Home » Blogs » પાવાપુરી : મોક્ષ કલ્યાણક મંદિર

પાવાપુરી : મોક્ષ કલ્યાણક મંદિર

by devardhiadmin
0 comments

પ્રભુ મહાવીર ત્રીસ વરસ તેરમા ગુણસ્થાનકે રહ્યા . પછી આવ્યું ચૌદમું ગુણસ્થાનક . ચૌદમા ગુણસ્થાનકે અઘાતી કર્મોનો નાશ થયો . ચૌદમા ગુણસ્થાનકે મન યોગ અને વચન યોગ અટક્યા . અવ્યવહાર રાશિની નિગોદથી કાય યોગ ચાલ્યો આવતો હતો એનો વિરામ આવ્યો ચૌદમા ગુણસ્થાનકે . બોલવાનું છૂટી ગયું ચૌદમા ગુણસ્થાનકે . શ્વાસ આહાર પાણી લેવાનું છૂટી ગયું ચૌદમા ગુણસ્થાનકે . કર્મની સત્તા અને કર્મનો ઉદય , એ કાયમી ધોરણે ટળ્યા ચૌદમા ગુણસ્થાનકે . નવાનવા જનમ લેવાનું ચક્ર તૂટ્યું ચૌદમા ગુણસ્થાનકે . ચૌદમા ગુણસ્થાનકે સમય ઓછો વીત્યો પરંતુ ચૌદમા ગુણસ્થાનકે જે આપ્યું એનું આયુષ્ય સૌથી વધારે હતું . સાદિ અનંત અશરીર ભાવ . સાદિ અનંત અમરણ ભાવ . સાદિ અનંત અરૂપી અવસ્થા . સાદિ અનંત કર્મરહિત અવસ્થા . એક પ્રસ્થાન થયું હતું અહીંથી . પ્રસ્થાન સિદ્ધશિલા તરફ હતું . પ્રસ્થાન અદૈહિક હતું . પ્રસ્થાન અકાર્મણ હતું . પાણીમાં ડૂબેલી તુંબડી પરથી માટીનાં થર સરકી જાય અને તુંબડી પોતાની મેળે પાણીની સપાટી પર આવી જાય એ રીતે એક પરમ આત્મા પાવાપુરીથી ઉપર ઊઠ્યો હતો અને સિદ્ધશિલાની સપાટીએ બિરાજમાન થયો હતો .

પૂજારીએ કહ્યું હતું કે આજ ભૂમિ પરથી પ્રભુનું મોક્ષગમન થયું છે. આ ભૂમિ પર , એક્ઝેક્ટલી કંઈ જગ્યાએથી મોક્ષગમન થયું છે. એ પ્રશ્ન મનમાં બનતો હતો . જિનાલયના મૂળનાયક પદે પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાની જમણી બાજુ એક પ્રાચીન ચરણ પાદુકા છે એની માટે એમ કહેવાય છે કે આ ચરણ પાદુકા મહારાજા નંદીવર્ધને ભરાવેલા છે . જો આ વાત સાચી હોય તો આ ચરણ પાદુકા જિનાલયનાં મુખ્ય સ્થાને બિરાજમાન હોય એવી ઝંખના જાગે છે . જે રીતે રાયણ વૃક્ષની ચૈત્ય કુલિકામાં પ્રાચીન ચરણપાદુકા છે , જે રીતે જલમંદિરનાં મુખ્યસ્થાને ચરણ પાદુકા બિરાજે છે એ રીતે મોક્ષ કલ્યાણક મંદિરનાં મુખ્ય સ્થાને પ્રાચીન ચરણ પાદુકા હોય એવી કલ્પના મનમાં ભાવનાપૂર્વક આવે છે. પ્રભુ વીરનાં મોક્ષગમન પછી તરત જ પ્રતિમા બિરાજી એવું તો નહીં બન્યું હોય . પ્રતિમા સુંદર છે એમાં કોઈ બેમત નથી .

પ્રભુ વીરનાં મોક્ષગમન સમયે તો ચોમાસું ચાલુ હતું . જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં ગણધર ભગવંતો અને અન્ય મહાત્માઓ બિરાજમાન હતા . પ્રભુ વીરનાં મોક્ષગમનના બીજા દિવસે નૂતન કેવલી ગૌતમ ગુરુ ગુણિયાજીથી પાવાપુરી પધાર્યા હશે . સૌ મહાત્માઓ એમને લેવા સામે ગયા હશે . સકલ શ્રી સંઘ તથા દેવદેવીસમુદાય સાંત્વના લેવા નૂતન કેવલી ગૌતમ ગુરુ સમક્ષ ઉપસ્થિત થયો હશે . એમને ગૌતમ ગુરુએ જે દેશના આપી હશે એ જ શું ગૌતમ ગુરુની કૈવલ્યલાભ પછીની પ્રથમ દેશના હશે ? એ દેશનામાં વીતરાગી ગૌતમ ગુરુ પ્રભુ વીર માટે શું બોલ્યા હશે ? એ દેશના ક્યાં થઈ હશે ? મોક્ષ કલ્યાણક મંદિરનાં આ સ્થાનમાં જ ? ગણધર ભગવંતો અને મુનિ ભગવંતો અને શ્રમણી ભગવંતોને ગૌતમ ગુરુએ અલગથી હિતશિક્ષા કે વાચના આપી હશે એ પણ મોક્ષ કલ્યાણક મંદિરનાં આ સ્થાનમાં જ ? પ્રભુ વીરનાં મોક્ષગમન પછી ધર્મતીર્થના સર્વસત્તાધીશ સુધર્મા ગુરુ છે એ જાહેરાત ગૌતમ ગુરુએ કરી હશે કે ઈન્દ્ર મહારાજાએ ? એ જ વખતે એ પણ સહજ રીતે જાહેર થયું હશે કે ધર્મતીર્થને છત્રછાયા આપશે કેવલ જ્ઞાની શ્રી ગૌતમ ગુરુ . ધર્મતીર્થના છત્રછાયાદાતા ગૌતમગુરુ અને ધર્મતીર્થના સર્વસત્તાધીશ સુધર્મા ગુરુ અને સંપૂર્ણ મુનિસમુદાય ચોમાસાના શેષ ૧૫ દિવસો સુધી ક્યાં બિરાજમાન રહ્યો હશે ? મોક્ષ કલ્યાણક મંદિરનાં આ સ્થાનમાં જ ? પ્રભુ વીરની વિદાયને લીધે જે જે મહાત્માઓએ અનશન સ્વીકારેલું એમને પણ આ જ ભૂમિ પર નિવાસ મળ્યો હશે ? કોઈ મોક્ષે ગયું હશે , કોઈ સ્વર્ગે ? પ્રભુ વીરના સાંનિધ્યમાં જે જે કેવલી ભગવંતો હતા એ સૌ પણ અહીં જ બિરાજમાન રહ્યા હશે ? ચૌદ પૂર્વી મહાત્માઓ , વૈક્રિય લબ્ધિ અને અન્ય લબ્ધિથી સંપન્ન મુનિ ભગવંતો , અહીં જ બિરાજમાન રહ્યા હશે ? પ્રભુ વીરનાં મોક્ષગમન પછી રોજેરોજની દેશનાઓ ચાલુ જ હશે . એ દેશના કોણે ફરમાવી હશે ? ગૌતમ ગુરુએ ? શ્રોતાજનોમાં કોણ કોણ , એ ક્યાંથી ક્યાંથી આવતા હશે ? ચોમાસાનાં સાડાત્રણ માસ પ્રભુની દેશનાઓ સમવસરણમાં થયેલી ? શેષ ચાતુર્માસમાં સમવસરણ વિનાની દેશનાઓ હતી . કેવું લાગતું હશે ? ગૌતમ ગુરુ કે સુધર્મા ગુરુની દેશનાઓ કેટલીવાર થઈ હશે આ મોક્ષકલ્યાણકની ભૂમિ પર ? ચોમાસા પછી અહીંથી વિહાર થયો હશે એ કેવો હશે ? છદ્મસ્થ મહાત્માઓ વિચારતા જ હશે કે અમે આવ્યા હતા પ્રભુની સાથે , જઈ રહ્યા છીએ પ્રભુ વિના . આંખે આંસુ ઊભરાયા હશે .

એ વખતે મોક્ષગમનસ્થાને ચરણપાદુકા બિરાજીત થઈ ચૂક્યા હશે . એટલે સૌ સાધુઓએ નીકળતા પહેલાં પ્રભુનાં મોક્ષગમનસ્થાને , ચરણપાદુકા પર મસ્તક ટેકવ્યું હશે . એ ચરણપાદુકા આજે છે ? એ ચરણપાદુકા આજે ક્યાં છે ? મન ઉત્કંઠાથી પ્લાવિત છે . મોક્ષ કલ્યાણક મંદિરમાં બે ચરણપાદુકા છે . એક મૂળનાયકની જમણી બાજુમાં છે . આ ચરણપાદુકા પ્રાચીન છે અને માન્યતા એવી છે કે આ ચરણપાદુકા મહારાજા નંદીવર્ધને ભરાવેલી છે . જો આ વાત ખરેખર સાચી હોય તો એક કલ્પના આવે છે કે આ ચરણપાદુકા કોઈ સમયે મુખ્ય સ્થાને બિરાજીત હશે , જલમંદિરના ચરણપાદુકાની જેમ . પ્રભુ વીરનાં મોક્ષગમન પછીની પ્રથમ શતાબ્દીમાં મોક્ષ કલ્યાણક મંદિર કેવું હશે ? એ બીજી ત્રીજી ચોથી પાંચમી શતાબ્દીમાં કેવું હશે ? અત્યારે છે એના કરતાં જરૂર અલગ હશે . એ કેવું હશે ? મુખ્ય સ્થાને ચરણ પાદુકા હશે ? આ પાંચસો વરસ દરમ્યાન તત્કાલીન મહાપુરુષો અહીં પધાર્યા જ હશે . ૧૪૦૦૦ સાધુ હતા અને એમની પરંપરા હતી . ૩૬૦૦૦ સાધ્વી હતાં અને એમની પણ પરંપરા હતી . પાંચસો વરસમાં ત્યાગી ભગવંતોનું આવાગમન બનેલું જ રહ્યું . ચરમ ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામીજી મહારાજાના સમયે બાર વરસનો દુકાળ પડ્યો તે પછી શ્રમણ સંઘનાં વિહારક્ષેત્ર બદલાયાં . એ પહેલાં તો પૂર્વ ભારત મુખ્ય વિહાર ભૂમિ હતી . કેટકેટલા મહાપુરુષો વરસો વરસો સુધી આવતા રહ્યા ?

મોક્ષ કલ્યાણક મંદિરમાં પ્રભુનો સ્પર્શ વસે છે , સ્વર વસે છે , શ્વાસ વસે છે . એ સ્પર્શ પામવા કોણ નહીં આવ્યું હોય ? જે આવ્યા એ પણ મહાન્ હતા . એમનો સ્પર્શ પણ મોક્ષ કલ્યાણક મંદિરમાં વસ્યો છે . સૈકાઓ વીતતા ગયા . પ્રભુના સ્પર્શની આસપાસ મહાપુરુષોના સ્પર્શ પણ વસતા ગયા . મૂળનાયક ભગવાનની જમણી તરફ જે ચરણ પાદુકા છે એની પ્રતિષ્ઠા વિ.સં.૧૬૪૫માં થઈ છે . સ્પષ્ટ વાત છે કે ચરણપાદુકા પ્રતિષ્ઠા સંવત્ કરતાં ઘણી પ્રાચીન છે . બહાર રંગમંડપમાં વિશાળ વેદિકા પર એક ચરણપાદુકા છે એની પ્રતિષ્ઠા વિ.સં.૧૬૯૮માં થઈ છે . આ ચરણપાદુકાને જે રીતે મુખ્ય સ્થાન જેવું ગૌરવ મળ્યું છે તે ગમે છે .

હસ્તિપાલ રાજાની રજ્જુગશાલામાં પ્રભુ છેલ્લું ચોમાસું બિરાજ્યા . પ્રભુની દેશનામાં કેટલા ભાવિકોનું આગમન થતું એ સમવસરણનું વર્ણન સાંભળવાથી સમજવા મળે છે . વ્યક્તિગત રૂપે પ્રભુનાં દર્શન કરવા કેટકેટલા લોકો આવતા હશે ? એમની સંખ્યા , એમની ભીડ કેવી રીતે સચવાય જો જગ્યા નાની હોય . આજે ગામમંદિર તરીકે ઓળખાતું કેમ્પસ વિશાળ છે . કેટકેટલી ધર્મશાળા ? કેટકેટલી રૂમ્સ ? એકસાથે કેટલા સંઘો આવે છે તે સમાય છે , સચવાય છે ? મોક્ષ કલ્યાણક મંદિરમાં પ્રભુનો નિવાસ હતો અને છે . મોક્ષ કલ્યાણક મંદિરની બહારનાં તીર્થસંકુલમાં પ્રભુભક્તોની મોટી ભીડ થતી હતી અને થતી જ રહે છે . એવું કોઈકે કહ્યું હતું કે જલમંદિરમાં જેટલા યાત્રાળુ જોવા મળે છે એટલા યાત્રાળુ અન્ય મંદિરમાં જોવા મળતા નથી . હશે , જલમંદિરમાં યાત્રાળુઓની સંખ્યા ઘણી મોટી હશે . પણ મોક્ષ કલ્યાણક મંદિરમાં સંખ્યા ઓછી છે એવું કહી ન શકાય . સંઘો આવતા જ રહે છે , આખો દિવસ યાત્રાળુઓની એવી ભીડ હોય છે કે શાંતિથી ચૈત્યવંદન કે જાપ કરવાનું મુશ્કેલ બની જાય છે . એક તબક્કે સંઘ વિદાય લે છે તે પછી મોક્ષ કલ્યાણક મંદિરમાં એકાંત રચાય છે . આવું એકાંત મને મળ્યું એમાં મેં સૂત્રો , સ્તોત્રો અને સ્તવનોનું ભાવપૂર્વક ઉચ્ચારણ કર્યું હતું . મોક્ષ કલ્યાણક મંદિરની છતને જોતાં જોતાં કલ્પના છ રાજલોકની ઉપર , સાતમા રાજલોક સુધી જાય છે . મોક્ષ કલ્યાણક મંદિરમાં બેઠા હોઈએ ત્યારે અનુભવાય છે આપણાં મસ્તક પર સિદ્ધ અવસ્થાના મહાવીર પ્રભુની સાક્ષાત્ સમી છત્રછાયા બનેલી છે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.