અમદાવાદથી સુરતનો વિહાર કરનારા ગુરુભગવંતોને ભરૂચ પાસે નર્મદા મળે છે . ઊંચા પુલ પરથી નર્મદા જોતી વખતે ધવલ શેઠના પાંચસો જહાજ યાદ આવે જ આવે . શ્રીપાલ રાજાનો રાસ વાંચીએ છીએ એમાં લખ્યું છે કે ધવલ શેઠ કૌશાંબીથી જળમાર્ગે ભરૂચ આવેલા . કૌશાંબી પાસે યમુના નદી છે . યમુના નદીની નર્મદા સાથે કોઇ કનેક્ટિવિટી નથી . ધવલ શેઠના પાંચસો જહાજ યમુનામાર્ગે નીકળ્યા હોય તો એમનો જળમાર્ગ કયો હશે ? કેવળ ભૂમાર્ગ તરીકે વિચારીએ તો કૌશાંબીથી સતના , સતનાથી કટની , કટનીથી જબલપુર આવે અને જબલપુરથી ભરૂચનો રસ્તો નીકળે . આ રૂટ પર હાઈવે છે , રેલવે છે , જળમાર્ગ નથી . ધવલ શેઠે પ્રયાગની ગંગાનાં માધ્યમે લાંબો સમુદ્રી માર્ગ લીધો હશે . શ્રીપાલ રાજાનો રાસમાં દરિયાની અને કોંકણની વાત આવે જ છે .
આપણી વાત નર્મદાની છે . ધવલ શેઠના જહાજો પર સાત માળની વસાહત હતી તો એ જહાજ કેટલા મોટા હશે ? આવા પાંચસો જહાજ જે નદીમાં લાંગરેલા હોય એ નદી કેવી વિરાટ હશે ? એ નદી એટલે નર્મદા . કહેવતમાં ભરૂચના પાડા હાંફે છે એ નર્મદાના ઊભા ઢાળને લીધે . ઊભા ઢાળ બન્યા છે ઊંડાણને લીધે . ભરૂચના ઊંચા પુલ પરથી નર્મદાને કેટલીય જોઈ છે . એવું જ દૃશ્ય જબલપુર પાસે બને છે . તિલવારા ઘાટ પાસે ઊંચો પુલ છે . દૂર સુધી નર્મદાની ધારા દેખાય છે . આટલું પાણી આવે છે ક્યાંથી , કેવી રીતે ? સમજાય નહીં . કુદરતે પાણીની વ્યવસ્થા અખંડ રાખી છે એટલે માણસનું જીવન સમુંસૂતરું ચાલે છે . પાણી મળવાનું ઓછું થઈ જાય કે બંધ જઈ જાય તો માણસને ભોં ભારે પડી જાય . પણ માણસને પાણીની કિંમત નથી . માણસ પાણીને વારંવાર વેડફે છે , ઘણુંઘણું ગંદું કરે છે . પાણીને આદર આપવાનું માણસ ક્યારે શીખશે , ખબર નથી . પાણીથી રસોઈ બને , પાણીથી તરસ છીપે , પાણીથી કપડાવાસણ ધોવાય , પાણીથી મકાનોના ચૂનાસિમેન્ટમાં પકડ આવે . છતાં પાણી સાથેનો વહેવાર આદરપૂર્ણ ઓછો હોય છે . જૈનશાસને પાણીને અપ્ કાય તરીકે જોતાં શીખવ્યું છે . અપ્ કાયની વિરાધના ઓછામાં ઓછી કરો એમ જૈનશાસન કહે છે . જ્યારે જ્યારે નદી દેખાય છે ત્યારે ત્યારે અપ્ કાયની વિરાધના ટાળવાનો ઉપદેશ યાદ આવે છે . આ ઉપદેશ જે સમજી લેશે એ આપોઆપ પાણીનો વેડફાટ ઓછો કરી દેશે .
નર્મદા તીર્થનદી છે . ભરુચ તીર્થ નર્મદાના કિનારે છે , ઝઘડિયાજી પણ . અંજનશલાકા સંબંધિત અભિષેક વિધાનમાં ક્યાંક નર્મદાનું નામ આવે છે . નર્મદા નીકળે છે અમરકંટકના જંગલી પહાડથી . અરબી સમુદ્રમાં વિલીન થાય છે ભરૂચ પાસે ખંભાતના અખાતમાં . ગુપ્ત, શક, હર્ષ, પુલકેશી, રાષ્ટ્રકૂટ, ચૌલ અને પરમાર વંશનાં સામ્રાજ્યોએ આશ્રય તરીકે નર્મદા કિનારો સ્વીકાર્યો હતો . નર્મદાની લંબાઈ ૧૩૧૦ કિ.મી. જેટલી છે . આટલી લાંબી નદીના કિનારે ૨૩૮ વૈદિક તીર્થો વસેલા છે . હિમાલયપ્રસૂતા ગંગા પૂર્વવાહિની છે . અમરકંટકપ્રસૂતા નર્મદા પશ્ચિમવાહિની છે . અમૃતલાલ વેગડ , ધ્રુવ ભટ્ટ અને અશ્વિની ભટ્ટના વાચકો નર્મદા , ભેડાઘાટ અને ધુવાધાર વિશે ન જાણતા હોય એવું બને જ નહીં . કહેવાય છે કે ભેડાઘાટના માર્બલ રોક્સ ૧૦ કરોડ વરસ કે ૧૫ કરોડ વરસ જૂના છે . વિચારો કે નર્મદાએ આવા અડીખમ માર્બલ રોક્સને આરપાર ભેદીને ત્રણ કિલોમીટર લાંબો અને એકસો ફૂટ ઊંડો રૂટ બનાવ્યો છે . શું નર્મદાનું જોશ ? આવી શક્તિશાળી નર્મદાનો જબલપુર ઈલાકો એક્ચ્યુઅલી તો આર્કિયોલોજિકલ સાઈટ છે . કિલોમીટરના કિલોમીટર સુધીનો એરિયા એવો છે જ્યાં જમીનમાંથી પૌરાણિક અવશેષો નીકળતા જ રહે છે . અરે , આ જમીનમાંથી ડાયનાસોરના ઈંડાના અવશેષ પણ મળેલા છે . જૂના સિક્કાઓ , વાસણો , હથિયારો પણ નીકળે અને મૂર્તિઓ પણ નીકળે . આપણી જૈન મૂર્તિઓ પણ આ ભૂમિમાંથી પ્રગટ થઈ છે . કોઈ દિગંબર મંદિરમાં બિરાજમાન છે , કોઈ મ્યુઝિયમમાં છે . આ ભૂમિમાં કેટલી પ્રાચીન મૂર્તિઓ હશે આ પ્રશ્ન અધૂરો છે . આ ભૂમિમાં કેટલાં પ્રાચીન જિનાલયો હશે આ પ્રશ્ન વાસ્તવિક છે . જબલપુરના રાણી દુર્ગાવતી મ્યુઝિયમમાં છ હજારથી વધારે પ્રાચીન અવશેષો સંગૃહીત છે . ત્યાં એક Jain Gallary છે એમાં પાસઠથી વધારે પૌરાણિક મૂર્તિ આદિ જૈન અવશેષો સંગૃહીત છે . જે આ ભૂમિમાંથી મળી આવ્યા છે . અવશેષોની આ નર્મદાભૂમિને ત્રિપુરા પણ કહે છે .
૨. જબાલિપુરમ્
વાલ્મીકી રામાયણમાં અયોધ્યાના આઠ મંત્રીનો ઉલ્લેખ છે . વનવાસે નીકળી ગયેલા રામને પાછા બોલાવવા માટે જે સ્વજનો અને શિષ્ટપુરુષો રામ સમક્ષ ઉપસ્થિત થયા હતા એમાં અયોધ્યાના એક મંત્રી પણ હતા . નામ જાબાલિ . ( મંત્રીની માતાનું નામ હતું જ્વાલા , જબાલા . જબાલાનો દીકરો જાબાલિ . ) મંત્રી જાબાલિએ રામ સાથે લાંબો વાર્તાલાપ કર્યો હતો . વાલ્મિકીજી લખે છે કે એવું તો ન બન્યું કે મંત્રી જાબાલિની વાતમાં આવીને , રામ વન છોડીને અયોધ્યા પાછા આવી ગયા પરંતુ એવું જરૂર બન્યું કે રામની વાતમાં આવીને જાબાલિ મંત્રીએ અયોધ્યા છોડીને વનમાં રહેવાનો નિર્ણય કરી લીધો . ટૂંક સમયમાં જાબાલિ મંત્રી , વનવાસી જાબાલિ ઋષિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા . જે વનવિસ્તારમાં એમનું ઋષિજીવન વીત્યું એ વનવિસ્તાર સાથે જાબાલિનું નામ જોડાઈ ગયું . હવે એ વિસ્તારમાં એક શહેર વસ્યું . એ શહેરનું નામ , જાબાલિ ઋષિની યાદમાં જાબાલિપુરમ્ રાખવામાં આવ્યું . એક નામ જાબાલિપત્તનમ્ પણ રહ્યું . એ જાબાલિપુરમ્ એટલે આજનું જબલપુર .
અત્યારે જબલપુર મધ્યપ્રદેશમાં ગણાય છે . મહાભારત કાળમાં જબલપુર વિદર્ભ અંતર્ગત હતું . ગુપ્તવંશીય રાજા અશોકનું નામ જબલપુર સાથે જોડાયેલું છે . આઠમી શતાબ્દીમાં કલચૂરી વંશીય રાજાઓએ જબલપુરને ત્રિપુરી નગરી નામ આપ્યું . બારમી શતાબ્દીમાં ગોંડ વંશના રાજાઓના સમયમાં ત્રિપુરી નગરીને ફરીથી જબલપુર નામ મળ્યું .
૩. વિહાર સેવા
વિહારમાં સાથે ચાલનારા યુવાનોને વિહાર સેવક કહે છે . એ વિહાર દરમિયાન સાથે ને સાથે જ રહે તેને વિહાર સેવા કહે છે . જબલપુરના પ્રેમાળ યુવાનોની વિહાર સેવા યાદગાર રહી . છપારાથી આગળ જબલપુર ૧૧૧ કિ.મી. દૂર છે . જબલપુરથી આગળ કટની ૯૫ કિ.મી. થાય . આશરે બસ્સો કિલોમીટરનો આ માર્ગ જબલપુરના વિહાર સેવકો સાચવે છે . રહેવાનું સ્થાન નક્કી કરી આપે . સ્થાનના માલિક સાથે વાર્તાલાપ કરી રાખે , સેવા સંબંધી સૂચના આપે . સવાર , બપોર અને સાંજની ગોચરી સાચવે . સવારે વિહારના સમયે ટીમ આવી જાય . સાથે ને સાથે રહે . વિહારમાં આગળપાછળ ગાડીઓ દોડતી દેખાય . મુકામે પહોંચીએ , ગોચરીની વ્યવસ્થા થઈ જાય , નિવાસ અનુકૂળ રહેશે એવી પ્રતીતિ થાય એ પછી જ પાછા જાય . ગુજરાતમાં જે રીતે ઠેર ઠેર વિહારધામ અને રસોડા બનેલાં છે એ રીતે મધ્યપ્રદેશમાં કશું નથી . રહેવાની જગ્યાઓ , ગોચરી વગેરે વ્યવસ્થાઓ ચોક્કસ રીતે ગોઠવવાની રહે છે . વિહારયાત્રામાં યુવાનો સાથે હોય છે એથી ખબર જ નથી પડતી કે મધ્યપ્રદેશમાં વિહાર કઠણ છે .
૪. ચારસો વરસ પ્રાચીન શીતલનાથ દાદા
જબલપુરમાં હું સરાફા બજારમાં રોકાયો હતો . અહીં જિનાલયમાં શ્રી શીતલનાથ ભગવાન્ બિરાજે છે , જે ચારસો વરસ પ્રાચીન છે . તમે પૂછશો , ચારસો વરસ પ્રાચીન કેવી રીતે ? એનો જવાબ પ્રતિમા પર અંકિત લેખ દ્વારા મળે છે . એમાં પ્રતિષ્ઠાવર્ષ તરીકે વિક્રમ સંવત્ ૧૬૭૧નો ઉલ્લેખ છે .
હવે , તમે પૂછશો કે આટલા પ્રાચીન ભગવાન્ અહીં કેવી રીતે પધાર્યા . આનો જવાબ જબરો છે . બસ્સો વરસ પહેલાં આ ભગવાન્ પાકિસ્તાનના મુલતાન શહેરથી જબલપુર પધાર્યા હતા . જબલપુરમાં પ્રભુ વરસોસુધી ઘરદેરાસરમાં બિરાજમાન રહ્યા . થોડા વરસ પહેલાં ઘરદેરાસરનો જીર્ણોદ્ધાર થયો અને આ મોટું જિનાલય બન્યું . જબલપુરમાં પાંચ જિનાલય છે .
જબલપુરથી કટનીના રસ્તે વિહાર થયો . આ રૂટ ગ્રીન માર્બલની ફેક્ટરી અને ખાણ આવે છે , એક પછી એક . મોટેભાગે માર્બલ ફેક્ટરીમાં જ રહેવાનું મળે . કટનીમાં એક જિનાલય છે . શ્વેતાંબર જૈન ઘર ઓછા છે પણ ગોચરીપાણી અને ભક્તિ ઉત્તમ . જબલપુરથી વિહાર થયો ત્યારે મનમાં વિચાર રમ્યા કરતો હતો : મેં મુલતાન કે પાકિસ્તાન જોયું નથી . ઠીક છે . ન જોયાનો અફસોસ પણ નથી . પરંતુ મેં મુલતાનના ભગવાનને ચોક્કસ જોયા છે , જબલપુરમાં .