પાવાપુરી પહોંચ્યા ત્યારે જલમંદિર અને જલમંદિરનું તળાવ ધુમ્મસથી આવૃત્ત હતાં . ન જલમંદિર દેખાઈ રહ્યું હતું , ન તળાવનું પાણી . જાણે જલમંદિર કે તળાવ પાવાપુરીમાં હોય જ નહીં એવો નજારો હતો . સફેદ વાદળ સિવાય કશું દેખાતું નહોતું . મોક્ષ કલ્યાણક મંદિરની સામે જ ઉપાશ્રય છે , ત્યાં રોકાઈને રાહ જોઈ . બપોરે ધુમ્મસ વિખરાયું પછી જલમંદિર જવા નીકળ્યા . લાંબો લાલ પૂલ સાંકડો લાગે એવી ભીડ હતી . યાત્રાળુઓ ઘણા હતા . ભીડનું એકેએક ટોળું પોતાની મરજી મુજબ આગળ નીકળી શકે એ રીતે ધીમે ધીમે ચાલીને પૂલ પાર કર્યો .
દેવલોકનો કોઈએક દિવ્યખંડ ઈન્દ્ર મહારાજાએ મનુષ્યલોકમાં મૂકી દીધો હોય અને આ દિવ્યખંડને મનુષ્યલોકનો સ્પર્શ ન થાય એ માટે ઈન્દ્ર મહારાજાએ જ ચોતરફ વિશાળ તળાવ સ્વયં રચી દીધું હોય એવું અપાર્થિવ વાતાવરણ છે , જલમંદિરનું . જલમંદિરમાં છે કેવળ ચરણપાદુકા પરંતુ અહીં જીવિત સ્વામી પ્રતિમા બિરાજે છે એવી અનુભૂતિ વરતાય છે . ત્રણ પ્રદક્ષિણા આપીને મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે એવું લાગ્યું કે મનુષ્ય પાછળ રહી ગયો છે , અપાર્થિવ લોકમાં પદાર્પણ થયું છે . અમુક વિચારો અટકી જ ગયા . ચોક્કસ અધ્યવસાયોએ મન પર કબ્જો જમાવી લીધો . મોક્ષ કલ્યાણક પછીનો ઘટનાક્રમ નજર સામે આવી રહ્યો હતો . અગણિત દેવતાઓ શોકમાં હતા . દેવતાઓના સ્વામી ઈન્દ્ર શોકાર્ત . મનુષ્ય લોક પણ પ્રભુની વિદાયથી પીડામાં જ હતો . પરિવારજનોનું પૂછવું જ શું ? મોક્ષ કલ્યાણક ભૂમિથી અંતિમ યાત્રા નીકળી હતી . દેવદેવીઓ વિદાયગીત , વિદાયનૃત્ય દ્વારા જાણે આંસુના અભાવનો લાગણીભર્યો પ્રત્યુત્તર રચી રહ્યા હતા . ધરતી પર મનુષ્યો પથરાયા હતા . આભના એક એક ખૂણે દેવદેવીઓ હતા .
પ્રભુની પાલખી સમંદરમાં તરતી સરકતી નૌકાની જેમ અહીં પહોંચી હતી . પરિવારજનો એ ક્ષણોના કેવળ સાક્ષી હતા . વિધિ દેવોએ સંભાળી હતી . જળદેવતા દ્વારા ભૂમિશુદ્ધિ . અગ્નિકુમાર દેવો દ્વારા ચંદનચિતામાં અગ્નિ પ્રાકટ્ય . વાયુદેવતાઓ દ્વારા અગ્નિજ્વાળાઓમાં વેગ . એ આગનો ધુમાડો દૂર અને ઊંચે કેટલે સુધી ગયો હશે ? એ ધુમાડો જેને અડ્યો હશે એ કેવા પાવન થયા હશે ? એ ધુમાડાને આલોકતાં કેવું દુ:ખ થયું હશે . પ્રભુ જેવા પ્રભુની કાયા પણ અગ્નિશરણ બની હતી . કેવું કારમું સત્ય ? આખરે જળદેવતાઓ દ્વારા અગ્નિ શમન . અનંત ઊર્જામય રાખ લોકો લૂંટી ગયા હતા , જેને રાખ ન મળી તે ભૂમિની પાવન માટી લૂંટી ગયા . એટલી માટી લૂંટાઈ કે ખાડો સર્જાઈ ગયો . એ ખાડો ખાઈ જેવો વિશાળ હતો . એમાં પાણી ભરાયા . એમ કલ્પના કરી શકાય કે ખાઈમાં જલદેવતાએ કાયમી નિવાસ રચ્યો . વચોવચ રચાયું જલમંદિર . મહારાજા નંદીવર્ધને એના કણકણમાં પોતાની શ્રદ્ધા , આત્મીયતા , પ્રેમાનુભૂતિ ભરી દીધી .
અંતિમ વિદાયનો આખોય પ્રસંગ , એના સાક્ષિપાત્રો સાથે નજર સામે તરવરતો રહ્યો . આંખો એ રીતે વરસી હતી જાણે અગ્નિસંસ્કારનો ધુમાડો આંખને અડી રહ્યો હોય . સમયના શ્વાસ જાણે હાંફી રહ્યા હતા . ભરબપોરનું ભરપૂર અજવાળું , પ્રભુની ઊર્જાની જેમ જ જલમંદિરની ભીતરમાં પથરાયેલું હતું .
જલમંદિર એટલે પ્રભુ વીરનો ચરમ સ્પર્શ . જલમંદિર એટલે નંદીવર્ધન રાજાનો આત્મીય ભાવ . જલમંદિર એટલે કરોડો દેવદેવીઓએ ઉજવેલું વીરવિદાયપર્વ. જલમંદિર એટલે અગણિત માનવો દ્વારા અવલોકિત અલૌકિક અગ્નિસંસ્કાર .
એક તરફ પાવાપુરી મોક્ષ કલ્યાણક ભૂમિથી પ્રભુ મોક્ષમાં પધાર્યા , બીજી તરફ અગ્નિસંસ્કારભૂમિથી દેવલોકમાં અલગ અલગ સ્થાને પ્રભુના દાઢા – અસ્થિ પધાર્યા . જે દેવલોકમાં જે દાઢા છે , જે અસ્થિ છે ત્યાં આજે પણ પ્રભુ મહાવીરનું , ઔદારિક ચૈતન્ય મૌજૂદ છે . લોકપ્રકાશ જેવા શ્રદ્ધેય ગ્રંથો કહે છે કે એ ઔદારિક ચૈતન્ય દેવલોકમાં શાતા રચે છે , વિઘ્ન નિવારે છે , સંક્લેશ હરે છે , કષાય શમાવે છે . મન કહે છે જ્યાં એ ઔદારિક ચૈતન્ય હશે ત્યાં પાવાપુરીનું નામ અદૃશ્ય રૂપે અંકિત હશે જ .
( યાત્રા : 7.1.2025 )
