Home » Blogs » શિવની : ચાંદીમાં અને ઠરાવમાં વસે છે પ્રભુનો પ્રેમ

શિવની : ચાંદીમાં અને ઠરાવમાં વસે છે પ્રભુનો પ્રેમ

by devardhiadmin
0 comments

સવારે છ વાગે દેરાસરમાં પગ મૂક્યો . દેરાસરની રોજીંદી વ્યવસ્થા જોવાનું ગમે . ત્રણ પ્રદક્ષિણા આપતી વખતે નજર ફરી રહી હતી . ગઈકાલે કે આજે , ચાલુ દિવસ હતો. કોઈ મહોત્સવ કે પૂજા પૂજન ગઈકાલે કે આજે હતા નહીં . છતાં દેરાસરમાં ચાંદીની ૧૦ મોટી થાળીઓ દેખાઈ રહી હતી. ત્રણ થાળીમાં ગઈકાલની આરતી હતી . આરતી પણ ચાંદીની . ત્રણ થાળીમાં ગઈકાલના મંગળ દીવા હતા , એ પણ ચાંદીના . શિખરબંધ ત્રિગડું ચાંદીનું . ત્રિગડાની સામે ઉપકરણ મૂકવાનો પાટો ચાંદીનો . ત્રિગડામાં નાળવાળી થાળી ચાંદીની . ચાંદીના પાટા પર એક ચાંદીની થાળીમાં સ્નાત્ર પૂજા માટેના વૃષભકળશ , દીવા , વાટકી વગેરે બધું ચાંદીનું . બીજી બે ચાંદીની થાળી : એક ફૂલ માટે , એક આરતી માટે . નીચે જમીન પર અક્ષતપૂજા માટે એક પાટલો હતો , ચાંદીનો . પાટલા પર પૂજાની મોટી ડબ્બી હતી ચાંદીની . ગભારામાં મોટું સિદ્ધચક્ર મહાયંત્ર હતું ચાંદીનું. દરેક ભગવાનની માટે આંગીનું ખોખું હતું ચાંદીનું . મૂળનાયક દાદાની આંગી પર હતો સોનાનો ઢોળ. દેરાસરમાં ઉપકરણો કેવા છે એ જોવાથી સંઘની સંપન્નતાનો અને ભક્તિમત્તાનો સાચો અંદાજ આવે છે . મનમાં ગણતરી કરતો રહ્યો કે દેરાસરમાં કેટલા કિલો ચાંદી રોજીંદા વપરાશમાં છે ? પછી વિચાર આવ્યો કે ભગવાનનાં સમવસરણમાં કેટલી ચાંદી વપરાય છે એની ગણતરી દેવતાઓ કરતા નથી . વિચારવા બેસીએ તો સમવસરણમાં સૌથી વધારે ઉપયોગ ચાંદીનો થાય છે કારણ કે સૌથી મોટો ગઢ ચાંદીનો હોય છે પરંતુ આવો વિચાર દેવતાઓ કરતા નથી. દેવતાઓ રજતગઢ બનાવી દે છે , બસ . એ જ રીતે દેરાસરમાં કેટલા કિલો ચાંદી રોજીંદા વપરાશમાં છે એવુંબધું વિચારવાનું ન હોય . પણ ગામોગામ ફરીએ છીએ અને ગામોગામના સંઘો જોઈએ છીએ ત્યારે સમજાય છે કે બધા જ દેરાસરોમાં ચાંદીનો છૂટથી ઉપયોગ થતો નથી . એમાં ક્યાંક પરિસ્થિતિ જવાબદાર હોય છે , ક્યાંક ભક્તોની મનઃસ્થિતિ જવાબદાર હોય છે . ક્યાંક ચાંદીની સામગ્રી હોય છે પણ તિજોરીમાં રહે છે , ક્યાંક તિજોરીની બહાર આવે તો બધાના હાથમાં નથી પહોંચતી . અહીં ચાંદીની સામગ્રી છે એ તિજોરીમાંથી બહાર પણ આવે છે અને બધાના હાથમાં પણ પહોંચે છે . દાદાવાડીની દેરી અંદરથી પૂરેપૂરી ચાંદીથી મઢેલી છે .

આ શિવની છે . મધ્ય પ્રદેશનું નાનકડું શહેર . સરાફા બજારની અધિકાંશ દુકાન જૈનોની છે . ચારસો વરસ પ્રાચીન ચંદ્રપ્રભ સ્વામી ભગવાન્ મૂળનાયક શિવની પધાર્યા ત્યારથી જૈન સમાજ સુખી સંપન્ન અવસ્થામાં છે . એક આગેવાને મને કહ્યું : ‘ શિવનીમાં જેટલા સોનાચાંદીના જૈન વેપારી શેઠ છે તે સાત પેઢીથી સોનાચાંદીનો જ વ્યાપાર કરે છે . ભગવાન્ અમને બધું જ આપે છે , અમારે એ બધું ભગવાનને જ આપવાનું હોયને ? ‘ વ્યાખ્યાન હોલની લાંબીપહોળી છતમાં પીઓપીથી આબુદેલવાડા જેવી કોતરણી રચવામાં આવી છે .

એક સમય હતો જ્યારે શિવની તરીકે ફક્ત ૨૦૦૦ લોકોની વસતિ હતી . આમ શિવનીનો ઇતિહાસ ૨૦૦૦ વરસ જૂનો છે . શિવનીની ભૂમિમાં બાવન જિન મંદિર છુપાયેલા છે . એમ કહેવાય છે કે કોઈ પ્રલય આવેલો એમાં આખું શહેર દટાઈ ગયું ત્યારથી એ જિનમંદિર પણ ભૂમિની ભીતર ખોવાઈ ગયાં . વસતિ ગાયબ થઈ ગઈ. આજે પણ જમીનમાં પુરાણા અવશેષો , શિલાલેખો નીકળે છે . અંગ્રેજો આવ્યા . આ શહેરને ફરીથી સજાવ્યું . શિવની પંદરસો ગામનો જિલ્લો બન્યું . શિવની છપારા નામ પણ બન્યું . ૧૮૬૯થી જૈન પરિવારો રહેવા માટે આવવા લાગ્યા. વિ.સં.૧૯૫૨માં બીકાનેરના યતિજી પાસેથી પ્રાપ્ત થયેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન્ શિવની પધાર્યા . થોડા સમય માટે ઘરમંદિરમાં બિરાજીત રહ્યા . વિ. સં. ૧૯૬૯માં પ્રભુ જિનાલયમાં બિરાજમાન થયા . પ્રભુમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિ.સં.૧૬૮૧માં થયેલી છે . યતિપરંપરાએ બે કામ બહુ ઉત્તમ કર્યાં . એક , મુસ્લિમ આક્રમણ કાળમાં જેટલા બચી શકે એટલા ભગવાનને બચાવ્યા , ગુપ્તવાસમાં સુરક્ષિત રાખ્યા . બે , ગુપ્તવાસમાં સુરક્ષિત રહેલા ભગવાનને સુયોગ્ય સંઘમાં મૂળનાયક તરીકે સમર્પિત કર્યા .

શિવની સંઘમાં એક પાકો ઠરાવ થયેલો છે : કોઈનાં પણ ઘરે લગ્ન હોય તો દેરાસરમાં તેમના પરિવાર તરફથી અવશ્ય પૂજા રાખવામાં આવે . આ નિયમનું ઉલ્લંઘન કોઈ કરતું નથી . વિ.સં.૧૯૫૨થી આ પરંપરા ચાલુ છે : લગ્નની કંકોત્રી લખાય તે પછી અને સાત ફેરા થાય તે પહેલાં પરિવારે પૂજા અવશ્ય ભણાવવાની જ . સમજો કે પરિવારે પૂજા લખાવી દીધી પણ પૂજામાં કોઈ આવ્યું નહીં તો પરિવારે સંઘને દંડ ભરવાનો . કમસેકમ એક પરિવારજન તો પૂજામાં આવે જ , એવો સંઘનો આગ્રહ રહે છે . ભારતના કેટલા સંઘોમાં આવો નિયમ છે ? લગભગ દરેક સંઘના જૈન પરિવારમાં લગ્ન પ્રસંગે પ્રભુ ભક્તિ માટે કશું ને કશું કરવાની ભાવના હોય છે , સંઘમાં આવો રિવાજ કે પરંપરા ન હોવાને લીધે એ પરિવાર પાંચસો કે હજાર રૂપિયામાં પ્રભુભક્તિ નીપટી લે છે અને એ જ પરિવાર લગ્નમાં લાખોકરોડો વાપરતા હોય છે . આવો ઠરાવ કે રિવાજ દરેક સંઘમાં હોવો જોઈએ : લગ્નપ્રસંગે પૂજા પણ રાખવાની અને પૂજામાં પૂરા પરિવારે હાજરી પણ આપવાની .

શિવની પધારી રહેલા ગુરુ ભગવંતોની વિહાર વ્યવસ્થા માટે મહિનાના ત્રીસ દિવસના ત્રીસ ઘર નિર્ધારિત થયેલા છે . સમાચાર આવે કે ગુરુ ભગવંત વિહાર કરીને પધારી રહ્યા છે તો જે દિવસે જેનો વારો હોય એમણે ટિફિન લઈને વિહારમાં ગોચરી વહોરાવવા જવાનું . શિવની સંઘ , નાગપુર તરફ ખવાસા સુધી અને જબલપુર તરફ લખનાદૌન સુધી ગોચરીનો લાભ લે છે . હું જ્યારે પણ શિવનીથી નીકળું છું તો બેત્રણ દિવસ રોકાઉં છું . જે શ્રાવકો વિહારના ચાર ચાર મુકામ સુધી ગોચરી લઈને આવે છે એમને જિનવાણી સાંભળવાનો ઘણો ભાવ હોય છે . એમની ભક્તિનો જે રીતે અમે સ્વીકાર કરીએ છીએ એ રીતે એમની જ્ઞાનપિપાસાને પણ અમારે જ સંતૃપ્તિ આપવાની હોય .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.