પાર્શ્વનાથ ભગવાનનાં કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ છે ફાગણ વદ ચોથ . પાર્શ્વનાથ ભગવાનનાં કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ છે બનારસ . મહા સુદ પાંચમે નાગપુરથી વિહાર કર્યો ત્યારે જ નક્કી હતું કે પાર્શ્વપ્રભુનાં કૈવલ્યદિને પાર્શ્વપ્રભુની કૈવલ્યભૂમિ પર રહેવું છે . ખુશીની વાત હતી કે ફાગણ વદ ચોથે હું બનારસ ભેલુપુરમાં હતો . મુંબઈથી પરેશભાઈ , કોલકાતાથી મિતેશભાઈ , નાસિકથી રોશનભાઈ , અમદાવાદથી ઉમંગભાઈ આવેલા . વત્સલ હતો . વિપુલ હતો . મોટા કમળ ૧૦૮ અને અન્ય પુષ્પો હતાં . મંત્રોચ્ચાર થતા રહ્યા . પ્રભુને ફૂલ અર્પિત થતા રહ્યા . બનારસના નીવડેલા બાંસુરીવાદકની બાંસુરી વાગતી રહી . પ્રભુનાં કૈવલ્ય દિને , પ્રભુની કૈવલ્ય ભૂમિ પર ભક્તોની ભીડ નહોતી . વાતાવરણ શાંત હતું . ભક્તોની ભીડ હોય એટલે ઘોંઘાટ હોય , ધસારો હોય , ધક્કામુક્કી હોય , અવ્યવસ્થા હોય , અવિવેક હોય , અતિરેક હોય . એ બધું ન હોય એ ગમે પરંતુ દાદાના દરબારમાં ભીડ ન હોય એ ના ગમે . કલ્યાણકના દિવસે દેરાસર ગાજવું જોઈએ .
જે સંઘના જે મૂળનાયક હોય એમનાં પાંચ કલ્યાણક સરસ રીતે મનાવવાના હોય . સંઘે એક પરિવારને કલ્યાણકની ઉજવણીનો લાભ આપી દીધો હોય . એ પરિવાર સંઘ વતી સકલશ્રી સંઘને આમંત્રિત કરે , સંઘ પણ એ પરિવાર વતી સકલશ્રી સંઘને આમંત્રિત કરે . ભક્તિનો નિર્ધારિત કાર્યક્રમ હોય એમાં સૌ ઉપસ્થિત થાય . કાર્યક્રમ લાંબો હોય તો નવકારશી કે સંઘજમણ . કાર્યક્રમ લાંબો ન હોય તો સારી પ્રભાવના . નાગપુર મુનિસુવ્રત જિનાલયમાં પ્રભુનાં પાંચ કલ્યાણક સરસ ઉજવાય છે . એવું દૃશ્ય દરેક સંઘમાં હોવું જોઈએ . ઉપસ્થિતિ વધારે જોઈતી હોય તો , નાનો નકરો રાખી લાભાર્થી વધુ રાખી શકાય . આજકાલની જનરેશન માટેનો અનુભવ એવો રહ્યો છે કે કાર્યક્રમ એક જ કલાકનો હોય તો એ એક કલાક માટે , મોટી સંખ્યામાં ઉપસ્થિતિ મળી રહે છે . જિનાલયમાં બિરાજમાન પ્રભુને ભક્તોની અપેક્ષા નથી . પ્રભુ સિદ્ઘશિલામાં ભક્તો વગર રહે જ છે . પ્રભુ જિનાલયમાં પણ આખી રાત ભક્તો વગર રહે જ છે . મોટા દિવસોમાં જો ઉપસ્થિતિ ઓછી હોય છે તો આપણે માની લઈએ છીએ કે દેરાસરમાં કોઈ નથી . હકીકત એવી પણ હોય કે અગણિત દેવતાઓ અદૃશ્ય રૂપે મોજૂદ હોય . છતાં કલ્યાણકના દિવસે , પ્રભુની વિશેષ ભક્તિ થાય , પ્રભુના દરબારમાં વિશેષ ઉપસ્થિતિ જોવા મળે એ ગમે છે . આ એક વાત છે સંઘના મૂળનાયક ભગવાન્ માટે .
બીજી વાત યાત્રાળુઓ માટે છે , કલ્યાણક તીર્થ માટે છે . જે તીર્થના જે મૂળનાયક હોય એ તીર્થમાં એમનાં પાંચ કલ્યાણક સરસ રીતે મનાવવાના હોય . જેટલાં પણ કલ્યાણક તીર્થો છે એ દરેક તીર્થની પોતપોતાની કલ્યાણક તિથિઓ અલગ છે . કલ્યાણક યાત્રાની આ પરિકલ્પના મનમાં રાખવી જોઈએ . જે ભગવાનનું જે કલ્યાણક હોય તે દિવસે એ તીર્થની યાત્રા કરવી છે , એ તીર્થમાં ઉપસ્થિત રહેવું છે . દાખલા તરીકે : અષાઢ સુદ છઠના દિવસે લછવાડ , ચ્યવન કલ્યાણક મંદિરમાં વિશેષ ભક્તિ કરવી જોઈએ . ચૈત્ર સુદ તેરસના દિવસે લછવાડ , જન્મ કલ્યાણક મંદિરમાં વિશેષ ભક્તિ કરવી જોઈએ . કાર્તક વદ દશમના દિવસે લછવાડ , દીક્ષા કલ્યાણક મંદિરમાં વિશેષ ભક્તિ કરવી જોઈએ . વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા , કેવલજ્ઞાન કલ્યાણક મંદિરમાં વિશેષ ભક્તિ કરવી જોઈએ . આસો માસની અમાવસ્યાના દિવસે પાવાપુુરીમાં – પહેલાં મોક્ષ કલ્યાણક મંદિરમાં અને પછી જળમંદિરમાં વિશેષ ભક્તિ કરવી .
પાર્શ્વનાથ ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક . ફાગણ વદ ચોથ . જે દિવસે પ્રભુ પાર્શ્વનાથે ચાર ઘાતી કર્મનો ક્ષય કર્યો હતો તે દિવસે પ્રભુની કૈવલ્યભૂમિ પર બેસીને પ્રભુનાં ધ્યાનસ્થ રૂપની કલ્પના કરી હતી . એમનું એ રૂપ કેવું હશે ? પાસે ક્યાંક ગંગા વહેતી હશે . આશ્રમપદ જંગલ હશે . ધાતકીવૃક્ષ હશે . ધ્યાન મુદ્રા હશે . મસ્તકે કોઈ ફણાધારી કે ફણા નહીં જ હશે . આંખો અર્ધમિલિત હશે પણ આનંદ અજબનો છલકાતો હશે . હોઠ મૌન હશે પણ સ્મિત વાચાળ હશે . મુખમુદ્રા નિજનિરત હશે પરંતુ દીદાર દિવ્ય હશે . નીલવરણ કાયા સ્થિર હશે પણ આત્મપ્રદેશોમાં અનંત ઉર્જાની હલચલ હશે . અભયદશા હશે પણ આક્રમણનો આભાસ પણ નહીં હોય . બેસુમાર વાત્સલ્યથી છલોછલ હશે પણ બેપરવા પૂરી દુનિયાથી હશે . સૌનો સ્વીકાર હશે પણ સૌથી દૂર હશે . વૈરાગ્યની ચરમ કક્ષા હશે અને આત્મીયતા અનરાધાર હશે . જોનારા જોતાં નહીં ધરાતા હોય . આવનારાને પાછા જવાનું મન નહીં થતું હોય . શ્વાસની સુવાસ અવર્ણનીય હશે . આભા ઊર્જાથી લબાલબ હશે . અસ્તિત્વ હશે ઉપનિષદ્ જેવું ગૂઢ અર્થસભર . ચૈતન્ય હશે ફૂલ જેવું નાજુક અને સુગંધિત . આઠમું ગુણઠાણું , રુમઝૂમ વેગે આવ્યું જ હશે . પછી નવમું , દશમું અને બારમું ગુણઠાણું આવ્યું હશે ટહુકાઓના ટોળાની જેમ . છેવટે આવ્યું હશે તેરમું ગુણઠાણું , અગાધ સ્વયંભૂરમણ સમુદ્રની જેમ . ત્રણેય લોકમાં સુખના તરંગો રેલાયા હશે . દુંદુભિઓ વાગી હશે . ફૂલો વરસ્યાં હશે . દેવો દોડી આવ્યા હશે . સમવસરણ રચાયું હશે . પ્રભુએ પહેલું પગલું માંડ્યું હશે . દેવતાઈ સુવર્ણકમળ પગલે પગલે ભૂમિ પર પથરાયા હશે . પહેલીવાર પારસપ્રભુનો પારસમણિ જેવો ધ્વનિ બનારસનાં વાતાવરણમાં વહેતો થયો હશે . એ ક્ષણે જે રોમાંચિત થયા એ માનવોની સંખ્યા કરોડોની હશે . તિર્યંચ્ પર્ષદાએ પહેલીવાર પોતાની ભાષામાં ઉપદેશ સાંભળ્યો હશે . કેટલાય પશુઓ સમકિત પામ્યા હશે , દેશવિરતિ માટે સંકલ્પબદ્ધ થયા હશે . પ્રતિબોધ તો દેવો પણ પામ્યા જ હશે . દેશના પછી પ્રભુ દેવછંદોમાં પધાર્યા હશે .
કેવળજ્ઞાન કલ્યાણકના દિવસે બનારસે પહેલીવાર શું શું જોયું હશે એની કલ્પનામાં આખો દિવસ વીતી ગયો . જે પ્રભુનું જે કલ્યાણક હોય એ દિવસે એ જ કલ્યાણકનાં તીર્થમાં રહીને ભક્તિ કરવી જોઈએ , આ નીતિ એકદમ સફળ રહી . બાય ધ વે , પાર્શ્વનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણક પણ ફાગણ વદ ચોથના દિવસે જ આવે છે . વામમાતાનાં ચૌદ સપનાં પણ યાદ આવતા રહ્યાં .
બનારસ વારંવાર આવવાનું થયું છે . બનારસ દરવખતે નવું જ લાગ્યું છે. ગંગાકિનારે બેસી વાચક યશને મળેલા સારસ્વત આશીર્વાદ યાદ કર્યા . ભદૈનીમાં સુપાર્શ્વનાથ ભગવાન્ . રામઘાટમાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન્ . સિંહપુરીમાં શ્રેયાંસનાથ ભગવાન્ . ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાન્ . ત્વં સર્વં , ત્વં ચ સર્વત્ર . ( વિહાર વર્ષ 2022 )