એક એવી જગ્યા છે જ્યાં શહેર જ નહોતું ત્યાં શહેર બને છે , એ એવું શહેર છે જ્યાં જૈન ઘર નહોતા ત્યાં એક જૈન પરિવારનું ઘર વસે છે , એ એવો જૈન પરિવાર છે જે પોતાનું ઘર વસી ગયા પછી અનેક જૈન પરિવારોને શહેરમાં રહેવા માટે બોલાવી લે છે , એ એવા જૈન પરિવારો છે જેને કારણે એક સમૃદ્ધ સંઘનું સર્જન થાય છે . આ બધું સંભવિત લાગતું નથી પણ સંભવિત બન્યું છે સતનામાં .
અંગ્રેજોનું રાજ હતું . સત્તા એમની હતી , વ્યવસ્થા એમણે ઊભી કરી . દેશનું દમન કરનારા સૈનિકોની સુવિધા માટે મુંબઈ હાવડા રેલવે સર્વિસ શરૂ થઈ . બ્રિટીશર્સને રીવા , પન્ના , મૈહર , નાગોદ , મસો , મોહાવલ , કોઠી , બરૌઘા , પાલદેવ , ચૌબેપુર , અજયગઢ પર નજર રાખવી હતી . એક રેલવે સ્ટેશન એવી જગ્યાએ બનાવ્યું જ્યાં ગામ કે શહેર જેવું કાંઈ નહોતું . 1863 માં કામ શરુ થયું . 1867માં કામ પૂરું થયું ત્યાર સુધીમાં વર્કર્સની વસાહત બની ગઈ . તે પછી રેલવે સ્ટાફ આવ્યો . અંગ્રેજોના પોલિટિકલ એજન્ટનાં રહેઠાણ બન્યાં . નાનુંસરખું માર્કેટ ઊભું થયું . બ્રિટીશ હકૂમતનું ખાદ્ય કાર્યાલય સ્થપાયું . ખાદ્ય અધિકારીઓ આવ્યા . બજાર બન્યું . ખરીદી થવા માંડી . ખરીદારો વધતા ગયા . નિવાસીઓ વધવા લાગ્યા . ધીમેધીમે ગામ વસ્યું . રીવા રિયાસતના મહારાજા રઘુરાજ સિંહના નામ પરથી ગામનું નામ રઘુરાજપુર બોલાવા લાગ્યું . ક્યારે આ રઘુરાજપુર નામ ભૂલાયું એની સ્પષ્ટ જાણકારી મળતી નથી . જ્યારથી રઘુરાજપુર નામ ભૂલાયું ત્યારથી સતના નામ ચાલ્યું આવે છે .
બ્રિટીશ કંપની રોલ બ્રધર્સને લીધે 1880માં એક જૈન પરિવાર , સતના આવ્યો . એ પરિવાર એટલે રોલ બ્રધર્સમાં વ્યાપાર પ્રબંધક તરીકે કાર્યરત ધારસીભાઈ વોરા / સોમચંદભાઈ વોરા . એ પરિવાર અંજારથી મુંબઈ આવ્યો હતો . બ્રિટીશ કંપનીએ એમને પ્રમોશન રૂપે સતના મોકલ્યા , બિહારી ચોકમાં મકાન આપ્યું અને વ્યાપાર સોંપ્યો . બાજુમાં જ રોલી બ્રધર્સનું ટ્રેડ સેન્ટર હતું . વોરા પરિવારે એમનો વ્યાપાર જમાવ્યો . રોલી બ્રધર્સના કથનથી એમણે પોતાનો વ્યવસાય પણ શરુ કર્યો અને પોતાનો વ્યાપાર પણ જમાવ્યો . રીવાના મહારાજા રઘુરાજ સિંહ પણ એમનાં ઘેર સામે ચાલીને આવતા . વોરા પરિવાર મુખ્યત્વે અળસીનો વ્યાપાર કરતો . એ જમાનામાં સતનાની મંડીમાં અળસીનો જે ભાવ ચાલતો હોય એની જાહેરાત લંડનની બીબીસી ન્યૂઝ ચેનલ પર થતી .
હવે , સંઘ ઉન્નતિની કથા શરૂ થઈ . વ્યવસાય વધતો ગયો એમ વોરા પરિવાર સ્વજનોને , સાધર્મિકોને કચ્છ અને ગુજરાતથી બોલાવતા ગયા . જે નવો પરિવાર આવે તે ઠરીઠામ ન થાય ત્યાર સુધી વોરા પરિવારના રસોડે જમે . સતનામાં જૈન સમુદાય વધવા લાગ્યો . 1889માં વોરા પરિવારે એક ગૃહમંદિરનું નિર્માણ કરાવ્યું . એમાં બિરાજીત થયા શ્રી શાંતિનાથ ભગવાન્ . અષ્ટ ધાતુના આ ભગવાન્ પર વિ.સં.૧૪૮૪ નો પ્રતિષ્ઠા લેખ છે . આમ સતનામાં પધારેલા સર્વપ્રથમ પ્રભુ અતિશય પ્રાચીન હતા . સાથે સ્ફટિકના આદિનાથ દાદા અને અન્ય પ્રભુ હતા . ઘરમાં જ નાનોસરખો ઉપાશ્રય બન્યો . ત્યાં સમૂહમાં સામાયિક પ્રતિક્રમણ થાય . વિહાર કરીને પધારેલા ગુરુ ભગવંત રોકાય . વિ.સં.૨૦૨૬માં આ ગૃહજિનાલય ૧૩૭ વરસ પ્રાચીન બની ચૂક્યું છે , શાંતિનાથ ભગવાન્ એ જ જૂના ગોખલે બિરાજે છે તે હવે ૫૯૮ વરસ પ્રાચીન છે . સંઘમાં મોટું દેરાસર બન્યું એમાં સ્ફટિકના આદિનાથ દાદાને લઈ જવાનો પ્રયત્ન થયો પરંતુ ભગવાન્ પોતાનાં સ્થાનેથી હલ્યા જ નહીં . આ ચમત્કાર જેવી વાત છે . આજે સતનામાં એક મોટું જિનાલય છે . આ જિનાલય સાથે ચાર સપનાં જોડાયા છે .
પહેલું સપનું , 1970 માં એક સાધ્વીજી ભગવંતને આવ્યું . એમણે સપનામાં ધવલ રમણીય જિનાલય સતનામાં બન્યું છે એવું દૃશ્ય જોયું . તેઓ ત્યારે સતનામાં જ હતા . જોવાની વાત છે કે 1974 માં નવું જિનાલય બની ગયું .
બીજું સપનું સતનાનિવાસી શ્રાવકને આવ્યું . ભદ્રાવતી તીર્થમાં નવું જિનાલય બનાવવા ભૂમિખનન થયું હતું એ વખતે ભૂમિમાંથી પ્રાચીન આદિનાથ ભગવાન્ પ્રગટ્યા હતા . 1974 માં સતનાનિવાસી શ્રાવકને સપનામાં ભદ્રાવતીના આ આદિનાથ ભગવાન્ દેખાયા . સપનાના આધારે એમણે વિચાર્યું કે ભદ્રાવતીના શ્રી આદિનાથ ભગવાન્ સતના પધારવા માંગે છે એનો જ આ સંકેત છે . એમણે વાત કરી સતનાના ટ્રસ્ટીઓને . એટલું જ નહીં , સતનાના ટ્રસ્ટીઓને લઈને એ ભદ્રાવતી પણ પહોંચ્યા . ભદ્રાવતી તીર્થના ટ્રસ્ટીઓને , સતનાના ટ્રસ્ટીઓએ સપનાની વાત કરી અને વિનંતી કરી કે આ આદિનાથ દાદા અમને આપો . ભદ્રાવતી તીર્થના ટ્રસ્ટીઓએ સ્વીકૃતિ આપી નહીં . બીજા દિવસે સતનાના ટ્રસ્ટીઓ વહેલી સવારે ભદ્રાવતીથી નીકળી રહ્યા હતા ત્યારે ત્રીજું સપનું વચ્ચે આવ્યું .
ત્રીજું સપનું આવ્યું હતું ભદ્રાવતી તીર્થ ટ્રસ્ટના તત્કાલીન પ્રમુખને . એમને એ રાતે સપનામાં દિવ્ય આદેશ મળ્યો હતો કે સતના સંઘને પ્રાચીન આદિનાથ દાદા સોંપી દો . એમણે સવારે સતનાના ટ્રસ્ટીઓને બોલાવીને આ સપનાની વાત કરી અને વચન આપ્યું કે પ્રાચીન આદિનાથ દાદા સતના સંઘને મળશે . અને 1975 માં પ્રભુ સતના પધાર્યા . પ્રભુનો જિનાલય પ્રવેશ થવાનો જ હતો એ વખતે ચોથા સપનાએ પ્રવેશ લીધો હતો .
ચોથું સપનું આવ્યું હતું સતનાના કાષ્ટ કલાકારની દીકરીને . એને સપનામાં આદિનાથ ભગવાન્ દેખાયા . દીકરીએ પિતાને વાત કરી , પિતાએ સંઘને વાત કરી . કાષ્ટ કલાકારને ભગવાન્ માટે એવી શ્રદ્ધા બેસી ગઈ કે જિનાલયનાં બધાં જ બારીબારણાં એમણે મૂલ્ય લીધાવિના બનાવી આપ્યાં . ચાર ચાર સપનાં દ્વારા આદિનાથ દાદાએ સતનાને ધન્યતાની અનોખી અનુભૂતિ આપી હતી .
સતના સંઘ પાસેથી એક સરસ પ્રેરણા મળે છે : નવું ગૃહમંદિર કે નવું જિનાલય બને એમાં મૂળનાયક તરીકે પ્રાચીન ભગવાન્ બિરાજમાન કરવા જોઈએ . પ્રાચીન ભગવાન્ શો ચમત્કાર સરજે છે એ સતનામાં જોવા મળે છે . સતનાના વડીલોએ પ્રાચીન ભગવાન્ માટે વધુ પુરુષાર્થ આદર્યો હતો . ટ્રસ્ટીઓ જાલોર – નંદીશ્વર દ્વીપ પહોંચ્યા . ત્યાંથી લાવ્યા : સંપ્રતિકાલીન મહાવીર સ્વામી ભગવાન્ . ટ્રસ્ટીઓ ડુંગરપુર રાજસ્થાન પહોંચ્યા . ત્યાંથી લાવ્યા : સંપ્રતિથી પૂૂર્વકાલીન શાંતિનાથ સ્વામી ભગવાન્ અને પ્રાચીન નેમિનાથ ભગવાન્ . સતનાના વડીલોને જે સૂઝ્યું તે દરેક સંઘના વડીલોને નથી સૂઝતું . દેરાસર નવું બને એમાં વડીલો ચાર ચાર પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન કરે એ કેટલી મોટી વાત છે ? પ્રાચીન પ્રતિમાજી જે જિનાલયમાં બિરાજમાન થાય એ જિનાલય પોતાના પ્રથમ દિવસથી જ તીર્થ ગણાય છે . ચાર ચાર પ્રાચીન ભગવંતોના પ્રભાવે સતનાનું જિનાલય તીર્થસ્થાન બન્યું છે . અન્ય પ્રતિમાઓ છે , પરિવાર છે તે રમણીય છે પણ અર્વાચીન છે . સતનાનો ઠાઠમાઠ પ્રાચીન પ્રભુમૂર્તિઓએ રચ્યો છે . ૧૨૦૦ કિલોમીટર દૂરથી આવેલો વિશાળ જૈન સમાજ આજે મધ્ય પ્રદેશમાં સુખી સંપન્ન સમૃદ્ધ છે . શ્રાવક શ્રાવિકાઓ ધર્મના રસિયા છે . સતનામાં આવનારા ગુરુ ભગવંતોને સતના સંઘ લાંબા સમય સુધી રોકે છે , મોટી સંખ્યામાં સંઘ ભેગો થાય છે વ્યાખ્યાન સમયે . આ વિસ્તારમાં સતના એકમાત્ર એવો સંઘ છે જ્યાં ગુજરાતી ભાષામાં વ્યાખ્યાન આપી શકાય છે . ગોચરી પાણીની ભક્તિ કમાલ . વરસોથી કીર્તિભાઈ કામદાર , સંઘના પ્રતિનિધિ તરીકે સર્વે ગુરુ ભગવંતોના પરિચયમાં રહે છે .
સતના હવે ગામમાંથી શહેર બની ગયું છે . સતના દોઢ વરસ જૂનું છે એનો અર્થ એ નથી કે આ વિસ્તારમાં જૈનધર્મનો ટૂંકો છે . સાચુંખોટું ઈતિહાસવિદ્ જાણે પણ અહીંના વડીલો કહે છે પ્રભુ મહાવીર વત્સ રાજ્યથી ઉજ્જૈન પધાર્યા ત્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા . રામ લક્ષ્મણ સીતા પણ વનવાસ દરમિયાન અહીંથી નીકળ્યા હતા . થોડા સમયપૂર્વે , સતના નજીક ઉચેહરા ગામ પાસેથી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ ખંડિત અવસ્થામાં મળી હતી . સતનાથી જબલપુર રોડ તરફ લાલપહાડ ભરહુત ગામ છે . અહીંની જમીનમાંથી ૨૫૦૦ વરસ પ્રાચીન મૂર્તિઓ નીકળી હતી . અમુક મૂર્તિઓ કોલકાતા મ્યુઝિયમમાં ગઈ , અમુક મૂર્તિઓ સતના સમીપે રામવનના સંગ્રહાલયમાં ગઈ . મેં રામવન જોયું છે . વૈદિક પરંપરાનો વિશાળ આશ્રમવિસ્તાર છે . રહેવા માટે રૂમ આપે છે . સાંજે ગોધૂલિવેળાએ જૂના વૃક્ષોની ભીડમાં હજારો પોપટ ભેગા મળીને ભારે કલબલાટ મચાવે છે . આવો પોપટમેળો બધે જોવા નથી મળતો .
સતનાથી કૌશાંબી જતાં વચ્ચે ચિત્રકૂટ આવે છે . રામ વનવાસ માટે અયોધ્યાથી નીકળ્યા એ પછીનો એ લાંબો સમય ચિત્રકૂટ રોકાયા . ચિત્રકૂટમાં અગણિત રામમંદિર છે . સંસ્કૃત ભાષામાં દરેક વિષય ભણાવતું વિદ્યાલય છે . જોકે એક જૈન પરિવાર ચિત્રકૂટમાં છે જે ઈસાઈ મિશનરી અને ઈસ્લામિક ધર્માંતરણથી ગરીબ જનતાને બચાવી રાખવા એક આઈ હોસ્પિટલ ચલાવે છે . છવ્વીસ ઓપરેશન થિયેટરવાળી આ વિરાટ હોસ્પિટલમાં ગરીબો પાસેથ પૈસા લેવાતા નથી . એકસોથી વધુ ડોક્ટર્સ છે . રોજ ચાર હજારથી વધુ દર્દીઓ ઈલાજ કરવા આવે છે . વરસે પંદર લાખ દર્દી આવે છે . પ્રતિવર્ષ એક લાખ ઓપરેશન થાય છે .
અત્યાધુનિક સુવિધાઓ છે . દરેક કામ ઝડપથી થાય છે . મેં પરીક્ષા લેવાની માનસિકતા સાથે ડો.ને નવા ચશ્મા બનાવી આપવા કહ્યું . ત્રણ ડિમાન્ડ હતી : ચશ્મા પ્લાસ્ટિક ગ્લાસના હોય , પ્લાસ્ટિક ગ્લાસ સનગ્લાસ હોય , એ ગ્લાસ બાયફોકલ હોય . ચોથી ડિમાન્ડ હતી : મને આવા ચશ્મા એક દોઢ કલાકમાં જ જોઈએ છે , તરત વિહાર કરવો છે . હવે મારી આંખ ચેક કરવામાં આવી અને આશ્ચર્યની વાત એ હતી કે એક જ કલાકમાં નવા ચશ્મા આવી ગયા હતા .
આ પરિવાર સાથે ઘણી વાતો થઈ . એમને જૈનધર્મ પર આસ્થા છે . એમનું ફોકસ ગરીબો પર છે . ભારતીય ગરીબ , ભારતીય ધર્મ છોડીને ઈસાઈ કે ઈસ્લામિક ધર્મ સ્વીકારી લે એવું ના બનવું જોઈએ આ એમનું મિશન છે . એમના ગુરુ છે સંત રણછોડદાસજી મહારાજ પાસેથી એમને આ મિશન મળ્યું છે . ચિત્રકૂટમાં વૈદિક પરંપરાનો દબદબો છે . નાનીનમણી નદી છે . કિનારે ઘાટ છે . સજીધજી નૌકાઓ છે . બસ , જૈન મંદિર નથી ચિત્રકૂટમાં .