આજની આ ક્ષણે જે કરીએ તે સો ટકા એનર્જી લગાવીને કરીએ , એમનો આ સિદ્ધાંત હતો . કામ તો કરવાના જ છે , ઢીલા રહીને કરીશું એમાં વેઠ વળશે . આજે કરેલી ઢીલાશનો સંસ્કાર આવતીકાલે કામ કરવાના સમયે પોતાની અસર બતાવશે . કાલે ઢીલા રહ્યા તો ઢીલાશનો સંસ્કાર બે દિવસનું બળ મેળવી લેશે અને ત્રીજા દિવસને ઢીલો બનાવશે . આમ રોજેરોજ ઢીલાશનો સંસ્કાર મજબૂત થયા કરશે . આજે ઢીલાશ ખંખેરીને કામ કર્યું હશે તો એની છાયાહેઠળ આવતીકાલ અને પરમ દિવસનાં કામોમાંય શતપ્રતિશત એનર્જી જળવાશે . એટલું જ નહીં , આગળ જતાં લાંબા સમય સુધી આનો ફાયદો મળતો રહેશે .
છત્રીસ વરસના દીક્ષાપર્યાયમાં ગુરુનાં સાંનિધ્યમાં બે જ વરસ રહેવાનું થયું પણ આ બે વરસમાં , જાણે જનમોજનમનો ખજાનો લૂંટી લેવાનો હોય એવો ભાવ બનાવ્યો હતો .
ગુરુદેવનાં વ્યાખ્યાનમાં અને વાચનામાં બિફોર ટાઈમ હાજર હોય . સાથે નોટપેન અવશ્ય રાખે . જે સાંભળે તે બદ્ધું જ લખી લેવું હોય . બે ટેકનિક અપનાવે . એક , એકદમ ઝીણા અક્ષરે લખે . અક્ષરની સાઈઝ નાની હોય એટલે લખવાનો સમય ઓછો થઈ જાય . એક સેકન્ડમાં દોઢ અક્ષરને બદલે ત્રણ અક્ષર લખાય છે નાની સાઈઝનાં કારણે . પરિણામે એક મિનિટમાં ૯૦ અક્ષરને બદલે ૧૮૦ અક્ષર લખાય અને એક કલાકમાં ૫૪૦૦ અક્ષરને બદલે ૧૦,૮૦૦ અક્ષર લખાય . વધુ અક્ષર લખાય એને કારણે વ્યાખ્યાનનો એક પણ શબ્દ લખવાનો રહી ગયો હોય એવું ન બને . બે , નોટપેનની એક લાઈનની નીચે એ અક્ષરોની બે લાઈન બનાવે . સામાન્ય રીતે નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની એક જ લાઈન હોય છે . એક લાઈન પૂરી થાય તે પછી બીજી લાઈન આવે અને એની નીચે પણ અક્ષરોની એક જ લાઈન હોય છે . મુનિશ્રીએ નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની બે લાઈન લખવાની પોતાની સ્વતંત્ર ટેકનિક અપનાવી હતી . અક્ષર મોટા હોય તો નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની એક જ લાઈન આવે પરંતુ ઝીણા અક્ષર હોવાથી નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની બે લાઈન આવી જતી . આ રીતે રોજનું વ્યાખ્યાન કે રોજની વાચના લખી લે . વ્યાખ્યાન કે વાચના ચાલુ હોય એ વખતે જે લખાય ઉતાવળે લખાયું હોય , અક્ષર સારા ન હોય . આથી આખું લખાણ સારા અક્ષરમાં ફરીથી લખે . એ જ પદ્ધતિ : ઝીણા અક્ષર અને બે લાઈન . બે – અઢી વર્ષમાં ૪૦૦થી વધુ વ્યાખ્યાનો લખ્યા . દરેક વ્યાખ્યાન આશરે દશ પાનાનું હોય એટલે ૪૦૦૦ પાનાં ભરાય એટલું લખ્યું . એક પોપ્યુલર વેબસાઈટમાં જેમ અલગ અલગ સેક્શન હોય છે અને કેટેગરી હોય છે એમ એમણે ચારસો વ્યાખ્યાનની અલગ અલગ સેક્શન અને કેટેગરી મુજબ નોટબુક્સ બનાવી હતી . આ ચારસો વ્યાખ્યાનોને એમણે સેંકડોવાર વાંચ્યા હશે . એમની માટે આ ચારસો વ્યાખ્યાન કરોડોની મૂડી સમાન કિંમતી હતા . ક્યારેય પણ , કોઈ પણ પ્રશ્ન આવે તો એનો જવાબ આ ૪૦૦૦ પાનાઓમાંથી એ શોધી કાઢતા . એમની નોંધણી અનુસાર –
૧ . હસ્તગિરિ તીર્થ ( વિ.સં.૨૦૪૦ )
૨ . પાલીતાણા ચાતુર્માસ – ( વિ.સં.૨૦૪૦ )
૩ . ખંભાત તીર્થ ( વિ.સં.૨૦૪૧ )
૪ . અમદાવાદ – લક્ષ્મીવર્ધક ચાતુર્માસ ( વિ.સં.૨૦૪૧ )
આટલાં ક્ષેત્રોમાં પોતાના ગુરુદેવ પૂ.આ.શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં જે જે વ્યાખ્યાનો થયાં તેનું એમણે સમૃદ્ધ સંકલન બનાવ્યું હતું .
મારે મારા વિચારોમાં અને ભાવનાઓમાં મારા ગુરુદેવની વાણીને આકંઠ ભરી દેવી છે એવો સંકલ્પ લીધો હતો . કંટાળો કર્યા વગર , બહાના વચ્ચે લાવ્યા વગર ગુરુવચનોને લખતા જ રહ્યા . બે વરસમાં જે લખ્યું હતું તેનાથી આખાય જીવતરને અજવાળું મળતું રહ્યું . ( ક્રમશઃ )
દીક્ષાની સાથે જ પરભાવથી પરાઙ્મુખ રહેવાની વૃત્તિને વધુમાં વધુ આત્મસાત્ કરતા ગયા . એક પ્રતિભાશાળી વ્યક્તિ દીક્ષા લે છે તે પછી પ્રથમ ચરણમાં એમનો એક અભ્યાસ કાળ ચાલે છે , જેમાં એ ચરણ સિત્તરી અને કરણ સિત્તરીના દરેક પાઠ બરોબર શીખી લે છે તેમ જ ખાસ્સો બધો શાસ્ત્ર અભ્યાસ કરી લે છે .
બીજાં ચરણમાં એ ગુરુની આજ્ઞા પામીને જાહેર જીવનની જવાબદારી સ્વીકારે છે . આ તબક્કે એવું બનવા લાગે છે કે જે સમય પંચાચારની સાધનાને અપાતો હતો તેમાંનો અમુક સમય , જવાબદારીનાં નામે સંઘને અને ગૃહસ્થોને અપાતો થાય છે . ધીમે ધીમે નામના વધે છે .
ત્રીજાં ચરણમાં – અનુયાયીઓ અને પરિચિતો અને ભક્તો વધે છે , દૂરદૂર સુધી નામ ફેલાય છે . હજારો અથવા લાખો લોકોમાં નામ પ્રચાર પામે છે .
સામાન્ય જનમાનસ એવું થઈ ગયું છે જેને હજારો અથવા લાખો લોકો જાણે છે તે મોટા અને જબરદસ્ત મહાત્મા ગણાય છે . જેને ઓછા લોકો જાણે છે તેને મોટા અને જબરદસ્ત મહાત્મા ગણવામાં આવતા નથી . મુદ્દો એ નથી કે જાહેર જવાબદારી સ્વીકારવી જોઈએ કે નહીં . મુદ્દો એ છે કે જે જાહેર જવાબદારી સ્વીકારતા નથી એમને માનસન્માન ઓછું મળે છે . આવું ખરેખર જોવા મળે છે . પરિણામ એ આવે છે કે જાહેર જવાબદારી સ્વીકારી લેવાનું વલણ બદ્ધા જ અપનાવી લે છે . પછી જેનામાં જેટલું સામર્થ્ય હોય છે એને એટલું માનસન્માન મળતું જાય છે . અમુક ગૃહસ્થોએ એવી ધારણા બનાવી મૂકી છે કે જેમની આગળપાછળ ઘણા ભક્તો ફરતા હોય , જે લોકોને પુષ્કળ સમય આપીને સૌને જોડતા હોય , જે વ્યાખ્યાન અને વાર્તાલાપમાં કુશળ હોય , જેમની નિશ્રામાં સતત કાર્યક્રમો ચાલુ હોય તેમનું પુણ્ય મોટું છે . જે ભક્તોને ભેગા કરવા પર અને ભક્તોને સાચવવા પર ધ્યાન ઓછું આપે છે , જે લોકોને ઓછો સમય આપે છે , જે વ્યાખ્યાન અને વાર્તાલાપમાં ઓછો રસ લે છે , જે કાર્યક્રમોથી પોતાની જાતને દૂર રાખે છે એમનું પુણ્ય મોટું નથી એવી ધારણા બાંધી લેવામાં આવે છે . જેમની પાસે ઘણી અવરજવર રહેતી હોય અને જેમની પાસે ઓછી અવરજવર રહેતી હોય એવા બે પ્રકારના મહાત્માઓ , પૂજ્યતાની કક્ષાએ એકસમાન હોય છે . આ બે પ્રકાર એ કેવળ બાળબુદ્ધિવાળા જીવોની નીપજ છે . આજની તારીખે અમુક મહાત્માઓ એવા પણ છે જે ધારે તો ભીડ ભેગી કરી શકે એમ છે પરંતુ એ ભીડથી દૂર રહેવા માંગે છે કેમકે એમને ખૂબબધો સ્વાધ્યાય કરવો છે . એમની પાસે ટેલેન્ટ છે , આઈડિયાઝ છે , લીડરશિપ , મેનેજમેન્ટ અને મોટીવેશનની સ્કીલ્સ છે પરંતુ એમને ગ્રંથોમાં નિમજ્જન કરવું છે , એમને શુભ અધ્યવસાયોની ધારામાં વહેવું છે , એમને આત્માનો આનંદ પામવો છે એટલે એ લોકસંપર્કથી દૂર ભાગે છે . આમની માટે એવું કહી જ ન શકાય કે એમનો પુણ્યોદય ઓછો છે . આવું જે કહે છે તે ગૃહસ્થ એ મહાન્ આત્માઓની વિરલ નિઃસ્પૃહતાનું અપમાન કરે છે .
ભક્તોની ભીડ , કાર્યક્રમોની હારમાળા , વિરાટ આયોજનો અને અન્ય જાહેર જવાબદારી જેમની સાથે જોડાય છે તેમના થકી જૈનશાસનની જહોજલાલી વધે છે અને એ રૂપે અદ્ભુત શાસનસેવા થાય છે . એની સોએસો ટકા અનુમોદના જ કરવાની હોય . વાત એ છે કે જેમણે પોતાની જાતને એકાંતમાં ખોવાડી દીધી છે એમની ઊંચાઈને આપણે સમજી શકતા નથી કેમકે આપણને ઝાકઝમાળવાળી ઘટના સમજાય છે પણ મૌનનું ઊંડાણ આપણી સમજમાં આવતું નથી . શાંતસુધારસમાં એ મહાત્માઓની ખાસ સ્તવના કરવામાં આવી છે જે એકાંતમાં વસીને ગહન ધર્મધ્યાનમાં નિમગ્ન રહે છે .
નૂતન દીક્ષિત પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાએ લોકની ભીડથી દૂર રહેવાનો સંકલ્પ બનાવ્યો હતો . આ સંકલ્પને એમણે દીક્ષાજીવનનાં ૩૬ વરસસુધી અકબંધ પાળ્યો . પોતાની નિશ્રામાં ઉત્સવ થાય , મોટા કાર્યક્રમ યોજાય એનો એમને એકદમ સંકોચ રહેતો હતો . પરિણામે સંપૂર્ણ સંયમજીવન દરમ્યાન તેમણે શાસનપ્રભાવનાના સમાચારોની દુનિયાથી પોતાની જાતને દૂર રાખી . એ ધારત તો દરવરસે પચીસ કાર્યક્રમોના નિશ્રાદાતા બની રહેત અને સમાચારોમાં ચમકતા રહેત . તેઓ અત્યંત પ્રતિભાશાળી હતા છતાં એમણે સંપૂર્ણ સભાનતાપૂર્વક ચમકદમકથી દૂર રહેવાનું નક્કી કરી લીધું હતું . સમાચારોમાં ન રહેનારા સાચા સાધુ બનવાનું એમનું લક્ષ્ય હતું . ( ક્રમશઃ )
મહોત્સવ યોજાયો હતો અને વૈશાખી પૂનમે વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો . એક સાથે છ ભાઈઓ અને દશ બહેનોની દીક્ષા હતી . દીક્ષાર્થીના બહુમાન સંબંધી બે મેળાવડા થયેલા , સુરેશભાઈએ આપેલ વક્તવ્યોમાં એમનાં તત્ત્વચિંતનની છાંટ જોવા મળી હતી . હવે દીક્ષા થઈ જશે એના ભાવનાત્મક દબાવમાં હરિદાસભાઈની તબિયત બગડી હતી , મહોત્સવ દરમ્યાન . સૂરિભગવંતે તેમની રૂમમાં પધારીને તેમને માંગલિક સંભળાવ્યું હતું અને હિંમત આપી હતી . હરિદાસભાઈએ વૈષ્ણવ ધર્મને માનવાનું છોડ્યું નહોતું . જે જન્મે વૈષ્ણવ હતા , અત્યારે પણ વૈષ્ણવ ધર્મ સાથે જોડાયેલા હતા એવા જયાબેને , આ દીક્ષા માટે હા પાડી હતી એ મોટું આશ્ચર્ય હતું . દીક્ષામાં જયાબેનના સૌથી મોટા ભાઈ કિશોરભાઈ આવ્યા હતા , એમને પણ જૈનધર્મ સાથે કોઈ જ લેવાદેવા નહીં . સુરેશભાઈ અને બાળકોની ખુશીમાં અમારી ખુશી છે એવું સ્વજનોનું માનસ હતું . જે ગુરુ મળ્યા છે તે આતિશયિક પુણ્યોદય ધરાવે છે એ નજરે નિહાળવા મળ્યું હતું . એમનો પ્રભાવ , એમનો કરિશ્મા અથવા એમનો ચમત્કાર કામ કરી રહ્યો હતો . દરેક દીક્ષાર્થીનાં મોઢે આ જ વાત હતી .
અને એ દીક્ષાદાતા આ દીક્ષાર્થીઓ પ્રત્યે નિઃસ્પૃહ હતા એ દેખાતું હતું . એમનો આ દીક્ષા અંગે અભિપ્રાય આવો હતો :
તમે બધા દીક્ષા લેવા માંગો છો એ અનુમોદનીય છે . દીક્ષા શું છે એ તમને ગુરુએ સમજાવ્યું છે અને તમે એ સમજી ચૂક્યા છો . તમને ચકાસવાની જવાબદારી અમારી હતી . અમે તમને દીક્ષા લેવાની અનુમતિ આપી છે . તમારી મુમુક્ષુભાવનાને અમે સ્વીકૃતિ આપી છે . આજે દીક્ષા મળી જશે એટલે કામ પૂરું થઈ જશે એવું માનશો નહીં . આજથી કામ શરૂ થાય છે એમ સમજો . આજસુધી જે ઊંચાઈનું જીવન તમે જીવ્યા નથી એ ઊંચાઈનું જીવન હવે થોડાસમયમાં શરૂ થશે . તમે આજે ખૂબ પ્રસન્ન દેખાઈ રહ્યા છો . આવનારા દિવસોમાં , મહિનાઓમાં અને વરસોમાં આમ જ પ્રસન્ન રહીને સાધના કરજો . તમે નદીના ઊંડા પાણીમાં તરી શકો છો તે સાચું પરંતુ હવે તમે દરિયાના પાણીમાં ઉતરી રહ્યા છો . સાવધાન રહેજો . થોડી પણ ગફલતમાં રહેશો તો ક્યાં અને કેવી રીતે ખોવાઈ જશો એ તમને પણ સમજાશે નહીં .
ગુરુનો આ ઉદાત્ત મનોભાવ એમનાં સૂત્રોના ઉદ્ઘોષમાં અને ક્રિયાના આદેશમાં સંભળાઈ રહ્યો હતો .
પન્ના રૂપા ધર્મશાળાના વિશાળ પટાંગણમાં એક ભવ્ય શમિયાણો બંધાયો હતો . સૂરજ ઉગે તે પૂર્વે દીક્ષાની ક્રિયા શરૂ થઈ ચૂકી હતી . ત્રિગડામાં બિરાજમાન ચૌમુખજી ભગવાનની એક તરફ છ પુરુષ હતા , બીજી તરફ દશ બહેનો હતી . સૌ પ્રથમ નરેન્દ્રભાઈ હેક્કડને ઓઘો અપાયો હતો , તે પછી સુરેશભાઈને ઓઘો અપાયો હતો , તે પછી લલિતભાઈને ઓઘો અપાયો હતો , તે પછી અમિતકુમારને ઓઘો અપાયો હતો , તે પછી પ્રકાશ કુમારને ઓઘો અપાયો હતો , તે પછી આશિષ કુમારને ઓઘો અપાયો હતો . ત્યાર બાદ દશ મુમુક્ષુ બહેનોને ઓઘો અપાયો હતો . દરેક દીક્ષાર્થી ઓઘો લઈને નાચ્યા હતા . સોળ દીક્ષાર્થીઓમાં બીજા દીક્ષાર્થી તરીકે સુરેશભાઈ પણ ઓઘો લઈને નાચ્યા હતા . એમની આંખમાં અવિરત આંસુ વહી રહ્યા હતા . મને ઓઘો મળે એવી ભાવના સેવી હતી , મને ઓઘો મળી જશે એવી સંભાવના પણ નજર સમક્ષ હતી . છતાં મને ઓઘો મળ્યો છે એ હકીકત માન્યામાં આવતી નહોતી . આનંદનાં આંસુઓની સાખે વેશ પરિવર્તન થયું હતું . સૌ દીક્ષાર્થી મુનિવેશમાં દેદીપ્યમાન લાગી રહ્યા હતા . દીક્ષાવિધિના અંતિમ તબક્કે નવાં નામની ઉદ્ઘોષણા થઈ હતી .
સુરેશભાઈનું નવું નામ જાહેર થયું : મુનિશ્રી સંવેગરતિવિજયજી . અમિતકુમારનું નવું નામ : મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી . પ્રકાશકુમારનું નવું નામ : મુનિશ્રી પ્રશમરતિવિજયજી .
સૌથી મોટી વાત એ હતી કે નવી શરૂઆત શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં થઈ હતી . વિ.સં. ૨૦૪૦ની એ સાલ હતી .
મુહૂર્ત નીકળ્યા બાદ થોડા દિવસે પૂના આવ્યા . નાનું ઘર અને મોટું ઘર ખુશીઓથી છલકાઈ ગયું . પણ સુરેશભાઈનું મન પૂનામાં લાગ્યું નહીં , એ બેય બાળકોને પૂના મૂકીને ફરીથી ગુરુ સાંનિધ્યે રહેવા માટે આવી ગયા , વિહારપૂર્વક પાલીતાણા અને આગળ હસ્તગિરિ પહોંચી ગયા . બે બાળકોનો વૈરાગ્યભાવ જો કાચો હશે તો એની પરખ થઈ જાય એવી કોઈ ધારણા હશે . બાળકોને જો પરિવાર દીક્ષા લેતાં રોકશે તો મારી દીક્ષા અટકશે નહીં એવી કોઈ માનસિકતા હશે . પૂનામાં બાળકો – દાદા દાદી , કાકા કાકી , મમ્મી અને ભાઈબહેનો સાથે રહ્યા . મહેન્દ્રભાઈ મહેતાનાં ઘરે પણ રહેવાનું થયું . ઘેરઘેર વાયણા થયા . મમ્મીને ખૂબ હોંશ હતી એટલે વરસીદાનનો વરઘોડો નીકળ્યો જે રવિવાર પેઠના ઘરેથી ગોડીજી , ગોડીજીથી બુધવાર પેઠનાં ઘર પાસે થઈને શ્રી સુધર્મા સ્વામી જૈન સંઘનાં આંગણે ઉતર્યો હતો . શ્રીચંદ્રકીર્તિવિજયજી મ.એ નિશ્રા આપી હતી .
પૂના રહેવાનો થોડો સમય ઝડપથી પૂરો થઈ ગયો હતો . સૌ સ્વજનોનો અઢળક અઢળક પ્રેમ ખૂબ વરસ્યો હતો . દૂર હસ્તગિરિમાં બેસેલા સુરેશભાઈની છાયા એટલી પ્રભાવશાળી હતી કે બાળકોને પૂના રોકાઈ જવાનું મન ન થયું અને સ્વજનોએ એમને રોકી લેવાની કોશિશ પણ ન કરી .
મુકરર દિવસે સવારે , ૪૮૮ રવિવાર પેઠ પૂના – ૨ , આ સરનામે સુરેશભાઈનું જે ઘર હતું એના દરવાજે પૈસાનું ચિલ્લર ભરેલી બે વાટકી મૂકવામાં આવી . મમ્મીએ ચમચીભર દહીં ચખાડીને બાળદીક્ષાર્થીઓને વિદાયનું શુકન કરાવ્યું હતું . પછી બેય દીક્ષાર્થીઓએ પૈસાની વાટકીને લાત મારીને ઘરની બહાર પગ મૂકી દીધો હતો . હવે પાછા વળીને જોવાનું નહોતું .
ટ્રેનનો લાંબો પ્રવાસ કરી અમદાવાદ પહોંચ્યા . અમદાવાદથી બસ કરીને પાલીતાણા પહોંચ્યા અને ત્યાંથી આગળ બસ કરીને હસ્તગિરિ પહોંચ્યા . સુરેશભાઈએ બાળકોને આવકાર્યા . તારણહાર ગુરુભગવંતે બાળદીક્ષાર્થીઓને આવી ગયેલા જોઈ આત્મીય સંતોષ વ્યક્ત કર્યો . સુરેશભાઈ પૂનાથી એકલા પાછા આવેલા એને લીધે એવી શંકા ઊભી થઈ હતી કે કદાચ , બાળકો નહીં આવે . હવે એ શંકા દૂર થઈ ગઈ હતી .
શિયાળામાં ગુરુભક્ત સુરચંદભાઈ ઝવેરી પરિવારની સાથે ગુજરાત , રાજસ્થાનનાં ઘણાં તીર્થોની કરી હતી . સમેતશિખર તીર્થ માટે વ્યવસ્થા ઉપલબ્ધ હતી પરંતુ જવાઆવવાનો સમય બચ્યો નહોતો .
થોડા જ સમયમાં સૂરિભગવંતનો વિહાર થયો , હસ્તગિરિથી પાલીતાણા . પાલીતાણા પન્નારૂપા ધર્મશાળામાં સૂરિભગવંતનો એકસોથી વધુ સાધુઓના પરિવાર સાથે વાજતેગાજતે પ્રવેશ થયો . દીક્ષા પન્નારૂપા ધર્મશાળાનાં વિશાળ પ્રાંગણમાં થવાની છે અને એકી સાથે ૧૬ દીક્ષાઓ થવાની છે એવી જાહેરાતે પાલીતાણાની એક એક ધર્મશાળામાં આશ્ચર્ય અને અનુમોદનાની હવા બનાવી દીધી હતી .
સુરેશભાઈએ , બેય પુત્રો સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી હતી . વૈશાખી ભીડ અને વૈશાખી ગરમી ભારે હતી એમાં જ દાદા સાથે એકાંત બનાવ્યું હતું અને દાદા પાસેથી શીતલતા મેળવી હતી . ઉત્તમ દેવ , ઉત્તમ ગુરુ અને ઉત્તમ ધર્મની ઉત્તમ આરાધના માટે પહેલાં વૈષ્ણવ ધર્મ છોડ્યો અને હવે સંસાર છોડી રહ્યા હતા . ભાવનગરથી સ્ટે ઑર્ડર આવે તો દીક્ષા અટકી શકતી હતી . મુંબઈનો મમતાળુ ખીરૈયા પરિવાર અને પૂનાના પ્રેમાળ સ્વજનો દીક્ષા રોકવાની છેલ્લી કોશિશ કરે એવી સંભાવના હતી જ . દીક્ષા અટકે નહીં , દીક્ષા પછી આત્મસાધના અટકે નહીં એવી પ્રભુને ભીની આંખે પ્રાર્થના કરી હતી . ત્રણ દીક્ષાર્થીઓ દુનિયાના નાથ સમક્ષ ગાતા રહ્યા : શેત્રુંજય ગઢના વાસી રે મુજરો માનજો રે , સેવકની સુણી વાતો રે દિલમાં ધારજો રે , + + + એક અરજ અમારી રે દિલમાં ધારજો રે , ચોરાસી લાખ ફેરા રે દૂર નિવારજો રે .
દીક્ષાનું મુહૂર્ત આપવા માટે ત્રણ ચરણમાં કામ થાય છે . એક , મુમુક્ષુ દરેક ક્રિયાઓ વિધિપૂર્વક સ્વયં કરતો થઈ જાય એટલો અભ્યાસ થઈ જવો જોઈએ . બે , મુમુક્ષુમાં શરીરની , પરિવારની અને સુખની આસક્તિ ઓછી છે એવું ગુરુને લાગવું જોઈએ . ત્રણ , મુમુક્ષુનાં સ્વજનો દીક્ષાના વિરોધમાં નથી એવી પ્રતીતિ મળવી જોઈએ . પૂનાથી આવેલા ત્રણ મુમુક્ષુઓને ગુરુભગવંતો રોજરોજ જોઈ રહ્યા હતા . પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો વિધિપૂર્વક શીખી લીધા હતા , તપ કરતા , લોચ કરાવ્યો , કપડાંની ટાપટીપનો શોખ નહોતો , સૂવાબેસવાની પ્રવૃત્તિઓમાં સુખશીલતા દેખાતી નહોતી . આ પરિસ્થિતિ મહિનાઓના મહિનાઓ સુધી રહી . ત્રણેયમાંથી કોઈએ ગુરુને પૂછ્યું નહીં કે ‘ આટલો વખત અમે સાથે રહ્યા , હવે દીક્ષા ક્યારે આપો છો ? ‘ ખબર હતી કે ગુરુની નજર અમારી પર છે . એમને યોગ્ય લાગશે ત્યારે એ સામેથી કહેવાના જ છે . પાત્રતા એનીમેળે પુરવાર થાય એમાં જ એની શોભા છે . આપણી પાત્રતાના પુરાવા આપણે જ રજૂ રહ્યા છીએ તેવું દૃશ્ય બનવા દેવાય નહીં . ગુરુને યોગ્ય લાગશે ત્યારે દીક્ષાની વાત કરશે . મુમુક્ષુ ઘર છોડીને સાથે રહ્યો છે તે જ બતાવે છે કે એને દીક્ષા લેવી છે . ગુરુને આ ખબર જ છે . વળી પાછું અલગથી પૂછપૂછ કરવાનું કામ શું છે ? પ્રતીક્ષાની મીઠાશ આવા વખતે જ માનવા મળે . હું તો મારા તરફથી તૈયાર છું , સમર્પિત થવા . ગુરુને મારાં સમર્પણમાં સચ્ચાઈ દેખાય છે કે નહીં તે મારો પ્રશ્ન નથી . ગુરુની હા આવે એની રાહ જોવી જોઈએ . ગુરુને હા પાડવી જ પડે એવું દબાણ ન કરાય . ગુરુની છત્રછાયામાં વીતનારો એક એક દિવસ સાધનાની સુગંધે ભરેલો હોય છે . એનો ધન્ય અનુભવ પામનારો મુમુક્ષુ , સંસારને ભૂલવાનું સામર્થ્ય મેળવી લે છે . આ જે ભૂલવાની ઘટના છે એ જ સાધના છે . સાધુવેષ વિનાય સંસારને ભૂલવાનું જે શીખી લે તે સાચો મુમુક્ષુ .
ગુરુ અન્યને દીક્ષા આપે છે તે જોવાનો આનંદ અનેરો બનતો . જ્ઞાનમંદિરમાં ડૉ. સુશીલાબેનની દીક્ષા થઈ તે જોયું . હઠીસિંહની વાડીએ મહેશભાઈની દીક્ષા જોઈ . રંગસાગરમાં સુનીલભાઈની દીક્ષા નક્કી થઈ : પોષ સુદ તેરસે . એ દીક્ષાનો દિવસ નજીક આવ્યો ત્યારે અચાનક ગુરુભગવંતે સુરેશભાઈને દીક્ષાનું મુહૂર્ત નક્કી કરવાનો વિચાર જણાવ્યો . સુરેશભાઈ અતિશય આનંદિત . મુહૂર્તની જાહેરાત પોષ સુદ તેરસે થશે એવું ગુરુભગવંતે જણાવ્યું . સમાચાર પૂના પહોંચાડજો એવી સૂચના પણ આપી .
ત્રણેય મુમુક્ષુઓ દીક્ષાનું મુહૂર્ત મળશે એનાથી રાજી હતા પણ પૂનામાં સ્વજનો આ સમાચારથી રાજી નહોતા બલ્કે આવા સમાચાર માટે એ તૈયાર જ નહોતા .
હરિદાસભાઈ અમદાવાદ આવી પહોંચ્યા . એમણે શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથે રીતસરની ચર્ચા શરૂ કરી દીધી કે શું કામ આ લોકોને દીક્ષા આપો છો ? એમણે ધાર્મિક દલીલો કરી , ભાવનાત્મક રજૂઆતો કરી , દબાણ બનાવવાનો થોડો પ્રયત્ન પણ કર્યો . સૂરિભગવંતે હરિદાસભાઈને ખૂબ જ પ્રેમથી એક એક જવાબ આપીને સમજાવ્યા હતા કે દીક્ષા લેનાર વ્યક્તિનું પવિત્ર જીવન એમને પરમાત્માની ઝાંખી કરાવશે અને પરમાત્માની નજદીક લઈ જશે . ચુસ્ત વૈષ્ણવ એવા હરિદાસભાઈ કોઈ જૈન ગુરુથી પ્રભાવિત થાય એવા હતા નહીં પણ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની વાતો સાંભળીને એમને લાગ્યું કે ‘ કોઈ આત્મા શુભ માર્ગે જવા ઉત્સુક હોય તો એને રોકાય નહીં . ‘ મન માનતું નહોતું છતાંય એમણે કાળજું કઠણ કરીને દીક્ષાનું મુહૂર્ત લેવામાં સહમતી આપી હતી .
પોષ સુદ તેરસે શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની દીક્ષા તિથિ હતી , એ દિવસે મુંબઈના સુનીલભાઈની દીક્ષા પણ થઈ હતી . છેલ્લે હરિદાસભાઈએ ‘ સુરેશભાઈ , અમિતકુમાર અને પ્રકાશકુમારની દીક્ષાનું મુહૂર્ત આપો ‘ એવી પ્રાર્થના કરી હતી . તારણહાર ગુરુ ભગવંતે દીક્ષા માટે વૈશાખ વદ એકમનો દિવસ આપ્યો . હરિદાસભાઈએ દિવસો સુધી સૂરિભગવંતનાં વ્યાખ્યાનો સાંભળ્યા હતા . એ પૂના ગયા ત્યારે આટલા આશ્વાસન લઈને ગયા હતા .
૧ . દીક્ષા પૂર્વે પુત્ર અને પૌત્રો ઘરે રહેવા આવશે . પરિવારને પૂરતો સમય આપશે .
૨ . દીક્ષા બાદ એમને મળી શકાશે , એમની સાથે સમય વીતાવી શકાશે , એમની સાથે વાર્તાલાપ થઈ શકશે .
૩ . દીક્ષા બાદ એ પૂના આવી શકશે , ઘેર પગલાં કરી શકશે , પરિવાર સાથે વાત્સલ્યનો સંબંધ રાખી શકશે .
૪ . દીક્ષા બાદ જેમ કડક નિયમો પાળવાના હોય છે તેમ એક સ્વાભાવિક જીવન પણ હોય છે . ત્રણેયને એક સુખી , સંતુષ્ટ અને સંતૃપ્ત જિંદગી મળશે .
પૂનાનું મોટું ઘર અને નાનું ઘર ખાલી ખાલી . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથેની એક જ બેઠકમાં જયાબેને વિરોધનો વાવટો સંકેલી લીધો હતો એ વાત સાચી પણ એકીસાથે ત્રણ સભ્યો ઘરમાં હોય જ નહીં એ પરિસ્થિતિ જીરવવાનું સહેલું નહોતું . એક નવું વાતાવરણ ઊભું થયું હતું જે ગોઠી રહ્યું નહોતું . અમદાવાદમાં જે બેઠા હતા તે દુઃખી નહોતા બલ્કે આત્મ રંગે રાજી હતા એટલે એમને પૂનાની યાદ આવતી નહોતી . પરંતુ પૂનામાં તો ત્રણેયની યાદ બનેલી જ રહેતી , પરિવારજનોને હજી જૈન ધર્મ વિશેષ ગમ્યો નહોતો . વૈરાગ્યને સમજવાની એ લોકોની ભૂમિકા નહોતી . એટલું સમજાયેલું કે જે આચાર્યદેવ પાસે
એ રોકાયા છે એમની ઊંચાઈ અજબ છે , એમનો પ્રભાવ ઘણોમોટો છે , એમનું સત્ અખંડ છે . બસ , આ એક આશ્વાસનથી મન મનાવી લીધું હતું .
સુરેશભાઈને મુમુક્ષુ અવસ્થામાં એકાદ વરસ રહેવા મળ્યું . કેટલાય મુમુક્ષુઓ સાથે હતા : લલિતભાઈ , અમૃતભાઈ , પારસભાઈ , મહેશભાઈ , બે સુનીલભાઈ , ભરતભાઈ , હીરેનભાઈ , ભૂપેન્દ્ર ભાઈ , શૈલેષકુમાર , આશિષકુમાર અને અન્ય . નવા મુમુક્ષુઓ ઉમેરાતા પણ ખરા .
સવાર સાંજનું પ્રતિક્રમણ કરવાનું જ . વહેલી સવારે ગાથાઓ ગોખવાની . વ્યાખ્યાન , સામાયિક લઈને જ સાંભળવાનું . ત્રિકાળ પૂજામાં બાંધછોડ પણ નહીં અને ઉતાવળ પણ નહીં . ત્રીસ , ચાલીસ , પચાસ સાધુઓને રોજ વંદન કરવાના . બપોરે તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતભાષાના પાઠમાં બેસવાનું , ધ્યાનથી ભણવાનું . સૂવાનું સંથારા પર , તકિયો નહીં વાપરવાનો . રાત્રિભોજન સદંતર ત્યાગ . વિહારમાં પોતાનો સામાન જાતે ઉઠાવવાનો . પગમાં ચંપલ ન હોય તો સારું ગણાય . પર્વતિથિએ પૌષધ કરવાનો .
પૂનાથી ફોન આવતા ક્યારેક . લાગણીની લપેટમાં આવ્યા વિના વાત કરી લેતા . જેમ જેમ બાળકોમાં દીક્ષા માટેની ઉત્સુકતા વધતી ગઈ તેમ તેમ એમને દીક્ષાની કઠિનાઈઓ સમજાવવાનું વધારતા ગયા . બાળકો દીક્ષાથી ડરીને દીક્ષા લેવાની ના કહી દેશે તે ચાલશે પણ બાળકો કોઈ બાબતે અંધારામાં રહે એ બિલકુલ નહીં ચાલે , એવો સ્પષ્ટ મત હતો સુરેશભાઈનો . અમદાવાદ – શાંતિનગર ચાતુર્માસમાં બધા મુમુક્ષુઓએ લોચ કરાવ્યો તો પોતે પણ લોચ કરાવ્યો અને બાળકોનો પણ લોચ કરાવ્યો . લોચ એવું કષ્ટ છે જે સહન ન થાય તો દીક્ષાની કેળવણી અધૂરી રહી જાય . માથાના એક એક વાળને પકડીપકડીને ઉખેડવાનું કષ્ટ ભલભલાને ઢીલા પાડી દે છે . સુરેશભાઈએ પોતાની ઉપર અને બાળકોની ઉપર કડક થઈને લોચાનુભવ અથવા લોચાનંદ લીધો . શું કામ તો કે દીક્ષા લીધા બાદ દર છ મહિને લોચ કરવાનું પાકું જ છે , દીક્ષા લેતાં પહેલાં સમજી લો કે લોચ શું છે . પાછળથી એમ ન થાય કે આ તકલીફની ખબર જ નહોતી .
પ્રશિક્ષણદાતા હતા પૂ.મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મ. , પૂ.મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મ. . આખો દિવસ ભણવામાં જાય . બપોરે ઊંઘવાનું નહીં . કારણવગર વાતો નહીં કરવાની . હંસીમજાકથી દૂર રહેવાનું . સાધ્વીઓ અને બહેનો સાથે વાતો નહીં કરવાની . ખાવામાં , નહાવામાં અને કપડાં ધોવામાં લાંબો વખત ન વેડફાય . ઉકાળેલું પાણી ઠંડું જ જોઈએ એવો આગ્રહ ન ચાલે . એક દિવસમાં પાંચથી વધારે સામાયિક થવી જોઈએ . સવારે નવી ગાથા . બપોરે પાઠ અને પુનરાવર્તન . સાંજે ઢળતા સૂરજની સાખે સ્તવન , સજ્ઝાય અને સ્તુતિ શીખવાની . અંતરજામી સુણ અલવેસર , કડવાં ફળ છે ક્રોધનાં અને શંખેશ્વર પાસજી પૂજીએ-થી આગળ આગળ વધવાનું . ઈલેક્ટ્રિક લાઈટનાં અજવાળાનો ઉપયોગ નહીં કરવાનો . સાદગી અનિવાર્ય . વહેલાં સૂવાનું , વહેલાં ઊઠવાનું . રોજનો હિસાબ કિતાબ શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજાને આપવાનો હોય . એ જે પૂછે એનો સાચ્ચો જવાબ આપવાનો કેમકે એમની પાસે સાચ્ચા સમાચાર હોય જ . એમને મળીએ ત્યારે માતાની મમતા અને દાદાની આત્મીયતા વર્તાય . સૌથી મોટા સૂરિભગવંત સાથે , શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાથે વાત કરવાનો મોકો ઓછો મળે . એમનો અવાજ અને ઉપદેશ વ્યાખ્યાનના એક કલાકમાં મળી જાય એનાથી આખોય દિવસ છલકાયેલો રહે . જોકે , વંદન કરવાના સમયે નામ લઈને બોલાવે , ખબરઅંતર પૂછે . એ અક્ષય વાત્સલ્યની ક્ષણો બની જતી . પૂનાવાળાઓની જાણકારી લે અથવા આપે . વાતવાતમાં એકાદ એવું ચોટદાર પ્રેરણાવાક્ય આપી દે કે સાંભળનાર ન્યાલ થઈ જાય . આ ગુરુદેવ હતા , આ તારણહાર હતા , આ રખવૈયા હતા , આ આત્માના ઉદ્ધારક હતા . એ સ્વીકૃતિ આપે નહીં ત્યારસુધી દીક્ષા મળી શકે નહીં . એમની એ ખાસિયત હતી કે મુુુમુક્ષુઓને દીક્ષા માટેની સ્વીકૃતિ આપવામાં એ લાંબો સમય લગાડી દેતા .
પૂનામાં સ્વજનોને આશા હતી કે થોડા દિવસમાં ત્રણેય કંટાળશે અથવા બે બાળકો કંટાળશે અને ઘરભેગા થઈ જશે . બાળકો છમાસી પરીક્ષા બાદ સ્કૂલમાં ગયા નહોતા , સ્વજનોએ વાર્ષિક પરીક્ષા ન આપનારા બાળકોનું પાસિંગ સર્ટિફિકેટ સ્કૂલથી મેળવીને અમદાવાદ મોકલ્યું હતું – એ ઉમ્મીદથી કે બાળકો પાછા આવી જાય તો એમને આગલા ધોરણમાં દાખલ કરી શકાય . શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ બાળકોને સર્ટિફિકેટ બતાવીને પૂછ્યું હતું કે ‘ જુઓ તમે નવમી અને સાતમીમાં વાર્ષિક પરીક્ષા આપ્યા વિના જ પાસ થઈ ગયા છો . જવું છે પૂના ? મમ્મી બોલાવે છે . ‘
‘ ના , નથી જવું . ‘ બાળકોએ પપ્પાની સામે જોયાવગર જ જવાબ આપી દીધો હતો .
સમય ઝડપભેર સરકી રહ્યો હતો . ( ક્રમશઃ)
મનોહર વચનથી જગાડી જનારા
સુવાસિત લખાણોમાં છલકી જનારા
સખા જેવા સુંદર , કવિ જેવા મીઠા
શ્રી પ્રદ્યુમ્ન સૂરિ બન્યા રે અદીઠા …૧
સરસ સ્મિત હતું આત્મ સંતોષવાળું ,
હતું હૈયું એનું હંમેશા કૃપાળુ .
લૂંછે સૌના આંસુ એવા એ દયાળુ ,
છબીમાં બંધાયેલ એને નિહાળું . ૨
ન કર્તૃત્વ રાખ્યું કર્યા ખૂબ કામ ,
એ વૈરાગી વાત્સલ્યના પુણ્યધામ
ઝલક એને આકાશની બહુ મળી’તી
એની લાગણી સાધનામાં ભળી’તી . ૩
એની ભવ્ય ભાષાનો જોટો જડે ના ,
એને શબ્દની ક્યાય ઓછપ નડે ના .
અલંકાર યોજે અને રસ જમાવે
કલમ એની વિદ્વજ્જનોને નમાવે . ૪
એને આજ મળશું એને કાલ મળશું
એવા સૌ વિચારો અધૂરા રહ્યા રે
એને નાથ સીમંધરે ત્યાં બોલાવ્યા
અહીં શોક જાગ્યો છે હૈયામાં ભારે . ૫
કર્યા કૈંક સંશોધનો નાનામોટા
યશોવાણીના એ પ્રચારક પનોતા
એ ઔષધ અને ફૂલના મર્મવેત્તા
એ સાહિત્યસર્જક હતા ધર્મવેત્તા . ૬
વિચારો અચાનક આ અટકી રહ્યા છે
અમારા સૂરિદેવ સ્વર્ગે ગયા છે .
ઉપર દેવતાઓે સભાને સજાવે
નીચે ભક્ત આંખેથી આંસુ વહાવે . ૭
તમે કેવી સુંદર કવિતાઓ ગાતા ?
તમે શ્લોક લલકારી બહુ રાજી થાતા
હવે કાવ્ય શ્લોકો તમારા લખાશે
તમારા વિના એ શી રીતે ગવાશે ?૮
અમે આપના સંગે જીવનને માણ્યું
હવે થઇ ગયું જાણે જીવન અજાણ્યું
અમે આપને રાતદિન યાદ કરશું
સદા આપની વાણીને ચિત્ત ધરશું . ૯
हम सब के लिए एक अकल्पनीय समयखंड चल रहा है . भक्तों के लिए भगवान के द्वार बंध हैं . हमें विश्वास है कि लाखों निराश भक्तों को इस गीत के शब्दों से आशावादी चिंतन प्राप्त होगा . एक दिन आएगा जब हमारे वर्तमान अंतराय टूट जाएंगे . सभी मंदिरों की , सभी संघों की एवं सभी तीर्थोंकी रौनक वापिस लौट आएगी . हमारी सारी धार्मिक इच्छाएं साकार होगी . आप अपने संघ के मूलनायकजी एवं अपने प्रिय तीर्थ के मूलनायकजी को याद करते हुए इस गीत को रोज गाइए और एक सुंदर सपना देखिए . प्रभु कृपा से आपका सपना अवश्य साकार होगा .
आपत्ति के ये दिन भी चले जाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
दरबार में जयकारा तेरा गाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
( प्रभु तेरी शक्ति है अपरंपार )
तुझे देखते ही आंख से आंसू बहाएंगे
दो हाथ से सोना रूपा मोती बिछाएंगे
भक्ति बहोत करेंगे और चामर झुलाएंगे
खुद नाचेंगे और सारे भक्तों को नचाएंगे
विजोग की सारी पीडा मिटाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
मंदिर में भीड़ भक्तों की फिर दिखने लगेगी
तीर्थो में देवलोक सम रौनक भी जगेगी
संघों में तपस्याएं और क्रियाएं बढेगी
घर घर के द्वार रोशनी की माला चढेगी
तेरी शक्ति से संकट को हम हराएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
गाँव गाँव से विहार साधू साध्वी करेंगे
व्याख्यान सुनके हम भी अपने दोष हरेंगे
सब संघ को गुरूमुख से धर्म लाभ मिलेगा
जहां आज वेराना है वहां फूल खिलेगा
हमको हमारी गलती वो समझायेंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
तेरे ही चमत्कार ने हमें जिंदा बचाया
हमने कुछ अच्छा करने का संकल्प रचाया
हम को मिले जनमो जनम तेरा ही प्रभु साथ
रक्षा हमारी करना प्रभु छोडना मत हाथ
ज्योति तेरी देवर्धि की फैलाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
