સુવિહિતશિરોમણિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનું અણમોલ રત્ન આગમવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અક્ષયભદ્રસૂરીશ્વરજી મહારાજા આજે કાળધર્મ પામ્યા . જ્ઞાનીની વિદાય અસહ્ય બનતી હોય છે . એમની પાંચ વિશેષતાઓ હંમેશા યાદ રહેશે .
૧. એમણે આગમોનું ઊંડું અવગાહન કર્યું હતું
પરમાત્માની મૂળવાણી આગમ સૂત્રોમાં સચવાયેલી છે . શ્રી સુધર્મા સ્વામીજી મહારાજાથી માંડીને આજ સુધી ગુરુ પરંપરા દ્વારા આગમનું અધ્યાપન ચાલુ રહ્યું છે . ગુરુપરંપરા દ્વારા એમને આગમવાચના મળી હતી . એમના જ્ઞાનગુરુ તરીકે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું નામ અવશ્ય આવે . એમનાં માર્ગદર્શનમાં આગમો વાંચ્યા . આગમના પદાર્થો આત્મસાત્ કર્યા . આગમના ટીકાકાર મહર્ષિઓ જે રીતે આગમના પદાર્થોને સમજાવે એ રીતે શ્રી અક્ષયવિજયજી મહારાજ આગમના એક એક રહસ્યો ખોલીને પદાર્થોને સમજાવતા હતા . ઉપદેશ આપવાનું ઘણું સરળ છે . પદાર્થો ખોલીને સમજાવવા એ અઘરું છે . એમનો પદાર્થ બોધ ઉત્કૃષ્ટ હતો અને એમની પાસે પદાર્થ બોધ આપવાની શક્તિ પણ ઉત્કૃષ્ટ હતી . કેટલાય સાધુ સાધ્વીઓએ એમની પાસે આગમોનો અભ્યાસ કર્યો છે . જેમણે એમની પાસે આગમો વાંચ્યા હોય એમને પદાર્થોની જે સ્પષ્ટતા મળી હોય એ કોઈ અનેરી હોય . દરેક પદાર્થ સાથે એ પોતાનું ચિંતન જોડતા અને એમનું પોતાનું ચિંતન હંમેશા માર્ગાનુસારી રહેતું .
૨ . તેઓ શાસ્ત્રશુદ્ધ શૈલીના વ્યાખ્યાનકાર હતા
તેઓ છટાદાર શૈલીમાં વ્યાખ્યાન આપતા . બુલંદ અવાજે બોલે . શ્રોતાઓને પ્રેમથી ઠપકારે પણ ખરા . એમની પ્રરૂપણા શાસ્ત્ર આધારિત જ રહેતી . પોતાનાં મનમાં સૂઝેલા તુક્કાઓના આધારે એ બોલતા નહીં . કોઈ એક પંક્તિ કે કોઈ એક શ્લોકનો આધાર લે , એમાંથી કોઈ એક મુદ્દો તારવે અને મુદ્દાનું સરળ વિશ્લેષણ કરે . નિરૂપણ એટલું સરળ હોય કે આ કોઈ શાસ્ત્રની ગંભીર વાત છે એવું લાગે જ નહીં પરંતુ એ શ્લોક કે પંક્તિ ટાંકે ત્યારે સમજાય કે ઓહો , આ વાત આ શાસ્ત્રમાં આ રીતે લખવામાં આવી છે . એમનું વ્યાખ્યાન સાંભળીને જે ઉભો થાય તે બે પાંચ શાસ્ત્રીય પદાર્થો લઈને જ જાય એ નક્કી . એમની વ્યાખ્યાનશૈલી ઉપર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની ઊંડી અસર જોવા મળતી .
૩ . તેઓ સક્ષમ રચનાકાર હતા
કોબાના દેરાસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ ઉપર વર્ષે એકવાર સૂર્ય કિરણનો તેજલિસોટો આવે છે . શ્રી સાગરજી સમુદાયના એક મહાત્માએ મને કહ્યું હતું કે એકવાર આ સૂર્ય કિરણ પ્રભુ મૂર્તિ પર આવ્યું ત્યારે શ્રી અક્ષય વિજયજી મહારાજ સાહેબ દર્શનાર્થે ત્યાં જ બેઠા હતા . જ્યાં સુધી મૂર્તિ ઉપર સૂર્યકિરણનો સ્પર્શ બનેલો રહ્યો ત્યાર સુધી તેઓ અભિનવ સ્તવન તત્કાળ રચતા ગયા અને ગાતા ગયા . હાથમાં કાગળ પેન લીધા વગર નવી રચના કરવી એ સહેલું નથી . તેઓ ભગવાનની સામે જોતાં જોતાં મનમાં જે આવ્યું એ રચતા ગયા અને જે રચાતું ગયું તે ગાતા જ રહ્યા , ગાતા જ રહ્યા . ઘણીબધી નવી પંક્તિઓ એક પછી એક આવતી જ ગઈ , આવતી જ ગઈ . કમાલની રચનાશક્તિ હતી . શ્રી પ્રેમસૂરિદાદાનાં માર્ગદર્શનમાં અભિનવ કર્મસાહિત્યસર્જનનો જે મહાયજ્ઞ મંડાયો હતો એમાં હજારો શ્લોક પ્રમાણ સંસ્કૃત લેખન એમના હાથે થયું હતું . સંસ્કૃતમાં લખવું અઘરું છે . સંસ્કૃતમાં એવું લખવું જેના દ્વારા પદાર્થનું વિસ્તૃત નિરૂપણ થયું હોય એ તો વધારે અઘરું છે અને મહાજ્ઞાની શ્રી પ્રેમસૂરિદાદાની સ્વીકૃતિ મળે એવું લખવું તો એકદમ જ અઘરું છે . એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં થાય કે તેઓ સમર્થ શાસ્ત્રકાર હતા . એમણે લખેલી સંસ્કૃત ટીકા વાંચો , તમને આ વાત સાચી જ લાગશે .
૪ . એમનું પુણ્ય વિશિષ્ટ કક્ષાનું હતું
એમની પાસે નવકારવાળીઓ મોંઘામાં મોંઘી હોય . એમની ઘડિયાળ ચીલાચાલુ ન હોય . કામળી હોય , આસન હોય , જે પણ હોય બધું બહુ સરસ હોય . જોવાથી સમજાય કે એમના ભક્તો શક્તિશાળી છે . એવું નહોતું કે એમને શોખ હતો . એમને ભક્તો જ એવા મળતા કે એમની પાસે ઉત્તમ વસ્તુઓ બરોબર પહોંચી જતી . પોતાની પાસે એમણે બધું સંઘરીને રાખ્યું નહોતું . જ્યારે જેને જે આપવાનું હોય એ આપતા . એમણે મંત્ર શાસ્ત્રનો અભ્યાસ ઘણો કર્યો હતો , મંત્ર સાધનાઓ ઘણી કરી હતી એટલે એમનું પુણ્ય જાગતું રહેતું . છેલ્લા સમયમાં એમની સેવા અનેક અનેક મુનિ ભગવંતો ખૂબ શ્રદ્ધાપૂર્વક , ખૂબ અહોભાવપૂર્વક કરતા હતા . એમની સેવા જે રીતે થઈ એનાથી સમજાય કે એમનું પુણ્ય હંમેશા ઊંચું જ રહ્યું છે .
૫ . તેમણે સમાધિ માટે સ્વભાવ પરિવર્તન કર્યું હતું
અંતિમ સમયની સમાધિ આસાનીથી મળતી નથી . સ્વ ની ઉપર જે ઘણું ઘણું કામ કરે તે જ સમાધિને પાત્ર બને છે . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાને એમણે પોતાનાં જીવનની લગામ સોંપી રાખી હતી . હું જેટલું વિચારી શકું છું એના કરતાં વધારે આપ વિચારી શકો છો એવું સમર્પણ એમણે રાખ્યું હતું . મને જે સમજાય છે એનાથી વધારે આપને સમજાય છે એવો આદરભાવ એમણે જાળવી રાખ્યો હતો . મારે જે કરવાનું છે એ હું નક્કી નહીં કરું , એ આપે નક્કી કરવાનું છે એવો સમર્પણ ભાવ એમણે અખંડ રાખ્યો હતો . જેમણે એમને યુવા અવસ્થામાં જોયા છે તેઓ જાણે છે કે એમનામાં કેટલું જોશ હતું , કેટલી ઉર્જા હતી . તેઓ ભલભલાને ટાઢા પાડી દે એવા પાવરફૂલ હતા . કોઈના બાપની સાડાબારી ના રાખે એવા હિંમતવાન્ હતા . હતા ઘણા કડક , પરંતુ ધીમે ધીમે એમણે પોતાના સ્વભાવનું પરિવર્તન કરી લીધું હતું . એમણે કોઈ આગ્રહ રાખ્યા નહોતા , કોઈ અભિનિવેશ પાળ્યા નહોતા . તેઓ કર્તૃત્વભાવમાંથી બહાર આવીને સાક્ષિભાવ તરફ ઢળી ચૂક્યા હતા એ દેખાતું હતું . પોતાની શક્તિ એમને વધારે અગત્યની નહોતી લાગતી . પોતાની શાંતિ એમને વધારે અગત્યની લાગતી હતી . પોતાની ઈચ્છા એમને અગત્યની નહોતી લાગતી . પોતાની સમાધિ એમને અગત્યની લાગતી હતી . આ મન:પરિવર્તન એમના આત્માને અઢળક શાંતિ આપી રહ્યું હતું .
વર્ષોનાં વર્ષો સુધી આગમોના પદાર્થોમાં એમણે એકાગ્રતા બનાવી હતી . વર્ષોનાં વર્ષો સુધી કર્મગ્રંથના ગહન પદાર્થોમાં એ રમમાણ રહ્યા હતા . અધ્યાપન અને વાચનાપ્રદાન દ્વારા પણ તેઓ શાસ્ત્રો સાથે સતત જોડાયેલા રહ્યા હતા . એક મહાન્ જ્ઞાનયોગી તરીકેનું જીવન એ જીવ્યા . એ સતત પ્રભુનાં વચન સાથે જોડાયેલા રહે એની પર પ્રભુના વિશેષ આશીર્વાદ રહેતા હોય છે . વીશ વીશ તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિ શ્રી સમેત શિખર મહાતીર્થની ભૂમિ ઉપર , ૧૫૦ કલ્યાણકની આરાધનાનો દિવસ સુંદર રીતે વિતાવીને માગશર સુદ બારસના દિવસે તેઓ પરમના પંથે સંચરી ગયા . ધન્ય જ્ઞાન . ધન્ય ધ્યાન .
વાર્તા છે ગુરુકુળની . અભ્યાસનું સત્ર પૂરું થઈ ગયું હતું . વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી . ગુરુ જાહેરમાં પ્રશ્ન પૂછશે અને વિદ્યાર્થીએ જાહેરમાં જવાબ આપવાનો રહેશે , દર વખતની જેમ આ વખતે પણ આ જ પદ્ધતિ રહેવાની હતી . એક વિદ્યાર્થીએ બંડ પોકારીને પ્રસ્તાવ મૂક્યો કે ‘ આ વખતે જાહેરમાં હું પ્રશ્ન પૂછીશ અને જવાબ ગુરુએ આપવો પડશે . દર વખતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડે આ તે કેવું ? ક્યારેક ગુરુએ પણ પરીક્ષા આપવી પડે . ‘
ગુરુએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો . જાહેર પરીક્ષાનો દિવસ આવ્યો . બધાની હાજરીમાં વિદ્યાર્થીએ ગુરુને પ્રશ્ન પૂછ્યો . પ્રશ્ન જબરો હતો . વિદ્યાર્થીએ પોતાના હાથની હથેળી પર પક્ષીનું નાનું બચ્ચું રાખ્યું હતું . બધા વિદ્યાર્થીઓને પક્ષીનું બચ્ચું બતાડ્યા બાદ , વિદ્યાર્થીએ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે મારા હાથમાં જે પક્ષીનું બચ્ચું છે તે જીવશે કે મરી જશે એનો જવાબ આપો . પ્રશ્ન અટપટો હતો . ગુરુ એમ કહે કે પક્ષી જીવી જશે તો વિદ્યાર્થી હાથની મુઠ્ઠી દબાવી દે અને પક્ષી ખતમ થઈ જાય . ગુરુ એમ કહે કે પક્ષી મરી જશે તો વિદ્યાર્થી મુઠ્ઠી દબાવે જ નહીં . પક્ષી જીવતું રહી જાય . બંને જવાબ ખોટા પડે . પક્ષી જીવશે એવો જવાબ પણ આપી શકાય એમ નહોતું . પક્ષી મરી જશે એવો જવાબ પણ આપી શકાય એમ નહોતું . બંને જવાબ ખોટા પડે એવી સંભાવના હતી . વિદ્યાર્થીએ ગુરુકુળમાં પહેલીવાર જાહેરમાં પરીક્ષા લેવાનું સાહસ કર્યું હતું . એનું સાહસ સાર્થક પુરવાર થશે એવું લાગતું હતું . ગુરુ પહેલો જવાબ આપે અને વિદ્યાર્થી એ જવાબને ખોટો સાબિત કરે . ગુરુ બીજો જવાબ આપે અને વિદ્યાર્થી એને પણ ખોટો સાબિત કરે . ગુરુ શું જવાબ આપે એ પ્રશ્ન હતો . વિદ્યાર્થીનો સવાલ જબરો હતો . બાકીના બધા વિદ્યાર્થીઓ અવાચક હતા કે ગુરુ શું જવાબ આપશે . પણ કહેવાય છે ને બાપ બાપ હોતા હૈ .
ગુરુએ વિદ્યાર્થીને પૂછ્યું કે તારો સવાલ હું તને પૂછી લઉં છું . તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે એ જીવશે કે મરી જશે ? આ જ તારો પ્રશ્ન છે ને ? વિદ્યાર્થીએ કહ્યું : હા , આ જ મારો પ્રશ્ન છે . ગુરુએ કહ્યું : તું જવાબ ધ્યાનથી સાંભળજે . તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે એ જીવતું રહેશે કે મરી જશે , એ તારા હાથમાં છે .
ગુરુએ પહેલો જવાબ ન આપ્યો . ગુરુએ બીજો જવાબ ન આપ્યો . ગુરુએ કોઈ ત્રીજો જ જવાબ આપ્યો . ગુરુએ કહ્યું : તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે કે જીવશે કે મરી જશે એનો નિર્ણય તારા હાથમાં છે . હવે વિદ્યાર્થી પાસે ગુરુની સામે બોલવા જેવું કશું રહ્યું નહીં . ગુરુ બોલે કે જીવશે તો વિદ્યાર્થી પાસે જવાબ હતો . ગુરુ બોલે કે મરી જશે તો વિદ્યાર્થી પાસે જવાબ હતો . પણ ગુરુએ ત્રીજો જવાબ આપ્યો . ગુરુએ કહી દીધું કે પંખીના બચ્ચાનું શું થશે એ વિદ્યાર્થીના હાથમાં છે .
જાહેરમાં પરીક્ષા લેવાઈ હતી . જાહેરમાં વિદ્યાર્થી જીતી જશે એવું લાગતું હતું પણ વિદ્યાર્થી જાહેરમાં હારી ગયો હતો . ગુરુ ગુરુ હોતા હૈ એ વાત સાબિત થઈ ગઈ હતી . તમારા હાથમાં આવેલી તક એ તમારા હાથમાં બેઠેલું પંખીનું બચ્ચું છે . તમે એ તકનો લાભ ઉઠાવો છો તો એ તક જીવતી રહે છે . તમે એ તકનો લાભ નથી ઉઠાવતા તો એ તક બરબાદ થઈ જાય છે . જિંદગી તમને વારંવાર સારી તક આપતી હોય છે . તમારે એ તકને ઓળખવાની હોય . તમારે એ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય . તમારે એ તકને સાધી લેવાની હોય . તક મળે ત્યારે આળસુ બનીને જે બેસી રહે છે એની માટે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું છે : અવસર પામી આળસ કરશે , તે મૂરખમાં પહેલોજી .
તમે આજે જીવતાં બેઠા છો . તમારું આયુષ્ય એ તમારા હાથમાં રહેલી સૌથી મોટી તક છે . તમે આયુષ્યનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કામ માટે કરી શકો છો . તમારી બુદ્ધિ એ તમારા હાથમાં રહેલી સૌથી મોટી તક છે . તમે બુદ્ધિનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કામ માટે કરી શકો છો . તમારી પાસે ઘણું ધન છે . તમારું ધન એ તમારી તક છે . તમે ધનનો ઉપયોગ કરીને ઉત્તમમાં ઉત્તમ કામ કરી શકો છો . આ રીતે તમારી પાસે ઘણીબધી તક રહેલી છે . તમારી પાસે આવેલી તક તમને કામ કરવાની સ્વતંત્રતા આપે છે , આગળ વધવાની સ્વતંત્રતા આપે છે , ઊંચાઈ સાધવાની સ્વતંત્રતા આપે છે . તમે તકને ઓળખશો નહીં , તમે તકને સમજશો નહીં એ તમારી ભૂલ હશે . તક પંખીનું બચ્ચું છે . આયુષ્ય , બુદ્ધિ અને ધનનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કાર્ય માટે જેણે કર્યો નહીં એણે પોતાના હાથમાં આવેલા પંખીને ઉપેક્ષાની મુઠ્ઠીમાં દબાવીને ખતમ કરી લીધું છે .
ગુરુનો જવાબ યાદ રાખજો : તમારા હાથમાં બેસેલું પંખીનું બચ્ચું જીવતું રહેશે કે મરી જશે એનો નિર્ણય તમારા હાથમાં છે . તમને મળેલી તકનો ઉપયોગ તમે કર્યો નથી , તમને મળેલી તક હાથમાંથી જઈ રહી છે . એ તક કંઈ છે , શોધી કાઢો .
માણસનો સ્વભાવ છે . જેની સાથે લાંબો સમય રહે એની માટે મમતા બાંધે . મમતાનું આલંબન સારું બને એટલે મમતા કલ્યાણકારી બની જાય . ઉપધાન કરવા માટે લાંબો સમય સુધી કોઈ એક તીર્થમાં રહેવા મળે એટલે તીર્થ માટે મમતા થઈ જાય . ઉપધાન કરવા માટે ગુરુ ભગવંતોની નિશ્રામાં રહેવા મળે એટલે ગુરુ ભગવંતો માટે મમતા થઈ જાય . ઉપધાન કરવા માટે કોઈ જે સાધર્મિકો સાથે રહેવા મળે તે સાધર્મિકો માટે મમતા થઈ જાય . રોજેરોજ આરાધના કરતા હોઈએ તેને કારણે આરાધનાની બધી જ ક્રિયાઓ માટે મમતા થઈ જાય .
આ મમતા બહુ પવિત્ર છે . આ મમતાનું જતન કરજો . આ મમતામાંથી જે પીડા આવે છે એ પીડા પણ પવિત્ર છે . એ પીડાનું પણ જતન કરજો . તીર્થને છોડીને જવાનું ગમતું નથી આ લાગણી પવિત્ર છે . ગુરુ ભગવંતોની નિશ્રા છોડીને જવાનું ગમતું નથી આ દુઃખ પણ પવિત્ર છે . સહઆરાધકોથી વિખૂટા પડવાનો અફસોસ થતો હોય છે આ અફસોસ પણ પવિત્ર છે . આરાધનાઓ ઓછી થશે અને વિરાધનાઓ વધી જશે એની ચિંતા બને છે અને આ ચિંતા પણ પવિત્ર છે . હવે રોજ ક્રિયાઓ કરવા નહીં મળે , રોજ અઘરાં પચખાણ લેવા નહીં મળે , રોજ ભગવાન્ નહીં મળે , ગુરુ નહીં મળે , સ્તવન સજ્ઝાય અને સ્તુતિઓ નહીં મળે . જે નહીં મળે એ અતિશય પવિત્ર હશે . પવિત્ર તત્વોના વિરહમાં રડવું એ આરાધક ભાવની ધન્યતા છે .
સંસારી સ્વજનો અને સંસારનાં સાધનો માટે બનેલી મમતા પવિત્ર હોતી નથી . આપણે એ મમતાથી મુક્ત બની શકતા નથી . ઉપધાનના દિવસોમાં આપણે સ્વજનો અને સાધનોથી દૂર હતા આથી એમની મમતાઓથી અળગા રહ્યા હતા . ઉપધાન પૂરા કરીને ઘરે જઈશું એટલે આ બધી જ મમતાઓ ફૂલ ફોર્મમાં એક્ટિવ થઈ જવાની . સંસારી મમતાઓ બનશે એનો ડર લાગવો જોઈએ , આ ડર પવિત્ર છે . વિરાધનાઓ કરવી જ પડશે એની પીડા થશે , એ પીડા પવિત્ર છે . બાહ્ય આનંદપ્રમોદનાં વાતાવરણમાં ફસાઈ જવાના છીએ એનો પસ્તાવો થશે , આ પસ્તાવો પવિત્ર છે .
ઉપધાનમાં સ્વજનો નહોતા , ઘરમાં સ્વજનો હશે .
ઉપધાનમાં ભૌતિક સાધન સામગ્રીઓ નહોતી , ઘરમાં હશે .
ઉપધાનમાં વાસનાઓ માટે અવકાશ નહોતો , ઘરમાં હશે .
ઉપધાનમાં વિરાધનાઓ નહીંવત્ હતી , ઘરમાં ઘણી હશે .
ઉપધાનમાં જેનો જેનો ત્યાગ કર્યો હતો એ ત્યાગમાંથી બહાર આવતી વખતે મનમાં અપરંપાર દુઃખ થવું જોઈએ .
પવિત્ર પીડા આંસુ લાવે છે . છેલ્લા દિવસે પૌષધ પારીએ અને ઘરે જવાનો સમય થાય ત્યારે થોડુંક રડી લેજો . એ રડવાનું પણ પવિત્ર ગણાશે . સંગમને જતાં જોઈને ભગવાનની આંખમાં આંસુ આવ્યાં હતાં , એ કરુણાનાં આંસુ હતાં , પવિત્ર આંસુ . પોતાની જાતને ઘેર જતાં જુઓ એ વખતે પણ આંસુ આવવા જોઈએ . એ આંસુઓમાં આરાધકભાવની પવિત્રતા હશે . એ આંસુઓને આવવા દેજો , અટકાવતા નહીં . ( સમાપ્ત )
ફૂલની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલમાંથી સુગંધ ઓછી થતી નથી .
દીક્ષા પછી ભગવાન્ મહાવીરના શરીર પર દૈવી વિલેપનની સુગંધ હતી . સુગંધથી ભમરાઓ ખેંચાઈને આવતા હતા , ડંખ મારતા હતા . સુગંધને લીધે વનવાસી યુવાનો સુગંધ માંગવા આવતા હતા , જવાબ ન મળે એનો ગુસ્સો કરતા હતા . સુગંધને લીધે વનવાસિની મહિલાઓ આકર્ષિત થઈને અનુકૂળ ઉપદ્રવ કરતી હતી . ભગવાન્ બધું સહન કરી લેતા હતા .
તમારામાં ગુણો પ્રગટશે , એ ગુણો તમને આનંદિત રાખશે . પણ યાદ રાખજો કે તમારામાં ગુણ છે એનો લાભ સજ્જનો પણ લેશે અને એનો ગેરલાભ દુર્જનોને પણ મળશે . તમારામાં પ્રગટેલો ગુણ પરીક્ષામાંથી પસાર થયા પછી જ પાક્કો થાય છે . જે ગુણ પરીક્ષામાં હારી જાય એ ગુણ આત્મા માટે ઉપયોગી સાબિત થતો નથી . જે ગુણ પરીક્ષામાં જીતી જાય એ જ આત્મા માટે ઉપયોગી સાબિત થતો હોય છે .
ચાર સંભાવના બને છે . તમે ગુણવાન્ છો અને તમને જે મળે છે એ ગુણવાન્ છે . તમે ગુણવાન્ છો અને તમને જે મળે છે એ ગુણવાન્ નથી . તમે ગુણવાન્ નથી અને તમને જે મળે છે એ ગુણવાન્ છે . તમે ગુણવાન્ નથી અને તમને જે મળે છે એ પણ ગુણવાન્ નથી . તમે ગુણવાન્ છો અને તમે ગુણવાન્ જ રહો એ સૌથી વધારે અગત્યનું છે . પરિસ્થિતિ કે સંભાવના કોઈ પણ હોય .
- તમે માફ કરી શકો છો એ ગુણ છે . સજ્જન પહેલેથી સચેત રહેશે અને તમને હેરાન કરવાનું ટાળશે . પણ આ જ ગુણનો દુરુપયોગ કરીને અમુક લોકો તમને વારંવાર હેરાન કરતા રહેશે . તમે ગુણને છોડશો નહીં અને એ લોકો ખરાબ આદત છોડશે નહીં .
- તમે ના કહી શકતા નથી એ ગુણ છે . સજ્જન તમારી અનુકૂળતાનો વિચાર પહેલાં કરશે , સજ્જન તમને તકલીફ ના પડે એનું ધ્યાન બરોબર રાખશે . પણ દુષ્ટ લોકો તમારી ઈચ્છા ન હોવા છતાં તમને કામ પકડાવ્યા કરશે અને તમારે કામ પરાણે કરવા જ પડશે .
- તમારામાં દાન કરવાની શક્તિ છે . ક્યાંક કોક જગ્યાએ સારું કામ થતું હશે એમાં સજ્જન તમને જોડશે . ખોટા લોકો બોલવાની જાળ બીછાવીને ખોટેખોટા પૈસા પડાવી જશે .
- તમારામાં માર્ગદર્શન આપવાની શક્તિ છે . સજ્જનો તમને મળશે અને આગામી સમયમાં જે સારાં કામો કરવા છે એનો વિચારવિમર્શ તમારી કરશે . દુર્જન મીઠાશપૂર્વક તમારી સાથે વાતો કરીને , તમારો યુઝ કરીને , પછી તમને જ સાઈડટ્રેક કરી દેશે .
- તમારી પાસે વચનશક્તિ છે , તમારી પાસે લેખનશક્તિ છે . સજ્જનો તમારા દ્વારા કોઈ ઉત્તમ પ્રસ્તુતિ થાય એવી ગોઠવણ કરશે કે કરાવશે . સજ્જનેતર લોકો કેવળ સ્વ સમર્થન માટે કે પોતાની પ્રશંસા રચવા માટે તમને કામ પકડાવશે .
- તમે કોઈની નિંદા કરતા નથી એ ગુણ છે . સજ્જનો તમારી આ વિશેષતા જોઈને રાજી થશે અને તમારી સમક્ષ ઉત્તમ પુરુષોની ગુણગાથા અને ઉત્તમ કાર્યોની અભિલાષા સંબંધી વાતો કરશે . દુર્જનો જુદું જ કામ કરશે . તમે કોઈની નિંદા કરતા નથી આનો ફાયદો ઉઠાવીને અમુક લોકો તમારી જ નિંદા કરતા રહેશે . એમને ખબર છે કે તમે તો એમની નિંદા કરવાના જ નથી , આથી પોતાની રચેલી સ્ટોરી માર્કેટમાં ફેલાતી રહે એવો એડવાન્ટેજ એ લોકો લીધા કરશે .
- તમે છળકપટ કરતા નથી એ ગુણ છે . સજ્જનોને આ સમજાશે અને તમારી સરળતાથી એ પ્રભાવિત રહેશે . તમારી આ વિશેષતાને કારણે સજ્જનો તમારી પર ખૂબબધો વિશ્વાસ મૂકશે . દુર્જનો તમારી સાથે છળકપટ કરશે અને ગાયબ થઈ જશે , તમને સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે .
તમે ગુણવાન્ બન્યા છો . તમે સજ્જન માટે પણ ગુણવાન્ જ છો અને દુર્જન માટે પણ ગુણવાન્ જ છો . તમારી સાથે સારો વ્યવહાર થાય ત્યારે પણ તમે સજ્જન છો અને સજ્જન જ રહેજો . તમારી સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે પણ તમે સજ્જન છો અને સજ્જન જ રહેજો . તમે દુર્જન હશો એનો ફાયદો એ હશે કે અમુક દુર્જનો તમને હેરાન કરશે નહીં કારણ કે દુર્જન પણ દુર્જનથી ડરતો જ હોય છે . તમે દુર્જન હશો એનું નુકસાન એ હશે કે સજ્જન તમારાથી ડરશે અને દૂર રહેશે . ગુણવાન્ સજ્જનને સજ્જન મળવા ચાહે જ છે . ગુણવાન્ સજ્જનને હેરાન કરતી વખતે દુર્જન પણ જાણતો હોય છે કે આમના તરફથી મને તકલીફ આવવાની નથી .
જેનામાં દોષ છે એને તે દોષને કારણે ક્યાંય ને ક્યાંય હેરાન થવું પડે છે એવું આપણે સાંભળતાં આવીએ છીએ . જેનામાં ગુણ છે એને એ ગુણને કારણે ક્યાંય ને ક્યાંય હેરાન થવું પડે છે એવું કહેવામાં આવતું નથી . આથી છાપ એવી ઊભી થાય છે કે ગુણ આવ્યા એટલે સુખ આવ્યાં . ગુણ સ્વયં એક સુખ છે એમાં કોઈ શક નથી . પરંતુ , દરેક ગુણની પરીક્ષા થતી હોય છે . દુર્જનની દુર્જનતાનો ગેરલાભ લેવાયો હોય એવું સાંભળવા મળ્યું નથી . સજ્જનની સજ્જનતાનો ગેરલાભ લેવાયો હોય એવું હંમેશા સાંભળવા મળતું હોય છે . કાંટાઓને ક્યારેય વેઠવાનું આવતું નથી . વેઠવાનું તો ફૂલોને જ હોય છે .
ભગવાન મહાવીરે દસ પ્રકારના યતિધર્મને એટલે કે ૧૦ મહાન્ ગુણોને આત્મસાત્ કર્યા હતા . ઉપસર્ગ કરવાવાળાઓ ઉપસર્ગ કરી શક્યા કારણ કે ભગવાન્ પોતાના ગુણો સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતા . શરીરમાં સુગંધ હતી એટલે ભમરા ડંખ મારતા હતા . આત્મામાં ગુણો પ્રગટ્યા હતા એટલે જ ઉપસર્ગકર્તાઓનો પ્રતિકાર થયો નહોતો . તમારી સાથે સારો વ્યવહાર ન થાય ત્યારે પણ તમે ગુણવાન્ સજ્જન બનેલા રહો . તમારી સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે પણ તમે ગુણવાન્ સજ્જન જ બનેલા રહો . તમારા ગુણો પર આક્રમણ થશે , તમારે ગુણોને ટકાવી રાખવાના છે . તમારા ગુણોને ધક્કો લાગે એવું વાતાવરણ બનાવવામાં આવશે , તમે તમારા ગુણોને વફાદાર રહેજો .
લીંબુના રસને દૂધના ટીપાથી ડર નથી લાગતો પરંતુ દૂધને લીંબુરસના એક ટીપાનો ડર લાગે જ છે . જેનામાં ગુણો આવ્યા નથી એના ગુણની પરીક્ષા થવાની જ નથી . એના ખિસ્સા જ ખાલી છે . પરીક્ષા એની જ થવાની છે જેનામાં ગુણ છે . તમારામાં કયા કયા ગુણો છે એ તપાસો . એ ગુણો ખરેખર તમારામાં છે એ બાબતમાં સ્પષ્ટ થઈ જાઓ . આટલું કર્યા પછી પોતાની જાતને સૂચના આપો કે મારામાં ગુણ છે એટલે હું સિદ્ધશિલામાં પહોંચી ગયો છું એવું નથી . મારા ગુણ પ્રતિપાતી છે , અપ્રતિપાતી નથી . ત્રણ વાતો યાદ રાખવાની છે :
૧ . મારામાં પ્રગટેલો ગુણ , મારી જવાબદારી છે . મારા ગુણ ઉપર ઉપસર્ગ આવશે જ . મારે એ ઉપસર્ગથી વિચલિત થયા વગર મારા ગુણને વફાદાર રહેવાનું છે .
૨ . સજ્જનો સારો વ્યવહાર કરે ત્યારે ગુણોની પરીક્ષા થતી નથી . દુર્જનો દુષ્ટ વ્યવહાર કરે ત્યારે જ ગુણોની પરીક્ષા થતી હોય છે . જે રીતે સજ્જનો સાથે ગુણવાન્ બનેલા રહીએ છીએ એ રીતે દુર્જન સાથે પણ ગુણવાન્ બનેલા રહેવાનું છે . દુર્જન દુર્જનતા છોડશે નહીં એની સામે સજ્જન પણ સજ્જનતા છોડશે નહીં .
૩ . તમારામાં ગુણ છે , એ જોઈને બધા લોકો તમારા પ્રશંસક બની જશે એવું નથી . તમારામાં ગુણ છે , એ જોઈને બધા લોકો તમારા વિરોધી બની જશે એવું પણ નથી . જે લોકો ગુણવાન્ હશે એ તમારા ગુણોને સમજી શકશે . જે લોકો ગુણવાન્ નહીં હશે એ તમારા ગુણોને નહીં સમજી શકે .
એક વાત હંમેશા યાદ રાખજો : ફૂલોની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલોમાંથી સુગંધ ઓછી થતી નથી . ગુણવાન્ વ્યક્તિને મળેલી વ્યક્તિ ગુણવાન્ ના હોય તો પણ એ ગુણવાન્ સજ્જન ગુણવાન્ જ બનેલો રહે છે .
તમે સાધક છો . લોકો તમારી સાથે વાત કરશે . એમને એમાંથી કંઈક મળશે . બધા જ લોકો તમારી સાથે વાત કરવા આવશે એવું નથી . અમુક લોકો તમને દૂરથી જોશે . એ લોકોને પણ તમારી પાસેથી કંઈક મળવું જોઈએ . ફૂલની સુગંધ પામવા માટે ફૂલને અડવાની જરૂર નથી , ફૂલ દૂર હોય તો પણ ફૂલની સુગંધ મળી જતી હોય છે . સાધકને જે દૂરથી જુએ એને પણ સાધક પાસેથી કંઈક મળી જતું હોય છે . તમારામાં દુનિયા શું જોઈ શકે છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ . તમારામાં જે દેખાય છે એ દુનિયા શીખે છે . તમારામાં જે દેખાય છે , એના આધારે દુનિયા તમારું મૂલ્યાંકન કરે છે . તમારામાં જે નથી દેખાતું એ દુનિયાને શીખવા નથી મળતું . તમારામાં જે નથી , એના પર આધારિત મૂલ્યાંકન પણ થતું નથી . સાધક સાધુ હોય , સાધ્વી હોય , શ્રાવક હોય , શ્રાવિકા હોય . એમને જે દૂરથી જુએ એમને શું જોવા મળે ? ભરપૂર પ્રસન્નતા જોવા મળે . અપાર એનર્જી જોવા મળે . સાત્ત્વિક ભૂમિકાની વાતો જોવા મળે . જેને જેને ખબર છે કે તમે સાધક છો એને એને તમારામાં આ ત્રણેત્રણ દેખાવા જોઈએ . તમારામાં પ્રસન્નતા ન દેખાય , એનર્જી ન દેખાય , સાત્ત્વિક ભૂમિકાની વાતો નહીં દેખાય એનું પરિણામ એ આવશે કે લોકોને સાધક પદ ઉપરથી વિશ્વાસ ઊઠી જશે .
સાધક પ્રસન્ન હોય . એના ચહેરા પર નિરાશા ન હોય , પીડા ન હોય , વિવશતા ન હોય . સાધકના અવાજમાં હરખ હોય . સાધકના વિચારોમાં ઊંચી આશા હોય . સાધકની આંખોમાં ચમક હોય . સાધકની મુખમુદ્રા ઉપર સ્મિત હોય , હાસ્યની છાયા હોય . પ્રભુની મૂર્તિ જુઓ . તમને પ્રસન્નતાની ધારાઓ જોવા મળશે . તમે તમારાં મોઢેથી જાહેરાત કરશો કે હું બહુ પ્રસન્ન છું , એનાથી કોઈ માનવાનું નથી કે તમે પ્રસન્ન છો . તમારા વ્યવહારમાં દીવાની જ્યોત જેવી પ્રસન્નતા ચમકતી હશે એનાથી લોકોને સમજવા મળશે કે આ સાધક છે , જુઓ . કેવા પ્રસન્ન છે ? કેવા આનંદમાં રહે છે ? તમે પ્રસન્નતાનો દેખાડો કરો એની આ વાત નથી . તમારી પ્રસન્નતા એ રીતે છલકાતી હોય કે તમને જોઈને લોકોને સમજાય કે આમની સાધનાએ આમને બહુ મોટી પ્રસન્નતા આપી છે . જે સાધના આમણે કરી છે એવી સાધના હું કરીશ એનાથી મને અવશ્ય પ્રસન્નતા મળશે . તમારી પ્રસન્નતા જોઈને લોકોને તમારા ધર્મ પ્રત્યે આદર થાય છે . જે ધર્મ તમને પ્રસન્નતા આપે છે એ ધર્મ કરવા તરફ લોકો આકર્ષાય એવું આપોઆપ બની શકે છે . પ્રસન્નતા અનાયાસ હોય એ અગત્યનું છે . પ્રસન્નતા બીજાને દેખાડવા માટે નથી હોતી . પ્રસન્નતા પોતાની મેળે ખુશ રહેવા માટે હોય છે . તમે સાધના કરો છો . તમે સાધના કરી છે એવું જે જાણે છે એને તમારી પ્રસન્નતા જોઈને તમારી સાધના માટે અહોભાવ થાય છે . તમારે ધર્મ સાથે જોડાયેલા રહેવાનું છે અને એ ધર્મ થકી પ્રસન્ન બનતા રહેવાનું છે . એ કામ તમારું . વરસાદનું પાણી પોતાની મેળે પડે છે , એ રીતે તમારી પ્રસન્નતા પોતાની મેળે જ ચમકશે . પ્રસન્નતા પ્રદર્શનનો વિષય નથી . પ્રસન્નતા અનુભૂતિનો વિષય છે . વાત એ છે કે પ્રસન્નતા છૂપી રહેતી નથી . એ પોતાની મેળે છલકાઈ જ જાય છે . તમને દૂરથી જોનારો કે નજદીકથી જોનારો તમારામાં પ્રસન્નતા જોઈ શકે અને એ પણ જોઈ શકે કે આ પ્રસન્નતા બિલકુલ સાચી છે . તમારી સાધક દશાની આ પહેલી સફળતા છે .
સાધકમાં સ્વાર્થભાવ કે છળકપટ કે ગોપનીયતા હોતી નથી . આથી સાધકને ડરવાનો પ્રશ્ન આવતો નથી . જે ડરતો હોય એ ઢીલો પડી જાય , એની એનર્જી ખોટકાય . ડર નથી એટલે ઉત્સાહ છે . ડર નથી એટલે ઉમંગ છે . ડર નથી એટલે નક્કર આશા છે . સાધકમાં સ્વાર્થ નથી હોતો આથી સાધકમાં સ્પર્ધાભાવ નથી હોતો , હારજીતની ભાવના હોતી નથી . સાધક હલકોફૂલકો હોય . અંદરના અવરોધ સાધકને સતાવતા નથી . જે કરવાનું છે તે પૂરી પ્રામાણિકતાથી કરવાનું છે , સાધકનો એ નિશ્ચય હોય છે . જે કરીએ એનું સારું પરિણામ આવશે એની સાધકને કલ્પના હોય છે . સાધકને કોઈ બાબતનો કંટાળો ન હોય , સાધકમાં કોઈ કારણનો થાક ન હોય . સાધકનું મોઢું સોગિયું ના હોય . સાધકની ગતિવિધિ ઢીલી ઢીલી ના હોય . સાધકમાં ઉર્જાનો ભંડાર ફાટફાટ થતો હોય . સાધકનું એનર્જી લેવલ હાઈ હોય છે . સાધકને જે જોતો હોય એને સાધકમાં થાક નથી એ દેખાય , કંટાળો નથી એ દેખાય , ધકેલ પંચા દોઢસોની વૃત્તિ નથી એ પણ દેખાય . તમે થાક્યા નથી , થાકવાના નથી . તમે કંટાળ્યા નથી , કંટાળવાના નથી . આવું બારેય મહિના તમારામાં જોવા મળે ત્યારે તમને જોનારાઓ તમારી સાધનાને સલામ કરવા લાગશે . દવાઓ ખાઈ ખાઈને આણેલી એનર્જી નકલી હોય છે . ભીતરમાંથી જાગેલી એનર્જી અસલી હોય છે .
જે લોકો તમને દૂરથી જુએ છે એ લોકો તમે કોની સાથે શું વાતો કરો છો એની ઉપર પણ નજર રાખે છે . તમે શું બોલો છો એના આધારે તમારું લેવલ નક્કી થાય છે અને તમારું લેવલ શું છે એના આધારે એ નક્કી થાય છે કે તમે શું બોલવાના છો . તમારી વાતો સાત્ત્વિક છે એવું જેને દેખાશે એ તમારી સાધના માટે અહોભાવ બનાવશે .
૧. જેની વાતોમાં નિંદારસ ઘોળાયા કરતો હોય એ ક્યારેય પણ વિશ્વાસપાત્ર હોતો નથી . જે કોઈની નિંદા કરતો નથી એની પર વિશ્વાસ મૂકવાનું મન થાય છે . સાત્ત્વિક વાતોની નિશાની એ છે કે તમે કોઈની નિંદા કરતા નથી . જે બીજાને ખરાબ દેખાડવા માંગે છે તે પોતે સારો હોઈ જ ના શકે .
૨. જેની વાતોમાં બીજાની સાથેનો સ્પર્ધાભાવ ટપકતો હોય એ સાત્ત્વિક વાતો કરી નહીં શકે . કોઈના હારવાથી તમારી નામના વધે છે એવું માનવામાં સાત્ત્વિકતા ક્યાં રહી ? હું એમનાથી આગળ છું , એ મારાથી પાછળ છે એવું સાબિત કરવામાં સાત્ત્વિકતા ક્યાં જળવાય છે ? એ આગળ નીકળી જશે અને હું પાછળ રહી જઈશ એવો ભય વ્યક્ત કરવાથી કંઈ સાત્ત્વિકતા સિદ્ધ થતી હોય છે , બતાવો ?
૩. કોઈને સફળતા મળી છે તે જોવાનું ગમતું નથી એ છે ઈર્ષા . કોઈની પ્રશંસા થાય છે તે સાંભળવાનું ગમતું નથી એ છે ઈર્ષા . કોઈને કંઈ મળ્યું એ જોવાનું ગમતું નથી એ છે ઈર્ષા . જે બીજાનું સુખ જોઈને રાજી થઈ શકતો નથી એ સાત્ત્વિક વિચારો કેવી રીતે કરી શકશે ?
૪. તમારી સાથે બેસીને વાત કરનારો તમારી વાતો સાંભળીને ઉત્સાહનો અનુભવ કરે ત્યારે સમજવાનું કે તમે સારા માણસ છો . તમારી સાથે બેસીને વાત કરનારો , તમારી વાતો સાંભળીને ઉત્સાહભંગ અનુભવે એનાથી એ નક્કી થઈ જાય છે કે તમે સમજદાર માણસ નથી . જેની વાતો કોઈનું મનોબળ તોડી નાંખતી હોય એ માણસ સાત્ત્વિક કેવી રીતે હોઈ શકે ? સાધકની સાથે વાત કર્યા વગર સાધકને જે દૂરથી જોતો હોય છે એને સાધકમાં નિંદા , સ્પર્ધા અને ઈર્ષા દેખાતા નથી . સાધકની આસપાસનો એક પણ માણસ એવો નથી હોતો જેનો ઉત્સાહભંગ સાધકે કર્યો હોય .
સાધકને નિંદા કરવાનું નથી ગમતું . સાધકને સ્પર્ધા રાખવાનું નથી ફાવતું . સાધકનાં મનમાં ઈર્ષાની બળતરા હોતી નથી . સાધકની વાતો સાંભળીને કોઈનો ઉત્સાહ તૂટી જતો નથી . સાધકને દૂરથી જોનારો આ બધું સમજી શકે છે . એ સાધક માટે આકર્ષણ અનુભવે છે . સાધક માટેનું આકર્ષણ સાધના માટેનું આકર્ષણ બને છે . સાધકની સાધના સફળ થઈ જાય છે .
જંગલબુકનું જંગલ નાગપુર અને શિવનીની વચ્ચે છે : મોગલી લેન્ડમાં બન્યો છે વિશ્વનો સૌથી મોટો એનિમલ અંડરપાસ
સાવ નાની ઉંમરમાં પરીકથા જેવી જંગલબુકની વાર્તા સાંભળી હતી . અંગ્રેજી લેખક રૂડયાર્ડ કિપ્લિંગ આ વાર્તાના લેખક . એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો . આ લેખક ભારતમાં જન્મેલા અને છ વર્ષની ઉંમર સુધી ભારતમાં રહેલા . પછી ઇંગ્લેન્ડ ગયા . થોડો વખત ત્યાં રોકાયા અને ફરીથી ભારત આવ્યા . ૧૮૯૪માં એમણે જંગલબુક લખી અને ૧૮૯૫માં આ બુકનો બીજો ભાગ લખ્યો . એમણે ભારતમાં પ્રચલિત પંચતંત્ર , જાતકકથા આદિની વનવાર્તાઓ સાંભળેલી . આથી જંગલબુકમાં પશુઓ પંચતંત્રની જેમ બોલે છે , વાતો કરે છે અને અરસપરસનો વ્યવહાર રાખે છે . જંગલબુક છપાઈ એમાં જે ફોટા હતા તેની ફોટોગ્રાફી લેખકના પિતાએ જ કરી હતી . જંગલબુકનો નાયક મોગલી નામનો એક છોકરો છે . એને જંગલી વરુઓ ઉછેરીને મોટો કરે છે . આ ઘટના કાલ્પનિક નથી . આવી ઘટના જંગલમાં ખરેખર બની હતી . જંગલબુકમાં આ ઘટનાનો ઉપયોગ કરવામાં આવ્યો . જોકે , બાળકનું નામ કાલ્પનિક છે : મોગલી . જંગલબુકમાં વાઘ છે , વાંદરા છે , અજગર છે , હાથી છે , રીંછ છે , મોટી ભેંસો છે , પહાડી છે , નદી છે અને બીજા પણ ઘણાં જનાવરો છે .
જંગલબુક માણસ અને પશુ વચ્ચેની આત્મીયતાની કથા સંભળાવે છે . આ કથામાં જે પરિકલ્પના છે એનાથી દરેક રાષ્ટ્ર અને દરેક દેશ પ્રભાવિત છે . જંગલબુક લખાઈ એને (અત્યારે ૨૦૨૪માં ) સવાસોથી વધારે વરસ થઈ ગયાં છે . આ કથાના લેખકે બ્રિટિશ રાજમાં ભારત દેશને નજીકથી જોયો . જંગલ બુકની ઉપર ભારત દેશની અસર બહુ મોટી છે . ખાસ કરીને જંગલ બુકમાં જે જંગલની વાત થઈ છે એ જંગલ લેખકે ભારતમાં જોયું છે અને એ જંગલમાં જ જંગલબુકની આખી વાર્તા ચાલે છે એનો લેખકે સ્વીકાર કર્યો છે . જંગલબુકનું જંગલ ભારત દેશમાં આવેલું છે આ વાત જંગલબુકના વાચકોને રોમાંચિત કરી દે એવી છે . ક્યાં છે આ જંગલ ?
આ જંગલ નાગપુર અને શિવનીની વચ્ચે છે . અડધું મહારાષ્ટ્રમાં , અડધું મધ્ય પ્રદેશમાં . અત્યારે આ જંગલ પેંચ અભયારણ્ય તરીકે વિશ્વપ્રસિદ્ધ છે . ભારતમાં ૩૦૦૦થી વધારે વાઘ રહે છે . એમાંથી ૬૫ વાઘ પેંચ અભયારણ્યમાં છે . જંગલની વચ્ચેથી પેંચ નામની નદી પસાર થાય છે . આથી આ જંગલને પેંચ એવું નામ મળ્યું છે . ૧૯૬૫માં આ જંગલને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું . ૧૯૭૫માં આ જંગલને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું અને ૧૯૯૨માં આ જંગલને ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું . ભારતમાં ૧૦૪ નેશનલ પાર્ક છે , ૫૬૭ અભયારણ્ય છે અને ૫૫ ટાઇગર રિઝર્વ છે . ભારતમાં સર્વશ્રેષ્ઠ ટાઇગર રિઝર્વ છે બાંધવગઢ . તે પછી બીજા નંબરે છે પન્ના . ત્રીજા નંબરે છે પેંચ . પેંચ અભયારણ્યની છાયામાં ડનબર બ્રાંડરે ત્રણ તેમ જ રોબર્ટ આર્બિટેઝ સ્ટ્રેન્ડેલ અને જેમ્સ ફોર્સિથે એક એક પુસ્તક લખ્યાં છે . ડેવિડ એટનબરોએ બીબીસી માટે પેંચ અભયારણ્યની ડોક્યુમેન્ટરી પણ બનાવી છે . પેંચ અભયારણ્યને વિદેશીઓ મોગલી લેન્ડ કહે છે . નાગપુરથી શિવની તરફ જઈએ ત્યારે આ પેંચના જંગલની વચ્ચેથી પસાર થવું પડે . મારો વિહાર નાગપુરથી થયો એના ત્રીજા , ચોથા અને પાંચમા દિવસે પેંચ અભયારણ્યમાંથી આખો રસ્તો પસાર થયો હતો . મોગલી લેન્ડમાં ત્રણ રાત અને ચાર સવાર વીતી હતી . જ્યાર સુધી જંગલ દેખાતું રહ્યું , જંગલબુકની પરિકલ્પના મનમાં રમતી રહી .
એક આદર્શ પરિકલ્પના છે : માણસ માણસ સાથે રહે છે અને એકબીજાનો શિકાર નથી કરતા . એ રીતે માણસ અને પશુ એક સાથે રહે અને એકબીજાનો શિકાર ન કરે . એવું પણ એક વિશ્વ હોઈ શકે છે જેમાં માણસનું વાત્સલ્ય પશુને મળી રહ્યું છે અને પશુની મમતા માણસને મળી રહી છે . પરિણામે માણસ પશુને હેરાન કરતો નથી બલ્કે હેરાનગીથી બચાવે છે અને પશુ પણ માણસને હેરાન કરતાં નથી બલ્કે હેરાનગીથી બચાવે છે . આવું અરસપરસનું તાદાત્મ્ય જોવા મળે એ સંભવિત છે ખરું ? જંગલબુક કહે છે : હા , આવું તાદાત્મ્ય સંભવે છે . મોગલી જંગલના કોઈપણ પશુને હેરાન કરતો નહોતો . જંગલનું કોઈ પશુ મોગલીને હેરાન કરતું નહોતું . એક વાઘ હતો જે મોગલીને હેરાન કરવા માંગતો હતો . જંગલના કોઈ પશુઓએ વાઘને સાથ ના આપ્યો . એ વાઘ પશુઓને પણ હેરાન કરતો હતો . પશુઓની હેરાનગતિ દૂર કરવા માટે પશુઓની તરફદારી લઈને મોગલીએ એ વાઘનો અંત આણ્યો હતો . જંગલબુકની આ વાર્તા છે .
માણસ શહેરમાં અને ગામમાં રહે છે . પશુ જંગલમાં રહે છે . માણસને કપડાં જોઈએ , પૈસા જોઈએ , અનાજ જોઈએ , પ્રાઇવસી જોઈએ . પશુને ના કપડાં જોઈએ , ના પૈસા જોઈએ , ના અનાજ જોઈએ . માણસ જુદા જુદા ધર્મ પાળે છે , પશુઓને કોઈ ધર્મ નથી . સામાન્ય છાપ એવી ઊભી કરવામાં આવી છે કે પશુઓ માણસને હેરાન કરે છે . સાચી હકીકત એ છે કે માણસ પશુઓને વધારે હેરાન કરે છે . પશુઓ થકી કેટલા માણસો હેરાન થાય છે એ ગણીએ અને માણસ થકી કેટલા પશુઓ હેરાન થાય છે ? આ સવાલનો જવાબ ભારે છે . વધારે હેરાન થનાર તરીકે પશુઓનું નામ આવશે . પશુઓ માણસનો શિકાર કરતા હશે . માણસ પશુઓનો શિકાર પણ કરે છે અને વ્યવસાય પણ કરે છે . પશુઓને પૈસાની આવશ્યકતા નથી . પશુઓ પૈસાની દૃષ્ટિએ કાંઈ કામ કરતા નથી . માણસને દરેક જગ્યાએ પૈસો દેખાય છે . એ જે કરે છે એમાં પૈસા કમાવાનો દૃષ્ટિકોણ હોય જ છે . માણસ સમાચાર બનાવે છે અને ફેલાવે છે . માણસે પશુઓ માટે ચિત્રવિચિત્ર સમાચાર ફેલાવી દીધા છે એટલે પશુઓની ગણતરી હિંસક પ્રાણીમાં થાય છે . હકીકત એ છે કે પશુ કરતાં માણસ વધારે હિંસક બની ગયો છે .
જેટલી સમજણ માણસમાં છે એટલી પશુમાં નથી . આથી માણસની જવાબદારી વધે છે કે માણસ પશુને હેરાન ના કરે . માણસ પશુને હેરાન નથી કરતો એ પશુને સમજાશે તો પ્રતિભાવ એ જ આવવાનો છે કે પશુ માણસને હેરાન નહીં કરે . આ જંગલબુકની પરિકલ્પના છે . નાગપુર શિવની હાઇવે પર પેંચ અભયારણ્યના રસ્તે વન્યપશુઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે . વર્ષો પહેલાં આ રોડ પર વાઘનો આતંક ઘણો છે એવી ખબરો ફેલાયેલી રહેતી . કેમ જાણે માણસની વસ્તીમાં વાઘે પરાણે ઘુસણખોરી કરી હોય . વાઘ અને અન્ય પશુઓ આ જંગલમાં હજારો વર્ષોથી રહે છે . આ જંગલની વચ્ચેથી પસાર થનારો હાઇવે થોડા જ વર્ષો પહેલાં બન્યો છે . પશુઓના નિવાસમાં માણસે ઘુસણખોરી કરી . તે પછી માણસે જ સમાચાર એવા ફેલાવ્યા કે આ જંગલી જનાવરો માનવોના રસ્તામાં વચ્ચે આવે છે . ઓત્તારી ભલી થાય . પહેલાં માણસે જંગલી જનાવરોને બદનામ કર્યા . એ પછી માણસ જ જંગલી જનાવરોનો શિકાર કરવા માંડ્યો . હાઈવે પર બેફામ દોડનારી ગાડીઓ પણ જંગલી જનાવરોને ટક્કર મારી દેતી . પશુ બદનામ પણ થયા . પશુ હેરાન પણ થયા . પશુ ખુવાર પણ થયા . પશુઓને પોલિટિક્સ રમતા નથી આવડતું . પશુઓને રેલી કાઢતા નથી આવડતું . પશુઓને આંદોલનો કરવાનું કોઈએ શીખવ્યું નથી . પશુઓની તરફેણમાં પશુઓ બોલે એવું બનવાનું જ નહોતું . પણ માણસમાંથી કોઈએક મોગલી પાક્યો . માણસ તરફથી પશુઓને તકલીફ પડે છે એ ના પડવી જોઈએ એવું વાતાવરણ એણે ઊભું કર્યું .
પહેલા તબક્કે , જંગલમાં ઠેરઠેર પશુઓને જીવવાનો હક છે એવાં પ્રચારસૂત્રો મૂકવામાં આવ્યા . પશુઓને જે હેરાન કરશે , પ્રાણહાનિ કરશે એમને મોટી સજા થશે એવી જાહેરાતો કરવામાં આવી . નાગપુર શિવની હાઇવે ઉપર ઠેકઠેકાણે મોટા બોર્ડ મૂકવામાં આવ્યા . એમાં લખવામાં આવ્યું કે આ પશુઓનો વિસ્તાર છે , વાહન પશુઓને નુકસાન ન કરે એનું ધ્યાન રાખજો વગેરે . શિકાર થોડાક ઓછા થયા હશે , અકસ્માત્ સહેજ ઘટ્યા હશે . સમાચારો બે તરફથી આવતા : પશુઓએ માણસનો શિકાર કર્યો અને માણસે વાઘનો શિકાર કર્યો . પશુઓની સુરક્ષા વધવી જોઈએ એવું સમજાતું હતું . એમાંથી આવ્યો બીજો તબક્કો . ભારતનો અને વિશ્વનો સૌથી મોટો એનિમલ અંડરપાસ બન્યો .
સરકારે હાઈવેને ફોરલેન બનાવ્યો છે . આ હાઇવે જંગલની વચ્ચેથી પસાર થાય છે એટલે લોકો એની ખૂબસૂરતીની ચર્ચા ઘણી કરતા હોય છે . ચર્ચા એનિમલ અંડરપાસની ઓછી થાય છે . હાઇવે પર નવ લોકેશન એવાં હતાં જ્યાંથી પશુઓ હાઇવે ક્રોસ કરતાં . અહીં શિકારની અને અકસ્માતની ઘટના વિશેષ બનતી . આ દરેક જગ્યાએ પાંચ મિટર ઊંચા ઓવરબ્રિજ બન્યા . આ ઓવરબ્રિજને એકબીજાથી જોડે છે ફોરલેન હાઈવે . હાઇવે જંગલમાંથી પસાર થતો હતો એને બદલે ઓવરબ્રિજ પર જતો રહ્યો . જે જગ્યાએ પહેલા જંગલ હતું અને પછી હાઇવે બન્યો હતો એ જગ્યાએ હાઈવેનો ઉપયોગ બંધ થઈ ગયો અને ફરીથી જંગલનું એકાંત ઊભું થયું . આપણે લોકોએ શહેરમાં ઓવરબ્રિજ જોયા છે . ઉપરથી નીચે જુઓ કે નીચેથી ઉપર જુઓ , માણસ અને વાહન દેખાય . નાગપુર શિવની હાઇવે પર નવ ઓવરબ્રિજ એવા છે જેમાં ઉપરથી નીચે જુઓ તો તમને ગાઢ જંગલ દેખાય , ક્યારેક જંગલી જનાવરો પણ દેખાય અને માણસ બિલકુલ ના દેખાય . મેં ઓવરબ્રિજ પરથી શિયાળ જોયા , હરણ જોયા , જંગલી પાડા જોયા . વાઘ જોવા મળે એની રાહ જોઈ પણ વાઘ જોવા ન મળ્યો . અલબત્ત , વાઘના પગની નિશાની જોઈ . કોઈ ઓવરબ્રિજ સાતસો પચાસ મિટર લાંબો છે . કોઈ ઓવરબ્રિજ પચાસ મિટર લાંબો છે . જેવું લોકેશન , એવી લંબાઈ . નવ ઓવરબ્રિજની કુલ લંબાઈ બે હજાર બસ્સો મિટરની છે .
અંદાજિત ખર્ચ થયો ૨૬૦ કરોડ . એનિમલ અંડર પાસનો ઉપયોગ ૨૦૧૯માં શરૂ થયો . પશુઓની સુરક્ષા માટે માણસ ઓવરબ્રિજ બનાવે એ કલ્પના જ કેવી ગજબનાક છે . જ્યારે ઓવરબ્રિજ બની રહ્યા હતા ત્યારે પશુઓને તકલીફ પડી જ હશે . ઓવરબ્રિજ બની ગયા તે પછી તરત પશુઓ ઓવરબ્રિજની નીચેથી અવરજવર કરવા લાગ્યા એવું નહોતું બન્યું . પશુઓને ઓવરબ્રિજ પર ભરોસો બેસતો નહોતો . પશુઓએ રાહ જોઈ , સમય પસાર કર્યો . પછી ધીમે ધીમે પશુઓ ઓવરબ્રિજની નીચેથી અવરજવર કરવા લાગ્યા . એનિમલ અંડરપાસનો અર્થ જ આ છે : નીચેથી પશુઓ મુક્તમને અવરજવર કરી શકે . સરકારે દરેક ઓવરબ્રિજની નીચે , ડેનાઈટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવીને રાખ્યા છે . રોજેરોજ , દિવસે અને રાતે ઓવરબ્રિજની નીચેથી કેટલા પશુઓની અવરજવર થઈ છે એની ગણતરી રાખવામાં આવે છે . પહેલાં વરસે એટલે કે ૨૦૧૯માં એનિમલ અંડરપાસના રસ્તે ૫૬૭૫ પશુઓની અવરજવર જોવા મળી . આમાં ૧૩૩ તો વાઘ હતા . ૨૦૨૦માં અવરજવરની સંખ્યા ૧૬,૬૦૮ પશુઓ સુધી પહોંચી . ઓવરબ્રિજ પશુઓ માટે બન્યો હતો . હવે પશુઓ ઓવરબ્રિજની નીચેથી બેધડક અવરજવર કરવા માંડ્યા છે . અકસ્માત્ હવે નથી થતા . શિકાર હવે પહેલાંની જેમ નથી થતા . પશુઓ આક્રમણ કરે છે એવી ઘટનાઓ પણ ઓછી થઈ ગઈ છે . મોગલીભાઈ જીતી ગયા છે .
બીજી પણ એક ખાસ વ્યવસ્થા પશુઓ માટે કરવામાં આવી છે . આખાય હાઇવે પર રોડની બંને તરફ બેરિયરની ઊંચી ઊંચી દીવાલો બનાવી દેવામાં આવી છે . દીવાલોને કારણે જંગલ દેખાતા નથી . પરંતુ દીવાલોને કારણે જ જંગલમાં રહેનારા પશુઓને ગાડીના અને માણસોના અવાજ સતાવી શકતા નથી . કોઈ જનાવર ભૂલથી રોડ પર આવી જતું હોય એ સંભાવનાને આ ઊંચી દીવાલોને કારણે પૂર્ણવિરામ લાગી જાય છે .
કોઈ પશુઓ એવી ડિમાન્ડ કરી નહોતી કે અમારી માટે સુરક્ષાની વ્યવસ્થા કરો . માણસે જ પોતાની રીતે પશુઓને એમની સ્વતંત્ર જિંદગી જીવવાની વ્યવસ્થા ગોઠવી આપી . જ્યાં , જેટલે અંશે , જે જીવદયા થઈ હોય તે જોઈને રાજીપો થાય .
નેશનલ હાઇવે નંબર ૪૪ – કાશ્મીરમાં શ્રીનગરથી શરૂ થાય છે , જમ્મુ , જલંધર , દિલ્હી , આગ્રા , ગ્વાલિયર , સાગર , નાગપુર , હૈદરાબાદ , કર્નૂલ , બેંગલૂરૂ , સેલમ થઈને તમિલનાડુમાં કન્યાકુમારી પાસે પૂરો થાય છે . આની કુલ લંબાઈ ૩૭૪૫ કિ.મી. છે. આમાંથી ૫૦ કિ.મી. જેટલો રસ્તો પેંચ અભયારણ્યમાંથી પસાર થાય છે . જંગલમાં કેડી હોય , કાચો રસ્તો હોય . એના પર પગ મૂકીને ચાલ્યા જતા હોઈએ ત્યારે જંગલનો સાચો અનુભવ થતો હોય છે . કેડી અને કાચા રસ્તાનું જંગલ ડરામણું હોય છે . ગમે ત્યારે , ગમે તે જાનવર હુમલો કરી દેશે , પૂરી સંભાવના બનેલી હોય છે . જે જંગલ વાર્તામાં રળિયામણું લાગે છે એ જંગલ હકીકતમાં બિહામણું હોય છે . જંગલબુકની વાર્તામાં જે બધું બન્યું છે એ હકીકતમાં પણ બનશે એવું માનીને જંગલમાં ફરવા નીકળશો તો જીવતાં પાછા નહીં આવો . જંગલમાં રહેનારાં જનાવરો ખરેખર ખૂંખાર હોય છે . એમને ખાવાનું મળે એની માટે એ ભટકતાં હોય છે . જંગલની સાચી વાર્તા કંઈક જુદી છે અને માણસ જંગલ વિશે જે વાર્તા બનાવી લે છે એ વાર્તા કંઈક જુદી છે . વાર્તાનું જંગલ જુદું હોય છે અને જંગલની વાર્તા જુદી હોય છે . મેં વિહારમાં જે જંગલ જોયું તે હાઇવે પરથી જોયું . પહેલેથી સૂચના મળી હતી કે જ્યાં સુધી જંગલનો રસ્તો ચાલુ છે વચ્ચે ક્યાંય અટકવાનું નથી , હાઇવે છોડીને નીચે ઉતરવાનું નથી .
જંગલી જનાવર આપણને હેરાન કરી દેશે એની ભીતિ આપણને રહેતી હોય છે . આપણે જનાવરને હેરાન કરી દેશું એની ભીતિ જનાવરને પણ હોય છે . જનાવર હેરાન થતાં પણ આવ્યા છે . માણસો જનાવરોના આડેધડ શિકાર કરતા હોય છે . જંગલની વચ્ચેથી નીકળનારા મોટા મોટા હાઇવે અને રેલવે ટ્રેક સો દોઢસો વર્ષ પહેલાં તો હતા જ નહીં . એ વખતે જંગલ એકલાં જંગલ હતાં . જંગલની વચ્ચે ટ્રેઈન , ટ્રક કે મોટરના ઘોંઘાટ સંભળાતાં નહીં , એમના ધુમાડા ફેલાતા નહીં . જંગલમાં માણસની ગાડી જ આવતી નહીં તેથી માણસે ફેંકેલા કચરા જંગલમાં જમા થતા નહી . જંગલની વચ્ચેથી હાઇવે બન્યા અને રેલવે ટ્રેક બન્યા એને લીધે જનાવરોને ઘણી તકલીફ પડી છે . એમની શાંતિને ખલેલ પહોંચી છે . એમની ચોખ્ખી હવા ઝૂંટવાઈ ગઈ છે . એ પોતાની મસ્તીમાં હાઇવે પરથી કે રેલ્વે ટ્રેક પરથી નીકળે એ વખતે કદીક એમને ગાડી ટકરાઈ છે , એને લીધે એમની જિંદગીઓ છીનવાઈ ગઈ છે , જો જીવતાં બચ્યા તો એમની સ્વતંત્રતા જતી રહી છે . હાઇવે અને રેલવેને લીધે આપણને સુવિધા મળી છે એનો હરખ આપણને થાય છે . પરંતુ હાઈવે અને રેલવેને લીધે જંગલના જાનવરોને જે તકલીફો પડી છે એની આપણને કલ્પના પણ નથી .
જંગલબુકની પ્રેરણા બહુ સ્પષ્ટ છે : જનાવર માણસને હેરાન ન કરે એ માટે પણ માણસે જંગલથી દૂર રહેવું જોઈએ . માણસને કારણે જનાવર હેરાન ન થાય એ માટે પણ માણસે જંગલથી દૂર રહેવું જોઈએ . માણસે વિમાન અને હેલિકોપ્ટર ઉડાડીને પંખીઓને હેરાન કરી દીધા છે . માણસે જહાજ અને નાવડા બનાવીને જળચર જીવોને હેરાન કરી દીધા છે . માણસે ગાડીઓ અને ટ્રેન બનાવીને જંગલી જનાવરોને હેરાન કરી દીધા છે . માણસને જેમાં મનોરંજન લાગે છે એમાં જનાવરોને સજા ભોગવવી પડતી હોય છે . માનવ સમાજમાંથી જંગલને એક જ મોગલી મળ્યો છે , બીજો મોગલી હજી સુધી જન્મ્યો નથી .
પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા અહિંસક પશુઓની જીવદયા થતી રહી છે . હવે આ રીતે એનિમલ અંડરપાસ જેવા આધુનિક કન્સેપ્ટ દ્વારા જંગલમાં રહેનારા પશુઓ નિરાબાધ જીવન જીવે એવી વ્યવસ્થાઓ અનેકાનેક દેશોમાં સુનિયોજિત થઈ રહી છે . જંગલમાં રહેનારા પશુઓના શિકાર ન થાય એવા કાયદાઓ બની ચૂક્યા છે . આ વ્યવસ્થાઓ અને કાયદાઓ શાસ્ત્રશુદ્ધ અનુમોદનાનો વિષય છે કે નહીં એ જુદો પ્રશ્ન છે . હજારો પશુઓ વગર વાંકે મરી રહ્યા હતા એ હવે નથી મરી રહ્યા એ જોવા મળે છે , આમાં સીધું ઇન્વોલ્મેન્ટ સરકારનું છે એ પણ દેખાય છે . શહેરોમાં ચાલી રહેલા કતલખાનાઓ આપણે બંધ કરાવી શક્યા નથી . જંગલમાં રહેનારા જનાવરોની કતલ માણસોના દ્વારા થતી હતી એની પર અંકુશ આવ્યો છે એટલું અવશ્ય સમજાય છે .
સંસાર રાગનાં અને દ્વેષનાં કારણ આપશે : સાધકે રાગથી અને દ્વેષથી બચીને રહેવાનું છે .
કોઈ તમને માન આપશે . કોઈ તમને હેરાન કરશે . કોઈ તમારું સ્વાગત કરશે . કોઈ તમારો વિરોધ કરશે . કોઈ તમારી આરતી ઉતારશે . કોઈ તમારી પર પથ્થર ફેંકશે . કોઈ તમને સાચવશે . કોઈ તમને તરછોડશે . કોઈ તમારું સમર્થન કરશે . કોઈ તમારું ખંડન કરશે . તમારી સાથે બંને રીતનો વ્યવહાર થવાનો . જેની માટે તમે સારા છો એ તમારી સાથે સારો વ્યવહાર કરશે . જેની માટે તમે ખરાબ છો એ તમારી માટે ખરાબ વ્યવહાર કરશે . તમે સારા હશો નહીં , તો પણ તમને સારા માનવાવાળા લોકો હશે જ . તમે ખરાબ હશો નહીં , તો પણ તમને ખરાબ માનવાવાળા લોકો હશે જ . દુનિયાદારી એમ કહે છે કે જે તમને સાચવે છે , એમને તમે સાચવી લો . જે તમને સાચવતા નથી , એમની પર તમે ધ્યાન ના આપો . દુનિયાદારી એમ પણ કહે છે કે જે તમને સાચવે છે એમને ખુશ રાખો , જે તમને નથી સાચવતા એમને લાત મારી દો . દુનિયાદારીની વાત છે .
સાધના અલગ વાત કરે છે . તમારું પુણ્ય ઉદયમાં આવે ત્યારે તમારી સાથે સારું થવા લાગે છે . તમારું પાપ ઉદયમાં આવે ત્યારે તમારી સાથે ખરાબ થવા લાગે છે . તમારું સારું થયું એમાં પુણ્યની ભૂમિકા મોટી છે . તમારું ખરાબ થયું એમાં પાપની ભૂમિકા મોટી છે . તમારું સારું થયું એમાં જે જે વ્યક્તિનો હાથ છે એ વ્યક્તિ માટે રાગ થાય એનાથી બચવાનું છે . ઉપકારીના ઉપકારને ભૂલી ન શકાય પરંતુ કોઈ પણ વ્યક્તિ માટેનો રાગ આત્માને અનુકૂળ હોતો નથી . રાગ વધે એટલે સંસાર વધે . રાગ ઘટે કે તૂટે એ પછી જ સંસાર ઘટે કે તૂટે . જે તમને સાચવે છે એ તમને સારા લાગે છે . એનો અર્થ એ છે કે જે તમારું સુખ સાચવે એની માટે તમને રાગ થાય છે . જે તમને સાચવતા નથી અને જે તમને તકલીફ આપે છે એમની માટે તમને નારાજગી થાય છે . એનો અર્થ એ છે કે જે તમારાં દુઃખનું કારણ છે એની માટે તમને દ્વેષ થાય છે . તમારાં મનમાં રાગ આવ્યો એટલે આત્માને નુકસાન થયું . તમારાં મનમાં દ્વેષ આવ્યો એટલે આત્માને નુકસાન થયું .
સાધનામાં તમારે બન્નેથી બચવાનું છે . સેવા કરનારા સેવા કરશે , રાગ નથી કરવાનો . હેરાન કરનારા હેરાન કરશે , દ્વેષ નથી કરવાનો . સેવા કરનાર માટે ઔચિત્યની ભૂમિકાએ જે કરવાનું હોય તે કરવાનું જ . હેરાન કરનાર ધર્મની ગૌરવહાનિ કરતો હોય એવું લાગે ત્યારે એની સામે કડક પણ થવાય . સાવધાની એટલી જ રાખવાની છે કે મનમાં રાગ બનવો ના જોઈએ , મનમાં દ્વેષ બનવો ના જોઈએ .
જનમોજનમથી આપણને રાગ કરવાની આદત પડી ગઈ છે આથી આપણાં મનમાં જે જે રાગ ચાલે છે એ વ્યાજબી છે એવી દલીલ આપણે કરવાના જ છીએ . આવું જ દ્વેષમાં પણ થાય છે . જનમોજનમથી આપણને દ્વેષ કરવાની આદત પડી ગઈ છે આથી આપણાં મનમાં જે જે દ્વેષ ચાલે છે એનો બચાવ કે ખુલાસો આપણે કરવાના જ છીએ . આપણે કહી દઈએ કે મારાં મનમાં ખોટા રાગ નથી એટલા માત્રથી આપણે વીતરાગી બની જવાના નથી . આપણે રાગી જ રહેવાના છીએ . આપણે જવાબ આપી દઈએ કે મારાં મનમાં ખોટા દ્વેષ નથી , એનાથી એ સિદ્ધ થવાનું જ નથી કે આપણે દ્વેષમુક્ત થઈ ગયા . આપણે જાણીએ જ છીએ કે આપણે રાગમાં ડૂબેલા છીએ . આપણને યાદ જ છે કે આપણે દ્વેષની આગમાં ફસાયેલા છીએ .
રાગ બને કે વધે એવા નિમિત્ત મળે એ વખતે સાવધાની રાખવાની છે કે આ રાગ થયો તે થવો ના જોઈએ. દ્વેષ બને કે વધે એવા નિમિત્ત મળે એ વખતે પણ સાવધાની રાખવાની છે કે આ દ્વેષ થયો તે થવો ના જોઈએ . તમે ક્યાં ક્યાં રાગ કરો છો એ જોવાનું તમે શીખી લો. તમે ક્યાં ક્યાં દ્વેષ કરો છો એ જોવાનું તમે શીખી લો. રાગ કર્યો એનો પસ્તાવો બનાવો . પસ્તાવો રાગની શક્તિને કમજોર પાડે છે . દ્વેષ કર્યો એનો પસ્તાવો બનાવો . પસ્તાવો દ્વેષની શક્તિને કમજોર પાડે છે .
ભગવાન્ મહાવીરે , ભક્તિ કરનારા ઇન્દ્ર ઉપર રાગ ના કર્યો અને ડંખ મારનારા ચંડકૌશિક પર દ્વેષ ના કર્યો. સંસાર રાગનું કારણ આપશે . સાધકે રાગથી બચીને રહેવાનું છે . સંસાર દ્વેષનું કારણ આપશે . સાધકે દ્વેષથી બચીને રહેવાનું છે .
ઉપવાસ પૂરા થાય ત્યારે ઉપવાસથી છૂટકારો થયો એવું નહીં વિચારવાનું : ઉપવાસ શરૂ થાય ત્યારે આહારથી છૂટકારો થયો એવું વિચારવાનું
ખાવાના વિચારો મનમાં બહુ ન ચાલવા જોઈએ . આપણે જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે જે ભાવ્યું એ કેટલું સ્વાદિષ્ટ છે એમ વિચારીને રાજી થઈએ છીએ . જે ભાવ્યું નહીં તે કેટલું બેસ્વાદ છે એમ વિચારીને દુઃખી થઈએ છીએ . દરેક માણસના બે લિસ્ટ ક્લિયર હોય છે એક , શું ભાવે છે એનું લિસ્ટ . બે , શું નથી ભાવતું એનું લિસ્ટ . શું ખાવું છે એનું સિલેક્શન મનમાં થતું હોય છે , શું નથી ખાવું એનું સિલેક્શન પણ થઈ ચૂક્યું હોય છે . હવે વાત શરૂ થાય છે .
આપણે ઉપવાસ કર્યો અથવા આપણે લાંબા ઉપવાસ કર્યા . પરિસ્થિતિ એ છે કે આવતીકાલે પારણું છે અને રાતનો સમય છે . ગઈકાલની રાતે એ વિચાર હતો કે આવતીકાલે ઉપવાસ છે . વિચાર ઉપવાસનો હતો એટલે ખાવાના વિચાર બનવાની જગ્યા હતી નહીં . આજની રાતે આવતીકાલ માટે એક વિચાર બહુ સ્પષ્ટ છે કે આવતી કાલે ઉપવાસ નથી . ઉપવાસ નથી એનો અર્થ કે આવતીકાલે આહાર લેવાનો છે . આવતીકાલે મારે ઉપવાસ નથી , આ વિચારની પાછળ પાછળ – આવતીકાલે મારે શું ખાવું છે , કેટલું ખાવું છે , કેવી રીતે ખાવું છે એના વિચારો આવી જ જતા હોય છે .
આવતીકાલે સવારે હું જીવતો હોઈશ કે નહીં એની કોઈ ખાતરી નથી . આવતીકાલે સવારે હું ઊઠું જ નહીં એવું પણ બની શકે છે . લાંબા ઉપવાસ કર્યા પછી હું સૂતો હોઉં , મારાં મનમાં આવતીકાલે શું ખાવું છે એના વિચારો ચાલુ હોય અને મારું આયુષ્ય પૂરું થઈ જાય તો મને કંઈ ગતિમાં જન્મ મળે ? લાંબા ઉપવાસ કર્યા એ મુજબની ગતિ મળે કે ખાવાના વિચાર કરતા કરતા મર્યા એ મુજબની ગતિ મળે ? જવાબ જાતે શોધી લેજો .
ઉપવાસ કરવાનું સહેલું નથી , અઘરું છે . અઘરા અઘરા ઉપવાસ કર્યા પછી છેલ્લે છેલ્લે ખાવાના વિચારો આવી જાય એવું શું કામ થવા દઈએ ? પારણાના દિવસે શું ખાવું છે , શું લેવું છે , શું વાપરવું છે એના વિચાર , ઉપવાસના દિવસે બિલકુલ આવવા ના જોઈએ . આવતીકાલે મારે પારણું છે એ નક્કી જ ના હોય એવી પરિસ્થિતિમાં આવતીકાલે મારે શું ખાવું છે એનો વિચાર બની શકતો નથી . ઉપવાસના દિવસોમાં આહાર સંબંધી વિચાર મનમાં આવે નહીં એની માટે એક પ્રયોગ કરવામાં આવે છે : અભિગ્રહ ધારણનો પ્રયોગ .
ચોક્કસ પરિસ્થિતિ હશે તો જ પારણું થશે , અન્યથા પારણું નહીં થાય . આવો સંકલ્પ કરનારો જાણે છે કે હું આવતીકાલે પારણું કરીશ જ , એ પાક્કું નથી . પારણું કરવાનું જ પાક્કું નથી તો પછી પારણામાં શું લેવાનું છે એ પાક્કું કેવી રીતે થાય ? પારણામાં શું લેવાનું ગમશે અને શું લેવાનું નહીં ગમે એના વિચારો ઉપવાસના સમયે ચાલે ત્યારે સમજવાનું કે તપ હારી ગયો . પારણાની મમતાથી મુક્ત રહેવા માટે ભગવાને ઘોર અભિગ્રહ લીધો હતો . ચંદનબાળાના હાથે અભિગ્રહ પૂર્ણ થયો અને ભગવાને પારણું કર્યું , આપણે જાણીએ છીએ . આપણી તુચ્છ માનસિકતા અનુસાર વિચારીએ કે અભિગ્રહમાંથી તારણ શું નીકળ્યું .
પારણું કોણ કરાવવાનું છે એ નક્કી નહોતું .
પારણું કોનાં ઘરે થવાનું છે એ નક્કી ન હતું .
પારણામાં ફક્ત એક જ દ્રવ્ય લેવાનું છે એ નક્કી હતું પણ એ દ્રવ્ય મળશે કે નહીં એ નક્કી નહોતું .
પારણું સરળતાથી થશે એવી સંભાવના નહોતી .
પારણું નક્કી કરેલા સમયે થશે એવી ધારણા નહોતી .
પારણું કરાવનાર જે આપશે એ સ્વબુદ્ધિથી આપશે . પારણું કરનાર કહેશે જ નહી કે મારે આ જોઈએ છે .
પારણામાં જે નથી લેવું એવી આહારવસ્તુઓનું લિસ્ટ લાંબું હશે અને એ લિસ્ટ સાથે કોઈ બાંધછોડ નહીં થાય .
પારણાનો સમય થયો એટલે તરત પારણું કરી દીધું એવી પરિસ્થિતિ નહીં બને .
જે દિવસે પારણું કર્યું એ દિવસે પણ એકવાર એવો વિચાર મનમાં બન્યો જ છે કે મારે પારણું કરવું નથી .
આજે પારણું છે એવી સંભાવના દેખાયા પછી પણ એવી ભૂમિકા થોડા સમય માટે આવી કે આજે પારણું કરવાનું સંભવિત નથી .
પારણું પલાંઠી વાળીને નથી કર્યું .
પારણું થાળી વાટકા બિછાવીને નથી કર્યું .
પારણું કરવા માટે વાજતેગાજતે પ્રસ્થાન નથી કર્યું .
પારણામાં પધારવા માટે મહેમાનોને નોતરા મોકલાયા નથી .
પારણું થાય તે પૂર્વે પારણાનાં ઉપલક્ષ્યમાં કોઈ ડેકોરેશન કરવામાં આવ્યું નથી .
પારણું થયું એમાં પરિવારજનો ઉપસ્થિત નથી .
પાંચ મહિના અને પચીસ દિવસના ઉપવાસ પછી જે પારણું આવે એ પારણું , મકાનની અંદર નથી થતું પરંતુ મકાનના ઉંબરાની બહાર થાય છે .
જે પારણું ચંદનબાળાએ કરાવ્યું એ પારણાની સાથે આટલી બધી વાતો જોડાયેલી છે એ આપણે યાદ રાખવાનું છે . અને સૌથી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે ઉપવાસ કરનાર એક ઉપવાસ કરે કે અનેક ઉપવાસ કરે , ઉપવાસના તપસ્વીએ પારણા સંબંધી કોઈ જ વિચાર મનમાં આવવા દેવાનો નથી . તમે પૂછશો કે આજે ઉપવાસ છે અને આવતીકાલે પારણું છે તો આવતીકાલે ઉપવાસ નથી એનો વિચાર તો બનવાનો જ છે . આમાં વાંધાજનક શું છે ?
આનો જવાબ એ છે કે આપણે ખાવાના વિચારો મનમાં આવે જ નહીં એની માટે ઉપવાસ કરીએ છીએ . મન ખાવાના વિચારોમાં ખોવાયેલું રહે છે ત્યારે આત્મા ભૂલાઈ જતો હોય છે . ઉપવાસ કરીને પણ છેલ્લે આત્માનું વિસ્મરણ થઈ જાય એ કેવું કહેવાય ? આવતીકાલે મારે ઉપવાસ નથી એ વિચારને ફાઇનલ માની લેવાની જરૂર નથી . સવારે ઉઠ્યા પછી તબિયત સારી લાગશે તો એક ઉપવાસ હજી વધુ કરી લેશું . હિંમત રાખવાની . જાહેર થઈ ગયેલા કાર્યક્રમો કરતા વધારે અગત્યનું છે કે એક ઉપવાસ વધુ થઈ જાય . કાર્યક્રમને કારણે ઉપવાસ ગૌણ થાય એવું ન કરાય . ઉપવાસને કારણે કાર્યક્રમ ગૌણ થાય એવું ક્યારેક કરી શકાય .
ઉપવાસના પારણામાં આ મુજબ નિયમ લઈ શકાય છે.
૧. પારણાના દિવસે મારી સૌથી વધુ ભાવતી વસ્તુ હું નહીં લઈશ .
૨. પારણાના દિવસે પાંચથી વધારે દ્રવ્ય હું નહીં લઈશ .
૩.પારણાના દિવસે ચોક્કસ વિગઈનો ત્યાગ રહેશે.
૪. ઉપવાસ ચોવીસ કલાક લાંબા ચાલતા હતા . પારણું ચોવીશ મિનિટમાં પૂરું કરી નાંખીશ . પચીસમી મિનિટે ઉભો થઈ જઈશ .
૫. પારણું ચાલતું હશે ત્યારે આગામી સમયમાં કયો તપ કરવો છે એનો સંકલ્પ કરી દઈશ , ચોક્કસ .
ઉપવાસ પૂરા થાય ત્યારે ઉપવાસથી છૂટકારો થયો એવું નહીં વિચારવાનું . ઉપવાસ શરૂ થાય ત્યારે આહારથી છૂટકારો થયો એવું વિચારવાનું . ઉપવાસ કરીએ એમાં રાજી થવાનું . પારણું કરીએ એમાં રાજી નહીં થવાનું . પારણામાં શું ખાવું છે એના વિચારોથી મનને મુક્ત રાખવાનું . અભિગ્રહ ધારણ કરવાથી પારણાની શોભા વધે છે . ત્યાગની ભાવના ઊંચી રાખવાથી પારણાની શોભા વધે છે .
કાનમાં ખીલા ઠોકાયા એની પીડા મોટી હતી : કાનમાંથી ખીલા ખેંચાયા એની પીડા વધારે મોટી હતી : આનો બોધપાઠ શું ?
આપણને કોઈ ખરાબ શબ્દો કહી દે છે ત્યારે વસમું લાગે છે . આપણે સારું જીવન જીવતાં હોઈએ છતાં આપણું જીવન ખરાબ છે એવું કોઈ કહી દે એ કેવી રીતે સહન થાય ? આપણે વિજેતા હોઈએ અને કોઈ આપણને પરાજિત ઘોષિત કરી દે એ કેવી રીતે ચલાવી લેવાય ? આપણે ભણેલાગણેલા હોઈએ અને કોઈ આપણને અભણ જાહેર કરી દે , એ કેવું લાગે ? આપણે સાચું જ બોલ્યા હોઈએ છતાં આપણી પર આક્ષેપ આવે કે આપણે ખોટું બોલી રહ્યા છીએ , આપણે કેવી રીતે ચલાવી શકીએ ? કોઈ પણ વ્યક્તિ , કોઈ પણ રીતે એવું કંઈક બોલે , જેનાથી આપણને દુઃખ થાય એ આપણે સહન કરી શકતા નથી .
આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીએ છીએ . દુનિયાદારી વ્યવહાર આવું જ કરવાની સલાહ આપે છે . પરંતુ સાધનાનો વ્યવહાર જુદો છે . સાધના સહન કરવાનું કહે છે . સાધના , સાંભળી લેતાં શીખો એવી પ્રેરણા આપે છે . સાધના સમજાવે છે કે મન પર કોઈ વાત લેવાની જ નહીં . સાધના એમ કહે છે કે બોલનારનું મોઢું ખરાબ હોય એટલે આપણે આપણું મોઢું ખરાબ ન કરાય . ભર્તૃહરિએ બહુ સરસ વાત કરી હતી : જે લોકોના સ્ટૉકમાં અપશબ્દ છે એ લોકો અપશબ્દ ભલે બોલે . મારા સ્ટૉકમાં અપશબ્દ નથી એટલે હું તો અપશબ્દ બોલવાનો જ નથી . ददतु ददतु गालिं , गालिवंतो भवंतो , वयमपि तदभावाद् गालिदानेSसमर्था: । સાધક ગાળના જવાબમાં ગાળ નહીં બોલે . સાધક નિંદાના જવાબમાં નિંદા નહીં કરે . સાધક ક્રોધના જવાબમાં ક્રોધ નહીં બનાવે . સાધક રાજનીતિની સામે રાજનીતિ નહીં રમે . સાધક સહન કરી લેશે . સાધક નૅગેટિવિટીના જવાબમાં નૅગેટિવિટી ક્રિએટ નહીં કરે . સાધક પોતાની કોઈ પણ પ્રતિક્રિયા જાહેર કરશે નહીં .
જે ખરાબ બોલે છે , જે ખરાબ રીતે બોલે છે એને સાધક જવાબ આપતો નથી , એ પાછો જતો રહે છે . એના ગયા પછી બીજી એક કાળજી લેવાની છે . નિયમ યાદ રાખજો : ખરાબ શબ્દો સાંભળવાનું ઘણું અઘરું છે પણ સાંભળેલા ખરાબ શબ્દોને ભૂલી જવાનું ઘણું ઘણું ઘણું અઘરું છે . ભગવાન્ મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા એની પીડા મોટી હતી . ભગવાન્ મહાવીરના કાનમાંથી ખીલા ખેંચાયા એની પીડા વધારે મોટી હતી . આપણા કાન પર ટકરાયેલા ખરાબ શબ્દો આપણાં મનમાં એક અનુચિત વિચાર ઊભો કરે છે , આપણાં મનમાં ઊભો થયેલો એક વિચાર બીજા દસ વિચારોને ઊભા કરે છે . શબ્દ કાને પડે એમાં થોડી જ ક્ષણો લાગે છે . શબ્દ મનમાં ઘુમતો રહે એમાં કલાકો પણ લાગે છે , દિવસો પણ લાગે છે અને મહિનાઓ પણ લાગે છે . અંદર ટકી ગયેલો અનુચિત વિચાર લાંબા ગાળે ઘણું મોટું નુકસાન કરે છે.
કાને પડેલો ખરાબ શબ્દ બે કાળજીની અપેક્ષા રાખે છે : એક , આપણે ખરાબ શબ્દનો જવાબ આપીએ જ નહીં . બે , આપણે એ ખરાબ શબ્દને કારણે મનમાં ડામાડોળ થઈએ જ નહીં . ખરાબ શબ્દ સાંભળવાની ક્ષણે આપણે ચૂપ રહી જઈએ અને એક ક્ષણને આગથી બચાવી લઈએ છીએ . આપણે ચૂપ રહ્યા ન હોત તો મોટો ઝઘડો થાત અને આમને સામને પ્રહારો ચાલતા જ રહેત . આપણે સમજદારી જાળવી . જવાબ આપ્યો જ નહીં . કંઈ બોલ્યા જ નહીં . સમય સચવાઈ ગયો . પરંતુ મનનો સ્વભાવ વિચિત્ર છે . પ્રસન્નચંદ્ર રાજર્ષિ કશું બોલ્યા નહોતા પરંતુ એમનાં મનમાં તુફાન જાગી ગયું હતું . બોલ્યા નહીં પરંતુ વિચાર એવા કર્યા એ સાતમી નરકની સંભાવના બની ગઈ . અયોગ્ય વાત સાંભળી લીધા પછી મનમાં જે વિચારતાંડવ સર્જાય છે એને અંકુશમાં લેવાની જવાબદારી આપણી જ હોય છે .
કાનમાં ઠોકાયેલા ખીલા અંદર ટકી ગયા હતા એને કારણે , જ્યારે એ ખીલા બહાર નીકળ્યા ત્યારે વધારે પીડા થઈ હતી . કાન પર અથડાયેલા શબ્દો દિમાગમાં ઘર બનાવી લે એ પછી તે શબ્દોની પીડા વધારે શક્તિશાળી બની જતી હોય છે . સાંભળવા મળેલા શબ્દો સારા હોય તો એ દિમાગમાં લાંબા સમય સુધી ટકવા જોઈએ . સારા શબ્દોમાંથી જાગેલા સ્પંદનો સારા જ હોય છે . સારા સ્પંદનો જેટલા લાંબા ચાલે એટલા સારા . સાંભળવા મળેલા શબ્દો સારા ન હોય તો એ દિમાગમાં લાંબા સમય સુધી ટકવા ના જોઈએ . સારા ન હોય એવા શબ્દોમાંથી જાગેલા સ્પંદનો સારા હોતા નથી . સારા ન હોય એવાં સ્પંદનો દિમાગમાં લાંબા ન ચાલે એ જ સારું .
કાનને અથડાયેલા શબ્દો , સારા છે કે ખરાબ છે એ તપાસી લો . શબ્દો સારા છે એવું નક્કી થાય તે પછી એ શબ્દોમાંથી આવનારા સ્પંદનોને મનમાં વિસ્તરવા દો . સારા શબ્દોનું સન્માન આવી રીતે જ થાય . શબ્દો ખરાબ છે એવું નક્કી થાય તે પછી સંકલ્પ કરો કે આ શબ્દોમાંથી આવનારા સ્પંદનોને મનમાં લાંબો સમય ટકવા દેવા નથી . સારા કે ખરાબ શબ્દોને સાંભળવાનું સહેલું છે . સાંભળવામાં થોડો જ સમય લાગે છે . સારા કે ખરાબ શબ્દોને ભૂલવાનું સહજ નથી . ભૂલવામાં ઘણો સમય લાગે છે . વિચારનું જે સ્પંદન ભૂંસાતું નથી એ સારું હોય તો એના દ્વારા મળનારા સુખ , સાંત્વના અને સમાધાન લાંબા ચાલે છે . વિચારનું જે સ્પંદન ભૂંસાતું નથી એ સારું ન હોય તો એના દ્વારા મળનારા દુઃખ , દ્વંદ્વ અને દુવિધા લાંબાં ચાલે છે .
ત્રણ ઘટના યાદ રાખો : કાનમાં ખીલા ઠોકાયા , કાનમાંથી ખીલા ખેંચાયા અને ઔષધિ દ્વારા કાનના જખમ રૂઝાયા . ખીલા ઠોકાયા એનો બોધપાઠ એ છે કે આપણને કોઈ ખરાબ શબ્દો કહે એનો ઉગ્ર પ્રતિભાવ નહીં આપવાનો . ખીલા ખેંચાયા એનો બોધપાઠ એ છે કે મનમાં જે દુષ્ટ વિચાર લાંબો સમય ટકી ગયો હશે એ ઘણી ઊંડી પીડા આપશે . ઔષધિ દ્વારા જખમ રૂઝાયા એનો અર્થ એ છે કે જે પવિત્ર વિચાર લાંબો સમય ટકી ગયો હશે એ ઘણી ઊંચી ઉર્જા આપશે .
સાધનાની શીખામણ આ છે : કાનના દરવાજેથી અંદર શું આવ્યું એની પર નજર રાખો . તરત પ્રતિભાવ ન આપો . ચૂપચાપ થોડો સમય વિતાવો . જે અંદર આવ્યું એને કારણે ભીતરમાં કેવા ભાવો જાગ્યા એ તપાસો . જાગેલા ભાવો સારા ન હોય તો એ ભાવો લાંબા ટકવા નહીં જોઈએ . જાગેલા ભાવો સારા હોય તો એ ભાવો લાંબા ટકવા જોઈએ .
એકદમ સર્વ સાધારણ બની ગયેલું સત્ય . કોઈ સાંભળવાનું છે એટલા માટે જ આપણે બોલીએ છીએ . આપણે બોલીએ તેનો કોઈ શ્રોતા જ ન હોય એવી પરિસ્થિતિની આપણે કલ્પના કરી નથી . આપણે નાનપણથી બોલતા આવ્યા છીએ , આપણે બોલ્યા અને કોઈએ સાંભળ્યું એવું દૃશ્ય જોતાં આવ્યા છીએ . આપણે બોલીએ છીએ તેનાં મુખ્ય કારણ બે છે : આપણને બોલતા આવડે છે માટે આપણે બોલીએ છીએ . કોઈ સાંભળવાનું છે એની આપણને ખબર છે એટલા માટે આપણે બોલીએ છીએ .
આપણને બોલતા જ આવડતું ન હોય અને આપણને સાંભળવાવાળું કોઈ હોય જ નહીં , આ બંને પરિસ્થિતિ ભેગી થાય ત્યારે બોલવાની પ્રક્રિયા શૂન્ય બની જાય છે . બોલવાનું જ ન હોય અને સાંભળવાવાળા કોઈ હોય જ નહીં . ઈશારો કરવાનો જ ન હોય અને ઈશારાને સમજવા કોઈ હાજર જ ન હોય . લખવાનું જ ન હોય અને વાંચવા માટે કોઈ ઉપલબ્ધ ના હોય . આદાનપ્રદાન બોલવા દ્વારા નથી , આદાનપ્રદાન ઈશારો કરવા દ્વારા નથી , આદાનપ્રદાન લખવા વાંચવા દ્વારા નથી . આવી પરિસ્થિતિમાં આદાનપ્રદાન છે જ નહીં એ નક્કી થઈ જાય છે .
જે કામ કરવાનું ન હોય એ કામની તૈયારી કરવાની હોતી નથી . બોલવાનું નથી એનો અર્થ એ છે કે બોલવાની તૈયારી કરવાની નથી . તમે જ્યારે નિર્ણય લો છો કે અમુક કામ નથી કરવું ત્યારે જ એ નિર્ણય થઈ જાય છે કે આ કામ માટેની તૈયારી પણ નથી જ કરવાની . જે કામ કરવાનું નથી એ કામની તૈયારી કરતા રહીએ એને મૂર્ખતા કહેવાય . મૌનમાં આપણે બોલવાનું છોડી દઈએ છીએ . મૌનમાં આપણો નિર્ણય હોય છે કે બોલવું નથી . બોલવાનું જ ન હોય તો બોલવાની તૈયારી પણ ન જ હોય . આપણે કંઈક બોલીશું એમ સમજીને આપણે કંઈક વિચારીએ છીએ . આપણે વિચારીએ છીએ ત્યારે આપણાં દિમાગમાં કલ્પના હોય છે કે આપણે આ બધું બોલી શકશું . એકવાર પાકું થઈ ગયું કે બોલવાનું છે જ નહીં . એટલે પછી શું બોલવાનું છે એ મુદ્દો ખતમ થઈ જાય છે .
મૌનનો પહેલો અર્થ છે : બોલવું નહીં . મૌનનો બીજો સમાંતર અર્થ છે : બીજાને ઉદ્દેશીને વિચારવાનું નહીં . બીજાને ઉદ્દેશીને વિચારવાનું બંધ થાય તે પછી સ્વને ઉદ્દેશીને વિચારવાનું શરૂ થાય છે . બોલવા બોલવાના ચક્કરમાં આપણે કોને શું કહેવું છે એ વિચારીએ છીએ , કોને શું કેવી રીતે કહેવું છે એ વિચારીએ છીએ . કોને શું ગમશે એ વિચારીએ છીએ , કોને શું નહીં ગમે એ વિચારીએ છીએ . કોણ માનશે એ વિચારીએ છીએ , કોણ નહીં માનશે એ વિચારીએ છીએ . કોઈ સાંભળવાનું છે એ પાકું છે માટે કોને શું કહેવાનું છે એ વિચારતા રહીએ છીએ .
કોઈને સંભળાતું નથી , કોઈને સમજાતું નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . કોઈને ઈશારો સમજાતો નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . કોઈને કંઈ વાંચવાનું ફાવતું જ નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . તમે કહેશો તો કોને કહેશો ? તમે સમજાવશો તો કોને સમજાવશો ? તમે ઈશારો કરશો તો કોને કરશો ? તમે લખશો તો કોને ઉદ્દેશીને લખશો ? એ બધું કોઈને પહોંચવાનું જ નથી . આ કલ્પના સ્પષ્ટ કરી લો . ક્યાંય કોઈ સાંભળવાવાળું છે જ નહીં એટલે કાંઈ પણ બોલવાનો કોઈ અર્થ નથી .
હવે બીજી કલ્પના : બોલવાનું છે નહીં એટલે બોલવાના મુદ્દા બનાવવા માટે વિચારવાનું પણ નથી . બોલવાનું નથી એની ખબર છે એટલે એ દિશામાં વિચારવાનું જ બંધ છે . કોઈને મળવું જ નથી એટલે કોઈના વિચાર બંધ છે . કોઈને કંઈ કહેવું જ નથી એટલે શું કહેવું છે એના વિચારો બંધ છે . સારાંશ એ છે કે વ્યર્થનું વિચારવાની ભાગદોડ ઓછી થાય એ મૌનનો પ્રભાવ છે .
જે નિરર્થક વિચારો કરે છે એને સારા અને નક્કર વિચારો કરવાનું સૂઝતું નથી . લાંબા સમયનું મૌન રાખ્યું તેને લીધે નિરર્થક વિચારો અટકી ગયા . નિરર્થક વિચારો અટક્યા તે કારણે અંદરથી શક્તિશાળી વિચારો જાગવા લાગ્યા . ઘણાખરા નક્કર વિચારો મૌન રાખ્યા પછી જ પ્રગટે છે . અમુક વિચારો સુધી પહોંચવા માટે લાંબા સમય સુધી મૌનમાં ડૂબવું જ પડે છે . પ્રથમ ચરણ : બોલવાનું અટકે છે . બીજું ચરણ : નિરર્થક વિચારો અટકે છે . ત્રીજું ચરણ : ઉર્જાવંત વિચારો જાગવા લાગે છે . તમે માનતા હશો કે બોલવાનું બંધ કર્યું એ મૌન છે . હકીકત એ છે કે નબળા વિચારો ઓછા થઈ ગયા અને ઉજ્જ્વળ વિચારો વધી ગયા એ મૌન છે . તમે સળંગ સાત આઠ દિવસ સુધી મૌન રહીને જુઓ . બોલવાનું પણ નહીં . ઈશારા પણ નહીં . લખવાનું પણ નહીં . આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી તમારી અંદરથી અનેરાં આંદોલનો જાગશે . મૌન સાધ્ય છે . મૌન સાધન છે . આપણે બોલતાં જ રહીશું , બોલતાં જ રહીશું એને કારણે અંદરનાં આંદોલનો દબાયેલા રહેશે . આપણે બોલવાનું છોડી દઈશું તે પછી અંદરના આંદોલનનો જાગી ઉઠશે .
