હરિદાસભાઈ પ્રેમાળ દાદા હતા . ભૂપેશ , અમિત , પ્રકાશ , નયન અને આશા આ પાંચ પ્રસંતાનોને જાનની જેમ ચાહે . દાદા નાના બાળકોને એટલું વહાલ કરતા કે બાળકોનાં હૈયે માબાપ કરતાંય વધારે પ્રેમ દાદા માટે બનતો . પાંચ બાળકોના રોબિનહૂડ જેવા દાદાનો દબદબો એમના બેય દીકરાઓ પર અને પુત્રવધૂઓ પર ચાલતો એ જોઈ બાળકોનાં મનમાં દાદા પ્રત્યે વિસ્મિતભાવ બનેલો રહેતો . દાદા બાળકો માટે આંબા લઈ આવે , પોતાના હાથે ચીરિયા કરીને ખવરાવે . જલેબીફાફડા , મીઠા સક્કરપારા , ચોકલેટ્સ , ચ્યુઈંગગમ અને એવુંબધું જાતે લઈ આવે અને બાળકો સાથે મળીને ઉજાણી કરે .
એમને કાને ઓછું સંભળાતું . એ યુગ આજના જેટલો વિકસિત થયો નહોતો પરંતુ એમની જેબમાં એક નાનું એરપ્લગના તારવાળું મશીન રહેતું જેનાથી એ વાતો પૂરેપૂરી સાંભળી શકતા . ટેકનોલોજી પર ઘણો વિશ્વાસ . નવા જમાના પ્રમાણે વિચાર ચાલે . આળંદીના જલારામ બાપામાં પ્રચંડ આસ્થા . વીરપુર પણ જતા . દાદા અત્યંત લાગણીશીલ , પરંતુ જે બોલે તે તર્કબદ્ધ રીતે જ બોલે . ગોળગોળ વાતો ન કરે . મનમાં જે હોય તે જણાવી શકે . જે વાત ચાલુ થઈ હોય એને અધૂરે લટકવા ન દે . ડિગ્રી હોલ્ડર નહોતા પણ ડિગ્રીધારીઓને ભૂ પાઈ શકે એવા ઉસ્તાદ ગુરુ હતા . એમને સુરેશભાઇના બાળકો જૈન ધર્મની વાતો શીખી રહ્યા છે એ જોવું ગમ્યું નહોતું . દાદા એ બાળકોને બોલાવીને ઉલટતપાસ લેતા , સમજાવતા અને ભોળવાઈ જવાનું નથી એવી ભલામણ કરતા .
છતાં મહેન્દ્રભાઈની વાચનાનો સિલસિલો ચાલુ રહ્યો .
હવે ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું . જયાબેન જૈનધર્મને માને નહીં . જૈનધર્મના ખાવાપીવા સંબંધી નિયમો એમને ગમે નહીં અને બાળકો એ જ નિયમોને પાળવા ઉત્સુક . જે શાક સૌને ભાવતું એ શાક હવે પરિહરણીય વસ્તુ બનવા લાગ્યું . જે ક્રિયાઓ એકલા સુરેશભાઈમાં જોવા મળતી તે હવે બાળકોને ગમવા લાગી . જે ધર્મ ફક્ત સુરેશભાઈ પૂરતો સીમિત હતો તે બાળકોની અભિરૂચિમાં આવવા લાગ્યો . સુરેશભાઈ અને જયાબેન વચ્ચે આ મુદ્દે ચણભણ પણ થતી .
સુરેશભાઈના જૈનમિત્રોના પરિવાર સાથે જયાબેનનો પણ સ્નેહસંબંધ બનેલો . જયાબેન પોતાને જે નથી ગમતું એની ચર્ચા ખુલ્લા દિલે એમની સાથે કરી ન શકે . સુરેશભાઈ પેનવાળાના બાળકો કૃતિ – કુણાલ – જિગર , તેજપાલભાઈના બાળકો ……… , મહેન્દ્રભાઈ કાર્પેટવાળાના બાળકો મનીષ – હેમલ તેમજ અન્ય મિત્રોનાં બાળકો સાથે સુરેશભાઈના બાળકોની મૈત્રી થઈ અને એ મૈત્રીએ સુરેશભાઈના બાળકોના જૈનધર્મના પ્રેમમાં વધારો કર્યો . આરસીએમમાં ભણવા જતા બાળકોને સ્કૂલમાં પણ જૈન મિત્રો સાથે એક સોફ્ટકોર્નર રિલેશનશિપ બનવા લાગી .
બે બાળકમાં વધારે બદલાવ આવ્યો હતો : રાજુ અને ટીનુ . આ બેય બાળકોને જૈન ધર્મ અનુસાર વિકસિત થવાની તક મળે તે માટે અજીબોગરીબ નિર્ણય એ લેવાયો કે સુરેશભાઈ અને એમના આ બે બાળકો જૈન ધર્મ અનુસાર પ્રશિક્ષણ પામે તે માટે તેઓ ભાયાણી પરિવારના સંપર્કથી દૂર ક્યાંક રહે . આ નિર્ણય અટપટો હતો , ઓછો વહેવારુ હતો અને ચેલેંજિંગ હતો . દૂર રહે તો ક્યાં રહે ? આ પણ સવાલ હતો . મહેન્દ્રભાઈ મહેતાએ પોતાના ઘરે , આદિનાથ સોસાયટીનાં ઘરે રહેવા માટે એમને આમંત્રણ આપ્યું . અચાનક જ સુરેશભાઈ બે બાળકોને લઈને મહેન્દ્રભાઈનાં ઘરે રહેવા આવી ગયા . જયાબેન અને ભૂપેશ , સુરેશભાઈનાં ઘેર જ રહ્યા . સુરેશભાઈ પૂનામાં પોતાનું ઘર હોવાછતાં કોઈ બીજાના ઘેર રહેવા જતા રહે તે વિચિત્ર વાત હતી . સુરેશભાઈને દીક્ષાની ઉતાવળ હતી . જે નિર્ણય મને દીક્ષાની નજીક લઈ જાય એ નિર્ણય સારો . જે પરિસ્થિતિ મને દીક્ષાથી દૂર રાખે તે પરિસ્થિતિ મારા માટે અસ્વીકાર્ય , આવા કોઈ વિચારની છાયામાં , સુરેશભાઈ પોતાની જ કમાણીથી ચાલનારું પોતાનું ઘર પૂનામાં હોવાછતાં પૂનામાં જ બીજા કોઈના ઘેર રહેવા આવી ગયા . એ એમની ઉત્કટ નિર્વેદ દશા હતી . મહેન્દ્રભાઈના પિતા મોહનભાઈ , મહેન્દ્રભાઈના ધર્મપત્ની સરોજબેન , મહેન્દ્રભાઈની દીકરીઓ જસ્મીના – રૂપલ – પ્રજ્ઞા – નીલમ , મહેન્દ્રભાઈના દીકરા મનીષ – હેમલ , આ બધાયની સાથે રહેવાનો એક નવો જ પ્રેમાળ અનુભવ . ગુરુ મહેન્દ્રભાઈનું ઘર જ જાણે ગુરુકુળ બની ગયું . મહેતા પરિવારે બેય બાળકોને લખલૂટ પ્યારમાં આકંઠ ભીંજવી દીધા . અહીં બાળકોને પૂજા , સામાયિક , પ્રતિક્રમણ જેવી વિધિઓ શીખવાનું આસાન હતું . થોડો સમય અહીં રહ્યા બાદ , સુરેશભાઈ બેય બાળકો સાથે કેમ્પમાં વિનોદભાઈના ખાલી બંગલામાં રહેવા આવી ગયા . અહીં તો પૂજા માટે ઘરદેરાસરની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી .
મહેન્દ્રભાઈનાં ઘરે સુરેશભાઈ રહ્યા ત્યારે ભાયાણી પરિવારે મોટી પ્રતિક્રિયા આપી નહીં પરંતુ કેમ્પમાં રહેવાનો અલાયદો બંગલો લેવાયો છે તે જોવા મળ્યું ત્યારે ભાયાણી પરિવારે કડક થવાનું નક્કી કર્યું . હરિદાસ ગોવર્ધનદાસ ભાયાણીએ કમાન હાથમાં લીધી . ( ક્રમશઃ)
પિતા હરિદાસભાઈ , પત્ની જયાબેન , નાનો ભાઈ અનિલ – આ કોઈને વૈરાગ્યની થિયરી પલ્લે પડી રહી નહોતી . એમને મોક્ષનું અસ્તિત્વ છે કે નહીં એની સાથે કોઈ લેવાદેવા નહોતા . એમને સુરેશભાઈ બદલાઈ ગયા છે એ જોવાનું ગમતું નહોતું . એમને જૂનાવાળા એ સુરેશભાઈ પાછા જોઈતા હતા જે પોતાના જમાના કરતાં ઘણા એડવાન્સ રહેતા હતા , જેમની ચશ્માની ફ્રેમ રિમલેસ હતી , જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પ્રિન્ટને પોતાના હાથેથી પેઈન્ટ કરીને મલ્ટિકલર બનાવી શકતા , જેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ કોઈ પ્રોફેસરની જેમ દણદણિત હતું , જે પોતાના હાથે બનાવેલા માલપુંવા ત્રણ સંતાનોને ટેસથી ખવડાવતા , જે ઊંચા ડેમ પરથી ઊંડા પાણીમાં ધુબાકા મારી સ્વિમિંગ કરતા , જે લગનના રિસેપ્શનમાં આઈસક્રીમનું કાઉન્ટર એટલા માટે સંભાળતા કેમ કે એમને આઈસક્રીમ બહુ ભાવતો હતો , જે પૂના મોટી પોસ્ટ ઓફિસની પાસે મળતી તીખીદાટ ભેળ ખાવાનું ચૂકતા નહીં , જે પૂનાના મશહૂર થિયેટર્સમાં આવનારી હૉલીવૂડ અને બોલીવૂડ મૂવીઝ જોવાના શોખીન હતા , જે જેમ્સ બોન્ડની મૂવી ડોક્ટર નૉ(૧૯૬૨) નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને શોલે મૂવી(૧૯૭૪) ના પ્રારંભે ચાલતી આરડી બર્મનની વિખ્યાત મેલડીના ઉત્કૃષ્ટ ચાહક હતા . સુરેશભાઈનું એ જૂનું વર્ઝન ગાયબ થઈ ગયું હતું . સુરેશભાઈનું એક નવું જ વર્ઝન જોવા મળી રહ્યું હતું જે રિયલ હતું પણ ફેમિલી માટે એક્સેપ્ટેબલ નહોતું . આ સુરેશભાઈ રોજ સવારે ગોડીજી , ભવાની પેઠ અથવા બુધવાર પેઠના દેરાસરે પૂજા કરવા જતા . હાથ પર કેસરના ઓઘરાળા લઈને એ પાછા ફરતા . આ સુરેશભાઈ જૈન મુનિભગવંતોની સાથે ખાસ્સો સમય વિતાવી દેતા . શ્રી મિત્રાનંદવિજયજી મ. , શ્રી જગચ્ચન્દ્રવિજયજી મ . , શ્રી ભદ્રગુપ્તવિજયજી મ. જેવા મહાત્માઓના સંગે સમય વીતાવીને એ રાજી રહેતા . આ સુરેશભાઈ ખાવાપીવાની બાબતે નિર્લેપ જેવા થઈ ગયા હતા , એકાસણું બીયાસણું અને આંબેલ કરવા લાગ્યા હતા . જૂના સુરેશભાઈ ઘરમાં મોંઘી અંગ્રેજી બુક લાવતા , નવા સુરેશભાઈ ઘરે સુવર્ણઅક્ષરીય કલ્પસૂત્રની મોંઘી પોથી ખરીદી લાવ્યા હતા .
ભાયાણી પરિવાર સુરેશભાઈના આ અવતારને સ્વીકારી શકતો નહોતો અને બદલી શકતો નહોતો . સુરેશભાઈએ પોતાનું ટાર્ગેટ પાકું રાખીને દોડવાનું શરૂ કરી દીધું હતું .
પૂનામાં રહેનારા મહેન્દ્રભાઈ મહેતા સાથે જોડાયા બાદ , સુરેશભાઈનું ભાવવિશ્વ વધુ ને વધુ ધર્મમય બનતું ગયું . મહેન્દ્રભાઈ પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ચુસ્ત અનુયાયી તેમ જ પૂ. મુનિરાજ શ્રી ચંદ્રગુપ્ત વિજયજી મ. ના વિદ્યાર્થી . ખુદ પ્રજ્ઞાવાન્ અને પરગજુ . જિજ્ઞાસુઓને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે એ પૂરતો સમય નિકાળે . એમની વાણીમાં એવી તાકાત કે સાંભળનારના વિચારો અવશ્ય બદલાય . આસ્તિકતા અને આધ્યાત્મિકતાનું એનાલિસીસ અજબગજબ રીતે કરે . કલ્લાકો સુધી બોલે તોયે નવાનવા મુદ્દાઓ આવતા જ રહે . સાધુસાધ્વીજી ભગવંતો પણ એમની પાસે અભ્યાસ કરવા પધારતા . સુરેશભાઈના બાળકો મહેન્દ્રભાઈ સમક્ષ શ્રોતા તરીકે બેસવા લાગ્યા એ દિવસથી મહેન્દ્રભાઈએ નાસ્તિકને આસ્તિક બનાવે અને ધર્મરહિતને ધર્માનુરાગી બનાવે એ રીતે તત્ત્વનિરૂપણ કરવાનું શરૂ કર્યું . મહેન્દ્રભાઈની વાચનાઓ નિર્ધારિત કાર્યક્રમની જેમ નિયત સમયે કે નિયત જગ્યાએ થતી એવું નહોતું . કોઈપણ એક કલ્યાણમિત્રનાં ઘરે સીમિત સંખ્યામાં જિજ્ઞાસુ ભેગા થતા , કોઈવાર રાતે વાચના થાય , કોઈવાર બપોરે વાચના થાય . અઠવાડિયે એકથી વધુ વાર વાચના થાય . એ વાચનાઓ સાંભળતી વખતે સુરેશભાઈ કેવળ પોતાના આત્માની ચિંતામાં ડૂબી જાય , પોતાના બાળકો વાચના સાંભળે છે એ તરફ એમનું ધ્યાન ઓછું રહેતું . જે ધર્મ મનેં બાળપણમાં મળવો જોઈતો હતો તે ધર્મ મને છેક લગન કર્યા બાદ અને ત્રણ સંતાનોના બાપ બની ગયા બાદ મળ્યો છે , હવે આ ધારામાં અધિક નિમજ્જન કરવું છે એવો એમનો ભાવ .
મહેન્દ્રભાઈની વાચના બાળકો સાંભળે એ પછી એમાંથી જાણવા મળેલી વાતોના આધારે બાળકો સુરેશભાઈ સાથે તત્ત્વચર્ચા કરે . પપ્પા સાથે સમય વીતે છે એની ખુશાલી બાળકોને રહેતી અને બાળકોની મમ્મીને રહેતી .
તત્ત્વચિંતને પોતાનું કામ બરોબર કર્યું . સુરેશભાઈના બાળકોએ પણ પોતાની મતિઅનુસાર જૈનત્વની દિશામાં વિચારવાનું ચાલુ કરી દીધું . ( ક્રમશઃ)
એવું નહોતું કે સુરેશભાઈએ જૈનધર્મ પાસે આવતાવેંત વૈરાગ્યનો સ્પર્શ મેળવી લીધો હતો . વૈરાગ્ય ધીમે ધીમે આવ્યો હતો . આર્યત્વના મૂળભૂત સંસ્કાર અનુસાર આત્માનું અસ્તિત્વ એ સ્વીકારતા હતા . આત્મા અને શરીર એકબીજાથી જુદા છે એવું માનવામાં એમને કોઈ હરકત નહોતી . એક વ્યક્તિ મરે છે ત્યારે આત્મા શરીરથી છુટ્ટો પડે છે . એ વ્યક્તિનાં શરીરનું શું થાય છે ? શરીરને બાળી નાંખવામાં આવે છે . આ ઘટના દેખાય છે અને સમજાય છે . એ વ્યક્તિના આત્માનું શું થાય છે એ દેખાતું નથી અને સમજાતું નથી . છતાં પ્રશ્ન ઊભો જ રહે છે આત્માનું શું થાય છે ? આ પ્રશ્નનો જવાબ દરેક ધર્મના અનુયાયીઓ માંગતા હોય છે . જેને જે જવાબ મળ્યો તેણે તે જવાબ અનુસાર માન્યતા બનાવી લેવાની હોય છે .
શરીર અંગેનો જવાબ એકસમાન રહે છે .
શરીરને બાળી ન નાંખીએ તો શરીર સડવા લાગે , દુર્ગંધ ફેલાય , શરીરમાં કીડા પડે અને શરીર પોતાની મેળે નાશ પામે . કોઈ ધર્મ શરીરને બાળી નાંખવાની વ્યવસ્થા સૂચવે છે તો કોઈ ધર્મ શરીરને જમીનમાં દાટવાની વ્યવસ્થા સૂચવે છે . શરીરનો નાશ થાય છે તે સૌ સ્વીકારે છે . આત્માનું શું થાય છે ? આ બાબતે જુદા જુદા જવાબ મળે છે . એક જવાબ મળે છે કે મર્યા બાદ આત્માનું અસ્તિત્વ નેસ્તનાબૂદ થઈ જાય છે , પરલોક જેવું કાંઈ છે જ નહીં . સુરેશભાઈને આ જવાબ મંજૂર નહોતો . એ દૃઢપણે માનતા કે આત્માનું અસ્તિત્વ પરલોકમાં હોય છે . હિંદુ પરંપરા કહે છે કે જનમ મરણનો ચકરાવો ચાલતો જ રહેવાનો છે . આવતા જનમમાં દુઃખી થવું નથી એટલી સમજણ સુરેશભાઈએ બાંધી લીધી હતી . જૈન ધર્મમાં મોક્ષ તત્ત્વનું સુંદર નિરૂપણ થયેલું છે , મોક્ષમાં જનમમરણનો ચકરાવો ખતમ થઈ જાય છે . સુરેશભાઈને આ વાત ખૂબ ગમી . શું મોક્ષ જેવી કોઈ અવસ્થા હોય છે ? આ સવાલને લઈને એમણે ઘણાય ગુરુભગવંતો સાથે ચર્ચા કરી હતી . મોક્ષનું અસ્તિત્વ હોય છે અને આ મોક્ષ મને મળી શકે છે આ વાત ધીમેધીમે કરતાં જડબેસલાક રીતે મનમાં બેસી ગઈ . મનેં મોક્ષ મળે શી રીતે , આ પ્રશ્ન એમને વૈરાગ્ય સુધી લઈ ગયો .
મોક્ષમાં શરીર વિનાનું સુખ છે , શરીરનું સુખ ગમતું હોય ત્યાર સુધી મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી નથી . શરીરમાં આત્મા ન હોય તો શરીર કોઈ સુખનો અનુભવ લઈ શકતું નથી . પરંતુ આત્મા , શરીર વિના પણ સુખનો અનુભવ લઈ શકે છે . આત્માનું સુખ શરીરનાં સુખથી જુદું છે . શરીરનાં સુખથી થોડા દૂર રહીએ એટલે આત્માનું સુખ પોતાનો અવાજ સંભળાવવાનું શરૂ કરી દે છે .
શરીરના સુખનો પ્રેમ એ જનમોજનમથી બની પડેલી આદત છે . આ આદત બદલવાની મહેનત કરવી જોઈએ . એકસાથે બધા સુખ છૂટવાના નથી પરંતુ સુખથી બચવાની માનસિકતા બનવી જોઈએ . થોડું થોડું સુખ છોડતા જઈએ એને લીધે નિર્લેપ ભાવ બનતો જાય છે . સુખ વિના ચાલે છે એવો નિર્લેપ ભાવ .
તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં જ સ્વ ઈચ્છાથી થોડુંથોડું સુખ છોડી જુઓ . થોડું સુખ છોડવાથી કોઈ અગવડ પડતી નથી . આ વૈરાગ્યનું પ્રાથમિક ચરણ છે .
બીજું ચરણ છે થોડો સમય ઘરથી દૂર રહેવાનું અને સુખથી પણ દૂર રહેવાનું . તમે થોડા સમય માટે સુખ વગર પણ રાજી રહી શકો છો એ પરિસ્થિતિ વૈરાગ્યને સરળ બનાવે છે .
ત્રીજું ચરણ છે લાંબો સમય ઘરથી દૂર રહેવાનું અને સુખથી પણ દૂર રહેવાનું . તમે લાંબા સમય માટે સુખ વગર પણ રાજી રહી શકો છો એ પરિસ્થિતિ વૈરાગ્યને વધુ સરળ બનાવે છે .
ચોથું ચરણ છે , પારિવારિક આત્મીયતાને ઓછી કરવાનું . પારિવારિક પ્રેમ એક જ જનમનું વળગણ છે . મોક્ષમાં શરીર નથી , આ જ કારણે મોક્ષમાં પરિવાર નથી . તમે ઘરથી થોડા સમય સુધી દૂર રહો છો , અને એ દરમિયાન તમને ઘરની યાદ આવતી નથી . આવું માનસ વૈરાગ્યની ભૂમિકાનું ઘડતર કરે છે .
આ ચારેય ચરણમાં ચોક્કસ સમય માટે સુખથી દૂર રહેવાની કોશિશ થાય છે , યથાસંભવ ઘરથી પણ દૂર રહેવાની કોશિશ થાય છે .
જેનાં મનમાં મોક્ષનાં અસ્તિત્વ વિશે શ્રદ્ધા છે , જેનાં હૃદયમાં મોક્ષ મેળવવાની આકાંક્ષા છે , એ પોતાના વિચારોને અને પોતાની ભાવનાઓને આ રીતે પ્રશસ્ય બનાવવાની મહેનત કરવા માંડે છે .
એક વાચક તરીકે આ બધું વાંચવાનું તમને થોડું અઘરું પડ્યું હશે . જે વાંચવામાંય અઘરું પડે છે તેને સીધેસીધું જીવનમાં ઉતારવાનો પુરૂષાર્થ કરી રહ્યા હતા સુરેશભાઈ . એમનું વૈરાગ્ય સંબંધી તત્ત્વચિંતન અક્ષુણ્ણભાવે આગળ વધી રહ્યું હતું . (ક્રમશઃ)
ઘરમાં નાનું મંદિર હતું , એમાં ઠાકુરજીની મૂર્તિ હતી . ઠાકુરજીની પૂજા રોજ કરવાની રહેતી . સવારે નિયત સમયે મંદિર ઉઘડે . ઠાકુરજીના વાઘા ઉતરે . જળ – દૂધ – દહીં – ઘી – મધ – ગોળ – પંચામૃત – શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન વિધિ થાય . કોમળ હાથે અંગ લૂંછાય . નવા વાઘા ચડે . લાલાને પીળા ચંદનનું તિલક થાય . ફૂલ અથવા ફૂલની માળા ચડે . તુલસી , દૂર્વા , સુગંધી તેલ , ધૂપ દીપ ધર્યા બાદ માખણ મિસરીનો ભોગ ચડે . મોરપિચ્છ , વાંસળી , વૈજયંતી માળા અર્પિત થાય . છેવટે નંદલાલાને પાંચવાર મિસરી ચખાડવાની . ફળ મૂકવાનું . પાંખડીઓ પર કપૂર પ્રગટાવી આરતી કરવાની . આશકા માથે લેવાની . શંખજળ મૂર્તિ પર અને ખુદ પર છાંટવાનું . મૂર્તિની ઉપર અંજલિ ગોળ ઘુમાવી પ્રદક્ષિણા સમ્પન્ન કરવાની . ચરણામૃતપાન થકી સમાપન કરવાનું . ગીતાપાઠમાં થોડો વખત મન લગાડવાનું . આ વિધિ કદીક ટૂંકાણમાં થતી અને કદીક લંબાણથી થતી . સુરેશભાઈને આ વિધિમાં રસ રહ્યો નહીં . પરંતુ તેમના ધર્મપત્ની જયાબેન કટ્ટર વૈષ્ણવ હતા . એમણે સવાર સાંજની મંદિર વિધિ ચાલુ જ રાખી હતી . પોતાના ત્રણેય બાળકોને તેઓ ઠાકુરજીની પૂજામાં અને ભક્તિમાં જોડતા , જોડાયેલા રાખતા . વૈષ્ણવ પર્વદિનોમાં ફળાહારી ઉપવાસ કરે , કરાવે . નોરતાના
દિવસોમાં અંબાજીનાં પ્રાચીન મંદિરે બાળકોને લઈ જાય . હવેલીના લબ્ધપ્રતિષ્ઠ મહારાજ સાથે બાળકોની ઓળખાણ કરાવેલી .
જૈન ધર્મ સારો છે કે નથી એ પ્રશ્ન જુદો હતો . આપણો વૈષ્ણવ ધર્મ આપણો છે એ સૂર ઊભો રાખવાનું ઝનૂન હતું . જ્યારે લગ્ન થયા ત્યારે સુરેશભાઈ વૈષ્ણવ છે અને વૈષ્ણવ જ રહેવાના છે એવી ખાતરી હતી . હવે સુરેશભાઈએ આમ વૈષ્ણવ ધર્મથી દૂર રહેવાનું શરૂ કર્યું તે જયાબેનને મંજૂર નહોતું . અધ્યાત્મની વાતો એની જગ્યાએ ઠીક છે પરંતુ ધર્મ તો વૈષ્ણવનો જ પાળીશું એ સંકલ્પ પાકો રાખ્યો હતો .
સુરેશભાઈના મિત્રોનું સૂચન હતું કે દીક્ષા લેવી છે તો દીકરાઓની સાથે લો . જયાબેન તો સુરેશભાઈની દીક્ષા પણ થવા દે કે કેમ એ પ્રશ્ન હતો . જયાબેન મુંબઈના . એમને પાંચ ભાઈઓ . કિશોરભાઈ . ધીરુભાઈ . હસુભાઈ . ભરતભાઈ અને વસંતભાઈ . આ ભાઈઓને પણ જૈન ધર્મ સાથે સ્નાનસૂતકનો સંબંધ નહોતો . પોતાની બેન જૈન બની જાય એમાં એમને કશો રસ નહોતો . બીજી તરફ સુરેશભાઈના પિતા હરિદાસભાઈ પણ ‘ સુરેશ જૈન બન્યો ‘ એના વિરોધમાં હતા . જેનો જનમ જે કુટુંબમાં થયો એ કુટુંબનો ધર્મ એણે પાળવાનો એવું એમનું મંતવ્ય . કોઈ જૈનને વૈષ્ણવ ધર્મી બનાવીએ તેય ખોટું અને કોઈ વૈષ્ણવને જૈનધર્મી બનાવીએ તેય ખોટું . તેઓ રોજ બોલતા . સુરેશભાઈના લઘુબંધુ અનિલભાઈ પણ વૈષ્ણવ બની રહેવાનો મત ધરાવતા . જયાબેનને પિયર અને સાસર બેયનું પીઠબળ હતું . એ સુરેશભાઈને મચક આપવાના નહોતા .
જયાબેને સુરેશભાઈને કહી દીધેલું કે ‘ તમારે જે ધર્મમાં માનવું હોય તે માનો પણ અમારી પર કોઈ દબાણ નાંખવાની જરૂર નથી . તમે તમારું કરો . અમે અમારું કરીશું . ‘
સુરેશભાઈને મિત્રો થકી એક વિચાર સૂઝ્યો . ભલે , બાળકો જયાબેનને અનુસરીને વૈષ્ણવ ધર્મ પાળે . આ બાળકોને મહેન્દ્રભાઈની વાચના સાંભળવા મળે અને એ માધ્યમે બાળકોનું સિંચન થાય . એમણે જયાબેનને વિશ્વાસમાં લીધા અને પછી જયાબેને બાળકોને મહેન્દ્રભાઈની વાચનામાં જવા રજા આપી . એમની વાત બહુ સ્પષ્ટ હતી : બાળકો સારી વાત સાંભળશે તો મોટા થઈને સંસ્કારી જીવન જીવશે .
સુરેશભાઈને દીક્ષા લેવાનું મન છે એ વાત જયાબેનને એક મીઠી મજાક જેવી લાગતી હતી . સુરેશભાઈ દીક્ષા લેવાનું વિચારી જ ન શકે , જો વિચારે તો એમનો એ વિચાર થોડાદિવસનો મહેમાન છે , આટલી હદ સુધીનું એમણે વિચારી લીધેલું .
સુરેશભાઈના જે જે જૈનમિત્રો જયાબેનને જોવા મળ્યા તે સૌ , વિશ્વસનીય અને સંપન્ન હતા . કોઈના ઘેરથી કોઈની દીક્ષા થઈ નહોતી . જેમ આ જૈન પરિવારોમાંથી કોઈની દીક્ષા થઈ નથી તેમ આપણાં ઘરમાંથી પણ કોઈ દીક્ષા થવાની નથી એવી સોટકાની ખાતરી સાથે એમણે બાળકોને મહેન્દ્રભાઈની વાચનાાઓમાં મોકલવાનું શરૂ કર્યું .
જયાબેનને ક્યાં ખબર હતી કે આ વાચનાઓ જ બાળકોને બદલી નાંખશે . ( ક્રમશઃ )
તમારી પાસે સારા , સાચ્ચા મિત્ર હોય છે અને તમે સ્વયં એમના સારા , સાચ્ચા મિત્ર બની રહો છો એનો લાભ તમને પોતાને જ મળતો હોય છે .
સુરેશભાઈમાં વૈરાગ્યની ઝલક જોવા મળી . અમને જે ભાવોની સ્પર્શના નથી મળી તે ભાવોની સ્પર્શના આમને થઈ ગઈ છે , જૈન મિત્રોએ અનુભવ્યું . હકીકત માં સૌ સ્તબ્ધ થયા . આ ઉભરો છે કે પાકટ વિચાર છે તે ચકાસવું જરૂરી લાગ્યું . ભાયાણી પરિવારની માનસિક શાંતિ માટે કલ્યાણમિત્રો દ્વારા પહેલો વિચાર એ બન્યો કે હવે કોઈ સાધુસમાગમ માટે ક્યાંય બહારગામ જવાનું નહીં . સુરેશભાઈને આ નિર્ણય મંજૂર હતો . કલ્યાણમિત્રો દ્વારા જ બીજો વિચાર બન્યો અને સુરેશભાઈને કહેવામાં આવ્યું કે તમે પરિવારને જૈનધર્મ સાથે જોડવાની કોશિશ કરો . સુરેશભાઈએ ઘરમાં એનો અમલ શરૂ કર્યો , આધ્યાત્મિક વાર્તાલાપ દ્વારા .
બુધવાર પેઠ , મોટા ઘરનાં સ્વજનોને સમજાવવાનું એમણે ટાળ્યું કેમકે હરિદાસભાઈ માનવાના નહોતા . રવિવાર પેઠનું નાનું ઘર એમનું ટાર્ગેટ ઓડિયન્સ બન્યું . મરણ પછી આપણું શું થશે ? આ મુદ્દો પકડીને પત્ની અને ત્રણ બાળકો સાથે સંવાદ કરવા લાગ્યા . કટ્ટર વૈષ્ણવપંથી માનસ ધરાવતા ચારેય જણાને આમાં જૈનધર્મની ગંધ આવી નહીં . સૌ પોતપોતાની રીતે દલીલો કરી એ અધ્યાત્મની વાતને વ્યર્થ ઠેરવવાની કોશિશ કરતા , સુરેશભાઈને વાર્તાલાપમાં ચૂપ કરી દેવાનું લક્ષ્ય રહેતું . સુરેશભાઈને આ જ જોઈતું હતું , એ સિમ્પલ પોઈન્ટથી વાત ચાલુ કરતા અને દલીલબાજીના સિલસિલાને એક અઘરી વાત સુધી પહોંચાડી દેતા . ઘરનું વાતાવરણ , પારિવારિક સંવાદથી ઉષ્માપૂર્ણ બન્યું રહેતું .
પરીક્ષા પછી બાળકો પ્રગતિપત્રક પર દસ્તખત લેવા પપ્પા પાસે આવે . તે સમયે આરસીએમ સ્કૂલમાં વર્ષે ચાર પરીક્ષા લેવાતી . ત્રણ મહિને અને આઠ મહિને નાની પરીક્ષા . છ મહિને અને બાર મહિને મોટી પરીક્ષા . દરેક વખતે પ્રગતિપત્રકમાં પપ્પાની સહી લેવાની હોય . પપ્પા એમનેમ સહી ન કરે .
પૂછે : આ એક્ઝામ પછી શું ?
જવાબ મળે : નવી એક્ઝામ .
પૂછે : એ એક્ઝામ પછી શું ?
જવાબ મળે : છેલ્લી એક્ઝામ .
પૂછે : એ એક્ઝામ પછી શું ?
જવાબ મળે : નવા ધોરણમાં ઍન્ટ્રિ .
પૂછે : એ ધોરણ પછી શું ?
જવાબ મળે : ફરી એક્ઝામ અને ફરી નવું ધોરણ .
પૂછે : છેલ્લે પછી શું ?
જવાબ મળે : એસએસસી પાસ કરવાની .
પૂછે : અચ્છા એના પછી શું ?
જવાબ મળે : કોલેજ પાસ કરવાની .
પૂછે : એના પછી શું ?
જવાબ મળે : મોટી નોકરી મળશે .
પૂછે : એના પછી શું ?
સંકોચપૂર્વક જવાબ મળે : પછી લગન કરી લેવાના .
પૂછે : એના પછી શું ?
જવાબ : મજા કરવાની .
પૂછે : મજા કરવાની એટલે શું ?
જવાબ મળે : સુખી થઈને રહેવાનું .
પૂછે : તમને લાગે છે હું સુખી છું ?
મુગ્ધ ભાવે જવાબ મળે : હાસ્તો .
હવે કહે : હું મારો અનુભવ કહું છું . હું લગ્ન કરીને સુખી થયો નથી . તમારે
સુખી થવું છે ?
ડરતાં ડરતાં જવાબ મળે : હા .
પપ્પા છેલ્લા બોલે સિક્સર મારે : સુખી થવું હોય તો લગન કરવાના સપના જોતા નહીં .
આ વાર્તાલાપ પૂરો થાય પછી પ્રગતિપત્રક પર પપ્પાની સહી મળે .
ફરીવાર સહી લેવાની હોય ત્યારે આ જ સવાલ જવાબ ચાલે . છેલ્લે ફટકારે : હું લગન કરીને દુઃખી થયો છું , તમારે દુઃખી થવું છે ?
બાળકો માટે આ ડોઝ હેવી બની રહેતો . ક્યારેક સંવાદ આગળ ચલાવે .
પૂછે : લગન પછી શું ? જવાબ મળતો : છોકરાઓ થશે ? પૂછે : છોકરાઓ એટલે શું ?
જવાબ મળતો : દીકરો થશે અથવા દીકરી થશે .
પૂછે : પછી શું ?
જવાબ મળતો : એ લોકો મોટા થશે .
પૂછે : ને તમે મોટા નહીં થવાના ?
જવાબ મળતો : હા , અમે વધારે મોટા થવાના ?
પૂછે : પછી શું ?
કંટાળા સાથે જવાબ આવતો : પછી શું ? પછી બુઢ્ઢા થઈ જવાના .
તોયે પૂછે : પછી શું ?
ફટાકથી જવાબ આવતો : પછી મરી જવાના .
છેલ્લે પૂછે : મર્યા પછી શું ?
જવાબ આવતો : ખબર નહીં .
પપ્પા કોઈ ઋષિની અદાથી કહેતા કે મર્યા પછી કોણ ક્યાં જાય છે એની કોઈને ખબર નથી . તમે જેમ આવતી એક્ઝામની તૈયારી કરો છો , આવતા ધોરણની તૈયારી કરો છો , કોલેજની તૈયારી કરો છો , અરે , લગનની તૈયારી કરો છો , અને માબાપ બનવાની તૈયારી કરો છો તેમ મર્યા પછી ક્યાં જવું છે એની પણ તૈયારી કરજો અને મર્યા પછી ક્યાં નથી જવું એની પણ તૈયારી કરજો .
પત્ની અને ત્રણ બાળકોને આ વાત સાચી લાગતી . આમાં ક્યાંય જૈનધર્મ સંબંધી રજૂઆત નથી એ પણ સમજાતું એટલે વિરોધ કરવાની જરૂર લાગતી નહીં . ઘરમાં એક નવા તત્ત્વચિંતને પ્રવેશ કરી લીધો .
બદલાયેલા પપ્પાનું સ્વરૂપ બાળકો માટે નવું હતું . આ બહાને પણ પપ્પા સાથે ઘણી બધી વાતો થાય છે એની ખુશાલી મળતી હતી .
કલ્યાણમિત્રો દ્વારા સુચવાયેલો ત્રીજો નિર્ણય , એક પ્રસ્તાવ હતો . એનો સારાંશ એ હતો કે – તમારે દીક્ષા લેવી છે તો એકલા શું કામ લો છો ? સાથેસાથે તમારા દીકરા દીક્ષા લે એવી પણ મહેનત કરોને .
સુરેશભાઈનો વૈરાગ્ય જો કાચો હોય તો આ પ્રસ્તાવ સામે સુરેશભાઈ હાર માની લે , એવું બની શકતું હતું . સુરેશભાઈએ આવા કોઈ પ્રસ્તાવની કલ્પના કરી નહોતી .
દીકરાઓ તૈયાર થાય એની માટે શું કરી શકાય , એમણે પૂછ્યું હતું . ( ક્રમશઃ )
બુધવાર પેઠનું ઘર મોટું ઘર ગણાતું કેમ કે આગળ દુકાન હતી અને પાછળ ઘર હતું . રવિવાર પેઠનું ઘર નાનું ઘર ગણાતું . બેય ઘરમાં એકીસાથે અજંપો ત્યારે પેદા થયો જ્યારે સુરેશભાઈની ગાયબ થવાની ખબર આવી અને પાકી થઈ . તે સમયે વોટ્સપ , ફેસબુક કે ટ્વિટર પર સંદેશો વહેતો મૂકવાની સુવિધા નહોતી . એસએમએસ પણ નહોતા . ફોનના કાળા ડબલાથી કામ ચાલતું . સુરેશભાઈની જાણકારી મેળવવા કોને ફોન કરવો એની પણ સમજ ન પડી .તાર થતા પણ તાર મોકલવાનો કોને ?
જાતજાતના અને ભાતભાતના ટેંશન આવ્યા પણ એ કોઈ જૈન ગુરુભગવંત સાથે વિહારમાં છે એનો અંદેશો નહોતો . હરિદાસભાઈ ચિંતાતુર . સુશીલામા રડે એટલે હદ રડે . ઘરનું સૌથી બુદ્ધિશાળી વ્યક્તિત્વ એટલે સુરેશભાઈ . એ જ ગાયબ થાય એ વધારે પડતું હતું . જયાબેનની હાલત સંભાળી શકાય નહીં એવી થઈ ગઈ . થોડા સમયમાં સુરેશભાઈનો ફોન આવ્યો , ઘરના નંબર પર . એમણે સમાચાર આપ્યા કે ‘ હું પાટણમાં છું , જૈન મહારાજ સાહેબોની સાથે રહેવાનો છું . થોડા દિવસમાં ઘરે આવીશ . ‘
ટૂંકો ટચ ટેલિફોનિક સંવાદ પૂરો થયો અને બેય ઘરમાં ભૂકંપ સર્જાયો . આવી રીતે ઘર છોડીને જવાતું હશે ? આ કાંઈ જવાબદાર માણસનાં લક્ષણ છે ? એવું તો શું થઈ ગયું કે ઘર છોડીને ભાગી જવું પડે ? નારાજગીનું ઉષ્ણતામાન અસહ્ય બની ગયું . વાત આવીને અટકી જૈનધર્મ પર અને જૈન ગુરુ પર . સૌએ ભેગા મળીને જૈન ધર્મને ખૂબ ગાળો આપી , જૈન ગુરુઓની ખૂબ નિંદા કરી . જૈન શબ્દ માટે મનમાં આક્રોશ બની ગયો .
નાના ઘરની ઈમારતમાં જે સત્તર પરિવારો રહેતા હતા તેમાં બે પરિવાર જૈન હતા . એમને પણ પૂછવામાં આવ્યું કે આ શું છે ? એમનો જવાબ એવો હતો કે અમારા પરિવારમાંથી આવી રીતે મહારાજ સાહેબ પાસે રહેવા માટે હજી સુધી કોઈ ગયું નથી . પણ એટલી ખબર છે કે જેને દીક્ષા લેવાનું મન હોય તે આ રીતે મહારાજ સાહેબ પાસે રહેવા જાય .
આ વાત સાંભળીને આખોય ભાયાણી પરિવાર હતપ્રભ થઈ ગયો . એવું જ માની લીધું કે હવે એમની દીક્ષા જ થઈ જશે . હવે એ પાછા આવશે જ નહીં .
જૈન ધર્મ માટે દ્વેષ બની ગયો મનમાં . શું ધર્મ આવો હોય ? ઘર અને કુટુંબના ટેંશન વધારે એવો ધર્મ શું કામનો ? આટલા જૈનો છે શહેરમાં ? શું બધાયે લીધી દીક્ષા ? તમે તમારા જૈનોને દીક્ષા આપોને ? અમારા વૈષ્ણવ કુટુંબને શું કામ બરબાદ કરી રહયા છો ? ધર્મને ગાળો પડી અને સુરેશભાઈનેય ગાળો પડી . ઘરમાં જૈન ધર્મ એક જણને ગમ્યો હતો . બીજા કોઈને આ ધર્મમાં ઈન્ટ્રેસ્ટ નહોતો . સુરેશભાઈ ગાયબ થયા એટલે ઘરમાં જૈન ધર્મનો તરફદાર કોઈ રહ્યો નહીં .
પૂરી પરિસ્થિતિની જાણકારી કોઈને હતી નહીં , દીક્ષા આપવાની પદ્ધતિ વિશે પણ બોધ નહોતો . મોટી ગેરસમજ ઊભી થઈ હતી . એકમાત્ર સુરેશભાઈ જ આનું સાચું સમાધાન આપી શકતા હતા . પણ એ પાટણ બેઠા હતા .
ભાયાણી પરિવારના દિવસો ચિંતામાં વીત્યા હતા . હરિદાસભાઈ હાર્ટપેશન્ટ હતા . એમનું ધ્યાન રાખવું કે દુકાન સંભાળવી કે નાનું ઘર જોવું ? પ્રશ્નો જ પ્રશ્નો થઈ પડ્યા . એ નાનકડો સમયખંડ ભાયાણી કુટુંબ માટે ભારે રહ્યો .
અલબત્ત , એક દિવસ સુરેશભાઈ પાછા આવી પહોંચ્યા . ઘરે બધા જ ભડકેલા હતા , ઉભરો ઠાલવ્યો બધાએ . પણ મનથી નિરાંત અનુભવી .
સુરેશભાઈએ જણાવ્યું કે ‘ મનેં આ જૈન સાધુઓની લાઈફ સ્ટાઈલ જોવી હતી . એ લોકો કેવી રીતે ખુશ રહે તે મારે નજીકથી જોવું હતું . ‘
‘ રહી ગયો હતો બહુ , જોયા વગરનો . ‘ હરિદાસભાઈ રોષથી બોલ્યા હતા .
સુરેશભાઈને આ ગુસ્સાથી કાંઈ ફેર પડ્યો નહીં . એમણે તરત જવાબ આપ્યો કે
‘ મારી પર કોઈ જંતરમંતર થયું નથી . મને કોઈ મહાત્માએ સાથે આવવાનું કહ્યું નહોતું . હું જ જિજ્ઞાસાભાવે ગયો હતો . હું કોઈની વાતમાં આવી ગયો હોત તો આમ પાછો શા માટે આવત ? તમે બધા ટેંશન કાઢી નાંખો મનમાંથી . મને જેની માટે આદર થયો એને નજીકથી સમજવા માટે હું ગયો હતો . હું મારો આદર ગુમાવીને પાછો આવ્યો હોત , એવી પણ સંભાવના હતી . પરંતુ હું મારો આદર વધારીને પાછો આવ્યો છું . ‘
પરિવારને વધારે કોઈ દલીલબાજી કરવા મળી નહીં . સૌને એક તસલ્લી હતી કે આ પાછા આવી ગયા છે .
સુરેશભાઈનું એક જૈન ફ્રેંડસર્કલ હતું : વિનોદભાઈ ( કે ખેમચંદ ) , મહેન્દ્રભાઈ કાર્પેટવાળા , સુરેશભાઈ પૅનવાળા , તેજપાલભાઈ , રજનીકાંતભાઈ , ભીખુભાઈ , શાંતિભાઈ અને બીજા . આ સૌને , સુરેશભાઈનું જવું અને પરત આવવું , આ બંનેને લીધે ઘણું આશ્ચર્ય થયું હતું . એક કલ્યાણમિત્ર દ્વારા સુરેશભાઈ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો . એ પ્રસ્તાવ સાંભળીને સુરેશભાઈ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા . ( ક્રમશઃ )
