કમ્પાઉન્ડ વોલનો ગેટ પૂરવ તરફ ખૂલે છે . બહાર વિશાળ મેદાન જેવું ચોગાન છે . ચોગાનના સામા છેવાડે કમળનું તળાવ છે. મોસમ હોય ત્યારે આ તળાવમાં હજારો કમળ ઉગે છે . સવારે , તળાવના પેલેપાર પૂરવકિનારે સૂરજ ઉગે છે એના સોનેરી તેજ તળાવનાં પાણી પર પછી પથરાય છે , સૂરજનો તડકો આખા ચોગાન પર પછી રેલાય છે . સૂરજની રોશની તળાવ અને ચોગાનને સ્પર્શે તે પહેલાં જિનાલયના ગભારામાં બિરાજમાન જિનબિંબને સ્પર્શે છે . સવારનો સોનેરી તડકો , પ્રાચીન પ્રતિમા પર દેવતાઈ વસ્ત્રની જેમ પથરાય છે . ગભારામાં પીળાશભર્યાં તેજનો પુંજ ફેલાય છે . એમ લાગે છે કે સૂર્યદેવ , ભગવાન્ ઉપર સોનાના વરખ ચડાવી રહ્યા છે .
આવી સવાર , બધાં જિનાલયમાં નથી જોવા મળતી . શહેરમાં મોટેભાગે જિનાલયની સામે મકાન આવી જતા હોય છે , સૂરજનું અજવાળું ગભારા સુધી , રંગમંડપ સુધી પણ આવી શકતું નથી . તીર્થોમાં પણ આવું જ કાંઈક થાય છે .
એક તીર્થ એવું છે . જ્યાં સવારનો તડકો પહેલાં ભગવાનને સ્પર્શે છે , પછી પ્રાંગણને અડે છે અને પછી તળાવનાં અગાધ પાણીને પોતાના સોનેરી હાથે પસવારે છે . આપણે એ તીર્થની યાત્રાએ જતાં નથી . આપણે એ તીર્થની પાસેથી પસાર થઈએ છીએ પરંતુ એ તીર્થ માટે આપણને સમય નથી . આપણે એ તીર્થની સરેઆમ ઉપેક્ષા કરીએ છીએ . આ ઉપેક્ષાએ લાંબો સમય લીધો છે . એનું પરિણામ ઘણું ખરાબ આવ્યું છે . આજના સમયમાં હવે હજારો લોકોને ખબર જ નથી કે એવું કોઈ તીર્થ છે , ત્યાં આપણે જવું જોઈએ . આપણે ઉપેક્ષા કરીએ એમાં જાણકારી હોય છે અને આળસ હોય છે . ઉપેક્ષાથી વધારે બદતર હોય છે વિસ્મૃતિ . વિસ્મૃતિમાં તો અસ્તિત્વનું જ અજ્ઞાન હોય છે . આપણે એ તીર્થની ઉપેક્ષા કરી છે , આપણે એ તીર્થને ભૂલી ગયા છીએ . એ તીર્થનું નામ ટોપલિસ્ટમાં ન હોત તો આપણને માફી મળી શકતી હતી . એ તીર્થનું નામ આપણા લિસ્ટમાં જ નથી , માફી મળશે કેવી રીતે ?
એ તીર્થ હાઈવે ટચ નથી . એ તીર્થમાં વૈભવી ધર્મશાળા નથી , ભવ્ય ભોજનશાળા નથી . એ તીર્થમાં ખરીદીનું માર્કેટ નથી . અરે , એ તીર્થનું કોઈ માર્કેટિંગ પણ નથી થતું . એટલે તમે એ તીર્થની યાત્રા ન કરી હોય એમાં તમારો કોઈ વાંક નથી . જો તમે આવું આશ્વાસન બનાવીને બેઠા છો તો તમે ગુનેગાર છો . હા , ગુનેગાર . તમે એ તીર્થની યાત્રા કરી નથી . તમે યાત્રા કરી નથી એટલે તમારા થકી એ તીર્થનો નાનકડો પ્રચાર થયો નથી . એ પ્રચારના અભાવે , એ તીર્થને જે નવા યાત્રાળુ મળી શકતા હતા તે મળ્યા નથી . તમે એ તીર્થની યાત્રા કરી હોત તો પ્રાચીન પાષાણ ચોવીશી પરિકરથી સમલંકૃત પ્રાચીન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા જ હોત . તમે એ પ્રાચીન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને અચંભિત થયા જ હોત . તમે તમાારી જેવા દશ વીશ લોકોને એ ભગવાનની વાત કરી જ હોત . તમે ત્યાં ગયા નહીં . તમે ત્યાંની વાત કોઈને કહી જ નહીં . તમારા જેવા હજારો ત્યાં ગયા નહીં . તમારા જેેવા હજારો લોકોએ ત્યાંની વાત અન્ય કોઈ હજારોને કહી જ નહીં . પરિણામ એ આવ્યું કે આપણી પરંપરાના યાત્રાળુઓની અવરજવર ત્યાં એકદમ ઓછી થઈ ગઈ . બીજી તરફ અન્ય પરંપરાએ અવરજવર ચાલુ રાખી . વાતાવરણ એવું બની ગયું કે અદભુત મૂળનાયકજી હવે આપણી પરંપરાના રહ્યા નથી . મૂળનાયકજી પર અન્ય પરંપરાનું આધિપત્ય આવી ગયું .
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપણી પરંપરાના એક અન્ય ભગવાન્ એ તીરથમાં બિરાજમાન છે . એ ભગવાન્ પ્રતીક્ષા કરે છે કે કોઈ પૂૂજા કરવા આવે , દર્શન કરવા આવે , સ્તુતિગાન અને ચૈૈત્યવંદન કરવા આવે . પણ કોઈ નથી આવતું .
એ તીર્થભૂમિનો એક રાજા હતો . એ રાજાનો મહેલ આજે પણ ખંડેર બનીને જેમતેમ ઊભો છે . એ રાજાને યાત્રાળુઓ ચાંદીના સિક્કાનો કર ચૂકવતા હતા . તમે પૂછશો કે યાત્રાળુઓ કર શું કામ ચૂકવે ? આનો જવાબ છે . સાંભળજો .
એ તીર્થનું નામ છે પાલગંજ . એ તીર્થને સમેતશિખરજીની તળેટી તરીકેનું સન્માન મળતું હતું . એક જમાનો હતો જ્યારે જૈન યાત્રાળુઓ સમેતશિખરજીની યાત્રા પાલગંજથી શરૂ કરતા . એ જમાનામાં સમેતશિખરજીની રખેવાળી પાલગંજના રાજા પાસે હતી આથી રાજા , રખેવાળીના ખર્ચ પેઠે ચાંદીના સિક્કાનો કર ઉઘરાવતો . જોકે , આવી કોઈ રખેવાળી ઝરીઆમાં અને કતરાસમાં પણ ત્યાંના સત્તાધારીઓ દ્વારા થતી . રાજાએ જિનાલયની પાસે એક કૂવો બનાવરાવ્યો હતો . યાત્રાળુઓ એનાં પાણીથી સ્નાન કરતા અને જિનાલયમાં પૂજા કરતા . એ કૂવો આજે પણ છે . એક જૂની ધર્મશાળા છે . મોટા વૃક્ષો , નાના વૃક્ષો , છોડવાઓ , ફૂલોથી ભર્યો ભર્યો બગીચો છે . ઊંચી દીવાલોની સુરક્ષા છે . મુર્શિદાબાદી વાસ્તુરચના છે . અર્ધશ્રીફલ આકારનું શિખર છે . ગભારાની બહાર ચોતરફી ઓટલો છે .
શાંતિ છે , ઉર્જા છે , પવિત્રતા છે , એકાંત છે . એનો આનંદ લેવાવાળા યાત્રાળુઓ કેટલા છે ? ખબર નથી . સ્થાનિક લોકો કથા જણાવે છે એ મુજબ આ ભગવાન્ ૨૫૦૦ વરસ પ્રાચીન છે . રાજાને સપનું આવ્યું હતું કે ભૂમિમાં ભગવાન્ છે . રાજાએ ભૂમિખનન કરાવ્યું . અંદરથી આ ભગવાન્ મળ્યા . રાજાએ જ જિનાલય નિર્માણ કરાવ્યું . અમુક વાયકાઓ ફેલાયેલી છે . પૂજારી ત્રણ વાત આગંતુકોને કહેતો હોય છે .
એક , આ ભગવાનની સામે અવળો સાથિયો બનાવીને વાંછિતની પ્રાર્થના કરો . ભગવાનની કૃપાથી થોડા જ દિવસમાં જે વાંછિત હોય એ મળે છે . એ મળે એટલે ભગવાન્ પાસે આવો અને ભગવાન્ સમક્ષ સવળો સાથિયો કરો . આ રીતે ભગવાન્ તમારું ધ્યાન રાખે છે .
બે , અહીં એક ધવલ પ્રતિમા છે એ બહુ ચમત્કારી છે . આની અલગ અલગ સમયે ચાર વાર ચોરી થઈ . પણ ચારેય વખત ચોરની હાલત કફોડી થઈ ગઈ એટલે મૂર્તિ પાછી આવી ગઈ .
ત્રણ , મૂળનાયક દાદાના દર્શન કરવા નાગ નાગણની જોડી આવે છે . આવે છે એ દેખાય છે . પછી ક્યાં ગાયબ થઈ જાય છે એ દેખાતું નથી .
ચમત્કારની વાતો સાચી માનવી કે ન માનવી એ આપણા વિવેક પર નિર્ભર છે . એક વાત તો માનવી જ પડશે કે પાલગંજ એ સમેતશિખર તીર્થની જૂની તળેટી છે . તળેટી એટલે આરોહણનો પ્રારંભ . આપણે લોકો તળેટીથી ચડવાનું શરૂ કરીએ એટલો જ તળેટીનો અર્થ નથી . વીસ વીસ તીર્થંકર ભગવંતો શિખરજી આવ્યા ત્યારે આરોહણ તળેટીથી જ શરૂ થયું હતું . સિદ્ધગિરિરાજમાં જે મહિમા આતપુર તળેટીનો છે એવો મહિમા શિખરજીમાં પાલગંજ તળેટીનો છે . દરેક પ્રભુએ મોક્ષ માટેનું મંગલ પ્રસ્થાન તળેટીથી જ કર્યુ હોયને ? પરંતુ એ મહિમા આપણે લોકો ભૂલી ગયા છીએ . જંગલો ગાઢ હતા , પ્રવાસ દુર્ગમ હતા , રસ્તાઓ ફોરવ્હીલરને લાયક નહોતા ત્યાર સુધી , પાલગંજનો દબદબો રહ્યો . યાત્રાળુ શ્વેતાંબર કે દિગંબર , આ જ જિનાલયમાં પોતપોતાની રીતે પૂજા કરતા . કદાચ , યાત્રાળુઓ એક રસોડે , એક પંગતમાં સાથેસાથે જમતા . એકતા હતી . અરસપરસનું આતિથ્ય હતું . વ્યવસ્થા હતી અને વ્યવસ્થામાં સંતુલન હતું કારણ કે સંચાલન રાજાનું હતું . રાજાનું આધિપત્ય ગયું , લોકશાહી આવી તે પછી દૃશ્ય બદલાયું . જે રીતે સમેતશિખરમાં દિગંબરોની અવરજવર વધારે છે એ રીતે પાલગંજમાં દિગંબરોની અવરજવર વધારે હતી , શ્વેતાંબરોની ઉપસ્થિતિ ઓછી હતી . જીર્ણોદ્ધાર દિગંબર સંસ્થા હસ્તક થશે એવો નિર્ણય થયો . એ વખતે જીર્ણોદ્ધારમાં શ્વેતાંબરોને શામિલ કરવામાં આવ્યા નહીં અથવા તો શ્વેતાંબરો શામિલ થયા નહીં . જીર્ણોદ્ધાર થયો . જીર્ણોદ્ધારની તકતીઓ લાગી , એ તકતીમાં દિગંબર સંસ્થાનો જ ઉલ્લેખ થયો . સ્પષ્ટ રૂપે શ્વેતાંબર પરંપરાનો ઉલ્લેખ તકતી પર રહ્યો નહીં . આથી પાલગંજનું જિનાલય , દિગંબર જૈન મંદિર તરીકે પ્રચલિત થવા લાગ્યું . તમને ગેટ પર , દીવાલો પર દિગંબર જૈન મંદિર જ વાંચવા મળશે .
આશ્વાસન એક વાતનું છે કે જિનાલયમાં શ્વેતાંબર પરંપરાની એક મૂર્તિ છે . દિગંબર પરંપરાની બધી જ મૂર્તિ પોતપોતાનાં સિંહાસન પર છે . એકમાત્ર શ્વેતાંબર મૂર્તિ છે તે પબાસનના ઓટલે , જમીન પર છે . શ્વેતાંબર મૂર્તિ સાથે ભેદભાવ કે ઉપેક્ષાભાવ રાખવામાં આવ્યો છે તે સમજાય છે . ભગવાન્ પરોણાગત હોય એ રીતે બિરાજમાન છે .
આપણા ભગવાનને અઢાર અભિષેકનું ઔષધિસ્નાન કરવું છે , સત્તરભેદી પૂજા સાંભળવી છે , રોજેરોજની નવાંગી પૂજામાં જૈન વ્યક્તિનો સ્પર્શ ખપે છે . પણ કોઈ આવતું નથી . જો ભગવાનને બીજે લઈ જશું તો તીર્થમાં શ્વેતાંબર અસ્તિત્વને ઠેસ પહોંચશે . ભગવાન્ એકાંતનો આનંદ માણે છે , કોઈ રડ્યોખડ્યો શ્વેતાંબર આવ્યો તો આપણી ઢબે પૂજા થાય બાકી જે છે એમાં ભગવાને ચલાવી લેવાનું છે .
આપણે લોકો સેલિબ્રિટીના પૂજારી છીએ , નામ મોટું હોય ત્યાં પહોંચી જઈએ . બીજે જઈએ જ નહીં . આપણે લોકો ફેસિલિટીના ભૂખ્યાં છીએ , જ્યાં ફેસિલિટી ના હોય ત્યાં પગ ના મૂકીએ . સેલિબ્રિટી કલ્ચર અને ફેસેલિટી કલ્ચરે ઘણી જગ્યાએ , ઘણા નુકસાન કર્યા છે એનો એક અનુભવ પાલગંજમાં થાય છે .
ઋજુપાલિકાથી સમેતશિખર જવાના રસ્તે આશરે ચાર કિલોમીટર ઉપર પાલગંજનું બોર્ડ આવે છે . ત્યાંથી અંદર જાઓ તો બે કિલોમીટર પર દેરાસર આવે છે. હું એ રસ્તે અંદર ગયો હતો . પરંતુ પાછા વળતાં જંગલનો કાચો રસ્તો લીધો હતો . જૂના જમાનાના યાત્રાળુઓ જંગલ રસ્તે આવતા તે જંગલ જોવા મળ્યું . જંગલ શાલિવૃક્ષનું છે . આપણે લોકો જાણતા નથી કે શાલિવૃક્ષ કેવું હોય છે ? શાલિવૃક્ષ ઊંચું ઘણું હોય છે . મથાળે ડાળપાંદડાનો થોડોક જ ફેલાવો હોય છે . ૨૬૦૦ વરસ જૂના વૃક્ષ પણ જંગલમાં હોય છે . એ વૃક્ષે દેવાર્ય ભગવાનને જરૂર જોયા હશે , મન કહેતું હતું . દૂરદૂર સુધી ફેલાયેલા વૃક્ષવિસ્તારને જોતાં અહોભાવ બનતો રહ્યો . આ અંતરિયાળ જંગલમાં અવારનવાર હાથીઓનું ટોળું નીકળે છે , માનવી સલામત નથી . પ્રભુ વીરે મને બચાવી રાખ્યો . વચ્ચે એક નાનું ગામ આવ્યું . ત્યાં સાપવીંછીના ઝેર ઉતારવાનું ક્લિનિક હતું .
આઠ વાગે પાલગંજથી પ્રસ્થાન . સાડા નવ વાગે ઋજુવાલિકા . જંગલમારગે ચાલવામાં જે આનંદ છે તે ગાડીમાં બેસવાવાળાઓને ક્યાંથી સમજાય ?