ય પર ઠાલવ્યો . ગંદકી હતી અને જખમો પરની બળતરા વધારનારાં ક્ષારદ્રવ્યો હતાં . દેવાર્યને કેવું કષ્ટ પડ્યું હશે ? પરંતુ દેવાર્યની પ્રસન્નતામાં અંશમાત્ર પણ ફરક ના પડ્યો . તે પછી
૧૧ .
એક પિશાચ આવ્યો . એણે ડરામણા અને રૌદ્ર રૂપમાં દેવાર્યને કઠોર ત્રાસ આપ્યો , શારીરિક કષ્ટ આપ્યું . દેવાર્ય નિર્ભય અને નિશ્ચલ જ રહ્યા . તે પછી
૧૨ .
એક ખૂંખાર વાઘ આવ્યો . તે દેવાર્યની કાયાને ફાડવા જ લાગ્યો . તેના નખ અને દાંત તીક્ષ્ણ હતા . દેવાર્યે વાઘની હરકતોને ગાંઠી જ નહીં . સાધનાનંદ અખંડ . તે પછી
૧૩ .
દેવાર્યને પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલાદેવીનો રડવાનો અવાજ સંભળાયો . મા વિલાપ કરીને કહી રહ્યા હતા કે પુત્ર અમે એકલા પડી ગયા છીએ . નંદિવર્ધને અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે . તું દીક્ષા છોડી દે અને અમને સંભાળી લે . ( સંદર્ભ : ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત . પર્વ ૧૦ . સર્ગ ૪ . શ્લોક ૨૨૩ / ૨૨૪ ) દેવાર્ય સમજી રહ્યા હતા કે આ દેવની માયા છે . દેવાર્ય મૌન રહ્યા . તે પછી
૧૪ .
એક સાર્થ આવ્યો . ઘણા લોકો હતા . એમનો રસોઈઓ ખાવાનું બનાવવા જગ્યા શોધતો હતો . તે દેવાર્યની સામે આવ્યો . દેવાર્ય કાઉસગ્ગ મુદ્રાએ ઊભા હતા . દેવાર્યના બે પગની વચ્ચે જમીન પર તેણે લાકડીઓ ખડકીને ચૂલો પેટાવ્યો અને તેની પર તપેલીમાં રાંધણ મૂક્યું . દેવાર્યના આખાય પગ આગની લપેટમાં આવી ગયા . દેવાર્યે ખુદને દાઝવા દીધું . પણ ન સરક્યા , ન હલ્યા . તે પછી
૧૫ .
એક શિકારી જેવો ચાંડાલ આવ્યો . એના હાથમાં પંખીઓના પિંજરા હતા . તેણે દેવાર્યની કાયા પર એ પિંજરા લટકાવી દીધા . પિંજરામાં રહેલા પંખીઓએ લાંબી ચાંચથી દેવાર્યને મોટા અને ઊંડા જખમ કરી દીધા . જે રીતે પંખીઓ મોટા ફળને ફોલી ખાય છે તે રીતે આ પંખીઓએ દેવાર્યને ઠેરઠેર ફોલી ખાધા . દેવાર્ય સ્થિતપ્રજ્ઞ રહ્યા . તે પછી
૧૬ .
અચાનક તોફાની વંટોળિયો ચાલ્યો . મોટામોટા વૃક્ષો ઉખડીને જમીનદોસ્ત થવા લાગ્યા . આ વાવંટોળે દેવાર્યને પાંદડાની જેમ અદ્ધર ઊંચકીને જમીન પર પાડી દીધા . હવાના વેગમાં કાંકરા / કાંટા , દેવાર્ય પર તીક્ષ્ણ હથિયારની જેમ વરસી પડ્યા . દેવાર્ય વારંવાર ગબડતા રહ્યા , પડતા રહ્યા . પણ એમનો સમતાયોગ નિરાબાધ રહ્યો . તે પછી
૧૭ .
ચક્રાકાર વંટોળ ધસી આવ્યો . આ વંટોળમાં જે ફસાય તે ગોળગોળ ઘુમવા લાગે . કુંભારના ચકરડા પર માટીનો પિંડો જેમ ગોળગોળ ઘુમે છે તે રીતે દેવાર્ય એક જ જગ્યાએ ચક્કર ચક્કર ઘુમવા લાગ્યા , ઘુમતા રહ્યા . વંટોળની ઝડપ ઓછી થાય અને વધે એમ દેવાર્યનું ચક્રભ્રમણ ધીમું પડતું અને ઝડપ પકડતું . દિમાગનું ખૂન ખળભળી ઊઠે અને ચક્કર લાવીને બેહોશ કરી દે એવી આંધીમાં દેવાર્ય મગજથી સંતુલિત , મનથી આનંદિત રહ્યા . તે પછી
સંગમને ઘણો જ ગુસ્સો આવ્યો . એકથી માંડીને સત્તર સુધીની ઉગ્ર પીડા તે આપી ચૂક્યો હતો . છતાં દેવાર્યની મુખમુદ્રા પ્રસન્ન હતી તે પ્રસન્ન જ રહી , દેવાર્યની મનોદશા શુભ ધ્યાનમાં સ્થિર હતી તે સ્થિર જ રહી . હવે તેણે વાવટો સંકેલી લેવો જોઈતો હતો . સત્તરમાંથી એક કષ્ટ પણ બીજા કોઈ પર આવ્યું હોત તો તે જીવતો બચ્યો ન હોત અને જીવતો હોત તો એ રડતાં રડતાં ત્રાહિ મામ્ પુકારતો હોત . દેવાર્યની વાત અલગ હતી . દેવાર્ય બધી રીતે અવિચલ હતા . દેવાર્યની ઉર્જા જોઈને આદરભાવ જાગવો જોઈતો હતો , સંગમનાં મનમાં . એને તો ગુસ્સો આવી ગયો . દેવલોકમાં એકવાર દેવાર્યની પ્રશંસા સાંભળવી પડી , એ એકમાત્ર માનસિક કષ્ટ સંગમને મળ્યું હતું . એની સામે એણે દેવાર્યને જે કષ્ટો આપ્યાં તે કેટલા પ્રચંડ હતાં ? વાંધો પ્રશંસા સામે જ હતો તો એ પ્રશંસા દેવરાજે કરી હતી , દેવાર્યે નહીં . સંગમને લડવું જ હતું તો એ દેવરાજ સામે લડી લે તે ઠીક ગણાય . દેવરાજની વાતથી ચઢેલો ગુસ્સો સંગમ , દેવાર્ય પર ઉતારે એ કેટલું વહેવારુ હતું ? સંગમે એ પણ જોયું કે દેવાર્ય કશો પ્રતિકાર કરી રહ્યા નથી . આવી એકતરફી લડાઈમાં ઔચિત્ય શું હતું ?સંગમને બસ , ખુન્નસ ચડ્યું હતું . દેવાર્ય ચલિત થાય એટલે ઈન્દ્ર હારી જાય એટલો જ એનો સ્વાર્થ હતો . સત્તર કષ્ટોમાં દેવાર્ય ચલિત ન થયા તો સંગમે એક ભયાનક હથિયાર ઉગામ્યું . આ વખતે સંગમ દેવાર્યને મારી નાંખવા માંગતો હતો . દેવલોક પાછા જતાં પહેલાં દેવાર્યને ચલિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તે પૂરી કરવાનો આ એક જ રસ્તો બચ્યો હતો એનાં મનમાં .
૧૮ .
એ હતું કાળચક્ર . નામ જ કેવું ખતરનાક છે ? કૃષ્ણના હાથમાં ઘાતક સુદર્શન ચક્ર હતું તે નાનકડું હતું . આ કાળચક્ર એક હજાર ભાર લોઢાનું બન્યું હતું . એમાંથી આગની જ્વાળાઓ વરસતી હતી . સંગમે બે હાથે એ કાળચક્રને ઉગામ્યું અને દેવાર્ય પર ફેંક્યું . આ કાળચક્ર જો મેરુપર્વતનાં શિખર પર ભટકાય તો મેરુપર્વતનાય ભુક્કા બોલાઈ જાય એવું ખતરનાક હતું . એ ઘુમતી ધારે દેવાર્યનાં માથાપર જોરથી અથડાયું . દેવાર્ય જે જમીન પર ઊભા હતા તે જમીનમાં ઘૂંટણસુધી ખૂંપી ગયા , કાળચક્રના ધક્કાને લીધે . જેનું વજન આટલું ભારે હોય એનો માર કેવો હોનહાર હશે ? દેવાર્યનાં માથા પર એકીસાથે લાખો હથોડા ઠોકાયા હોય એવો ભયાનક ફટકો પડ્યો હતો . દેવાર્યે પળવાર મૂર્છા અનુભવી ( સંદર્ભ : તિલકમંજરી ) . પણ દેવાર્યની પ્રસન્નતા ન તૂટી તે ન જ તૂટી . સંગમનો આ વાર પણ નિષ્ફળ ગયો . તે પછી
૧૯ .
સંગમે માયાજાળથી દેવવિમાનની રચના કરી , આસપાસ દેવતાઈ વાતાવરણ રચ્યું અને દેવાર્યને કહ્યું કે હે તપસ્વી , તમારું તપ સફળ થયું છે તેથી તમે આ દેવલોકમાં અવતાર પામ્યા છો . હવે ધ્યાનસાધના છોડીને આ આનંદપ્રમોદનો સ્વીકાર કરો . દેવાર્ય , સંગમની લીલા જાણતા હતા તેથી આત્મલીન જ રહ્યા .
સંગમ કાંઈ ઓછી માયા નહોતો . એણે દેવાર્યને સવારનું અજવાળું દેખાડ્યું અને કહ્યું , રાત વીતી ગઈ છે હવે આપ ધ્યાન મુક્ત બની શકો છો . દેવાર્ય કાઉસગ્ગમાં જ રહ્યા કેમકે દેવાર્ય .અસલી-નકલીનો ફરક જાણતા હતા . તે પછી
૨૦ .
દેવાર્યની આસપાસ રૂપસુંદરીઓ નીકળી આવી . એમનાં વસ્ત્રોમાં કાયાનું માદક પ્રદર્શન છલકતું હતું . એમના હાવભાવમાં કામદેવનો ટંકાર હતો . એમની વાતોમાં ઉઘાડું આમંત્રણ હતું . કોઈ પણ સાધક , તપોભંગ પામે એવા એમના દીદાર હતા . પણ દેવાર્યની સામે એમનાં સુંવાળા શસ્ત્રો નિષ્ફળ નીવડ્યાં . દેવાર્ય દુઃખ સહન કરી શકતા તે એમની પ્રથમ તાકાત હતી . દેવાર્ય સુખ સમક્ષ નિર્લેપ રહી શકતા તે એમની બીજી તાકાત હતી .સંગમનો આ પ્રયોગ પણ નિષ્ફળ જ રહ્યો . (ક્રમશઃ)
` દેવતાઓને મનુષ્યની સામે લાચાર બતાવો છો ? શું મનુષ્ય , દેવતાથી પણ વધુ શક્તિશાળી હોય છે ? શું દેવતાઓ , મનુષ્યની સામે કમજોર પડે ? કેવી વાતો કરો છો ? મોટા છો એટલે કંઈ પણ બોલવાની છૂટ મળી ગઈ એમ સમજો છો ? ʼ એ દેવ તાડૂક્યો . એનું નામ હતું સંગમ . એ મહાન્ ૠદ્ધિનો ધારક હતો . એની શક્તિનો અંદાજ એના પરથી લગાવી શકાતો હતો કે એનું આયુષ્ય હજી એક સાગરોપમ જેટલું લાંબું હતું . સામાન્ય દેવો તો એકાદ પલ્યોપમ જેટલું જીવીને ઢબી જાય . સંગમ પ્રચંડ શક્તિશાળી હતો . એનામાં શ્રદ્ધા જેવું કશું હતું નહીં અને અહંકાર ઘણો હતો . દેવરાજની વાણીમાં દેવાર્યની પ્રશંસા હતી . સંગમને એ પ્રશંસામાં કોઈ પડકાર દેખાયો હતો . એ ચિલ્લાયો :
` આપનો દાવો છે કે દેવાર્ય ચલિત ન થઈ શકે . હું આ દાવાને પડકારું છું . આપનો આ દાવો હું ખોટો સાબિત કરવા માંગું છું . હું હમણાં જ મનુષ્યલોકમાં જઈને એ માણસ નામનાં મગતરાંને પાઠ પઢાવીને આવું છું . હું પ્રતિજ્ઞા કરું છું કે એ દેવાર્યને ચલિત કર્યા વિના પાછો આવીશ નહીં . છ મહિના , બસ છ મહિના આપો . એ દેવાર્યને ધ્યાનથી ચલિત ન કરું તો મારું નામ પણ સંગમ નહીં . ʼ સંગમ દેવસભાની ભૂમિ પર હાથ પછાડીને સભામાંથી અને દેવલોકથી નીકળી ગયો .
દેવદરબારનું વાતાવરણ ડહોળાઈ ગયું . આમ કોઈ છંછેડાઈ જાય ત્યારે દેવરાજ જવાબ આપી જ શકતા . એ સંગમને મચ્છરની જેમ મસળી શકતા હતા , દાદૂની બનીને અટકાવી શકતા હતા . પણ ઈન્દ્ર કંઈ બોલે એનો અવળો અર્થ એ જ નીકળે કે દેવરાજે દેવાર્યને બચાવી લીધા બાકી સંગમ દેવાર્યને ધ્યાનભ્રષ્ટ કરી જ શકતો હતો . પોતે કરેલી પ્રશંસા બદ્દલ ઈન્દ્રને પસ્તાવો ઘણો થયો . કોઈ બળપ્રયોગ કે છળપ્રયોગથી સંગમને રોકવામાં દેવાર્યની ગરિમાનો ભંગ થવાનો હતો . સંગમને ન રોક્યો તો એ દેવાર્ય સાથે શું કરશે એની કલ્પના પણ અન્ય દેવોને ધ્રુજાવી દેતી હતી . દેવરાજના દરબારમાં સન્નાટો છવાઈ ગયો .
સંગમ દેવાર્યની પાસે રાતના સમયે પહોંચ્યો . એ પ્રગટ થયો નહીં , એ અદૃશ્ય રહ્યો . અચાનક ઉપદ્રવ કરવાથી આ માનવ તત્કાળ ચલિત થઈ જશે એવી એની ધારણા હતી . એણે દેવાર્યની સ્થિરતાનો ભંગ કરવાનો સંકલ્પ લીધો હતો . દેવાર્યનું મન જે પ્રસન્નતામાં નિમજ્જન કરી રહ્યું હતું તેને તોડવાનો એનો પેંતરો હતો . એનો હિસાબ હતો કે મન બદલાય એટલે ધ્યાન ભંગ થયો ગણાય . દેવાર્યની મનઃસ્થિતિ બદલવા માટે , બગાડવા માટે એણે દેવાર્યને ભારે કષ્ટો આપ્યાં . ( ક્રમશઃ )
સંગમ દેવના ભયાનક ઉપસર્ગ
દેવાર્ય ફરીવાર અનાર્યભૂમિમાં પધાર્યા . દૃઢભૂમિ રાજ્ય . પેઢાલ ગામ . પેઢાલા ઉદ્યાન . પોલાસ ચૈત્ય . દેવાર્યે ત્રણ ઉપવાસનો સંકલ્પ કર્યો , અટ્ઠમ . એક જ જગ્યાએ કાઉસગ્ગ કરવાની ધારણા બાંધી . ખાસ નિયમ એ લીધો કે એક અહોરાત્ર સુધી આંખો અપલક રહેશે . ઉપરનું પોપચું નીચેનાં પોપચાને અહોરાત્ર સુધી અડશે નહીં એવો ભીષણ સંકલ્પ . દેવાર્ય જે નક્કી કરતા તે થઈને જ રહેતું . એક વિરાટ શિલાખંડ પાસે દેવાર્ય ધ્યાનમુદ્રાએ સ્થિર થયા . મન સમતામય પ્રસન્નતામાં સ્થિર . આંખો એકાદ અચિત્ત દ્રવ્ય પર સ્થિર . શરીર એક સ્થાન પર , એક જ મુદ્રામાં સ્થિર . હોઠ અને જીભ મૌનમાં સ્થિર . એ સ્થિર અવસ્થા અલૌકિક હતી .
દેવરાજને એ સ્થિરતા દેખાઈ . બનેલું એવું કે એ જ વખતે દેવલોકમાં દેવરાજને દેવાર્યની યાદ આવી . અવધિજ્ઞાનથી એમણે દેવાર્યને જોયા . તેણે સિંહાસન ત્યાગીને નમુત્થુણં-ના ઉચ્ચાર સાથે વંદન કર્યા . પછી એમણે દેવાર્યની આ સ્થિરદશાનું આકલન કર્યું .
‘ હું સતત સુખદુઃખમાં રતિઅરતિ બનાવીને અસ્થિર થતો રહું છું ʼ દેવરાજે વિચાર્યું ‘ અને આ દેવાર્યને તો જુઓ , એમને સુખદુઃખથી કોઈ લેવાદેવા નથી , એમને રતિઅરતિના ભાવો સ્પર્શી શકતા નથી , એટલું જ નહીં . દેવાર્ય આટલી ઊંચાઈએ બેસીને પણ સ્વયંને તરાશતા રહે છે . કમાલ છે , કમાલ છે . દેવાર્ય સ્વયંમાં સ્થિર છે , એમને શુભધ્યાનથી કોઈ ચલિત ન કરી શકે . ʼ
દેવરાજ આમ વિચારતા વિચારતા સુધર્માસભાનાં મુખ્ય સિંહાસન પર બેઠા . દેવરાજની કુલ પાંચ સભાઓ હતી : સુધર્મા સભા , ઉપપાત સભા , અભિષેક સભા , આલંકારિક સભા અને વ્યવસાય સભા . ( સંદર્ભ : સૂત્રકૃતાંગ સૂત્ર ) એમાંથી આ સુધર્માસભામાં જ રાજદરબાર , કહો કે દેવદરબાર સજતો . સામાનિક , ત્રાયસ્ત્રિંશક , લોકપાલ , અંગરક્ષક , સેનાપતિ , આભિયોગિક , કિલ્બિષી આદિ પ્રકારના લાખો લાખો દેવ એકીસાથે બેસી , આનંદપ્રમોદનાં વાતાવરણમાં વાર્તાલાપ કરતા . ઈન્દ્રાણી અને દેવીઓની બેઠક વ્યવસ્થા અલાયદી રહેતી . દેવરાજ જે કહે તે સૌ સાંભળતા અને દેવરાજને જે કંઈ કહેવું હોય તે પણ કહી શકાતું . દેવરાજે દેવસભા પર નજર ફેરવી . સૌ દેવતાઓ અને દેવીઓ શ્રવણોત્સુકભાવે શાંત . દેવરાજ બોલ્યા :
` આપણા દેવાર્ય પ્રભુ , સાધનામાં નિરત છે . એમને સુખસાતાની કશી પરવા નથી . એ પોતાની મસ્તીમાં મગન છે . એમણે જે સ્થિરતા બનાવી છે તે ગજબ છે . એ કષ્ટ અને કષાયની અસરથી પર છે . અત્યારે એમણે સ્થિરમુદ્રાનો પ્રચંડ સંકલ્પ કરેલો છે . તમે સૌ અવધિજ્ઞાની છો . તમે જુઓ એમની સ્થિરતાને . આપણે બધાય , બદલાતાં સુખોમાં પણ અસ્થિર રહીએ છીએ અને અચાનક આવતાં દુઃખોમાં પણ અસ્થિર બનીએ છીએ . આપણામાં પળપળ આર્તધ્યાન રૌદ્રધ્યાનની અસ્થિરતાએ ઘર જમાવેલું છે . આમણે પવિત્ર વિચારોમાં ક્ષણવાર પણ સ્થિરતા બનાવી શકતા નથી અને આ દેવાર્ય , પવિત્ર ધ્યાનમાં એવા નિમગ્ન છે કે તેમને એ મહાધ્યાનમાંથી કોઈ ચલિત કરી શકતું નથી . દુનિયામાં એવો કોઈ દેવ નથી , અસુર નથી , યક્ષ નથી , રાક્ષસ નથી , પશુ નથી , માનવ નથી – જે દેવાર્યને ધ્યાનથી ચલિત કરી શકે . આ સ્થિરધ્યાનને વંદન હોજો . ʼ દેવરાજે દેવાર્યની સ્તવના કરી તેની સંગાથે સર્વ દેવોએ પણ અનુમોદનાપૂર્વક દેવાર્યને વંદના કરી . દેવસભામાં આવું અવારનવાર બનતું . દેવરાજ વિહરમાન તીર્થંકરને યાદ કરતા અને આખી સભા દેવાર્યની સાથે જોડાઈ જતી . આજે પણ એ જ દૃશ્ય બનવાનું હતું પણ અચાનક એક દેવ ઉછળી પડ્યો . ખબર નહીં કેમ , પણ એને દેવાર્યની પ્રશંસા ગમી નહીં . એ ગુસ્સામાં એલફેલ બોલવા લાગ્યો . ( ક્રમશઃ )
ત્રણ પ્રતિમાઓ : ભદ્રા , મહાભદ્રા , સર્વતોભદ્રા
દેવાર્ય ચોમાસા બાદ , સાનુલબ્ધિક નામનાં ગામે પધાર્યા . દેવાર્યે અહીં શુભ્ર એકાંતમાં ત્રણ પ્રતિમાની સાધના કરી .
એક , ભદ્રા પ્રતિમા .
બીજી , મહાભદ્રા પ્રતિમા .
ત્રીજી , સર્વતોભદ્રા પ્રતિમા .
પ્રતિમા એટલે લાંબા સમય સુધી ચાલનારો એક મુદ્રાવર્તી કાયોત્સર્ગ .
૧.
ભદ્રા પ્રતિમામાં બે ઉપવાસની આરાધના કરી . દરમ્યાન , બાર – બાર હોરા ( ૧૨ કલાક) ના લાંબા કાઉસગ્ગ એ રીતે કર્યા જેમાં આંખ એક જ દ્રવ્ય પર સ્થિર રહી . પહેલો કાઉસગ્ગ કર્યો તેમાં દેવાર્યનું મુખ આખોય દિવસ પૂર્વ તરફ હતું . બીજો કાઉસગ્ગ કર્યો તેમાં દેવાર્યનું મુખ સાંજથી માંડીને આગામી સવાર સુધી , આખી રાત – દક્ષિણ દિશા સન્મુખ રહ્યું . બીજા દિવસે કાઉસગ્ગ કર્યો તેમાં સવારથી સાંજ સુધી , દેવાર્યનું મુખ પશ્ચિમ દિશા તરફ રહ્યું . અને એ દિવસની સાંજથી માંડીને આખી રાત સુધી દેવાર્યનું મુખ , ઉત્તર દિશા સન્મુખ રહ્યું . પ્રથમ પ્રતિમાનો છઠ થયો .
૨.
તે પછી પારણું કર્યા વિના , દેવાર્યે બીજી પ્રતિમા સ્વીકારી લીધી . આમાં સળંગ ચાર ઉપવાસ થયા . ચારેય દિવસ , ચોવીસ – ચોવીસ હોરાનો ( ૨૪ કલાકનો ) તદ્દન સ્થિર કાઉસગ્ગ એ રીતે થયો કે , દેવાર્યની આંખ એક જ દ્રવ્ય સ્થિર રહી . પ્રથમ દિવસનો કાઉસગ્ગ , આઠ પ્રહર ચાલ્યો જેમાં દેવાર્ય પૂર્વ સન્મુખ રહ્યા , બીજા દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ દેવાર્યે દક્ષિણ સન્મુખ રહીને કર્યો . ત્રીજા દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ દેવાર્યે , પશ્ચિમ સન્મુખ રહીને કર્યો . અને ચોથા દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ , દેવાર્યે ઉત્તર સન્મુખ રહીને કર્યો . આ રીતે ચાર ઉપવાસ દ્વારા દેવાર્યે મહાભદ્રા પ્રતિમા આરાધી .
૩ .
હવે પારણું કરી શકાતું હતું પરંતુ દેવાર્યે પારણું કર્યા વિના ત્રીજી પ્રતિમા આદરી . આમાં દશ ઉપવાસ થયા અને દશ દિશાના દશ કાઉસગ્ગ થયા . દરેક ઉપવાસમાં એક એક દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ કર્યો . પહેલાં ચાર ઉપવાસમાં ક્રમશઃ પૂર્વ , દક્ષિણ , પશ્ચિમ અને ઉત્તર સન્મુખ ઊભા રહ્યા . આગળના ચાર ઉપવાસમાં ક્રમશઃ , ઈશાન , અગ્નિ , નૈઋત્ય અને વાયવ્ય દિશા સન્મુખ ઊભા રહીને આઠ પહરી કાઉસગ્ગ કર્યા . નવમા દિવસે આસમાન તરફ એટલે કે ઊર્ધ્વ દિશા તરફ તાકતા રહી આઠ પહરનો કાઉસગ્ગ કર્યો . અને દશમા દિવસે પોતાની પગની પાસેની જમીન તરફ એટલે કે અધો દિશા તરફ તાકતા રહીને દેવાર્યે આઠ પહરી કાઉસગ્ગ કર્યો . આમ ત્રીજી પ્રતિમામાં દશ ઉપવાસ થયા .
કુલ મળીને સોળ ઉપવાસ થયા . દરેક ઉપવાસમાં કોઈ એક દિશા સન્મુખ ઊભા રહીને દેવાર્યે , કાઉસગ્ગ કર્યો અને દરેક કાઉસગ્ગમાં દેવાર્ય , એક જ દ્રવ્યને સતત તાકતા રહ્યા . સોળ દિવસની , સોળ ઉપવાસની આ પ્રતિમા સાધનામાં દેવાર્યે આંખોને એક જ પુદ્ગલ દ્રવ્ય પર અપલક સ્થિર બનાવેલી રાખી , કાયાને સદંતર એક જ મુદ્રામાં બાંધેલી રાખી . આમાં ઘણો ઘણો પરિશ્રમ થયો .
સતરમા દિવસે , દેવાર્યે પ્રતિમાસાધનાને અને ઉપવાસને વિરામ આપ્યો . પારણાના દિવસે દેવાર્ય આનંદ શેઠનાં ગૃહાંગણે પધાર્યા . જો કે , શેઠનું ધ્યાન દેવાર્ય પર ગયું નહીં . શેઠની એક દાસી હતી : નામ બહુલિકા . તેણે દેવાર્યને જોયા અને ઓળખ્યા . તેણે દેવાર્યને અન્નનો સ્વીકાર કરવા વિનંતી કરી . દેવાર્યે એની વિનંતી સ્વીકારીને તેના હાથે અન્ન લઈ પારણું કર્યું . પ્રતિમા – સાધનાનાં કઠિન તપ પછીનું આ પ્રથમ આહારગ્રહણ હતું .
દેવાર્યને પારણું થયું તેની ખુશાલીમાં દેવોએ પંચ દિવ્ય પ્રગટ કર્યા . ત્યાંના રાજાને દેવાર્યનાં પારણાના સમાચાર મળ્યા . તેણે તુરંત બહુલા દાસીનું બહુમાન કર્યું અને એને દાસી અવસ્થાથી સદા માટે મુક્ત કરી દીધી . દેવાર્યનું પુણ્ય દાસીને પૂરેપૂરું ફળ્યું . ( ક્રમશઃ )
અવધિજ્ઞાની આનંદ
દેવાર્ય ગંડકી નદીથી નીકળીને વાણિજ્ય ગ્રામ પધાર્યા . અહીં એક શ્રાવક મોટી સાધના કરતો હતો . આનંદ એનું નામ . એ પાર્શ્વપ્રભુનો ભક્ત હતો . છઠનાં પારણે છઠ કરતો . સૂરજની આતાપના લેતો . લાંબી તપસ્યા અને ઉગ્ર સાધનાના પ્રભાવે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું . તેણે જાણ્યું કે દેવાર્ય પધાર્યા છે . એ તુરંત વંદના કરવા આવ્યો . એને ખબર હતી કે દેવાર્ય વાત નહીં કરે , જવાબ નહીં આપે . અને એને એ પણ ખબર હતી કે દેવાર્ય બધી જ વાત સાંભળે છે , સાંભળશે .
‘ પ્રભુ , આપની સહનશક્તિ ગજબનાક છે . ‘ આનંદ બોલ્યો . ‘ આપે આજ સુધી કેટલા બધા ઉપસર્ગો ખમ્યા છે ? કોઈ કલ્પના પણ કરી ના શકે . આપે ખમેલા ઉપસર્ગોની કથા આજે દુનિયા જાણતી નથી . જે દિવસે આ કથા દુનિયાની સામે આવશે તે દિવસે કથા કહેનારા પણ ભાવુક થઈને રડતા હશે અને કથા સાંભળનારા પણ ગદ્ ગદ થઈ રોતા હશે . આ કથા સાચી હોવા છતાં કાલ્પનિક જેવી જણાશે . એક સાધક પર આટલું કષ્ટ આવી શકે ખરું ? અને આટલું કષ્ટ ખમી લીધા બાદ પણ એક સાધક જીવિત રહે , પ્રસન્ન રહે , સંપૂર્ણ સ્વસ્થ રહે એવું બની શકે ખરું ? આવા સવાલ મનમાં બનતા રહેશે . પ્રભુ આપની સાથે આ બધું શું કામ થયું ? સમજાતું નથી . આપ આ જ ભવમાં તીર્થંકર થવાના છો . દીક્ષાને દશ વરસ થઈ ગયા . હજી બે વરસ ઉપસર્ગ રહેવાના છે . બાર વરસ , સાડા બાર વરસની ઉપસર્ગ કથા આગામી પેઢીઓને અપરંપાર પ્રેરણા આપતી રહેશે . પ્રભુ , હવે થોડો જ સમય બાકી છે . આપ ધન્ય છો . આપને વંદન છે . ‘
આનંદની આંખોમાં અહોભાવનાં આંસુઓ હતા . એનું અવધિજ્ઞાન આજે સાર્થક થઈ ગયું હતું . દેવાર્ય સ્વયં અવધિજ્ઞાની હતા . દેવાર્યનો સહવાસી સિદ્ધાર્થ દેવ અવધિજ્ઞાની હતો . દેવરાજ આવતા તે લગભગ દર વખતે અવધિજ્ઞાનનો ઉપયોગ કરીને પરિસ્થિતિ જાણ્યા બાદ જ આવતા . દેવાર્ય માટે અવધિજ્ઞાન સામાન્ય બાબત હતી . આનંદ માટે અસામાન્ય બાબત એ હતી કે તેનું અવધિજ્ઞાન દેવાર્યને ઓળખવામાં ઉપયોગી બન્યું હતું . ઘણાબધા અજ્ઞાનીઓની વચ્ચે કોઈ તો એવું હતું જે દેવાર્યને જ્ઞાનપૂર્વક આદર આપતું હતું .
જોકે , દેવાર્ય પ્રશંસાથી પર હતા . દેવાર્ય શ્રાવસ્તી નગરી પધાર્યા . દશમું ચોમાસું . એકસોવીસ ઉપવાસ . બીજા લોકો જેની
વિચારણા પણ ના કરી શકે તેની આચરણા દેવાર્ય આસાનીથી કરતા રહેતા . સુદીર્ઘ તપસ્યા . પ્રલંબ કાઉસગ્ગ . ( ક્રમશઃ )
ગંડકી નદીના તીરે
દેવાર્ય વૈશાલી નગરી પધાર્યા . વૈશાલીના રાજા શંખે દેવાર્યનો ઘણો બધો આદર સત્કાર કર્યો . દેવાર્યની આસપાસ આખું શહેર ઉમટી પડ્યું . દેવાર્ય નિર્લેપ જ રહ્યા . થોડો વખત રોકાઈને પ્રયાણ કર્યું . રસ્તામાં ગંડકી નદી આવી . નદી પાર નીકળવું હતું . દેવાર્યે નૌકારોહણ સ્વીકાર્યું . ગંડકીનાં ધસમસતાં પાણીમાં સરકતી નાવની છાતી પર ઘણા પ્રવાસી હતા . સૌ હેમખેમ સામા કિનારે પહોંચી ગયા . સૌએ પ્રવાસનું મૂલ્ય ચૂકવી દીધું . દેવાર્ય પાસે ધન હતું નહીં . નૌકારોહણનું ભાડું ચૂકવવાનું હતું . દેવાર્ય પાસે નાવિકે પૈસા માંગ્યા .
દેવાર્ય મૌન રહેત એનાથી ગેરસમજ એ થાત કે આ બાઘો માણસ છે , આ ગેરસમજનો ફાયદો દેવાર્યને મળત . દેવાર્યને નાવિક રોકત નહીં . દેવાર્ય મૌન રહેત એનાથી એવું પણ લાગત કે ` આ આત્મલીન સાધક છે નિર્લેપ છે . એમને જવા દો . ʼ દેવાર્યે બચીને ભાગી નીકળવાનો રસ્તો ન અપનાવ્યો . દરવખતની જેમ દેવાર્યે
પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય લીધો .
દેવાર્ય , સામા માણસની ભાવના પારખીને બોલવું કે ન બોલવું તેનો નિર્ણય કરતા . નાવિક હકના પૈસા માંગી રહ્યો હતો . એને મફતિયા ઘરાક ગમતા નહીં . એ જેટલું ભાડું થતું એટલા જ પૈસા માંગી રહ્યો હતો . એણે દેવાર્યને જોયા હતા . જેમ સામે વહેતી નદી વસ્ત્રનાં બંધનથી ઉન્મુક્ત હતી તેમ દેવાર્ય કપડાં માત્રથી વિમુક્ત હતા . કપડાં હોય નહીં મતલબ ગજવું હોય નહીં . ગજવું નહીં મતલબ પૈસા રાખવાની જગ્યા નહીં . જેની પાસે કપડાં નથી , ગજવું નથી તે પૈસા રાખશે ક્યાં ? આ સરળ સવાલ નાવિકનાં મનમાં ઊઠવો જોઈતો હતો . નાવિક હશે કોઈ અણધડ અને જડ માણસ . જેમની કાયા હિમાલયની જેમ આવરણ મુક્ત હતી તેમની પાસે નાવિકે પૈસા માંગ્યા .
દેવાર્ય બોલ્યા . બહુ ઓછા લોકો સાથે દેવાર્ય બોલતા . દેવાર્ય સિદ્ધાર્થ સાથે , ગોશાળા સાથે ભાગ્યે જ બોલ્યા હશે . રાજામહારાજાઓ અને ઈન્દ્ર મહારાજાઓ વંદનાર્થે આવતા . એમની સાથે પણ દેવાર્ય બોલતા નહીં . દેવાર્યને આ બધાનું કામ પડતું નહીં . એ લોકોથી દેવાર્યે કોઈ કામ કરાવેલું પણ નહીં .
આ નાવિક પાસે દેવાર્યે કામ કરાવેલું . નાવ વાપરીને નદી પાર પહોંચવાનું કામ . અને દરેક કામની એક કિંમત હોય છે . કામ કરનાર પૈસા ન માંગે તે એની મરજી . એ પૈસા માંગે તો એને પૈસા આપવા જોઈએ . સાવ સામાન્ય હતી એ બાબત . દેવાર્યે એનો હક છીનવી લેવાનું વિચાર્યું નહોતું . દેવાર્ય નાવમાં બેઠા તે વખતે જ આ નાવિકને સમજાઈ જવું જોઈતું હતું કે દેવાર્ય પાસે પૈસા છે નહીં અને મનેં એ પૈસા ચૂકવશે નહીં . તે વખતે , એ કશું ન બોલ્યો . હવે , સામા કિનારે એને અર્થપુરુષાર્થનું જ્ઞાન લાધ્યું હતું . એને એમ હશે કે , દેવાર્ય નહીં આપે તો દેવાર્ય વતી આસપાસના પ્રવાસીઓ નાણું ચુકવશે , મારા પૈસા છુટ્ટા થશે . એવું કાંઈ બન્યું નહીં . બીજા બધા લોકો નીકળી ગયા . દેવાર્ય નીકળવાનું વિચારતા જ હતા . પણ નાવિકે દેવાર્યને રોકી પાડ્યા . સૂરજ મધ્યાહને તપી રહ્યો હતો . ગંડકી નદીના વિશાળ કિનારા પર રેગિસ્તાનની જેમ રેતી પથરાયેલી હતી તે સૂરજની રોશનીથી , ઉકળતા પાણીની જેમ ધીખી ઊઠી હતી . તડકો રેતી પર પથરાયેલો તે આંખને વાગી રહ્યો હતો . કિનારે પહોંચેલા પ્રવાસીઓ તુરંત ભાગી નીકળ્યા તે આ ભારે ગરમીનાં જ કારણે . નદી કિનારે ઘાટ બને . ઉનાળામાં પાણી ઉતરે એટલે ઘાટ દૂર રહી જાય અને પાણીનો કિનારો રેતાળ બની જાય . ગંડકી નદીની ગણના દેશની સૌથી મોટી નદીઓમાં થતી . એના ઊંડા , અગાધ જળ ચોમાસામાં દરિયાઈ નીર બની જતા . ગરમીની મૌસમમાં નદીનો પટ થોડો સંકોચાયો હતો પણ ગંડકી , ગંડકી હતી . દેવાર્ય તપતી રેતીમાં ખુલ્લા પગે ઊભા રહ્યા અને બોલ્યા : મારી પાસે પૈસા નથી ભાઈ .
દેવાર્યનો અવાજ રેશમી જાદુ રેલાવતો . એમાં વાત્સલ્ય છલકતું , નિર્ભયતા રણકતી , સચ્ચાઈ સંભળાતી . નાવિકને દેવાર્યનો પ્રભાવ સમજાયો નહીં . એણે સમજ્યા વગર દેવાર્યને તપતી રેતીમાં રોકી રાખ્યા . ગરમીમાં માટી કે રેતી કે પથ્થર શિલા ગરમ થાય ત્યારે એ એટલા તપી જાય છે કે એના પર પગ મૂકો તો પગમાં ફરફોલા આવી જાય . દેવાર્ય એવી જ ગરમ રેતીમાં ઊભા હતા . નાવમાં ઊભા રહેલા નાવિકોને દેવાર્યની પીડાની પરવા નહોતી . બીજા કોઈ આદમી હોય તો ધગધગતી રેતીમાં પગ બળે તેને લીધે કૂદવા લાગે . દેવાર્ય રેતીનો તીખ્ખો દાહ પગનાં તળિયે ખમતા રહ્યા .
નાવિકોએ દેવાર્યને અટકાવી રાખ્યા એની થોડી વાર પછી ગંડકી નદીમાં ઘણી બધી નાવ એક સાથે નીકળી . એ વૈશાલી રાજ્યની નૌસેના હતી . મોટા મોટા હલેસા પાણી પર ઝીંકાઈ રહ્યા હતા . પાણીને ચીરતી નૈયાઓની ફોજ આગળ વધી રહી હતી . ગંડકી નદીનાં પાણીમાં તોફાન સરજાયું હતું . મોટા મોટા વમળો કિનારા પર આવીને અથડાઈ રહ્યા હતા . એક નૈયા પર ગણરાજ શંખનો ભાણિયો ચિત્રકુમાર બેઠો હતો . તેણે દેવાર્યને તડકે તપતા જોયા . તેને નાવિકો પર સખ્ખત ગુસ્સો આવ્યો . એણે પોતાની નૈયા દેવાર્યની પાસે , કિનારે લેવરાવી . ગંડકીનાં પાણીને ઉછાળતી , ધકેલતી નૈયા કિનારે આવી . કાંઠાની રેતના ઢગલા પણ પાણીનો ધોધ ધસી આવ્યો . તપતી રેતી એ પાણીને સોસી લે તે પહેલાં ચિત્રકુમાર કૂદીને રેતીમાં આવ્યો . એ નાવિકો સામે ધસી આવ્યો . એણે નાવિકોને ખૂબ ધમકાવ્યા . નાવિકો ગભરાઈ ગયા . તે લોકો દેવાર્યને જાણતા નહોતા , પણ ચિત્રકુમારને તેઓ ઓળખતા હતા . દેવાર્યની તરફેણમાં ચિત્રકુમાર ઊભો રહે તેનો અર્થ એ જ થાય કે વૈશાલીના ગણાધિરાજ શંખ , દેવાર્યની તરફેણ લે છે . નાવિકો બાપડા એકદમ જ ડઘાઈ ગયા . એમણે કરગરી કરગરીને દેવાર્યની માફી માંગી . એ લોકો દેવાર્યના પ્રેમી નહોતા , એ લોકો ગણાધિરાજ શંખનાં નામથી આતંકિત હતા . દેવાર્યે એમની પર રોષ બનાવ્યો જ નહોતો . દેવાર્યને નીકળવું હતું . નાવિકોએ જબરદસ્તી દેવાર્યને અટકાવી રાખેલા . નાવિકોની ઉઘરાણી અટકી એટલે દેવાર્ય ચાલતા થયા .
ગંડકી નદીને દેવાર્યનાં દર્શનનો સરસ લાભ મળી ગયો . ભારતીય ઈતિહાસ કેટલાય પ્રકરણો સાથે ગંડકી નદીનું નામ જોડાયેલું છે . તે દિવસે ગંડકી નદીનું નામ દેવાર્યની કથા સાથે જોડાઈ ગયું . અલબત્ત , દેવાર્યને ગંડકી નદીના કિનારે – નાવિકોએ અપમાનિત કર્યા અને પગ દઝાડતી રેતીમાં ઊભા રહેવું પડ્યું . બેય કિસ્સા સારા નહોતા . પણ એમાં ગંડકીનો વાંક નહોતો . એ નાવિકોની મૂર્ખતા હતી . ચિત્રકુમારે દેવાર્યને વંદના કરી હતી .
દેવાર્ય સાથે જે થયું તે જાહેરમાં થયું . ઘણાએ કિનારેથી જોયું . ઘણાએ પોતપોતાની નાવમાંથી જોયું . ગંડકી નદીના કિનારે બનેલી ઘટનામાંથી એક એવી અફવા ફેલાઈ હતી કે નાવિકોએ દેવાર્યને તપતી રેતીમાં ઊભા રહેવાની સજા ફરમાવી અને અવધૂત દેવાર્યે એ સજા સ્વીકારીને ધધગતી રેતીમાં ઘણો વખત ઊભા રહ્યા હતા .
દેવાર્યના ઘણા પ્રસંગો અજાણ્યા રહ્યા . તેની કથા પણ ન બની , અફવા પણ ન બની . અમુક પ્રસંગો જાણીતા થયા . તેમાં કોઈ યથાવત્ પ્રચાર પામ્યા , કોઈ અફવા બનીને જુદા જ રૂપે ફેલાયા . અલબત્ , દેવાર્યને ન જાણીતા થવાની હોંશ હતી , ન અફવાઓની ફિકર હતી . ( ક્રમશઃ )
( હિમાલયની નેપાળી ભૂમિ પર વહેતી કાલી નદી અને ત્રિસૂલી નદીના સંગમમાંથી ગંડકી પ્રગટ થઈ છે . નેપાળની સરહદમાં આને ગંડક નદી કહે છે . ભારતની સરહદમાં આને જ નારાયણી નદી પણ કહે છે . )
ગોશાળો મોટી મજાક ઉડાવી રહ્યો છે તે તાપસને સમજાયું . ગોશાળો પાક્કો અટકચાળીયો હતો . તેણે ટીખળ કરવાનું ચાલુ રાખ્યું છતાં તાપસ મૌન હતો એમાં ગોશાળાને છુટ્ટો દૌર મળી ગયો . વારંવારની મજાકથી આખરે તાપસનો આત્મસંયમ તૂટ્યો . એને ક્રોધ આવ્યો . તે જ ક્ષણે એની આંખમાંથી આગની જ્વાળા નીકળી અને ગોશાળા તરફ ઉડી . એ દૃશ્ય ગજબ હતું . હવામાં સળગતું કપડું ઊડતું જાય તેમ આગનો એક ગોળો ગોશાળા ભણી ઉડ્યો હતો . ગોશાળાને સમજાયું નહીં કે શું થયું છે . દેવાર્યને સમજાયું કે તાપસે તેજોલેશ્યાનો પ્રયોગ કર્યો છે . દેવાર્યે સામો શીતલેશ્યાનો પ્રયોગ કર્યો . એકદમ આશ્ચર્યકારી બાબત . પોતાના બચાવનો દેવાર્યે ક્યારેય કોઈ પ્રયાસ કર્યો નહોતો . ગોશાળાના બચાવમાં પણ દેવાર્ય કદી ઉતરતા નહીં . આજે તેજોલેશ્યા ગોશાળાને બાળીને ખાખ કરી નાંખે એવી સંભાવના બની હતી ત્યારે પહેલી વાર દેવાર્યે ગોશાળાની રક્ષા કરી હતી . દેવાર્યે પોતાની શક્તિથી શીતલેશ્યાનો પ્રયોગ કર્યો . તાપસની આંખમાંથી નીકળેલી અગ્નિધારાની આસપાસ , દેવાર્યની હિમધારા જેવી શીતલેશ્યા વીંટળાઈ ગઈ . તાપસની તેજોલેશ્યાનો અગ્નિ અધવચ્ચે બુઝાઈ ગયો . ગોશાળો સહીસલામત રહ્યો .
તાપસ અવાક્ રહી ગયો . તે ઊભો થયો . દેવાર્ય સમક્ષ આવ્યો . દેવાર્યના પગમાં ઝૂક્યો અને બોલ્યો : મારી તેજોલેશ્યા આજ સુધી નિષ્ફળ ગઈ નથી . આપે તેજોલેશ્યા જેવી તેજોલેશ્યાને વિફળ બનાવી દીધી છે . આપે કમાલ કરી દીધી છે . આપનું તપ તેજ અપૂર્વ છે . મને ખબર નહીં કે આ માણસ ( ગોશાળો ) આપની સાથે છે . મેં અજાણતામાં અપરાધ કર્યો છે . મને માફ કરી દો .
દેવાર્ય મૌન રહ્યા : ગોશાળાને હજી પણ સમજાયું નહોતું કે શું થયું છે . તેણે દેવાર્યને પૂછ્યું કે આ બાવાજી શું અનાપશનાપ બોલી રહ્યા છે ? મને કાંઈ સમજાઈ રહ્યું નથી . આપ કહો શું વાત છે ?
દેવાર્ય બોલ્યા . સિદ્ધાર્થ નહીં , દેવાર્ય . આજસુધી ગોશાળો બોલતો એનો જવાબ સિદ્ધાર્થ આપતો . આજે સ્વયં દેવાર્ય બોલ્યા હતા . ગોશાળાને સમજાયું નહીં કે આ સાક્ષાત્ દેવાર્યનો જ અવાજ છે . તે દરવખતની જેમ જવાબ સાંભળવા લાગ્યો . દેવાર્યે કહ્યું :
`સાંભળ . તને સમજાવું . તું આની વારંવાર મજાક ઉડાવી રહ્યો હતો એટલે તેને ગુસ્સો આવી ગયો . તેણે તારા પર તેજોલેશ્યાની આગ વહેતી મૂકી . આ આગ પાણીથી , વરસાદથી , બરફથી કે કાદવથી બુઝાતી નથી . એ બાળીને જ રહે છે . તે તને બાળી નાંખવા માંગતો હતો . મેં તેજોલેશ્યાને રોકવા , શીતલેશ્યાનો પ્રયોગ કર્યો . આ શીતલેશ્યામાં પાણીની ધારા જેવો શીતલ આભા સ્પર્શ વહેતો થાય છે . એનાથી પેલી તેજોલેશ્યાની આગ બુઝાઈ ગઈ . પોતાની તેજોલેશ્યા નિષ્ફળ ગઈ તે તાપસને સમજાયું . તે હવે મારી માફી માંગી રહ્યો છે . તેની તેજોલેશ્યા તારી કાયાને સહેજ પણ ગરમ સ્પર્શ આપે તે પૂર્વે મેં એને શમાવી દીધી . તેનું એને આશ્ચર્ય છે .ʼ
ગોશાળો પહેલાં તો ડરી ગયો કે એનું મરણ આજે આવી લાગ્યું હતું . પછી રાજી થયો કે દેવાર્યે એને બચાવી લીધો . આખરે ગુરુએ આ ચેલાની લાજ રાખી હતી . પછી એને કૌતુક થયું કે તેજોલેશ્યા કેવી હોય ? તે સિદ્ધ થઈ શકે ? એની માટે શું કરવું પડે ? તેનાં અંતરમાં દેવાર્ય માટે ભક્તિના અનોખા ભાવ જાગ્યા . દેવાર્યે એને આજે મરતાં બચાવ્યો હતો . એણે દેવાર્યને વંદન કર્યા . પ્રશ્ન પૂછ્યો : આ તેજોલેશ્યાની લબ્ધિ કેવી રીતે હાંસિલ થાય ?
દેવાર્યે તરત જવાબ આપ્યો : છ મહિનાનું તપ કરવું પડે . છઠનાં પારણે છઠ કરવાના . પારણાના દિવસે , નખ પર સમાય એટલા સૂકા અડદના દાણા ખાવાના . પાણી એક જ ઘૂંટડો પીવાનું . કોઈ પણ જાતની ભૂલ વિના છ મહિના સુધી તપ ચાલુ રાખવાનું . પરિણામ ચોક્કસ મળે . તેજોલેશ્યા સિદ્ધ થાય .
ગોશાળો સાંભળીને ઉત્સાહિત થઈ ગયો . એ કાઠીએ મજબૂત હતો . ગરીબીના લીધે ભૂખ્યા રહેવાની આદત હતી . કોણ જાણે કેમ પણ એનાં શરીરમાં કષ્ટ ખમવાની ખાસ્સી બધી તાકાત હતી .
તેણે વેશિકાયનને જોયો , જેણે તેજોલેશ્યા સિદ્ધ કરી હતી . ગોશાળાને ધગધગતી તેજોલેશ્યા ગમી ગઈ હતી . એને દેવાર્યની શીતલેશ્યામાં મુદ્દલ રસ ના પડ્યો . તેજોલેશ્યાથી દુનિયા જીતી શકાય તે એને યાદ રહી ગયું . શીતલેશ્યાની સામે તેજોલેશ્યા હારી જાય એ વાત તેને મહત્ત્વની ન લાગી . આ બસ , ગોશાળાના સ્વભાવની સમસ્યા હતી . ગોશાળાએ શીતલેશ્યાની વિધિ ન પૂછી . એને એ સૂઝ્યું જ નહીં . વેશિકાયને શીતલેશ્યાની યાચના ન કરી . એને શીતલેશ્યા સમજાઈ નહીં હોય . સમજાઈ હશે તો વેશિકાયન પોતાને શીતલેશ્યાને લાયક માનતો નહીં હોય . તેજોલેશ્યાના માલિકે શીતલેશ્યા ન માંગી . એ ઠીક હતું . ગોશાળો તેજોલેશ્યાને બદલે શીતલેશ્યા માંગી શક્યો હોત . સર્વ શ્રેષ્ઠ બનવાનું સપનું આ રીતે પૂરું થવાનું જ હતું . ગોશાળાએ શીતલેશ્યા માંગી નહીં . એણે તેજોલેશ્યા માંગી . દેવાર્યે પણ એને શીતલેશ્યા માટે વિચારવાનું ન કહ્યું . દેવાર્યે ગોશાળાને તેજોલેશ્યાની વિધિ ન બતાવી હોત તો ગોશાળો જિંદગીભર ભીખમંગો રહેવાનો હતો . દેવાર્યે એને વિરાટ શક્તિનો રસ્તો ચીંધી દીધો હતો . તેજોલેશ્યા ભયાનક હતી . તેજોલેશ્યાને સાધવાની વિધિ પણ ભયાનક કઠિન હતી . ૧૮૦ દિવસમાંથી ૧૨૦ દિવસ ઉપવાસ કરવાના થાય . બાકીના ૬૦ દિવસોમાં એટલા જ અડદના દાણા ખાવાના , જેટલા આંગળીના એક નખ પર સમાય . પાણીનો એક જ ઘૂંટડો ભરવાનો . આવું પ્રચંડ તપ કરવાની હિંમત કોઈ ન કરે . ગોશાળો તુરંત કાંઈ બોલ્યો નહીં કે મારે તેજોલેશ્યા સિદ્ધ કરવી છે . એ દેવાર્યની સાથે થોડો વખત રહ્યો .
દેવાર્ય સિદ્ધાર્થ નગર પધાર્યા . ગોશાળો મતલબી હતો . એને સમજાઈ ગયું કે હવે તેને દેવાર્ય સાથે રહેવાની જરૂર નથી . એ તેજોલેશ્યા સિદ્ધ કરીને પોતાની મનમરજી મુજબનું જીવન જીવી શકતો હતો . એ દેવાર્યને છોડીને જતો રહ્યો , હંમેશ માટે જતો રહ્યો .
દેવાર્ય દાનેશ્વરીઓના કુલગુરુ હતા . દેવાર્યે ગોશાળાને જે આપ્યું તેના થકી ભવિષ્યમાં ગોશાળો ભગવાન્ તરીકે પૂજા પામવાનો હતો . દેવાર્યની સાથે રહેનારો , જીવનમાં દરિદ્રનારાયણ રહી જ ના શકે . ગોશાળો દેવાર્યની સાથે આટલું રહ્યો . દેવાર્યને જે જે કષ્ટ આવ્યા તેને થોડા થોડા ગોશાળાએ પણ સહ્યા હતા . દેવાર્ય અનાર્ય દેશમાં ગયા ત્યાંય ગોશાળાએ દેવાર્યનો સાથ ના છોડ્યો . પોતાની મૂર્ખામીને લઈને ગોશાળાએ દેવાર્યને તકલીફમાં મૂક્યા તે ખરું . ગોશાળાએ ક્યારેય દેવાર્યને કષ્ટ આપવાનું વિચાર્યું નહોતું . ગોશાળાને પ્રેમ કરતા આવડતું હતું કે નહીં તે વિષય અલગ હતો . ગોશાળાને પ્રેમ દેખાડતા આવડતું હતું કે નહીં તે વાત પણ અલગ હતી . ગોશાળાને દેવાર્ય માટે ખાસ્સી બધી લાગણી હતી . દેવાર્ય હતા જ એવા . જે દેવાર્યને મળે તે દેવાર્યના પ્રેમી બની જાય .
ગોશાળો સાત વરસ સુધી દેવાર્યની સાથે રહ્યો . દેવાર્ય બોલે છે એમ સમજીને એ સિદ્ધાર્થ સાથે વાતોના તડાકા બોલાવતો . એ દેવાર્યને પ્રશ્ન પૂછતો . દેવાર્યે આપેલા જવાબ સાચા જ પડતા . ઘણીવાર એવું થતું કે ગોશાળો દેવાર્યે આપેલા જવાબ ખોટા સાબિત થાય તેવો પ્રયત્ન કરતો પરંતુ દેવાર્યનો જવાબ જૂઠો સાબિત થતો જ નહીં . જોકે , ગોશાળાએ એમાંથી પણ નિયતિવાદનો સિદ્ધાંત બનાવી લીધો . ગોશાળો દેવાર્યને છોડી ગયો પરંતુ તેજોલેશ્યા અને નિયતિવાદ રૂપે ગોશાળાની સાથે દેવાર્યની છાયા હંમેશા બની રહી .
ગોશાળો પહેલી વાર ગયો ત્યારે ખાલી હાથે ગયો હતો . અને પાછો આવી ગયો હતો . બીજી વાર આ ગયો તે ખાલી હાથે નહોતો ગયો એટલે એ પાછો આવે તેવી સંભાવના નહોતી . દેવાર્યને શું ફરક પડતો હતો ? ( ક્રમશઃ )
એ ક્ષણે ગોશંખીપુત્ર મૂંઝાયો પણ અટક્યા વિના તે રૂપાંગના પાસે પહોંચ્યો . એ રૂપવર્ગિતાએ વિલાસી હરકતો શરૂ કરી . ગોશંખીપુત્રને મનમાં બીજી જ ખદબદ થતી હતી . એનાથી ન રહેવાયું . એણે રૂપાંગનાને એની જનમ ભૂમિ વિશે પૂછ્યું . રૂપાંગના કામકૌતુકની ધૂનમાં હતી . એ જવાબ ટાળવા લાગી . ગોશંખીપુત્રને ગાય – વાછરડા નો સંવાદ યાદ આવતો હતો . એણે કહ્યું : હું તને હજી નવા દાગીના ભેટમાં આપીશ . તું મારા પ્રશ્નનો જવાબ આપ .
રૂપાંગના હવે વાસનાના નશામાંથી થોડી બહાર આવી . એને પૈસા જ કમાવવા હતા . એણે ગોશંખીપુત્રને પોતાનો ભૂતકાળ જણાવી દીધો . ગોશંખીપુત્રે સવાલ પૂછ્યા . રૂપાંગનાએ જવાબ આપ્યા . ગોશંખી પુત્રના હોંશ ઊડી ગયા . એ રૂપાંગનાથી ડરીને દૂર થઈ ગયો . ગોશંખીપુત્રને રૂપાંગનાએ જે કહ્યું તે ડરામણું સત્ય હતું . એ રૂપાંગના જ પેલી યુવાન માતા હતી જેને ચોરો જબરદસ્તીથી ખેંચી ગયા હતા . અને એનો પુત્ર જંગલમાં એકલો રહી ગયો હતો તેનું શું થયું ? રૂપાંગના પાસે એનો જવાબ નહોતો . ગોશંખીપુત્ર પાસે એક અનુમાન હતું પરંંતુ તે અંધારામાં તીર ચલાવવામાં માનતો નહોતો .
ગોશંખીપુત્ર તુરંત ત્યાંથી નીકળ્યો . ક્યાંય રોકાયા વગર ગામ આવ્યો . માબાપને પૂછ્યું કે હું તમારો દીકરો છું કે તમારા હાથે ઉછરેલું દત્તક સંતાન છું . થોડી આનાકાની કરીને માબાપે સચ્ચાઈ જણાવી દીધી . ગોશંખી પુત્રની હિંમત તૂટી ગઈ . એની જિંદગીનો સૌથી મોટો ઝટકો એને લાગ્યો હતો . જે માતાએ તેને જનમ આપેલો , જે માતાએ તેને ચોરના ભયે જંગલમાં એકલો છોડી દીધેલો , એ માતાને ચોર લોકોએ વેશ્યા વાડે વેંચી દીધી હતી . માતાએ વેશ્યાવૃત્તિને આજીવિકા બનાવી લીધી . મા વેશ્યા બની એ પહેલો ઝટકો હતો . બીજો ઝટકો ઘાતક હતો . ગોશંખીપુત્ર જે રૂપાંગના સાથે કામસંબંધ રચવાનો હતો એ જ એની સગ્ગી મા હતી . માતાનું નામ વેશિકા હતું .
ગોશંખીપુત્રે યાદ કર્યું કે રૂપાંગના સાથે વાત કરીને તે બહાર આવ્યો હતો એ વખતે ગાયવાછરડાની જોડી ગાયબ હતી . ગોશંખીને સમજાયું હતું કે એ કુલદેવતાએ આપેલો સંકેત હતો . એ સંકેતને લીધે મહા અનર્થ થતા થતા રહી ગયો હતો . હવે ગોશંખીપુત્ર ફરી ચંપા આવ્યો . ફરી રૂપાંગના પાસે આવ્યો . એણે રૂપાંગનાને જણાવ્યું કે ‘ હું તમારી પાસે ઘરાક બનીને આવી રહ્યો હતો ત્યારે ગાય વાછરડાની વાત સાંભળી મને તમારી માટે શંકા જાગી હતી . તમારી કથા સાંભળ્યા બાદ હું મારા માતાપિતાને મળ્યો . તેમની વાત સાંભળીને મારી શંકા સાચી સાબિત થઈ . હું તમારો પુત્ર છું . તમે મારી માતા છો . તમે મને જંગલમાં જ્યાં મૂકીને ગયા હતા ત્યાંથી મને પોતાના ઘેર લઈ જનાર ગોશંખીજી મને પુત્ર જ માને છે . પણ હું એમનો નહીં તમારો જ પુત્ર છું . મને માફ કરી દો , મેં તમારી સાથે મોટો વિનયભંગ કર્યો . ʼ
વાત સાંભળીને રૂપાંગનાને કારમો આઘાત લાગ્યો . એ પોક મૂકીને રડવા લાગી . એને બોલવાના હોંશ ના રહ્યા . એ બેભાન થઈ ગઈ . દાસીઓએ એને જગાડી . એ વિલાપ કરવા લાગી . ગોશંખીપુત્રે એને ઘણી સાંત્વના આપી . ગોશંખીપુત્ર રૂપબજારના પ્રમુખ સંચાલકોને મળ્યો . એણે વેશિકાને , પોતાની માતાને ખરીદી લીધી . માતાને આ રૂપવ્યવસાયની આલમમાંથી બહાર લાવવાનો કોઈ બીજો મારગ હતો જ ક્યાં ? એ ચંપાનગરી આવ્યો હતો ત્યારે ભૂતકાળની મા , રૂપાંગના બની ચૂકી હતી . હવે એ ચંપાનગરીથી નીકળ્યો ત્યારે રૂપાંગના ભૂતકાળ બની ચૂકી હતી અને પવિત્ર મા વર્તમાન બની ચૂકી હતી . સમયે ગજબનો ખેલ ખેલ્યો હતો તેની સાથે . જેને તે માબાપ માનતો હતો તે એના માબાપ હતા જ નહીં . જેના સૌંદર્ય પાછળ એ દીવાનો બની ગયો હતો તે એની જનેતા હતી . તેનું શૈશવ અને બાળપણ અને તારૂણ્ય વીતી ગયું અને યૌવન પૂરબહારમાં ખીલી ઉઠ્યું ત્યાર સુધી તેની માતા રૂપવ્યવસાયમાં ફસાયેલી રહી . પેલા ચોર લોકોએ ગોશંખીપુત્રની જિંદગીને તહસનહસ કરી નાંખી હતી .
એની માતાની હાલત કાંઈ સારી નહોતી . પોતાનો દીકરો આ રીતે મળ્યો અને દીકરાએ જ રહસ્યસ્ફોટ કર્યો . તે પછી એને આત્મહત્યા કરી લેવાના વિચારો આવી રહ્યા હતા . એણે દીકરાને પૂછેલું પણ ખરું કે મારે મરી જવું છે , તું રજા આપીશ ? ગોશંખીપુત્રે માતાને હૈયા ધારણ બંધાવી હતી કે આત્મહત્યા , એ કોઈ ઈલાજ નથી , તમને અહીંથી હું બહાર લઈ જઈશ , પછી તપજપ કરી શુદ્ધિનો મારગ ખોળી લેજો .
માતાએ દીકરાની વાત માની હતી . માતાને ગોશંખીપુત્ર ખેટક ગામ લઈ આવ્યો હતો . માતા શોક અને આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી હતી . એક સમયની ભ્રષ્ટ મહિલા , હવે ધર્મના માર્ગમાં જોડાઈ અને ખૂબ આગળ વધી ગઈ .
ગોશંખીપુત્ર પૂરેપૂરો હચમચી ગયો હતો . તેનેય પ્રચંડ દુઃખ થયું હતું . એ દુઃખમાંથી એક ઊંડો વૈરાગ્ય જાગ્યો એનાં હૈયે . એ દુઃખગર્ભિત વૈરાગ્ય નહોતો . એક દુઃખનિર્મિત વૈરાગ્ય હતો . એણે તાપસદીક્ષા સ્વીકારી લીધી .
તેણે પોતાનું નામ રાખ્યું વેશિકાયન , કેમકે માતા વેશિકા માટે તેને અખંડ આદર હતો . તેણે ઘણું તપ આચર્યું , ખાસ્સોબધો શાસ્ત્રાભ્યાસ કર્યો , જીવદયાની પ્રવૃતિઓ અવિરત આદરી , ગુરુજનોની સેવામાં પાછી પાની કરી નહીં . ઘોર સાધના કરીને તેજોલેશ્યા સિદ્ધ કરી લીધી .
તાપસનાં જીવનનું આ ત્રીજું પ્રકરણ હતું .
જે આડંબરથી દૂર રહે , જે ભીડથી દૂર રહે તે શક્તિશાળી અને પુણ્યશાળી હોતો નથી , એવું માની લેનારા મૂરખાઓને સબક શીખવાડી દે એવી પ્રચંડ શક્તિ હતી તાપસ વેશિકાયનમાં . ગોશાળાને કશી ગતાગમ હતી નહીં . એ વેશિકાયનને ક્ષુલ્લક સમજી દુર્વ્યવહાર કરતો રહ્યો . એ ગમ્મે તેમ બોલ્યો , ગમ્મે તેવું બોલ્યો . તાપસે શરૂઆતમાં ગોશાળાની ઉપેક્ષા જ કરી . પણ પછી ….. ( ક્રમશઃ )
ઇકિગાઈ
લેખક : રાજ ગોસ્વામી / પૅજ : ૧૭૧
તમે જે કામ કરો છો તેમાં તમે ખુશ છો કે નહીં , આ પ્રશ્નનો જવાબ તમારા સ્વભાવ અનુસાર તમે આપશો . જાપાની માણસ આ પ્રશ્નના જવાબમાં ચાર મુદ્દાનો વિચાર કરશે , અને એ ચાર મુદ્દા એ જ છે ઇકિગાઈ . ઇકિગાઈ શબ્દનો પહેલો ઇ હૃસ્વ છે અને છેલ્લો ઈ દીર્ઘ છે . ગુજરાતી ભાષા માટે આ શબ્દ હવે અજાણ્યો નથી રહેવાનો . ઇકિગાઈનો અર્થ છે સ્પેસિફિક માનસિક સ્પષ્ટતા . તમે તમારી પ્રવૃત્તિઓને ઇકિગાઈની નજરે મૂલવો એ વાત નથી . તમે તમારી પ્રવૃત્તિમાં ઇકિગાઈનો દૃષ્ટિકોણ જોડો એની આ વાત છે . મૂળે તો આ ખુશ રહેવાની વાત છે . ખુશ રહેનારો લાંબું જીવશે , ખુશ રહેનારાને લાંબું જીવવાનું ભારે નહીં પડે , ખુશ રહેનારો લાંબું જીવવા માટે બીજાનાં માથે બોજો નહીં બને . ખુશ રહેવાનું જે શીખ્યો નથી તે લાંબું જીવશે નહીં , એ લાંબું જીવશે તો જાતેય હેરાન થશે અને બીજાને હેરાન કરશે . ઇકિગાઈ સંબંધી ચોવીશ જેટલાં પુસ્તકો અને આર્ટિકલ્સ વાંચ્યા બાદ રાજ ગોસ્વામીએ આ પુસ્તક લખ્યું છે .
પોતાની ઇકિગાઈ શોધીને જેઓ સો વરસ , નેઉં વરસ સુધી સ્વાધીન અને સુખી જીવન જીવ્યા એવા લોકોનાં નામ લેખક ગણાવે છે : શ્રીમતી ચિયો મિયાકોના ( વય : ૧૧૭ વર્ષ ) . શ્રીમતી કાને તનાકા ( વય : ૧૧૭ વર્ષ ) . શ્રીમતી શીગેયો નાગાચી ( વય : ૧૧૪ વર્ષ ) . શ્રીમાન્ યુકિચી ચુન્ગાનજી ( વય : ૧૧૪ વર્ષ ) . શ્રીમાન્ તોનોજી તાનાબે ( વય : ૧૧૩ વર્ષ ) . જીરોમોન કિમુરા ( વય : ૧૧૫ વર્ષ ) . આવા ઘણાં નામ છે જેઓ છેવટ સુધી સક્રિય રહ્યા . એમને પોતપોતાની ઇકિગાઈ મળી ચૂકી હતી .
તમને , તમારી ઇકિગાઈ મળી ગઈ છે ? આ જ મુખ્ય સવાલ છે . ઇકિગાઈમાં ચાર શરત છે અને ચારેચાર શરતનું પાલન અનિવાર્ય છે . એકાદ શરત બાકી રહી હશે તો ઇકિગાઈ અધૂરી ગણાશે .
આજે તમે જીવનમાં જે છો , જ્યાં છો અને જે પ્રવૃતિ કરો છો એમાં આ ચાર બાબતો જોડાયેલી હોવી જોઈએ.
૧ . તમારામાં તે કામ કરવાની સાચુકલી રૂચિ હોવી જોઈએ .
૨ . તમારામાં તે કામ કરવાની અસલી પ્રતિભા હોવી જોઈએ .
૩ . તે કામ કરવા દ્વારા સમાજને ચોક્કસ ફાયદો થતો હોવો જોઈએ .
૪ . તે કામ કરવા દ્વારા તમને આર્થિક રીતે મજબૂતી મળતી રહેવી જોઈએ .
સહેલાં લાગતાં આ ચાર વાક્ય એટલાં પણ સહેલાં નથી . અને આ વાક્ય અર્થગંભીર હોવા છતાં એટલા પણ અઘરાં નથી કે સાવ સમજાય જ નહીં . સંઘના ટ્રસ્ટી તરીકે , કાર્યકર્તા તરીકે , વ્યવસ્થાપક કે સંયોજક તરીકે તમે જે જવાબદારી કે હોદ્દો સંભાળો છો એમાં આ ઇકિગાઈનું બેલેન્સિંગ બહુ જરૂરી છે .
૧ . તમે રૂચિ વિના કામ કરશો તો કામ ખાડે જશે અને નુકસાન સંઘને કે તમારી ટીમને થશે . બીજીવાર તમને જવાબદારી મળશે નહીં .
૨ . તમારી જેમાં આવડત નથી એ કામ કરવા જશો તો તમારી નૈયા મઝધારે અટવાઈ જવાની . પછી તમારો આત્મવિશ્વાસ તૂટશે અને તે પછી લોકોને તમારી માટે વિશ્વાસ નહીં રહે .
૩ . તમે પોતાનો અહંકાર કે સ્વાર્થ ભૂલ્યા વિના કામ કરશો તો આમનેસામને નારાજગીઓ થવાની જ . પરિણામે , તમે રાજીનામું આપશો અથવા તમારાં કારણે બીજા કોઈનું રાજીનામું આવશે .
૪ . ટ્રસ્ટી તરીકે તમે સંઘની આર્થિક ભૂમિકા અંગે સ્પષ્ટ રહેજો , સંઘને આર્થિકલાભ થાય તે અગત્યનું છે પરંતુ સંઘને કોઈ રીતે આર્થિક નુકસાનમાં કે આર્થિક અવ્યવસ્થામાં મુકાવું ન પડે તે વધારે અગત્યનું છે . તમારો સંઘ , તમારું મંડળ કે તમારું ગ્રૂપ આર્થિક રીતે સક્ષમ હોય અને સ્વાધીન હોય એ તમારે જોવું જ પડે .
ઇકિગાઈ-નો કન્સેપ્ટ મનેં આ રીતે ગમ્યો. જે ઇકિગાઈનો અભ્યાસ કરી રાખશે તે સંઘને , મંડળને , ગ્રૂપને લાંબા સમય સુધી ઉપયોગી બનશે . જે ઇકિગાઈનો અભ્યાસ નહીં કરે તે ચિત્રવિચિત્ર છબરડાં વાળતો રહેશે .
નાગપુર શ્રી મુનિસુવ્રત જૈન મંદિર ઈતવારીનાં જ્ઞાનભંડાર માટે નવાં પુસ્તકો મંગાવી રહ્યો છું . જ્ઞાનની બારી – અમદાવાદથી શ્રેણિકભાઈએ થોડાક પુસ્તક મોકલ્યાં પણ છે . આજે આ ઇકિગાઈ પુસ્તક વાંચ્યું અને એનો મુખ્ય મુદ્દો તમને લખી જણાવ્યો .
લેખકે ચાર સૂત્રોને ચાર અંગ્રેજી શબ્દોથી સમજાવ્યા છે .
૧ . તમારું કામ તમારું પૅશન હોવું જોઈએ .
૨ . તમારું કામ તમારું પ્રૉફેશન હોવું જોઈએ .
૩ . તમારું કામ તમારું મિશન હોવું જોઈએ .
૪ . તમારું કામ તમારું વૉકેશન હોવું જોઈએ .
બીજા ઘણા મુદ્દાઓ છે અને એ અંગેના અંગ્રેજી શબ્દો છે , રેઝિલિયન્સ – એન્ટિફ્રેજિલિટી વગેરે . એ તમે પુસ્તક પાસે જઈને એમાં જ વાંચજો . ખાવાપીવા સંબંધી વાતો સાથે સહમત થવાની જરૂર નથી . પરંતુ – ચારસૂત્રી કાર્યક્રમ મતલબ કે વિચારક્રમ , સમજી લેવા જેવો છે . ઇકિગાઈનો કન્સેપ્ટ લાખો લોકોએ અમલમાં મૂક્યો છે . વિવેકપૂૂર્વક વિચારવામાં વાંધો શું છે ? યાદ રાખજો : ઇકિગાઈ કોરી સફળતા માટે નથી , ઇકિગાઈ ભીતરી પ્રસન્નતા માટે છે .
શીતલેશ્યા અને તેજોલેશ્યા – ૧
કૂર્મગ્રામમાં વૈશિકાયન તાપસ આવ્યો હતો . લાંબી એની જટા હતી . શાંત એનો સ્વભાવ હતો . ઉગ્ર એની તપસ્યા હતી . તીવ્ર એનો વૈરાગ્ય હતો . તે એક જગ્યાએ સ્થિર રહેતો નહોતો . થોડા થોડા સમયમાં તેનાં રહેઠાણનું સ્થાન બદલાતું . તે કૂર્મગ્રામની બહાર નિવાસ કરી રહ્યો હતો તે વખતે દેવાર્ય કૂર્મગ્રામ પાસેથી નીકળ્યા . એક ભારે ભૂતકાળ એ તાપસની પાછળ હતો . જો કે એ અતીતના ભારથી મુક્ત હતો . એ વર્તમાનમાં મગન હતો . એની સાધના ઉગ્ર હતી એથી એને ઊંચી સિદ્ધિઓ પણ હાંસિલ થઈ હતી . છતાં તે સાદગીથી રહેતો .
ગોશાળાએ તાપસ વેશિકાયનને જોયો . તાપસ તડકામાં બેઠો હતો . લાંબી જટાઓ તડકામાં ખુલ્લી ફેલાવેલી હતી તેણે . જટામાં ઘણી જૂ હતી . તડકાને લીધે તે જૂ જમીન પર ટપકી પડતી . તાપસ તેને સંભાળીને ઊંચકી લેતો હતો અને પોતાની જટાના વાળમાં સરકાવી દેતો હતો જેથી એ જૂ મરી ન જાય .
ગોશાળાને આનું ટીખળ સૂઝ્યું . એ બોલવા લાગ્યો :
વાહ ભાઈ , માણસોની ધર્મશાળા જોઈ છે . તમારી જટામાં જૂ – ની ધર્મશાળા બનેલી છે . કેટલી બધી જૂ ખદબદે છે . લાગે છે તમે જૂ – ના શય્યાદાતા છો . મને આ લાંબા વાળ જોઈને એ સવાલ થાય છે કે તમે પુરુષ છો કે મહિલા છો ?
ગોશાળાને ખબર જ નહોતી કે એ તાપસનો ભૂતકાળ ત્રણ પ્રકરણમાં વહેંચાયેલો હતો .
(૧.)
પ્રથમ પ્રકરણ ખેટક ગામમાં લખાયું હતું . ખેટક ગામ એની જન્મભૂમિ . એકવાર ચોરોની ટોળકીએ એના ઘર પર હુમલો કર્યો . એમાં એના પિતાની મૌત થઈ ગઈ . એની માતાને ચોરોએ કહ્યું કે અમારી સાથે ચાલ . તલવારના ડરથી એ ચોરોની સાથે ચાલી . જંગલના રસ્તે ચોર ઝડપથી ચાલતા હતા . માતાએ તાજેતરમાં જ બાળકને જન્મ આપેલો . તેણીએ બાળકને સાથે રાખ્યું હતું . બાળકને લીધે તે ઝડપથી ચાલી શકતી નહોતી . પાછળ રહી જતી હતી . ચોરોએ આ જોયું અને કહ્યું : ‘ તારા બચ્ચાને જંગલમાં છોડી દે , અન્યથા તલવારથી મરવા તૈયાર થઈ જા . ‘
ડરેલી માતાએ બાળકને ના છૂટકે એક વૃક્ષ નીચે છોડી દીધું . ચોર લોકો એની માતાને પરાણે ખેંચીને લઈ ગયા . થોડાક મહિનાઓનું એ બાળક હાથ પગ ઉછાળતું રહ્યું , રડતું રહ્યું . માતા એની પાસે પાછી ન આવી શકી .
(૨)
તાપસની કથાનું બીજું પ્રકરણ ગોબર ગામમાં લખાયું હતું . એ ગામમાં ગોશંખી અને બંધુમતી રહેતાં , તેઓ પતિ અને પત્ની હતાં . તેઓ ગોવાળ હતા . એમને સંતાન હતું નહીં . પ્રયત્નો ઘણા કર્યા પરંતુ સંતાન-યોગ બન્યો જ નહીં . પેલું બાળક જંગલમાં વૃક્ષ નીચે એકલવાયું રોઈ રહ્યું હતું . ગાય ચરાવવા નીકળેલા ગોશંખીને એ બાળક દેખાયું . તેણે આસપાસ જોયું . આ બાળકનું કોઈ માલિક હશે તે દેખાશે એમ એને લાગ્યું . પણ કોઈ દેખાયું જ નહીં . એને સમજાયું કે આ બાળક એકલું છે . હવે એને લાલચ જાગી કે આવું રૂપાળું બાળક મારાં ઘેર આવે અને હું જ આનો પિતા બનું . એ બાળકને ગુપ્ત રીતે ઘરે લઈ આવ્યો . પત્નીને બાળક બતાવ્યું . પત્ની તેને પોતાના પુત્ર તરીકે રાખવા તૈયાર થઈ ગઈ . નાનું સરખું નાટક રચીને આ પતિપત્નીએ જાહેર કરી દીધું કે એમનાં ઘેર બાળકનો જન્મ થયો છે . ગામને અને બાળકને કર્ણત્યાગ જેવી ઘટનાની ખબર જ ના પડી .
બાળક યુવાન થયો . કમાણી કરવા લાગ્યો . ગોબર ગામ , ચંપાનગરી અને રાજગૃહીની વચ્ચે હતું . ગોશંખીનો પુત્ર ઘીનું ગાડું ભરીને ચંપા આવ્યો .
(૩)
તાપસની કથાનું ત્રીજું પ્રકરણ ચંપા નગરીમાં લખાયું હતું . ગોશંખી પુત્રે ઘીનું વેંચાણ કર્યું . ચંપા નગરીમાં રૂપાંગનાઓનું બજાર મશહૂર હતું . વેપારીઓ તેમની પાસે જતા , સમય વિતાવતા અને ધન લૂંટાવતા . ગોશંખીપુત્રને પણ રૂપાંગનાનો સંગ કરવાનું મન થયું . તેણે પોતાની માટે એક સ્વરૂપવતી ગણિકાને આરક્ષિત કરી અને રાત્રે તેની પાસે જવાનો વિચાર પાક્કો કર્યો . તેણે રૂપાંગનાને એક આભૂષણ પણ આગોતરું આપી દીધું . વસંતોત્સવનો માહોલ હતો . દરેક વ્યાપારી વિલાસરંગમાં ધૂત હતા . ગોશંખીપુત્ર સાંજે સજીધજીને , પાનનું બીડું ચબાવતો રૂપાંગનાના નિવાસે જવા નીકળ્યો .
રસ્તામાં તેનો પગ વિષ્ટા પર પડ્યો : પગ ખરાબ થયો . રસ્તાની કોરે ગાય અને વાછરડું જોઈને ત્યાં ગયો . નાના વાછરડાની કાયા પર પગ ઘસી તેણે વિષ્ટા લૂંછી . હવે જે થયું તે ગજબ હતું .
વાછરડું ગાયને કહેવા લાગ્યું : આ માણસે પહેલાં પોતાનો પગ ગંદો કર્યો . હવે મારું શરીર ગંદુ કર્યું . આવા શું કામ હશે , માણસો ?
ગાય બોલી : અરે , તને વિષ્ટાની ગંદકી દેખાઈ . એનાથી મોટી ગંદકી એ આચરવાનો છે .
વાછરડું બોલ્યું : એ શું વાત છે ?
ગાય બોલી : એ એની સગી માતા સાથે કામસંબંધ રચવા જઈ રહ્યો છે . પોતાની જનની સાથે જ કાળાં કામ કરવાનો છે . કેવું કહેવાય ને ?
ગોશંખી પુત્ર ચોંકી ઉઠ્યો . બે જનાવરો પશુની ભાષામાં વાત કરતા હતા . અને વાત એના વિશે જ કરી રહ્યા હતા . આ ગાયને કેવી રીતે ખબર કે હું કામસંબંધની આસક્તિથી નીકળ્યો છું . અને એ એવું શું કામ બોલી કે – હું મારી માતાની સાથે જ અધમ આચરણ કરવાનો છું ? મારી માતા તો ગામડે છે . અહીં ચંપાનગરીમાં માતા ક્યાંથી આવી ? ( ક્રમશઃ )
નવમું ચોમાસું એકદમ કપરું રહ્યું – ૨
સૌથી ભારે દુઃખની વાત ચોમાસાની હતી . અત્યાર સુધી દેવાર્યે જેટલા ચોમાસાં કર્યા એમાં રહેવાની જગ્યા સારી મળી હતી . નવમા વરસનું ચોમાસું મનહૂસ હતું . એક જગ્યાએ રોકાઈ શકાય તેવી જગ્યા મળી જ નહીં . થોડો વખત કોક ખેતરના છેવાડે શૂન્ય ભવનમાં રોકાય . પછી ત્યાંથી નીકળી જવું પડે . બીજે કશેક રહે . થોડા સમયમાં એ જગ્યા પણ છોડી દેવી પડે . ઘણી વાર વૃક્ષની છાયામાં ઊભા રહી જાય . સલામતી અને સુરક્ષાનું નામોનિશાન નહીં . પુરુષો , મહિલાઓ , બાળકો – સૌ અનાર્યના લખ્ખણ બતાડી બતાડીને હેરાન કરે . પશુઓ પણ પાછી પાની ના કરે . કુદરત પણ કાળો કેર વરસાવે . નવમું ચોમાસું દેવાર્યે કેવી રીતે કર્યું ? આનો જવાબ તુચ્છ ભાષામાં આ રીતે લખાય : નવમા ચોમાસામાં આમથી તેમ ભટકતા રહ્યા .
રહેવું હતું એક જ જગ્યાએ . એવી જગ્યા ચારેય મહિના સુધી ઉપલબ્ધ જ ના થઈ . થોડા થોડા દિવસે જગ્યા બદલાતી રહી . ચાલુ ચોમાસે વિહાર કરવાનો કિસ્સો દીક્ષાજીવનમાં પ્રથમ વરસે બન્યો હતો . તે વખતે એક આશ્રમ છોડ્યો અને બીજા ગામે આવી ગયા . એક જગ્યાએ પંદર દિવસ રહ્યા અને બીજી જગ્યાએ સાડા ત્રણ મહિના રહ્યા . નવમા ચોમાસામાં કેટલીવાર જગ્યાઓ બદલી ? કેટલી જગ્યાએ ગયા ? કોઈ હિસાબ નહોતો .
દરેક જગ્યાએ એવું કાંઈક બન્યું કે ત્યાંથી ચાલીને નીકળી જવું પડ્યું . દેવાર્યની ચોમાસામાં અપેક્ષા એટલી જ રહેતી કે એક જગ્યાએ મૌન , ધ્યાન અને સ્થિરતા બનેલી રહે . દેવાર્યને અનાર્યોએ ચોમાસામાં કેવા કેવા ઉપદ્રવ કર્યા હશે કે એક જગ્યા પર તેઓ રહી જ શક્યા નહીં . સામાન્ય રીતે દેવાર્ય ચોમાસામાં જ લાંબા ઉપવાસ કરતા . વિહાર કરવાનો હોય નહીં . આ વરસે થોડા થોડા સમયના અંતરાલમાં વિહાર કરવો જ પડેલો ચોમાસામાં . લગભગ શેષકાળ સમાન વિહાર ચાલુ હતો તેમાં પણ દેવાર્યે ચોમાસાનું તપ બદલ્યું નહીં . છેલ્લા છ ચોમાસાથી દેવાર્યે જે નિયમ બનાવેલો તે નિયમ આ ચોમાસામાં પણ અખંડ જ રહ્યો . દેવાર્યે ચોમાસી તપ કર્યું . સળંગ એકસો ને વીસ ઉપવાસ .
દેવાર્યની સહન શક્તિ અકલ્પનીય . તેમને કોઈ પણ કષ્ટ , ભારે પડતું નહીં . તેમને કોઈ પણ વેદના , ચલિત કરી શકતી નહીં . તેમને કોઈ પણ પડકાર , ડરાવી શકતો નહીં . દેવાર્યની કાયા , વજ્રઋષભનારાચ સંઘયણ ધરાવતી . દેવાર્યનું સંસ્થાન હતું સમ ચતુરસ્ત્ર . દેવાર્યનું મનોબળ મેરૂ પર્વતથી પણ ઊંચેરું હતું . દેવાર્યનું આત્મબળ અનંત , અસીમ , અપાર હતું . સાધારણ માણસ જે કષ્ટને એકવાર પણ ખમે અને જીવ ગુમાવી દે એ કષ્ટને દેવાર્ય વારંવાર ખમતા . એવું નહોતું જ કે દેવાર્યને દુઃખનો અહેસાસ નહોતો થતો . દેવાર્યની કાયાને તે તે સંવેદન પહોંચતું જ .
એવું પણ નહોતું કે દેવાર્ય વીતરાગ બની ચૂક્યા હતા . દેવાર્ય છઠ્ઠા / સાતમા ગુણઠાણે હતા . કષાય અને નોકષાય જીવતા હતા . આમ છતાં દેવાર્ય પ્રતિભાવોથી મુક્ત હતા , પ્રતિક્રિયાઓથી રહિત હતા . દેવાર્ય શરીર સાથે હતા . દેવાર્ય શરીરને પરાયું માનીને જ વહેવાર બનાવતા . શરીરને થનારું કષ્ટ મારા આત્માથી અલગ છે . આવો કોઈ પ્રચંડ વિચાર દેવાર્યમાં ધબકતો રહેતો હશે . નવમા વરસે અને નવમા ચોમાસામાં એ વિચારે નવી ઊંચાઈ સર કરી હતી .
ચોમાસા બાદ દેવાર્યે આર્યદેશ પરત આવવાનો નિર્ણય કર્યો અને ટૂંક જ સમયમાં દેવાર્યે અનાર્ય દેશ છોડી પણ દીધો . આ સુુુખદ સમાચાર હતા . છેલ્લા બાર મહિનામાં શરીરે ઉગ્ર કષ્ટો ખમ્યા હતા , આહાર વ્યવસ્થા બરોબર સચવાઈ નહોતી . શરીર વિશેષ પરિશ્રમ પામ્યું હતું . આર્ય દેશમાં દેવાર્ય ભિક્ષાર્થે નીકળે ત્યારે આવકાર મળે અને સૂઝતો આહાર પણ મળે . આટલી સુુુુુુુુુુુુુુુુુુવિધા બની . કષ્ટ દેેેેનાર અનાર્ય નહીં હોય એવી હૈયાધારણ પણ બની . જોકે દેેેવાર્યને સુુુુુવિધાનો અને હૈયાધારણનો ખપ નહોતો . ( ક્રમશઃ )
નવમુું ચોમાસું એકદમ કપરું હતું – ૧
દેવાર્યનું વ્યક્તિત્વ સુખમય , આનંદમય હતું . દેવાર્ય પ્રસન્ન જ રહે અને પ્રસન્ન જ દેખાય . એનો મતલબ એવો નહોતો કે પરિસ્થિતિ સારી જ મળતી દેવાર્યને . વિકટ પરિસ્થિતિઓ આવતી . અને વિકટ પરિસ્થિતિને દેવાર્ય પણ શોધતા . આઠમું ચોમાસું ઉપસર્ગ રહિત હતું . ચોમાસા બાદ દેવાર્યે ચોમાસી તપનું પારણું કોના હાથે કર્યું અને કેવી રીતે કર્યું તેની વિગતો જાહેર થઈ નહીં . દેવાર્ય પોતાને ‘ સમાચાર ‘ બનાવતા નહીં . મારી નાનામાં નાની પ્રવૃત્તિ સૌને દેખાવી જોઈએ , એવો પ્રદર્શન ભાવ દેવાર્યમાં નહોતો . દેવાર્ય પોતાની મોટામાં મોટી પ્રવૃત્તિઓને પણ ગુપ્ત રાખતા . પોતાના તરફથી પોતાની કોઈ જાહેરાત કરાવતા નહોતા દેવાર્ય . એકસોવીસ ઉપવાસનું લાંબું તપ , કોઈ આશ્ચર્યથી કમ ન હોતું . દેવાર્યે એને અંગત આનંદ બનાવી રાખ્યું .
દીક્ષા જીવનનું નવમું વરસ અને નવમું ચોમાસું તદ્દન વિચિત્ર . દેવાર્યે નક્કી કર્યું કે મારે ફરીથી અનાર્ય દેશમાં જવું છે . આર્ય દેશમાં આવનારાં કષ્ટો દેવાર્યને ઓછા લાગતાં હતાં . લો , કરો વાત . જે કષ્ટોની કથા વાંચીને રડવું આવી જાય તે કષ્ટો દેવાર્યને ઓછા લાગતાં હતાં . દેવાર્ય આઠમા ચોમાસા પછી તુરંત અનાર્ય ભૂમિ તરફ નીકળ્યા . વજ્રભૂમિ , શુુદ્ધ ભૂમિ અને લાટપ્રદેશનો અમુક વિસ્તાર દેવાર્યનાં દીક્ષાજીવનનાં નવમા વરસનું મુખ્ય ક્ષેત્ર – બન્યો . આખું વરસ દેવાર્ય અનાર્યોની વચ્ચે રહ્યા . આહાર ન મળે , જળ ન મળે , વસતિ ન મળે એવા ઈલાકામાં દેવાર્યે બાર મહિના વિતાવી દીધા .
પરીક્ષાની વાત એ હતી કે અનાર્યોને અજાણ્યા લોકો દીઠા’ય ગમે નહીં . અનાર્ય લોકો એટલે માનવશરીરમાં વસનારા પશુઓ જ ગણાય . ક્રૂર , જડ અને ઉતાવળિયા . દેવાર્યે આ બાર મહિનામાં શું શું ખમ્યું તેનો સિલસિલાબંધ આંખે દેખ્યો અહેવાલ લખાયો હોય , એવું બન્યું નથી . તેનાં કારણ બે . એક , જે અહેવાલની ઘટનાઓને આંખોથી દેખવા જાય તે જીવતો જ ન બચે . અનાર્યો એના રામ રમાડી દે . બીજું કારણ : જો દેવાર્યને ખબર પડે કે આ મારો અહેવાલ લખવાનો છે તો દેવાર્ય એને ભગાડી દે . એમ કહીને કે તું શું કામ આવ્યો છે ? તું નીકળ અહીંથી . મારે શું કરવું છે , શું ખમવું છે તે હું જોઈ લઈશ . મારી જીવનીમાં તારે હસ્તક્ષેપ કરવાનો નથી .
એ એક વરસ માઠું હતું . અનાર્યો દેવાર્યને જોઈને ઝનૂને ભરાતા . દેવાર્યને એ લોકો દંડથી મારતા , લાત મારતા , લોખંડી મુઠ્ઠીઓ મારતા . દેવાર્યને કરડે તેવા ઉદ્દેશથી તેઓ દેવાર્ય પર કૂતરાઓ છોડી મૂકતા . કૂતરા દેવાર્યને બાચકા ભરી , દેવાર્યનું માંસ ખેંચી કાઢતા . અનાર્યો એ જોઈ રાજી થતા . અનાર્યોમાં દયા જેવી કોઈ લાગણી હતી જ નહીં . દેવાર્યને એક કૂતરું કરડે એટલામાં વાત ખતમ થતી નહોતી . દેવાર્યને ઘણા કૂતરા વળગી પડતા . એમને ભગાડવામાં અનાર્યોને કોઈ રસ નહોતો . અનાર્યો કૂતરાઓને ઈશારાઓથી ઉકસાવતા . દેવાર્ય આ વિસ્તારમાં આવ્યા ત્યારથી જ કૂતરાઓનું ટોળું પાછળ પડેલું રહેતું . આ ઈલાકામાંથી પસાર થનારા લોકોના હાથમાં ચાર આંગળ જાડી લાઠી અવશ્ય રહેતી . એનાથી કૂતરાઓ સામે બચાવ કરવાનું બળ મળતું . કમાલ એ હતી કે કૂતરાઓ પણ માથા ભારે હતા , લાઠીઓ ચૂકવીને એ કૂતરા લાઠી ધારીને એકાદ બચકું ભરી જ લેતા . જ્યાં લાઠીધારીઓને કૂતરાઓથી બચવું મુશ્કેલ જતું ત્યાં દેવાર્ય વગર લાઠીએ વિહરતા અને કૂતરાઓનો હુમલા ઝીલતા .( સંંદર્ભ : આચારાંગ સૂૂૂ્ત્ર ) આશરે છ મહિના કૂતરાઓનો આતંક સહ્યો દેવાર્યે .
દેવાર્યને કૂતરાઓના તીણા નખ વાગતા , દાંત વાગતા . દેવાર્યની કાયા પર જખમ બની જતા . કૂતરાઓનું ઝેર દેવાર્યની કાયામાં આગ જેવી બળતરા ફેલાવતું . અનાર્યો માટે આ જોણું હતું . દેવાર્ય દેદીપ્યમાન હતા . ઘોર અતિ ઘોર એવા શ્વાનઉપદ્રવોમાં પણ દેવાર્ય દોડતા નહીં , હાથ પગ સંકેલતાં નહીં , ઝાડ કે ઝૂંપડા પર ચડીને સ્વબચાવ કરતા નહીં , પથ્થરો કે લાકડીઓથી કૂતરાઓને ભગાવતા નહીં . વહેતી હવા કાયાને ટકરાય એનો જે રીતે દેવાર્ય સ્વીકાર કરતા અને વિરોધ ન કરતા તે જ રીતે આ હોનહાર શ્વાન આક્રમણનો પણ દેવાર્ય સ્વીકાર કરતા અને વિરોધ ન કરતા .
અમુક કૂતરા દેવાર્યને કરડવાની ઉત્સુકતા બતાવતા નહીં . અનાર્યો એમને દેવાર્યને કરડવાનું શીખવાડતા . તે લોકો દેવાર્યને દંડો મારતા અને તે જ વખતે કૂતરાને ઈશારો કરતા કે આ બાવાને કરડો . પેલો શાંત કૂતરો પણ ઉશ્કેરાઈને દેવાર્ય પર ધસી આવતો .
સિદ્ધાર્થ શું કરતો હતો આ દિવસોમાં ? દેવરાજ કેમ આવતા નહોતા ? દેવાર્યે આ વિસ્તારમાં આવવાનું કષ્ટ સ્વીકાર્યું જ કેમ ? આ પ્રશ્ન હતો . દેવાર્ય સહન કરવા માંગતા હતા વધુમાં વધુ કષ્ટો . સામે ચાલીને દેવાર્યે આ ઘોર ઉપદ્રવને આલિંગન આપ્યું હતું . આ સમય દરમ્યાન , ખાવાનું સરખું મળતું નહીં . ઉપવાસ લાંબા ચાલતા રહેતા . પારણાના દિવસે અનાર્યના ઘેર જ જવું પડે . તેઓ આવકાર આપે નહીં અને અપમાન કરે . આક્રમણ કરે . ગુસ્સો કરે . પીડા વરસાવે . માંડ આહાર મળે . જે મળે સાવ લૂખું સૂકું હોય . આપનારો આદર વિના આપતો હોય . લેવું ગમે તેવું દ્રવ્ય ન હોય . લેવાનો ઉલ્લાસ બને તેવો સત્કાર ન હોય . દેવાર્ય જે રીતે આહાર મળે તે લઈને , થઈ ચૂકેલા ઉપવાસોનું પારણું કરી લેતા અને આગામી ઉપવાસોનું અત્તરવાયણું કરી લેતા .
દેવાર્યને ચાલવાનો મારગ પણ સારો મળતો નહીં . મોટા મોટા ઢેફાં હોય , પથ્થરો હોય , કાંકરા અને કાંટા હોય , પગની ચામડીના ચીથરા થઈ જાય એવી એ ભૂમિ . ગરમી પડે તો એવી કે હોમહવનના યજ્ઞકુંડમાં બેઠા હોઈએ એવો તાપ લાગે . ઠંડી પડે તો એવી કે બરફથી દીવાલોમાં ઊભા હોઈએ એવી ટાઢક વર્તાય . વરસાદ પડે તો એવો કે ચામડીને કાંકરા વાગતા હોય એવો દેેેેમાર .
સુરક્ષા માટે દેવાર્ય પાસે બીજું કશું તો હતું નહીં . સરખું મકાન મળે એ રાહત ગણાય . દેવાર્યને રહેવા લાયક મકાન પણ મળતું નહીં . ઉજ્જડ વસતિઓના ભાંગેલા તૂટેલા કૂબામાં દેવાર્ય દિવસો , રાતો વિતાવતા . ક્યારેક વળી મકાન જ ન મળે . તો ઝાડની નીચે એમનેમ જ ઊભા રહી કાઉસગ્ગ કરતા . જતા આવતા લોકો મજાક ઉડાવે , અડપલાં કરે , તકલીફ આપે તેને પ્રચંડ શિલા જેવી અડગ તાકાતથી દેવાર્ય ખમી લેતા . ( ક્રમશ: )
છેલ્લા થોડા દિવસો એક કથાના સંગમાં વીત્યા . કથાનું નામ : 64 સમરહિલ . લેખક : ધૈવત ત્રિવેદી . પૃષ્ઠ સંખ્યા : ૪૬૫ .
અવારનવાર આપણે સમાચાર સાંભળીએ છીએ કે મંદિરની જૂનીપુરાણી મૂર્તિ ચોરાઈ ગઈ . દરવખતે એક સવાલ થતો હોય છે કે આ ચોરાયેલી મૂર્તિ જાય છે ક્યાં ? ૬૪ સમરહિલની કથા , મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ જતા , રસ્તામાં આવનારા એક દેવાલયમાં થનારી ચોરીથી શરૂ થાય છે અને પછી મૂર્તિની ચોરીનો સિલસિલો , બિકાનેરથી ૩૭ કિલોમીટર દૂર ડેરાં સુલતાનખાં સુધી પહોંચે છે અને ત્યાંથી આગળ વધીને તિબેટના પોતાલા પેલેસમાં ગુપ્ત રીતે સંગૃહીત હસ્તલિખિત ગ્રંથો સુધી પહોંચે છે . એક પછી એક પાત્રોનો પ્રવેશ થાય છે . ક્યારેક ઘટનાઓ પૂરપાટ વેગેભાગે છે અને ક્યારેક એક જ ઘટનાનું લાંબુંચોડું વર્ણન પાનાઓનાં પાનાઓ સુધી કથાને એક જ જગ્યાએ અટકાવી રાખે છે .
પુરાતન ગ્રંથોમાં જે વૈજ્ઞાનિક શક્તિઓનું વર્ણન મળે છે તેના મુકાબલે , આજના વોટ્સપ , ફેસબુક , ટ્વીટર તો કોઈ વિસાતમાં નથી આવી ભૂમિકા સાથે ભારતીય પ્રાચીન વિદ્યાઓનો આદર કરતી આ કથામાં કોઈ લવ સ્ટોરી નથી અને કોઈ ધાર્મિક ભૂમિકા પણ નથી . મનોરંજનના મુખ્ય ઉદ્દેશથી લખાયેલી આ નવલકથામાંથી આપણને એવા ઘણા મુદ્દા મળે છે જે આપણી માટે જાણીતા છતાં અજાણ્યા છે .
કથામાં , ચોરાયેલી મૂર્તિઓ અને હસ્તલિખિત પોથીઓ છેવટે ભારત સરકારને સુપ્રત થાય છે . નવલકથાકાર આપણી સામે ઘણીબધી એવી વાતો મૂકે છે જેની ઉપર આપણે વિચારવાનું ટાળીએ છીએ . કથાનું કેન્દ્રવર્તી પાત્ર છે પ્રોફેસર . તેઓ સંપર્ક વિદ્યાનાં પુરાતન માધ્યમો વિશે આ મુજબ વિચારે છે .
પુરાતન જમાનામાં લાઈવ ટેલિકાસ્ટ , મેસેજિંગ , કમ્યુનિકેશન જેવી વ્યવસ્થાઓ બહુ જુદી રીતે ઉપલબ્ધ હતી . આપણે આજે ડિવાઇસ ટુ ડિવાઇસ કમ્યુનિકેશન કરીએ છીએ – વોટ્સપ , ટ્વીટર , ઝૂમ આદિ દ્વારા . પહેલાના જમાનામાં એવી જ કોઈક કમ્યુનિકેશન સિસ્ટમ હતી જરૂર . પ્રાચીન ગ્રંથો અને પ્રતિમાઓનો ગહન અભ્યાસ કરવાથી એ એન્શન્ટ કમ્યુનિકેશન સિસ્ટમ વિશે જાણકારી મળી શકે , એટલું જ નહીં એ સિસ્ટમ આજે પણ ઉપયોગમાં લાવવાનું સંભવિત છે .
નવલકથાકારની કલ્પનાઓ અને રજૂઆતો સાથે સહમત થવું ન થવું એ નિજી વિવેક પર નિર્ભર છે . આજની કમ્યુનિકેશન ટેક્નોલોજી અને પુરાણી સંપર્ક વિદ્યા સંબંધી થિયરીઓ પર નવલકથાકારે ખુલ્લા હાથે લખ્યું છે . આ કથામાં શંકરાચાર્ય , શ્રીધરથી માંડીને રાહુલ સાંસ્કૃત્યાયન સુધીના ઐતિહાસિક પુરુષોને આદર મળે છે વળી મૂર્તિમાં નિહિત તંત્ર તત્ત્વનું વિશ્લેષણ પણ વારંવાર વાંચવા મળે છે .
વ્યાખ્યાન આપનારા મહાત્માઓ અને પુસ્તકો લખનારા મહાત્માઓ આ કથાની મુખ્ય વિષયવસ્તુથી અવગત થાય તે જરૂરી છે . બાકી તો આ નવલકથા છે તેથીસ્તો સરહદી રેગિસ્તાનમાં એક જબરસ્ત ધિંગાણું ખેલાય છે , તિબેટ બોર્ડર પર જંગલ અને નદીના દ્વિભેટે જીવસટોસટનું યુદ્ધ થાય છે અને તિબેટના વિશ્વ પ્રસિદ્ધ પોતાલા પેલેસમાં ગજબનાક ક્લાઈમેક્સ આવે છે .
કથાકાર વાર્તામાં કશેક પોતાનો વિચાર જોડતો જ હોય છે . 64 સમરહિલના લેખકે રજૂ કરેલ મુખ્ય વિચાર એ છે કે આપણી ઘણી હસ્તલિખિત પોથીઓ , પ્રતો વિદેશમાં ગુપ્ત રાખવામાં આવી છે , એને ભારતમાં પાછી લાવવી જોઈએ . વળી જે પુરાતન પ્રતો અને પ્રાચીન પ્રતિમાઓ આપણી પાસે છે એમાં ઘણાબધા ગૂઢગંભીર રહસ્યો છે જે હજી અપ્રકટ છે . એ મહાન્ રહસ્યોનો શ્રેષ્ઠ ઉપયોગ , માનવજાતિનાં કલ્યાણ માટે કરવો જોઈએ .
ગુજરાતના ઉમતા ગામમાં જૈન મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ , એ મૂર્તિચોરની સાથે લેખકની મુલાકાત પોલિસે કરાવી તે મુલાકાતમાંથી આ નવલકથાનું બીજારોપણ થયું છે .
પ્રયાગ . ગંગા અને જમના નદીનો ભવ્ય સંગમ . આંખોને આંજી દેનારો નઝારો . લાખો કરોડો વૈદિક ભક્તોની અવરજવરે આ તીર્થને ધમધમતું રાખ્યું હતું . સંગમ પર ઘાટ હતો . ત્યાં ડૂબકી લગાવનારાઓનો મેળો જામેલો હતો . ગંગાના ઊજળાં નીર , જમનાનાં શામળા નીરને ભેટી પડતાં . જમના આલોપ થઈ જતી . એકલવીર ગંગા ધસમસતી આગળ નીકળી જતી . કિનારા પર વસેલું શહેર . પુરિમતાલ . કાંઠા પર જ વસેલું ઉદ્યાન શકટમુખ . દેવાર્ય આ ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધારીને રહ્યા . આ દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાનની કૈવલ્ય ભૂમિ છે અને આશ્ચર્ય એ વાતનું હતું કે અહીં શ્રી મલ્લિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય હતું . વાગુર શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો . વાગુર શ્રેષ્ઠીની પત્નીનું નામ હતું ભદ્રા . પતિ પત્ની સંતાન પ્રાપ્તિના અભાવે પીડિત હતા . એકવાર તેઓ મલ્લિનાથ જિનાલયમાં દર્શન કરવા આવ્યા . પ્રભુ પ્રતિમાની ઉર્જાથી પ્રભાવિત થઈ ગયા . સંકલ્પ કર્યો કે જો પ્રભુપ્રભાવે સંતાન મળે તો આ જિનાલયનો સંપૂર્ણ ઉદ્ધાર કરાવીશું . આશ્ચર્ય એ બન્યું કે આ સંકલ્પ કર્યો તે પછી ટૂંકા સમયમાં તેમને સંતાન પ્રાપ્તિ થઈ . પ્રભુનો પ્રભાવ શિરોધાર્ય ગણી એમણે જિનાલયનો ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો . રોજ પૂજા કરે . એકદા આ જ ઉદ્યાનમાં શ્રી સૂરસેન આચાર્ય પધાર્યા . તેમની દેશના સાંભળી દંપતિએ શ્રાવક વ્રતોનો સ્વીકાર કર્યો અને પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજાનો નિયમ લીધો .
આ બધી ઘટનાઓ દેવાર્યનાં આગમન પૂર્વે બની ચૂકી હતી . દેવાર્ય પધાર્યા ત્યારે તે રોજે રોજના ક્રમ અનુસાર તે મલ્લિનાથ જિનાલય તરફ ચાલ્યો . એણે દેવાર્યને જોયા પરંતુ એને દેવાર્ય ઓળખાયા નહીં હોય કે પછી બીજું કોઈ કારણ હશે એટલે તેણે દેવાર્ય પર ધ્યાન ન આપ્યું .
આ તરફ – બીજા દેવલોકના ઈન્દ્ર ઈશાન , શ્રી આદિજિન કૈવલ્યભૂમિ પર , પ્રભુવીર પધાર્યા છે તેમ જાણી ખાસ પ્રભુને વાંદવા માટે આવ્યા . ઈશાનેન્દ્ર પ્રભુની સ્તવના કરી રહ્યા હતા ત્યારે તેમણે વાગુર શ્રેષ્ઠીને મલ્લિનાથ જિનાલય તરફ જતા જોયા . વાગુર શ્રેષ્ઠીએ દેવાર્યની ઉપેક્ષા કરી તે ઈશાનેન્દ્રને ન ગમ્યું . તેમણે ઊંચા અવાજે વાગુર શ્રેષ્ઠીને બોલાવ્યો . ઠપકો આપ્યો કે અહીં સાક્ષાત્ તીર્થંકર પધાર્યા છે એમની તું ઉપેક્ષા કરે છે ? તું આવો અવિવેકી હશે તેવું મેં ધાર્યું નહોતું .
વાગુર શ્રેષ્ઠી માટે બે આશ્ચર્ય બન્યાં હતાં . એક , ઈશાનેન્દ્રને જોયા , એમનું સંબોધન સાંભળ્યું અને એમાં પોતાને ઠપકો મળ્યો . બે , સાક્ષાત્ તીર્થંકર ભગવાનને નજરે નિહાળ્યા . એ ગદ્ગદ થઈ પ્રભુની સમક્ષ ઝૂકી પડ્યો . વાગુર શ્રેષ્ઠીએ અને ઈશાનેન્દ્રે સાથે મળીને ઘણી બધી પ્રભુ ભક્તિ કરી .
૨ .
દેવાર્ય આગળ નીકળ્યા . ઉષ્ણાક સંનિવેશ તરફ પ્રયાણ ચાલુ હતું . ગોશાળાએ ફરી એકવાર છમકલું કર્યું . એક નવવિવાહિત દંપતિ પોતાના કુટુંબ સાથે જઈ રહ્યું હતું . પતિ પત્ની બંને દેખાવે કુરૂપ હતા . ગોશાળાએ તેમની બદસૂરતીની વારંવાર મજાક ઉડાવી . એકાદવારની મજાક માફ થઈ જાત . વારંવારની મજાકથી સ્વજનોને ગુસ્સો ચડ્યો . એમણે ગોશાળાને પકડી પકડીને માર્યો . હાથે-પગે બાંધીને વાંસની ઝાડીમાં નાંખી દીધો .
ગોશાળો રોવા લાગ્યો : દેવાર્ય , બચાવો . મારું ધ્યાન આપ રાખશો નહીં એ કેમ ચાલશે ?
સિદ્ધાર્થ બોલ્યો : આ તારું રોજનું છે . ગમે તેવા પરાક્રમો કરે છે ને પછી સજા થાય ત્યારે મારી પાસે બચાવની અપેક્ષા રાખે છે . તું સુધરવાનો નથી પાક્કી વાત છે . તારા આવા જ હાલ થવાના કાયમ .
દેવાર્ય આગળ ચાલ્યા . થોડેક દૂર જઈ દેવાર્ય ગોશાળાની રાહ જોતા ઊભા રહ્યા . નવવિવાહિત યુગલના પરિવારજનોને સમજાયું કે દેવાર્ય આ ગમાર ગોશાળાની પ્રતીક્ષામાં ઊભા છે . એમણે ગોશાળાને ઝાડીમાં બહાર કાઢ્યો . હાથે પગે બાંધેલું તે છોડી દીધું . ગોશાળો દોડતો દોડતો દેવાર્ય પાસે પહોંચી ગયો .
દેવાર્ય પ્રસ્થાન કરી ગોભૂમિ પધાર્યા . અહીં ગાયો ઘણી હતી કેમકે ભૂમિ પર લીલો આહાર ઘણો નીકળતો હતો . ચરવૈયા ગોવાળો દેખાવે કઢંગા હતા . ગોશાળાએ એમની અવમાનના કરવા માટે કહ્યું : ઓ કદરૂપા લોકો , આ રસ્તો કઈ તરફ જાય છે ?
ગોવાળો બોલ્યા : તમે અમારી મજાક કેમ ઉડાવો છો ? આવું અપમાન તમે કરો તે શોભાસ્પદ નથી . તમે સંત છો .
ગોશાળો કહે : ‘ તમે છો જ એવા વિરૂપ કે તમારી મજાક કરવી જ પડે . ‘
હવે એ ગોવાળોએ ગોશાળાને પકડ્યો . તેની ખાસ્સી બધી ધોલાઈ કરી . બાંધીને ઝાડીમાં ફેંકી દીધો . પછી એમને સમજાયું કે આ દેવાર્યની સાથે છે એટલે એને બંધનમુક્ત કર્યો .
કશો જ બોધપાઠ લીધા વગર , ગોશાળો દેવાર્ય પાસે દોડી આવ્યો . એને એમ જ લાગતું કે દેવાર્યે મને બચાવવો જોઈએ , દેવાર્ય મને બચાવતા કેમ નથી ? પોતાની ભૂલ થાય છે એવું ગોશાળાને લાગતું જ નહીં . જેને પોતાની ભૂલ જોતા આવડતી નથી તે હેરાન થવાનો જ છે . પોતાની ભૂલ જોવાની દૃષ્ટિ જે કેળવતો નથી તેને બીજાની ભૂલ તુરંત દેખાવા લાગે છે . ગોશાળો એકની પછી એક છબરડા વાળતો , એ એની ભૂલ હતી . ગોશાળાને પોતાના છબરડાનો કોઈ વાંક જણાતો નહીં . પણ છબરડા બાદ લોકો એને સજા કરતા ત્યારે ગોશાળાને દેવાર્યની ભૂલ દેખાતી . ભૂલ શું તો કે દેવાર્યે મને બચાવવો જોઈએ ને ? દેવાર્ય દર વખતે મને એકલો છોડી દે છે હેરાનગતિમાં .
ગોશાળો મૂર્ખામી કરતો તેય દેવાર્યે ખમવાની . ગોશાળો બુદ્ધિમત્તા વિનાના આક્ષેપો રચી કાઢતો દેવાર્ય પર . દેવાર્યે તે પણ ખમવાનું . દેવાર્ય ગોશાળાને ભગાવી કેમ નહોતા દેતા ? સિદ્ધાર્થ કેમ ગોશાળાને ક્યાંક દૂર ખદેડી મૂકતો નહોતો ? દેવાર્યને ગોશાળાનો કશો ખપ નહોતો . ગોશાળા વિના દેવાર્યનું ક્યાંય કશું અટકવાનું નહોતું . છતાં દેવાર્ય ગોશાળાને ઝેલી રહ્યા હતા . આ દેવાર્યની ઉદારતા હતી . ગોશાળાને આ દરિયાદિલી સમજાઈ હશે કે કેમ ? એ ગોશાળો જ જાણે .
દેવાર્ય વિહાર કરી રાજગૃહી પધાર્યા . આઠમું ચોમાસું રાજગૃહીમાં કર્યું . વિવિધ અભિગ્રહો લીધા . સળંગ એકસોવીસ ઉપવાસની આરાધના કરી . દેવાર્ય માટે ઉપવાસ જાણે રમતવાત હતી . દેવાર્યે ક્યારે આહાર ગ્રહણ કર્યું તે શોધવું પડતું . વરસે કેટલા ઉપવાસ થતા અને અને કેટલું આહાર ગ્રહણ થતું એની તુલના કરો ત્યારે દેખાતું કે વરસે સવા ત્રણસોથી વધુ ઉપવાસ તો દેવાર્ય કરતા જ હશે . આવું તપ આજ સુધી કોઈએ કર્યું નહોતું . (ક્રમશઃ)
प्राचीन कला संपदा : ओस्ट्रेलिया से प्रत्यर्पण हो रहा है और बोधगया में उपेक्षा हो रही है
आज के दैनिक भास्कर में दो खबरें छपी हैं । एक खबर , ऑस्ट्रेलिया की केनबरा आर्ट गैलरी , भारत की कुछ पुरानी कलाकृति , भारत देश को वापिस लौटा रही है । दूसरी खबर , बोधगया मठ में प्राचीन कला संपदा का संग्रह पिछले तीस साल से उपेक्षित अवस्था में है । हंसे या रोये , समझ में नहीं आता है । बोधगया में पाली भाषा एवं प्राकृत भाषा की रचनाएं भी है । क्यां वहां कोई जैन रचना भी संगृहीत होगी ? हम तो बस , खबरें पढ सकते हैं । और क्यां कर सकते हैं हम ? एक तरफ देश से चुराई गई चीझें , हमें वापिस लौटाई जा रही है । दूसरी तरफ , जो देश में संगृहीत चीझें उपेक्षित बन पड़ी रही है । हे भगवान् , यह क्यां हो रहा है ?
પ્રકરણ ૨૨ . મારગ ચલત ચલત
૧ .
વિહાર થયો . નવો મુકામ આવ્યો અને ગોશાળાના છબરડા શરૂ થઈ ગયા . દેવાર્યે કુંડ સંનિવેશમાં , વાસુદેવ મંદિરમાં નિવાસ સ્વીકાર્યો . એક ખૂણે કાઉસગ્ગમાં ઊભા રહ્યા . ગોશાળાને કાંઈક કરતૂત કરવી હતી . તે મંદિરની મુખ્ય મૂર્તિ સાથે તદ્દન બેહૂદી રીતે વળગીને બેઠો રહ્યો . પૂજારીએ ગોશાળાની વિચિત્ર વર્તણૂક જોઈ . એને થયું આને હમણાં જ ધીબેડી નાંખું . પછી એણે વિચાર્યું કે સાવ એકલો છું . આ નાગાબાવા જેવો સાધુ ગડબડ કરે છે એનો પુરાવો શો છે મારી પાસે ?
એણે ગામવાસીઓને બોલાવ્યા . સૌએ ગોશાળાની વાહિયાત વર્તણુક જોઈ . ગોશાળાને ટોળાએ મળીને ખાસ્સોબધો મેથીપાક ચખાડ્યો . એક વૃદ્ધ આદમીએ ગોશાળાને છોડાવ્યો , એમ કહીને કે આ દેવાર્ય સાહેબનો સેવક છે .
અહીંથી વિહાર કરીને દેવાર્ય મર્દન ગામે પધાર્યા . બલદેવ મંદિરમાં રોકાયા . દેવાર્ય કાઉસગ્ગમાં રહ્યા પરંતુ ગોશાળો અવળચંડાઈ ભૂલ્યો નહોતો . તેણે મંદિરની મુખ્ય મૂર્તિ = બળદેવ મૂર્તિને અભદ્ર આલિંગન આપ્યું . પૂજારીએ ગયા વખતની જેમ આ જોયું . ગામજનોને બોલાવી લાવ્યો . ગામવાસીઓએ કચકચાવીને ગોશાળાને પીટ્યો . છેવટે એક વૃધ્ધે દેવાર્યની મર્યાદા જાળવી એને છોડાવ્યો .
૨ .
અહીંથી વિહાર કરી દેવાર્ય બહુશાલ ગામે પધાર્યા અને શાલવનમાં કાઉસગ્ગ ધરી રોકાયા . અહીં કટપૂતના જેવી એક વ્યંતરી હતી : શાલા . તેણે દેવાર્યને જોયા . પૂર્વભવની કોઈ વૈરભાવના એનાં હૈયામાં જાગી . એણે દેવાર્યને દુઃખ દેવાનું શરૂ કર્યું . દેવાર્યની કાયા કષ્ટ અનુભવશે એટલે દેવાર્યને કાઉસગ્ગ અધૂરો છોડવો જ પડશે , દેવાર્યને આ રીતે ખલેલ પહોંચાડવાનો એના વિચાર હતા . દેવાર્યે શરીર પર આવેલ દુઃખને દુઃખ રૂપે જોયું . એમાંથી જ મનમાં જાગી શકતો હતો પીડાનો ભાવ . દેવાર્યે પીડાનો ભાવ મનમાં બનવા જ ન દીધો . દુઃખ શરીરનાં સ્તરે છે , હું આત્માનાં સ્તરે છું . દુઃખ કર્મના ઉદયથી આવે છે અને કર્મ નિર્જરા જ મારું પ્રમુખ લક્ષ્ય છે . દુઃખ અશાતા વેદનીયનો ઉદય છે . પીડા અરતિનો કષાય મોહનીયનો ઉદય છે . મારે કષાય કે નોકષાયને નિષ્ફળ બનાવવાના છે . દેવાર્ય શું વિચારતા હશે તેનું અનુમાન થઈ શકે કેવળ .
શાલા વ્યંતરીના ઉપદ્રવ વિફળ રહ્યા . તેને પોતાની ભૂલ સમજાઈ . તે પ્રભુનાં ચરણે પડી . બોલી : પ્રભુ હું આપને સામાન્ય માનવી માની રહી હતી . મારી આશા હતી કે આપ દુઃખી થશો , દ્વેષ કરશો . આપ દુઃખી ન થયા . આપે દ્વેષ ન બનાવ્યો . આ ગજબની વાત છે . આપ પરમ સાધક છો . મને માફ કરી દો . હું ક્ષમા યાચું છું .
દેવાર્ય પીડાભાવથી મુક્ત હતા તેમ નારાજગીથી પણ વિમુક્ત હતા . દેવાર્ય શાલા માટે નારાજ થયા જ નહોતા . દેવાર્ય યથાવત્ પ્રસન્ન અને મૌન રહ્યા . દેવાર્યની પ્રસન્નતા અને મૌન મગ્નતા સામે શાલા હારી . વૈર ભાવનાનું વિસર્જન કરી એણે વિદાય લીધી .
૩ .
દેવાર્ય લોહાગલ પધાર્યા . આ ઈલાકાનો રાજા જિતશત્રુ હતો . તેને અન્ય એક રાજા સાથે મોટો વિરોધ ઊભો થયો હતો . દેવાર્યને અને ગોશાળાને જોઈને જિતશત્રુના સૈનિકોને લાગ્યું કે આ લોકો દુશ્મન રાજા તરફથી ગુપ્તચર બનીને આપણા ગામમાં ઘુસી આવ્યા છે . બેયને ગુનેગારની જેમ પકડી લેવામાં આવ્યા . દેવાર્યને એમના તથાકથિત ગુનાની સજા શું આપવી તેનો વિચાર હજી રાજા કરવાનો જ હતો કે રાજાના દરબારમાં ઉત્પલ નામનો જોશી આવ્યો , તેણે દેવાર્યને ઓળખી લીધા . એ દેવાર્યના પગમાં પડ્યો . તેણે દેવાર્યની સ્તવના કરી . રાજા જોતો રહી ગયો . સૈનિકો જેને ગુનેગાર તરીકે દરબારમાં લઈ આવ્યા હતા તેને આ નૈમિત્તિક વિદ્ધાન્ આટલું બધું માન સન્માન કેમ આપતો હતો ? એને પ્રશ્ન થયો . જવાબ ઉત્પલ પાસેથી મળ્યો . ઉત્પલેે રાજાને દેવાર્યની સાચી ઓળખ આપી . હવે રાજા સંકોચમાં આવી ગયો . એને સમજાયું કે મારા હાથે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે . તે દેવાર્યનાં ચરણોમાં માથું ઝૂકાવી માફી માંગવા લાગ્યો . તપસ્વી સાધકો નારાજ થઈને શાપ આપી દે એનાથી રાજા અને રાજ્ય બરબાદ થઈ જાય તેવા કિસ્સાઓ રાજાએ સાંભળ્યા હતા , જોયા હતા . તેને ડર લાગ્યો કે મારી સાથે આવું થવાનું છે કે શું ?
અલબત્ત , દેવાર્ય નારાજ નહોતા થયા . તેઓ મૌન રહ્યા . રાજાએ દેવાર્યને અને ગોશાળાને માનભેર છોડી દીધા અને આદરપૂર્વક વિદાય આપી . દેવાર્ય હવે પ્રયાગ પધાર્યા . (ક્રમશઃ)
પ્રકરણ ૨૧ . સુખદ શેષકાળ અને સાતમું ચોમાસું
છઠ્ઠા ચોમાસા પૂર્વે ગોશાળો દેવાર્ય પાસે આવી પહોંચ્યો હતો . એણે દેવાર્યના પગમાં પડીને કેટલીયવાર માફી માંગી . દેવાર્યે નારાજગી રાખી નહોતી . દેવાર્યે હરખ જતાવ્યો નહોતો . દેવાર્ય એમનાં ધ્યાનમાં નિમગ્ન હતા . હા , ગોશાળાના આવવાથી એના છબરડાઓ દેવાર્ય માટે ઉપદ્રવ બની જવાના હતા . ચોમાસા બાદ દેવાર્યે વિહાર કરી લીધો . પારણું કોણે કરાવ્યું તે જાહેર થયું નહીં . પારણું થયું નગરની બહાર .
દેવાર્ય વિહાર કરીને મગધ રાજ્યમાં પધાર્યા . તે સમયે સાડાપચીસ રાજ્યો , આર્યદેશ તરીકે પ્રચલિત હતા . એક એક રાજ્ય એટલું મોટું રહેતું કે તમે એને સામ્રાજ્ય કહી શકો . અમુક રાજ્ય નાના રહેતા પણ એની સમૃદ્ધિ ઘણી મોટી ગણાતી . દરેક રાજ્યની એક રાજધાની રહેતી .
દેવાર્ય મગધ દેશ પધાર્યા . મગધની રાજધાની રાજગૃહી . બીજા દેશ પણ હતા . ૨ . અંગ દેશ . રાજધાની ચંપા . ૩ . વંગ દેશ . રાજધાની તામ્રલિપ્તિ . ૪ . કલિંગ દેશ . રાજધાની કાંચનપુર . ૫ . કાશી દેશ . રાજધાની વારાણસી . ૬ . કોશલ દેશ . રાજધાની સાકેત . ૭ . કુરુ દેશ . રાજધાની ગજપુર ( હસ્તિનાપુર ) ૮ . કુશાર્ત દેશ . રાજધાની શૌરિપુર . ૯. પાંચાલ દેશ . રાજધાની કાંપિલ્યપુર . ૧૦ . જાંગલ દેશ . રાજધાની અહિચ્છત્રા . ૧૧ . સૌરાષ્ટ્ર દેશ . રાજધાની દ્વારવતી . ૧૨ . વિદેહ દેશ . રાજધાની મિથિલા . ૧૩ . વત્સ દેશ . રાજધાની કૌશાંબી . ૧૪ . શાંડિલ્ય દેશ . રાજધાની નંદિપુર . ૧૫ . મલય દેશ . રાજધાની ભદ્દીલપુર . ૧૬ . મત્સ્ય દેશ . રાજધાની વૈરાટ . ૧૭ . અત્સ્ય ( અચ્છ ) દેશ . રાજધાની વરુણા નગરી . ૧૮ . દયાર્ણ દેશ . રાજધાની મૃત્તિકાવતી . ૧૯ . યેદી દેશ . રાજધાની શુક્તિમતી . ૨૦ . સિંધુ સૌવીર દેશ . રાજધાની વીતભય નગર . ૨૧ . શૂરસેન દેશ . રાજધાની મથુરા . ૨૨ . ભંગી દેશ . રાજધાની પાવા . ૨૩ . વર્ત દેશ . રાજધાની માસપુરી . ૨૪ . કુણાલ દેશ . રાજધાની શ્રાવસ્તી . ૨૫ . લાઢ દેશ . રાજધાની કોટિવર્ષ . ૨૬ . કૈકય દેશનો અર્ધો ભાગ . રાજધાની શ્વેતવિકા . આ રીતે સાડા પચ્ચીસ રાજ્યો હતા . જેનો સમૂહ આર્યાવર્ત તરીકે ઓળખાતો .
દેવાર્ય મગધ રાજ્યમાં એટલે કે મગધ દેશમાં વિહર્યા . આઠ મહિના અભીષ્ટ રહ્યા . કોઈ કષ્ટ ન આવ્યું . કોઈ ઉપદ્રવ નહીં . દેવાર્ય ઉપસર્ગના અભાવમાં વધારે પ્રસન્ન રહેતા તેવું નહોતું . દેવાર્ય કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન એટલે પ્રસન્ન જ રહેતા . દેવાર્ય દ્રવ્ય , ક્ષેત્ર , કાળ અને ભાવથી પ્રતિબંધમુક્ત હતા . દેવાર્યને સચિત્ત , અચિત્ત કે મિશ્ર દ્રવ્ય પર પ્રતિબંધ એટલે અનુરાગ થતો ન હોતો . દેવાર્યને ગામ , નગર , ખેતર , કોઠાર , મકાન , મંદિર જેવા સ્થાનો પર મમતાભાવ થતો નહોતો . દેવાર્યને ક્ષણ , ઘડી , મુહૂર્ત , પ્રહર , દિન , રાત , સપ્તાહ , માસ , સંવત્સર , યુગ જેવા સમયના કોઈ પણ અંશ પર મમતાભાવ નહોતો . દેવાર્યને ક્રોધ , માન , માયા , લોભ , ભય , હાસ્ય , પ્રેમ , દ્વેષ , કલેશ , અભ્યાખ્યાન , પૈશુન્ય , નિંદા , રતિ – અરતિ , માયા મૃષાવાદ અને મિથ્યાત્વ જેવા અંતરંગ તત્ત્વો પર પણ મમતાભાવ નહોતો .
દેવાર્ય ઈર્યાસમિતિમાં અસાધારણ જાગૃતિ રાખતા . જ્યારે પણ ચાલવાનું થાય , દેવાર્યની નજર જમીન પર જ રહેતી . પગનીચે નાનોમોટો જીવ આવી ન જાય તેની સાવધાની રાખતા દેવાર્ય . રસ્તાની બેય તરફ બેસેલા પશુ – પક્ષી કે મનુષ્યને મારા પસાર થવાને લીધે સંતાપ ન થવો જોઈએ એનો ઉપયોગ રહેતો . દેવાર્યની ભાષા સમિતિ પ્રાંજલ હતી . દેવાર્ય ભાગ્યે જ બોલતા . મોટા ભાગે મૌન રહેતું . દેવાર્ય બોલે તેમાં સૌમ્યતા , સ્પષ્ટતા અને સાત્ત્વિકતાનો સંગમ રહેતો . દેવાર્યનું વચન એળે જતું નહીં . દેવાર્ય એવું કશું બોલતા જ નહીં જે વ્યર્થ હોય , વિરાધના પ્રેરક હોય . દેવાર્યની એષણા સમિતિ અલૌકિક હતી . દેવાર્ય દોષિત આહાર જલ લેતા નહીં . દેવાર્યને આહાર મળે અને જલ ના મળે એવી પરિસ્થિતિ પણ આવતી . આહાર નિર્દોષ હોય , જલ નિર્દોષ ન પણ હોય . આવા સમયે દેવાર્ય પાણી વિના પણ ચલાવી લેતા . દેવાર્ય તીર્થંકર હતા . એમની આચાર – સંહિતા સામાન્ય સાધુસામાચારીથી અલગ રહેતી . કઠણ અને દુર્ગમ . દેવાર્યની નિક્ષેપણા સમિતિ અસામાન્ય હતી . દેવાર્ય ઉપકરણોથી અને વસ્ત્રોથી મુક્ત હતા . લેવાનું કે મૂકવાનું કામ તેને પડે જેની પાસે કાંઈ હોય , દેવાર્ય પાસે પોતાની કાયા સિવાય અન્ય કોઈ સાધન હતું નહીં . દેવાર્ય સ્વકાયા બાબતે સચેત હતા . કાયા જ્યાં હોય અને જ્યાં જાય ત્યાં કાયા થકી વિરાધના ન જ થવી જોઈએ . દેવાર્યને ઘણા ઉપસર્ગ થયા . દેવાર્યે કાયાને વિરાધના સાથે જોડી જ નહીં .
દેવાર્યની પારિષ્ઠાપાનિકા સમિતિ અકલ્પનીય રહેતી . દેવાર્ય આહાર જલ લેતા . દેવાર્યે સ્વમુખે અન્ન ખાધું કે પેય પીધું તે કોઈને દેખાતું નહીં . દેવાર્યની હથેળીમાં અન્ન અથવા જલ હતું તે ખાલી થઈ ગયું છે તે સમજાતું ખરું . પણ દેવાર્ય કોળિયો ચાવે છે કે ઘૂંટડો ગળે છે તે દૃશ્ય જોવા મળતું નહીં . આ દેવાર્યનો અતિશય હતો . આ જ પ્રમાણે દેવાર્યની ઉત્સર્ગ ક્રિયા પણ કોઈને દેખાતી નહીં . દેવાર્ય પોતાના દૈહિક મળ થકી કોઈ પણ પ્રકારની વિરાધના થવા દેતા નહીં .
દેવાર્યની મન ગુપ્તિ અલૌકિક હતી . દેવાર્યનું મન આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર જ રહેતું . દેવાર્યની વિચારણાઓ અને ભાવનાઓ પર શુભ અને શુદ્ધ તત્ત્વોનું આધિપત્ય બનેલું રહેતું . દેવાર્યની વચન ગુપ્તિ પ્રશસ્ત હતી . અન્યને દુઃખ થાય , અન્યની વાસના જાગૃત થાય , અન્યને વિરાધનાની પ્રેરણા મળે તેવો એક પણ શબ્દ દેવાર્ય બોલતા નહીં . દેવાર્યનું વચનબળ અહિંસામય હતું . દેવાર્યની કાય ગુપ્તિ અનુમોદનીય હતી . નિજકાયાને પ્રમાદ સાથે , આનંદ પ્રમોદ સાથે કે પાપ પ્રવૃત્તિ સાથે દેવાર્ય ક્યારેય જોડતા નહીં .
દેવાર્ય તપ કરતા . દેવાર્ય કાઉસગ્ગ કરતા . દેવાર્ય વિહાર કરતા . દેવાર્યે કાયાને આ પ્રવૃતિઓ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ આપી જ નહોતી . દેવાર્યને જેમણે જોયા હોય તેમને દેવાર્યમાં ठाणेणं , मोणेणं , झाणेणं દ્વારા થનારો વિરામભાવ દેખાતો . સ્થિરતા , મૌન , ધ્યાન દેવાર્યના ત્રણ પર્યાય બની ચૂક્યા હતા .
મગધ દેશનો વિહાર નિરુપસર્ગ રહ્યો . કોઈ દુઃખ આપે તે પરિસ્થિતિ પીડાકારી છે . દુઃખ આવ્યું હોય ત્યારે કોઈ દુઃખથી બચાવનારું ન મળે તે પરિસ્થિતિ વધારે પીડાકારી છે . દુઃખ આવે તે વખતે આપણે સ્વયં દુઃખને મિટાવી દેવાનો પુરુષાર્થ ન કરી શકીએ તે ઘણું જ પીડાકારી બને છે . દેવાર્યને દુઃખ આવતાં , મહદંશે દુઃખથી કોઈ બચાવતું નહીં અને સ્વયં દેવાર્ય પણ દુઃખને મિટાવી દેવાનો કોઈ જ પુરુષાર્થ કરતા નહીં . કેમકે દેવાર્ય માટે દુઃખ પીડાકારી હતું જ નહીં . દેવાર્ય દુનિયાદારીથી તદ્દન ઊલ્ટી દિશામાં ચાલતા . દુઃખ આવે તો ભલે આવે અને જાય નહીં ભલે ન જાય તો એનાથી દેવાર્યને કશો ફરક પડતો નહીં . દેવાર્ય દુઃખને સુખની જેમ સાચવતા હતા જાણે . બીજી તરફ દેવાર્ય સુખથી દૂર રહેતા , સુખ વિના પણ પ્રસન્ન રહેતા . સુખનું ન હોવું એ દેવાર્ય માટે સાધારણ બાબત હતી . દુઃખનું ન હોવું તે પણ દેવાર્ય માટે સામાન્ય બીના હતી . હમણાં હમણાં કોઈ દુઃખ આવ્યા નથી એમ વિચારી દેવાર્ય રાહત કે આરામ અનુભવતા નહીં . કમાલ હતી . દેવાર્ય સુખમાં અને દુઃખમાં એકસમાન રીતે રાજી રહેતા . એ જ રીતે દેવાર્ય સુખના અભાવમાં અને દુઃખના અભાવમાં એક સમાન રીતે પ્રસન્નતા ધારણ કરી રાખતા . દેવાર્ય સુખ દુઃખની દુનિયાથી પર હતા . દેવાર્ય પરમ આનંદમાં વિલસતાં હતા , સત્ ચિદ્ આનંદમાં .
દેવાર્યે સાતમું ચોમાસું આલભીકા નગરીમાં કર્યું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . આ ગજબ હતું . દેવાર્યે ચોમાસાને અનશનની અને અજલની મૌસમ બનાવી દેતા . અડધો અષાઢ , શ્રાવણ , ભાદરવો અને આસો સંપૂર્ણ . અડધો કારતક . આ પાંચ મહિનાને આવરીને દેવાર્ય ચોમાસી તપ કરતા . અષાઢમાં પ્રારંભ થતો . કારતકમાં સમાપન થતું .
દેવાર્યે છેલ્લા ચાર ચોમાસાથી આ જ નિયમ રાખ્યો હતો . ચોમાસું શરૂ થાય એટલે ચોમાસી તપ કરે જ . સાથોસાથ દેવાર્ય વિવિધ આસનમુદ્રા સ્વીકારતા . દેહને કષ્ટ આપવા માટે , દેહ થકી જ કામ કઢાવવાનો આશય હોય કે બીજો કોઈ ભાવ હોય . ચોથા ચોમાસામાં દેવાર્યે અલગ અલગ સમય ખંડ વિતાવ્યા હતા . સાતમા ચોમાસામાં દેવાર્યે ચોમાસી તપની સાથે વિધવિધ નિયમો પણ લીધા હતા .
દેવાર્ય એક દિવસ પાસેથી દસ દિવસનું કામ લેતા . દેવાર્ય એક મહિના પાસેથી દસ મહિનાનું કામ લેતા . દેવાર્ય એક ચોમાસા પાસેથી દસ ચોમાસા જેટલું કામ લેતા . સામાન્ય માણસનો કાઉસગ્ગ બે – ત્રણ ઘડીનો હોય . દેવાર્યનો કાઉસગ્ગ આઠ – આઠ પ્રહરનો રહેતો . સામાન્ય માણસ મહિને ગણત્રીના ઉપવાસ કરે , તો કરે . દેવાર્ય દર મહિને પંદરથી વધુ ઉપવાસ કરી જ લેતા . સામાન્ય માણસ ચોમાસામાં એકાદ મોટો તપ શરૂ કરી , ચોમાસામાં જ પારણું કરી લે . દેવાર્ય ચારેય માસનો મહાઉપવાસ કરતા . સામાન્ય માણસ પ્રતિમા અને અભિગ્રહની થોડીક પ્રગતિ કરી શકે . દેવાર્યનાં ચોમાસી તપ સાથે ક્યારેક પ્રતિમાઓ જોડાતી , ક્યારેક નિયમો જોડાતા . એ પ્રતિમાઓ કેવી , એ નિયમો કેવા તે દેવાર્ય જાણતા અને આચરતા . સામાન્ય માણસને એટલું જ દેખાતું કે દેવાર્ય લાંબા સમયથી કાઉસગ્ગમાં છે . ( ક્રમશઃ )
खाली है मेरी झोली उस को तूं कृपा से भर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
मेरे सारे दुःख हर दे मेरे सारे पाप हर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
मेरी गलतिया बहोत है मुझ में सुधार कर दे
मेरे दोष को मिटाकर मुझे निर्विकार कर दे
कब मुझ को तूं मिलेगा उस की मुझे खबर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
तेरे नाम में है शक्ति तेरे स्तवन मैं गाऊं
तेरी भक्ति करते करते में मस्ती में खो जाऊं
देवर्धि तेरी देखूं तूं ऐसा एक वर दे
मेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर दे
आज से मैं श्री उवसग्गहरं दादा की छत्रछाया में हूँ : चातुर्मास प्रवेश का प्रवचन
भारतीय संस्कृति में अजामिल की कथा प्रसिद्ध है . अजामिल विचित्र आदमी था . गुस्सैल . कंजूस . स्वार्थी . शिकारी . हिंसक . आचार भ्रष्ट . धर्मवंचित . उसने एक वेश्या से शादी कर ली थी और उन्हें नौ संतान हुएं थें . मतलब कि अपने गांव में वह हर तरह से बदनाम था . ऐसे आदमी की कथा में सुनने लायक क्यां होगा वह प्रश्न है . पर कथा में प्रभु के नाम की महिमा है .
हुआ यूं कि उसके गांव में एकबार ब्राह्मणों का संघ आया . कुछ पचीस से तीस भूदेव थें . एक मजाकिया आदमी ने उन सभी को कहा कि आप अजामिल के घर चले जाओ . अब भूदेव समूह अजामिल के घर पहुंचा . अजामिल बहार गया था . उसकी पत्नी अचानक आए हुए ब्राह्मणों को देखकर चौंक गई . कहने लगी : आप वापिस चले जाओ , आप अजामिल को जानते नहीं हो . वह आपको अपमानित कर देगा , प्रताड़ित करेगा .
ब्राह्मणों ने कहा कि हम खाली हाथ वापिस नहीं जाएंगे . महिला ने उन्हें कच्चा धान देकर रवाना कर दिया . ब्राह्मणों ने उस धान से खाना बनाया , खाया और महसूस किया कि यह धान अजामिल के घर से आया है , लगता है कि अजामिल का जीव ऊंचा है .
वो लोग वापिस , अजामिल के घर आएं . अजामिल घर में नहीं था . उसकी महिला को ब्राह्मणों ने बताया कि अजामिल अच्छा आदमी है , उसे गलत संगत की आदत है . हमारी सूचना है कि आप अपनी दसवी संतान का नाम रखना : नारायण .
ब्राह्मण चले गएं . दसवी संतान का नाम रखा गया : नारायण . दिन बितें , बरसों बितें . अजामिल वृद्ध हुआ . नारायण के बाद आगे कोई संतान नहीं हुई . सबसे छोटा नारायण सबसे ज्यादा प्रिय बन गया . एकदा रात को अजामिल ने सपना देखा कि यमदूत अजामिल को लेने आएं थें . वह डर के जाग गया . यमदूत सहीं में आये थें . अजामिल ने डर के मारे – नारायण नारायण की चीख़-पुकार लगाई .
हिंदू परंपरा की कथा है . जैसे ही अजामिल ने डर के मारे – नारायण नारायण की चीख़ लगाई वैसे ही , विष्णु भगवान् प्रगट होकर यमदूतों को रोकने लगें . यमदूत रूकें नहीं तो विष्णु ने यमदूतों की भारी पिटाई की . यमदूत वापिस लौटकर यमराज के पास पहुंचें . यमराज ने आश्चर्य चकित होकर विष्णु को पूछा कि क्यों यमदूतों को रोका ?
विष्णु ने कहा : मैं भगवान् हूं , यह भक्त मेरा नाम ले रहा था . और यमराजजी याद रखना – जो मेरा नाम लेता है उसे मैं मरने नहीं देता हूं . इन्सान चाहे कितना भी बुरा हो , जो सब भूलकर भगवान् का नाम लेता है उसे मैं बचा ही लेता हूं .
कथा वास्तविक हो या काल्पनिक , कथा एक संदेश देती है , एक विचार देती है . जो सबकुछ भूलकर भगवान् के स्मरण में रहता है उसकी रक्षा भगवान् करते हैं . श्री उवसग्गहरं पार्श्वनाथ दादा ने एक साल पूर्व कुछ ऐसा ही प्रभाव दिखाया था .
अहमदाबाद के एक एडवोकेट है , नाम नहीं बताऊंगा . उन के पिताजी कोराना में इस तरह फंसे थें कि बचना असंभव था . एक समय ऐसा आया कि डो. ने परिवार को बोल दिया : अब दो घंटे का समय बचा है . जिसे बुलाना है , बुला लो . वह एडवोकेट अपने पिताजी का मुख देखने के लिये , ड्रेस लगाकर केबिन में गयें . पिताजी स्थिर सोएं थें . उन्होंने अपना हाथ पिताजी के कांधे पर रखा , आंखें बंद की और नझर के सामने उवसग्गहरं दादा की देदीप्यमान प्रतिमा लानेकी कोशिश की . विज्युलाईझेशन से उवसग्गहरं दादा को देखते हुए ऊन्हों ने एक से अधिक बार उवसग्गहरं का पाठ किया . प्रभु को प्रार्थना की और केबिन से बाहर आ गयें . दो घंटें के बाद कोरोना ग्रस्त पिताजी को खून की वोमिट हुई , डो . को लगा कि कॅस खतम हो गया , लेकिन वो पिताजी जीवित थें . इतना ही नहीं – पिताजी रिकवर होने लगें थें . कमाल यह है कि दस दिन में एडवोकेट के वह पिताजी स्वस्थ होकर अपने घर वापिस लौट गयें . डॉक्टर ने कहा चमत्कार हो गया . एडवोकेट ने कहा , यह चमत्कार मेरे उवसग्गहरं दादा ने किया है .
जीहां , श्री उवसग्गहरं दादा कलिकाल का महान् चमत्कार है. अजामिल की कथा में जो हुआ वह पौराणिक प्रसंग है जबकि यह घटना आज के समय की है . विश्वास रखना , भगवान् आप की नैया को डूबने से बचाते हैं और समंदर पार पहुंचाते हैं . भगवान् का दर्शन हो , पूूजन हो , अनुष्ठान हो , स्तवन हो या केवल स्मरण हो , भगवान् के साथ आप किसी भी प्रकार जुुुुुुुड़ते हो , आप धन्य हो जाते हो .
मेरे लिये बडे अहोभाव और आनंद की बात है कि आज से मैं श्री उवसग्गहरं दादा की छत्रछाया में हूं . चातुर्मास में व्याख्यान होंगें , कार्यक्रम होंगें , लोग आएंगें पर मेरा ध्यान वहां पर नहीं है . मेरा हृदय बस , इसी बात से प्रसन्न है कि आज से मैं दादा की गोद में रहनेवाला हूं . धन घडी . धन भाग .
( आषाढ सुदी नोम , वि. सं . २०७७ , १८.७.२०२१ के दिन का प्रवचन )
૧ . બિભેલક યક્ષ
વિહાર કરી ગ્રામક , ગામે પહોંચ્યા . સીમા પર હતું . બિભેલક ઉદ્યાન , ત્યાં હતું બિભેલક યક્ષનું મંદિર . દેવાર્ય ત્યાં ધ્યાનસ્થ બન્યા . મંદિરમાં ગભારામાં જે યક્ષ હતો તેને દેવાર્યનું આગમન ગમ્યું . તેણે રાજી થઈ દેવાર્ય સમક્ષ વિવિધરંગી ફૂલો વરસાવ્યા , સુગંધી દ્રવ્યોનાં વિલેપન ધર્યાં . આ રીતે તેણે દેવાર્યની પૂજા કરી . અત્યાર સુધી દેવાર્ય જ્યાં જતા ત્યાં ઉપસર્ગ થતા . આ પહેલો વખત હશે કે દેવાર્યની સ્થિરતા થઈ ત્યાં દેવાર્યનું ઉષ્માભેર સ્વાગત થયું , વર્ધાપન થયું . ઘણા સમય પહેલાં પ્રદેશી રાજાએ સ્વાગત સન્માન કરેલું ખરું પણ તેની પર એટલા બધા પ્રસંગો બની ગયા હતા કે જાણે એ દૂરની ઘટના થઈ ગઈ હતી . તાજેતરમાં આવીને ગયેલા દેવરાજની મનઃકામના બિભેલક યક્ષે પૂરી કરી હતી જાણે . દેવાર્યનું સ્વાગત થવું જોઈએ , થયું . દેવાર્યનું સન્માન થવું જોઈએ , થયું . દેવાર્યને ઉપસર્ગ ન થવો જોઈએ , ન જ થયો .
૨ . કટપૂતના વ્યંતરી
શાલીશીર્ષ ગામે પધાર્યા . સીમ પર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધાર્યો . મહા મહિનાની ઠંડી હતી . સવાર સાંજનો તડકો કૂણો . બાકીના દિવસનો તડકો મનગમતો . રાત ભારે પડે . ઘરમાં ખાટલા પર સૂનારાઓ જાડી ગાદી બિછાવતા અને તગડા ધાબળાઓ ઓઢતા તેમ છતાં ઠંડી લાગતી . દેવાર્ય સાવ ખુલ્લી કાયા સાથે ઉદ્યાનમાં ઊભા રહ્યા . સૂરજ ડૂબ્યો ત્યારથી જ કડાકાની ઠંડી શરૂ થઈ ગઈ . લોકો ઘરમાં બેઠા ધ્રુજતા હતા અને દેવાર્ય ખુલ્લા આસમાન તળે , વૃક્ષની છાયામાં છાતી પહોળી કરીને ઊભા હતા . આસપાસની ખુલ્લી જગ્યા ઠંડીને પૂરતો અવકાશ આપતી હતી . હવા ચાલતી તેના ચાબખા ગાલે અને આખા શરીરે વાગતા . જોકે , દેવાર્ય ઊનાળામાં જે રીતે કાઉસગ્ગમાં રહેતા તેવી સહજ મુદ્રામાં જ ધ્યાનસ્થ રહ્યા .
ઠંડીની મૌસમમાં જે ગરીબ પાસે પૈસા કે કપડાં હોય નહીં તે છાતી પર બે હાથે અદબ વાળી પોતાની જ હૂંફ પોતાને આપે છે . ક્યારેક જમણા હાથનો પંજો ડાબા ખભે રાખી , ડાબા હાથનો પંજો જમણા ખભે મૂકી , છાતી પર હાથની આંટી વાળીને તે પોતાની હૂંફ બનાવે છે . દેવાર્ય અદબ વાળીને કે ભુજા વીંટાળીને ઠંડીથી બચવાની પ્રવૃત્તિ કરતા નહીં . દેવાર્ય બે હાથ લાંબા પસારીને અડીખમ ઊભા રહેતા . ( સંદર્ભ : આચારાંગ સૂત્ર )
ઠંડી બરફ જેવી કાતિલ હતી . દેવાર્ય અગ્નિતપ્ત લોહદંડની જેમ અકંપ હતા . રાતનો પ્રથમ પહોર હજી પૂરો જામ્યો નહોતો ત્યાં દેવાર્ય પર ઠંડા પાણીનો છંટકાવ થયો . પાણીનું એક ટીપું પણ શરીરને અડે એ સહન થાય નહીં એવી ઉગ્ર ઠંડી હતી . દેવાર્યનાં આખા શરીરે પાણી છંટાયું હતું . હજી એ પાણી શરીર પરથી સરકી જાય એટલામાં પાણીની બીજી છોળ દેવાર્ય પર પડી . પાણી બરફ કરતાંય વધારે ઠંડુ હતું . હવે દેવાર્યની સુવર્ણકાયા પરથી પાણી ટપકવા લાગ્યું . ત્રીજી વાર પાણી ઢોળાયું દેવાર્ય પર . શિયાળાને લીધે શરીર ઠરતું હોય છે . શરીર કોરું હોય તે વખતે પણ કડકડતી ઠંડી તલવારની જેમ ચૂભતી હોય છે . શરીર ભીનું થાય તે પછી એ જ ઠંડી દસગુણી વાગે છે . દેવાર્યની કાયાને કોઈ ભીંજવી રહ્યું હતું , જાણી જોઈને . એ પરાક્રમીને બરોબર યાદ હતું કે દેવાર્યને ભીંજવશું એનાથી દેવાર્યની ઘણી વધારે ઠંડી લાગવા માંડશે . એની એ ગણત્રી સાચી પડી રહી હતી . દેવાર્યની કાયા પર પાણી છંટાતું રહ્યું . ભીનાશનાં આવરણ પર ઠંડીનો લેપ ચડતો ગયો . દેવાર્યની કાયામાં વહેતું લોહી થીજીને ઘટૃહિમ બની જાય , એ લોહી વહેતું અટકી જાય એવો આ દાવ હતો . દેવાર્ય પર આખી રાત પાણી ઢોળાતું રહ્યું . શિયાળુ હવાનો વીંઝણો દેવાર્યની કાયા પર ચાબૂકની જેમ અફળાતો રહ્યો .
શાલીશીર્ષ ગામના એકેય છાપરા ઉપર વરસાદ પડી રહ્યો નહોતો . ઉદ્યાનના કોઈ જ વૃક્ષ પર બારિશ નહોતી . પાણી એકલા દેવાર્ય પર ઝીંકાઈ રહ્યું હતું . પાણીમાં પલાળેલાં કપડાને નીચોવ્યા વિના ઝાપટવાથી જે રીતે પાણી ઉડે તે રીતે પાણી , દેવાર્ય પર પડી રહ્યું હતું . સાવ ઠરી જાય દેવાર્ય , એવું જલઆક્રમણ ચાલુ હતું . આજે દેવાર્યની સહનશીલતાની કસોટી થઈ રહી હતી . સામાન્ય માણસ ઠૂંઠવાઈને બેહોશ થઈ જાય અને મરી જાય એવી ઠંડીમાં દેવાર્ય પહાડની જેમ અડોલ ઊભા હતા .
ચાર કઠિનાઈ . એક , મહામાસની કડકડતી ઠંડી . બે , ઉદ્યાનનો ખુલ્લો વિસ્તાર . ત્રણ , રાતભર પાણીનો છંટકાવ . ચાર , સતત વહેતી રહી આંધી જેવી હવા . શરીર ઠરીને ઠીકરું થઈ જાય અને શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય તેવી પ્રાણઘાતક પરિસ્થિતિમાં દેવાર્યનું મન પ્રસન્ન જ રહ્યું . શરીરને પીડા થઈ રહી છે તે સમજાતું , સંવેદાતું હતું પણ એ પીડા મન પર હાવી થઈ શકી નહોતી . દુઃખનો અહેસાસ શરીરની ભૂમિકાએ તીવ્ર , તીવ્રતર થતો ગયો તેમ મન વધુ ને વધુ અંતર્નિર્મગ્ન બનતું ગયું . આજ સુધી ઘણાં કષ્ટ આવ્યાં . પણ આવું કષ્ટ પ્રથમ વાર આવ્યું હતું . કષ્ટ થકી કર્મનિર્જરા પ્રચંડ થઈ કેમકે પ્રચંડ પીડામાં શુદ્ધ અધ્યવસાયો પણ ઉત્કૃષ્ટ બનતા ગયા . પરિણામે દેવાર્યને લોકાવધિ કક્ષાનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું . હવે દેવાર્ય , અવધિજ્ઞાન થકી ચૌદ રાજલોકના કોઈ પણ દેશ પ્રદેશને જોઈ શકતા હતા . દેવાર્યનું ધ્યાન આ જ્ઞાન તરફ નહોતું . એમનું ધ્યાન શુભ અને શુદ્ધ અધ્યવસાયો પર પૂર્ણતઃ સ્થિર હતું .
આવો ઉપસર્ગ કોઈ દેવ કે માણસ કરતો હશે તે સમજાતું હતું . એની પ્રત્યે દેવાર્યને દ્વેષ કે દુર્ભાવ થયો નહીં . દેવાર્ય શાંત રહ્યા , પ્રશાંત રહ્યા , ઉપશાંત રહ્યા . જાણે શરીર પર કોઈએ પાણી નાખ્યું જ નથી . આ દ્વેષાતીત , દુ:ખાતીત સંવેદના સામે કોઈક હાર્યું અને પ્રગટ થયું . દેવાર્યની સામે કોઈક રોતું હોય એવો અવાજ થયો . એ મહિલાનો અવાજ હતો . દેવાર્ય એને ઓળખતા હતા .
એ કટપૂતના હતી . વ્યંતર કક્ષાની દેવી . આખી રાત એણે જ દેવાર્ય પર પાણી વરસાવ્યું હતું . દેવાર્ય ડગી જશે એવું એણે માન્યું હતું . દેવાર્ય શુભધ્યાનમાં અડગ રહ્યા . એ હારી ગઈ . એ બોલી :
‘ પ્રભુ મને માફ કરો . મેં આપને ઘણો જ ત્રાસ આપ્યો . હું આપના માટે મનમાં વૈર રાખીને વિચારી રહી હતી . અહીં ઉદ્યાનમાં આપને જોયા . મને મારો પૂર્વભવ યાદ આવી ગયો . એ ભવ જેમાં આપ ત્રિપુષ્ટ વાસુદેવ હતા અને હું આપની એક રાણી હતી . મારું નામ સત્યવતી હતું . હું પૂર્ણ સમર્પિત હતી છતાંય સદંતર આપે મનેં કાયમ ઉપેક્ષિતા જ રાખી હતી . મનેં એ બાબતનો ઘણો રોષ હતો . એ રોષ લઈને જ હું મરી . કેટલાય જન્મો સુધી ભટકી . એક ભવમાં મેં તપ કર્યું અને આ જનમમાં હું વ્યંતરી થઈ . અહીં રહું છું . આપને જોયા ને જૂની વાતો યાદ આવી અને ગુસ્સો ચડી ગયો . મેં જટાધારી ઋષિણીનુ રૂપ લીધું . મારા લાંબા વાળથી આપની પર ઠંડું પાણી છાંટતી રહી હું . આ વલ્કલ વેષથી પણ મેં આપની પર પાણી ઝાપટ્યું . પણ મેં જોયું કે આપ પહેલાં જેવા રહ્યા નથી . આપ ખુદ દુઃખી થયા નહીં . આપે મને દુઃખ આપ્યું નહીં . આપે મને દુઃખ આપવાનો વિચાર પણ ના કર્યો . આપે મારી પર દ્વેષ કર્યો નહીં . આપ આટલા સ્થિર અને સહનશીલ હશો એની મને કલ્પના જ નહીં . આપ મહાન્ સાધક છો . આપની સાધનાને હું વંદન કરું છું . મને માફ કરી દેજો . ʼ
એ પગે પડીને રોઈ હશે , આંસુ વિનાનું દેવતાઈ રૂદન ગજબનાક પીડામય હોય છે . દેવાર્યે મૌન રહી તેને સાંત્વના આપી અને ક્ષમા પણ આપી .
દેવાર્ય આગળ વિહાર કરીને ભદ્રિકાપુરી પધાર્યા . ચોમાસું પણ અહીં જ થયું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . આ છઠ્ઠું ચોમાસું હતું . (ક્રમશઃ)
પ્રકરણ . ૨૦.૩
દેવાર્ય અને દેવરાજ વચ્ચેનો મીઠો મતભેદ
દેવાર્ય વિશાલાપુરી આવ્યા . લુહારશાળામાં સ્થિરતા . એના માલિકનું ઘર ઘણે દૂર હતું . એ છ મહિનાથી માંદો હતો . એની ભૂમિ પર દેવાર્યે પગ મૂક્યો અને એનું આરોગ્ય ઘેરબેઠા સુધરી ગયું . એને ખબર નહીં કે દેવાર્ય એની લુહારશાળાના સંચાલકની અનુમતિ લઈને રોકાયા છે . એને તબિયત સારી લાગી એટલે એ મોટો હથોડો ઊઠાવી ઘેરથી લુહારશાળા આવી પહોંચ્યો . એને નિરાવરણ દેવાર્ય દેખાયા . એણે માન્યું કે – આ અપશુકન થયા . હું છ મહિને ઘરથી બહાર નીકળ્યો છું અને પહેલાં જ દિવસની પહેલી જ ક્ષણે આ પાખંડીનું મોઢું જોવું પડ્યું . આને ફટકારવો જોઈએ . ‘
પોતાનો મોટો હથોડો બે હાથેથી ઊંચો કરી એ દેવાર્યના માથા પર ફટકો મારવાની અણી પર હતો તે જ વખતે દેવરાજની નજર , અવધિજ્ઞાન દ્વારા , દેવાર્ય પર પડી . એમણે લુહારશાળાના માલિકને રોકી પાડ્યો . થયું એવું કે જે હથોડો દેવાર્યને વાગવાનો હતો તે હથોડાને ઊઠાવનારનાં માથે જ પડ્યો . ભેંસનું શીંગડું ભેંસને જ ભારે પડ્યું .
દેવરાજ દેવાર્યની સમક્ષ આવ્યા . ત્રણ પ્રદક્ષિણા આપી . એ દુઃખી હતા , નારાજ હતા , પીડિત હતા . એમણે દેવાર્યને કહ્યું :
‘ પ્રભુ , આ શું છે ? આપને જોઈને લોકો ગુસ્સો શું કામ કરે છે ? આપ કલ્યાણની પરંપરાનું નિર્માણ કરો છો . આપ નેત્રાનંદકારી છો . આપની પર કોઈ ગુસ્સો કેવી રીતે કરી શકે ? આપ મનથી પવિત્ર છો , વાણીથી નિર્દોષ છો , કાયાથી નિષ્પાપ છો . આપને કોઈ શું કામ દુશ્મન ગણી લે છે ? આપ અમૃત છો અને અજ્ઞાની જનો આપને ઝેર માની લે છે , આવું શું કામ થાય છે , શું કામ ?
‘ મનેં પારાવાર અફસોસ એ વાતનો છે કે આપની ઉપર આપદા આવે છે એને રોકવાની અનુમતિ – આપે , મનેં નથી આપી . મારાં હૈયામાં ભક્તિ છે કે નથી તે મને સમજાતું જ નથી . મારામાં ભક્તિ હોય એનો અર્થ એ જ થાય કે હું સતત આપની સેવામાં રહું . મનેં આપ પોતાની સાથે રહેવાની અનુમતિ આપતા નથી . એનો અર્થ હું એમ સમજું છું કે મારામાં ભક્તિ જેવું કાંઈ છે જ નહીં . મનેં સમજાતું નથી કે મારી શું ભૂલ છે ? અને મારે શું કરવું જોઈએ ? ‘
દેવરાજ ગળગળા સાદે બોલતા રહ્યા . દેવાર્ય અપમાન અને આક્ષેપો ખમી લેતા હતા . એ અપમાન અને આક્ષેપ દેવરાજને ગમતા નહોતા . દેવાર્ય કષ્ટો સહી લેતા હતા . દેવરાજને કષ્ટો ગમી રહ્યા નહોતા . દેવરાજ ઉપસર્ગોને રોકવા માંગતા હતા અને દેવાર્ય તો દેવરાજને જ રોકી રહ્યા હતા . આ ગજબનો મતભેદ હતો . દેવરાજે અત્યાર સુધી આવેલા ઉપસર્ગોને યાદ કરી ખેદ અનુભવ્યો હતો . દેવાર્યની અપરંપાર સહન શક્તિની દેવરાજે લખલૂટ પ્રશંસા – સ્તવના કરી હતી . લગભગ પીડાર્ત હૈયે જ દેવરાજે વિદાય લીધી . દેવાર્યે દેવરાજને કોઈ સાંત્વના આપી નહીં . દેવાર્યને દુઃખ ટાળવા નહોતા . દેવાર્યે દુઃખને પોતાના ગણી લીધા હતા . જે જે લોકો દુઃખ આપતા તેમને દેવાર્ય દુશ્મન માનતા નહોતા . દેવરાજ લાચાર હતા . દેવરાજને દેવાર્યે માનસિક પીડા આપી એવું કહી ન શકાય . દેવાર્યની નિ:સ્પૃહતા અને સહનશીલતાને લઈને દેવરાજ પીડાતુર હતા અને પીડાતુર રહેતા હતા . (ક્રમશઃ)
ગોશાળાએ કર્યો દેવાર્યનો બહિષ્કાર
વિહાર કર્યો . રસ્તે બે મારગ આવ્યા. એક વૈશાલીનો . બીજો રાજગૃહીનો . દેવાર્ય પળભર ઊભા રહ્યા . કયો માર્ગ લેવો ? તેનો વિચાર કર્યો હશે . આ ક્ષણે અચાનક ગોશાળાનો આક્રોશ ફૂટી નીકળ્યો . એ લાંબા સમયથી દેવાર્યની સાથે હતો . એ જડ હતો . જિદ્દી હતો તે ખરું . પણ તેનામાં બુદ્ધિનો એકાદ છાંટો હતો જરૂર . એણે શું વિચાર્યું અને એણે શું યાદ રાખ્યું એ બધું એના સિવાય બીજા કોઈને સમજાવાનું નહોતું . ગજબ હતું કે દેવાર્ય માટે એને પાંચ ફરિયાદો સૂઝી આવી હતી . એણે દેવાર્યને કહેવા માંડ્યું :
‘ મારે હવે તમારી સાથે નથી રહેવું . ન ફાવે તમારી સાથે . તમારી સાથે કોણ રહે છે મારા સિવાય ? પણ તમને મારી પરવા જ નથી અને ચિંતા પણ નથી . તમે પોતાની ધૂનમાં રહો છો . સહવાસીનું ધ્યાન રાખવાનું તમને સમજાતું નથી અને આવડતુંય નથી . હું હવે મારો રસ્તો શોધી લઈશ .
તમે આ સામે દેખાય છે તે બે માર્ગમાંથી જે માર્ગ સ્વીકારશો એ તમારો માર્ગ હશે , જે માર્ગ તમે નહીં સ્વીકારો તે મારો માર્ગ હશે . મને તમારા માટે ઘણી ફરિયાદ છે . તમારે એ સાંભળવી પડશે . ‘
‘ એક , મને જ્યારે માર પડે છે ત્યારે તમે મારો બચાવ કરતા નથી . હું તમારી સાથે રહું છું . તમારી સેવા કરું છું . તમારી ફરજ નથી ? મારું ધ્યાન રાખવાની ? પણ ના . તમને મારી કોઈ પડી નથી . તમે ફક્ત તમારાં ધ્યાનમાં ને ધ્યાનમાં રહો છો . લોકો મને ધોબીનાં કપડાંની જેમ ધોઈ નાંખે છે . તમે એમને રોકતા નથી . તમે એમનો પ્રતિકાર પણ કરતા નથી . ‘
‘ બે , તમને પણ તકલીફો આપે છે લોકો . મેં જોયું છે કે મનેં તકલીફ આપનારા લોકો તમને તકલીફ નથી આપતા પણ તમને તકલીફ આપનારા લોકો મનેં જરૂર તકલીફ આપે છે . મતલબ , મારું દુઃખ મારે વેઠવાનું જ છે , છોગામાં તમારું દુઃખ પણ મારે વેઠવું પડે છે .
‘ ત્રણ , તમારાં કષ્ટોમાં હું સાથે રહું એનો વાંધો નથી . પણ મેં જોયું છે કે દર વખતે , પહેલાં મારી પીટાઈ થાય છે , તે પછી જ તમને હેરાન કરે છે લોકો . દરેક વખતે પહેલો માર મારે જ ખાવાનો ? આ કેવું ? ‘
‘ ચાર , તમને પોતાના ખાવાપીવાની પરવા નથી . પણ મનેં ભૂખતરસ લાગે છે એનું શું ? હું તમારી સાથે રહું છું પણ મારી ખાવાપીવાની કોઈ પણ વ્યવસ્થા તમે કરો છો ખરા ? તમારી સાથે રહેનારો ભૂખ્યો તરસ્યો જ રહે . તમારી આ જ ખાસિયત છે . હું ભૂખ્યો રહી રહીને કંટાળી ગયો છું હવે ? દિવસમાં એકવાર સરખું ખાવાનું પણ ન મળે ? આ કેવો સંગાથ છે તમારો ? નથી રહેવું તમારી સાથે . ‘
‘ પાંચ , તમે સાધનાની ભૂમિકાએ ખૂબ ઊંચે પહોંચી ગયા છો . પર્વત પર ચડનારે તળેટીને ભૂલવી ન જોઈએ . તમને સુખદુઃખ એક સમાન લાગે છે . તમને મિત્રશત્રુ એક સમાન લાગે છે . તમને મારા માટે મમતા જેવું કાંઈ નથી . હું તમારો શિષ્ય છું , સેવક છું , એમ માનીને તમે મને વાત્સલ્ય આપતા નથી . તમે વીતરાગી અવસ્થામાં લીન રહો છો . હું સાધારણ માણસ છું . મને પ્રેમની ભૂખ છે . તમે પ્રેમ આપી શકતા નથી . મારો એકતરફી પ્રેમ તમને સમજાતો જ નથી . ‘
‘ હવે બહુ થયું . તમે હવે , રહેજો એકલા . આજ સુધી મેં તમારી જે સેવાચાકરી કરી તે યાદ કરજો . હું જાઉં છું . હવે હું પાછો આવવાનો નથી . સમજી લેજો ‘
ગોશાળો વિચિત્ર હતો એ સાચું હતું . આજની વાતો પરથી સમજાતું હતું કે દુનિયામાં ગોશાળા જેવું વિચિત્ર પ્રાણી બીજું કોઈ હશે જ નહીં . એને દેવાર્ય માટે ફરિયાદ હતી , પાંચ પાંચ ફરિયાદ . હદ છેને.
ગોશાળો આટલું બધું બોલી ગયો તે દેવાર્યે સાંભળી લીધું . ગોશાળો દેવાર્યના મુકાબલે શૂન્યથી પણ નીચે હતો . એને આટલો બધો અહંકાર હશે એની કલ્પનાય ન આવી શકે . એણે દેવાર્યની શું સેવાઓ કરી હતી ? કેમ જાણે એના વિના દેવાર્યના કામ અટકી પડવાનાં હોય એવી વાતો એ કરી રહ્યો હતો . દેવાર્યે ગોશાળાને જવાબ જ ન આપ્યો . તમે લાંબી લાંબી બડબડ કરી લો અને તમને જવાબ ન મળે એ તમારું સૌથી મોટું અપમાન છે . જોકે , દેવાર્યે જવાબ ન આપ્યો એનો ઉદ્દેશ અપમાન કરવાનો હતો નહીં . અને જવાબ ન આપવો એ અપમાન છે એ કોને સમજાય ? જેનામાં બુદ્ધિ બરોબર હોય તેને . ગોશાળાને સમજાયું જ નહીં કે મારું અપમાન થયું છે . એને એમજ લાગ્યું કે : ‘ જોયું , મારી વાતનો દેવાર્ય પાસે કોઈ જવાબ જ નથી . ‘ આવા ગોશાળાની સાથે દેવાર્ય ન બોલે એ બરોબર જ હતું .
પણ સિદ્ધાર્થ આટલું લાંબું અપમાન સહન કરી શક્યો નહીં . એણે ગોશાળાને જવાબ આપી દીધો – ‘ જો ભાઈ તારે જે કરવું હોય તે તું કરી શકે છે . તારે જે નિર્ણય લેવો હોય તે લે . હું અત્યાર સુધી જેવો રહ્યો છું એવો જ હંમેશા રહેવાનો છું . તારું શું છે તે તું જાણે . ‘
દેવાર્યે એને સાંત્વના ન આપી , રોકવાની કોશિશ ન કરી એ પણ , અપમાન જ કહેવાય . જોકે , દેવાર્ય અપમાનનો આશય રાખ્યા વિના , નિર્લેપ બની રહ્યા હતા . દેવાર્યે વૈશાલીનો રસ્તો લીધો .
ગોશાળાએ રાજગૃહીનો માર્ગ લીધો . ગોશાળો જતો રહ્યો . દેવાર્યને કશો ફેર ન પડ્યો . આ સિદ્ધાર્થ જતો રહે એનાથી પણ દેવાર્યને ફરક ના પડે . દેવાર્યે સિદ્ધાર્થને બોલાવ્યો નહોતો , સાથે રહેવા . દેવાર્યે ગોશાળાને આમંત્રણ નહોતું આપ્યું અને સુસ્વાગતમ્ પણ કર્યું નહોતું . આવનારા આવે છે . જનારા જાય છે . કુદરતનો ક્રમ છે . દેવાર્યને એનાથી કશો ફેર પડતો નહોતો . દેવાર્ય ગોશાળા વિના અધૂરા નહોતા . ગોશાળો દેવાર્ય વિના અધૂરો હતો .
એ રાજગૃહીના માર્ગે ચાલવા લાગ્યો . જંગલ ગાઢ બનતું ગયું . ચારે તરફ ગગનચુંબી વૃક્ષોની ઊંચાઈ વધતી ગઈ . ગોશાળાને જંગલમાં એક પણ માણસ દેખાતો ન હોતો . એને એમ જ હતું કે સૂમસામ જંગલ છે . હકીકત જુદી હતી . દૂર ઊંચા ઝાડની પર્ણઘટામાં ચોરના સરદારનો ગુપ્તચર છુપાઈને બેઠો હતો . તેણે ગોશાળાને આવતો જોયો . એને લાગ્યું કે , ‘ આ રાજાનો ગુપ્તચર છે . ‘ એણે આસપાસમાં છૂપાયેલા અન્ય ચોરોને ખબર આપી .
ચોરના સમુદાયે ગોશાળાને પકડ્યો . ચોર હતા પાંચસો . એકી સાથે બધા ચોર ગોશાળા પર ધસી આવ્યા . ચોરોનો સરદાર ગોશાળાને ઘોડો બનાવી તેની પીઠ પર બેઠો . તેણે પાલતુ જનાવરની જેમ ગોશાળાને ચલાવ્યો . ગોશાળો હાથે અને ઘૂંટણિયે ઘસાતો ઘસાતો ચાલ્યો . ગોશાળો થોડુંક ચાલ્યો . ચોરનો સરદાર ઉતરી ગયો . ત્યાં બીજો ચોર ગોશાળાની પીઠ પર આવીને બેઠો . આ રીતે પાંચસો ચોર વારાફરતી એની પીઠ પર બેઠા . આમાં ગોશાળાના ટેભાં તૂટી ગયાં . દેવાર્યને છોડવાની સજા તેને મળી ગઈ . એણે દેવાર્યનો દ્વેષ બનાવી લીધેલો તે તૂટી ગયો . દેવાર્ય વિનાનો આ પહેલો જ દિવસ હતો . એમાં જ એની ભારે વાટ લાગી ગઈ હતી . આગળ શું થશે એની કલ્પનામાત્રથી એ ધ્રુજી ઊઠ્યો . એને પસ્તાવો થયો . એણે દેવાર્યની પાસે પાછા ફરવાનો સંકલ્પ કર્યો . ( ક્રમશઃ )
દેવાર્યે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી વિચાર્યું : વધારે ઉપસર્ગો સહેવા જરૂરી છે . અત્યાર સુધી જે તકલીફો આવી તે સાધારણ હતી . મોટી તકલીફો આવે એ જ એકમાત્ર ઉપાય હતો અધિક કર્મનિર્જરા કરવાનો . આર્યક્ષેત્રમાં થનારા ઉપસર્ગો કરતાં વધારે કઠણ ઉપસર્ગો ખમવાના ઉદ્દેશથી દેવાર્યે અનાર્ય ક્ષેત્ર ભણી વિહાર કર્યો . ગોશાળો સાથે જ રહ્યો .
અનાર્ય દેશમાં ધર્મ ન હોય , ધર્માત્માનો આદર ન હોય . એટલું જ નહીં ધર્મનો વિરોધ થાય , ધર્માત્માનો વિરોધ થાય . દેવાર્યને એ વિરોધ ખમવો હતો . અનાર્ય દેશવાસીઓએ ક્રૂર વિરોધ કર્યો પણ ખરો . દેવાર્યને જોઈને અનાર્ય જનોએ ઘણોબધો અભદ્ર વ્યવહાર કર્યો . દેવાર્યને અન્ય રાજ્યના ગુપ્તચર સમજીને અનાર્યજનોએ પકડી લીધા અને હાથની મુઠ્ઠીઓથી માર્યા . કચકચાવીને માર્યા . દેવાર્ય એ માર ખાતી વખતે પણ શાંત રહ્યા . ગુબ્બો પડ્યો વારંવાર . થપ્પડ વાગી વારંવાર . હડસેલા મારવામાં આવ્યા વારંવાર . બેવડ વળી જવાય એવા ધક્કા લાગ્યા વારંવાર . દેવાર્યે વાત્સલ્યપૂર્વક એ બધું ખમી લીધું . મનમાં ન રોષ આવ્યો , ન ગ્લાનિ પ્રકટી , ન ભીતિ .
અનાર્ય જનોએ દેવાર્યને ભરી ભરીને ગાળો સંભળાવી , ધમકાવ્યા , તિરસ્કાર્યા , ઉતારી પાડ્યા . દેવાર્યને એનાથી કશો ફેર ન પડ્યો . દેવાર્ય જેમ બોલતા નહીં તેમ દેવાર્ય સાંભળતા નહીં . સામો માણસ બોલે તે દેવાર્યના કાનને અથડાઈ અટકી જતું . એ શબ્દો પર દેવાર્ય વિચારતા જ નહીં . સામી વ્યક્તિ જે બોલે તે એની પાસે જ રહી જતું . એ બોલેલું કશું , દેવાર્યને અડકી શકતું નહીં . આ અર્થમાં દેવાર્યે ચામડી ગેંડા જેવી બનાવી રાખી હતી . જે કાંઈ આવે તે બહાર અથડાઈને નીચે પડી જાય . અંદર સુધી જાય જ નહીં .
અનાર્યજનોએ દેવાર્ય પર શિકારી કૂતરા છોડી મૂક્યા હતા . દેવાર્ય શિકાર બની જાય તેવો કારસો હતો . એ શ્વાનોએ દેવાર્યને શી શી પીડા આપી તેનું લેખન કરવાની હિંમત કોઈ પણ ભાષાના કોઈ પણ શબ્દો પાસે નથી . શ્વાનોના દાંત ચાકુ જેવા તીણા હતા , ચારેય પગના નખ ખંજર જેવા અણીદાર હતા .
દેવાર્ય પીડામાં પ્રસન્ન રહી શકતા . અનાર્યોની દુર્જનતા અસીમ હતી , ગોશાળાને દેવાર્ય માટે ઊંચો સ્નેહાદર હતો . તે પણ દેવાર્યના સંગમાં રહી બધું ખમતો રહ્યો . એક સમયાવધિ સુધી અનાર્ય દેશમાં રહ્યા બાદ દેવાર્ય આર્યદેશ તરફ ચાલ્યા . પૂર્ણકલશ ગામની પાસે બે ચોરોએ દેવાર્ય પર તલવારનો હુમલો કરવાની કોશિશ કરી . દેવરાજે એ ચોરને રોક્યા અને પાઠ ભણાવ્યો .
હવે દેવાર્ય આર્ય દેશ પહોંચ્યા . પાંચમુું ચોમાસુું ભદ્દિલપુરમાં કર્યું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ . મૌન . ધ્યાન . કાઉસગ્ગ . ( ક્રમશઃ )
પાંચમા વરસનું કથાનક : ત્રણ અજીબ ઘટનાઓ
( ૧ )
ગોશાળાને જંપ નહોતો . ગામનાં નાનાં બાળકો વાસુદેવમંદિરનાં ચોગાનમાં રમવા આવ્યાં . તેમને ગોશાળો ભૂતનો દેખાવ કરી ડરાવવા લાગ્યો . બાળ બધાય ડરીને નાઠાં . કોઈ પડી ગયું . કોઈ રોયું . કોઈનાં કપડાં ખરાબ થયાં . કોઈનાં ઘરેણાં સરકી ગયાં . બાળકોએ ઘરે જઈને માબાપને કહ્યું કે : ‘ વાસુદેવ મંદિરમાં ભૂતબાબા આવ્યા છે . ‘ સૌ માબાપ ત્યાં આવ્યા . ગોશાળો હજી ડરાવવાની મસ્તીમાં હતો . બધાએ મળીને એને લૂગડાની જેમ ધોઈ નાંખ્યો . એના માથા પર ઢીમચાં આવી ગયાં . ગાલ પર અને પીઠ પર મારના સોળ ઉપસી આવ્યા . પગ પણ ખેંચાઈ ગયો .
એક વૃદ્ધે દેવાર્યને મંદિરમાં ઊભેલા જોયા . એણે બાળકોના માબાપને રોક્યા . કહ્યું : ‘ આ સાધનાપુરુષને જુઓ . કેવો દૈવી અવતાર છે . આ દેવાર્ય સાહેબ છે . એમની પૂજા , દેવતાઓ પણ કરે છે . આ ભૂત-મામો દેવાર્યનો દાસ લાગે છે . એને છોડી દો . ‘
માબાપે ગોશાળાને પડતો મેલ્યો . બધાના ગયા પછી ગોશાળો દેવાર્ય સાથે ઝઘડ્યો . કહે , ‘ આપ ખરા છો હં . અહીં મને માર પડે છે અને આપ મનેં બચાવતા જ નથી . દર વખતે મારે માર જ ખાવાનો . આપની કોઈ જવાબદારી નથી , મને બચાવવાની ?
સિદ્ધાર્થે તુરંત જવાબ આપ્યો : ‘ તું કદી સુધરવાનો છે ખરો ? આવા ગાંડપણ કરીશ એના બદલામાં માર જ પડશે ને . તારાથી શાંત બેસી રહેવાતું નથી ? કોઈ ના મળ્યું કે આજે આટલાં બાળકોને ગભરાવ્યાં ? એમના માબાપ તારી પર રાજી થવાના હતા કે ? તું મને શીખામણ ન આપ . તું તારામાં જ સુધારો કર ને ભાઈ . ‘
ગોશાળા પાસે જવાબ હતો જ નહીં .
( ૨ )
દેવાર્યે વિહાર કર્યો . આવર્ત ગ્રામ આવ્યા . બલદેવ મંદિરમાં કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા . ગોશાળાએ અહીં પણ બાળકોને બહુ બીવરાવ્યા . બાળકોનાં માબાપોએ આવીને ગોશાળાને ટીપવાનું શરૂ કર્યું . ગામના એક વડીલે કહ્યું : આ મંદિરમાં ઊભા છે તે જ આ ધૂર્તના ગુરુ છે . ગુરુ આને રોકતા નથી એટલે ગુરુને પણ પાઠ ભણાવો . ગામડિયા લોકો દંડા ઉગામી દેવાર્યને મારવા મંદિર તરફ આવ્યા . વાંક ગોશાળાનો હતો . સજા દેવાર્યને થવાની હતી .
આખું ગામ ભેગું થઈને દેવાર્યને મારશે એવો ઘાટ ઘડાયો હતો . સિદ્ધાર્થ દેવ ગાયબ હતો . દેવરાજ આવી રહ્યા નહોતા . સંગાથી કલાકાર ગોશાળો ખુદ માર ખાઈને અધમૂઓ પડ્યો હતો . દેવાર્ય ગભરાયા વિના , બેખૌફ , નિજ આનંદમાં લીન હતા . હમણાં દેવાર્ય પર ગાંંડું ટોળું હલ્લો કરશે એમ લાગતું હતું .
અચાનક , મંદિરમાં જે મૂળનાયક મૂર્તિ હતી તે માનવની જેમ ચાલવા લાગી . દેવાર્યની સામે દંડા ઉગામીને ટોળું ઊભેલું . એ ગતિધારી મૂર્તિ દેવાર્ય અને ટોળાની વચ્ચે આવીને ઊભી રહી . દેવાર્ય યથાવત્ શાંત , નિર્ભીક હતા પરંતુ ટોળું ગભરાઈ ગયું . આખું ગામ આ મૂર્તિની પૂજા કરતું . वासुदेव: जगत् सर्वम्ની માન્યતા ધરાવનારા કૃષ્ણપ્રેમીઓ હતા સૌ . એમણે મૂર્તિને દેવાર્યના બચાવમાં આવેલી જોઈ . મૂર્તિને કોઈ દિવ્ય બળ , યંત્રની જેમ ચલાવી રહ્યું હતું તે દેખાતું હતું . એ બળદેવની મૂર્તિએ ટોળા સમક્ષ હળ ઉગામ્યું .
` આ જુઓ , પથ્થરની મૂરતમાં પ્રાણ પુરાયા છે અને એ મૂરત આપણા બધાય પર નારાજ થઈ છે , દેવાર્યના બચાવમાં બળદેવ આપણી સામે લડવા ઊભા થયા છે , આપણે મૂરખા છીએ . ક્ષમા માંગો વર્ના પ્રાણ ખોશો ʼ ટોળામાંથી કોઈક બોલ્યું .
લોકો ગભરાયા . સૌ બળદેવ અને દેવાર્ય સામે ઘૂંટણિયે પડ્યા , માફી માંગવા લાગ્યા . જાણે બળદેવે એમને સબક શીખવાડી દીધો હતો . પૂરેપૂરું ટોળું ઉપદ્રવ કર્યા વિના વિખરાઈ ગયું . દેવાર્યનો જયજયકાર થઈ ગયો . દેવાર્યને એ જયકારાથી કશોય હરખ ન થયો . ઉપદ્રવ ટળ્યાનો હાશકારો પણ નહીં . દેવાર્ય નિજાનંદમાં મસ્ત હતા . ના કાહૂં સે દોસતી , ના કાહૂં સે બૈર .
( ૩ )
આગલા દિવસે દેવાર્ય વિહાર કરીને , કલંબુક સંનિવેશ તરફ નીકળ્યા . રસ્તામાં એક રૂઆબદાર આદમીએ દેવાર્યને પડકાર્યા . એનું નામ હતું કાલહસ્તી . એની સાથે નોકરચાકરનો રસાલો હતો . એણે દેવાર્યને પૂછ્યું : તમે લોકો કોણ છો .
એ કોઈ ચોરનો પીછો કરી રહ્યો હતો . દેવાર્ય મૌન રહ્યા . એમને જોઈને ગોશાળો પણ ચૂપ રહ્યો . કાળહસ્તીને જવાબ ન મળ્યો , એને ગુસ્સો આવી ગયો . એને શંકા થઈ . એણે દેવાર્યને અને ગોશાળાને ગુનેગાર ચોર માનીને રસ્સીથી બાંધી લીધા . દેવાર્ય અને ગોશાળો , કેદી તરીકે કલંબુક સંનિવેશમાં પ્રવેશ્યા . અબુધ ગામઠીઓએ તમાશો રચી દીધો . દિગંબર અવસ્થાની મજાક ઉડી . ગાળો વરસી . દેવાર્ય અને ગોશાળો ચૂપચાપ ચાલતા રહ્યા . રસ્તાની બેય તરફથી લોકો ધિક્કારી રહ્યા હતા એમને . સૌએ દેવાર્યને સાચેસાચ ચોર માની લીધા હતા . દેવાર્ય કાંઈ બોલે એનાથી ખુલાસો થઈ શકતો હતો . દેવાર્ય મૌન રહ્યા . વર્ષીદાનનો મહાન્ દાતાર , આજે ચોર તરીકે બદનામ થઈ રહ્યો હતો . લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા .
કાલહસ્તી આ બેય કેદીઓને પોતાના ભાઈ મેઘ પાસે લઈ આવ્યો . મેઘે , દેવાર્યને જોયા અને જોતાવેંત ઓળખી લીધા . એણે દેવાર્યને કુંડગ્રામમાં જોયા હતા . સિદ્ધાર્થ રાજાના પુત્રને શ્રમણ અવસ્થામાં જોઈને મેઘ સફાળો ઊભો થઈ ગયો . એ સીધો દેવાર્યના પગે પડ્યો , માફી માંગવા લાગ્યો . એણે કાળહસ્તીને દેવાર્યની ઓળખાણ આપી . હવે કાળહસ્તી ગભરાયો અને દેવાર્યનાં ચરણોમાં પડ્યો . એણે રડતી આંખે વારંવાર માફી માંગી . દેવાર્ય અને ગોશાળો સન્માનપૂર્વક કેદમુક્ત થયા . કલંબુકવાસીઓએ જ્યારે જાણ્યું કે આપણે જેમને ચોર માની ઉતારી પાડ્યા તે ભગવાન્ દેવાર્ય છે , ત્યારે પસ્તાવાની સરવાણીઓ વહી નીકળી ઘરેઘરથી .
દેવાર્ય નારાજ ન થયા . દેવાર્ય પ્રસન્ન પણ ન થયા . એ બસ , સ્થિતપ્રજ્ઞ હતા અને સ્થિતપ્રજ્ઞ જ રહ્યા . ( ક્રમશઃ )
ચોથા ચોમાસાનું કથાનક : ગોશાળો રે ગોશાળો
દેવાર્ય , કુમાર સંનિવેશ પધાર્યા . ચંપક રમણીય ઉદ્યાનમાં સ્થિરતા ધારણ કરી . કાઉસગ્ગ ધાર્યો . ગોશાળો ગામમાં ભમવા ગયો . દેવાર્ય તપસ્યા કરતા . ગોશાળો ભૂખ સહન કરી શકતો નહીં . એ આમતેમ ભટકી ખાવાની ગોઠવણ કરી જ લેતો . ગામમાં તેણે શ્વેતવસ્ત્રધારી મહાત્માઓને જોયા . એને જાણવા મળ્યું કે આ પાર્શ્વનાથીય પરંપરાના સાધુ હતા . તેમની પાસે વસ્ત્રો હતાં , પાત્રો હતાં . ગોશાળો સાધુઓ પાસે જઈને ઝઘડવા લાગ્યો : તમે સાધુ છો ? તમે શાના સાધુ ? તમે કપડાં પહેરો છો , પાત્રા રાખો છો . આટલોબધો પરિગ્રહ રાખો છો અને પોતાને નિર્ગ્રંથ માનો છો ? તમે જૂઠા છો . સાચા સાધુ તો મારા ગુરુ દેવાર્ય છે . ‘
એ સાધુઓ ગોશાળાની વાત સાંભળી બોલ્યા : ‘ જેવો તું છે તેવા જ તારા ગુરુ હશે ? ‘
ગોશાળો સમસમી ગયો . એણે શ્રાપવાણી ઉચ્ચારી . સાધુઓ બોલ્યા : તારા જેવાના શ્રાપ લાગે જ નહીં . ગોશાળો દોડીને દેવાર્ય પાસે આવ્યો . દેવાર્યને એણે સાધુઓની વાત કરી . સિદ્ધાર્થે કહ્યું કે ‘ એ પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના મહાત્માઓ છે . તારા શ્રાપ એમને લાગવાના નથી . ‘
ગોશાળો ચૂપચાપ એક બાજુ બેસી ગયો . તે રાતે ગામમાં અચાનક ઘણું જ અજવાળું ફેલાયું . ગોશાળો દૂરથી એ અજવાળું જોઈ દેવાર્યને કહેવા લાગ્યો કે ` જુઓ , જુઓ પેલા સાધુઓને મેં શ્રાપ આપેલો ને ત્યાં આગ લાગી છે . મારો શ્રાપ સાચો પડ્યો . ʼ
સિદ્ધાર્થે કહ્યું : અરે મૂરખ , તારો શ્રાપ એમને લાગ્યો છે એવો ભ્રમ પાળતો નહીં . તેં જે સાધુઓ જોયા હતાને એમના મોટા આચાર્ય હમણાં જ સ્વર્ગવાસી બન્યા છે . તેમને કુંભારે ઉપસર્ગ કર્યો હતો . તેઓ મોટી વયે પહોંચ્યા હતા , અનશન કરવાની ભાવના હતી . મકાનની બહાર કાઉસગ્ગ કરી રહ્યા હતા . તેમને ઘરમાલિક કુંભારે દારૂના નશામાં જોયા , ચોર સમજીને કુંભારે એમનું ગળું દબાવી દીધું . મહાત્માને અવધિજ્ઞાન થયું અને એમનું આયુ પૂર્ણ થઈ ગયું . દેવતાઓ તેમનો વિદાય ઉત્સવ મનાવવા આવ્યા છે તેનું આ અજવાળું છે . ʼ
ગોશાળો શું બોલે ? પણ એણે કારનામું તો કર્યું જ . એ સાધુઓનાં નિવાસસ્થાને પહોંચી ગયો . સાધુઓને ઉઠાડીને તેમના વડીલ આચાર્યની વિદાયકથા જણાવી . ઠપકો પણ આપ્યો કે તમારા ગુરુની વિદાય થઈ ગઈ અને તમારું ધ્યાન પણ નથી ? કરો છો શું તમે લોકો ?
શિષ્યો સફાળા જાગીને ગુરુદર્શન કરવા ગયા . ગોશાળો જાણે જીત હાંસિલ કરી હોય તે રીતે હરખાયો . એને બીજાઓને ધમકાવવામાં મજા આવતી . એ મૌકાની શોધમાં જ રહેતો .
દેવાર્યનો વિહાર આગળ વધ્યો . ચોરાક સંનિવેશ પધાર્યા . અહીં બે રાજાઓ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ બનેલી હતી . દેવાર્ય અને ગોશાળાને સૈનિકોએ ગુપ્તચર માનીને પકડી લીધા . પૂછપરછ થઈ . દેવાર્ય કે ગોશાળો કશું ન બોલ્યા . સૈનિકોએ ગોશાળાને દોરીએ બાંધી કૂવામાં લટકાવી દીધો . ગોશાળો કાંઈ ન બોલ્યો . હવે સૈનિકોએ દેવાર્યને દોરીએ બાંધી કૂવામાં લટકાવ્યા . સૈનિકોએ દેવાર્યને પાણીમાં ડૂબાડી રાખ્યા અને થોડીવાર પાણીની બહાર લાવી કૂવાના કાંઠેથી પૂછ્યું કે ‘ તમે કોણ છો , સાચું બોલો ? ‘
દેવાર્યે જવાબ ન આપ્યો . દેવાર્યને ફરીથી પાણીમાં ડૂબાડવામાં આવ્યા અને પાણીથી બહાર ખેંચવામાં આવ્યા . સૈનિકોએ આ અત્યાચાર ચાલુ રાખ્યો . વાત ચારેકોર ફેલાઈ ગઈ .
એ રસ્તેથી નીકળી રહેલી બે પરિવ્રાજિકાઓ સોમા અને જયંતીએ આ વાત સાંભળી . દેવાર્યને અસ્થિક ગ્રામમાં મળેલા ઉત્પલ નૈમિત્તિકની આ બહેનો હતી . એમને સમજાયું નહીં કે સૈનિકો કોને હેરાન કરી રહ્યા છે . એમને જે વાતો સાંભળવા મળી તેનાથી ચિંતિત થઈને તે કૂવા પાસે દોડી આવી . તેમને આશંકા થઈ કે કદાચ , દેવાર્યને પકડ્યા હશે . તેમણે કૂવામાં પાણીમાં ઝબકોળાઈ રહેલા દેવાર્યને જોયા અને ઓળખ્યા . બંને પારિવ્રાજિકાઓએ તુરંત સૈનિકોને ઠપકો આપીને રોક્યા . સૈનિકોએ દેવાર્યને કૂવામાંથી બહાર ખેંચી લીધા . દેવાર્યને બાંધેલી દોરીઓ ખોલી દીધી . દેવાર્યનો ચહેરો એકદમ પ્રસન્ન હતો . દેવાર્ય આ જડસુ સૈનિકો પર નારાજ નહોતા . દેવાર્યને ડર લાગેલો હોય એવું બને જ શાનું .
સોમા અને જયંતી વિચારતી રહી : દેવાર્યનું પ્રચંડ બળ આ સૈનિકો જાણતા નથી . દેવાર્ય એક ફૂંક મારે એમાં આ બધા જ સૈનિકો ફૂ થઈને ઊડી જાય . પણ દેવાર્ય સહન કરવામાં માનતા હતા એટલે સૈનિકો બચી ગયેલા . દેવાર્યે આવી કઠોર સજા શું કામ સહી લીધી ? દેવાર્ય બોલીને ખુલાસો કરી શકતા હતા . દેવાર્ય મૌન શું કામ રહ્યા ? આ બીજો માણસ કોણ છે જે દેવાર્ય સાથે સજા પામ્યો ? આને દેવાર્યે કેમ સાથે રહેવા દીધો છે ? પ્રભુની લીલા પ્રભુ જ સમજે . ‘
દેવાર્યને વારંવાર વંદના કરીને તેમણે વિદાય લીધી . એમના લીધે હવે દેવાર્ય માટે અહીં માનસન્માનનું વાતાવરણ બની ગયું . દેવાર્ય થોડો વખત એ જ વિસ્તારમાં બિરાજમાન રહ્યા . પછી દેવાર્ય પૃષ્ઠચંપા પધાર્યા . ચોથું ચોમાસું દેવાર્યે પૃષ્ઠ ચંપામાં જ કર્યું .
આ ચોમાસામાં દેવાર્યે સળંગ ચાર મહિનાના ઉપવાસ કર્યા . મતલબ કે આ ચોમાસામાં દેવાર્યે સળંગ એકસોવીસ દિવસ સુધી આહારનો અને પાણીનો ત્યાગ કર્યો . ચોમાસી તપનો સંપૂર્ણ સમય દેવાર્ય , મૌન રહ્યા , કાઉસગ્ગમાં રહ્યા .
ગોશાળો સાથે હોવા છતાં સાથે નહોતો . એ પોતાનાં ભોજનપાણીની ગોઠવણ કરવા આમતેમ આંટા મારીને પાછો દેવાર્ય પાસે આવી જતો . સિદ્ધાર્થ દેવ ક્યારેક હાજર રહેતો , ક્યારેક ગાયબ . દેવાર્યે આ બંનેની કોઈ પરવા રાખી નહોતી . એમનું એ જાણે , મારી સાધનાનું હું જાણું ? આ દેવાર્યનો અભિગમ હતો . (ક્રમશઃ)
ચોથા વરસનું કથાનક
૧૮ . ગોશાળો રે ગોશાળો
તૃતીય ચાતુર્માસ બાદ તુરંત દેવાર્ય કાલાક સંનિવેશ પધાર્યા . બીજા સાઠ ઉપવાસનું પારણું ક્યારે , કોણે કરાવ્યું એની જાણકારી પણ ઉપલબ્ધ ન થઈ . પારણા પછી દેવાર્યે સૂમસામ , અવાવરુ મકાનમાં કાઉસગ્ગ ધારણ કર્યો . ગોશાળો સાથે હતો .
રાતે અંધારાનો ગેરલાભ લેવા કોઈ આવ્યું . એનું નામ સિંહ હતું . એ ગામના મુખિયાનો પુત્ર હતો . એણે જોરથી અવાજ આપ્યો . આ મકાનમાં કોઈ છે ? કોઈ શ્રમણ , બ્રાહ્મણ કે પ્રવાસી – આ મકાનમાં હોય તો જવાબ આપો . મનેં અંધારામાં સમજાઈ રહ્યું નથી . જો અહીં કોઈ હોય તો અમે બીજે જતાં રહીએ . ‘
એ અમે બોલ્યો કારણકે એની સાથે યુવાન દાસી આવી હતી . એ બન્ને લંપટ પ્રવૃત્તિ કરવા અહીં આવ્યા હતા . દેવાર્ય મૌન રહ્યા , ગોશાળો પણ દેવાર્યનું જોઈને મૌન રહ્યો . સિંહે , દાસી સાથે સ્વચ્છંદ કામ પ્રવૃત્તિ આચરી . એ બન્નેને ખબર જ નહીં કે મકાનમાં દેવાર્ય અને ગોશાળો હાજર છે . બેય જ્યારે પાછા નીકળી રહ્યા હતા ત્યારે ગોશાળાએ દાસીને હાથ લગાડ્યો . એ દાસી ડરી ગઈ . વિદ્યુન્મતી એમનું નામ હતું . એણે સિંહને કહ્યું કે , ‘ કોઈ મને અડ્યું છે .ʼ
સિંહે અંધારામાં જ ગોશાળાને ખોળી કાઢ્યો અને ખૂબ પીટ્યો . ગોશાળાને માર પડ્યો ત્યારે દેવાર્ય મૌન જ રહ્યા . સિંહ ગયો . ગોશાળો નારાજ થઈ ગયો . એણે દેવાર્યને કહ્યું : મને પેલાએ લાઠીથી ટીપી નાખ્યો . આપે એને રોક્યો નહીં ? મને બચાવવા આપે કાંઈ જ ન કર્યું ?
સિદ્ધાર્થ હાજર હતો . તે બોલ્યો : તારે એની દાસીના હાથને અડકવાની શું જરૂર હતી ? તું અડપલું કરીશ તો તને માર જ પડશે ને ? તને સંયમથી રહેતા નથી આવડતું ?
ગોશાળો ચૂપ થઈ ગયો . પણ એના લખ્ખણ સુધારવાના નહોતા .
દેવાર્ય વિહાર કરી પત્રકાલ ગામે પધાર્યા . પહેલાની જેમ જ શૂન્ય ભવનમાં કાઉસગ્ગ ધારી રોકાયા . આ સ્થાને પણ કાલાક સંનિવેશની જેમ રાતે કોઈ દાસી લઈને અંધારામાં દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું . દેવાર્ય મૌન રહ્યા . ખંધક નામના એ યુવાને , દંતલિકા નામની દાસી સાથે , યથેચ્છ કામાચરણ આદર્યું . ઘણા સમયે તેઓ બહાર જવા નીકળ્યા . આ વખતે ગોશાળો એમની પર હસવા લાગ્યો . એ યુવાન પણ ગામના મુખીનો દીકરો હતો . તેણે ગોશાળાને ખાસ્સો બધો માર માર્યો . આ વખતે પણ દેવાર્ય મૌન રહ્યા . પેલાના ગયા પછી ગોશાળો દેવાર્ય પર ચીડી ગયો . દેવાર્ય જે એકાંતમાં મહાધ્યાન આદરતા હતા એ જ એકાંતમાં કામવિલાસી જનો લાજશરમ વિના ભોગાચાર આદરતા . દેવાર્યે આ પણ સહેવાનું હતું . સાથોસાથ , આવા લોકો સાથે ગોશાળો ચેનચાળા કરતો એ પણ દેવાર્યે ઝેલવાના હતા . ઉપરાંત આ રીતે ગોશાળો માર ખાધાનો ગુસ્સો દેવાર્ય પર ઉતારે તેનેય દેવાર્યે ખમવાનો હતો .
‘ આપ મને બચાવતા કેમ નથી ? મારે કેટલી વખત માર ખાવાનો ? આપ મારું ધ્યાન જ રાખતા નથી . ‘ સ્વયં નિર્દોષતાનો અવતાર હોય એ રીતે ગોશાળો બોલ્યો . દેવાર્ય વતી સિદ્ધાર્થે કચકચાવીને જવાબ આપ્યો :
‘ તું પરાક્રમ કરીશ એના જવાબ તને મળશે જ ને ? તે અત્યાર સુધી માર ખાધો તે કાંઈ નથી . હજી પણ તું સુધર્યો નહીં ને , તો આનાથીય વધારે પીટાઈ થવાની છે તારી . જોઈ લેજે , હા . તારો બચાવ હું કરીશ એવું તને લાગે છે ? તુંય ગજબ છે . અરે , હું તારો બચાવ કરવા લાગીશ તો લોકો મારી પણ ધોલાઈ કરવા માંડશે . તારે મારી સાથે રહેવું છે ? તો તું સુધરી જા . વર્ના તું રોજ માર ખાતો રહીશ . હું ક્યાંય બચાવવા નહીં આવું . ʼ
ગોશાળો દેવાર્યને તાકતો રહ્યો . એને ખબર નહોતી કે વાત સિદ્ધાર્થ કરી રહ્યો હતો . હંમેશા એની નજર દેવાર્યનાં પારણાના દિવસ પર રહેતી . રાજગૃહીમાં દેવાર્યે પહેલાં માસક્ષમણનું પારણું કર્યું ત્યારે થયેલાં પંચ દિવ્યો જોઈને જ ગોશાળો દેવાર્ય પ્રત્યે આકર્ષાયો હતો . હવે , બે વાર માર પડ્યો એટલા માત્રથી એ ભાગી જવાનો નહોતો . દેવાર્યનાં પારણા સાથે જોડાયેલા પંચ દિવ્ય , ગોશાળાને દેવાર્ય સાથે રહેવા મજબૂર કરતા . એ દેવાર્યને છોડીને બીજે ક્યાંય જઈ શકવાનો નહોતો .
દેવાર્યે (મતલબ કે સિદ્ધાર્થે) કહી દીધું કે તારું ધ્યાન તું રાખ . હું તને બચાવવાનો નથી . આને સાફ ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે દેવાર્યે (મતલબ કે સિદ્ધાર્થે)પોતાના હાથ ઉપર કરી દીધા . પરંતુ ગોશાળો લાલચુ હતો . એ માર ખાઈનેય સાથે જ રહેવાનો હતો . જડ માણસોના તમામ લક્ષણો ગોશાળામાં મૌજૂદ હતાં . (ક્રમશઃ)
પ્રકરણ ૧૭ . ત્રીજું ચોમાસું
કાર્તિકી પૂનમે જ દેવાર્યે નાલંદાથી વિહાર કર્યો . કોલ્લાક સંનિવેશમાં પધાર્યા . બહુલ બ્રાહ્મણનાં ઘેર તે દિવસે બ્રહ્મ ભોજન હતું . ખીર બનાવેલી . તેણે દેવાર્યને જોઈ હરખ અનુભવ્યો . વિનંતી કરીને એ દેવાર્યને ઘેર લાવ્યો . ખીરમાં ઘી સાકરનું અજબ મિશ્રણ થયું હતું . દેવાર્યે એના હાથે પારણું કર્યું .
બીજા ચોમાસામાં ચાર માસક્ષમણ એકાંતરે થયાં હતાં . દરેક માસક્ષમણનું પારણું કે અત્તરવાયણું પૂર્વનિયોજન વિના થતું . પારણું કે અત્તરવાયણું કરાવનારને ખબર જ ના રહેતી કે દેવાર્ય માસખમણ પર માસખમણ કરી રહ્યા છે . આ જ હતી દેવાર્યની તપસ્યા . પારણાના દિવસે પણ આહારવૃત્તિની ઉપેક્ષા બનેલી રહેતી . બીજા ચાતુર્માસની અંતિમ તપસ્યાનું પારણું કરી દેવાર્ય કોલ્લાક સંનિવેશમાં જ કાઉસગ્ગમાં ઊભા રહ્યા .
અચાનક , દેવાર્યની સામે એક ઘેલો માણસ આવીને ઊભો રહ્યો . આવતાવેંત એ બોલવા લાગ્યો .
‘ મેં આપને કેટલું શોધ્યા ? ક્યાં જતા રહ્યા હતા આપ . હું ચાર મહિનાથી આપની સાથે છું . પણ મારી પર આપનું ધ્યાન જ નથી . હું આપનો શિષ્ય બનવા માંગુ છું . આપને મારી જરૂર નહીં હોય . મને આપની જરૂર છે . હું ગરીબ માણસ છું . મારા માબાપ પણ ગરીબ જ . તેઓ પાટિયાં પર ચિત્ર બનાવી વેંચે છે . મનેં પણ એમણે ચિતારો બનાવ્યો છે . પરંતુ , હું પાટિયાનાં ચિત્રો વેચવાથી કંટાળ્યો છું . લોકો શું ખરીદે છે અને શું નથી ખરીદતા તે આ વ્યવસાયમાં સમજાતું જ નથી . મને આપની સેવામાં રહેવાનો મોકો આપો . હું આપનો શિષ્ય બનવા માંગું છું . ‘
દેવાર્ય કશું બોલ્યા નહીં . એ ઘેલા આદમીએ પોતાની કાયા પરથી વસ્ત્રો ઉતારીને ફંગોળી દીધા . એણે કહ્યું : ‘ આ જુઓ , મેં સંસારી વેશ તજી દીધો . હવે હું પણ સંસાર મુક્ત છું . જેવા સાધક આપ છો તેવો સાધક મને બનાવી દો . ‘
દેવાર્ય મૌન ત્યજીને કશુંક બોલે એવી સંભાવના હતી ખરી ? આ ગાંડા આદમીને ના પાડવા માટે દેવાર્ય કાંઈક બોલે એ જરૂરી હતું શું ? દેવાર્ય એને પ્રેમથી અથવા ધમકાવીને રવાના કરશે એવું લાગતું હતું . પણ દેવાર્ય સહન કરવા નીકળ્યા હતા . આ વિચિત્ર માણસ સાથે રહે કે ન રહે , મને શો ફેર પડે છે ? એવો વિચાર હશે દેવાર્યનો ? પ્રભુ જ જાણે . દેવાર્યે તેને હા ન પાડી અને ના પણ ન પાડી . અને એ દેવાર્યની સાથે જમા થઈ ગયો .
દેવાર્ય કોલ્લાક સંનિવેશથી સ્વર્ણખલ સંનિવેશ પધાર્યા . એ ઘેલો આદમી દેવાર્યનો ચેલો બની બેઠો . માન ન માન , મૈ તેરા મહેમાન . એનું નામ ગોશાળો . એ બોલકણો હતો . એ દેવાર્ય સાથે વાતો કરતો રહેતો . એ કશુંક પૂછતો . એને સિદ્ધાર્થ જવાબ આપતો . ગોશાળાને લાગતું કે દેવાર્ય બોલે છે પણ બોલનારો રહેતો સિદ્ધાર્થ . સિદ્ધાર્થ પણ જબરો હતો . ગોશાળાની સાથે વાતો કરવામાં એનેય મજા આવતી . ગૌશાળાને ભૂખ લાગતી . એ દેવાર્યને જમવાનું સરનામું પૂછતો . સિદ્ધાર્થ યથાયોગ્ય જવાબ જરૂર આપતો . દેવાર્યને આ બેયની મૈત્રી સાથે કોઈ લેવાદેવા નહોતા .
વિહાર આગળ વધ્યો . દેવાર્ય બ્રાહ્મણગામ પધાર્યા . દેવાર્યે નંદ પાટકમાં નંદ શ્રેષ્ઠીનાં ઘેર પધારી છઠનું પારણું કર્યું . નંદે દહીંભાત વહોરાવ્યા હતા .
દેવાર્ય વિહાર કરતાં કરતાં ચંપાનગરી પધાર્યા . અહીં ત્રીજું ચોમાસું થયું . સળંગ સાઠ દિવસના ઉપવાસનાં પારણે સાઠ ઉપવાસ કર્યા દેવાર્યે . મતલબ કે ત્રીજા ચોમાસાના એકસોવીસ દિવસમાં દેવાર્યે એક જ વાર આહાર લીધો . બાકી એકસો ઓગણીસ દિવસ દેવાર્ય , નિરાહાર અને નિર્જલ રહ્યા . ચોમાસાના એકસઠમા દિવસે , દેવાર્યે એકવાર આહાર સ્વીકાર કર્યો . પરંતુ ક્યારે કોના દ્વારા એ પારણું થયું તેની જાણકારી ઉપલબ્ધ ન થઈ . બીજા સાઠ ઉપવાસ થયા એમાં ત્રીજું ચોમાસું પૂરું થઈ ગયું . (ક્રમશઃ)
બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં
જોશીએ ઝોળી ફેલાવી . દેવરાજને મના કોણ કરે ? દેવરાજ એની ઝોળીને સાચા સોનાના દાગીનાઓથી ભરી દીધી . દેવરાજે કહ્યું :` આ મારો વૈભવ નથી , આ દેવાર્યનો પ્રભાવ છે . ʼ
‘ ભગવાન્ પર અને શાસ્ત્રો પર શ્રદ્ધા રાખવાની જ હોય . તમે ભગવાન્ અને શાસ્ત્રો પરની શ્રદ્ધા ખોઈ દો એ તમારું કમભાગ્ય કહેવાય . મારા પ્રભુને મળે તે કમભાગી હોઈ જ ન શકે . આ દાગીનાનું મૂલ્ય તમે જાણતા નથી . તમારા પૂર્વજોની સાત પેઢીએ નહીં જોયું હોય એટલું સોનું તમને આ દેવાર્ય સાહેબના આશીર્વાદે આપ્યું છે . એમની પર ભક્તિ બનાવેલી રાખજો . તમારી જિંદગીમાં કોઈ દુઃખ નહીં આવે . ‘
દેવરાજ આટલું બોલીને દેવાર્ય પાસે ગયા હતા . પુષ્પ સામુદ્રિકે અને દેવરાજે દેવાર્યને વંદના કરી હતી . દેવરાજ અદૃશ્ય થયા . જોશી પોતાના રસ્તે ચાલી નીકળ્યો .
દેવરાજ અને સામુદ્રિકે દેવાર્યનાં દર્શન કર્યા તે ભૂમિ હતી થૂણાગ સંનિવેશ . દેવાર્ય અહીંથી નીકળી રાજગૃહી પધાર્યા . ચોમાસું નાલંદામાં કર્યું .
સ્થિરતાની ભૂમિ હતી : અર્જુન વણકરની કાર્યશાલા . અહીં કલાકારો અને કારીગરોની મોટી ફૌજ સતત સક્રિય હતી . વસ્ત્રો બનતાં , રંગાતાં . એમનું વેચાણ થતું . વ્યવસાય ઘણો મોટો હતો અર્જુનનો . એ મહાશ્રીમંત હતો . મહેલ જેવું મકાન હતું રહેઠાણનું . એમાંની એક નાની જગ્યા દેવાર્ય માટે ઉપયોગી હતી : ઘાસ ઊગતું નહોતું , પાણી ભેગું થતું નહોતું , જીવજંતુઓનું આવાગમન નહોતું . અર્જુન વણકર પાસેથી અનુમતિ મેળવીને દેવાર્યે ત્રીજું ચોમાસું આ સ્થાનમાં કરવાનું નિર્ધાર્યું .
દેવાર્યે એક મહિનાના ઉપવાસ કર્યા . ચોમાસાના એકત્રીસમાં દિવસે પારણું કરવા કાર્યશાળાથી બહાર નીકળ્યા . ચાલતાં ચાલતાં વિજય શ્રેષ્ઠીનું ઘર જોયું . દેવાર્ય ઘર તરફ વળ્યા . શ્રેષ્ઠીએ દેવાર્યને જોયા , ઓળખ્યા . પ્રભુને ભિક્ષાનો લાભ આપવા વિનંતી કરી . દેવાર્યે વિનંતી સ્વીકારી . ભરપૂર ભોજન સામગ્રી દ્વારા તેણે દેવાર્યની ભક્તિ કરી . દેવાર્યને માસક્ષમણનું પારણું થયું . પંચ દિવ્ય થયા .
દેવાર્ય કાર્યશાળા પરત થયા . બીજું માસક્ષમણ કર્યું . પારણું કર્યું , આનંદ ગૃહપતિના હાથે ખાજાં સ્વીકારીને . ત્રીજું માસક્ષમણ કર્યું . પારણું સુનંદ શ્રેષ્ઠીના હાથે , સર્વકામગુણિત ભોજન દ્વારા થયું . દરેક પારણે પંચ દિવ્ય થયાં .
ચોથું માસક્ષમણ કર્યું . અને ચોમાસું પૂરું થયું . દેવાર્યે ચારેય માસક્ષમણમાં કેવળ કાઉસગ્ગ કર્યો હતો . ન હલનચલન . ન નિદ્રા . ન વાર્તાલાપ . ન ગતિવિધિ . શરીર મહદંશે અક્રિય . વાણી વિરત . મન નિઃસ્પંદ . દેવાર્ય અગોચર ચિંતનમાં નિમજ્જન સાધી લેતા . અગોચર તત્ત્વ , અપરિસીમ હતું , અવર્ણનીય હતું , અનિવર્ચનીય હતું . દેવાર્ય જ્ઞાનદૃષ્ટિ થકી એ અગોચરમાં નિલીન થઈ જતા . ભૂખ તરસ થાકની કોઈ ભૂમિકા જ બનતી નહીં . દેવાર્યના લાંબા ઉપવાસ , એ અગોચરમાં ડૂબવા માટે થતા . દેવાર્યનું એક એક પારણું , એ અગોચરને સ્પર્શવા માટે જ થતું . દેવાર્યને પોતાની કાયા મહત્ત્વની લાગતી નહોતી . દેવાર્યને એ કાયામાં વસનારો આતમા જ મહત્ત્વનો લાગતો હતો . (ક્રમશ:)
।। બીજા વરસનું કથાનક સમાપ્ત ।।
બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં
પગલાંનો પીછો કરતો કરતો એ દેવાર્ય સુધી પહોંચ્યો . દેવાર્યનાં સામુદ્રિક લક્ષણો અદ્ભુત હતા . જોતાવેંત સમજાય કે આ ચક્રવર્તીનું વ્યક્તિત્વ છે . એ જોશીએ અપેક્ષા રાખી હતી કે સોનેરી આભૂષણ અને મોંઘાદાટ વસ્ત્રો અને શક્તિશાળી હથિયાર ધારણ કરનારો મહાપુરુષ જોવા મળશે . એને દેવાર્ય દેખાયા : આભૂષા મુક્ત . વસ્ત્ર વિરહિત . શસ્ત્ર વિહીન . તદ્દન એકાકી . એ સ્તબ્ધ થઈ ગયો . દેવાર્યની નિરાવરણ કાયાને એ જોતો જ રહી ગયો . છાતીની વચોવચ ગુચ્છાદાર શ્રીવત્સ . ઊંચી મસ્તકશિખા . વિશાલ લોચનદલ . લાંબાં પોપચાં . લાંબી અણીદાર ભ્રૂલતા . દીપજ્યોતિ જેવી નાસિકા . સુરેખ સોનેરી કાન . કમળપત્ર સમા સ્નિગ્ધ રક્ત હોઠ . ત્રિરેખ કંઠ . જોશી દેવાર્યનાં એકેક અંગને સામુદ્રિક શાસ્ત્રની નજરે જોતો રહ્યો . એક તરફ એને આશ્ચર્ય થતું હતું કેમ કે આવું નખશિખ મહાલક્ષણસંપન્ન માનવશરીર એ પ્રથમ વાર જોઈ રહ્યો હતો . બીજી
તરફ એને અફસોસ થઈ રહ્યો હતો કે દેવાર્ય સાથે વૈભવ કેે રાજપરિવારની એક પણ નિશાની મૌજૂદ નહોતી .
એ નિરાશ થયો . એની સામુદ્રિક શાસ્ત્રની પોથી હતી . તેણે એ પોથી એક હાથે પકડી . એ પોથીને જોતો રહ્યો . એ મનોમન બબડ્યો :
‘ આજે આ સામુદ્રિક શાસ્ત્ર સદંતર ખોટું સાબિત થયું . આ પુરુષનાં લક્ષણો અસાધારણ છે . પરંતુ જીવન સાવ સાધારણ છે . આમની પાસે ઐશ્વર્ય હોવું જોઈતું હતું , રસાલો હોવો જોઈતો હતો . આ તો સાવ એકલા અને ખાલીખમ છે . મારો બોધ બેકાર છે . આ પોથી નિરર્થક છે . હું બધે આ પોથી સાથે લઈને ફરું છું . પોથીના જ આધારે સૌને મૂલવું છું , ભવિષ્યકથન કરું છું . આજે સમજાણું કે આ પોથી જ નકામી છે . આ ભ્રામક પોથી ગંગાશરણ થઈ જાય એ જ ઠીક છે . પોથીને અલવિદા . ‘
એણે પોથીવાળો હાથ ઊંચક્યો અને ગંગામાં પોથીનો પ્રહાર કરવાનો નિર્ણય અમલમાં મૂક્યો જ હતો કે પાછળથી એક અવાજ આવ્યો : ` ઉતાવળ ના કરો , ભૂદેવ . ʼ
જોશીએ પાછળ જોયું . એની આંખો અંજાઈ ગઈ . તેને બીજો એક પુરુષ દેખાયો . એ પુરુષનાં માથે મુગટ હતો , ભુજાઓમાં બાજુબંધ હતા , હાથમાં કડાં હતાં , આંગળીઓમાં વીંટી હતી , કેડે કટિબંધ હતો , છાતી પર ઝૂલતા હાર કંઠને વીંટળાયેલા હતા . બધા જ દાગીના નગદ સોનાનાં હતા અને રત્ને મઢેલા હતા . એ દેવરાજ હતા . ઊંચા કદની કાયા હતી . ઓજસ્વી ચહેરો હતો . આંખો દેદીપ્યમાન હતી . જોશી જોતો રહ્યો . એણે પૂછ્યું : આપ કોણ ?
દેવરાજનો જાદુ ગજબ હતો . જોશી – તમે – ન બોલ્યો . જોશી – આપ – બોલ્યો . એ સંમોહિત હતો . એને દેવાર્યમાં જે જોવું હતું તે બધું જ દેવરાજમાં દેખાઈ રહ્યું હતું . એની પોથી આંગળીઓમાં જ અટકેલી રહી . એ અદ્ધર હાથે જ દેવરાજ તરફ ફર્યો .
‘ હું દેવતાઓનો સમ્રાટ છું . શક્ર મારું નામ . શક્રેન્દ્ર . ‘ દેવરાજ બોલ્યા .
‘ ઓહો , હું પુષ્પ . હું સામુદ્રિક શાસ્ત્રી છું . ‘
‘ આ પોથી કેમ હાથમાં છે ? ‘
‘ ના , ના , એ તો . ‘ જોશી બોલી ન શક્યો .
‘ તમે આ પોથીમાં પાણીમાં વહાવી દેવા માંગો છો ? ‘
‘ હા , અં , એવું છે કે . ‘
‘ શું એવું છે ? પોથી નદીમાં ફેંકાતી હશે ? ‘
‘ અરે , મારી વાત તો સાંભળો . ‘
‘ હું તમને જ મળવા આવ્યો છું . બોલો , શું કહો છો ?
જોશી બોલતો ગયો : ‘ એવું થયું કે આ રેતી પરના પગલાં જોઈને મનેં લાગ્યું કે મારી મુલાકાત ચક્રવર્તી મહારાજ સાથે થવાની છે . પણ મેં જોયું કે આ નિર્વસ્ત્ર , નિરાભરણ અને નિષ્પરિવાર છે . આવું કેવી રીતે બની શકે ? મને લાગે છે કે મારું શાસ્ત્ર જ ખોટું છે . ‘
‘ તમારું શાસ્ત્ર ખોટું નથી , ભૂદેવ . તમારા વિચારો ખોટા છે . તમે ઊંધા વિચારોના રવાડે ચડી ગયા છો . તમને મારા દાગીના દેખાય છે . તમે મારું સૌન્દર્ય અને ઐશ્વર્ય જોઈ રહ્યા છો . હું આ નિરાભરણ મહાપુરુષનો દાસ છું . એ મારા ભગવાન્ છે , એ દુનિયાના ભગવાન્ છે ? ‘ દેવરાજ બોલ્યા હતા .
‘ શું કહો છો દેવરાજ ? ‘ જોશી બોલ્યો . એને ભારે અચરજ થયું હતું .
‘ હા , સાચું કહું છું . તમે જેને નિર્વસ્ત્ર સમજો છો તે સાક્ષાત્ દેવાધિદેવ છે . તમે જેને નિષ્પરિવાર સમજો છો તેમની સેવામાં ત્રિલોકના કરોડો ભક્તો સદા સર્વદા સમર્પિત છે . તમને ખબર નથી , ભૂદેવ . આ જગતના નાથ છે . તમારું શાસ્ત્ર સાચું છે . આ ધર્મ ચક્રવર્તી છે . આ પ્રભુને કેવળજ્ઞાન થશે થોડા સમયમાં . પછી જોજો . આખી દુનિયા એમનાં ચરણોમાં ઝૂકેલી જોવા મળશે . અને હા , આ તમારી પોથીને સાચવી રાખજો . તમે આ પોથીનું શાસ્ત્ર વાંચ્યું ન હોત તો તમે આ પરમાત્મા સુધી આવ્યા જ ન હોત . આ પોથીએ તમને પ્રભુનાં દર્શન કરાવ્યા છે . આ પોથીને જીવના જતનથી જાળવજો . તમે માનશો ? તમને દેવાર્યની બાબતે મૂંઝવણમાં છો એ મેં દેવલોકથી જોયું અને ખાસ તમારી મૂંઝવણ ટાળવા જ હું મનુષ્યલોકમાં આવ્યો છું . ‘
દેવાર્યની વાત સાંભળી જોશી ગદ્ગદ થઈ ગયો . એનું જ્યોતિષજ્ઞાન સાચું સાબિત થયું હતું . એની પોથી , એનું શાસ્ત્ર વાસ્તવિક છે એમ સ્વયં ઇન્દ્ર મહારાજા બોલ્યા હતા . એને ફરીવાર દેવાર્યના દર્શન કરવાનું મન થયું . પણ દેવરાજની વાત હજી પૂરી થઈ નહોતી .
‘ તમારી ઝોળી બતાવશો , ભૂદેવ .? ‘ દેવરાજ બોલ્યા . ( ક્રમશઃ )
બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી
હા , તેઓ દેવતા જ હતા . કંબલ સંબલ તેમનું નામ . તેઓ નાગકુમારના દેવ હતા . તેમને દેવતાનો અવતાર મળેલો , જૈન પરિવારનાં કારણે .
દેવતા બન્યા પૂર્વે તેઓ મથુરાના આભીર પરિવારના ગોકુળમાં ગાયની કૂખે વછડાનો જનમ પામ્યા હતા . તેમના માલિકે તેમને બાળવયે જ જિનદાસ શ્રાવક અને સાધુદાસી શ્રાવિકાનાં ઘેર મૂકી દીધા હતા . આ શ્રાવક / શ્રાવિકાએ પશુપરિગ્રહનો ત્યાગ કરેલો હતો . તેમના ઘેર દૂધ – દહીં આભીર પરિવાર પહોંચાડતો . આભીર પરિવારની વહુ એમને દૂધ – દહીં વેંચવા જતી . જિનદાસ બધું જ ખરીદી લેતો . તમારું બધું દૂધ – દહીં અમે ખરીદી લેશું એવો જિનદાસ / સાધુદાસીનો પ્રેમાળ વાયદો હતો . ભરવાડણ રોજ દૂધ દહીં આપવા આવતી તેમાંથી સાધુદાસી સાથે એનો મૈત્રીસંબંધ બની ગયેલો .
એકદા આભીર પરિવારમાં દીકરીનાં લગન હતા . મૈત્રીના દાવે ભરવાડણે જિનદાસ / સાધુદાસીને લગ્નપ્રસંગે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું . એને આવું આમંત્રણ આપવામાં સંકોચ થતો હતો . અલબત્ત , જિનદાસે આમંત્રણ સ્વીકાર્યું નહોતું . પણ એ લગ્ન માટે , દાગીના – કપડાં – વાસણ આદિ મોંઘી સાધન સામગ્રી ખૂબ લાગણીપૂર્વક આપી હતી . આભીર પરિવારનાં લગનમાં જિનદાસ / સાધુદાસીએ આપેલી કિંમતી ચીજવસ્તુઓ એ ડંકો વગાડી દીધો હતો . મહેમાનોએ , જાનૈયાઓએ આભીર પરિવાર પર તારીફની ઝડીઓ વરસાવી દીધી હતી . લગન સરસ રીતે ઉકલી ગયા તે પછી આભીર પરિવારે જિનદાસ / સાધુદાસીને લગનનાં ભેટણાં તરીકે બે બાળવૃષભ આપેલાં . ( આ બે બાળ પશુઓ જ બીજા જનમમાં કંબલ સંબલ બન્યા હતા .) જિનદાસ / સાધુદાસી જો આ બાળપશુઓને સ્વીકારી ન લે તો એ આભીર પરિવારમાં પાછા જાય અને ત્યાં એમને કેવા કેવા કષ્ટો પડે તે કહી શકાય નહીં . બળદ હતા એટલે ખેતીમાં જોતરે , ગાડે બાંધે , ઘાણીમાં ઘુમાવે . એના કરતા ભલે અહીં રહ્યા , એમ વિચારી બાળવૃષભોને જિનદાસ / સાધુદાસીએ ઘેર રાખી લીધા . બેય ઊંચા ધર્માત્મા હતા . ચૌવિહાર કરે . સામાયિક પ્રતિક્રમણ કરે . બાળપશુઓને ધર્મમાં જોડે .
બેય બાળપશુ સમજદાર નીકળ્યા . એ રસપૂર્વક નવકાર સાંભળવા લાગ્યા . અરે , જિનદાસ / સાધુદાસીના રાત્રિભોજનત્યાગને જોઈજોઈને ચોવિહાર સુદ્ધાં કરવા માંડ્યા . સામાયિકમાં સ્વાધ્યાય થતો તે સાંભળતા . પ્રતિક્રમણનાં સૂત્રોને આદર આપતા . જિનદાસ / સાધુદાસીની દરેક ધર્મક્રિયા સાથે જોડાવાની તેઓ કોશિશ કરતા . વૃષભરાજો પાક્કા જૈન બની ગયા .
વખત વીત્યો . પશુબાળો યુવાન થઈ ગયા . જિનદાસ / સાધુદાસી એમને સંતાન જેવું જ વાત્સલ્ય આપતા . એ વૃષભો બળવાન્ બન્યા હતા છતાં જિનદાસ / સાધુદાસીએ તેમને ખેતીમાં , ગાડીમાં , ઘાણીમાં , કૂવાની અરઘટૃીમાં કે બીજે ક્યાંય કામે ન લગાવ્યા નહીં . આરામની જિંદગી આપી . ધર્મના સંસ્કારો આપ્યા .
એકવાર જિનદાસ / સાધુદાસી બહાર ગયા હતા . જિનદાસનો એક મિત્ર , સાવ પૂછ્યા વગર બેય બળદને ભંડીરવનની વૃષભસ્પર્ધા માટે લઈ ગયો . ત્યાં બળદગાડીમાં બેયને બાંધ્યા અને ખૂબ દોડાવ્યા . બે વૃષભો જિંદગીમાં પહેલીવાર બળદગાડી સાથે દોડ્યા . એમની પીઠ પર , ગળા પર અને પગમાં જખમ થઈ ગયા . એમને ઘણો થાક લાગી ગયો , વધારે પડતો થાક . એ મિત્ર બળદોને ઘેર પાછા મૂકીને પાછો જતો રહ્યો . બળદ બિચારા લોથપોથ થઈ ગયા .
જ્યારે જિનદાસ બહારથી આવ્યો , તેણે બળદોની હાલત જોઈ . પરિજનોએ મિત્રની વારદાત જણાવી . જિનદાસને ઘણું દુઃખ થયું . તેણે બળદોને પાણી પાવાની કોશિશ કરી . બળદોએ પાણી ન પીધું . તેણે બળદોને ચારો નીર્યો . બળદોએ ચારાને મોઢું ન લગાડ્યું . જિનદાસ વહાલથી સમજાવતો રહ્યો પણ બળદોએ ચારોપાણી ન લીધા . એ બળદોના ભાવ જિનદાસને સમજાયા . એ વૃષભો જૈનશાસનની ક્રિયાઓને સમજતા હતા , આચરતા હતા . એમનામાં ધર્મની સમજણ હતી . એ વૃષભોના હાવભાવ જણાવતા કે તેઓ અનશન કરવા ચાહતા હતા . જિનદાસે તેમને અંતિમ પચખાણ આપ્યા , નિર્યામણા કરાવી , સમાધિ દાયક શ્રવણ કરાવ્યું . એ વૃષભોનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું . અત્યંત સમાધિપૂર્વક પ્રાણત્યાગ કર્યો હતો તેથી તેઓ નાગકુમારના દેવતા બન્યા .
દેવતા બનતાવેંત તેમનાં સિંહાસન કંપાયમાન થયા હતા . પ્રભુની નાવ પર ઉપદ્રવ આવ્યો છે તેની જાણ તેમને અવધિજ્ઞાનદ્વારા થઈ હતી . તેઓ તત્કાળ વૈક્રિયશક્તિથી પ્રભુ પાસે પહોંચ્યા હતા . એક તરફ , સંબલે દેવાર્યની નૈયાને સ્થિર બનાવીને સામા કિનારે પહોંચાડી દીધી હતી .
બીજી તરફ , કંબલે શું કર્યું હતું ? તેણે પાણીનાં તોફાનનું મૂળ પકડીને તેની પર હુમલો કર્યો હતો . એ પાણીનું તોફાન સુદંષ્ટ્ર નામના દેવે ઊભું કર્યું હતું . તે દેવ પૂર્વભવોમાં ક્યારેક સિંહ હતો . તે વખતે દેવાર્ય , પૂર્વભવોમાંના એક ભવમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ હતા . વાસુદેવે એ સિંહની હત્યા કરી હતી . સુદંષ્ટ્ર દેવ એ પુરાણી ઘટનાને યાદ કરીને દેવાર્ય પર હુમલો કરી રહ્યો હતો . એ ચાહતો હતો કે દેવાર્ય પાણીમાં ડૂબીને નામશેષ બને .
કંબલે સુદંષ્ટ્રને પડકાર્યો . આમ તો સુદંષ્ટ્ર , કંબલ કરતાં વધુ શક્તિશાળી હતો . પરંતુ તેની દેવ અવસ્થાનો અંતિમ સમય ચાલતો હોવાથી તે કમજોર પડી ગયો હતો . કંબલ તાજેતરમાં જ દેવ બનેલો . તેનું ઓજ ઘણું હતું . તેથી સુદંષ્ટ્ર હારી ગયો અને પલાયન થઈ ગયો . પ્રભુની ભક્તિના ભાવ ઊંચા હોવાને લીધે કંબલ જીતી ગયો . ગંગાનાં પાણીનું તોફાન શાંત થઈ ગયું .
પ્રવાસીઓ પ્રભુનો પ્રભાવ જોઈ અહોભાવિત થયા . સૌએ કબૂલ્યું કે આજે તો આપણને દેવાર્યે જ બચાવ્યા છે . બધા દેવાર્યને ખૂબખૂબ વંદના કરી પોતપોતાના રસ્તે નીકળી ગયા . કંબલ સંબલે દેવાર્યની ભરપૂર ભક્તિ કરીને પાતાલલોક તરફ વિદાય લીધી . દેવાર્યે ગંગાનો કિનારો છોડ્યો નહીં . ( ક્રમશઃ )
બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી
હિમાલયમાં ગંગોત્રીનાં સ્થાને ગંગાની ધાર સાવ નાની છે પણ ધીમે ધીમે એ જગદ્-ગંગા બનીને ચારેકોર ફેલાઈ જાય છે . દેવાર્યની નૈયાની ચોતરફ , પાણી એટલું બધું દેખાતું હતું કે જાણે આખો હિમાલય પીગળીને પાણી મોકલી રહ્યો હોય .
ગંગા પાર કરવા માટે ખલાસીઓનાં હલેસાંઓ અવિરત ચાલી રહ્યાં હતાં , લાંબા દાંડાના છેવાડે જાડા પટ હતા તે પાણીને પાછળ ધકેલતા અને નૌકાને આગળ સરકાવતાં . એક કર્ણધાર હતો જે નાવને ચોક્કસ દિશામાં દોરી રહ્યો હતો . બાકી નાવની બેય કિનારીપર પથ્થર જેવા મજબૂત હાથોથી હલેસાં ચલાવનારા ખલાસીઓ હતા . એમને પરસેવાના રેલા ફૂટી રહ્યા હતા .
ગંગાનો ધસમસતો પ્રવાહ નાવને ક્યાંક બીજે ધકેલતો . એની સામે આ ખલાસીઓના હાથ અને હલેસા લડતાં હતાં . ગંગાની તાકાત ઘણી વધારે . પણ ખલાસીઓ કળાત્મક રીતે પાણીની મહાધારાને ચાતરીને સામા કિનારા તરફ નાવ હંકારી રહ્યા હતા . નાવ લગભગ મધ્ય ગંગાએ પહોંચી . પાછળનો કિનારો ઘણો દૂર રહી ગયો હતો અને આગળનો કિનારો પણ એકદમ દૂર દેખાતો હતો . માટીના માર્ગે રથ ભાગે એને માટીનો ધક્કો નથી લાગતો માટે રથ જોરથી ભાગી શકે . પાણીમાં નૌકા ચાલે તેને પાણીના હડસેલા લાગતા હોય છે માટે નૌકા રથની જેમ ઝડપથી ભાગી શકતી નથી .
જોકે , નાવના સઢની કારીગીરી જોવા જેવી હોય છે . નાવની વચોવચ એક ઊભો પ્રચંડ થાંભલો હોય છે . એને કૂવાથંભ કહેવામાં આવે છે . આની પર જાડી જાડી રસ્સીઓના સથવારે મજબૂત , વિશાળ કાપડ બાંધેલું હોય છે . આ કાપડ એટલું જાડું હોય છે કે હવા એની આરપાર નીકળી શકતી નથી . હવાનો ધક્કો આ સઢનાં કાપડને લાગે છે . હવાના ધક્કાનું વજન , કર્ણધાર પારખે છે અને પાણીના ધક્કાનાં વજનની સામે , હવાના ધક્કાનું વજન વધારે કામ કરે એવી કુશળતા એ દાખવે છે . પાણી હારે અને હવા જીતે ત્યારે નાવ સડસડાટ ભાગે છે . જાણે તેજીલો તોખાર . હવા ન હોય ત્યારે પાણીના ધક્કાનું ચડી વાગે છે . ક્યારેક હવાનું વજન વધારે પડતું હોય ત્યારે નાવ ચલાવવાનું કઠણ થઈ જાય . ક્યારેક પાણીનો ધસમસતો વેગ , હવાની ગતિને મહાત આપી દે છે .
નૈયાના કર્ણધાર પર નિર્ભર હોય છે કે નાવની ગતિ કેવી રહેશે ? અત્યારે દેવાર્યની નાવ સમંદર જેવા જળપ્રવાહને વીંધીને આગળ નીકળી રહી હતી . અડધો રસ્તો વીતી ગયો છતાં તોફાન જેવું કશું વર્તાયું નહોતું . પ્રવાસીઓ રાજી હતા .
ત્યાં અચાનક પાણીએ ઉથલો માર્યો . નૈયા હચમચી ઊઠી . નૈયામાં બેસેલા બધા જ પ્રવાસીઓએ સંતુલન ગુમાવ્યું . દરિયામાં ભરતી આવે ને પાણી ઉપર ચડે તે રીતે ગંગાનું જળ ઊંચકાયું . નૈયા ચાલકનો અંકુશ રહ્યો નહીં . હલેસાં બેકાર થઈ ગયાં . આંધીનો ઝાટકો લાગ્યો અને નાવવચાળે રહેલો કૂવાથંભ તૂટી ગયો . નૈયા , કપાયેલા પતંગની જેમ નિરાધાર થઈ ગઈ . નૈયા હાલમડોલમ થવા લાગી . ઘડીકમાં નૈયા એક તરફ ઝૂકતી , ઘડીકમાં બીજી તરફ . પાણી નાવમાં ભરાવા લાગ્યું હતું . પ્રવાસીઓ રીડિયામણ કરવા લાગ્યા હતા . આવું તોફાન ખલાસીઓએ ક્યારેય જોયું નહોતું . ઘૂઘવાતા પાણી જાણે નૈયાને પેટાળમાં ગરક કરી દેવા માંગતા હતા . આજે ગંગાજીએ ચંડરૌદ્ર રૂપ ધારણ કર્યું હતું . જળસમાધિ શબ્દ કેટલો ડરામણો છે તે આજે સમજાતું હતું . એક વાર નાવ પાણીમાં ડૂબે એટલે નદીનાં તળિયે પહોંચી અથડાય . પ્રવાસીઓ ઊંડા પાણીમાંથી બહાર આવી ન શકે , શ્વાસ લઈ ન શકે . ઉપરાંત , નાક-મોઢેથી પાણી શરીરમાં પેસે . શ્વાસ રૂંધાઈ જાય અને બાજી પૂરી .
નિર્મળતા બક્ષનારી ગંગા નિર્દયતા ધારણ કરી રહી હતી . પાણીનું તોફાન ભારે હતું . તરવૈયાઓ તરી પણ ના શકે . આ શું થઈ ગયું ? કલ્પાંત કાળ આવી લાગ્યો હતો જાણે .
ક્ષેમિલ જોશીની આગાહી સાચી પડી હતી . વાવંટોળ આવ્યું જ હતું . અલબત્ , આગાહીનો ઉત્તરાર્ધ દેવાર્ય સાથે પણ જોડાયો હતો . દેવાર્ય આ આફતમાંય અંતનિર્મગ્ન હતા . દેવાર્યની તરફ સૌ આશાભરી નજરે તાકી રહ્યા હતા . નૈયાકંપ એવો હતો કે બેસી શકાતું નહોતું , ઊભા રહેવાનું સંભવિત નહોતું . જળતાંડવ ચરમસીમાએ હતું . અચાનક જાણે દેવાર્યે સૌની પ્રાર્થના સાંભળી હોય એવી ઘટના બની .
નાવ પાણીમાં અટવાઈ ગઈ હતી તે અચાનક સામા કિનારા તરફ સરકી . પાણીમાં તોફાન એવું જ ચાલુ હતું . પરંતુ નાવને એ તોફાન , હવે અડી નહોતું રહ્યું . પાણી ઉછળી રહ્યું હતું . પરંતુ નાવ દેવવિમાનની જેમ નિરાબાધ હતી . બહુ ઝડપથી સામો કિનારો આવી ગયો . નાવ કાંઠે અટકી . પ્રવાસીઓ ઝપાટાભેર જમીન પર ઉતરી ગયા . દેવાર્ય પણ ઉતરી ગયા .
ક્ષેમિલની આગાહી મુજબ જ બન્યું હતું . દેવાર્યને લીધે નૈયા પાર થઈ ગઈ હતી . દેવાર્ય કિનારે આવીને સાવ કાંઠા પર જ ઈર્યાપથિકનાં કાઉસગ્ગમાં ઊભા રહ્યા . દેવાર્ય પર ફૂલો વરસ્યા . દેવાર્ય સમક્ષ વાજિંત્રો વાગ્યાં . દેવાર્ય સમક્ષ બે સ્વરૂપવાન્ યુવાનો નાચવા લાગ્યા . પ્રવાસીઓ જોતા રહી ગયા . આ યુવાનો નાવમાં નહોતા , કિનારે નહોતા . આ યુવાનો ક્યાંથી આવ્યા ? શું આ દેવતા હશે ? (ક્રમશઃ)
બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા
જોકે , સ્થિરતા એને ભારે પડી હતી . દેવાર્ય , દૃષ્ટિવિષ સર્પના રસ્તે ગયા હતા તે જોનારા ગોવાળો દેવાર્યની ચિંતામાં હતા . તેમણે દૂરથી સંભાળીને જોયું કે દેવાર્યને સર્પની દૃષ્ટિજ્વાળાઓ નડી નથી . તે લોકો વધારે નજીક આવ્યા . તેમણે સર્પને જમીન પર પથરાયેલો જોયો . એમને થયું કે આ જીવતો છે કે મરી ગયો ? એમણે દૂરથી સર્પને પથરા માર્યા . સર્પને એ પથરા વાગ્યા . એની કાયા પર જખમ થયા . સર્પ બિલકુલ હલ્યો નહીં .
એ ધારત તો બિલમાંથી મોઢું બહાર કાઢી આગ વરસાવી શકત પણ એ શાંત થઈ ગયો હતો . તેણે સહન કરવાનું નિર્ધારી લીધું હતું . સર્પ હાલ્યો નહીં એટલે ગોવાળો સાપની પાસે આવી ગયા . તેમણે હાથમાં રહેલી લાઠીઓ મારીને સાપને છંછેડવાની કોશિશ કરી . સાપ લાઠી વાગવા છતાંય ન હાલ્યો તે ગોવાળો માટે બહુ મોટી વિસ્મયકારી ઘટના હતી . એ લોકો પોતાની વસતિ ભણી દોડ્યા . એમણે વાત ફેલાવી દીધી કે દેવાર્યે દૃષ્ટિવિષ સર્પને શાંત બનાવી દીધો છે .
વનવાસીઓ અને ગ્રામીણજનો દોડતા આવ્યા . તેમણે જોયું કે સાપ સાચેસાચ શાંત થઈ ગયો છે . એમણે દેવાર્યનું ગૌરવગાન કર્યું અને સર્પને દૈવી અવતાર માનીને સર્પની ઘી થકી પૂજા કરી . મૂર્તિ પર દ્રવ્ય છાંટવાથી મૂર્તિમાં ચીકાશ આવે છે પણ મૂર્તિને પીડા નથી થતી . સર્પ પર દ્રવ્ય નાખવાથી સર્પને પીડા થઈ કેમકે લોકો તો ઘીના છાંટણા કરીને નીકળી ગયા એ ઘીના થપેડા સાપનાં શરીર પર રહ્યા . એની સુગંધથી કીડીઓ ઉભરાઈ પડી . એ જંગલી કીડીઓ સર્પની કાયા પર તૂટી પડી . કીડી કરડે એની બળતરા અસહ્ય હોય છે . એકસાથે સેંકડો કીડીઓ સર્પ પર ફરી વળી . પછી તો કીડીઓની સંખ્યા હજારોની થઈ ગઈ .
સાપ પર લોકો ઘી , દૂધ , દહીંના છાંટણાં કરીને ગયાં હતાં . કીડીઓને સાપનાં શરીર પરથી આ સુગંધ મળી રહી હતી એટલે એ કીડીઓ સર્પની કાયામાં જ સ્વાદ અને આહાર શોધવા લાગી . સાપની કાયામાં છિદ્ર બનાવીને એ છિદ્રમાંથી કાયાની અંદર ઘુસવા લાગી . જંગલની કીડીઓની નાનકડી સૂંઢ જેવી ડંખીલી ઝીણી ચાંચ સાપની કાયાને કાતરવા લાગી . સાપની કાયા પર કીડીઓએ ગણ્યા ન ગણાય એટલા બધા છિદ્ર પાડી દીધા . એક તબક્કે એવું થયું કે કીડીઓ સાપનાં શરીરમાં બનેલા એક છિદ્ર માંથી શરીરની અંદર પેસી જતી અને બીજા છિદ્રમાંથી બહાર નીકળતી . બધી કીડીઓ સાપના શરીરને માટીનો રાફડો સમજીને ખૂની રમતે ચડી હતી . સાપની આખી કાયાની આરપાર નીકળવા માંડી કીડીઓ .
આ નરક જેવી અતિ ભયાનક પીડા હતી . સાપને લાગ્યું કે પોતે શરીરને સહેજ હલાવશે એટલે કીડીઓ બધી દૂર ભાગશે . પણ એને થયું કે મારી કાયા આમતેમ હલશે એનાથી કેટલીય કીડીઓને પીડા થશે , મારે એકપણ જીવને પીડા આપવી નથી . કીડીઓ કરડતી રહી , ડંખતી રહી . સાપ સહેજ પણ સળવળ્યો નહીં .
સાપ ઉપવાસમાં ભૂખ્યો અને તરસ્યો રહ્યો . વળી, એની કાયાને કીડીઓએ ચાળણી જેવું છિદ્રાળુ બનાવી દીધું હતું . પથ્થરના અને લાઠીના ઘાવ હતા . લોહી નીતરતું હતું . પીડા હતી પણ ગુસ્સો ન હતો . કષ્ટ હતું પણ આવેશ નહોતો . આમને આમ પંદર દિવસો વીત્યા . લોકો આવતા રહ્યા . ઘી , દૂધ અને દહીંના છાંટણા કરતા રહ્યા . કીડીઓ આવતી રહી , મુલાયમ સર્પકાયાને સોયની જેમ વાગતી , કરડતી રહી . સાપ , પૂર્વજન્મોની યાદમાં સાધકદશા સંવેદતો રહ્યો અને જૂની ભૂલોનો પસ્તાવો કરતો રહ્યો . દેવાર્યની કૃપાદૃષ્ટિ એની પર બનેલી રહી .
પંદરમા દિવસના અંતે સાપનું આયુષ્ય પૂરું થઈ ગયું . એણે જિંદગીભર પંચેન્દ્રિય વધકનું પાતક આચરેલું . એ મરીને નરકમાં જવાનો હતો . પરંતુ દેવાર્યના સત્સંગથી છેલ્લા પંદર દિવસમાં એને પાપોનો પ્રચંડ પસ્તાવો થયેલો . દેવાર્યના પ્રતાપે એ સહસ્રાર દેવલોકમાં ઉત્પન્ન થયો . ( ક્રમશઃ )
બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા
દેવાર્ય બોલ્યા હતા . સૌપ્રથમ દેવાર્યે સર્પરાજને તેના ત્રણ પૂર્વભવ સંભળાવ્યા હતા . દેવાર્યે પ્રાકૃતભાષામાં બે ગાથા ફરમાવી હતી :
पुव्वभवे जं समणो कोव-विराहिय-समग्ग-सामन्नो ।
कुच्छिय-जोईस-देवत्त-लच्छि-मणुपाविओ मरिउं ।।
तत्तो ईह वणसंडे तापसपुत्तो य जं तुमं जाओ ।
तत्तोविय तिव्वविसो ईण्हिं सप्पत्तणं पत्तो ।। (સંદર્ભ : મહાવીર ચરિયં )
દેવાર્યે કોઈ કથાનાં અલગ અલગ પ્રકરણોનાં નામ સંભળાવી દીધાં હતાં . એ કથા કોની છે ? સર્પ વિચારતો રહ્યો રહ્યો . સર્પને દેવાર્યની ભાષા સમજાઈ હતી . છેલ્લું પ્રકરણ સાપની કથા કહેતું હતું . તે પૂર્વેનું પ્રકરણ એક તાપસની કથા વર્ણવતું હતું . તે પૂર્વેનું પ્રકરણ એક જ્યોતિષ્ક દેવતાની કથા સંભળાવતું હતું . અને તે પૂર્વેનું પ્રકરણ એક તપસ્વી મહાત્માની કથા સુણાવતું હતું . સર્પ એક એક પ્રકરણને સમજવાની કોશિશ કરતો હોય એવું લાગ્યું . એ શાંત બની ગયો હતો . એ અવાક્ થઈ ગયો હતો . એને લાગવા માંડ્યું કે તે પ્રકરણની કથાઓ સાથે એનો કોઈ નજદીકી નાતો છે . એ વિચારતો રહ્યો . પ્રાચીન ગ્રંથનાં પાનાઓ ખૂલતાં હોય તેવું કશુંક , એ સર્પે અનુભવ્યું . પ્રગાઢ ઊંઘમાં લાંબું સપનું દેખાય તે રીતે સર્પને એ પ્રકરણોની કથા નજર સામે દેખાવા લાગી . સર્પને પહેલાં ગભરામણ થઈ , બેહોશી જેવું લાગ્યું . ધીમેધીમે સર્પને સમજાયું કે દેવાર્ય જે બોલ્યા હતા તે બીજા કોઈની કથા નહોતી બલ્કે એની પોતાની જ આત્મકથા હતી . સર્પને જાતિસ્મરણ લાધ્યું હતું . દેવાર્યની કૃપાથી એને પોતાના ત્રણ પૂર્વજન્મો યાદ આવી ગયા હતા . એમ સમજો કે દેવાર્યે તેને જાતિસ્મરણ જ્ઞાન આપ્યું હતું . સર્પ આશ્ચર્ય અને આઘાતથી દેવાર્યને જોતો રહી ગયો હતો . તેને સમજાયું કે આ સાધક છે , આ સિદ્ધપુરુષ છે , આ મહાજ્ઞાનના ધણી છે .
તે પછી દેવાર્યે ક્રોધપરિહારનો ઉપદેશ પણ આપ્યો હતો : ता भद्द एत्तो वि मुंच कोहं | एसो हि विग्घभूओ परम सुह-संपयाणं , पडिखलण-मल्लो कल्लाण-वल्लीणं , महा-पडिवक्खो पवर-विवेयस्स , जलणो कुसलाणुट्ठाण – वणसंंडस्स , जणओ दुग्ग-दुग्गइ-पडणस्सत्ति | सव्वहा अलमेत्तो कोहाणुुधेणंति | ( સંદર્ભ : મહાવીર ચરિયં )
દેવાર્યે જે કહ્યું તેનો સારાંશ એટલો હતો : ક્રોધ કરવામાં કોઈ ઔચિત્ય નથી . તું ક્રોધ કરવાનું છોડી દે .
સર્પને આ ઉપદેશ સ્પર્શી ગયો હતો . એ સર્પને ખબર નહોતી કે દેવાર્યે એની માટે મૌનવ્રતની ઉપેક્ષા કરી હતી . એ સર્પને એ પણ ખબર નહોતી કે દેવાર્યે જે રીતે એને ઉપદેશ આપ્યો તે રીતે આજસુધી બીજા કોઈને ઉપદેશ આપ્યો નહોતો . દેવાર્યની વાણી દેવતાઈ હતી . એનાં શ્રવણથી સર્પનું ઝેર મરી પરવાર્યું હતું . હવે જે સર્પ બચેલો તે નરદમ સાધનાપ્રેમી જીવ હતો . પૂર્વનો સંસ્કારી , સૌમ્ય અને સમજદાર ગૌભદ્ર જાણે જાગી ઊઠ્યો હતો . તેણે દેવાર્યને ત્રણ પ્રદક્ષિણા આપી હતી .
દેવાર્ય એની હલચલ જાણતા હતા . દેવાર્યને સમજાયું કે આ હવે દૃષ્ટિ જ્વાળાઓથી અને ડંખવાથી દૂર થઈ ચૂક્યો છે . દેવાર્યને એની ભાવના સમજાઈ રહી હતી . એ સર્પ ઉપવાસ કરવા માંગતો હતો , એકાદ ઉપવાસ નહીં , આજીવન ઉપવાસ : અનશન . એને જીવવું નિરર્થક લાગતું હતું હવે . જો જીવવું હોય તો શિકાર કરવા જ પડે . દેવાર્યનાં પ્રતાપે એની હિંસકવૃત્તિ ખાખ થઈ ચૂકી હતી . જાતિસ્મરણ થયું એને લીધે ઉપવાસ કેવી રીતે કરવો તે બરોબર ધ્યાનમાં આવી ગયું હતું . દેવાર્યને એની આ ભૂમિકાનું આકલન હતું .
સર્પને આલંબન સારું મળ્યું નહોતું ત્યારસુધી એ દુષ્ટ હતો . સારું આલંબન બનીને સ્વયં દેવાર્ય પધાર્યા હતા . સર્પે આ પરમ આલંબનનો વિવેકવિહોણો વિરોધ કર્યો હતો . એ વિરોધ નિષ્ફળ ગયો એ પછી દેવાર્ય નામનાં આલંબને પ્રભાવ પાથર્યો હતો . જો આલંબન હાજર રહે તો સર્પ પર પ્રભાવ બનેલો રહે . એને ટેકો મળેલો રહે અને એની અંતરંગ શુદ્ધિ વધતી રહે . દેવાર્ય ત્યાંથી તે દિવસે સાંજે અથવા બીજા દિવસે સવારે વિહાર કરી શકતા હતા . દેવાર્યે ન કર્યો વિહાર . સર્પની અણબોલ વિનંતીને દેવાર્યે વત્સલ પ્રતિભાવ આપ્યો હતો . દેવાર્ય ત્યાં જ રોકાયેલા રહ્યા . સર્પને દેવાર્યની ઉપસ્થિતિ થકી બળ મળ્યું હોય તેવું પરાક્રમ એનામાં જોવા મળ્યું .
સર્પે આહારનો ત્યાગ કર્યો . સર્પે હલનચલનનો પણ ત્યાગ કર્યો . સર્પે પોતાનું મોઢું રાફડાનાં છિદ્રમાં છુપાવી દીધું . એ મોઢું જ દૃષ્ટિજ્વાળા અને ઝેરનું આક્રમણ કરતું . એ મોઢું બહાર જ ન હોય એનો અર્થ એ થાય કે હવે દૃષ્ટિજ્વાળાઓ થંભી ગઈ છે .
સર્પના ઉપવાસ અને દેવાર્યના ઉપવાસ સાથેસાથે ચાલુ રહ્યા . સર્પ જોતો કે દેવાર્ય સ્થિર છે . એમાંથી એને સ્થિર રહેવાની પ્રેરણા મળી હતી . (ક્રમશઃ)
બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા
દૃષ્ટિવિષ સર્પનો રોજીંદો ક્રમ હતો . એ વારંવાર જંગલમાં ફરવા નીકળતો . ત્રણ ચક્કર સવારે લગાવતો . ત્રણ ચક્કર બપોરે લગાવતો . ત્રણ ચક્કર સાંજે લગાવતો . એ દરમ્યાન , એને કોઈ જંગલમાં આવતું કે રખડતું પ્રાણી દેખાય એનો એ શિકાર કરતો . આ જંગલમાં કોઈ કાયમી રહેઠાણ બનાવી લે તે સર્પને મંજૂર નહોતું . જેમ અચ્છંદકનો કબજો હતો મોરાક સંનિવેશ પર , અને દેવાર્યના આગમનથી અચ્છંદકની સત્તા પર આફત આવી હતી તેમ આ કનકખલ આશ્રમની આસપાસ આ સર્પનું આધિપત્ય બનેલું હતું તેમાં દેવાર્યને લીધે ખલેલ ઊભી થઈ હતી . સર્પે દેવાર્યને જોયા . એની આંખમાં ગુસ્સો આવ્યો . સૂરજનો તડકો ચડેલો હતો . એની આંખ એ તડકામાં કાંચની ગોટીની જેમ ચમકી . એણે પળવાર સૂરજની સામે જોયું અને પછી દેવાર્યની તરફ નજર કરી .
આગના ગોળા જોવા મળે . આગના ફુવારા જોવા ન મળે . સર્પની આંખમાંથી ફુવારાની જેમ એવી આગ નીકળવા માંડી કે જાણે જ્વાળામુખી ઉભરાતો હોય તેવું લાગ્યું . એ ઉડતી આગ હતી . એ વહેતી આગ હતી . મોઢામાંથી પિચકારી મારો એ જેમ દૂર સુધી ઉડે તે રીતે આ આગની પિચકારી હતી . રીતસરના ભડકાઓનો ધોધ સર્પની આંખમાંથી નીકળ્યો અને એ તીરવેગે દેવાર્યની કાયા પર અફળાયો . સર્પને લાગ્યું કે હમણાં આ માણસ સળગીને ખાખ થઈ જશે . પરંતુ એવું કાંઈ બન્યું નહીં . હિમાલયની ચટ્ટાન પર જેમ ભડભડતી મશાલ અફળાય અને ઓલવાઈ જ જાય તેમ સર્પની દૃષ્ટિજ્વાલા દેવાર્યને ટકરાઈને ઠરી ગઈ . દેવાર્ય બળ્યા નહીં , દાઝ્યા નહીં . સર્પને ભયાનક આશ્ચર્ય થયું . તેણે ફરીથી સૂર્ય સામે જોયું . એની તગતગતી આંખોમાંથી ફરીવાર અગન રેખા ફૂટી નીકળી . તીરની જેમ એ દેવાર્ય સાથે અથડાઈ . અને ફરી વખત એ આગ બુઝાઈ ગઈ . દેવાર્યને એની કશી જ અસર ના થઈ . સર્પ માટે આ પહેલો અનુભવ હતો . એને વધારે ગુસ્સો ચડ્યો . એણે ફરીવાર સૂરજની સામે જોયું અને દેવાર્ય પર આગ વરસાવી . એ આગ ફરીથી ઓલવાઈ ગઈ . સર્પ વારંવાર આગના ભડકા ફેંકતો રહ્યો . દેવાર્ય જાણે બરફની ગંજાવર દીવાલ જેવા હતા . આગ એમને અડીને ઠરી જ જતી . સાપ હેબતાઈ ગયો . એની દૃષ્ટિજ્વાલા નિષ્ફળ નીવડી હતી .
કોણ છે આ માણસ ? સર્પે વિચાર્યું હતું સર્પને પોતાની દૃષ્ટિજ્વાળાની વિફળતા સમજાઈ રહી નહોતી . એની પાસે બીજું હથિયાર હતું . એ ઝેરીલો ડંખ મારી શકતો હતો .
એ દેવાર્યની એકદમ નજીક આવ્યો . દેવાર્ય અર્ધનિમિલિત નયનોથી કાઉસગ્ગ કરતા . દેવાર્યને જોવું ન હોય તો એ કશે ધ્યાન આપ્યા વગર અંતર્લીન રહેતા . દેવાર્ય ધારે તો પગ પાસે આવેલા સર્પને જોઈ શકે તેવી પરિસ્થિતિ હતી . દેવાર્યે સર્પને જોયો હશે કે કેમ ? ખબર નથી . સર્પે ડંખ મારવાનું વિચાર્યું હશે તેનો અંદાજ દેવાર્યને હશે કે કેમ ? ખબર નથી . ખબર એટલી છે કે દેવાર્યને ઝેર ચડવાનું નહોતું . કેમકે દેવાર્ય સ્વયં અમૃતમય હતા . દેવાર્યને જે ડંખે તેનું ઝેર ઉતરી જાય એ બની શકે . સાપ કરડે તો ઝેર ચડે એવું કહેવાતું આવ્યું છે . જે દેવાર્યને અડે તેને અમૃત ચડે એવું બનવાનું હતું .
સર્પે ડોક પાછળની તરફ ઝૂકાવીને પછી પોતાનું મોઢું , દેવાર્યના અંગૂઠા પર પટકીને ચાંપી દીધું . એના સોઈ જેવા તીણા દાંત દેવાર્યના અંગૂઠામાં પેઠા . દેવાર્યની ત્વચામાં છિદ્ર બની ગયા . એ છિદ્ર પર સર્પે પોતાની ઝેરીલી લાળ રેડી દીધી . દેવાર્યની કાયામાં દૃષ્ટિજ્વાલાધારી સર્પનાં ઝેરે પ્રવેશ કર્યો . સર્પને પોતાનાં ઝેરની તાકાત ખબર હતી . એ પાછળ સરકી ગયો . એને એમ હતું કે આ માણસ હમણાં નીચે પડશે . પણ એ જેને માણસ સમજતો હતો તે દેવાર્ય હતા . એમને ઝેર અડ્યું પરંતુ નડ્યું નહીં . એ ઊભા જ રહ્યા . સર્પે ફરીથી ડંખ માર્યો . એ ફરીથી દૂર સરકી ગયો . એને એમ લાગતું હતું કે દેવાર્ય એની પર પડશે અને એ દબાઈ જશે . દેવાર્ય પડ્યા જ નહીં . વારંવાર ડંખ દીધા . બધાય નિષ્ફળ ગયા .
સર્પ હારી ગયો . એની દૃષ્ટિજ્વાળાઓ પણ વ્યર્થ ગઈ અને ડંખ પણ બેકાર ગયા . એનો આત્મવિશ્વાસ મરી પરવાર્યો . એનામાં આક્રમણ કરવાનું ઝનૂન જ ન રહ્યું . એની મનોદશા પર અદ્વેષની ઘેરી છાયા ફરી વળી .
દેવાર્યે આ જોયું : દેવાર્ય અત્યાર સુધી મૌન હતા . પણ હવે દેવાર્યે મૌન ત્યજી દીધું . તેઓ વત્સલ સ્વરોમાં બોલ્યા : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા .
ઝેરીલા સર્પે પોતાની જિંદગીમાં સૌ પ્રથમ વાર ચંડકૌશિક શબ્દ સાંભળ્યો . એને અટપટું લાગ્યું . બુજ્ઝ આ શબ્દમાં પણ હૂંફ હતી . લોકો સર્પને જોઈને રાડ પાડતા , ગાળો બકતા , ભયાકુળ ચિત્કાર કરતા . સર્પે આવો ડર અને આવો દ્વેષ જ જોયો હતો . દેવાર્યમાં એવો ડર ન દેખાયો , એવો દ્વેષ ન દેખાયો . સર્પની લપેટમાં આવેલા લોકો મરતા એટલે મરતા જ . દેવાર્ય કંઈ માટીના ઘડ્યા હતા કે એમનો નખ પણ ના બળ્યો . સર્પ અભિભૂત થઈ ગયો . એને મહેસૂસ થયું કે દેવાર્ય પરાજેય નથી અને દુશ્મન પણ નથી .
દેવાર્ય બોલતા રહ્યા , સર્પ સાંભળતો રહ્યો . (ક્રમશઃ)
બીજા વરસનું કથાનક : મહાસર્પના ત્રણ પૂર્વભવોની યાત્રા
ગૌભદ્ર ઉતાવળે પોતાનાં ગામે પહોંચ્યો . ઘરઆંગણે આવીને તેણે જોયું તો ઘરના દરવાજા બંધ . આંગણું વેરાન . તેને જોઈ પાડોશીઓ ભેગા થયા . તેને એક પાડોશીએ પ્રેમથી જમાડ્યો . એ જમવા તૈયાર નહોતો . પાડોશીએ કહ્યું કે તારી પત્ની પિયર ગઈ છે , તું જમી લે . એ જમ્યો . તે પછી પાડોશીએ સંભાળીને કહ્યું કે તારી પત્નીને પેટમાં શૂળ થઈ ગયું . તારી કોઈ ખબર હતી નહીં . અમે લોકો ઉપચાર કરીએ એટલામાં એનું આયખું પૂરું થઈ ગયું . અમે ના છૂટકે અગ્નિસંસ્કાર કરી લીધા . તું ગયો તે પછી થોડા જ સમયમાં આ બન્યું .
ગૌભદ્ર પોક મૂકીને રડ્યો હતો . પત્ની માટે અને એક નાનકડા જીવ માટે એ ઘણું બધું કમાઈને આવ્યો હતો . પણ કમાયેલું બધું બેકાર પડ્યું રહ્યું હતું . એ સંસારમાં એકલો પડી ગયો હતો . પાડોશીએ સાંત્વના આપી . એણે પોતાનું ઘર ખોલ્યું . પરાણે રહેવા લાગ્યો ઘરમાં . થોડો સમય વીત્યો . પાડોશીઓએ તેને બીજીવાર લગ્ન કરી લેવા સમજાવ્યું . એ ન માન્યો . એનું મન સંસાર પરથી ઊઠી ગયું હતું .
થોડા સમય પછી તે ગામમાં શ્રી ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજા પધાર્યા . તેમની દેશના સાંભળી ગૌભદ્રે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો . પોતાની પાસે રત્નો અને બીજી મૂલ્યવાન્ વસ્તુઓ હતી તે વેચી દીધી . એમાંથી જે પૈસા આવ્યા એનાથી ગરીબોને , પશુઓને ભરપૂર ભોજન આદિ આપીને એક શુભદિને દીક્ષા લીધી . આચાર્ય ભગવંતની સાથે પાંચસો સાધુ હતા .
ગૌભદ્ર મુનિ પાંચસો એકના ક્રમે બિરાજીત થયા . ખૂબ વૈયાવચ્ચ કરતા . પ્રતિભાશાળી હતા , પ્રચંડ જ્ઞાન ઉપાર્જ્યું . તપસ્યાઓ કરતા જ રહેતા . વરસો વીત્યાં . કાયાને સાધનાની આદત પડી ગઈ તે પછી માસક્ષમણ જેવા ઉગ્ર તપ પણ કરવા લાગ્યા . સમુદાયમાં ગૌભદ્ર મુનિનું સ્થાન ગૌરવરૂપ બની ગયું .
કોઈ મોટો લેખક , રોમાંચક નવલકથા લખી શકે તેવી ઘટનાઓથી ભરપૂર જીવનકથા હતી એમની . પણ એક દિવસ એવી ગડબડ થઈ કે અત્યાર સુધીનો ઘટના ક્રમ જાણે ભુલાઈ જ ગયો .
દેવાર્ય એ ઘટના જાણતા હતા . ગૌભદ્ર મુનિને ગોચરી લેવા જવાનું હતું . સાથે એક બાળ સાધુને લઈને તેઓ નીકળ્યા . વરસાદની મૌસમ હતી . પાછા વળતા રસ્તામાં ઘણી દેડકીઓ કૂદતી દેખાઈ . સાવધાન હોવા છતાં ગૌભદ્રમુનિના પગતળે એક દેડકી આવી ગઈ . આવી વિરાધના ક્યારેય થઈ ન હતી , ગૌભદ્રમુનિનો જીવ દ્રવી ઉઠ્યો . એ જ વખતે સાથે રહેલા બાળમુનિ બોલ્યા : આ વિરાધના થઈ છે , જુઓ . ગૌભદ્ર મુનિ તપથી શ્રાંત હતા . પોતે જે જાણતા હતા તેની જ શિખામણ બાળમુનિએ આપી હતી એવું એમને લાગ્યું .
તેમણે ખોટી રીતે જવાબ આપ્યો : આ રસ્તા પર આટલી બધી દેડકીઓ મરેલી પડી છે . શું બધાની વિરાધના મેં જ કરી છે ? ‘
બાળમુનિ ચૂપ થઈ ગયા . મકાને પહોંચ્યા . સાંજે પ્રતિક્રમણની વેળાએ ફરીથી બાળમુનિએ સવારવાળી વિરાધનાની આલોચના કરી લેવાની સૂચના આપી . ગૌભદ્ર મુનિ પોતે આલોચના કરવાના જ હતા . આ રીતે એમને બાળમુનિએ કહ્યું તેને લીધે એમને ગુસ્સો આવી ગયો . સાંજનું અંધારું ઉપાશ્રયમાં ફરી વળ્યું હતું . જે દિશામાંથી બાળમુનિનો અવાજ આવ્યો એ તરફ ગૌભદ્ર મુનિ ધસી ગયા . એ બાળમુનિને ઠપકારવા માંગતા હશે . પણ અધવચ્ચે જ એમનું માથું એક થાંભલા સાથે ભટકાયું . થાંભલો વચ્ચે આવી ગયો તે અંધારામાં સમજાયું નહીં અને ગૌભદ્રમુનિ થાંભલા સાથે જોરથી અથડાઈ ગયા . માથું ફાટી ગયું . ત્યાંને ત્યાંજ તે ધરતી પર ઢળી પડ્યા . સહવાસી આત્માઓ પાસે આવ્યા એટલી વારમાં ગૌભદ્રમુનિનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું . સાધના એવી હતી કે બાર દેવલોકમાં કે નવ ગ્રૈવેયકમાં જન્મ મળે . આ ક્રોધે સાધનાનું પુણ્ય કમજોર બનાવી દીધું . ગૌભદ્ર મુનિ બીજા ભવમાં જ્યોતિષ્ક કક્ષાના સામાન્ય દેવ બન્યા . અરબો રૂપિયા મળવા જોઈતા હતા ત્યાં થોડાક લાખ જ મળ્યા . (ક્રમશઃ)
બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા
સિદ્ધપુરુષ અને ગૌભદ્ર બનારસના રસ્તે આગળ ચાલ્યા . ગૌભદ્રે ચંદ્રલેખા સાથે વિલાસ પ્રવૃત્તિ નથી કરી તે જાણ્યા બાદ સિદ્ધપુરુષે , પોતે બ્રહ્મચર્ય ન પાળ્યું તેનો રંજ અનુભવ્યો હતો . ગૌભદ્રે એમ જ કહ્યું હતું કે મારે તો બનારસની યાત્રા ન થાય ત્યાર સુધી બ્રહ્મચર્ય પાળવાનું હતું એટલે મેં ચંદ્રલેખાને પ્રતિભાવ ન આપ્યો . આમ કહીને ગૌભદ્રે ચંદ્રલેખાને સિદ્ધપુરુષના ખૌફથી બચાવી લીધી હતી . બેય બનારસ પહોંચ્યા . સૌથી મોટી , મંદિરોની નગરી બનારસ . તેઓ ઘણા મંદિરોમાં ફર્યા . છેવટે ગંગાકિનારે નહાવા પહોંચ્યા . સિદ્ધપુરુષે ગૌભદ્રને કિનારે બેસવા કહ્યું . પોતાનું મહાચમત્કારી રક્ષાવલય હાથ પરથી ઉતારીને તેણે ગૌભદ્રને આપ્યું , ‘ હું હમણાં પાછો આવું છું . ‘ એમ કહીને એ ગંગાના અગાધ જળમાં પ્રાણાયામ સાથે ધ્યાન કરવા અંદર સરકી ગયો . સિદ્ધપુરુષ ઘણાવખત સુધી પાછો ન આવ્યો .
ગૌભદ્રને ડર લાગ્યો . તેણે ગંગાકિનારે રહેલા નિવાસી લોકોને તપાસ કરવા વિનંતી કરી . ઘણી તપાસ થઈ . સિદ્ધપુરુષ ન પાણીમાં મળ્યો , ન કોઈ કિનારે . લોકોએ કહ્યું : ગંગા ભરખી ગઈ તારા મિત્રને . ગૌભદ્ર વિલાપ કરવા લાગ્યો . તેણે ખુદ ગંગામાં કૂદી આત્મહત્યા કરવાનું વિચાર્યું : પણ લોકોએ એને અટકાવ્યો અને સમજાવ્યો . એણે આત્મહત્યા કરવાનું માંડી વાળ્યું . મિત્ર વિના એને બનારસમાં ગમ્યું નહીં . એ તો બનારસ રહેવા અને કમાવા માટે આવ્યો હતો . પણ એનું મન ઊઠી ગયું . એણે બેત્રણ દિવસમાં બનારસ છોડી દીધું .
એ જાલંધર પહોંચ્યો . ચંદ્રલેખાનું સરનામું લોકો પાસેથી મેળવીને એ પોતાની માનેલી બહેનના દરવાજે પહોંચ્યો . વિશાળ મહેલ જેવું ઘર બંધ હતું . એણે વારંવાર અવાજ આપ્યો . પણ કોઈ જવાબ આવ્યો નહીં , દરવાજો પણ ખૂલ્યો નહીં . એણે જોરથી બૂમો પાડી . જવાબમાં બાજુના મકાનમાંથી અવાજ આવ્યો . કોઈ જાણીતો પુરુષસ્વર એને તે મકાનમાં આવવાનું કહી રહ્યો હતો . તે મકાનમાં ગૌભદ્ર ગયો . ત્યાં એને સિદ્ધપુરુષ દેખાયો . ગૌભદ્ર એકદમ ખુશ થઈ ગયો . મિત્ર મર્યો નથી તેનો હરખ . એને દોરીઓથી મુશ્કેટાટ બાંધી રાખવામાં આવ્યો હતો . એણે સિદ્ધપુરુષને પૂછ્યું કે આ શું ?
સિદ્ધપુરુષે જણાવ્યું કે તને રક્ષાવલય આપી હું પાણીમાં કૂદ્યો . ત્યાંથી મારું અપહરણ થયું . આ ચંદ્રકાંતા અને ચંદ્રલેખાએ મને બાંધી લીધો અને અહીં લાવી મૂક્યો . મેં એમની સાથે જબરદસ્તી કરી હતી એનો બદલો લેવા તેમણે આમ કર્યું . તું મને બંધનમુક્ત કર . મારું રક્ષાવલય તારી પાસે છે તે પાછું મારા હાથે બાંધી દે . રક્ષાવલય મને નિર્ભય બનાવી દેશે .
ગૌભદ્રે રક્ષાવલય સિદ્ધપુરુષને પાછું આપી દીધું . એને બંધન મુક્ત કર્યો . મિત્રતાના દાવે તેણે વચન લીધું કે કોઈ ઝગડો કરવાનો નથી જોગિણીઓ સાથે . સિદ્ધપુરુષ સહમત થયો . આ પછી ગૌભદ્ર ચંદ્રલેખાના ભવન તરફ ગયો . બંને બહેનો થોડીવાર પહેલાં આવી પહોંચી હતી . તેમણે ગૌભદ્રને જોયો , અત્યંત આદરથી વધાવ્યો . ખબરઅંતર અરસપરસ પૂછવામાં આવ્યા . ચંદ્રલેખાએ જણાવ્યું તે મુજબ ચંદ્રકાંતાનું બ્રહ્મચર્ય સિદ્ધપુરુષે ભ્રષ્ટ કરી દીધું હતું તેથી તે કોઈ સાધના કરી ન શકી પરંતુ ગૌભદ્રે ચંદ્રલેખાનું બ્રહ્મચર્ય બાધિત કર્યું નહોતું તેથી તેણી સાતદિવસની સાધના સફળતાપૂર્વક કરી શકી . તેને સ્વયંપ્રભા વિદ્યા સિદ્ધ થઈ . તુરંત જ તેણીએ સિદ્ધપુરુષનું અપહરણ કર્યું હતું . રક્ષાવલય વિના એ નદીમાં ઉતર્યો એ કારણે એને પકડવાનું સરળ હતું . સિદ્ધપુરુષને કાલી ચૌદસે બલિ બનાવવાનો જોગિણીઓનો પાક્કો સંકલ્પ હતો .
ગૌભદ્રે સિદ્ધપુરુષને જોવાની ઈચ્છા વ્યક્ત કરી . બેય બહેનો ગૌભદ્રને ત્યાં લઈ ગઈ જ્યાં સિદ્ધપુરુષને બાંધી રાખ્યો હતો . પણ સિદ્ધપુરુષ બંધનમુક્ત હતો અને એની ભુજા પર રક્ષાવલય હતું , આ જોઈ બેય બહેનો ગભરાઈ ગઈ . અલબત્ત , સિદ્ધપુરુષે આક્રોશ કે આક્રમણની કોઈ વાત ન કરી . ગૌભદ્રને પહેલીજ વાર મળ્યો હોય તેવો ડોળ કર્યો તેણે .
ગૌભદ્રે સિદ્ધપુરુષ સાથે ગાઢ મૈત્રી બનાવી હતી અને બેય જોગિણીઓ સાથે ઊંડો સ્નેહાનુબંધ રચ્યો હતો . તેણે ત્રણેયને ખૂબ લાગણીપૂર્વક સમજાવીને ક્લેશને રોકી દીધો . ગૌભદ્ર હોય નહીં તો એક ખૌફનાક સંઘર્ષ થયા વિના રહે જ નહીં એવી પરિસ્થિતિ હતી . ગૌભદ્રે સંઘર્ષને ઉગતાપૂર્વે ડામી દીધો . દુશ્મનીનું વાતાવરણ રહ્યું નહીં .
સિદ્ધપુરુષ ત્યાંથી નીકળી રહ્યો હતો તે વખતે ગૌભદ્રે તેનાથી બીજું વચન લીધું . સિદ્ધપુરુષે વર માંગવા કહેલું . ગૌભદ્રે કહેલું કે મહિલાઓના વ્યાસંગની અસત્ આકાંક્ષાઓથી મુક્ત બની જાઓ . ગૌભદ્રે પોતાના સ્વાર્થનું કશું માંગ્યું નહોતું . તે જોઈને સિદ્ધપુરુષે કામ – અપરાધવૃત્તિનો ત્યાગ કરવાનું વચન આપ્યું . કેટલીય મહિલાઓની ઈજ્જતની સુરક્ષા નિશ્ચિત કરીને ગૌભદ્રે સિદ્ધપુરુષને વિદાય આપી .
ત્યારબાદ એ થોડો સમય ચંદ્રલેખાની સાથે રહ્યો . ચંદ્રલેખાએ તેને રત્નો તેમજ અન્ય મૂલ્યવાન્ વસ્તુઓ ભેટમાં આપી . ગૌભદ્રની ગરીબી આ રીતે ખતમ થઈ . કોઈ પરીકથા જેવો ઘટનાક્રમ સમાપ્ત થયો . (ક્રમશઃ)
બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા
દેવાર્ય આ સર્પના પૂર્વભવોને જાણતા હતા . દેવાર્યને આ સર્પમાં એક ભવ્ય આત્મા દેખાતો હતો . એનો ઉદ્ધાર કરવા માટે દેવાર્ય કનકખલ આશ્રમ આવ્યા હતા . દેવાર્ય જે જોઈ શકતા તે સર્પ જોઈ શકતો ન હોતો . સર્પ જે સમજી શકતો નહોતો તે દેવાર્યને સમજાતું હતું . સર્પ પોતાનો અતીત ભૂલી ચુક્યો હતો . શું હતો એ અતીત ? એ અતીત ગજબ હતો . એ ચાર જનમોની કથા હતી . ત્રણ પૂર્વભવ અને એક વર્તમાન ભવ .
(૧)
પ્રથમ જનમની કથામાં આ સર્પ , બ્રાહ્મણ હતો . એનું નામ હતું ગૌભદ્ર . એની પત્નીનું નામ હતું શિવભદ્રા . ગૌભદ્ર વિદ્યાવાન્ , કલાનિધાન અને પરગજુ હતો . પણ એનાં નસીબમાં પૈસાનું સુખ નહોતું . એ ઓછા પૈસે પણ આત્મસંતુષ્ટ હતો . એ શ્રીમંતોને જોતો અને વિચારતો કે
‘ આ લોકો પૈસાની પાછળ મંડ્યા રહે છે , આ લોકો જિંદગીને માણી નથી શકતા . બસ , પૈસાની ખાતર ઘરની – પરિવારની અને શરીરની ઉપેક્ષા કરતા રહે છે . આવી જિંદગીનો શો મતલબ છે ? ‘
એને પૈસા બનાવવાનો શોખ જ નહોતો .
એકવાર શિવભદ્રાએ ગૌભદ્રને કહ્યું હતું કે ‘ હું ગર્ભવતી છું . ‘ ગૌભદ્ર ખુશખુશાલ થઈ ગયો હતો . પત્નીએ કહ્યું હતું કે , ‘ અત્યાર સુધી આપણે ઓછા પૈસે ચલાવતા હતા તે ઠીક છે . હવે આ ઘરમાં નવો મહેમાન આવવાનો છે . એની માટે તો ઘણી કમાણી કરવી પડશે તમારે . હવે એમનેમ બેઠા રહેશો એ નહીં ચાલે .
ગૌભદ્રને શિવભદ્રાએ શ્રીમંતોની પાસે જઈને દક્ષિણા માંગવાનું કહ્યું . ગૌભદ્ર આ રીતે ભીખમંગો બનવા તૈયાર નહોતો . શિવભદ્રાએ ગૌભદ્રને બનારસ જવા કહ્યું , બનારસમાં ગંગાકિનારે બેસીને હિંદુ વિધિવિધાન કરાવવાનું કહ્યું . ગૌભદ્ર તૈયાર થઈ ગયો . તે બનારસ જવા નીકળ્યો . અડધે રસ્તે એને એક સિદ્ધપુરુષે જોયો . એણે ગૌભદ્રને નામ દઈને બોલાવ્યો . ગૌભદ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો . એ સિદ્ધપુરુષ પાસે બેઠો . સિદ્ધપુરુષે એનો ઈરાદો અને કાર્યક્રમ જાણી લીધો અને ગૌભદ્રને જણાવી પણ દીધો . હવે તો ગૌભદ્ર સિદ્ધપુરુષ સમક્ષ અવાચક બની ગયો . કમાલ એ થઈ કે સિદ્ધપુરુષે ગૌભદ્રને પોતાની સાથે આવવા જણાવ્યું . ગૌભદ્ર તૈયાર થઈ ગયો સાથે જવા . બંને જંગલના માર્ગે જઈ રહ્યા હતા . રસ્તામાં થાક ચડ્યો , ભૂખ લાગી . બેય બેઠા . સિદ્ધપુરુષે કશોક જાપ કર્યો એવું ગૌભદ્રને લાગ્યું . અને તુરંત વૃક્ષની પાછળથી જમવાની રસોઈ વાસણોમાં આવી અને સાથે થાળી વાટકા પણ આવ્યા . રસોઈ કોણે બનાવી , કોણે મોકલી એ પૂછવાનું હતું નહીં . સિદ્ધપુરુષ ચમત્કારી હતા . તેમણે ગૌભદ્રને વહાલથી પીરસીને જમાડ્યો . તે પછી ગૌભદ્રે આદરપૂર્વક પીરસીને સિદ્ધપુરુષને જમાડ્યો . પછી વાસણો અને થાળીવાટકા આપોઆપ વૃક્ષની પાછળ ચાલી ગયા . ભોજનનો કાર્યક્રમ ખતમ . આરામ કરીને ફરીથી ચાલ્યા . બપોર વીતી . સાંજ ઢળવા આવી ત્યારે વિરામ લીધો . ગૌભદ્ર બેઠો .
સિદ્ધપુરુષે કોઈ ધ્યાન ધર્યું અને અંધારું અવતરિત થાય તે સમયે આસમાનથી એક વિમાન ઉતર્યું . એમાંથી દેદીપ્યમાન મહિલા ઉતરી . તેણે સિદ્ધપુરુષને વિમાનમાં આવીને આનંદપ્રમોદ કરવાની વિનંતી કરી . ગૌભદ્રને આશ્ચર્ય એ થયું કે સિદ્ધપુરુષે તે વિનંતી માનીને ધ્યાનનો ત્યાગ કર્યો અને વિમાનમાં જઈને વિલાસ પ્રવૃત્તિ શરૂ કરી દીધી . ગૌભદ્ર સ્તબ્ધ હતો ત્યાં વિમાનમાંથી એક સુંદરી ઉતરીને ગૌભદ્ર પાસે આવી . તેને સિદ્ધપુરુષે મોકલી હતી . તે ગૌભદ્ર સમક્ષ વિલાસ પ્રવૃત્તિની પ્રાર્થના કરવા લાગી . ગૌભદ્રે આવો અનુભવ ક્યારેય લીધો નહોતો . તેણે તુરંત ના કહી દીધી . તેણે મહિલાને પોતાની બહેન જેવો જ આદર આપ્યો . આવનારી મહિલા આ પ્રતિભાવથી આશ્ચર્ય પામી . સિદ્ધપુરુષના આદેશનું એણે પાલન કરવાનું હતું . એ પાછી ન ગઈ . રાતભર તેણે ગૌભદ્ર સાથે વાર્તાલાપ કર્યો . ગૌભદ્રને જિજ્ઞાસા હતી કે આ બધું શું થઈ રહ્યું છે ?
એ સુંદરીએ બધી જ વાત જણાવી હતી . તેણીનું નામ હતું ચંદ્રલેખા . તેની બહેનનું નામ હતું ચંદ્રકાંતા જેની સાથે સિદ્ધપુરુષ વિલાસાનંદ માણી રહ્યો હતો . સિદ્ધપુરુષનું નામ હતું ઈશાનચંદ્ર . તેણે કાત્યાયની દેવીનું અમોઘ વરદાન પામવા પોતાનું મસ્તક તલવારથી કાપી દેવા માટે તલવાર ઊઠાવી લેવાનું મહાન્ પૌરુષ દાખવ્યું હતું . તેનું મસ્તક કપાય તે પૂર્વે જ કાત્યાયની દેવી પ્રગટ થઈ હતી અને તેને રક્ષા વલય આપીને દેવીએ તેને સિદ્ધપુરુષ બનાવી દીધો હતો . કાત્યાયની દેવીએ આપેલા રક્ષાવલયને સિદ્ધપુરુષે પોતાની ભુજા પર બાંધ્યું હતું . એ રક્ષાવલયના પ્રતાપે તેને કોઈ પણ મનુષ્ય કે દેવ , બાધા પહોંચાડી શકતું નહીં . આનો જ ગેરફાયદો ઊઠાવીને સિદ્ધપુરુષ અલગ અલગ મહિલાઓનો આસંગ કરવા લાગ્યો . તેને રોકવાનું અસંભવ હતું . પુરુષો તેની સામે લડી ન શકતા . મહિલાઓ પર તે સંમોહિની બિછાવી દેતો . તેથી મહિલાઓ પણ પ્રતિકાર વિના સમર્પિત થઈ જતી . આ ચંદ્રકાંતા પર સંમોહિનીનો જ પ્રભાવ હતો કે તે સિદ્ધપુરુષને આધીન થઈ ગઈ હતી .
ચંદ્રલેખાએ ખાસ જણાવ્યું કે તેણી અને ચંદ્રકાંતા સાત દિવસની સાધના દ્વારા સ્વયંપ્રભા મહાવિદ્યા સિદ્ધ કરવાના હતા . પરંતુ સિદ્ધપુરુષે ચંદ્રકાંતાને વશમાં લઈને તેણીનું બ્રહ્મચર્ય બરબાદ કરી દીધું હતું . બચી ગઈ એક ચંદ્રલેખા . એને ગૌભદ્રે હાથ સુદ્ધાં લગાવ્યો નહોતો . તે હજી પણ સાત દિવસની સાધના કરવા માંગતી હતી . વાતોમાં ને વાતોમાં રાત વીતી ગઈ . સવારે ભાઈ અને બહેન બનીને ગૌભદ્ર અને ચંદ્રલેખા છૂટા પડ્યાં . સિદ્ધપુરુષ ચંદ્રકાંતા પાસેથી પાછો આવી ગયો . વિમાન મહિલાઓને લઈને નીકળી ગયું .
ગૌભદ્રને ખાસ યાદ રહી ગઈ બે વાત . એક , ચંદ્રકાંતા અને ચંદ્રલેખા જોગિણી હતી , એવી જોગિણી જેના વશમાં દેવ હોય અને આવી જોગિણી પર પણ સિદ્ધપુરુષનો અધિકાર ચાલતો હતો . બે , આ જોગિણીઓ જાલંધરમાં રહેતી હતી .
સિદ્ધપુરુષ અને ગૌભદ્ર બનારસના રસ્તે આગળ ચાલ્યા . (ક્રમશઃ)
બીજા વરસનું કથાનક : સર્પરાજની દૃષ્ટિજ્વાળા
દેવાર્ય વનવગડે વિહરી રહ્યા હતા . ચારેકોર જંગલ છવાયેલું રહેતું . રસ્તો ન જડે એવી ગહન ઝાડીઓમાં દેવાર્ય જતા નહીં . દેવાર્ય પગની નીચે પાંદડા ન આવે , ઘાસ ન આવે , ફળ કે ફૂલ ન આવે , લીલ ન આવે એ રીતે ચાલતા . દેવાર્ય જ્યાંથી નીકળતા ત્યાંથી તેઓ કંઈ દિશામાં જાય છે તે દેખાતું પરંતુ દેવાર્ય કંઈ જગ્યાએ જવા માંગે છે તેની કોઈ આગોતરી જાણકારી રહેતી નહીં . પહોંચી ગયા બાદ ખબર પડતી કે હા , દેવાર્ય અહીં પધાર્યા છે . દેવાર્ય ક્યાં પધારવાના છે એની આગોતરી ખબર રહેતી નહીં . દેવાર્ય ક્યાં પધારી ચૂૂૂૂૂૂક્યા છે તેની ખબર રહેતી . દેવાર્ય ચાલીને વનમાર્ગે આગળ વધતા હોય તે જોનારા ઝૂઝ લોકો , દેવાર્ય ક્યાં જઈ રહ્યા છે તેનું અનુમાન દિશાના આધારે કરતા . ઉત્તર વાચાલા તરફ જઈ રહેલા દેવાર્યને ગોવાળોએ જોયા . દેવાર્ય દેદીપ્યમાન વ્યક્તિત્વના સ્વામી હતા . હજારો લોકોની વચ્ચે પણ દેવાર્ય એકદમ અલગ તરી આવે . જંગલમાં એકલા દેવાર્ય જ દેખાય એમાં વધારે ધ્યાન આકર્ષિત થાય . જંગલમાં એકલા નીકળવાની હિંમત કોઈ કરે નહીં . એકલા નીકળે તે ઉગ્ર અને રૂદ્ર હોય અથવા સાવ દીનહીન હોય . જોકે , દેવાર્ય સૌમ્ય , શાંત અને પ્રસન્ન દેખાતા . એમને જ્યાં જુઓ ત્યાં એમની માટે આકર્ષણ થાય , જંગલમાં એ આકર્ષણ વધારે થાય .
ગોવાળો દેવાર્ય પાસે દોડતા આવ્યા . તેમણે કહ્યું : ‘ દેવાર્ય , આપે જે રસ્તો અપનાવ્યો છે તે શ્વેતવી નગરી તરફ જાય છે . આપને શ્વેતવી નગરી જવાની ઈચ્છા હોય તો બીજો પણ એક રસ્તો છે . આપને એ રસ્તે થોડું વધારે ચાલવું પડશે . પણ આપ એ જ રસ્તો લો . આપનો આ રસ્તો ટૂંકો છે પણ સલામત નથી . ‘
દેવાર્ય ગોવાળની વાત સાંભળી રહ્યા હતા પણ જવાબમાં કશું બોલી રહ્યા નહોતા . દેવાર્યને બોલવું જરૂરી લાગ્યું નહીં . અચ્છંદકનો કિસ્સો ઊભો કરનારો સિદ્ધાર્થ દેવ અત્યારે ગાયબ હતો . વર્ના એ બોલત . દેવાર્ય કાંઈ જ ન બોલ્યા . ગોવાળોને દેવાર્યની ચિંતા હતી . તેમણે ડરામણું રહસ્ય ખોલતા હોય એ રીતે કહ્યું કે ‘ આપ જે રસ્તે જઈ રહ્યા છો તે રસ્તે એક ભયંકર સર્પ રહે છે . તે દૃષ્ટિવિષ છે . એની આંખમાંથી જ્વાળા નીકળે છે . એની દૃષ્ટિજ્વાળા જેને અડે તે બળીને ખાખ થઈ જાય છે . એણે કેટલાય મનુષ્યોને અને પ્રાણીઓને બાળી મૂક્યા છે . અહીંના જંગલમાં લીલોછમ વૃક્ષ સમુદાય હતો તે આ સાપની દૃષ્ટિજ્વાળાની લપેટમાં આવી ગયો . હવે આગળના રસ્તે તમને દેખાશે કે ઝાડ , ઠૂંઠા થઈ ગયા છે . પાંદડા નથી અને કોરા થડ અને ડાળખાઓ ઊભા છે . દેવાર્ય , આ સાપ જ્યાં રહે છે તે વિસ્તાર કનકખલ આશ્રમ તરીકે ઓળખાય છે પરંતુ અહીં કોઈ રહેતું નથી . આ આશ્રમ એક જમાનામાં માણસોની અવરજવરથી ધમધમતો રહેતો . પણ જ્યારથી દૃૃષ્ટિવિષ સર્પ આવ્યો છે ત્યારથી માણસો ગાયબ રહે છે . ત્યાં કોઈ ઋષિમુનિ નથી , કોઈ તપસ્વી નથી ત્યાં એક માત્ર દૃૃષ્ટિવિષ સર્પ રહે છે . તેને લીધે જ બધા ભાગી નીકળ્યા છે . આ દૃૃષ્ટિવિષ સર્પે સ્થાનિક રહેવાસીઓને એવા સતાવ્યા કે આખી વસતિ ખાલી થઈ . કેટલા મર્યા તેની ગણતરી નથી . આ સાપ ખૂંખાર છે . એને શિકાર મળે ત્યારે એ વધારે ઝનૂની બની જાય છે . આ તરફનો રસ્તો કોઈ જ અપનાવતું નથી . આપ પણ આ રસ્તે જશો મા . જોખમ બહુ મોટું છે .
ગોવાળની વાત દેવાર્યે સાંભળી લીધી . દેવાર્યે એને કોઈ પ્રશ્ન ન પૂછ્યો . દેવાર્ય તો બસ , અટક્યા વગર આગળ ચાલ્યા . દેવાર્ય આ સર્પનો ઈતિહાસ જાણતા હતા . દેવાર્ય એ પણ જાણતા હતા કે આ સર્પ આક્રમણ કરવાનો જ છે . વળી , પ્રતિકાર ન કરવો તે પણ દેવાર્યનો નિયમ હતો . જીવનું જોખમ હતું . પણ દેવાર્ય અટક્યા નહીં .
કનકખલ આશ્રમની ભૂમિ પર દેવાર્યે પગ મૂક્યો . ચોમેર સન્નાટો પસરેલો હતો . કુટિરો હતી , કુટિરવાસીઓ ન હોતા . હોમકુંડ હતા , હોમવિધિકારકો નહોતા . સ્નાનકક્ષો હતા , નહાવાવાળું કોઈ જ નહોતું . મોટું રસોડું થઈ શકે તેવા ચૂલાઓ હતા , એમાં અર્ધદગ્ધ કાષ્ટ અને રાખનો ઢગલો જમા હતો . રસોઈઓ એક પણ ન દેખાયો . આસપાસ ઉગેલા વૃક્ષોમાં વિવિધા હતી . પણ ક્યાંય કોઈ પંખી દેખાતું નહોતું . વૃક્ષોના જાડા થડ પર હોમવિધિના ધુમાડાનો શ્યામ રંગ ચડેલો હતો . એક સમયે અહીં સેંકડો લોકો એકીસાથે રહેતા હશે . કોઈ કાળ ચોઘડિયે દૃષ્ટિવિષ સર્પ આવી પડેલો . એણે આશ્રમને તહસનહસ કરી નાખ્યો . હવે , કશું જ બચ્યું નહોતું . દૂર એક જગ્યાએ મોટો રાફડો દેખાતો હતો . માટીનો નાનો એવો પહાડ હતો . એમાં છિદ્ર હતા . એની અંદર દ્રષ્ટિ વિષ સર્પ રહેતો હતો . દેવાર્યને સહેજ પણ ડર લાગ્યો નહીં . એક અવાવરું બની ચૂકેલા યક્ષમંદિરના રંગમંડપમાં દેવાર્ય ઊભા રહ્યા . એમણે કાઉસગ્ગ સ્વીકારી લીધો .
હવે એ હલવાના નહોતા . હવે એ બેસવાના નહોતા . હવે એ ચાલવાના નહોતા . હવે એ બોલવાના નહોતા . હવે એ નિયત સમયમર્યાદા સુધી આ જ મુદ્રામાં સ્થિર રહેવાના હતા . હાથ ઘૂંટણ સુધી લંબાયેલા હતા . હાથની આંગળીઓ સીધી હતી , અંગૂઠો સહેજ વળેલો લાગતો હતો . છાતી પહોળી હતી . ખભા ઊંચા હતા . ગરદન ટટ્ટાર હતી . ચહેરા પર અપૂર્વ આભા હતી . ગુલાબી હોઠને સ્મિતનો સુરેખ સ્પર્શ એ રીતે મળેલો કે નિમગ્નતાનો આનંદ હળવે હળવે રેલાતો હોય એવું જ લાગે .
દેવાર્ય શ્વાસ લેતા એનો અવાજ થતો નહીં . શ્વાસની સાથે જે પ્રાણવાયુ અંદર જતો એ દેવાર્યની અંતઃકાયાને સ્પર્શીને જાણે ધન્યતા અનુભવતો . પછી એ શ્વાસ આનંદની અપરિસીમ સુગંધ લઈને બહાર આવતો . દેવાર્યનો ઉચ્છ્વાસ સુવાસિત રહેતો . દેવાર્ય જ્યાં ઊભા હોય ત્યાં સુગંધી વાતાવરણ બની જતું . કનકખલ આશ્રમમાં એ વાતાવરણ બનવા લાગ્યું . સુગંધનો વરસાદ થવા લાગ્યો જાણે . (ક્રમશઃ)
બીજાં વરસનું કથાનક :
અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ
ગામવાસીઓને અચરજ થયું . સિદ્ધાર્થે જણાવેલી જગ્યાએ ગામવાસીઓએ ખોદાણ કર્યું તો જાનવરનાં હાડકાં નીકળી આવ્યાં . ગામવાસીઓને અચ્છંદક માટે સખ્ખત દુર્ભાવ થઈ ગયો . આ અચ્છંદકની ત્રીજી વખતની મોટી બદનામી હતી .
હજી સિદ્ધાર્થને જંપ નહોતો . એણે ગ્રામજનોને ભેગા કરીને કહ્યું કે અચ્છંદકનાં જીવનમાં હજી ઘણીબધી ગડબડ છે . પણ એ વાત મારાં મોઢે સારી નહીં લાગે . તમે અચ્છંદકના ઘરે જાઓ . અચ્છંદકની પત્ની તમને જણાવશે કે અચ્છંદક શું બલા છે ?
ગામવાસીઓ ટોળું બનીને અચ્છંદકનાં ઘેર પહોંચી ગયા . અચ્છંદકની પત્ની ઘેર દુઃખી બેઠી હતી , ગુસ્સામાં પણ હતી . આજે સવારે અચ્છંદકે તેને માર માર્યો હતો . લોકોએ પૂછ્યું કે , ‘ અચ્છંદક શું વાંધાજનક પ્રવૃત્તિ કરે છે , અમને કહો ! ‘
પત્નીઓ સામાન્ય રીતે પતિનું ખરાબ ચિંતવતી નથી હોતી , ખરાબ બોલતી પણ નથી હોતી . પણ એ દિવસે અચ્છંદકે આ ગૃહિણીને ઘણો ત્રાસ આપેલો . આવેશમાં ને આવેશમાં એણે અચ્છંદકની અંગત નબળાઈઓ ઉજાગર કરી દીધી . અચ્છંદકનું પૂરેપૂરું ચારિત્રહનન થઈ ગયું . એની આ ચોથીવારની મોટી બદનામી હતી . આખાય ગામમાં અચ્છંદક માટે ધુત્કાર અને ધિક્કાર ભાવના ફેલાઈ ગઈ .
અચ્છંદક સાથે જે બન્યું તે બધું જ સિદ્ધાર્થનું કર્યું કરાવ્યું હતું . આમાં દેવાર્યની કોઈ જ ભૂમિકા નહોતી . સમસ્યા એ હતી કે સિદ્ધાર્થ અદૃશ્ય હતો અને દૃશ્યમાં એકમાત્ર દેવાર્ય જ હતા . અચ્છંદકને દેવાર્ય થકી એ દિવસે ભારે માનસિક પીડાઓ થઈ . તે રાતના સમયે દેવાર્ય પાસે આવ્યો . એ ગળગળા સાદે બોલ્યો :
‘ દેવાર્ય , આ ગામમાં મારું ઘર છે , મારા અનુયાયીઓ છે . આ ગામની બહાર મને કોઈ ઓળખતું નથી . મારી બદનામી આ ગામમાં થતી રહેશે તો મારે રહેવા ક્યાં જવું ? આપ તો જ્યાં જશો ત્યાં આદર પામશો . મારી માટે આ એક જ ગામ છે જ્યાં મને આદર મળે છે . મેં આપનો અવિનય કર્યો તે અજાણપણામાં થયેલી મારી ભૂલ છે . મારી આંગળીઓ છેદાઈ , મારી બેઈજ્જતી થઈ – એ રૂપે મને મારી ભૂલની સજા મળી ચૂકી છે . હવે નવું કશુંય સહન કરવાની મારી શક્તિ નથી . પ્રભુ , મારી પર દયા કરો . આપ ચમત્કારી અને સાક્ષાત્કારી અવતાર છો એની મને ખબર નહોતી . મારી પર કૃપા વરસાવો . ‘
દેવાર્યે અચ્છંદકની વાત સાંભળી હતી . આ વાત રજૂ થઈ ત્યારે સિદ્ધાર્થ દેવાર્ય પાસે હશે નહીં . અન્યથા એ અચ્છંદકને હજી વધુ ઠપકો આપત . પણ અચ્છંદકને કોઈ ઠપકો સાંભળવો પડ્યો નહીં . દેવાર્ય કાઉસગ્ગમાં હતા પણ વાતાવરણથી અસ્પૃશ્ય નહોતા . દેવાર્યે અચ્છંદકના અપરાધ વિશે વિચાર ન કર્યો . દેવાર્યે અચ્છંદકની અસલામતીની વૃત્તિનો વિચાર કર્યો . અચ્છંદકે પહેલાં દેવાર્ય માટે અસૂયા બનાવી હતી . પણ એને હાર ખમવી પડી હતી . પાછળથી અચ્છંદકને પારાવાર દુઃખ મળ્યું હતું . એ અંદરથી તૂટી ગયો હશે . દેવાર્યે જોયું કે હવે અચ્છંદકનાં મનમાં અપ્રીતિ જાગી ગઈ છે . દેવાર્યે પોતાનો નિયમ યાદ કર્યો : અપ્રીતિસંપન્ન સ્થાને રહેવું નહીં એવો નિયમ લીધો હતો દેવાર્યે . અચ્છંદક એક પામર માણસ હતો . દેવાર્ય એની નોંધ સુદ્ધાં ન લે તો ચાલે . અચ્છંદક દેવાર્યને કોઈ પણ રીતે પીડા આપી શકવાનો નહોતો . એનામાં કોઈ ગજું નહોતું . છતાં દેવાર્યે એની ભાવનાઓની નોંધ લીધી હતી .
અચ્છંદકની આંગળી કેવી રીતે છેદાઈ તે દેવાર્ય જાણતા હતા . એ અંગુલી છેદન દેવરાજે કર્યું હતું . દેવાર્યને અપમાનિત કરવાની દુષ્ટ ભાવના જે અચ્છંદકમાં જાગી હતી તે દેવરાજે અવધિજ્ઞાનથી દેવલોકમાં બેઠાબેઠા જોઈ હતી . તેની સજા દેવરાજે આ રીતે આપી હતી . દેવરાજ પ્રગટ થયા નહીં . તે કારણે આ અંગુલીછેદનને દેવાર્યનો પરચો ગણી લેવામાં આવ્યો . અને આ પરચાથી પરાભૂત થઈને જ અચ્છંદક દેવાર્યના પગમાં પડી રડી રહ્યો હતો .
એ ઘણા લાંબા સમયથી મોરાક સંનિવેશમાં રહેતો હતો . લગભગ દરેક ઘરમાં એનું નામ ગવાતું હતું . અચાનક , દેવાર્ય આવ્યા અને પ્રતિસ્પર્ધા નોંતરી લીધી હતી અચ્છંદકે . હવે એને સમજાયું હતું કે પોતે ભૂલ કરી છે . અચ્છંદકની વેદના એ હતી કે એની ઈજ્જતનું ધોવાણ થઈ ગયું હતું . જે લોકોને અગમનિગમની વાત અચ્છંદક પાસેથી જાણવા મળતી હતી તે લોકોએ દેવાર્યનું શરણ સ્વીકારી લીધું હતું . અચ્છંદક સાવ એકલો પડી ગયો હતો .
દેવાર્યની કરુણા અનંત હતી . દેવાર્યની શક્તિ પણ અનંત હતી . અચ્છંદકનું ભક્ત વર્તુળ પોતાના હાથમાં આવી જાય એવી તુચ્છ લાલચ દેવાર્યને હતી જ નહીં . દેવાર્યે અચ્છંદક માટે અનુકંપાની લાગણી રાખીને મોરાક સંનિવેશથી ઉત્તર વાચાલા તરફ વિહાર શરૂ કરી દીધો . અચ્છંદકની એકાધિકાર ભૂમિનો દેવાર્યે ત્યાગ કર્યો . ( ક્રમશઃ)
બીજા વરસનું કથાનક :
અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ
‘ આ ઘાસનું તણખલું મારા દ્વારા તૂટશે કે નહીં ? ‘ અચ્છંદકે બે હાથની આંગળીઓ દ્વારા ઘાસનું તણખલું બે છેડેથી પકડ્યું અને દેવાર્યને પૂછ્યું .
મુદ્દો સ્પષ્ટ હતો . જવાબમાં દેવાર્ય હા પાડે તો અચ્છંદક તણખલું અખંડ રાખીને દેવાર્યને જુઠા પુરવાર કરવાનો હતો . જવાબમાં દેવાર્ય ના પાડે તો અચ્છંદક પળવારમાં તણખલાંના બે ટુકડા કરીને દેવાર્યને અસત્યવાદી સાબિત કરવાનો હતો . અચ્છંદક જાણતો હતો કે દેવાર્યે કેવળ વાતો કરી છે , દેવાર્યે કોઈ ચમત્કાર કર્યો નથી . મતલબ કે સિદ્ધાર્થ ચમત્કાર કરી શકે એમ નથી . એવી અચ્છંદકને ખાતરી હતી . અચ્છંદક જેવો પોતે હતો , દેવાર્યને પણ તે એવા જ સમજતો હતો . એણે જવાબની રાહ જોઈ . સિદ્ધાર્થે પોત પ્રકાશ્યું .
‘ આ તણખલું તું નહીં તોડી શકે ‘ એ બોલ્યો હતો . અચ્છંદકને આ જ જવાબ જોઈતો હતો . આસપાસના ભેગા થયેલા લોકોને અચ્છંદકના હાથમાં રહેલું તણખલું દેખાઈ રહ્યું હતું . અચ્છંદકે એ તણખલાને તોડવા આંગળીમાં વજન ઉમેર્યું . એક ક્ષણની વાત હતી . હમણાં તણખલું તૂટે અને તુરંત દેવાર્યનું વચન ખોટું પડે . પણ અચ્છંદકના હાથે તણખલું તૂટ્યું નહીં . આશ્ચર્યની વાત એ બની કે અચ્છંદકની આંગળીઓ ચીરાઇ , લોહીલુહાણ થઈ અને તણખલું તૂટ્યા વગર જ જમીન પર સરી પડ્યું .
આ દૃશ્ય સિદ્ધાર્થે જોયું , ગ્રામજનોએ જોયું . આ નરદમ ચમત્કાર હતો . આંગળી કોણે ચીરી તે કોઈ જોઈ શક્યું નહોતું અને આંગળી ચિરાઈ છે તે દેખાઈ રહ્યું હતું . અચ્છંદક જૂઠો સાબિત થયો હતો . દેવાર્ય સાચા સાબિત થયા હતા . અવાચક બનેલો અચ્છંદક ત્યાંથી ભાગી છૂટ્યો . લોકોમાં હસાહસ થઈ હતી . દેવાર્ય , ધ્યાનસ્થ દેવાર્ય શાંત રહ્યા . એમને હસવું ન આવ્યું . એમની મુખમુદ્રા પર સમતા લહેરાતી રહી . દેવાર્યને જેમ સિદ્ધાર્થ સાથે લેવાદેવા નહોતી તેમ અચ્છંદક સાથે પણ કોઈ લેવાદેવા નહોતી . સિદ્ધાર્થ જે કરે તે સિદ્ધાર્થનાં નસીબ . અચ્છંદક જે કરે તે અચ્છંદકનાં કરમ . જોકે , દેવાર્ય જેવી તટસ્થતા સિદ્ધાર્થમાં નહોતી . એ અચ્છંદકના પરાજયથી હરખાયો હતો . અચ્છંદકની આંગળી છેદાઈ તેમાં સિદ્ધાર્થનું કોઈ જ યોગદાન નહોતું . સ્વયં સિદ્ધાર્થ આ વાત સમજતો હતો . પણ અચ્છંદક દુશ્મન બનીને આવ્યો હતો એ સિદ્ધાર્થ જાણતો હતો . દુશ્મન હાર્યો હતો . સિદ્ધાર્થને પાનો ચડ્યો હતો . એણે બોલવાનું શરૂ કર્યું :
` જોયું ? આ અચ્છંદકનું શું થયું ? અમને હરાવવા આવેલો . અરે , પોતે જ હાર ખાઈને નાઠો છે . અચ્છંદક જ્ઞાની નથી , અજ્ઞાની છે . તમને ખબર છે ? અચ્છંદક ચોરીઓ પણ કરે છે . આ ગામમાં વીરઘોષ કરીને કોઈ રહે છે ?
સિદ્ધાર્થે પૂછ્યું હતું . એક માણસ આગળ આવ્યો હતો . એણે કહ્યું હતું કે ‘ હા , હું જ વીરઘોષ છું . ‘
સિદ્ધાર્થે પૂછ્યું કે તારા ઘરમાંથી કોઈ મોટું વાસણ ચોરાયું છે ?
વીરઘોષે કહ્યું : હા , ચોરાયું છે .
સિદ્ધાર્થે કહ્યું : એ વાસણ . આ અચ્છંદકે જ ચોર્યું છે . તમે એનાં ઘરની પાછળની જમીન ખોદી જુઓ . તમને એ ત્યાંથી મળશે . અચ્છંદકે એ વાસણ ત્યાં છુપાડી રાખ્યું છે .
વીરઘોષને લઈને ગામવાસીઓ અચ્છંદકના ઘરે પહોંચ્યા . એ ઘરની પાછળની જમીનમાંથી વીરઘોષનું ચોરાયેલું વાસણ મળી આવ્યું . અચ્છંદકની બીજી વખત મોટી બદનામી થઈ . સિદ્ધાર્થને શાંતિ નહોતી . એણે ગ્રામવાસીઓને પૂછ્યું કે ‘ આ ગામમાં કોઈ ઇન્દ્ર શર્મા રહે છે ? ‘
બીજો એક માણસ આગળ આવ્યો . એણે કહ્યું : હું જ છું ઈન્દ્રશર્મા .
સિદ્ધાર્થે બધાની વચ્ચે કહ્યું : તારાં ઘરેથી ઘેટું ચોરાયું છે ?
ઈન્દ્ર શર્માએ હા પાડી . સિદ્ધાર્થે કહ્યું : એ ઘેટું પણ અચ્છંદકે જ ચોરી લીધું છે . વીરઘોષનું વાસણ તો સહીસલામત પાછું મળી ગયું . એ ઘેટું પાછું નહીં મળે . અચ્છંદકે એ જાનવરનું કામ તમામ કરી નાખ્યું છે . હું જગ્યા બતાવું છું ત્યાં જઈને જુઓ . તમને આ જાનવરનાં હાડકાં મળી આવશે . (ક્રમશઃ)
પ્રવચનકાર : પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા
—————
૧.
તમે તમારી જવાબદારીને ન જ ભૂલી શકો
—————
જૈન શાસનમાં દેવદ્રવ્યનો મહિમા ઘણો મોટો છે . પરંતુ સાધારણ ખાતું પણ ઘણું જ મહત્ત્વનું છે . દેવદ્રવ્ય , ગુરુદ્રવ્ય , જ્ઞાન દ્રવ્ય આદિ દ્રવ્યોનો ઉપયોગ નિશ્ચિત થયેલા સ્થાનમાં જ થઈ શકે . જ્યારે સાધારણ દ્રવ્યનો ઉપયોગ બધા જ સ્થાનમાં થાય . જેમ તમારા દ્વારા દેવદ્રવ્યમાં જમા થનારી રકમ મોટી હોય છે એમ તમારા દ્વારા સાધારણ ખાતામાં જમા થનારી રકમ પણ મોટી જ હોવી જોઈએ .
એક સાચો શ્રાવક વિચારતો હોય છે કે મારું ઘર અને મારી પેઢી ચલાવવામાં હું જે પૈસા વાપરું છું એનાથી , પાપપ્રવૃત્તિને ટેકો મળે છે . ભગવાનનું મંદિર અને ભગવાનને પેઢી ચલાવવામાં હું જે પૈસા વાપરું છું એનાથી , પુણ્યપ્રવૃત્તિને ટેકો મળે છે .
ભગવાનના ઉપકાર અનંત છે , ભગવાનને વધારેમાં વધારે અર્પણ કરવાનું મન થાય તે સ્વાભાવિક છે . ભગવાનની પેઢીને સાચવવામાં પણ ભગવાનની ભક્તિ જ છે . ભગવાનની પેઢી કોને કોને સાચવે છે , વિચારી જુઓ . આંબેલખાતું , ધર્મશાળા ભોજનશાળા , જ્ઞાનભંડાર , પાઠશાળા , સાધર્મિક વાત્સલ્ય , દેરાસર ઉપાશ્રય પરિસરનાં વીજળીપાણી , વરસભરનો હિસાબ લખનારા મુનીમ અને અન્ય માણસો – આ બધાયને સાચવે કોણ ? ભગવાનની પેઢીનું સાધારણ ખાતું . તમે લોકો સાધારણખાતામાં એટલી ઓછી રકમ લખાવો છો કે મોટેભાગે સાધારણખાતામાં પૈસા હોતા નથી અથવા તો સાધારણખાતું જ નુકશાનમાં ચાલતું હોય છે .
તમે ભગવાનના ભક્ત છો . તમને ભગવાન પર શ્રદ્ધા છે તે હું જાણું છું . છતાં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે : જો તમે ભગવાનને માનો છો તો તમે ભગવાનની પેઢીનું કેટલું ધ્યાન રાખો છો ? ભગવાનની ભક્તિ કરનારો , ભગવાનની પેઢીની ઉપેક્ષા કરે , એ કેટલે અંશે ઉચિત છે . તમારે રોજેરોજ ઘરનો ખરચો ચાલુ છે એમ સંઘના દેરાસર-ઉપાશ્રય આદિમાં પણ રોજેરોજ કોઈ ને કોઈ ખરચો ચાલુ જ છે . તમે ઘરના ખર્ચ માટે પૈસાની વ્યવસ્થા કરી જ લો છો કેમ કે તમને ખબર છે કે એ તમારી જવાબદારી છે . તમને ક્યારેય એવું લાગે છે ખરું કે સંઘના દેરાસર-ઉપાશ્રય આદિમાં જે ખર્ચો થાય છે એના પૈસાની જવાબદારી તમારી પણ છે ? તમે તમારી જવાબદારીને ભૂલી જાઓ તો – હું જૈન છું એવું બોલવાનો તમને કોઈ હક નથી . તમે તમારી જવાબદારીને ન જ ભૂલી શકો .
——————
૨.
સામાન્ય પરિસ્થિતિમાં થનારું દાન પુણ્યનો બંધ કરાવે છે .
સંકટના સમયમાં થનારું દાન મહાન્ પુણ્યનો બંધ કરાવે છે .
——————–
તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારું ઘર સુખે સુખે ચાલે છે . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારે કોઈની આગળ હાથ લંબાવવો પડ્યો નથી . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારા ઘરના રસોડે કાંઈ ઓછું પડ્યું નથી . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમે કપડે લત્તે સુખી દેખાઓ છો . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારાં ઘરે દાગીના અને વાસણો ઘણાં છે . તમે વિચારો કે જે પુણ્ય આજસુધી તમારી સાથે છે તે પુણ્ય તમે મેળવ્યું કેવી રીતે ?
શાલિભદ્રજીએ પૂર્વના ભવમાં દાન કર્યું હતું એનાં જ પુણ્યથી એમને અપાર ધન અને ઐશ્વર્ય મળ્યું હતું એ યાદ છેને ? તમને આજે જે ધન અને ઐશ્વર્ય મળ્યું છે તેનું કારણ શું ? તમે પૂર્વભવમાં સારું દાન કર્યું હશે એનાં પુણ્યથી જ તમને આજે ધન અને ઐશ્વર્ય મળ્યું છે . આજે તમે કેટલું દાન કરો છો , કેવા ભાવથી દાન કરો છો એ તમે જાતે વિચારી જુઓ . તમે આજે દાન કરશો એનું પુણ્ય તમને આવતા ભવમાં ધર્મ કરવાની શક્તિ આપશે અને એ ધર્મ તમને મોક્ષ સુધી પહોંચાડી દેશે .
આ આખી વાત તો તમે જાણો જ છો . મારે તમને એ કહેવું છે સામાન્ય પરિસ્થિતિમાં થનારું દાન પુણ્યનો બંધ કરાવે છે અને સંકટના સમયમાં થનારું દાન મહાન્ પુણ્યનો બંધ કરાવે છે . આપણા પૂર્વજો સામાન્ય પરિસ્થિતિમાં દાન કરતા જ હતા પરંતુ અસામાન્ય પરિસ્થિતિમાં તેઓ મોટામાં મોટું દાન કરી જાણતા હતા . મંત્રીશ્વર પેથડશાહે સામાન્ય પરિસ્થિતિમાં સારું એવું દાન કરેલું અને કટોકટીના સમયમાં ઘણું જ મોટું દાન કર્યું હતું . ગિરનાર તીર્થના ઈતિહાસમાં એનું વર્ણન તમે સાંભળ્યું જ છે .
તમે સામાન્ય પરિસ્થિતિમાં દાન કરતા જ રહો છો . સંઘમાં જ્યારે મોટી કટોકટી ઊભી થાય ત્યારે તમારે તમારી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ કેમ કે સંકટના સમયમાં થનારું દાન મહાન્ પુણ્યનો બંધ કરાવી આપે છે . સંકટના સમયમાં સ્વયં વિવેકી બનીને એ રીતે દાન કરવું જોઈએ કે તમને જોઈને બીજાને પણ પ્રેરણા મળે .
તમારું પુણ્ય તમારી સાથે ન હોય અને તમે દાન ન કરી શકો એવું બની શકે . એવા સમયે તમે ગુનેગાર બનતા નથી . તમારું પુણ્ય તમારી સાથે હોય તેમ છતાં તમે અપેક્ષાનુસાર દાન ન કરો એવું બનવું જોઈએ નહીં . સંકટના સમયમાં જે પોતાની શક્તિને અનુરૂપ દાન ન કરે તે ગુનેગાર બને છે . આવો આત્મા એવું અંતરાય કર્મ બાંધે છે જે એને દુર્ગતિમાં ધકેલી દે છે .
હું જ્યારે એમ કહું છું તમે દાન કરો ત્યારે એનો અર્થ એ છે કે તમે તમારાં પુણ્યનો સદુપયોગ કરો . પુણ્યનો સદુપયોગ કરનારાને આ ભવમાં અને આગામી ભવમાં ધર્મની અનુકૂળતા મળતી જ રહે છે .
—————
૩ .
જે ખાતામાં પૈસા ઓછા દેખાય
તે ખાતામાં વધારે પૈસા લખાવવા જોઈએ
—————
દરેક જૈને સંપત્તિનો સદુપયોગ સાત ક્ષેત્રોમાં કરવો જોઈએ . સાત ક્ષેત્રમાં એક પણ ક્ષેત્રની ઉપેક્ષા ન થવી જોઈએ . જિનમૂર્તિ અને જિનમંદિર . જિન આગમ . સાધુ અને સાધ્વી . શ્રાવક અને શ્રાવિકા . આ દરેક ક્ષેત્રમાં તમારે લાભ લેવાનો છે . એક પણ ક્ષેત્ર બાકી રહેવું ન જોઈએ .
જિનબિંબ અને જિનમંદિરનું સ્થાન સૌથી ઉપર છે . એનો અર્થ એ છે કે પરમાત્મા માટે જે કરવાનું તે સૌથી પહેલાં કરવાનું છે અને સૌથી વધારે કરવાનું છે . આ વાતમાં કોઈ અપવાદ નથી . તેમ છતાં એક ખાસ વાત શાસ્ત્રોમાં લખાઈ છે .
જ્યારે જે ક્ષેત્ર સીદાતું હોય તે ક્ષેત્રનું જૈને વિશેષ ધ્યાન રાખવું જોઈએ . સીદાતું ક્ષેત્ર એટલે શું તમને સમજાય છે ? દેવ દ્રવ્ય , જ્ઞાન દ્રવ્ય , ગુરુ દ્રવ્ય , સાધર્મિક ભક્તિનું દ્રવ્ય , જીવદયા અને અનુકંપાનું દ્રવ્ય , સાધારણ દ્રવ્ય . આવા અલગ અલગ ખાતાઓમાં પૈસા જમા થાય છે એ તમે જાણો છો . જે ખાતામાં પૈસાની આવક વધારે હોય અને જે ખાતામાંથી જાવક એટલે કે ખરચો વધારો ન થતો હોય તે ખાતું સદ્ધર કહેવાય . જે ખાતામાં પૈસાની આવક વધારે ન હોય અને જે ખાતામાંથી જાવક એટલે કે ખરચો વધારો થતો હોય તે ખાતું સદ્ધર ન કહેવાય . એ સીદાતું ખાતું કહેવાય .
દેવદ્રવ્યનું સ્થાન સર્વોપરી છે . પરંતુ સંઘની પેઢીના ચોપડે , જે ખાતામાં પૈસા ઓછા દેખાય તે ખાતામાં વિશેષ પૈસા લખાવવા જોઈએ . એક ખાતામાં ઘણા પૈસા હોય અને બીજાં ખાતામાં પૈસા ઓછા હોય ત્યારે જૈને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ . દેવદ્રવ્યની મર્યાદાનો લોપ થાય એવું ક્યારેય ન વિચારવું જોઈએ . દેવદ્રવ્ય જ્યાં વપરાય ત્યાં જ વપરાય . દેવદ્રવ્ય જ્યાં ન વપરાય ત્યાં ન જ વપરાય . આ નિયમમાં બાંધછોડ છે જ નહીં .
જે કામ દેવદ્રવ્યથી કરી શકાતાં નથી તે કામ માટે સંઘને પૈસાની જરૂર પડવાની જ છે . જેની માટે સાધારણખાતાનાં પૈસાની જરૂર પડે છે એવાં કામો ઓછાં નથી . એ કામ માટે સંઘે , સાધારણ ખાતાની જે શાસ્ત્રશુદ્ધ યોજના બનાવેલી હોય એમાં તમારે ખુલ્લા હાથે પૈસા લખાવવા જોઈએ .
દેવદ્રવ્યની બોલીઓમાં જે હજારો , લાખો રુપિયા વાપરતો હોય તેણે સાધારણ ખાતામાં લખાવવા માટે કંજૂસાઈ રાખવી જોઈએ નહીં . તમે સાધારણખાતામાં થોડી રકમ લખાવીને બેસી જાઓ એ ન ચાલે . આખા સંઘની ઘણી ઘણી વ્યવસ્થાઓ કેવળ , સાધારણ ખાતા પર નિર્ભર છે . તમે સૌ સાધારણ ખાતામાં સારામાં સારી લખાવો છો એને લીધે સંઘની ઘણી ઘણી વ્યવસ્થાઓ સચવાઈ જાય છે .
સાધારણમાં વિશેષ પૈસા લખાવવાથી બે લાભ થાય છે : એક , દેવદ્રવ્યનો અનુચિત ઉપયોગ થવાની સંભાવના રહેતી જ નથી . બે , સંઘ સાથે જોડાયેલ સર્વે આરાધકો માટે ધર્મની જે અનુકૂળતા બને તેમાં સહયોગી બનવાનું પુણ્ય મળે છે .
—————
૪.
સંઘ તમારી માટે કેટલું કરે છે એ વિચારો .
તમે સંઘ માટે કેટલું કરો છો તે વિચારો .
—————
તમે કેટલાં વરસથી ધાર્મિક સ્થાનોમાં જાઓ છો ? તમે વ્યાખ્યાન સાંભળવા જાજમ પર બેસો છો એ જાજમની વ્યવસ્થા કોણે કરી ? સંઘે કરી . તમે દેરાસરની બહાર હાથપગ ધુઓ છો એ પાણીની વ્યવસ્થા એ જગ્યાએ કોણે કરી ? સંઘે કરી . તમે આજસુધી કેટલાં સંઘજમણમાં જઈ આવ્યા ? સંઘજમણમાં વપરાતા થાળીવાટકા અને પાટલાની વ્યવસ્થા કોણ કરે છે ? સંઘ કરે છે . તમે પૌષધ કરો છો એમાં તમને જે ઉપકરણોની જરૂર પડે છે તે તમે ઉપાશ્રયમાંથી લઈ શકો છો . તમારી માટે એ ઉપકરણોની વ્યવસ્થા કોણ કરે છે ? સંઘ કરે છે . તમને ઉકાળેલું પાણી જોઈતું હોય તો એની વ્યવસ્થા સંઘ કરી આપે છે . તમે સાધુસાધ્વીજીની પાસે આવો છો , થોડો સમય વીતાવો છો અને પાછા ઘરભેગા થઈ જાઓ છો . સાધુસાધ્વીજીની ચોવીશ કલાકની રહેવાની વ્યવસ્થા તમે કરો છો કે સંઘ કરે છે ? સંઘ કરે છે . તમારે દેરાસરની બહાર જે ઓટલે બેસી ગપ્પાં મારો છો એ ઓટલો બનાવ્યો કોણે ? સંઘે બનાવ્યો . કેટલાં કામ ગણાવું ? સંઘ તમારી માટે કેટલું કરે છે એ વિચારો અને તમે સંઘ માટે કેટલું કરો છો તે વિચારો .
ભગવાનની આજ્ઞા અનુસાર ધર્મ કરવો એ તમારું કર્તવ્ય છે . ભગવાનની આજ્ઞા અનુસાર ઘણા આરાધકો ધર્મ કરતા હોય એની વ્યવસ્થાને સાચવવી અને સંભાળવી એ સંઘનું કર્તવ્ય છે . પહેલાના જમાનામાં સંઘ મહાજનના હાથમાં વ્યવસ્થા રહેતી . હવે ટ્રસ્ટીઓ વ્યવસ્થા સંભાળે છે . ટ્રસ્ટીઓ સમય આપે છે , ટ્રસ્ટીઓ જાતે ઘસાય છે , સાચું શું અને ખોટું શું એનો વિવેક ટ્રસ્ટીઓ રાખે છે . સંઘની વ્યવસ્થા સંભાળવી સહેલી છે ? કેટલા વીશે સો થાય છે ત્યારે આ વ્યવસ્થા સંભાળવાનું શક્ય બને છે તે તમને નહીં સમજાય . શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે જે વ્યક્તિ સંઘની વ્યવસ્થા ઉત્તમ રીતે સંભાળી લે છે એને તીર્થંકર નામકર્મ બંધાઈ શકે છે . આજે સંઘની વ્યવસ્થા સંભાળનારાઓ પોતાનું કામ કરી જ રહ્યા છે .
તમારી ફરજ શું છે એ તમારે વિચારવાનું છે . તમારું ઘર તમે ચલાવો છો . તમારી પેઢી તમે ચલાવો છો . તમારાં બાળકોનાં ભણતર તમે જ કરાવો છો . તમારાં ઘરના નાનામોટા વહેવાર તમે જ સંભાળો છો . તમે જે સંઘમાં આરાધના કરો છો એ સંઘમાં દેરાસર હોય , ઉપાશ્રય હોય , આંબેલખાતું હોય , ભોજનશાળા હોય , ધર્મશાળા હોય , પાઠશાળા હોય એનું ધ્યાન પણ તમારે જ રાખવાનું છે . તમે સંઘમાં છો , સંઘ સાથે જોડાયેલા છો એને લીધે તમને સંઘ થકી ઘણુંઘણું મળ્યું છે અને મળવાનું છે . સંઘનો આ ઉપકાર તમારે હંમેશા યાદ રાખવો જોઈએ . હું મારા સંઘ માટે શું શું કરી શકું આ પ્રશ્ન રોજેરોજ પોતાની જાતને પૂછતા રહેજો .
તમે ભગવાનની પૂજા કરી લો , ભગવાનનો એકાદ ચઢાવો લઈ લો અને બીજી વ્યવસ્થાઓમાં તમારી શક્તિને જોડો જ નહીં એ તમને શોભે ખરું ? તમારી સંપત્તિ સંઘ સાથે જોડાય એ તમારો પુણ્યોદય કહેવાય . તમારી સંપત્તિ સંઘ સાથે ન જોડાય એ તમારો પાપોદય કહેવાય . તમે જે સંઘમાં આરાધના કરો છો એ સંઘનાં દેરાસર ઉપાશ્રય આદિનાં સ્થાનોનાં કારણે જ તમે ધર્મપ્રવૃત્તિ કરી શકો છો . સંઘનાં દેરાસર ઉપાશ્રય આદિનાં દરેક કાર્યમાં વધુમાં વધુ ઉપયોગી બનવું એ તમારી ફરજ છે . તમે જ્યાર સુધી જીવો છો ત્યારસુધી આ ફરજનું પાલન કરતા રહેજો .
તમારી સંપત્તિ જેટલી સંસાર માટે વપરાશે એટલું તમારું ભવભ્રમણ વધશે . તમારી સંપત્તિ જેટલી સંઘ માટે વપરાશે એટલું તમારું ભવભ્રમણ ઘટશે .
——————-
૫.
ધાર્મિક સ્થાનમાં આવીનેે
જે ધર્મગ્રંથોના નિયમોનું પાલન
ન કરે તે પાપનો જ બંધ કરે છે .
——————-
તમે તમારા ટાઈમે દેરાસર -ઉપાશ્રયમાં આવો છો , પૂજા અથવા સામાયિક કરો છો અને હાથ હલાવતાં હલાવતાં પાછા ઘરે જતાં રહો છો . તમારી પાસે પૂજા અને સામાયિક માટે થોડોઘણો સમય છે . સંઘની વ્યવસ્થાઓમાં જોડાવાનો સમય તમારી પાસે નથી . તમારે સંઘની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે જોવું જોઈએ . તમારે આટલી વાતો ધ્યાનમાં રાખવાની છે .
૧ . તમારા સંઘમાં પેઢી છે . એ પેઢીના ચોપડામાં શું શું લખાય છે તે કોઈ દિવસ જોયું છે ? સંઘને શેનો શેનો ખર્ચ આવે છે એની જાણકારી તમને હોવી જોઈએ . સંઘમાં આવક કયા કયા રસ્તેથી થાય છે એની જાણકારી પણ તમને હોવી જોઈએ . સંઘની તિજોરીમાં જે રકમ જમા થાય છે તેનો વહીવટ શાસ્ત્રની આજ્ઞા અનુસાર કેવી કેવી રીતે થાય તેનું જ્ઞાન તમને હોવું જોઈએ .
૨ . સંઘના કાર્યક્રમોમાં તમે જે સાધારણ ખાતા સંબંધી રકમ બોલ્યા હો એ તમારે સમયસર ભરી દેવી જોઈએ . ઘણા ભાગ્યશાળીઓ એવા છે જે નકરો તો બોલી દે છે પણ વરસોસુધી રકમ ભરવાનું ટાળ્યા કરે છે . એ લોકો રકમ ભરતા નથી પણ સંઘને તો ખરચો થાય જ છે . તમારાં કારણે સંઘને આવી અગવડ પડવી જોઈએ નહીં . જેમ કે તમે તપસ્વીઓનાં પારણાનો નકરો લીધો હોય અને પૈસા ભર્યા ન હોય એવા વખતે સંઘને તો તપસ્વીઓનાં પારણાનો ખર્ચો થઈ જ ગયો છે . તમે પૈસા ન ભર્યા અથવા સમયસર ન ભર્યા એને લીધે સંઘમાં જે અવ્યવસ્થા ઊભી થઈ હોય એનો મોટો દોષ તમને જ લાગે . ઉત્સવ , વરઘોડા , ઓળી આદિનો લાભ લેનારે કાર્યક્રમ શરૂ થતાં પૂર્વે જ પૈસા ભરી દેવા જોઈએ જેથી કાર્યક્રમના ખર્ચનો બોજો પેઢી પર આવે નહીં . આજે એવું બનતું જોવા મળે છે કે સંઘની પેઢી ખર્ચો કરી લે છે અને જે લાભાર્થી બન્યા હતા તેમના પૈસા પેઢીમાં આવતા નથી . આ પરિસ્થિતિ જૈન માટે શોભાસ્પદ નથી . સાધારણ ખાતું સીદાય છે તેની પાછળ આવા લોકો મહદંશે જવાબદાર છે .
૩ . અમુક લોકો દેવદ્રવ્યમાં જનારી બોલીઓના પૈસા ભરવામાં વિલંબ કરે છે . આવી ભૂૂલ કરનારો દેવદ્રવ્યનો કર્જદાર બને છે . સપનાનો ચડાવો જે લે તેને સપનાનાં દર્શન કરાવવાનો લાભ તુરંત મળી જાય છે . તમને જેનો લાભ મળી ગયો છે એના પૈસા ભરવામાં એકપળનો પણ વિલંબ થવો જોઈએ નહીં . દેવદ્રવ્યમાં જમા થનારી રકમનો ખર્ચ તત્કાલ થતો નથી એમ વિચારીને વિલંબ કરનારો મોટા દોષનું ભાજન બને છે . સંઘ તમને તુરંત લાભ આપે અને તમે સંઘમાં તુરંત પૈસા ન ભરો એ કેટલું ઉચિત છે ? દેવદ્રવ્યના પૈસા ભરવામાં જે લાભ છે અને દેવદ્રવ્યના પૈસા ન ભરવામાં જે દોષ છે એની ગંંભીરતાને ક્યારેય ભૂલી શકાય નહીં .
૪ . સંઘમાં નોકર – ચાકર ઘણા રાખવા પડે છે કેમ કે તમારે કામ કરવા નથી અને શેઠાઈ ઘણી કરવી છે . તમે સંઘના નોકર – ચાકર સાથે પણ એવો વહેવાર કરો છો કે જાણે એ તમારા જ નોકર – ચાકર હોય . દેરાસર -ઉપાશ્રયના નોકર – ચાકરને પૈસા સંઘ આપે અને એમની પાસે તમે તમારાં કામ કરાવો એવું ન ચાલે . તમારાં કામની વ્યવસ્થા તમારે જાતે જ કરી લેવી જોઈએ . સંઘનાં માથે તમારો બોજો આવે એવું ક્યારેય થવા દેવાય નહીં . ઘણા એવું પૂછે છે કે સંઘના નોકરચાકરને અલગથી પૈસા આપીને અમે અમારાં કામ કરાવીએ એમાં શું વાંધો ? મારે એમને પૂછવું છે કે તમારાં ઘરના નોકરચાકરને કોઈ પૈસા આપીને પોતાનાં ઘરે કામ કરવા લઈ જાય એ તમને ચાલે છે ? એ નથી ચાલતું . તમારાં ઘરના નોકરચાકર જેમ તમારાં ઘરના ટાઈમે બીજા ઘરમાં કામ કરવા જાય એ નથી ચાલતું એમ સંંઘનાં કામના સમયમાં સંઘના નોકર – ચાકરને તમે તમારાં કામ કરવાનું કહી શકો નહીં . અવસરે અવસરે સંઘના નોકર – ચાકરને તમારે તમારા ખિસ્સાના પૈસા પણ આપવા જોઈએ કેમ કે તમે એમની પાસે ક્યારેેક કોઈક કામ કરાવ્યુું હોય એવું બને છે . તમે જે ધર્મ કરો છો એ સ્વદ્રવ્યથી કરો અને સંઘની વ્યવસ્થાઓમાં તમારું દ્રવ્ય સારામાં સારી રીતે વાપરો – એ નિયમ છે .
તમે તમારી મરજી મુજબ ધર્મ ન કરી શકો . તમારે ધર્મગ્રંથોના નિયમો મુજબ જ ધર્મ કરવાનો છે . દેરાસર – ઉપાશ્રયમાં આવનારો , ધર્મગ્રંથોના નિયમોનું પાલન ન કરે તો એ ધાર્મિક સ્થાનમાં આવીનેેે પણ પાપનો જ બંધ કરે છે . તમે આવી ભૂૂલ ન કરો એટલે આટલી વાત જણાવી છે .
( સંકલન : દેવર્ધિ / સંદર્ભ : જૈન પ્રવચન )
पहाड़ पर चढ़ने वाला इंसान ऊपर की तरफ देखता है और सोचता है कि मेरा इतना आरोहण हो चुका है और इतना आरोहण होना बाकी है । पर्वतारोही यह नहीं देखता है कि मेरे से आगे कितने लोग हैं और मेरे से पीछे कितने लोग हैं । उसे वह दिखता है ज़रूर , लेकिन उसका ध्यान वहाँ नहीं रहता है । उसका ध्यान रहता है पहाड़ की चोटी पर । तीन विचार स्पष्ट होते हैं । एक , मुझे शिखर पर पहुंचना है । दो , मुझे शिखर पर पहुँचने के लिए इतना समय लेना है । तीन , निर्धारित समय में शिखर पर पहुँचने के लिए मुझे मेरी शक्ति का पूर्ण उपयोग करना है । पर्वतारोही किसी को आगे देखकर ईर्ष्या नहीं बनाता है । पर्वतारोही किसी को पीछे देखकर अहंकार नहीं बनाता है । पर्वतारोही खुद को प्रेरित करता है , उत्साहित रखता है ।
नीतिवाक्यामृत कहता है कि आपकी प्रवृत्ति कर्त्तव्य भावना से प्रेरित होनी चाहिए । आपकी प्रवृत्ति अहंकार प्रेरित होगी तभी आप समस्या में फंसेगे । आप खुद को , अन्य से अलग दिखाना चाहते हो , आगे दिखाना चाहते हो , ऊपर दिखाना चाहते हो , बेहतर दिखाना चाहते हो – ऐसा हो सकता है । ऐसा होने मत दो । सफलता और समृद्धि पुण्य का खेल है । आपका जितना पुण्य रहेगा , उतनी सफलता और समृद्धि आपको मिलेगी । अन्य का जितना पुण्य रहेगा , उतनी सफलता और समृद्धि उसे मिलेगी । खुद को हमेशा एक बात कहते रहो की मेरे पुण्य में जो लिखा होगा वह मुझे अवश्य मिलेगा । मेरे पुण्य में जो नहीं लिखा होगा वह मुझे कभी नहीं मिलेगा । किसी का पुण्य अधिक है इसका मतलब यह तो नहीं है कि आपका पुण्य कम हो गया । आपकी जितनी योग्यता है उतना आपको मिला ही है और मिलता ही रहेगा । आपने पुरुषार्थ में कमी रखी वह आपकी गलती हो सकती है । आपने पुरुषार्थ में कमी नहीं रखी लेकिन सफलता में और समृद्धि में कहीं कोई कमी रही वह आपकी गलती नहीं है ।
नीतिवाक्यामृत कहता है कि आपकी प्रवृत्ति कर्त्तव्य भावना से प्रेरित होनी चाहिए । आपकी प्रवृत्ति स्पर्धा प्रेरित होगी तभी आप समस्या में फंसेगे । आप जैसे हो वैसे ठीक हो , आप जहाँ हो वहाँ ठीक हो । आप क्यों किसी से स्पर्धा में फंसते हो । किसी को पराजित देखकर आपको खुशी मिलती है तो वह खुशी नकली है । सच्ची खुशी वह होती है जिसमें आप अन्य के विजय को भी आनंद से देख पाए । आप केवल खुद को ही विजेता बनाना चाहेंगे तो ऐसा कैसे चलेगा ? कभी कभी भरत राजा भी हारे हैं और सिकंदर भी हारा है । आपके मन में स्पर्धा का विचार बनता है , वही समस्या है । कोई जीत रहा है , आप मान लेते हो , आप दुःखी हो जाते हो । मैं हार रहा हूं , आप मान लेते हो , आप दुःखी हो जाते हो । आप का काम था : लक्ष्य पर ध्यान देना , आप दूसरों पर ध्यान दे रहे हो । आप का काम था : अपने काम को उत्कृष्ट बनाना , आप दूसरों का काम देख रहे हो । स्पर्धा की भावना अनुचित है । श्रेष्ठता की भावना उचित है ।
नीतिवाक्यामृत कहता है कि आपकी प्रवृत्ति कर्त्तव्य भावना से प्रेरित होनी चाहिए । आपकी प्रवृत्ति , ईर्ष्या से प्रभावित होगी तभी आप समस्या में फंसेगे । किसी को सफल देखकर आप को बूरा नहीं लगना चाहिए । किसी की प्रशंसा सुनकर आप को निराश नहीं होना चाहिए । किसी की जीत देखकर आप को परेशान नहीं होना चाहिए । जो सफल है सो है , आप ओछा सोचोंगे उससे किसी की सफलता , प्रशंसा , जीत छोटी नहीं हो जाएगी । ईर्ष्या के विषय में एक नियम हमेशा याद रखना : ईर्ष्या करने से सामने वाले का सुख कम नहीं होता है लेकिन ईर्ष्या करने से ईर्ष्या करने वाले का सुख अवश्य कम होता है । आप अहंकार , स्पर्धा वृत्ति और ईर्ष्या भाव के विषय में स्पष्ट रहे । आपका काम सही होगा , पुरुषार्थ सही होगा तभी आपकी शक्ति सफल हो पाएगी । अहंकार , स्पर्धा वृत्ति और ईर्ष्या भाव से आप को सफलता मिले न मिले , अशांति अवश्य मिलती है ।
मैंने सालों पहले ईगो मैनेजमेंट की किताब पढ़ी थी । दिल्ली से मंगवाई थी । आज उसके लेखक का नाम याद नहीं है । आदमी को अहंकार हो जाता है , घमंड हो जाता है , गर्व हो जाता है , खुद को महान् समझ लेता है । इस समस्या का निवारण कैसे करें ? इसी विषय पर किताब में विश्लेषण था । आप जब भी कोई किताब पढ़ें तब किताब की थीम क्यां है यह खोज लें । हरेक किताब की एक थीम होती है । इस किताब की थीम यह है कि जिस आदमी को जो शक्ति मिली है उसका सर्वश्रेष्ठ उपयोग करना आदमी की जिम्मेदारी होती है । शक्ति का उपयोग जब आदमी कर रहा है तब अपनी शक्ति के विषय में अहंकार बनाना अनावश्यक है । शक्ति का उपयोग करते बखत अहंकार होगा तो शक्ति का श्रेष्ठ उपयोग नहीं हो पाएगा । शक्ति का उपयोग करते बखत अहंकार नहीं होगा तो शक्ति का सर्वश्रेष्ठ उपयोग हो पाएगा । आदमी को अपने जीवन में जो काम मिला है वो काम करते रहना चाहिए । आदमी अहंकार के बगैर काम कर ही सकता है । अगर अहंकार के बगैर चल रहा है तो क्यों अहंकार करें ?
थोड़ा सा सोचते हैं । हर एक आदमी के जीवन में त्रिकोण चलता है । त्रिकोण के पहले कोने में क्यां है ? आपको मिली हुई शक्ति । त्रिकोण के दूसरे कोने में क्या है ? आपको मिला हुआ का काम । त्रिकोण के तीसरे कोने में क्या है ? आपके द्वारा हो रहा पुरुषार्थ । आप हंमेशा यह देखिए कि मुझे शक्ति कितनी मिली है , मुझे शक्ति कौन सी मिली है ? । फिर आप यह देखें कि मेरी शक्ति के अनुरूप काम मेरे हाथ में कितने है ? मैंने मेरे शक्ति को कितने काम दिए हुए हैं ? अगर मैं मेरी शक्ति को काम देता हूँ तो मेरी शक्ति सफल है । शक्ति होने के बावजूद अगर मैं मेरी शक्ति को काम नहीं देता हूँ तो मेरी शक्ति बेकार है , मेरी शक्ति कोई काम की नहीं है । और फिर तीसरी बात आती है पुरुषार्थ की । खुद को सूचना दे दो : मैं जितनी मेहनत करूंगा , जीवन मुझे उतना देते रहेगा । पुरुषार्थ ज्यादा है , जीवन बहोत कुछ देगा । पुरुषार्थ कम है जीवन बहोत कम देगा । यह बात धर्म को भी लागू होती है , यह बात व्यापार को भी लागू होती है । सार्वजनिक सत्य हर जगह लागू होता है । इगो मैनेजमेंट में लिखा था कि आप काम करते हो तो अहंकार के कारण नहीं करते हो । आप काम करते हो क्योंकि आपमें काम करने की शक्ति है । अतः जब भी काम करो तब आपका फोकस अपनी शक्ति पर होना चाहिए । आपका फोकस आपके अहंकार पर नहीं होना चाहिए ।
जीवन का प्रथम दृश्य है : आप के पास काम करने की शक्ति है और आप काम कर रहे हो । जीवन का द्वितीय दृश्य है : आप के पास काम करने की शक्ति है और आप काम नहीं कर रहे हो । जीवन का तृतीय दृश्य है : आप के पास काम करने की शक्ति नहीं है और आप काम नहीं कर रहे हो । जीवन का चतुर्थ दृश्य है : आप के पास काम करने की शक्ति नहीं है और आप काम करने की कोशिश कर रहे हो । प्रथम दृश्य में आदर्श परिस्थिति है : शक्ति है , काम है और पुरुषार्थ हैं । द्वितीय दृश्य में आदर्श परिस्थिति नहीं है : शक्ति है , काम है और पुरुषार्थ नहीं हैं । तृतीय दृश्य में आदर्श परिस्थिति नहीं है : शक्ति नहीं है , काम है और पुरुषार्थ नहीं हैं । चतुर्थ दृश्य में आदर्श परिस्थिति नहीं है : शक्ति नहीं है , काम है और पुरुषार्थ हैं । जीवन का सत्य एकदम स्पष्ट है : आप अपनी शक्ति को किसी काम के लिए समर्पित करते हो तब आपकी शक्ति सार्थक है । अहंकार स्पर्धा और ईर्ष्या तीनों भ्रम है । सत्य एक ही है : आपकी शक्ति , आप का काम और आपका पुरुषार्थ ।
खुद की तुलना में आप किसी को तुच्छ मान लेते हो वह आपकी भ्रमणा है । सच्चाई तो आपका काम है। खुद की तुलना में आप किसी को प्रतिस्पर्धी समझ लेते हो वह आपकी भ्रमणा है । सच्चाई तो आपका काम है । अन्य की तुलना में आप खुद को छोटा या कमजोर समझ लेते हो वह आपकी भ्रमणा है । सच्चाई तो आपका काम है ।
स्वयं को इस मामले में भ्रमणा से मुक्त रखो । आप का मन हल्का हो जाएगा । मन जितना हल्का रहेगा उतना ही सुखी रहेगा । मन जितना भारी हो जाएगा उतना ही दुःखी रहेगा । मैंने एक बहुत सुंदर वाक्य पढ़ा था : फूल के पास खुशबू होती है लेकिन अपनी खुशबू का भार कभी फूल लेता नहीं है । आपके पास शक्ति है , आपके पास काम है , पुरुषार्थ करते रहो । अहंकार , स्पर्धा और ईर्षा का भार मन पर मत आने दो ।
यह क्यां है दूसरों को देख देख के जीना ? जीना है तो अपनी शक्ति को देखकर जीओ । जीना है तो अपने काम को देखकर जीओ । जीना है तो अपने पुरुषार्थ के लिए जिम्मेदार बन के जीओ । नीतिवाक्यामृत का यह उपदेश है । आपकी शक्ति आपके जीवन को बनाती है , शक्ति के ऊपर फोकस रखो । आपका काम आपके जीवन को बनाता है , काम के ऊपर फोकस रखो । आपका पुरुषार्थ आपके जीवन को बनाता है , आपने पुरुषार्थ के ऊपर फोकस रखो । आप अपने आप आगे निकल जाओगे।
जो प्रोसेस पर ध्यान देता है उसे कोई रोक नहीं सकता । दूसरों पर ध्यान मत दो । कोई आप से आगे है , क्यां फर्क पड़ता है ? किसी से आप थोड़े पीछे रहेंगे , क्यां फर्क पड़ता है ? किसी के आगे निकल जाने से आप भिखारी नहीं बन जाते है । किसी से आगे निकल जाने से आप चक्रवर्ती नहीं बन जाते है । आपका पुण्य , आप का ही रहेगा । आपकी ताकत , आप की ही रहेगी । अपने पुण्य से खुश रहो , अपनी शक्ति से खुश रहो , अपने काम से खुश रहो , अपने पुरुषार्थ से खुश रहो । जितना खुश रहोगे उतना विकास कर पाओगे ।
तीन कथाएँ विश्व प्रसिद्ध हैं : रामायण , महाभारत और नल दमयन्ती । तीनों कथाओं के खलनायक अलग है। रामायण में खलनायक हैं रावण । महाभारत में खलनायक है दुर्योधन । नल दमयंती की कथा में खलनायक हैं कुबेर । ये तीनों खलनायक क्यों बने ?
रावण खलनायक बना क्योंकि रावण सभी को तुच्छ समझता था और अकेले खुद को महान् समझता था । दुर्योधन खलनायक बना क्योंकि दुर्योधन पांच पांडवों के साथ स्पर्धा करता था और स्पर्धा में जीतना चाहता था । कुबेर खलनायक बना क्योंकि कूबेर , नल की ईर्षा करता था । रावण में अहंकार भाव था । दुर्योधन में स्पर्धा भाव था । कुबेर में ईर्ष्या भाव था । अहंकार में आप अन्य को तुच्छ समझते हो , कमजोर मानते हो । स्पर्धा में आप अन्य को तुच्छ और कमजोर साबित करना चाहते हो । ईर्ष्या में आपको लगता है कि मैं कैसे पिछे रह गया , कमजोर रह गया ? सामने वाला कैसे आगे निकल गया ? आपका अन्य के साथ व्यवहार अच्छा नहीं होगा अगर आप अहंकार , स्पर्धा या ईर्ष्या के दलदल में फंसे हो । आपको किसी के साथ खुद की तुलना नहीं करनी चाहिए ।
नीति वाक्यामृत कहता है : मेरु पर्वत कभी अन्य पर्वतों से खुद की तुलना नहीं करता है । तुलना करोगे तो अहंकार होगा । तुलना करोगे तो स्पर्धा बनेगी । तुलना करोगे तो ईर्ष्या होगी । अहंकार ने रावण को जन्म दिया । स्पर्धा ने दुर्योधन को जन्म दिया। ईर्ष्या ने कुबेर को जन्म दिया । इतिहास में आपका नाम – रावण , दुर्योधन या कुबेर की तरह अर्थात् किसी खलनायक की तरह दर्ज हो ऐसा आप बिल्कुल भी नहीं चाहेंगे । खलनायक की चार विशेषता होती है । वह मन से अशांत होता है , वाणी व्यवहार में दुष्ट होता है , किसी का दुःख समझ नहीं पाता है , किसी को दुःख देने में संकोच नहीं करता है । आपका अहंकार आपको खलनायक बना सकता है। आपका स्पर्धा भाव आपको खलनायक बना सकता है । आपका ईर्ष्या भाव आपको खलनायक बना सकता है । अपने मन को देखिए । क्यां मन में अहंकार है ? पूछिए खुद को । क्य भीतर में स्पर्धाभाव भरा है ? पूछिए खुद को । क्यां अंतरात्मा में ईर्ष्या की आग जल रही है ? पूछिए खुद को । जो खुद को सवाल पूछता है वह शक्तिशाली बन सकता है । रावण ने सीता को तुच्छ समझा , रामजी को तुच्छ समझा । रावण को लग रहा था मेरे जैसा शक्तिशाली इस दुनिया में और कोई नहीं है । अहंकार था , अहंकार के कारण रावण का पतन हो गया । दुर्योधन चाहता था कि पांच पांडव मेरे से आगे न निकलने चाहिए , मुझे पांच पांडवों से आगे रहना चाहिए । स्पर्धा थी , स्पर्धा के कारण दुर्योधन का भी पतन हो गया । कुबेर चाहता था कि जो नल को मिला है वह सब मुझे मिल जाए , नल के पास कुछ भी न रहे । ईर्ष्या थी , ईर्ष्या के कारण कुबेर का ही पतन हो गया ।
हमें लगता है कि समस्या, केवल निष्फल लोगों को आती है । बात सही है । समस्या निष्फल लोगों को आती है लेकिन सच यह है कि समस्या निष्फल लोगों को भी आती है और समस्या सफल लोगों को भी आती है । निष्फल लोगों की समस्या अलग होती है। सफल लोगों की समस्या अलग होती है । आप किसी न किसी रूप में सफल हो गए अतः आपके नाम कोई न कोई उपलब्धि होगी । ऐसे में आप तीन समस्या में फंस सकते हैं। आपसे कम सफल व्यक्ति को देखकर आपको अहंकार हो सकता है । आपके ही समान सफल व्यक्ति को देखकर आपको मन में स्पर्धा वृत्ति जाग सकती है । आपसे अधिक सफल व्यक्ति को देखकर आप ईर्ष्या कर सकते हैं । आपका काम है खुद की शक्ति को देखना , आपका काम है खुद के पुण्य को परखना , आपका काम है खुद की जिम्मेदारी को समझना । अन्य की शक्ति , अन्य का पुण्य और अन्य का काम देखते देखते आप तुलना के चक्कर में फंस सकते हैं । खुद को बचा के रखो ।
आप जो भी काम कर रहे हो वह अहंकार मुक्त चित्त से करो , स्पर्धा मुक्त मानसिकता से करो , ईर्ष्या मुक्त हृदय से करो । अहंकार , स्पर्धा और ईर्ष्या की भावना से सुख की अनुभूति नहीं मिलती है । देखने वाली बात है की अहंकार , स्पर्धा और ईर्ष्या – न तो शारीरिक समस्या है , न तो आर्थिक समस्या है , न तो पारिवारिक समस्या है । ये तीनों मानसिक समस्या है ।अहंकार , स्पर्धा और ईर्ष्या – आपकी सोच पर अवलंबित है। आपने सोच में सुधार किया तो अहंकार स्पर्धा और ईर्ष्या आपके लिए अभिशाप नहीं बन सकते हैं । आपने सोच में सुधार नहीं किया तो अहंकार , स्पर्धा और ईर्ष्या आपके लिए अभिशाप बन सकते हैं ।
हमें जीवन मिला है खुश रहने के लिए । हमारा सोचने का तरीका गलत होता है इस कारण हम खुश होने से चूक जाते हैं । आप जीवन में जो भी कर रहे हो , आप जीवन में जहाँ पर भी हो , आपके साथ जीवन में जो भी हो रहा है उस के साथ तीन नियम जोड़ लो । एक , किसी को कमजोर या तुच्छ मत समझो । दो , किसी के साथ , स्पर्धाभाव मत बनाओ । तीन , किसी के लिए दिल में जलन , ईर्षा मत रखो । कोई आपसे बेहतर है उसका स्वीकार कर लो । सच्चाई का स्वीकार करने से खुशी मिलती है । सच्चाई को अनदेखा करने से दुःख बनता है। आप किसी से पीछे है इसका अफसोस मत रखिए । आपने आज तक जो हांसिल किया है वो लाखों लोगों को हांसिल नहीं हुआ है । सोचने का तरीका वही होना चाहिए जिससे खुशी बनें । ऐसे विचारों में कभी फंसना नहीं है जिससे खुशी बनती नहीं है।
आचार्य सोमदेव के समक्ष जो राजा महाराजा है , जो मंत्रिमंडल हैं , जो नगरशेठ है , जो सेनापति हैं वो बड़ा कारोबार संभाल रहे हैं अर्थात् किसी न किसी बड़े क्षेत्र के सत्ताधीश हैं ।
सत्ता के साथ दो शब्द जुड़ते हैं : परिग्रह और अनुमोदना । आपका परिग्रह आपका अधिकार क्षेत्र है , आपका कार्यक्षेत्र है , आपका भूमि क्षेत्र है । जिसका परिग्रह जितना बड़ा होता है उसका ममत्व , उसका अहंकार , उसका क्रोध और उसका राजकरण उतना ही बड़ा होता है । परिग्रह बड़ा होगा तो आवेश बड़ा होगा , व्यवहार बड़ा होगा , झूठ बड़ा होगा , पाप बड़ा होगा । ऐसे में कर्मबंध भी बड़ा होगा , समझ में आता है । आचार्य सोमदेव के समक्ष बड़े बड़े सत्ताधीश हैं जो बड़े कर्मबंध में फंसे हैं ।
आपकी सत्ता आपकी अनुमोदना का क्षेत्र भी है । अनुमोदना का अर्थ है सहमती । अनुमोदना का अर्थ है स्वीकृति । अनुमोदना का अर्थ है स्वागत । आपके पास जिसकी सत्ता है उसकी आप अनुमोदना कर रहे है । सत्ता जितनी बड़ी , अनुमोदना भी उतनी ही बड़ी । आपके हाथ में जो व्यवस्था है , जो संचालन है , जो घर है , जो दुकान है , उसमें होने वाली हर एक प्रवृत्ति की अनुमोदना आप करते ही हैं । घर में जो अच्छा हो रहा है उसका पुण्य घर के सत्ताधीश जिसको मिलेगा । सोसाइटी में जो अच्छा हो रहा है उसका पुण्य सोसाइटी के सत्ताधीश को मिलेगा । शहर में जो अच्छा हो रहा है उसका पुण्य शहर के सत्ताधीश को मिलेगा । राज्य में जो अच्छा हो रहा है उसका पुण्य राज्य के सत्ताधीश को मिलेगा और राष्ट्र में जो अच्छा हो रहा है उसका पुण्य राष्ट्र के सत्ताधीश को मिलेगा । इससे विपरीत घर में जो गलत हो रहा है उसका पाप घर के सत्ताधीश को लगेगा । सोसाइटी में जो अच्छा हो रहा है उसका पाप सोसाइटी के सत्ताधीश को लगेगा । शहर में जो गलत हो रहा है उसका पाप शहर के सत्ताधीश को लगेगा । राज्य में जो गलत हो रहा है उसका पाप राज्य के सत्ताधीश को लगेगा और राष्ट्र में जो गलत हो रहा है उसका पाप राष्ट्र के सत्ताधीश को लगेगा । राजा का साम्राज्य महान् होता है। राजा का परिवार विशाल होता है। राजा के अनुशासन में लाखों करोड़ो लोग होते हैं । राजा का ऐश्वर्य अपरिसीम होता है । जो सिंहासन पर बैठा है वह शक्तिशाली है , समीकरण स्पष्ट है । राज्य चाहे कितना भी बड़ा हो , राज्य में केवल धर्म ही धर्म होता है ऐसा नहीं है । राज्य में धर्म थोड़ा होता है , अधर्म अधिक होता है । राज्य के सत्ताधीश को राज्य में जो थोड़ा धर्म होता है उसकी अनुमोदना भी लगती है और जो बड़ा अधर्म होता है उसकी अनुमोदना भी लगती है ।
राज्य में मंदिर भी होते हैं और मयख़ाने भी होते हैं। राज्य में गौशाला भी होती है और कतलखानें भी होते हैं । राज्य में सात क्षेत्र की सेवा करने वाले भी होते हैं और सात व्यसन का सेवन करने वाले भी होते हैं । राज्य में अस्पताल भी होती है और होटल भी होती है । राज्य में साधु भी होते हैं और शैतान भी होते हैं । राज्य में शेठ भी रहते हैं और शठ भी रहते हैं । राज्य में श्राविकाएँ भी होती हैं और वेश्याएँ भी होती हैं । राज्य का सत्ताधीश , धर्म और अधर्म की अनुमोदना से जुड़ता है । धर्म कम रहता है , धर्म की अनुमोदना छोटी रहती है । अधर्म अधिक रहता है , अधर्म की अनुमोदना बड़ी रहती है । इसी कारण मुहावरा बना कि राजेश्वरी वा , नरकेश्वरी वा अर्थात् जो राज्य का स्वामी है वह नरकगामी है ।
उदाहरण के तौर पर देखें । हमारे राज्य में बड़े बड़े डैम होते हैं , बड़े बड़े थर्मल स्टेशन भी होते हैं । हमारे घरों में जो बिजली आती है उसका उत्पाद , डेम में और थर्मल स्टेशन में होता है । बिजली काम में आती हैं अतः अच्छी लगती है । बड़े बड़े डैम में जहाँ पानी गिरता है वहाँ बड़े – बड़े पंखे टरबाइन के साथ लगाए जाते हैं । पंखों पर पानी गिरता है , पानी के साथ हजारों जलचर भी गिरते हैं । पानी पंखे से टकराता है तब बिजली बनती है , वहीं पानी के साथ गिरने वाले जलचरों का क्यां होता है ? कभी सोचा है ? वो जलचर लाखों करोड़ों की संख्या में होते हैं और सब के सब पंखों पर गिरकर मर जाते हैं । देखने वाली बात है कि इस डेम संबंधित योजना की फाइल में जो मंत्री हस्ताक्षर देता है उसे डेम संबंधित जलचर हिंसा की एवं अन्य हिंसा की पूर्ण अनुमोदना लगती है क्योंकि स्कीम उसी ने लॉन्च की । यहीं थरमल स्टेशन की बात करें । ऐसे स्टेशनों से जो धुआं निकलता है , कार्बन उडता है वह आसपास के सैकड़ों किलोमीटरों में फैलता है और मनुष्यों में , पशुओं में , पंछियों में श्वसन तंत्र संबंधी बीमारी यह फैलाता है । थर्मल संबंधित योजना की फाइल में जो मंत्री हस्ताक्षर देता है उसे मनुष्य , पशु और पंछी को होने वाली सभी तकलीफों की अनुमोदना लगती है क्योंकि स्कीम उसी ने लॉन्च की । ये सत्ताधीश लोग कत्लखानें , मत्स्य उद्योग , पोल्ट्री फार्म की कैसी कैसी योजनाएं चलाते हैं , आप देखिएगा । डर जाएंगे आप । राज्य का सत्ताधीश और राष्ट्र का सत्ताधीश ऐसी कितनी योजनाओं की फाइल में हस्ताक्षर देते हैं ? सोचिए । एक एक योजनाएँ कितनी हिंसाएं करती है , यह भी सोचिए । सत्ताधीश को लगने वाला पाप कितना बड़ा होता है , आपको समझ में आ जाएगा ।
धर्म कहता है कि आपकी सत्ता का कद जितना बड़ा होगा उतना ही आपके पाप का कद बड़ा होगा । आप अपने कार्यक्षेत्र को , अधिकार क्षेत्र को देखिए । आपको परिग्रह एवं अनुमोदना जनित कर्मबंध कितना हो रहा है , अपने आप समझ में आएगा । परिग्रह का पाप , दुर्गति में ले जाता है । अशुभ की अनुमोदना का पाप , सद् गति से वंचित कर देता है । आचार्य सोमदेव के समक्ष सत्ताधीशों ने अपनी आत्मचिंता व्यक्त की होगी । आचार्य सोमदेव ने इसी कारण सत्ताधीशों के लिए नीति का ग्रंथ लिखा है । आपकी परिग्रह भावना आपको शुभ विचारों से दूर रखती है । आपकी अविवेकी अनुमोदना आपको शुभ ध्यान से दूर रखती है । आपको शुभ विचार की आवश्यकता है , शुभ ध्यान की आवश्यकता है । नीतिवाक्यामृत हमें सिखाता है कि जीवन व्यवहार में शुभ विचार कैसे बनाये रखें ।
दो प्रकार के लोग होते हैं । कुछ लोग निष्फल होते हैं , निराश होते हैं । कुछ लोग सफल होते हैं , आशावान् होते है । दोनों के साथ एक ही भाषा में बात नहीं हो सकती है । निष्फल व्यक्ति का , निराश व्यक्ति का भावना विश्व अलग होता है , सफल व्यक्ति का , आशावान् व्यक्ति का भावना विश्व अलग होता है । अनुभवी आदमी , निष्फल या निराश व्यक्ति के साथ अलग भाषा में बात करेगा और सफल या आशावान् व्यक्ति के साथ अलग भाषा में बात करेगा ।
सफल या आशावान् व्यक्ति का आत्मविश्वास शक्तिशाली होता है । वह कहता है कि ‘ मैं यह काम कर सकता हूं , अब तक कुछ काम मैंने कर लिए हैं , अब बताओ , मुझे और क्यां करना है । ‘ ऐसे ऊर्जस्वी लोगों को जो उपदेश दिया जाता है वह अलग होता है । निष्फल या निराश व्यक्ति का आत्मविश्वास एकदम कमजोर होता है । वह कहता है : ‘ मैं यह काम नहीं कर सकता हूं । ‘ भगवद् गीता का प्रारंभ होता है अर्जुन के विचार से । प्रारंभ में अर्जुन कहता है कि यह काम मेरे से नहीं होगा । भगवद् गीता निराश अर्जुन को संबोधित करती है । वह निराश व्यक्ति को सुनाया गया उपदेश था जो बाद में भगवद् गीता के नाम से मशहूर हुआ । जैसे जैसे गीता आगे बढ़ी थी , निराशा टूटी थी , निराशा हटी थी । भगवद् गीता समाप्त हुई है तब अर्जुन कह दिया कि ‘ मैं सारें काम कर लूंगा , बताओ , मुझे क्यां करना है ? ‘ ।
भगवद् गीता हमें सिखाती है कि आप जब भी बोले , ऐसा बोले कि आशा जागे , आशा बढें , आशा बने , आशा अखंड रहे । आप के बोलने से किसी की आशा टूटे , किसी की आशा कमजोर पड़े , किसी की आशा नष्ट हो जाए – ऐसा नहीं होना चाहिए । आशा से अनुकूल वाणी आपकी शोभा है । आशा से प्रतिकूल वाणी आपकी कमझोरी है । जिसका आत्मविश्वास कमजोर पड़ गया है उसे प्रोत्साहन की आवश्यकता होती है । प्रोत्साहन का उपदेश अलग होता है । जिसका आत्मविश्वास प्रचंड है उसे प्रोत्साहन की आवश्यकता नहीं है । उसे मार्गदर्शन की आवश्यकता होती है । मार्गदर्शन का उपदेश अलग होता है । नीतिवाक्यामृत सफल व्यक्ति को मार्गदर्शन देने वाला ग्रंथ है । ऐसा नहीं है कि नीतिवाक्यामृत प्रोत्साहन नहीं देता है , इस ग्रंथ से प्रोत्साहन अपने आप मिलता है । ग्रंथकार का उद्देश्य है मार्गदर्शन देना ।
कुछ लोग बात बात में रोते हैं , कुछ लोग हर बखत डरे हुए रहते हैं । ऐसे लोग किसी से बात करेंगे तो निराशा ही फैलाएँगे । जो खुद रोता है वह दूसरों को रूलाता है , जो खुद डरता है और दूसरों में भी डर जगाता है । किसी को खुद की शक्ति पर भरोसा नहीं होता है , किसी को परिस्थिति के लिए विश्वास नहीं होता है , किसी को परिणाम के प्रति विश्वास नहीं होता है – ऐसे में रोनाधोना चालू रहता है , डर बना रहता है । किसी में धीरज नहीं होती है , किसी में हिम्मत नहीं होती , किसी में समझदारी नहीं होती है , किसी में आयोजन शक्ति नहीं होती है – ऐसे में रोनाधोना चालू रहता है , डर बना रहता है । किसी में असंतोष अधिक होता है , किसी में अपेक्षाएं अति अधिक होती है , किसी में अविवेक और अहंकार अधिक होता है – ऐसे में रोनाधोना चालू रहता है , डर बना रहता है । ऐसे लोग अच्छे से काम नहीं कर पाते हैं । नीतिवाक्यामृत ऐसे लोगों के लिए नहीं है ।
नीतिवाक्यामृत उन लोगों के लिए है जो अनेक काम कर चुके हैं , अनेकों काम संभाल रहे हैं । आचार्य सोमदेव अपने टारगेट ऑडियंस के विषय में स्पष्ट है । आचार्य सोमदेव , राजा महाराजाओं को संबोधित कर रहे हैं , मंत्रिमंडल को , सेनापतियों को , राज्य संचालकों को संबोधित कर रहे हैं । आचार्य सोमदेव , सफल और आशावान् व्यक्ति को संबोधित कर रहे हैं । जब हम ग्रंथ सुनते हैं तो ग्रंथ किसे ध्यान में रखकर लिखा गया है वह जान लेना चाहिए । ऐसा करने से ग्रंथ का विषय आसानी से समझ में आता है । भगवद् गीता में एक जगह पर कृष्ण बहुत कटु भाषा में बोले थें : हे अर्जुन ! तूं नपुंसक जैसी बातें क्यों कर रहा है ? क्लैब्यं मा स्म गमय पार्थ । कृष्ण ऐसे शब्द इसलिए बोले क्योंकि अर्जुन की निराशा दूर करनी थी , अर्जुन का भय खत्म करना था । कृष्ण का आशय यह था कि ‘ हे अर्जुन ! तुझे कुछ समझता ही नहीं है , तुझे कुछ करना ही नहीं है , तूं तो कुछ करना ही नहीं चाहता है । तूं कैसा हो गया है , भाई ? देख , अपने आप को देख और सुधर जा । ‘ निष्फल व्यक्ति को निराश व्यक्ति को जगाना पड़ता है , हिलाना पड़ता है , धक्का लगाना पड़ता है ।
दो परिस्थिति जिंदगी में कभी भी आने मत देना : एक आपका खुद के प्रति आत्मविश्वास कम हो जाए , टूट जाए । दो , आपके कारण किसी का खुद के प्रति आत्मविश्वास कम हो जाए , टूट जाए । आपको कोई अच्छा काम करने का मन हुआ तब खुद को कहो कि हां , यह काम मैं कर सकता हूँ । किसी को अच्छा काम करने का मन हुआ है तो उसे कहो कि हां , तूं यह काम कर सकता है । आपने कोई अच्छा काम कर लिया तब खुद को कहो कि तूंने यह अच्छा काम कर लिया तो तूं और भी अच्छे काम कर सकता हैं । किसी ने अच्छा काम कर लिया हो तो उसे कहो कि तूंने एक अच्छा काम कर लिया तो तूं और भी अच्छे काम कर सकता हैं । आपको खुद का हौसला बढ़ाते रहना चाहिए। आपको अन्य का हौसला भी बढ़ाते रहना चाहिए ।
जिसका हौसला बुलंद है वहीं अच्छे काम , बड़े काम कर सकता है । जिसका हौसला ही कमजोर पड़ गया है वह किसी काम के लायक नहीं होता है । आप ऐसे ही लोगों से बात करें जो आपका हौसला बढ़ाते है , आपको प्रोत्साहित करते है । जो अपनी वाणी के द्वारा आपका उत्साह तोड़ देते हैं , आपकी प्रसन्नता को क्षत विक्षत कर देते हैं , आपके आत्मविश्वास को ढीला कर देते हैं ऐसे लोगों से दूर रहिए । जब कोई आपसे बात कर रहा है तब उसका उत्साह खत्म न हो , उसकी प्रसन्नता का भंग न हो , उसका आत्मविश्वास कमजोर न पड़े इसी प्रकार बात करें । शुद्ध शास्त्रीय भाषा में कहे तो दो बात है : किसी के कारण आपके मन में आर्त ध्यान नहीं बनना चाहिए , आपके कारण किसी के मन में आर्तध्यान नहीं बनना चाहिए । भगवद् गीता का प्रारंभ होता है तब अर्जुन कहता है : मेरे से नहीं होगा । भगवद् गीता समाप्त होती है तब अर्जुन कहता है : मैं कर लूंगा । जहाँ भगवद् गीता समाप्त होती है वहाँ से नीतिवाक्यामृत का प्रारंभ होता है । जहां भगवद् गीता समाप्त होती है वहां से अर्जुन का पराक्रम शुरू होता है ।
आज से हम मंगल यात्रा का प्रारंभ कर रहे हैं । यात्रा , एक ग्रंथ की । यात्रा , एक विचारधारा की । आप जीवन में जहाँ पर भी हो , जो भी कर रहे हो , जिस भूमिका से भी कर रहे हो , आप जो कर रहे हैं वह जो भी हो , लेकिन आपका विचार क्यां है ? इसी के आधार पर आपके जीवन की गुणवत्ता निर्धारित होती है ।
आप बिना किसी विचार भी धर्म करते रहे , हो सकता है। इसे ओघ संज्ञा कहते हैं । आप बिना सोचे , बिना समझे , बस बचपन से चल रहा है तो धर्म कर रहे है । बिना सोचे जो धर्म किया गया उसे ओघ संज्ञा कहते हैं । ओघ संज्ञा : कर रहे हो लेकिन सोच नहीं रहे हो । और बिना सोचे किया गया धर्म , ज्यादा ताकतवर नहीं होता , ज्यादा टिकाऊ नहीं होता । एक यह भी होता है : आप धर्म करते हो तो लेकिन आप धर्म इसलिए करते हो ताकि दुनिया को पता चले , मैं कितना अच्छा आदमी हूं । आप धर्म करते हो तो इसलिए करते हो कि दुनिया में आपकी प्रशंसा हो । कुछ लोग बिना सोचे समझे धर्म करते हैं , वो धर्म ओघ संज्ञा का धर्म होता है । कुछ लोग दुनिया को दिखाने के लिए धर्म करते हैं । मैं कितना महान् हूं , में कितना शक्तिशाली हूं , मैं दूसरों से कितना आगे हूं , इस भूमिका से जो धर्म किया जाता है , दुनिया को प्रभावित करने के लिये या दुनिया में नाम कमाने के लिए जो धर्म किया जाता है उसे लोक संज्ञा का धर्म कहते है ।
धर्म , सोचकर समझकर भी होता है । ग्रंथों में क्यां लिखा है ? शास्त्रों में क्यां लिखा है ? क्यां करना चाहिए ? क्यां सोचना चाहिए ? क्यां नहीं करना चाहिए ? क्या नहीं सोचना चाहिए ? ग्रंथों में क्यां लिखा है इसका अभ्यास करके , वो बातें अंदर उतारने के बाद में जो धर्म किया जाता है वह है शास्त्र संज्ञा का धर्म । शास्त्र संज्ञा का धर्म , एक विचारधारा को फॉलो करने के लिए होता है । आज से हम नीतिवाक्यामृत ग्रंथ के साथ अपनी यात्रा का प्रारंभ कर रहे हे हैं । अभी यह जो साल है , विक्रम संवत् के हिसाब से कौन सा वर्ष चल रहा है भाई ? मैं ईसाई सन् की बात नहीं कर रहा हूं । मैं विक्रम संवत् की बात कर रहा हूं । मैं तारीख की बात नहीं कर रहा हूं , मैं तिथि की बात कर रहा हूँ । हमारी तिथि दिवाली से बदलती है , हमारी तारीख दिवाली से नहीं बदलती है। दिवाली से हिन्दुस्तान का वर्ष बदलता है । यह २०८१ का वर्ष है , भारतीय पंचांग के दृष्टिकोण से । आप जो २०२५ का वर्ष बोलते है वह अंग्रेजों ने सिखाया है । खुद से पूछिए : हम अंग्रेजों के वंशज हैं या भारतीय परंपरा के वंशज हैं ? भले , विश्व व्यवस्था के कारण हम अंग्रेजी भाषा से जुड़े , तारीख से जुड़े लेकिन हम अंग्रेजों के वंशज नहीं हैं । हम भारतीय परंपरा के वंशज हैं। हमें मालूम होना चाहिए कि आज तिथि क्यां है ? जो तिथि को याद रखता है वह भारत का वह वंशज है । जो केवल तारीख को याद रखता है वह अंग्रेजों का वंशज है । आचार्य सोमदेव ने विक्रम संवत् १०३४ में एक ग्रंथ लिखा है : यशस्तिलक चम्पू । विक्रम संवत् १०३४ से विक्रम संवत् २०३४ , १००० वर्ष । ३४ वर्ष से ८१ वर्ष : ४७ वर्ष । अर्थात् १०४७ वर्ष पूर्व यशस्तिलक चम्पू लिखा गया । यशस्तिलक चम्पू के बाद नीतिवाक्यामृत लिखा गया । कह सकते हैं कि नीतिवाक्यामृत ग्रंथ भी एक हजार वर्ष पूर्व लिखा गया है ।
नीतिवाक्यामृत ग्रंथ जब लिखा गया तब भारत देश में अंग्रेजी भाषा नहीं आई थी । केवल २०० साल पूर्व भारत देश ने अंग्रेजी भाषा देखी । उस से पूूर्व कालीन इतिहास खंड में यहां ऐसा साहित्य लिखा गया जिसको पूरी दुनिया फॉलो करती थी । संस्कृत भाषा के ग्रंथ , प्राकृत भाषा के ग्रंथ , पाली भाषा के ग्रंथ , मारु गुर्जर भाषा के ग्रंथ । दुनिया भर से लोग भारत आते थें , भारत में रहते थें , भारतीय ग्रंथों का अभ्यास करते थें । बाद में अपने अपने देश में वापिस जाते थें । और भारत में जो सीखा उसे अपने देश में फॉलो करते थें । आज हमारे आस – पास अंग्रेजी भाषा का माहौल इस कदर बना है कि २०० साल पूर्व आई हुई भाषा लिखने पढने में हमे समझती है लेकिन भारतीय भाषा केवल बोलने तक सीमित होती जा रही है । हमारे ऊपर संस्कृत भाषा हावी होनी चाहिए थी लेकिन हमारे ऊपर अंग्रेजी भाषा हावी हो चुकी है । यह आदत बदलनी चाहिए । वार्तालाप में और व्यवहार में जो अंग्रेजी शब्द ज़रूरी नहीं है उसे टालने की कोशिश करनी चाहिए । जब आप लाल बोल सकते हैं तो रेड क्यों बोले ? जब आप गुलाबी बोल सकते हो तो पिंक क्यों बोले ? जब आप एक बोल सकते हो तो वन क्यों बोले ? जब आप दस बोल सकते हो तो टेन क्यों बोले ? रेड को , पिंक को , वन को , टेन को स्कूल में रहने दो , ऑफिस में रहने दो । घर में रेड मत बोलो , घर में लाल बोलो । घर में पिंक मत बोलो , घर में गुलाबी बोलो । घर में वन मत बोलो , घर में एक बोलो । घर में टेन मत बोलो , घर में दस बोलो । घर को रेड की , पिंक की , वन की , टेन की आवश्यकता नहीं है । घर को लाल की , गुलाबी की , एक की , दस की आवश्यकता है । घर को मम्मी और आंटी जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को मां और चाची जैसे शब्दों की आवश्यकता है । घर को पप्पा और अंकल जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को बापु और चाचू जैसे शब्दों की आवश्यकता है । घर को हसबंंड और वाइफ जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को पति और पत्नी जैसे शब्दों की आवश्यकता है । घर को सन और डोटर जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को बेटा और बेटी जैसे शब्दों की आवश्यकता है । मैं स्कूल में क्यां पढ़ाया जा रहा है , बाजार में क्यां चल रहा है , उसमें हस्तक्षेप नहीं कर रहा हूं । हमारे भारत देश की हिंदी भाषा १००० साल पुरानी है , गुजराती भाषा १००० साल पुरानी है , मराठी भाषा १००० साल पुरानी है । इन दोनों के पीछे संस्कृत और प्राकृत भाषा है जो ५००० साल पुरानी है । जब आप भारतीय भाषा का शब्द छोड़कर अंग्रेजी का शब्द बोलते हो तब आप ५००० साल पुराना इतिहास छोड़ के २०० साल पुराने इतिहास के साथ चिपक जाते हो । बात समझ में आई , मेेरे भाई ?
मैं घरों में गोचरी लेने जाता हूं तो लोग बिनती करते हैं : एप्पल का खप है ? । मैं डर जाता हूँ कि ये कोई मोबाइल की तो बात नहीं हो रही है ? एप्पल की जगह सेब बोला जा सकता है । आप जब अंग्रेजी भाषा बोलते हो , धड़ल्ले से बोलते हो , गौरव से बोलते हो तब यह साबित हो जाता है कि आपको अपने ५००० साल पुराने इतिहास के लिए प्रेम नहीं है। कोई अंग्रेजी आदमी मिले , कोई विदेशी आदमी मिले उसको समझाना है तब ठीक है , ऑफिसवर्क है या स्कूली सिलेबस है तब भी ठीक है . लेकिन हम घर में भी अंग्रेजी में ही शब्द के शब्द बोले जा रहे है , शब्द के शब्द लिखे जा रहे है यह अजीब है । हमारी परंपरा को हमें ही प्रेम करना है , डायरी में लिख लो । हमारी भाषा हमारी समृद्ध परंपरा है । संस्कृत भाषा , प्राकृत भाषा , हिंदी भाषा , मराठी भाषा , गुजराती भाषा , राजस्थानी भाषा । हमें इन भाषाओं के सारे शब्द मालूम नहीं है । केवल कुछ अंग्रेजी शब्द हमें मालूम हैं , इस से हम खुद को बुद्धिमान् समझ ले यह गड़बड़ है। कंप्यूटर में , कंप्यूटर की कोड लैंग्वेज के रूप में , संदेशवाहक के रूप में व्यावहारिक आदान-प्रदान के रूप में , जहां अंग्रेजी भाषा है वहां से उसे निकालना संभव नहीं है । जो जहां पर बैठ चुका है वो वहाँ रहेगा , हम क्यां कर सकते हैं ? लेकिन जिसकी जहां जरूरत नहीं है उसको वहां से हटा देना चाहिए । आपके घर में अंग्रेजी भाषा के शब्द उपयोग में ना ले तो भी घर आराम से चलेगा । आप के मित्रों के साथ अंग्रेजी भाषा के शब्द न बोलें तो भी आराम से चलेगा ।
जब मैं यहाँ इस पाट के ऊपर बैठता हूँ तो इस पाट की पूरी जगह मैं इस तरह रोक लेता हूं कि यहां दूसरा कोई बैठ नहीं सकता है । वैसे जब आप अपनी वाणी में किसी अंग्रेजी शब्द को बैठा देते हो तो उस जगह पर अपनी परंपरा का शब्द नहीं आएगा यह निश्चित हो जाता है । एक जगह पे मैं शाम के समय बिहार करके पहुँचा । रात का व्याख्यान रखा था । रात को मैंने ५५ मिनट तक व्याख्यान दिया। व्याख्यान के बाद मैंने सभी को पूछा कि मैं पहले भी यहाँ बहुत सारे व्याख्यान दिया हूँ और आज भी व्याख्यान दिया , आज के व्याख्यान में आपको क्या फर्क लगा ? अब तत्काल बोलना था तो सभी ने कहा कि आप शाम का विहार करके आये हो तो आप थके हुए हो , आज आपके व्याख्यान में थकान महसूस हुई । तब मैंने उनको बताया भाई , मैं आप लोगों के साथ घुल मिलने के लिए आपकी तरह आपकी भाषा में रोज बोलता रहता था । तो मैं जब भी बोलता था मेरी पूरे व्याख्यान में बार बार अंग्रेजी शब्द आते रहते थें । लेकिन आज ५५ मिनिट ऐसी बीती है जिसमें मैंने एक भी अंग्रेजी शब्द का उपयोग नहीं किया है । क्यां आप अंग्रेजी शब्द का उपयोग किए बगैर एक घंटा वार्तालाप कर सकते हो ?आत्मनिरीक्षण कीजिए । आपको समझ में आएगा कि जहां जरूरी नहीं है वहां पर भी हम अंग्रेजी शब्द बोल रहे हैं । हम धन्यवाद बोलने की जगह थेंक यु बोलते हैं , हम क्षमा बोलने की जगह सोरी बोलते हैं । ऐसा सैंकडों जगह पर होता है । मैं ये नहीं कहता हूँ कि अंग्रेजी भाषा उसको आउट कर दो । जो दुनियादारी है वो है लेकिन जहां इसकी जरूरत नहीं है वहां उसे रखना वो हमारी परंपरा का अपमान है , वो हमारे गर्व का अपमान है। संत ज्ञानेश्वर , संत तुकाराम कोई अंग्रेजी भाषा में नहीं लिख के गए। हमारे संत कबीर , हमारे संत दादू , हमारे संत रैदास , हमारी मीराबाई , हमारे योगी आनंदघनजी – किसी ने भी अंग्रेजी में लिखा नहीं है फिर भी हमारे देश की संस्कृति का डंका पूरी दुनिया में बजता रहा है और इन्हीं के बलबूते पर बजता रहेगा। तो हमारे परिवार की भाषा , भारत की भाषा रहेगी यह समीकरण स्पष्ट रखो । हमारे व्यापार की भाषा , हमारे व्यवहार की भाषा जो भी हो लेकिन हमारे परिवार की भाषा भारतीय भाषा ही होनी चाहिए ।
विक्रम संवत् १०३४ वह समय है जब अंग्रेज भी भारत में नहीं आए थें । उस समय ये ग्रंथ लिखा गया। इस ग्रंथ में आचार्य चाणक्य का नाम आता है , इस ग्रंथ में आचार्य कामंदक का नाम आता है , इस ग्रंथ में विदुर का नाम आता है , भगवद्गीता का नाम आता है , श्री महावीर स्वामी भगवान् का नाम आता है , गौतम बुद्ध का नाम आता है । जीवन का नाम आता है , सुख दुःख का नाम आता है । धर्म अर्थ काम और मोक्ष , चारों पुरुषार्थ का नाम आता है । कल्पसूत्र के पहले व्याख्यान में एक वाक्य आता है । पुरुष विश्वासे वचनविश्वास: । बोलने वाला कौन है यह जान लो , बात अपने आप अच्छी लगेगी ? बोलने वाला अच्छा है तो बात अपने आप अच्छी लगेगी । भारतीय परंपरा में संस्कृत भाषा में जो भी लिखा गया , तीन शैली से लिखा गया । पद्य शैली में , गद्य शैली में और मिश्र शैली में । अगर मैं आपको कोई कविता सुना दूं , श्लोक सुना दूं तो वह पद्य है । यह दोहरा आपने सुना होगा : कबीर खडा बाज़ार में , सबकी चाहे खैर , ना काहूं से दोसती , ना काहूं से बैर । यह पद्य है । संस्कृत भाषा में पद्य में भी बहुत कुछ लिखा गया । श्लोक , अष्टक , षोडशक , षट्त्रिंशिका , पंचाशिका , शतक , सहस्री , ग्रंथ , काव्य , महाकाव्य इत्यादि । जो छंद में लिखा जाता है वह पद्य है , जो छंद के बंधन से मुक्त रहकर लिखा जाता है वह गद्य है । अभी मैं आपके साथ जो बोल रहा हूँ वो गद्य है । विवरण , कथा आदि को गद्य कहते है । संस्कृत भाषा में गद्य शैली से भी बहुत कुछ लिखा गया है । एक और शैली है लिखने की , मिश्र शैली । जो भी लिखा जाता है उसमें कुछ पद्य होता है , खुद गद्य होता है । इस शैली के ग्रंथ को चंपू कहते हैं । भारत देश में पद्य साहित्य के बहुत सारे ग्रंथ हैं , गद्य साहित्य के भी बहुत सारे ग्रंथ हैं । लेकिन चंपू साहित्य के ग्रंथ बहुत कम हैं । और ऐसे ग्रंथों में जो सर्वश्रेष्ठ दश ग्रंथ है उस में यशस्तिलक चम्पू सर्वोपरी है । जैसे पद्य साहित्य में रामायण , महाभारत , रघुवंश आदि ग्रंथ सर्वोपरी है, जैसे गद्य ग्रन्थों में कादंबरी , तिलकमंज़री आदि ग्रह सर्वोपरी है। वैसे चंपू साहित्य में यशस्तिलक चम्पू सर्वोपरी है । आचार्य सोमदेव की प्रथम विशेषता यह है कि वह भारत के सर्वश्रेष्ठ चंपूकाव्यकार है । विदेशी विद्वान् , वैदिक विद्वान् और जैन विद्वान् सब आचार्य सोमदेव को आदर देते हैं । गिरिश कर्नाड की रचना , बली – नीतिवाक्यामृत से प्रभावित है । आचार्य सोमदेव की द्वितीय विशेषता यह है कि कान्यकुब्ज के प्रतिहार राजा महेन्द्रपाल के दरबार में आप का विशेष स्थान था । प्राचीन कान्यकुब्ज आज का कंबोज है , उत्तर प्रदेश । आप का संबंध , वेमुलवाडा – तेलंगाना के राज परिवार के साथ भी था । आप ने राजनीति का ग्रंथ लिखा है क्योंकिराजा महाराजा , आप के लिए श्रद्धा रखता था । आचार्य सोमदेव की तृतीय विशेषता यह है कि आप ने जो ग्रंथ लिखा है वह राजनीति का ग्रंथ है । राजनीति के विषय पर लिखे गए ग्रंथ बहुत कम है। कौटिल्य का अर्थशास्त्र । चाणक्य नीति । कामंदकीय अर्थशास्त्र । विदुरनीति । अर्हन्नीति । गिने चुने ग्रंथ हैं । सामान्यतः राजनीति के ग्रंथ में दया ममता का स्थान कम होता है । नीतिवाक्यामृत के विवेचक कहते है कि मानवीय मूल्यों पर आधारित राजनीति का उपदेश आचार्य सोमदेव ने दिया है । नीतिवाक्यामृत की रचना दयालू महात्मा ने की है अतः राजनीति में भी ममता , आत्मीयता , वात्सल्य के साथ व्यवहार कैसे किया जाए इस प्रकार का मार्गदर्शन , नीतिवाक्यामृत में उपलब्ध होता है । आचार्य सोमदेव राजनीति विषयक ग्रंथ के प्रणेता हैं यह आपकी तृतीय विशेषता है ।ऐसे महान् आचार्य द्वारा विरचित नीतिवाक्यामृत के अलग – अलग ३२ प्रकरण हैं , कुल मिलाकर १५६१ सूत्र हैं । हम कुछ गिनेचुने सूत्रों की यात्रा करेंगे ।
The eighth chapter of Shri Dasha-shrut-skandh composed by the 14 Purvadhar Maharshi Shri Bhadrabahusurishwarji Maharaj, has received independent and supreme honor in the entire Jain community as Shri Barsa Sutra. The original name of this sacred scripture is Shri Paryushan kalp. Structure and Content This scripture contains 291 consecutive sutras(verses).
Sutras 1-147: Life story of Lord Mahavir . Sutras 148-160: Life story of Lord Parshavanath . Sutras 161-169: Life story of Lord Neminath . Sutras 170-189 : Description of the intervening periods between the Tirthankars from Lord Neminath to Lord Ajitanath in reverse order . Sutras 190-200: Life story of Lord Rishabhadev swami . Sutras 201-223: Genealogy of the Sthaviras (elder monks) who succeeded Lord Mahavir – the Sthaviravalі . Sutras 224-291: Important guidance for the spiritual practice of ascetic life .
The scripture is divided into two parts: Sutras 1-223 are in narrative form, while Sutras 224-291 are in procedural form. This procedural section provides guidance for monks and nuns about where to stay during the four-month rainy season retreat, when to stay, and what to do or not do there. Although the Paryushan-related sutras are only from 224-291, these sutras form the main content of the text, as understood from its name “Paryushan kalp.
Names and Significance : Currently , two names are prevalent: Shri Barsa sutra and Shri Kalpasutra. The name “Shri Barsa sutra” comes from the number of letters in this scriptural text. The total verse count of this scripture is 1,216. Since the additional 16 after 1,200 is small, it is not given much importance, and the verse count of this scripture is referred to as twelve hundred. Thus, this scripture of 1,200 verses has been named Shri Barsa sutra. Each verse contains thirty-two letters. Multiplying 1,216 by 32 gives 38,912 total letters.
Commentaries and Tradition : Multiple commentaries, churnis, and tabas have been written on Shri Barsa sutra or Shri Paryushan kalp. The original words of Shri Barsa sutra indicate the subject matter, and more extensive and comprehensive descriptions are provided in the commentaries, churnis, and tabas based on these words. This scripture, which is read from the fourth day of the Paryushan festival, expresses this special subject matter and thus attains a somewhat special place compared to Shri Barsa Sutra alone. When highly influential and beneficial topics like the ten types of conduct for monks, descriptions of Lord Mahavir’s trials (upsargs), and discourses of the chief disciples are presented through commentaries, this scripture is primarily known as Shri Kalpasutra in the form of meaning-recitation.Since only the original sutras are recited on the day of Shri Samvatsari Mahaparva, this scripture is known as Shri Barsa sutra.
Spiritual Benefits and Reverence : The auspicious glory of this scripture is such that listening to Shri Barsa sutra with concentrated mind twenty-one times makes the soul approach liberation in the next birth. A well-established tradition exists for listening to it annually with the entire Jain community. When the opportunity to listen to Shri Barsa sutra arises, the guru seated on the lecture platform holds the manuscript and reads this scripture aloud. This written or printed copy becomes an extremely sacred support for the reading and listening of Shri Barsa sutra. This copy receives great reverence, is worshipped, and receives magnificent honor. This worship and honor is the veneration of the scriptural letters present on the pages of the copy.
Artistic Manuscripts : A belief arises in devotees’ minds that what is worshippable should be beautiful and should be created with excellent materials. This devotional feeling has been expressed for hundreds of years. The golden-lettered manuscripts of Shri Barsa sutra are living examples of this devotion. The entire scripture is written with golden ink, and contextual illustrations also appropriately use golden ink. Each page of the manuscript is decorated with drawings of various ornaments, making the entire handwritten manuscript shine like jewelry. There has been a long tradition of creating golden-lettered copies of Shri Barsa sutra.
( Translated excerpts from Pujya Devardhi Saheb’s Foreword on Shri Barsa Sutra Granth . Translated by Arpit Shah. The translator apologizes for any errors or omissions. )
भारत का आजादी पर्व १५ अगस्त को मनाया जाता है . इसी दिन हम भारत के सभी स्वतंत्रता वीरों का स्मरण करते हैं. जिसने जिसने भारत को विदेशी सत्ता से मुक्त करने के लिए पुरुषार्थ किया उन सभी को हम १५ अगस्त के दिन विशेष रूप से याद करते हैं . भारत का स्वतंत्रता संग्राम जब हुआ था तब भारत के प्रजाजन एकजुट होकर लड़े थे . कोई एक परंपरा , कोई एक धर्म , कोई एक संप्रदाय अलग से लड़ा था ऐसा नहीं था. सबने साथ मिलकर जंग छेड़ी थी तब जाकर देश आजाद हुआ था . 15 अगस्त के दिन जहां-जहां भाषण होते हैं वहां-वहां निर्धारित नाम को ही याद किया जाता है . शालाओं में जो किताबें पढ़ाई जाती है उसमें भी निर्धारित नाम ही पढ़ाए जाते हैं . आजादी के लिए लड़नेवालों के नाम तो बहुत है लेकिन सारे नाम किसी को याद हो ऐसा हुआ नहीं है . कुछ कुछ सभी को याद है और जो नाम याद है वो नाम सही में याद रखने लायक ही है .लेकिन जो नाम याद नहीं है वो भी याद करने लायक नाम है यह सत्य हम कैसे भूल सकते हैं ?
जैन होने के नाते हम अपने आप को अगर यह पूछे कि हमारे पूर्वजों ने स्वतंत्रता के संग्राम में क्या पुरुषार्थ किया था ? तो यह पूछना हमारा अधिकार है और इसका जवाब खोजना भी हमारा ही कर्तव्य है . जब भी कोई भी जैन स्वतंत्रता संग्राम के लिए लड़ा है तब वह भारतीयता की भूमिका से लड़ा है . ऐसा नहीं है कि मैं जैन हूं यह दिखावा करते हुए लड़ा है . वह लड़ा है तो केवल भारतवासी प्रजाजन बनकर लड़ा है . बाद में जब इतिहास लिखा गया और इतिहास में नाम दर्ज होते गए तब जाकर पता चला कि अधिकांश लोग ऐसे थे जो जैन नहीं थें लेकिन स्वतंत्रता संग्राम में जरूर लड़े और कुछ लोग ऐसे भी थे जो जैन थें और स्वतंत्रता संग्राम में लड़े . स्वतंत्रता संग्राम में कुछ लोगों ने फांसी खाई है , कंई लोगों ने अंग्रेजों के पिस्तोल की गोली खाई है और अंग्रेज़ी सैनिकों के हाथों लाठी खाई है . फांसी खाने वाले , गोली खाने वाले और लाठी खाने वाले लोगों में कुछ नाम जैनियों के भी थे . वो नाम हमें याद होनी चाहिए . अनेक संदर्भों का आधार लेकर अहमदाबाद के भूषण भाई शाह ने एक सूची प्रकाशित की है , जिसमें आजादी के लिए शहीद हुए बीस जैनियों के नाम है .
१५ अगस्त के दिन हम , भारतीय होने के नाते उन १३५०० लोगों को भी याद करेंगे जो स्वतंत्रता संग्राम के लिए शहीद हो गए और जैन होने के नाते इन २० जैनियों को भी याद करे जो देश की आजादी के लिए शहीद हो गए . हालांकि यह आंकड़ा बदल सकता है . कुछ उल्लेख कहते हैं कि स्वतंत्रता संग्राम में ७०,००० या सात लाख भारतीय शहीद हुए हैं . ऐसी स्थिति में जो जैन परिवार से जो शहीद हुए हैं ऐसे भारतीय की संख्या और बढ़ सकती है . एक उल्लेख अनुसार स्वतंत्रता संग्राम के दौरान अनगिनत भारतीय जेल में गए थे उनमें ५००० से अधिक जैन भी जुड़े थे . हालांकि लाखों के सामने ५००० की संख्या छोटी दिखती है और हजारों के सामने २० की संख्या छोटी दिखती है लेकिन एक प्रचंड आश्वासन यह मिलता है कि जब देश आजादी के लिए लड़ रहा था तब हमारे पूर्वज भी हाथ से हाथ मिलाकर साथ में रहे थें .
स्वतंत्रता संग्राम में आर्थिक सहयोग की भूमिका में जैन बहुत ही आगे रहा था . मोतीशा सेठ , अमरचंद बांठिया , वीरचंद राघवजी की ऐसे अनेक अनेक नाम है जिन्होंने स्वतंत्रता संग्राम के दौरान भारतीय प्रजाजन को आर्थिक सहयोग देने में कोई कमी नहीं रखी थी . जैन समाज की यह विशेषता रही है कि आर्थिक सहयोग देने वालों ने अपने नाम गुप्त रखे थें अतः आर्थिक सहयोग देने वाले जैनियों की सूची उपलब्ध नहीं है. जिस दिन यह सूची बनेगी उस दिन उस सूची में जैनियों की संख्या बहुत बड़ी होगी इसमें कोई शक नहीं है . उदाहरण के तौर पर हम भामाशाह का नाम ले सकते हैं . महाराणा प्रताप जब मुगलों के सामने लड़ते लड़ते संकट में अवस्था में आ गए थे तब भामाशाह ने महाराणा प्रताप के २५००० सैनिकों का १२ साल तक सम्पूर्ण निर्वाह किया था . १८५७ के विप्लव के समय विप्लवकारी हजारों योद्धाओ को ग्वालियर के अमरचंदजी बांठिया के द्वारा आर्थिक सहयोग मिलता रहा था . मुंबई के शाह सौदागर शेठ मोतीशाह के उपर अंग्रेजों ने आक्षेप लगाया था कि वह अंग्रेजी सरकार के विरोध में जो लोग आंदोलन कर रहे हैं उन्हें जहाज आदि का बड़ा सहयोग दे रहे हैं . वीरचंद राघवजी जब धर्म प्रचार हेतु जब विदेश गए थें तब उन्होंने विदेश से भारत वासियों के लिए अनेक सहाय भेजी थी . ऐसे कंई नाम हम ले सकते हैं .
विशेषत: एक नाम याद करे तो भारतीय स्वतंत्रता संग्राम में लाल बाल और बाल की जो त्रिपुटी थी उसमें लाल का अर्थ है लाला लाजपत राय . लाला लाजपत राय जैन परिवार से थें . लाला लाजपत राय की दादी को प्रतिदिन जैन मुनि भगवंत को गोचरी वेराने का नियम था.
सन् १९२८ में साइमन कमीशन के आंदोलन में लालाजी पर भारी लाठीचार्ज हुआ था जिसके कारण उसी वर्ष १७ नवेम्बर के दिन आप का आयुष्य समाप्त हो गया था . लालाजी की विदाई के कारण ही भगतसिंह , शिवराम राजगुरु , सुखदेव थापर , चंद्रशेखर आजाद जैसे क्रांतिकारीओं ने क्रांति की आवाज को बुलंद बना दिया था . जैन परिवार के सपूत लालाजी को पंजाब केसरी अर्थात् पंजाब का शेर कहा जाता था .
राजा अकबर के पूर्व दिल्ली के सिंहासन के ऊपर विक्रमादित्य हेमु बिराजित थे . हेमू के राज्य में गौ हत्या पर प्रतिबंध था , गौ हत्या करने वाले को कड़ी सजा दी जाती थी . लेखक जयभिक्खु ने विक्रमादित्य हेमू के ऊपर एक सुंदर किताब लिखी है इसे पढ़ने से समझ में आता है कि विक्रमादित्य हेमु जैन थें . सन् १५०१ में जन्म , सन् १५५६ में पाणीपत में देहांत .
अभी २०२५ का वर्ष चल रहा है . सन् १५२५ में दक्षिण भारत के उल्लाल शहर में रानी अब्बक्का चौटा हुई थी . इतिहास में रानी अब्बक्का चौटा का नाम First female freedom fighter of India के रूप में सुवर्ण अक्षरों से अंकित है . आप ने ४० वर्ष तक पुर्तगाल सेना के खिलाफ जल युद्ध एवं भूमि युद्ध करके देश की आजादी में बहुत बड़ा योगदान दिया था . आखिरकार इसी लड़ाई के दौरान सन् १५७० में वो शहीद हो गई थी . महारानी अब्बक्का छोटा जैन माबाप की बेटी थी .
ऐसे अनेकों नाम है . हम जैन हैं . हमारे पूर्वजों ने भारत की आजादी में जो भी योगदान दिया है उसे हमें याद रखना चाहिए . हम भारतीय है . हमारे पूर्वजों ने भारत की आजादी में जो भी योगदान दिया है उसे हमें याद रखना चाहिए .
आचार्येण मम्मटेन काव्यप्रकाशस्य प्रारम्भे काव्यं त्रिप्रकारमस्तीति निरूपितम् । तत्र उत्तमं काव्यं तदस्ति यस्मिन् वाच्यरूपाद् अर्थात् व्यङ्ग्यरूपः अर्थः अधिकं प्राधान्यं वहति , तच्च रसप्रधानं प्रायः । मध्यमं काव्यं तदस्ति यस्मिन् वाच्यरूपाद् अर्थात् व्यङ्ग्यरूपः अर्थः गौणो भवति , तच्च अर्थालङ्कारप्रधानं प्रायः । अधमं च काव्यं तदस्ति यस्मिन् वाच्यरूपाद् अर्थादपि शब्दसंयोजनमधिकं महत्त्वं धारयति , तच्च शब्दालङ्कारप्रधानं प्रायः। महाकविभिः रसप्राधान्येनैव काव्यानि , महाकाव्यानि च विरचितानि , तेष्वेव च अर्थालङ्कारविस्तारिका वर्णनच्छटा संपादिता । केवलं शब्दचमत्कृतिः महाकवीनां प्रथमा प्रीतिः नासीद् , अतः तैः रसमर्थालङ्कारं गौणं कृत्वा केवला शब्दचमत्कृतिः प्रधाने स्थाने कदापि न स्थापिता । वाचकः रसधाराम् अलङ्कारचमत्कृतिं च समीहते सरलभाषायाम् । यथा प्रसादगुणगुम्फिता वाणी हृदये संवेदनानि जनयति तथा काठिन्यक्रूरा नैव कदाचिद् । शब्दप्रधानेषु काव्येषु चित्रकाव्यं मुरज-पद्म-शूलबन्धादिकं , एकाक्षर-द्व्यक्षरादिकं , द्वि – त्रि – चतुष्पादादियमकं च प्रसादगुणाभावाद् न रसस्पन्दानुकूलम् । इदमेव भगवता हेमचन्द्राचार्येण काव्यानुशासने पञ्चमेऽध्याये चतुर्थसूत्रटीकायां लोल्लटमतमुद्धृत्य निरूक्तम् = यमकानुलोमतदितरचक्रादिभिदोऽतिरसविरोधिन्यः । अभिमानमात्रमेतद् गड्डरिकादिप्रवाहो वा ।। इति । तैरेव च पञ्चमसूत्रटीकायां स्वर-व्यञ्जन-स्थान-गति-आकार-नियमानां च्युत-गूढादिविधानं विविच्य प्रान्ते टिप्पणी कृता : एतच्च कष्टकाव्यत्वात् क्रीडामात्रफलत्वाच्च न काव्यरूपतां ददाति …..।
ननु रसकाव्यम् अलङ्कारकाव्यं शब्दकाव्यं चेति त्रिप्रकारेषु काव्येषु चरमं यदि रचनीयमेव नास्ति तर्हि किमर्थं महाकविभिः तद्रचना आदृता ? शिशुपालवध – किरातार्जुनीय – नरनारायणानन्देषु कानिचित् पद्यानि घटकर्परादौ च सर्वाण्येव पद्यानि शब्दकाव्यतया निबद्धानि सन्ति । किमेते कवयः कष्टकाव्यकारिणः सन्तीति भवतामाक्षेप : ? इति चेद् न ।शब्दचमत्कृतिप्रधानः काव्यप्रकारः कैश्चिद् उपेक्षितोऽपि दृश्यते , कैश्चिद् आदृतोऽपि दृश्यते । काव्यतत्त्वविवेचकैः एतावदेव स्वीयं निरीक्षणं संदर्शितमस्ति यद् शब्दचमत्कृतिप्रधानं काव्यं वाचकानां दुरूहमस्तीति सोऽयं रचनाप्रकारः तादृशीं लोकप्रियतां नाऽवाप यथा मेघदूत – गीतगोविन्द – नीतिशतकादिषु प्रयुक्तो प्रथमो , द्वितीयो वा रचनाप्रकारः। तैरेव विवेचकै: निजनिजग्रन्थेषु शब्दचमत्कृतिप्रधानं काव्यं कथं विरच्यते तस्य विस्तारेण मार्गदर्शनं कृतमेव । यथा काव्याऽऽदर्शे दण्डिना , काव्याऽलङ्कारे रूद्रटेन , सरस्वतीकण्ठाभरणे भोजराजेन । साहित्यदर्पणे तु विश्वनाथेन दशमाऽध्याये , काव्यान्तर्गतगडुभूततया तु नेह प्रपञ्च्यते , इति कथयता उपेक्षितमपि तत् । शब्दचमत्कृतिप्रधानः काव्यप्रकारः समादृतः अल्पैः , समुपेक्षितश्च बहुभिरिति सारांशः ।
एतस्य उपेक्षाकारणानि एतानि । एकं तावद् , पठने सारल्यं नास्ति अतः सर्वे न पठन्तीति सीमितो वाचकवर्गो लभ्यते । द्वितीयं यद् , रचनाकृत् प्रकाण्डो भाषाविद् न भवेत् तर्हि लेखनमपि न संभाव्यते इति अतिसीमितः सर्जकसमूहः । तृतीयं च , अध्यापका अपि यदि सुविदग्धा न स्युः तर्हि कथं छात्रान् पाठयेयुः इति काममल्पसङ्ख्यः शिक्षकगण एतस्याऽनुकूलो लभ्यते । चतुर्थं तु , विद्वांसः अपि पठनक्षणे तत्कालमेव हृदयाऽऽह्लादकारिणीं रसानुभूतिं वाञ्छन्ति , सा तु कठिनशब्दयोजनावशाद् विलम्बेन जायते इति एकादि पद्यं पठित्वा तेऽपि प्रायः विचारयन्ति यत् पश्चात् कदाचित् पठिष्याम इति ।एवंविधे प्रातिकूल्ये सत्यपि शब्दचमत्कृतिप्रधानानि काव्यानि नैकैः कविभिः विरचितानि सन्ति । शोभनचतुर्विंशतिका – सोमप्रभचतुर्विंशतिकाद्वयी – ऐन्द्रस्तुतिचतुर्विंशतिकादिको विशालो शब्दचमत्कृतिप्रधानकाव्यसन्दोहो जैनपरम्परायां दृश्यते । शब्दचमत्कृतिप्रधानं काव्यं चित्रम् । तस्य स्वरचित्रं , व्यञ्जनचित्रं , गतिचित्रं , आकारचित्रमिति प्रथमो वर्गः। च्युतं , दत्तं , गूढं , प्रहेलिका , प्रश्नोत्तरी चेति द्वितीयो वर्गः । अत्र च्युतमपि मात्राच्युतं , अर्धमात्राच्युतं , बिन्दुच्युतं , वर्णच्युतम् इत्यनेकधा । एवमेव दत्तादिकेऽपि वैविध्यमस्ति । तदेव च्युत – दत्तादिप्रयोगमाश्रित्य राजीमती-रथनेमिसंवादकाव्यं शान्तरसाऽनुकूलं विरचितमस्ति मुनिवरेण श्रीमता पार्श्वसुन्दरविजयेन यदवलोक्य मनः प्रसन्नतामेति ।
संवादोऽयं प्रतिदिनं प्रत्याख्यानपारणाऽनन्तरं सप्तदशगाथास्वाध्याये मनोयोगं पवित्रीकरोति । तत्र – समाइ पेहाइ परिव्वयंतो , सिया मनो निस्सरइ बहिद्धा । न सा महं नोवि अहंपि तीसे , इच्चेव ताओ विणइज्ज रागं ।। एषा अस्ति उपनिषद्गाथा । यदा रागो जागर्ति तदा साधकदशा विनिवर्तते परन्तु यदा साधकदशा जागर्ति तदा रागो विनिवर्तते । रागस्य जागरणे सति जीवो किं वक्ति तदत्र वर्णितमस्ति । साधकदशाया जागृत्यां जीवो किं वक्ति तदपीह वर्णितमस्ति । अयं तु विशेषः यद् यस्मिन् श्लोके रागस्य वक्तव्यमस्ति तस्मिन्नेव श्लोके साधकदशाया वक्तव्यमस्ति । एकस्मिन् श्लोके उभयपक्षीयवक्तव्यता समावेशिता च्युतस्य , दत्तस्य वा प्रयोगेण । प्रथमं वक्तव्यं रथनेमिमुखेन आयाति । च्युतस्य , दत्तस्य वा संयोजनेन द्वितीयं वक्तव्यं राजीमतीमुखेन आयाति । च्युतस्य , दत्तस्य वा संयोजनेन किं भवति ? श्लोकस्य चतुर्थपङ्क्तिस्थितं पदं किञ्चित् संकेतयति , तदनुसारेण श्लोकस्य प्रथम – द्वितीय – तृतीयपङ्क्तिषु केचित् शब्दाः परिवर्तिता भवन्ति । शब्देषु परिवर्तितेषु अर्थपरिवर्तनमपि जायते । ततः सः एव श्लोको विभिन्नं कञ्चिदर्थं दर्शयति । यथा प्रथमे श्लोके चतुर्थपङ्क्तिस्थितः शेवधि – शब्दः रथनेमिपक्षे उपयुक्तः सन् सूचयति यद् शे = श इति अक्षरस्य स्थाने वस्य धीः = व इति अक्षरो वाच्यः । एतेन किं परिवर्तनं भवति , पश्यन्तु । शक्रता वक्रता भवति , निःशस्त्रः निर्वस्त्रः भवति , शर्म वर्म भवति । अथ श्लोको नवीनार्थो भवति । नवीनः अर्थः राजीमतीपक्षमुपस्थापयति । शकारेण रथनेमिपक्षे रागस्य वचनम् । वकारेण राजीमतीपक्षे साधकदशाया वचनम् ।
एवं द्वितीयश्लोके चतुर्थपङ्क्तिस्थितः वियोग – शब्दः सूचयति यद् वि – अक्षरं योजयतु । तृतीयश्लोके चतुर्थपङ्क्तिस्थितः अत्र – शब्दः सूचयति यद् – अपनयतु त्राम् । चतुर्थश्लोके चतुर्थपङ्क्तिस्थितः मेद – शब्दः सूचयति यद् – म अक्षरस्य स्थाने द अक्षरः प्रयोक्तव्यः । पञ्चमश्लोके चतुर्थपङ्क्तिस्थितः वेपमान – शब्दः सूचयति यद् – व अक्षरस्य स्थाने प अक्षरः प्रयोक्तव्यः । षष्ठश्लोके चतुर्थपङ्क्तिस्थितः प्रत्युक्ति – शब्दः सूचयति यद् – प्रति उपसर्गं सर्वत्र योजयतु । एवं सर्वेषु श्लोकेषु चतुर्थपङ्क्तिस्थितः कुञ्चिकाशब्दः परिवर्तनं सूचयति । यदाऽभिप्रेतपदाद् अक्षरविशेषो निष्कास्यते तदा च्युताक्षरी प्रयोगो ज्ञेयः यथा तृतीयश्लोकात् त्रा निष्कासितः । यदाऽभिप्रेतपदेन सह नवमेकं पदं संयोज्यते तदा दत्ताक्षरी प्रयोगो ज्ञेयः यथा द्वितीयश्लोके वि संयोजितः। यदाऽभिप्रेतपदादेकं पदं निष्कास्यते तत्स्थाने च नवमेकं पदं स्थाप्यते तदा प्रतिदत्ताक्षरी प्रयोगो ज्ञेयः यथा प्रथमश्लोके श निष्कासितः तत्स्थाने च व संयोजितः । च्युताक्षरे निष्कासनम् , दत्ताक्षरे संयोजनम् , प्रतिदत्ताक्षरे परिवर्तनम् इति अवधेयम् । एवंविधोऽयं रचनाप्रकारः कुतोऽपि सरलो नास्ति । रचनाकारो निर्मितिमिमां सम्यग् निरवाहयत् ।
एतत्तु ध्येयम् – रससिद्धः कविः कालिदास – भवभूत्यादिवद् नवरसगोचरां यावत्संभाव्यां सर्वामेव प्रस्तुतिमुररीकरोति , अलङ्कारसिद्धः कविः अप्पय्यदीक्षित – पीयूषवर्षजयदेवादिवद् अलङ्कारविषयिणीं यावत्संभाव्यां सकला अपि कल्पना प्रयुङ्क्ते , शब्दसिद्धः कविश्च भट्टिवत् शब्दयोजनासम्बन्धिनीं यावत्संभाव्यां निखिलां रचनाकृतिमातनोति । शब्दचमत्कृतिप्रधानस्य काव्यस्य रचयिता शब्दसिद्धः कविरस्तीतीदं यशः समुपार्जितं श्रीमता पार्श्वसुन्दरविजयेन ।
शान्तरसप्रधानानि चतुःपञ्चाशत् – प्रेरणासूत्राणि तेन सुग्रथितानि सन्ति तावत्सङ्ख्यासु शार्दूलविक्रीडितछन्दोनिबद्धगाथासु । वर्तमानसमय आधिक्येन गूर्जर – हिन्दी – आङ्ग्लभाषासु लेखका लिखन्ति । एतादृशि काले सारस्वतशिरोमणि – पूज्यपादाऽऽचार्यवर्यश्रीमद्विजयरत्नसुन्दरसूरीश्वराणामन्तेनिषदां पूज्याऽऽचार्यवर्यश्रीमद्विजययुगसुन्दरसूरिवराणां शिष्यवरेण मुनिराजश्रीपार्श्वसुन्दरविजयेन कविकुले गौरवपूर्णं स्थानमास्कन्दितमस्ति राजीमतीरथनेमिसंवादकाव्येन । श्रमणोत्तमोऽयं रचयतु रसाऽलङ्कारपूर्णानि काव्यानि , तानि च भवन्तु सदालम्बनानि प्रभुभक्तानां गुरुसेवकानां धर्मोपासकानां तीर्थप्रेमिणां सङ्घस्नेहिनामिति वागीश्वरीश्री सरस्वतीमहादेवीसमक्षमाकाङ्क्षा ।
( ग्रंथ विमोचन : १५.६.२०२५ )
मयणा सुंदरी की माता थी रूप सुंदरी . वह प्रजापाल राजा की द्वितीय रानी थी . प्रथम रानी का नाम था सौभाग्य सुंदरी . उसकी पुत्री का नाम था सुर सुंदरी . कथा का प्रारंभ राज सभा से होता है जहां राजा दोनों राजकुमारी की परीक्षा लेता है . अलग-अलग सवाल पूछे जाते हैं और सुंदर-सुंदर जवाब दिए जाते हैं . सब खुश होकर सुना करते हैं . परीक्षा के अंत में जब राजा अपनी पुत्री को कुछ ईष्ट दान करने की उद् घोषणा करता है तब खुद की प्रशंसा करने लगता है . आत्म प्रशंसा करने से व्यक्ति का खुद का गौरव कभी बढ़ता नहीं है . सामान्य रूप से देखें तो आत्म प्रशंसा अहंकार के कारण होती है . अहंकार मन में दो बातें पनपाता है : मैं सर्व श्रेष्ठ हूॅं , अन्य लोग मेरे मुकाबले में तुच्छ है . किसी की कमजोरियां देखना , उन कमजोरी को उजागर करना और लोगों को यह बताना कि यह कमजोरी मेरे में नहीं है , आत्म प्रशंसा का सारांश यह होता है .
इस विषय में सुर सुंदरी का प्रतिभाव स्वार्थ पूर्ण था उसने पिताजी की आत्म प्रशंसा का शत प्रतिशत समर्थन किया था . जब कि मयणा सुंदरी का प्रतिभाव बड़ा स्पष्ट था : जीवन में जो भी होता है पुण्य और पाप के कारण होता है . पुण्य अच्छा है तो हम सफ़ल होते रहते हैं . पाप तीव्र है तो सफलता नहीं मिल पाती है . सफलता का यश पुण्य को देना चाहिए , निष्फलता का अपयश पाप को देना चाहिए . खुद की प्रशंसा , खुद के ही मुंह से करते रहना उचित नहीं है .
राजा को सुरसुंदरी का व्यवहार अच्छा लगा था . राजा ने सुरसुंदरी को पूछा था कि तुझे क्यां चाहिए ? जो चाहे मांग ले . सुरसुंदरी ने सभा में एक राजकुमार को पहली बार देखा था , वह उससे आकर्षित हो गई थी . सुरसुंदरी ने उस राजकुमार के साथ अपना विवाह हो ऐसी इच्छा व्यक्त करी . आत्म प्रशंसा प्रेमी राजा ने फौरन निर्णय ले लिया . अरिदमन नामक उस राजकुमार के साथ सुरसुंदरी के विवाह की उद् घोषणा राजा ने कर दी . मैं तत्काल ईच्छा पूर्ति कर सकता हूॅं , राजा ने दिखा दिया .
अब , मयणासुंदरी की बारी थी . राजा कह रहा था कि मैं दाता हूं , विधाता हूं . मयणासुंदरी का प्रतिपादन था कि दाता , विधाता की भूमिका पुण्य – पाप के हाथ में है . पुण्य अच्छा रहा तो प्रतिकूल स्थिति भी अनुकूल हो जाए और पाप तीव्र रहा तो अनुकूल स्थिति भी प्रतिकूल हो जाए . मयणासुंदरी के प्रतिपादन से राजा का अहंकार आहत हुआ . अतः राजा ने कुष्ठरोगी श्रीपाल के साथ मयणा का विवाह करा दिया . बाद में वैसा ही हुआ जैसा मयणा सुंदरी ने कहा था . श्रीपाल की प्रतिकूलताओं का नाश हो गया .
सुरसुंदरी का क्यां हुआ ? राजकुमार अरिदमन के साथ विवाह होने के बाद वह सुखी सुखी रही होगी ऐसा लगता है . लेकिन ऐसा हुआ नहीं . पिता प्रजापाल राजा ने धामधूम से विवाह तो करवाया पर विवाह का मुहूर्त समय सुर सुंदरी चुक गई . कन्या विदाय के समय राजा ने बहुत अधिक समृद्धि सामग्री दी थी. राजकुमार अरिदमन डरपोक निकला . अरिदमन / सुरसुंदरी शंखपुरी पहुंचे . नगर प्रवेश का मुहूर्त अगले दिन का था . अरिदमन / सुरसुंदरी नगर के बाहर रात्रि निवास किया . सेना के अधिकांश सैनिक रात को नगर में गए . उसी रात चोर लोगों की टोली आई . सारी वैभव सामग्री उन्होंने लूंटी . डर के मारे अरिदमन भाग गया . अकेली सुरसुंदरी का चोर लोगों ने अपहरण कर लिया . अरिदमन किसी तरह सुरक्षा नहीं दे पाया . चोर लोगों ने सुरसुंदरी को नेपाल में बेच दिया . नेपाल से उसे बब्बरकोट की बाजार में गणिका को बेचा गया . गणिका ने उसे नृत्य निपुण बनाया और किसी नृत्य मंडली में शामिल किया . राजा महाकाल ने उस नृत्य मंडली को खरीद लिया . बब्बरकोट की राजकुमारी का विवाह श्रीपाल के साथ हुआ था तब राजा ने श्रीपाल को उपहार में बहुमूल्य सामग्री के साथ नृत्य मंडली भी दी थी . इसी में सुरसुंदरी श्रीपाल के साथ जुड़ गई . श्रीपाल उज्जैनी पहुंचें और उज्जैनी के राजा के समकक्ष साबित हुए तब जाके सुरसुंदरी को समझ में आया कि जिस का विवाह मयणा सुंदरी के साथ किया गया है वही कुष्ठरोगी आज श्रीपाल का अवतार धारण कर चुके हैं . अपने पूरे परिवार को वह देखती है लेकिन परिवार का एक भी सभ्य उसे पहचान नहीं पाता है . राज दरबार में उसका नृत्य होना था तब वह फूट फूट कर रोई . उसने स्व मुख से खुद की पूरी कहानी सुनाई . परिवार जन गद्गद हो गए . सुर सुंदरी ने कहा : મયણાને જિન ધર્મ ફલિયો , બલિયો સુરતરુ હો , મુજ મને મિથ્યાધર્મ ફલિયો , વિષફળ વિષતરુ હો . अर्थात् मयणा को जिनधर्म ने सफल बनाया है , मुझे मिथ्या धर्म ने निष्फल बनाया .
श्रीपाल ने अरिदमन को बुलाया , उपालंभ दिया . दोनों को मिलाया , समझाया . दोनों को जिनधर्म और समकित प्राप्त हुआ .
सिद्धचक्र की आराधना प्रचंड पापों का नाश करती है और प्रकृष्ट पुण्य का निर्माण करती है . अहंकार , आत्मप्रशंसा , आक्रोश भाव , अति आग्रहशीलता कभी न रखें . नम्रता , अनुमोदना , मृदुता , विवेकशीलता अवश्य धारण करें . आत्मप्रशंसा से विचारभेद उपस्थित हुआ था . आत्मप्रशंसा से बचें और विचारभेद की परिस्थिति को यथासंभव टालते रहे .
