પાવાપુરીમાં ત્રણ ભૂમિની યાત્રા કરવાની હોય છે : જલમંદિર , મોક્ષ કલ્યાણક મંદિર અને અને સમવસરણ મંદિર . સમવસરણ મંદિરની ભૂમિ પર બનેલી ઘટનાઓ કંઈ કંઈ ? આનો જવાબ લાંબો છે.
કેવળજ્ઞાન પછી પ્રભુ મહાવીરને સર્વ પ્રથમ પ્રશ્ન કોણે પૂછ્યો ? મોક્ષગમન પૂર્વે પ્રભુ મહાવીરને સૌથી છેલ્લો પ્રશ્ન કોણે પૂછ્યો ? આ બંને પ્રશ્નોના જવાબમાં શ્રી ગૌતમ સ્વામીજીનું એક નામ આવે છે . જોવા જેવી વાત છે કે બન્ને પ્રશ્ન પાવાપુરીમાં સમવસરણ મંદિરની ભૂમિ પર જ પૂછવામાં આવ્યા હતા . વીર ગૌતમના મંગલ સંવાદ સમવસરણ મંદિરની ભૂમિ પર કેટલીવાર સંપન્ન થયા હશે ? ગણના ન થઈ શકે .
પ્રથમ સત્તાવાર પ્રશ્ન છે : ભગવન્ તત્ત્વ શું છે ? આ પ્રશ્ન ત્રણ વાર પૂછવામાં આવ્યો હતો . આ પ્રશ્નના આધારે દ્વાદશાંગીની રચાઈ હતી . સમવસરણ મંદિરની ભૂમિ પર શાસન સ્થાપના થઈ , પ્રભુના હાથે સર્વપ્રથમ દીક્ષા થઈ , અગિયાર ગણધરો અને એમના ૪૪૦૦ શિષ્યોની દીક્ષા થઈ , ગણધરવાદ થયો , દ્વાદશાંગીની રચના થઈ , આર્યા ચંદનબાળા ની દીક્ષા થકી શ્રમણીસંઘ પ્રવર્ત્યો , સેંકડો નરનારીઓએ બાર વ્રત સ્વીકાર્યા . સમવસરણ મંદિરની ભૂમિ પર પ્રભુના પ્રખર દ્વેષી પ્રભુના ઉત્કૃષ્ટ પ્રેમી બન્યા છે , મિથ્યાત્વી જીવો સમકિતી બન્યા છે , અવિરતિમાં જે મગ્ન હતા તે સર્વવિરતિ સંપન્ન બન્યા છે , જે શાસનથી વંચિત હતા તે શાસન સાથે જીવનભર માટે જોડાઈ ગયા છે , ૨૧૦૦૦ હજાર વરસ સુધી ચાલનારી ધર્મ વ્યવસ્થાનાં મંડાણ થયાં છે , પ્રભુ મહાવીરે છેલ્લું નમો તિત્થસ્સ કહ્યું હતું .
અંતિમ પ્રશ્ન વિવિધ તીર્થ કલ્પ અંતર્ગત બૃહદ્ અપાપાપુરીકલ્પમાં વાંચવા મળે છે . પ્રભુ મહાવીર સમવસરણમાં અંતિમ દેશના ફરમાવે છે . તે પછી પુણ્યપાલ રાજા પોતે જોયેલા આઠ સપનાં વિશે પ્રશ્ન પૂછે છે . પ્રભુ એનો વિગતવાર જવાબ આપે છે અને આઠ ભવિષ્યકથન કરે છે . આ પછી શ્રી ગૌતમ સ્વામીજી અંતિમ પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ , આપનાં મોક્ષગમન પછી ભવિષ્યમાં શું શું થશે ?
પ્રભુ આ અંતિમ પ્રશ્નના જવાબમાં આ અવસર્પિણીનો પાંચમો અને છઠ્ઠો આરો કેવો હશે એનું વર્ણન કરે છે . તેમ જ આગામી ઉત્સર્પિણીનો પહેલો , બીજો , ત્રીજો , ચોથો , પાંચમો અને છઠ્ઠો આરો કેવો હશે એનું પણ વર્ણન કરે છે . આટલો વિશાળ સમયખંડ આવરી લેવા માટે પ્રભુએ કેટલું લાંબુ કથન કર્યું હશે ? પ્રભુની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર તરીકે અતિશય પ્રસિદ્ધ છે , અંતિમ ભવિષ્યવાણી ઓછી પ્રસિદ્ધ છે .
૧. પ્રભુની ભવિષ્યવાણી હતી કે મારાં મોક્ષગમનનાં ચોસઠ વર્ષ પછી જંબૂ સ્વામી મોક્ષમાં જશે . એમના પછી મોક્ષગમન બંધ થશે . મારાં મોક્ષગમનનાં ૧૭૦ વર્ષ પછી ચૌદ પૂર્વમાંથી અંતિમ ચાર પૂર્વ ઉચ્છેદ પામશે મારાં મોક્ષગમનનાં ૫૦૦ વર્ષ પછી દશમું પૂર્વ ઉચ્છેદ પામશે . પછી આચાર્યો અને રાજાઓની પરંપરા થશે .
૨. છેલ્લા આચાર્ય હશે દુપ્પસહસૂરિ . છેલ્લા રાજા હશે વિમલવાહન . એમનું આયુષ્ય પૂર્ણ થશે એ સાથે જ ધર્મ તીર્થનો વિલોપ થશે . પાંચમો આરો પૂર્ણ થશે . છઠ્ઠો આરો શરૂ થશે . આકાશમાંથી આગ વરસશે . પ્રલય પવન ફૂંકાશે . ઝેરીલા વરસાદ થશે . અસિ મસિ કૃષિનો નાશ થશે . તડકો અસહ્ય હશે . ઠંડી અકલ્પનીય હશે . જમીન રસકસવિહોણી થશે . પુરુષો અને મહિલાઓ અને જનાવરો વૈતાઢય પર્વતની ૭૨ ગુફાઓમાં છૂપાઈ જશે . એમની વંશપરંપરા આગળ વધશે . છઠ્ઠા આરાના પુરુષો અને મહિલાઓ મોટેભાગે નરકગામી હશે કેમકે એમનું જીવન ક્રૂર અને ધર્મભ્રષ્ટ હશે . એકવીસ હજાર વરસનો છઠ્ઠો આરો પૂરો થશે . આ અવસર્પિણી પૂર્ણ થશે . નવી ઉત્સર્પિણી પ્રારંભ પામશે . એકવીસ હજાર વરસનો પહેલો આરો આવશે . વાતાવરણ એવું જ રહેશે . બીજો આરો આવશે . સૌ પ્રથમ સાત દિવસ સુધી પુષ્કરાવર્ત મેઘ વરસશે . તે પછી ક્ષીરોદક , ઘૃતોદક , અમૃતોદક , રસોદક આ ચાર મેઘ પણ ક્રમશઃ સાત સાત દિવસ માટે વરસશે . જમીનમાં રસકસ જાગશે . પુરુષો અને મહિલાઓ અને જનાવરો વૈતાઢ્ય પર્વતની ૭૨ ગુફાઓમાંથી બહાર આવશે અને સામાન્ય જીવનનો આરંભ થશે .
૩. સમય આગળ વધશે . સાત કુલકર થશે . તેમાં પ્રથમ કુલકર વિમલવાહન હશે . એમને પૂર્વ ભવનું જ્ઞાન પ્રાપ્ત થશે . જાતિ સ્મરણ જ્ઞાનના આધારે તે માનવીય આવશ્યકતા આધારિત જીવન વ્યવસ્થાઓ પ્રવર્તાવશે . ત્રીજો આરો આવશે , ત્રેવીસ તીર્થંકરો થશે . ચોથો આરો આવશે , અંતિમ તીર્થંકર થશે . તે પછી દશ કલ્પવૃક્ષ ઉત્પન્ન થશે . તે પછી યુગલિક પરંપરાનું પ્રવર્તન થશે .
આટલું કથન સંપન્ન થયા બાદ પ્રભુ સમવસરણથી નીકળીને હસ્તિપાલ રાજાની શુલ્કશાલામાં પધાર્યા . આ મુજબ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના દશમા પર્વના તેરમા સર્ગના ૨૧૭મા શ્લોકમાં લખ્યું છે . પ્રભુએ ગૌતમગુરુને દેવશર્મા પ્રતિબોધ માટે જવાનો આદેશ કર્યો હસ્તિપાલ રાજાની શુલ્કશાલામાં . ઈન્દ્ર મહારાજાએ પ્રભુને એક ક્ષણનું આયુષ્ય વધારવાની વિનંતી કરી હતી હસ્તિપાલ રાજાની શુલ્કશાલામાં .
પ્રભુનાં સમવસરણની ભૂમિ પર સ્તૂપ છે , ચમત્કારી કૂવો છે . ખબર નહીં કેમ પણ આ ભૂમિ વરસો વરસો સુધી ઉપેક્ષામાં ગરક રહી . તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્ય પ્રભાવે આ ભૂમિ પર સમવસરણ મંદિરની રચના થઈ . આ સંગેમરમરી સમવસરણની યાત્રાનો આનંદ થોડા જ સમય માટે મળ્યો . કારણ કે લાંબો વિહાર બાકી હતો . પાવાપુરીમાં એક જ દિવસ રહેવાનું થયું હતું . સવારે ધુમ્મસ , બપોરે જલમંદિર યાત્રા , મોડી બપોરે મોક્ષ કલ્યાણક જિનાલય , સાંજે સમવસરણ મંદિર .
