જલમંદિરની કલ્પના કોને આવી ? આમ પૂછવા કરતાં એમ પૂછવું વધુ ઉચિત છે કે જલમંદિરની કલ્પના શીદ આવી હશે ? જવાબ પાવાપુરી પાસેથી મળે છે . પ્રભુનું મોક્ષગમન જ્યાં થાય ત્યાં અગ્નિસંસ્કાર થાય અને ભક્તજનો અવશેષ લેવા ધસારો કરે , જમીનમાં ખાડો પડી જાય એટલી હદે ભસ્મ લૂંટાય . પછી એ ખાડો ભરાય પાણીથી . એમાં વચોવચ મંદિર બને . જો પાવાપુરીમાં મોક્ષ કલ્યાણક મંદિર હોય અને જલ મંદિર જુદાં જુદાં હોય તો સમેતશિખરમાં કેમ ન હોય ?
સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી : શિખરજીનો બીજો બોધપાઠ
શિખરજીથી ઉતરવાનું શરુ થાય છે પણ ઝટ ખતમ નથી થતું . સરકતા રેલાની જેમ આપણે ઢાળ પરથી વહેતાં રહીએ છીએ . તળેટી નામનો સામો કિનારો દૂરનો દૂર જ રહે છે . દરિયાઈ ખાડી જેવો પંથડો ખૂટતો જ નથી . પહાડ પર હોઈએ ત્યારે વીશ ભગવાનની વચ્ચોવચ હોઈએ છીએ , પહાડ ઉપરથી ઉતરવા માંડીએ એટલે ભગવાનથી દૂર જતા હોઈએ છીએ . પ્રભુથી છૂટા પડવાનું છે એનું દુઃખ હોય , અફસોસ હોય . એમાં વળી ઉતરવાનો પરિશ્રમ . તમે ગમ્મે તેટલું ઉતરી લો , ઘણું ઘણું ઉતરવાનું બાકી જ હોય છે . ચડવાનો થાક હોય છે એ ખબર હતી . શિખરજી પર સમજવા મળે છે કે ઉતરવાનો થાક પણ હોય છે . ઢાળ એવો આવે છે કે થોડીથોડી વારે લાગે છે જાણે પાછળથી કોઈ હળવો ધક્કો મારે છે કે શું ? ૧૩૬૫ મીટરની ઊંચાઈ છે પહાડની : ૪૪૭૮ ફીટ . ઝારખંડનો સૌથી ઊંચો પર્વત છે . ચડવાનું તો ઠીક , ઉતરવાનું પણ સહેલું નથી . વાત થોડા પરિશ્રમની નથી , બલકે મોટા પુરુષાર્થની છે . સામાન્ય કથન એવું હોય છે કે ચડવાનું અઘરું છે અને પડવાનુ સહેલું છે . પરંતુ શિખરજીમાં કથન બદલાય છે , અહીં ચડવાનું અઘરું છે , વધારે અઘરું . અહીં ઉતરવાનું અઘરું છે , ઓછું અઘરું .
ઉતરવાના કલાકો દરમ્યાન મન ઘણીબધી યાદોમાં કેદ હોય : સુકોમલ ચરણપાદુકાઓ . રૂપાળી દેરીઓ . લહેરાતી ધજાઓ . પાળીઓ . ઓટલીઓ . નાની નાની ટેકરીઓના અઘરાં અઘરાં ચડાણ . દેરીથી દેરી સુધી સરકી આવતો પથ્થરિયો માર્ગ . કોઈ દેરીમાં ચોખાબદામ ચાવી જતાં વાંદરા અથવા ગાય . અડધી રાતે જલમંદિરની ઉપર ચમકતા ચંદ્ર , નક્ષત્ર અને તારા . નિમિયાઘાટ તરફની પાતાલચુંબી ખીણ . આરોહણપથ પર આસપાસ વિસ્તરેલા હજારો હજારો વૃક્ષો . પ્રભુનાં આગમનની ક્ષણે કેવું વાતાવરણ હશે એની કલ્પનાઓથી છલકાતો સોનેરી સમય .
તે શિખરજી અલગ હતું જે પુસ્તકમાં વાંચેલું હતું , જે ચિત્રોમાં જોયું હતું , જે પ્રતીકાત્મક રચનાઓમાં જોયું હતું . એ શિખરજી સાવ અલગ હતું જેની પર વહેલી સવારે હાંફતા હાંફતા ચડ્યા , ભરશિયાળે પસીનાના રેલાઓ ઉતર્યા , પગે ગોટલા બાઝ્યા , થાક ભરાયો . એ શિખરજીથી વિખૂટા પડવા માટે ઉતરવાનું હતું . થોડો સમય બાકી હતો શિખરજી સાથે . ચડતી વખતે જે રસ્તો અઘરો લાગતો હતો એ જ રસ્તો ઉતરતી વખતે સહેલો હશે એવું લાગતું હતું . પરંતુ ચોપડાકુંડ પછી થોડીવારમાં પગ ધ્રુજવા લાગ્યા હતા . થોડી થોડી વારે બેસીબેસીને પગની ધ્રુજારી મેનેજ કરી હતી . જે એકદમ યુવાન છે એવાય ઘણા લોકો થાકતા હતા , બેસી જતા હતા . મને મારા અડધાપડધા સફેદ વાળ માટે કોઈ અફસોસ નથી થતો . હું શરમ રાખ્યા વગર બેસી જતો . થોડું બેસી લીધું તો શું ફરક પડે છે ? એટલો સમય ગિરિસ્પર્શના વધી જાય . પોતાના પગે ગિરિ આરોહણ કરેલું . અવરોહણ પણ પોતાના પગે જ થઈ રહ્યું હતું . વચ્ચે બેઠા તો બેઠા . યાત્રાની સાત્ત્વિકતા ઓછી નથી થવાની . સ્વદ્રવ્યની પૂજા જેવી સ્વચરણની યાત્રા અકબંધ જ રહેતી હતી .
ચૌદ ગુણસ્થાનકમાં સાસ્વાદન ગુણસ્થાનકે સમકિત હોતું નથી પરંતુ મિથ્યાત્વ પણ હોતું નથી . યાત્રા પૂરી થઈ ચૂકી છે પણ યાત્રાની સરહદ પાર નથી થઈ . અવરોહણની એક એક ઘડીમાં આસ્વાદ હોય છે . આસ્વાદ એટલે પ્રભુની યાદ . આસ્વાદ એટલે યાત્રાની પ્રત્યેક યાદ . આસ્વાદ એટલે યાત્રા થકી મળેલો ચિદાનંદ . શીતલનાલા , ભાથાખાતું , ગંધર્વનાલા પાર થયું . બે ત્રણ વાર થોડું થોડું ચડવાનું આવ્યું . ઉતરવામાંય થાક લાગતો હોય ત્યાં ચડવામાં હાલત કેવી થાય ? પણ એ હાલત મંજૂર હતી . સ્પીડ ઓછી થાય એ બને , સ્પિરિટ ઓછો થાય એવું ના બને .
વચ્ચે પથરાળ શોર્ટકટ દેખાતા પણ એ રસ્તે જવાનું પોસાય નહીં . સીધે રસ્તે જવું સહીસલામત . આખરે કલિકુંડ દેખાયું . તસલ્લી મળી કે થોડું જ બાકી છે . આગળ મધુબનમાં વાગી રહેલા સ્પીકરના અવાજ આવવા લાગ્યા . બહુ ઝડપથી તળેટી દેખાઈ હતી . મહાપર્વતની સ્પર્શનાની આખરી ક્ષણો અહોભાવમય હતી . ભગવાને મોટી કૃપા કરી હતી . અષ્ટાપદની યાત્રા કેવી હશે એની ઝાંખી કરાવી હતી , શિખરજીએ . ઊંચા સ્થાને પહોંચ્યા પછી નીચે ઉતરવું સહેલું નથી .
શિખરજીનો બીજો બોધપાઠ યાદ રહેશે : જિંદગીને સાચી ઊંચાઈ પર લઈ જાઓ . સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી .
સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .
માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર સુધીની યાત્રા થઈ હતી . આટલામાં નવ કલાક લાગી ગયા હતા . દરેક ટૂંકમાં ત્રણ પ્રદક્ષિણા , ચૈત્યવંદન , સ્તવનગાન , કલ્યાણકજાપ આ ક્રમ અખંડ રાખ્યો . કોઠી તરફથી નાનકડી ચોપડી છપાઈ છે . એમાં કુલ મળીને એકત્રીસ ચૈત્ય વંદન બતાવ્યાં છે . મારે વીસ કલ્યાણક પ્રભુનાં બધા જ ચૈત્યવંદન સરસ થયાં . પહેલેથી જ સ્પષ્ટ રાખ્યું હતું કે ઉતાવળ કરવી નથી .
વહેલી સવારે અભિનંદનજીની ટૂંક જુહારી . પ્રચંડ શ્યામ મહાશિલાઓની ઉત્તુંગ શ્રેણિઓ રચાઈ હતી , એની ટોચ પર દેરી . ચારેકોર આકાશ હાથ લંબાવી રહ્યું હતું . નિસર્ગનું સૌંદર્ય નિખરી રહ્યું હતું . હવામાં સખ્ખત જોશ હતું . ચૈત્યવંદન પછી पारंगताय नम:નો જાપ કરતાં કરતાં સમજાતું હતું કે સૌથી ઊંચે બેઠા હોઈએ ત્યારે નીચેનું જગત્ કેવું વામણું લાગતું હશે ? સિદ્ધશિલામાં બિરાજમાન અભિનંદન દાદા અને અન્ય અનંત મુક્ત ભગવંતોને આપણે સૌ કેવા વામણા લાગતા હોઈશું ?
આપણા ઠાઠમાઠ અને આડંબર અને જનસમૂહો અને યશોગાથાઓ અને પુણ્યોદયના ભરોસે આપણે પોતાને મહાન્ ગણાવતા રહીએ છીએ અને પોતાની મહાનતાનો પ્રચાર કરતા રહીએ છીએ . સિદ્ધ ભગવંતો સામે આપણું શું ગજું છે ? એમનાં સુખ જેવું સુખ આપણી પાસે નથી . એમની શુદ્ધિ જેવી શુદ્ધિ આપણી પાસે નથી . એમની પવિત્રતા જેવી પવિત્રતા આપણી પાસે નથી . એમની પાસે જે સત્ય છે એવું સત્ય પણ આપણી પાસે નથી . આપણે લોકો નાહકના ઘમંડમાં રાચીએ છીએ , બસ . અભિનંદનજીની ટૂંક પર સૂર્યોદયના સમયે બેઠો હતો . ધુમ્મસને લીધે સૂરજ દેખાઈ રહ્યો નહોતો . આપણું સુખ અને આપણું જ્ઞાન ધૂંધળું છે , સિદ્ધ ભગવાનનું સુખ અને જ્ઞાન પૂર્ણ અને પારદર્શી છે , સમજાઈ રહ્યું હતું . પાછા વળતાં વાસુપૂજ્ય ભગવાનની દેરીએ દર્શન કર્યાં . થોડીવારે પારસનાથજી જવા નીકળ્યા . ધર્મનાથ , સુમતિનાથજી , શાંતિનાથજી , સુપાર્શ્વનાથજી , વિમલનાથજી આ કલ્યાણકની દેરીઓ તેમ જ અન્ય દેરીઓમાં પ્રભુને ભાવે જુહારતા જુહારતા પારસનાથજીની ટૂંકમાં પહોંચ્યા . પારાવાર ભીડ હતી . આશરે બે વાગે ત્યાંથી નીકળ્યો .
ચન્દ્રપ્રભજીની ટૂંકે પહોંચ્યો ત્યારે સાડા ચાર વાગી ગયા હતા . અહીં કોઈ જ નહોતું . રસ્તો પણ સાવ વેરાન હતો . એવી અફવા ચાલે છે કે ચન્દ્રપ્રભજીની ટૂંકના રસ્તે બપોરે બે વાગ્યા પછી ન જવાય , વાઘ નીકળે છે . અમે કુલ ચાર હતા એટલે ડર નહોતો . સન્નાટો ગજબનાક હતો . દૂર દૂર સુધી જંગલ હતું . ગમ્મે ત્યારે કોઈ પણ ટપકી પડશે તો કોણ બચાવશે એવો ડર લાગે . એ રસ્તે એકમાત્ર માણસ મળ્યો એને પૂછ્યું : ઇધર બાઘ નિકલતા હૈ ક્યાં ? ઉમ્મીદ હતી કે એ ના પાડશે અને સાંત્વના આપશે કે બાપજી ડરો મા , કાંઈ નથી અહીંયા . પરંતુ એણે તો ધડામથી કહી દીધું કે હા , યહાં વાઘ નિકલતા હૈ . મેં કહ્યું : ભૈયા , આપ મઝાક કર રહે હો ક્યાં ? પેલાએ કહ્યું : નહીં , નહીં . મેં બિલકુલ જૂઠ નહીં બોલ રહા હૂં . યહ ઇલાકા બાઘ કે લિયે ખુલા હૈ . મેં કહ્યું : આપ તો ડરા રહે હો . એ બોલ્યો : ડરને કી બાત નહીં હૈ . આજતક બાઘ ને કિસી કો કુછ નહીં કિયા હૈ . યહાં વાઘ આદમી કો નહીં પકડતા હૈ . હમ ઉપર યહી સોતે હૈ . કુછ નહીં કરતા વો . હવે સારું લાગ્યું .
તમે માનશો ? મુનિસુવ્રતજીની દેરીથી ચન્દ્રપ્રભજીના રસ્તે ઉતરવાનું શરૂ કર્યું ત્યાંથી માંડીને છેક જલમંદિર સુધી કોઈ મળ્યું નહીં . એકદમ જ નિર્જન એકાંત હતું . આ શાંત વાતાવરણ સિદ્ધશિલાની યાદ અપાવતું હતું .
ભગવાન્ સિદ્ધશિલામાં બિરાજમાન થયા એનું પ્રસ્થાન અહીંથી થયું . ચૌદમું ગુણસ્થાનક . અનાદિકાલીન કાર્મણ શરીર અને તેજસ શરીરનો નાશ . એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની પ્રક્રિયાનો અંત . આત્માએ સમગ્ર સંસાર પરિભ્રમણમાં સૌ પ્રથમવાર અનુભવી દેહ વિનાની અવસ્થા . અઘાતી કર્મના અનંત અભાવનો પ્રારંભ . ચૌદ રાજલોકના જીવોને કાયમી અભયદાન . સાધક અવસ્થા , વીતરાગ અવસ્થા અને સર્વજ્ઞ અવસ્થાથી આગળ છે સિદ્ધ અવસ્થા . અરિહંત દેશનાદાતા છે એટલે પ્રથમ પરમેષ્ઠી . પણ અરિહંત સાથે કર્મો છે . સિદ્ધ દેશનાદાતા નથી એટલે દ્વિતીય પરમેષ્ઠી . પણ સિદ્ધ સાથે કર્મો નથી . શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન્ , અરિહંત રૂપે દેશના આપતા હતા તે પછી સિદ્ધ રૂપે સર્વ કર્મથી મુક્ત થયા . સમેતશિખરજીની આ સીધા ચઢાણવાળી પહાડીની ટોચ પરથી સાદિ અનંત શુદ્ધિ મેળવી લીધી હતી પ્રભુએ . જ્યાં ચરણપાદુકા છે તેનાથી બરોબ્બર ઉપર સિદ્ધશિલામાં બેઠા છે ભગવાન્ . પ્રભુ ત્યાંથી કૈવલ્ય દ્વારા મને જોઈ રહ્યા છે એવું સમજાતું હતું . એ ચરણપાદુકા સમક્ષ માથું ટેકવીને ત્રણ પ્રાર્થના કરી : મારા હાથે સારાં કામ કરાવજો , મારાં મનને સમાધિમાં રાખજો , મારા અપરાધો માફ કરજો .
જ્વાલામાલિની કલ્પનું સુવર્ણજળ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપયોગી બને છે . જ્વાલામાલિનીના અધિનાયક છે શ્રી ચંદ્રપ્રભજી ભગવાન્ . ભગવાનની ભૂમિ પર ભગવાન્ વધારે પ્રિય લાગે . આપણને પણ અને દેવી દેવતાઓને પણ . આ પહાડની ઊંચાઈ જોઈએ તો વિચાર આવે કે દેવલોક કેટલે ? દીવો બળે એટલે . આ પહાડ ખૂબ ઉર્જાવંત છે , ચમત્કારવંત છે . અદૃશ્ય શક્તિઓ અહીં હાજરાહજૂર છે . મનમાં એવા પ્રાણવંત વિચારો ભરી દે છે આ ભૂમિ કે દેવી દેવતાના વિચારો મનમાં બનતા જ નથી . ફક્ત ભગવાનના જ વિચાર . એક તું , બસ , એક તું , ચારે તરફ દેખાયજી .
દેરીને પ્રદક્ષિણા આપી . ચોતરફ દૂર દૂર સુધી પહાડીઓ જ પહાડીઓ . કહેવાય છે કે શિખરજીને આસપાસ પચાસ કિલોમીટરના વિસ્તારમાં ઘનઘોર જંગલ છે . આપણો ચાલવાનો રસ્તો સહીસલામત છે બાકી એકાદ કિલોમીટર જંગલમાં ચાલીને જઈએ તે પછી કોઈ જગ્યા સલામત નથી . આખાય પહાડ પર લીલીછમ વનરાજી પથરાયેલી હતી . પંખીઓના કલબલાટ હતા . વાંદરાઓની હૂપાહૂપ હતી . તે સિવાય આખોય વિસ્તાર સૂમસામ . ચંદ્રપ્રભજીની ટૂંકની ટેકરી પરથી નીચે ઉતર્યા બાદ શ્રી આદિનાથ દાદાની ટેકરી આવે છે . બે ટેકરીની વચ્ચે એક મોટું ઝાડ છે , એની નીચે બેસીને પાણી ચૂકવ્યું હતું . પાંચ વાગે તે પહેલાં .
એ પછી ઉતાવળ કર્યા વિના આદિનાથજી , અનંતનાથજી , શીતલનાથજી અને સંભવનાથજીની ટૂંક જુહારી હતી . જલમંદિર પહોંચ્યા ત્યારે આસમાનમાં તારા ચમકવા માંડ્યા હતા . થોડો હરખ હતો , એકેએક પ્રભુની ટૂંક જુહારી એનો . થોડો અફસોસ હતો ,જેટલો સમય પારસનાથદાદાની ટૂંકને આપ્યો એટલો સમય બાકી ભગવાનની ટૂંકમાં પણ આપવો જોઈએ . એવું ન થયું એનો . એક ટૂંકમાં વધારે સમય વીત્યો . બાકીની ટૂંકમાં ઓછો સમય વીત્યો . કોઈ એક ભગવાન્ માટેનો પક્ષપાત મનમાં પણ ન બનવો જોઈએ અને વહેવારમાં પણ નહીં . સમયની ઓછપ હતી એટલે આ ગડબડ થઈ . ઓછામાં ઓછી વીશ યાત્રા કરવી જોઈએ અને એક યાત્રા એક ભગવાન્ પર કેન્દ્રિત હોવી જોઈએ .
પાલીતાણામાં નવાણું યાત્રાનું આયોજન થાય છે એ રીતે શિખરજીમાં વીશ કલ્યાણક યાત્રાનું આયોજન કરવું જોઈએ . એક દિવસ એક કલ્યાણકની દેરીને સમર્પિત . પહેલાં દિવસે પહેલાં કલ્યાણકની દેરીમાં સ્નાત્રપૂજા , જાપ , પુષ્પના શણગાર , સામૂહિક ભક્તિ , આરતી મંગલદીવો એમ બધી જ આરાધના કરવાની . ઓટલો નાનો પડે તો શું થઈ ગયું . ઓટલાની ફરતે ઘણી જગ્યા છે . બીજા દિવસે બીજાં કલ્યાણકની દેરી . આમ વીશમા દિવસે વીશમાં કલ્યાણકની દેરી . એકવીશમા દિવસે એક સાથે ૩૧ દેરીઓમાં સામૂહિક અભિષેક . એક કે બે દિવસમાં શિખરજીની યાત્રા પૂરી થઈ શકતી નથી .
આપણા શ્વેતાંબર જૈનોનું વલણ ગજબ છે . મોટાભાગના લોકો જલમંદિર અને ગૌતમ સ્વામીજીને વાંદી લીધા , એમાં યાત્રાની ઈતિ માની લે છે . શિખરજી કલ્યાણકપર્વત છે . શિખરજી પર ચડ્યા પછી કલ્યાણકચૈત્યને જુહાર્યા ન હોય તો યાત્રા અધૂરી ગણાય એવી સમજણ ઓછા લોકોમાં છે . જલમંદિરમાં પ્રતિમાજી છે , પ્રતિમાજી પ્રભાવવંતા છે એ સાચું . પરંતુ કલ્યાણકની સ્પર્શનાનો લાભ તો તે તે ભગવાનની દેરીને જુહારવાથી જ મળે . આ સત્ય ઘણાને યાદ નથી . પહાડ પર ચડીને જલમંદિરમાં પ્રભુ પૂજા કરી એટલે યાત્રા સંપન્ન એવો વહેવાર અમુક અંશે બનેલો છે. . જેટલા શ્વેતાંબરો પહાડ પર આવે છે એ દરેકેદરેક કલ્યાણકની દેરીને જુહારે એવી પ્રેરણા અને સૂચના , શ્વેતાંબર પરંપરાના સર્વ સૂરિભગવંતોએ આપવી જોઈએ .
( પારસનાથજીની ટૂંકયાત્રાનો સ્વતંત્ર લેખ થોડા સમયમાં આવશે . )
ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ દાદા આ ગુફાના આ પથ્થર પર સાક્ષાત્ સદેહે બિરાજમાન થયા હતા . સળંગ એક માસ માટે ઉપવાસ કર્યા હતા . સાથે તેત્રીસ મહાત્માઓ હતા . ગુફાનો આ ભૂવિસ્તાર મહાત્માઓથી ઢંકાયેલો હશે .
પાસનાહ ચરિયં – માં લખ્યું છે કે પાર્શ્વનાથ ભગવાન ઇન્દ્ર મહારાજાના હાથનો અવષ્ટંભ લઈને ધીમે ધીમે શિખરજીનો પહાડ ચડ્યા હતા . वाचस्पत्यम् કોશ અનુસાર અવષ્ટંભ એટલે આલંબન . આનો અર્થ એમ થાય કે ઇન્દ્ર મહારાજાના હાથનો ટેકો લઈને પ્રભુ પહાડ ચડ્યા હતા . પ્રભુ પહાડ ચડી રહ્યા હતા ત્યારે દેવ – દાનવ – કિન્નર – ખેચર , આસપાસ ગીત ગાઈ રહ્યા હતા . પ્રભુ શિખર પર પહોંચ્યા . એક સ્ફટિકની વિશાળ શિલા જોઈ . એની પર બિરાજીને થોડો સમય દેશના ફરમાવી . શું ફરમાવ્યું હશે પ્રભુએ ? પ્રભુ વીરની અંતિમ દેશનાની વિષયવસ્તુ આપણે જાણીએ છીએ . પ્રભુ પાર્શ્વનાથની દેશનાની અંતિમ વિષયવસ્તુ આપણે નથી જાણતા . દેશના પછી સંલેખના ધારણ કરી . દેવો સેવામાં ઉપસ્થિત રહ્યા . એક માસ વીત્યો . પ્રભુનું મોક્ષગમન સંપન્ન થયું . દશાવતારી ભગવાનનો અંતિમ ભવ પૂર્ણ થયો , ભવભ્રમણ પૂર્ણ થયું . પ્રભુનો લક્ષ્યવેધ જ્યાં સધાયો તે આ ગુફા . પ્રભુના સિદ્ધશિલા પરના રાજ્યાભિષેકનું મુહૂર્ત જ્યાં નીકળ્યું તે આ ગુફા . પ્રભુની અશરીર , અકર્મા અને અનાકાર અવસ્થાની સર્વપ્રથમ ક્ષણ જ્યાં આવી તે આ ગુફા . નારકા અપિ મોદન્તે – વાળી મહાન્ પળ જ્યાં આવી તે આ ગુફા . પ્રભુ તેરમાં ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનકે પધારે અને ચૌદમાં ગુણસ્થાનકથી ગુણાતીત સ્થાનકે પધારે આ બે પરમ પ્રક્રિયા જ્યાં સંપન્ન થઈ તે આ ગુફા .
વિચારો અટકી પડે . સંવેદનમાં સુગંધ ઉભરાય . આંખોમાં અહોભાવ છલકાય . હૈયાના ધબકારે ધબકારે અનહદનો નાદ ગુંજે . સાકાર થયા હતા શુભવીરજીના આ શબ્દો :
અવની તળ પાવન કરી અંતિમમાં ચોમાસું જાણ
સમેત શિખર ગિરિ આવિયા ચડતા શિવધર સોપાન
શ્રાવણ સુદી આઠમ દિને વિશાખાએ જગદીશ
અણસણ કરી એકમાસનું સાથે મુનિવર તેત્રીસ
કાઉસગ્ગમાં મુક્તિ વર્યા સુખ પામ્યા સાદી અનંત
એક સમય સમશ્રેણીથી નિ:કર્મા ચઉ દૃષ્ટાંત
સુરપતિ સઘળા તિહાં મળે આણે ક્ષીરોદધિ નીર
સ્નાન વિલેપન ભૂષણે દેવદૂષ્યે સ્વામી શરીર
શોભાવી ધરી શિબિકા વાજિંત્ર નાટક ને ગીત
ચંદન ચય પરજાળતા સુર ભક્તિ શોક સહિત
થૂભ કરે તે ઉપરે દાઢાદિક સ્વર્ગે સેવ
ભાવ ઉદ્યોત ગયે થકે દીવાળી કરતા દેવ
આ વર્ણન અનુસાર એક એક ઘટના બની હતી . પ્રભુનાં શરીરે છેલ્લો શ્વાસ અહીં લીધો . પ્રભુનાં ચરણે છેલ્લો વિહાર અહીં સુધી કર્યો . પ્રભુનાં આયુષ્યની છેલ્લી ક્ષણો આ સ્થળે વીતી . પ્રભુનું છેલ્લું કાર્ય અહીં સંપન્ન થયું : સકલ કર્મ વિનાશનમ્ . આ ગુફામાં પ્રભુના શ્વાસ વસે છે , પ્રભુનો ચરણસ્પર્શ વસે છે , પ્રભુની ક્ષણો વસે છે . ઉર્દૂ ભાષાનો એક શબ્દ છે : પરવાઝ . પંખી આકાશમાં ઊડીને આગળ નીકળી જાય અને એની પાંખનું પીંછું તરતું તરતું નીચે વહી આવે તે પરવાઝ છે . પીંછું હાથમાં લઈને પંખીના ઉડાનની કલ્પના કરીએ તે પરવાઝ સિન્ડ્રોમ છે . શિખરજીની ચરમ ગુફામાં પારસનાથ પ્રભુએ ભરેલી અનંત ઉડાનનો ઉર્જા સ્પર્શ વસે છે : પ્રભુની પરવાઝ .
નિર્વાણશિલા પર સુવર્ણમંડપિકા છે . સોનેરી થાંભલીઓની ચૈત્યકુલિકા . નાજુક નમણું ચરણયુગલ . શ્યામલ પાષાણની રચના. . એવું નથી કે ફક્ત ચરણ પૂજનીય છે , સમગ્ર પાષાણશિલા પૂજનીય છે . બે હથેળી અને દશ આંગળીથી પ્રભુનો સ્પર્શ હાથમાં લેવાનો અને મસ્તકે ચઢાવવાનો . એ જ યાત્રા છે , એ જ પૂજા છે .
ગુફાની ઉપર જિનાલય છે . એમાં સુવર્ણ ચૈત્ય છે . ત્યાં પણ ચરણ પાદુકા છે . જિનાલયનું શિખર ઘણું ઊંચું છે . ત્રેવીસમા ભગવાનનું શાસન ફક્ત અઢીસો વર્ષ ચાલ્યું , સૌથી ઓછું ચાલ્યું . પરંતુ ભગવાનનો ઠાઠમાઠ સૌથી વધારે છે . પારસજીનાં ૧૦૮ નામ મળે છે , ૧૦૦૮ નામ મળે છે , ગણ્યા ના ગણાય એટલાં તીર્થ છે , જિનાલય છે , જિનબિંબ છે , મંત્રો છે , સ્તોત્રો છે , સ્તવનો છે , કથાનકો છે . આની ખુશાલીમાં મોક્ષ કલ્યાણક જિનાલયનું શિખર ઊંચી અને ટટ્ટાર ગરદન સાથે આસમાનને આંબી રહ્યું છે .
ગુફામાં અને જિનાલયમાં ઘણીઘણી ભીડ હતી . પારસ પ્રભુ ખૂબ મળ્યા , એકાંત બિલકુલ ના મળ્યું .
