સ્પાઈડરમેનની ટેગલાઈનનો સારાંશ એ છે કે તમારી શક્તિ વધે તેમ તમારી જવાબદારી વધે છે . With great power comes great responsibility . તમે જે ફિલ્ડમાં કામ કરવા સક્ષમ છો એ ફિલ્ડની ઉપેક્ષા તમારે કરવાની જ ન હોય. મોટાં કામ માટે નાનાં કામની ઉપેક્ષા કરવી જોઈએ કે નાનાં કામ માટે મોટાં કામની ઉપેક્ષા કરવી એની દુવિધામાં ફસાઈ જવાય છે ક્યારેક . નાનાં કામની અને મોટાં કામની વ્યાખ્યા શું છે એ સમજવાનું પણ મુશ્કેલ બની જાય છે કોઈકોઈવાર . સ્પષ્ટ દેખાય છે તે એટલું જ કે તમારે જે કામ કરવું છે તેની માટે નક્કી કરેલો સમય કોઈ બીજાં જ કામ માટે વપરાઈ જાય એની પીડા ઘણી મોટી હોય છે . તમે તમારી શક્તિને જાણો છો . તમે એ શક્તિને શિસ્તબદ્ધ રીતે ઉપયોગમાં લઈ રહ્યા છો . ફટાફટ એક પછી એક કામ થઈ રહ્યા હોય છે . એમાં અચાનક એવું વાતાવરણ આસપાસ આવી પડે કે તમારું નિયમિત ચાલી રહેલું કામ અટકી જાય . તમને અખરવા લાગે કે નક્કી કરેલાં કામ થઈ રહ્યાં નથી અને બીજાં કામો કરવા પડી રહ્યા છે . આવું બનવું ન જોઈએ . પણ બને છે . આપણાં વ્યક્તિગત લક્ષ્ય અને લોકો માટેનાં કર્તવ્ય આ બે આમનેસામને આવીને ઊભા રહે છે . આપણે કર્તવ્યને સમય વધારે આપી દઈએ છીએ અને વ્યક્તિગત લક્ષ્યને બાજુ પર ઠેલી દેવા મજબૂર બની જઈએ છીએ . આપણે એકલા બેસીને કશુંક નક્કર કામ કરવા માંગતા હોઈએ એવા સમયે લોકો આપણા સમયને ખાઈ જાય તે ગમતું નથી . વ્યક્તિગત લક્ષ્યથી દૂર બેઠા રહેવું અઘરું પડે છે . હોતા હૈ , ઝિંદગી મેં ઐસા હોતા હૈ .
तनाव मुक्ति के उपाय – १
श्री संभवनाथ जैन श्वेतांबर संघ , वर्धमान नगर – नागपुर में चातुर्मास बिराजमान पूज्य मुनिराज श्री प्रशमरतिविजयजी म. ने आज सीमित श्रोताजनों के समक्ष कहा कि
जो परीक्षा का सामना नहीं करता है वह हंमेशा कमज़ोर रह जाता है . समस्याएं हमें मज़बूत बनाने के लिए आती हैं . पिछ्ले चार महीनों से हमने जो संकट देखे हैं उसके चलते यह बहोत जरूरी हो गया है कि हम नए रूप में उभर कर आएं . हमें अपने तनाव को समझ लेना चाहिए . दो बातें स्पष्ट होनी चाहिए . एक , मुझे तनाव रहता है . दो , मेरा तनाव मिट सकता है . अहंकार वश आदमी कबूल नहीं करेगा कि मुझे तनाव है . आज के समय में अगर कोइ कहे कि मुझे तनाव नहीं है तो समझ लो वह झूठ बोल रहा है . तनाव से मुक्त वही होगा जो सच्चाई का स्वीकार करेगा . जो तनाव को छिपायेगा वह तनाव से टूट जाएगा . हम अकेले अकेले अपने तनाव को मिटा नहीं सकते हैं . उर्जावान् लोगों से बातें करने से तनाव में कमी आ सकती है . हम जिससे बात करते हैं वो स्वयं तनाव से ग्रस्त हो ऐसी परिस्थिति में तनाव मुक्त होना कठिन हो जाता है .
आज के जीवन में जो अच्छा है , श्रेष्ठ है उसे देखकर खुश होते रहिये . पिछले तीन महीनों में हमें कुछ तकलीफ हुई नहीं है . हम डरते रहे कि मुझे कुछ हो जाएगा . और सच्चाई यही है कि हमे आजतक कुछ हुआ नहीं है . हम आज जिंदा हैं यही सबसे बड़ा चमत्कार है . हमारा जिंदा होना ही हमारी सबसे बड़ी उपलब्धि है .
किसी के साथ कुछ भी हो सकता था , हुआ भी . परंतु हम निर्विघ्न जिंदगी जी रहे हैं . इस बात को लेकर खुशी महसूस कीजिये . आप मनुष्य गति में है , यह खुशी की बात है . आप धर्मक्रिया में सक्रिय है , यह खुशी की बात है . आप देव गुरु की सेवा कर पाते है , यह खुशी की बात है . अपने जीवन में जो भी खुश होने लायक परिस्थितिया है उन्हें बार बार याद कीजिए और उसकी प्रसन्नता महसूस कीजिये . तनाव कम करने में इससे बड़ी सहाय मिलेगी . तनाव आत्मविश्वास को तोड़ता है . प्रसन्नता आत्मविश्वास को बढ़ाती है . ( आषाढ सुदी चौदस )
ગુરુની ઈચ્છાને યાદ રાખો . ગુરુ જે કહે છે તેમાં તેમની દૃષ્ટિ હોય છે , એમનો દૃષ્ટિકોણ હોય છે . જે ગુરુની દૃષ્ટિને સમજવાની કોશિશ કરે છે તેનાં જીવનમાં ચમત્કાર સરજાય છે .
તમને ખબર પડે કે આજનો આ દિવસ મારાં જીવનનો છેલ્લો દિવસ છે , તમે શું કરો ? તમને ખબર પડે કે અત્યારની ઘડીએ જે કલાક ચાલે છે તે મારાં જીવનનો છેલ્લો કલાક છે , તમે શું કરો ? તમે હેબતાઈને રોવા માંડો , તમે સૂનમૂન થઈ જાઓ , તમને સૂઝબૂઝ ન રહે એવું બને . શ્રી રાજવિજયજી મ.ને એમ સમજાયું કે મારી પાસે સમય બચ્યો નથી . એમને પોતે કરેલી આરાધનાઓ અને સાધનાઓ યાદ આવતી રહી . જે જે બાકી હતું એ બધું યાદ આવતું રહ્યું . એમાં આંબેલ યાદ આવ્યા , આંબેલ થયા નહીં અને કર્યા નહીં એય આવ્યું .
સહસા વિચાર આવ્યો કે જો હું સાજોનરવો બચી જાઉં તો આંબેલની આરાધના વધારવાની કોશિશ કરીશ , મારાથી આંબેલ થતાં નથી એ સમસ્યાને મારે મિટાવી દેવા જેવી હતી . અત્યાર સુધી એવી જ વાર્તા હતી કે ના , હું આંબેલ કરી શકીશ નહીં . એ વાર્તાને બદલવાનું મન , જીવનની છેલ્લી ક્ષણે થયું હતું . એક તરફ પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં આંબેલ પર પૂરતું ધ્યાન કેમ ન આપ્યું . બીજી તરફ ભાવના જાગી રહી હતી કે જો બચી જાઉં તો આંબેલ તરફ વિશેષ ધ્યાન આપવું છે .
એ ભયાનક પીડાનો સમય લંબાતો ગયો અને આંબેલનો વિચાર તીવ્ર બનતો ગયો . અચાનક જ ડૉ.એ ઑપરેશનનો પ્રસ્તાવ મૂક્યો : કદાચ , એનાથી દરદી બચી જાય . દાદાગુરુ અને ગુરુએ ઑપરેશન માટે હા ભણી . તુરંત ઑપરેશન થયું અને આનંદની વાત એ બની કે અશાતાએ ટૂંક સમયમાં જ વિદાય લીધી .
હવે પછીનો સમય આંબેલના એક સંકલ્પને સાકાર કરવા માટે આપવાનો હતો . શું આયુષ્ય સાચેસાચ પૂરું થઈ જવાનું હતું ? શું આમ અચાનક જીવનનો અંત આવી જવાનો હતો ? જો એમ થાત તો હું અત્યારે ક્યાં હોત ? કંઈ ગતિમાં હોત ? કેવી અવસ્થામાં હોત ? કોણ આવત ત્યાં મને બચાવવા ? તીવ્ર મનોમંથન ચાલ્યું . પાક્કો ફેંસલો કર્યો કે આંબેલની દિશામાં આગળ વધવું છે .
વિ.સં.૧૯૯૨ની સાલ હતી . વીસ વરસની વય હતી . વર્ધમાન તપની ઓળીનો પાયો નાંખ્યો . એક આંબેલમાં જ જે કમજોર પડી જતા તેમણે એક આંબેલ – એક ઉપવાસ , બે આંબેલ – એક ઉપવાસ , ત્રણ આંબેલ – એક ઉપવાસ , ચાર આંબેલ – એક ઉપવાસ , પાંચ આંબેલ – એક ઉપવાસ , આ રીતે પાંચ ઓળી કરી . આંબેલમાં ઉબ અને ઊલટીઓ થતી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી . પાયા પછીનો પ્રવાસ આગળ વધ્યો . આંબેલનો ડર તૂટતો ગયો . ઓળીઓ આગળ વધવા લાગી . ચાલીસમી ઓળી સુધી પહોંચ્યા . આશ્ચર્યકારી ચમત્કાર સરજાયો હતો . જેનાથી એક આંબેલ થતું નહોતું એ આટલે દૂર સુધી આવી પહોંચ્યા .
આ તબક્કે દત્તુભાઈ નિપાણીવાળાની સાથે મુલાકાત થઈ . દત્તુભાઈને મળ્યા બાદ જીવનમાં નવો વળાંક આવ્યો . કોણ હતા આ દત્તુભાઈ ?
ગુરુ કહે તેમ કરવાનું બળ દરેક વખતે હોતું નથી આપણામાં . કોઈ કચાશ કે કમજોરી રહી જ જતી હોય છે . ગુરુને એ કચાશ કે કમજોરી યાદ હોય છે . ગુરુ. મોકો શોધતા હોય છે . એક જ મોકો કાફી હોય છે જેમાં આપણી કચાશ કે કમજોરી પર ગુરુ જનોઈવઢ ઘા ઝીકી દે છે .
પૂ.ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજી મહારાજાના સાતમા શિષ્ય બન્યા શ્રી રાજવિજયજી મ .
દાદા ગુરુદેવ . એમના શિષ્યો એટલે કે સ્વગુરુદેવના ગુરુભાઈઓ . પોતાના છ વડીલ ગુરુ ભાઈઓ . અન્ય અનેક વડીલો . સૌનો વિનય , સત્કાર , આદર . વિહારમાં , સ્થિરતામાં એકસરખો જાગૃતિભાવ રાખતા . આંબેલ ન ફાવે એનો અર્થ એવો નહોતો કે વિગઈઓનો શોખ હતો . એક કે એકાધિક વિગઈઓનો ત્યાગ રહેતો . એકાસણાથી ઓછું પચખાણ ગમતું નહીં . સમુદાયની સાથેસાથે રહેવાનું અને પોતાનું એકાંત બનાવેલું રાખવાનું . ઓછું બોલવાનું અને વધુ સાંભળવાનું . સમિતિપાલનમાં સુદૃઢ . ગ્રંથ , પુસ્તક અને પોથીમાં ખોવાયેલા રહેતા . ગૃહસ્થોની સાથે ભળવાનું ગમતું નહીં . ગુરુની જેમ જ કટ્ટર ચારિત્રપાલન કરવાનો પ્રયત્ન રહેતો . મેલા કપડાં . નજર નીચે ઢાળીને જ ચાલવાનું . રજોહરણની પ્રમાર્જના . મુહપત્તીનો ઉપયોગ . મન જ્ઞાનયોગનિમગ્ન . વચન સ્વાધ્યાય અને સૂત્ર સાથે સંલગ્ન . કાયા અહિંસા અને આરાધનામાં એકરત . શ્વાસે શ્વાસે ભગવદાજ્ઞા . રોમે રોમે સત્યતા . અણુઅણુમાં આત્મચિંતન . દિવસે દિવસે તેજોલેશ્યા વધતી હોય એવું ઓજસ . ગુરુસાંનિધ્યમાં મહાવિદેહની અનુભૂતિ સંવેદે .
સૌ મહાત્માઓને સાથે લઈને શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા મુંબઈ પધાર્યા . ચોમાસું શરૂ થયું . એક દિવસે શ્રી રાજવિજયજી મ.ને દાંતનો દુખાવો ઉપડ્યો . એની પીડા વધી ગઈ , વધતી ગઈ . ડૉ. યુ. ટી. શાહે ઉપચાર કર્યા પણ પીડા ઘટતી જ નહોતી . દાંતની નીચેના પેઢામાં સણકારા ઊઠવા લાગ્યા . ઉપચાર કામ ન લાગ્યા , દવાઓ નિષ્ફળ પુરવાર થઈ . એવી પીડા થવા માંડી કે જાણે જીવ નીકળી જશે ? દાંતનો સામાન્ય દુખાવો લાગતો હતો તે જીવલેણ વ્યાધિ બની ગયો હતો . દાદા ગુરુદેવ અને ગુરુદેવને દેખાઈ રહ્યું હતું કે આયુષ્ય જોખમમાં છે .
અચાનક આ શું થઈ ગયું હતું . કેવળ ૨૧ વરસની વય હતી રાજ મુનિરાજની . તેમને દાંતની તકલીફ થાય એવી આ ઉંમર નહોતી . વળી , દાંતનો દુખાવો પ્રાણાંતકારી બની શકે એવી કલ્પના પણ ન કરી શકાય .
શ્રી પ્રેમવિજયજી મહારાજાએ શ્રી રાજવિજયજી મ.ને માનસિક ધીરજ બંધાવીને અંતિમ સમય માટે તૈયાર થઈ જવા કહ્યું . ત્રણ જ વરસનો દીક્ષા પર્યાય હતો . વરસો . .વરસો સુધી શુદ્ધ ચારિત્રપાલન કરવાનો મનોરથ હતો પરંતુ આદર્યા અધૂરા રહ્યાની અવસ્થા આવી લાગી હતી . શું જીવન આટલું ક્ષણભંગુર હોઈ શકે ? શું આયુષ્ય આવું નાજુક હોઈ શકે ? શું યુવાવયે અલવિદા લેવાની હોય ? પ્રશ્નો જ પ્રશ્નો હતા . રાજમુનિરાજના શ્વાસ ડગમગી રહ્યા હતા . ગુરુદેવ શ્રી પ્રેમવિજયજી મહારાજાએ કાનમાં કહ્યું હતું કે ‘ કોઈ શુભ સંકલ્પ લો . જો બચી ગયા તો જે કરવાનું જ છે એવું કોઈ સુકાર્ય મનમાં લાવો . એ સંકલ્પ તમને બચાવી શકે છે ….
શ્રી રાજવિજયજી મ. એ પારાવાર પીડા વચ્ચે મનને સંભાળ્યું હતું . એક સપનું સજાવ્યું હતું . ખબર નહોતી કે એ સપનું પૂરું કરવાનો સમય મળશે કે નહીં , પણ ખૂબ ગંભીરતાપૂર્વક સપનું જોયું હતું . મીંચાવાની કગાર પર પહોંચેલી આંખોમાં એ સપનું ચમક વેરવા લાગ્યું હતું . શું હતું એ સપનું ? શું એ સપનું પૂરું થઈ શકવાનું હતું ? સવાલ ઊભા હતા . સમય ધીમા પગલે આગળ વધી રહ્યો હતો . ( ક્રમશ: )
ઘરની બહાર મોટું ઝાડ છે . રોજ સાંજે પંખીઓ ટોળે વળે છે . તેમને મારાં ઘરની બારીમાં ડોકિયું કરવાનું ગમતું નથી . બલ્કે , બારી પાસે હું ઉભો રહું તો એ દૂર ઊડી જાય છે . પંખીને મારામાં રસ નથી . પંખીને મારો ડર છે . પંખીને હું કામ નથી લાગતો . પંખીને મારા વિના ચાલે છે . પંખી જન્મ્યું ત્યારથી માંડીને આજ સુધીમાં એ પંખીની જિંદગીમાં મારો કોઈ ફાળો નથી . એની રીતે એ જીવે છે .
મારી આસપાસ રહેતા માણસો માટે મારે આ પંખી જેવા બનવું જોઈએ . એ બધા રોજ દેખાય છે . એમને રોજ જોવા જ પડે છે . મારી માટે એ કામ – ના નથી અને મારી માટે એ નકામા નથી . એમની જગ્યા પર એ છે . મારી જગ્યા પર હું છું . પંખીને પોતાનો માળો અને પોતાનું આકાશ ગમે છે . આ સિવાય તેને બીજે કશે જવું નથી ગમતું . એ પોતાનો માળો શોધી લે છે . મારે મારું ઘર અને મારા કામકાજ સિવાય બીજી કોઈ બાબતોમાં માથાં મારવાનાં નથી . મારું પેટ ભરાય તેટલી મહેનત કરવા સિવાયની ભાંજગડમાં મારે નથી પડવું . બીજા લોકો ભૂલ કરે છે તેની ટીકા કરવાની જવાબદારી મારી નથી . બીજા લોકોને મારાથી વિશેષ મોટાઈ મળે તેનાથી મારે જલવાનું હોય જ નહીં . મારો માળો તે જ મારું સુખ . એને જે મળ્યું તેનાથી મારે શું લાગેવળગે ? મને એ નડતો હોય જ તો હું એનાથી અળગો રહું . ડરું નહીં પણ સાવધ રહું . મને એ મૂરખ સમજતો હોય તો ભલે સમજતો . એની હોંશિયારી રહેશે એની પાસે . એની માન્યતાને લીધે મારું જીવન કે મારો સ્વભાવ ઘડાય નહીં . મારી માટે બીજા લોકો પારકા છે . મારે એમની સાથે કોઈ લેવાદેવા નથી . મારા ઉપકારી ન હોય તેવા લોકો સાથે મારે ઝાઝો વહેવાર રાખવાનો નથી . જેમને મળ્યા વગર ચાલે છે તેમને ભાવ આપીને મારે મારો સમય બગાડવાનો હોય નહીં .
જોકે , હું સ્વાર્થી નથી . મારા જ કૂવામાં ડૂબકી મારનારો દેડકો નથી , હું . મારી નજર સૌની સામે છે . મને જોનારા ઘણા છે તો મને દેખાનારા પણ ઘણા છે . મારી માનસિકતા એકદમ સ્પષ્ટ છે . કામ વિનાના મોટા લોકો વિશે પણ મારે વિચારવાનું નથી . બજારમાં થઈ રહેલી જબ્બર ઊથલપાથલની ચર્ચા કરીને હાથમાં કશું આવવાનું નથી . વાસ્તે મારે એની ચર્ચામાં નથી જ પડવું . મને જે મળ્યું છે તેનો મને સંતોષ છે . મને મળ્યું છે તે મારી જ મહેનતનું પરિણામ છે . બીજાનું છીનવીને મેં મારું ઘર જમાવ્યું નથી . બીજાને ધક્કો મારીને મેં મારી જગ્યા બનાવી નથી . મેં મેળવ્યું તે મારી ડાળ પર પહોંચ્યું છે . મેં મેળવેલી જગ્યા સાથે મારી કાર્યક્ષમતા જોડાયેલી છે . મારી ભૂખ મર્યાદિત છે .
મારી ઉડાન ગગનવિહારી છે . મારી પાંખોમાં વાદળો અને હવાઓ સમાય છે . મારે તો મારાં જ ભાગ્યમાં રમવાનું છે . મારી માટે મારા સિવાય બીજું કોઈ ધ્યાનપાત્ર નથી . મારે વિચારવાનું હોય કેવળ મારી માટે . મારે તો ફક્ત મારી જ બાબતની ચિંતા રાખવાની હોય . મારી સાથે બીજા કોઈનો વહેવાર કેવી રીતનો છે તે મારે જોવાનું નથી . મારે તો મારો વહેવાર જ સંભાળવાનો છે . મને પંખીનો સ્વભાવ ખૂબ ગમ્યો . પંખી માણસ સાથે વાત કરતું નથી . પંખી માણસની સાથે ભળતું નથી . પંખી માણસથી દૂર રહે છે . પંખી પોતાની દુનિયામાં મસ્ત રહે છે . પંખીની દુનિયા નાની અને નિર્દોષ છે . મારી દુનિયા અટપટી છે . મારી દુનિયામાં સરળતા હોય . મારી દુનિયામાં અપેક્ષાઓનો મોટો બોજો ન હોય . આખા ગામની ચોવટ મારે કરવાની ના હોય . મારી પાસે ઓછા લોકો આવે તો મને ચાલતું હોય . મારી સાથે રહેનારા પર મને સંપૂર્ણ અને સાચુકલો વિશ્વાસ હોય . મારા નાનકડા પરિવારની બહાર મારી નજર ન હોય . સ્પર્ધા ન હોય . મારી સાથે મારો આત્મસંતોષ હોય . મારી પાસે મારો આત્મવિશ્વાસ હોય . મને બીજાથી દૂર રહેવાનું ગમતું હોય . મને પોતાનો ટહુકો વેરતા આવડતું હોય . મારું જગત કલબલાટથી ભર્યું ભર્યું હોય . માણસો વિના જીવીને પંખી સુખી રહે છે તેમ પારકી પંચાત વિના હું નિરાંતે જીવી શકું તો ભયો ભયો .
સારા અક્ષરો . મોતીના દાણા સફેદ હોય છે છતાં કાળી શાહીથી લખાયેલા અક્ષરોને આ મોતીના દાણા સાથે સરખાવવામાં આવે છે . મામૂલી પેન છે . સાદો કાગળ છે . સસ્તી શાહી છે . તો અક્ષરોમાં મોતીના દાણા આવી જાય છે તેનું કારણ શું ? મજાનો સવાલ છે . જવાબ જાતે શોધી લેવાનો .
હું લખું છું ત્યારે મારા તરફથી રજૂ થનારી વાતને નકામી નથી જ માનતો . મારી રજૂઆતને હું મહત્ત્વની માનું છું . મારી વાતનો સંદેશો બરોબર પહોંચે તે માટે હું કાળજી રાખું છું . મેં જણાવ્યું હોય તે યોગ્ય રીતે સમજાય અને મને તેનો સમયસર જવાબ મળે તેની સમજદારી સાથે હું લખું છું . મારા સારા અક્ષરોનું મૂળ આ માનસિકતા છે . મને નથી ગમતું અને મારે આ પરાણે લખવું પડે છે તેવું મને ક્યારેય લાગ્યું નથી . મને રસ પડે છે માટે જ હું લખું છું . મારા લખવાથી મારું જીવન મજબૂત બને છે . હું લખું તે મારા ભવિષ્યના મહેલ માટે મુકાતી નાની ઈંટ જેવું લખું . મને લખવા મળે છે કેમ કે મને લખતાં આવડે છે . મારા ગૌરવની નિશાની છે કે હું લખું છું .
સારા અક્ષરો સામા માણસને ગમે છે . સારા અક્ષરો સામા માણસને મારી તરફેણમાં લઈ આવે છે . સારા અક્ષરોની સાથે મારો સ્વભાવ પણ સારો પૂરવાર થાય છે . સામા માણસને અને ભવિષ્યની તમામ સંભાવનાને સમજ્યા બાદ હું લખું છું . મારુ લખવું તે પરિણામસાપેક્ષ કર્મ છે . હું સમયની કિંમત સમજીને લખું છું . હું કશીય હીનતાની ગ્રંથિ વિના લખું છું . મારા સારા અક્ષરો સાથે મારી વિચારધારા સંકળાયેલી છે . લખતી વખતે હું કેવળ સારું લખાય તેનો જ વિચાર કરું છું .
વર્તમાન સમયે હાથમાં આવેલું કામ સારી રીતે કરવું જોઈએ . આ કામ પછી બીજું કામ હાથમાં આવશે ત્યારે તે કામ સારી રીતે કરીશું , અત્યારે તો એ કામ દૂર છે . એ કામની ધૂનમાં , વર્તમાન કામને ઉતાવળે ખરાબ કરી નાંખવાનું ન હોય . આમાં બને એવું કે ભવિષ્યનું એ કામ જ્યારે વર્તમાન ક્ષણે કરવાનું કામ બનીને હાથમાં આવશે તે વખતે તમને આગળનું નવું ભવિષ્ય અને નવું કામ યાદ આવશે . તમે એ સમયે પણ વર્તમાન કામને વેઠ બનાવીને પતાવશો . દરેક નવું કામ ભવિષ્યના કામની કલ્પનાને લીધે તમે બગાડ્યાં જ કરશો . તમારી બેજવાબદારીને લીધે તમારું વર્તમાન અને ભવિષ્ય બંને ડામાડોળ રહેશે .
તમને સારા અક્ષરો લખવાની કળા મળી છે તે તમે વાપરશો નહીં તો તમારી માટે કોઈ દયા ખાશે નહીં . સારા અક્ષરો ન હોવાને લીધે જે અવ્યવસ્થા થાય છે , તેનો ભોગ બન્યા વિના તમારો છૂટકો નહીં રહે . તમારે વર્તમાનમાં જીવીને ભવિષ્યનું ઘડતર કરવાનું છે . તમે ભવિષ્યમાં જીવીને વર્તમાનનું પડતર કરી રહ્યા છો .
મારી ઉતાવળ મારા અક્ષરોને બગાડે છે . હું શિસ્તબદ્ધ છું . મને ગુમાવી દેવાનું નથી ગમતું . મારે ઝપાટાભેર કામ પતાવવાનું હોય ત્યારે હું આગળ દોડું છું . ચાલવાને બદલે દોડો તો ઝડપ વધે છે પણ ચાલ નથી બગડતી . લખવામાં તો ચાલવું જ પડે છે . લખવામાં દોડો તો ચાલ બગડે છે . હું મારા વિચારોને સાચા પૂરવાર કરી શકું છું . હું ગભરાયા વિના સંવાદ સાધી શકું છું . હું મારી વાતને ગંભીર અને યોગ્ય વાત માનું છું . હું મારી રજૂઆત સામે મને શું જવાબ મળશે તે વિચારી શકું છું .
મારા સારા અક્ષરો મારા સ્વભાવને સારો પૂરવાર કરે છે . જોકે , વધુ પડતા સારા અક્ષરો ક્યારેક અસલિયત છુપાડતો દંભ હોય છે . અતિશય સારા અક્ષરોની પાછળ જીદ્દી સ્વભાવ પણ ડોકાતો હોય છે . મારે મારા અક્ષરો સારા રાખીને આખરે તો સારા માણસ પૂરવાર થવાનું છે . ફાટેલા કપડાં ગરીબીની નિશાની . ખરાબ અક્ષર કમજોરીની નિશાની . સારા કપડાં સુખની નિશાની . સુંદર અક્ષર માનસિક દૃૃઢતાની નિશાની .
જન્મદિવસે ઘણુંબધું યાદ આવે છે . મારો જન્મ થયો ત્યારે કેવો જમાનો હતો ? ત્યારે હું કેવો દેખાતો ? મારું બોલવાનું કેટલાં વર્ષે શરૂ થયું ? મારું ચાલવાનું અને દોડવાનું કેટલાં વર્ષે ચાલુ થયું ? આવું ઘણું બધું યાદ આવે . મા યાદ આવે અને એના ઉપકારો યાદ આવે . પિતા યાદ આવે અને એમના ઉપકારો યાદ આવે . બાળપણના તમામ કિસ્સા . ભાઈઓ અને દોસ્તારો સાથેના પ્રસંગો . હસાહસ અને રડારોળ . ધમાલ અને ગભરામણ . બધું યાદ આવે . એ દિવસોની સરખામણીમાં આજનું જીવન કેવું , ગોઠવાયેલું ગોઠવાયેલું લાગે છે એ વિચાર આવે જ .
બાળપણ એ જીવનનો ભૂતકાળ છે , તે પાછું આવશે નહીં . જે ભૂતકાળ બની જાય છે તે પાછું આવતું જ નથી . ગઝલગાયક ભલે લાખ વાર ગાય કે लोटा दो बचपन का सावन , वो कागझ की कश्ती वो बारिश का पानी , પરંતુ એ કશું પાછું આવતું નથી . કોઈ બાળકને એવી મસ્તી કરતાં જોઈ લઈએ અને એનામાં આપણું બાળપણ દેખાતું આવે એટલી એક તસલ્લી ઉપલબ્ધ રહે છે . પણ પાછું કશું જ આવતું નથી .
આજનો જન્મદિવસ , આજથી દસ વર્ષ પછી શું હશે ? ૨૦૨૦નો જન્મદિવસ ૨૦૩૦ની સાલમાં ભૂતકાળ હશે . આજે જે વિચાર મનમાં ચાલે છે તે બધા દશ વર્ષ પછી પણ ચાલતા જ હશે . જોકે પહેલાં એ બતાવો કે ૨૦૩૦માં આપણે જીવતા હોઈશું કે નહીં ? કાલ સવારની ખબર નથી . એક કલાક કે એક મિનિટ પછી શું થશે એની ખબર નથી , એમાં દસ વરસ પછીનો કોઈ ભરોસો શી રીતે રાખી શકાય ? છતાં માની લઈએ કે દસ વરસ પછી જીવતાં હોઈશું , એ વખતે આજનો દિવસ યાદ કરીને આપણે શું વિચારવાના ? આજના દિવસે એ નક્કી કરવાનું છે કે દસ વરસ પછી આજનો દિવસ હું યાદ કરીશ ત્યારે મનેં કોઈ રંજ ન થાય , એવું કશુંક આજે કરી લેવું છે . એક સપનું આજે ફરીથી જોવું છે . એ સપના માટે જે મહેનત કરવી પડશે તે કરવાનો સંકલ્પ આજે ફરીથી કરવો છે . એ સંકલ્પ માટે જે વેઠવું પડશે તે વેઠવાની તૈયારી આજે ફરીથી કરવી છે . આજથી દસ વર્ષ પહેલાં મેં જે જે કર્યું નહોતું , વિચાર્યું નહોતું તે છેલ્લા દસ વર્ષમાં મેં કર્યું અને જોયું . આજ પછીના દસ વરસમાં પણ એવું જ થવાનું છે . આજે જે વિચાર્યું નથી , તે આવતીકાલે , આવતાં વરસે , આગામી વરસોમાં ઘટિત થઈ શકે છે . મારે એ ભવિષ્ય માટે તૈયાર રહેવાનું છે .
અમુક લોકો આપણી માટે નકામા છે એમાં સ્પષ્ટ થઈ જવાનું છે , એમની સાથે બગાડવાનું નહીં અને એમની પરવા પણ નહીં કરવાની . અમુક લોકોને સાથે રાખવાના જ છે , એમના વગર ચાલવાનું નથી . એમની માટે ભરપૂર આત્મીયતા રાખવાની , એમને ખુશ રાખવાના અને એમનાથી વધારે નારાજ નહીં થવાનું , થોડું થોડું ચાલ્યા કરે . મારી સાથે જેઓ સ્પર્ધા કરવા માંગે છે કે સ્પર્ધામાં છે એમનું બળ યાદ રાખવાનું છે , એમને સ્પર્ધા કરવી હોય તો એ સ્પર્ધા એમના તરફથી છે . મારા તરફથી હું સ્પર્ધા માટે પ્રવૃત્તિશીલ નથી , હું મારી શક્તિને ન્યાય મળે , દિશા મળે એટલાપૂરતો જ પ્રવૃત્તિશીલ છું એવો અભિગમ બનાવેલો રાખવાનો . મારાથી જે થતું નથી તેની જબરદસ્તી મારા પર હું ન કરી શકું . અમુક આદર્શ ગમે છે પણ એના સુધી પહોંચવું અઘરું પડે છે અને શક્તિ ઓછી પડી જાય છે . એવી કચાશનો સાચો પસ્તાવો રાખવાનો . અમુક ભૂલો આજે સુધરી નથી રહી એને આગામી સમયમાં સુધારવાની છે એ વાત યાદ રાખવાની છે . જે કરવામાં ફાવટ છે એ પૂરજોશથી કરવાનું છે . એમાં આળસ કે ઠેલંઠેલા નહીં જ નહીં . બીજાઓની પંચાત કરીને સમયની બરબાદી કરવી નથી , દિમાગનું દહીં પણ કરવું નથી . અમુક લોકો આપણી માટે ઊલટું બોલે છે , બોલવા દો . એમને એ રીતે જ સુખ મળતું હશે , એમનું સુખ એમને મુબારક . મારો સમય કોનાં કોનાં કારણે બરબાદ થાય છે એની પર સતત નજર રાખવાની છે .
આવતાં દસ વરસ , વીતેલાં દસ વરસ કરતાં વધુ સારા હશે એનો આત્મવિશ્વાસ જન્મ દિવસે બનાવવાનો . અને બીજા દિવસથી કામે લાગી જવાનું . વરસે એક જ વાર જન્મ દિવસ આવે છે . આખું વરસ નવી એનર્જીથી ધમધમતું રહે એવી માનસિકતાનું સર્જન જન્મદિવસે કરવાનું . ( 29 . 6 . 2020 )
ભારતભૂમિ પર રાજાઓનાં શાસન ચાલતાં ત્યારે દિગ્વિજય થતા. ચક્રવર્તી ષટ્ખંડની વિજયયાત્રા સાધતા. મોટા સમ્રાટ્ હોય તે ભારતની ચારે દિશામાં યુદ્ધો ખેડીને સાર્વભૌમ બનતા. એ વિજેતા મહારાજાની આજ્ઞા મુજબ રાજ્યો ચાલતા અને સંસ્કૃતિ ઘડાતી. રાજ્ય શાસન નબળા પડતા ત્યારે અવ્યવસ્થા ફેલાતી,સંસ્કૃતિને ઘસારો પહોંચતો. સૈકાઓથી આમ ચાલે છે. ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માના સમયે જૈન શાસનનો દિગ્વિજય થયો હતો. સમય વીતતો ગયો તેમ દિશાઓ બદલાતી ગઈ, સંકેલાતી થઇ. છેલ્લે રાજર્ષિ કુમારપાળના સમયમાં અઢાર દેશ સુધી આપણો અહિંસામય ધર્મ પહોંચ્યો હતો. આ અઢાર દેશોમાં એક દેશનું નામ હતું મહારાષ્ટ્ર. કાળના પ્રવાહમાં અઢાર દેશો સાથેના સંબંધની ભૂમિકા બદલાઈ. ક્યાંક ધર્મ રહ્યો, ક્યાંક અવશેષો રહ્યા. વારસાગત રીતે ધર્મ મળતો તોય ધર્મની સમજણ અને લાગણી ન મળતી. પરિવારોમાંથી ધર્મ ભુલાતો ચાલ્યો હતો. આદરભાવ હતો, પણ એટલા માત્રથી ધર્મ ના ટકે. ધર્મની ઊંડી જાણકારી, સાચી સમજણ અને પાક્કી નિષ્ઠા જોઈએ. મહારાષ્ટ્ર દેશમાં ધર્મની હાજરી હતી. ગામોમાં જૈન પરિવારો હતા. જૈનત્વ અને ધર્મનું સ્વત્વ ઓસરી રહ્યું હતુું . તે કાળે અને તે સમયે પરમ શાસન પ્રભાવક અને વ્યાખ્યાન વાચસ્પતિ તરીકે ગુજરાતની ભૂમિ પર અતિશય પ્રસિદ્ધિ પામનારા એક સમર્થ મહાપુરુષે મહારાષ્ટ્રની ધરતી પર પગલાં માંડ્યા. ઝાંખી પડેલી ધર્મચેતનાને નવું તેજ મળ્યું. વિસરાયેલા આત્મધર્મને એમની પધરામણીથી આધાર મળ્યો. હજારો લોકોનાં અંતરમાં બોધિનાં વાવેતર થયાં હતાં. દિગ્વિજયની જેમ જ ચોમેર જયજયકાર ગાજ્યો હતો. સમર્પણનું સામ્રાજ્ય છવાયું હતું. ધર્મ સાથે સંબંધ સુદૃઢ બન્યો હતો. મહારાષ્ટ્રનાં ગામડે ગામડે એ મહાપુરુષ ફર્યા. ઘર એક હોય કે અગિયાર હોય એ ગામમાં પગલાં કર્યા જ. મોટા હોલ ભરાય કે નાની ઓરડી ભરાય, શ્રોતા આવે તેમને ધર્મ સમજાવ્યો જ. થાક ન ગણકાર્યો, રઝળપાટ જેવા આકરા વિહારોની ફિકર ના કરી. આહાર પાણીની ઉપેક્ષા જ કરી. આગતા સ્વાગતની અપેક્ષા ના રાખી. પ્રભુનો ધર્મ જીવે અને વહેતો રહે આ જ ભાવના. યોગ્યતાને સાચા ઉપદેશથી ખીલવવા માટે બધું જ વેઠ્યું. વગર વાદળે વરસ્યા, વગર વીજળીએ ચમક્યા અને વગર આડંબરે ગરજયા. મહારાષ્ટ્રની ડુંગરાળ ધરતી પર નવી આબોહવા સર્જાઈ. લોકોને આ ચમત્કાર પહેલાં તો ન સમજાયો. સમજાયો ત્યારે એમને પોતાનો કાળો ભૂતકાળ યાદ આવ્યો. અજવાસભર્યા આજની અવસ્થાના સર્જનહાર મહાપુરુષ પ્રત્યે મહારાષ્ટ્રવાસીઓ પાગલ બની ગયા. તાજેતરમાં આચાર્યપદ લઈને આ તરફ પધારેલા આ મહાન સૂરિદેવને મહારાષ્ટ્રની જનતાએ એક નવું પદ અર્પિત કર્યું : મહારાષ્ટ્રદેશોદ્ધારક.
પૂનાથી કરાડનો વિહાર – તે મહારાષ્ટ્રદેશોદ્ધારની ઈતિહાસકથાનું એક સ્વતંત્ર પ્રકરણ છે. વિહાર અને વ્યાખ્યાન એક બીજા સાથે ગૂંથાઈ ગયા હતા. વિહારની એક અસર હતી, તો વ્યાખ્યાનનો એક પ્રભાવ હતો. આ પ્રવચનગ્રંથમાં મહારાષ્ટ્રદેશોદ્ધારનું આ આગવું પ્રકરણ મહદંશે શબ્દબદ્ધ થયું છે. મહારાષ્ટ્રની પહાડી પ્રજા છે. મરી ફીટવા જેટલી નિષ્ઠા દાખવામાં સૌથી પહેલા આવે. એમની ખુમારીમાં ધર્મનો પ્રવેશ કરાવીને એ સૂરિભગવંતે દક્ષિણ ભારતમાં જિનશાસનની પ્રભાવના સાચા અર્થમાં કરી હતી.જ્યાર સુધી મહારાષ્ટ્રમાં ધર્મશ્રદ્ધા જીવશે ત્યાર સુધી એ સૂરિભગવંતનું નામ જીવશે. મહારાષ્ટ્રની માટીમાં ધર્મભાવનાના અંકુરા સીંચનારા એ સૂરિભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આજે સદેહે ઉપસ્થિત નથી. ઇતિહાસની નવી સીમા કંડારનાર આ યુગપુરૂષનાં ૪૦૦થી વધુ પ્રવચનપુુસ્તકો મૌજૂદ છે . વાર્તા કહીએ, રસરંગ પૂરીએ તો જ લોકોને (નવા લોકોને) મજા આવે, તેવી માન્યતાનો અહીં છેદ ઉડે છે. કથા વગર સૂરિભગવંતને બરોબર ચાલ્યું છે. વચ્ચે સિકંદરની કથા કહ્યા બાદ સૂરિભગવંતે ટિપ્પણી કરી છે: સિકંદર બાદશાહને માટે કહેવાતી આ વાત સાચી હોય કે ખોટી હોય, પણ તેમાંની વસ્તુ તો સાચી જ છે. કથાને ખાસ મહત્ત્વ ન આપવાની સૂરિભગવંતની વિશેષતા અહીં સ્ફુટ થાય છે. કથા અસર જરૂર કરે. જોખમી મુદ્દો એટલો જ રહે કે વ્યાખ્યાન પત્યા પછી માત્ર કથા જ યાદ આવે, પદાર્થબોધ બાજુ પર રહી જાય. બીજી વખત ધર્મ સાંભળવાની તક જેમને ભાગ્યે જ મળશે તેવા જીવોને કથાના રસમાં તાણી જઈને ધર્મનાં રહસ્યોની ઓછા સમીપમાં લાવવાની નીતિ સૂરિભગવંતને પસંદ નથી. તેમણે તો સાદી અને સહજ ભાષામાં બધું જ સમજાવી દીધું છે. મુખ્ય ધરી અહીં – ધર્મનો રસ અને પાપનો ડર આ બે સદ્ ગુુણોની આસપાસ ફરે છે. આત્મધર્મ અને આત્મવાદની ગહન વાતો પણ સરળતાથી આવતી જાય છે. સુખદુઃખની સ્પષ્ટતા તો ગજબ છે : આ સુખદુઃખની લાગણી ઉત્પન્ન થવામાં માણસની મનોવૃત્તિ જ મુખ્ય કારણભૂત છે.દાર્શનિક કક્ષાનું આ સત્ય સાવ સુબોધ શબ્દોમાં પ્રસ્તુત થયું છે. આ પુસ્તકના વ્યાખ્યાનો માત્ર વ્યાખ્યાનો નથી. એ તો ધાર્મિક જુવાળ પેદા કરનારા પ્રેરક તત્વો છે. ગામેગામ અને ઘેર ઘેર આ વ્યાખ્યાનો શ્રદ્ધેયભાવે ચર્ચાયા છે. એના દરેક શબ્દોમાંથી, સંજીવનીનો જાદુ ઝર્યો છે. ગણ્યા ન ગણાય એટલા બધા આત્માઓને આ અઢારદિવસીય વિહાર પ્રવચનોએ સંબોધીનું દાન કર્યું છે. આ પ્રવચનો આજે વાંચીએ છીએ ત્યારેય લાગે છે તો એવું જ કે આ તો નવાં જ પ્રવચનો છે. તો ટૂંકમાં જાણીએ એ વિહારોનો અહેવાલ અને પ્રવચનોનો સારાંશ .
૧ . શેઠ કેશવલાલ મણિલાલના બંગલે : પોષ ૬,૭
પોષ વદ ૬ નો મુહૂર્તદિવસ ભરચક રહ્યો હતો. એક પછી એક કાર્યક્રમો થતા જ ગયા હતા. દીક્ષા થઇ હતી, ઉપધાનના કેટલાક આરાધકોને માળ પહેરાવવામાં આવી હતી. ચતુર્થ વ્રત અને બારવ્રત ઉચ્ચરાવ્યા હતા. પૂનાલશ્કર પધારતાં પૂર્વે આ બધી વિધિઓ ચાલી હતી. લશ્કર પધારીને તો તુરંત વિહાર હતો, સાંજે રોકાણ હતું શેઠ શ્રી કેશવલાલ મણિલાલના બંગલે. બીજે દિવસે વ્યાખ્યાન થયું હતું. વિદાયની ગમગીની સૌના ચહેરાપર દેખાતી હતી. એવા કેટલાય માણસો હતા જેઓ પ્રચારમાધ્યમથી ગેરમાર્ગે દોરવાઈને સૂરિભગવંત માટે જુદી જ ધારણા બાંધી બેઠા હતા. પરોપકારની નિખાલસ મૂર્તિસમા સૂરિભગવંતનાં પ્રવચનો સાંભળીને એ ગલત ધારણાથી મુક્ત બનવા છતાં, એક વખતની એ ગેરસમજ વિશેનો પસ્તાવો એમનાં અંતરને કોરી રહ્યો હતો. જાહેરમાં અને અંગત રીતે વારંવાર એ સૌ માફી માંગી ગયા હતા. સૂરિભગવંતે સૌને આખરી સંદેશો આપ્યો હતો : ગુણરાગને ખૂબ ખીલવજો, પણ વ્યક્તિરાગથી સાવધ રહેજો.
૨ . હડપસર : પોષ વદ ૮
ગામની નિશાળમાં ઉતારો હતો. પૂનાથી ઘણાજ શ્રાવકો આવ્યા હતા તો જૈનેતરોની ભારે ભીડ ઉમટી હતી. પૂના છોડ્યા પછીનું આ પહેલું પ્રવચન હતું.
સારાંશ :
દુનિયાના દરેક માણસો કલ્યાણની ઈચ્છાથી જ પ્રવૃત્તિ કરે છે. કલ્યાણની સમજ સાચી ન હોવાથી તેમની પ્રવૃત્તિ ખોટી નીવડે છે, નુકસાનકારક. કલ્યાણને એટલે કે સાચા સુખને પામવું હોય તો ભગવાનનું શરણ લેવું જોઈએ. માત્ર પૂજા કરવાની આ વાત નથી. પૂજા ઉપરાંત પ્રભુની આજ્ઞા મુજબ વર્તવા માટે શક્તિ અને સામગ્રીનો સદ્વ્યય થવો જોઈએ. સાચું સુખ આત્મામાં છે, એમ ભગવાને કહ્યું છે. એ સુખ સંસારમાં રહેવાથી પ્રગટ નહીં થાય. સંસારથી છૂટવું પડશે . તો જ આત્માનું સુખ અનુભવવા મળશે. પાપનો ત્યાગ અને ધર્મની આરાધના કરવાથી પણ સાચી શાંતિવાળું સુખ ક્રમે કરીને મળી શકે. ભગવાને સાચા દુઃખની ઓળખાણ કરાવીને, સાચા સુખનો માર્ગ બતાવ્યો છે. આપણે ભગવાનની આજ્ઞા મુજબ વર્તન સુધરીશું તો આપણું કલ્યાણ અચૂક થશે.
૩ . ફુરસંગી : પોષ વદ ૯
હવે પૂના છેક જ પાછળ રહી ગયું હતું. ફુરસંગીમાં વાજતેગાજતે પ્રવેશ થયો ત્યારે પૂના અને આસપાસના ગામના ભક્તજનો વચ્ચે ફુરસંગીના જૈનો લઘુમતીમાં મુકાઈ ગયા હતા. અહીં દેરાસર નહોતું. સૂરિભગવંતે આ અંગે પ્રેરણા કરી. ગામના જૈનોએ ભેગા મળી ઘર દેરાસર કરવાનો નિર્ણય લીધો. બે જ મહિનામાં ચલપ્રતિષ્ઠા થાય તેવી તૈયારી સાથે સૂરિભગવંતને એ પ્રતિષ્ઠા કરાવવા માટે પધારવાની વિનંતી સુદ્ધાં કરી. સૂરિભગવંતનો પ્રત્યુત્તર સંતોષપ્રદ મળ્યો તેથી ફુરસંગીવાસીઓ કૃતાર્થતા પામ્યા.
૪ . ચોરની આલંદી : પોષ વદ પ્ર.૧૦
ખુલ્લા પગે વિહાર થતો. ખભે ઉપધિ બાંધીને મુનિભગવંતો ચાલતા. ગઈકાલે ચોરની આલંદીના જૈનોની વિનંતી અવધારીને ડુંગરાળ રસ્તે વિહારનો મારગ લીધો હતો. જંગલી કેડી પર ચાલતા કાંટા વાગતા ને કાંકરા ખૂંચતા. જમીનમાં અર્ધા ખૂંપેલા પથ્થરોની ઠેસ અચાનક વાગતી. છ માઈલનો પંથ બાર માઈલ જેવો લાંબો લાગતો હતો. તેમાં વળી રસ્તો ભુલાયો તે ત્રણ માઈલનું નવું ચક્કર થયું. ગૌરવવંતા ગુરુભગવંત અને અનુશાસિત શિષ્યપરિવાર સૌના ચહેરા પ્રસન્ન હતા. બગીચામાં ચાલતા હોય તે રીતે તેમના પગલાં મંડાતા હતાં. મોડું થયું તેમાં સૂરજ વિકરાળ બની ગયો હતો તોય સર્વેના મુખ પર પરમ આનંદ લહેરાતો હતો. સહન કરવાનું આવે તેમાં રાજી થાય તે જ તો સાધુતા છેને . મધ્યાહ્ન પછી મુકામે પહોંચ્યા. મોટા શિવાલયમાં ઉતારો હતો. બપોરે ત્યાંજ વ્યાખ્યાન યોજાયું હતું. પહેલીવાર આ ગામમાં જિનવાણીની છોળો ઉછળી હતી.
સારાંશ
આપણા જીવનમાં દુઃખો આવે છે કેમ કે આપણે વિવેકગુણ કેળવ્યો નથી. દુઃખ ન ગમે તે દુઃખને લાવનારા તત્વોનો વિરોધી જ હોય આ સાવ સાદી વાત છે. વિવેક ગુણની કસોટી આ જ છે. “પાપ કરીશ તો દુઃખ આવશે માટે પાપ નથી કરવા” તેવી ભાવના થાય, પાપ કરવું જ પડે તો તેનો અફસોસ રહ્યા કરે – તો સમજવું કે વિવેક ગુણ આવ્યો છે. આ ગુણ આવી જાય, પછી તો સુખ આપમેળે આવે. દુનિયાના સુખો પાપ કરાવે છે માટે તેનાથી દૂર રહેવાનું મન થાય, એ વિવેકનો મોટામાં મોટો લાભ છે. સુખનો રાગ ઘટે તેમ આત્મભાવ ખીલે. આત્મભાવ ખીલે એ દ્વારા સાચા સુખની અનુભૂતિ સાંપડે. આજે આપણી હાલત એવી છે કે પાપ આપણને બધા જ ગમે છે પણ આપણને એક માણસ પણ પાપી કહીને બોલાવે તે ગમતું નથી. સૌથી મોટી કરુણતા તો બીજી છે. આપણે પોતે પણ આપણી જાતને પાપી માનવા તૈયાર નથી. હવે આમાં – દુઃખ ટળે ક્યાંથી ?
૫ . ઉરલી : પોષ વદ દ્વિ . ૧૦
આ ગામમાં જૈનનું એક જ ઘર. છતાં વ્યાખ્યાનનો મંડપ બાંધવામાં આવ્યો હતો. પૂનાથી નીકળ્યા તે પછીના ગણત્રીના જ દિવસોમાં તળમહારાષ્ટ્રનાં ગામડાઓમાં સૂરિભગવંતના વ્યાખ્યાનોનું આકર્ષણ ઊભું થયું હતું. ગામોગામ આ આકર્ષણની આંધી છવાતી. પરિણામે બ્રાહ્મણ, મરાઠા, મારવાડી, મુસલમાનો સામૈયામાં અને પ્રવચનસભામાં ઉમટી પડતા. હિન્દીમાં વ્યાખ્યાન થતાં. જૈન-જૈનેતરોને રોજરોજ સંબોધતા સૂરિભગવંતની વ્યાખ્યાનશૈલી નવા રૂપે ખૂલતી.
સારાંશ :
આજે પાપ છોડવાની તાકાત નથી તેમ બોલનારામાં પાપ વધારનારી પ્રવૃતિઓ કરવાની તાકાત ક્યાંથી આવી જાય છે તે મોટો પ્રશ્ન છે. પાપબુદ્ધિ આપણો જ દોષ છે. એ ભગવાને નથી આપી. ભગવાન તો પાપની બુદ્ધિ કે ધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરતા જ નથી. ભગવાન આપણી બુદ્ધિને સમજાય તે રીતે ધર્મ અને પાપની સમજ આપે છે. સુખદુઃખની પાછળ પુણ્યપાપ કામ કરે છે. તો સુખદુઃખની લાગણી પાછળ આપણી મનોવૃત્તિ કામ કરે છે. મનોવૃત્તિને વશમાં લઈએ તો બધે સુખ જ છે, દુઃખનું નામ નથી. સુખદુઃખનાં સાધનો મર્યા પછી સાથે નથી આવતા માટે એના રાગદ્વેષમાં ફસાવા જેવું નથી. આત્માના આવરણો તૂટે તો ખરું સુખ મળે. તમે પાપનો ત્યાગ અને ધર્મનો આદર કેળવો અને તે માટે સદ્ગુરુ દ્વારા પાપ અને ધર્મની સમજણ મેળવો તો પછી આવરણો હેઠળ ઢંકાયેલું આત્માનું નિર્મલરૂપ જરૂર પ્રગટે. કેમ કે સાચી સમજણ પાપમાત્રનો ત્યાગ અને ધર્મનો સંપૂર્ણ સ્વીકાર કરવાની ભાવના આપે છે. ભાવના પાકી થાય તો શક્તિ પ્રગટે જ.
૬ . યવત : પોષ વદ ૧૧
ગઈકાલે સાંજે વાડીગામ મુકામ હતો. સવારે યવત પધાર્યા. પૂનાથી વિહાર થયો ત્યાર પછી આજે જિનમંદિરમાં દર્શન થયા. સામૈયા બાદ વ્યાખ્યાન થયું.
સારાંશ :
સવારે ઉઠીને, દિવસભરમાં કેટલા સુખો મેળવવા તેની વિચારણા ચાલે છે. આ સુખો પાપ કરાવે છે તે યાદ નથી રહેતું. દેહમાં સુખ માન્યું તેથી અર્થકામની ચિન્તા અને પ્રવૃત્તિને જ મહત્વ મળ્યું. પાપનાશક ધર્મ બાજુપર રહ્યો. ધર્મનું થોડુંઘણું આસેવન થયું તેય અર્થકામની પુષ્ટિ માટે જ. જ્ઞાનીઓ કહે છે : અર્થકામની વાસના એ પાપવાસના છે અને અર્થકામને માટે થતો પ્રયત્ન એ પાપ પ્રયત્ન છે. પ્રયત્ન ધર્મનો હોવા છતાં ભાવના અર્થકામ મેળવવાની હોય તો એ પ્રયત્ન પાપ પ્રયત્ન જ કહેવાય. ધર્મનું સાચું ધ્યેય ભુલાયું છે તેની આ મોકાણ છે. અર્થકામ અને તેને લાવનારું પુણ્ય તો વિનશ્વર છે. એના રાગમાં આત્માની પાયમાલી છે. આત્માનું સાચું સુખ પામવા ધર્મનાં શરણે આવવામાં જ આત્માની સલામતી છે. ભગવાનની પૂજા કરનારો, ભગવાને જેની મના કરી છે તે પાપોને હોંશથી આચરે તેવું બને? આજ્ઞા જેને સમજાય અને ગમે , તેને સંસાર છોડવાના જ વિચાર આવે. તમે સંસાર છોડી ન શકો તો સંસારમાં ઉદાસીનભાવ તો કેળવી જ લો. દુઃખના સંયોગોમાં સમાધિ જાળવાનું સહજ બની જશે. એક વાત બરોબર યાદ રાખજો કે ‘ગમે તેવા દુઃખના સંયોગોમાં ધર્મ સુખશાંતિ આપે છે અને ગમે તેવા સુખના સંયોગોમાં પણ પાપ મૂંઝવી મારે છે.’
૭ . કેડગામ : પોષ વદ ૧૨
યેવતમાં રોકવાનો ખુબ આગ્રહ થયો. કરાડ પહોંચવા માટે દિવસો ઓછા હોવાથી એ શક્ય ના બન્યું. જે ગામમાં શ્રાવકનું માત્ર એક જ ઘર હતું ત્યાં આખું ગામ મળીને રોકવાનો આગ્રહ કરે તેને માત્ર શાસનપ્રભાવના ન કહેવાય, તેને તો શાસનપ્રભાવનાની પરમ ફલશ્રુતિ કહેવાય. વિહાર તો થયો જ. કેડગામમાં સ્ટેશન પાસે જૈનોના દશબાર ઘરો હતા. અહીં પધાર્યા. વ્યાખ્યાન થયું.
સારાંશ :
જડ અને ચેતનના યોગને ઓળખાવી એ યોગથી ચેતનને મુક્ત કરવાની કળા જૈનશાસનને બતાવી છે. જડના યોગથી મુક્તિ ઝંખે તે જૈન. આ ભાવનાથી આજ્ઞાનું પાલન કરે તેનું જૈનત્વ સફળ. ધર્મની આ મૂળભૂત ભાવના જેને સમજાય છે તે આત્માની દયા કદી ન ચૂકે. આજે દીન દુઃખીની દયા કરવામાં આત્માની દયા વિસરાઈ છે, આ કારણે દયા કરવામાં વિવેક નથી રહેતો અને દયાનાં નામે હિંસાનું પોષણ થઇ જાય છે. જડનો રાગ જડમાં ફસાવી રાખશે, ચેતનનો રાગ જડથી છોડાવશે. આ જાતની જાગૃતિ રાખવી તે આત્મદયા છે. આ જાગૃતિ વિનાની દયા સ્વાર્થમૂલક પણ હોઈ શકે છે. બીજાને જડના રસિયા બનાવી, પોતાનો જડ પ્રત્યેનો રસ પોષવામાં સ્વાર્થ જ તો છે. એમાં આત્મદયા ક્યાંય નથી. જડની લાગણીને લીધે મૂંગા પ્રાણીઓની કતલ થવા માંડી છે, હવે તો. આ શરીર, શરીરને સાચવતા સાધનો, શરીરને ગમતી સામગ્રી એ બધું જ જડ છે, તે સમજી લો. જડની આસક્તિથી આત્માને બચાવો. સંયમી બનો અથવા સંયમની ભાવના કેળવો. જડની પાછળ પાગલ બન્યા ન રહો. જડનું આકર્ષણ ઘટશે અને છૂટશે તો જ સમભાવ આવશે. પછી જ શાંતિ પામશો.
૮ . સુપા : પોષ વદ ૧૩, ૧૪
ખેતરની નાની ઝૂંપડીમાં રાતવાસો થયો. શિયાળાના દિવસોમાં ખોબા જેવડી ઝૂંપડીમાં તેર સાધુ અને છ શ્રાવકનો સમાવેશ કરવામાં આવ્યો. સુંસવતી હવાના ટાઢાબોળ આક્રમણ સામે સલામતીનું કોઈ સાધન નહોતું, અને આ જ તો મજા હતી વિહારની. સામૈયા થાય તેમાં રાજીપો ન અનુભવતા સૂરિભગવંતે આ ઠંડી અને ઝૂંપડીમાં જરાય નારાજગી ના દાખવી. સાધનાની હૂંફ વિના સમતા નથી રહેતી. સૂરિભગવંતે સપરિવાર સમતાના છત્રહેઠળ રાત વિતાવી. સવારે વિહાર કરી સુપા પધાર્યા. સામૈયા બાદ વ્યાખ્યાન થયું. તે સાંભળીને ગામના આગેવાનો, જૈન જૈનેતરો હતા તેમણે ખુબ જ આગ્રહ કરી રોકાવાની અને ચારપુરુષાર્થ સમજાવવાની માંગણી કરી હતી. સૂરિભગવંતે લાભના વિશેષ કારણનો ખ્યાલ કરી સ્થિરતા કરી હતી. બીજે દિવસેય વ્યાખ્યાન થયું હતું.
સારાંશ – ૧
ધર્મ આપણને સાચવે તે ગમે છે. ધર્મની સેવા કરીને ધર્મને સાચવવાનું આપણને નથી ગમતું. ધર્મ તમારી રક્ષા કરે તેવી ઈચ્છા હોય તો તમારા જીવનમાં ધર્મની રક્ષા કરો. તમારા જીવનમાંથી ધર્મની બાદબાકી થઇ ગઈ છે. ધર્મ કરવો નથી અને ધર્મનું ફળ જોઈએ છે. આવું કેમ ચાલે ? ધર્મ કરો અને તેય કોઈ સ્પૃહા રાખ્યા વિના કરો. તમને ધર્મ ગમતો હોત તો તમે તે તમારા સન્તાનોમાં ઉતાર્યો હોત. તમારા સંતાનોનાં ધાર્મિક અજ્ઞાન પરથી તમારા ધર્મપ્રેમની પરીક્ષા થઇ ગઈ છે. શ્રીદશરથનો ધર્મપ્રેમ સાચો હતો તેથી એમનાં સંતાનો ધાર્મિક પાક્યા હતા. જયારે કૈકેયી શ્રીદશરથ પાસે વચન માંગે છે ત્યારે શ્રીદશરથે ‘મારો ધર્મ ન રહી જાય’ તેની જ ચિન્તા કરી છે પોતાનો ધર્મ ન તૂટે તે માટે રામચંદ્રજીને પૂછ્યા વિના ભરતને રાજ્ય આપી દીધું છે. તો રામચંદ્રજીની પણ ધાર્મિકતા જોવા જેવી છે. શ્રીદશરથજી જયારે રામચંદ્રજીને બોલાવીને રાજ્ય આપી દીધાની વાત કરે છે ત્યારે રામચંદ્રજીને દુઃખ થઇ આવે છે. તેઓ કહે છે કે ‘આપનું રાજ્ય આપ ગમે તેને આપો? એમાં મને પૂછવાનું ન હોય. આપ મને પૂછો તેનો મતલબ એ થાય છે કે મારા જ વિનયમાં ખામી છે.’ નારાજ થયા વિના શ્રીરામચંદ્રજીએ કહ્યું છે કે ‘રાજ્ય હું ભોગવું કે ભરત ભોગવે એ સરખું જ છે’ પોતાનો હક રામચંદ્રજીએ ન બતાવ્યો. અને ભરતજી રાજ્યગાદી પર ન બેઠા. પિતાજીની આજ્ઞા અને રાજ્યની રક્ષા ખાતર તેમણે માત્ર રાજ્યનો સ્વીકાર કર્યો છે. ભરત રાજા બને તે માટે રામચંદ્રજીએ વનવાસ લીધો અને ભરતજી તો રામચંદ્રજીના સેવક તરીકે જ રાજ્યનું સંચાલન કરતા રહ્યા. આવો વિરલ સંબંધ ધાર્મિકતાનાં સિંચન વિના ન આવે. આપણે આત્મવાદી બની જઈએ તો ઘર-પરિવાર બધું સુધરી જાય. ભગવાનની આજ્ઞા, આત્માની ચિન્તા માટે જ છે. આજ્ઞા મુજબ જીવતા થઇ જશો તો કલ્યાણ થઇ જશે.
સારાંશ – ૨
સુખ મેળવવાની સૌ મહેનત કરે છે. સાચું સુખ તો મોક્ષમાં છે. દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ અને સ્થાયી સુખ મોક્ષમાં જ હોવાથી મોક્ષની સાધના સૌથી મહત્ત્વની છે તે માટે ધર્મનો પુરુષાર્થ છે. અર્થ અને કામ સાચું સુખ આપી શકતા નથી માટે એ નામના જ પુરુષાર્થ છે. અર્થ અને કામ માટે મહેનત કરો તોય તે મળે જ એવો નિયમ નથી. ભાગ્ય હોય તો મળે, નહીં તો ન મળે. મળ્યા પછીય ભાગ્ય હોય તો જ ટકે અને ભોગવાય. નહીં તો ચાલી જાય. આ ભાગ્યનું નિર્માણ ધર્મ કરે છે. ધર્મથી અર્થકામ ને મોક્ષ મળે પણ લક્ષ્ય તો મોક્ષનું જ રાખવાનું. દુનિયાના દરેક પદાર્થો બદલાતા રહે છે. કોઈ પદાર્થ શાશ્વતકાળ ટકતો નથી, આપણું પુણ્ય પણ. માટે જ પાપની જેમ પુણ્યથી પણ મુક્ત બનવાનું છે. પુણ્યથી અર્થકામ મળે તોય તેનું સુખ અધૂરું , દુઃખ મિશ્રિત અને અલ્પકાલીન તથા દુઃખદાયી હોય છે. મોક્ષનું સુખ આપણે સદા માટે નિશ્ચિંત બનાવી દે છે. ધર્મનો મહિમા જ આ છે. ધર્મને પ્રધાનતા આપો, ધર્મને અર્થકામનો દાસ ન બનાવો. ધર્મને આગળ રાખો, અર્થકામને પાછળ રહેવા દો. ચારેય પુરુષાર્થને માનનારો હોય તેય ધર્મ માટે અર્થકામની ઉપેક્ષા કરવા તૈયાર હોય, ખોટું છોડવા સાચું સમજવા તૈયાર હોય. એ દુરાગ્રહી ન હોય. આજે અર્થકામને મહત્વ આપીને ધર્મ સેવનારા મોક્ષની તો ઉપેક્ષા જ કરે છે. આત્મહિતની શોધ કરવાની કોઈને પડી નથી . અર્થકામને હેય માની, ધર્મને જ પ્રાણ બનાવી સુંદર જીવન જીવતા થઇ જાઓ.
૯ . મોરગામ : પોષ વદ ૧૪, અમાસ, અને મહા સુદ ૧
વિહાર એટલે અનિશ્ચિત અવસ્થાન, રોકાવાનું ક્યાં અને કેટલું તે નક્કી ના હોય. મોરગામ ચૌદશે પહોંચવાનું હતું, સવારે જ. બન્યું એવું કે સુપાની જબરદસ્ત વિનંતીને લીધે રોકાઈ જવું પડ્યું. મોરગામનો હક જાણે છીનવાઈ ગયો. મોરગામવાળા સવારે રાહ જોતા હતા, સામૈયાની તૈયારી રાખી હતી, મોટા ગણેશમંદિરમાં વિશાળ જનસમાજ વ્યાખ્યાન સાંભળવા ઉત્સુક હતો. સમય ખૂબ વીત્યો. સૂરિભગવંત ન પધાર્યા. પધારેય ક્યાંથી? સૂરિભગવંત તો મોરગામની પ્રતીક્ષાબદ્ધ ચિંતાની ઘડીઓમાં સુપા-મુકામે પ્રવચન ફરમાવી રહ્યા હતા. બદલાયેલો કાર્યક્રમ ફોન અને ફેક્સથી જણાવી દેવાનો એ યુગ નહોતો. સુપા તરફ કેટલાક મોરગામવાસીઓ ચાલી નીકળ્યા. આવીને સૂરિભગવંતને ક્ષેમ કુશળ જોઈ નિરાંત અનુભવી. મોરગામની વ્યાકુળતાનો સંદેશો આપ્યો. સૂરિભગવંત તો કરુણાનો સાગર. તેમણે ધીખતા તાપે તુરંત વિહાર કર્યો. અજાણ્યા ગામના, અજાણ્યા ભક્તજનો માટે ટાઢતડકો વિસરી જનારા સૂરિભગવંતને સુપા – ગામ ભાવભેર વળાવવા ચાલ્યું. છતાં મોડું તો થયું જ. છેક સાંજે સાડા પાંચ વાગે મોરગામ પહોંચ્યા. બમણા ઉત્સાહથી સામૈયું થયું. ઢળતી સાંજ હતી તેથી પ્રવચન ન થયું. બીજા દિવસે પ્રવચન થયું તેમાં ધુરંધર પંડિત ગણાતા બ્રાહ્મણો પણ આવ્યા હતા. પ્રશ્નોત્તરીની રમઝટ જામી. સૂરિભગવંતના વિશદ સમાધાનથી સંતોષ પામેલા બ્રાહ્મણોએ બીજા દિવસે રોકાવા વિનંતી કરી. સમય ખૂટ્યો હતો, પ્રશ્નો નહીં . સૂરિભગવંત તો આત્મશલ્યના ઉદ્ધારક હતા જ. બીજા દિવસની સ્થિરતા થઇ. ફરીવાર પ્રશ્નોત્તરીઓ ગાજી. આદર્શ વિચારધારાની ભૂમિકા હવે સ્પષ્ટ થઈ .
સારાંશ – ૧
સારી વસ્તુઓ મેળવવા આપણે પાપ તો કરીએ છીએ પણ યાદ રહે છે ખરું કે ‘પાપથી મેળવેલી વસ્તુ અહીં રહી જાય છે અને પાપ સાથે આવે છે ? ‘ આપણે આટલો સરખો વિચાર કર્યા વિના એમને એમ જીવીએ છીએ. પાપથી બચવા માટે કેટલી વિચારણા કરી ? બુદ્ધિશાળી ગણાતા માણસો પાસેય આનો જવાબ નથી. આ તો નરી મૂઢતા છે. તમારી વિચારણા અને પ્રવૃત્તિ એક નથી. વિચારણા સુખની છે, પ્રવૃત્તિ દુઃખની છે. સંવાદ સાધવો હોય તો સાધુઓ પાસે બેસીને સાચું સમજો. સુખ જોઈતું હોય તો સંયમ ગમવો જોઈએ. પાપથી બચ્યા વિના સુખ નથી મળવાનું. એક મજાનો રસ્તો છે : આપણા આત્માને જે વર્તન અનુકૂળ ન હોય તે બીજાઓ પ્રત્યે આચરવાનું નહીં. મોટાભાગના પાપો આ રસ્તે છૂટી જશે. જીવન સુધરી જશે. આજનો માનવી સ્વાર્થને લીધે બીજાની ચિંતા કરવાનું ભૂલ્યો છે. ધર્મનાં સેવનથી હૈયાનું ઝેર ઉતરશે અને સાચું સુખ મળશે.
સારાંશ – ૨
મનુષ્યગતિમાં વિવેક અને ત્યાગની શક્તિ ખૂબ ઊંચી છે. તિર્યંચોમાં વિવેક મુશ્કેલ અને દેવોમાં ત્યાગ મુશ્કેલ. ખાવાપીવાની પાછળ આ ભવ વેડફી નાંખશુ તો આ બે ઊંચી શક્તિનો લાભ લેવાનું ચૂકી જવાશે. આપણામાં પરમાત્મા બનવાની શક્તિ છે તે પ્રગટાવવાની તક આ જ ભવમાં મળે છે. આપણે બહિરાત્મા મટીને અંતરાત્મા થઈએ તે જરૂરી છે. લક્ષ્ય રાખવું શુદ્ધાત્મા બનવાનું. આ જીવનનો લાભ ઊઠાવી લેવા જેવો છે. જીવતા સધાય એટલું સાધી લો. એમાં જ ડહાપણ છે.
૧૦ . નીરા : મહા સુદ ૨ઉ
લાંબો વિહાર કરી સવારે અગિયાર વાગે નીરા પહોંચાયું . બપોરે બે વાગે વ્યાખ્યાન થયું હતું.
સારાંશ :
તમે પૈસા કમાવા વતન છોડીને અહીં આવી વસ્યા પણ આત્મશુદ્ધિ પામવા કોઈ દિવસ ઘર છોડીને કશેય ગયા છો? ગામમાં ઘર ને દુકાન બનાવ્યા પણ ભગવાનનું મંદિર બનાવવાનું યાદ આવ્યું ? આખા દિવસમાં હજાર જાતની વાતો થાય છે પણ આત્માની ફિકરથી બે વાતો પણ થાય છે ? દેવગુરુધર્મની સાચી ઓળખાણ છે તમને ? બધા દેવ, બધા ગુરુ અને બધા ધર્મને સમાન માનવાની વાતો કરીને તમે છટકી જશો, પણ તેથી લાભ થવાનો નથી. આત્માનું હિત થાય તેવો રસ્તો અપનાવી લો. સાચા દેવગુરુધર્મને ઓળખી, સમર્પિત બનો .
સમી સાંજે લોણંદ પહોંચ્યા ત્યારેય સામૈયું તો થયું જ. સામૈયા બાદ મંગલાચરણ થયું હતું. આ ગામમાં જિનાલાય હોવું જોઈએ તેવી પાવન પ્રેરણા આપવા અને પ્રેરણાને નક્કર રૂપ મળે તેવા આશયથી સૂરિભગવંત અહીં બે દિવસ રોકાયા હતા. પ્રવચનો થયા હતા તો જિનાલયના પાયાની ભૂમિકા પણ ઊભી થઈ હતી .સારાંશ :
આરાધનામાં ભોગના ત્યાગનું મહત્વ મોટું છે. ભોગની લત જ દેવગુરુધર્મથી દૂર રાખે છે. ધર્મની ગરજ હોય અને ધર્મહીનતા ખૂંચતી હોય તેવા આજે કેટલા મળે ? બહુ જ ઓછા . આનું કારણ છે ધનદૌલત અને ઈન્દ્રિયસુખની પ્રીતિ . યાદ રાખજો કે તમારું કલ્યાણ ધર્મી બન્યા વિના નથી જ થવાનું . માનવભવ કલ્યાણ માટે મળે છે તેમાં કલ્યાણની જ ઉપેક્ષા કરીએ તે સરાસર મૂર્ખામી છે . આ ભવમાં ત્યાગની તાકાત બહુ મોટી છે. ત્યાગ અઘરો લાગતો હોય તો ત્યાગની ભાવના હૈયે જીવતી રાખવી જોઈએ. આ ક્યારે બને ? સંસારનો અણગમો પ્રગટે તો જ. ભગવાનનો સાચો રાગ પણ સંસારના અણગમા વિના પ્રગટે નહીં . સાચી ભાવનાથી બને તેટલો વધુ ધર્મ કરતા રહો.
૧૨ . દેઉર : મહા સુદ ૫
છેક દશ વાગે , સવારે વિહાર પૂરો થયો . સામૈયાભેર પ્રવેશપૂર્વક જિનાલય દર્શન કરીને સૂરિભગવંતે માંગલિક સંભળાવ્યું હતું . વ્યાખ્યાન બપોરે અઢી વાગ્યે રાખવામાં આવ્યું હતું .સારાંશ :
ધર્મ આત્માને નિજદશાનું ભાન કરાવે છે . આપણને ધર્મનું જ જ્ઞાન નથી , તો જાતનું ભાન થાય ક્યાંથી ? ધર્મ દિલમાં વસે તો પાપનો ડર લાગે જ, કેમ કે ધર્મ પાપની ઓળખ આપે છે . આજે આપણને ધર્મનું જ્ઞાન નથી તેનું કારણ એક જ છે . આપણને ધર્મની ગરજ જ નથી . ધર્મના અજ્ઞાની રહીશું તોય પાપ તો લાગતા જ રહેવાના છે. ધર્મનું જ્ઞાન આવ્યા પછી પાપ થશે તોય તેમાં પસ્તાવો અને દુઃખ હશે તે દ્વારા બચી શકાશે. અજ્ઞાન હશે તો કદી નહીં બચાય. ધર્મની જાણકારી મેળવશો તો આત્મસુખની ઈચ્છા, પાપનો ડર અને ધર્મનું અર્થીપણું મળી જશે . આ ત્રણ સદ્ ગુણો આત્મકલ્યાણને સુકર બનાવશે . ધર્મને તમારો સાથીદાર જ બનાવી દો . તમારા પાપ અને પુણ્યના નિયામક તરીકે ધર્મને જ નીમી દો . ધર્મ સાંભળવા છતાં એનો પૂરો અમલ ન થતો હોય તે બનવાજોગ છે , એટલામાત્રથી ધર્મની વાતો સાંભળાવવાનું છોડી ન દેવાય . સારા ભાવથી બોલવામાં તો લાભ જ છે . ધર્મનો અમલ કેમ નથી થતો ? તૃષ્ણાને સંતોષવામાં રસ છે એટલે તૃષ્ણાની કોઈ મર્યાદા નથી . તેની પાછળ આપણે પાપોની મર્યાદા રાખવાનું ચૂક્યા છીએ . સંયમનો અનુરાગ કેળવવાની ખાસ જરૂર છે. એના વિના આત્મસુખ પ્રગટશે નહીં અને પાપનો રાગ અકબંધ રહેશે તો આખરે સંસારનાં સુખો પણ હાથમાંથી જતા રહેશે.
૧૩ . સતારા : મહા સુદ ૭
મહારાષ્ટ્રનું એક મુખ્ય મથક સતારા . પહાડના ખોળે ફેલાયેલા આ શહેરના મારગ પર સામૈયાની તૈયારી રૂપે ઠેર ઠેર કમાનો, તોરણો અને ધજાઓ બાંધવામાં આવ્યા હતા . બેન્ડ શહેરની સીમા પર વાગતું હતું . ભક્તજનો ઊભા હતા. સૂરિભગવંત પધાર્યા . માણસોનો ધસારો થયો . ચરણસ્પર્શની પડાપડીમાં થોડો સમય વીત્યો . પછી સામૈયું ચાલ્યું . જિનાલય પાસે ઉતર્યું . પ્રભુદર્શન બાદ વ્યાખ્યાન થયું . સતારાના જૈન જૈનેતરોના અજ્ઞાનમાં ધરતીકંપ ધણધણ્યો .
સારાંશ
આપણને સુખ જોઈએ છે પરંતુ દુઃખના કારણોને આપણે અળગા નથી કરતા . જીવનમાં જે જે પાપ છે તે બધાય દુઃખનાં કારણ છે. પાપોનો વિચાર હંમેશા થવો જોઈએ . આપણે દુઃખ આવે ત્યારેજ પાપોનો વિચાર કરીએ છીએ તે આસ્તિકતાને અનુરૂપ નથી . દુનિયામાં ઘણાબધા માણસો સાવ કંગાળ છે તેમની અપેક્ષાએ તમે ખૂબ સુખી છો . એ દુઃખીઓને એવી દશા શું કામ મળી તેનો વિવેકપૂર્વક વિચાર કરશો તો આંખ ખૂલી જશે . મનુષ્યભવની મોટામાં મોટી વિશેષતા એ છે કે ‘ અહીંથી મરીને હું સારા સ્થાને જ જઈશ ‘ એવું નક્કી કરી શકાય છે. અલબત્ત , એ માટે અંત:કરણના મેલને તપાસીને સાફ કરવો પડે . મારાં પાપનું ફળ મારે ભોગવવું પડશે આ ખ્યાલમાં રાખી લેશો તો મનનો મેલ સાફ થવા માંડશે . પાપનો આ ડર તમને આપોઆપ સારા આદમી બનાવી દેશે . તમે સારા દેખાવાના પ્રયત્નમાં રહો છો તેને બદલે સારા બનવાનો પ્રયત્ન કરો . તમને પાપ પાપરૂપ ન લાગતું હોય તો એક કામ કરો . મારા ભગવાને આને પાપ કહ્યું છે તે રીતે પાપ માત્રને જોવા માંડો . આમ કરવાથીય પાપનું બળ ઘટશે . એક વાત લખી રાખજો કે સારા દેખાવાથી કલ્યાણ નથી થવાનું , સારા બનવાથી જ કલ્યાણ થવાનું છે. નાના મોટા દરેક પાપોને ઓળખી , એનો ભય રાખતા થઈ જાઓ .
૧૪ . કોરેગામ : મહા સુદ ૮
રાત્રિમુકામ કાહૂંલીમાં હતો . સવારે કોરેગામ પહોંચ્યા ત્યારે ત્યાંનો શ્રાવકસંઘ સામૈયા સાથે તૈનાત હતો . આજે સવારે જિનાલય દર્શન બાદ માત્ર મંગલાચરણ થયું હતું . વ્યાખ્યાન બપોરે ત્રણ વાગ્યે થયું હતું.
સારાંશ :
તત્વચિંતન બહુ જરૂરી છે. એનાથી સાર અને અસારનો ભેદ પરખાય છે. પણ તે માટે તત્ત્વનું જ્ઞાન મેળવવું પડે . આજે ફુરસદ કોને છે તત્ત્વજ્ઞાન મેળવવાની ? ગુરુસાખે તત્ત્વજ્ઞાન મેળવશો તો આત્માની ચિંતા થશે . નહીં મેળવો તો દુનિયાદારીમાં ડૂબીને એવા સ્વાર્થી બનશો કે દુનિયાને માટે ભારભૂત અને શ્રાપરૂપ નીવડશો . જેઓ સાધુ થયા છે તેઓ દુનિયા પર મોટો ઉપકાર કરે છે . સ્વાર્થીને સાધુ નથી ગમતા . અરે, એમને તો ભિખારી પર પણ તિરસ્કાર જાગે છે . ભિખારીને તો અનુકંપાની લાગણીથી આપવાનું હોય . આપીને પાપની સમજણ દેવાની . એનો ભવ સુધરી જાય . આજે આવા વિચાર કોઈ નથી કરતું . આત્મકલ્યાણની જાગૃતિ રાખવાથી આવી ગડબડ થશે નહીં . આત્મકલ્યાણને ઠેસ પહોંચાડે તેવી વ્યક્તિને કે તેવા સિદ્ધાંતને માનવાના નહીં . સાચા અર્થમાં વિવેકી બની જવાનું . આત્માને ઉજાળવા માટે અપ્રમાદી બની રહેવાનું .
૧૫ . રહેમતપુર : મહા સુદ ૯
સતારા જિલ્લાનું ગામ રહેમતપુર. મહારાષ્ટ્રના વિસ્તારમાં પૂનાથી કરાડની વચ્ચે બહુ ઓછા ગામોમાં જિનાલય મળતાં . આ ગામમાં જિનાલય હતું . દર્શન કર્યા બાદ સવારનું ટૂંકું વ્યાખ્યાન થયું . રવિવારની રાહ જોયા વિના જ બપોરે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું . બુધવારના ચાલુ દિવસેય સવાઈ રવિવારની સભા ઉભરાઈ હતી .
સારાંશ – ૧
મનુષ્ય ભવ ઉત્તમ છે તે સમજાયા પછી એની સફળતાને માટે મચી પડવું જોઈએ . દેવ,ગુરુ અને ધર્મની આરાધનામાં જ આ ભવની સફળતા છે . આરાધના કરતી વખતે લક્ષ્ય પણ સ્પષ્ટ રાખજો . શ્રી વીતરાગને જ દેવ તરીકે માનો અને પૂજો , એનાથી સિદ્ધગતિની યાદ આવતી રહેશે . જિનાજ્ઞાનિષ્ઠ સાધુઓને ગુરુ તરીકે માથે રાખો , એનાથી ત્યાગની રુચિ જાગશે . રાગ બૂરો છે અને વિરાગ સારો છે તેવી ભાવનાથી મનને રંગી દો . આ જૈનત્વના સાચા સંસ્કાર છે . દેવગુરુધર્મને આ રીતે આરાધનારને લક્ષ્મી કરતાં દાન વધુ ગમે છે , વિષયસેવા કરતાં શીલ વધુ ગમે છે , ખાવાપીવા કરતાં તપ વધુ ગમે છે અને દુર્વિચારને બદલે સદ્ વિચાર પર પક્ષપાત થાય છે . આટલી સફળતા મળે તો જન્મારો સાર્થક .
સારાંશ – ૨
‘હું ક્યાંથી આવ્યો છું’ ‘મારે કયાં જવાનું છે’ એનો વિચાર કોઈ કરતું નથી. આજે આ વિચાર નહીં કરો તો કરશો ક્યારે ? છેલ્લી ઘડીએ આ વિચારવા બેસશો તોય કાંઈ કરી નહીં શકો . આજથી જ વિચારવા માંડો , અને પાપ ફસાવે નહીં તેની સાવચેતી રાખો . એક પાપ , ધારી સામગ્રી મળવા દેતું નથી . આ પાપની ફિકર કરવા જેવી નથી . બીજું પાપ , ધારી સામગ્રી ન મળે તેની ચિંતા , તેનું દુઃખ જન્માવે છે . આ પાપ નડી ન જાય તેનું ધ્યાન રાખો . ધર્મનું શ્રવણ આ ભાવનાથી કરો . જે લોકો સાધુની વાતો સાંભળતા નથી , સાંભળે તો માનતા નથી અથવા સાંભળે તો તે બીજા આગળ ઉપદેશ આપવા સાંભળે છે તેવાઓમાં તમારું નામ ન હોવું જોઈએ . જેની અંતર્દૃષ્ટિ ખૂલી છે અથવા ખૂલવામાં છે તેવા મહાનુભાવોમાં તમારું નામ હોવું જોઈએ . આત્માનું ભવિષ્ય ના બગડે તેવી જાગૃતિ રાખીને જીવો . હું કોણ ? હું ક્યાંથી આવ્યો ? મારું કર્તવ્ય શું ? મરીને હું જઈશ ક્યાં ? આ વિચાર રોજ કરો .
૧૬ . હેલગામ : મહા સુદ ૧૦ + ૧૧
વાઠાર રાત્રિમુકામ થયો હતો . સવારે મસૂરમાં જિનાલયની સાલગીરી પર પહોંચવાનું હતું. રસ્તે હેલગામ આવ્યું . જૈનનું એક જ ઘર હોવા છતાં આખું ગામ વધાવવા માટે ઉભું હતું . વ્યાખ્યાન માટે તો નાનો મજાનો શામિયાણો તૈયાર હતો . આગળ જવાની વાત જ ન થવા દીધી હેલગામે . ચાલુ વિહારે વ્યાખ્યાન થયું . રણકદાર અને જોમવંતું .
સારાંશ :
આત્માનું કલ્યાણ સાધવા માટે પાપનો ડર અને ધર્મસેવાનો રસ બહુ જરૂરી છે . નિષ્પાપ અને ધર્મમય જીવન જીવવા દ્વારા માનવભવને સંપૂર્ણ સફળ કરવાની ભાવના હોય તે આ બે મુદ્દે પ્રગતિ કરવી જોઈએ . પાપનો ડર જેમ વધશે તેમ ધર્મની સેવા વધશે . ધર્મની સેવા જેમ વધશે તેમ આત્માનું કલ્યાણ વધુ સાધી શકાશે .
૧૭ . મસૂર : મહા સુદ ૧૦ + ૧૧
હેલગામથી નીકળી ભરબપોરે મસૂર પહોંચ્યા. સામૈયું થયું. જિનાલયની સાલગીરી ઉજવાઈ . આવતીકાલે કરાડ પહોંચવાનું હતું . પરમદિવસે તો સંઘપ્રયાણ હતું . સંઘના સંચાલકો ઉચક જીવે રાહ જોતા હતા . અનંત કરુણાનિધાન સૂરિદેવ મહારાષ્ટ્રની ભૂમિપર કોઈને નારાજ કરવાના નહોતા. વિનંતી થાય તે જ સમયે ભાવનાને અનુરૂપ જવાબ અપાતો . મસૂરમાં માત્ર આજનો જ દિવસ મુકામ હતો પણ સંઘના નસીબ બળિયા હતા .
૧૮ . મસૂર : મહા સુદ ૧૨
કરાડવાળા રહી ગયા. મસૂરની વિનંતી, આગ્રહભરી અને અતિશય હતી. એમને આત્મધર્મ સમજવો હતો. આત્મસાધનાના અજોડ ઉપદેશક સૂરિદેવે મસૂરને બીજો દિવસ ફાળવી આપ્યો. નાનકડો સંઘ આત્માના ઉત્થાનની હિતશિક્ષા પામ્યો. આત્માને કેળવણી આપવા માટે જાતે મહેનત કરવાનું સૌને સમજાયું. આત્માને શરીરથી અલગ રીતે સાચવવાની ભાવના જાગી સૌના અંતરમાં. વર્ષોથી ઘેરાયેલી આળસ માત્ર બે જ વ્યાખ્યાનથી ખળભળી ઉઠી.
સારાંશ :
સંસારનો રસ આત્માના સ્વભાવને ખીલવા દેતો નથી. જિનમંદિર, ઉપાશ્રયો, પાઠશાળા વગેરે ધર્મસ્થાનકો સંસારરસને નબળો પાડવાના સ્થાનો છે. સંસારરસને ઘટાડવા અહીં આવે તે સાચો ધર્માત્મા છે. આત્મસ્વભાવ જેનાથી પ્રગટે છે તે આત્મધર્મ છે. આત્મકલ્યાણ ગમે તેને મોહ ટાળવાનું મન થાય અને ત્યાગ પ્રત્યે આદરભાવ બંધાય. પોતાના પાપની અને અન્યના હિતની સાચી ચિંતા એને થાય. પોતાના પાપને ઓળખે તે પોતાની જાતને ઓળખી શકે. એનું દુન્યવી પદાર્થોનું આકર્ષણ ઓછું થવા માંડે, પરલોક અને આત્મા મહત્વના લાગે. રત્નત્રયી ગમે. આ દશા પામ્યા પછી આત્મા સાધુ બને સાધુ ન બનાય તો શ્રાવક બને. કમ સે કમ ભગવાનની અજ્ઞાના પ્રેમી તો એ બને જ. આટલું સધાય તોય આત્મા ઊંચી દશા પામી જાય.
૧૯ . કરાડ : મહા સુદ ૧૩
દરેક ગામોની બહાર જનસમાજ ઉભરાતો. આગોતરી વિનંતીનો વહેવાર સાચવ્યા વિના એ અજૈન સજ્જનો ઉભે રસ્તે ગામમાં પગલાં કરવાનો આગ્રહ કરતા. આજે અને ગઈકાલે નહીં, બલ્કે રોજ રોજ આ બનતું. સંઘપ્રયાણના એક જ દિવસ પૂર્વે કરાડ પહોંચી શકાયું હતું. સંઘના દરેક સભ્યોના અદમ્ય ઉલ્લાસ ઉમંગ સાથે નગર પ્રવેશ થયો. બે જ વ્યાખ્યાન થવાના હતા. એક આજનું વ્યાખ્યાન. કરાડનું પહેલું વ્યાખ્યાન. બીજું આવતીકાલનું વ્યાખ્યાન, હાલના તબક્કે છેલ્લું વ્યાખ્યાન. બંનેય વ્યાખ્યાનમાં જંગી જનમેદની ઉમટી હતી.
સારાંશ :
જેનું મન ધર્મમાં સદા જોડાયેલું છે. તેને દેવો પણ નમે છે એમ કહીને મહાપુરુષોએ શક્તિશાળી દેવો કરતાંય માનવભવની કિંમત ઊંચી આંકી છે. આત્મિક સ્વાર્થની સાધના માત્ર આ જ ભવમાં થઇ શકે છે. ઇન્દ્રોને આ માનવભવ મેળવવાની ઝંખના છે અને જેમને આ ભવ મળ્યો છે તેમને (એટલે કે તમને) એની કિંમત નથી. તપસ્વી, સંયમી અને અહિંસક બને તેવો માનવભવ સફળ થાય. કેમકે આ ત્રણેય પદ આ જ ભવમાં મેળવી શકાય છે. સુખદુઃખ પોતાના જ કર્મોથી મળે છે. લક્ષ્મી બૂરી છે, દાન સારું છે. સંસારની સામગ્રી મેળવવાની ઈચ્છા અને તે માટેના પ્રયત્નો પાપ છે, ઈચ્છાના મિત્ર બનવાને બદલે તેના વૈરી બનવા જેવું છે. અનંતકાળે મળેલી શક્તિનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કરીશુ તો એ શક્તિ ફરી ક્યારે મળશે તે કહી નહીં શકાય. આ દરેક વાતો ખ્યાલમાં લઈને જીવનને સંપૂર્ણ ધર્મમય બનાવી દો.
૨૦ . કરાડ : મહા સુદ ૧૪
આજે સંઘનું પ્રયાણ હતું. ગઈકાલના વ્યખ્યાનનું આજે આહલાદક અનુસંધાન થયું હતું. આજે સંઘના યાત્રાર્થીઓ અને આગંતુકોની નવી ભીડ થઇ હતી. વ્યાખ્યાન હરરોજની જેમ જ સમયસર શરૂ થયું હતું. મંગલાચરણ પછીની થોડી જ ક્ષણોમાં વ્યાખ્યાનવાચસ્પતિ સૂરિદેવનો જાદુ સભા પર સર્વાંશે છવાઈ ગયો હતો.
સારાંશ :
માનવભવની સફળતા માટે જીવનમાં સદાચાર જોઈએ. ઈચ્છાનિરોધ એ સદાચારનો પાયો છે. ઈચ્છા નિરોધરુપ તપ દ્વારા અહિંસા અને સંયમનું પાલન પણ સારામાં સારી રીતે થાય છે. ભગવાનને આપેલી દ્રષ્ટિ મુજબ પોતાના જીવનની પરીક્ષા માનવી પોતે જ કરે તો એનું કામ થઇ જાય. આત્મગુણોને અને આત્મસ્વરૂપને જે ખીલવી નથી શકતા તેવા પદાર્થોની ઈચ્છા પર કાબુ રાખવો, એવી ઈચ્છાઓ ઘટાડવી અને દૂર કરવી તે ખરો તપ છે. એ તપ આવે તો માનવી મહાત્મા બની જાય. આ તપ મેળવવાની ઈચ્છા જાગે તોય માનવી સાચો માનવ બની જાય. આ તપ મેળવવાની ઈચ્છા ન હોય તો માનવી હેવાન બની જાય. આ તપની સાધના કરનારો નિષ્પાપ બની જાય છે. આપણો આદર્શ સુખ મેળવવાનો છે અને તે સુખ, દુઃખના અંશ વિનાનું, સંપૂર્ણ અને અવિનશ્વર હોવું જોઈએ તેવું આપણે માન્યું છે. દુનિયામાં આવું સુખ કોઈ પદાર્થ આપી ન શકે માટે જ એની ઈચ્છા છોડવા જેવી છે. આજે સુખ મેળવવાનો આ સાચો પ્રયત્ન કરવા કોઈ તૈયાર નથી. સ્વાર્થ માટે સારા બને છે, આત્મા માટે લગભગ નથી બનતા આ કારણે પાપો વધે છે. જનાવર કરતા મનુષ્યો વધારે પાપ કરે છે, વધારે પાપ ફેલાવે છે અને વધારે પાપ કરાવે છે. કર્મસત્તાથી છૂટવું હોય તો આ ધંધા બંધ કરવા પડશે. એક જ સૂત્ર યાદ રાખવા જેવું છે : મુક્તિમાં દુઃખ નહીં અને સંસારમાં સુખ નહીં. ધર્મસતા માથે રાખીશુ તો દુઃખ માત્ર ટળશે અને સુખ માત્ર મળશે.
‘આથી જ્ઞાનીઓની આજ્ઞા મુજબ વર્તવામાં ઉદ્યમશીલ બનો અને એ દ્વારા દુઃખના લેશથી રહિત, સંપૂર્ણ અને કોઈ કાળે નહીં જનારા સુખને પામો, એ જ એક શુભાભિલાષા’
આ શબ્દોની સાથે આ ગ્રંથનું સમાપન થાય છે. પણ વાંચનારના મનોમંથનની નવેસરથી શરૂઆત થાય છે. પોતાની સાચી ફિકર કરવાનું મન અવશ્ય થાય છે.
શ્રી લક્ષ્મણ રઘુનાથ ભીડે – આ ગ્રંથના યશસ્વી સંપાદક છે. પ્રવચનગ્રંથો તો પહેલા પણ પ્રકાશિત થયા હતા. આ ગ્રંથની વિશેષતા હતી દૈનિક અહેવાલ. રોજરોજની વિગતો વાંચવાનો નવો આનંદ આ જ ગ્રંથમાં મળે છે. વિહારની તકલીફો અને વિટંબણા વાંચવા મળે છે તો, જૈનેતર અને દિગંબર વિદ્વાનો સૂરિભગવંતની વ્યાખ્યાનધારાથી અભિભૂત થઈને જે બહુમાનભાવ વ્યક્ત કરતા તે પણ માણવા મળે છે. જાણે એ ભૂતકાળ આંખ સામે સજીવન થાય છે.
અમારું વિ. સં. ૨૦૫૫ નું ચાતુર્માસ કલકતા – ભવાનીપુરમાં થયું ત્યારે આ ગ્રંથનાં પુનઃ પ્રકાશનને ગતિ મળી . પરમ પૂજ્ય પરમ વિદ્વાન્ વડીલબંધુ મુનિરાજ શ્રી વૈરાગ્યરતિ વિજયજી મહારાજને પરમતારક સૂરિભગવંતના અનન્ય ભક્ત સુશ્રાવક શ્રી શાંતિલાલ ઉમેદચંદ શેઠે આ ગ્રંથ પુનઃસંપાદિત કરી પ્રકાશિત કરવાની પોતાની ભાવના જણાવી હતી . અનંતઉપકારી સૂરિભગવંત , સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્દવિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા તથા બહુશ્રુત પૂજ્યપાદ મુનિરાજશ્રી સંવેગરતિ વિજયજી મહારાજાની કૃપા બળે આજે આ પુનઃસંપાદન સાકાર થયું છે .
આ ગ્રંથના પ્રવચનદાતાર સૂરિભગવંત માત્ર મહારાષ્ટ્રના નહીં બલ્કે ભારતભરના અસંખ્ય આત્માના ઉદ્ધારક હતા. એમના શબ્દો, એમની પ્રેરણા, એમની આજ્ઞા, એમની દરેક પ્રવૃત્તિ ઉદ્ધારકાર્યમાં રમમાણ હતી. એમના આ પ્રવચનો દ્વારા અનેકાનેક આત્માઓની સાથોસાથ આપણો એકલવાયો આત્માય ઉદ્ધાર પામે એ જ શુભઅભિલાષા.
– વિ.સં. ૨૦૫૬ , મહાસુદ ૭ , રાજગૃહી તીર્થ
તમારામાં કોઈ નબળાઈ હોય એવું બની શકે છે . તમે તમારી નબળાઈની સામે લડ્યા હશો . એકાદ નબળાઈએ તમને હરાવ્યા હશે . તમે એ નબળાઈની સામે લડવાનું છોડી દીધું હશે . તમે એવું માની જ દીધું હશે કે આ નબળાઈની સામે હું લાચાર છું . તમે ગુરુ સાથે ચર્ચા કરો , તમારી નબળાઈ બાબતે અને તમારી લાચારી બાબતે . ગુરુ ખોટી રીતે જબરદસ્તી કરવાના નથી . છતાં એટલું ચોક્કસ છે કે તમને તમારી નબળાઈની સામે લડવામાં ગુરુ સહાયક અને માર્ગદર્શક બનશે જ .
દીક્ષા થતાવેંત સૌપ્રથમ પાંછિયાની પોળમાં , પરિવારને સમાચાર પાઠવી દીધા ગુરુદેવે . પરિવારને જાણે વીજળીનો ઝટકો લાગ્યો . પિતા , માતા , ભાઈઓ અને બહેનો , સૌ અવાચક . દોડતા આવ્યા , જહાંપનાહની પોળે . ગુરુભગવંતે પરિવારજનોને સમજાવ્યા , સંભાળ્યા . રતિલાલની ધાર્મિક લાગણી અને વૈરાગ્ય ભાવના પરિવારે નજીકથી જોઈ હતી , અનુભવી હતી . રતિલાલ દીક્ષા લેશે એવી ધારણા હતી સૌને . દીક્ષા આ રીતે થઈ જશે એવી કલ્પના નહોતી . પિતાજી પ્રેમચંદભાઈએ શ્રી દાન સૂરીશ્વરજી મહારાજાને લાગણીપૂર્વક ફરિયાદ કરી હતી કે : ‘ સાહેબ , એકવાર કહેવું તો હતું , અમે બધા ઠાઠમાઠથી દીક્ષા કરાવત . દીક્ષાની ખુશી થઈ પણ ઉત્સવ ના થયો એનો અફસોસ . ઘેર આટલા પૈસા પડ્યા છે તે દીક્ષાની અનુમોદનામાં વપરાયા હોત , પણ રહી ગયું . ‘
એમની આંખમાં આંસુ હતાં . સ્વયં પ્રેમચંદભાઈએ પોતાની દીક્ષા ન થાય ત્યારસુધી છ વિગઈઓનો ત્યાગ કરેલો હતો . એમના પુત્ર હોવા છતાં રતિલાલને છ વિગઈઓ વિનાનું ભોજન બિલકુલ ફાવતું નહીં .
અમદાવાદ લાખો ધર્માત્માઓની અને ધર્મપ્રેમીઓની નગરી છે . વર્ષભરમાં જે ધાર્મિક પર્વો આવે તે અમદાવાદની પોળોમાં ઉજવાય જ . ચૈત્ર માસ અને આસો માસની ઓળીમાં પોળે પોળે આંબેલનાં રસોડા મંડાય . આંબેલનાં તપસ્વીઓ પોતપોતાની પોળમાં જ આંબેલ કરે . ૫૦ , ૧૦૦ કે ૨૦૦ આંબેલ એક એક દિવસે થાય . આંબેલના તપસ્વીઓની ભક્તિ કરવામાં સૌને ભાગ લેવો હોય . કોઈ લાભાર્થી બને , કોઈ રસોડાની વ્યવસ્થા સંભાળે , કોઈ પીરસવામાં જોડાય . થાય તો , ઓળીમાં આંબેલ કરવા જોઈએ , આંબેલ ન કરી શકીએ તો આંબેલના તપસ્વીઓની ભક્તિ કરવી જોઈએ . આદર્શ આ રહેતો . પાંછિયાની પોળમાં થનારાં આંબેલમાં પીરસવા માટે રતિલાલ જતો . એને આંબેલના તપસ્વીઓ માટે ઘણો આદર રહેતો . એનું કારણ એ હતું કે એને આંબેલની રસોઈ ભાવતી નહોતી . ઘી , તેલ , દૂધ , દહીં અને ગોળ કે સાકર વગરની ફીક્કી રસોઈની વાસ પણ રતિલાલથી સહન થતી નહીં . એને થતું કે આવી રસોઈ આ તપસ્વીઓ કેવી રીતે આરોગી શકે છે ? આંબેલખાતામાં બનેલી વાનગી એને ડરામણી લાગતી . જોતાવેંત ઊલટી ચડતી . એણે આ ઉબ ઓછી કરવા , ચૈત્રથી આસો સુધીમાં અને આસોથી ચૈત્ર સુધીમાં ઘણી કોશિશ કરી હતી . દરેક કોશિશ નિષ્ફળ રહી હતી . એવું માની લીધું કે હું આંબેલ કરી જ ન શકું . એકાસણું થઈ શકે , ઉપવાસ થઈ શકે પણ આંબેલ ? ના . ના . ના . આંબેલનું નામ લેવાનું જ નહીં . આંબેલથી દૂર રહેવું એ રતિલાલની
નિયતિ હતી જાણે .
એ રતિલાલ હવે નૂતનદીક્ષિત મુનિ શ્રી રાજવિજયજી મ. બને એટલે અચાનક આંબેલ કરવાની અનુકૂળતા જાગૃત થઈ જાય એવું કેવી રીતે બને ? દીક્ષા પૂર્વે આંબેલ કરવાનું ફાવતું નહીં એમ દીક્ષા બાદ પણ આંબેલ કરવાનું ફાવતું નહોતું . મહાવ્રતપાલન ઘણું જ કઠિન છે . એ સહજ રીતે જીવનસાત્ થઈ ગયું . પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહેજેય સરળ નથી , એ આત્મસાત્ કરી લીધી . આંબેલ સાથે આત્મીયતા બની શકી નહીં .
દીક્ષાના દિવસે જ ચોમાસું બેઠું હતું . વડીદીક્ષા ચોમાસા બાદ થઈ હતી , એની માટે જોગ કરવાના હતા અને જોગમાં એકાંતરે દિવસે આંબેલ કરવાના આવે . શ્રી રાજવિજયજી મ.એ ગુરુભગવંતને કહ્યું કે ‘ સાહેબ , હું આંબેલના દિવસે ઉપવાસ કરવા તૈયાર છું . જેટલા આંબેલ આવશે એ બધા જ ઉપવાસથી કરીશ . પણ સાહેબ મને આંબેલ કરાવશો મા . મારાથી આંબેલ થતું જ નથી . ‘
ઉપવાસ કરવાની ભાવના સારી ગણાય . આંબેલથી દૂર ભાગવાની વાત ખોટી . ગુરુભગવંતે કહ્યું , આંબેલ કરવાનું એટલે આંબેલ જ કરવાનું . થાય છે કે નથી થતા તે જોઈ લેશું .
અને આંબેલનો દિવસ આવ્યો , આંબેલનો દિવસ આવ્યો . આંબેલ કરવા બેઠા . સામે પાત્રામાં આંબેલની વાનગીઓ જોઈ . એની વિગઈ વિનાની વાસ નાકમાં આવી અને ઉબકા શરૂ થઈ ગયા . એક ટુકડો રોટલી અને એક ઘૂંટડો મગનું પાણી લીધું એટલામાં જ ઊલટી જેવું થવા લાગ્યું . ગુરુદેવે પીઠ પર હાથ પસવારીને હિંમત આપી . શ્રી રાજવિજયજી મ. ને અકળામણને લીધે આંખમાં પાણી આવી ગયા . આવતું આંબેલ ઉપવાસથી જ કરવું છે એવો વિચાર બન્યો . એકાંતરે દિવસે ફરીથી આંબેલ આવ્યું . ફરીથી ઊલટી . ફરીથી અકળામણ . આવું દરેક આંબેલ વખતે બનતું એટલે આંબેલની રસોઈને બદલે ખાખરા-ચણા-મમરાથી આંબેલ કરવા માંડ્યા . પરાણે જોગ પૂરા થયા . વડીદીક્ષા પણ થઈ ગઈ . હવે આંબેલનું કામ પડતું નહીં પરંતુ ગુરુદેવ થોડા થોડા દિવસે આંબેલ જરૂર કરાવતા . જે દિવસે આંબેલ હોય તે દિવસે શરીરને મોટી તકલીફ થાય જ . આ સિલસિલો દીક્ષા પછીનાં ત્રણ વરસ સુધી ચાલુ રહ્યો . પછી એક દિવસ વગર આંબેલે એવી તબિયત બગડી કે ઈલાજ કરનાર દાક્તરે પણ હાથ ઉપર કરી લીધા . ( ક્રમશઃ )
આત્મવિશ્વાસની કમી ન હોવી જોઈએ . પ્રવૃત્તિ કરવાની શક્તિ હોય , અનુકૂળતા હોય , ઈચ્છા હોય પરંતુ આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે પ્રવૃત્તિ સુધી પહોંચી શકાતું નથી . તમારો હાથ ગુરુના હાથમાં હોવો જોઈએ . ગુરુ તમારા આત્મવિશ્વાસનો હિસાબ રાખે છે . વધારે પડતો આત્મવિશ્વાસ સારો નથી . ગુરુ આત્મવિશ્વાસને એ રીતે ઉછળવા દેતા નથી . કમજોર વિશ્વાસ સારો નથી . ગુરુ આત્મવિશ્વાસને એ રીતે તૂટવા દેતા નથી . ગુરુ વિનાનો ધર્માત્મા આત્મવિશ્વાસનું વ્યવસ્થાપન કરવામાં નિષ્ફળ નીવડે છે . ગુરુને માથે રાખનારા ધર્માત્માના આત્મવિશ્વાસનું વ્યવસ્થાપન ગુરુ દ્વારા થાય છે . એમાંંથી તૈયાર થાય છે અર્જુન જેવા હોનહાર વિદ્યાર્થી .
અષાઢ સુદ તેરસની રાતે રતિલાલને ઊંઘ નહોતી આવી. સતત વિચારો ચાલતા રહ્યા હતા. આ ઉતાવળ હતી ? ખરેખર ? કે પછી લક્ષ્ય માટેનો ઉપેક્ષાભાવ હતો ? મન માની રહ્યું ન હતું . કોઈ સારું કામ કરવું એ એક વાત છે. કામ હોય તે કરી લેવાય . કામ અધૂરેથી છોડવાનું પણ થાય , ક્યારેક કામ કરતાં ન આવડે એવું પણ બને . કામ માથે લઈએ તો જ કામ થાય . આ વાત એની જગ્યાએ બરાબર હતી . પરંતુ દીક્ષા એ કોઈ કામ નથી . દીક્ષા એક નિર્ણય છે . દીક્ષા એક ભગીરથ પુરુષાર્થ છે , અંદર અને બહાર ચાલનારો પવિત્ર પુરુષાર્થ . દીક્ષા માટે મનનું તૈયાર હોવું જરૂરી છે અને દીક્ષા માટે પાત્રતા હોવી પણ આવશ્યક છે . ગુરુ ભગવંતને લાગતું હતું કે એનામાં પાત્રતા છે . ખુદ એને પોતાનામાં વિશ્વાસ ઓછો હતો . એવું પણ હોય કે તે થોડોક સમય રાહ જોવા માંગતો હતો. ગુરુ ભગવંતે અષાઢ સુદ ચૌદસનું મુહૂર્ત ફરમાવી દીધું હતું . પરંતુ તેને લાગતું હતું કે આટલા જલ્દી દીક્ષા ન લેવાય. તે અંદરથી માનતો હતો કે મારે દીક્ષા લેવી જ છે. બીજી તરફ પ્રશ્ન હતો કે મારું મન હજી વૈરાગી રંગ થી પૂરેપૂરું રંગાયું છે કે કેમ ? એટલે દીક્ષા હમણાં લઈ શકાય નહીં આ એક જ વિચાર ચાલતો રહ્યો રાતભર . નક્કી કર્યું કે ” સવારે ગુરૂ ભગવંત પાસે જઈને ના જ પાડી દેવી છે . “
જો કે સંકોચ ઘણો થઈ રહ્યો હતો . ના કહી દેવાનું સહેલું ન હતું પરંતુ છૂટકો ન હતો. પૂરેપૂરા આદરપૂર્વક ના કહી દેવાનું પાક્કું જ હતું . તકેદારી એ લેવાની હતી કે ગુરુને નારાજ કરનારા શબ્દો બોલી દેવાય નહીં . સવારે એણે જહાંપનાહની પોળના ઉપાશ્રયમાં પગ મૂક્યો . હજી તો એ કંઈ બોલે તે પૂર્વે જ ગુરુ ભગવંતે બોલવાનું શરૂ કરી દીધું હતું . એ વચ્ચે બોલવાની જગ્યા શોધતો રહ્યો . પણ ગુરુ ભગવંતે એની વાત શરૂ જ ન થવા દીધી . ગુરુએ તેને દેવવંદનની ક્રિયા કરવાનું કહ્યું અને એને એ ક્રિયા કરવી જ ન હતી . ગુરુએ તેને વિધિમાં જોડાવા કહ્યું અને તેને એ વિધિથી દૂર રહેવું હતું . બે-અઢી કલાકની લાંબી ક્રિયામાં તેને જોડાઈ જવું પડ્યું . જેની માટે એ તૈયાર ન હતો એ પ્રવૃત્તિમાં તેનું જોડાણ થઈ ગયું . જેનાથી એ દૂર ભાગતો હતો એ તત્ત્વ જ સામે ચાલીને તેને ભેટી પડ્યું. તેની દીક્ષા થઈ ગઈ .
દીક્ષાધર્મના ઇતિહાસમાં કદાચ , આ પહેલી દીક્ષા એવી હતી જેમાં દીક્ષાર્થી દીક્ષા લેવાની ના પાડવા આવ્યો હતો અને ગુરુએ એની ના સાંભળી જ નહીં . ભૂલ થઈ હતી એવું પહેલી નજરે લાગે પરંતુ ભૂલ થઈ ન હતી. બલ્કે ઈતિહાસ સર્જાયો હતો. એ દીક્ષા થઈ તેને લીધે એક અજોડ તપસાધનાનું સોનેરી પ્રકરણ શરૂ થયું હતું . વિ.સં. ૧૯૯૦ની એ સાલ હતી . અઢાર વરસની યુવાવયે રતિલાલની દીક્ષા થઈ . એ દીક્ષાની ના પાડવા આવેલો અને એને દીક્ષા લેવી જ પડી , શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના હાથે .
પ્રશ્ન એ થાય કે શું આ રીતે દીક્ષા આપી શકાય ? જવાબમાં સામો પ્રશ્ન છે કે તમારામાં દીક્ષા લેવાની શક્તિ હોય , ભાવના હોય તો પછી દીક્ષા લેવામાં વિલંબ કરી શકાય ખરો ? દીક્ષા ન લેવાનાં હજાર કારણો મળી આવશે એટલે શું દીક્ષા લેવાની જ નહીં ? તમારામાં દીક્ષા લેવાની શક્તિ હોય , ભાવના હોય અને પાત્રતા હોય ત્યારે જ ગુરુ તમને દીક્ષા આપે છે . જેનામાં દીક્ષા લેવાની શક્તિ ન હોય , ભાવના ન હોય અને પાત્રતા ન હોય એણે દીક્ષા લેવાય જ નહીં અને એને દીક્ષા અપાય પણ નહીં આ એક સત્ય હકીકત છે . એની જેમ બીજી સત્ય હકીકત એ છે કે જેનામાં દીક્ષા લેવાની શક્તિ હોય , ભાવના હોય અને પાત્રતા હોય તેણે દીક્ષા લેવાની બાબતમાં વિલંબ કરવો જોઈએ નહીં . શ્રી દાન સૂરીશ્વરજી મહારાજા અને શ્રી પ્રેમવિજયજી મહારાજાએ રતિલાલમાં દીક્ષા લેવાની શક્તિ પણ જોઈ હતી , ભાવના પણ જોઈ હતી અને પાત્રતા પણ જોઈ હતી . એમને ખબર હતી કે પરિવાર દીક્ષા માટે હા હા કરતો રહેેેશે પણ દીક્ષા થવા દેશે નહીં . ના કહીએ તો દલીલબાજી થાય એટલે પરિવાર ના પાડતો નહીં . પૂછવામાં આવે તો વાત ટાળી દેતો . આવું જ ચાલતું રહેતું . આમાં એક રસ્તો બચ્યો હતો . અચાનક દીક્ષા . રતિલાલ પરિવારના ભરોસે દીક્ષાની રાહ જોતો રહે એવું હવે ન ચાલે . એક તરફ રતિલાલ પર કડક થવાનું હતુું . બીજી તરફ એમના પરિવારને ઝટકો આપવાની જરૂર હતી કે એક ભદ્રપરિણામી આત્માને ક્યાર સુધી રોકી રાખવાનો ? પરિવાર જૈૈન શાસનને સમર્પિત હતો , ઘરમાં અન્ય ચાર સંંતાનો પણ હતા . થોડી નારાજગી બાદ તેઓ નવી પરિસ્થિતિને સ્વીકારી જ લેવાના હતા .
ગુરુએ લીધેલ નિર્ણયને લીધે બન્યું એવું કે ઈતિહાસનાં ૨૫૦૦ વરસોમાં જે જોવા મળ્યું નહોતું તે બધું આ દીક્ષા બાદ મુનિશ્રી રાજવિજયજી મ.ની તપસાધના રૂપે સકલ શ્રી સંઘને જોવા મળ્યું હતું . એ દીક્ષા થઈ ન હોત તો તપસાધનાનો નવોનક્કોર ઈતિહાસ લખાયો જ ન હોત . જોકે દીક્ષાના પ્રથમ દિવસથી જ નૂતનદીક્ષિતને એક એવી કમજોરી પરેશાન કરી રહી હતી જે તપમાં અવરોધ બનતી હોય છે . ( ક્રમશઃ)
