૧. અનાક્રમણ અને અહિંસાની અનુમોદના
ભારતમાં જ્યારથી ઇસ્લામપંથી મુસલમાનો આવ્યા ત્યારથી હિંસા અને વિધ્વંસનો પીડાભરેલો સમય શરૂ થયો . ઈસાઈ વર્ષ ૭૧૨માં ભારત દેશ પર સર્વ પ્રથમ ઈસ્લામિક આક્રમણ મોહમ્મદ બિન કાસીમે કર્યું . એણે સિંધ પ્રદેશ અને મુલતાન પર કબજો જમાવ્યો હતો . ઈસાઈ વર્ષ ૧૦૦૦ થી ૧૦૨૭ સુધીમાં મોહમ્મદ ગજનવીએ સત્તર વખત ભારત પર આક્રમણ કર્યું . ઈસાઈ વર્ષ ૧૧૯૨ સુધીમાં મોહમ્મદ ઘોરીએ ભારત દેશમાં પગ જમાવ્યા . ઈસાઈ વર્ષ ૧૨૦૬ થી ૧૫૨૬ સુધી , કુતુબુદ્દીન એબક દ્વારા સ્થાપિત ગુલામ વંશ અંતર્ગત ગુલામ – ખિલજી – તુઘલક – સૈયદ – લોદી વંશના શાસકોએ ભારતમાં ઈસ્લામિક રાજ્ય ચલાવ્યું . ઈસાઈ વર્ષ ૧૫૨૬ માં બાબરે ઈબ્રાહિમ લોદીને હરાવીને મુગલ સામ્રાજ્યનો પાયો નાંખ્યો . મંગોલિયન શાસક તૈમૂરલંગ જેણે બે કરોડ માનવોની હત્યા કરી હતી એનો છટ્ઠો વંશજ હતો બાબર . બાબરની માતા ચંગેઝ ખાનની વંશજ હતી . એ ચંગેઝ ખાન જેણે ચાર કરોડ માનવોની હત્યા કરી હતી . બાબરે આ વારસો જાળવ્યો હતો . બાબરનામામાં અનેક હિંદુ નરસંહારનું વર્ણન વાંચવા મળે છે . બાબર એટલે અયોધ્યાનું રામમંદિર તોડીને એની જગ્યાએ મસ્જિદ સ્થાપનારો શાસક . બાબરે હિંદુઓની કતલ તો કરી જ હતી , માર્યા ગયેલા હિંદુઓની ખોપડીઓના એ ઊંચા મીનારા બનાવતો હતો . બાબરની ગાદી પર બેસનાર હુમાયુને અને હુમાયુની ગાદી પર બેસનાર અકબરને કત્લેઆમનો આ જ વારસો મળ્યો હતો . મુગલ સામ્રાજ્યનો છેલ્લો બાદશાહ હતો બહાદુર શાહ જફર , જેને હટાવીને અંગ્રેજોએ ઈસાઈ વર્ષ ૧૮૫૭માં ઈસ્લામિક યુગનો અંત આણ્યો હતો અને બ્રિટીશ સામ્રાજ્યનો મજબૂત પાયો રચ્યો હતો .
મુસલમાનોના શાસનકાળમાં ભારત દેશના કેટલા હિન્દુઓની કતલ થઈ , કેટલાં મંદિરોનો ધ્વંસ થયો આ પ્રશ્નનો જવાબ કડવો છે . અલગ અલગ લેખકો પાસેથી અલગ અલગ આંકડા મળે છે . એક વાત ચોક્કસ છે કે કોઈ આંકડો નાનો નથી . આ જ કારણસર એક પ્રશ્ન હંમેશા ઊભો રહે છે કે આ ઈસ્લામી શાસકો પ્રશંસાને લાયક હતા ખરા ?
આજે આપણે સ્વતંત્ર ભારત દેશમાં જીવીએ છીએ . આજે દેશ પર ન તો મુસલમાનોનું રાજ છે , ન તો અંગ્રેજોનું રાજ છે . આજના સમયમાં ઈસ્લામી બાદશાહોની વિરુદ્ધમાં ખુલ્લેઆમ બોલવું તો બોલી શકાય છે , લખવું હોય તો લખી શકાય . જે સમયે ભારત દેશ પર ઈસ્લામિક સલ્તનતનું રાજ હતું તે સમયે એમની વિરુદ્ધમાં લખવાનું સંભવિત નહોતું . આમ તો એમને હિંસક અને વિધ્વંસક ગતિવિધિઓથી રોકવાનું પણ સંભવિત નહોતું . આ સમયખંડમાં એવું કોઈ ભારતીય રાજ્યતંત્ર નહોતું જે ઈસ્લામિક આક્રાંતાઓને પરાજિત કરીને પોતાના અંકુશતળે લાવી શકે . એક સંભાવના એ હતી કે ઈસ્લામિક આક્રાંતાઓના પ્રમુખ નેતાનો વિશ્વાસ જીતીને હિંસક અને વિધ્વંસક ગતિવિધિઓ ઓછી કરાવવી અથવા બંધ કરાવવી . એ માટે પ્રયત્નો થયા હતા . એ પ્રયત્નોનું ચોક્કસ પરિણામ પણ જોવા મળ્યું હતું .
હિંસક અને વિધ્વંસક ગતિવિધિઓ અમુક અંશે અટકી હતી કે ઓછી થઈ હતી . ઈસ્લામિક શાસકોનાં રાજ્યમાં આવું બની શકે એ માનવામાં ન આવે એવી હકીકત હતી . ઈસ્લામિક શાસકો ભારત છોડીને ક્યારે જશે એ સમજાતું નહોતું . ભવિષ્યના ઈસ્લામિક શાસકોનાં રાજ્યમાં પણ હિંસક અને વિધ્વંસક ગતિવિધિઓ અમુક અંશે અટકે કે ઓછી થાય એ માટે ઈસ્લામિક શાસકોની પ્રશસ્તિઓ લખવામાં આવી . ત્રિવિધ યોગે હિંસા ત્યાગનારા મહાવ્રતધારી મહાત્માઓ સંસ્કૃત ભાષાનાં કાવ્ય કે મહાકાવ્યમાં ક્રૂર મુસ્લિમ શાસકની પ્રશંસા કરે છે એ જાણીને આશ્ચર્ય થાય છે . મુસ્લિમ શાસકોએ ઈસ્લામ ધર્મનો ત્યાગ કરીને પૂરેપૂરો જૈનધર્મ કે હિંદુધર્મ સ્વીકારી લીધો હોય એવું બન્યું નથી . આ હકીકત હતી . છતાં આ મુસ્લિમ શાસકોએ હિંસક અને વિધ્વંસક ગતિવિધિઓ ઓછી કરી હતી , એ સંબંધી વચન આપ્યાં હતાં . આને લીધે કેટલાય ભારતીય જનો અને જૈનો કતલ થવાથી બચી ગયા , કેટલાય પશુપંખીઓની હિંસા અટકી ગઈ , મંદિરો અને મૂર્તિઓનો વિધ્વંસ કંઈકેટલીય ભૂમિ પર અટક્યો . આ સચ્ચાઈ રોમહર્ષક છે . મુસ્લિમ શાસકોનું આ કૂણું કોમલ વલણ ચિરસ્થાયી બનેલું રહે એ આવશ્યક હતું .
બાબરનામા , હુમાયુનામા , અકબરનામા વાંચવાથી સમજાય છે કે મુગલ બાદશાહો પોતપોતાની પ્રશસ્તિઓ લખતા કે લખાવતા . એમાં પોતાને મહાન્ અને લોકપ્રિય સાબિત કરવાની એમની કોશિશ રહેતી . પોતાની પ્રશસ્તિમાં જે લખાયું એનાથી જુદું વલણ આ બાદશાહોમાં જોવા મળતું નહીં . આ વાત જૈન રચનાકારો જાણતા હતા . આથી જૈન રચનાકારોએ પોતે રચેલાં કાવ્યોમાં મુગલ બાદશાહોની ભરપૂર પ્રશંસા કરી . રાજા કુમારપાળ કે મંત્રી વસ્તુપાલ/તેજપાલની પ્રશસ્તિના શ્લોકો વાંચીએ ત્યારે આ શ્રાવકધર્મના આરાધકની પ્રશસ્તિ છે એવું સમજાય છે અને એ ગમે છે . મુસ્લિમ શાસકની પ્રશસ્તિ વાંચીએ ત્યારે સમજાય છે કે અહિંસાને અને અનાક્રમણને એમના તરફથી જે આદર મળ્યો છે એની જ આ પ્રશંસા છે . મુગલકાલીન જૈન રચનાકારોએ જે જે ગ્રંથોમાં મુગલ બાદશાહોની પ્રશંસા કરી છે એનાં નામ વાંચો.
૧. પાર્શ્વનાથ કાવ્ય , રાયમલ્લાભ્યુદય અને અકબરશાહિશૃંગારદર્પણની પ્રશસ્તિ ( રચનાકાર : શ્રી પદ્મસુંદર ઉપાધ્યાય / સં.૧૬૧૫ )
૨. જંબૂસ્વામીચરિત પ્રશસ્તિ (રચનાકાર : રાજમલ્લ / સન્ સં.૧૬૩૨)
૩. કર્મવંશોત્કીર્તનકાવ્ય (રચનાકાર : જયસોમ ઉપાધ્યાય / સં. ૧૬૫૦ )
૪. હીરસૌભાગ્ય (રચનાકાર : દેવવિમલગણિ / સં.૧૬૭૨ )
૫. ભાનુચંદ્રગણિચરિત (રચનાકાર : સિદ્ધિચંદ્ર ઉપાધ્યાય / સં. ૧૬૦૫ )
૬. વિજયપ્રશસ્તિ મહાકાવ્ય (રચનાકાર : હેમવિજયજી ગણિ / સં. ૧૬૮૧ )
૭. વિજયદેવમાહાત્મ્ય (રચનાકાર : શ્રીવલ્લભ ઉપાધ્યાય / સં. ૧૭૦૯થી પૂર્વ)
૮. વિજયદેવમાહાત્મ્યવિવરણ , દિગ્વિજય મહાકાવ્ય , દેવાનંદ મહાકાવ્ય (રચનાકાર : શ્રીમેઘવિજયજી ઉપાધ્યાય / સં. ૧૭૫૫ આસપાસ)
આ સિવાય સિદ્ધગિરિ , મેવાડ આદિ સ્થાનના શિલાલેખોમાં પણ મુગલ બાદશાહોની પ્રશંસા વાંચવા મળે છે . આ જ ક્રમમાં આવે છે જગદ્ગુરુ કાવ્ય જેમાં હુમાયુ અને અકબરની વિસ્તૃત પ્રશંસાપૂર્વક શ્રી હીરવિજયસૂરિજી મહારાજાની અદ્ભુત પ્રશસ્તિ રચવામાં આવી છે .
૨. જગદ્ગુરુ કાવ્યનું કથાનક
જગદ્ગુરુ કાવ્યનું કથાનક ત્રણ વ્યક્તિ પર કેન્દ્રિત છે . એક , શ્રી હીરવિજયસૂરિજી મહારાજા. બે , બાદશાહ હુમાયુ અને ત્રણ , બાદશાહ અકબર .
જગદ્ગુરુ કાવ્યના પ્રારંભે બળેજ તીર્થમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનને વંદના કરવામાં આવી છે , ત્રિપુરા સરસ્વતીનું સ્મરણ કરવામાં આવ્યું છે. હીરગુરુદેવનું કથાનક પદ્ય ક્રમાંક ૨ થી શરૂ થાય છે. ભારતમાં ગુજરાત છે. ગુજરાતમાં પાલનપુર છે. ત્યાં કુંર નામે શ્રાવક છે , નાથી નામે શ્રાવિકા છે. નાથીદેવીએ સિંહનું સ્વપ્ન જોવા પૂર્વક પુત્રને જન્મ આપ્યો. નામ રાખ્યું : હીર . હીરકુમાર બાર વરસની વય પામ્યા ત્યાર સુધીમાં શિક્ષક પાસેથી બધી વિદ્યાનું ઉપાર્જન કરી લે છે . હીરકુમારનાં શરીરનું જેટલું વજન છે એટલું સોનું હીરકુમારના પિતા શિક્ષકને ભેટમાં આપે છે. એકવાર હીરકુમાર પોતાની બહેનના ઘરે પાટણ આવે છે . પાટણમાં બિરાજમાન શ્રીદાનસૂરિજી મહારાજાનાં વ્યાખ્યાન સાંભળીને તે વૈરાગ્ય પામે છે. પોતાના ભાવ તેમણે પોતાની બહેનને જણાવે છે. બહેન પિતાને વૈરાગ્યની વાત જણાવે છે અને વિનંતી કરે છે કે ભાઈને રોકો . પિતા હીરકુમારને કહે છે કે ‘ તું ઘર સંભાળે એવી મારી આશા છે. તું ઘર સંભાળી લે એટલે હું ધર્મ સાથે વિશેષ રીતે જોડાઈ શકું . ‘ હીરકુમાર પિતાને , માતાને અને બહેનને સમજાવીને દીક્ષાની સહમતી મેળવે છે અને એક દિવસ હીરકુમાર દીક્ષા લે છે. દીક્ષાદાતા ગુરુએ નવું નામ રાખ્યું : હીરહર્ષ મુનિ . હીરહર્ષમુનિ , ધર્મસાગરમુનિ સાથે મળીને જૈનદર્શન સંબંધી ઊંડો અભ્યાસ કરે છે. સમય વીતે છે. એક દિવસ હીરહર્ષ મુનિ , ધર્મસાગરમુનિ પોતાના ગુરુદેવને વિનંતી કરે છે કે હે ગુરુદેવ , જૈનદર્શન સંબંધી અભ્યાસ સંપન્ન થયો છે . હવે , અન્ય દર્શનોનો વિશિષ્ટ અભ્યાસ કરવાની ભાવના થાય છે . ગુરુદેવ કહે છે કે ‘ અન્ય દર્શનોનો અભ્યાસ કરવો હોય તો દેવગિરિ જઈ શકાય છે . ત્યાં ભટ્ટ પંડિત પાસે આ અભ્યાસ થઈ શકે છે . ‘ આ મુજબ જ દેવગિરિ જઈ ઉભય મહાત્મા અન્ય દર્શનોનો ગહન અભ્યાસ કરે છે . પછી પાછા ગુરુ સેવામાં ઉપસ્થિત થઈ જાય છે . ગુરુ યોગ્ય દિવસે ઉભય મહાત્માઓને વાચક પદ આપે છે . સમય વીતે છે. ગુરુ પોતાના ઉત્તરાધિકારી તરીકે આચાર્ય કોણ બનશે એ જાણવા છ માસની આરાધના કરે છે. દેવ દ્વારા સંકેત મળે છે કે હીરહર્ષ વાચક આચાર્ય પદ માટે સુયોગ્ય છે. તદનુસાર હીરહર્ષ વાચક શિરોહીમાં આચાર્ય પદે આરુઢ થાય છે. નામ : આચાર્ય હીરવિજય સૂરિજી મહારાજા . પાટણમાં તેમને ગુરુ દ્વારા સૂરિમંત્ર મળે છે . સમય વીતે છે . ગુરુ કાળધર્મ પામે છે . આચાર્ય હીરવિજય સૂરિજી મહારાજા ભટ્ટારક પદે બિરાજમાન થાય છે . બે હજાર સાધુઓના તેઓ ગચ્છાધિરાજ બને છે . એક સમયે તેઓ ગંધાર નગરમાં ચાતુર્માસ માટે બિરાજમાન છે ત્યારે એમને દિલ્હીના શહેનશાહનું આમંત્રણ મળે છે . પદ્ય ક્રમાંક ૪૦ સુધીમાં કથાનક અહીં પહોંચે છે . કવિ કહે છે કે दिल्लीशेन यथा श्रुताः कृतिनरैराकारिता: सत्कृता जीवामारणवर्त्तनैरिति तथा सर्वं मया प्रोच्यते ।। ४० ।। દિલ્હીમાં જે થયું તે બધું જ હું જણાવું છું .
હવે પદ્ય ક્રમાંક ૪૧થી હુમાયુનું કથાનક શરૂ થાય છે . અકબરની વય આઠ વરસની છે ત્યારે હુમાયુ કાબુલથી નીકળીને દિલ્હી પર આક્રમણ કરે છે અને દિલ્હીપતિ સૂર બાદશાહ સામે જીતે છે . ગુજરાતનો બાદશાહ બહાદુર શાહ ચિત્તોડને હરાવે છે . ચિત્તોડના પરાજિત રાજા રત્નસિંહની પ્રાર્થનાથી હુમાયુ ચિત્તોડ પર આક્રમણ કરે છે . બહાદુર શાહ ચિત્તોડથી ભાગીને માંડવગઢમાં છૂપાય છે . હુમાયુ માંડવગઢ પર આક્રમણ કરે છે , બહાદુર શાહ માંડવગઢથી ભાગીને પાવાગઢમાં છૂપાય છે . હુમાયુ માંડવગઢ પર આક્રમણ કરે છે , બહાદુર શાહ માંડવગઢથી ભાગીને પાવાગઢમાં છૂપાય છે . હુમાયુ પાવાગઢ પર આક્રમણ કરે છે , બહાદુર શાહ માંડવગઢથી ભાગીને ખંભાતમાં છૂપાય છે . હુમાયુ પાવાગઢ પર આક્રમણ કરે છે , બહાદુર શાહ માંડવગઢથી ભાગીને ખંભાતમાં છૂપાય છે . હુમાયુ ખંભાત પર આક્રમણ કરે છે , બહાદુર શાહ ખંભાતથી ભાગીને દીવમાં છૂપાય છે . હવે હુમાયુ બહાદુર શાહનો પીછો છોડે છે . રાજ્ય વિસ્તારની દૃષ્ટિએ હુમાયુ ગુજરાત , માલવા આદિ પ્રાન્તના સર્વસત્તાધીશ બને છે . યુદ્ધની વાર્તા પૂરી થાય છે . હુમાયુ દિલ્હી પહોંચે છે . એક દિવસ હુમાયુ અકસ્માતના યોગે અકાળ મૃત્યુ થાય છે . પદ્ય ક્રમાંક ૭૬ પર હુમાયુની કથા સમાપ્ત થાય છે .
પદ્ય ક્રમાંક ૭૭ થી અકબરની કથા શરૂ થાય છે . દિલ્હીપતિ હુમાયુનાં મરણથી દુશ્મન સૂરના સૈનિકો દિલ્હી પર હુમલો કરે છે. હુમાયુના સૈનિકો દિલ્હીથી કાબુલ તરફ ભાગી નીકળે છે . કાબુલમાં બાર વરસની ઉંમરનો અકબર આ સમાચાર સાંભળે છે , કાબુલના પાંચસો સૈનિકો લઈને લાહોર પહોંચે છે , ત્યાં દિલ્હીથી આવી રહેલા હુમાયુના સૈનિકો મળે છે , રોકે છે , પોરસાવે છે . અકબર – કાબુલ અને દિલ્હીના સૈનિકોની સેનાને સજ્જ કરે છે , દિલ્હી તરફ પ્રસ્થાન કરે છે . એક ચોક્કસ સ્થાન પર સૂરના સૈનિકો સાથે યુદ્ધ થાય છે. અકબર જીતે છે. જ્યાં આ જીત મળી ત્યાં અકબર ફતેપુર નગરની સ્થાપના કરે છે . અકબર દિલ્હીપતિ બને છે . સમય વીતે છે . ચાર લાખ અશ્વ , વીસ હજાર હાથી , અગણિત ગાય – ભેંસ – ઊંટ અને અસંખ્ય સૈનિકોનો પરિવાર અકબરની સેવામાં છે . અકબરનું બાહુબળ એટલું પ્રચંડ છે કે તે બત્રીસ મણ લોઢાની સાંકળ તે એક હાથે આકાશમાં ઉછાળી શકે છે . હિંદુ રાજાઓ અકબરથી પ્રભાવિત છે . કોઈ પોતાની દીકરીના વિવાહ રાજા સાથે કરાવે છે , કોઈ પોતાની ઉત્કૃષ્ટ સંપત્તિ અકબરને આપે છે , કોઈ રીતસર પગમાં પડે છે . અકબરની અનેક રાણીઓ હિંદુ છે , મુસલમાન છે . અકબરને ત્રણ પુત્ર થાય છે . એકવાર ગુપ્તચર દ્વારા અકબરને જાણવા મળે છે કે ચિત્તોડના રાણા ઉદયસિંહે પોતાના રાજદરબારમાં ગૌરવથી જાહેર કર્યું છે કે ‘ અમે સૂર્યવંશી છીએ , અમારી રાજકુમારીઓ અમે કોઈ મ્લેચ્છને આપતા નથી . ‘ અકબરને આ વાત ન ગમી . એણે ચિત્તોડના રાજાને પોતાના મંત્રી દ્વારા સંદેશ મોકલ્યો કે અન્ય હિંદુ રાજાઓએ જે રીતે પોતાની રાજકુમારીનો વિવાહ અકબર સાથે કરાવ્યો એ રીતે તમે પણ તમારી રાજકુમારીને અકબર સાથે વિવાહિત કરાવો . ચિત્તોડના રાજાએ કડક ભાષામાં મંત્રીને ના પાડી દીધી . નારાજ અકબરે ચિત્તોડ પર આક્રમણ કર્યું . ચિત્તોડનો રાજા કુંભલગઢમાં જઈને છુપાય છે. ચિત્તોડની ધુરા રાજા જયમલ્લ સંભાળે છે . મજબૂત કિલ્લો , પ્રજાબળ , વ્યૂહરચનાને લીધે ચિત્તોડ પર અકબરને વિજય મળતો નથી . લાંબી મહેનત પછી પણ સફળતા ન મળી એનાથી હતાશ થઈને અકબર પાછા જવાનું વિચારે છે . ત્યારે એક જોશી બની બેઠેલો નકલી સાધુ અકબરને કહે છે કે ‘ બાદશાહ , તમે આજથી સાતમા દિવસે જીતશો . સંગ્રામ નામની બંદૂકની ગોળીથી જયમલ્લ રાજા મરણ પામશે .’ અકબરને આ ભવિષ્યવાણીથી હિંમત મળે છે . બરોબર સાતમા દિવસે જયમલ્લ બંદૂકની ગોળીથી મરણ પામે છે . ચિત્તોડ હારે છે . અકબર કત્લેઆમનો આદેશ કરે છે . ચિત્તોડમાં લોહીની નદીઓ વહે છે . પોતાના જ આદેશથી થયેલી મહાભયાનક કત્લેઆમ જોઈને અકબર પારાવાર રંજ અનુભવે છે . કુંભલગઢ જઈને ઉદયસિંહની સામે યુદ્ધ કરવાનું રાજા માંડી વાળે છે . રાજા ફતેહપુર પરત થાય છે . ધર્મચર્ચાઓમાં રસ લેવા માંડે છે. મનને સંતોષ થાય એવું માર્ગદર્શન એને મળતું નથી. પદ્ય ક્રમાંક ૧૨૨ સુધીમાં કથાનક અહીં પહોંચે છે .
હવે જૈનશાસન સાથે જોડાણ થાય એની ભૂમિકા મંડાય છે . ચંપા શ્રાવિકા વાજતેગાજતે પ્રભુદર્શન કરવા જઈ રહી છે તે અકબર જુએ છે . અકબરને છ મહિનાના ઉપવાસ સંબંધી જાણકારી મળે છે . અકબર ગુપ્તચરો દ્વારા ઉપવાસની સચ્ચાઈ તપાસે છે . અકબરને ભરોસો બેસે છે . અકબર ચંપા શ્રાવિકાને મળે છે અને પૂછે છે કે તમે આવી ઉગ્ર તપસ્યા કેવી રીતે કરો છો ? ચંપા શ્રાવિકા કહે છે કે ‘ આ દેવગુરુનો પ્રભાવ છે . દેવ તીર્થકર ભગવાન્ . ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજા . ‘ આ વાર્તાલાપ પછી અકબરે પોતાના મંત્રી સ્થાનકસિંહને કહ્યું કે ‘ શ્રી હીરવિજયસૂરિજી મહારાજા વિશે મેં પહેલાં સાંભળ્યું છે અને આજે ફરી સાંભળ્યું . એમને ફતેહપુર સિક્રી બોલાવો . મારું આમંત્રણ લઈને સંદેશવાહકોને મોકલો . ‘ અકબરનું શાહી આમંત્રણ લઈને સંદેશવાહકો ગંધાર પહોંચે છે . રામજી , મનજી જેવા મહાન્ શ્રાવકો સંદેશવાહકોનું સુવર્ણ – મણિ દ્વારા સ્વાગત કરે છે . પદ્ય ક્રમાંક ૧૩૫ સુધીમાં કથાનક અહીં પહોંચે છે .
હીરગુરુદેવ શાહી આમંત્રણનો સ્વીકાર કરે છે . ચોમાસા પછી તેઓ પ્રસ્થાન આદરે છે . વિહાર દરમ્યાન કોઈ એક શહેરમાં હીરગુરુદેવ રાત્રિના સમયે કાયોત્સર્ગ કરી રહ્યા હોય છે ત્યારે દેવતાઓ એમની પર મોતી વરસાવે છે જે સૌને જોવા મળે છે . હીરગુરુદેવ અમદાવાદ પધારે છે . સૂબો સાહિબખાન અને શ્રીસંઘ સ્વાગત કરે છે . હીરગુરુદેવ પાટણ પધારે છે . સાથે શ્રીસેનસૂરિજી મ . , શ્રી ધર્મસાગરજી વાચક આદિ મહાત્માઓ છે . કોઈ શ્રાવિકાએ છ લાખ સુવર્ણમુદ્રાનો સદ્ વ્યય કરીને સ્વદ્રવ્યનિર્મિત સમવસરણાકાર મંદિરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો : નિશ્રાદાતા હીરગુરુદેવ . પાટણમાં સાત દિવસ રોકાઈને હીરગુરુદેવ પાટણથી પ્રસ્થાન કરે છે . શ્રી ધર્મસાગર વાચક પાટણમાં બિરાજમાન રહે છે . હીરગુરુદેવ સિદ્ધપુર પધારે છે , અહીં શ્રીસેનસૂરિજી મ.ને સિદ્ધપુર અટકાવીને હીરગુરુદેવ કોલીવાડ પધાર્યા . કોલીવાડના રાજા , શ્રેષ્ઠીજનો , નગરજનોએ સાથે મળીને સ્વાગત કરે છે . રાજાની વિનંતીથી રાણીવાસમાં હીરગુરુદેવનું સ્વતંત્ર વ્યાખ્યાન થાય છે . કોલીવાડના રાજા પશુહિંસાવિરામનું એલાન પણ કરે છે . હીરગુરુદેવ સિરોહી પધારે છે . સિરોહીના રાજા સુલતાને સંઘ અને નગરને જોડીને હીરગુરુદેવનું સ્વાગત હાથીઘોડાસાંબેલા દ્વારા કરે છે , કરાવે છે . હીરગુરુદેવ મેડતા પધારે છે . રાજા સાદિમ ખાન સંઘ અને નગરને જોડીને સ્વાગત કરે છે . અહીં અમુક અનિષ્ટ તત્ત્વોએ હીરગુરુદેવની અવમાનના થાય એવી હરકતો કરી . સાદિમ ખાને એમને શિક્ષા કરીને રોક્યા . હીરગુરુદેવ સાંગાનેર પધારે છે . સાંગાનેરના શ્રાવકજનો સુવર્ણમુદ્રાઓ દ્વારા નવાંગી ગુરુપૂજન કરે છે એમાં એટલું બધું સોનું જમા થાય છે કે એની સામે રાજકોષ પણ નાનો લાગે .
હીરગુરુદેવ ફતેપુર સિક્રી પધારે છે . સ્વાગતમાં બે લાખ લોકો ઉપસ્થિત થાય છે . મંત્રી સ્થાનકસિંહ અકબરને સમાચાર આપે છે . અકબર સ્વાગતાર્થે વિશાળ સૈન્ય મોકલે છે . અકબર આવવા ચાહતો હતો પરંતુ એક મુસ્લિમ જો જૈનગુરુને આટલું બધું માન આપે તો એ કાફિર ગણાઈ જાય આથી એ સ્વાગતમાં ન આવ્યો . હીરગુરુદેવ અકબરના નિવાસ સમક્ષ પહોંચ્યા . અકબર પોતાના ત્રણ પુત્રો સાથે બહાર આવ્યો . એણે એ રીતે વંદન કર્યા કે જાણે પૂર્વભવનો શ્રાવક જ હોય . એણે ભાવપૂર્વક પૂછ્યું કે ચંગા હો ગુરુજી ? હીર ગુરુદેવનો હાથ પકડીને એ તેમને મહેલમાં લઈ જાય છે . અંદર જમીન પર બીછાવેલો ગાલીચો જોઈને હીરગુરુદેવ અટકી જાય છે . અકબર પૂછે છે : કેમ અટક્યા ? હીરગુરુદેવ કહે છે : ગાલીચાની નીચે જીવ હશે તો વિરાધના થઈ શકે છે . અકબર પોતાન હાથે ગાલીચો હટાવે છે . નીચે કીડીઓ દેખાય છે. અકબર એકદમ અહોભાવિત થાય છે . ખુલ્લી અને નિર્જીવ ભૂમિ પર ચાલતાં ચાલતાં હીરગુરુદેવ મહેલમાં પધારે છે . અકબરે પોતાના સુવર્ણ સિંહાસન પર બેસવા માટે હીર ગુરુદેવને વિનંતી કરી . હીરગુરુદેવે એનો અસ્વીકાર કર્યો. તેઓ યોગ્ય જગ્યાએ જમીન પર આસન પાથરીને બેસે છે . સામે જમીન પર અકબર બેસે છે અને વિનંતી કરે છે કે જૈન ધર્મ સમજાવો . પદ્ય ક્રમાંક ૧૭૪ સુધીમાં કથાનક અહીં પહોંચે છે .
હીરગુરુદેવ શાસ્ત્રનો શ્લોક બોલીને ઉપદેશ આપે છે . અકબર બહુમાનપૂર્વક સાંભળે છે . ઉપદેશ પૂર્ણ થયો તે પછી અકબર આ રીતે પરીક્ષા લે છે . સુવર્ણમુદ્રા ભરેલી ત્રણ થાળી , મોંઘા વસ્ત્રો હીરગુરુદેવ સમક્ષ મૂકે છે અને કહે છે કે ‘ આ આપ રાખી લો અથવા કોઈને આપી દો . ‘ હીરગુરુદેવે જણાવ્યું કે ‘ અમે પરિગ્રહરૂપ સોનું રાખી ના શકીએ . રાજપિંડ રૂપ વસ્ત્ર પણ લઈ ના શકીએ . બીજાને આપવાનું પણ અમારી મર્યાદામાં બેસતું નથી . ‘ આ પ્રત્યુત્તરથી અકબરનો અહોભાવ વધે છે . એ હજી પણ જુદી જુદી પરીક્ષાઓ લે છે . દરવખતે એ નવો અહોભાવ પામે છે . અકબર આખરી પરીક્ષા તર્કશક્તિ / વાદશક્તિની લે છે . અકબરના સૌથી વધુ પ્રતિભાશાળી વિદ્વાન્ સાથે હીરગુરુદેવનો તર્કવાદ યોજાય છે અને હીરગુરુદેવ વિજયશ્રી વરે છે . અકબરના અન્ય પ્રતિભાશાળી વિદ્વાનો સાથે શાંતિચંદ્રજી ગણિ તર્કવાદ કરે છે અને વિજેતા બને છે . અકબરની પંડિત પર્ષદા અકબરને કહે છે કે ‘ અમે આવા મહાન્ જ્ઞાની પહેલીવાર જોયા છે . ‘
અકબર વિચારે છે કે આ જૈનાચાર્ય આચારનાં સ્તરે અને જ્ઞાનનાં સ્તરે દરેક પરીક્ષામાંથી પાર ઉતર્યા છે અને દોષમુક્ત સાબિત થયા છે . અકબર હીરગુરુદેવને કહે છે કે ‘ આપનાં મનમાં કોઈપણ મનોરથ = ઇચ્છા હોય તો ફરમાવો . આપ જે ફરમાવશો તે કાર્ય સંપન્ન થઈ જશે . ‘ આ વાતના પ્રતિભાવમાં હીરગુરુદેવે ત્રણ કાર્ય ફરમાવ્યાં : એક , જેલના કેદીઓને મુક્ત કરો . બે , ડાબર તળાવ તેમ જ અન્ય સરોવરોમાં થનારી જળચર હિંસા બંધ થાય એવું ફરમાન જારી કરો . દરેક તળાવ – જળાશયમાંથી યંત્ર દ્વારા બહાર જતું પાણી , ગાળીને જ બહાર જાય એવો પ્રબંધ કરવામાં આવે . કારણ કે પાણી ગાળ્યા વગર બહાર જાય છે એની સાથે જ અસંખ્ય જળચર જીવો બહાર ફેંકાય છે અને મૃત્યુ પામે છે . ત્રણ , અકબરનું રાજ જ્યાં જ્યાં ચાલે છે ત્યાં ત્યાં પર્યુષણ પર્વ આવે ત્યારે બાર દિવસનું અમારિપ્રવર્તન થાય અને તે માટેનું શાહી ફરમાન જારી થાય .
અકબર હીરગુરુદેવની ત્રણેય માંગણી સ્વીકારે છે એક , કેદીઓને બંધનમાંથી મુક્તિ મળે છે . કેદીઓ અકબરને પગે લાગવા આવે છે. અકબર કહે છે કે આ જૈનાચાર્યને વંદન કરો , એમનાં કારણે તમને મુક્તિ મળી છે . કેદીઓ હીરગુરુદેવને વંદન કરે છે ( પદ્ય ૧૮૪ ) . બે , ડાબર તળાવ તેમ જ અન્ય જળાશય માટે બે આદેશ જારી કરે છે : જલચર હિંસા ન કરવી અને ગાળ્યા વિનાનું પાણી ન વાપરવું . જે આ નિયમ નહીં પાળે એને સજા થશે . દરેક જળાશય પર નિયમપાલન માટે ગુપ્તચરોની નજર રહેશે ( પદ્ય ૧૮૫ ) . ત્રણ , પર્યુષણના ઉપલક્ષમાં બાર દિવસનું અમારિપ્રવર્તન થશે એવું રાજાશાહી ફરમાન જારી થાય ( પદ્ય ૧૮૬ ) . एवं श्री गुरुमार्गितं नरपतिर्वस्तुत्रयं दत्तवान् ( પદ્ય ૧૮७ ) .
રાજાની સહમતી મેળવીને હીરગુરુદેવ હવે ઉપાશ્રય તરફ પ્રસ્થાન કરે છે . કવિઓ , પંડિતો , પરાક્રમી પુરુષો , મંત્રીઓ , શ્રેષ્ઠીઓ , માનનીય નગરજનો વળાવવા માટે સાથે ચાલે છે . હાથીઓ પર બેસેલા કલાકારોએ વાજીંત્ર નાદ રચે છે . રથ , અશ્વ , ગજરાજ આગળ ચાલે છે . રાજાએ રચેલા આડંબર સાથે હીર ગુરુદેવ નગરના મહામાર્ગ , માર્ગ પરથી નીકળે છે . શ્રાવકજનો હીરગુરુદેવનાં પગલે પગલે ઉત્તમ વસ્ત્ર અને સુવર્ણમુદ્રા મૂકે છે . શ્રાવિકાઓ મોતીથી વધામણાં કરે છે . ઉપાશ્રયે પધારીને હીરગુરુદેવ એક શ્લોકના આધારે પ્રવચન ફરમાવે છે . લાખો ગહુંલી = સ્વસ્તિક રચાય છે . ગરીબોમાં ભરપૂર દાન વરસે છે . એક પ્રખ્યાત કવિ જાહેરાત કરે છે કે ‘ જો મારી લખેલી સ્તવના પર કોઈ ભક્ત એક લાખ સુવર્ણમુદ્રા અને હાથી આપશે તો હું સમગ્ર પૃથ્વીમંડલમાં હીરગુરુદેવની ધર્મરાજ તરીકે પ્રસિદ્ધિ ફેલાવીશ . ‘ સદારંગ શ્રેષ્ઠી કવિની ઇચ્છા પૂરી કરે છે . સઘળાય કવિજનો હીરગુરુદેવનો જયજયકાર ગાય છે . ‘ પદ્ય ક્રમાંક ૧૯૬ સુધીમાં કથાનક અહીં પહોંચે છે .
હીરગુરુદેવ એ જ પ્રાંતના અલગ અલગ વિસ્તારમાં ચાર વરસ રહે છે . અકબર વિવિધ બાહોશ લોકો દ્વારા હીરગુરુદેવની પરીક્ષા લે છે . જે પરીક્ષા લેવાય છે તે દિવસે પણ લેવાય છે અને રાતે પણ લેવાય છે . તે પછી આ કાવ્યની કેન્દ્રવર્તી ઘટના બને છે . અકબર પોતાના દરબારમાં પોતાનાં જ શ્રીમુખે હીરગુરુદેવને जगद् गुरु પદવી સમર્પિત કરે છે . મહોત્સવ પ્રવર્તે છે .
એકદા ગુરુકૃપાપાત્ર શ્રીધન્યવિજયજી મ.ને અકબર વિશિષ્ટ ફરમાન આપે છે . એ ફરમાન લઈને તેઓ ગુજરાત પહોંચે છે . એમની સાથે રાજાએ રાજસેવકો અને અંગરક્ષકો પણ મોકલ્યા છે . શ્રીધન્યવિજયજી મ.એ એ રાજાશાહી ફરમાનના આધારે ગુજરાતનાં સુરત આદિ શહેરોમાં આટલાં કામ કરાવે છે . ૧. મુગલોના કબજામાં જતાં રહેલાં જિનમંદિરો અને ઉપાશ્રયો શ્રીસંઘના હાથમાં પાછા સોંપાય છે . ૨ . સંઘના શ્રાવકોમાં જાગૃતિ અને હિંમત લાવે છે . એમના થકી જિનમંદિરોમાં જિનબિંબ અને ઉપાશ્રયોમાં મુનિસમુદાય બિરાજે એવો ઉપક્રમ રચે છે . ૩ . જિનમંદિરોમાં પ્રભુભક્તિ અને ઉપાશ્રયમાં ગુરુભક્તિનું વાતાવરણ રચે છે .
જ્યારે જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી મહારાજા ગુજરાત પાછા પધારે છે ત્યારે મારા દ્વારા અર્થાત્ મુનિ પદ્મસાગર દ્વારા આ સ્તવના રચાઈ છે . પદ્ય ક્રમાંક ૨૦૦ સુધીમાં કથાનક અહીં પહોંચે છે . આગળ પદ્ય ક્રમાંક ૨૦૧ થી ૨૩૨ સુધીમાં પાંડિત્ય અને કવિત્વની ઝલક સાથે હીરગુરુદેવની સ્તવના છે . પદ્ય ક્રમાંક ર૩૩માં જણાવ્યું છે કે જગદ્ગુરુકાવ્યની રચના પંડિત પદ્મસાગરે માંગરોળમાં રહીને કરી . છેવટે પુષ્પિકા છે : શ્રી ધર્મ સાગરજી વાચકના શિષ્ય શ્રી વિમલસાગરજી પંડિતના શિષ્ય શ્રીપદ્મસાગરજી પંડિતે વિ.સં. ૧૬૪૬માં દ્વિતીય ભાદરવા સુદ ૧૧ ના દિવસે આ લેખન કર્યું.
૩. વિશિષ્ટ કાવ્ય તત્ત્વ
શ્રી પદ્મસાગરજી મ.એ કેવળ ઇતિહાસનું સંકલન નથી કર્યું નથી બલ્કે ઉત્કૃષ્ટ કાવ્ય તત્ત્વનું સંયોજન પણ કર્યું છે . એમને યાદ છે કે તેઓ એવું ખંડકાવ્ય રચી રહ્યા છે જેમાં કલ્પના હોય , ભાવાભિવ્યક્તિ હોય , ભાષાસમૃદ્ધિ હોય .
કલ્પના એટલે અલંકાર . કાવ્યને અલંકાર વિના ચાલતું નથી . આ કલ્પના જુઓ : હીરગુરુદેવ ટૂંક સમયમાં સર્વોચ્ચ એવી સિદ્ધશિલા પર બિરાજમાન થવાના છે તે સૂચવવા માટે જ વિધાતાએ એમના પગનાં તળિયે લાંબી ઊર્ધ્વરેખા બનાવી છે . વિધાતા જાણે છે કે હીરગુરુદેવનાં ચરણોમાં સુરેન્દ્ર અસુરેન્દ્ર અને અકબર જેવા માનવેન્દ્ર મસ્તક ઝુકાવશે આથી વિધાતાએ હીરગુરુદેવનાં પગનાં તળિયે છત્ર કમળ ધ્વજ સ્વસ્તિક જેવા ઉત્તમ લક્ષણ અંકિત કર્યાં છે ( ૨૩૧ ) . શ્લેષમિશ્ર ઉપમાલંકાર : જેમ દેવલોકમાં વૃદ્ધ અવસ્થા નથી તેમ ગુજરાત દેશમાં યૌવનનાશની સંભાવના નથી , જેમ મેરૂ પર્વત સોનેરી છે તેમ ગુજરાતના લોકો રૂપાળા છે , જેમ ધનુર્ધારીઓ પ્રત્યંચાનો આદર કરે છે તેમ ગુજરાતના લોકો ગુણનું બહુમાન કરે છે , જેમ ઉત્તમ ગચ્છમાં સાધુ – સાધ્વીજીની સંયમ સાધના સુખરૂપ બની રહે છે તેમ ગુજરાતમાં સાધુ – સાધ્વીજીની સંયમ સાધના ઉત્તમ રીતે સંપન્ન થાય છે , જેમ વિષ્ણુની સાથે હંમેશા લક્ષ્મીજી રહે છે તેમ ગુજરાતમાં સદૈવ ઐશ્વર્યનો વાસ છે . જેમ શૃંગારરસમાં વિવિધ કાવ્યરચનાઓ સુંદર રીતે થઈ શકે છે તેમ ગુજરાતમાં વિવિધ કલાકૃતિઓ રમણીય રીતે નિર્માણ પામેલી છે ( ૩ ) . ઉપમા : યુદ્ધ સમાપ્ત થયું તે પછી હુમાયુએ દરિયાનાં પાણીમાં પોતાની તલવાર એ રીતે ધોઈ જે રીતે યાત્રાળુ તીર્થમાં જઈને પોતાનાં પાપ ધોતાં હોય છે ( ૭૩ ) સ્વભાવોક્તિ : જે રાજ્ય , જે શહેરમાં હીર ગુરુદેવ પધારતા ત્યાં શ્રીમંતો દ્વારા સાત ક્ષેત્રમાં સંપત્તિનું સમર્પણ થતું , અમારિપ્રવર્તન થતું , જૈનો વ્રત સ્વીકારતા , ગરીબોની ગરીબી દૂર થતી , પ્રાચીન જિનાલયોનો જીર્ણોદ્વાર થતો , સાધર્મિકોની ભક્તિ થતી ( ૩૯ ) . અતિશયોક્તિ : અકબર પોતાની શક્તિથી અસુરસમ્રાટની અવહેલના કરતો હતો ( ૮૧ ) . હેત્વલંકાર : અકબરને ત્રણ જ પુત્ર હતા કેમ કે ચક્રવર્તીનાં સંતાન થવાનું પુણ્ય બહુ ઓછા લોકોનું હોય છે ( ૮૯ ) . ઉત્પ્રેક્ષા : હે હીર ગુરુદેવ , આપનાં મુખનું વર્ણન કરવા માટે કવિઓએ ચંદ્રમાનો ઉપમા પ્રયોગ કર્યો . આને લીધે ચંદ્રમામાં કળાનો એવો અભ્યુદય થયો કે ચંદ્રમાને શંકરનાં મસ્તક પર સ્થાન મળી ગયું ( ૨૨૪ ) કલ્પનાઓ ચાલતી જ રહે છે . હે હીર ગુરુદેવ , આપના વિશાળ અને શક્તિશાળી હાથ આજાનુબાહુ લાંબા છે તે ત્રિભુવનપીડાકારી કામદેવને હરાવનારી મજબૂત લાઠી હોય એવો આભાસ થાય છે ( ૨૨૮ ) . આપના ખોળામાં કોઈ કન્યા કે મહિલાને ક્યારેય બેસવા મળ્યું નથી આ જોયા બાદ અપ્સરાથી પ્રભાવિત થઈ ચૂકેલા વશિષ્ઠ આદિ ઋષિઓ સંકોચ પામ્યા અને વનમાં રહેવા ચાલ્યા ગયા (૨૩૦) . હીરગુરુદેવની માતા નાથીદેવીનું વર્ણન : यस्याः शीलगुणेन नागरजनैः सीता स्मृतिं प्रापिता , शृंगारैः कमला धिया भगवती रूपेण कामाङ्गना ॥ ६ ॥ પદ્ય ૨૦૧ થી ૨૩૨ સુધીમાં ગુરુસ્તુતિ છે જેમાં સમૃદ્ધ કલ્પનાઓની શ્રેણિ છે .
ભાવાભિવ્યક્તિમાં કવિ કુશળ છે . દીક્ષા માટે ઉત્સુક બનેલા હીરકુમારને પિતાજી કહે છે : वत्स त्वं मम जीवनं मम गृहस्तंभः समर्थ: पुनः , आशा ते महती ममास्ति मम तद् वृद्धस्थितिं पालय । त्वं मद्-गेहधुरं वहाहमधुना धर्मं करोमि स्थिरः ।। १७ ।। ઉપાધ્યાય પદ પ્રદાનની ભૂમિકા જુઓ : योग्यत्वं गुरुरेतयोर्निजधिया विज्ञाय शास्त्रश्रियो – श्चक्रे वाचकसंज्ञितं पदमुदारानेकसभ्याग्रहात् । शिष्यं योग्यमवाप्य चेन्न पदवीमारोपयेद् यो गुरुः स: स्यात् प्राज्यभवभ्रमी निजगुणध्वंसी गुणोपेक्षणात् ॥२८॥ જે ઉદ્દેશથી આ કાવ્ય લખાયું છે તે જગદ્ગુરુ પદપ્રદાન . આ ગૌરવપૂર્ણ પદ પ્રદાન સંબંધી પદ્ય જુઓ : शुद्धा: सर्वपरीक्षणैर्गुरुवराः ज्ञात्वेति पृथ्वीपतिः , सभ्यानां पुरत: स्वपर्षदि गुणान् तेषां स्वधीशोधितान् । उक्त्वा सर्वयतीश हीरविजयाख्यानामदाद् भक्तितः , स्वैर्वाक्यैः बिरुदं जगद्गुरुरिति स्पष्टं महःपूर्वकम् ॥१९७॥ ગુરુ અને શિષ્યની વચ્ચે કેવો સંબંધ હોય છે એ સંબંધી અર્થાન્તર ન્યાસ : शिष्याणां हि गुणार्थिनां चिरतरं दूरे गुरोर्न स्थितिः , सिद्धेऽर्थे तु गुरुर्न शिष्यमनघं दूरे व्यवस्थापयेत् ॥२७॥ પૂર્વજોનો વારસો જાળવવાની ધગશ જુઓ : देशो यातु गजाश्च यान्तु विभवध्वंसोऽस्तु मे पर्वते , वासोऽप्यस्तु कुलस्थितिः पितृकृताऽप्येकैव मे तिष्ठतु ॥ ९३ ॥
કવિએ સમકાલીન પરિસ્થિતિ અનુસાર વિવિધ શબ્દોને સંસ્કૃત સાથે જોડ્યા છે . मुद्गल = मुगल . हिंदु = भारतीय . बलिज = बळेज . मंगलपुर = मांगरोळ . प्रह्लादनपुर = पालनपुर . तपगण = तपागच्छ . दिल्ली = दिल्ही . काबिल = काबुल . हमाउ = हिमायु . म्लेच्छ = मुसलमान . अकब्बर = अकबर . सूर = शेरशाह . योधपुर = जोधपुर . बादर = बहादुर . मण्डपकोट्ट / मण्डपपर्वत = मांडवगढ . पावाद्रि = पावागढ . स्तम्भतीर्थ = खंभात . गुर्जर मण्डल = गुजरात . लाहुर = लाहोर . यावन भाषा = फारसी भाषा . शोफी = सूफी . दरवेश = फकीर . चित्रकूट = चितोड . रोमीकर अयोघन = तुर्की बंदूक की गोली . रोमिकर = निशाने बाज . पादश्रम = पद विहार . उद्वद = उच्च स्वर में घोषणा करनेवाले . अहम्मदावाद = अमदावाद . खुदा = भगवान् . कौलिकराजक = कोलीवाड . काफर = मुस्लिम विरोधी . चंगा = अच्छा . श्रीपातिस = बादशाह . विधिलोपक = आज्ञा को न माननेवाले . सू्रति = सुरत शहर .
આમ – કલ્પના , અભિવ્યક્તિ અને ભાષાની દૃષ્ટિએ શ્રી પદ્મસાગરજી મ. ઉત્તમ કવિ સાબિત થાય છે .
૪ . ઐતિહાસિક અવલોકન
(क)જગદ્ગુરુ કાવ્યમાં ઉલ્લેખિત ઘટનાઓના સંદર્ભે શ્રી હીરગુરુદેવ સંબંધી જાણકારી આ મુજબ છે.
૧ . જન્મ : વિ.સં.૧૫૮૩ , માગસર સુદ ૯
ર. સંસારી નામ : હીરજી
૩. પિતા : ઓશવાલ વંશીય કુરા શાહ
૪. માતા : નાથી દેવી
પ . ભાઈ : સંઘજી , સૂરજી , શ્રીપાલ
૬ . બહેન : રંભા , રાણી , વિમલા
૭ . દીક્ષા : વિ.સં. ૧૫૯૬ , કારતક વદ ૨
૮ . દીક્ષિત નામ : હીરહર્ષ મુનિ
૯. પંડિત પદ : વિ.સં. ૧૬૦૭ (નાડલાઈ)
૧૦ . વાચક પદ : વિ.સં. ૧૬૦૮ મહા સુદ પ (નાડલાઈ)
૧૧ . આચાર્ય પદ : વિ.સં. ૧૬૧૦ પોષ સુદ પ (શિરોહી)
૧૨ . ભટ્ટારક પદ : વિ.સં. ૧૬૨૨
૧૩ . ગંધારથી પ્રસ્થાન : વિ.સં. ૧૬૩૯ માગસર વદ ૭
૧૪ ફતેપુર નગરપ્રવેશ : વિ.સં. ૧૬૩૯ જેઠ વદ ૧૨
૧૪. અકબર મિલન : વિ.સં. ૧૬૩૯ જેઠ વદ ૧૩
૧૫. પ્રથમ અમારિપ્રવર્તન : વિ.સં. ૧૬૩૯ ( આધાર : વિજય પ્રશસ્તિ )
૧૬. આગરા : વિ.સં. ૧૬૩૯ ચાતુર્માસ
૧૭. જગદ્ગુરુ પદ પ્રદાન : વિ.સં. ૧૬૪૦
૧૮. ફતેપુર સિકરી: વિ.સં. ૧૬૪૦ ચાતુર્માસ
૧૯. અભિરામાબાદ : વિ.સં. ૧૬૪૧ ચાતુર્માસ
૨૦. આગરા : વિ.સં. ૧૬૪ર ચાતુર્માસ
૨૧. પ્રત્યાગમન : વિ.સં. ૧૬૪૩
૨૨. જગદ્ગુરુ કાવ્ય લેખન : વિ.સં. ૧૬૪૩
૨૩. સ્વર્ગવાસ : વિ.સં.૧૬૫૨ ઊના
———————–
(ख) જગદ્ગુરુ કાવ્યના રચનાકાર શ્રીપદ્મસાગ૨જી મ. સંબંધી જાણકારી આ મુજબ છે . તેમની દીક્ષા વિ.સં.૧૬૧૬ માં જાલોર મુકામે થઈ હતી . દીક્ષાદાતા હતા મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી મ. . એમને પંન્યાસ પદ વિ.સં.૧૬ર૮માં ફાગણ સુદ ૭ ના દિવસે અમદાવાદમાં મળ્યું હતું . પંન્યાસ પદદાતા હતા શ્રી સેનસૂરિજી મ. . તેમણે સિરોહી અને ઈડરની રાજસભામાં વાદવિજય મેળવ્યો હતો . એમણે આ મુજબ ગ્રંથરચના કરી હતી : જગદ્ગુરુ કાવ્ય , ઉત્તરાધ્યયન કથા , યશોધર ચરિત્ર , યુક્તિપ્રકાશ – સટીક , નયપ્રકાશ – સટીક , શીલપ્રકાશ , ધર્મપરીક્ષા , તિલકમંજરી કથા . એમણે શ્રીશુભવિજયજી મ. દ્વારા રચિત તર્કભાષાવાર્તિક તેમ જ શ્રી દેવવિજયજી મ. દ્વારા રચિત જૈન રામાયણનું સંશોધન કર્યું હતું. ભક્તામર પાદપૂર્તિ પાર્શ્વનાથ સ્તોત્રના કર્તા શ્રીરાજસુંદરજી મ. અને શાંતિજિન વિનંતી સ્તવનના કર્તા શ્રી ગુણસાગરજી મ. એમના શિષ્ય હતા .જોકે , શ્રીપદ્મસાગરજી મ. નામનાં બે અન્ય મુનિ ભગવંત થયા છે . ૧.મમ્માહડ ગચ્છીય શ્રીમુનિસુંદરસૂરિજી મ. ના શિષ્ય શ્રીપદ્મસાગરજી મ. થયા જેમણે લીલાવતી સુમતિવિલાસ રાસ , સ્થૂલભદ્ર અઠ્ઠાવીસો , કયવન્ના ચોપાઇની રચના કરી છે . ૨. શ્રીઉદયસાગરજી મ. ના શિષ્ય શ્રીપદ્મસાગરજી મ. થયા જેમણે જીવાભિગમ સૂત્ર પર ટીકા રચી .
(ग) જગદ્ગુરુ કાવ્યમાં જે રીતે પ્રસંગ વર્ણન થયું છે તેનાથી જુદું પ્રસંગ વર્ણન અન્ય ગ્રંથોમાં વાંચવા મળે છે . ઘણાય જીવન કથાનકોમાં આ રીતે વર્ણનભેદ જોવા મળતા હોય છે .
(૧) હીરજીનાં મનમાં દીક્ષાની ભાવના જાગે છે ત્યારે તેનાં માતાપિતા જીવિત હતા એમ જગદ્ગુરુ કાવ્યમાં જણાવ્યું છે . હીરસૌભાગ્ય મહાકાવ્ય અનુસાર , માતાપિતાના સ્વર્ગવાસ પછી હીરજીનાં મનમાં દીક્ષાની ભાવના જાગે છે .
(૨) પ્રથમ મુલાકાતમાં જ અકબર ત્રણ વચન આપી દે છે એમ જગદ્ગુરુ કાવ્યમાં જણાવ્યું છે . હીરવિજય સૂરિજી રાસ અનુસાર અકબરે આપેલાં વચનોનો સમયક્રમ જુદો છે .
(૩) હુમાયુનો શાસનકાળ દિલ્હીવિજયથી શરૂ થયો અને ગુજરાત અને મેવાડના વિજય પર સમાપ્ત થયો એમ જગદ્ગુરુ કાવ્યમાં જણાવ્યું છે . ઈતિહાસ કહે છે કે હુમાયુનાં જીવનમાં હાર અને જીતનો સિલસિલો ચાલતો રહ્યો છે . ઈસ્વી સન્ ૧૫૩૦માં હુમાયુનો પિતા બાબર મરણ પામ્યો. તે પછી તરત હુમાયુ બાબરની ગાદીએ આવ્યો . જોકે , ઈસ્વી સન્ ૧૫૪૦ માં શેરશાહ સૂરીના હાથે હુમાયુની હાર થઈ હતી આથી એને ભારત છોડીને ભાગી જવું પડ્યું હતું. હુમાયુનો બીજો રાજ્યકાળ ઇસ્વી સન્ ૧૫૫૫માં શરૂ થયો હતો . પર્શિયાના શાસકની મદદથી હુમાયુએ શેરશાહ સૂરીના વારસ સિકંદર સૂરીને દિલ્હીમાં હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું . હુમાયુનો જન્મ ઈસ્વી સન્ ૧૫૦૮ માં થયો હતો અને દેહાન્ત ઈસ્વી સન્ ૧૫૫૬માં થયો હતો . હુમાયુનો પરાજય પણ થયેલો એ ઘટના જગદ્ગુરુ કાવ્યમાં જણાવી નથી . આનાં બે કારણ હોઈ શકે છે . એક , અકબરને મળેલું રાજ્ય એના પિતા હુમાયુનું જ હતું એ જણાવવાનો કવિનો આશય હશે . બે , અકબર જીવિત હતો ત્યારે કાવ્ય રચાયું છે આથી કદાચ , અકબરના દરબારમાં આ કાવ્ય વાંચવામાં આવશે એવી એમની ધારણા હશે . જે सूरी હુમાયુના હાથે પરાજિત થયો હતો એને કાવ્યમાં सूर નામ મળ્યું છે .
(૪) અકબરે ચિતોડ પર આક્રમણ કર્યું , કત્લેઆમ ચલાવી અને છેવટે એનો પસ્તાવો અનુભવ્યો હતો એમ જગદ્ગુરુ કાવ્યમાં જણાવ્યું છે . પ્રચલિત વાત એ છે કે ચિતોડમાં ૩૦૦૦૦ હજાર ભારતીય પ્રજાજનની કત્લેઆમ કરાવ્યા બાદ અકબરે પોતાનું માનસ આ શબ્દોમાં વ્યક્ત કર્યું હતું : हम अपनी सामर्थ्य के अनुसार जिहाद में लगे रहते हैं और सर्वशक्तिमान ईश्वर की कृपा से , जो हमारी विजयों के सूत्रधार है , हमने काफिरों के अनेक किलों और नगरों पर कबजा कर लिया है और यहां इस्लाम स्थापित कर दिया है । अपनी रक्तरंजित तलवार के बल पर हमने उनके मन से काफिरता के चिह्न मिटा दिए हैं और उन स्थानों तथा पूरे हिंदुस्तान में मंदिरों को नष्ट कर दिया है । ઉપરાંત , ચિતોડ વિજય પછી લગભગ બધા જ રાજપૂત રાજ્યોએ અકબર વિરોધી વલણ છોડી દીધું હતું જે મુગલ સામ્રાજ્ય માટે મોટી ઉપલબ્ધિ હતી . આ ભૂમિકાથી વિચારીએ તો પ્રશ્ન જરૂર થાય કે શું ખરેખર , અકબરને પસ્તાવો થયો હશે ? આ પ્રશ્નના જવાબમાં અનુમાન થઈ શકે છે કે એક તરફ અકબરે પોતાના ઇસ્લામી વર્તુળમાં કટ્ટરતાવાદી સંદેશ ફેલાવ્યો હશે જે આજ સુધી પ્રચલિત છે . બીજી તરફ , ભારતીય પ્રજાની સહાનુભૂતિ પોતાની સાથે બનેલી રહે એવી કોઈ ધારણાથી અકબરે ભારતીય પ્રજામાં આ પસ્તાવાની વાત વહેતી મૂકી હશે . અકબરના સમકાલીન રચનાકારે જગદ્ગુરુ કાવ્યમાં અકબર વિશે જે લખ્યું હોય એનો કોઈ આધાર એમની પાસે હશે જ . ચિતોડવિજયની ઘટના બની ત્યાર સુધી અકબર , શ્રી હીરગુરુદેવને મળ્યો નથી – આથી અકબર વિશે જે વાત પ્રચલિત થઈ હોય તેનો આધાર અકબરનું રાજકીય વર્તુળ જ હોઈ શકે છે .
( घ) જગદ્ગુરુ કાવ્યમાં તત્કાલીન વ્યક્તિઓનાં ઘણાં નામ છે . ઐતિહાસિક વ્યક્તિઓનાં નામ , જગદગુરુ કાવ્યનું ગૌરવ વધારે છે . વાંચો લાંબી નામાવલિ :
કુંરા શાહ , નાથી દેવી , હીરકુમાર , શ્રી દાનસૂરિજી મ. , હીરહર્ષ મુનિ , ધર્મસાગરમુનિ , ભટ્ટ પંડિત , હુમાયુ , સૂર , રત્નસિંહ , બહાદુર શાહ , અકબર , ઉદયસિંહ , જયમલ્લ , ચંપા શ્રાવિકા , સ્થાનકસિંહ , રામજી , મનજી , સાહિબખાન , શ્રીસેનસૂરિજી મ . , સુલતાન , સાદિમ ખાન , શ્રી શાંતિચંદ્રજી ગણિ , સદારંગ , શ્રીધન્ય વિજયજી મ. , શ્રીવિમલ સાગરજી મ .
(च) શહેરો અને ગામોનાં નામ પણ ઘણાં છે : બળેજ , પાલનપુર , પાટણ , દેવગિરિ , શિરોહી , ગંધાર , દિલ્હી , કાબુલ , ચિત્તોડ , માંડવગઢ , પાવાગઢ , ખંભાત , દીવ , લાહોર , ફતેપુર , કુંભલગઢ , સિદ્ધપુર , કોલીવાડ , મેડતા , સાંગાનેર , સુરત , માંગરોળ .
( छ ) હીરગુરુદેવે અકબરના હાથે જે જે સુકાર્ય કરાવ્યાં એનું વિગતવાર વર્ણન , સૂરીશ્વર અને સમ્રાટ્ પુસ્તકમાં વાંચવા મળે છે . જગદ્ગુરુ કાવ્યમાં ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું વર્ણન છે પરંતુ પ્રત્યેક ઘટનાનું વર્ણન નથી . આ સંદર્ભે એટલું સમજી લેવું જોઈએ કે કોઈપણ ગ્રંથકાર પોતાને જેટલું અભિપ્રેત હોય તેટલું જ લખે છે . ગ્રંથકાર જે લખતો નથી એનો ગ્રંથકાર નિષેધ કરે છે એવું નથી . એટલું સમજવાનું હોય છે કે જે ગ્રંથકારે લખ્યું નથી તે ગ્રંથકાર માટે વિવક્ષિત નથી . આમ પણ હીરગુરુદેવનું જીવન એટલું બધું વ્યાપક છે કે કોઈએક ગ્રંથકાર એમના વિશે લખે ત્યારે બધું જ લખી શકે એ સંભવિત નથી . ખંડકાવ્ય જેવો રચના પ્રકાર કવિએ સ્વીકાર્યો છે આથી અતિ વિસ્તાર કવિને અનુકૂળ ન આવે એ સ્વાભાવિક છે . છતાં એટલું જરૂર કહી શકાય છે કે જગદ્ગુરુ કાવ્યમાં જે જે ઘટનાઓ ઉલ્લેખ પામી છે તે એટલી શક્તિશાળી છે અન્ય ઘટનાઓ ઉલ્લેખ ન પામી હોય તો પણ કાવ્ય અધૂરું લાગતું નથી . કવિનો આ સશક્ત વિજય છે .
પ. અનુમોદનીય અનુવાદ
જગદ્ગુરુ કાવ્યમાં જે જે ઐતિહાસિક વિગતો સંગૃહીત છે તેનું પર્યાપ્ત અનુસંધાન થવું જોઈએ . પરંતુ એ કામ સહેલું નથી કારણ કે જગદ્ગુરુ કાવ્યની ભાષા કઠિન છે . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ જગદ્ગુરુ કાવ્યને હિંદી અને અંગ્રેજી ભાષામાં અવતરિત કરવા દ્વારા આ અનુસંધાનની દિશાનું મંગલ ઉદ્ ઘાટન કર્યું છે . કોઈ પણ સંસ્કૃત કાવ્યને હિંદી અને અંગ્રેજી ભાષામાં અવતરિત કરવાનું સરળ નથી . સૂરિ ભગવંતને સરળ સહેલું કામ ગમતું પણ નથી . તેઓ પોતાને કઠિન આહ્વાન આપતા રહે છે અને તે પડકારનો સામનો કરી બતાવે છે . અનુવાદ કરવાનાં નામે તેમણે અઘરું ભાષાંતર કરી નાંખ્યું છે એવું પણ નથી . એમણે અનુવાદને વાચક ભોગ્ય રાખ્યો છે . વર્તમાન સમયના સમગ્ર શ્રમણ શ્રમણી સમુદાય શ્રી હીરગુરુદેવ માટે ઊંડી શ્રદ્ધા છે . આ અનુવાદ સમગ્ર શ્રમણ શ્રમણી સમુદાયને ખૂબ ગમશે. આ અનુવાદને લીધે જ , સમગ્ર શ્રમણ શ્રમણી સમુદાય દ્વારા આ કાવ્યની કથા લાખો શ્રાવકશ્રાવિકાઓ સુધી પહોંચશે એવો વિશ્વાસ જાગે છે.
એક કડવી સચ્ચાઈ એ છે ઘણાખરા સાધુ સાધ્વીજીઓ અને શ્રાવક શ્રાવિકાઓ જગદ્ગુરુ કાવ્યનું નામ પણ જાણતા નથી , જે જાણે છે એમાંથી ઘણાએ જગદ્ગુરુ કાવ્ય વાંચ્યું પણ નહીં હોય . શ્રી દેવવિમલજી વિરચિત હીરસૌભાગ્ય મહાકાવ્યને જેટલા વાચકો મળ્યા એટલા વાચકો આ જગદ્ગુરુ કાવ્યને નથી મળ્યા . હીરસૌભાગ્ય મહાકાવ્યને જેટલા વાચકો મળ્યા એમાં એના ગુજરાતી અનુવાદનો ફાળો ઘણો મોટો છે . જગદ્ગુરુ કાવ્યનો સુસ્વાદુ અનુવાદ હવે ઉપલબ્ધ છે આથી આ કાવ્યને પણ ઘણાબધા વાચકો મળવાના છે એવી ભવિષ્યવાણી કરી જ શકાય .
जगद् गुरु શબ્દ નંદીસૂત્ર , જગચિંતામણિ , જયવીયરાય આદિ સૂત્રોમાં પ્રભુ માટે વપરાયો છે . વૈદિક પરંપરામાં સર્વોચ્ચ આચાર્યને जगद् गुरु કહેવામાં આવે છે . જેમની પ્રતિભા વિશ્વમાં સર્વોપરી છે તે जगद् गुरु છે . જેમનું માર્ગદર્શન સકલ વિશ્વને સુખ , સમાધિ અને સંસ્કાર આપી શકે છે તે जगद् गुरु છે . જલાલુદ્દીન મોહમ્મદ અકબરે જેમને जगद् गुरु પદ સમર્પિત કર્યું તે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજાનો યશોનિનાદ જગતમાં ગાજતો હતો , ગાજે છે અને ગાજતો જ રહેશે .
