૪૧ . એમની કથામાં જાહેર પ્રસંગો દેખાતા નથી પરંતુ અંતરંગ અનુભૂતિ અપરંપાર વર્તાય છે
કાળધર્મ પછીની આખી પરિસ્થિતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ સંભાળી લીધી હતી . પોતાના મેધાવી વિદ્યાર્થી માટે તેઓ વહેલી સવારે નીકળીને આવવાના હતા પરંતુ તેઓ નીકળે તે પૂર્વે કાળદેવતાએ પોતાનો ધર્મ બજાવી દીધો હતો . શ્રી સંવેગરતિવિજયજી મ.ની અંતિમ યાત્રાનુું આયોજન શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન્ જૈન સંઘ – ટિંબર માર્કેટના ઉપક્રમે થશે એવો નિર્ણય સૂરિ ભગવંતના આદેશ અનુસાર લેવાયો . છત્રીસ વરસના ઈતિહાસમાં પહેલીવાર ટિંબર માર્કેટથી કોઈ મુનિભગવંતની પાલખી નીકળવાની હતી . જોતજોતામાં ચારેકોર સમાચાર ફેલાઈ ગયા હતા . જય જય નંદાના ઉદ્ઘોષ સાથે એમની કાયાનું ઉપાશ્રયમાં આગમન થયું હતું .
વૈશાખ વદ ચોથના દિવસે જ અગ્નિસંસ્કાર કરવાનો હતો . સૂરિભગવંતે મહાપારિષ્ઠાપાનિકાની વિધિ કરીને પાવન દેહ ગૃહસ્થોને સોંપ્યો હતો . શ્રુતભવન પરિવારને અંતિમસ્નાનનો મોટો લાભ મળ્યો હતો . સૂરિભગવંતના નિર્દેશન અનુસાર મુંબઈથી એક સુંદર પાલખી આવી પહોંચી હતી . પાલખીમાં સદ્યઃસ્નાત મુનિકાયાને બિરાજમાન કરવામાં આવી . નિર્ધારિત સમયે અંતિમ યાત્રા નીકળી હતી . પૂનાના માર્ગ પર બેન્ડવાજાનું સંગીત વહેતું થયું હતું . જેમણે પોતાની આગળ બેન્ડ ચાલતું હોય એવી પરિસ્થિતિને વારંવાર ટાળી હતી એમને પૂનાનું બેન્ડ સલામી આપી રહ્યું હતું . પોતાનાં નામની જય બોલાય , એવી પરિસ્થિતિને જેમણે હંમેશા દૂર રાખી હતી એમની આગળ જય જય નંદા અને જય જય ભદ્દાના ઉદ્ઘોષ ગાજી રહ્યા હતા . જેમણે ભક્તોની ભીડથી પોતાની જાતને ખૂબ જ સભાનતાપૂર્વક દૂર રાખી હતી તેમની આસપાસ વિશાળ સંખ્યામાં ભાવિકો ચાલી રહ્યા હતા . જેમણે આત્મોદ્ધાર કાજે પોતાની જનમભૂમિ/કરમભૂમિ સ્વરૂપ પૂનાનો પરિત્યાગ કરી પરમનો પંથ સ્વીકારી લીધો હતો એમને અંતિમ વિદાય આપવા પૂનાનો સંઘ વિશાળ સંખ્યામાં મૌજૂદ હતો . એમના જૂના કલ્યાણમિત્રો પણ આવ્યા હતા . મુક્તિ ધામ ધોબી ઘાટમાં ચંદનચિતા રચાઈ હતી એની પર એમની પાલખી બિરાજીત થઈ હતી . અમદાવાદમાં વરસોવરસો સુધી વિદ્યાર્થી બનીને સેવા કરનારા યુવાનોએ અગ્નિસંસ્કારનો ચડાવો લીધો હતો . ભાયાણી પરિવારના સર્વ સ્વજનોની સાથેસાથે એ યુવાનોએ પાલખીને ત્રણ પ્રદક્ષિણા આપી હતી . અનંત આસમાનની છત્રછાયા હેઠળ સ્વજનોએ અને અમદાવાદના યુવાનોએ , ધ્રુજતા હાથે અને ભીની આંખે એ સાધકદેહને અગ્નિ સ્પર્શના આપી હતી . પલકવારમાં આગની જ્વાળાઓ ફેલાઈને ભડભડ કરતી ઉપર ઊઠી હતી . ધુમાડો આકાશને આંબવા માટે ઊર્ધ્વ દિશામાં ચોતરફ ફેલાઈ ગયો હતો .
ટિંબર માર્કેટમાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યા હતા . પૂ. આ. શ્રીમદ્વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ હિતશિક્ષા આપવાપૂર્વક ગુણાનુવાદ કર્યા હતા . પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ને એમણે સાચી આત્મીયતાથી સાંંત્વના આપી હતી .
———————
+ શ્રુતભવનના – સુ. ભરતભાઈ , સુ. સચિનભાઈ , સુ. મનોજભાઈ , સુ. આશુતોષભાઈ , સુ. રાજેન્દ્ર ભાઈ , સુ. લલિતભાઈ , સુ. ઓમજી ઓસવાલ , કીર્તિભાઈ , પ્રદીપ આદિ મહાનુભાવોએ ખૂબ લાગણીપૂર્વક સેવા કરી હતી અને ભરપૂર આશીર્વાદ મેળવ્યા હતા .
+ પૂના હોસ્પિટલના વ્યસ્થાપકો – સુ. દેવીચંદજી કેસરીમલજી જૈન , સુ . ડાહ્યાભાઈ શાહ , સુ. ભબુતમલજી જૈન તેમ જ ડોક્ટર્ ડૉ. વિનય થોરાત , ડૉ. અજિત તાંબોળકર , ડૉ. સંદીપ વાજૂલ , ડૉ. સંદીપ શાહ , ડૉ. રેખા ધનવાણી આદિએ અથ થી ઈતિ સુધીનું આરોગ્ય ઉપચારનું ધ્યાન રાખ્યું હતું .
+ અગ્નિ સંસ્કાર સંબંધી વ્યવસ્થાઓ , શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન સંઘ – ટિંબર માર્કેટ , શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન ટેમ્પલ ટ્રસ્ટ – કેંપ , શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ – ભવાની પેઠ તેમ જ શ્રી શ્રુતભવન સંશોધન કેન્દ્ર – કાત્રજના કાર્યકર્તાઓએ કરી હતી .
————————–
ભાયાણી પરિવારની બે માતાઓ , જયાબેન સુરેશભાઈ ભાયાણી અને કોકિલાબેન અનિલભાઈ ભાયાણી , પોતપોતાનાં ઘરમાં , પરિવારની સાથે પૂનામાં જ રહે છે . બેય વચ્ચે સગી બહેનો જેવો આત્મીય ભાવ છે . જૈનધર્મ સાથે જોડાયા પૂર્વેના સુરેશભાઈ કેવા હતા તે આ દેરાણી જેઠાણીએ બહુ નજીકથી જોયું છે . તેમના ભરપૂર શોખ , અદમ્ય સાહસ , સુપર નોલેજ અને અન્ય બાબતોના કંઈકેટલાય કિસ્સા એમને યાદ છે . એમનાં પૂર્વજીવનની એ બધી વાતોનું સંકલન કરવામાં આવે તો એક નવું પુસ્તક તૈયાર થઈ જાય . હરિદાસભાઈના પુત્ર સુરેશભાઈ , પૂર્વજીવનમાં કેવા હતા અને પછી કેવી ઊંચાઈએ પહોંચી ગયા એનું ધન્ય સ્મરણ એમને અહોભાવિત બનાવી રાખે છે .
———————
એક ફોટો છે શ્રુતભવનનાં કલેક્શનમાં .
એમાં એક સંથારો બિછાવેલો દેખાય છે જેની પર સફેદ ઉત્તરપટ્ટાનું વસ્ત્ર છે . આ શય્યા ઉપર જ પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. શુભનિદ્રા સાથે વિશ્રામ કરતા રહેતા . ઉપકરણો પાથરેલા દેખાય છે . એક ઓઘો છે : પીળા રંગની જાડી દશીઓ ભરપૂર છે . ઓઘારિયું ઊનનું છે . દોરી વીંટાળીને ગાંઠ મારી છે તે ઉપરની તરફ . વચોવચ મોટી મુહપત્તી છે . આ ઓઘો મુહપત્તી એમના પ્રાણપ્રિય સંગાથી રહ્યા . એક ગડી વાળેલી લાલ પટ્ટીની ગરમ કાંબળી છે . એમણે કાયમ આવી જ કાંબળી વાપરી . સ્થાપનાજી છે જેની સમક્ષ આવશ્યક ક્રિયાઓ થતી . એમની આરાધના અને સાધનાનું ઊર્જાબળ આ સ્થાપનાજીમાં સંગૃહીત છે . બે ટોકસા , એક ટોકસી અને એક ચમચી છે . ગોચરી અને પાણી વાપરવાનું માધ્યમ આ પાત્રો બન્યા . એક નવકારવાળી છે જેની પર એમણે અપરંપાર જાપ કર્યો . એમની આંગળીનો સ્પર્શ એના મણકાઓમાં જીવંત છે . એક મોટી ફ્રેમના ચશ્મા છે . કેટલો બધો સ્વાધ્યાય થયો હશે આ ચશ્મા થકી ? હિસાબ ન થઈ શકે . બે પુસ્તક છે જેનો ઉપયોગ રોજીંદા સ્વાધ્યાયમાં થતો રહ્યો . સતત વપરાશને લીધે ઘસાઈને પીળા પડી ચૂકેલાં પાનાઓમાં એમનો આતમા વસેલો છે જાણે . પ્રચંડ કર્મનિર્જરાનું સર્જન સ્વાધ્યાય કરે અને એમના નિયમિત સ્વાધ્યાયને ટેકો આપે એવું કૌવત આ પુસ્તકોમાં . અને એક ગ્રંથ છે , નામ : संवेगरति . એમનાં નામને અમર બનાવતો એ ગ્રંથ એમની કથાને વર્ણવી શક્યો નથી . એ ગ્રંથમાં કેવળ ઉપદેશ છે જે એમણે સિંચ્યો હતો . પરંંતુ संंवेेगरति આ નામ – આગામી પેઢીઓને એમની એ કથા કહેતું રહેશે જેમાં જાહેર પ્રસંગો દેખાતા નથી પરંતુ અંતરંગ અનુભૂતિઓ અપરંપાર વર્તાય છે . ( સમાપ્ત )
સંઘ મહાજનની આ પરંપરા છે : મહાત્માઓના શ્વાસ વાતાવરણને પ્રાણવાન્ બનાવે છે , એ શ્વાસની ધારાનું પ્રાણની જેમ જતન થવું જોઈએ . મહાત્માઓની આંખો જેને જેને નિહાળે છે , તેઓ ધન્યતાનો સ્પર્શ પામે છે , એ આંખોનું તેજ દીપ્તિમંત રહેવું જોઈએ . મહાત્માઓનું વચન અને ઉદ્બોધન ચતુર્વિધ સંઘને ઊર્જા બક્ષે છે , એ વચન અને ઉદ્બોધનની ધારા અખંડ રહેવી જોઈએ . મહાત્માઓનું શરીર આ ધરતીના કણકણમાં પવિત્રતાનું સિંચન કરે છે , એ શરીરની સુખશાતા નિરાબાધ રહેવી જોઈએ . મહાત્માઓનું અસ્તિત્વ પ્રવર્તમાન સમયને ચેતનાથી ભરે છે , એ અસ્તિત્વ ચિરસ્થાયી , સુચિરસ્થાયી રહેવું જોઈએ . શ્રુતભવનના ટ્રસ્ટીઓએ આ પરંપરાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું હતું . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાનું આરોગ્ય વિ.સં.૨૦૭૫ની સાલમાં એક મહાવ્યાધિનો સામનો કરી રહ્યું હતું . વ્યાધિ અને મહાવ્યાધિ વચ્ચે એક ફરક હોય છે . વ્યાધિ એ છે જે જાય છે અને એની છાપ શરીર પરથી ભૂંસાઈ પણ જાય છે . મહાવ્યાધિ એ હોય છે જે આવ્યા બાદ જાય નહીં , એ કદીક કમજોર પડે છે પરંતુ એની છાપ શરીર પરથી ભૂંસાતી નથી . કમળીમાંથી બહાર આવ્યા બાદ તેઓ સ્વસ્થ જણાતા હતા તે એમનું મક્કમ મનોબળ હતું . હકીકતમાં તેમનું શરીર થાક અનુભવી રહ્યું હતું . પૂના આવ્યા બાદ વારંવાર પૂના હોસ્પિટલમાં ભરતી થવું પડતું . પહેલીવાર સવા મહિના માટે હોસ્પિટલમાં રહ્યા . બીજી વાર , શ્રુતભવનમાં પડી ગયા અને થાપાનું ઓપરેશન કરાવવું પડ્યું એને કારણે ફરીથી સવાએક મહિના માટે હોસ્પિટલમાં રહ્યા . ત્રીજીવારમાં એવું થયું કે લીવરનો રિપોર્ટ કઢાવવા હોસ્પિટલમાં ગયા હતા , એકાદ દિવસ જ રોકાવાનું હતું . પરંતુ લીવરમાં ગાંઠ દેખાઈ . ચોંકાવનારી વાત એ હતી કે તે કેન્સરની ગાંઠ હતી . એનો ઉપચાર સરખી રીતે થાય તે માટે સળંગ ત્રણ મહિના હોસ્પિટલમાં રહેવાનું થયું . આ વાત ગુપ્ત રાખવામાં આવી . સ્વયં એમને પણ જણાવ્યું નહોતું . કીમોથેરપી થઈ એનાથી રાહત દેખાઈ પરંતુ આરોગ્યની એક વધુ સમસ્યા ઊભી થઈ , તે સમસ્યાનું નામ હતું લીવર સોરીસીસ . ઉનાળુ તડકામાં ફૂલ કરમાય એમ આ રોગમાં લીવર કરમાતું હોય છે . ત્રણ મહિના બાદ તેઓ શ્રુતભવન આવ્યા , એ વખતે એમના સિવાય સૌને ખબર હતી કે પરિસ્થિતિ ગંભીર બની ચૂકી છે . વૈશાખ સુદ તેરસે લોહીના ઝાડા શરૂ થયા , ચૌદસે એ ચાલુ રહ્યા . તત્કાળ હોસ્પિટલમાં દાખલ કર્યા . એકદમ કમજોરી આવી ગઈ શરીરમાં . બોલવાનું પણ થાય નહીં એવી અવસ્થા આવી ઊભી . હોસ્પિટલમાં બે દિવસ ઠીક ગયા પછી આઈસીયુમાં દાખલ કરવા પડ્યા . એમને સમજાઈ ગયું કે હવે મારી પાસે વધારે સમય નથી . એમણે અંતિમ સમય માટેની તૈયારી શ્રુતભવનમાં જ કરી લીધી હતી .
૧ . ત્યાં તેઓ આરામના સમયમાં મનને એક વિષય આપતા વિચારવા માટે . એ વિષય પર મનમાં મંથન ચાલતું . આમાં ઘણો સમય વહી જતો . આરામમાંથી ઊઠ્યા બાદ તેઓ મનોમંથનના નિષ્કર્ષને પાનાઓ પર ટપકાવી દેતા . હાથમાં શાસ્ત્ર ન હોય , હોઠે સૂત્રોચ્ચાર ન હોય અને કાયા ક્રિયારત ન હોય એ સમયે પણ ધર્મચિંતન ચાલતું રહેવું જોઈએ , તેઓ આ ભૂમિકાએ પોતાની પર પ્રયોગ કરીને અખંડ ધારાએ ધર્મધ્યાનમાં નિમગ્ન રહેતા . આમ રોગની પીડામાં મનને સમાધિસ્થ રાખવાની કળા હસ્તગત થઈ ગઈ હતી .
૨ . સાધનાજીવનના ઉપકારીઓને અઢળક આદર સાથે યાદ કરતા રહેતા . ચાર ગચ્છાધિપતિભગવંતો , પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજાના ઉપકારોને , એમની સાથેના એકેક પ્રસંગને મનમાં ને મનમાં વાગોળતા . ખાસ કરીને તારણહાર ગુરુદેવ સાથેનો સૌભાગી સમય સતત નજર સામે તરવરતો રહેતો . પૂ.આ.શ્રીમદ્વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા જેવા જ્ઞાનદાતાઓની વાણી , પ્રેરણા મનમાં આવ્યા કરતી . યોગાનુયોગ એવો થયો કે એમને ખાસ સુખશાતા પૂછવા માટે , ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા , એક દિવસ પગે વિહાર કરીને શ્રુતભવન પધારેલા . એમના આગમનથી એક અપૂર્વ આનંદોલ્લાસ છવાઈ ગયેલો તનમનમાં . એક એક ઉપકારીને યાદ કરતા રહ્યા હતા .
૩ . મનને મમતામુક્ત બનાવવાનું ભગીરથ કાર્ય ક્યારનું શરૂ કરી દીધું હતું . સંસારી પક્ષે ધર્મપત્ની જયાબેન તેમ જ અન્ય પરિવારજનો સાથેના વાર્તાલાપમાં સાક્ષિભાવની ઝલક આવી ગઈ હતી . દવાઓ અને ઉપચારો પ્રત્યેનું વળગણ નહીંવત્ થઈ ગયું હતું . પુત્રમુનિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. સાથે શાસન , સમુદાય આદિ વિષયોની વાતો થતી રહેતી . એકવાર પોતાની બધી ઉપધિ અને અન્ય સામગ્રી મંગાવીને પુત્રમુનિવરને સોંપી દીધી અને કહ્યું : આ બધું હવે તું સંભાળજે . હું છુટ્ટો . નાગપુરમાં બિરાજીત પુત્રમુનિશ્રી પ્રશમરતિવિજયજીને યાદ કર્યા હતા . એ ચામડીના રોગનાં કારણે લાંબો વિહાર નહીં કરી શકે એ જાણ્યા બાદ કહેવડાવી દીધેલું કે ‘ મારી માટે તમે હેરાન થઈને આવતા નહીં . ‘ અમદાવાદમાં ખૂબ ખૂબ સેવા કરનારા યુવાનોને યાદ કરીને આશીર્વાદ પાઠવી દીધા હતા . ઘણાબધા સંઘો કે પરિવારો સાથે સંબંધ બનાવ્યા નહોતા . એક નાનું એવું વર્તુળ હતું એમનું . એમાંની દરેક વ્યક્તિ સાથેની રાગભાવનાને ધીમે ધીમે ખંખેરી નાંખી હતી .
હોસ્પિટલમાં એમને એમ કહેવાનું અઘરું હતું કે અંતિમ સમય આવી ગયો છે . શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.એ એક પત્ર લખીને એમને પરિસ્થિતિની જાણકારી આપી હતી . એ વાંચ્યા બાદ એમની નિર્લેપતા ઔર વધી ગઈ હતી . વૈશાખ વદ ચોથના સવારે આશરે ૩.૩૦ની આસપાસ ડૉ.એ જણાવ્યું કે વી હેવ નો મોર ટાઈમ .
શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. એમની પાસે આવ્યા હતા . એમના હાથને હાથમાં લઈને એમને સભાન કર્યા હતા . એમણે આંખો ખોલી હતી . હાથની આંગળીથી ઉપરની તરફ ઈશારો કરીને સંકેતરૂપે જણાવ્યું હતું કે જવાનો સમય આવી ગયો છે . આંખો ઝપકીને એવો પણ સંકેત આપ્યો કે મેં તૈયારી કરી લીધી છે .
શ્રી સંવેગરતિવિજયજી મ.ના કાન પાસે ઝૂકીને એમણે મહામંત્ર નવકાર તેમ જ અન્ય મંગલપાઠ સંભાળવાનું શરૂ કર્યું હતું એક ધનભાગી પિતા મુનિવર , પોતાના પુત્ર મુનિવરનાં શ્રીમુખે અંતિમ સમયની આરાધના સાંભળી રહ્યા હતા . મુનિવરે પંચ મહાવ્રતના પાઠ બોલવાનું શરૂ કર્યું ત્યારે હાર્ટબિટ્સ બતાવનારા મશીનના સ્ક્રીનમાં રેખાઓ ઉપર નીચે થઈ રહી હતી . એકવાર એમણે આંખ ખોલી . આજુબાજુ નજર ફેરવી . એમને પૂછ્યું કે શું થાય છે , તો જવાબ આપ્યા વિના એમણે આંખો બંધ કરી દીધી . મહાવ્રત પાઠનું પાંચમું પરિગ્રહ પરિત્યાગ સૂત્ર શરૂ થયું ત્યારે મશીનના સ્ક્રીન પર દેખાતી રેખા એકદમ સીધી થઈ ગઈ અને શાંત મશીનમાંથી અચાનક બીપબીપ બીપબીપનો બેબાકળો અવાજ નીકળવા લાગ્યો . ડૉ. આવ્યા . હાર્ટને પંપિંગ કર્યું . ડૉ . નો પ્રયત્ન નિષ્ફળ ગયો . એમનાં મોઢામાંથી થોડું પાણી નીકળી આવ્યું , એક હેડકી આવી અને શરીર સ્થિર થઈ ગયું. એક આત્મજ્ઞાની મહાત્માએ ભરપૂર આત્મશુદ્ધિ અને આત્મજાગૃતિ સાથે અલવિદા લીધી . દિવસ હતો : વૈશાખ વદ ચોથ , ૨૨.૫.૧૯ . સમય હતો : સવારે ૬.૩૭ .
જીવનભર પોતાની જાતને લોકપ્રસિદ્ધિની ઝાકઝમાળથી એમણે દૂર રાખી . જ્ઞાનસારના શબ્દોમાં તેઓ लोकसंज्ञाविनिर्मुक्त યોગી હતા . એ ધારત તો હજારો , લાખોમાં પ્રસિદ્ધિ મેળવી શકત . એમણે એ દિશામાં વિચાર્યું જ નહીં . એમનું લક્ષ્ય હતું કેવળ સ્વ આત્મા . આજીવન આત્મામાં રમમાણ રહ્યા એટલે એમની અંતિમ ક્ષણો પૂર્ણતયા આત્મનિષ્ઠ , આત્મનિરત અને આત્માનંદી બની .
સ્વાધ્યાયની ઘણીબધી નોટબુક્સ લખી હતી . દરેક નોટબુક સોથી બસો પાનાની હોય . योगदृष्टिसमुच्चयની નવ નોટબુક્સ , योगशास्त्रની ત્રણ નોટબુક્સ , તારણહાર ગુરુદેવની ૩૪૨ વાચનાઓની કુલમળીને ૧૨ નોટબુક્સ , શ્રાવકધર્મવિધિની ત્રણ નોટબુક્સ , વિહારપ્રવચનોની બે નોટબુક્સ તથા ગુરુસંગે થયેલ વિધવિધ પ્રશ્નોત્તરની એક નોટબુક , ઉત્તરાધ્યયન , દશ વૈકાલિક , સાધુ સામાચારી , કલ્પસૂત્ર , અધ્યાત્મસાર , દર્શનશુદ્ધિ , યોગશતક , ધર્મબિંદુ , જ્ઞાનસાર , યોગવિંશિકા , અધ્યાત્મ ઉપનિષદ્ , ષોડશક , જીવવિચાર , નવતત્ત્વ , ભાષ્યત્રય , કર્મગ્રંથ , પુણ્યાનુબંધી પુણ્ય , ચૌદ ગુણસ્થાનક , આવશ્યકસૂત્રો , શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર , કષાયસ્વરૂપ , ધર્મસિદ્ધિ લિંગ , વ્યાખ્યાન યોગ અવરોધક દોષ , દાન ગ્રંથિ સ્વરૂપ , વિષય વૃક્ષ છાયા , ચૈત્યવંદના , અનેકાંતવાદ , ચતુર્થસ્તુતિનિર્ણય , જ્યોતિષ અને યોગવિધિની એકેક નોટબુક , લેશ્યાવિચારની પાંચ નોટબુક્સ , દ્રવ્યગુણપર્યાયનો રાસની ચાર નોટબુક્સ – આ રીતે અલગ અલગ વિષયોની દોઢસોથી વધુ નોટબુક્સ એમણે લખી હતી . દરેક નોટબુકના એકસો પાનાં ગણો તો આશરે ૧૫૦૦૦ પાનાં ભરીને એમણે લખ્યું હતું . દ્રવ્યગુણપર્યાયનો રાસ સાત વખત વાંચ્યો હતો . સન્મતિતર્ક ગ્રંથની વાદમહાર્ણવ ટીકાનો જે અત્યંત લાંબો હિંદી અનુવાદ , પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કર્યો છે એનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ તૈયાર કરીને સરસ રીતે લખ્યો . અટક્યા વિના સ્વાધ્યાય ચાલુ રાખ્યો હતો . સ્વાધ્યાય જ સત્ હતું , સ્વાધ્યાય જ ચિદ્ , સ્વાધ્યાય જ આનંદ . ‘ મનેેં બીજા બદ્ધાં વિના ચાલે પણ સ્વાધ્યાય વિના બિલકુલ ન ચાલે ‘ એમનું આ સ્વસંવેદન હતું . પરંંતુ લીવરની ભારેખમ તકલીફે આ સ્વાધ્યાયમાં નડતર ઊભું કર્યું. વારંવાર કમળો થઈ જતો. એમાંથી કમળી થઈ અને એમાં જ લીવર તદ્દન કમજોર પડી ગયું . એમનું શરીર એકદમ ઝંખવાઈ ગયું . અમદાવાદની સાલ હોસ્પિટલમાં ભરતી કર્યા . લીવર સંબંધી ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એમનાં શરીરમાં બિલીરૂબિનનું લેવલ ૩૦ જેટલું હતું . આટલી માત્રામાં બિલીરૂબિન હોય તો આખાય શરીરનું લોહી પાણી બનવા માંડે છે . ( સામાન્ય આદમીનું બિલીરૂબિન લેવલ ૦.૩ જેટલું હોય છે , બિલીરૂબિન આટલા પ્રમાણમાં હોય તો આયુષ્ય પર જોખમ હોતું નથી . પણ ક્યાં 0.3 અને ક્યાં 30 ? આ સ્થિતિમાં ક્યારે પણ , કંઈ પણ થઈ શકે છે . ) લાંબો ઉપચાર જરૂરી હતો . સામાન્ય સંયોગોમાં એ કોઈની સેવા લેતા નહીં. લીવરની તકલીફમાં તેઓ સદંતર પરવશ થઈ ગયા . તેમને તુરંત પૂના લાવવામાં આવ્યા . ઘણાં વર્ષોથી પૂનાની ભૂમિ પુકારી રહી હતી . દીક્ષાના તેત્રીસમાં વર્ષે પૂના પધાર્યા . જ્ઞાનમંદિર – અમદાવાદ સાથેનો ઋણાનુબંધ આજીવન રહેશે એવું લાગતું હતું . તેઓ સ્વયં કેટલીય વાર મંગળ મજાક રૂપે કહી ચૂક્યા હતા કે મારી પાલખી જ્ઞાનમંદિરથી નીકળવાની છે . પરંતુ માદરેવતન પૂનાની ધરતીએ એમને અમદાવાદ છોડાવ્યું . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજાની સાથે લાંબો પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો . પૂના પધાર્યા . શ્રુત ભવન સંશોધન કેન્દ્રની ભવ્ય ઈમારતમાં એમનું પુણ્ય પદાર્પણ થયું . આ સંસ્થાના ટ્રસ્ટીઓ માટે આત્મસંતોષની વાત એ હતી કે શ્રુતભવન બન્યું તેના પાયામાં વિચાર એ જ હતો કે શ્રી સંવેગરતિવિજયજી મ. પૂના પધારે અને શ્રુતભવનમાં સ્થિરવાસ કરે .
વિ . સં . ૨૦૧૭ની સાલ હતી . માગસર સુદ ચૌદસ હતી . તારીખ હતી ૩ ડિસેમ્બર . દીક્ષા બાદ પહેલીવાર પૂના આગમન થયું હતું . શ્રુતભવનના પ્રેરણાસ્રોત પુત્રમુનિવર પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.ને એમની સેવાનો ભરપૂર લાભ મળ્યો હતો . તેઓ પૂના પહોંચ્યા ત્યારે બિલીરૂબિન ૨૯ હતું . તેમને પૂના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . સવા મહિને એમનું બિલીરૂબિન ૧૯ થયું હતું . એક તબક્કે એમની કંડિશન ડૉ.ના કંટ્રોલની બહાર હતી . પરંતુ શ્રેષ્ઠ ઉપચારોને કારણે તેઓ ફરી એકવાર મૂળ રંગમાં આવવા લાગ્યા . પોતે કમળીમાંથી અને લીવરની ભયાવહ તકલીફમાંથી ધીમેધીમે બહાર આવ્યા એને એમણે પ્રભુનો ચમત્કાર ગણાવ્યો હતો .
શ્રુતભવનને તેમનું સાંનિધ્ય ત્રણ વરસ સુધી મળ્યું. એમ સમજાતું હતું કે શ્રુતભવન સાથે એમની અપરિસીમ સાત્ત્વિક ઊર્જાનુું જોડાણ થઈ ગયું છે . પોતાના પુત્રમુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. ગણિપદે બિરાજીત હતા તે વખતે , પોતે પિતા હોવા છતાં તેઓ એમને કહેતા કે ‘ તમે પદવીધર છો . મારાથી તમારાં વંદન લેવાય નહીં . ‘
શ્રુતભવનમાં રહેવાની અનુકૂળતા રહે તે માટે જે રૂમમાં તેમને બિરાજમાન કરવામાં આવેલા એ રૂમમાં પૂર્વે વયોવૃદ્ધ મુનિવરશ્રી સંયમરતિવિજયજી મ.ની સ્થિરતા રહેતી . મારી માટે એ મહાત્માને એ રૂમમાંથી બીજે ખસેડવામાં આવ્યા છે એવી એમને ખબર પડી ત્યારે તેઓ બોલ્યા હતા કે ‘ મારાં કારણે આ મહાત્માને અગવડ પડી ગઈ . આવું શું કામ કર્યું ? હું તો ક્યાંય પણ ગોઠવાઈ જાત . એમને હેરાન નહોતા કરવા . ‘
બગડેલી તબિયત સુધારા પર આવવા લાગી એટલે તેમણે કહ્યું હતું કે ‘ ગાડી પાટે ચડી ગઈ છે . મારો સ્વાધ્યાય છૂટી ગયો છે તે ચાલુ કરાવી દો . ‘ વાંચવા માટે ગ્રંથો . લખવા માટે નોટપેન . બેસવા માટે ખુરશીટેબલ . પહેરવાના સ્પેસિફિક ચશ્મા . વિશ્રામ માટે પાટ . સૂવા માટે સંથારો . ઓઢવા માટે ધાબળો . ક્રિયા માટે સ્થાપનાજી . ઉપધિ અને પાતરા રાખવાની જગ્યા . પરઠવવાની વ્યવસ્થા . બધી ગોઠવણ પોતાની અનુકૂળતા અનુસાર કરી . તેઓ કહેતા : ‘ સામાન એવી રીતે ગોઠવેલો રાખવાનો કે અડધી રાતે સોંય જોઈતી હોય તો અંધારામાં પણ મળી જાય . ‘ શ્રુતભવનમાં એટલું સરસ ગોઠી ગયું કે લાંબો સમય જ્ઞાનમંદિરમાં રહેલા તેની યાદ કે ત્યાંની આદતનો અણસાર સુદ્ધાં ન વર્તાયો નહોતો .
અને પછી સ્વ અધ્યાયનાં કામે લાગી ગયા . રોગ જાણે થયો જ નહોતો . એમનું સદાસંગાથી રહેલ પુસ્તક સ્વાધ્યાય સાગરનાં પાનાઓ રોજેરોજ પલટાતા ગયાં . વહેલી સવારે શુક્રનો તારો અવશ્ય જુએ . સુદ બીજનાં ચંદ્રનું દર્શન કદી ન ચૂકે . સાંજે મોટેભાગે બે ઘડી કરે . સાંજનું અંધારું ઢળે તે પહેલાં પ્રતિક્રમણ શરૂ કરી દે . સૂત્ર મનમાં ન બોલતાં હોઠ ફફડાવીને બોલે જેથી ઉચ્ચારની અશુદ્ધિ ન આવે .
દોઢસો જેટલી નોટબુક્સ લખી ચૂક્યા હતા પણ હજી સંતોષ નહોતો . હવે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથની ગાથાઓ કંઠસ્થ કરવાનું પુરુષાર્થ માંડ્યો . લેશ્યાવિષયની નોંધ ફરીથી શરૂ કરી . આરંભસિદ્ધિ અને હીરકલશનો તુલનાત્મક અભ્યાસ કરી એની નોંધપોથી બનાવવા લાગ્યા . સ્વાધ્યાયની ક્ષણોમાં એમના ચહેરા પર રોનક છવાયેલી રહેતી . એ રોનક જોઈને સમજાતું કે તેઓ દુનિયાદારીથી પર થઈને કેવળ આત્મા માટે જીવન જીવી રહ્યા છે . ( ક્રમશઃ )
હર ઘડી હર પળ આત્મચિંતન ચાલતું રહેતું : મારો ભૂતકાળ કેવો હતો ? કેવાકેવા ખેલ હું કરતો હતો ? મારી ભૂલોને હું સુધારત નહીં તો આજે મારી કેવી હાલત હોત ? ગુરુએ આવતાવેંત ચમત્કાર કરી દીધો હતો . આજે હું જે છું તે મારા ગુરુના પ્રતાપે છું . મારા પ્રભુનું માહાત્મ્ય મનેં ગુરુએ જ સમજાવ્યું છે . હવે હું પહેલાં જેવો નથી રહ્યો . ગુરુએ જાદુઈ છડી ફેરવી છે . પહેલાં હું સુખનો , સામગ્રીનો અને સંપત્તિનો દાસ હતો . આજે હું દેવ , ગુરુ અને ધર્મનો દાસ છું . હું હવે પ્રભુચરણોમાં સહીસલામત છું .
આ ચિંતનને અનુરૂપ સ્તવનો એમને બહુ ગમતા . એક સ્તવન એ ખૂબ ભાવપૂર્વક ગાતા : हुं तो पायो प्रभुजीना पाय के आण न लोपुं रे . આવું જ આત્મ ગર્હા ગર્ભિત બીજું પદ એમને ઘણું ગમતું : हुं नटडो थईने नाटक केवा नाच्यो हो जिनवरिया , આવાં પદો ગાતી વખતે અથવા સાંભળતી વખતે એમની આંખો પર ભીનાશ છવાઈ જતી . રાજીમતીના બારમાસાની સજ્ઝાય – सखी तोरण आवी कंथ गया निज मंदिरे , કંઠસ્થ હતી તે ગાતા અને હજી મને મોક્ષ મળ્યો નથી એવા ભાવ સાથે રિક્તતા અનુભવતા .
સાધકે બે બાબત સતત યાદ રાખવાની છે . પહેલી વાત એ કે હું ભૂતકાળમાં સારો માણસ નહોતો . નિરાશા બનાવ્યા વિના ભૂતકાળને યાદ કરીએ તો ભૂતકાળ ઘણોમોટો બોધપાઠ આપી શકે છે . બીજી વાત એ છે કે મારું ભવિષ્ય સારું બને એની માટે મારે પવિત્ર ટેન્શનનો થોડો દબાવ મારી જાત પર રાખવાનો હોય . મારે સાધનામાં હજી શું કરવાનું બાકી છે તેનું અવિરત સ્મરણ મનમાં રાખવું જોઈએ . ભવિષ્ય અંગેની સ્પષ્ટ કલ્પના જે કરી શકે છે તેને આળસ કે અન્ય કમજોરીઓ એક મુકામ પર અટકાવી શકતી નથી . મોક્ષ , તેરમું ગુણસ્થાનક અને છઠ્ઠાસાતમા ગુણઠાણાની ઊંચાઈને શાસ્ત્રોએ જે વર્ણવી છે તેનો સ્પર્શ મને ક્યારે થશે એની કલ્પનાત્મક ચિંતાઓ એ કરતા જ રહેતા .
તેમનામાં આ બેય ચિંતન અખંડભાવે ઝળહળતા હતા . એટલી હદે એ જાગૃત હતા કે એમનું એક મહાન્ સન્માન પણ એમણે સ્વીકાર્યું નહીં . બનેલું એવું કે એમનું નામ ઈતિહાસમાં નોંધાયેલું રહે એવી ભાવનાથી એમના પુત્રમુનિ શ્રી પ્રશમરતિ વિજયજી મ.એ સંસ્કૃત ભાષામાં એક ઉપદેશગ્રંથ લખ્યો . એ ગ્રંથનું નામ રાખ્યું : संवेगरति . એક પુત્ર પોતાના પિતાનાં નામ પર ગ્રંથ લખે એવું ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું . આ ગ્રંથની પ્રથમ કોપી અમદાવાદના ઉમંગભાઈ શાહે એમના હાથમાં મૂકી , સરપ્રાઈઝ રૂપે . ઉમ્મીદ એવી હોય કે પોતાનાં નામ પર ગ્રંથ રચાયો એનાથી એ રાજી થાય પરંતુ તેઓ રાજી થવાને બદલે નારાજ થઈ ગયા . મારાં નામનો ગ્રંથ બનાવવાની શું જરૂર ? આ પ્રશ્ન એમના અતલ ઊંડાણમાંથી આવ્યો હતો . એમણે ગ્રંથ જોયો , શ્લોકો વાંચ્યા અને કહ્યું : મારામાં એવું શું છે કે મારાં નામે ગ્રંથ લખવો પડે ? આ એમનો સવાલ હતો . કમાલની વાત એ બની કે શ્રી સંવેગરતિવિજયજી મહારાજાએ , संवेगरति ગ્રંથ લખવા બદલ એના રચયિતાને મોટો ઠપકો આપ્યો હતો .
પોતપોતાના કાર્યક્રમોના મોટામોટા સમાચાર બનાવવાનું અને ફેલાવવાનું આજે સર્વસામાન્ય થઈ છે . આવા સમયમાં એમનાં નામનો ડંકો વાગી જાય એવું એક કાર્ય એમની જાણબહાર સંપન્ન થઈ ગયું હતું . એનાથી એ હરખાયા નહીં , બલ્કે એમણે સંકોચ અનુભવ્યો . પોતાના માન કષાયને પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ નહીં , આ હતું એ મહાન્ સાધકનું ગણિત . મારું નામ ચમકાવવાનો મને કોઈ અભરખો નથી , તમારે પણ એવા અભરખા રાખવાના નહીં , એમણે પુત્રમુનિને કડક ભાષામાં સમજાવી દીધું હતું .
આપણું નામ એકાદ છાપામાં એકાદ વાર છપાય તો પણ આપણે એનું પેપરકટિંગ જિંદગીભર સાચવી રાખીશું . આપણે એવા નામનાપ્રેમી છીએ . એમનાં નામ પર તો એક આખો સંસ્કૃત ગ્રંથ લખાઈ ગયો હતો છતાં એમણે એ ગ્રંથને પોતાનો અહમ્ પોસવાનું માધ્યમ ન બનવા દીધો . ( ક્રમશઃ )
યોગદાન શબ્દ ભારે છેતરામણો છે . એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન સંઘ – સમાજને ઉપયોગી થનારી પ્રવૃત્તિઓ કરે તેને એમનું યોગદાન કહેવાય . કોઈ દાન કરે , કોઈ સર્જન કરે , કોઈ રાજ્ય કરે , કોઈ વિધવિધ આયોજન કરે તેને એમનું યોગદાન ગણવાનું . કેમ જાણે જે દાન ન કરે , સર્જન ન કરે , રાજ્ય ન કરે કે વિધવિધ આયોજન ન કરે તે તો બસ , યોગદાન વિનાના નિરુપયોગી હોય . વહેવાર એવો છે કે જેનું યોગદાન દેખાય એ અમર , જેનું યોગદાન દેખાય નહીં તે કેવળ ભૂલીબિસરી યાદેં . જીવનમાં જેણે પોતાની ખુશીનું સાચું સરનામું શોધી લીધું અને એ ખુશી માટે જેણે હિંમતપૂર્વક કશુંક છોડી દીધું એનું જીવન સફળ જ કહેવાય . જેણે પોતાના આત્મા માટે , પોતાના આત્મા ઉપર , પોતાના આત્મા દ્વારા જ કામ કર્યું તે સાધનાનો દિગ્ગજ છે . એનું નામ ઈતિહાસના ચોપડે જમા થાય કે ન થાય એનાથી એની સાધનાને કશો ફેર પડતો નથી . એ સાધક અનામીની ખોજમાં નીકળેલો હોય છે . એને નામની પરવા હોતી નથી .
છતાં એક વાત છે . સાધકનાં અસ્તિત્વની પ્રાણચેતના કોઈકને તો અડે જ છે . એ જેને અડે છે તેનામાં પ્રાણ પૂરી દે છે . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. પોતાના બે પુત્રમુનિઓ વિશે કહેતા રહેતા કે મેં એમને દંડાસન મારીમારીને તૈયાર કર્યા છે . આમાં ઘણી વાતો છે .
એક , તેઓ મૂળભૂત રીતે પુત્રમુનિઓ વિના એકલા જ દીક્ષા લેવાના હતા . મિત્રોના કહેવાથી દીકરાઓને સાથે લીધા .
બે , દીક્ષા બાદ તેમણે પુત્રમુનિઓની સોંપણી , પૂ.મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મ. , પૂ.મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મ. તથા પૂ.મુનિરાજ શ્રી નરચંદ્રવિજયજી મ.ને કરી દીધી હતી . વડીલો ઘડતર કરે એમાં એ રાજી હતા . હું નૂતન દીક્ષિત છું , હું શું શિખવાડીશ ? આ એમની લાગણી .
ત્રણ , વિ.સં ૨૦૪૧ પછીનાં ત્રણ વરસોમાં એમણે પુત્રમુનિઓને ભણાવવા , તૈયાર કરવા માટે ઘણી જ મહેનત કરી . આટલી બાબતોમાં કડકાઈ હતી : એકબીજા સાથે વાતો નહીં કરવાની , ગોચરી લેવા જવાનું નહીં ( પોતે જાય ) , ગૃહસ્થો સાથે વાર્તાલાપ નહીં કરવાનો , બપોરે નિદ્રા નહીં લેવાની , છાપાચોપાનિયાં નહી વાંચવાના , કોઈની સાથે પત્રવહેવાર નહીં કરવાનો , જાહેર કાર્યક્રમોમાં જવાનું નહીં , વ્યાખ્યાન આપવાનાં નહીં , મકાનમાં ઘણા મહાત્માઓ હોય તો એ મહાત્માઓ સાથે પણ વાત કરવાની નહીં . તો સામે આટલી બાબતો કમ્પલસરી હતી : સવારે નવી ગાથા . પર્વતિથિએ ચૈત્યપરિપાટી અને આસપાસના ઉપાશ્રયોમાં વડીલોને વંદન . પંડિતજીઓના પાઠ અને પાઠ સંબંધી લેસનવર્કમાં પૂરેપૂરો સમય આપવાનો . પ્રતિક્રમણ માંડલીમાં જ કરવાનું , એકલા નહીં . પડિલેહણનો ટાઈમ આગળપાછળ નહીં કરવાનો . હસાહસ બિલકુલ નહીં કરવાની . પ્રતિક્રમણ , પડિલેહણ , ચૈત્યવંદન આદિમાં ઉતાવળ નહીં કરવાની . સૂત્રો ચોખ્ખા બોલવાના . નક્કી કરેલા નિયમોમાં ગડબડ જોવા મળે તે વખતે શું થાય ? સોટી વાગે સમસમ . પુત્રમુનિઓના વિદ્યાર્થી કાળને એમણે સુવર્ણ કાળ બનાવ્યો હતો .
ચાર , વડીલોની આજ્ઞાથી પુત્રમુનિઓ અલગ અલગ ક્ષેત્રોમાં ચોમાસું જાય એ ક્રમ શરૂ થયો તે પછી ક્યારેય એમની પ્રશંસા કરી પણ નહીં અને સાંભળી પણ નહીં . ઝીણીઝીણી ભૂલો કાઢીને ફરિયાદ ઊભી રાખે . જો એમને પ્રશંસા ગમવા લાગશે તો એમનો વિકાસ અટકી જશે એવો આશય .
પાંચ , મારા પુત્રમુનિઓ છે એટલે એ મારી સાથે જ રહેશે એવો આગ્રહ ન રાખ્યો . બલ્કે એમને મારી સાથે સ્થિરવાસ કરાવવો નથી એવું જ વિચાર્યું .
છ , પુત્રમુનિઓને આ રીતે ઠપકારે : વ્યાખ્યાન આપવું પડે તે ઠીક છે પણ વાણિયાઓને વહાલા થવાની વૃત્તિ નહીં રાખવાની . ચોપડીઓ લખવાના/છાપવાના રવાડે ચડવાની શું જરૂર છે ? શાસ્ત્રોનો સ્વાધ્યાય કરો . ઓચ્છવ મહોચ્છવમાં પડતા નહીં . આ સાધુનાં કામ નથી , આ ગૃહસ્થોનાં કામ છે . સ્વાધ્યાયમાં વધારે સમય જાય છે કે ઈતર પ્રવૃત્તિઓમાં વધારે સમય જાય છે ?
સાત , આજે જૈનશાસનમાં શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાપુરુષ બીજા જોવા નહીં મળે . એમનાં પુસ્તકો રોજ વાંચો . હું આજે જે પણ આરાધના કરું છું તે એમનાં વ્યાખ્યાનનો પ્રતાપ છે . તમે એમનાં વ્યાખ્યાન નહીં વાંચો તો તમારો ઉદ્ધાર અધૂરો રહી જશે .
એકથી સાત વાતોની જેમ આગળ હજી ઘણીઘણી વાતો થઈ શકે .
૧ . આજે નવ્યન્યાય તથા પ્રાચીન શ્રુતસાહિત્યની સંપાદનવિદ્યાનાં ક્ષેત્રમાં પૂ.ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.નું નામ જાણીતું છે અને જીવનકથા , પ્રવાસકથા તેમ જ કવિતાલેખનનાં ક્ષેત્રમાં મુનિ શ્રી પ્રશમરતિવિજયજીનું નામ જાણીતું છે . આ બેયનું શિલ્પકાર બનીને નખશિખ ઘડતર કર્યું પૂ. પિતા મુનિરાજશ્રી સંવેગરતિવિજયજી મ. એ .
૨ . પૂ. મુનિરાજશ્રી સંવેગરતિવિજયજી મ. એ પોતાના સંસારી પક્ષે ધર્મપત્ની શ્રી જયાબેન ભાયાણીને જૈનત્વની બારાખડી એ રીતે શિખવાડી કે જયાબેન ધાર્મિક શિક્ષિકા તરીકે અત્યાર સુધીમાં એક હજારથી વધુ બાળકબાળિકાઓને તેમજ સેંકડો વહુઓને ધાર્મિક અભ્યાસ કરાવી ચૂક્યા છે . હજીપણ એમની આ પ્રવૃત્તિ ચાલુ જ છે .
૩ . અમદાવાદમાં વીસ પચીસ યુવાનોની એક ટીમ બની છે . આ એ યુવાનો છે જે નિયમિત રીતે પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. પાસે વાચના લેતા હતા . યુવાનોનો રાતે આવવાનો સમય એ એમનો સૂવાનો સમય રહેતો પરંતુ યુવાનોને બીજો કોઈ સમય ફાવતો નહીં . એમણે આ યુવાનોને કહી રાખ્યું હતું કે તમે આવો એટલે મને જગાડી દેજો . વરસો સુધી એ રોજનો સિલસિલો બની ગયેલો કે રાતે યુવાનો આવે , એમને ઊઠાડે , એ પ્રસન્નતાપૂર્વક જાગે અને સવાર જેવી તાજગીથી લાંબી વાચના આપે .
પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. એવી સભાનતા નહોતા રાખતા કે મારા તરફથી સંઘસમાજને હું કોઈ યોગદાન આપી રહ્યો છું . એ પોતાની સાધનાપ્રવૃત્તિમાં લીન હતા . પુત્રમુનિઓ કે જયાબેન કે યુવાનો એમની સમક્ષ આવ્યા , એમણે આ સૌને પોતાની ઊર્જા આપી . આને યોગદાન ગણવું હોય ગણી શકાય . ( ક્રમશઃ )
સાધના જીવનમાં વરસોના વરસો વીતાવી દેનાર સાધકની માનસિકતા એક ચોક્કસ વિચારધારા સાથે જોડાય છે . અધ્યાત્મમાં , ધર્મમાં , સંઘમાં અને સમુદાયમાં – શું કરાય અને શું ન કરાય , શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ , શું ઉચિત છે અને શું અનુચિત છે , શું યોગ્ય છે અને શું અયોગ્ય છે , શું સાચું છે અને શું ખોટું છે ? – આ બાબતે સાધકનો પોતાનો એક ચોક્કસ અભિપ્રાય હોય છે . પોતાની છદ્મસ્થતા સાધકને યાદ હોય છે તેથી પોતાની વિચારધારા સમુચિત રહે એની માટે સાધક એક વૈચારિક નિશ્રાને સ્વીકારતો હોય છે . સાધક , પોતાના વિચારને ઘડવાની , ઘડતા રહેવાની જવાબદારી વૈચારિક નિશ્રાદાતાને સોંપે છે . બાહ્ય રીતે સાથે રહેવાનું થાય ન થાય , વૈચારિક નિશ્રાની રૂએ સાધકને સાંનિધ્ય અવિરત મળતું રહે છે .
તે તે વિચારધારાને નાકબૂલ રાખનારો એક વર્ગ હોવાનો જ . વિચારધારા તમારાં આત્મચિંતનમાં બળ પૂરે છે , મોક્ષમાર્ગને નિરાબાધ રાખે છે . જરૂરી એ છે કે તમારી વિચારધારા અંગત ન હોય . જરૂરી એ પણ છે કે તમારી વિચારધારા ગીતાર્થ નિશ્રિત હોય . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ.ને વૈચારિક નિશ્રા વિના ગમતું નહીં . એ કહેતા કે ‘ હું ગમે તેટલો બુદ્ધિશાળી હોઉં , હું સર્વજ્ઞ નથી . મારામાં રાગદ્વેષની ઘણીબધી છાયાઓ છે . મારો બોધ અધૂરો હોવાની સંભાવના હંમેશા રહે છે . વડીલને પૂછીને માન્યતા બનાવું એમાં મારી સલામતી છે . આપડને આગળપાછળની ખબર હોય નહીં . વડીલને બધી ખબર હોય . મારું માથું હું ગમ્મે તેને સોંપી શકું નહીં . જ્યાંથી સાચું સમાધાન અને પૂરો આત્મસંતોષ મળે ત્યાં જ હું મારું માથું સોંપું . ‘
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાને એમણે વૈચારિક નિશ્રાદાતા તરીકે સ્વીકાર્યા હતા. પોતાનો તમામ સ્વાધ્યાય એમની છાયા હેઠળ રહે એવું એમનું માનસ . ખાસ આ ભાવનાથી એમણે એક ચાતુર્માસ લક્ષ્મીવર્ધક સંઘમાં , પૂજ્યપાદ આચાર્ય ભગવંતની નિશ્રામાં કર્યું . પોતે એમની દરેક વાચના સાંભળી , લખી . કેટલાય પ્રશ્નોની ચર્ચાઓ કરીને સમાધાન મેળવ્યાં . પોતાના પુત્રમુનિઓ પણ પૂજ્યપાદ આચાર્ય ભગવંતની નિતાંત શાસ્ત્રગર્ભિત શૈલીથી સંસ્કારિત થાય એવી ઝંખના રાખતા .
એક તરફ પોતાના તારણહાર ગુરુદેવનું સમગ્ર પ્રવચન સાહિત્ય આત્મસાત્ કર્યું હતું . બીજી તરફ , શાસ્ત્રોનો સઘન અભ્યાસ કર્યો હતો અને હવે ત્રીજી તરફ શ્રી ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાની વૈચારિક નિશ્રા . પોતાનું જ્ઞાન સમ્યગ્ જ્ઞાન બનેલું રહે તે માટે આ ત્રિવેણી સંગમ સાધ્યો . આ સમ્યગ્ જ્ઞાનની છાયામાં મારું દર્શન ( શ્રદ્ધાન ) સમ્યગ્ દર્શન ( શ્રદ્ધાન ) છે એવું આશ્વાસન પણ મેળવ્યું . સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ દર્શન ની ઉત્કટતા સાધવાનો ભગીરથ પુરુષાર્થ ભાવનાનાં સ્તરે પણ કર્યો અને બુદ્ધિનાં સ્તરે પણ કર્યો .
એમનાં હૈયે વસ્યો હતો વાચક યશનો આ શ્લોક : अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानाम् । अब्धौ पोत इवेह प्रवचनरागः शुभोपायः ।। એમનું આત્મચિંતન બહુ સ્પષ્ટ હતું : મારું ચારિત્ર પાલન ઊંચા ગજાનું નથી . મારા શરીરની મર્યાદાઓ છે . પરંતુ મારાં જ્ઞાન અને દર્શનને ઉત્કૃષ્ટ બનાવવા મેં યથાસંભવ પૂરેપૂરો પુરુષાર્થ કર્યો છે . મનેં જૈનશાસન ગમે છે , મોક્ષે જવાનું સ્વપ્ન મનેં સૌથી વધારે ગમે છે . અશુભ અધ્યવસાયોને અવરોધે એવો જ્ઞાનયોગ અને દર્શનયોગ સાધવાનું મારું લક્ષ્ય છે . અશુભ અધ્યવસાયોએ જ મને ભવમાં ભ્રમણ કરાવ્યું છે . જેમ જેમ અશુભ અધ્યવસાયો તૂટશે તેમ તેમ ભવભ્રમણની પીડા ઘટતી જશે . જ્ઞાનની પ્રવૃત્તિઓ શુભ અધ્યવસાયોનું આલંબન આપે છે અને અશુભ અધ્યવસાયોને છેટે રાખવામાં અહમ્ ભૂમિકા ભજવે છે . દર્શનની પ્રવૃત્તિઓ શુભ અધ્યવસાયોમાં ઊંડાણ અને તીવ્રતા લાવે છે . ચારિત્રના નિયમો પાપ પ્રવૃત્તિઓને અને તેના થકી થનાર કર્મબંધને રોકી રાખે છે જેના પરિણામે સંસાર આપણને દુર્ગતિમાં મોકલી શકતો નથી . બે જ ગતિમાં જવાનું બાકી રહે છે , દેવગતિમાં અથવા મનુષ્યગતિમાં . હું આયુષ્ય પૂર્ણ થયા બાદ ક્યાં જઈશ મને ખબર નથી . જો દેવલોકમાં જઈશ તો સીમંધર પ્રભુની દેશનાઓ સાંભળીશ અને મનુષ્યગતિમાં જઈશ તો કેવળજ્ઞાન મેળવીને જ રહીશ . શાસ્ત્રોમાં જે રત્નત્રયીનું વર્ણન છે તે બહુ ઊંચી વાત છે . હું મારાં દર્શન – જ્ઞાન – ચારિત્રને અખંડ અને અકલંક રાખવાની કોશિશ કરું છું . આ ભવે સાચો માર્ગ મળ્યો છે એને આવતા ભવમાં પાછો મેળવવો છે . ‘
જીવનના અંતિમ સમય સુધી શ્રી ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજા સાથે , એક વિદ્યાર્થી તરીકેનો આત્મીય સંબંધ બનેલો રહ્યો . ( ક્રમશઃ )
શ્રી દાન સૂરિજી જ્ઞાનમંદિરમાં ત્રીસેક વરસ જેટલો સ્થિરવાસ રહ્યો . જ્ઞાનમંદિરમાં આટલો લાંબો વખત ભાગ્યે જ બીજા કોઈ મહાત્મા બિરાજીત રહ્યા હશે . અહીંના શ્રદ્ધાવાન્ ટ્રસ્ટીઓ , શાસનસમર્પિત કાર્યકર્તાઓ અને પ્રેમાળ નોકરોએ આત્મીયતા સાથે સેવા કરી હતી .
સ્થિરતા દરમ્યાન નાની મોટી માંદગીઓએ એમને સતત વ્યસ્ત રાખ્યા . દરેક માંદગી વખતે રોગનું વિશ્લેષણ કરે . તે તે દવાઓના ગુણધર્મની જાણકારી મેળવી લે , યાદ રાખે . એલોપેથી , હોમિયોપેથી , બાયોકેમિક , નેચરોપેથી જેવી ઉપચાર પદ્ધતિઓ અનુસાર પોતાનો રોગ શું છે અને એની ચિકિત્સા શું છે એ સમજે . પોતાનાં શરીરમાં ક્યાં શું થયું અને એનો ઈલાજ કેવી રીતે થઈ રહ્યો છે એનું નિરીક્ષણ કરતા રહે . ટ્રીટમેન્ટ બાબતે ડૉક્ટરો સાથે આર્ગ્યુમેન્ટ્સ કરી શકે , કરે . ડૉ . ના જવાબોથી સમાધાન ન થાય એવું પણ બને . આવા વખતે એક નવા ડૉ.ને મળીને અને એનાલિસીસ ઑફ ડિસિઝ ચાલુ રાખતા . આ રીતે ઘણાય ડૉ. સાથે ઓળખાણ થયેલી .
સમુદાયના મહાત્માઓનો પ્રેમ પુષ્કળ મળેલો . વરસે એકાદવાર હોસ્પિટલમાં ભરતી થવું પડે . પોતાનું શિડ્યુલ અસ્તવ્યસ્ત થતું હોય તો થવા દઈનેય મહાત્માઓ હોસ્પિટલમાં પધારે . મુનિવરને પુષ્કળ વાત્સલ્યથી સાચવે . સેવા લેવાનું મુનિવરને ગમતું નહીં . જે જે સમયે જે જે મહાત્માઓએ સેવા કરી એની ભીની આંખે અનુમોદના કરતા . એ મહાત્માઓને હાથ જોડી કહેતા : હું તમને બધાને હેરાન કરું છું . મારા કમજોર શરીરને તમારી સેવાથી ટેકો મળી ગયો . તમારી સેવાનું ઋણ હું ક્યારે ચૂકવીશ ?
એ દરેક મહાત્માઓનો ઉપકાર જીવનભર માટે યાદ રાખ્યો . લાંબા સમયની સ્થિરતા દરમ્યાન કેટલાય શ્રાવક શ્રાવિકાઓએ એમની ભરપૂર સેવા કરી . તો કેટલાય ગૃહસ્થોએ એમની પાસે બેસીને નિયમિતપણે બેસીને ધર્મનું જ્ઞાન મેળવ્યું . એમણે કોઈને બેસવા બોલાવ્યા નહીં . પરંતુ જેમણે જેમણે એમનું તેજ સમજાયું તે સામે ચાલીને આવ્યા . એવા કેટલાય લોકો છે જેમનાં હૈયામાં એમણે જૈનશાસનની સ્થાપના કરી , જેમનાં મનમાં એમણે દેવ ગુરુ ધર્મ પ્રત્યે અપરંપાર શ્રદ્ધા બહુમાન જાગૃત કરી અને એને જાગ્રત્ રાખી . અરે , અમુક ભાગ્યશાળીઓને દીક્ષા માટે પ્રેરિત કર્યા અને એમની દીક્ષા પોતાની પાસે નહીં પરંતુ અન્ય મહાત્માઓ પાસે થાય એવું માર્ગદર્શન પણ આપ્યું અને દીક્ષા બાદ એ મહાત્માઓની ચિંતા પણ રાખતા .
એમની છાપ એવી બની ગઈ હતી કે એ બહુ કડક છે . આમ બનવાનાં ત્રણ કારણ હતાં . એક , એ મનમાં જે આવે તે તુરંત બોલી દેતા , મનના ભાવ છુપાડતા નહીં . બે , એમની ભાષા આકરી અને તીખી હતી , એ તડ અને ફડની પદ્ધતિમાં જ વાત કરતા . ત્રણ , વાતો કરતી વખતે એમનો અવાજ સહજ રીતે ઊંચો થઈ જતો તેથી એવું લાગતું કે ગુસ્સામાં બોલે છે . હકીકત એ હતી કે એમનું મન કૂણું , લાગણીશીલ અને કરુણામય હતું . એમને ઓછું મળનારાઓને લાગતું હશે કે એ કડક હતા . એમને નિયમિત પણે મળનારાઓ જાણતા હતા કે એમની બોલવાની પદ્ધતિ ભલે કઠોર દેખાતી હોય પરંતુ એમની મમતાળુ વૃત્તિ અગાધ સાગર જેવી હતી .
શ્રી દાન સૂરિજી જ્ઞાનમંદિરનો ત્રીજો માળ , એમના થકી મુખરિત રહ્યો . ત્રીજા માળે પરઠવવાની અને વાડાની વ્યવસ્થા હતી . રોડનો અવાજ ઓછો રહે . હવાઉજાસની કમી નહીં . આ માળે એમણે આશરે ૨.૫૮,૦૦૦ કલાકથી વધુ સમય સુધી રત્નત્રયીની ઉજ્જ્વળ સાધના કરી , આશરે ૮૬,૪૦૦ કલાકથી વધુ સમય સ્વાધ્યાયમાં વીતાવ્યો , આશરે ૬૪, ૮૦૦ કલાકની યોગનિદ્રા લીધી . આ સ્થળે બેહિસાબ આત્મનિમજ્જન કર્યું , અપરિસીમ અધ્યવસાયશુદ્ધિ સાધી , મોક્ષ તત્ત્વનાં નિગૂઢ ચિંતનમાં ડૂબ્યા , વૈરાગ્યભાવનો આગળનો , વધુ આગળનો રસ્તો ખોજ્યો અને ખૂંદ્યો . અધિગમ સમ્યક્ત્વની નવીનવી ઊંચાઈઓ સર કરીને ચારિત્રને વધુમાં વધુ જ્ઞાન ગર્ભિત બનાવ્યું . પોતાના તારણહાર ગુરુદેવની કર્મભૂમિને એમણ પોતાની સાધનાભૂમિ બનાવી દીધી . ( ક્રમશઃ )
આત્મશુદ્ધિ માટે દર પંદર દિવસે આલોચના અને ક્ષમાપના કરે . એક પણ ખાડો પાડ્યા વગર પાક્ષિક , ચાતુર્માસિક અને સાંવત્સરિક આલોચના અને ક્ષમાપનાનો પત્ર , સમુદાયના સર્વસત્તાધીશને પાઠવે . વડીલો તરફથી જવાબ આવે એની રાહ જુએ . ધારેલા સમય સુધીમાં જવાબ ન આવે તો ચિંતા થાય . જ્યારે પણ પત્ર હાથમાં આવે ત્યારે પ્રસન્નતા અનુભવે . પોતાને ન સમજાય એવી બાબતો અંગે નોંધ તૈયાર કરી રાખે . કોઈ સામુદાયિક પરિસ્થિતિ હોય , કોઈનો અણસમજાતો વહેવાર હોય , કોઈ વ્યક્તિગત મૂંઝવણ હોય , કોઈના અંગે ફરિયાદ હોય તે અંગે ખુલ્લાં દિલે પત્રો લખે , કોઈક વાર કડક ભાષા વાપરી લે , છોછ નહીં .
પત્ર મોકલ્યા બાદ વિચારતા રહે કે આનો જવાબ શું આવશે . જે જવાબ આવવાની ધારણા રાખી હોય તે જ જવાબ આવે એ વખતે રાજી થાય . કહે : કીધુંતું ને મેં ? આ જવાબ આવશે . જુઓ એ જ જવાબ આવ્યો . ધારણા કરતાં જુદો જવાબ આવે ત્યારે કશુંક નવું શીખવા મળ્યું એનો રાજીપો અનુભવે . વડીલો સાથેનો સંપર્ક બનેલો રહે એ માટે પત્ર લખતા રહેવાનું જરૂરી માનતા . પોતે લખેલ પત્ર લાંબો હોય અને એનો જવાબ લાંબો જ આવવાનો હોય એવી સ્થિતિમાં શું કરે ? પત્ર મોકલતાં પહેલાં એની એક નકલ પોતાની નોટમાં લખી લે . ઝેરોક્સ કરાવો તો વિરાધના થાય , હાથેથી બીજી કોપી લખવામાં કેટલો સમય લાગવાનો ? . વડીલોને લખાયેલા ગંભીરવિષયક પત્રોની એક નકલ પોતાની રહેવી જોઈએ એ આશયથી એક પત્રવહેવારની નોટ બનાવેલી . કંઈ તારીખે કયો પત્ર લખ્યો તેની નોંધ તો હોય જ વળી . વડીલોનો જવાબ આવે એટલે પોતાની એ નોટ ખોલે , પોતાનો પત્ર સરખાવે અને જવાબનું આકલન કરે .
તારણહાર ગુરુદેવની સાથે કાયમ સુધી પત્રવહેવાર ચાલતો રહેલો . ગુરુદેવની વિદાય બાદ સમુદાયની બાગડૌર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના હાથમાં આવી હતી . એમની સાથે પણ પત્રવહેવાર ચાલતો રહેતો હતો .
શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરમાં , જે જે વડીલો ચાતુર્માસ અર્થે પધારે એમની પાસે વાચના લે , અભ્યાસ કરે . પૂછવામાં આવે ત્યારે સલાહ સૂચન પણ આપે . નાના મહાત્માઓને કહેતા રહે કે ખૂબ ભણો , ભણતા રહો , નહીં ભણો તો દુનિયા ભાવ નહીં પૂછે .
વ્યાખ્યાન ન આપવાનો નિયમ એક ચાતુર્માસમાં તૂટ્યો હતો . બેય પુત્રમુનિઓની સાથે શ્રી જૈન મર્ચન્ટ્સ સોસાયટીમાં ચોમાસું થયેલું . વિ.સં. ૨૦૪૮ની સાલમાં . એમને જ વ્યાખ્યાન આપવાનું છે એવો સૌનો આગ્રહ . રોજ અર્ધો પોણો કલાક બોલતા . ( બાકીનો સમય પુત્રમુનિઓ ) એમનું વ્યાખ્યાન કડક . તીખી ભાષા . ધોલાઈ ઘણી થાય શ્રોતાઓની . મિથ્યાત્વ , સમકિતની પૂર્વભૂમિકા અને સમકિતનાં લક્ષણો જેવા વિષયો પર પ્રકાશ પાથરતા . સાયન્સના રેફરન્સ ઘણા આવે . સવાલો પૂછે અને જવાબ માંગે . જે જવાબ આપે એની પટ્ટી ઉતરી જાય . સમજો કોઈ સવાલ પૂછી લે તો એને ધુંવાદાર ઉત્તરોથી પૂરો પાઠ પઢાવી દે . સવાલજવાબ ચાલતા હોય ત્યારે એક તકિયાકલામ વાક્ય વારંવાર બોલે : તમારી પાસે ગોટી છે તો મારી પાસે લખોટો છે . વ્યાખ્યાનમાં સારી એવી સંખ્યામાં શ્રાવકશ્રાવિકાઓ આવતા . વરસોસુધી સારા સારા પ્રવચનકારોને સાંભળી ચૂકેલા શ્રોતાઓએ કહ્યું હતું કે આપણો ધર્મ સારો છે એ ખબર હતી પરંતુ આટલોબધો સારો છે એ આમનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ ખબર પડી . અધ્યવસાયો પર આટલું ઊંડાણથી સમજાવી શકે એવા વક્તા અમે ઘણાવરસે જોયા , આવું પણ ઘણાઓએ કહ્યું .
જૈન મર્ચન્ટ્સ સોસાયટીમાં બે તિથિ પક્ષનું એ સર્વપ્રથમ ચોમાસું હતું . પ્રવેશ વખતે એવું લાગતું હતું કે ચોમાસું કેવું થશે શું ખબર ? પરંતુ એમનાં વ્યાખ્યાનના પ્રભાવે ચોમાસું અત્યંત યશસ્વી બની ગયું . સંઘમાં એક પ્રશ્ન વરસોથી ઊભો હતો જેનું સમાધાન જડતું ન હતું . એ પ્રશ્ન નો ઉકેલ પર્યુષણ દરમ્યાન આવ્યો , મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. ના કુશલ માર્ગદર્શનનો એ પ્રભાવ હતો .
પરંતુ આ રીતે સંઘને સંભાળવામાં અને વ્યાખ્યાનો આપવામાં ઘણો જ સમય જતો હોય છે એ એમને નવેસરથી સમજાયું . એ ચોમાસા પછી ક્યારેય વ્યાખ્યાનની જવાબદારી સ્વીકારી નહીં . આ પૂર્વે , સેજપુર બોઘામાં અને સોલાપુર રોડમાં પર્યુષણનાં વ્યાખ્યાનો આપેલા અને શ્રોતાજનો અભિભૂત થયેલા . પરંતુ એક તબક્કે નિર્ણય લઈ લીધો કે વ્યાખ્યાનથી દૂર જ રહેવું છે .
‘ હું વ્યાખ્યાન નથી આપતો એ મારો અંગત નિર્ણય છે . પરંતુ મનેં વ્યાખ્યાન આપતાં નથી આવડતું આવું તમે કહી ના શકો . હું ધારું તો રોજ વ્યાખ્યાન આપી શકું અને રોજ લોકો પણ ભેગા થાય . મારે એ લાઈન પર જવું નથી . ‘ તેઓ કહેતા . વ્યાખ્યાનથી દૂર રહ્યા . વ્યાખ્યાનનાં કારણે જે ભક્તવર્ગ બને એનાથી દૂર રહ્યા . વ્યાખ્યાનનાં કારણે જે નામના મળે તે નામનાથી દૂર રહ્યા . ( ક્રમશ : )
વિ.સં. ૨૦૪૭માં તારણહાર ગુરુદેવ સાબરમતી ચાતુર્માસ અર્થે પધાર્યા પરંતુ પ્રવેશ પછીના થોડા જ દિવસોમાં એમનું આરોગ્ય બગડ્યું હતું તેથી પાલડી , પરિમલ ક્રોસિંગ પાસે આવેલ દર્શન બંગલામાં વિશેષ ઉપચાર અર્થે પધાર્યા . જોતજોતામાં તારણહાર ગુરુદેવની અંતિમ અવસ્થા આવી ગઈ. મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. જ્ઞાનમંદિરથી વિહાર કરીને દર્શન બંગલે આવ્યા હતા , ગુરુદેવને સંથારામાં પોઢેલા નિહાળ્યા . સૌપ્રથમ સાહેબજીને પૂનામાં જોયા હતા . સેંકડો લોકોને સંભળાતો એમનો ઘેરો , રણકદાર અવાજ હૈયે વસી ગયો હતો . એ અવાજ સાથે સાંપડેલા ઉપદેશે જીવનને બધી જ રીતે બદલી નાંખ્યું હતું . દીક્ષા થઈ એ આ અવાજ અને ઉપદેશના પ્રભાવે . હવે એ અવાજ ફરી વાતાવરણમાં ગુંજશે કે કેમ ? એ ઉપદેશ ફરી સાંભળવા મળશે કે કેમ ? સૌની ઉદાસ આંખમાં પ્રશ્ન ઉભરી રહ્યા હતા . જવાબ મળી રહ્યા નહોતા . આમ તો સૌનાં હૈયે એવી ધારણા હતી કે હજી ઘણાં વરસો સુધી તારણહાર ગુરુદેવ રહેશે , સો વરસથી વધારે જીવશે . પણ , આ વખતની માંદગીએ જાણે બધાં જ અરમાનોને જમીનદોસ્ત કરવાનું નક્કી કરી લીધું હતું . તારણહાર ગુરુદેવનાં મુલાયમ ચરણનો સ્પર્શ માથે ચડાવીને મુનિવર પાછા જ્ઞાનમંદિરમાં આવી ગયા . અને અષાઢ વદ ચૌદસે આસમાનમાં ધરતીકંપ આવ્યો હતો . તારણહાર ગુરુદેવે વિદાય લીધી હતી . જ્ઞાનમંદિરનાં ત્રીજા માળે આ સમાચાર પહોંચ્યા . એવો આઘાત લાગ્યો જેની કળ ક્યારેય વળી ના શકે . આ તારણહાર ગુરુદેવે , આંખ આપી હતી , અજવાળું આપ્યું હતું , દર્શનીય અને અદર્શનીયની સમજ આપી હતી . આ તારણહાર ગુરુદેવે તાકાત આપી હતી : ટકી રહેવાની તાકાત , તરવાની તાકાત , તપસ્યાની તાકાત . આ તારણહાર ગુરુદેવે ભરપૂર વ્યાખ્યાનો આપ્યાં અને વાચનાઓ આપી પણ એનાથી મન ભરાતું નહીં . વ્યક્તિગત જિજ્ઞાસાઓ સાથે વારંવાર તારણહાર ગુરુદેવની થોડીક મિનિટ્સ ચોરી લેતા . ક્યારેક બે મિનિટ્સ , ક્યારેક પાંચ મિનિટ્સ , ક્યારેક છ સાત મિનિટ્સ ચાલતો એ સંવાદ . ફક્ત અને ફક્ત ગુરુ અને શિષ્ય વચ્ચેનો એ વાર્તાલાપ નાનકડો હોવા છતાં આ શિષ્ય માટે લાખોના હીરા જેવો અણમોલ બની રહેતો . ક્યારેક બોલીને પૂછી શકાય એવી પરિસ્થતિ ન હોય તો નાની ચબરખીમાં સવાલ લખી લાવે , ગુરુ એ ચબરખી વાંચીને હા , ના અથવા ઈશારાથી જવાબ આપી દેતા . આ રીતે બોલીને અને લખીને પૂછેલા પ્રત્યેક પ્રશ્નની એક અલગ નોટબુક બનાવી હતી . શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરમાં લાંબી સ્થિરતા રહી તે દરમ્યાન તારણહાર ગુરુદેવે ક્યારેક પાંછિયાની પોળે , ક્યારેક જ્ઞાનમંદિરમાં સ્થિરતા કરવા પધાર્યા હતા . એ વખતે વ્યાખ્યાનો , વાચનાઓ અને વ્યક્તિગત પ્રશ્નોતરીઓનો ઘણો લાભ મેળવ્યો હતો . એ સિલસિલો હવે આગળ ચાલવાનો નહીં , એનો અહેસાસ આપ્યો હતો અષાઢ વદ ચૌદસે . એ દિવસે એકલવાયાપણું તોતિંગ ભાર બનીને માથા પર તોળાયું હતું . ગુરુવચનને હજારો પાનાઓ ભરીને લખ્યું હતું , લેખિનીઓના ઢગલા ખાલી થઈ ગયા હતા , આંગળીઓની એટલી ચામડી ઘસાઈને જડ થઈ ગઈ હતી જેને લેખિની = પેન અડકતી રહેતી લખતી વખતે . ઝૂકીને લખવાનું થાય અને ઘણું લખ્યું માટે ઘણું ઝૂક્યા એમાં સર્વાઈકલ સ્પોન્ડીલિસિસનો કાયમી દુખાવો આવી ગયો હતો . ગુરુની વાતો પાનાઓ પર ઉતારતી વખતે એક અનોખો ચિદાનંદ સાપડતો એની સામે આ બધું કષ્ટ વસૂલ હતું . ગુરુને પાગલની જેમ પ્રેમ કર્યો હતો , પરંતુ પોતાની ગુરુભક્તિનું પ્રદર્શન ક્યારેય કર્યું નહોતું . ગુરુનો વધારે સમય લીધો નહોતો , એવો સમય માંગ્યો પણ નહોતો . ગુરુવંદનનો સમય હોય ત્યારે જે અલપઝલપ વાત થઈ જાય એ જ અમૃતમ્ અમૃતમ્ બની જતું . ગુરુને છુટ્ટે હાથે લૂંટ્યા હતા તે વ્યાખ્યાનના સમયે . ગુરુ પણ લૂંટાવી દેવામાં કાંઈ બાકી રાખતા નહીં . પછી એ લૂંટનો માલ નોટબુક્સમાં જમા થતો જતો . અષાઢ વદ ચૌદસે એ લાખેણી લૂંટને કાયમ માટે રોકી દીધી હતી . એ રાત બહુ જ વસમી હતી . પણ બીજે દિવસે સવારે ખબર આવ્યા કે તારણહાર ગુરુદેવની અંતિમયાત્રાની પાલખી જ્ઞાનમંદિર પાસેથી પસાર થશે . ઝંખવાયેલા ચહેરા પર રોનક આવી ગઈ હતી . પાલડી દર્શન બંગલેથી પાલખી નીકળી એ સમાચાર આવ્યા ત્યારથી હૈયું ધડધડ થવા માંડ્યું . આ અંતિમ દર્શન . શું પૂછીશ મારા તારણહારને ? શું કહીશ મારા તારણહારને ? શું બોલીશ મારા તારણહાર સાથે ? અને મારા તારણહાર મને શું કહેશે ? વિરહાતુર મુગ્ધતા હતી એ . બપોરે આશરે અઢી વાગે કાળુપુર રોડને પોલીસે બ્લોક કર્યો હતો . તારણહાર ગુરુદેવની અંતિમ સવારી આવી રહી હતી . છેક દોશીવાડાની પોળથી બેન્ડનો અવાજ આવવા લાગ્યો હતો . માણસોની ભીડ જુઓ તો દરિયો દોડતો હોય એવું લાગે . જય જય નંદાનાં ઘોષ કાળજાને ચીરી દેતા હતા . કેટલાય બેન્ડ પસાર થયા અને કેટલાય હજારો લોકો આગળ નીકળી ગયા બાદ તારણહારની પાલખી આવી હતી . ખૂબ ઊંચી અને લાંબી હતી પાલખી . એની આસપાસ ઘનઘોર વાદળ જેવી ભીડ હતી . પણ તારણહારની બેઠક ભીડથી ઉપર હતી . ગુલાલની છોળો ઉછળી રહી હતી . જયજય નંદા અને જયજય ભદ્દાના પડછંદા આસમાનને ચીરી રહ્યા હતા . આછેરા ગુલાબી ધુમ્મસ વચ્ચે તારણહારને છેલ્લી વાર નિહાળ્યા હતા . અઢળક ઉર્જા દેનારી આંખો બંધ હતી . અલૌકિક વાણીને પ્રકાશિત કરનારા હોઠ બંધ હતા . લાખો જનોમા પ્રાણવાયુ પૂરનાર તારણહાર સાહેબનું નકશીદાર નાક શ્વાસ લઈ રહ્યું નહોતું . સહેજ પાછળની તરફ ઝૂકેલું મસ્તક , જાણે મોક્ષની અભીપ્સા ઉજાગર કરી રહ્યું હતું . જે હાથે – ઓઘો આપ્યો , વાસક્ષેપ આપ્યો , માથે આશીર્વાદ આપ્યો અને પત્રોમાં હસ્તાક્ષર આપ્યા તે હાથ અંજલિના સંપુટમાં બંધાયેલા હતા . જે ચહેરા પરનું સાત્ત્વિક હાસ્ય જોવાની અવિરત લગની બનેલી રહેતી તે ચહેરો ભાવરહિતપણે મૌન હતો . ઘુઘવતી જનમેદનીના ધક્કાઓ વચ્ચે એકટસ આંખોથી તારણહારને જોતા રહ્યા . સૌપ્રથમ વાર પૂનામાં દર્શન થયા ત્યારથી માંડીને બે દિવસ પૂર્વે દર્શન બંગલે દર્શન કર્યા ત્યારસુધીના તમામ પ્રસંગો અને દૃશ્યો નજર સામે આવતા રહ્યા . આંખો વરસતી રહી . ગુલાલની ઝીણી રજ એ ભીનાશને અડતી રહી .
આખું ગુજરાત જાણે છે કે શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિર એટલે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની કર્મભૂમિ . અહીં પાલખીને સ્પેશ્યલ ટ્રિબ્યુટ અપાઈ હતી. અને પછી પોલીસની સિટીઓ વાગી હતી . એક જગ્યા પર કેન્દ્રિત થયેલો ધસારો , પચાસ હજાર લોકોનો ધસારો આગળ નીકળ્યો હતો . દેવકુલિકા જેવી ભવ્ય પાલખી પણ , સમંદર પર જહાજ સરકે તે રીતે આગળ વધી હતી . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ.ને કરવા મળેલા એ અંતિમ ગુરુદર્શન હતા . ( ક્રમશઃ)
