નાગપુર ઓરેન્જ સિટી તરીકે મશહૂર છે . નાગપુર ભારતમાં તેરમા ક્રમાંકે છે , મહારાષ્ટ્રમાં તૃતીય ક્રમાંકે છે અને વિદર્ભમાં પ્રથમ ક્રમાંકે છે . નાગપુરનો સંબંધ રામાયણ સાથે છે , કોઈ માનશે ? વનવાસ દરમિયાન અયોધ્યાના રામ , અયોધ્યાથી નીકળીને પ્રયાગ આવ્યા હતા . પ્રયાગથી ચિત્રકૂટ . ચિત્રકૂટથી સતના . સતનાથી રામટેક . રામટેકથી પંચવટી , નાસિક . આમાં રામટેક , નાગપુરની સીમા પર છે .
ઉજ્જૈનીના રાજા વિક્રમે રાજકવિ કાલિદાસને રામટેક મોકલ્યા હતા . એ જમાનામાં રામટેક રામગિરિ તરીકે પ્રસિદ્ધ હશે . કવિએ અહીં રહીને મેઘદૂત લખ્યું . એનો પહેલો શ્લોક કહે છે કે સીતાજીના સ્નાનજલનો સ્પર્શ પામીને રામગિરિના પાણી પવિત્ર બની ગયાં હતાં : जनक तनया स्नान पुण्योदकेषु । મેઘદૂતની છાયામાં જૈનાચાર્યોએ ૧૦ થી વધુ દૂતકાવ્ય લખ્યાં છે : જૈન મેઘદૂત , શીલદૂત , નેમિદૂત , ઈન્દુદૂત , ચેતોદૂત , પવનદૂત , પાર્શ્વાભ્યુદય , ચંદ્રદૂત , મનોદૂત , મેઘદૂત સમસ્યાલેખ , મયૂરદૂત અને અન્ય . જે પ્રેમકાવ્યનું અનુકરણ અધ્યાત્મ રસ નિમગ્ન જૈનાચાર્યો કરે એ કાવ્ય કેટલું શક્તિશાળી હશે ? કાલિદાસની રચનાઓ પર જૈનાચાર્યોએ સંસ્કૃતમાં ટીકાઓ પણ લખી છે . કહેવાય છે કે કાલિદાસ ગામડિયો ગમાર હતો . સંસ્કૃતનો સ પણ ન જાણે . પરંતુ સરસ્વતીના આશીર્વાદ એને એવા મળ્યા કે ભારતનો પ્રથમ ક્રમાંકિત કવિ બની ગયો . કાલિદાસ લખે એમાં હાથ કાલિદાસના હોય , કલમ કાલિદાસની હોય પરંતુ શબ્દ સરસ્વતીના હોય , રચના સરસ્વતીની હોય . કાલિદાસની સર્વોત્કૃષ્ટ રચના છે મેઘદૂત . સારસ્વત અભિવ્યક્તિની ભૂમિ છે રામટેક . રામટેક પર મેઘદૂતનું ભવ્ય સ્મારક છે . મેઘદૂતનો યક્ષ કાલ્પનિક છે , કાલિદાસ કાલ્પનિક નથી . વિહારમાં રામટેક આવે છે . રામટેક ટેકરીની તળેટીએ દિગંબર જૈન મંદિરની ધર્મશાળામાં નિવાસ મળે છે . લગભગ દરેક મુનિ ભગવંતોએ ક્યારેક ને ક્યારેક મેઘદૂત વાંચ્યું છે . મેં રામટેકમાં રહીને મેઘદૂત વાંચ્યું છે . જોકે , મેઘદૂતનું સ્મારક જોવા હું ગયો નથી . आषाढस्य प्रथम दिवसे આ અમર પંક્તિ રામટેકમાં લખાઈ છે . आषाढस्य प्रथम दिवसे નો સંબંધ ફક્ત મેઘદૂત સાથે નહીં બલ્કે રામટેક સાથે પણ છે .
રામટેકની ટેકરી પર રામાયણ કાલીન સ્મારકો ઘણા છે . હિંદુ રામાયણ અનુસાર રામગિરિનું નામ તપોગિરિ હતું . ઋષિ અગસ્ત્ય અને ઋષિપત્ની લોપામુદ્રાનો અહીં નિવાસ હતો . અસુરોનો ઉપદ્રવ રામના હાથે ટળ્યો હતો . બાય ધ વૅ , લોપામુદ્રાના પિતાનું નામ હતું વિદર્ભ . આજે નાગપુર વિદર્ભપ્રદેશની રાજધાની છે . રાક્ષસોનો સંહાર કરવાનો સંકલ્પ રામે અહીં લીધો હતો . સંકલ્પ એટલે ટેક . રામનો સંકલ્પ એટલે રામટેક . એવી માન્યતા છે કે રામને બ્રહ્માસ્ત્ર સિદ્ધિ આ ભૂમિ પર મળી હતી . રામટેક નાગપુરને અડીને વસેલું છે .
૨. Juna Pani Stone circles
એક જૂનાપાની એરિયા છે . અહીં પ્રાગ્ ઐતિહાસિક કાળના , પાષાણયુગના શિલાવર્તુળ છે : વિશાળ પથ્થરોનાં મોટાં કુંડાળાં , જે જમીન પર બનેલાં છે . પથ્થરો ૩૦૦૦ વરસ પુરાતન છે . કોઈ આને ૧૨,૦૦૦ વરસ પ્રાચીન કહે છે . એટલા જ પ્રાચીન સિક્કા , ખંજર , કુહાડી , પાવડા , કંકણ , છાજલી , ચીપિયા જમીનમાંથી નીકળ્યાં . લાલ માટી અને કાળી માટીનાં ચિત્રાંકિત વાસણો પણ . સન્ ૧૮૭૯માં જે. એચ. રિવેટ કારનેક દ્વારા આની શોધ થઈ . આ કુંડાળાને ભારતમાં શિલાવર્તુળ કહે છે . જૂનાપાની અને માઉઝરીના મળીને આશરે , ૩૦૦ શિલાવર્તુળ છે અને એમાં ૧૫૦૦ મૃતકોનાં અસ્થિ છે . સેંકડો એકર જમીનમાં આ પથ્થરો છે જે પૂરેપૂરા બહાર નથી .
બ્રિટનની વિલ્ટશાયર કાઉન્ટીમાં આવા જ stonehenge = સ્ટોનહેન્જ છે . જોકે , એના પથ્થરો ૨૩ ફૂટ ઊંચા છે . એમનો સમય ૩૦૦૦ BC મનાય છે . સ્વીડનમાં પણ સ્ટોનહેન્જ છે , સમયકાળ ૫૫૦૦ BC .
હિંદી લેખકો શિલાવર્તને પત્થલગઢી કહે છે . પુરાતન આદિવાસીઓ ઘણાં કારણોસર પત્થલગઢી બનાવતા . મૃતકોની યાદમાં . ખગોળીય વિજ્ઞાન માટે . કબીલાઓનું અધિકાર ક્ષેત્ર નિર્ધારિત કરવા. નાગપુર પાસે ૩૦૦૦ વરસ પુરાતન પત્થલગઢી છે . ઋષભદેવ ભગવાનના સમયમાં કર્મભૂમિ યુગનો પ્રારંભ થયો હતો . એ સંસ્કૃતિની નિશાનીઓ આદિવાસીઓમાં આ રીતે સહસા જીવિત હશે ? નાગપુરના પૂર્વજો ૩૦૦૦ પ્રાચીન સમયસીમાને સ્પર્શ કરી રહ્યા છે , એ વાત પાક્કી છે .
૩. પ્રવરપુરના અવશેષો
તમે નાલંદાના પુરાતન અવશેષ જોયા હશે : લાલ ઈંટોના ઉત્તુંગ સ્તૂપ , નિવાસ , મહેલ , વિશ્વ વિદ્યાલય , ઐતિહાસિક નગર સંસ્કૃતિ . તમે માનશો નહીં પણ હકીકત છે કે નાલંદા જેવા જ પુરાતન અવશેષ , નાગપુરની પાસે મનસરમાં છે . ૧૫૦૦ વરસ પૂર્વે વાકાટકવંશીય રાજા પ્રવરસેને પ્રવરપુર નગર વસાવેલું હતું . આ નગર જમીનમાં અને કાળની ગર્તામાં દટાઈ ગયેલું . સન્ ૧૯૭૨ માં હિડંબા ટેકરીનું ઉત્ખનન થયું એમાં પાછું બહાર આવ્યું . નાગપુરની સીમા પર પ્રવરપુરની લાખો લાલ ઈંટો સ્તૂપ , મહેલ , મંદિર બનીને ઊભી છે . શહેરી સ્કાય સ્ક્રેપર્સથી સાવ અલગ દુનિયા . Outlook Traveller લખે છે At first blush , the complex resembles the pyramids of Mexico, but look closer and the site’s uniqueness starts to show itself . અર્થાત્ મેક્સિકોના પિરામિડ જેવા ભવ્ય અવશેષ જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે . શોધખોળ સરખી રીતે થાય તો કોઈ જૈન અવશેષ જડી આવે ખરા .
ઈસુની ત્રીજી શતાબ્દીમાં રાજા વિંધ્યશક્તિ આ વિસ્તારનો રાજા હતો . ચોથી શતાબ્દીમાં વાકાટકવંશીય રાજા પૃથ્વીસેનનું શહેર , નગરધન અથવા નંદીવર્ધન આ વિસ્તારમાં હતું . વાકાટકવંશીય રાજાઓની પછી , રાષ્ટ્રકૂટ રાજાઓ આવ્યા , બદામી ચૌલુક્ય પરંપરા . એક પ્રશસ્તિ નાગપુરથી જ મળી તદનુસાર અગિયારમી શતાબ્દીમાં માલવાના પરંપરા વંશીય રાજા લક્ષ્મદેવનો સંબંધ નાગપુર સાથે બને છે . વર્ધા પાસે દેવલી ગામ છે , ત્યાંથી મળેલા દશમી શતાબ્દીનાં તામ્રપત્રમાં નાગપુર નામ મળે છે .
અઢારમી સદીમાં ગોંડ રાજા બખ્ત બુલંદ શાહે , સ્થાનીય નાગ નદીનું નામ જોડીને નાગપુર નામને સ્થાયી રૂપ આપ્યું . એ જમાનામાં બાર ગામ જોડીને નાગપુર શહેરની સીમા નિર્ધારિત થઈ હતી . બખ્ત શાહ દેવગઢથી મહારાષ્ટ્ર આવેલો . એની હકૂમત બાલાઘાટ , શિવની , ભંડારા , છિંદવાડા , બેતુલ સુધી હતી . એ છેક કટંગી જઈને લડાઈ જીત્યો હતો . મૂળ નાગપુર , મહાલ વિસ્તારમાં ગણાય છે , જે નાગપુરના મહારાજાનો મહેલ વિસ્તાર હતો . નાગનદીના કાંઠે કાંઠે નગર વસ્યું અને વધ્યું આથી નામ થયું : નાગપુર . નાગ નદીમાં નાગ બહુ છે , એવું છે ? ના . એવું નથી . નાગ નદી નાગની જેમ વળાંક લેતી લેતી આગળ વધે છે . નાગને લીધે નહીં , નાગ જેવા વળાંકને લીધે નદીનું નામ છે નાગ નદી . ( નાગપુરમાં ૧૧ તળાવ અને બે નદી છે . બીજી નદીનું નામ છે , પીલી નદી . એક બ્લોગર લખે છે કે નાગ નદી નાગપુર વિસ્તારમાં સોળ કિ.મી. લાંબો પ્રવાસ કરે છે તે પછી નાગ નદી અને પીલી નદી મળે છે . આગળ બેય નદી કન્હાન નદીમાં વિલીન થાય છે . )
બખ્ત બુલંદ શાહની અલવિદા પછી એમના બે દીકરા વચ્ચે મતભેદ થયો . આમાં રઘુજી ભોંસલેનું નાગપુર આગમન થયું . સન્ ૧૭૩૦થી ૧૮૫૪ સુધી નાગપુર પર ભોંસલે રાજાઓનું રાજ્ય રહ્યું . મહારાષ્ટ્રના ઈતિહાસમાં નાગપુરના રઘુજી ભોંસલેનું નામ સેનાસાહેબસુભા તરીકે મશહૂર છે . છત્રપતિ સાહૂના સેનાપતિ તરીકે એમણે નાગપુર સામ્રાજ્યનો વિસ્તાર બંગાલ , ઓરિસ્સા અને છત્તીસગઢ સુધી ફેલાવ્યો હતો . નાગપુરને મહારાષ્ટ્રનું મહત્ત્વપૂર્ણ લશ્કરી મથક એમણે બનાવ્યું . બાકી તો , કોલ્હાપુર અને સતારા જ લાઈમ લાઈટમાં હતા . રઘુજીની વંશપરંપરાએ ૧૮૫૪ સુધી દબદબો બનાવેલો રાખ્યો . રઘુજીએ નાગપુરમાં સૌપ્રથમવાર સંતરાં વાવ્યાં , ૧૫૦૦ કૂવા બનાવ્યાં . એમ કહેવાય છે છત્રપતિ સાહૂ જંગલમાં ફરવા નીકળેલા અને એક મોટા વાઘે છત્રપતિ સાહૂ પર આક્રમણ કર્યું ત્યારે રઘુજીએ એકલા હાથે એ વાઘને ભોંયભેગો કર્યો હતો . ત્યારથી રઘુજી પર છત્રપતિ સાહૂ પર વિશેષ લાગણી બની હતી . આ લાગણીથી પ્રેરિત થઈને છત્રપતિ સાહૂએ રઘુજીને નાગપુર સોંપ્યું હતું . નાગપુરનું પુરાણું નામ હતું ફણીન્દ્રપુર . નાગપુરથી પ્રકાશિત સર્વપ્રથમ ન્યૂઝ પેપરનું નામ હતું ફણીન્દ્રમણિ . સન્ ૨૦૦૨માં નાગપુરના ત્રણસો વરસ પૂરા થયા એ નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે મોટો કાર્યક્રમ રાખ્યો હતો .
૪. મ્યુઝિયમમાં જૈન મૂર્તિ
નાગપુરનું સેન્ટ્રલ ગવર્નમેન્ટ મ્યુઝિયમ . સન્ ૧૮૬૩ માં સ્થાપના . અજબ બંગલા તરીકે પ્રખ્યાત . જોવા મળે છે , ડાયાનાસોરના અવશેષ , નેચરલ હિસ્ટ્રી ગેલેરી , પ્રાચીન શસ્ત્ર અસ્ત્ર સંગ્રહ , સિક્કાઓ , ચિત્રપટ . ખાસ વાત એ છે કે પ્રદર્શનીમાં જૈન મૂર્તિઓ પણ છે .
નાગપુર યુનિવર્સિટી , કાલિદાસ યુનિવર્સિટી , આરટીએમ અને દિગંબર જૈન મંદિરો પાસે પ્રાચીન હસ્તલિખિત પોથીઓ ઘણી છે . નાગપુરમાં એવા હિંદુ પરિવાર પણ છે જેમનાં ઘરે બસ્સો વરસ જૂનું ઘી સૂચવાયેલું છે . આમ નાગપુરનો ઈતિહાસ ઘણો જૂનો છે .
+ ભારતદેશમાં બારસો વરસ પહેલાં એક પણ બાઈબલપંથી અને કુરાનપંથી નહોતો . આજે ભારતમાં બાઈબલપંથીઓ અને કુરાનપંથીઓ કરોડોની સંખ્યામાં છે . એ લોકો ચાહે છે કે ભારતમાં હજી નવા કરોડો લોકો બાઈબલપંથી અને કુરાનપંથી બને . એમના એ મનસૂબાને પૂરેપૂરી સફળતા નથી મળી અને મળવાની પણ નથી એની પાછળ જે જે મહત્ત્વપૂર્ણ સંગઠનોનો હાથ છે એમાં સૌથી પહેલું નામ છે : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ . ૪૦,૦૦૦,૦૦ કાર્યકર્તાઓનું મહાસંગઠન એટલે આર એસ એસ . ભારતીય રાજનીતિમાં નીતિન ગડકરી , મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડનવીસ આ ત્રણ નામ આગલી હરોળમાં દેખાય છે . આ ત્રણેય નાગપુરનિવાસી છે અને પોતાને આર એસ એસ – નું ફરજંદ તરીકે ઓળખાવે છે . આર એસ એસ – ની શાખા છે ૫૫.૦૦૦ . દરેક શાખા સક્રિય છે . સેક્યુલરિઝમના પ્રેમીઓને આર એસ એસ ગમતું નથી એ એમનો અંગત મુદ્દો છે બાકી ભારતીયતાનું ગૌરવ , સંસ્કૃતિ , બૌદ્ધિક સંસ્કાર , એકતા , અનુશાસન અને દેશસેવામાં આર એસ એસનું યોગદાન હંમેશા મોટું રહ્યું છે . યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે આર એસ એસની સેવા ભારતીય સેના લે છે . સુનામી , ભૂકંપ , પૂર , કુદરતી આફત જેવા સમયમાં આર એસ એસ દેશની સેવામાં ઊભા પગે હાજર હોય છે . નાગપુર આર એસ એસનું મુખ્ય મથક છે . છેલ્લા ચૌદ વરસથી ભારતની રાજનીતિએ જે રૂપ ધારણ કર્યું છે એમાં આર એસ એસની ભૂમિકા ઘણી મોટી રહી છે . વિદેશી વિચારધારાઓની સામે સમગ્ર ભારતે એક બની લડવાનું છે , આ આર એસ એસની થીમ છે . આર એસ એસ પાસેથી ભારતને બે પ્રધાન મંત્રી મળ્યા છે , એક અટલબિહારી બાજપાઈજી અને બીજા નરેન્દ્ર મોદીજી . મોહન ભાગવતજી , અત્યારે આર એસ એસના સર સેેેનાધિપતિ છે . એમનાં વક્તવ્ય અને વિચારોનો આદર પ્રધાનમંત્રી અને વિપક્ષમંત્રી કરતા હોય . મોહન ભાગવતજી , અનેક જૈન આચાર્ય ભગવંત અને મુનિ ભગવંતની સેવામાં માર્ગદર્શન લેવા ઉપસ્થિત થતા હોય છે . નાગપુરમાં જે ગુરુ ભગવંત પધારે એમની સમક્ષ ઉપસ્થિત થવા નીતિન ગડકરી , મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડનવીસ ઉત્સુક હોય છે . નાગપુર શ્રાવકોના હાથ ઘણા લાંબા છે .
નાગપુર સાથેનો ઋણાનુબંધ જુગજૂનો છે . નાગપુરના અનુભવો લખવા બેસું તો એક પુસ્તક નાનું પડે . થોડાક લખું છું .
૧. હું એક ઘરમાં પહેલી વખત વહોરવા ગયો હતો , રસોડામાં બધી જ રસોઈ ચાંદીના અલગ અલગ વાસણમાં હતી . મેં પૂછ્યું : આ બધું ચાંદીનાં વાસણમાં કેમ છે ? એમણે કહ્યું : ‘ આજે આપ પહેલીવાર વહોરવા પધાર્યા છો . અમે આપની માટે કશું અલગથી બનાવ્યું નથી . એક ભાવના છે કે આજે આપ જે વહોરશો તે અમે ચાંદીનાં વાસણમાંથી જ , ચાંદીની ચમચીથી જ વહોરાવીશું . ‘ એમણે ગરમ પ્રવાહી પણ ચાંદીનાં વાસણમાંથી જ વહોરાવેલું અને ઉકાળેલું પાણી પણ ચાંદીના જગમાંથી વહોરાવ્યું હતું . આવી અપેક્ષા મારાં મનમાં હતી નહીં અને રહેશે પણ નહીં પરંતુ જે જોયું એ અજબ હતું . સાધુ પદ પ્રત્યેનો આદર જોઈને મારી આંખો ભીંજાઈ ગઈ હતી .
૨. એક બે દિવસ માટે એક સંઘમાં રહેવાનું હતું . સંઘમાં બધાને ખબર જ હતી કે અમારો બે દિવસમાં વિહાર છે . એક પરિવારમાં પતિપત્નીએ એક નિયમ લીધો . એ નિયમ અમે એ સંઘમાં રહીએ એટલા દિવસો પૂરતો જ હતો . સંયોગ એવા બન્યા કે એ સંઘમાં રહેવાના દિવસો લંબાયા. એક બે દિવસને બદલે આશરે ચાલીસ દિવસ રહેવાનું થયું . પેલો નિયમ પણ એટલા દિવસ સુધી ચાલ્યો . એમણે એ નિયમ લીધો છે , મને ખબર જ નહીં .
છેલ્લા દિવસે સાંજે વિહાર હતો . એ મળવા આવ્યા . એમની આંખમાં આંસુ હતાં .
કેમ રડો છો ? મેં પૂછ્યું તો એમણે કહ્યું , સાહેબ , આપ પધાર્યા ત્યારથી એક નિયમ લીધો હતો .
કયો નિયમ ? મેં પૂછ્યું તો એમણે કહ્યું , જેટલા દિવસ આપ આ સંઘમાં છો ત્યાર સુધી બ્રહ્મચર્ય પાળવાનો નિયમ .
કેમ આવો નિયમ ? મેં આશ્ચર્યથી પૂછ્યું તો એમણે કહ્યું , આપને જે વહોરાવીએ એ બ્રહ્મચર્યપૂર્વક વહોરાવીએ એવી ભાવના હતી . અમે રોજ આપને ગોચરીની વિનંતી કરી . આપે જ્યારે જ્યારે લાભ આપ્યો ત્યારે મન રાજી હતું કે ગુરુ ભગવંતને વહોરાવ્યું એની ખુશીમાં બ્રહ્મચર્યપાલનનો લાભ મળ્યો . આપ પૂર્વસૂચના વગર આવો એવું પણ બની શકતું હતું . આથી આપ આ સંઘમાં છો ત્યારસુધી રોજના બ્રહ્મચર્યનો નિયમ ધાર્યો હતો . બે દિવસનો નિયમ વિચારેલો . આપની કૃપા થઈ કે નિયમ ચાલીસ દિવસ ચાલ્યો . આપ હજી રોકાઈ જાઓ , અમારો નિયમ ચાલુ જ રહેશે .
આંખમાં આંસુ શું કામ છે ? મેં પૂછ્યું તો એમણે કહ્યું , આપ વિહાર કરી જશો એટલે આ નિયમ તૂટી જશે . નિયમ ચાલુ હતો તો મન રાજી હતું . નિયમ પૂરો થઈ જશે તો મન દુઃખી થઈ જશે .
એમનું એ પવિત્ર દુઃખ આંખોમાંથી વરસી રહ્યું હતું . આપણા સંઘમાં સાધુ સ્થિરતા કરે છે એની ખુશાલીમાં પણ બ્રહ્મચર્યનો નિયમ લઈ શકાય છે . આપણાં ઘરે ગુરુ ભગવંત રોજ વહોરવા આવશે એની ખુશાલીમાં પણ બ્રહ્મચર્યનો નિયમ લઈ શકાય છે અને આવો નિયમ ચાલીસ ચાલીસ સુધી પાળી શકાય છે , આ બધું મેં પહેલીવાર જોયું .
૩. સંઘમાં સરસ રીતે પાઠશાળા ચાલતી નહોતી . પાઠશાળા માટે થઈને મેં જાહેરમાં નિયમ લીધો કે જ્યાં સુધી પાઠશાળા સરસ રીતે ચાલવા ન માંડે , મીઠાઈનો ત્યાગ . સિદ્ધાંત મહોદધિ શ્રીપ્રેમસૂરિજી દાદા આ રીતના નિયમ લેતા . આવા નિયમ અસર પણ દેખાડતા . મેં નિયમ લીધો છે એની જાહેરાત થતાવેંત સંઘમાં જાહેરાત થઈ કે જ્યાર સુધી આપણા ગુરુદેવને મીઠાઈનો ત્યાગ છે . ત્યાર સુધી સંઘજમણમાં પણ મીઠાઈ નહીં બને . જોકે , મેં આ નિર્ણયમાં અસહમતી બતાવી હતી . છતાં સંઘ નિર્ણયમાં મજબૂત હતો . આ સંઘ સાથે ચૈત્ય પરિપાટી માટે અન્ય સંઘમાં જવાનું થયું . ત્યાંની નવકારશીમાં પણ કોઈએ મીઠાઈને હાથ ન લગાવ્યો . સંઘનો આ પ્રેમ અદભુત હતો . મહારાજ સાહેબને આદર આપવા આખોય સંઘ મીઠાઈથી દૂર રહે એ નાનીસૂની વાત છે ? ટૂંક જ સમયમાં એ સંઘમાં પાઠશાળા જોરશોરથી ચાલુ થઈ અને એ વિસ્તારની અન્ય બે પાઠશાળાઓ પણ ધમધમી ઊઠી . એ સંઘ એટલે રામદાસ પેઠનો શ્રી સંઘ . આવા અનેક આત્મીય અનુભવો આ સંઘ સાથે જોડાયા છે .
૪ . કોરોનાકાળ દરમિયાન હું વર્ધમાનનગરમાં ચોમાસું હતો . વ્યાખ્યાન થશે કે કેમ , પ્રશ્ન હતો . પરંતુ સંઘ સ્પષ્ટ હતો . આપ અમારી વિનંતીથી આવ્યા છો , અમારે આપનાં જ વ્યાખ્યાન સાંભળવા છે . સુકૃતસાગર પર વ્યાખ્યાન થયાં , શ્રોતાઓ પણ ઘણા આવ્યા હતા . સુકૃતસાગર ગ્રંથનું સમાપન પણ ગ્રંથ પૂજા દ્વારા સંપન્ન થયું હતું . રોજ વ્યાખ્યાન પછી ત્રણ રીતે સમાચાર આવે . એક , આજે અમુક એરિયાને સિલ કરવામાં આવ્યો છે . બે , આમને આમને કોરોના થયો અને એ કોરોન્ટાઈન થયા છે . ત્રણ , અમુક અમુક ભાગ્યશાળી કોરોનાને લીધે સ્વર્ગસ્થ થયા છે . કોઈ પણ દિવસ એ સમાચારથી ડરીને વ્યાખ્યાન બંધ રહ્યું નથી . દેરાસર પૂજા કરવા ઘણા લોકો નિયમિત આવ્યા . જે દેરાસર આવતા રહ્યા એમને કોરોના ન થયો , જે દેરાસરથી દૂર રહ્યા એમાંથી ઘણાયને કોરોના થયો . કોરોનાનો ભીષણ કાળ હતો ત્યારે ચોમાસામાં જિનવાણી અને પૂજા ચાલુ હતી તે સમયનો માહોલ ક્યારેય નહીં ભૂલાય . વર્ધમાન નગરની ઘણીઘણી યાદોમાં આ કોરોનાની યાદો સર્વોપરી .
૫.એક ખાસ યાદ , અજિતનાથ શ્રી સંઘની . પજુસણમાં હકડેઠઠ ભરાયેલા હોલમાં શ્રોતાજનો સમક્ષ વાત મૂકી હતી કે જનમવાંચનના જેને જે ચડાવા બોલવા હોય તે પૂરેપૂરા આંકડા પહેલેથી જ બોલી દે . બચાવી બચાવીને બોલવાનું વલણ ન રાખે . આના બે લાભ છે . એક , જેને જે બોલવું છે એ પહેલેથી જ બોલી દે છે તેને કારણે ચડાવો વધારવા માટે માઈકધારીઓને લાંબુ ખેંચવું પડતું નથી . સમય બચે છે . બે , ચઢાવો બોલનારનાં મનમાં પૈસા બચાવવાની વૃત્તિ રહેતી નથી . જન્મ વાંચનના દિવસે આની અસર દેખાઈ . ચડાવા ઝડપથી થયા અને બોલીઓમાં અકલ્પનીય આવક થઈ . ચડાવા વહેલાસર પૂરા થયા એને લીધે લોકોને હોલમાં અને વરઘોડામાં નાચવાનો સમય ઘણો મળ્યો . મારું ધ્યાન કેટલી બોલી થઈ એની પર નહોતું પણ સાંજે પ્રતિક્રમણમાં સંઘપ્રમુખે જાહેરાત કરી કે આજે આપણા સંઘમાં જે ચડાવા થયા છે તે આટલા વરસોમાં થયેલા સૌથી મોટા છે . ગુરુદેવે અમને ઝડપ રાખવાની પ્રેરણા તો આપેલી પરંતુ અમને ટ્રસ્ટીઓને ડર હતો કે ઝડપથી બોલવાના ચક્કરમાં ચડાવા ઓછા થશે તો શું ? પણ એવું ના થયું . આજે ચડાવા બોલવામાં સમય ઘણોઓછો લાગ્યો છે અને આવક ઉત્કૃષ્ટ થઈ છે . સૌએ અનુમોદના અનુમોદના ગાયું હતું .
અજિતનાથ શ્રી સંઘની આવી ઘણી યાદો છે . એક યાદ છે : રંગીલો રાજસ્થાન . ચાર કલાકનો સંપૂર્ણ કાર્યક્રમ રાજસ્થાની ભાષામાં થયો હતો . સ્તવનો . પાત્ર સંવાદ . મંચ સંચાલન . બધું જ રાજસ્થાની ભાષામાં . વેશભૂષા પણ રાજસ્થાની .
૬. શ્રી મુનિસુવ્રત જૈન સંઘ . સૌથી વધુ સક્રિય અને જાગૃત સંઘ . ભગવાન્ શ્રી મુનિસુવ્રત દાદા, જીવતો જાગતો ચમત્કાર છે . એક અનુભવ કહું :
નાગપુરમાં ૨૦૧૮નું વરસ બહુ ભારે રહ્યું . સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં સ્વાઈન ફ્લૂ આતંક ફેલાવી રહ્યો હતો . એક પછી એક મૃત્યુના સમાચાર આવી રહ્યા હતા . જૈન સંઘમાં ભયનું વાતાવરણ બની ગયું હતું . બહુ ઓછા સમયમાં , બહુ વધારે દુર્ઘટના . જૈન સંઘમાં દર અઠવાડિયે એકાધિક શોકસભાઓ . સંઘની સમાધિ અને સુરક્ષા માટે મુનિસુવ્રત દાદાના દરબારમાં શ્રી લઘુ શાંતિ સ્નાત્ર મહાપૂજન રાખવામાં આવ્યું . ૨૭ લાભાર્થી . ૨૭ અભિષેક . દરેક અભિષેક પૂર્વે
એક વિશેષ મંત્ર મુનિસુવ્રત દાદાનો . પૂજન પાંચેક કલાક ચાલ્યું હશે . પછી પૂજનનાં અભિષેક જળ સંઘનાં ઘરે ઘરે છંટાયાં . પ્રભુએ ચમત્કાર કર્યો હતો . જૈન સંઘમાં ભયનું વાતાવરણ હતું તે અચાનક ઓસરી ગયું . પ્રભુને સંઘે પ્રાર્થના કરી હતી . પ્રભુએ સંઘની પ્રાર્થના સાંભળી હતી , પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો . નાગપુર સંઘને શ્રી મુનિસુવ્રત દાદા સંભાળે છે , ચલાવે છે એવી શ્રદ્ધા સમસ્ત નાગપુરને છે . શ્રી મુનિસુવ્રત જૈન સંઘ સાથે જોડાઈને દાદાના કેટલાય અનુભવોનો પ્રસાદ મેળવ્યો છે .
૭. મૂળનાયક ભગવાનની સંપૂર્ણ આંગી નગદ સુવર્ણની હોય એવું દરેક સંઘોમાં જોવા મળતું નથી . કામઠીના મૂળનાયક શ્રી આદિનાથ દાદાની આંગી નગદ સુવર્ણની છે . મુકુટ , કુંડળ , ખોખું . દિવાળીના દિવસે પોલિસ પ્રોટેક્શનમાં આંગી ચડે છે , જ્યાર સુધી પ્રભુને આંગી ચડેલી રહે છે , પોલિસ દેરાસરના દરવાજે ઊભી રહે છે . એક જમાનામાં કામઠીનો ઠાઠમાઠ નાગપુરથી વધારે હતો . કુદરતી આપદામાં કામઠી કમજોર પડ્યું . કામઠીવાસીઓએ સ્થળાંતર કર્યું . ઘણાખરા કામઠીવાસીઓ રાજનાંદગાંવમાં જઈ વસ્યા . રાજનાંદગાંવમાં માનવ મંદિર ચોક અને ભારતમાતા ચોકની આસપાસ કામઠી ગલી અથવા કામઠી લાઈન છે . આ એરિયા આવાસીય પણ છે અને વ્યાવસાયિક પણ છે . એક શહેર સ્થળાંતર કરે અને જ્યાં વસે ત્યાં એ જ શહેરનાં નામે વિસ્તાર બને એવું ઓછું બને છે . કામઠી સાથેના અનુભવોય ઘણા છે .
૮. હું બનારસથી 2014માં નાગપુર આવ્યો ત્યારે શરીરમાં પિત્તદાહ , ત્વચારોગ ઉગ્ર બનેલા . અમરસ્વરૂપ પરિવાર દ્વારા નિવાસ વ્યવસ્થા અમર સ્વરૂપ સંકુલમાં થઈ હતી . પારડીવાસીઓએ બે વરસ ગજબ સેવા કરી છે . દિવાળીમાં વિરાટ જળમંદિર બન્યું હતું . સામેની સ્કૂલમાંથી આઠસો હજાર વિદ્યાર્થીઓનું જનગણમન રોજ ઉપાશ્રયમાં સંભળાય . એક દિવસ સ્કૂલના બધાય વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપેલું અને પારડીવાસીઓએ એમને બુંદીના પેકેટ આપ્યા હતા . તે પછી પારડીનું દરેક બાળક જૈનમુનિને , બુંદીવાલે બાબા કહેવા લાગ્યું હતું . એક દિવસ પારડીનાં દરેક ઘરમાં સેંકડો રોટલી બની હતી . ઉપાશ્રયમાં બધી રોટલીઓ ભેગી થઈ હતી . આશરે વીશ પચીશ બાલટીઓ રોટલીથી ભરાઈ ગઈ હતી . પારડીવાસીઓ , ભારતીદીદી ગૌશાળા પહોંચ્યા હતા . ત્યાંની બધી જ ગાયોને નવકાર અને અન્ય મંત્ર સંભળાવ્યાં હતાં . નાના મોટા સૌએ પોતાના હાથે ગાયને તાજી રોટલીઓ ખવડાવી હતી . ગૌશાળાના સંચાલકો રાજી રાજી થઈ ગયા હતા . ત્યાં એક કામધેનુ ગાય હતી . એને બચ્ચા નહોતા પણ એ રોજ દૂધ આપતી હતી .
પારડીના અનુભવો ઘણા છે .
૯.નાગપુરનિવાસી જૈનોને એક વિચાર આપેલો કે – જૈન નવાં ઘરમાં રહેવા જાય તે પૂર્વે સિદ્ધચક્ર મહાપૂજન નવાં ઘરમાં જ ભણાવે . આ વિચારને નાગપુરે વધાવ્યો અને પચાસથી વધુ નવાં ઘરમાં એવું થયું છે કે પહેલાં સિદ્ધચક્ર પૂજન ભણાવાયું પછી રહેવાનું શરૂ થયું . એ ઘરોમાં સિદ્ધચક્ર પૂજનની જે ઊર્જા વસી એનો સ્પર્શ રહેવાસીઓ કાયમ અનુભવે છે. જેના પરિવારનું પૂજન હોય એમાંથી કોઈ પૂજનના દિવસે આંબેલ કરે અને બાકીના સૌ અભક્ષ્ય ભક્ષણ અને રાત્રિભોજન ન કરે . આટલો નિયમ યથાસંભવ રાખવાનો . આ સિવાયનાં બીજાં ગણો તો નાગપુરમાં એકસોથી વધુ સિદ્ધચક્ર પૂજન થયાં છે . સિદ્ધચક્ર પૂજનમાં છેલ્લે પાંચ અભિષેક હોય છે તે એકીસાથે નવ કળશથી થાય અને આ નવ કળશ અભિષેક શાંતિથી થાય એની કાળજી દરેક પૂજનમાં લેવાઈ છે . નાગપુરનિવાસીઓએ ખૂબબધા નવ કળશ અભિષેક કર્યા છે , શુદ્ધવિધિથી અને ઉતાવળ વિના .
૧૦. નાગપુરનિવાસી જૈનોને એક પ્રેરણા આપી હતી . પરિવારમાં લગ્ન પ્રસંગ આવે ત્યારે બે કામ કરી શકાય . એક , લગ્નની ખરીદી શરુ થાય તે પૂર્વે પ્રભુ માટે કશુંક નવું ખરીદવું , સાત ક્ષેત્રમાં લાભ લેવો , જીવદયા – અનુકંપા કરવી . બે , લગ્નનાં ઉપલક્ષમાં સિદ્ધચક્ર પૂજન રાખવું . નાગપુરના કેટલાય પરિવારોએ લગ્ન પૂર્વે અથવા લગ્ન પ્રસંગે સાત ક્ષેત્રનું સુકૃત અને સિદ્ધચક્ર પૂજન કર્યું છે . સૌએ એક જ વાત કહી : સાહેબ , આપે કહ્યું ન હોત તો આ સુકૃત થાત નહીં . કોઈએ દેરાસરમાં ઝુમ્મર સમર્પિત કર્યાં , કોઈએ ચાંદીનાં છત્ર . કોઈએ અષ્ટપ્રકારી પૂજાનો સામાન અર્પિત કર્યો , કોઈએ આંગી . જૈન લગ્ન નિમિત્તે લાખોકરોડોનો ખર્ચો કરે જ છે . તો પછી લગ્ન નિમિત્તે ઉત્કૃષ્ટ સુકૃત શું કામ નહીં .
૧૧ . નાગપુરની સેન્ટ્રલ જેલ જોઈ છે . આજથી એટલે કે 2026થી ૧૬૨ વરસ પહેલાં 1864 માં બ્રિટીશરોએ બનાવી . બ્રિટીશ સલ્તનત સામે અવાજ ઊઠાવનાર ભારતીય ક્રાંતિવીરો , સ્વતંત્રતા સેનાનીઓ અને રાજનૈતિકોને સજા રૂપે આ જેલમાં કેદ થતી . એક સ્વતંત્રતા સેનાનીને બ્રિટીશરોએ આ જેલમાં ફાંસી પણ આપી હતી . આઝાદી પછીનાં વર્ષોમાં અહીં મોટા ગુનેગારોને રાખવામાં આવે છે . ૨૧ ગુનેગારોને તો ફાંસી પણ અપાઈ છે . છેલ્લી ફાંસી યાકુબ મેમનને થઈ. આ જેલમાં હું વ્યાખ્યાન આપવા ગયેલો .
ત્યારે જેલમાં ૧૫૦૦થી ૧૮૦૦ કેદી હતા . કોઈ convict હતા , સત્તાવાર સજા પામેલા . કોઈ Under-trial હતા , કેસ ચાલુ હતો સત્તાવાર સજા નક્કી થઈ નહોતી . કોઈ Detenues હતા , નજરબંધીમાં હતા . કોઈ Habitual હતા , કાયમી ગુનેગાર હતા . કોઈ Casual હતા , પહેલી વખતના ગુનેગાર . Woman prisoners અલગ . અત્યારે આ લખી રહ્યો છું ત્યારે 2026માં જેલની કેપેસેટી ૧૯૪૦ કેદીઓની છે અને કેદીઓની સંખ્યા આશરે ત્રણ હજાર છે . શું જમાનો આવ્યો છે ? ગુનેગારો એટલા વધી ગયા છે કે જેલ નાની પડે છે . આ ગુનેગારો જેલમાંય સીધા રહેતા નથી . સુરક્ષાકર્મીઓ પર હુમલા કરે છે . ચાલાકીથી ચરસગાંજા મંગાવે છે . અવૈધ રીતે મોબાઈલ રાખે છે . અન્ય કેદીઓને હેરાન કરે છે . જેલ તોડીને ભાગવાની કોશિશ કરે છે . ખૂન અને આત્મહત્યાના સમાચારો બને છે . રિમોટ કંટ્રોલથી બહાર ગુંડાગીરી ચલાવે છે . પોતાના ગુનાને ગુનો માનવા તૈયાર નથી . સેન્ટ્રલ જેલને ભારતીય ભાષામાં મધ્યવર્તી કારાગૃહ કહેવાય છે . આ જેલમાં રેંજીપેંજી ગુનેગારો નથી રહેતા , બધા માથાભારે હોય છે . કોઈ ખૂની . કોઈ બળાત્કારી . કોઈ દેશદ્રોહી . કોઈ સરકાર વિરોધી . કોઈ દાણચોર . કોઈ લૂંટારો . કોઈ નિનૈતિક . એમની સમક્ષ વ્યાખ્યાન આપવાનું હતું . વ્યાખ્યાન પછી એમને મીઠાઈ કે ફળની પ્રભાવના કરાવવી હતી પરંતુ જેલ પ્રશાસને એમ કહીને ના પાડી હતી કે આ કોઈ સજ્જનો નથી , આ ગુનેગારો છે ગુનેગારો . એ કેદીઓને મીઠાઈ કે ફળની નહીં પણ સદ્ બુદ્ધિની જરૂર છે .
હા , વ્યાખ્યાન આપ્યું હતું . સૌપ્રથમ એમને એમની ગુનાવિનાની પ્રારંભિક જિંદગીની યાદ અપાવી હતી . એમના પરિવારની આત્મીયતા યાદ કરાવી હતી . એ લોકોને એમાં પોતાની પ્રશંસા દેખાઈ હશે . એ રાજી થયા હતા . તે પછી એમને એમના ગુનાની ક્ષણો એ રીતે યાદ કરાવી હતી કે એ અવાક્ થઈ ગયા હતા . ત્યારબાદ એમને જે સજા થઈ એની વાતો એ રીતે કહી કે એમને એ સજા માટે અને ગુના માટે પસ્તાવો થાય . છેલ્લે સૌએ પ્રભુને પ્રાર્થના કરી કે એકવાર જે ગુનો અમે કર્યો એ કર્યો પણ અમે બીજીવાર એ ગુનો નહીં કરીએ . અમારા ગુનાની સજા અમને થઈ એથી વધુ અમારા પરિવારને થઈ છે . અમે દુઃખી છીએ કેમ કે અમે ગુનેગાર છીએ . અમારો પરિવાર દુઃખી છે પણ એ તો ગુનેગાર જ નથી . પ્રભુ , અમારા પરિવારને તું સંભાળી લે . આશરે દોઢ કલાક વ્યાખ્યાન ચાલ્યું હતું . એમાં કેદીઓની આંખમાં વારંવાર આંસુ જોવા મળ્યાં હતાં . કેદીઓ પાસે પોતાનાં આંસુ લૂંછવા રૂમાલ નહોતા . કેદીઓના માથે જેલના ડ્રેસકોડની સફેદ ટોપી હતી . કેદીઓ પોતપોતાની ટોપીથી આંસુ લૂંછી રહ્યા હતા .
પાછા વળતા મેં સેન્ટ્રલ જેલની દીવાલ પર લખેલી કવિતા જોઈ હતી . શબ્દો મરાઠીમાં હતા : उत्तुंग भिंतीच्या मागे , लोखंडी शिंगाच्या आत . आमची दुर्दैवाची वसती , आम्ही काय करावे जगती . १ / ते दिस कधि येतील , जेव्हा असले दुःख नसेल . येथे शोक मुखि उस्सास , आयुष्य क्षण क्षण मोजतात . २ / आम्हि रहिवासी या वसतीचे , करुं कार्य सच्चे सच्चे . येथे सुधारुन कायमचे , करु सार्थक आयुष्याचे . ३ ( ઊંચી દીવાલોની પાછળ અને લોખંડી સળિયાની અંદર અમારો દુર્ભાગી નિવાસ છે . અમે શું કરીએ ? . ૧ / એ દિવસ ક્યારે આવશે ? કે જ્યારે આ કેમનું દુઃખ નહીં હોય . અહીં મનમાં શોક બને છે , મોઢેથી નિશ્વાસ નીકળે છે . આયુષ્યની એક એક પળ ગણી ગણીને સમય વીતાવી રહ્યા છીએ . ૨ / અમે જેલ નામની વસાહતમાં કેદી બનીને રહીએ છીએ . અમે સારાં સારાં કામ કરીશું , ખુદને સુધારીશું અને જીવનને સાર્થક બનાવીશું . ૩ )
અમે જેલ જોવા ગયા હતા . સળિયાની અંદર . એકાંત વિનાનો હોલ હતો એમાં ચાલીસ પચાસ કેદીની પથારીઓ . આવા ઘણા હોલ . અહીં જ બેસવાનું અને સૂવાનું . રીઢા ગુનેગારની કાળકોટડી દૂરથી જોઈ . એક ખોલીમાં એક કેદી . ફાંસીખાનું જોવા જવાનું મન ન થયું . ત્યાં એક સાથે બે ફાંસીની વ્યવસ્થા છે , જેલના પુલિસ અધિકારીએ કહ્યું . મહિલાઓની જેલ અલગ હતી . એ મહિલાઓની ક્રૂરતાના કિસ્સાઓ સાંભળીએ તો હેબતાઈ જવાય . જેલનું રસોડું જોયું . સાદું ખાવાનું હતું . કેદીઓ જ રસોઈ બનાવે છે . એક કેદીએ થોડી દાળ જમીન પર ઢોળીને બતાવી . કહ્યું : દેખો કૈસી દાલ મિલતી હૈ ? દાલ કમ હૈ , પાની જ્યાદા હૈ . સરકાર કો બોલો , ખાના તો અચ્છા દે . પુલિસ અધિકારીએ કેદી સામે જોયા વગર મને કહ્યું : સબ કો હેલ્ધી ડાયેટ હી મિલતા હૈ , કૈસા ખાના દેના હૈ વહ હમે ડોક્ટર બતાતા હૈ . ખાના વહી મિલેગા જો ડોક્ટર બોલેગા . હું ચૂપચાપ મલકાયો . મારી સામે કેદીને ઠપકો મળ્યો નહોતો . વરસેદહાડે કેટલાય મહાનુભાવો કેદીઓને સદ્ બુદ્ધિ આપવા આવે છે . ક્યારેક કોઈ કેદી સહાનુભૂતિ જીતવા ફરિયાદ કરી દે છે પણ એનું ઉપજતું કાંઈ નથી .
જેલ પ્રશાસન ગૃહ ઉદ્યોગની જેમ જેલ ઉદ્યોગ પણ ચલાવે છે . કેદીઓ પાસે કામ કરાવીને જેલ પ્રશાસન દર વરસે કરોડો કમાય છે . દા.ત. નાગપુરની સિવિલ કોર્ટની નવમંજિલા ઈમારતનું સંપૂર્ણ ફર્નિચર કેદીઓના હાથે બન્યું છે . આનાથી એક વાત સમજાઈ : વિચિત્રમાં વિચિત્ર માણસ પાસેથી પણ કામ લઈ શકાય છે . કામ લેતાં આવડવું જોઈએ . આપણે માણસને વિચિત્ર કહીને વખોડી નાંખીએ છીએ . આપણને એમ લાગે છે કે એ વિચિત્ર છે માટે નકામો છે . પરંતુ દરેક વિચિત્ર માણસ નકામો હોતો નથી . જેલ પ્રશાસને ખૂની , કેદી , દ્રોહી , ચોર લોકોને જેલમાં પણ એ રીતે કામે લગાડ્યા છે કે તેઓ દેશને , રાજ્યને અને પોતાની જિંદગીને કામ લાગે છે . બીજી વાત પણ સમજાઈ : ખરાબમાં ખરાબ માણસનું પણ ભલું થાય એવું વિચારવું જોઈએ . કેદીઓ સારું સાંભળે છે . એમના વિચારોમાં , વહેવારમાં સુધારો આવે છે . ગુનેગારની અંદરનો ગુનેગાર થોડો થોડો મરતો રહે છે .
૧૨. નાગપુર સાથે છવ્વીસ વરસથી સંબંધ બનેલો છે . જે બાળકો લોગસ્સ શીખવા પાઠશાળા આવતા હતા તે આજે મહિને લાખોની કમાણી કરે છે . જે દીકરી મારી પાસે ઈરિયાવહિયં શીખવા આવતી હતી તે આજે ઈન્ટરનેશનલ માર્કેટમાં મન્થલી હજારો ડોલર કમાઈ રહી છે . જેમને પહેલીવાર ઉપાશ્રયમાં પગ મૂકતા જોયા હતા તે આજે ટ્રસ્ટી છે . જેમને ખાવાપીવાના ગાંડા શોખ હતા તે આજે તપસ્વી તરીકે આદર પામી રહ્યા છે . જેમના માથે દેવું હતું તે આજે દાનવીર તરીકે આગલી હરોળમાં ઊભા છે . જે ડિપ્રેશનમાં રહેતા હતા તે આજે પાક્કા સ્વાધ્યાયી છે . જેમને ગુરુવંદન આવડતું નહોતું એ આજે પખ્ખી પ્રતિક્રમણમાં કડકડાટ અતિચાર બોલે છે . જે નાસ્તિક હતા તે આજે કટ્ટર ગુરુભક્ત છે . જે ભાડાનાં ઘરમાં રહેતા હતા તે આજે મોટા બંગલામાં બેઠા છે . જે ધર્મવિરોધી હતા તે આજે ચુસ્ત ધર્મારાધક છે . જે હાથલારી ફેરવતા હતા તે આજે અનેક દુકાનોના માલિક છે . જે સાધારણ પરિસ્થિતિના હતા તે આજે સંઘપતિ બની ચૂક્યા છે . દેખાય છે કે ઘરો વધ્યાં છે , દેરાસરો વધ્યાં છે , સોસાયટીઓ વધી છે , સંઘો વધ્યા છે . ચોક્કસ કહી શકાય કે બોધ વધ્યો છે , ક્રિયા વધી છે , પૈસો વાપરનારા વધ્યા છે , તપસ્યાઓ અને યાત્રાઓ વધી છે . મોટાં ચોમાસાઓ થાય છે . અમારે નાગપુર ચોમાસું કરવું છે એવા સંદેશા ગુરુ ભગવંતો તરફથી આવે છે . કેટલાય છ’રી પાલક સંઘો નાગપુરનાં નેજા હેઠળ સફળ રહ્યા છે . વડીલો વહેવારુ અને વિવેકી છે . યુવાનો શ્રદ્ધાળુ અને સક્રિય છે . શ્રીમંતો ઉદાર અને નમ્ર છે . મહિલા મંડળો જાગૃત અને ભક્તિસંપન્ન છે . આ નાગપુરને હું છવ્વીસ વરસથી જોતો આવ્યો છું . મારી શારીરિક અનુકૂળતા પ્રતિકૂળતાને નાગપુર બરોબર જાણે છે અને મને સાચવે છે , માબાપની જેમ જ . હું ક્યારે મોક્ષમાં જઈશ , ખબર નથી . હું જ્યારે પણ મોક્ષમાં જઈશ ત્યારે મારી સાથે જો કોઈ જીવો મોક્ષમાં આવશે તો એમાં બહુમતી નાગપુરથી આવેલા જીવોની હશે .
( વિ.સં.૨૦૭૯માં મહા સુદ પાંચમે મારો નાગપુરથી ઋજુવાલિકા તરફ વિહાર થયો હતો . વહેલી સવારે મીની સિદ્ધચક્ર પૂજન . મધ્યાહ્ન કાળે શ્રી અજિતનાથ જિનાલયમાં ધ્વજારોહણ . સાંજે ઈક્ષુદંડનાં શુકનપૂર્વક પ્રસ્થાન . )