એક તરફ પરિવાર ત્રણ ભાગ્યશાળીઓની શોધખોળ કરી રહ્યો હતો , બીજી તરફ અફવાઓ બની રહી હતી . પોલીસ અમુક ભાઈના ઘેર તપાસ કરવા આવી અથવા ગુંડાઓને તપાસનું કામ સોંપાયું છે અથવા અમુક ભાઈના ઘરે જઈને ૪૦૦ લોકોએ તોફાન મચાવ્યું , એક પછી એક ખોટી સ્ટોરી બની રહી હતી . ત્રીજી તરફ સુરેશભાઈ , બે બાળકોને લઈને જુન્નરથી નીકળ્યા અને લાંબો પ્રવાસ ખેડીને ગુજરાતના કાવી તીર્થમાં પહોંચ્યા . અહીં પણ થોડો દિવસ રોકાયા અને પછી અમદાવાદ પહોંચ્યા .
અમદાવાદમાં શાંતિવન છે , લક્ષ્મીવર્ધક સોસાયટી છે ત્યાં પહોંચ્યા . અહીં જૈન ઉપાશ્રયમાં બિરાજમાન હતા એક મહામહિમ સૂરિભગવંત . એમણે પારખુ નજરે સુરેશભાઈને જોયા , બે બાળકોને જોયા . સુરેશભાઈ સૂરિભગવંતના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા , ભીંજાયેલા સાદે એમણે સૂરિભગવંતને કહ્યું : આ બાળકોને આપનાં શરણમાં લાવ્યો છું , આપે આમને સંભાળવાના છે .
બેય બાળકોએ જિંદગીમાં પહેલીવાર આ સૂરિભગવંતને જોયા , જોતાવેંત જ પ્રેમ થઈ ગયો . સૂરિભગવંતે ખાસ વાત કરી નહીં પણ બેય બાળકોનાં માથે અસીમ વાત્સલ્યપૂર્વક હાથ મૂકી આશીર્વાદ આપ્યા . એમણે સુરેશભાઈને અન્ય મુમુક્ષુઓની સાથે રહેવાનું કહી દીધું . સૂરિભગવંતનાં સાંનિધ્યમાં પચાસથી વધુ સાધુભગવંત હતા , દશથી વધારે મુમુક્ષુ હતા . જે દીક્ષા લેવાની ભાવના રાખે છે પરંતુ જેની દીક્ષા લેવાની પાત્રતા હજી પુરવાર થઈ નથી એવા પુણ્યવાનને મુમુક્ષુ કહેવાય છે . એક કટોકટીમાંથી પાર ઉતરીને અહીં સુધી પહોંચેલા ત્રણેય પૂનાનિવાસીઓ મુમુક્ષુ રૂપે સૂરિભગવંતની છત્રછાયામાં ગોઠવાઈ ગયા . એ સૂરિભગવંતનું નામ હતું : પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા . થોડા દિવસ બાદ લક્ષ્મીવર્ધક સોસાયટીથી કાલુપુર વિહાર થયો , રોકાણ થયું શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં .
જયાબેન થોડા દિવસ પહેલાં આ સૂરિભગવંતને મળવા આવી જ ગયા હતા . એ વખતે એમણે અને સાથે આવેલ સ્વજને સૂરિભગવંતને ધમકી જેવી ભાષામાં કહેલું કે મારા પતિ અને બાળકોને દીક્ષા આપવાની નથી .
એ વખતે સૂરિભગવંતે જવાબ આપ્યો હતો કે એ લોકો મારી પાસે આવશે તો હું તમને તરત જ બોલાવીશ . અત્યારે આવી ચિંતા કરવાની જરૂર નથી . એકવાર એ લોકોને અહીં આવી જવા દો .
હવે સુરેશભાઈ અને બાળકો અમદાવાદ આવી ગયા છે એવા સમાચાર સૂરિભગવંતના નિર્દેશ અનુસાર પૂના મોકલવામાં આવ્યા , જયાબેનને અમદાવાદ આવવાનું કહેણ પણ મોકલાયું . જયાબેન તરત જ અમદાવાદ આવી ગયા . પતિને અને પુત્રોને સંસારી વેશભૂષામાં જોઈને એ રાજી થયા . સૂરિભગવંતે એક માતાને વિશ્વાસ આપેલો તે એમણે સાર્થક કરી બતાવ્યો .
જયાબેનની દરેક ચિંતાઓ સૂરિ ભગવંતે સાંભળી . અને વચન આપતા હોય એ રીતે કહ્યું કે – તમારા બાળકોને હમણાં દીક્ષા આપવાની કોઈ જ વાત નથી . એ ભણવા માટે થોડો વખત અહીં રહેશે . એમનામાં દીક્ષા લેવાની પાત્રતા દેખાશે તો એમને આગળ વધારીશું . એમ લાગશે કે એ લોકોની પાત્રતા છે અને એમને ખરેખર દીક્ષા આપી શકાય એમ છે તો હું તમને પૂછીશ . તમારી રજા મળશે તો જ દીક્ષા આપશું . તમારી રજા વિના દીક્ષા નહીં થાય એ પાક્કું છે . અમને એમ લાગશે કે આમને દીક્ષા આપવા જેવી નથી તો આમને પાછા તમારી પાસે મોકલી આપશું .
જયાબેનને આ જવાબે ઘણી રાહત આપી દીધી . એ તો કોઈપણ હિસાબે બેય બાળકોને પાછા લઈ જવા જ આવ્યા હતા . પણ સૂરિભગવંતની જાદુઈ વ્યક્તિમત્તાએ એવું કામ કર્યું કે તે પોતાના બાળકો સૂરિભગવંતના હાથમાં સોંપીને પૂના પાછા જતા રહ્યા . સુરેશભાઈ અને એમનાં બે બાળકો નિર્વિઘ્ને સૂરિભગવંતની નિશ્રામાં રહી શકે એવું વાતાવરણ બની ગયું . સૂરિભગવંતે આપેલ આશ્વાસનથી પતિને , પત્નીને અને પુત્રોને પોતપોતાની જગ્યાએ એકસરખી હિંમત મળી ગઈ . ( ક્રમશઃ)
દીક્ષા લેવાનું મન થાય એટલા માત્રથી દીક્ષા મળી જતી નથી . સમજો કે કોઈને ડોક્ટર બનવાનું મન થાય તો એ તરત ડોક્ટર બની શકતો નથી . એને થિયરિકલ ભણવું પડશે . એને પ્રેક્ટિકલ કરવું પડશે . ત્યાર બાદ એ પરીક્ષા આપશે . જો પરીક્ષામાં સારા ગુણાંક દેખાશે તો જ ડોક્ટરી મળશે . આમ કરવામાં ઘણો સમય જશે . ઉતાવળે આંબા પણ પાકતા નથી . ઉતાવળે ડોક્ટર પણ થવાતું નથી . એ રીતે ઉતાવળે દીક્ષા પણ અપાતી નથી . કોઈને દીક્ષા લેવાનું મન થઈ ગયું એટલે એને દીક્ષા મળી જ જાય એવું નથી હોતું . એણે ગુરુને કહેવાનું હોય છે કે મને દીક્ષા લેવાનું મન છે . આ નિવેદન પછી ગુરુ એને પ્રશિક્ષણ આપવાનું શરૂ કરે છે , એમાં એને કેટલો સમય લાગશે તે ગુરુ નક્કી કરે છે . પરીક્ષા અલગ અલગ રીતે લેવાય છે અને ગુરુ નાપાસ કરીને વાપિસ ઘરે મોકલી શકે છે . સુરેશભાઈને અને એમના બે બાળકોને દીક્ષા લેવાનું મન થયું હતું એનો અર્થ એ નહોતો એમને દીક્ષા મળી જ જશે . એમણે હજી સુધી કોઈ ગુરુભગવંત પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી નહોતી . એમની એ ભાવનાને સ્વીકૃતિ મળશે કે તે પણ હજી સ્પષ્ટ નહોતું . અત્યારે આ ત્રણેય દીક્ષા – ઈચ્છુકો ગુરુ પાસે પહોંચવાનું વિચારી રહ્યા હતા . દીક્ષા બાબતે કોઈ નિર્ણય કર્યો નહોતો .
આ બધી વાતોથી તદ્દન અજાણ રહેલા પૂનાનિવાસી ભાયાણી પરિવાર અને મુંબઈનિવાસી પરિવારને એવું લાગ્યું કે ત્રણેય તુરંતમાં ક્યાંક જઈને દીક્ષા જ લઈ લેશે . એટલે એ લોકો બેબાકળા થઈને ત્રણેયની શોધ કરવા નીકળી પડ્યા . મહેન્દ્રભાઈનાં ઘરે , આદિનાથ સોસાયટી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મહેન્દ્રભાઈએ પોતાનાં ઘરની તલાશી લેવા દેવાની તૈયારી બતાવી હતી . પણ ત્યાં ત્રણ ભાગ્યશાળીઓ નહોતા . કેમ્પમાં વિનોદભાઈનું ઘર , બુધવાર પેઠમાં ભીખુભાઈનું ઘર , કલ્યાણ સોસાયટીમાં રજનીભાઈનું ઘર , ભવાની પેઠમાં ભરતભાઈ કોફીવાળાનું ઘર . કેટલાય ઘર હતાં તપાસ કરવા માટે . બધે તપાસ કરી . ક્યાંય એ ત્રણ ન મળ્યા કે એમની ખબર ન મળી .
સુરેશભાઈ તરફથી પરિવારની સાથે સંપર્ક થયો હોત તો બીજો કોઈ ખુલાસો પરિવાર સાંભળવાનો નહોતો . એ લોકો સરનામું પૂછીને સીધા મળવા જ આવી જાત . બાળકોને પાછા લઈ જવાની જીદ્દ પકડત . એમને એ ખબર નહોતી કે ગુરુઓ તુરંત દીક્ષા આપતા નથી . એમને એમ લાગી રહ્યું હતું કે ગુરુઓ તો જે આવે એને તરત જ મુંડી નાંખતા હશે . એકવાર જો આપણા સ્વજન મુંડાયા તો પછી થઈ રહ્યું . ટેંશનનું ભૂત સૌના માથે સવાર થઈ રહ્યું હતું . ત્રણ ભાગ્યશાળીઓ પૂનામાં છે કે નથી ? પૂનામાં છે તો કઈ જગ્યાએ છે ? પૂનામાં નથી તો ક્યાં ગયા છે ? આ પ્રશ્નોના જવાબ તત્કાળ મળી રહ્યા નહોતા .
દીક્ષા કોણ આપવાનું છે ? એની તપાસ જયાબેને કરી . સંભવિત દીક્ષાદાતાને મળવા માટે પૂનાથી નીકળ્યા અને અમદાવાદ પહોંચ્યા . કમાલની વાત એ હતી કે ત્રણ ભાગ્યશાળી , અમદાવાદ પણ પહોંચ્યા નહોતા . ( ક્રમશ: )
સુરેશભાઈને સંબંધોમાંથી રસ ઉડી ગયો હતો . બે બાળકો , મારા દીકરા છે એ રીતે એ વિચારતા નહોતા . બે બાળકો દીક્ષાને લાયક જીવો છે એમ એ વિચારતા . આ બાળકોએ જૈન ધર્મ માટે આદર બનાવ્યો છે તો એમનાં મનમાં વસેલો એ આદર જે તોડી શકે છે એવી વ્યક્તિઓને બાળકોથી દૂર રાખવી જોઈએ , આ બાળકોએ દીક્ષા માટે મન બનાવ્યું છે તો એમનાં એ મનને બદલી શકે એવી વ્યક્તિઓને બાળકોથી દૂર રાખવી જોઈએ એવી તકેદારી એમણે લેવા માંડી હતી . ભાયાણી પરિવારમાં બાળકોના દાદાદાદી , મમ્મી , કાકાકાકી , ભાઈઓ અને બહેન હતા તે સૌ બાળકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા . સુરેશભાઈ એમને સલામતીની સરહદ તૂટે નહીં એટલું જ મળવા દેતા . બાળકોનો કબજો પોતાના હાથમાં રાખવાની વૃત્તિ નહોતી , બાળકોના આત્માની ચિંતા હતી .
બાળકોના પાંચ મામાઓ તેમજ સુરેશભાઈના માસામાસી , ફોઈફુઆ અને નાની મુંબઈમાં રહેતા . સુરેશભાઈએ બાળકોને સ્કૂલમાંથી ઊઠાડી મૂક્યા છે એ સમાચાર જે જે સ્વજનોને મળ્યા તે સૌ ભડકી ઊઠ્યા હતા . જયાબેનનો પિયર પક્ષ એટલે ખીરૈયા પરિવાર . સુરેશભાઈ જયાબેનને છોડીને જઈ જ ન શકે આ બહુ મોટો મુદ્દો હતો . બાળકોનો મુદ્દો એનાથીય મોટો થઈ ગયો . પૂનાનો ભાયાણી પરિવાર , મુંબઈનો ખીરૈયા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનો એકબીજાના સંપર્કમાં આવ્યા . સૌનો એક જ વિચાર બન્યો કે સુરેશભાઈને રોકવા જોઈએ અને એ ન રોકાય તો કમસેકમ બે બાળકોને બચાવી જ લેવા જોઈએ . યોજના એવી બની કે સુરેશભાઈને ખબર ન પડે એ રીતે બાળકોને ઊઠાવી લેવા , એકવાર બાળકો બાપથી છૂટા પડી જાય એટલે આ દીક્ષાની વાતો ખતમ જ થઈ જશે .
સુરેશભાઈને આ યોજનાની ગંધ આવી ગઈ . વિનોદભાઈના બંગલે મોટું ટોળું આવે , તોફાન મચાવે અને બાળકોને ઉપાડી જાય એવા ચાન્સીસ વધી ગયા હતા . એમણે વળી નવો પ્લાન બનાવ્યો . કોઈને કાંઈ સમજાય તે પૂર્વે તેઓ એક દિવસ વિનોદભાઈના બંગલેથી નીકળીને ગુપ્તરીતે ભીખુભાઈના પુત્ર અશોકભાઈનાં ઘરે પહોંચી ગયા . અહીંથી રાત્રે રવાના થઈ , કોઈ હોટેલમાં રાત રોકાયા . કોઈ પીછો કરતું આવે તો પકડાઈ ન જવાય તે માટે રજિસ્ટરમાં નકલી નામ લખાવ્યું . બીજા દિવસે બસમાં બેસી પૂનાથી રવાના થયા અને મંચર પહોંચી ગયા . થોડાદિવસનો નિવાસ કુમારપાળભાઈ સમદડિયાનાં ઘરે થયો . સમદડિયા પરિવારે ભરપૂર લાગણીપૂર્વક આગતાસ્વાગતા કરી અને પ્રાયવસી પણ જાળવી . ભાયાણી પરિવાર , ખીરૈયા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનોમાંથી કોઈને ખબર ન પડે એ રીતે થોડા દિવસ રહ્યા બાદ જુન્નર આવી ગયા , જૈન બોર્ડિંગમાં રોકાયા .
એસ્કેપિઝમને એક થેરાપી અથવા થિયરી તરીકે જોવામાં આવે છે . તમારી અંદર તમારું એક અલગ જ વ્યક્તિત્વ વસે છે , રોજીંદુ વાતાવરણ તમને એક ઘરેડમાં બાંધી લે છે . તમારે થોડાક સમય માટે એ વાતાવરણ અને એ ઘરેડથી દૂર ભાગવાનું હોય . દૂર ભાગવું એટલે એની છાયામાંથી બહાર આવીને રહેવું . તમે ઘરેડની છાયામાંથી બહાર આવો છો એ તમારું એસ્કેપિંગ છે . પીઠ દેખાડીને ભાગવાની વાત નથી . પીઠ ફેરવ્યા વગર પાછા ફરવાની વાત છે . જુન્નર જૈન બોર્ડિંગમાં એકસો જેટલા જૈન વિદ્યાર્થીઓ રહેતા હતા . પરિવારને અને ઘરને ભૂલવાની તાલીમ લેવાની હતી . કોઈ સૂમસામ જગ્યાએ રોકાયા હોત તો એકલવાયાપણું ભારે પડી જાત . બોર્ડિંગના વિદ્યાર્થીઓને પૂનાના મહેમાનો સાથે મજા પડી ગઈ . પૂનાના ત્રણ મહેમાનો બોર્ડિંગના વિદ્યાર્થીઓના સંગમાં રહીને પૂનાને ભૂલી ગયા .
જોકે , ત્રણેયને ખબર હતી પૂના છોડ્યું એને લીધે ભાયાણી પરિવાર અને ખીરૈયા પરિવારમાં મોટો ભૂકંપ આવ્યો હશે . (ક્રમશઃ)
પરિવર્તનની યાત્રામાં રાજુ અને ટીનુ સાથે ન હોય એવી પરિસ્થિતિમાં સુરેશભાઈ વધારે અળખામણા થાય નહીં . પણ વાત બે બાળકોની હતી . બેય બાળકો સ્કૂલમાં શાર્પ સ્ટુડન્ટ હતા . દરવર્ષે પોતપોતાના ક્લાસનાં મોનિટર બનતા . સ્કૂલના મેધાવી છાત્રોની સૂચીમાં બેયનું નામ ટોપટેનમાં રહેતું . શિક્ષકોના લાડકા વિદ્યાર્થી હતા . સહાધ્યાયીઓના બેસ્ટ ફ્રેન્ડ્ઝ પણ ખરા . એ વખતે એસએસસીની એક્ઝામ સૌથી મોટી ગણાય . બેય જણા એસએસસી વખતે સ્કૂલનાં નામનો ડંકો વગાડશે એવી અપેક્ષા બહુ પહેલેથી રાખવામાં આવી રહી હતી . આવા હોનહાર વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી દેશે એવી કલ્પના જ ન થાય . પરંતુ બેય વિદ્યાર્થીઓએ સ્કૂલ જવાનું છોડી દીધું . સ્કૂલના શિક્ષક શિક્ષિકાઓમાં આઘાત , આશ્ચર્યની લાગણી ફેલાઈ હતી .
બાળકોને જૈનધર્મ ગમે છે તેનો વાંધો નથી પરંતુ એસએસસી પાસ કર્યા પૂર્વે સ્કૂલ છોડાય જ નહીં એવો જયાબેનનો મત હતો . રાજુ નવમીમાં હતો , ટીનુ સાતમીમાં . એ ગુજરાતી સ્કૂલમાં નાઈન્થ સ્ટાન્ડર્ડ કે સેવન્થ સ્ટાન્ડર્ડ જેવા અંગરેજી શબ્દો ચલણી થયા નહોતા . એસેસસીને દસમી કહેતા .
શું કામ બાળકો સ્કૂલ છોડી રહ્યા હતા ?
સુરેશભાઈએ પોતાના આત્મા માટે દીક્ષા લેવાનું વિચારેલું . આ બે બાળકો વિના પણ એ દીક્ષા લઈ જ શકતા હતા . દીક્ષા લેવા માટે એમને બાળકોની કશી જ જરૂર નહોતી . બાળકોની દીક્ષાનો વિચાર એમને મિત્રો થકી મળ્યો હતો . વાચના દરમ્યાન બાળકો જે પ્રશ્નો પૂછતા એ જોયા બાદ , બે વાત સમજમાં આવી હતી . એક વાત એ કે બાળકો ધર્મમાં ઘણો વિકાસ સાધી શકે એમ છે . બીજી વાત એ કે બાળકો દીક્ષા સુધી પહોંચે તો એ ભવિષ્ય માટે ઘણું લાભકારી બની શકે છે . પૂર્વે એકલા જ દીક્ષા લેવાની ભાવના રાખનાર સુરેશભાઈ હવે બાળકોને દીક્ષા સુધી પહોંચાડવા તૈયાર થઈ ગયા .
સંસ્કરણના બે માર્ગ છે : મનમાં નવા વિચારોનું સિંચન કરો અને જીવનને નવું વાતાવરણ આપો . વિચારોનું સિંચન મહેન્દ્રભાઈ દ્વારા થઈ રહ્યું હતું અને નવું વાતાવરણ મળે તે માટે ઘરથી દૂર રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી .
બાળકોનાં માનસ પર લાંબું કામ થયું હતું . બાળકોને જૈન ધર્મ અનુસારનું મુનિ જીવન , શ્રાવક જીવન અને ગૃહસ્થ જીવન શું છે એનો સરળ બોધ આપવામાં આવ્યો હતો . મોક્ષનું જે સ્વરૂપવર્ણન સુરેશભાઈને આવર્જિત કરી ગયું તે જ સ્વરૂપવર્ણન બાળકો સમક્ષ થયું હતું . બાળકો પિતાની જેમ જ આવર્જિત થયા હતા . આ મોક્ષને પામવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ મુનિજીવનમાં થઈ શકે છે એવી સમજણ બાળકોમાં ઉંમર અનુસાર જાગી હતી . આ તબક્કા સુધી પહોંચવા માટે બાળકોએ સારો એવો સમય લીધો હતો . એકવાર આટલું ઘડતર થયું એ પછી જ સ્કૂલે ન જવાનો નિર્ણય લેવાયો હતો . આ નિર્ણય બાળકો પર ઠોકી બેસાડેલો એવું પણ નહોતુું . બાળકોની ઈચ્છા અને રુચિને ચકાસી લીધા બાદ આ નિર્ણય લીધો હતો .
આના વિરોધમાં જયાબેને , અનિલભાઈએ સુરેશભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી . સુરેશભાઈએ એમને ખાસ દાદ આપી નહીં . આખરે હરિદાસભાઈ , વિનોદભાઈના બંગલે આવ્યા હતા . બાપદીકરા વચ્ચે લાંબો સંવાદ થયો હતો . સુરેશભાઈ શું કામ દીક્ષા લેવા માંગે છે અને બે બાળકોને શીદ દીક્ષા અપાવવા માંગે છે ? આ બાબતે ઘણી વાતો થઈ . હરિદાસભાઈએ સુરેશભાઈને ઘણું સમજાવ્યા . સુરેશભાઈ ટસના મસ ન થયા . છેવટે હરિદાસભાઈએ બાળકોને દીક્ષા ન આપવી જોઈએ એવી જીદ્દ પકડી . સંયમપૂર્વક રકઝક ચાલી . છેલ્લે હરિદાસભાઈને લાગ્યું કે ‘ સુરેશ માનવા તૈયાર જ નથી . ‘ તો એમણે નિરાશાના આવેશમાં બંગલાની દીવાલ પર જોરથી માથું અફાળ્યું . એમના કપાળની ચામડી ફાટી , લોહીની ધાર નીકળી આવી . દીવાલ પર એ લોહીનો ધબ્બો પડી ગયો . હરિદાસભાઈના નાક પર , આઈબ્રો પર અને ચશ્મા પર લોહીના રેલા ઉતરી આવ્યા . સુરેશભાઈ આ ક્ષણે પીગળી જાય એવું બની શકતું હતું . એ અંદરથી હચમચી પણ ગયા પરંતુ એ પોતાની વાતમાંથી ડગ્યા નહીં . જિંદગીમાં પહેલીવાર આવું બન્યું હશે કે દીકરાની સામે પિતાએ માથું પછાડીને લોહી કાઢ્યું હોય . પારાવાર માનસિક સંતાપ સાથે હરિદાસભાઈ કેમ્પના એ બંગલેથી કપાળનું લોહી લૂંછ્યા વગર નીકળી ગયા . આવું કશુંક બનશે એવો અંદાજ હતો એટલે સુરેશભાઈએ આ બેઠકથી બાળકોને દૂર રાખ્યા હતા . જોકે , પોતાની નજર સમક્ષ પોતાના પિતાને માથું પટકીને લોહી કાઢતા જોયા બાદ એમનો વૈરાગ્ય વિચલિત થઈ શકતો હતો , પણ થયો નહોતો . પિતાને થયેલી પીડા બદલ ઘણો જ અફસોસ થયો . અલબત્ , વૈરાગ્ય સાથે બાંધછોડ કરવાનો વિચાર તો ન જ બન્યો . ( ક્રમશઃ )
હરિદાસભાઈ પ્રેમાળ દાદા હતા . ભૂપેશ , અમિત , પ્રકાશ , નયન અને આશા આ પાંચ પ્રસંતાનોને જાનની જેમ ચાહે . દાદા નાના બાળકોને એટલું વહાલ કરતા કે બાળકોનાં હૈયે માબાપ કરતાંય વધારે પ્રેમ દાદા માટે બનતો . પાંચ બાળકોના રોબિનહૂડ જેવા દાદાનો દબદબો એમના બેય દીકરાઓ પર અને પુત્રવધૂઓ પર ચાલતો એ જોઈ બાળકોનાં મનમાં દાદા પ્રત્યે વિસ્મિતભાવ બનેલો રહેતો . દાદા બાળકો માટે આંબા લઈ આવે , પોતાના હાથે ચીરિયા કરીને ખવરાવે . જલેબીફાફડા , મીઠા સક્કરપારા , ચોકલેટ્સ , ચ્યુઈંગગમ અને એવુંબધું જાતે લઈ આવે અને બાળકો સાથે મળીને ઉજાણી કરે .
એમને કાને ઓછું સંભળાતું . એ યુગ આજના જેટલો વિકસિત થયો નહોતો પરંતુ એમની જેબમાં એક નાનું એરપ્લગના તારવાળું મશીન રહેતું જેનાથી એ વાતો પૂરેપૂરી સાંભળી શકતા . ટેકનોલોજી પર ઘણો વિશ્વાસ . નવા જમાના પ્રમાણે વિચાર ચાલે . આળંદીના જલારામ બાપામાં પ્રચંડ આસ્થા . વીરપુર પણ જતા . દાદા અત્યંત લાગણીશીલ , પરંતુ જે બોલે તે તર્કબદ્ધ રીતે જ બોલે . ગોળગોળ વાતો ન કરે . મનમાં જે હોય તે જણાવી શકે . જે વાત ચાલુ થઈ હોય એને અધૂરે લટકવા ન દે . ડિગ્રી હોલ્ડર નહોતા પણ ડિગ્રીધારીઓને ભૂ પાઈ શકે એવા ઉસ્તાદ ગુરુ હતા . એમને સુરેશભાઇના બાળકો જૈન ધર્મની વાતો શીખી રહ્યા છે એ જોવું ગમ્યું નહોતું . દાદા એ બાળકોને બોલાવીને ઉલટતપાસ લેતા , સમજાવતા અને ભોળવાઈ જવાનું નથી એવી ભલામણ કરતા .
છતાં મહેન્દ્રભાઈની વાચનાનો સિલસિલો ચાલુ રહ્યો .
હવે ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું . જયાબેન જૈનધર્મને માને નહીં . જૈનધર્મના ખાવાપીવા સંબંધી નિયમો એમને ગમે નહીં અને બાળકો એ જ નિયમોને પાળવા ઉત્સુક . જે શાક સૌને ભાવતું એ શાક હવે પરિહરણીય વસ્તુ બનવા લાગ્યું . જે ક્રિયાઓ એકલા સુરેશભાઈમાં જોવા મળતી તે હવે બાળકોને ગમવા લાગી . જે ધર્મ ફક્ત સુરેશભાઈ પૂરતો સીમિત હતો તે બાળકોની અભિરૂચિમાં આવવા લાગ્યો . સુરેશભાઈ અને જયાબેન વચ્ચે આ મુદ્દે ચણભણ પણ થતી .
સુરેશભાઈના જૈનમિત્રોના પરિવાર સાથે જયાબેનનો પણ સ્નેહસંબંધ બનેલો . જયાબેન પોતાને જે નથી ગમતું એની ચર્ચા ખુલ્લા દિલે એમની સાથે કરી ન શકે . સુરેશભાઈ પેનવાળાના બાળકો કૃતિ – કુણાલ – જિગર , તેજપાલભાઈના બાળકો ……… , મહેન્દ્રભાઈ કાર્પેટવાળાના બાળકો મનીષ – હેમલ તેમજ અન્ય મિત્રોનાં બાળકો સાથે સુરેશભાઈના બાળકોની મૈત્રી થઈ અને એ મૈત્રીએ સુરેશભાઈના બાળકોના જૈનધર્મના પ્રેમમાં વધારો કર્યો . આરસીએમમાં ભણવા જતા બાળકોને સ્કૂલમાં પણ જૈન મિત્રો સાથે એક સોફ્ટકોર્નર રિલેશનશિપ બનવા લાગી .
બે બાળકમાં વધારે બદલાવ આવ્યો હતો : રાજુ અને ટીનુ . આ બેય બાળકોને જૈન ધર્મ અનુસાર વિકસિત થવાની તક મળે તે માટે અજીબોગરીબ નિર્ણય એ લેવાયો કે સુરેશભાઈ અને એમના આ બે બાળકો જૈન ધર્મ અનુસાર પ્રશિક્ષણ પામે તે માટે તેઓ ભાયાણી પરિવારના સંપર્કથી દૂર ક્યાંક રહે . આ નિર્ણય અટપટો હતો , ઓછો વહેવારુ હતો અને ચેલેંજિંગ હતો . દૂર રહે તો ક્યાં રહે ? આ પણ સવાલ હતો . મહેન્દ્રભાઈ મહેતાએ પોતાના ઘરે , આદિનાથ સોસાયટીનાં ઘરે રહેવા માટે એમને આમંત્રણ આપ્યું . અચાનક જ સુરેશભાઈ બે બાળકોને લઈને મહેન્દ્રભાઈનાં ઘરે રહેવા આવી ગયા . જયાબેન અને ભૂપેશ , સુરેશભાઈનાં ઘેર જ રહ્યા . સુરેશભાઈ પૂનામાં પોતાનું ઘર હોવાછતાં કોઈ બીજાના ઘેર રહેવા જતા રહે તે વિચિત્ર વાત હતી . સુરેશભાઈને દીક્ષાની ઉતાવળ હતી . જે નિર્ણય મને દીક્ષાની નજીક લઈ જાય એ નિર્ણય સારો . જે પરિસ્થિતિ મને દીક્ષાથી દૂર રાખે તે પરિસ્થિતિ મારા માટે અસ્વીકાર્ય , આવા કોઈ વિચારની છાયામાં , સુરેશભાઈ પોતાની જ કમાણીથી ચાલનારું પોતાનું ઘર પૂનામાં હોવાછતાં પૂનામાં જ બીજા કોઈના ઘેર રહેવા આવી ગયા . એ એમની ઉત્કટ નિર્વેદ દશા હતી . મહેન્દ્રભાઈના પિતા મોહનભાઈ , મહેન્દ્રભાઈના ધર્મપત્ની સરોજબેન , મહેન્દ્રભાઈની દીકરીઓ જસ્મીના – રૂપલ – પ્રજ્ઞા – નીલમ , મહેન્દ્રભાઈના દીકરા મનીષ – હેમલ , આ બધાયની સાથે રહેવાનો એક નવો જ પ્રેમાળ અનુભવ . ગુરુ મહેન્દ્રભાઈનું ઘર જ જાણે ગુરુકુળ બની ગયું . મહેતા પરિવારે બેય બાળકોને લખલૂટ પ્યારમાં આકંઠ ભીંજવી દીધા . અહીં બાળકોને પૂજા , સામાયિક , પ્રતિક્રમણ જેવી વિધિઓ શીખવાનું આસાન હતું . થોડો સમય અહીં રહ્યા બાદ , સુરેશભાઈ બેય બાળકો સાથે કેમ્પમાં વિનોદભાઈના ખાલી બંગલામાં રહેવા આવી ગયા . અહીં તો પૂજા માટે ઘરદેરાસરની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી .
મહેન્દ્રભાઈનાં ઘરે સુરેશભાઈ રહ્યા ત્યારે ભાયાણી પરિવારે મોટી પ્રતિક્રિયા આપી નહીં પરંતુ કેમ્પમાં રહેવાનો અલાયદો બંગલો લેવાયો છે તે જોવા મળ્યું ત્યારે ભાયાણી પરિવારે કડક થવાનું નક્કી કર્યું . હરિદાસ ગોવર્ધનદાસ ભાયાણીએ કમાન હાથમાં લીધી . ( ક્રમશઃ)
પિતા હરિદાસભાઈ , પત્ની જયાબેન , નાનો ભાઈ અનિલ – આ કોઈને વૈરાગ્યની થિયરી પલ્લે પડી રહી નહોતી . એમને મોક્ષનું અસ્તિત્વ છે કે નહીં એની સાથે કોઈ લેવાદેવા નહોતા . એમને સુરેશભાઈ બદલાઈ ગયા છે એ જોવાનું ગમતું નહોતું . એમને જૂનાવાળા એ સુરેશભાઈ પાછા જોઈતા હતા જે પોતાના જમાના કરતાં ઘણા એડવાન્સ રહેતા હતા , જેમની ચશ્માની ફ્રેમ રિમલેસ હતી , જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પ્રિન્ટને પોતાના હાથેથી પેઈન્ટ કરીને મલ્ટિકલર બનાવી શકતા , જેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ કોઈ પ્રોફેસરની જેમ દણદણિત હતું , જે પોતાના હાથે બનાવેલા માલપુંવા ત્રણ સંતાનોને ટેસથી ખવડાવતા , જે ઊંચા ડેમ પરથી ઊંડા પાણીમાં ધુબાકા મારી સ્વિમિંગ કરતા , જે લગનના રિસેપ્શનમાં આઈસક્રીમનું કાઉન્ટર એટલા માટે સંભાળતા કેમ કે એમને આઈસક્રીમ બહુ ભાવતો હતો , જે પૂના મોટી પોસ્ટ ઓફિસની પાસે મળતી તીખીદાટ ભેળ ખાવાનું ચૂકતા નહીં , જે પૂનાના મશહૂર થિયેટર્સમાં આવનારી હૉલીવૂડ અને બોલીવૂડ મૂવીઝ જોવાના શોખીન હતા , જે જેમ્સ બોન્ડની મૂવી ડોક્ટર નૉ(૧૯૬૨) નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને શોલે મૂવી(૧૯૭૪) ના પ્રારંભે ચાલતી આરડી બર્મનની વિખ્યાત મેલડીના ઉત્કૃષ્ટ ચાહક હતા . સુરેશભાઈનું એ જૂનું વર્ઝન ગાયબ થઈ ગયું હતું . સુરેશભાઈનું એક નવું જ વર્ઝન જોવા મળી રહ્યું હતું જે રિયલ હતું પણ ફેમિલી માટે એક્સેપ્ટેબલ નહોતું . આ સુરેશભાઈ રોજ સવારે ગોડીજી , ભવાની પેઠ અથવા બુધવાર પેઠના દેરાસરે પૂજા કરવા જતા . હાથ પર કેસરના ઓઘરાળા લઈને એ પાછા ફરતા . આ સુરેશભાઈ જૈન મુનિભગવંતોની સાથે ખાસ્સો સમય વિતાવી દેતા . શ્રી મિત્રાનંદવિજયજી મ. , શ્રી જગચ્ચન્દ્રવિજયજી મ . , શ્રી ભદ્રગુપ્તવિજયજી મ. જેવા મહાત્માઓના સંગે સમય વીતાવીને એ રાજી રહેતા . આ સુરેશભાઈ ખાવાપીવાની બાબતે નિર્લેપ જેવા થઈ ગયા હતા , એકાસણું બીયાસણું અને આંબેલ કરવા લાગ્યા હતા . જૂના સુરેશભાઈ ઘરમાં મોંઘી અંગ્રેજી બુક લાવતા , નવા સુરેશભાઈ ઘરે સુવર્ણઅક્ષરીય કલ્પસૂત્રની મોંઘી પોથી ખરીદી લાવ્યા હતા .
ભાયાણી પરિવાર સુરેશભાઈના આ અવતારને સ્વીકારી શકતો નહોતો અને બદલી શકતો નહોતો . સુરેશભાઈએ પોતાનું ટાર્ગેટ પાકું રાખીને દોડવાનું શરૂ કરી દીધું હતું .
પૂનામાં રહેનારા મહેન્દ્રભાઈ મહેતા સાથે જોડાયા બાદ , સુરેશભાઈનું ભાવવિશ્વ વધુ ને વધુ ધર્મમય બનતું ગયું . મહેન્દ્રભાઈ પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ચુસ્ત અનુયાયી તેમ જ પૂ. મુનિરાજ શ્રી ચંદ્રગુપ્ત વિજયજી મ. ના વિદ્યાર્થી . ખુદ પ્રજ્ઞાવાન્ અને પરગજુ . જિજ્ઞાસુઓને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે એ પૂરતો સમય નિકાળે . એમની વાણીમાં એવી તાકાત કે સાંભળનારના વિચારો અવશ્ય બદલાય . આસ્તિકતા અને આધ્યાત્મિકતાનું એનાલિસીસ અજબગજબ રીતે કરે . કલ્લાકો સુધી બોલે તોયે નવાનવા મુદ્દાઓ આવતા જ રહે . સાધુસાધ્વીજી ભગવંતો પણ એમની પાસે અભ્યાસ કરવા પધારતા . સુરેશભાઈના બાળકો મહેન્દ્રભાઈ સમક્ષ શ્રોતા તરીકે બેસવા લાગ્યા એ દિવસથી મહેન્દ્રભાઈએ નાસ્તિકને આસ્તિક બનાવે અને ધર્મરહિતને ધર્માનુરાગી બનાવે એ રીતે તત્ત્વનિરૂપણ કરવાનું શરૂ કર્યું . મહેન્દ્રભાઈની વાચનાઓ નિર્ધારિત કાર્યક્રમની જેમ નિયત સમયે કે નિયત જગ્યાએ થતી એવું નહોતું . કોઈપણ એક કલ્યાણમિત્રનાં ઘરે સીમિત સંખ્યામાં જિજ્ઞાસુ ભેગા થતા , કોઈવાર રાતે વાચના થાય , કોઈવાર બપોરે વાચના થાય . અઠવાડિયે એકથી વધુ વાર વાચના થાય . એ વાચનાઓ સાંભળતી વખતે સુરેશભાઈ કેવળ પોતાના આત્માની ચિંતામાં ડૂબી જાય , પોતાના બાળકો વાચના સાંભળે છે એ તરફ એમનું ધ્યાન ઓછું રહેતું . જે ધર્મ મનેં બાળપણમાં મળવો જોઈતો હતો તે ધર્મ મને છેક લગન કર્યા બાદ અને ત્રણ સંતાનોના બાપ બની ગયા બાદ મળ્યો છે , હવે આ ધારામાં અધિક નિમજ્જન કરવું છે એવો એમનો ભાવ .
મહેન્દ્રભાઈની વાચના બાળકો સાંભળે એ પછી એમાંથી જાણવા મળેલી વાતોના આધારે બાળકો સુરેશભાઈ સાથે તત્ત્વચર્ચા કરે . પપ્પા સાથે સમય વીતે છે એની ખુશાલી બાળકોને રહેતી અને બાળકોની મમ્મીને રહેતી .
તત્ત્વચિંતને પોતાનું કામ બરોબર કર્યું . સુરેશભાઈના બાળકોએ પણ પોતાની મતિઅનુસાર જૈનત્વની દિશામાં વિચારવાનું ચાલુ કરી દીધું . ( ક્રમશઃ)
એવું નહોતું કે સુરેશભાઈએ જૈનધર્મ પાસે આવતાવેંત વૈરાગ્યનો સ્પર્શ મેળવી લીધો હતો . વૈરાગ્ય ધીમે ધીમે આવ્યો હતો . આર્યત્વના મૂળભૂત સંસ્કાર અનુસાર આત્માનું અસ્તિત્વ એ સ્વીકારતા હતા . આત્મા અને શરીર એકબીજાથી જુદા છે એવું માનવામાં એમને કોઈ હરકત નહોતી . એક વ્યક્તિ મરે છે ત્યારે આત્મા શરીરથી છુટ્ટો પડે છે . એ વ્યક્તિનાં શરીરનું શું થાય છે ? શરીરને બાળી નાંખવામાં આવે છે . આ ઘટના દેખાય છે અને સમજાય છે . એ વ્યક્તિના આત્માનું શું થાય છે એ દેખાતું નથી અને સમજાતું નથી . છતાં પ્રશ્ન ઊભો જ રહે છે આત્માનું શું થાય છે ? આ પ્રશ્નનો જવાબ દરેક ધર્મના અનુયાયીઓ માંગતા હોય છે . જેને જે જવાબ મળ્યો તેણે તે જવાબ અનુસાર માન્યતા બનાવી લેવાની હોય છે .
શરીર અંગેનો જવાબ એકસમાન રહે છે .
શરીરને બાળી ન નાંખીએ તો શરીર સડવા લાગે , દુર્ગંધ ફેલાય , શરીરમાં કીડા પડે અને શરીર પોતાની મેળે નાશ પામે . કોઈ ધર્મ શરીરને બાળી નાંખવાની વ્યવસ્થા સૂચવે છે તો કોઈ ધર્મ શરીરને જમીનમાં દાટવાની વ્યવસ્થા સૂચવે છે . શરીરનો નાશ થાય છે તે સૌ સ્વીકારે છે . આત્માનું શું થાય છે ? આ બાબતે જુદા જુદા જવાબ મળે છે . એક જવાબ મળે છે કે મર્યા બાદ આત્માનું અસ્તિત્વ નેસ્તનાબૂદ થઈ જાય છે , પરલોક જેવું કાંઈ છે જ નહીં . સુરેશભાઈને આ જવાબ મંજૂર નહોતો . એ દૃઢપણે માનતા કે આત્માનું અસ્તિત્વ પરલોકમાં હોય છે . હિંદુ પરંપરા કહે છે કે જનમ મરણનો ચકરાવો ચાલતો જ રહેવાનો છે . આવતા જનમમાં દુઃખી થવું નથી એટલી સમજણ સુરેશભાઈએ બાંધી લીધી હતી . જૈન ધર્મમાં મોક્ષ તત્ત્વનું સુંદર નિરૂપણ થયેલું છે , મોક્ષમાં જનમમરણનો ચકરાવો ખતમ થઈ જાય છે . સુરેશભાઈને આ વાત ખૂબ ગમી . શું મોક્ષ જેવી કોઈ અવસ્થા હોય છે ? આ સવાલને લઈને એમણે ઘણાય ગુરુભગવંતો સાથે ચર્ચા કરી હતી . મોક્ષનું અસ્તિત્વ હોય છે અને આ મોક્ષ મને મળી શકે છે આ વાત ધીમેધીમે કરતાં જડબેસલાક રીતે મનમાં બેસી ગઈ . મનેં મોક્ષ મળે શી રીતે , આ પ્રશ્ન એમને વૈરાગ્ય સુધી લઈ ગયો .
મોક્ષમાં શરીર વિનાનું સુખ છે , શરીરનું સુખ ગમતું હોય ત્યાર સુધી મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી નથી . શરીરમાં આત્મા ન હોય તો શરીર કોઈ સુખનો અનુભવ લઈ શકતું નથી . પરંતુ આત્મા , શરીર વિના પણ સુખનો અનુભવ લઈ શકે છે . આત્માનું સુખ શરીરનાં સુખથી જુદું છે . શરીરનાં સુખથી થોડા દૂર રહીએ એટલે આત્માનું સુખ પોતાનો અવાજ સંભળાવવાનું શરૂ કરી દે છે .
શરીરના સુખનો પ્રેમ એ જનમોજનમથી બની પડેલી આદત છે . આ આદત બદલવાની મહેનત કરવી જોઈએ . એકસાથે બધા સુખ છૂટવાના નથી પરંતુ સુખથી બચવાની માનસિકતા બનવી જોઈએ . થોડું થોડું સુખ છોડતા જઈએ એને લીધે નિર્લેપ ભાવ બનતો જાય છે . સુખ વિના ચાલે છે એવો નિર્લેપ ભાવ .
તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં જ સ્વ ઈચ્છાથી થોડુંથોડું સુખ છોડી જુઓ . થોડું સુખ છોડવાથી કોઈ અગવડ પડતી નથી . આ વૈરાગ્યનું પ્રાથમિક ચરણ છે .
બીજું ચરણ છે થોડો સમય ઘરથી દૂર રહેવાનું અને સુખથી પણ દૂર રહેવાનું . તમે થોડા સમય માટે સુખ વગર પણ રાજી રહી શકો છો એ પરિસ્થિતિ વૈરાગ્યને સરળ બનાવે છે .
ત્રીજું ચરણ છે લાંબો સમય ઘરથી દૂર રહેવાનું અને સુખથી પણ દૂર રહેવાનું . તમે લાંબા સમય માટે સુખ વગર પણ રાજી રહી શકો છો એ પરિસ્થિતિ વૈરાગ્યને વધુ સરળ બનાવે છે .
ચોથું ચરણ છે , પારિવારિક આત્મીયતાને ઓછી કરવાનું . પારિવારિક પ્રેમ એક જ જનમનું વળગણ છે . મોક્ષમાં શરીર નથી , આ જ કારણે મોક્ષમાં પરિવાર નથી . તમે ઘરથી થોડા સમય સુધી દૂર રહો છો , અને એ દરમિયાન તમને ઘરની યાદ આવતી નથી . આવું માનસ વૈરાગ્યની ભૂમિકાનું ઘડતર કરે છે .
આ ચારેય ચરણમાં ચોક્કસ સમય માટે સુખથી દૂર રહેવાની કોશિશ થાય છે , યથાસંભવ ઘરથી પણ દૂર રહેવાની કોશિશ થાય છે .
જેનાં મનમાં મોક્ષનાં અસ્તિત્વ વિશે શ્રદ્ધા છે , જેનાં હૃદયમાં મોક્ષ મેળવવાની આકાંક્ષા છે , એ પોતાના વિચારોને અને પોતાની ભાવનાઓને આ રીતે પ્રશસ્ય બનાવવાની મહેનત કરવા માંડે છે .
એક વાચક તરીકે આ બધું વાંચવાનું તમને થોડું અઘરું પડ્યું હશે . જે વાંચવામાંય અઘરું પડે છે તેને સીધેસીધું જીવનમાં ઉતારવાનો પુરૂષાર્થ કરી રહ્યા હતા સુરેશભાઈ . એમનું વૈરાગ્ય સંબંધી તત્ત્વચિંતન અક્ષુણ્ણભાવે આગળ વધી રહ્યું હતું . (ક્રમશઃ)
ઘરમાં નાનું મંદિર હતું , એમાં ઠાકુરજીની મૂર્તિ હતી . ઠાકુરજીની પૂજા રોજ કરવાની રહેતી . સવારે નિયત સમયે મંદિર ઉઘડે . ઠાકુરજીના વાઘા ઉતરે . જળ – દૂધ – દહીં – ઘી – મધ – ગોળ – પંચામૃત – શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન વિધિ થાય . કોમળ હાથે અંગ લૂંછાય . નવા વાઘા ચડે . લાલાને પીળા ચંદનનું તિલક થાય . ફૂલ અથવા ફૂલની માળા ચડે . તુલસી , દૂર્વા , સુગંધી તેલ , ધૂપ દીપ ધર્યા બાદ માખણ મિસરીનો ભોગ ચડે . મોરપિચ્છ , વાંસળી , વૈજયંતી માળા અર્પિત થાય . છેવટે નંદલાલાને પાંચવાર મિસરી ચખાડવાની . ફળ મૂકવાનું . પાંખડીઓ પર કપૂર પ્રગટાવી આરતી કરવાની . આશકા માથે લેવાની . શંખજળ મૂર્તિ પર અને ખુદ પર છાંટવાનું . મૂર્તિની ઉપર અંજલિ ગોળ ઘુમાવી પ્રદક્ષિણા સમ્પન્ન કરવાની . ચરણામૃતપાન થકી સમાપન કરવાનું . ગીતાપાઠમાં થોડો વખત મન લગાડવાનું . આ વિધિ કદીક ટૂંકાણમાં થતી અને કદીક લંબાણથી થતી . સુરેશભાઈને આ વિધિમાં રસ રહ્યો નહીં . પરંતુ તેમના ધર્મપત્ની જયાબેન કટ્ટર વૈષ્ણવ હતા . એમણે સવાર સાંજની મંદિર વિધિ ચાલુ જ રાખી હતી . પોતાના ત્રણેય બાળકોને તેઓ ઠાકુરજીની પૂજામાં અને ભક્તિમાં જોડતા , જોડાયેલા રાખતા . વૈષ્ણવ પર્વદિનોમાં ફળાહારી ઉપવાસ કરે , કરાવે . નોરતાના
દિવસોમાં અંબાજીનાં પ્રાચીન મંદિરે બાળકોને લઈ જાય . હવેલીના લબ્ધપ્રતિષ્ઠ મહારાજ સાથે બાળકોની ઓળખાણ કરાવેલી .
જૈન ધર્મ સારો છે કે નથી એ પ્રશ્ન જુદો હતો . આપણો વૈષ્ણવ ધર્મ આપણો છે એ સૂર ઊભો રાખવાનું ઝનૂન હતું . જ્યારે લગ્ન થયા ત્યારે સુરેશભાઈ વૈષ્ણવ છે અને વૈષ્ણવ જ રહેવાના છે એવી ખાતરી હતી . હવે સુરેશભાઈએ આમ વૈષ્ણવ ધર્મથી દૂર રહેવાનું શરૂ કર્યું તે જયાબેનને મંજૂર નહોતું . અધ્યાત્મની વાતો એની જગ્યાએ ઠીક છે પરંતુ ધર્મ તો વૈષ્ણવનો જ પાળીશું એ સંકલ્પ પાકો રાખ્યો હતો .
સુરેશભાઈના મિત્રોનું સૂચન હતું કે દીક્ષા લેવી છે તો દીકરાઓની સાથે લો . જયાબેન તો સુરેશભાઈની દીક્ષા પણ થવા દે કે કેમ એ પ્રશ્ન હતો . જયાબેન મુંબઈના . એમને પાંચ ભાઈઓ . કિશોરભાઈ . ધીરુભાઈ . હસુભાઈ . ભરતભાઈ અને વસંતભાઈ . આ ભાઈઓને પણ જૈન ધર્મ સાથે સ્નાનસૂતકનો સંબંધ નહોતો . પોતાની બેન જૈન બની જાય એમાં એમને કશો રસ નહોતો . બીજી તરફ સુરેશભાઈના પિતા હરિદાસભાઈ પણ ‘ સુરેશ જૈન બન્યો ‘ એના વિરોધમાં હતા . જેનો જનમ જે કુટુંબમાં થયો એ કુટુંબનો ધર્મ એણે પાળવાનો એવું એમનું મંતવ્ય . કોઈ જૈનને વૈષ્ણવ ધર્મી બનાવીએ તેય ખોટું અને કોઈ વૈષ્ણવને જૈનધર્મી બનાવીએ તેય ખોટું . તેઓ રોજ બોલતા . સુરેશભાઈના લઘુબંધુ અનિલભાઈ પણ વૈષ્ણવ બની રહેવાનો મત ધરાવતા . જયાબેનને પિયર અને સાસર બેયનું પીઠબળ હતું . એ સુરેશભાઈને મચક આપવાના નહોતા .
જયાબેને સુરેશભાઈને કહી દીધેલું કે ‘ તમારે જે ધર્મમાં માનવું હોય તે માનો પણ અમારી પર કોઈ દબાણ નાંખવાની જરૂર નથી . તમે તમારું કરો . અમે અમારું કરીશું . ‘
સુરેશભાઈને મિત્રો થકી એક વિચાર સૂઝ્યો . ભલે , બાળકો જયાબેનને અનુસરીને વૈષ્ણવ ધર્મ પાળે . આ બાળકોને મહેન્દ્રભાઈની વાચના સાંભળવા મળે અને એ માધ્યમે બાળકોનું સિંચન થાય . એમણે જયાબેનને વિશ્વાસમાં લીધા અને પછી જયાબેને બાળકોને મહેન્દ્રભાઈની વાચનામાં જવા રજા આપી . એમની વાત બહુ સ્પષ્ટ હતી : બાળકો સારી વાત સાંભળશે તો મોટા થઈને સંસ્કારી જીવન જીવશે .
સુરેશભાઈને દીક્ષા લેવાનું મન છે એ વાત જયાબેનને એક મીઠી મજાક જેવી લાગતી હતી . સુરેશભાઈ દીક્ષા લેવાનું વિચારી જ ન શકે , જો વિચારે તો એમનો એ વિચાર થોડાદિવસનો મહેમાન છે , આટલી હદ સુધીનું એમણે વિચારી લીધેલું .
સુરેશભાઈના જે જે જૈનમિત્રો જયાબેનને જોવા મળ્યા તે સૌ , વિશ્વસનીય અને સંપન્ન હતા . કોઈના ઘેરથી કોઈની દીક્ષા થઈ નહોતી . જેમ આ જૈન પરિવારોમાંથી કોઈની દીક્ષા થઈ નથી તેમ આપણાં ઘરમાંથી પણ કોઈ દીક્ષા થવાની નથી એવી સોટકાની ખાતરી સાથે એમણે બાળકોને મહેન્દ્રભાઈની વાચનાાઓમાં મોકલવાનું શરૂ કર્યું .
જયાબેનને ક્યાં ખબર હતી કે આ વાચનાઓ જ બાળકોને બદલી નાંખશે . ( ક્રમશઃ )
