Home » Blogs » ગિરિડીહ અને પારસનાથ

ગિરિડીહ અને પારસનાથ

by devardhiadmin
0 comments

1853માં અંગ્રેજોએ ભારતમાં પહેલીવાર આગગાડી દોડાવી . 1862માં કલકત્તાથી રાજમહેલ સુધી આગગાડી દોડી હતી . ત્યારનું રાજમહેલ એટલે આજનું ઝારખંડ . ગુજરાતના યાત્રાળુઓ માટે 1888માં જૂનાગઢને અને 1910માં પાલીતાણાને રેલ્વે લાઈન મળી . 1962માં પાલીતાણા રેલ્વે સ્ટેશનની સામે , જૈન ગુરુકુલ અને એમાં જૈન દેરાસર બન્યું .

સમેતશિખરના યાત્રાળુઓને 1871માં ગિરિડીહ રેલ્વે સ્ટેશન મળ્યું . એ પછી 1877માં ગિરિડીહમાં , સ્ટેશનની સામે  શ્વેતાંબર દેરાસર અને ધર્મશાળાનું નિર્માણ થયું . સમેતશિખરના યાત્રાળુઓને 1906માં ઈસરી બજારને અડીને પારસનાથ રેલ્વે સ્ટેશન મળ્યું . સ્ટેશનની પાસે શ્વેતાંબર ધર્મશાળા પહેલાં બની અને છેક 2005માં જૈન શ્વેતાંબર દેરાસરનું નિર્માણ થયું .   

ગિરિડીહમાં અને ઈસરી શહેરમાં વરસોથી દિગંબર દેરાસરો અને ઘરો છે . ગિરિડીહની જૈન શ્વેતાંબર ધર્મશાળાની હાલત , કફોડી છે . ઈસરી શહેરમાં એટલે કે પારસનાથમાં જૈન શ્વેતાંબર ધર્મશાળા સરસ , સુઘડ છે . 

ગિરિડીહમાં એક દિવસ રહેવાનું થયું  . પ્રાંગણમાં જાંબુનું વિશાળ વૃક્ષ છે , છ લેશ્યાનાં ચિત્રપટમાં દેખાડે છે એવું ઊંચું . એનાં જાંબલી ફળ હાથની પહોંચથી બહાર , દૂર છે . બીજું વૃક્ષ કોઠાનું છે એકદમ ઊંચું છે . એનો ઉપરી ફેલાવો સમવસરણના અશોકવૃક્ષની યાદ આપે છે . બાકીનો બગીચો નાનો પણ સુંદર છે . દેરાસર મુર્શિદાબાદ શૈલીનું છે . નિર્માણની તકતી સામોસામ છે . 

अजिमगंज ( मुर्शिदाबाद ) निवासी पुण्यशाली श्री हरखचंदजी दुधेडिया के पुत्र रायबुधसिंह बहादुर एवं रायविशनचंद बहादुर के द्वारा निर्मित श्री सुपार्श्वनाथजी का जिनालय । સમેતશિખરજીનાં યાત્રાળુઓ માટે બનેલું જિનાલય છે છતાં મૂળનાયક પારસનાથ દાદા નથી અને સુપાર્શ્વનાથ દાદા છે . પરંતુ શિખરજી જેટલું પારસનાથ દાદાનું છે એટલું જ સુપારસનાથ દાદાનું છે . કેમ કે ઉભય પ્રભુની મોક્ષ કલ્યાણક ભૂમિ સમાન છે .  પારસનાથ ઈસરી બજારમાં આવું જ છે . અહીં દેરાસરમાં મૂળનાયક પારસનાથ દાદા નથી બલ્કે વાસુપૂજ્ય ભગવાન્ છે . પારસનાથ ઈસરી બજારની શ્વેતાંબર ધર્મશાળાના મેનેજરને મેં પૂછ્યું કે આમ કેમ ? 

મેનેજરે કહ્યું : કલકત્તાના શ્રાવકોએ પહેલેથી વિચારી રાખેલું કે જ્યારે પણ ઈસરીમાં જિનાલય બનશે , મૂળનાયક વાસુપૂજ્ય ભગવાન્ હશે . 

વાત છે પૂજા કરનારાઓની તો ગિરિડીહમાં  પૂજારી પૂજા કરે છે , દર્શન કરવા છૂટાછવાયા શ્વેતાંબર જૈનો આવે છે . એક જમાનામાં પારસનાથ રેલ્વે સ્ટેશન કરતા ગિરિડીહ રેલવે સ્ટેશન પર યાત્રાળુઓ વધારે રહેતા હતા.  આ દરેક યાત્રાળુ ગિરિડીહના દેરાસરમાં  દર્શન, પૂજા વગેરે કરતા . જેમ જેમ પારસનાથ રેલ્વે સ્ટેશન પર  વ્યવસ્થાઓ સુધરતી ગઈ અને નવી લાઈનો શરૂ થતી ગઈ , ગિરિડીહ રેલ્વે સ્ટેશન પરનો આવરોજાવરો ઘટતો ગયો . આજની તારીખે પારસનાથ રેલ્વે સ્ટેશન પર યાત્રાળુઓ ભરપૂર જોવા મળે છે . એક જમાનો હતો જ્યારે ગિરિડીહ રેલ્વે સ્ટેશન ઉપર ઉતરેલા યાત્રાળુઓને લેવા માટે જૈન શ્વેતાંબર કોઠી સમેતશિખરથી વાહન આવતાં . યાત્રાળુઓને એ વાહન પહેલાં બરાકર લઈ જતા . બરાકરમાં યાત્રાળુઓ ઉતાવળે દર્શન કરતા તે પછી એ વાહન યાત્રાળુઓને સમયસર શિખરજી પહોંચાડી દેતા . હવે ગિરિડીહ રેલ્વે સ્ટેશન પર યાત્રાળુઓના ટોળા ઉતરતા નથી .  એમને લેવા કોઈ વાહન આવતા નથી .  સચ્ચાઈ એ છે કે ગિરિડીહનું દેરાસર યાત્રાળુઓ માટે જ બન્યું છે છતાં આજની તારીખે ગિરિડીહનાં દેરાસરમાં યાત્રાળુઓ બહુ જ ઓછા જોવા મળે છે . 

મને એમ હતું કે પારસનાથ રેલ્વે સ્ટેશન પર યાત્રાળુઓની અવરજવર સારી છે માટે પારસનાથ ઈસરી બજાર શ્વેતાંબર દેરાસરમાં યાત્રાળુઓની અવરજવર સારી જ હશે . આ ઉમ્મીદથી મેં પારસનાથ  ધર્મશાળાના મેનેજરને  પૂછ્યું કે આપણા બધા યાત્રાળુઓ દર્શન / પૂજા કરવા દેરાસરે જતા જ હશે ?

 મેનેજરે મને કહ્યું : બધા યાત્રાળુઓને ઉતાવળ હોય છે . દૂરથી આવ્યા હોય એમને શિખરજી પહોંચવાની ઉતાવળ હોય છે . શિખરજી યાત્રા કરીને આવ્યાં હોય તેમને ટ્રેન પકડવાની ઉતાવળ હોય છે . લગભગ બધા યાત્રાળુઓ થોડા સમય માટે આવે છે , થોડા સમય માટે રોકાય છે અને સીધા  રેલવે સ્ટેશન ઉપડી જાય છે . દેરાસર , જવાવાળા યાત્રાળુઓ બહુ ઓછા હોય છે . 

આપણી યાત્રાઓની આ સચ્ચાઈ છે . આપણે મોટા નામોની પૂજા કરીએ છીએ . નાના નામ તરફ આપણું ધ્યાન જતું નથી . કોલકાતા જેવા નજીકના અમુક સંઘો નિયત દિવસે પારસનાથ દેરાસરે જરૂર આવે છે.  પણ સમગ્ર ભારતથી આવનારા  જૈન શ્વેતાંબર યાત્રાળુઓની જે સંખ્યા સ્ટેશને દેખાય છે , ધર્મશાળામાં છલકાય છે એ પૂરેપૂરી સંખ્યા દેરાસરમાં જોવા મળતી નથી . આ જ લોકો શિખરજીનો પૂરેપૂરો પહાડ પણ ચડી આવે છે પરંતુ ઈસરીબજાર ધર્મશાળાની બહાર , સામેની ગલીમાં શ્વેતાંબર દેરાસર છે ત્યાં યાત્રાળુઓ થોડા જાય છે , ઘણા નથી જતા . 

તીર્થમાં જઈએ તો પ્રભુનો જ વિચાર કરવો જોઈએ . પ્રભુનો વિચાર સુખ જ આપે છે. પરંતુ પ્રભુ સાથે શું થઈ રહ્યું છે એનો વિચાર આપોઆપ આવે છે . પ્રભુની ભક્તિઓ ભવ્ય થતી હોય એ જોઈએ એનાથી આંખો હરખાય . પ્રભુની ભક્તિમાં આ ઉણપ રહેતી હોય તે જોઈએ તો પીડા થાય . પ્રભુ માટેનો હરખ પણ પુણ્યકારી છે અને પ્રભુ માટેની પીડા પણ પુણ્યકારી છે . 

શિખરજીનું આરોહણ ઈસરી બજારથી નીકળી નિમિયાઘાટના રસ્તે પણ થઈ શકે છે . એ માર્ગ થોડો ટૂંકો છે પણ અતિશય અઘરો છે . એ રસ્તે જવાનો લાભ મને ના મળ્યો .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.