तेरा एक जैन भाई है चिंता में
आके थाम ले तूं हाथ
भाई है तेरा भाई है तेरा
भाई है तेरा थाम ले तूं हाथ
तेरी एक जैन बहना है चिंता में
आके थाम ले तूं हाथ
बहना तेरी बहना तेरी है वो
आके थाम ले तूं हाथ
तेरा एक जैन भाई है चिंता में
आके थाम ले तूं हाथ…..
वो आपदा में है
वो सह न पाए रह न पाए कह न पाए रे
जाने क्यां होगी बात जो उसको सताए रे
एक बार क्यूं ना तूं उसे गले लगाए रे
तेरा भाई है वो तेरी बहना है वो
तूं आगे आके सच्चे दिल से दे दे अपना साथ
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . १
बडा कष्ट का है काल
कहीं अन्न नहीं है तो कहीं धन भी नहीं है
पीडाएं उस के मन में कंई जाग रही है
आया सुपात्र दान का अवसर ये सही है
तेरा भाई है वो तेरी बहना है वो
तूं सेवा में लगा ही दे अपनी पुरी ही ताकात
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . २
जीव मोक्ष गामी है
वो देव गुरु और धर्म का सम्मान करे रे
वो कष्ट में है फिर भी बोलने से डरे रे
तूं देख उसकी आंख में आंसू हैं भरे रे
तेरा भाई है वो तेरी बहना है वो
तूं उजियारा कर के मिटा दे उस के घर की रात
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . ३
कर जैन की भक्ति
आज जैन की भक्ति में है भगवान् की भक्ति
ये जैन ही श्री संघ है कर संघ की भक्ति
साधर्मिकों की भक्ति है सब से बडी भक्ति
तेरा भाई है वो तेरी बहना है वो
तुझे और उसे देंगे देवर्धि जगत् के नाथ
तेरा एक जैन भाई है चिंता में आके थाम ले तूं हाथ . ४
તમારી પાસે અવાજ છે . જનાવર પાસે પણ અવાજ છે . તમારી પાસે શબ્દો છે . જનાવર પાસે શબ્દો નથી . તમે માણસ છો માટે તમારી પાસે બોલવાની આવડત છે . માબાપ દ્વારા બોલવાનું શીખ્યા બાદ તમે એટલું બધું ફાસ્ટ બોલો છો કે માબાપ તમારી સમક્ષ બોલી શકતા નથી . તમારા મોઢે થનારી વાતો દ્વારા તમારું વ્યક્તિત્વ જાહેર થાય છે . તમે સુંદર વાતો કરો છો તો તમે સુંદર વ્યક્તિમતા ધરાવો છો . તમે કડવી વાતો કરો છો તો તમારા દ્વારા તમારી છાપ બગડી રહી છે .
તમે બોલો તે તમારી તાકાત પણ છે અને કમજોરી પણ છે . તમે સાચવીને સારી વાત રજૂ કરો છો તો તમારો શબ્દ તમારી તાકાત બની જાય છે . તમે આડેધડ રજૂઆત કરી દો છો તો તમારો શબ્દ તમારી કમજોરી બની જાય છે . પહેલા વિચારવું , પછી બોલવું આ ઉત્તમ માણસોનું વલણ છે . પહેલાં બોલી નાખવું , પછી વિચારવું આ સાધારણ માણસોનું વલણ છે .
તમે એક દિવસમાં કેટલી વાતો કરો છો તેનો તમારી પાસે કોઈ હિસાબ નથી . ગઈકાલે આખા દિવસ દરમ્યાન તમે કેટલા કલાક બોલ્યા તે તમને યાદ હોતું નથી . તમે ઓફિસમાં કેટલા કલાક બેઠા , દુકાનમાં કેટલું બેઠા તેનો સમય તમે ગણાવી શકશો . તમે કેટલા કલાક બોલતા રહ્યા તેનો હિસાબ નથી રહેતો . જે ગમે , તે બોલો છો . જે મળે તેની સાથે વાત કરો છો . અતડા માણસો અભિમાની ગણાય છે પરંતુ સમજ્યા વિના બોલનારા તો બેકાર ગણાય છે . તમારે પ્લાનિંગ કરવાનું છે . આખા દિવસ દરમ્યાન તમારે કેટલા કલાક બોલવું તેનો નિયમ થઈ શકશે નહીં .
તમારે શોધવાનું રહેશે . આખા દિવસ દરમ્યાન તમે કામવગરની વાતો કેટલી કરો છો અને કામની વાતો કેટલી કરો છો ? તમે આખા દિવસ દરમ્યાન પાંચ કલાક બોલતા હશો તો તેમાં કામની વાતો કેવળ અડધો કલાક થતી હશે . નકામી વાતો કરવામાં સાડાચાર કલાકનું ધોવાણ થઈ જાય છે . તમે બોલવાનું છોડી દેશો તો તમારાં કામકાજ અટકી જશે . સાવ બોલવાનું છોડી શકાય તેમ નથી . તમે નકામી વાતો પર અંકુશ બાંધી શકો છો . તમે જે બોલો છો તેનાથી કશું ફલિત થતું ના હોય , તમે જે બોલો તેનાથી કશું નીપજતું ના હોય તો નહીં બોલવાનું , તમારે . જે બોલ્યા વગર ચાલે તેમ નથી એટલું જ બોલો .
મહાભારતમાં દુર્યોધન અને યુધિષ્ઠિર આ બંને રાજાઓની રાજ ચલાવવાની આવડત સારી હતી , તેમ જણાવ્યું છે . ફરક ક્યાં હતો ? દુર્યોધનને ખૂબ બોલવાની આદત હતી . યુધિષ્ઠિર મિતભાષી હતા , થોડું બોલતા . દુર્યોધનને બોલ બોલ કર્યા વગર ચાલતું નહીં તેથી તે સત્યવાદી ના બની શક્યો . યુધિષ્ઠિરજી ઓછું બોલતા , સમજીને બોલતા માટે તે સત્યવાદી બની શક્યા . તમે બોલવાની બાબતમાં તમારી જીભ પર કાબૂ નહીં રાખો તો તમે પણ દુર્યોધન બની જશો . સત્યવાદી બનવા માટે જૂઠું ના બોલવાનો અડગ સંકલ્પ રાખવો પડે છે . જેને ઘણું બધું બોલવાની ટેવ પડી ગઈ છે તે આપોઆપ જૂઠું બોલી બેસે છે . બોલવાની જરૂર ન હોય તો ન બોલવું એવી સ્પષ્ટ સમજણ જેણે મનમાં રાખી છે તે જૂઠું બોલે તેવી શક્યતા ઓછી છે .
ચાલાકીથી જૂઠું બોલનારા પણ હોય છે . આવા લોકો જૂઠું બોલવા માટે જ ઓછું બોલતા હોય છે . આ સમસ્યા વળી જુદી છે . તમે કેવળ બોલબોલ કરવાની આદતના ચાળે ચડીને જૂઠું બોલી બેસો એ ગડબડ કહેવાય . બોલવામાં લગામ રાખો . સાચા બનો .
બીજા તમને સમજાવે અને ખોટા પૂરવાર કરે તે તમારા અહંને સ્વીકાર્ય નથી . તમે એકલા હાથે સમજી શકતા નથી . તમે ખોટા છો અને તમે ભૂલ કરો છો તેવું તમને પોતાને દેખાતું નથી . તમારું ખોટાપણું અને તમારી ભૂલ બીજાનાં મોઢે સાંભળતી વખતે તમને કડવું લાગે છે . તમે દરેક બાબતમાં સ્વતંત્ર છો . તમે ખોટા રહેવા માંગતા જ હો તો તમારી પાસે તેવા રહેવાની સ્વતંત્રતા છે . તમે ભૂલ કરવા માટે સદાના સ્વતંત્ર છો .
તમારી સ્વતંત્રતા પર કોઈનો હસ્તક્ષેપ થાય તે તમને નથી ગમતું . તમે સ્વતંત્ર રહેવા માંગો છો અને તમારી ભૂલને લીધે સતત પૂરવાર થયા કરે છે કે તમારી સ્વતંત્રતાનો તમે યોગ્ય ઉપયોગ કરતા નથી . તમે સ્વાધીન છો અને મૂરખ ઠરી રહ્યા છો . તમારે એકલાં એકલાં વિચારવું . તમને કોઈ જ કાંઈ જ ન કહે તો તમે મૂર્ખામીઓ કર્યા જ કરો છો . તમારી લાગણીઓને વ્યક્ત કરવાની તમારી પદ્ધતિને જુઓ . તમે તમારી રીતે જ મનફાવે તેવું બોલો છો . સામા પક્ષે દુઃખના ઘણ જેમને વાગતા હતા તે આ પદ્ધતિ બાબત તમને સમજાવતા રહ્યા . તમે સમજતા ગયા તેમ તમારી આ પદ્ધતિ બદલાતી ગઈ .
તમારી ભૂલ હતી . તમને ખબર નહોતી . તમને સામી વ્યક્તિએ જણાવ્યું . તમને એ ખરેખર સમજાયું . તમે થોડો ફેરફાર કર્યો . એક વાત એ છે કે તમે જે કરો છો તે કરવા માટે તમે સ્વતંત્ર છો . બીજી વાત એ છે કે તમે જે કરો છો તેમાં ફેરફાર કરવા માટે પણ તમે સ્વતંત્ર છો . તમે કોઈ કામ છોડી દો કે કોઈ કામ શરુ કરો તે વખતે તમારી બીજી સ્વતંત્રતાની ભાવના ઘવાતી નથી . તમે ભૂલને સમજી ન શકો , તમે પોતાને જ સાચા માણસ માનીને ચાલો તો સ્વતંત્રતાની ભાવના નડે .
તમે નાના બાળક નથી . તમે પથારીવશ વૃદ્ધ નથી . તમે કાર્યક્ષમ વ્યક્તિ છો . કોઈ તમને દબાવીને કે દબડાવીને કામ કઢાવી લે તેવા કમજોર તમે નથી . તમે બદલાઈ શકો છો . અનુકૂલન શબ્દ મજાનો છે . રબરને દબાવો તો એ ઓછી જગ્યામાં રહે છે . રબરને ખેંચો તો વધારે જગ્યા રોકે છે . રબર એમને એમ પડ્યું હોય તો સામાન્ય જગ્યા રોકે છે . તમારી પાસે આવી ગોઠવાઈ શકવાની આવડત છે .
તમને ભૂલ બતાવીએ તો તમે સ્વીકારી શકો છો . તમને ટેકો ન આપીએ તો તમે એકલા હાથે લડી શકો છો . તમે બીજાનો સાથ મળે તો દશગણો જુસ્સો બતાવી દો એમ છો . તમારી સ્વતંત્રતાની અનુભૂતિ તમને બધું જ કરવાની તાકાત આપે છે . તમે દબાયેલા રહો , છૂપાડતા રહો , શરમાતા રહો અને તમારી સ્વતંત્રતાને અન્યાય થતો જ રહે .
તમારી સમક્ષ થતી રજૂઆતને તમે કંઈ રીતે મૂલવો છો તે પણ પ્રશ્ન છે . તમને કોણે કહ્યું અને કેવી રીતે કહ્યું તે જ વિચારતા રહેશો તો સ્વતંત્રતા તમને ખોટી દિશામાં લઈ જશે . તમે જે જાણ્યું તે તમને શું કામ જણાવવામાં આવ્યું તે વિચારશો તો તમે તમારી સ્વતંત્રતા પાસેથી જ હિંમત મળશે .
તમે ધંધો કર્યો . તમે સ્વતંત્ર હતા . તમે નુકશાનકારી નિર્ણય લીધો . તમે સ્વતંત્ર હતા . તમે હવે નુકશાન જોઈ રહ્યા છો . તમે એ નુકશાન ભોગવવા સ્વતંત્ર છો . તમારે એ નુકશાન વેઠવું હોય તો તમને કોઈ રોકતું નથી , તમને . એ નુકસાનમાંથી બહાર આવવું છે તો એ નુકસાન સામે લડવા માટે તમે સ્વતંત્ર છો . પરિણામ નક્કી કરવા માટે તમે સ્વતંત્ર નથી . તમે નુકશાન ટળી જાય તે પછી ભૂલનું પુનરાવર્તન થાય તે માટે સ્વતંત્ર છો .
તમારી આ સ્વતંત્રતા જ તમને પરિવર્તન માટેની હૂંફ ને હિંમત આપે છે . તમે ભગવાન નથી . તમે ઇન્સાન છો . તમે તકલીફો આવે તેમાંથી બહાર આવી શકો છો . તમે ભૂલો થાય તેને બદલી શકો છો . તમે ભૂલ કરી તે મહત્વનું નથી . તમારી પાસે ભૂલ સુધારી લેવાની સ્વતંત્રતા છે તે મહત્ત્વનું છે .
તમારાં માથે તડકો પડે છે . અસહ્ય ઉકળાટ છે . પગ દાઝી રહ્યા છે . તમે દૂર એક ઝાડને જોયું . તમે ઝડપથી એ ઝાડ નીચે પહોંચી ગયા . તમને છાંયડો મળે છે . તમે હાશકારો અનુભવો છો . છાંયડો સ્વતંત્ર નથી . છાંયડો તડકાની પાછળ પાછળ આવે છે . તડકો આગ જેવો છે . છાંયડો બાગ જેવો છે . તડકા સાથે આવનારો છાંયડો તડકાથી તદ્દન વિપરીત છે . તડકો સોનેરી છે . છાંયડો કાળો ઘટ્ટ છે . તડકો ભડભડતો હોય છે . છાંયડો શીતળ હોય છે .
તમે છાંયડાને જોઈને વિચારજો . તમે તડકા જેવા કે છાંયડા જેવા ? તડકો અજવાળું આપે છે તે સારું પાસું . ઉજાસ આપવાના અભિમાનમાં તડકો આકરો બની જાય છે તે ઉધારપાસું . છાંયડો આકરો નથી . છાંયડો અંધારું નથી . છાંયડામાં બેસીને નિર્દોષ કોયલ મીઠો ટહુકો કરે છે . છાંયડે ખાટલો ઢાળીને આરામ કરવાનો રિવાજ જુના જમાનામાં હતો . તમારે છાંયડો બનવાનું છે . તમે પરિવાર સાથે બેસો છો . છાંયડો બનવું હોય તો તમારે બે કામ કરવાના રહેશે . બચાવી લો અને બચાવ કરો .
ઘરનું માણસ ભૂલ કરતું હશે . તમે તે જોઈ શકશો . તમે તેને કહી નહીં શકો તો એ ફસાઈ જશે . તમે એને કહો તે પહેલાં એના હાથે ભૂલ થઈ જ ગઈ . તે ખાડામાં પડી ગયો . તમે વડીલ છો . તમે એની પાસે જજો . એને ઠપકો નથી આપવાનો . એની પાસે બેસજો . એને હિંમત આપજો . ભૂલનું કડવું પરિણામ એના માથે વાગ્યું જ છે . તમે એને એમ કહેશો કે અમે તો પહેલેથી કહેતા હતા , તો એને નવો જખમ લાગશે . તમારે એનાં દુઃખમાં વધારો નથી કરવાનો . એની ભૂલની તમારે સજા કરવાની નથી . તમારે એનાં દુઃખમાં સહાનુભૂતિ પૂરી પાડવાની છે . તમે એની સાથે વાત કરશો તેમાં કોઈ જ ફરિયાદ નહીં હોય . તમારી વાતમાં કેવળ સધિયારો હશે . એ પડી ગયો છે . એને પગે વાગ્યું છે . એ ચાલવાને બદલે દોડ્યો માટે પડ્યો છે . તેની ભૂલ છે . પણ હવે એ પટકાયો છે તો એને નવી લાત મારવાની ના હોય . હવે એને સાચવી લો . એ તમારો પ્રેમ જોઈને આપોઆપ પોતાની ભૂલને સમજશે .
બીજી વાત . એની ભૂલ બદલ એને કોઈ ઠપકો આપવા આવે તો તમે એનો બચાવ કરજો . તમારે એની ભૂલનો બચાવ નથી કરવાનો . તમારે પેલા ઠપકા આપનારાને રોકવાનો છે . ઠપકો મળે તો એનું દુઃખ વધશે અને એ ભૂલમાંથી બહાર આવવાને બદલે ભૂલની તરફેણ કરશે . તમારી વાત કેવળ એટલી જ છે કે તમારે એને ભૂલમાંથી બચાવવો છે માટે તમે એને વિશેષ પ્રેમ , વિશેષ લાગણી આપો છો . કોઈને ઠપકો આપતા રોકજો . એને ભૂલમાં જે તકલીફ પડી છે તેમાં સાચવી લેજો . ત્યારબાદ એની સાથે પ્રેમાળ વાતો કરજો . એને આ ભૂલ ફરીવાર ન કરવાની ભલામણ કરજો . એ ભૂલ કરે છે માટે તેની સાથે ઝગડો થાય છે તેવું વાતાવરણ ના બનાવશો .
તમે ભૂલ કરનારી ઘરની વ્યક્તિને સાચવી લેજો . એને ભૂલને લીધે પડેલી તકલીફમાંથી બચાવી લેજો . એને ભૂલમાંથી બહાર લાવવા પ્રેરણા આપજો . એને એને બીજા કોઈનો ઠપકો ન મળે તેવી રીતે બચાવજો . આ પ્રેમ તેને ભૂલમાંથી ઉગારી લેશે . મોટો વડલો જ છાંયડો આપી શકે છે . વડીલની જ આ જવાબદારી છે . વડીલ અને જવાબદાર વ્યક્તિ છાંયડો પાથરે તો લાભ જ લાભ છે .
સંબંધે સંબંધે ભૂલની વ્યાખ્યા બદલાય . તમારાં મનમાં કોઈ સંબંધ વિશે કોઈ અસંતોષ હશે તો એનાં મૂળ તમે ધારો તેથી વધુ ઊંડા હશે . તમારો સંબંધ કદી પરિપૂર્ણ હોઈ શકે નહીં . તમે અને તમારા સંબંધી , એમ બે અંતિમ વચ્ચેની દોરી એ જ સંબંધ છે . તમે માણસ છો , ભગવાન્ નથી . એ માણસ છે , ભગવાન્ નથી . ભૂલ તો થશે જ . ભૂલની સમજણ પડે તે પહેલાં ભૂલને લીધે ગેરસમજ ઊભી થઈ જશે . તમે તમારી ભૂલ સુધારી લો તો પણ તમારા માટેની ગેરસમજ ભૂંસાય નહીં તેવું બને .
તમે એક ભૂલમાંથી બહાર આવી ગયા છો અને એ ભૂલને લીધે તમારા વિશે ઊભી થયેલી ગેરસમજથી તમારા સ્વજન બહાર નથી આવ્યા . તમારી હાલત કફોડી છે . તમે ભૂલની માફી માંગી લીધી છે અને તમને એ જ ભૂલની સજા કરવામાં આવે છે . તમે ભૂલનો ખુલાસો કરી લીધો તો પણ તમને ગુનેગાર માનવામાં આવે છે . તમારા નજદીકના સંબંધમાં આવી બે પાંચ ભૂલો અને એકાદ – બે ગેરસમજ આવી ગઈ છે જે તમને સતત ટેન્શનમાં રાખે છે .
તમે ભૂલથી પણ કંટાળો છો અને સજાની સામે તમે વિદ્રોહ કરી બેસો છો . ન ઘરના રહો છો , ન ઘાટના . તમે તદ્દન એકલા પડી જાઓ છો . ફરીવાર ભૂલ નથી કરવાના . તમે તેની ખાતરી આપી શકો તેમ છો . તમે ભૂલ સાથેનો નાતો તોડી જ ચૂક્યા છો . તમે ભૂલ કરી હોય તો પણ તમે સારા છો તેવું તમારે સાંભળવું છે . તમે ભૂલ કરી તેને લીધે તમે નકામા નથી બની ગયા તેવો વિશ્વાસ તમને જોઈએ છે . તમે ભૂલ કરી તેનો તમે બચાવ નથી કરવા માંગતા . પરંતુ તમારી ભૂલને એક કમનસીબી તરીકે ભૂલી જવાય તે તમને ગમે છે . તમે ભૂલ સુધારી તે મહત્વનું નથી . તમે ભૂલ કરી તેને માફ કરી દેવામાં આવી છે તેવું તમારે સાંભળવું છે . તમે પ્રામાણિક છો માટે ભૂલ કબૂલી . તમે પ્રામાણિક છો માટે ભૂલમાંથી બહાર આવ્યા . હવે તમારા સ્વજનો પાસેથી તમારી અપેક્ષા શું છે તે વિચારો . ભૂલને ગૌણ ગણીને બાજુ પર મૂકી દેવાય તે તમારી લાગણી છે .
તમારી ભૂલને પંપાળવાની વાત નથી . તમારી ભૂલને યાદ ન રાખવાની વાત છે . તમે ભૂલ કરી તે વખતના સંયોગો જુદા હતા . આજના સંયોગો જુદા છે . તમારી ભૂલની શરૂઆત ખોટી હતી . તમે ત્યારે ખરેખર થાપ ખાધી અને વધુપડતું વેતરી બેઠા . આજે તમને જે સમજાય છે તે ત્યારે સમજાયું હોત તો એ ભૂલ થઈ જ ન હોત . તમને ન સમજાયું તે ભૂતકાળ છે . આજે તમને કંઈક સમજાઈ રહ્યું છે તે વર્તમાન છે . ન સમજાયું તેની ફરિયાદ પૂરી થઈ ગઈ તે સાથે જ ભૂલ નામની ઘટના ખતમ થઈ ગઈ .
તમારી સમજણ તમે સુધારી રહ્યા છો તે બતાવવાની ફરજ તમારી છે . એટલું જ નહીં તમે ખરેખર ખોટી સમજમાંથી બહાર આવી શકો તે તમારી માટે અગત્યનું છે . તમે ખુલાસો કરીને છટકવા માંગો તે ખરાબ . તમે ખુલાસો કરીને ભૂલથી અટકવા માંગો તે સારું . તમારાં મનની સચ્ચાઈ માટે તમે ભૂલને ઓળખી લો . તમે એ ભૂલને લગતી વિચારણામાં તટસ્થ બની જાઓ . તમારી જાતને એ ભૂલમાંથી બહાર કાઢવાનું સાચું વચન આપો . તમે તમારી જાત સાથે આટલી હદે સ્પષ્ટ થઈ જાઓ તે પછી સામી વ્યક્તિને , સ્વજનને તમારી માટેની શું ભાવના છે તે ઓળખવા માંડો . તેમની ભાવનામાં જામી ગયેલી ગેરસમજને દૂર કરવા તમે પ્રયાસ કરો .
તમે ગેરસમજને દૂર તો જ કરી શકશો જો તમે ભૂલને દૂર કરી શકશો . તમે ભૂલને ભૂંસ્યા પછી ગેરસમજને દૂર કરવા બેસશો તો તમારો ખુલાસો માન્ય થશે અને તમને સાચો દિલાસો મળશે . ભૂલ થયા પછી ખુલાસો કરીએ તે તમારી જવાબદારી . ભૂલ થઈ ગઈ તે બદલ દિલાસો આપે તે તમારા સ્વજનની જવાબદારી . તમારો ખુલાસો મજબૂત હશે તો તમને દિલાસો મજબૂત મળશે .
૧૩.૮.૯૮ના તમામ ગુજરાતી દૈનિક સમાચાર પત્રોમાં ( ગુજરાત સમાચાર , સંદેશ , જયહિંદ , આજકાલ , સાંજ સમાચાર , સમકાલીન , મિડ ડે – ગુજરાતી , સમભાવ , જન્મભૂમિ , લોકસત્તા , પ્રભાત , રખેવાળ અને અન્ય ન્યૂઝ પેપરમાં ) મોટા મથાળા સાથે કાળધર્મના સમાચાર છપાયા હતા . સાથોસાથ ૧૩.૮.૯૮ના દિવસે , ધોધમાર અને દેમાર વરસાદ પડશે એવી આગાહી પણ થઈ હતી .
મોટા મોટા રાજનેતાઓ સામાન્ય પ્રજાની માફક સાદગીથી દર્શનાર્થે આવ્યા હતા . અમદાવાદના અને બહારગામના ભાવિકોની લાંબી લાંબી લાઈનો કલાકો સુધી ચાલુ ને ચાલુ જ રહી હતી . જેઓ આંબેલ કે અન્ય તપસ્યા કરી શકતા હતા એવા આરાધકોએ જાણે પોતાનો પ્રેરણાસ્ત્રોત ગુમાવ્યો હતો . જેઓ આંબેલ કે અન્ય તપસ્યા કરી શકતા નહોતા તેમણે જાણે પોતાના સર્વોચ્ચ આદર્શમૂર્તિને ખોયા હતા . સૌના ચહેરા પર ઘેરી ગ્લાનિ આવી ગઈ હતી કે હવે ત્રણસોમી ઓળીની વાતો ક્યાં થશે ? આ તો મહાત્મા શાલિભદ્રજીની અંતિમ ઘડીઓ યાદ આવે એવું જ બની ગયું હતું . મહાત્મા શાલિભદ્રજીને બે દિવસનું આયુષ્ય ઓછું પડી ગયું અન્યથા એ મોક્ષમાં જ જવાના હતા . તપસ્વી સૂરિદેવને પણ આયુષ્ય જ ઓછું પડી ગયું
અન્યથા એ ત્રીજી વારની એકસોમી ઓળી પૂરી કરવાના જ હતા . શું એમની તિતિક્ષા હતી ? શું એમની નમ્રતા હતી ? શું એમની પ્રતિભા હતી ? શું એમની પુણ્યાઈ હતી ? ગજબ . ગજબ .
અરસ પરસ સૌ આ જ વાતો કરતા હતા . એટલામાં એક નવી વાત જાણવા મળી : ગિરધરનગરનાં જિનાલય પર , ચોમાસા નિમિત્તે બંધાયેલ વ્યાખ્યાન મંડપ પર , આસપાસના બંગલાઓ પર કેસરના ખુશ્બૂદાર છાંટણાં થયાં હતાં . તપાસ કરવામાં આવી તો વાત સાચી નીકળી હતી . કેસરનાં છાંટણાં ખરેખર થયા હતા અને એમાંથી તીવ્ર સુગંધ ખરેખર જ આવી રહી હતી . આ કોઈ દેવતાઈ સંકેત હતો . જય જય નંદા , જય જય ભદ્દા એ દેવલોકની દુનિયાનું સ્વાગત સૂત્ર છે . કોઈ મહર્દ્ધિક દેવતા જનમ લે ત્યારે તેના સેવક દેવો – જય જય નંદા , જય જય ભદ્દા બોલીને એમનું દેવલોકમાં સૌપ્રથમ સ્વાગત કરે છે . કોઈ મહાત્મા કાળધર્મ પામે છે ત્યારે જય જય નંદા , જય જય ભદ્દા બોલીને એવો ભાવ વ્યક્ત કરવાનો હોય છે કે આ મહાત્માને ધન્ય છે કે સાધનાનાં ફળ રૂપે એમણે સદ્ગતિ મેળવી લીધી છે . જાણે કે મનુષ્યલોકને દેવલોકે છાંટણાં મોકલીને જવાબ આપ્યો હતો કે હા , આ મહાપુરુષનો વૈરાગી આતમા અમારે ત્યાં પધારી ચૂક્યો છે .
શ્રાવણ વદ છઠની વરસાદી સવારે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ ચડાવા શરૂ થયા હતા . આશરે સાડા નવ વાગે તપસ્વી સૂરિદેવની જાજરમાન પાલખીએ વિદાય લીધી હતી . આકાશમાં વાદળાં ગરજી રહ્યા હતા . ભીડ એવી હતી કે અમદાવાદના રસ્તાઓ પર માનવોનું પૂર ફેલાયું હોય એવું લાગતું હતું . ગુલાલની છોળો ઉછળી રહી હતી . જય જય નંદા , જય જય ભદ્દાના ગગનભેદી નારા અવિરત ગાજી રહ્યા હતા . આખુંય અમદાવાદ આ મહાતપસ્વી સૂરિદેવની વિદાયને નિહાળી રહ્યું હતું .
અગ્નિ સંસ્કાર છારોડીમાં થશે એવો નિર્ણય થયો હતો . ગિરધરનગરથી છારોડી ચાલીને જવાનું હોય તો ઘણું દૂર કહેવાય . એમાં વરસાદી મોસમ . એમ લાગતું હતું કે આટલે દૂર કેમ કરીને પહોંચાશે પરંતુ માત્ર સવા ચાર કલાકમાં અંતિમયાત્રા ક્યાંયકશે અટક્યા વિના નિર્ધારિત સ્થાને પહોંચી ગઈ હતી . એ પરમ ગુરુભક્ત કુમારપાળભાઈ માણેકલાલનો પ્લૉટ હતો જે અગ્નિસંસ્કાર કાજે સંઘને અર્પિત કરવામાં આવ્યો હતો . હજારો ભક્તોની સાથે પાલખી એ મુકરર સ્થાને આવી પહોંચી હતી . પાલખી અંદર પ્લોટ તરફ વળી એ પછી તુરંત જ એ રૉડ પર અવૈધ રીતે પશુઓને કતલખાને લઈ જનારી ગાડીઓ દેખાઈ હતી . સદ્યઃસ્વર્ગત સૂરિદેવે જીવનકાળ દરમિયાન અગણિત જીવદયાઓ કરાવી હતી અને અગણિત જીવોને અભયદાન અપાવ્યું હતું . સૂરિદેવના અગ્નિસંસ્કારની ક્ષણોમાં આમ જીવો કતલખાને જતાં દેખાય અને એમને બચાવીએ નહીં તે કેમ ચાલે ? એ પશુઓને બચાવી લેવાની વ્યવસ્થા કરવામાં આવી . આશરે ૩૫૫ જીવોને અભયદાન મળ્યું . મહાતપસ્વી સૂરિદેવે જતાં જતાં પણ કરુણા વરસાવી હતી જાણે .
———–
છેલ્લી ઘડીએ વધુ એકવાર દૈવી સંકેત જેવી ઘટના બની હતી . અગ્નિ સંસ્કાર માટે આવેલા લોકો જેટલા ભૂમિવિસ્તાર પર ઊભા હતા , ત્યાં વરસાદ નહોતો . પરંતુ એ વિસ્તારની બહાર ચોતરફ કડાકાભેર વરસાદ ચાલુ હતો , દૂર દૂર સુધી . સૌને સમજાઈ રહ્યું હતું કે આપણી ચારે બાજુ વરસાદ જ વરસાદ છે અને આપણી પર વરસાદનો એક છાંટો પણ પડી રહ્યો નથી . જાણે કે જલદેવતાએ , અગ્નિદેવતાને વિઘ્ન ન આવે એનો સંકલ્પ કર્યો હતો . અગ્નિસંસ્કારની ભૂમિને , અગ્નિસંસ્કારના ચોતરાને વરસાદે હાથ લગાવ્યો નહીં . અગ્નિ સંસ્કારનો લાભ મેળવનારો પરિવાર આગળ આવ્યો હતો . વિરાધનાઓથી વિમુક્ત રહેનારો વર્ધમામતપસમ્રાટ્ સૂરિદેવનો સંયમપૂત દેહ અગ્નિનો સ્પર્શ પામ્યો હતો . જૈન શાસનનાં ગગનાંગણેથી એક ઝળહળતો સૂરજ અલોપ થઈ ગયો હતો .
વિ.સં.૨૦૫૪ની સાલ હતી . શ્રાવણ વદ પાંચમનો દિવસ હતો . તારીખ ૧૨ . ૮ . ૯૮ . બુધવાર . સવારથી સન્નાટો છવાયેલો હતો . ૨૯૦મી ઓળીના સમાચાર દેશવિદેશના જૈનોને મળ્યા નહોતા . ગિરનારમાં છેલ્લી ઓળીનું પારણું થયું તે પછી પ્રતીક્ષા હતી કે નવી ઓળી ક્યારે શરૂ થઈ એના સમાચાર મળે . એ સમાચારમાં જ પારણું ક્યારે છે સમાચાર આપોઆપ મળી જતા હતા . બસ , જિજ્ઞાસા એ રહેતી કે પારણું ક્યાં થવાનું છે ? પરંતુ નવા સમાચાર અને નવી જિજ્ઞાસાને આકાર મળ્યો નહોતો .
તપસ્વી સૂરિદેવ પર સંઘને અપરંપાર શ્રદ્ધા હતી . હૈયું કહેતું હતું કે તેઓ હમણાં માંદગીના બિછાનેથી ઊભા થશે , દેરાસરે જશે અને આંબેલનું પચખાણ લેશે . રોજ આવી ઉમ્મીદથી ભારતીય જૈનો અમદાવાદના સમાચારની રાહ જોતા અને અમદાવાદના જૈનો ગિરધરનગરના સમાચારની રાહ જોતા . સૂરિદેવના સમાચાર એકસમાન જ રહેતા : ઉપચાર ચાલુ છે , ચિકિત્સા લાંબી ચાલશે .
ચોમાસું બેસી ગયું , પર્યુષણ સામે દેખાઈ રહ્યાં હતાં . તપસ્વીઓમા ચર્ચા હતી કે સંવત્સરીના દિવસે સૂરિદેવ ઉપવાસથી ઓછું તપ નહીં જ કરે , આસો માસમાં નવપદની ઓળી આવશે એ વખતે તો આંબેલ કરીને જ રહેશે . પછી દીવાળી આવશે . અને પછી નવું વરસ આવશે એટલે બધું સમુંસૂતરું થઈ જશે . તપસ્વી સૂરિદેવનો વિશાળ ભક્તવર્ગ સપનાં જોઈ રહ્યો હતો . સપનાં પૂરા થાય છે ત્યારે સારું લાગે છે , પરંતુ બધાં સપનાં પૂરાં નથી એ હકીકત છે .
સવારે પ્રતિક્રમણ થયું , પડિલેહણા થઈ , સજ્ઝાય અને ચૈત્યવંદન વિધિ સંપન્ન થઈ . છેલ્લા થોડા સમયથી કોમા જેવી પરિસ્થિતિ બની હતી . તપસ્વી સૂરિદેવ અર્ધજાગૃત અવસ્થામાં રહેતા . એમાં પણ તેઓ એક અલૌકિક સાવધાનીની દશામાં વારેવારે હોઠ ફફડાવતા . એમના અર્ધ સ્ફુટ અવાજમાં સંભળાતું કે ‘ મારે દવા નથી લેવી , મારે આંબેલ છે . મારે દૂધ નથી લેવું , મારે આંબેલ છે . મારે વાપરવું નથી , મારે આંબેલ છે . મને વાપરવાનો આગ્રહ ન કરો , મારે આંબેલ છે . ‘
સતત એક વાક્ય ચાલ્યા કરતું હતું : મારે આંબેલ છે , મારે આંબેલ છે , મારે આંબેલ છે . આંબેલ એમનાં ચિત્તમાં છવાયેલું હતું , આંબેલ એમનાં મનમાં કોતરાયેલું હતું , આંબેલ એમની લેશ્યામાં ફેલાયેલું હતું . મારે વિગઈ નથી વાપરવી એવો ટંકારવ રોમરોમમાંથી જાગતો હતો . ઊંડે ઊંડે જમા થયેલા આંબેલ તપના સંસ્કારો ત્રીજી વારની એકસોમી ઓળીને સાદ દઈ રહ્યા હતા અને ચોથી વાર વર્ધમાન તપનો પાયો નાંખવો છે એવું શમણું સજાવી રહ્યા હતા . દેહની પીડા પર ધ્યાન નહોતું . શિષ્યો અને ભક્તોની પ્રત્યે પણ ધ્યાન નહોતું . આત્મામાં નિમગ્નતા હતી .
અરિહંતોમાં એકાગ્રતા હતી . સિદ્ધોમાં સમર્પિતવૃત્તિ હતી . સર્વ સાધુઓમાં સંવેદના જોડાઈ હતી . કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનાં શરણે મનવચનકાયા ન્યોચ્છાવર હતા . ઉત્કૃષ્ટ અને અકલંકિત ચારિત્ર પાલન કર્યું હતું છતાં સંભવિત અપરાધોની ક્ષમાયાચના કરી લીધી હતી . દાદા ગુરુદેવ , ગુરુદેવ , વડીલ ગુરુબંધુઓનું પવિત્ર સ્મરણ અવિચલ હતું . પંચ મહાવ્રતોનું પ્રગાઢ આત્મસંવેદન હતું .
ગચ્છાધિપતિભગવંત સ્વયં ઉપસ્થિત હતા . વિશાળ સંખ્યામાં મુનિસમુદાય શ્રમણીસમુદાય અને શ્રાવકશ્રાવિકા સંઘ હાજર હતો . નવકાર મહામંત્રના ઉદ્ઘોષ ચાલુ હતા . સવારે ૮.૧૫ કલાકે તપસ્વી સૂરિદેવની આંખો સ્થિર થઈ ગઈ હતી . કળિકાળમાં વર્ધમાન તપનું અનેરું સામ્રાજ્ય ખડું કરનારા વર્ધમાનતપ સમ્રાટ્ સૂરિભગવંતે સ્વર્ગના પંથે પ્રયાણ કરી દીધું હતું .
તમે બીજાને તેની ભૂલ બતાવો . સારી વાત છે . ગુજરાતી ભાષા મુજબ ભૂલ બતાવીએ તેનો અર્થ ભૂલ કાઢી એવો થાય છે . શબ્દ સરસ છે . ભૂલ ફક્ત બતાવવાની નથી . ભૂલને કાઢી મૂકવાની છે . ભૂલને સાચવી રાખવાની નથી . ભૂલને રવાના કરવી જોઈએ . ભૂલ કરનારો જો ભૂલને સમજી શકતો નથી તો તમે એની પાસે જઈને તેને એ ભૂલ બતાવશો . સવાલ એ છે કે તમે ભૂલ બતાવો છો તે વખતે શું કરો છો ? તમે એને ઉગ્ર ભાષામાં ઝાટકશો કે એને અપમાનિત કરી દેશો તો વાત બગડશે . તમે ભૂલ બતાવો તે પહેલાં મનમાં પ્લાનિંગ કરો . ભૂલ બતાવવા માટે કેટલાં વાક્ય વાપરશો તે નક્કી કરી લો . તમે વાતો કરતાં કરતાં જ ભૂલ બતાવવાના છો . ભૂલની વાત કેટલી મિનિટ સુધી ચલાવવી છે તેની રૂપરેખા ઘડી કાઢો . હમણાં એક નવો શબ્દ આવ્યો છે : વન મિનિટ મેનેજમેન્ટ .
આ થિયરીમાં ઘણી વાતો છે . તમારાં કામની વાત એક છે . તમારે કોઈને ઠપકો આપવાનો હોય તો એક મિનિટમાં એ વાત પૂરી કરી દેજો . તમારી ફરિયાદ એક જ મિનિટની હોવી જોઈએ . વધારે સમય માટે તમે ઠપકો આપો તો એ ઝગડો છે . આ મુદ્દો સરસ છે . તમે ભૂલ બતાવો ત્યારે લાંબી લાંબી પિંજણ કરવા બેસતા નહીં . ટૂંકી અને ટચ વાત કરજો . જે ભૂલ થઈ તે બતાવજો અને તેને લીધે થઈ શકે છે તે નુકસાનની યાદ આપજો , બસ . ભૂલ બતાવતી વખતે ખ્યાલ રાખજો કે તમારે ગુસ્સો કરવાનો નથી . તમારે તો ફક્ત ભૂલ જ બતાવવાની છે . ગુસ્સો કરવાથી કે કડવા શબ્દો વાપરવાથી તમે સાચા પૂરવાર થવાના નથી . તમારો મુદ્દો વ્યાજબી હોય તે જ એકમાત્ર મહત્ત્વની વાત છે . બની શકે તેટલી મીઠાશ વાપરજો . તમે ભૂલ કાઢવા બેઠા છો માટે કડવાશ તો લાગશે જ . પણ એ કડવાશ બને તેટલી ઓછી હોવી જોઈએ . તમે ભૂલ કાઢો છો ત્યારે એ માણસને આખેઆખો ખરાબ ચીતરો છો તેવું ના બનવું જોઈએ . તમારી રજૂઆત શાલીન હોવી જોઈએ . તમે સામા માણસને સારો માનો છો તે એને જણાવજો . એણે કરેલી આ એક ભૂલ જ ખોટી છે એમ તમે કહેજો . એ જે કરે છે તે બધું ખોટું છે તેમ કહેશો નહીં . તમારે એને ભૂલમાંથી બહાર લાવવો હશે તો એને રાજી રાખવો પડશે . એનાં વખાણ કરવાપૂર્વક ભૂલ બતાવજો .
ભૂલ બતાવ્યા પછી ફરી વખાણ કરજો . તમારા શબ્દો એનાં દિલમાં જખમ પાડે એવું થવા દેશો નહીં . તમારે સારી રીતે એને સમજાવવાનો છે . કેવળ ભૂલ કહીને છૂટા થઈ જવાનું નથી . તમારે એને એ ભૂલમાંથી બહાર આવી શકે તેવું માર્ગદર્શન આપવાનું છે . આદર્શ શિક્ષક વિદ્યાર્થીને તૈયાર કરે તે રીતે તમારે એને ભૂલમાંથી મુક્ત કરવાનો છે . તમે બોલવામાં વિવેકી ન રહ્યા તો સાચી વાત મારી જશે . એક ભૂલ બતાવતી વખતે જૂની દસ ભૂલો ઉખેડશો નહીં . જૂની ભૂલ સુધરવાની નથી . આ નવી ભૂલ બદલાઈ શકે છે . ફક્ત એ જ એક ભૂલનો ઉલ્લેખ કરજો .
એના પગમાં કાંટો છે . તમારે એને કાંટો કાઢી આપવાનો છે . તમે એને ઉતારી પાડશો તો કાંટો નહીં નીકળે . તમારે એની પાસે બેસવું પડશે . નરમાશથી કામ લેવું પડશે . કાંટાને ખેંચતી વખતે એને દુ:ખશે , તે સાચું . તમારે કાંટો કાઢવાનો છે , શરમ રાખવાની નથી . કાંટો નીકળી ગયો , કામ પતી ગયું . ભૂલ બતાવ્યા પછી એ ભૂલ ન થાય તેવી સમજાવટ કરી ના શકો તો તમને ભૂલ કાઢતા નથી આવડતી .
ભૂલ જણાવી દેવી એ વાચાળતા છે .
ભૂલ સમજાવી શકીએ એ જવાબદારી છે .
ભૂલમાં સુધારો લાવી શકીએ તે સફળતા છે .
તમે શું કરો છો ?
વાંકદેખા માણસો વગોવાય છે . પારકી પંચાત કદી સારી મનાતી નથી . ચૌદસની તિથિ વિશેષ આરાધના માટે હોય છે . પરંતુ ચોવટ કરનારા લોકોને ચૌદસિયા ગણવામાં આવે છે . બીજાનાં જીવનમાં સદ્ ગુણો હોય છે તે જોઈને અનુમોદના કરવા જેટલી સજ્જનતા કેળવી લેવી . બીજાના દોષ જોવા નહીં . બીજાની ભૂલ શોધવી નહીં . આ સામાન્ય સમજણ છે . આંખ મળી છે તો નજર સામે જે આવશે તે બધું દેખાશે . સારું દેખાશે , અનુમોદના કરીશું . ઠીક છે .
પરંતુ બૂરું દેખાશે , ફરિયાદ કરશું : એવું કરવાનું નથી . બીજાની ભૂલ દેખાય છે ત્યારે સારા વિચાર આવી શકે છે . બીજી વ્યક્તિ ભૂલ કરી રહી છે તે નજર સામે દેખાય છે . તમે તેને કશું કહી શકવાના નથી . તે તમારું કાંઈ સાંભળે તેમ નથી . તમારો એની સાથે એ કક્ષાનો સંબંધ જ નથી . એ ભૂલ કરે છે અને એને નુકશાન થવાનું છે તે તમે જોઈ રહ્યા છો . તમે મનમાં વિચાર કરજો , આ ભૂલ મારે કરવાની નથી , આ ભૂલને લીધે તે નુકશાની વેઠવાનો છે , મારે તેવી નુકશાની વેઠવી નથી .
ભૂલ કરનાર માણસ ખરાબ છે તેમ ના વિચારશો . તમે એમ વિચારજો કે આ માણસ ઘણો સારો છે . બિચારો આ ભૂલ કરીને હેરાન થવાનો છે . તમારે વિચારવું હોય તો એમ પણ વિચારજો કે આના જેવો સારો માણસ આમ ભૂલ કરે છે તો મારે મારી બાબતમાં સાવધાન બનવું જોઈએ . સારો માણસ જો ભૂલ કરી શકે છે , સમજદાર વ્યક્તિના હાથે જો ભૂલો થઈ શકે છે તો મારે ખાસ જાગતાં રહેવું પડશે .
ભૂલ કરનારે ભૂલ કરી તેમાં તેની સમજફેર ક્યાં થઈ તે શોધી કાઢજો . ભૂલનાં મૂળ ક્યાં પહોંચે છે તે શોધજો . કેવળ ભૂલ જોવી તે સહેલું છે . ભૂલનાં મૂળ સુધી પહોંચવું અઘરું છે . ભૂલ કર્યા પહેલા તે માણસ સારો અને સુખી હતો . ભૂલ કર્યા બાદ તે માણસ હેરાન થઈ રહ્યો છે તે જોઈને કરુણા અનુભવજો . ભૂલ કરનારો પોતાનાં મનમાં પોતાની ભૂલનો પસ્તાવો રાખતો હોય તે સંભવિત છે . તમે એ ભૂલને યાદ રાખીને એને ખરાબ માન્યા કરશો અને પેલો ભૂલ કરનારો પસ્તાવો કરીને ખરાબીમાંથી બહાર આવી ગયો હશે .
એક સંતની કથા છે . એ શહેરમાં આવ્યા . તેમનાં મકાનની સામે વેશ્યાનું ઘર હતું . સંત વેશ્યાને તુચ્છકારથી જોતા . એને વગોવતા . એક દિવસ સંત મરી ગયા . ચિત્રગુપ્ત પાસે પહોંચ્યા . જાણવા મળ્યું કે તેમની નરકગતિ નક્કી થઈ છે . સંત છંછેડાયા . પૂછે : મેં આટલી બધી સાધના કરી અને મારી નરકગતિ ? ચિત્રગુપ્તે કહ્યું : તમે બધી રીતે સારા હતા . તમે એક જ જગ્યાએ થાપ ખાધી . તમે વેશ્યાની ખરાબીનો જ વિચાર કરતા રહ્યા . તમે એની માટે એલફેલ બોલતા રહ્યા . આ પાપે નરકગતિ આપી છે . સંત પૂછે છે : હું જો નરકમાં છું તો વેશ્યા કંઈ ગતિમાં છે ? ચિત્રગુપ્ત કહે છે , વેશ્યા સ્વર્ગમાં છે . સંત પૂછે છે : આવો અન્યાય ? આવા હીનકર્મીને સ્વર્ગ ? ચિત્રગુપ્ત કહે છે : એ વેશ્યાની નજર તમારી સાધના પર હતી , એ હંમેશા તમારી પવિત્રતાનો જ વિચાર કરતી હતી . એ પોતાના ઘરાકોની સમક્ષ તમારી પ્રશંસા કરતી હતી . એણે સારું જોયું . એને સદ્ ગતિ મળી . તમે ખરાબ જોયું તમને દુર્ગતિ મળી .
તમે બીજાને ખરાબ માની લેશો તો તમારી દોષદૃષ્ટિને પ્રોત્સાહન મળશે . બીજો માણસ ભૂલ કરે છે તે દેખાય તો મનને સાચવીને સમજાવજો . જે માણસની જવાબદારી તમારી નથી તેની ભૂલની ચર્ચા તમે કરશો નહીં . જે માણસને તમે ઓળખતા નથી તેની ભૂલની પંચાત તમે કરતા નહીં . ભૂલ દેખાય ત્યારે પોતાની જાતને સાવચેત બનાવજો . આ ભૂલ મારે કરવી નથી , આ ભૂલથી મારે દૂર રહેવું છે , બીજાની ભૂલમાંથી બોધપાઠ મેળવજો . ફાવી જશો .
