૧.
રસ્તા પર ગાયનું ધણ ઉતરી આવ્યું હતું . હું પાછળ ચાલતો હતો , ધણ આગળ ચાલી રહ્યું હતું . કોઈ બચ્ચા હતા , કોઈ વૃષભ , બાકીબધી ગાય . શુકનિયાળ પશુઓનાં ગળામાં ઘંટડીઓ બાંધી હતી તે સતત રણકી રહી હતી. એમના પગની ખુરા જમીન પર ટકરાતી હતી એનો એકધારો અવાજ લય રચી રહ્યો હતો . કોઈ સારા સમાચાર આપવા કે સાંભળવા નીકળ્યા હોય એવી ઉતાવળ હતી એમનામાં . આસપાસ જંગલ હતું . રસ્તા પર વાહનોની અવરજવર નહોતી . છવ્વીસસો વરસ પહેલાનું ક્ષત્રિયકુંડ , જાગી ઊઠ્યું હતું . આશરે દોઢ બે કિલોમીટર સુધી ગાયનું ધણ સાથે રહ્યું . એક વળાંક આવ્યો , ધણ આગળ નીકળી ગયું , અમે ફંટાયા . દૂર જઈ રહેલા ગોધણનો અવાજ કાને આવતો રહ્યો .
ક્યાંક કોયલ બોલી રહી હતી . મનમાં હરખ સમાતો નહોતો . હું આજે ક્ષત્રિયકુંડની ભૂમિ પર હતો . ૩૦.૧૨.૨૦૨૪ના દિવસે ઋજુવાલિકાથી વિહાર થયો હતો . ૩.૧.૨૦૨૫ ના દિવસે ક્ષત્રિયકુંડની ભૂમિ આંખો પર પથરાઈ હતી . વચ્ચેના ગામ , પચંબા + ચિત્રડીહા + ચકમંજો + ચંદૌરી + ઢોંગાચટ્ટી . આ રસ્તે લછવાડ નથી આવતું બલ્કે સીધું ક્ષત્રિયકુંડ પહોંચાય છે . ત્રણ જાન્યુઆરીની સવાર અલૌકિક હતી .
વીર પ્રભુએ પ્રથમ શ્વાસ આ ભૂમિના વાત – આવરણમાંથી લીધો હતો . વીર પ્રભુના ઉચ્છ્વાસની પ્રથમ સુગંધ આ ભૂમિ પર વિસ્તરી હતી. નવજાત શિશુ રડ્યું ન હોય એવું આ ભૂમિને પહેલી વાર જોવા મળ્યું હતું . ચૈત્ર સુદ તેરસની રાતે દિશા કુમારી , ચોસઠ ઇન્દ્રો અને બત્રીસ કોડી કનક મણિ માણેકની ઘટના . સવારથી મંડાયો બાર દિવસનો કુલમર્યાદામહોત્સવ . મહોત્સવના અંતે માતાપિતાએ નામ જાહેર કર્યું હતું : વર્ધમાન . વીર ઝૂલે અને ઝૂલે મહાવીરજી જેવાં ગીતોનો પ્રસંગ અહીં સાક્ષાત્ આકાર પામ્યો હતો . સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે – હોય કે ચક્રવર્તીનું તેજ ધરી સિદ્ધારથ રાજા આવ્યા રે – હોય આ ભૂમિ પર એ ગીત રોજેરોજ સજીવન બનેલાં રહેતાં . જેનું વર્ણન ગીતમાંય અદ્ભુત લાગતું હોય એ વ્યક્તિમત્તાઓ સાચેસાચ આ ભૂમિ પર શ્વાસ લેતી હશે ત્યારે કેવી લાગતી હશે ? ત્રિશલા માતાએ ચૌદ સપનાં જોયાં એ પહેલાંનું વાતાવરણ પણ કમાલ જ હશે ને ? રાજકુમાર નંદીવર્ધનનું બાળપણ કેવું હશે ? રાજકુમારી સુદર્શનાનો બાલ્યકાળ કેવો હશે ? રાજમહેલમાં દાસી પ્રિયંવદાનું સેવિકા તરીકેનું પદાર્પણ કંઈ ઉંમરે થયું હશે ? સિદ્ધાર્થ રાજાનો રાજ્યાભિષેક કેવો થયો હશે ? આ બધા સવાલોના જવાબમાં લાંબી કલ્પનાઓ દોડી રહી હતી .
જીવનના એકેએક શ્વાસ ઉપર જે પ્રભુનો હક છે એ પ્રભુએ આ ભૂમિ પર પ્રથમ શ્વાસ લીધો . જીવનની એકેએક ક્ષણ સાથે જે પ્રભુએ ચૈતન્ય જોડ્યું છે તે પ્રભુનાં જીવનની પ્રથમ ક્ષણ કલ્યાણક બનીને અહીં ઉગી . એક ક્ષણમાં આપણે ખુદને પણ સુખ આપી શકતા નથી અને અન્ય કોઈને પણ નહીં . પ્રભુએ એક ક્ષણમાં ત્રણ લોકને સુખ આપી દીધું . જે આખી દુનિયાને સુખ આપી શકે એ આત્મા સ્વયં કેટલોબધો સુખી હશે ? અને જે અવતરણની કે જન્મની પહેલી જ ક્ષણે આટલો બધો સુખી હોય તે આગળનાં જીવનમાં કેટલો મોટો સુખી થયો હશે ? સમજવાની વાત છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ અનંત સુખની પ્રસ્તાવના તરીકે આર્હન્ત્યનું સુખ જોયું છે . આર્હન્ત્ય એટલે અપરિસીમ ઊર્જા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઉર્જા છે . આર્હન્ત્ય એટલે પરમોત્કૃષ્ટ પવિત્રતા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ પવિત્રતા છે . આર્હન્ત્ય એટલે અધધધધધધધ શક્તિ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ શક્તિ છે . આર્હન્ત્ય એટલે સકલ વિશ્વવ્યાપિની કરૂણા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ કરુણાનાં જીવંત સ્પંદન છે . આર્હન્ત્ય એટલે વિશ્વ ઉદ્ધારક બળ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ બળ સિંચાયેલું છે . આર્હન્ત્ય એટલે એવી અપરાજેય નિર્લેપતા જે રાગને અને દ્વેષને ખતમ કરીને જ જંપે છે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ નિર્લેપતાની ઝાંખી છે . નંદન મુનિના ભવમાં એ આર્હન્ત્ય નિર્ધારિત થયું . આર્હન્ત્ય એટલે પાતાલલોક , માનવલોક અને દેવલોક પરનું આધિપત્ય . भूर्भुवस्स्वस्त्रयीशानम् , સકલાર્હત્ સ્તોત્ર ફરમાવે છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ એ આધિપત્યનો પરમ સ્પર્શ મેળવ્યો છે . ક્ષત્રિયકુંડની ભૂમિ એ આર્હન્ત્યની ભૂમિ છે . આર્હન્ત્ય કાયા રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાન્ . એ કાયા જે ભૂમિને સ્પર્શે એ ભૂમિમાં અસંખ્ય તીર્થોનું ઘન તત્ત્વ અવતરે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઘન તત્ત્વ વસે છે . આર્હન્ત્ય વાણી રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાનનો અમૃતનિ:સ્યંદી અવાજ . એ અવાજ જ્યાં ગુંજે ત્યાં પાવનતા પાંગરતી આવે . ક્ષત્રિયકુંડની હવામાં એ પાવનતાના અણુ પરમાણુ વસે છે . આર્હન્ત્ય ભાવના રૂપે સ્ફુરણા પામ્યું એ વર્ધમાન ભગવાનનો વૈરાગ્યવાહી વાત્સલ્ય ભાવ . એ વાત્સલ્ય જેમને જેમને મળે એનો આત્મા ધન્ય બની જાય . ક્ષત્રિયકુંડનાં વાતાવરણમાં એ વાત્સલ્ય આજે પણ અકબંધ જીવે છે . અહીં જે આવે તે ધન્ય બની જાય છે . આજે આર્હન્ત્યની આ ભૂમિને નજરથી નિહાળવાની છે , શ્વાસથી જુહારવાની છે , કાયાથી સ્પર્શવાની છે , આંગળીઓથી અડકવાની છે , લાગણીઓથી વધાવવાની છે . એમ લાગે છે આજે જીવનને અભિનવ અવતાર મળવાનો છે . વિચારોમાં ને વિચારોમાં મારગ ઝડપભેર પસાર થઈ ગયો .
દૂરથી વૈભવવંત વર્ધમાનાલય એટલે કે જન્મભૂમિનું જિનાલય દેખાયું . જ્યાંથી દેખાયું ત્યાં જ જમીન પર ઘૂંટણ / મસ્તક ટેકવીને ત્રણ ખમાસમણ આપ્યાં . નાનું ચૈત્યવંદન કર્યું . પ્રભુની ખૂબ બધી સ્તવના કરી . આંખોમાં આનંદના અશ્રુ અને કાયામાં રોમાંચનાં સ્પંદન સાથે પ્રભુનાં ધામ તરફ પ્રસ્થાન આદર્યું . પ્રભુની જન્મભૂમિની સ્પર્શના તો પહેલાં કરી હતી પરંતુ આમૂલચૂલ જીર્ણોદ્ધાર પછી પ્રથમવાર પ્રભુનાં ધામને નિહાળવાનું હતું . અહોભાવ અને આત્મીય ભાવ , ડાબા જમણા શ્વાસની જેમ એક સાથે ચાલી રહ્યા હતા . ગગનોત્તુંગ વર્ધમાનાલય નજીક આવતું ગયું એમ એની ભવ્યતા આંખોને ઘેરતી ગઈ . જૂનું જિનાલય યાદ હતું . એ જિનાલય ગમતું પણ હતું . પરંતુ જિનાલય નાનું છે એ ધ્યાનમાં હતું . એક તરફ અફસોસ હતો કે જૂનું જિનાલય હવે જોવા નહીં મળે . બીજી તરફ હરખ હતો કે જન્મભૂમિને અનુરૂપ વિશાળ જિનાલય જોવાનો લાભ મળશે . વર્ધમાનાલયની સમક્ષ પહોંચતા પહેલાં રાજ્ય સરકારનું લશ્કરી થાણું જોવા મળ્યું . ભારતમાં જૈન તીર્થો ઘણાં છે પરંતુ ક્ષત્રિયકુંડનું વર્ધમાનાલય કદાચ , એકમાત્ર એવું જિનાલય છે જેની સેવામાં બારેય મહિના રાજ્ય સરકારનું લશ્કર રહે છે . રાજ દરબાર આને જ કહેવાય . સિદ્ધાર્થ રાજાના મહેલની આસપાસ આવી જ રીતે લશ્કર રહેતું હશેને ? જીર્ણોદ્ધાર ચાલુ હતો તે વખતે ભગવાન્ ચોરાઈ ગયા હતા અને પછી પાછા પણ મળી આવ્યા હતા . ત્યારબાદ રાજ્ય સરકારે બારેબાર મહિના માટે અહીં લશ્કરી થાણું સ્થાપી દીધું હતું .
અચાનક , નજર સમક્ષ ઊંચું પ્રવેશદ્વાર આવ્યું . મહારાજાધિરાજાનાં પ્રાંગણનું ગોપુરમ્ . ગોપુરમ્ ની અંદર ભવ્ય ચોગાન . ચોગાન પર પ્રચંડ પડછાયો પાથરતું પ્રભુનું આકાશોન્નત ધામ . શિખર એટલું ઊંચું કે શાલિભદ્રની હવેલી વામણી લાગે . જિનાલયનો પથ્થર એવો ઉજળો કે મોતીચૂર્ણનું લિંપણ વર્તાય . વર્ધમાનાલયમાં પગ મૂકો એટલે એમ જ લાગે કે પાંચમાં આરામાંથી ચોથા આરામાં આવી ગયા . સામોસામ દેખાય સાક્ષાત્ દેવાધિદેવ . ચાલતા ચાલતા ગભારા સુધી પહોંચો , ઉંબરો ઓળંગી ગભારામાં આવો એટલે સમજાય કે આપણે એક અવર્ણનીય ઊર્જામંડળમાં પ્રવેશ કર્યો છે . ત્રિલોકપૂજિત પ્રતિમામાંથી એવું ઓજસ નીતરે છે કે રોમેરોમમાં અજાયબ શીતલતા પસરી જાય .
પ્રભુની મૂર્તિને શ્રદ્ધાની નજરે જુઓ છો ત્યારે દરેક મૂર્તિ સુંદર જ લાગે છે . કળાની દૃષ્ટિએ જોવા માંડીએ ત્યારે અમુક મૂર્તિ વિશેષ સુંદર લાગે છે . નાલંદાના શાંતિનાથ ભગવાન્ . કાંગડાના આદિનાથ ભગવાન્ . અચલગઢના એક ભગવાન્ . પિંડવાડાના સીમંધર ભગવાન્ . આવી અનેક અનેક કળાત્મક મૂર્તિઓમાં સર્વશ્રેષ્ઠ છે લછવાડની શ્રી વર્ધમાન જિન જીવિત સ્વામી પ્રતિમા . એવું કહેવાય છે કે આ મૂર્તિ જ્યારે બની રહી હતી ત્યારે શિલ્પીની કાયામાં દેવો પ્રવેશ કરીને નિર્માણ કરતા . આ મૂર્તિ બની ગઈ તે પછી એવી દંતકથા પ્રચલિત થઈ કે આવી ને આવી બીજી મૂર્તિ બની શકશે નહીં . મૂર્તિનું એક પાસું છે કળા . રચનાકર્મની દૃષ્ટિએ જોવાથી સમજાય . આંખો લાંબી અને ધારદાર . આંખોની ઉપર ભ્રૂલતા ધનુષ્ય જેવી કમાનદાર . મસ્તકે વાળની જટાજૂટ વનરાજી સમાન . નાસિકા નમણી અને દેદીપ્યમાન . સુકોમળ હોઠ સંપુટ . હોઠના બે ખૂણે અર્ધ ચંદ્રાકાર ઊભો ખાડો , સ્મિતનું સર્જન કરે . ગાલ સપ્રમાણ રીતે ભરાવદાર . ઉપસી આવેલી હડપચી અને હોઠની વચ્ચે રેખાંકન , સમગ્ર મુખમુદ્રાને વિશ્વવિજયી વિશ્વાસથી સમૃદ્ધ બનાવે . કુંડલ જેવું આયત કર્ણયુગલ સ્કંધને સ્પર્શે .
મૂર્તિનું બીજું પાસું છે જીવંતતા . યોગીઓનો અનુભવ હોય છે કે મૂર્તિ બોલે છે , મૂર્તિ પ્રસન્નતા બતાવે છે , મૂર્તિ સવાલ પૂછે છે , મૂર્તિ ઉત્તર આપે છે , મૂર્તિ નારાજગી બતાવે છે , મૂર્તિ સાંત્વના આપે છે . શું ખરેખર આવું બને છે ? આ સવાલનો જવાબ પોતપોતાના અનુભવ પર આધારિત છે . પ્રાચીન સ્તવનોમાં યોગીઓના અનુભવ અંકિત છે . એ અનુભવોમાં એક અહેસાસ વહેતો હોય છે : મારી સામે મારા ભગવાન્ જીવંત બેઠા છે . લછવાડના મહાવીર પ્રભુ સામે ઊભા હોઈએ ત્યારે પ્રાચીન સ્તવનોમાં વસેલાં સ્પંદનોનો સ્રોત ભીતરમાં જાગી ઊઠે છે . પ્રભુએ આપણી વાત સાંભળી છે એવો આત્મસંતોષ . પ્રભુ કાંઈક કહી રહ્યા છે એવો ભાવ . પ્રભુ હંમેશા સાથ આપશે એવી સાંત્વના . બધું જ મળે છે . એક અહેસાસ વહેતો હોય છે : મારી સામે મારા ભગવાન્ જીવંત બેઠા છે . લછવાડના મહાવીર પ્રભુ સામે ઊભા હોઈએ ત્યારે પ્રાચીન સ્તવનોમાં વસેલાં સ્પંદનોનો સ્રોત ભીતરમાં જાગી ઊઠે છે . પ્રભુએ આપણી વાત સાંભળી છે એવો આત્મસંતોષ . પ્રભુ કાંઈક કહી રહ્યા છે એવો ભાવ . પ્રભુ હંમેશા સાથ આપશે એવી સાંત્વના . બધું જ મળે છે .
પ્રભુને ધ્યાનથી જોવા હતા , સતત જોવા હતા , અખંડ રીતે જોવા હતા . એક પ્રયોગ કર્યો . ગભારામાં એક ખૂણે ઊભા રહીને બોંતેર લોગસ્સ કાઉસગ્ગ શરૂ કર્યો. આંખો ભગવાનની આંખો સાથે જોડાયેલી હતી . પરંતુ યાત્રાળુઓ ઘણા હતા . વાસક્ષેપ પૂજા કરવા સૌ આવતા રહેતા હતા . બધાય વચ્ચે આવતા હતા . બોંતેર લોગસ્સનો કાઉસગ્ગ પૂરો થઈ ગયો પરંતુ પ્રભુને એકીટસે જોવાનું ના બન્યું . હું નિરાશ થયો . હું ખૂણાને બદલે આગળ આવ્યો . ભગવાનનાં ડાબા ઘૂંટણ તરફ , ભગવાનથી કેવળ આઠ ફૂટ દૂર , પગથિયાને અડીને હું ઊભો રહ્યો . રંગમંડપ ભક્તોથી ભરેલો હતો . ભક્તો એક પછી એક ગભારામાં આવી રહ્યા હતા પણ હું એ રીતે ઉભો રહ્યો કે વાસક્ષેપપૂજા કરનારાને અગવડ ના પડે અને મને ભગવાન્ સતત દેખાતા રહે . બીજી વખતનો બોત્તેર લોગસ્સનો કાઉસગ્ગ એકદમ સફળ રહ્યો . સતત ભગવાનની આંખોમાં નજર રહી . વાસક્ષેપ પૂજા કરનારાઓ પણ મારી ભાવના સમજતા હોય એ રીતે વચ્ચે આવવાથી દૂર રહ્યા . અરિહંતની આરાધના રૂપે કાઉસગ્ગ કર્યો તેણે સ્મરણસંસ્કારમાં ચિરકાળ માટે પ્રભુને બિરાજમાન કરી દીધા .
જૂનું ધામ જોયું હતું અને એટલે જ ગમતું હતું . જૂનું ધામ નાનું હતું પણ યાદ હતું . નવું ધામ જોવાનું બાકી હતું આથી જોયા પહેલાનું ગમતું હતું . પણ જોયા પછીનું ગમે એ રીતે ગમવાનું બાકી હતું . નવું ધામ જોંતાવેંત ગમી જશે એ પાક્કું હતું અને નવું ધામ પૂરેપૂરું યાદ રહી જાય એ જરૂરી હતું . આથી જ નવું ધામ ધારીને ધારીને જોયું હતું , પ્રદક્ષિણાઓ આપીઆપીને જોયું હતું , છેક શિખર પર ચડીને જોયું હતું , ધર્મશાળાના ધાબેથી જોયું હતું , દેવકુલિકાઓની ભમતીમાં જોયું હતું , ભમતીમાંથી જોયું હતું , જ્યાંથી દેખાય ત્યાંથી જોયું હતું , જે રીતે દેખાય એ રીતે જોયું હતું , જેટલું દેખાય એટલું જોયું હતું , સતત જોયું હતું અને સતત ગમ્યું હતું .
૨.
ફક્ત એક દિવસ રહેવાનું હતું . બીજા દિવસે વિહાર હતો . રાતે ફોન આવ્યો હતો . નવું ધામ બન્યું તેના માર્ગદર્શક પૂ.આ.શ્રીમદ્ વિજયનયવર્ધનસૂરીશ્વરજી મ.સા. તરફથી એક શ્રાવકનો ફોન , તીર્થના મેનેજર પર આવ્યો હતો . સૂરિ ભગવંત એ શ્રાવકને કહી રહ્યા હતા . એ શ્રાવક અહીના મેનેજરને કહી રહ્યા હતા . એ મેનેજર મને કહી રહ્યા હતા . જૂનું ધામ , નવું ધામ બન્યું અને નાનું ધામ વિશાળ ધામ બન્યું એની પાછળ સૂરિ ભગવંતનું જ માર્ગદર્શન હતું એની ઘણી ઘણી અનુમોદના કરી હતી . સૂરિ ભગવંતે પૂછાવડાવ્યું હતું કે દીવાલ પર પ્રશસ્તિ લખાવી છે તે જોઈ ?
મારે આ પ્રશ્નનો સામનો કરવો નહોતો . પણ હવે જવાબ આપવાનો હતો . એ પ્રશસ્તિનું નામ क्षत्रियकुंड महातीर्थ प्रतिष्ठा प्रशस्ति . ભાષા સંસ્કૃત . છંદ શાર્દૂલવિક્રીડિત . પદ્ય સંખ્યા : ૭૨ . સૂરિ ભગવંતની પ્રેરણાથી આ પ્રશસ્તિ લખવામાં આવી હતી . એ પ્રશસ્તિ કોઈ સ્મારિકાનાં પુસ્તકમાં મુદ્રિત થશે એમ સમજીને મેં લખી આપી હતી . પરંતુ સૂરિ ભગવંતે એવું માર્ગદર્શન આપ્યું કે એ પ્રશસ્તિ તીર્થની દીવાલ પર બ્લેક ગ્રેનાઈટ કોતરાઈ ચૂકી છે . મેં જવાબ મોકલાવ્યો કે આપે કહ્યું ન હોત તો આ પ્રશસ્તિ લખાઈ ન હોત . જે શબ્દો પુસ્તકના કાગળ પર હોવા જોઈએ એને આપે બ્લેક ગ્રેનાઈટ પર અંકિત કરાવી દીધા . આપની આત્મીયતાને વંદન .
સૂરિ ભગવંતની નિશ્રામાં ઉપધાનનો મોટો કાર્યક્રમ ચાલુ હતો . એમાંથી સમય કાઢીને એમણે ફોન કરાવડાવ્યો , વિસ્તારથી વાર્તાલાપ કર્યો , એ પણ મર્યાદામાં રહીને . વડીલોનું આ વાત્સલ્ય જ જીવનને સાર્થક બનાવે છે . તમે ઋજુવાલિકાથી નીકળો તો સૌથી પહેલાં તમારે ક્ષત્રિયકુંડ આવવાનું છે , આ પણ સૂરિ ભગવંતનો જ આગ્રહ હતો . વડીલોનો આગ્રહ હંમેશા લાભકારી હોય છે . ક્ષત્રિયકુંડ આવ્યા બાદ સમજાયું .
૩.
પાછા વળતા જંગલનો રસ્તો લીધો હતો . પહેલાં તો તપાસ કરાવી હતી કે ડેમમાં પાણી તો નથી ? સમાચાર મળ્યા કે એ ડેમનાં પાણી ખાલી થઇ ગયા છે એટલે એ રસ્તો લીધો . શરૂઆતમાં ઝરણાંનો અવાજ આવ્યો . પછી પંખીઓનો અવાજ . પછી ઝૂલતાં વૃક્ષોનો અવાજ . પહાડીઓનો કાચો રસ્તો થકવી દે છે પણ એનોય રોમાંચ હોય છે . બલદેવ મુનિ , આનંદઘનજી મહારાજા જેવા મહાત્માઓએ આ જ જંગલને તીર્થ તરીકે સ્વીકાર્યું હતું . એક જૂની પરબ આવી હતી ત્યાં થોડો આરામ કર્યો હતો . પછી એક ભારે ઢાળ આવ્યો હતો . જૂના પગથિયા અને જૂની પાયવાટ . બહુ જ સંભાળીને નીચે પહોંચ્યા . હવે હતું ગાઢ જંગલ . મોટામોટા વૃક્ષો હતાં , સાત આઠ માથોડા ઊંચા . એ આખેઆખા કાળાં પડી ગયાં હતાં , સૂક્કા અને ફિક્કા . રસ્તો દેખાડવા પગી આવ્યો હતો . એને મેં પૂછ્યું હતું કે આ વૃક્ષ આવા કોરાકટ કેમ થઈ ગયા છે ? પગીએ કહ્યું હતું કે અત્યારે આપણે બહુવારિ નદીના ડેમની અંદર ચાલી રહ્યા છીએ આમ તો અહીં બારેય મહિના પાણી હોય છે . બાકી પાણી એટલું ઉપર ચડે છે કે ઊંચા ઊંચા વૃક્ષ પાણીની અંદર ડૂબી જાય છે. વૃક્ષનાં પાંદડાં પાણીમાં કરમાઈને ઉતરી જાય છે , વૃક્ષ કાળાં પડી જાય છે . અત્યારે ડેમનું કામ ચાલુ છે એટલે પાણી ખાલી કરવામાં આવ્યું છે .
પગીએ આંગળીથી આખો પહાડ બતાવ્યો . પાણી ઊંચે ચડીને જ્યાં અટકતું હતું . ત્યાં સુધી પાણીના ગાઢ નિશાન બનેલા હતા . પગીએ સમજાવ્યું હતું કે આપણે અત્યારે જ્યાં ચાલી રહ્યા છીએ ત્યાં જો પાણી હોય તો આપણાં માથાથી સો દોઢસો ફૂટ ઉપર હોય . આ સાંભળીને પગ ધ્રુજી ગયા હતા . પગની નીચે જે જમીન હતી એ પણ કેવળ સૂકાયેલો ચીકણો કાદવ હતો . પાણીમાં ડૂબેલા રહીરહીને કરમાઈ ચૂકેલાં વૃક્ષોની વચ્ચેથી ચાલતા ચાલતા અમે એક જગ્યાએ પાણીની ધાર કુદાવી . નદીના સામા કિનારે પહોંચ્યા . કેડી આગળ નીકળી . ડેમની દીવાલ નજીક આવી રહી હતી એટલે પાણીનો વિશાળ પટ જોવા મળ્યો . પાણીની ધારે ધારે જનારો પાલીમાર્ગ , જેનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિમાં છે , અક્ષરશઃ જોવા મળ્યો . સૂમસામ સન્નાટો હતો , શહેરી વાતાવરણનો સદંતર અભાવ હતો એને લીધે એવું જ લાગતું હતું કે આપણે દેવાર્યના જમાનામાં છીએ . થોડા ઝડપથી ચાલશું તો આગળ પદવિહારી દેવાર્યનાં દર્શન થઈ જશે .
પાણીની પાળે ચાલતાં ચાલતા ડેમ પાસે પહોંચ્યા . ડેમની પથરાળ પાળી ચડ્યા . સામેની તરફ કાંકરાવાળો ઢાળ નીચે ઉતર્યા . ત્યાં જોવા મળ્યું ચરણ પાદુકા વિનાનું ચ્યવન કલ્યાણક મંદિર. લોકોમાં એ વાત પ્રચલિત થઈ ગઈ છે કે ડેમને કારણે દીક્ષા કલ્યાણક અને ચ્યવન કલ્યાણકનાં મંદિર ડૂબી ગયા છે. દીક્ષા કલ્યાણકનું મંદિર ખરેખર ડૂબમાં ગયું છે પરંતુ ચ્યવન કલ્યાણકનું મંદિર ડૂબ્યું નથી . ડેમનું પાણી દરવાજાઓમાંથી બહાર નીકળીને આગળ જશે એના રસ્તામાં ચ્યવન કલ્યાણકનું મંદિર છે . કદાચ પાણીમાં ડૂબશે , કદાચ પાણીમાં ડૂબશે નહીં . મને કલ્પના જ નહીં કે રસ્તામાં ચ્યવન કલ્યાણક મંદિર પણ આવશે. મારી સાથે જે લોકો હતા એમને મેં કહ્યું કે મારે અંદર જવું છે . મે જીદ જ પકડી . મારી સાથે એક પૂજારી હતો તેણે કહ્યું : મંદિર મેં સે પ્રાચીન ચરણપાદુકા ઉઠા લિયે હૈ . અબ વહાં કોઈ રોનક નહીં હૈ . તીરથ કી ઓફિસવાલોને યહાં તાલા લગા દિયા હૈ .
મેં બહારથી મંદિર જોયું . અંદર જવાય એમ નહોતું . જાળીએ તાળું લાગ્યું હતું . તાળાને કાટ ચડ્યો હતો . ઊંડી હતાશાનો અનુભવ થયો . કલ્પસૂત્રમાં દેવાનંદા માતા અમર છે . કલ્પસૂત્રમાં અષાઢ સુદ છઠ અમર છે . કલ્પસૂત્રમાં ચ્યવન કલ્યાણક અમર છે . પણ એ અમર ઘટનાની ભૂમિ અને દેરી વેરાન છે . જો ઋષભદત્ત બ્રાહ્મણ આવીને પૂછશે કે ચૌદ સપનાની ભૂમિ સાથે તમે કેમ આવું થવા દીધું તો હું શું જવાબ આપીશ ? જો દેવાનંદા માતા આવીને પૂછે કે હું ક્ષત્રિયાણી નહોતી એટલે જ મારા ૧૪ સપનાની ભૂમિની ઉપેક્ષા થઈને ? જો આવો પ્રશ્ન એ પૂછશે તો એના જવાબમાં શું બોલવાનું ? કંઈ સમજાતું નહોતું . નરદમ નિરાશા સાથે મહાપિતા ઋષભદત્ત અને મહામાતા દેવાનંદાની ભૂમિ પરથી વિદાય લીધી . ચારે તરફ મોટા મશીનો કામ કરી રહ્યા હતા. કાળા કાકરાના મોટા ઢગલા પથરાયેલા હતા. પાંચમા આરાનું દંગલ ચોથા આરાની ભૂમિ પર અતિક્રમણ કરી રહ્યું હતું. મનનો શોક ભૂંસાશે કે કેમ એ પ્રશ્ન હતો . થોડું ચાલ્યા હોઈશું ત્યાં કુંડઘાટ તીર્થ આવ્યું . સ્વર્ગલોકથી ઉતરી આવેલા બે બે દેવવિમાન પહાડની તળેટીને અડીને ઊભા હોય એવા ધવલ મંદિર એકબીજાના સથવારે ઊભા હતા . એક હતું ચ્યવન કલ્યાણક મંદિર . બીજું હતું દીક્ષા કલ્યાણક મંદિર . સિદ્ધાર્થ રાજા અને ઋષભદત્ત બ્રાહ્મણ આજુબાજુમાં બેસીને વાતો કરતા હોય એવાં દૃશ્યની કલ્પના કરો . ત્રિશલા માતા અને દેવાનંદા માતા એકસાથે બેઠા હોય એવું દૃશ્ય કલ્પનામાં લાવી જુઓ . પ્રભુ વીરની જન્મભૂમિ પહાડની ઉપર છે . પહાડ પરથી નીચે ઉતરો ત્યાં નદી છે . પહાડની તળેટીમાં બે ધવલ દેવવિમાન ઊભા છે . એક છે ચ્યવન કલ્યાણક મંદિર . બીજું છે દીક્ષા કલ્યાણક મંદિર . પાલીતાણામાં જે રીતે અજિત શાંતિની દેરીઓ છે એ રીતે આ યુગ્મ ચૈત્ય છે .
પેલો પૂજારી પાછું બોલ્યો : બિહાર કી સરકારને ડેમકા પ્રોજેક્ટ બનાયા તબ હમારે દોનો મંદિર પાનીમેં ડૂબ જાયેંગે ઐસા સરકારકો પતા ચલા તો સરકારને દોનો મંદિરોકો વાપિસ બનાને કે લિએ નદી કે પાસમે યહ જમીન દે દી થી . દોનો મંદિર કે ચરણ પાદુકા ઉથાપિત કરકે અબ યહા બિરાજીત કર દિએ હૈ . સાથ સાથ ભગવાન કા યહ નયા મંદિર ભી બનાયા હૈ .
એટલું સારું લાગ્યું સાંભળીને કે શું કહું ? દોઢબે કલાક સુધી સતત બેય કલ્યાણક મંદિરમાં ભક્તિ કરી , જાપ કર્યા . પછી બહાર આવીને આકાશ તરફ જોયું અને સિદ્ધશિલામાં બિરાજમાન મહાપિતા ઋષભદત્ત અને મહામાતા દેવાનંદાના અષ્ટ કર્મ મુક્ત આત્માને કહ્યું કે પ્રભુ મહાવીર અમારા પિતા છે . આપ પ્રભુ મહાવીરના પિતા છો , માતા છો એટલે આપ અમારા દાદા-દાદી છો . આપની યાદને અમે જીવિત રાખી છે. આપની ઉર્જાને અમે ભૂંસાવા નથી દીધી . આપનાં ઘરે આવેલાં ચૌદ સપનાં કુંડઘાટના શિલાચિત્રમાં જીવંત છે . ભારતભરના દેરાસરમાં ભલે , ત્રિશલા માતાના ૧૪ સપના દોરવામાં આવ્યા હોય પરંતુ કુંડઘાટના શિલાચિત્રમાં મહામાતા દેવાનંદાના ૧૪ સપનાં અંકિત કરવામાં આવ્યા છે. આ રીતે ચ્યવન કલ્યાણકને અને ચ્યવન કલ્યાણકની માતાને ચિરસ્થાયી રૂપ મળ્યું છે . આપના પુત્ર પ્રભુ મહાવીર આપને કેવળજ્ઞાન પછી પણ નહોતા ભૂલ્યા. અમે આપને કેવી રીતે ભૂલી શકીએ ? અમે આપને બે રીતે યાદ કરશું . એક , કુંડઘાટ પરના બે દેરાસરમાં બેસીને આપના અને આપના પુત્રના ઉપકારોનું સ્મરણ કરીશું. બે , નદી ઉપર ડેમ બન્યો છે એ ડેમ પર ઊભા રહીને અગાધ પાણી તરફ જોતાં જોતાં પાણીની ભીતરમાં રહેલા ચ્યવન કલ્યાણક મંદિર અને દીક્ષા કલ્યાણક મંદિરને ભાવથી વંદના કરતા રહીશું .
આકાશમાંથી એકાએક પંખીઓનું ટોળું ઉતરી આવ્યું . કુંડઘાટ તીર્થના વિશાળ પ્રવેશદ્વાર પર એ બેઠું અને મીઠા અવાજ કરવા લાગ્યું . એવો અહેસાસ થયો કે જાણે સિદ્ધશિલાથી પ્રભુના તેમ જ મહામાતા અને મહાપિતાના આશીર્વાદ મળી ગયા છે .
૪.
લછવાડ ગામમાં રાતે રહેવાનું થયું . લછવાડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ . લિચ્છવી પાટક જૂનું નામ . ભારત દેશમાં અત્યારે ગણતંત્ર પ્રવર્તે છે . ભારત દેશ પર જ્યાં સુધી મુસ્લિમોએ રાજ કર્યું , ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ્ય કર્યું અને બ્રિટિશની રાણીએ રાજ કર્યું ત્યાં સુધી ગણતંત્ર જેવું કશું હતું નહીં . ચેટક રાજાના જમાનામાં વૈશાલીમાં ગણતંત્ર મૌજૂદ હતું . ધૂમકેતુએ વૈશાલીની નવલકથામાં એ જમાનાની વોટિંગ સિસ્ટમનું વર્ણન કરેલું છે . ત્રિશલામાતા વૈશાલીના રાજાના પરિવારમાંથી આવેલા . ત્રિશલામાતાએ વૈશાલીની પ્રજાની સાથે આત્મીય સંબંધ બનાવેલો હતો . એટલે એમનામાં મિજાજ વૈશાલીના રાજા જેવો હતો અને સમર્પણ વૈશાલીની પ્રજા જેવું હતું . ક્ષત્રિયકુંડનાં રાજ્યમાં વૈશાલી સંસ્કૃતિથી અલગ વાતાવરણ હતું . લછવાડની ભૂમિ પર વૈશાલી સંસ્કૃતિના વિચારો આવતા રહ્યા . અહીં જિનાલય પ્રાચીન છે . શિખરની રચના કંઈક અલગ જ છે .
